શ્રી દીલિપ દવે દોરેલુ તેમનું ઠઠ્ઠાચિત્ર તેમને સર્વાંગ સ્વરૂપે કહે છે આ ગતિશીલ કવિ અને ગતિશીલ એકાંકીકાર છે.તેઓ સતત લખતા-વિકસતા-વિચારતા-શોધતા અને પામતા કવિ હતા. એમની કવિતા વિધ વિધ રૂપે મહોરી છે. છાંદસ, અછાંદસ,ગીત, ગઝલ,કવિતા,પરંપરાગત આખ્યાન્,ખંડકાવ્ય અને નાટ્ય કાવ્યોમાં તેઓ ખુબ ખીલ્યા છે અને હજી પણ તેમની શબ્દનશ્વર દેહની ગેર હાજરીમાં પણ ખીલે છે.
ડો.ચિનુ મોદી જ્યારે રે મઠમાં એબ્સર્ડ નાટકો કરતા હતા તે સમયથી તેમનો શિષ્ય અને મારો મિત્ર નરેન્દ્ર બજાજને લઈ તેમને ઘરે જ્યારે ચરણ વંદના કરી ત્યારે ઉમળકાથી તેઓ ભેટી પડ્યા…અમેરિકન વિદ્યાર્થી ભારતિય પ્રણાલી ભુલ્યો નથી કહી વહાલથી તેમના કાર્યકારી ટેબલ પાસે લઈ ગયા. હું કેમેરાથી તેમની ઉર્મિ ભરેલી નાટ્ય દુનિયાનાં સંભારણા સાંભળતો અને તેમને કચકડામાં કેદ કરતો રહ્યો..
કવિ શ્રી રમેશ પારેખે તેમના વિશે એક કાવ્યમાં લખ્યુ હતું કે
શ્વેતકેતુ મસ્તક્માં બંડનાં વાયુઓ ભમે
વળી એમાં ગઝલનાં સિક્કાઓનું કારખાનુ ધમધમે..
એજ કવિતાનાં અંત ભાગમાં લખે છે
સાહિત્યનાં સર્વ તીર્થ પગપાળા ઘૂમે
કવિતાયે એ મદ્ય જેમ પીયે અને ઝૂમે
બાંધી શકે નહીં એને કોઇ પણ જેલ
નાટક તો જાણે ડાબા હાથ તણો ખેલ
ચશ્માંમાંથી પ્રેમભરી આંખે જુએ જેને
નખશિખ પોતીકો બનાવી દીએ એને
સંવેદનશીલ કવિ રાવજી પટેલ ડો ચિનુ મોદી માટે લખે છે
ધસમસ આવતી રાતને તેં રોકી લયથી રૂપાળ!
કવિ, શહેરની નિરોઝ્-ક્વોલિ-હેવમોર
તારાં નેત્રપાતાળથી કવિતા બનીને ફૂટે!
કામરૂપ દેશ ફરી અલપઝલપ સામ્પ્રસમય હલાવી નાખે.
નગરનાં સ્તનશિલ્પ ખળખળ વહી જતાં
નાગનાં લીસોટા જેવા ઝેર ચૂસે
રીક્ષાઓનાં વ્હીલ જેવો ઘુમક્કડ
સડકો વીંટીને તારો ભૂતકાળ દોડી જતો જોઇ
સ્લીપીંગ ટેબ્સ પર કબર ખોદીને સૂતો તોય
તુ તો કવિતાનું વૃક્ષ થઇને ફાલ્યો
ઘણા ભૂતકાળનાં સંસ્મરણો બાદ મેં પુછ્યું ભગવાન આવીને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો તો તેમનો જવાબ હતો બીજો ભવ પણ હુંતો ચિનુ મોદી જ બનીશ અને જેમ જીવ્યો છું તેમ જ જીવવા માંગીશ…બહુ દિલેરી થી જીવું છું. અને ગમતુ બધું જ ..ઉઘાડે છોગ કર્યુ છે.કવિ અને સાચો તખ્તાનો કલાકાર જ આટલી ખુમારી થી બોલી શકે.તેમની સર્જન સમૃધ્ધી દર્શાવે છે કે તેમણે સાહિત્યનાં ઘણા ક્ષેત્રોને ખેડ્યાં અને ઉચ્ચતમ સાહિત્ય ગુજરાતી ભાષામાં રચ્યું
કાવ્ય સંગ્રહ્ | કાળો અંગ્રેજ ૧૯૯૨ | હુકમ માલીક ૧૯૮૪ |
વાતાયન ૧૯૬૩ | માણસ હોવાની મને ચીડ ૧૯૯૬ | રાજા મીડાસ ૧૯૯૨ |
ઉરના નાભ ૧૯૭૪ | પીછો ૨૦૦૪ | વિવેચન્ |
ક્ષણો ના મહેલમાં ૧૯૭૨ | લીસોટો ૨૦૦૦ | બે દાયકા -ચાર કવિ ૧૯૭૪ |
દર્પણની ગલીમાં ૧૯૭૫ | દહેશત ૨૦૦૪ | ગુજરાતીમાં ખંડકાવ્યોઃઉભાવ અને વિકાસ ૧૯૬૮ |
દેશવટો ૧૯૭૮ | ચુકાદો ૨૦૦૪ | કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૭૯ |
શાપિત વનમાન ૧૯૭૬ | પડછાયાના માણસ ૨૦૦૮ | મધ્યકાલીન ગુજરાતી કવિતાનુંપુનઃમુલ્યાંકન ૨૦૦૮ |
ઇર્શાદ ગઢ ૧૯૭૯ | નિદ્રાચાર ૨૦૦૮ | અનુવાદ |
બાહુક ૧૯૮૨ | ટુંકી વાર્તા | વસંતવિલાસ ફાગુ ૧૯૫૭ |
અફવા ૧૯૯૧ | ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી ૧૯૯૦ | સંકલન |
ઇનાયત ૧૯૯૫ | છળનાગ ૧૯૯૭ | શ્રેષ્ઠ ગુજરાતી ખંડ કાવ્યો ૧૯૯૧ |
વિ-નાયક ૧૯૯૬ | નાટ્કો સંપુર્ણ | કલશોર ભરેલુ વૃક્ષ ૧૯૯૫ |
ઇ ૧૯૯૯ | જાલકા ૧૯૮૫ | ગમી તે ગઝલ ૧૯૭૬ |
સઈયર ૨૦૦૦ | અશ્વમેધ ૧૯૮૬ | ગુજરાતી પ્રતિનિધિ ગઝલો ૧૯૯૬ |
નકશાં નગર્ ૨૦૦૧ | ખલિફાનો વેશ યાને ઔરંગઝેબ ૧૯૯૩ | |
શ્વેત સમુદ્રો ૨૦૦૧ | નૈષધ રાય ૧૯૯૬ | |
કલાખ્યાન ૨૦૦૨ | નવલશા હીરજી ૧૯૯૫ | |
નવલકથા | શુક દાન ૨૦૦૦ | |
શૈલા મજમુદાર ૧૯૬૭ | મેમરિ લેન ૨૦૦૮ | |
ભાવ -અભાવ ૧૯૬૯ | મત્સ્યવેધ ૨૦૦૬ | |
લીલા નાગ ૧૯૭૧ | ઢોલિડો ૨૦૦૮ | |
ભાવચક્ર ૧૯૭૫ | બુધ્ધીધન ૨૦૦૮ | |
ગાંધારીની આંખે પાટા ૧૯૭૯ | એકાંકી | |
પહેલા વરસાદનો છાંટો ૧૯૮૭ | દયાલનાન પંખી ૧૯૬૭ | |
હેંગ ઓવર ૧૯૮૬ | કોલ બેલ ૧૯૭૩ |
તેમની સિધ્ધિઓ તો અપાર છે જે નીચે દર્શાવેલી છે તેમના બહુમાનો અને ચંદ્રકોથી ભરેલો તેમનો બેઠક ખંડ અત્રે મેં ચિત્ર રુપે જીવંત કરેલો છે.
કાર્ય–સન્માન અને નોંધનીય સિધ્ધિઓ
- જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯
- મેટ્રીક ૧૯૫૪
- બીએ ૧૯૫૮ એલએલબી ૧૯૬૦ અને એમ એ ૧૯૬૧ ગુજરાત યુનીવર્સીટીમાંથી
- વિદ્યાવાચસ્પતિ (ડોક્ટર) ૧૯૬૯ ગુજરાત વિદ્યાપીઠમાંથી
- અધ્યયન અને અધ્યાપન ૧૯૬૧થી ૧૯૯૬ સુધી
- ડીપાર્ટ્મેંટ ઓફ કલ્ચર દિલ્હી તરફ્થી ક્રીએટીવ લેખક ફેલોશીપ.૧૯૭૮
- ચેરમેન્, કૃતિ ફીલ્મ કો ઓપરેટીવ સોસાયટી અમદાવાદ ૧૯૭૯
- રેડીયો અને ટેલીવીઝન એડવર્ટાઈઝીંગ નો રાપા એવૉર્ડ (ત્રણ વખત્) ૧૯૮૪
- ગુજરાતી સાહિત્ય પરિષદ સન્માન કાવ્ય બાહુક માટે ૧૯૮૮
- ગુજરાતી સાહિત્ય અકાદમીનાં મનનીય સભ્ય ૧૯૮૭-૯૧
- જર્નાલીઝમ અને કોમ્યુનીકેશન વિભાગ એમ એસ યુનીવર્સીટી વડોદરા ના કાર્યકારી સંવાહક અને ડીન ૧૯૯૨-૯૪
- ગુજરાત રાજ્યનાં મનોરંજન ક્ષેત્રે સ્ક્રુટીનીટી બોર્ડના સભ્ય ૧૯૯૬
- સંગીત નાટ્ય અકાદમીમાં ડ્રામા સીલેક્શન કમીટીનાં નિષ્ણાત તરીકે ૧૯૯૬
- ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ફેલોશીપ ૧૯૯૭
- સંગીત નાટ્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર ૧૯૯૯
- ટ્રાન્સ મીડીયા એવૉર્ડ ૨૦૦૪
- મેનેજીંગ ડીરેક્ટર ભાષાંતર ભવન ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ૨૦૦૪
- અત્યંત સન્માનનીય એવોર્ડ નરસિંહ મહેતા પુરસ્કાર ૨૦૦૮.
નિયમીત “શની” સભા ભરતા અને દરેક અઠવાડીયે તાજી ગઝલો સંભળાવતા આ ગુજરાતી ભાષાનાં સર્જક હજી ઘણું સર્જશે અને ગુજરાતી ભાષાને તેમના સાહિત્યથી સભર રાખશે તેવી શુભેચ્છાઓ સહિત તેમની રચના “પોટલી” અત્રે મુકી વિરમુ.
પોટલી
પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે
મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે
જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.
હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે
હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે
તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે
કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.
ડો ચિનુ મોદી મારા ગુરૂ જન્..તેથી તે હક દાવે તેમની આ તરો તાજી ગઝલ હુ મારી સાથે લઈ આવ્યો. આ ક્ષેત્રે નિષ્ણાત હોવા વિશે ચર્ચા કરવી જરૂરી નથી પણ તેમના ચીત્તમાં ચાલતી પાછલી ખટઘડીની આ સુંદર ગઝલ વાત એમણે જ્યારે સંભળાવી ત્યારે હું અને મારો મિત્ર નરેન્દ્ર બજાજ બંને વાહ કહી ગયા…
ખટ્ઘડી પાછલી ની સાથે અનુસંધાન સાંકડી ગલી એકદમ સુંદર્, યોગ્ય અને રોચક છે. પ્રભુને પૃચ્છા કે ક્યાંથી ઉતારું તને ખુબ ઉંચે છાજલી છે કહી પ્રભુ પાસે માનવ સહજ મર્યાદા સ્વિકારી લઈ ગઝલને આધ્યાત્મિક રીતે તેમનુ ઉંચુ ઊડાણ વાચકને દર્શાવી જાય છે.
ગઝલમાં આ નાટકનો જીવ દ્રશ્ય સર્જે છે જાણે તેમના મૃત દેહને ફંફોસતો પોલીસ પુછે છે કોણ છે, “ઇર્શlદ” છે આ? અને જવાબ મળે છે હા ખિસામાં કાપલી છે.
—

વિજય શાહ
