હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ કોલમ ઉપર યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, બુદ્ધ, શીખ, ઇસ્લામ વગેરે ધર્મો ઉપર આપણે ચર્ચા કરેલી છે. આજે હિન્દૂ ધર્મ અને સાહિત્ય અને તેના શિલ્પકામ ઉપર થોડી વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
હિન્દૂ ધર્મ: હિન્દૂ ધર્મ પુરાતન ધર્મ છે અને તેનું સાહિત્ય ખુબ જ વિશાળ છે. તેથી સઘળા હિન્દૂ સાહિત્ય વિષે કઈ પણ કહેવું સહેલું નથી. સૌ પ્રથમ, હિન્દૂ સાહિત્ય માં વેદ અને ઉપનિષદ નો ઉલ્લેખ થાય. ભગવદ ગીતા, અગામા, ભાગવત પુરાણ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ નો સમાવેશ તેમાં થાય. ત્યાર બાદ શ્રુતિ અને સ્મૃતિ નો સમાવેશ થાય. શ્રુતિ એટલે સાંભળેલું ધર્મ સાહિત્ય અને સ્મૃતિ એટલે સ્મરણ કરેલું સાહિત્ય – કેમકે મોટા ભાગનું ધર્મ વિશેનું પુરાતન જ્ઞાન આ બે પ્રકારનું હતું. હિન્દૂ દાર્શનિક જ્ઞાનીઓ, નિબંધકારો, કવિઓ વગેરે લોકોએ રાજકારણ, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ, કલા, સમાજ, સામાજિક નિયમો, અને સાત્વિક અને આધ્યાત્મિક તેમજ રોમેન્ટિક પ્રેમ જેવા વિવિધ વિષયો સાથે હિન્દૂ ધર્મને એ રીતે સાંકળી લીધો છે કે હિન્દૂ ફિલસુફી જીવન જીવવાનો માર્ગ બતાવે છે.
ખાસ કરીને નરસિંહ ના કાવ્યો, તુલસીદાસ ની કૃતિઓ, મીરા ના ભજનો, કબીર ના દોહા અને કાલિદાસ ના નાટકો જેવી સર્જનાત્મક અને કલાત્મક કૃતિઓમાં હિન્દૂ ધર્મ ના સંદેશ ને સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યો છે. સંત તુલસીદાસ હનુમાન ભક્ત હતા અને તેમણે હનુમાન ચાલીસામાં એ રીતે ઈશ્વરને સાંકળી લીધા છે કે શ્રી અટકિન્સે હનુમાન ચાલીસા નો અંગ્રેજી માં ભાષાનુવાદ કર્યો ત્યારે તેમણે કહ્યું કે “ઈશ્વર વિષે આટલી સુંદર રચના માણ્યા બાદ કોણ ભાવના થી બુલંદ થઈને સ્વર્ગ ના સીધા માર્ગે જવાનું પસંદ ન કરે?”
તુલસીદાસે કહેલું,
रामचरितमानस बिमल संतनजीवन प्रान ।
हिन्दुवान को बेद सम जवनहिं प्रगट कुरान ॥
એટલે “નિષ્કલંક રામચરિતમાનસ સંતોના જીવન ના શ્વાસ સમાન છે. તે હિન્દુઓ માટે વેદો અને મુસ્લિમો માટે કુરાન સમાન છે.
ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિમય રંગે રંગાયેલ મીરા ના ભજન હૃદય સોંસરવા નીકળી જાય તેવા છે.
पायो जी मैंने राम रतन धन पायो
जन्म जन्म की पूंजी पाई
जग में सबी खुमायो
पायो जी मैंने राम रतन धन पायो
કબીર ના તો નાના નાના દોહા માં એટલું શાણપણ સમાયેલ છે કે બે વાક્ય માં જીવન નો માર્ગ મળી જાય અને સાંભળવામાં પણ તે ખુબ સુંદર લાગે છે. તેમાં માત્ર ઈશ્વરનો ઉલ્લેખ નથી પણ જીવન માટેના સિદ્ધાંતો સમાયેલ છે. જેમકે જો ખરાબ વ્યક્તિને શોધવા નીકળું તો મારાથી ખરાબ કોઈ નથી મળતું, અને ઈશ્વર; જયારે તું જગત માં આવ્યો ત્યારે તું રોયો, બધા હાસ્ય, હવે એવા કર્મો ના કરીશ કે તું જાય પછી બીજા હસે, ચોપડીઓ વાંચી વાંચીને પંડિત ન બનાય પણ અઢી અક્ષર પ્રેમ નો જે સમજે તે પંડિત થાય , અને તારો ઈશ્વર તારામાં જ છે, તું જાગી શકે તો જાગ.
બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલા કોઈ
જો મન ખોજા અપના, મુજસે બુરા ન કોઈ
જબ તું આયા જગત મેં, લોગ હસે તું રોય
ઐસી કરની ના કરી, પછે હસે સબ કોઈ
પોથી પઢ પઢ કર જગ મૂઆ, પંડિત ભાયો ના કોઈ
ઢાઈ અક્ષર પ્રેમ કે જો પઢે સો પંડિત હોય
જૈસે તિલ મેં તેલ હૈ, જ્યોં ચકમક મેં આગ
તેરા સૈ તુજમેં હૈ, તું જાગ શકે તો જાગ
અને વારંવાર હિન્દૂ ધર્મ માં શાંતિ નો ઉપદેશ વણી લેવામાં આવ્યો છે જેમકે…
સર્વે જન સુખીનો ભવંથુ – દરેક જણ ને સુખ મળે
માનવ સેવે, માધવ સેવા – વ્યક્તિની સેવા કરવી તે પ્રભુ ની સેવા કરવા સમાન છે.
અહિંસા પરમોધર્મ – હિંસા ન કરવી તેજ સૌથી મોટો ધર્મ છે.
હિન્દૂ ધર્મ માટે ઘણું ઘણું લખાયું છે અને મોટા ભાગના વાચકો પણ મારા કરતા ખુબ મોટા જ્ઞાન નો ખજાનો આ વિષય ઉપર ધરાવે છે. આ વિષય ને પૂરો ન્યાય આપવાનું મારી કુશળતા ની બહાર છે.
હિન્દૂ મંદિરોનું શિલ્પકામ: વિશાળ હિન્દૂ મંદિરો દુનિયા માં ઠેર ઠેર છે. પણ સૌ પ્રથમ ખુબ જુના વિશાળ હિન્દૂ મંદિર વિષે હું નાનપણમાં શાળામાં ભણી હતી તે જોવાની મને ખુબ ઉત્કંઠા હતી અને આખરે પુરી થઇ તેની વાત કરું. ચારેક વર્ષ પહેલા મારી દીકરી અને હું કંબોડીયા ગયા ત્યારે ત્યાંના અંકોર વાટ હિન્દૂ મંદિર ની સફર અમે કરી. અંકોર વાટ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે અને તે 402 એકર ની જગ્યા ઉપર રાજા સૂર્યવર્મન 2 દ્વારા 12મી સદીમાં બનાવાયેલ. તે મંદિર ભગવાન વિષ્ણુ ને અર્પિત છે.
ભારત માં ઘણા સુંદર હિન્દૂ મંદિરો છે. તામિલનાડુમાં આવેલ શ્રીરંગમ મંદિર હાલ માં ઉપયોગ માં લેવાતું સૌથી મોટું હિન્દૂ મંદિર છે અને તે 156 એકર ના વિસ્તાર માં આવેલ છે. જો કે, આખા મંદિરનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે કરવામાં આવતો નથી. સાતમાંથી પ્રથમ ત્રણ દિવાલોનો ઉપયોગ રેસ્ટોરન્ટ્સ, હોટલો, ફૂલ બજાર, રહેણાંક ઘરો અને વ્યાપારી સંસ્થાઓ માટે રાખવામાં આવ્યો છે. દિલ્લીનું આકાશવર્ધન મંદિર પણ ખુબ પ્રખ્યાત છે અને તેની ઉપર 7000 શિલ્પકારો અને 3000 સ્વંયસેવકોએ કામ કરેલ છે. ભારત ના બિરલા મંદિરો, બેલુર મઠ, મીનાક્ષી મંદિર, જગનાથ પુરમ નું મંદિર વગેરે બધાજ મંદિરો નું શિલ્પકામ અદભુત છે. થિરુવનંથપુરમ માં આવેલ શ્રી પદ્મનાભસ્વામી નું મંદિર પ્રખ્યાત છે અને ત્રણ વર્ષ પહેલા મારા કઝીન્સ જોડે હું તેની મુલાકાતે ગયેલ. કહેવાય છે કે આ મંદિર ના પાયા એટલા જુના છે કે હિન્દૂ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ માં તેનો ઉલ્લેખ થાય છે. અને આ મંદિર દુનિયા ના બધા ધર્મસ્થળ માં સૌથી ધનવાન જગ્યા છે. કહેવાય છે કે તેના નીચા ભાગ માં આવેલ સોના, હીરા, કિંમતી પથ્થરો અને દાગીના ની કિંમત 1.2 લાખ કરોડ એટલે કે 17 બિલિયન અમેરિકન ડોલર જેટલી થાય. લોકો એટલું દાન કરે છે કે તે ધન વધતુંજ જાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાય ના 10 મંદિર ભારત માં બનાવવામાં આવેલ। અત્યારે દુનિયા માં તેવા 1000 થી વધુ સંખ્યામાં મંદિરો છે. શ્રી કૃષ્ણ ને અર્પિત આ મંદિરોમાં પૂજા માટે ના પરિભ્રમણ માટે મંદિરની મધ્યસ્થમાં માર્ગ હોય છે અને સ્ત્રીઓ અને પુરુષો માટે બે અલગ વિભાગ હોય છે. ભાગવત પુરાણમાં વર્ણવેલી ઘટના જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનના ગ્રામજનોને મુશળધાર વરસાદથી આશ્રય આપવા માટે ગોવર્ધન ટેકરી ઉંચી કરી હતી તેની કૃતજ્ઞતા દર્શાવવા ગોવેર્ધન પૂજા દરમ્યાન ભક્તો ભગવાન ને અન્નકૂટ (વિવિધ શાકાહારી ભોજન) અર્પણ કરે છે.
ખજુરાહો મંદિરો: મધ્ય પ્રદેશ માં આવેલ ખજુરાહો ના પાંચ મંદિર જૈન અને હિન્દૂ ધર્મ ના છે. લગભગ બારેક વર્ષ પહેલા હું મારી અમેરિકન સહેલી ને લઈને ત્યાંની સફરે ગયેલ. આ મંદિરો ચંદેલ વંશ દ્વારા 950 થી 1050 ની વચ્ચે બનાવવવામાં આવેલા. આ મંદિરો તેમના શૃંગારિક શિલ્પો માટે પ્રખ્યાત છે. મંદિરો સીબ સાગર, અને ખજૂર સાગર ની પાસે બાંધવામાં આવેલ અને મોટા ભાગના મંદિરો ના પ્રવેશદ્વાર સૂર્યોદય તરફ બનાવેલ છે. આ બધા મંદિરો માં દેવીઓ અને દેવતાઓ બંને નો સમાવેશ થાય છે. શિલ્પકામ હિન્દૂ ધર્મ ના ચાર પ્રતીક ને ધ્યાન માં રાખીને બનાવેલ છે; તે છે ધર્મ, કર્મ, અર્થ, અને મોક્ષ. ત્યાંના મંદિરો શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય દેવતા અને જૈન તીર્થંકરોને અર્પિત છે. આ મંદિરો તેમના શારીરિક અને શ્રુંગારિક શિલ્પકામ માટે જાણીતા છે અને તે શિલ્પકામ ખરેખર અદભુત છે પણ તે માત્ર 10 ટકા નું કામ છે. બાકી પણ ઘણું બારીક શિલ્પકામ છે.
છેલ્લે અરોબિન્દો આશ્રમ, પોન્ડિચેરી માં આવેલ માતૃમંદિર નો પણ ઉલ્લેખ કરું છું. માતૃમંદિર આમ જોઈએ તો હિન્દૂ મંદિર નથી. પણ સર્વ ધર્મ સમાન ની હિન્દૂ ભાવના થી બનેલ અત્યંત સુંદર મંદિર છે. હું નાનપણ માં બે, ત્રણ વાર ગયેલી પણ ત્યારે માતૃમંદિર બંધાતું હતું. હમણાં ત્રણેક વર્ષ પહેલા મને ત્યાં જવાનો ફરી મોકો મળ્યો અને પૂરું થયેલ મંદિર ની સફર કરી અને તેમાં મેડિટેશન નો લાભ લીધો. માતૃમંદિર નું મહત્વ એ છે કે તે કોઈ પણ ધર્મ ના સાધક ને તેના જિંદગી માટેના મુખ્ય સિદ્ધાંતો ને વિચારવા માટે ત્યાં શાંતિપ્રધાન જગ્યા મળે છે. માતૃમંદિર ને બનતા 37 વર્ષ થયા અને તે સાલ 2008 માં પૂરું થયું. તે ગોળાકાર મંદિર ની 12 પાંખડી છે. જીઓડિસિક સોનેરી ગુમ્બજ સૂર્ય ના કિરણો નું પ્રતિબિંબ એ રીતે પાથરે છે કે તે ખુબ અદભુત દેખાય છે. આ વિશ્વનો સૌથી મોટો ઓપ્ટીકલી પરફેક્ટ ગ્લાસ ગ્લોબ કહેવાય છે. સેન્ટ્રલ ડોમની અંદર એક મેડિટેશન હોલ છે અને તે લોકો માટે ખુલ્લો છે. ત્યાં મેડિટેશન કરવા માટે મૉટે ભાગે પહેલે થી નામ નોંધાવવું પડે છે.
આપણે ભારત માં પ્રચલિત બધા ધર્મો વિષે અને તે ધર્મ ના દુનિયા ના શિલ્પકામ વિષે વાત કરી. આવતે અઠવાડિયે હું સમીક્ષા અને ધર્મ વિશેના મારા થોડા વિચારો રજુ કરીશ.