ઉત્સવ કોઈ-સપના વિજાપુરા

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?
પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ
ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ
રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?
છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ
બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ
જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!
પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ
રઈશ મનીઆર
કવિ શ્રી રઈશ મનીયાર એક કવિ, ગઝલકાર નાટ્યકાર છે. અને સાહિત્યના લગભગ દરેક શ્રેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો છે ને સફળ રહ્યા છે. દેશ વિદેશમા મશહૂર થયેલા કવિ શ્રી રઈશ મનીયારની આ ગઝલ જ્યારે વાંચવાનો મોકો મળ્યો ત્યારે પ્રથમ જ વાર વાંચતા આફરીન નીકળી ગયું સરળ ભાષામાં અને સરળ રદીફ અને કાફીયા લઈ આ ગઝલ ખૂબ ચોટદાર બની છે. મત્લામાં કવિ કહે છે કે આ હ્ર્દયની ધડકન છે કે તાંડવ!!જ્યારે દિલમાં દર્દ હોય તો એને ઉત્સવ કહેવાવાળા કવિ હ્ર્દયની ધડકનમાં ચાલતા તાંડવને દર્દનો ઉત્સવ કહે છે. જે હ્ર્દયમાં દર્દ નથી એ હ્ર્દયમાં ઉત્સવ નથી! દર્દ પણ હ્ર્દયમાં તાંડવ મચાવે છે. જિંદગીમાં ઘણાં મોકા આવતા હોય છે જેમાં માણસ પોતાની સફળતાની સીડી ચડી શકતો હોય છે પણ ઢચુપચુ કે અચોક્કસપણું માણસને નિર્ણય લેવામાં વિટંબણા નાખે છે એટલે કલરવ તો તમારા સુધી પહોંચવા માગે છે પણ આ ટોડલે બેઠેલી અવઢવ કલરવ કાન સુધી પહોંચવા નથી દેતી. ઓઢવા ચાદર નથી પણ સપનું તો છે. આ દરેક ગરીબ વ્યકતિની વાત છે જેની પાસે ઓઢવા ચાદર નથી પણ આંખોમાં સપનાં ઘણાં છે અને સપનાં માં લહેરાતો પાલવ પણ છે.ખૂબ ચોટદાર શેર!! અહીં દરેક્ના હ્ર્દયમાં દાવાનળ છે..કવિ કલ્પના કરે છે કે જે કોઈ રસ્તામાં મળ્યું તે ઉષ્મા લઈ હતુ. શું એ લોકોનાં હ્રદયમં દવ હશે? “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જીસે છૂપા રહે હો.” વેદના છેક ઊંડે હ્ર્દયમાં ઘર કરી ગઈ!! વેદના હ્ર્દયમાં ક્યારે ઊતરી જાય અને ઘર કરી જાય એ કયાં ખબર પડે છે? એ તો નિશાન કે પગલાં કશું છોડતી નથી બસ અને જ્યારે વેદનાનો કાંટો હ્ર્દયમાં વાગે છે ત્યારે પણ ક્યાં હ્ર્દયને એનો પગરવ સંભળાય છે! બોર દઈ, કલ્લી કઢાવી કોઈ નાની વસ્તુ આપી મોટી વસ્તુ લઈ લેવી!! સમજણો આપી બાળપણ લઈ લીધુ!! “યહ દોલત ભી લે લો યહ શોહરત ભી લે લો ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લોટા દો વોહ કાગઝકી કશ્તી વોહ બારિશકા પાની!” મને લાગે છે દરેકની આવી લાગણી હશે!! દિવસ જ જ્યારે બેખુદ હોય ત્યારે રાતમાં પછી કોણ શરાબ ધરે?
સારથીનું કામ સતત રથને સહીસલામત આગળ ધપાવવાનું છે અને એ સારથી પાછા માધવ ખુદ હોય તો તો પછી પૂછવું જ શું! આ શેરની બારિકી પર તો દોનો જહાં કુરબાન! કૃષ્ણ જેવા રથને હાંકીને સતત ગતિરત રહેવાને બદલે જ્યારે પગ પગ પર પગ ચઢાવીને બેસી જાય ત્યારે ઈશાવાસ્યવૃત્તિની પરાકાષ્ઠા જ હોય અને એક યુગ આથમતો હોય કારણ કે નારાયણ કૃષ્ણ માટે અગતિગમન એટલે જ જીવંતતાનો અંત છે. માધવ કદી મરે નહીં. કૃષ્ણમાં સ્થિર થવું કે સ્થિતપ્રજ્ઞ થવું અને કૃષ્ણનું સ્થિર થઈ જવું એ બે પરિસ્થિતિના વ્યાપ અને એનો વિરોધાભાસ અદભૂત સૂક્ષમતાથી આ મક્તામાં બતાવ્યો છે! યાદવાસ્થળીને એક અંતિમ નિર્વિકારતાથી નીહાળતાં માધવ ગતિશૂન્ય થઈ પગ પર પગ ચઢાવીને બેસે, પારધિ એમના પગના પદમને હરણ સમજી તીર મારે, એની સાથે યાદવાસ્થળીમાં રત યાદવોનો વિનાશ પણ નિશ્ચિત બને! કૃષ્ણ કદી મરી ન શકે, માત્ર અગતિમાં સરી શકે! એક અદભૂત “બહ્માસ્મિ”ના ઉર્ધ્વાગમન પર કવિ લઈ જાય છે, જેના પછી અક્ષરો અર્થહીન બની જાય છે! આ એક મક્તાથી શાયરે અહીં સંપૂર્ણ ભગવતપુરાણનો અર્ક આલેખ્યો છે. શતશત નમન આ શાયરને!
સપના વિજાપુરા

ધ્રુવ ભટ્ટ-સાહિત્યક્ષેત્રમાં જેમનું પ્રદાન સાવ નોખું છે.

%e0%aa%a7%e0%ab%8d%e0%aa%b0%e0%ab%81%e0%aa%b5-%e0%aa%ad%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f

Vinod R. Patel‎  મોતી ચારો … જીવન પ્રેરક સાહિત્યનો મધપુડો

આજે સવારે વિનોદ કાકાના ફેસબુક પર આ કવિતા મળી અને હું મારી જાત ને રોકી ન શકી.

કવિ ધ્રુવ ભટ્ટની મને ગમતી એક કાવ્ય રચના …

ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,
અને ઉપરથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે,
અને ઉપરથી કુદરતની રહેમ છે.
-ધ્રુવ ભટ્ટ.

આ રચના વાંચ્યા પછી વરસાદન ની આ મોસમમાં હું શબ્દોથી ભીંજાણી,કેમ છો શબ્દ નું મહત્વ મને અમેરિકામાં આવ્યા પછી વધુ સમજાણું,કારણ અમેરિકાના હાઇવે પર પાંચ કતારોમાં અનેક ગાડીઓં મને વટાવી ઝડપથી પસાર થઇ જાય ત્યારે અલપ ઝલપ ચહેરાઓમા મારા ઓળખીતા ચહેરાઓ ગોતું છે. મારી અંદર ચરૂ ની જેમ સંતાડી રાખેલ યાદો મને ધીરેથી પૂછે છે.“કેમ છો” અને હું  કુદરત ની જેમ લીલીછમ બની જાઉ છું.હા મળે કોઈ અજાણ્યો અને કહે કેમ છો તો સારું લાગે છે આ અજાણી ધરતી પણ મને મારી લાગે છે.આમ જોવો તો કેમ છો શબ્દ માં માણસાઈનું પ્રતિબિંબ દેખાય છે.

હા અમેરિકામાં આપણે સહુ અનેક સપનાઓ સાથે આવીએ છીએ.ભારતથી  આવતા ફોનમાં” કેમ છો” નો રણકાર સંભાળ તો છે. પણ જવાબમા મહિનાના અંતે પહેલા જ ફાટી જતું ખિસ્સું  મારા મુખે બોલાવડાવે છે કે હો….આપણને તો જલસા ભાઈ અહીતો બસ ભગવાનની રહેમ છે.

આ કાવ્ય બીજા કરતા નોખું એટલા માટે છે કે અહી અનુભૂતિ છે  જે વાંચે તે પોતાની રીતે એની સંવેદના મેળવે છે. પછી એ કોઈ પણ જગ્યાએ કેમ ન હોય ?માટે જ આ રચના પોતીકી લાગે છે તેમજ વાસ્તવિક બની જાય છે અહી સર્જક અને વાચક બંને એક બની જાય છે.વતન થી દુર પરદેશમાં રહેતો માણસ કેમ છો શબ્દ સાંભળવા તલસે છે.

મુશ્કેલી કોને નથી હોતી પછી એ ભારતમાં હોય કે પરદેશ! આપણે સૌ અહી છીએ માટે અહીની વાત કહું છું પહેલા કહ્યું તેમ આ રચનાની ખૂબી છે કે જે જ્યાં વાંચે  ત્યાં તેને માટે છે.બધા મુશ્કેલી જીરવી શકતા નથી અહી કવિ ખુબ સરસ રીતે આંસુના અખાતને ઓળંગી કુદરત થી હર્યો ભર્યો છે…. કેટલો સરસ શબ્દ “કુદરતની રહેમ છે.”આ શબ્દો ચંદનના લેપની જેમ શાતા આપે છે. પ્રકૃતિ માણસ સહન ન કરી શકે તેવું દુઃખ ક્યારેય આપતી નથી માત્ર દ્રષ્ટી બદલી ટેવાવાનું છે.કોઈ પણ દિવસ એવો નથી ઉગતો જેની રાત પડતી નથી અને કોઈ પણ રાત એવી નથી કે જેની સવાર ન પડતી હોય .

“ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,
અને ઉપરથી કુદરતની રહેમ છે.”

(અહી કહીશ કે  અમેરિકામાં સ્ટ્રગલ કરતા એક વ્યક્તિની કલ્પના કરી જુઓ. )જાણે તેમના માટે જ આ પંક્તિ ન રચાઈ હોય તેવું લાગશે આજ તો સર્જકની ખૂબી છે )

અને અંતે એક બિન્દાસ કવિની વાત…

“આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે,

અને ઉપરથી કુદરતની રહેમ છે.”

સર્જક હવે સુફી બની જાય છે .ભય માંથી નિર્ભયતા તરફ લઇ જાય છે.”ભય” કાનો માત્ર વિનાનો બે અક્ષરનો શબ્દ ,માત્ર ભ્રમણા,અને કવિ કહે છે ..વધઘટ નો હિસાબ કોણ રાખે ? અને એક મુક્ત મનનો અહેસાસ કરાવી જાય છે જાણે ફકીર ન હોય…એક બગીચો રચાય છે. જગત અને જીવન સુંદર દેખાવા માંડે છે અને કવિ એક ગહન અર્થ પ્રાકૃતિક તત્વની વચ્ચે ગોતી કાઢે છે  અને અંતે સહજતાથી ભયને દુર કરી કેટલી મોટી વાત કરે છે ?હિસાબ ની  પરવા સમંદરને હોતી નથી ,આ વાત પ્રાકૃતિક અનુભવ થકી જ લખાઈ છે એ વાત ચોક્કસ છે ,અનુભવેલું માણેલું સત્ય એક નાનકડા વાક્ય દ્વારા સમજાવી શકવાની કળા કવિની ક્ષમતા પ્રગટ કરે છે .કવિના શબ્દોમાં નથી ક્યાંય પાંડિત્યનું પ્રદર્શન, સરળ શબ્દો… કેવો જવાબ છે  …ઉપર આકાશ એમનેમ છે ?  ,પોતાની ઓળખ ખોઈ બેઠેલો માનવી કુદરતમાં જ પોતાને મેળવે છે.આ પંક્તિ ફરી ફરી વાંચવાનું મન થાય છે.હા જીવનમાં મોટામાં મોટી કળા આંસુને સ્મિતથી લૂછવાની છે. દુઃખને ઓળખ ને સુખનું મુલ્ય સમજવાનું છે. આસુંને સ્મિતથી લૂછવાની કળા સર્જકમાં છે એને અહેસાસ વાંચતા અનુભવતા થાય છે.

એક સહજ કવિની કલમે લખાયેલુ એક સુંદર કાવ્ય દુનિયાના કોઈ પણ છેડે પ્રેરણા દે તેવું છે.અને પોતીકું લાગે તેવું છે.એક સુંદર અનુભૂતિને કવિ આપણી સંવેદનામાં  રોપી જાય છે. આમ આ કવિતા મન અને આત્માને પોષે છે

અહી એક વાત કહીશ કે કવિ શબ્દને શોધતા નથી પણ શબ્દ જેમને શોધતા આવે છે એ છે કવિ ધ્રુવ

પ્રજ્ઞા

 

 

‘રખડુને નેસે ‘ કવિ મકરંદ દવેના કાવ્યનો આસ્વાદ તરુલતા મહેતા

‘રખડુને નેસે ‘

‘રખડુને નેસે પીડા તો આવીને બેસી છે પંડ

એના મો સામે જોઈ કોણ બેસે?

સામેની ડાળીએ નિહાળું તો ચળકે છે

પીળ(ડ)કની તડકામાં આંખ,
પીડાએ ઘરને ધુમાડે ભર્યું તો મારી

આંગણામાં રમતી થઈ આંખ

કોઈ ખેરખટટા નો સૂર સંભળાતો કે

સરી જાઉં સૂરને હલેસે

પીડાને કીધું કે
આવી તો આવ,ભાઈ

રહેજે ખુશીથી રાતવાસો,

કૃતિકાના ઝુમ્મરથી નજરું  વળી તો વળી

જોશું તારો ય તમાસો

તારા બંધાયા અહી બંધાશે કોણ?

તું  તો આવી છે રખડુને નેસે.

કવિ મકરંદ દવે

‘ગમતાનો કરીએ ગુલાલ ‘ ગુજરાતી કાવ્યરસિક જનોને હોઠે ગુંજતી પંક્તિના સર્જક લાડીલા કવિ મકરંદ દવેને કોણ ન પહેચાને?આજે મેં મને ગમતા એક અલગારી ,મસ્ત ગીતના ગુલાલથી તમને રંગવા ધાર્યું છે.જેમાં જીવનના સહજ આનંદની વાત છે.સર્જક અને ભાવકનું જોડાણ બે માનવ પ્રકુતિનો યોગ છે.સાહિત્યના વિવિધ રસ વાચક તેની પ્રકુતિ મુજબ માણે છે.જેમ ભોજનમાં  કોઈને ગળ્યું તો કોઈને તીખું ભાવતું હોય છે,તેવું સર્વ કલામાંથી  માનવ પોતાની મરજી પ્રમાણે આનંદ મેળવે છે.એટલે જ સર્જક પોતાની રચનાને પબ્લીશ કરે પછી તે વાચકની બનેછે.મારું માનવું છે કે બ્રહ્માએ સૃષ્ટીનું સર્જન આનંદ અર્થે કર્યું છે,સાહિત્ય અને કલાનું સર્જન આનંદ માટે થાય છે,વાચક આનંદથી વાંચે છે અને એમાંથી સંદેશ  ગ્રહણ કરે છે તેથી એનાથી સમાજમાં જાગૃતિ આવે છે.જેમાંથી  આનંદ નથી મળતો તેને કોણ વાંચે?

ગુજરાતી કવિતામાં કવિ મકરંદ દવે  એટલે આંતરિક જાગૃતિના કવિ,સાત વર્ષની ઉમરે બીજા બાળકો માંડ કેળવણીમાં પા પા પગલી ભરતાં શીખતાં  હોય ત્યારે બાળક મકરંદ દવે આંતરિક રીતે જાગૃત થઈ ગયા હતા.દસ વર્ષની વયે  સહજ સ્ફૂરણાથી કાવ્ય લખવાની શરૂઆત કરી હતી.આપણા મધ્યકાલીન કવિઓના આચમનને તેમણે ગ્રહણ કર્યું છે.નરસિહ,મીરાં કે દયારામ પ્રભુભક્તિમાં લીન પણ તેમની સહજ કવિતા ઊંચા શિખરે વિરાજે છે,લોકહેયામાં વસેલી છે અને સદાય જીવંત રહેવા સર્જાયેલી છે.એ ભજનો કર્ણપ્રિય છે,અને જીવનના સત્યને અને આત્માની ઓળખને પ્રકાશમાન કરે છે.મકરંદ દવેની આધ્યાત્મિક,પ્રભુભક્તિની કવિતામાં પણ આવા અંશો જોવા મળે છે. તેમના   ગીતો લોકોના દિલમાં વસી ગયાં છે,સરળ,લોકબોલીની રંગતથી મીઠ્ઠી લાગતી વાણી લોકોને હેયે અને હોઠે ગુંજ્યા કરે છે.

કવિના ‘રખડુને નેસે’ ગીતમાં જીવનમાં આવી પડતી પીડાને હળવી રીતે સ્વીકારી જે મહામૂલું જીવન કુદરતની -પ્રભુની સોગાતરૂપે માનવને ઉપલબ્ધ થયું છે,તેને શરીર ,મન આત્માથી સાંગોપાંગ માણવાનું છે.આપણી પાંચે ઇન્દ્રિયો દ્રારા જગતના વિવિધ રસોને ઉલ્લાસથી એન્જોય કરીએ  અને જીવનના ઉત્સવમાં સૌને સામેલ કરીએ તો જગત નન્દનવન સમું લાગે.આપણા આ નન્દનવનમાં પીડા આવે તો એની સામે જોઇને કોણ  બેસી રહે? આ ગીતમાં ભરવાડો જેવું બેફિકરું જીવન જીવતા માણસની મનોવૃત્તિનું દર્શન છે.શહેરની ધમાલ,પોલ્યુસન,કોલાહલ અને સમયની કેદમાંથી છૂટી જંગલમાં મઝેથી અલગારી જીવવાનું સ્વપ્ન કોને ના ગમે?

ધનવાનને ત્યાં દુઃખ ,રોગ કે બીજી પીડા આવે તો આખું ઘર ઉપચારો કરવા ઉપરતળે થઈ જાય.પણ ગરીબ ,રખડપટ્ટી કરતો માણસ પીડાની સામે જોતો નથી.’નેસે’ એટલે  ભરવાડનું ઝુપડું જે  જંગલમાં હોય,ચારે બાજુ વુક્ષો દેખાતા હોય,પંખીઓ ઝાડની ડાળીએ ઝૂલતા હોય, રાત્રે ખૂલ્લા આકાશમાં તારા,કૃતિકાના ઝુમ્મર હોય,તમે  કલ્પના કરો તો કાવ્ય મઝાનું લાગે.પીડા કોઈને ગમતી નથી,એ માથે પડ્યા મહેમાન જેવી વણનોતરી પંડે (જાતે)આવે છે.એની દરકાર રાખવાની જરૂર નથી.સુખના પ્રસંગો,તહેવારો આપણે આમન્ત્રણો આપી ગોઠવીએ છીએ,મહેમાનોની આગતાસ્વાગતા કરીએ તેમાં આપણી શોભા છે.એટલે કવિ પીડાને કહે છે,”હું તારા મો સામે જોઇને બેસી રહેવાનો નથી.’ કવિ પોતાની નજરને ડાળીએ બેઠેલા પીડ(ળ)કની આંખ જે તડકામાં ચમકે છે,તે તરફ વાળે છે.સરળ લાગતી આ વાત જીવનના આનન્દના રહસ્યને બતાવે છે.જયારે કસોટી આવે ત્યારે આપણી આંખ ફોકસ કરે અને અર્જુનની જેમ ધાર્યું નિશાન તાકે એ ઉચિત છે.પણ આવે ને જાય તેવાં દુઃખો -પીડા તરફથી નજર બીજે વાળી મનને પુલકિત રાખવાનું.  એક જમાનામાં ઘેર ઘેર ચૂલા હતા,ચૂલામાં લાકડાનો ધૂમાડો થાય ત્યારે ઘડીક બહાર આગણામાં જવાનું,કવિ એવા રસિક છે કે પીડાના ધૂમાડાને  અવગણી મનરૂપી ઘરની બહાર ઝાડ પરના ખેરખટાના(એક પંખી) મધુર સૂરને હલેસે મોજ કરવા ઉપડી જાય છે.તમને પાગલ જેવી વાત લાગે,પણ જનકરાજાની નિર્લેપતા,સંસારમાં છતાં ત્યાગી રહેવાનો ભાવ અષ્ટાવક્રગીતાનો સંદેશ આપણે જાણીએ છીએ.મકરંદ દવે સંસારી સંત હતા.તેમના પત્ની કુંદનિકા કાપડિયા સાથે તેઓ નન્દીગ્રામ આશ્રમમાં રહી સમાજના ગરીબ વર્ગની સેવા કરતા હતા.તેઓ ઓલિયા -અલગારી કવિ સુખ-દુઃખમાં મોજથી રહે.નરસિહ-મીરાંનો વારસો તેમના જીવનમાં અને કવનમાં હતો.

ગીતના અંતમાં પીડા સાથે સમાધાન કરી લે છે કે ભાઈ આવી છે તો રાતવાસો ખુશીથી કરજે ,હું રાત્રે આકાશમાં તારાના ઝુમ્મરો જોતો રહીશ.મારી નજર તારા તરફ વળશે તો તારો તમાસો જોઇશ.કવિ મસ્ત ,બિન્દાસ સુખ કે દુઃખ કોઇનું  બંધન ગમે નહિ.’આ મારો પગ દુઃખે કે પેટ દુઃખે હું નહિ ચાલી શકું’ એ વાત જીવનમાં અલગારી માનવને સ્વીકાર્ય નથી.એને જીવનની હરેક પળ મહેકતી રાખવી છે.જેમ છોડને ઉછેરવામાં કાળજી રાખીએ  તો ફૂલફળ આવે છે,તેમ આપણે સોએ મનને પોઝીટીવ રીતે ઉછેરવાનું છે. મનને કુદરતના સોંદર્ય તરફ વાળી પીડામાંથી મુક્ત કરી આનંદને માણવાની કલા જીવન છે.જીવનમાં જવાબદારી નિભાવીએ સાથે થોડા અલગારી પણ થઈએ તો જીવન ‘સુહાના સફર ઔર યે મોસમ હસી’ બને.

મકરંદ દવેનો જન્મ 1922માં ગોડ્લમાં થયો હતો.2005માં ચિરયાત્રા કરી.તેમના ઘડતરમાં ગાંધીજી,રવીન્દ્રનાથ ટાગોર અને શ્રી અરવિદની છાયા છે.તેમના વિપુલ સર્જનને ‘મકરંદ મુદ્રા ‘પુસ્તકમાં સંગ્રહિત કરાયું છે.છેલ્લે હું એમની જ પંક્તિઓથી  સલામ કરીશ.

‘અમે રે સૂકું રૂનું પૂમડું ,

તમે અત્તર રંગીલા રસદાર.’

તરુલતા મહેતા 1-62016