૩૬) આવું કેમ ? રશિયા : મારી નજરે !

રશિયા : મારી નજરે !
એક કલ્પના કરો : ઘરમાં મા- બાપ , દાદા બા અને દીકરો – દીકરી સૌ ડાઇનિંગ ટેબલ પર જમવાં બેઠાં છે અને દાદા પોતાના સમયની કોઈ વાતો કરી રહ્યા છે.. છોકરાંવને કદાચ ગમતું નથી , પણ બધાં જ શાંતિથી દાદાને સાંભળી રહ્યાં છે.. કેવું સુંદર , અદભુત દ્રશ્ય છે, નહીં? ઘરમાં બધાં સાથે , હળીમળીને રહેતાં હોય !એક બીજાને અનુકૂળ થઈને જીવતાં હોય!
પણ હવે એ દ્રશ્ય પાછળનું બેકગ્રાઉન્ડ જણાવું : અને તમારી માન્યતા બદલાઈ જશે !
રશિયાના વીસમી સદીના પ્રારંભે શરૂ થયેલ કમ્યુનિષ્ટ રાજ્ય યુગનું અને ઓગણીસ સો નેવું પહેલાનું – એક સામાન્ય ઘરનું આ દ્રશ્ય છે.. એ એવો સમય હતો જયારે :
બધાં સામ્યવાદના કડક અમલમાં ડરી ડરીને જીવતાં હતાં . કોઈને કાંઈ આડું અવળું કરવા વિચારવાનોય હક્ક નહોતો ! એક્ચ્યુઅલી , કોઈને જાણે કે વ્યક્તિગત અસ્તિત્વ જેવું જ નહોતું !
રશિયાના પાટનગર મોસ્કો એરપોર્ટ પર ઉતર્યાં પછી અમે જયારે અમારી હોટલ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે મેં ત્યાંના વિશાળ આંઠ ટ્રેકના રસ્તાઓ જોયા , અને તેની બન્ને બાજુએ તોંતિગ આંઠ- દશ માળના , અડધો બ્લોક લાંબા એપાર્ટમેન્ટ બિલ્ડિગ જેવા કાંઈ કેટલાયે મકાનો જોયા! બસ્સો – ચારસો એપાર્ટમેન્ટ્સ ( કે વધારે ) હોય એવા આ ભેંકાર લાગતાં બિલ્ડીંગો વિષે જાણવાની મારી જીજ્ઞાશા વધતી જતી હતી .. ત્યારે નહીં ; પણ બે ચાર દિવસ બાદ સમજાયું કે વીસમી સદીના સામ્યવાદી રશિયાની એ સમાજ વ્યવસ્થા હતી!
યુરોપના દેશોમાં હોય છે તેવા નાનકડા એપાર્ટમેન્ટથી પણ નાનાં અને સાંકડા એવાં બે બે એપાર્ટમેન્ટ વચ્ચે એક કોમન રસોડું – બાથરૂમ ધરાવતા આ બસ્સો ચારસો કુટુંબોનાં રહેઠાણોમાં મોટા ભાગે સંયુક્ત કુટુંબો રહેતાં ;અને સરકારે નીમેલા અમલદારોના કહેવા પ્રમાણે બધાએ કામ કરવાનું રહેતું ! કોઈ કાંઈ ઉહાપો કરે તો સીધા સાયબેરિયા ભેગા ( જેલમાં )!!
ઘણું બધું માન્યામાં ના આવે , પણ અમેરિકામાં જે રંગ ભેદ હતો, ને કાળા – ધોળાં લોકો માટે જે ખુલ્લેઆમ વહેરો આંતરો હતો તે શું માન્યામાં આવે છે?અને હા , રશિયા કે અમેરિકાની વાતો જવા દો ,આપણાં દેશમાં તો હજુ આજે પણ ઉંચ નીચના ભેદ છે! ફલાણી જાતિના લોકોથી આ મંદિરમાં ના જવાય , પેલા કુવેથી પાણી ના લેવાય .. વગેરે વગેરે!
તો લેખના પ્રારંભે જણાવેલ દ્રશ્ય આવા એક ઘરનું, કુટુંબનું ,હતું !
જો કે રશિયામાંથી સામ્યવાદનું ઝેરી વાદળું હઠી ગયા પછી આજે ત્રીસ વર્ષે પણ આ તોંતિગ મકાનોનું શું કરવું તે એ લોકો નક્કી કરી શક્યાં નથી, પણ પ્રાઇવેટ માલિકો જ્યાં ત્યાં આ મકાનોભાડે આપે છે ખરાં પણ ભવિષ્યમાં એને તોડીને કાંઈ નવું બનાવશે ..
રશિયાની સરખામણી કોની સાથે કરું ?
કદમાં અમેરિકા કરતાં ૧.૮ ગણો મોટો અને વસ્તીમાં અમેરિકા કરતાં અડધો!રશિયા એટલે પૃથ્વી ઉપરનો સૌથી મોટો દેશ ! આપણાં ભારત કરતાં પાંચ ગણો મોટો પણ વસ્તી જુઓ તો દશમાં ભાગની!! .વળી ઠન્ડી પણ પડે એટલે શિયાળો તો ભારે જ હોય( શિકાગોની જેમ ?)
પણ, રશિયાનો ઇતિહાસ ને સંસ્કૃતિ હજ્જારો વર્ષ પુરાણી છે.આમતો સામ્યવાદને લીધે કોઈને ધર્મ સ્વાતંત્ર્ય નહોતું પણ ક્રિસ્ચ્યનિટીનો ફેલાવો સામ્યવાદ પૂર્વે , છેક હજાર વર્ષ પહેલાથી . અમે ઠેર ઠેરસુંદર ચર્ચ અનેકેથેડ્રલ ( એક પ્રકારના મોટાં ચર્ચ) જોયા. જેમ આપણે સોમનાથ મંદિર કેદ્વારિકાધીશના મંદિરનો ઇતિહાસકહીએ એ રીતે અમારી ગાઈડે એ બધાનું વર્ણન કર્યું . મોટાંમસ મ્યુઝિયમ કે જેને નિરાંતે જોતાં આઠ વર્ષ લાગે તેવાં આર્ટ્સના મ્યુઝિયમને અમે કલાકમાં ન્યાય આપ્યો ! એની કલાકારીગરી અને વિષય વસ્તુ આપણી સઁસ્કૃતીથી ક્યાંક જુદા પણ જોયા ..,કોઈ સ્ત્રીઓને સતી થતી કે જોહર કરતી હોય તેવાં પેઈન્ટિંગ્સ ક્યાંય જોયા નહીં ; હા , પ્રેમ શૃંગાર ફ્લર્ટ વગેરે થીમ જરૂર જોયા..
પણ જે જોઈને રશિયા વિશ્વની મહાસત્તા હશે તેવો અહેસાશ થયો તે હતું મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં જોયેલ તોપો અને ટેન્કોનું પ્રદર્શન ! રશિયાએ એની તાકાતનો પરિચય દુશમ્નો સાથેના યુદ્ધમાં બતાવ્યો જ છે: નેપોલિયનને હંફાવ્યો અને પછી હિટલરને પણ!“એમાં શું?”કોઈએકહ્યું ,”આટલો મોટો દેશ હોય તો એનું લશ્કર પણ મોટું જ હોય ને ?ખોબલા જેટલા નાનકડા ફ્રાન્સનું કે જર્મનીનું એની સામે લડવાનું શું ગજું?”અને મન અજાણતા ભારતના ઇતિહાસમાં ડૂબી ગયું ! આપણાં ગુજરાતના કદ જેવડો દેશ બ્રિટન અને એમણે ૨૦૦ વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યો ! આવું કેમ?અરે સમૃદ્ધ સંસ્કૃતિની વાતો કરતો મારો દેશ જ્યાં સ્ત્રીઓ પોતાનું પાવિત્ર્ય જળવાઈ રહે તે માટે સમૂહમાં ચિતા પર ચઢી જોહર કરતી હતી ; એવી બહાદ્દુર વીરાંગનાઓના પતિદેવોમાં મહમદ ગીઝની જયારે ચડી આવ્યો ત્યારે ભેગાં થઈને એનો સામનો કરવાની કોઈનામાંયે તાકાત નહોતી !! આવું કેમ? શું આપણી પાસે લશ્કરનહોતું ? કે આપણામાં સમ્પનો અભાવ હતો?રશિયાના સામ્યવાદની ટીકા કરનારા આપણે ,વ્યક્તિ સ્વત્રંત્રય નહોતું’ કહી ટીકા કરનાર આપણે , આપણા શહેરના માથાભારે ગુંડાઓને હટાવવા શું કરીએ છીએ ? આવું કેમ? અરે, પ્રત્યેક ઘરમાં સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિઓ શું પ્રેમથી જ હળીમળી ને રહેતી હોય છે કે પછીસંજોગોને આધિન થઈને, મન મારીને પરાણે સહન કરતી હોય છે ઘરનાને સહી લેતી હોય છે? હેં , આવું કેમ?રશિયામાં હવે નવો પવન આવી રહ્યો છે ! અનેસાથે નવા લોકશાહીના પ્રશ્નો પણ ! તમે નવા પવન સાથે જુના વાતાવરણનો અનુભવ પણ કરશો ..રશિયનો દારૂ ખુબ પીએ! હવે નવા રશિયામાં દારૂ સાથેડ્રગ્સ અને નાઈટ લાઈફ પણ ઉમેરાયા! ભગવાન બુદ્ધની જેમ હું પણ કોઈ મધ્યમ માર્ગની શોધમાં અટવાઉં છું .. “આવું કેમ? “બુદ્ધે તેમના શિષ્ય આનન્દને પૂછ્યું હતું : મારો પણ એજ પ્રશ્ન છે:આવું કેમ?

૨૩-આવું કેમ? હાઇસ્કૂલોમાં હિંસા :

તાજેતરમાં ફરી એક વાર ન્યુઝમાં ચમક્યાં સ્કૂલમાં ગન શોટ નાં સમાચાર ને અરેરાટી થઇ ગઈ. કુમળાં નિર્દોષ 17 વિદ્યાર્થીઓ કોઈ ધૂની ફેનેટિક વ્યક્તિના અવિચારી પગલાંનો ભોગ બની ગયાં! એ આઘાતના આંચકામાંથી બહાર આવ્યા પછી અમેરિકાના ઘણા મોટા શહેરોમાં વિદ્યાર્થીઓએ શાંતિ માર્ચ કરી : આ હિંસાને બન્ધ કરાવો ! કાંઈક કરો !અમારી સલામતી માટેકાંઈક કરો !

જે વિદ્યાનું મઁદિર છે, જ્યાં નવી પેઢીનું , ભવિષ્યના સમાજનું અરે સમગ્ર રાષ્ટ્રનું ઘડતર થઈ રહ્યું હોય ત્યાં આવી હિંસા?
આવું કેમ?
કેમ આવું થઈ રહ્યું છે?
શું છે આના પાયામાં ? કયો રોગ ઘર કરી ગયો છે આ વિદ્યા મન્દિરોમાં?

અમેરિકાના સ્કૂલમાં થતા વાયોલન્સના સ્ટેટેટિકસ ને ડેટા ભેગા કરતી એજન્સીએ જણાવ્યું કે સ્કૂલોમાં આંઠ ટકા છોકરાઓ એક યા બીજી રીતે પ્રોબ્લેમ સાથે સન્કળાયેલા હોય છે તેઓ મોટો મસ રિપોર્ટ આપે છે કે નાના મોટા ઝગડા – ફાઇટ દરેક સ્કૂલોમાં થતાંજ હોય છે; કોઈ નબળા છોકરાને માનસિક ત્રાસ કે ફિજિકલી હેરાનગતી એ બધું સ્કૂલના માથાભારે બૂલીઓ કરતા હોય છે . એમાં સેક્સયુઅલ એબ્યુઝ અને લૂંટફાટ , તફડંચી પણ ભળે. અને એ બધું જે તે સ્કૂલના (YRBS)યુથ રિસ્ક બિહેવિયર સર્વિસ ડિપાર્ટમેન્ટમાં નોંધાય , ચર્ચા વિચારણા થાય ! હા , રિપોર્ટ થતા હશે, લખાણપટ્ટી થતી હશે, પેરેન્ટ્સ સાથે મિટિંગો થતીહશે.. પણ આ ટ્રબલમેકરો ટીચર્સ , કાઊન્સલર્સ કે માં બાપનું પણ ક્યાં માને છે? આવું કેમ?
અને મને યાદ આવ્યું ; આપણી ગુજરાતીની પેલી કહેવત: દુખતું હોય પેટ ને કુટે માથાં !

ઘણાં બધાં રિપોર્ટ અને પેપર વર્કમાં મૂળ પ્રશ્ન દબાઈ જાય છે .
મૂળ પ્રશ્ન છે :યુવાનો આવું કેમ કરે છે? આ પ્રશ્નનો જવાબ જોવા થોડી ભૂતકાળમાં નજર કરવી પડશે !
જોકે અંગ્રેજી ભાષામાં સઁસ્કાર અને સઁસ્કૃતિ માટે એક જ શબ્દ છે. જેને આપણે સઁસ્કાર કહીએ છીએ , કે જે બાળકને પાણી ની જેમ પીવડાવી શકાય નહીં પણ પીવડાવેલા પાણીથી ઉગેલા છોડ પર ફૂલ બનીને ખીલે , કે જે આપી શકાય નહીં પણ બાળક જાતે ઉપાડે તે સઁસ્કાર; અને પેઢી દરપેઢી સમય અને સમાજ સાથે ચાલી આવે તે સઁસ્કૃતિCulture !

ઓગણીસો સાહીઠ ને સિત્તેરના દાયકામાં નવયુગનો પવન ફુંકાયો. એ પૂર્વે અમેરિકામાં થયેલ ઔધ્ધયોગીક ક્રાંતિ , વિશ્વયુદ્ધ ને પછી થયેલ વિયેટનામ વોર.. અમેરિકાનો સમાજ બદલાઈ રહ્યો હતો .મોટા ભાગના સન્તાનો જેઓ સિંગલ પેરેન્ટ અથવા ગ્રાન્ડ પેરેન્ટ પાસે ઉછરેલાં એ બધાં હવે સ્વતંત્રતાના મહોરાં હેઠળ સ્વચ્છન્દ બની ગયાં હતાં . આ એ જ સમય હતો જયારે હિપ્પીઓ , મેરૂવાના ચરસ બધું જ સામાન્ય હતું ! જેને બેબીબૂમર્સ કહે છે તે આ પેઢી! દિશા વિહોણાં આ લોકો જયારે પેરેન્ટ્સ બન્યાં ત્યારે સન્તાનોને શું દિશા બતાવી શકે ? (આમાં અપવાદો છેપણ વાત આપણે સ્કૂલમાં થતી હિંસા વિષે કરીએ છીએ )

એંશીના દાયકામાં ડ્રગ્સ , દારૂ અને ફ્રી જાતીય સમ્બન્ધોને કારણે એઇડ્સ અને એચ આઈ વી જેવા અસાધ્ય રોગો વધી ગયાં , પણ એ વિશેની જાણકારી થતાં એ સ્વચ્છન્દતામાં થોડી ઓટ આવી અને ફરીએક વારસ્વચ્છ સમાજની આશા બઁધાઈ … પણ સમાજને બદલવો મુશ્કેલ છે. ટેલિવિઝન પર જેહિંસા અને મારામારીના શો બતાવવામાં આવતાં ,આનન્દ મઝા માટે કુસ્તી , ગન શૂટિંગ . ઇન્ક્રેડિબલ હક ( રાક્ષશ ) વગેરેની વાર્તાઓ અને નર્યા મારામારી ખુનામર્કીના કાર્ટુનો ! કુમળા માનસ પર કેવી વિકૃત અસર કરી હશે! ગળથુથીમાં જ
હિંસા! તો એને કેવી રીતે બદલી શકાય ?

( એ જ અરસામાં ભારતમાં રામાયણ – મહાભારતે લોકોમાં ઘેલું લગાડ્યું હતું , ને બધાં ભેગા થઈને ટી વી જોતાં હતાં એવું સાંભળેલ ) અહીં ઉછરતાં સન્તાનોમા પશુ પ્રેમ ખરો પણ માનવ સહવાસથી તે વન્ચિત જ રહ્યાં! કુટુંબ વ્યવસ્થા પણ એવી જ કે અઢાર વર્ષની ઉંમરે યુવાન માં બાપથી અલગ રહેવા જાય!( અને ઘેર પણ જન્મ દાતા -માં અને બાપ -સાથે રહેતા હોય તેવાં દમ્પતિ યુગલ કેટલાં? એ અરસામાં ડિવોર્સનું પ્રમાણ ૭૫% હતું : દર ચારમાંથી ત્રણ લગ્ન છૂટાછેડામાં પરિણમે ! જોકે બે કે ત્રણ વાર લગ્ન કરનાર પણ ઘણાં હતાં ) અને કદાચ તેથી જ આ યુવાનો કુતરા અથવાબિલાડીમાં એ પ્રેમ શોધતા હશે ? અને લાગણીથી વંચીત એ યુવાનો પછી માંબાપને , જયારે એ લોકોને જરૂર હોય ત્યારે ,માંદે સાજે મદદમાં ક્યાંથી આવે ? દિશાવિહીન યુવાન! કુટુંબની હૂંફ વિનાનો , એકલો ! અને સ્ટ્રેસફુલ જીવન ! આજની ટેક્નોલોજીએ સમાજનું જેટલું હિત કર્યું છે તેટલું જ અણસમજુ અધૂરજ્ઞાનધારીને નુકશાન પણ કર્યું છે. ફેસબૂક કે ટ્વીટર વગેરે દ્વારા સાઇબર બુલી માણસને ગભરાવી દે ! વળી જે તે વિકૃત શો !પછી એ ફુગ્ગો ક્યારેક ફૂટે : સ્કૂલમાં એકલો પડી ગયેલો કે બુલીથી ત્રાસી ગયેલો ,કુટુંબથી વિખૂટો પડેલો કે ઘરના ક્લેશ કંકાસથી નાસી ગયેલો યુવાન જયારે શાંતિશોધતા ડ્રગ્સ ને દારૂ તરફ વળે છે પછી તેને કોઈ જ બચાવી શકતું નથી . આ દેશમાં ગન અને સેમાઈ ઓટોમેટિક રાઇફલ ,વ્યક્તિ કાયદેસર રીતે લઇ શકે છે.. શા માટે? કારણકે પોતાનો બચાવ કરવાનો એને હક છે! એક તો જુવાન હોય અનેવાંદરા જેવો મર્કટ મનનો હોય અને પછીઉપર ભાન્ગપીએ અને હાથમાં ફાયરઆર્મ્સ મળે! અને પછી એ ક્રેઝી કાં તો આત્મહત્યા કરે અને કાં તો બધે ફરી વળે.. એમાં શું નવાઈ? અને તોયે હું પૂછું આમ કેમ? ?પ્રશ્ન ગહન છે, રોગ ઘણો ઊંડો છે! અને જાણ્યે અજાણ્યે , આપણને ગમે કે ના ગમે પણ આપણાં બાળકો તો આ પ્રવાહમાં ખેંચાઈ જતાં નથી ને? શું આપણે એમને રોકી શકીશું ? અટકાવીને સાચો માર્ગ ચીંધી શકીશું ને ? આમ કેમ? ?

ગીતા ભટ્ટ 

૨૧-એવું કેમ ?સફળતા અને એકલતા

એવું કેમ ? સફળતા અને એકલતા !

તાજેતરમાં જ આપણાં ફિલ્મ જગતની સુપર સ્ટાર શ્રીદેવીનું બાથટબમાં પડવાથી ( અમુક સમાચાર એજન્સીઓના કહેવા પ્રમાણે અમુક પ્રકારની દવાઓ અને દારૂને કારણે )આકસ્મિક નિધન થયું.  ફિલ્મી જગતનો આ એક વધારાનો આંચકો.

અમેરિકામાં માઈકલ જેક્શન અને વ્હીટની યુસ્ટનનાં ડ્રગને કારણે નીપજેલા મોતને હજુ ભૂલ્યા નથી ; ૧૯૬૦ – ૭૦ ના દાયકામાં પ્રસિદ્ધ, લોકપ્રિયતાને શિખરે બિરાજેલ મીનાકુમારી કે ગુરૂદત્તનાં આલ્કોહોલને કારણે થયેલાં મૃત્યું તો દૂરની વાત છે પણ રાજેશ ખન્ના જેવા હિન્દી ફિલ્મ જગતના લોકપ્રિય સુપર સ્ટારની યાદો તાજી જ છે .. ત્યાં શ્રીદેવીની અચાનક વિદાયથી વધુ મોટો આંચકો આવ્યો !

એવું કેમ?
સફળ વ્યક્તિ માટે કહેવાયું છે :
Behind a successful man there is a dedicated woman ! પણ વાસ્તવિકતા કૈંક આવી છે.  સફળ વ્યક્તિ સાથે બીજી કોઈ વ્યક્તિ હોય કે ન હોય પણ એકલતા પડછાયાની જેમ જરૂર વણ બોલાવ્યે આવતી જતી હોય છે . તમે સફળ થાઓ તે સાથે અંદરથી એકલાપણું અનુભવવા મંડો. થોડો વિરોધાભાસ લાગે છે ને ?

આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ,  કેવાં સારાં મોટાં કલાકારો સેલિબ્રિટીઝ ડ્રગ્સ અથવા દારૂના ચક્કરમાં ફસાયેલા હોય છે . એટલી હદે કે એના એડિક્શનમાં ભલભલા — હીરો હીરોઇનો – સુપર સ્ટાર્સને આપણે નજર આગળ જીવનથી અલવિદા કરતાં જોઈએ છીએ.ટી વી સિરિયલ બાલિકા વધુની હિરોઈન પ્રત્યુષાનું ક્સમયનું મોત કે અમિતાભ બચ્ચન સાથે સૌથી નાની હિરોઈનનો રોલ ભજવનાર જીયા ખાન વગેરે અહીં યાદ આવે. નાની વયે વિચિત્ર કારણોસર તેઓની ક્સમયની એક્ઝીટ.

એવું કેમ?
જાહેર જીવનમાં તો તેઓ અનેક માટે રોલ મોડલ્સ હોય છે..પણ તો પછી અંગત જીવનમાં આ ખાલીપો શાને ?
આમ તો સફળતા અને ઝાકઝમાળ જિંદગી એટલે પૈસો અને પ્રતિષ્ઠઠા. ચારેકોર વાહ વાહ. જ્યાં જાઓ ત્યાં આવકાર. ફુલહારથી સન્નમાન. રૂપેરી દુનિયાના રૂપાળાં રાજાઓ ને રાજકુમારીઓ. તો પછી નશો કરી દુઃખ ભુલાવવાનું શું પ્રયોજન ?શું ખૂટે છે જીવનમાં? સામાન્ય પ્રજા તો એમના આવા સફળ સુંદર જીવનથી ઘેલી થઇ એવું મોજ મઝાનું જીવન પોતાને મળે તે માટે ફાંફાં મારતી હોય છે.. તો આ વિરોધાભાસ શાને? આવી અસંમતુલ – કોન્ટ્રાડિકટરી જિંદગી?

હમણાં થોડા સમય પૂર્વે અમેરિકાના એક રેડીઓ પર સેલીબ્રીટીસ ચિલ્ડ્રન ( પ્રખ્યાત હીરો – હીરોઇનનોના સંતાનો )સાથેની ચર્ચા સાંભળવા મળી . સફળ  નીવડેલા કલાકાર તરીકે લોકપ્રિયતા ટકાવી રાખવા તેમના માં બાપોને આપવા પડતાં બલિદાનો વિષે એ બાળકો અને પુખ્ત ઉંમરના સંતાનો બોલતાં હતાં.  સુખ સંપત્તિથી છલોછલ છલકાતી દોમ દોમ સાહેબી વચ્ચે રૂંધાતી લાગણીઓ અને સમયનો અભાવ. કુટુંબમાં સંતાનોને ઉછેરવામાં અપૂરતી તક અને અન્ય કારણોથી ( ગળાકાપ હરીફાઈ , વફાદાર મિત્રોનો અભાવ વગેરે ) થી ઉભો થતો સ્ટ્રેસ.

બેઘડી વિચાર આવે : એવું કેમ ?
પણ સેલીબ્રીટીસના સંતાનોએ કહ્યું કે સામાન્ય માનવીની જેમ નોર્મલ જીવન જીવવું તેમને માટે (સંતાનો માટે )પણઅશક્ય હતું.  એમની ફરિયાદ હતી કે એમને ફ્રાઈડેની સાંજે સિરિયસલી ડેઈટ ઉપર જનાર બોય ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ મળવા મુશ્કેલ હોય છે.  મોટાભાગના મિત્રો તેમનો “ ઉપયોગ “ આ નીવડેલા એકટર એક્ટ્રેસને મળવા જ કરતાં હોય છે.  એક વ્યક્તિ નહીં પણ એક આગળ વધવા માટેનું તેઓ માધ્યમ હોય છે. જાહેર જીવન સાથે દરેક વ્યક્તિની એક અંગત જિંદગી પણ હોય છે  અને એ અંગત જિંદગીને અંતર્ગત દરેક ફેમસ વ્યક્તિની એક પોતાની ખાનગી લાઈફ હોય છે.  પડદા પર સામાન્ય ગરીબ ઘરની પુત્રવધૂનો રોલ કરતી સંપત્તિવાન હિરોઈન એક એશ આરામનું જીવન જીવે તે એની અંગત લાઈફ થઇ. પતિ અને સંતાનો સાથે ક્રુઝમાં જાય , વેકેશન માણે એ અંગત જિંદગી થઇ અને એ જાહેર અને અંગત જીવન તો આપણે બધાએ જીવીએ છીએ પણ પોતાનું સૌંદર્ય ટકાવી રાખવા , વજન કંટ્રોલમાં રાખવા, ટેન્શન ઓછું કરવા જે ઉપચારો કરે , ટ્રીટમેન્ટ કરાવે વગેરે તેની inner life – private -ખાનગી લાઈફ થઇ. જેમાં પત્રકારો કે સોશિઅલ મીડિયાને સ્થાન નથી .પણ પત્રકારો કે ન્યુઝ એજન્સીઓને એમાં જ તો રસ હોય છે. વાતને શોધી ને ચગાવવાની ! ( સોરી , પણ કેટલેક અંશે ‘એવું કેમ ‘માં અનિચ્છાએ પણ શું આવું નથી થતું ?) અને છેલ્લે આવે છે વ્યક્તિની inner personal private life :પ્રત્યેક વ્યક્તિની પોતાની એક ગૂઢ મન: સૃષ્ટિ પણ હોય છે અને ત્યાં માત્ર એ પોતે જ હોય છે. સામાન્ય વ્યક્તિના આ છેલ્લા બે અંતર જગતમાં એના પોતાના નજીકના પરિવારનાં હિતેચ્છુઓ આંટો મારતાં હોય છે પણ સફળ સેલિબ્રિટીઝ માટે એમની ખ્યાતિ જ એક ઢાલ બનીને તેમને એકલા બનાવી દે છે. તેથી વેસ્ટર્ન વર્લ્ડમાં ( અને આપણે ત્યાં પણ હવે)રિ હાબ સેન્ટર્સમાં , થેરાપિસ્ટ સાયકોલોજીસ્ટ વગેરે પાસે એ લોકો દિલ ખોલતાં હોય છે પણ સોશિઅલ મીડિયા ત્યાં પણ તેમને ક્યાં જંપીને બેસવા દે છે? અને ક્યારેક એનો અંજામ અજુગતો આવે છે… મૃત્યુ બાદ પણ જયારે સામાન્ય વ્યક્તિનાં સંતાનો પોક મૂકીને રડીને દુઃખ દર્દ બહાર લાવી દિલ હળવું કરે છે ત્યારે સેલિબ્રિટીઝના સંતાનોને એ પણ અલભ્ય છે. બસ દુઃખતાં દિલે આસું સહ શ્રીદેવીને અંજલિ અર્પતાં એટલું જ પૂછીશું : એવું કેમ?સફળતા પાછળ આવી એકલતા ?એવું કેમ ?

ગીતા ભટ્ટ 

૧૯-એવું કેમ ? ધર્મ ગુરુઓનું ક્વોલિફિકેશન:-

હમણાં તાજેતરમાં ગુજરાતના એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું થયું . આમ તો જેટલાં ધાર્મિક સ્થળો , જેટલાં મંદિર અને જેટલાં સંન્યાસીઓ બાબાઓ , મુનિઓ , સ્વામીઓ અને ધર્મ ગુરુઓ અને એમના ભક્તોએ ફાળવેલી જમીનમાં રચાયેલા આશ્રમો ,તમને આ ‘સ્વર્ગાદિપિ ગરિયસી’ પુણ્યભૂમિ ભારતમાં જોવા મળશે એટલાં તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે.  આખ્ખો દેશ જ ‘ મહાત્માઓ ‘ યોગીઓ અને સાધુ – સંન્યાસીઓથી ઉભરાય. આત્મા અને પરમાત્માની વાતો કરતાં આ મહાનુભાવો સંસારમાં જલકમલવત રહેવાનો ઉપદેશ આપે . ક્ષણભંગુર આ સ્થૂળ દેહ કાલે બળીને ભસ્મ થઇ જશે . એનો મિથ્યા મોહ ન રાખવા ની વાતો કરે, કથાઓ કરે. ચારે બાજુએ અહીં ઢોલ ઢપાટા અને બેન્ડ વાજા સાથે ‘ માઈની ગરબીઓ ‘ ભાગવતની શોભા યાત્રાઓ કે ગમે તે દેવ દેવીના સરઘસો નીકળે અને કોઈની તાકાત નથી કે ગમે તેવા બીઝી સમયે ટ્રાફિકને રોકતાં આ શોભા યાત્રા , માતાજીની સવારી કે ભક્ત મંડળને કોઈ રોકે. અમાસના દિવસે આનંદનો ગરબો કે પૂનમની સત્યનારાયની કથા કે શનિવારે સુંદરકાંડ કે weekendમાં ત્રણ દિવસનું રામાયણ પારાયણ કે સાત દિવસની ભાગવત સપ્તાહ .. આ બધ્ધું જ તમને અહીં જોવા મળે. ઓહહો! જાણેકે હું તો સ્વર્ગમાં જ વસુ છું !
આટલો બધો ધર્મ!!
અને જરાક જ બાજુમાં નજર થઈ જાય ને ભૂખ્યે ટળવળતાં , લાલચુ નજરે કાંઈકે મળવાની આશાએ ભટકતાં છોકરાંવ ને જોઈને ધરતી પર પછડાઉં.
ગુંગણામણ થઇ જાય આ વિરોધાભાસ જોઈને. જો આત્મા અમર છે અને જીવ શિવનો જ અંશ છે તો લાકડીએથી હાંકી કાઢવામાં આવતાં આ મજદૂર વર્ગના બાળકો શું શિવનો અંશ નથી? જો આ જાહેર જનતા માટેનો પ્રોગ્રામ છે તો શું ગરીબ મજદૂર વર્ગને અહીં સ્થાન નથી? ભગવાન ભાવનો ભૂખ્યો છે અને વિદુરજીની ભાજી ખાધી અને દુર્યોધનના મેવા ત્યાગ્યા. સુદામાને રાજ મહેલમાં બોલાવી રુક્મણિજીએ તેમના પગ ધોયા. તો આ લાકડીએથી હાંકી કાઢવામાં આવતાં ભુખ્યાં બાળકોમાં સુદામા જ તો છે.  તો તેઓ સામે આવું અમાનુષી ઘૃણાનું વર્તન ?
એવું કેમ?

શું થઇ રહ્યું છે આ મારી માતૃભૂમિ ભારતમાં?

કોણ છે આ ધર્મને નામે આવાં કાર્યક્રમોનું આયોજન કરનાર ? બોલનારા વ્યાસપીઠ પરથી બોલ્યાં કરે અને સાંભળનારાં હરિ ૐ ! હરિ ૐ કહી સાંભળ્યા કરે.  આવી જાતની ધર્મ સભાઓ આપણાં હિંદુ ધર્મ સિવાય બીજા ધર્મમાં જોયાનું યાદ નથી. અમેરિકામાં લગભગ ચાર દાયકાનો વસવાટ અને ક્રિશ્ચિયન અને યહૂદી ધર્મના મિત્રો સાથે ચર્ચ , સીનેગાગ માં જવાનું થાય . એમના ફંડ ફાળાના પ્રોગ્રામોમાં પણ જઈએ . ઈઝરાયેલને ઉભા થવામાં મદદ કરવાની હોય કે કોઈ આપત્તિમાં સહાય કરવાની હોય. ધર્મ સ્થાનેથી આવી પ્રવૃત્તિઓના એલાન અપાય . અલબત્ત , થોડે ઘણે અંશે સત્તાની ખેંચમખેચ બધેય રહે જ. પણ, આપણાં ધર્મગુરુઓ અને ધર્મસ્થાનોની તાકાત જો પચાસ ટકાયે જો લોકહિતાર્થે વપરાય તો દેશનો નકશો જરૂર બદલાય. આપણે ત્યાં ધર્મ એક મહત્વનું બળ છે. રાજકારણ ભલે ઉદાસ રહે પણ વ્યાસપીઠની તાકાત ભારે છે અને તેનામાં પરિવર્તન લાવવાની તાકાત છે- જો એ ધારે તો

પણ એવું થતું નથી!
એવું કેમ?
બ્રાહ્મણ ઘરમાં મારો જન્મ (?) ને પરંપરાગત કથાકારો , ગોરમારજો , જપ તપ , વિધિ વહેવારો વગેરેનો ઈજારો આ બ્રાહ્મણ જ્ઞાતિમાં તેથી અમે ઘણાં ધર્મગુરુઓને અને તેમના કુટુંબીને પેઢી દર પેઢીથી જાણીયે.

ગુજરાતના એક પ્રસિદ્ધ મંદિરના દર્શન કરી નજીકના ગામમાં ,જાણીતા ખ્યાતનામ ગોરમારાજ ને ઘેર ગયાં. નાનપણમાં અત્યંત ગરીબાઈ અને ગામડામાં અન્ય સુવિધા વિના ઉછરેલ આ સાત ચોપડી ભણેલ મહારાજે સાચું જ કહ્યું કે ધર્મનું એમનું જ્ઞાન પરંપરાગત કુટુંબના વડીલના જ્ઞાનને આધારે ,કોઈ પદ્ધતિસરના અભ્યાસ વિના જ ઘડાયું હતું ! એ જુનવાણી ,અંધ શ્રદ્ધા ,અને કોઠા સૂઝથી એમની ખ્યાતિ ચારેકોર પ્રસરી હતી.

“ પતંગ કાંઈ દિશામાં ઉડાવાય ? જે દિશામાં પવન વહેતો હોય!” એમણે કહ્યું. લોકોને જે ગમે છે તે અમે પીરસીએ છીએ ! એમની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાની શી જરૂર ? અને ગરીબોનો ઉદ્ધાર કરવાનો અમે ઠેકો નથી લીધો. લોકોને આવા વરઘોડાઓ અને જમણવારમાં શ્રદ્ધા હોય તો અમે એ રીતે વાર્તાઓ કહીએ : રુક્મણી વિવાહ કે કૃષ્ણ જન્મ કે જે તે પ્રસંગોને ધામધૂમથી ઉજવીએ અને સાડી સેલાં કે ઘરેણાંનો વરસાદ વરસે એમાં સૌનું હિત જ છે ને!”

એમની વાતે મને વિચાર કરતી કરી દીધી !
આપણે ત્યાં બધાને જે ફાવે તે કરે ! એમને ક્રિશ્ચિયનોની જેમ કોઈ મિનિસ્ટ્રીમાં પ્રિસ્ટહુડ – પાદરી બનવાની લાયકાત માટે ભણવા જવાનું નહીં. વેટિકનના પોપની જેમ આપણા શંકરાચાર્યના મઠ પાસે કોઈ સત્તા નહીં. યહુદીઓના રેબાઈની જેમ કોઈ પરીક્ષાઓ પાસ કરવાની નહીં.

અલબત્ત સારા સંતો અને આશ્રમો પણ અહીં છે જ ! પણ એ બધા સ્વેચ્છાએ બનેલા સારા આશ્રમો છે. રાજ્યનું એના પર કોઈ નિયંત્રણ નથી. વળી બિનસાંપ્રદાયિકતાના નામે પણ રાજકારણીઓ આ વિષયથી દૂર રહે પણ તો નવી હવા – નૂતન વિચારો ક્યાંથી ફેલાવવા ?
આવું કેમ ?
ધર્મનો સાચો અર્થ શું છે?
ધર્મનું સાચું કર્તવ્ય શું છે?
કોણ કોને માર્ગ બતાવશે ?
આવું કેમ?
અને આવું ક્યાં સુધી ચાલશે ?
ક્યાં સુધી આપણે આ ગાડરિયા પ્રવાહમાં ખેંચાતા રહીશું ?
પ્રશ્ન ઊંડો છે.. હજુ તો માત્ર સપાટીએથી જ બૂમો પાડું છું .. આવું કેમ?

૧૬-એવું કેમ ? એક સિનેમા પાછળ આટલાં તોફાન ?

માતૃભૂમિ પર પગ તો મુક્યો-
આતુર નયને , અધીર મનડે,
હરખપદુડાં ,હેત નીતરતાં ,
ફર્લાંગ ભરતાં, મોં મલક્તાં ,
અહોભાવ ને ઉમળકાથી –
માભોમને મળવાં,
આવી તો પહોંચ્યા :
પણ ?
પણ અહીંની પરિસ્થિતિ જોઈ ડર લાગ્યો , દુઃખ થયું અને ચિંતા એ ઘર કર્યું!
અહીં તો અમદાવાદ બંધનું  એલાન હોય તેમ લાગે છે. ચારે બાજુ હિંસા , હુલ્લડ -તોફાનો,અરાજકતા – અરે આ બધું શું છે ?
અચાનક આવું કેમ ?
શું બની ગયું એટલામાં ?
આ એ જ ગુજરાત છે જ્યાં ઔદ્યોગિક તકોને લીધે વિશ્વભરની કંપનીઓએ વિશ્વાસ મૂકીને નાણાં રોક્યાં છે ? જ્યાં શાંતિ અને સલામતીને લીધે દેશ પરદેશથી લોકો હરવા ફરવા વેકેશન માણવા આવે છે, જેને લીધે ટુરિઝમ – પ્રવાસ પર્યટન વિભાગ ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લા વીસેક વર્ષથી અહીંયા કોઈ તોફાન છમકલાં થયાં નથી  તો આ લૂંટફાટ, આગ અને ભાંગફોડ બધું ક્યાંથી એકાએક ? ટી વીમાં હું બળતી બસો , મોટરગાડીઓ અને ગરીબોની રોટી રોજીનો આધાર એવી પચ્ચીસેક મોટરબાઈક તૂટેલી ફૂટેલી હાલતમાં ખડકાયેલા જોઉં છું અને સાથે ચોધાર આંસુએ રડતો એક યુવાન મજુર મને બેચેન કરી દે છે.
એ સાથે એક બીજા સમાચાર પણ છે:
કોઈ નાની બાળકી ઉપર ગેંગ રેપ અને પછી મર્ડર… થયું છે. શું ? આ માસુમ બાળકી પર થયેલ અત્યાચાર સામેનો આ આક્રોશ છે?
ના રે ! સમાજનું આ નામોશીભર્યું અંગ – એ તો કોઈને દેખાતું જ નથી. એનાથી તો કોઈનાયે પેટનું પાણી હાલતું નથી.
આ ધાંધલ ધમાલ તો છે એક મુવી ‘પદમાવતી બતાવી તેની. જેમાં ડિરેક્ટરે ઇતિહાસ સાથે સમજૂતી કરી છે- રજપૂત લોકોને નીચા બતાવ્યા છે -એમ કેટલાક લોકોનું કહેવું છે. ઇતિહાસમાં સાચું શું હતું એ એક સંશોધનનો , અભ્યાસુનો વિષય છે. પણ આ મુવી જોયા પછી મને તો એમાં કાંઈજ વાંધાજનક લાગ્યું નથી. રજપૂતોની ગરિમા વધારતું એક સ્વચ્છ મુવી !એક સરસ સિનિમા જોયાની અનુભૂતિ થાય તેવું આ મુવી છે.

પણ ,તો આવું કેમ ?
કેમ આટલાં તોફાનો ?
કેમ એનો આટલો સખ્ત વિરોધ ?
એવું કેમ ?

હું જુદા જુદા દ્રષ્ટિકોણ ધરાવતાં છાપાં, મેગેઝીન અને ઇન્ટરનેટ સમાચારો સાથે અહીંના લોકલ લોકોના અભિપ્રાય -માન્યતાઓનો અભ્યાસ કરું છું.ગુજરાત, મહારાષ્ટ્ર ,રાજસ્થાન , મધ્યપ્રદેશ ,છેક હરિયાણા સુધી પ્રસરેલ આ તોફાનો પાછળ માત્ર દેશની શાંતિ હણવાનો, પ્રગતિ રૂંધવાનો અને અરાજકતા ફેલાવી સરકારને મુંઝવવાનો જ ઈરાદો દેખાઈ આવે છે. આ તે કેવી ખુલ્લેઆમ દાદાગીરી ? સુપ્રિમ કોર્ટે તો આ મુવી રિલીઝ કરવાની પરવાનગી આપી દીધી. તો પછી આ વિરોધ શાને ?

એવું કેમ?
હું ભગ્ન હ્રદયે દેશના આ અમીચંદોને જોઈ રહું છું. પૈસા આપી ભાડુતી માણસોને ભેગાં કરી સામાન્ય જનતાને પરેશાન કરતાં આ અસામાજિક તત્વો જ તો અમીચંદો બની દેશને પાયમાલ કરે છે.  જ્ઞાતિવાદ,જાતિવાદ, કોમવાદ B. C; કે O.B.C  કે S.C કે જે તે વર્ગમાં દેશને વિભાજીત કરી કે ગમે તે વાહિયાત પ્રશ્ન ઉભા કરી દેશની પ્રજાને બહેકાવવાની વાત છે આ તો.

દેશના વિકાસમાં એમને રસ નથી? જો સરકાર આવાં છમકલાઓ દાબી દેવા પોતાની શક્તિ વાપરે તો પ્રગતિના મહત્વનાં કર્યો કરી શકે નહીં  અને એ જ તો આ દેશદ્રોહીઓને જોઈએ છે.
“ અમે તો અમારો વિરોધ દર્શાવીએ છીએ ! અમારી કરણી જાતિ – ક્ષત્રિય કૉમનું એમાં અપમાન છે !” એમણે કહ્યું.
પણ ,અહીંયા રોજ ગમેતે સ્ત્રીની આબરૂ લૂંટાય છે ,સમાજનું એ મોટામાં મોટું કલંક છે.કોઈ બંધ કે બહિષ્કારના એલાન નથી આપતાં? અને એક મુવી માટે આટલો વિરોધ? અને વિરોધ દર્શાવવાની આ કેવી રીત ?

હું અનાયાસે જ પ્રેસિડન્ટ ટ્રમ્પના વિરોધમાં થતાં સભા સરઘસ યાદ કરું છું. ‘નથી ગમતું તો હું એનો વિરોધ જરૂર કરીશ પણ કોઈની જાનહાનિ કે ચીજ વસ્તુને જોખમમાં મૂકીને નહીં જ.  મેં પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે વિરોધ કરતાં લોકોને જોયા છે: કોઈને બસ સ્ટેન્ડ બાળતાં, દુકાનો તોડતાં જોયા નથી.  ત્યાં કાયદો અને વ્યવસ્થાનું કડક હાથે પાલન થાય છે.
લાગે છે કે કાયદા કાનૂનમાં પણ અહીં ઉધઈ લાગી ગઈ છે. 
એવું કેમ?

કેમ મારા દેશવાસીઓ એ સમજતાં નથી કે તૂટેલા બસસ્ટેન્ડ ફરી જલ્દીથી નવા નહીં થાય. બળેલી બસો ફરીથી નવી નહીં મળે. જે સ્કૂટર ગરીબની રોટીનો આધાર હતાં એ ગરીબ હવે નવાં નહીં વસાવી શકે. સમજ્યા વિના ગાડરિયા પ્રવાહમાં જોડાઈને રાષ્ટ્રની જાહેર પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવું ,અશાંતિ ઉભી કરવી એ દેશદ્રોહ છે. શું સાચો ક્ષત્રિય આવું કરે?

એક બાજુ ,”ક્ષત્રિય કોમને નીચી બતાવી તમે અપમાન કર્યું છે” કહી તોફાનો કરવા .
અને બીજી બાજુ બિચારાં નિર્દોષ સામાન્ય માણસોનું રક્ષણ કરવાને બદલે ત્રાસ પહોંચાડવો.  એવું કેમ ?

આજે દાવાનળ જરા શાંત થયો છે કારણ અમુક રાજ્યોએ સ્વૈચ્છિક આ મુવી લોકોને નહીં બતાવવાનું નક્કી કર્યું છે.  એક સરસ મૂવીથી સિનેમા પ્રેમી જનતાને વંચિત રાખવામાં આવશે.
એવું કેમ?

જો કે મુવી પોતે જ એ જ વાત પર રચાયું છે કે જયારે પદ્માવતીનો પતિ રાજા રાણા રતનસિંહ અને પ્રિય સંગીતકાર રાઘવચેતન વચ્ચે કાંઈ અણબનાવ થાય છે એટલે એ દિલ્લીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીને જઈ ચિત્તોડની રાણી પદ્માવતીના અપ્રતિમ સૌંદર્યની પ્રસંશા કરી અલ્લાઉદ્દીનને ભંભેરણી કરે છે પછીની વાત આપણને ખબર છે.. ઘર ફૂટ્યે ઘર જાય ..  આપણે ઇતિહાસ પાસેથી પણ કાંઈ ના શીખ્યાં?

અને વિધિની વિચિત્રતા તો જુઓ ! આજે રાષ્ટ્ર ગાંધી નિર્વાણ દિન મનાવી રહ્યો છે:
વૈષ્ણવ જન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે.. ચારે બાજુ એના સૂર વહી રહ્યા છે.. કોણે કેટલાની પીડા દૂર કરી તે પ્રશ્ન છે!
“ મેરા ભારત મહાન !” એમ બોલવાનું તો સૌને ગમે ! પણ રાષ્ટ્રને મહાન બનાવવા કોણે કેટલો ફાળો આપ્યો ? એ વિચારે હું અસ્વસ્થ છું.હું પણ સવા કરોડ લોકોની જેમ ટી વી બંધ કરું છું.
નાનકડો એક દીવો ખૂણામાં પ્રકાશ પાથરતો આશ્વાસન આપતાં કહી રહ્યો છે ,” કરીશ હું મારાથી બનતું !” આંખના ખૂણા લૂછતાં હું વિચારું છું:
એવું કેમ ?

ગીતા ભટ્ટ 

15- આવું કેમ? જૂનું ઘર ખાલી કરતાં-

એ ઘર અમે જોયું અને ત્યારે જ ગમી ગયેલું.  સુંદર વિસ્તારમાં સુંદર મઝાનું ઘર.  સારી નિશાળ , સારો પડોશ અને નજીકમાં જ લાયબ્રેરી.  અરે મોટી મોટી પ્રખ્યાત બ્રાન્ડના શો રૂમ વાળો મોલ પણ આ જ સબર્બમાં. અમે એ ઘર મેળવવા સારી એવી મહેનત કરી ,ભગવાનને પ્રાર્થના કરી. જરા વધારે પ્રાર્થના કરી.. અને છેવટે એ ઘર -સરસ મઝાનું, નવી સ્ટાઇલનું , નવા ઘાટનું , નવા રંગ રૂપ આકારનું – અમને મળ્યું.

પણ આજે એ ઘર અમે ખાલી કરીએ છીએ.
અરે, પણ એવું કેમ?

એ તો સરસ મઝાનું ઘર હતું ને?
હા , એ લગભગ અઢી દાયકા પહેલાની વાત હતી!
હવે એ એવોર્ડ મળેલી નિશાળોની અમારે જરૂર નથી.  હવે પેલા બ્રાન્ડ નામવાળા સ્ટોર્સનો અમને મોહ નથી.  હવે અમારી પરિસ્થિતિ બદલાઈ છે, અમારી જરૂરિયાતો બદલાઈ છે.
પણ જ્યાં અમારાં જીવનનો મધ્યાન તપ્યો અને જ્યાં જીવનના અવિસ્મરણીય પ્રસંગોએ આકાર લીધો એ બધું જ હવે એક માત્ર સ્મરણપટ પર જ રાખીને ચાલ્યા જવાનું ?. ..અહીંથી તો અમારાં પંખીડાઓને
પાંખો ફૂટી અને એ પંખીડાં ઉડી ગયાં પોતાનો માળો બાંધવા ,પોતાના માર્ગે.

કેટલું બધું આ દિવાલોએ જોયું છે, માણ્યું છે, ક્યારેક એ રડી છે, એમાં હર્ષાશ્રુ પણ છે ને વિરહની વેદના પણ છે. રિસામણાં -મનામણાં ,સરપ્રાઈઝ ,સંભારણા. ઘણું બધું ‘ ફર્સ્ટ ટાઈમ ‘ પણ આ જ ઘરમાં ઉજવ્યું છે – સંતાનોનું પહેલું ગ્રેજ્યુએશન, પહેલી નોકરી , લગ્ન , મહેફિલ – મિજબાની ….
લાગણીઓ આંખમાં ઉભરાય છે.
હાથ હેઠા પડે છે. પગ ઉપડવા આનાકાની કરે છે.

હું પરાણે ઘરવખરી – કપડાંલત્તા – પુસ્તકો – કાગળ કમ્પ્યુટર ભેગાં કરવા પ્રયત્ન કરું છું .
અચાનક એક કાગળ પર મારી નજર પડે છે .
છેકછાક કરેલા એ કાગળ પર બાળકોના ડે કેર સેન્ટર સિનિયર પ્રિ. કે.ની સ્કેડજયુલ -ટાઈમ ટેબલ માટે લખ્યું છે:
Clean Up Time !

નાના બાળકો સવારે બાળમંદિરની પ્રિય એક્ટિવિટીનો સમય આવે: ફ્રી પ્લે ! તમારે જ્યાં રમવું હોય ત્યાં , જે રમવું હોય તે રમવાનો સમય. અને પછી આવે “ ક્લીન અપ” ટાઈમ.
તમે જે જગ્યાએ જે રમકડાંથી રમ્યાં હો તે બધું યોગ્ય જગ્યાએ પાછું મુકી દેવાનુ.  બાળકોને “ ક્લીન અપ” ટાઈમની વોર્નિગ અપાય, નાનકડી ઘંટડી વાગે . હળીમળીને રમતાં બાળકો પોતાનું ક્રિએશન – સર્જન – જોઈલે . કોઈએ બિલ્ડીંગ બ્લોક્સના એરિયામાં ઊંચો ટાવર કે ઘર કે મહેલ બનાવ્યો હોય, તો
કોઈએ ગાડીઓનું ગેરેજ ને ગેસ સ્ટેશન સેટ અપ કર્યાં હોય, કોઈએ ઘરઘર રમતાં હાઉસ કીપિંગ એરિયામાં એપ્રન પહેરી કોફી અને પેનકેક માટે ટેબલ સેટ કર્યું હોય કે પ્રિટેન્ડ પ્લે એરિયામાં પપેટ શો થિયેટર બનાવ્યું હોય .. કોઈ એક ચિત્તે પ્લે ડો ( Play dough ) થી રમતું હોય કે કોઈએ પઝલ પુરી કરી હોય ..પણ ઘંટડી વાગે એટલે એ બધ્ધું જ હવે ધીમે ધીમે એની જગ્યાએ મુકવાનું.

હવે રમવાનો સમય પૂરો થયો.  હવે નવા પ્રકારની હલચલ શરૂ થશે. હવે નવી પ્રવૃત્તિ.

કોઈ બાળક સ્થિતપ્રજ્ઞની અદાથી બધું સમેટી લે, તો કોઈ પોતે મહેનતથી બનાવેલ ટાવરના બ્લોક્સ પાછા કન્ટેઈનરમાં (ટોપલામાં ) મુકવા તૈયાર ના હોય. કોઈક ને રમવાનો પૂરતો સમય ના મળ્યો હોય તો કોઈ બાળક રમતમાં મશગુલ હોય.. કોઈ આનંદથી તો કોઈ પરાણે -ટીચરની સમજાવટ પછી -પરાણે રડીને બધાં રમકડાં મૂકે.

કોઈ ઝડપથી જે તે રમકડાં જ્યાં ત્યાં નાંખે તો કોઈ વળી ચીવટથી બધ્ધું ગોઠવીને મૂકે..પણ ક્લીન અપ થઈ જાય અને પછી બીજી પ્રવૃત્તિનો પિરિયડ શરૂ થાય.

આ રોજનો ક્રમ છે.  દરરોજ આમ થતું આવ્યું છે. ઘટંડી  વાગે ને ક્લીન અપ ટાઈમ શરૂ થાય.
હવે આજે મારો વારો છે. મારે ક્લીન અપ કરવાનું છે. જીવનનો એક પિરિયડ પૂરો થયો છે.

હવે નવી પ્રવૃત્તિનો તબક્કો શરૂ થશે . પણ મારે હજુ રમવું છે, પેલા નાના બાળકની જેમ હું મારા આ કમ્ફર્ટ ઝોનમાં સલામતી અનુભવું છું . આ શહેર શિકાગો મને સદી ગયું છે. મારે પેલા બાળકની જેમ આ જ રમતમાં રમમાણ રહેવું છે. પેલા એક ચિત્તે મશગુલ થઈને રમતા બાળકની જેમ કાશ , કોઈ મને પણ સમજાવીને કહે: હવે બીજો પિરિયડ શરૂ થશે. You will be okey !“
અને મને વિચાર આવે છે.

ઢળતી સંધ્યાએ સંતાનો  માટે કે સંજોગવશાત, સ્થળાંતર  કરતાં કે જીવનના આ અણજાણ્યા તબક્કામાં સંક્રાંત  કરતાં , સૌ મિત્રોનો પણ આ ક્લીનઅપ ટાઈમ છે. કોઈ નિવૃત્ત થઇ ગામડેથી શહેરમાં આવે છે, કોઈ દેશ છોડી પરદેશ આવે છે, શરીર પણ હવે પહેલાં જેવું નથી જ રહ્યું . એટલે હવે જ સાચો સફાઈ કરવાનો સમય આવ્યો છે!

કેટ કેટલો સામાન આ મનના માળિયામાં ખડક્યો છે. છોડીશું નહીં કાંઈ , પછી નવું , તાજું ક્યાં મુકીશું ? પેલા બાળકને તો ટીચરે સમજાવી પટાવી મનાવી લીધું . પણ પુખ્ત વયના સિનિયરોને કોણ સમજાવશે ,શીખવાડશે ?

જીવનનો આ ક્રમ છે. એક પિરિયડ પૂરો થાય પછી બીજો પિરિયડ આવે. તમે એને ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ  કહો કે સિનિયર લિવિંગ કહો! હવે ક્લીન અપ ટાઈમ આવ્યો છે અને એને અનુસરવાનું છે.
મધ્યાને તપતો સૂર્ય સંધ્યા  ટાણે કોમળ ,સૌમ્ય બને છે. અને તેથી તે અધિક સુંદર લાગે છે .જેના પ્રખર તાપથી બપોરે બળતી ધરતી ,હવે સૂર્યના સોનરી કિરણે અલૌકિક મધુર લાગે છે.જે ધગતાં , લૂ ઝરતા સૂરજ પર નજર નાંખવાની કોઈની તાકાત નહોતી , હવે એજ સૂરજના – સૂર્યાસ્તના – દ્રશ્યો જોતાં લોકો ધરાતાં નથી.
અરે એવું તે હોય?
હા , સૂર્યને ગમે કે ના ગમે, પણ એવુંયે થતું હોય છે.
એ એક વાસ્તવિકતા છે.
યૌવનનો ધમધમાટ , જુવાનીનો તરવરાટ એ તો મધ્યાનના સૂર્ય સાથે ગયો. હવે તો છે સૌમ્ય સલૂણો સંધ્યાનો  પિરિયડ.

સમય શીખવાડે તે પહેલાં હું એ શીખી જાઉં તો ? હા , એવું કેમ ના બને ? ધીમે ધીમે હું એ ઘર, એ ગલી , એ ગામ શિકાગો ને અલવિદા કહું છું . લગભગ ચાર દાયકા બાદ ફરી એક વાર પૂર્વમાંથી પશ્ચિમમાં પ્રયાણ કરું છું..
એવું પણ હોય !

13 -આવું કેમ ?- નશાકારક ડ્રગ્સ ગાંજો – ચરસ હવે કાયદેસર ?

નશો કરો, અને આંનદ અનુભવો ! આ છે આ બધાં નારકોટીક ( જેની આદત પડી જાય )નશાકારક ડ્ર્ગનો અનુભવ ! અને હવે તે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન  વિના પણ મળી શકશે.
” પણ એમાં વાંધો શું છે?” કોઈ પૂછશે ,” એમ તો સવારે ચા પીવાનો કેવો આંનદ આવે છે?  અને એનાં બંધાણી ઘણાં હોય છે! તો એટલો બધો ઊહાપોહ આ બધાં ડ્રગ્સ માટે શા માટે ?

આપણે સવારે ઉઠીએ પછીનું આપણું પહેલું પ્રિય પીણું હોયછે સવારની આદુવાળી ,મસાલેદાર ,ફુદીનાથી મઘમઘતી ગરમ ગરમ ચા  અને એ ના મળે તો આપણને પણ બેચેની લાગે છે ને ? હા , એ બંનેથી  મન મોજમાં આવી જાય છે ; અને સ્ફૂર્તોમાં હોય તેમ અનુભવાય છે પણ શું ખરેખર ચા અને ચરસ સરખાં છે? ના , એ ભ્રામક સરખામણી છે ! ગાંજો અને ચરસ જેવાં ડ્રગ્સ  દેખીતી રી તે જ હાનિકારક છે. એ મનને શિથિલ બનાવે છે, તનને ભાંગી નાખે છે અને કુટુંબને તોડી નાંખે છે ! અને એવાં નશાકારક તત્વો શું હવે કાયદેસર થઇ ગયાં ?
ચાલો એક ઊડતી નજર આ નશાકારક ડ્રગ્સ ઉપર કરીએ.

આમ તો આવાં નશીલાં તત્વોનો ઉપયોગ હજારો વર્ષ પૂર્વેથી ચાલ્યો આવે છે! ” વાંદરાને ભાંગ ના પીવડાવશો ” એમ કહીને પશુ સૃષ્ટિમાં પણ એનો વપરાશ હશે તેમ લાગે છે.
આપણે ત્યાં દેવ દાનવોની વાર્તાઓમાં સુરાપાન કરવાની વાત કે કાળ ભૈરવને ભાંગ આપવાની વાતોનો ઉલ્લેખ છે જ! આ બધાં આનંદ પ્રમોદ માટે વપરાતાં નશાકારક ડ્રગ્સ , પણ આયુર્વેદમાં એના મેડિકલ હેતુથી ઉપયોગો દર્શાવ્યા છે.. નાનું બાળક શાંતિથી ઊંઘે અને એનું શરીર તંદુરસ્ત રહે તે માટે ‘જલારામ ચમચો ‘ચટાડવામાં આવતો જેમાં બહુ ઝીણી માત્રામાં આવું ઘેનનું તત્વ હોવાનું યાદ છે . જો કે આમ તો એ ચરસ કે ગાંજાનો ઉપયોગ મોટાભાગે તો સાધુ બાવાઓ ગામની ભાગોળે પડ્યા પડ્યા ચલમ – હુક્કામાં કરતા હોય છે.

એવી જ રીતે ઇજિપ્તના સિવિલાઇઝેશનમાં અને ગ્રીસની સંસ્કૃતિમાં પણ સદીઓ પૂર્વેથી ગાંજો – ચરસ – દારૂ વગેરે નશીલા ડ્રગ્સનો ઉલ્લેખ છે.

અમેરિકા તો નવો શોધાયેલો દેશ ! તેથી તેનાં ઇમિગ્રન્ટ્સ આ બધાં ડ્રગ્સ લઇ આવ્યાં. મોટા ભાગનો ગાંજો ( marijuana : મેરૂવાના ) મેક્સિકોથી આવતાં . વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાએ જોયું કે લોકો પર એની ઘણી આડ અસર થાય છે ( કારણકે લોકો અતિશય એવાં નશીલા પદાર્થો લેવા મંડ્યા હતા ..અતિ સર્વત્ર વર્જયેત ) આનંદ માટે લેવાતાં આ ડ્રગ્સ માણસના શરીરને ભાંગી નાખે છે અને માણસ આળસુની જેમ લિથાર્જિક બનીને સાન ભાન ભૂલીને પડ્યો જ રહે છે! એટલે ૧૯૨૦ માં તમામ પ્રકારના માદક પદાર્થ પર પ્રતિબંધ મુક્યો.  જેમાં ચરસ ( opium ) marijuana , કોકેઈને , આલ્કોહોલ વગેરે લેવાની મનાઈ ફરમાવી . જોકે લોકોના સરઘસો અને દેખાવો સામે નમતું જોખીને ૧૯૩૩ માં આ પ્રતિબંધ ઉપાડી લીધો. બીજા વિશ્વયુદ્ધ પછી , એટલે કે પોસ્ટ વર્લ્ડવોર જન્મેલાં સંતાનો જેને અહીંયા ‘બેબી બુમર્સ ‘ પેઢી કહે છે, એ બધાંએ આ ડ્રગ્સનો ઉપયોગ અનેક ગણો વધારે કરી દીધો.

આપણામાંથી ઘણાંને ખ્યાલ હશે કે સાઠ અને સિત્તેરના દશકામાં અહીં ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ અતિશય વધી ગયું હતું . માદક પદાર્થો – પછી એ દારૂની જેમ પીવાના હોય કે હુક્કામાં ફુંકવાના હોય- એનો ઉપયોગ સ્વતંત્રતા અને આઝાદીનું પ્રતીક બની ગયાં. આખી આ જનરેશન જાણે કે સંસ્કૃતિની સામે થઈ.  એ હિપ્પી એરા હતો . આમ પણ બબ્બે વિશ્વયુદ્ધોમાં ઘવાયેલ પ્રજા દિશા વિહોણી હતી. અને આ બધાં નાર્કકોટિક  કેફી પદાર્થો મનુષ્યના મગજને બહેર મારીને દુઃખ ભુલાવતાં હતાં.  મગજ શાંત થઇ જાય.  જોકે એની અસર ઓછી થતાં શરીરના ભાગો ભાંગી પડે , મનમાં ભય પેદા થાય, માણસ ડિપ્રેશનમાં જતો રહે જો એ દવા ફરીથી ના મળે તો! એટલે એક અજંપો અને એન્ઝાઇટી ઉભી થાય.
મોટાં મોટાં બિઝનેસમેન અને કલાકારો  રિલેક્સ થવા આવાં ડ્રગ્સ લે. જોકે એક વાર આના બંધાણી થયા પછી એનો ડોઝ વધારવો જ પડે  અને વધુ માત્રામાં લેવાથી હાર્ટ કે લીવર પર એની અસર થાય જે વ્યક્તિને મારી નાંખે ..
અમેરિકાની સરકાર વિચારે છે કે ઝેરી સાપના બચ્ચાને હવે કેવી રીતે નાથવો ? ગવર્મેન્ટે એની ઉપર પ્રતિબંધ મુક્યો તો ગેરકાનૂની સ્મગલિંગ શરું થયું ! મેક્સિકો ઉપર દબાણ લાવી એ દ્વાર બંધ કરાવ્યું તો કોલંબિયાથી સ્મગલિંગ શરું થયું.  મોટાં સોશ્યોલોજીસ્ટસ નું કહેવું છે કે હવેની જનરેશન આજની જનરેશન કરતાં વીસ વર્ષ ઓછું જીવશે . એક ગણતરી મુજબ ગયાં વર્ષે એક્સિડન્ટથી થયેલા મૃત્યુમાં ચાલીસ ટકા મૃત્યુ ડ્રગ રિલેટેડ હતાં.
તો આવાં ડેન્જરસ નશીલા પદાર્થોને કાયદેસર શા માટે કરવાં?
એવું કેમ ?

જે સમાજને નુકશાનકારક છે તેને સરળ રીતે પ્રાપ્ય બનાવવાનું ?
પણ લોકશાહીમાં સરકાર પોતાનો ફાયદો જુએ !
જો આ નશાકારક ડ્રગ્સને કાયદેસર કરીએ તો સ્મગલિંંગનો ધંધો  બંધ થાય અને સરકારને આવક થાય( જેમ સિગારેટ કે દારૂ લેનારને મોટો ટેક્સ પડે છે તેમ )

ડોકટોરો પણ પૈસા કમાવા ખોટા પ્રિસ્ક્રિપશન લખી લોકોને ડ્રગસ વેચવા દે છે તે બધું બંધ થાય. વળી પોલીસ ડિપાર્ટમેન્ટને એક વધારાનું કામ મળે અને કાયદાની વાત આવે એટલે વકીલોનેય લ્હેર પડી જાય. એવું  માનવામાં આવે છે કે  સ્ટારબક્સના કોફી શોપ કરતાંયે વધારે એ નાર્કોટિક ડ્રગ્સની દુકાનો ખુલશે. એટલે અનેકને નોકરી મળશે !
તો આજની પેઢીએ શું વિચારવું જોઈએ ?

આ નશાકારક દ્રવ્યો ઘડીભર દુઃખમાંથી મુક્તિ આપે છે: ખરેખર દુઃખ ઓછું નથી થતું પણ એ મગજને શિથિલ કરે છેે તેથી  ક્ષણિક દુઃખ ઓછું થાય છે. લિવર ખરાબ થઈ જાય છેે.  ફેફસા નબળા થઇ જાય છે એ ડ્રગની આદત પડી જાય છે અ ને કુટુંબ પાયમાલ થઈ જાય છે! અને છતાંયે કેટ કેટલાં લોકો એમાં ફના થઈ જાય છે પણ એને છોડતાં નથી…..

એવું કેમ?

12-આવું કેમ ? ગત વર્ષનું સરવૈયું અને નવું વર્ષ !

નવું વર્ષ એટલે નવું નક્કોર પ્રકરણ ! નવું પાનું ! નવી શરૂઆત!
ગયા વર્ષ કરતાં આ વર્ષે કાંઈક વધુ સારુંકરવું છે ! સ્વાથ્ય સારું રહે , બે ટંક ભોજન ને કુટુંબમાં સંપ! આશા ને અરમાન !

કેવું હશે આપણું આ નવું વર્ષ -બે હજાર અઢારનું?
બધાં નિષ્ણાતો કહે છે: નવી ટેક્નૉલોજી આપણી કલ્પના બહાર: અકલ્પ્ય – સ્તરે આગળ વધશે અને જીવન શૈલી બદલશે !

સૌથી પહેલાં તો રસ્તા ઉપર ક્યાંક ક્યાંક ડ્રાઈવર વિનાની ગાડીઓ જોવા મળશે ! આ પણ ટેક્નૉલોજીની જ દેણ છે ને? હજુ આ જ જન્મે તો પહેલી વાર આગગાડી અને ડબલડેકર બસ જોયાનું યાદ છે! અરે , એરોપ્લેનમાં ય પહેલી વાર બેઠાં …જયારે અમેરિકા આવ્યાં! અને હવે જોઈશું રસ્તા પર ડ્રાયવર વિનાની ગાડીઓ? વાહ રે ટેક્નોલોજી તારી કમાલ !

તો હજુ યાદ છે : એક ફોનની લાઈન લેવા દશ બાર વર્ષ પ્રતિક્ષા કરવી પડતી !અને હવે આવ્યો સ્માર્ટ ફોનનો જમાનો ! ગમે ત્યારે ગમે ત્યાંથી કોઈનીય સાથે વાતો કરી શકાય ! પણ હવે એમાંયે ધરખમ ફેરફાર થશે ! !કમ્યુનિકેશનમાં સામી બાજુએ માનવી ઓછાં ,પણ મોટાભાગે મશીનો જ વાત કરતાં હશે! જેમ આ બ્લોગ દ્વારા આપણે સૌ જોડાયેલાં છીએ તેમ ! આપણે શું ખાવું , પીવું , જોવું , ખરીદવું , પહેરવું એ તમામ ઉપર ગુગલ , એપલ , એમેઝોન વગેરે ધ્યાન રાખતાં હોવાથી આપણી બધી ખરીદીઓ વગેરેમાં પણ એ જાયન્ટ કંપનીઓનું પ્રાધાન્ય હશે. એમના માર્ગદર્શન હેઠળ જ આપણી ઘણી ખરી ખરીદી થશે ! એટલે આપણે શું કાંઈ વધારાનું કમ્પ્યુટર શીખવું પડશે ?

અરે, પણ હજુ હમણાં જ તો આપણે બધાં આ કમ્પ્યુટર વાપરતાં શીખ્યા છીએ! હજુ હમણાં જ તો ફેસબુક અને વોટ્સએપ વાપરતાં થયાં! અરે ઇન્ટરનેટ , વેબ સાઈટ અને બ્લોગની સમજણ પણ હમણાં જ તો કેળવી !તો શું આ બધુંય આપણે શીખવું પડશે?

હા ! દોડી રહેલા આ ટેક્નૉલોજીના યુગમાં આપણે પણ યથા શક્તિ ભક્તિ કરવી જ રહી ! આમ જોઈએ તો ઘણું બધું નવું આપણે શીખ્યાં ને ?

આમ તો ગયું વર્ષ -૨૦૧૭નું -આગલાં વર્ષ કરતાં અજોડ જહતું ને ? એમાં ઘણું સારું હતું , માનવીને પ્રગતિના પગથિયે આગળ લઈ જનાર વિકાસનો માર્ગ હતો તો સાથે આડ માર્ગે ચઢીને વિકાસ રૂંધનાર ડિસ્ટ્રક્શનનો રાહ પણ હતો.

કેટ કેટલું નવું થયું ને આપણે પચાવ્યું ય ખરું ને?

ટેક્નૉલોજીએ હરણફાળ ભરી પણ પ્રશ્નો પણ અસંખ્ય ઉભા કર્યા ! વિશ્વમાં સાઇબર ક્રાઇમે બધાંને મૂંઝવણમાં મૂકી દીધા છે.  લોકોની ખાનગી માહિતીઓ પણ અગમ્ય રીતે ચોરાઈ શકે – જરા ગફલતમાં રહો તો મતદારોના મત લાખ્ખોની સંખ્યામા ગુમ થઇ શકે! (જો કે હવે ઍનટાઇ થેફ્ટ ડિવાઇસીસ પણ શોધાઈ રહી છે) તો નોર્થ કોરિયાએ ન્યુક્લીઅર વોરની ધમકી આપી વિશ્વમાં ખળભળાટ ઉભો કર્યો !

માનવ સર્જિત વિટંબણાઓ સાથે કુદરતી પ્રકોપ પણ કેટલા બધાં અનુભવ્યા ?
અહીં અમેરિકામાં જ હરિકેનની સીઝનમાં સાઉથના રાજ્યોમાં જે તારાજગી અને હોનારતો સર્જાઈ !

કેલિફોર્નિયામાં વાઈલ્ડ દાવાનળો થયાં ને કેટલાયે ઘરો બળીને ભષ્મીભૂત થઇ ગયાં. તો પૂર્વના રાજ્યો ન્યુયોર્ક , ઈલિનોઈસ ( શિકાગો ) વગેરે રાજ્યોમાં સબ ઝીરો ટેમ્પરેચર અને હિમ વર્ષામાં પણ બધાંએ જીવન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રાખ્યો ! મુશ્કેલી આવે અને એમાંથી આપણે માર્ગ શોધીએ. એ જ તો આ કાળામાથાના માનવીની ખૂબી છે!

પણ વિદાય થતાં આ ૨૦૧૭ની સૌથી મહત્વની બે વાતનો ઉલ્લેખ કરવો જ રહ્યો : આપણા ભારત દેશમાં મુસ્લિમ બેનો માટેનો ત્રણ તલાક સામેનો ખરડો પાર્લામેન્ટમાં આવ્યો એ ઐતિહાસિક જુવાળ ! અને અહીં જાતીય શોષણ સામે સ્ત્રીઓએ અવાજ બુલંદ કર્યો અને ઉચ્ચ સ્થાને બેઠેલ અધિકારીઓ સામે આંગળી ચીંધવાની હિંમત દર્શાવી ! સેક્સ્ચુઅલ હૅરસમેન્ટ સામે એક જાતની ચુપકીદી હજ્જારો વર્ષથી ચાલી આવતી હતી એ દૂર થઇ રહી છે. આ કાંઈ નાનીસુની વાત નથી.

તો નૂતન આશાના કિરણ સાથે નવું વર્ષ શરૂ કરીશું !
કોઈ નવો સંકલ્પ! આજ દિન સુધી શરીર તરફ બેદરકારી રાખી હતી તો ચાલો , કસરત કરવાનો , થોડું ચાલવાનો , એરોબિક એક્સરસાઇઝ કરવાનો કે સ્વિમિંગ , વૉટર ગેમમાં ભાગ લેવા નિશ્ચય કરીએ.  સમય મળે ત્યારે નિવૃત્ત થઈને ઘણાંને મેં નવી ભાષા શીખતાં , ગાર્ડનિંગના ક્લાસમાં જતાં જોયા છે ! કોઈને કમ્પ્યુટર તો કોઈને વિવિધ પ્રકારની રસોઈ કે પેઇન્ટિંગ કે ડ્રોઈંગ ક્લાસ જોઈન્ટ કરતાં જોઈને ગૌરવ થાય છે! ગાતાં શીખવું , નવું વાજિંત્ર શીખવું કે પુસ્તક વાંચવાનો શોખ કેળવવો .. આ નવા વર્ષથી કૈક નવું કરવા પ્રયત્ન જરૂર કરીએ  અને તમે ‘શબ્દોનુંસર્જન ‘ માં આ વાંચી રહ્યાં છો તો કલમ ઉપાડીને લખવાનું શરૂ કર્યું હોય તો કેવું ?

હા , હતાશ કે નિરાશ થઈને રોદણાં રડવાને બદલે ઉત્સાહથી પડકારને સ્વીકારીને આંનદથી પણ નવું વર્ષ શરૂ થઈ શકે!

હા , થઈ શકે ! આવું પણ હોય.

11- આવું કેમ ?: તહેવારો અને વડીલ વર્ગ !

આ તહેવારોના દિવસોમાં અમારી પાડોશી કેરનને ઘેર હોલીડે પાર્ટીમાં જવાનું થયું. પંદર – સોળ સિનિયર સાથે રાજકારણ , સોસાયટી મેનેજમેન્ટ ઈકોનોમી ( અર્થ તંત્ર ) વગેરેની વાતો કરી , ખાઈ – પીને છૂટાં પડ્યાં.
પણ મારુ મન તો ઉડીને વર્ષો પહેલાનાં, દેશમાં ,અમારી સોસાયટીના એ દિવાળી , દશેરા , ધ્વજ વંદનના તહેવારોના સ્નેહમિલન દિવસોની યાદમાં ખોવાઈ ગયું. નાનાં મોટાં , અબાલ વૃદ્ધ , બધાં જ ભેગાં થાય. ત્યારે માઈક નહોતાં પણ નાનાં બાળકો પ્રાર્થના કરાવે , દોડાદોડી ને ઘાંટા ઘાંટી પણ થાય, જરા અવ્યવસ્થા ય ખરી ; પણ ત્રણ પેઢીનાં લોકો ભેગાં થાય.. સાથે તહેવારની ઉજવણી થાય. ઘરડાં ને જુવાનિયાઓ બધાં હોય એટલે રિસ્ટ્રિક્શન પણ ખરાં જ! તોયે બધાને એક બીજાની હૂંફ રહે . અને પાછું , અમારે નાનાં બાળકોએ વડીલોને પગે લાગવાનું ને આશીર્વાદ લેવાનાં!

પણ હવેની પેઢી આવા તેવા પ્રસંગોએ વિડીયો કોલ કે ફોન કૉલ કરે ! . મળવાનું થાય તોયે લિમિટેડ સમય માટે ! કારણકે હવે સમય બદલાયો છે . વાર – તહેવાર પ્રસંગોની ઉજવણીની રીત બદલાઈ છે.. નવી નવી ટેક્નોલોજી , અવનવાં માધ્યમ ને નવી રીતે તહેવારો ઉજવાય. સમયનું ચક્ર ફરતું જ રહે છે…પણ માણસ સામાજિક પ્રાણી હોવાથી પાયામાં સતત સહવાસ ઝંખે છે .. આમ તો ભગવાને પણ આ સૃષ્ટિની ઉત્તપત્તિ પોતાને એકલવાયું લાગ્યું એટલે જ “એકાકીના રમે તસ્માત સાવૈ દ્વિતીયમ ઇચ્છેત “ એમ આ સૃષ્ટિની રચના કરી ને?તો આપણને સૌને ” હૂંફ” ની જરૂર છે જ; કારણકે એ મનુષ્યની પ્રકૃતિ છે- એ આપણો સ્વભાવ છે! તેથી જ તો રોજ – બ – રોજના રૂટિન જીવનમાંથી આ તહેવારો દરમ્યાન પોતાનીપોતાની વ્યક્તિઓની હાજરી કે પોતાની વ્યક્તિઓની ગેરહાજરી વધારે તીવ્રતાથી અનુભવાતી હોય છે!

પણ બદલાતાં સમયના આ વહેણમાં આપણે પણ વહેવાનું તો છે જ ને? કારણ કે જગત એટલે જ જે ગતિ કરે છે તે ! જયારે ગતિ અટકી ત્યારે આપણું સ્ટેશન આવી ગયું !
તો કેવી રીતે ઊજવશું આ તહેવારો ?

પહેલાં જે ઘરે પ્રાર્થનાઓ થતી ,લાપસીનાં આંધણ મુકતાં , ત્યાં હવે મોલમાં હરવું ફરવું , શોપિંગ કરવું ને પિઝા ,ચાઈનીઝ ડીશ કે મેક્સિકન ટાકો આવી ગયાં ! સેલિબ્રેશનની રીત બદલાઈ.  વડીલોનો રોલ પણ બદલાયો પણ તો સામે પહેલાં ચાર માઈલ હડી કાઢી દોડતું શરીર હવે કાં તો વ્હિલ ચેર કે વોકરની મદદથી ડગલું ભરે છે, ડાયાબિટીસને લીધે નબળું પડ્યું છે કે બ્લડપ્રેશરથી હાંફી રહે છે, એ પણ એક વાસ્તવિક હકીકત છે ને ?
મોતિયાના ઓપરેશન પછી યે આંખ ઓછું ભાળે છે, કાં તો કાનમાં ઓછું સંભળાય છે.. કાં આ શરીર કેડેથી નમવા લાગ્યું છે કે પગમાં જરા તકલીફ થવા માંડી છે..આ કે આવાં લિમિટેશન છતાં મન? એને તો એય નિજાનંદ રૂપમ શિવોહંમ શિવોહંમ! મન ઉપર ઉંમરની કોઈ અસર થતી નથી !અને એ જ તો ભગવાનની મનુષ્યને દેન છે! ત્યાંજ તો ભગવાને રમત મૂકી છે ! મનને શરીર સાથે કાંઈ લેવા દેવા નથી . એટલે એ ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય !

મન પતંગિયું ઉડતું પહોંચ્યું , અતિતને ટોડલિયે
હીંચયું, એ હિંડોળે જઈને દાદીમાને ખોળે! !

પણ એ કાંઈ હવે બધે જ શક્ય નથી. ( શા માટે? એ બીજો ચર્ચાનો વિષય ) સંયુક્ત કુટુંબો જેમાં દિકરા વહુ , દીકરી જમાઈ , તેમનાં સંતાનો અને અન્ય કુટુંબીજનો બધાં હળે મળે ને તહેવારોની ઉજવણી સાથે જ કરે એવું ન થાય ત્યારે પણ ભૂતકાળને વાગોળીને એકલાં બેસી રહેવાં કરતાં કાંઈક નવું વિચાર્યું હોય તો કેવું ?

વિભક્ત કુટુંબોમાં પણ ,સાવ એકલા રહેતા હોઈએ તો પણ, સંતાનો સાથે રહેતાં હોઈએ કે સિનિયર હોમમાં રહેતાં હોઈએ તો પણ ,તહેવારો દુઃખ કે ગ્લાનિ વિના શાંતિથી ઉજવી શકાય છે.  જરૂર છે માત્ર મનને સમજાવવાની. આપણી પાડોશમાં રહેતા નેવું વર્ષના બૉબ કે બૅકીને દત્તક લીધેલ માં બાપ ગણીને કે પાડોશમાં સામે રહેતાં નાનાં બાળકોને ગ્રાન્ડચિલ્ડ્ર્ન ગણીને , બે મીઠા શબ્દો ને એકાદ ચોકલેટનું બોક્સ એ લોકોને ગિફ્ટમાં આપ્યાં હોય તો કેવું સારું ? બની શકે કે આપણાં કરતાંયે વધારે એ લોકોને એકલવાયું લાગતું હશે ! આ તહેવારોના દિવસમાં એ લોકોને કદાચ કોઈની વધારે ખોટ સાલતી હશે!આપણે આવું કાંઈક નવું વિચાર્યું હોય તો કેવું ?
આવું કેમ?

આપણે કાયમ જેનથી મળ્યું એની ફરિયાદ કરીને જે છે તેને માણતાં નથી ! આપણાં દાદા બા કે પેરેન્ટ્સને આવાં ઝાકઝમાળ મોલ , રોશની , ખાણી પીણી વગેરેનો લ્હાવો ક્યાં મળ્યાં તાં? જમાનો બદલાઈ ગયો છે તેમ કહીને નકારાત્મક વિચારોથી એ ક્ષણનું અવલોકન કરીએ છીએ ને પછી મનને મનાવી લઈએ છીએ ” હશે, ચાલો ચલાવી લઈશું , આપણે બીજું શું કરી શકીએ ?” અને મનને આધ્યાત્મિક વિચારો તરફ વાળવાં પ્રયત્ન કરીએ છીએ. જે સંત છે તેને માટે આ આધ્યાત્મિક એકાંત ઉચિત શક્ય માર્ગ છે. પણ સંત મુનિવર્યોનો એ કઠિન માર્ગ આપણ સામાન્ય જનને હતાશા ને નિરાશાથી ડિપ્રેશન માં પણ લઇ જઈ શકે. તો આપણે કાંઈ નવું સર્જનાત્મક વિચાર્યું હોય તો કેવું?

તહેવારોની ઉજવણી કરવાં જેમ પાડોશીઓને આપણું કુટુંબ બનાવીએ તેવી જ રીતે આપણાજ વડીલ વર્ગના મિત્રો જેઓ ઉપેક્ષિત હાલતમાં નર્સીંગહોમ કે સિનિયર હોમમાં એકલાં છે કે માંદા છે , કે નિરાશાથી ઘેરાયેલાં છે તેમને જીવનનું આંનદનું સંભારણું આપ્યું હોય તો કેવું?

આપણે ‘બીજા બધાં આમ કરેછે’કહીને ટીકા કરીએ છીએ, પણ આપણે કેમ કાંઈ નવું વિચરતાં નથી?
એવું કેમ?

‘જમાનો બદલાઈ ગયો છે ‘કહીને એક ખૂણામાં બેસી નસીબને દોષ આપીએ છીએ, પણ ઉભા થઈને કોઈ બીજી વ્યક્તિને મદદ કરવાં કષ્ટ લેતાં નથી!
આવું કેમ? માત્ર ફરિયાદો જ કરવી છે, સર્જનાત્મક સોલ્યુશન શોધવા નથી!
એવું કેમ?

10 -આવું કેમ ?: જીસસ ક્રાઈસ્ટ અને શ્રી કૃષ્ણ !-ગીતા ભટ્ટ

આ દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ક્રિસમસ એટલેકે નાતાલનો તહેવાર પૂર જોશમાં ઉજવાઈ રહ્યો છે ! સ્કૂલમાં બે અઠવાડિયાનું વેકેશન અને જાહેર ઓફિસોમાં અને બેંકમાં પણ ક્રિસમસની રાષ્ટ્રિય રજા ! જેનો જન્મદિવસ માત્ર ક્રિસ્ચન જ નહીં દુનિયા આખ્ખી ઉજવે અને જેમના જન્મદિવસથી આ ઈસ્વીસન સંવત શરૂ થઇ , કોણ છે આ જીસસ ક્રાઈસ્ટ? અને કૃષ્ણ અને ક્રિસ્ટ વચ્ચેના સામ્યનું શું છે ?

ભગવાન શ્રી કૃષ્ણ સાથે ક્રાઈસ્ટ ને શું લાગેવળગે ?
પણ એ સરખામણી કરવાનો વિચાર અનાયાસે જ આવ્યો’તો !

વર્ષો પહેલાં એક ક્રિસમસ પાર્ટીમાં અમારા એક મિત્રની દીકરીએ બાળક જીસસના જન્મ સ્થળનું મોડલ બનાવેલ. નાનકડાં એક ખોખામાં એણે તબેલો કે ઘેટાં બકરાં માટેનો વાડો બનાવેલ અને એક ટોપલામાં બાળક ઈશુ ખ્રિસ્તને બેસાડેલા ; એ જોઈને મને મથુરાથી ટોપલામાં ગોકુલ આવેલ બાળ કાનુડો યાદ આવી ગયો ! આ જીસસ ક્રાઈષ્ટ છે કે જશોદાનો કૃષ્ણ? ! માતા યશોદાના ઘરના વાડામાં ગાયોની ગમાણમાં જાણેકે રમતો કાનુડો!

કૃષ્ણ અને ક્રાઈસ્ટ બંને નામ પણ સરખાં છે ! મૂળ ગ્રીક ભાષામાં તો બનેનો અર્થ ” શ્યામમાંથી સુંદર ” એમ કાંઈક થાય છે! બંને અસામન્ય જગ્યાએ જન્મ્યા : એક જેલમાં , બીજાનો જન્મ મેન્જરમાં ( ઢોરને ખડ નાખવામાં આવે તેમાં ) અને બંનેના જન્મસમયે કાંઈક દિવ્ય સંકેત મળ્યો : એકમાં આકાશવાણી થઈ તો બીજામાં એંજલે આવીને કહ્યું ! વળી બંનેના જન્મ સમયના સંજોગો જુઓ ! મથુરાથી કૃષ્ણ ગોકુલ આવે છે!

તો જીસસ ક્રાઈષ્ટના જન્મ પહેલાં મેરી નઝારેથ રહેતી હતી અને જોસેફ સાથે લગ્ન કરવાની હોવાથી , એની નોંધણી કરાવવા એ લોકો ૬૫ માઈલ દૂર બેથ્લેહામ આવે છે. ત્યાં રહેવાની જગ્યા ના મળતાં છેવટે ઢોરોનાં વાડાની મેન્જર – જ્યાં ઘેટાં બકરાને ખાવાનું ખડ રાખવામાં આવે તેવી જગ્યાએ દુનિયાની આ મહાન વિભૂતિનો જન્મ થાય છે!
જન્મસ્થળ પણ જુઓ ! ક્રષ્ણના જન્મ પછી દૈવી રીતે જેલના દ્વાર ખુલી જાયછે અને મથુરાથી કૃષ્ણ ગોકુલ આવે છે!
તો જીસસ ક્રાઈષ્ટનો જન્મ થયો ત્યારે ત્રણ ભરવાડોએ આકાશમાં તેજસ્વી તારો જોયો ! (દૈવી રીતે )અને રોમન ઍમ્પરરને એની જાણ કરી ; રાજાને પેટમાં ધ્રાસ્કો પડ્યો પણ ડહાપણથી ત્રણ વાઈઝ મેનને એની તપાસ કરવા મોકલ્યા . અને બે વર્ષથી નાના બાળકોને મારી નાખવાનું કાવતરું ઘડ્યું . જોકે કૃષ્ણની જેમ આ ક્રાઈષ્ટ પણ બચી જાય છે ! રોમન સામ્રાજ્યના હાથમાંથી બચવું એ સહેલી વાત નહોતી જ- જેમ ભગવાન કૃષ્ણની જીવન કથામાં આવે છે તેમ !

આજથી અઢી હજાર વર્ષ પહેલાં ઈટાલીના એક શહેર રોમના રાજાએ ધીમે ધીમે એક પછી એક ગામ , શહેર અને આજુબાજુના દેશો જીતીને રોમન સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો . મેરી અને જોસેફ ઇજિપ્ત જતાં રહે છે. ત્યાર પછીના અમુક વર્ષો વિષે કોન્ટ્રવર્સી છે પણ જીસસ ત્રીસ વર્ષની ઉંમરે જેરૂસલમ પાછા આવે છે. અને ત્યાંથી પ્રેમ અને શાંતિનો ઉપદેશ આપે છે

(જોકે હજુ આજે પણ જેરૂસલમ શહેર માટે વિવાદ છે: મિડલ ઈસ્ટમાં મેડીટરેનીયન અને ડેડ સી વચ્ચે ડુંગરોથી ઘેરાયેલ આ શહેર ઇઝરાયલનું છે એ બાબત અશાંતિ પ્રવર્તે છે).પૂરાં બે હજાર વર્ષ પૂર્વે બનેલ યુરોપ – મિડલ ઇસ્ટ માં બનેલ ઐતિહાસિક આ ઘટનાઓ અને તેથીયે કાંઈક હજાર વર્ષ પૂર્વે ભારતમાં બનેલ આ પ્રસંગો ઉપર વિચારતાં થયું :

આવું કેમ ? આ સામ્યતાઓ ? પણ એ સમયે એવું બધું બનતું જ રહેતું . ગોવાળિયા હોય કે ભરવાડ , સામાન્ય પ્રજા સ્વપ્નમાં કાંઈ દેવદૂત કે ફરિસ્તાને જુએ , સારી વ્યકિત પર ખરાબ – તાકાતવાન આધિપત્ય જમાવે .. એને રહેંસી નાંખવા પ્રયત્ન કરે અને કોઈ દૈવી શક્તિથી એ બચી જાય ..

જો કે સારા અને ખરાબ – Good v/s evil – નો સંઘર્ષ હજારો વર્ષોથી થતો જ આવ્યો છે! જયારે સમાજમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જાય ત્યારે ભગવાન પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા કોઈ પણ રીતે અવતાર લે છે!

પણ સમાજના ઉત્થાન માટે જેમણે પોતાનું જીવન ખર્ચી દીધું તે મહાન વિભૂતિઓની કદર તેમની હયાતીમાં ભાગ્યે જ થતી હોય છે!
એવુ કેમ?

એમને તો આ નિસ્વાર્થ પ્રેમનો શાંતિ સંદેશો ફેલાવીને છેવટે તો કાં તો યાદવાસ્થળીમાં વીંધાઈ જવાનું હોય છે ને કાં તો વધસ્થંભ ઉપર જ વધેરાઈ જવાનું હોય છે!

સોક્રેટિસ જેવાને ઝેરનો પ્યાલો પીવો પડે છે તો ગાંધીજીને, ગોળીએ વીંધાઈ જવું પડે છે! પ્રેમ અને શાંતિના આ ચાહકો મૃત્યુ પછી અમરત્વને પામે છે ; પણ જીવતાં હોયછે ત્યારે ? ત્યારે તેમની અવહેલના અને ઉપેક્ષા ?
એવું કેમ?

જેઓ નિઃશ્વાર્થ ભાવે વિશ્વને પ્રેમ અને કરુણા , ભાઈચારો અને સમભાવનો સંદેશો આપવામાં જીવન ન્યોચ્છાવર કરી દે એમને આજે બે હજાર વર્ષ પછી પણ દુનિયા ઈશુ ખ્રિસ્ત ને યાદ કરે છે, કદાચ ચાર હજાર વર્ષ પૂર્વે જન્મેલા કૃષ્ણને ” કૃષ્ણમ વન્દે જગતગુરું” કહીને પૂજીએ છીએ છીએ! પણ જીવનની વિદાયની આ કેવી વિચિત્ર રીત ?
એવું કેમ?
આમ તો ઈસ્વીસન સંવત ઈશુ ખ્રિસ્તના જન્મ દિનથી શરૂ થઈ , પણ પહેલા સો વર્ષ તો એ ભુલાઈ જ ગયા હતા અને વર્ષની ગણતરીની શરૂઆત પછી ખબર પડી કે સાચી જન્મતારીખ એક અઠવાડિયું વહેલી છે , એટલે આગલા વર્ષની પચ્ચીસમી ડિસેમ્બર એ એમનો જન્મદિન એમ ઉજવણી શરૂ થઈ! ઇશુના જન્મ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનો ઇતિહાસ જોવા મળે છે!

આવી આ મહાન વિભૂતિ, અને જીવતેજીવ એની કેટલી ઉપેક્ષા ! કેટલું દર્દ ? કેટ કેટલું દુઃખ ?
હે ભગવાન , એવું કેમ?