આભાર અહેસાસ કે ભાર (8) રોહિત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,

કુશળ હશો. આ સાથે ‘ અંતર્ગત એક લેખ મોકલું છું.

     આભાર-અહેસાસ કે ભાર

————————————–

ટેક્ષીમાં એ એક અજાણ્યા દેશમાં એનાં પરિચિતને ત્યાં જઈ  રહયા હતાં. શિયાળાની ખુશનુમા સવાર હતી. ડ્રાયવર મીઠું મીઠું ગીત ગણગણતાં ટેક્ષી હંકારી રહ્યો હતો.ત્યાં જ અચાનક એક કચરાની દુર્ગંધ મારતી ટ્રક એમની ગાડીને ખોટી રીતે ઓવરટેક કરીને જતી રહી.  એને થયું કે ટેક્ષી ડ્રાયવર હમણાં બે ચાર ગાળો ભાંડશે,

એનાં બદલે એણે  તો પાસે રહેલી પરફયુમની બાટલી ખોલીને ટેક્ષીમાં છાંટી દીધું. આગળ સિગ્નલ પર એ જ કચરાની ગાડી પાસેથી પસાર થતાં એણે ગાડીની બારીનો કાચ ખોલીને પેલાં ડ્રાયવરને કહ્યુંઆભાર.અને એ આગળ નીકળી ગયો.સહેજ આશ્ચર્ય સાથે પ્રવાસીએ પુંછ્યુંતમે ગુસ્સો કરવાને બદલે શા માટે આભાર વ્યક્ત કર્યો ?એણે હસીને કહ્યુંસાહેબ, એનાં કારણે તો મને પરફયુમ છાંટવાનું યાદ આવ્યું આપણી ટેક્ષીને મહેંકતી કરવામાં સહાયરૂપ થવા બદલ મેં એનો આભાર માન્યો.આ છે આભારની એક નવી પરિભાષા.આભાર વ્યક્ત કરીને ગુસ્સાને હાસ્યમાં ફેરવી શકાય. નકારાત્મકતાને હકારાત્મક્તામાં પલટાવી શકાય.અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે’ ના બોર્ડના બદલેઅહીં ધુમ્રપાન ન કરવા બદલ આપનો આભાર’ કેટલી સુંદર અસર છોડી જાય છે.

આપણને મુસીબતમાંથી બહાર કાઢનાર ,આપણી આર્થિક તકલીફને દૂર કરવામાં મદદરૂપ થનાર,આપણને નાની મોટી સહાય કરનાર, આપણા દુઃખમાં સહભાગી થનાર, આપણને સાચી રાહ દેખાડનાર કે જિંદગીની સફરમાં આપણને સાથ દેનાર એ બધાં  ‘આભાર’ ના હકદાર છે.આભાર વ્યક્ત કરવાથી આપણે થોડો ભાર ઉતારી શકીએ છીએ.થોડાં હલકા,થોડાં હળવા થઇ શકીએ છીએ. અલબત,આભારનાં એ ઉદગાર માત્ર મુખેથી બોલાયેલાં શબ્દો નહીં પણ હૃદયથી પ્રગટેલો ભાવ હોવા જોઈએ.આ જિંદગી ભલે આપણી હોય એ જિંદગીને ધબકતી રાખવામાં કૈંક હજારો માનવી કારણભૂત હોય છે. કદાચ આપણને એનો ખ્યાલ સહજતાથી નથી આવતો,પણ જો જરાક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ડગલે ને પગલે આપણને આપણા પર ઉપકાર કરનાર વ્યક્તિ મળે. આપણને આ ધારા પર અવતરવામાં નિમિત બનનાર માં-બાપ,આ અવતરણને સફળ બનાવનાર ડોક્ટર,નર્સ,શિશુ અવસ્થામાં આપણું દયાન રાખનાર સ્વજનો,શિક્ષા આપનાર શિક્ષકો,અન્ન ઉગાડનાર ખેડૂત,આપણા કપડાં સીવનાર દરજી,આપણા પગરખાં સીવનાર મોચી, આપણું ઘર બનાવનાર શિલ્પીઓ,મજૂરો,આપણને એક સ્થળેથી બીજા સ્થળે સહી સલામત પહોંચાડનાર રીક્ષા,ટેક્ષી,ટ્રેન કે પ્લેનના ચાલક,આપણા આંગણને અને શહેરને સ્વચ્છ રાખનાર કર્મચારીઓ,આપણામાં ધર્મનાં સંસ્કાર સિંચનાર ગુરુઓ,આપણી જીવન જરૂરીયાતોને પૂરી કરનાર વિવિધ કળામાં પારંગત એ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓ આ યાદીને જેટલી લંબાવવી હોય તેટલી લંબાવી  શકાય.આ બધાનો આભાર જો શબ્દોથી ન વ્યક્ત કરી શકાય એમ હોય તો આપણું વર્તન,આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે ઉપકાર કરનારને સંતોષનો અનુભવ થાય.

આ ઉપરાંત વહેતી હવા,ફળ-ફૂલની ભેટ આપતાં વૃક્ષો,જીવન માટે અમૃત રૂપી જળને પૂરું પાડતી નદીઓ,અડીખમ ઉભા રહીને પ્રકૃતિનું સંતુલન જાળવતાં પર્વતો,પ્રકાશ પાથરતો સૂર્ય,શિતળતા આપતો ચંદ્ર,અને આ બધાથી ઉપર આખી સૃષ્ટિનો સંચાલક પરમેશ્વર એ સર્વનો હર પલ આભાર માનવો જોઈએ.એક શાયરે બહુ જ સરસ વાત કહી છે —એ હવા ! તારી સખાવતને સલામ, ક્યાય તારાં નામની તકતી નથી.આભાર માનવાથી અહં નીકળી જાય  છે. હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જેમ શ્વાન તાણે આ વાતનો ખ્યાલ આભાર માનવાની વૃતિથી આવે. ડગલે ને પગલે આભાર માનવાથી જીવનમાં સરળતા આવે છે.બોઝિલ જિંદગી હળવી બને છે.આભાર’ના બે શબ્દો બોલવામાં ગુમાવવાનું કશું નથી પણ મેળવવાનું ગણું છે. વરસાદથી બચવા આપણે છત નીચે ઉભા હોઈએ ને કોઈક છત્રી લંબાવીને અંદર આવી જવા કહે ને આપણે આભાર માનતા અંદર ઘુસી જઈએ અને પછી છૂટા પડતા પણ આભાર માનીએ.આ ટૂંકી સફરમાં બંને થોડા થોડા ભીંજાય જતાં હોય છે ને તો પણ એકને મદદ કર્યાનો આનંદ હોય છે તો બીજાને થોડું ઓછું ભીંજાયાનો આનંદ હોય છે.આભાર એ આનંદની વહેંચણી છે.આભાર જો સાચા હૃદયથી માનવામાં આવે તો એ ભાર નહીં પણ એક એવો અહેસાસ બની રહે કે જેમાં ઋણમુક્ત થવાની ઝંખના પ્રબળ બને.

                                                રોહિત કાપડિયા

આભાર – અહેસાસ કે ભાર ? (7)જયવંતિ પટેલ

મન એ એક દર્પણ છે.  મનનો અહેસાસ આવશ્યક તેમજ ઉચ્ચ છે.  મનુષ્યને એક બીજા સાથે સીધો અથવા આડકતરો સબંધ રાખવો જરૂરી હોય છે.  અને આ સબંધ તમારાં સંસ્કાર , નીતિ , અને કેળવણી ઉપર ખૂબ આધાર રાખે છે.  કોઈની પણ સાથે દલીલબાજી પર ઊતરી પડવું જરૂરી નથી હોતું , અને છતાં એવા ઘણાં દાખલાઓ બને છે કે જેમાં બિનજરૂરી દલીલબાજી કરવી પડે છે.  અથવા દલીલબાજી પર ઊતરી જવાય છે.  આ સિક્કાની એક બાજુ થઇ.  હવે બીજી સાઈડ જોઈએ.

જીવનમાં અચાનક એવા મિત્રો કે માનવને મળવાનું થાય કે જેમને મળવાથી એમ લાગે કે આપણે તેને વર્ષોથી ઓળખીએ છીએ.  નજરથી નજર મળે, ધીમું સ્મિત મુખ પર લાવી,  આપણો આભાર માને ત્યારે તો એમજ થાય કે આનું નામ શિસ્ત.  શું નમ્રતા છે!  શું વિવેક છે !  આભાર માન્યો તે પણ કેટલા વિવેકથી.

જાણે એ ક્ષણને વાગોળ્યા રાખવાનું મન થાય. બસ, આજ કહેવા માંગુ છું.  કોઈનો આભાર માનીએ તે પણ એટલી નિખાલસતાથી અને વિવેકથી કે સામી  વ્યક્તિને લાગે જ નહીં કે તેમનો આભાર માન્યો અને છતાં કૃતજ્ઞતાની ભાવના છવાયેલી રહે.

આપણી સંસ્કૃતિમાં બોલીને આભાર નથી માનતા.  કૃતજ્ઞતા નજરથી વર્તાય છે, વર્તનથી વર્તાય છે.   એક બીજા સાથે મીઠો સબંધ કેળવી તેને ટકાવી રાખવો એ એક આભાર માનવાની રીત છે.  આમ કરવામાં ઘણી વખત કડવો ઘૂંટડો ગળી જવો પડે છે.  અને વર્ષો વિતિ જાય છે તેને ઓળખવામાં અને સમજવામાં.  સહનશીલતાની કસોટી થાય છે.  એમાં છીછરાપણું બિલકુલ નથી હોતુ,  એને  જ કદાચ સમર્પણ કહેતા હશે.  નાના હતાં ત્યારથી ઘરમાં એક બીજાનું કામ આટોપી લેતા આવ્યા છે.  પણ થેંક્યુ કે સોરી શબ્દ વાપર્યો નથી.  પણ હવે નવા જમાનાને અનુકુળ વારે વારે આભાર વ્યક્ત કરવો પડે છે.  તેમાં કાંઈ ખોટુ નથી પણ એ ભાર કદાપી ન બનવો જોઈએ.

ઘણી વખત વિચાર આવે કે કુદરતનો કેટલો આભાર માનીએ જેણે આપણા શરીરની રચના જે રીતે કરી છે !!  આપણા શરીરની રચનાને જોઈ એ સર્જનહારને દંડવત કરવાનું મન થાય અને ઊપકાર માનતા મન થાકે નહીં.  શું રચના કરી છે!! ખોરાકને ચાવી, વાગોળી, એક રસ થાય એટલે પેટમાં જાય.  ત્યાં પાછું ઘુમે.  એવું ઘુમે કે આંતરડામાં જાય ત્યારે બારીકાઈથી લોહીમાં જતુ રહે અને આપણા શરીરને પોષણ મળે.  આ તો એક વિભાગ. એવા તો કેટલાય વિભાગ બનાવેલ છે  .મળ મુત્રને જુદા માર્ગે નિકાસ કરી શરીર શુધ્ધ રાખે છે.  લોહીને આખા શરીરમાં ભ્રમણ કરાવે છે.  બધી નળીઓ કેવી એક બીજા સાથે સઁકળાયેલી છે.  અને ક્યારેક વાગે કરે તો સંદેશો મગજ સુધી પહોંચાડી તરત તેનો રસ્તો કાઢી સંરક્ષણ માટે તૈયાર રહે છે.  મગજની સાથેનું જોડાણ અને હ્દયમાં રહેલું મન તેનું કનેક્સન કળી ન શકાય તેવું છે.  સુઃખ દુઃખ ની લાગણી, સારા નરસાની ઓળખ, અને એક બીજા માટે ન્યોછાવર થઇ જવાની ભાવના પણ એ મન જ  નક્કી કરે છે…..કેટલીયે શોધ ખોળ થઇ છે.  રોબોટ બનાવાયા છે.  ડ્રોન પ્લેન બન્યા છે.  અને હજુ ઘણી શોધ ચાલુ જ છે.  પણ

જે કુદરતે કળા કરી આપણું શરીર બનાવ્યું છે તેની તોલે તો કોઈ ટેક્નોલોજી, પૈસો કે ભાવના ન આવી શકે !  તો એ સર્જનહારનો કેવી રીતે આભાર માનવો ?  થેક્યું થેક્યું  –  આભાર આભાર નો સતત જાપ કરવો પડે.

અને છતાં એ અનિર્વાય છે કે આપણે એકબીજાની સાથે પ્રેમથી વર્તન કરીએ. આપણે માટે કોઈ કાંઈ કરે તો આપણને તરત થાય કે તેનો આભાર કઈ રીતે માનું ?   માં બાપનું ઋણ કેવી રીતે ચૂકવાય ?  જયારે ઘરડાં થાય ત્યારે તેમની લાગણીપૂર્વક સારસંભાળ રાખી આભાર વ્યક્ત કરાય.  એ પણ સહેલું નથી કારણકે ઘણાં માબાપો દુઃખી હૃદયે સંતાનોથી અલગ રહે છે કે જયારે તેમને સૌથી વધારે બાળકોનાં સાથની જરૂરીયાત હોય છે.

આભારની સાથે સંતોષની લાગણી સંકળાયેલી છે.  એવા કેટલાયે લોકોને મેં જોયા છે જેને બે ટંકનું ખાવાનું નથી મળતું, રહેવાં ઘર નથી હોતું પણ સંતોષથી જીવે છે.  આપણને સારું ઘર, સારો ખોરાક અને પોતાનો પરિવાર મળવા છતાં ઘણી જગ્યાએ અસંતોષની લાગણી નિહાળવા મળે છે.  જેને બદલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે આપ્યું છે તે પુરતું છે અને મને સંતોષ છે.  હું પ્રફુલ્લિતતાથી જીવું છું.

આભાર વ્યક્ત કરવો એટલે પર્યાવરણને જીવંત રાખવું.  આને અલગ તરીકે આભાર માનેલો કહેવાય.  આપણે સૌ એટલું તો જરૂર કરી શકીયે કે વૃક્ષોને કાપવા નહીં.  દર વર્ષે બાળકો પાસે તેમજ આપણે પોતે પણ વૃક્ષો રોપવા.   બાયોડિગ્રેડેબલ (એટલે કે જે પ્રકૃતિ સાથે મળી જાય એવી) વસ્તુ વાપરવા ઊપર ભાર રાખવો.   જેથી પ્રકૃતિ જીવંત રહે.  કદાચ તમને થશે કે આ જરા હું ફેરફાર કરું તેમાં શું વળવાનું છે પણ દરેકનો થોડો ભાગ એક મોટો હિસ્સો બની જાય છે.  પ્રકૃતિનો આપણે આભાર માનેલો ગણાશે.  જાગૃત મન અનેક સ્વરૂપે આભાર માની શકે છે અને આભારી છે.

જયવંતિ પટેલ

 

આભાર અહેસાસ કે ભાર(6) નિરંજન મહેતા

આભારનો ભાર

પહેલી નજરે લાગે કે આવા સંવેદનશીલ શબ્દનો ભાર કેવો ! પણ પછી વિચાર્યું કે જેમને માટે આભાર વ્યક્ત કરવો એ એક બોજો છે તેમને તે જરૂર ભાર લાગશે અને વિચારશે આ ભાર?

આભાર કહીને આમ જોઈએ તો આપણે આપણી કોઈ પ્રત્યેની એક પ્રકારની લાગણી વ્યક્ત કરીએ છીએ, ખાસ કરીને કોઈએ આપણું એવું કોઈ કામ કરી આપ્યું હોય કે જેને માટે આપણે તેના ઋણી બની જઈએ છીએ અને આપોઆપ ‘થેંક્યું’ શબ્દ નીકળી પડે છે. હવે આ ‘થેંક્યું’ પણ એક અજબ શબ્દ છે. ગુજરાતી હોવા છતાં અને ગુજરાતીમાં વાત કરતા હોવા છતાં આ અંગ્રેજી શબ્દ તમારે મોઢે આવી જ ચડે છે. શું ‘આભાર’ એટલે ભાર માનીને આપણે આમ કરીએ છીએ? કે પછી અંગ્રેજીમાં કહેવાથી તેનું વધુ વજન પડશે એટલે તેમ કરીએ છીએ?

ખેર, આ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિશ્હાય છે આભારનો ભાર.

મારું માનવું છે કે ‘આભાર’ કે ‘થેંક્યું’ કાઈ પણ બોલીએ પણ તેમ કરતાં અચકાવું ન જોઈએ કારણ ભલે સામેની વ્યક્તિએ તેની અપેક્ષા ન રાખી હોય પણ તેમ છતાં તે સાંભળીને અંદરથી તો તે રાજી થવાનો અને પછી વિવેક ખાતર કહી પણ બેસે કે એની જરૂર નથી. પણ તમારે તો તે ધ્યાન બહાર જ રાખવું નહિ તો તેની સાથે ચર્ચા વધતી જશે.

પ્રજ્ઞાબેને આ સંદર્ભમાં લખ્યું છે કે જ્યારે આપણે કોઈનો આભાર માનીએ છીએ ત્યારે કુદરતી રીતે આપણા હોઠ સ્મિતમાં રૂપાંતરિત થઇ જાય છે. તે જોઇને સામી વ્યક્તિ પણ સમજે છે કે આપણે દિલથી તેનો આભાર માનીએ છીએ નહી કે કહેવા ખાતર. આ જ મહત્વનું છે. બંને વ્યક્તિ કોઈ ભાર વગર એકબીજાની લાગણીઓને સમજી શકે તો જ કહેલુ સાર્થક છે.

એમણે એમ પણ લખ્યું છે કે આભાર એ અહમને ઓગાળતી એક ક્રિયા છે. કેટલી સાચી વાત. આભાર આ એક શબ્દ કહેતા આખું વાતાવરણ બદલાઈ જાય છે તે તો કહેનાર બરાબર જાણે છે અને અનુભવે છે. જેણે આમ કર્યું નથી તેણે એક સુખદ અનુભવ જેવું કાઈક ગુમાવ્યું છે તે ચોક્કસ વાત છે.

તમે બેંકમાં જતા હો કે રેલ્વેની ટિકિટ લેતા હો અથવા એવી જ કોઈ સાર્વજનિક સેવા પ્રદાન કરતી સંસ્થામાં જાઓ ત્યારે તમે એમ માનો છો કે તમારૂ કામ કરવું એ એમની ફરજ છે એટલે તમને તેઓ જે કોઈ સેવા આપે છે તે માટે આભાર વ્યક્ત કરવાની જરૂર નથી. સામાન્ય રીતે મોટા ભાગના લોકોની આ માન્યતા છે. પણ આ માન્યતાની બહાર જઈ, આભાર/થેંક્યું કહેવું જરૂર નથી એ ભૂલી જઈ, એકવાર તમે આભાર/થેંક્યું કહેશો તો મને નથી લાગતું કે તે અસ્થાને ગણાશે.

જ્યાં આવી સંસ્થાઓમાં તમે નિયમિત જતા હો અને આભાર વ્યક્ત કરવાનું શરૂ કરશો તો બીજી વાર તમે જશો ત્યારે તમને ત્યાં સ્મિતસભર આવકાર મળશે. તે જોઈ તમે પણ ખુશ થશો અને તેને એક નિર્જીવ સંસ્થા ન ગણતા તમે તેને જુદા દ્રષ્ટિકોણથી જોશો.

તરુલતાબેને તેમના લેખમાં લખ્યું છે કે ન કેવળ ‘થેંક્યું’ પણ ‘સોરી’ શબ્દનો પણ છૂટથી ઉપયોગ કરવો જોઈએ. એક રીતે તેમની વાત પણ સાચી છે પણ મારા મત મુજબ ‘સોરી’ શબ્દ ત્યારે વપરાવો જોઈએ જ્યારે ખરેખર તમે તેવી લાગણી અનુભવી છે. નહી તો હાલમાં ‘સોરી’ શબ્દ જે રીતે હાલતા ચાલતા બોલાય છે તેથી લાગે છે કે જાણે કોઈએ જાણી જોઇને તમાચો મારી માફી ન માંગી હોય !

જન્મથી મૃત્યુ પર્યંત ડગલેને પગલે આભાર વ્યક્ત કરવો પડે એવો માહોલ બની ગયો છે. પણ બાળપણમાં તો તેનો ખયાલ ન હોય એટલે તેમ થતું નથી અને સામેની વ્યક્તિ પણ તે સમજે છે અને આભારની અપેક્ષા રાખતી નથી. પણ એકવાર સમજદાર થયા પછી જો આમ કહેવાની ટેવ પડે તો જીવનનો નજારીયો બદલાઈ જાય. જો કે આ માટે તેના વડીલોએ તેને માર્ગદર્શન આપવું જરૂરી છે. યુવાવયે આ વાત આપોઆપ સમજાઈ જાય છે. સિવાય કે શું જરૂર છે માની તે યુવાન આભાર વ્યક્ત ન કરે તો તે જુદી વાત છે.

આ જ રીતે જિંદગીમાં એવા સંબંધો હોય છે જે આપણે Taken for granted કરીએ છીએ અને આભાર વ્યક્ત નથી કરતા. જેમકે પતિ-પત્નીના સંબંધો, મિત્રોના સંબંધો, પિતા-પુત્રના સંબંધો. આવા સંબંધોમાં આભાર વ્યક્ત ન કર્યાનો અફસોસ કે ભાર નથી લાગતો કારણ આ સંબંધો જ એવા હોય છે. તેમ છતાં ક્યારેક આભાર શબ્દ બોલાઈ જાય તો જરૂર તે સામી વ્યક્તિ માટે એક સાનંદ અનુભવ હશે. ક્યારેક અજમાવી જોજો.

પણ સૌથી મહત્વનો સંબંધ છે મનુષ્ય અને ભગવાન વચ્ચે. ભગવાન તો નિરાકાર, નિર્મોહી છે એટલે તે માનવી પાસે આભારની અપેક્ષા ન રાખે પણ આપણે તે ન ગણકારતા તેને યાદ કરીએ તે પણ આભાર વ્યક્ત કરવાનો જ માર્ગ છે. એવું નથી કે મંદિરમાં જઈને દર્શન કરીએ અને ભગવાનને પગે લાગીએ એટલે કામ પતી ગયું. આમ કર્યા વગર પણ સાફ દિલથી જીવન વ્યતિત કરીએ તો તે પણ ભગવાનનો આભાર માનવાનો એક અન્ય માર્ગ છે. એ જ રીતે જરૂરતમંદ લોકોને સહાય કરીને, આમ કરવા ભગવાને તમને સશક્ત બનાવ્યા માની તમે ભગવાનનો ભાર વગરનો આભાર વ્યક્ત કરી શકો છો.  

પરંતુ જ્યાં અનિચ્છાએ પણ આભાર માનવો પડે તે જરૂર ભારરૂપ થઇ શકે છે, કહેનાર માટે અને સાંભળનાર માટે. તો અમુક પ્રક્રિયાઓ ભલે આભાર વ્યક્ત કરવા માટે હોય પણ તે આડકતરી રીતે તો કોઈક પ્રકારનો ભાર ઊતારવાનું જ કાર્ય છે. જેમ કે લગ્નોમાં, પાર્ટીઓમાં રિટર્ન ગીફટની પ્રથા. આમ કરવું જરૂરી ન હોવા છતાં પણ જરૂરી છે એવી માન્યતા કેટલાક સમયથી ઘર કરી ગઈ છે અને વળી આવા પ્રસંગે ભેટ લઇ આવનાર પણ સામેથી  ગીફ્ટ મળશે તેની અપેક્ષા રાખતા થઇ ગયા છે. આમ આ આભારની પ્રથા હકીકતમાં તો ભારરૂપ જ ગણી શકાય. એટલે જ શું હવે લગ્નોમાં ભેટ કે ચાંદલો ન લેવાની પ્રથા આવી ગઈ છે?

અંતમાં એટલું જ કહીશ કે આભાર રાજીખુશીથી કહેવાય તો તે ખરા અર્થમાં કહેવાય છે તેમ માની લેવાય નહી તો તે ભાર જ બની રહે.

નિરંજન
Niranjan Mehta

આભાર એક અહેસાસ કે ભાર ?(૩)તરુલતાબેન મહેતા

આજે મને એક મારા પ્રિય હિન્દી મૂવી ‘આન ‘નું ગાયન સવારથી હોઠો પર ગૂંજે છે.આમ તો હીરો દિલીપકુમાર એની પ્રિયાને ઉદેશીને ગાય છે.(સિંગર મહમદ રફી)
‘માન મેરા અહેસાન ,અરે નાદાન કે મેને તુઝસે કિયા હૈ પ્યાર …..મિત્રો તમે ગીત ગાતા રહેશો તો સમજાશે કે અહીં જરા જુદી  રીતે અહેસાનની વાત કરી છે.
સામાન્ય રીતે કોઈ આપણાં માટે કઈ સારું કરે ,પ્રેમથી હાથ પકડે તો ફટ લઈને ‘થેક્યું ‘ પણ કદર ન કરનારને જાગ્રત કરી કહેવું પડે ‘ઓ નાદાન ,મારો અહેસાન માન કે મારા પ્રેમને કારણે તારા રૂપમાં લાલી આવી છે.આપણે આયના સામે સજીધજીને બેસી રહીએ તો મઝા આવતી નથી એને વખાણનાર આંખોની તલાશ ,તરસ હોય છે.પછી ભલેને શબ્દોથી વ્યક્ત ન કરે!
જેણે ‘ઈશાવાસ્યમ ઈદમ સર્વમ ‘નું સર્જન કર્યું છે તે સર્જનહાર મનુષ્યોને નાદાન કહી યાદ કરાવે કે તમને મેં અપરંપાર ,અખૂટ સૌંદર્યની ભેટ આપી ને તમે ભક્તિગીતો અને ભજનો તથા કથાઓમાં અને સ્તુતિઓમાં શબ્દોથી ગાયા કરો છો પણ વ્યવહારમાં તેનું નિકન્દન કાઢો છો ! ધરા,આકાશ,પાણી ,વૃક્ષો ,વાતાવરણને કેટલી હદ સુધી પ્રદૂષિત કરો છો ! આવનાર પેઢીઓ તમને થેક્યું કહેવાને બદલે દોષિત ગણશે.તો આપણને સહજ મળતા ,પોષતા ,આનન્દ આપતા પરિબળો માટેની જાગ્રતિ એટલે આભારની લાગણી.
‘મધર્સ ડે ‘અને થેક્સ ગીવીંગ ડે ‘અને એન્વાર્યમેન્ટ ડે પણ ઉજવીએ છીએ તે સારી ભાવના છે.પણ થેક્યું ન કહેવાયેલી માની સંભાળ રાખી કે એને પડખે ઊભા રહ્યા તો જન્મદાત્રી રાજી રહેવાની .ક્યાંક દૂર રહેતી કે તમારા જ ઘરમાં એકલતા અનુભવતી માને સુંદર કાર્ડનો શું અર્થ?કહેવાનો મતલબ પોલા શબ્દો ખાલી ચણા જેવા છે ,શબ્દોની વાંસળીમાં કર્મની ભાવના ભળે તો સાર્થક છે.
જગતમાં જાગ્રત આત્મા પળેપળ પોતાની આસપાસની સુષ્ટિ પ્રત્યે પ્રેમનો એવો અહેસાસ અનુભવે છે કે તેની કદર કરી સાર્થક થાય છે.શબ્દો ઔપચારિકતા છે.જેની આજના સમાજને જરૂર છે.બાકી પ્રકૃતિના પંચમહાભૂતો અગ્નિ,પાણી   આદિ આપણા જીવનદાતા છે,ઉપનિષદોમાં તેમની સ્તુતિ કરી જાગ્રત લાગણી  સાથે તેમની જાળવણી અને વૃદ્ધિની ભાવના હતી.આપણી ભારતીય સંસ્કુતિમાં વ્યક્તિ અને સમાજ એકબીજાને ઉપયોગી આભારી છે તે સર્વસ્વીકાર્ય સત્ય છે.પરસ્પરની કદર કરવાની,જાળવણી , વૃદ્ધિ  કરવાની વણલખી ફરજ છે તેથી આપણે ‘આભાર ‘શબ્દનો ઉપયોગ કરતા નહોતા પણ અંતરથી જાગ્રત રહી કર્તવ્ય બજાવતા હતા.કોઈનો આભાર માની ભૂલી જવામાં નાદાની છે.નાનપણમાં એક વાર્તા વાંચેલી કે ઈશ્વરચન્દ્ર વિધાસાગરે કોઈ ગરીબ વિધાર્થીને મદદ કરેલી ,તે વિધાર્થીએ જીવનમાં સફળ થયા પછી પણ યાદ રાખેલું.આજકાલ પોતાના સંતાનોને કહેતાં સાંભળ્યા છે કે ‘માં-બાપની ફરજ બજાવી ‘ એમાં નવું શું કર્યું?મદદ કરનારનો જમણો હાથ પોતાના ડાબા હાથને પણ જાણ થવા દેતો નથી ,તે કદી યાદ રાખતો નથી કે કોને કેટલી મદદ કરી?પણ અહેસાનમન્દ યાદ રાખે સમય આવ્યે બીજાને માટે કંઈક કરે.આ એક સતત વહેતી નદી છે ,કોઈને તમે થેક્યું કહ્યું હવે તમને કોઈ થેક્યું કહે તેવું સદ્કામ કરો ,જાગ્રતિ તેનો પાયો છે.રસ્તામાં પડેલો પથરો કે કચરો તમે સાવ એકલા જતા હો ત્યારે ઉઠાવીને આધો કરી દો તો તમને કોણ આભાર કહેશે ? તમારો જાગ્રત માંહ્યલો રાજી થશે.બસ તો આ આભારની લાગણી અંતરાત્માને પ્રસન્ન કરવાની રીત છે.વૉલન્ટીર વર્ક કરીને ઘેર આવો ત્યારે બીજાના ચહેરા પર જોયેલો  ગદ્દગદ્દ અહેસાનનો ભાવ મનમાં કેવી શાંતિ અને પ્રસન્નતા અર્પે છે!

હવે થોડી અવળી વાત કહું ,મેં કોઈ પંક્તિઓ વાંચેલી જે મારા મનમાં વસી ગઈ હતી:

‘મને પ્રેમ કરનારનો હું આભાર  માનું છું

પણ નહીં કરનારનો વધુ ઉપકાર માનું છું ,

પ્રેમ કરનારે મને તેમના બન્ધનોમાં બાંધી

જયારે ન કરનારે મને મુક્તિ આપી ,

મને બન્ધન કરતાં સ્વતન્ત્રતા વધુ ગમે છે.’

મિત્રો ,તમે મારી વાત સાથે સંમત થાવ કે ન થાવ પરંતુ સ્વાનુભવે હું સમજી કે પ્રતિકૂળતાએ  ,મદદ ન કરનારે મને સબળ બનાવી છે.મારા વિકાસના માર્ગને નવું જોમ આપ્યું છે ,એટલે મારા જીવનના નેગેટિવ તત્વોનો હું ખૂબ આભાર માનું છું. એક ફિલોસોફરે એટલી હદ સુધી કહ્યું છે કે ‘મદદ ‘નામનો શબ્દ ડિક્શનેરીમાંથી કાઢી નાખવો જોઈએ જે કરનારના અહમને પોષે છે અને લેનારનો નબળો કરે છે.રોજ બરોજના જીવનમાં ‘થેક્યું ‘મારો પ્રિય શબ્દ છે અને લાગણી છે ,ભલા આભાર ન કહી નગુણા થવા કરતાં આ –ભારને જે ઉંચકી શકે તેને માથે ચઢાવતા રહીએ અને ખુદ માથું નમાવી ઉંચકતા રહીએ !

‘ફોરમ લઈ આવતી હવાનો હું આભારી આભારી,

ચાંદની વરસાવતા ચાંદનો હું આભરી ..

ઝરણાંના કલકલ નો હું આભારી ….

શ્વાસોની સરગમનો હું  આભારી આભારી (દિપક મહેતા)

તરૂલતા મહેતા 7મી મે 2017

આભાર અહેસાસ કે ભાર? (2) રશ્મિ જાગીરદાર

આભાર અને આપણી સંસ્કૃતિ

કેટલાક શબ્દો એવા હોય છે, જેમનો ઉપયોગ આપણે  દીવસ  દરમ્યાન વારંવાર કરતાં હોઈએ છીએ. આભાર પણ તેમાનો જ એક શબ્દ છે. વારંવાર વપરાતા શબ્દો કેટલીક વાર તો પૂરું સમજ્યા વિના વપરાતા હોય છે. આપણા દેશમાં અને આપણી સંસ્કુતીમાં વારે વારે આભાર પ્રગટ કરવાની પ્રણાલી નથી. આજની ઉગતી પેઢી અને ઈંગ્લીશ મીડીયમમાં ભણતાં  સંતાનોના વાયે ચઢેલા વાલીઓ કદાચ મારી વાત નહિ માની શકે.છતાં કેટલાક ઉદાહરણો જોઈએ.

આપણે ગાડી લઈને ડાંગ જીલ્લાના આદિવાસીની વસ્તીવાળા ભાગમાં જતાં હોઈએ અને ક્યાંક ભૂલા પડીએ –કોઈને રસ્તો પૂછીએ તો એ આદિવાસી આપણી ગાડીમાં બેસીને છેક આપણે જ્યાં જવું હોય ત્યાં લઇ જશે. તમે તેને “થેંક યુ”  જરૂર  કહેશો અને કદાચ ૧૦-૨૦ ની નોટ પકડાવશો. પછી તમે રાહ જોઇને અડધો કલાક ઉભા રહેશો તો પણ તે તમને થેંક યુ નહિ કહે!
હજી, તમે તમારા વતનનાં નાનકડાં ગામ સાથે નાતો તોડ્યો નહિ હોય અને પરદેશથી તેમને માટે ચોકલેટ્સ, નેઈલ પોલીશ, બોડીવોશ કે એવું કંઈ લાવ્યા હો, તો તેઓ ખુબ પ્રેમપૂર્વક તે વસ્તુઓ સ્વીકારશે, તમે તેમની આંખોમાં અને વર્તનમાં રહી રહીને પ્રગટતી  આભારવશતા જોઈ શકશો પણ “થેંક યુ” સાંભળવાની તમારી તમન્ના ક્યારેય પૂરી નહિ થાય.
આજથી ત્રીસેક  વર્ષો પહેલાં બાળકો જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણતાં ત્યારે, ઘરના સભ્યો એકબીજાનાં કાર્યો અચૂક કરતાં પણ દરેક વખત થેંક્યું નહોતા કહેતા. વાત વાતમાં “થેંક યુ મોમ”, “થેન્ક્સ ડેડ” કહેતી આજની પેઢીને  કદાચ તે અસભ્યતા લાગે પણ મારી દ્રષ્ટીએ હું તેને “પોતાપણું” માનું છું. મારું કામ હું કરું કે તું બધું એકજ છે ને? આવી ઉમદા ભાવના જ તેમાં હોઈ શકે, અસભ્યતા તો હરગીઝ નહિ! તમારા ૮૦-૯૦ વર્ષના નાની કે દાદી તમને કોઈ કામ બદલ થેંક યુ ના કહે તો શું તમે તેમને અસભ્ય ગણશો?   આમ શબ્દોમાં અભાર ન  માનીને પણ અઢળક આભારવશતા તમારા દિલ સુધી પહોચાડવાની કળા — એ આપણી સંસ્કૃતિ છે.  આભાર ને “ભાર” ના સમજવાની ઉમદા લાગણી છે.
આ તો માત્ર જાણકારી છે બાકી હું પોતે દિવસમાં સૌથી વધુવાર કોઈ શબ્દ  બોલતી હોઉં તો તે “થેંક્યુ” જ છે! મેં પહેલાં કહ્યું તેમ, રોજ બોલાતા શબ્દો પણ આપણે  કદાચ પૂર્ણ પણે સમજતા નથી. એ વાત સમજવા એક બીજા બનાવની વાત કરીએ. લંડનમાં પ્રમુખ સ્વામીની પ્રેરણાથી સ્વામીનારાયણનું અદ્ભુત-વિશાળ મંદિર બંધાઈ ગયું  હતું.મંદિરમાં સમય સમયે પાંચ આરતી થતી.ભજન કીર્તન થતાં તે અલગ. હવે મંદિરથી આકર્ષાઈને કેટલાક અંગ્રેજો પ્રમુખ સ્વામીને મળવા આવ્યા. માત્ર રવિવારે ચર્ચમાં જનારા એ ભાઈઓએ પૂછ્યું કે, “આટલો સમય તમે બધા મંદિરમાં શું કરો ” અને કેમ કરો?”
પ્રમુખ સ્વામીએ જવાબ આપ્યો,” કોઈ તમારું એક નાનું કામ કરે તો પણ તમે -થેંક્યુ- કહો છો ને? તો પછી ભગવાને આપણે  માટે જન્મ આપવાથી માંડીને અસંખ્ય કાર્યો કર્યા છે તો,  તેમને થેંક્યુ  પણ થોડું વધારે કહેવું પડે ને?” સ્વામીશ્રીની આવી સચોટ અને નિખાલસ વાતોથી આકર્ષાઈને કેટલાય પરદેશીઓ સત્સંગી બન્યા છે. આમ “આભાર”ને ખરા અર્થમાં સમજવું  અને સમજાવવું એ દરેક માટે સરળ- “કપ ઓફ કોફી” નથી.
આપણે ભાર વગરના ભણતરની વાતો કરીએ છીએ , તે રીતે ભાર વગરનો આભાર એ આપણી સંસ્કૃતિ છે.  આપણા સંસ્કાર છે, એક આગવો અહેસાસ છે, જે માત્ર અનુભવી શકાય. તેને વર્ણવવા શબ્દો કદાચ વામણા બની રહે!
સમજવાની વાત છે, ના સમજે તો તું જાણે,
અનુભવવાની વાત, ના સમજે તો તું જાણે.
એક મનમાં ઉગે, પણ આથમે બીજા મને,
ઓગળવાની વાત છે, ના સમજે તો તું જાણે.
ઉપકારનો ભાર એ અસહ્ય છો લાગે તને,
ભાર નહિ અહેસાસ, ના સમજે તો તું જાણે.
માતા, પિતા  કે જગદાધારનો   આભાર,
શક્તિ બહારની વાત,ના સમજે તો તું જાણે.
આ બધી વાતો તો આપણા દેશની, આપણા સંસ્કારની, આપણી સંસ્કૃતિની. બાકી તમે પ્લેનમાં મુસાફરી કરતાં હો,અને સાંકડી જગ્યાને કારણે તમારો હાથ કે સમાન કોઈને અડી પણ જાય, તો તરત સોરી બોલી દેવાનું, નહિ તો સામેવાળો પરદેશી તમે અનપઢ -ગમાર છો, એમ માનીને  બને તેટલો વધારે તિરસ્કાર તમારી પર નીચોવી મારશે! અને જેવું તમે સોરી કહી દો, “ઇટ્સ ઓકે” કહીને સ્માઈલ આપશે.આમ જોઈએ તો સોરી અને થેંક્યુ એ બંને શબ્દો મને તો એક સિક્કાની બે બાજુ જેવા લાગે.જો તમારા  માટે કોઈ નાનું એવું કામ પણ કરે તો તમારે તેને થેંક્યુ કહેવાનું,પણ જો તમારા થકી કોઈને સહેજ પણ તકલીફ પડે તો તમારે સોરી કહેવાનું.
“આભાર” શબ્દ તમારા પર કોઈએ કરેલા ઉપકારનો ભાર હળવો કરવા સક્ષમ છે.તો “સોરી” તમારા થકી કોઈને થયેલી તકલીફનો ભાર હળવો કરવા સક્ષમ છે. આ બે નાનકડા શબ્દોએ આપણું જીવન સરળ બનાવી આપ્યું છે.બંનેનું ભૌતિક સ્વરૂપ ભલે નાનું હોય પણ તેમાં સમાયેલી ઉચ્ચ ભાવના, ઊંડી લાગણી અને તેનો અહેસાસ મોંઘામુલનાં  છે.આભાર શબ્દ બોલવો અને મનથી આભાર માનવો,એ બેની વચ્ચે સુક્ષ્મ ભેદ છે, પણ બંનેની અસર સાવ  જુદી છે. બંને વચ્ચેનો તફાવત પણ ઘણો મોટો છે. સાંપ્રત સમયની બલિહારી દર્શાવતું એક ઉદાહરણ મને અહીં યાદ આવે છે.
માતા-પિતા આપણને જન્મ આપે , ઉછેરે, ભણાવી ગણાવી તૈયાર કરે અને સરસ રીતે સેટ થવામાં પણ મદદ કરે. માત્ર આટલું કરે,  તો પણ આપણે  તેમનો આભાર માનવો પડે. પછી ભલે મોટા બંગલા-ગાડી કે બેંક બેલેન્સ ના આપે. ખરું કે નહિ? હું એક એવા ફેમિલીને મળી છું જેમાં માબાપ પાસે ૪ ઓફીસ, બે ફ્લેટ અને ઘરેણાં છે. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર. મિલકતમાંથી માત્ર એક ઓફીસ પુત્રીને આપવાનો વિચાર પુત્રને જણાવ્યો તે પળથી માબાપ તેના માટે દુશ્મન બન્યાં.બાકીની બધી મિલકત પુત્રને જ મળવાની છે છતાં, પુત્રીને આપવાની બાબતે દીકરો વહુ માબાપને ખુબ કનડવા લાગ્યા. બેન્કનું કે બહારનું કોઈ કામ ના કરી આપે, દવા ન  લાવી, આપે સાજે- માંદે  ડોક્ટર પાસે ના લઇ જાય. બોલે પણ નહિ. છેવટે દીકરીને આ બધી વાતની ખબર પડી એટલે તેને માબાપને કહ્યું,” બધું ભાઈભાભીને આપી દો, મારે કઈ નથી જોઈતું.”
દીકરીની આ વાત પર છેવટે માબાપે દીકરીનો આભાર માન્યો. હવે (દાવડા સાહેબનો) કાનો અનેક બહાના બતાવીને ભલે કહે કે મારે નથી અવતરવું, પણ એ બધી અંધાધુંધી દુર કરવા જ કાનાએ અવતરવું પડશે, ખરું કે નહિ મિત્રો? હે કાના તું જો અવતરશે તો અમે બેઠકના સૌ સભ્યો તારો ખુબ ખુબ આભાર માનીશું બસ?પ્લિઝ …
અસ્તુ.
રશ્મિ જાગીરદાર

આભાર અહેસાસ કે ભાર? (૧) પ્રજ્ઞા દાદભાવાળા

આપણા પ્રત્યેક વિચાર,પ્રત્યેક કર્મમાં,પ્રત્યેક પ્રતિભાવમાં મનની દુર્બળતા અને નમ્રતાઓ  પ્રતિબિંબ થતા હોય છે.

આભાર એક અનોખો શબ્દ અનોખો અહેસાસ અનોખી લાગણી. સ્વીકારદર્શક એવી હકારાત્મક ભાવના અથવા અભિગમ છે.આભાર એક શુભ સંકલ્પ,એક શુભ કર્મ કે શુભ વિચાર.અહમને ઓગાળતી એક પ્રતિક્રિયા અથવા લઘુતમ ભાવમાં આવવાની સહજ ક્રિયા,કારણરૂપ વ્યક્તિ અથવા વ્યવસ્થિત ને સત્ત-સ્વરૂપે અથવા આશ્રયરૂપ જોઈ દ્રષ્ટા થવું.લોકો કેટલી વખત આભાર માનેછે ?, કેટલા આભાર અનુભવે છે?

આપણા જન્મથી માંડી કઈ વ્યક્તિ ક્યારે પોતાનો રોલ ભજવી આપણા જીવનને વિકસાવતા હોય છે એની આપણને ખબર નથી હોતી ..ક્યારેક કોઈ માર્ગ બને છે તો કોઈ ક્યારેક કોઈ દીવાદાંડી,કેટલાં બધાં પરિબળો જવાબદાર હશે? શું આપણે એ બધાના આભારી નથી? આપણામાંથી ઘણાખરા અવારનવાર ભગવાનનો આભાર માને છે. તમે સૌએ ઘણા બધાને, કોઈને કોઈ પ્રંસગે કે કોઈ સંજોગોમાં ન જોએલી પ્રતિભાને નામ આપી ‘થૅન્ક ગૉડ’ શબ્દ બોલતા સાંભળ્યા તો હશે જ! દિવસભરના કામકાજ પછી રાત્રે પથારીમાં પડતાં પહેલાં અને સવારે અજવાળાને આંખોમાં ભરતાં પહેલાં આ સૃષ્ટિના સર્જકનો આભાર માનતાં હાથ આપોઆપ જોડી પ્રાર્થના કરતા પણ તમે અને મેં ઘણાને જોયા છે. તો ઘણાને વાત-વાતમાં થૅન્ક્સ આપવાની આદતે પણ જોયા છે.ઘણા એને વધારે પડતા નમ્ર બની પોતાની અભિવ્યક્તિ કેરે છે એમ કહી વગોવતા પણ હોય છે પણ સાચું કહું, આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ અચાનક વગર કારણે ઘટે છે, ત્યારે આપણા મનના અનેક સવાલોના જવાબ એટલી સરળતાથી અને ઝડપથી મળવા લાગે કે વાત ન પૂછો અને આપણે ન બોલીએ તો પણ હૃદયથી ઋણી થઈએ છીએ.

ઘણી વાર વિચાર આવે કે આપણે ખુલ્લા દિલે આભાર વ્યક્ત કરી શકીએ છીએ? અથવા સીધો સવાલ જાતને પૂછો તો.. આભાર વ્યક્ત કરો છો? આમ જોવા જઈએ તો આભાર એ અહમને ઓગાળતી એક ક્રિયા છે જો આભાર કહેતા જતાવ્યાની લાગણી થતી હોય તો ​અને કોઈનો હાથ મારી ઉપર છે એવું સતત થતું હોય ત્યારે આભાર ન કહેતા બીજા ત્રણને મદદ કરજો. થેન્ક યુ અને તમારો ખૂબ-ખૂબ આભાર જેવા શબ્દો સહૃદયપૂર્વક બોલી શકતા લોકો ડિપ્રેશન ઓછું કનડે છે.ઘણા આભાર માનતા અચકાતા પણ હોય છે ત્યાં શું નડે છે? અહી એટલું કહીશ આપણાં ધારેલાં કામો થાય છે! અને અને થયા ને ?એમાં આ કોઈકનો તો થોડો રોલ છે જ એ માનવું પડે ને! કોઈના કામની અને કામ કરનારાની કદર કરવાથી તેમને વધુ બહેતર કામ કરવા માટે મોટિવેશન મળે છે.નાનકડા કાગળ પર પોતાની લાગણી વ્યક્ત કરી મોકલી આપો અને તે વ્યક્તિને આજે પણ તેમના અનેક સાથીઓને એ દેખાડશે અથવા એમની પાસે આજે પણ એ ચબરખીઓ સચવાયેલી પડી હશે.આ વાત મેં ઘણી વાર ફેસબુક કે બ્લોગ કે સોશિયલ મીડિયાપર પણ જોઈ છે માત્ર લાઈક કરવું અને અને વાંચી બે શબ્દોની કોમેન્ટ એ વ્યક્તિને કેટલું બળ આપે છે. તમે ન જોઈ શકતા એના સ્મિતમાં એક આભારની લાગણી ચળકતી હોય છે.કોઈ વિષમ પરિસ્થિતિમાં હોઈએ શોકમાં હોય હતાશ કે અસહાય બની અધંકાર ખોવાયા હોઈએ એવા સમયે આ સાચવેલી ચબરખી માનવીને ઊંચકી લે છે અને પોષક બને છે.હું તો કહીશ આભાર એ અંતરનું જોડાણ છે.એક શબ્દ માનવીની ઈચ્છાની પૂર્તિ માટેનું માધ્યમ અજાણતા જ બને છે. આપણે જાણીએ છીએ શબ્દોની જરૂર નથી પણ આપણા ભાવ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે.આ પ્રેમનો આનંદ અને વેહેચણી છે. મેં તો ક્યારેક આ શબ્દ મૌન અને આંખોમાંથી અશ્રુધારામાં વહેતો જોયો છે.

બીજો પ્રશ્ન એ છે કે આભાર નો ભાર કેટલો રાખવો? એ પણ વિચાર માંગી લે છે ઘણી વાર કોઈ આભાર ન માને તો પણ સમસ્યા સર્જાતી હોય છે.આભાર હળવા થવાનું સાધન છે અને લેનાર એને દેનાર ભારે કેમ બનાવવાનો ?આભાર અને ઉપકારવશતા એક જ નથી. ભલે બંને ભાવનાઓ મદદ મળ્યા પછી ઊભી થતી હોય, ઉપકારવશતા ત્યારે ઊભી થાય છે જ્યારે વ્યક્તિને એમ લાગતું હોય કે તેઓ ઉપકાર તળે દબાયેલા છે અને તેમણે એ મદદનો બદલો વાળવા માટે, વળતરરૂપે કશુંક કરવાનું છે.તો ભાર બની જાય છે. કૃતજ્ઞ લોકો પોતાનો વૈયક્તિક ફાયદો શોધે તો શું થાય ? આભાર એક સકારાત્મક વિચાર…આભાર એ સત્ય તરફી ગતિ છે કોઈક હતું, કોઈએ કર્યું માટે થયું એ સત્યને સ્વીકારી આગળ વધવું અને એજ પ્રમાણે આપણે કોઈની પાછળ રહેવું એ ભાવ અકબંધ રાખવો જરૂરી છે.કૃતજ્ઞતાના મોંઘેરા મૂલ્યની પ્રતીતિ સૌને થાય તે સ્વાભાવિક છે ઋણ જયારે કોઈ વ્યક્તિ માટે ભાર બને તો આ ક્રિયા માનવીને લઘુતમ ભાવમાં લાવવાને બદલે લઘુ બનાવે છે.તેમજ મદદ કરનાર વ્યક્તિએ ક્યાં સુધી આ જતાવે રાખવાનું ?સૌ વળતર લઈને કે વળતર માટે જ કામ કરતા હોય છે ? તો શું આ વળતરની માંગણી છે કે પોતાનું મહત્વ જતાડવાની ચેષ્ટા ! તેમજ “આ તો કહેવું જ પડે” અથવા “કોઈએ કહ્યું પણ નહિ” એવી ભાવના સાથે બોલાયેલા આભારના શબ્દો ભારે લગતા હોય છે એ કેમ આપણે ભૂલી જઈએ છીએ !

આભારને ભાર ન બનાવશો.. કર્મની થીયરી કહે છે.આભાર એક હકરાત્મક વિચાર અને ક્રિયા છે,આભાર વ્યક્ત કરવો એ આધ્યાત્મિક આનંદ છે,  આપણે કદાચ અનુભવ્યું નહીં હોય પણ આપણે જ્યારે કોઈને આભાર, કે ધન્યવાદ કહીએ છીએ ત્યારે આપણા ચહેરા પર સ્મિત હોય છે અને સાથે સાથે સામી વ્યક્તિના હૃદયમાં આપણા માટે માન,.. માટે ઋણ ચુકવવાની મથામણને બદલે એને સર્જનાત્મક બનાવ,આપણી વિરોધી દેખાતી વ્યક્તિના પણ આપણે ઋણી અને એટલાજ આભારી છીએ.સારા, નરસા, વિચારોનો વિરોધ કરતા દરેક શબ્દ પાછળ આપણને મદદ કર્યાનો અસીમતાનો સૂર છે માત્ર ફેર કોઈ રણશીગું છે તો કોઈ વાંસળી.

આભારને બોલ્યા વગર એક નવા જ અંદાઝ થી સાચવવા મેં એકવાર એક બોક્સ લીધો એમાં મેં મારી નાની નાની ચબરખી લખીને નાખી. જન્મથી અત્યાર સુધી કોણ,કોઈ, કઈ વસ્તુ, મારા જીવનમાં મારા વિકાસ માટે આભારી છે, મારે કોનો કોનો આભાર માનવો એ હું નાનકડી ચબરખીમાં લખી મુકતી, પણ તમે નહિ માનો,બોક્સ નાનો પડ્યો ત્યારે થયું મેં શ્વાસ લેવા સિવાયનું બધું કામ બીજા થકી કર્યું છે અને શ્વાસ લેવા માટે પણ “થેંક ગોડ’ બોલાઈ ગયું.સાચું કહું પણ આ ચબરખીઓ જયારે મને કોઈ સામે ફરિયાદ હોય છે ત્યારે પાછા વાળવામાં આજે પણ મદદ કરે છે મારી આસપાસ જે મને મદદ કરે,તેની કદર કરવા પ્રેરેરે છે અને હું સભાન થઇ જાવ છું.

આભાર એક માત્ર શુભ પ્રતિસાદ અને વિચાર, પ્રાર્થના, કાર્યની મહત્તાનું મૂલ્ય,એનેક પર એક શબ્દ, હળવું મન અને ગીત ગાતા હોઠ..,હૃદય થી હૃદય સાથે વાતો કરવી ..સાથનો અહેસાસ કરવો.. હાથમાં હાથ પરોવી ચાલવું….. આભાર કે પ્રશંસાની એક નોંધ અથવા ઇમેઇલ. સ્થાનિક દુકાનોમાંથી ખરીદી શકાતી નથી. અને ખરીદવા કરતા કોઈના બધા બારણાં બંધ હોય ત્યારે તેમની પાછળ તમે ઉભા છો એવી પ્રતીતિ આપજો…

તો આવો કોઈ વાર કોઈએ ખુલ્લા દિલે આભાર વ્યક્ત કરી જોજો, સામેવાળી વ્યક્તિને પાંખો ફૂટશે એમનામાં ગતિનો સંચાર થશે ચહેરા પર જે સંતોષ જોશો એ અનોખો હશે.

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા

 

બેઠકનોઆ મહિનાનો વિષય છે ‘આભાર અહેસાસ કે ભાર ?

મિત્રો આ મહિનાનો વિષય છે. આભાર,  આભાર શા માટે ,કેમ? ક્યાં ?અને કેટલો ?

તમે ખુલ્લા દિલે આભાર વ્યક્ત કરી શકો છો?

“આભાર વ્યક્ત કરતા શીખવું એ માનવીઓ માટે સૌથી મહત્ત્વનું છે,” એવું કૅનેડાના ક્લેગરી હેરેલ્ડ છાપાએ કહ્યું.

આ વિષય વિચાર માગી લે તેવો છે,હા આપણને વિચાર કરતા મુકે તેવો વિષય છે તો માંડો લખવા 

અને તમારા શબ્દો દ્વારા કરો બધાને વિચાર કરતા 

૮૦૦ કે વધારે શબ્દોનો લેખ લખો (કવિતા ન લખવી )

પણ લેખમાં કવિતા ટાંકી શકાય 

છેલ્લી તારીખ છે ૨૫મી મેં ૨૦૧૭ 

અને હા મને મોકલતા પહેલા બે વાર વાંચવો અને જોડણી ની ભૂલ શોધી સુધારી મોકલવો. 

મને પ્રવીનાબેને કડકિયા  લખેલી એક સુંદર કવિતા ગમી હતી જે અહી મુકું છું કદાચ એમાંથી તમને પ્રેરણા મળશે પણ તમારા મૌલિક વિચારોને મુકશો તો વધુ કલમ કેળવાશે.

 આભાર 

આભાર શા માટે, કોનો, ક્યારે?

મનુષ્ય જીવન કાજે, સર્જનહારનો હરપળ.

કેવી રીતે. વાણી મધુરી અને સંવેદના ભર્યા વર્તન  દ્વારા.

આંખોના પલકારાથી, મુખથી યા અંતરમાથી.

અરે, માત્ર આંખોનું મિલન પણ ઘણું કહી જય છે.

આભાર પછી તે સ્રર્જનહાર હોય કે આપણી ચારે તરફ ફેલાયેલાં

કુટુંબીજનો, મિત્ર મંડળ યા સમાજ.  તેમા હારેલા ‘યોધ્ધાની માફક

પાછીપાની ન કરતા’ ખુલ્લા દિલે તેનો એકરાર કરો. હા, બને તો ચાર

પૈસા વાપરવામાં કંજૂસાઈ કરવી કિંતુ “આભાર’ શબ્દને વાપરવામાં

નહી.

આભારનો ભાર કરો હળવો

આભારનો ભાર ન લાગે તો નરવો

આભારનું ચિત્ર રુડું રળિયામણું

મનને મંદિરે દીસે હળવું

આભાર માન તું હે માનવી

જનમ અને કાયા પામ્યો અવનવી.

આ પૃથ્વી પર જન્મ મળ્યો, પરવરિશ પામ્યા.

કશું જ માંગવુ પડ્યું ન હતું. વણ માગ્યે અનહદ

પામ્યા. યાદ રહે

“આભારનો ભાર વેંઢારવો મુશકેલ છે

આભારના ભાર તળે દબાવું આસાન છે.

આભારનો ભાર લાગે તો તે વેપાર છે.

આભારનો ભાર સતાવે તો વ્યવહાર છે.

આભાર, આનંદ અર્પે તો તે નિર્મળ પ્યાર છે.”

પ્રવિણા કડકિયા