પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના . બેઠકના દરેક સર્જક કરે છે

%e0%aa%85%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be

 

 

 

 

 

 

સૌના પ્રિય મિત્ર આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય
૯૬ વરસના જીંદાદિલ આતાજીના દુખદ સમાચાર દિલને આંચકો આપી દીધો
આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. તેઓ સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.

છેલ્લા એક ઘણા દિવસથી મારી સાથે ઈમેલથી સમ્પર્કમાં હતા છેલ્લી ઈમૈલમાં પોતાની વાત મને લખી મોકલાવી હતી , ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો લખી  હતી. અને બેઠકની વિનું મર્ચન્ટ વાર્તા સ્પર્ધા માટે પોતાના જીવનની સત્ય કથા પણ મોકલી  સૌથી મોટી વાત જિંદગીની છેલ્લી ક્ષણ સુધી જીવન સંતોષ થી જીવ્યા
એવા  પ્રેમાળ ભડવીર  આતાજીને હાર્દિક શ્રધાંજલિ .

પ્રિય પ્રજ્ઞા બેન
તમે મને  બહુ ખુશ કરી દીધો  મારી ઉંમર 95 + છે  . આ તમારી જાણ માટે જોકે  .
 વાર્તા સાથે  મારી ઈ મેલ મોકલીશ  .   with love  himmatlal joshi

એમનો ઈમેલ મોકલ્યો તારીખ ૩ જાન્યુવારી 2017

મારા ફોટા સાથે પરિચય મોકલું છું 
મારો પરિચય આપતા હું જણાવું છું કે મારુ નામ હિમ્મતલાલ જોશી છે ,  હું અમદાવાદમાં  પોલીસ ખાતામાં  નોકરી કરતો હતો  , અને  રિટાયર્ડ થયા પછી  મારા ભાઈના તેડાવ્યાથી અમેરિકા 1974 માર્ચ 19 કાયમના રહેવાસી તરીકે અમેરિકાની ધરતી ઉપર પગ મુક્યો   . આ પહેલાં  હું  અમેરિકા  વિઝીટર વિસા ઉપર  આવ્યો   , મેં  તે વખતના  d , s . p  debu  સાહેબ પાસેથી બે વર્ષની રજા લઇ  અમેરિકા આવ્યો  . મને  ત્રણ  મહિનાનો  વિસા મળેલો  .  મેં જયારે  ડેબૂ સાહેબ  પાસે રજા માગેલી ત્યારે ડેબ્યુ સાહેબે મને એમની પારસી ભાષાની ઢબે પૂછ્યું  ,  તારું ત્યાં અમેરિકામાં  કોન છે ? મેં જવાબ દીધો   ,મારો ભાઈ અને દિકરો અમેરિકા છે  ,આટલી લાંબી  રજામાં  તુને પૂરો પગાર નહીં મળે   .  જો સાંભળ  થોડા મહિના   તુને પૂરો પગાર મળશે  . પછી  અર્ધો પગાર મળશે  . અને પછી બિલકુલ  પગાર નહીં મળે  સમજ્યો ? મેં કીધું હા
અને પછી હું અમેરિકા માર્ચ 19 1969  ના દિવસે અમેરિકાની ધરતી ઉપર  પહેલ વહેલો  પગ મુક્યો   .આ વખતે મારા દિકરાને ત્યાં દિકરાનો  જન્મ થઇ ગયો હતો  .(જાન્યુઆરી 11 1969 ) મારા ભાઈ અને એની અમેરિકન ગોરી પત્ની એલિઝાબેથે  એમના સગાં ઓ સાથે મુલાકાતો કરાવી   , આ વખતે કેનેડાના  મોન્ટ્રીઅલ શહેરમાં  વિશ્વ મેળો હતો તે દેખાડ્યો   . અને અમેરિકાના ઘણાં જોવા લાયક સ્થળો બતાવ્યા  .    ખુબ મજા કરાવી   , મેં  અમેરિકામાં વધુ રોકવા માટે  વિઝાની મુદ્દત  વધારી દેવા અમેરિકાના ઇમિગ્રેશન  ખાતાને અરજી કરી   .  એટલે મને ત્રણ મહિનાનો  બીજો વિસા મળ્યો   . વળી મેં  વધુ વિસા માટે  વિનંતી કરી   કશો  જવાબ મળ્યો નહિ   , અને હું વિસાની વાટ જોઈને બેસી રહ્યો  . એમ કરતાં મને   બાવીસ મહિના જેટલો સમય થઇ ગયો   . મારા ભાઈ અને તેની પત્નીની  એવી ઈચ્છા હતી કે હું અહીં રોકાય રહું  .
એક દિવસ અમદાવાદની   ડી એસ પી  ની ઓફિસથી  કાગળ આવ્યો કે  તમો  તમારી રજાના બે વરસ  પુરા કરશો તો તમારી નોકરી ગુમાવશો  ,  કેમકે કાયદો એવો છે કે  કોઈ બી સરકારી નોકર  બે વર્ષ સુધી  બિમારીનાં કે એવા કોઈબી  બીજા  કારણ સર   નોકરી ઉપર ગેર હાજર રહે  એને નોકરી ઉપરથી  છૂટો થઇ ગએલો ગણી લેવામાં આવે છે  .  માટે જો તમારે  નોકરી કરવી હોય તો  બે વર્ષ પહેલાં  નોકરી ઉપર હાજર થઇ જજો   , નહિતર  તમારી નોકરી ગુમાવશો  ,
પછી મેં મારા ભાઈને વાત કરીકે  હવે મને દેશ ભેગો કરી દે   .  મારા ભાઈએ અને દિકરાએ ભાર દઈને મને કીધું કે દેશમાં જઈ હવે તમે નોકરી નહીં કરતા  . અમે તમને અમદાવાદમાં મકાન ખરીદી આપીશું  .  અને હાલ તમારો પગાર છે  .  એનાથી ડબ્બલ  પૈસા આપીશું   . પણ હવે  સખત મહેનત વાળી અને જોખમી નોકરી કરતા નહીં  ,  તમારી નોકરી હવે ગઈ   . અમે અહીં અમારી મોટર  એક વખત  ધોવાના  પૈસા  ખર્ચીએ  છીએ એટલામાં  તમારો મહિનાનો પગાર  થઇ જાય છે  , પણ મેં ફરીથી  નોકરી કરવાનો નિર્ણય  કરી લીધેલો  ,  મેં મારા ભાઈને કીધું કે  મારી કારમી ગરીબીમાં મેં તારી ઓફર હોવા છતાં પૈસો લીધો નહીં   . તો શા માટે  હવે  હું તારી પાસેથી પૈસો લઉં  , મારુ કહેવાનું એટલું છે કે  તું જયારે મને કાયદેસર  અમેરિકા  બોલાવી શકે એમ હોય  ત્યારે  મને  બોલાવજે   ,
પછી મારા ભાઈએ મને  આઇસલેન્ડ  અને ઇંગ્લેન્ડ  થઈને  ભારત જવાની ટિકિટ લઇ આપી  , આઇસલેન્ડ  દેશ તમને જોવા મળે  એ રીતે તમને આઇસલેન્ડ  થઈને જવાની ટિકિટ   લઇ આપી છે  ,  અને  વાપરવા માટે ડોલર ન આપતા અમેરિકન એક્સપ્રેસનના  બિલના પૈસા આપ્યા.  ભાઈને એવો ખ્યાલ હતો કે  અમેરિકન એક્સપ્રેસ  ડોલરની જેમ બધેજ ચાલશે , પણ એ માન્યતા એની ખોટી હતી   . ફક્ત દુનિયાની અમુક બેન્કો જ આ અમેરિકન એક્સપ્રેસ સ્વીકારે  .
 મારી પાસે  ન્યુ યોર્ક થી મુંબઈ સુધીની ટિકિટ તો હતી જ, પણ આઈસલૅન્ડથી  ઇંગ્લેન્ડના  જે એર પોર્ટ ઉપર  ઉતારવાનું હતું   , ત્યાંથી  મુંબઈ જવા  માટે  લંડન શહેર વચ્ચેથી  પસાર થઇ  બીજા એર પોર્ટ ઉપરથી  ભારત જવાના પ્લેનમાં  બેસવાનું હતું ,  હું લન્ડનના એરપોર્ટ ઉપર ઉતર્યો .  ઘુસણ  ખોરોથી ત્રાસેલા ઇંગ્લેન્ડ ને  વ્હેમ પડ્યો  . કે હું  ઈંગ્લેન્ડમાં  ઘૂસી જવા માગું છું  અને એટલે જ મેં  આઇસલેન્ડ  થઈને ભારત જવાની ટિકિટ લીધી છે , હું ઈંગ્લીશ ભાષા જાણતો નથી . એવું જાણ્યા પછી દુભાષિયા મારફત  મારી સાથે વાત કરી. અને મને  ટેક્ષી કરીને બીજા એરપોર્ટ ઉપર જવાનું કીધું, મેં ટેક્ષીવાળાને અમેરિકન એક્સપ્રેસ બતાવ્યો  . એને એ લેવાની ના પાડી એટલે મને  ઇંગ્લેન્ડના  ઇમિગ્રેશન ઓફિસરે એની ઓફિસના  કોઈ ક્લાર્કને તેની  તેની કારમાં  બેસાડીને  બીજા એરપોર્ટ  ભેગો કર્યો  .   જેની ગોરી ચામડીથી અમો અંજાઈ જતા એ ગોરો મારો ટેક્ષી ડ્રાયવર બન્યો  , કારનું બારણું ખોલીને  મને  માનભેર  સીટ ઉપર બેસાડ્યો  . મારો સામાન કારમાં મૂકી આપ્યો આથી હું બહુ ખુશ થયો. હું મુંબઈના એર પોર્ટ ઉપર ઉતર્યો અહીંથી  એરપોર્ટની બસ દ્વારા  દાદર રેલવે  સ્ટેશન  નજીક ઉતર્યો  મજુર પાસે સામાન ઉપડાવી  દાદર રેલવે સ્ટેશન  ઉપર ચાલતો  પહોંચ્યો  . મજૂરને મેં વાત કરી કે મારી પાસે રૂપિયા નથી પણ અમેરીમન એક્સપ્રેસ છે , એની હું  ટિકિટ બારી ઉપરથી અમદાવાદની ટિકિટ લઈશ  ત્યારે મને છુટ્ટા ભારતના પૈસા મળશે , ત્યારે હું તુને  તારી મજૂરીના પૈસા આપી શકીશ. મજુર કહે ભલે  હું ટિકિટ લેવા ગયો તો અમેરિકન એક્સપ્રેસ નો લીધા. મજૂરને કીધું આ લોકોએ મારો અમેરિકન એક્સપ્રેસ નો લીધો, એટલે હું તુને પૈસા આપી શકું એમ નથો  , મજુર કહે    अच्छा अला आपका भला करे . એવા  દુઆ આપી  મજુર જતો રહ્યો અને હું  વગર ટિકિટે ગાડીમાં બેસી ગયો  અને અમદાવાદના  મણિનગર  સ્ટેશન ઉપર ઉતર્યો , સ્ટેશન ઉપર મને   જનક રાય નામનો રેલવે પોલીસ  મિત્ર મળ્યો,મને સૂટ બૂટમાં જોઈને બોલ્યો,એલા તારો તો અમેરિકા ગયો , એમાં વટ પડે છે  , ઓલી સરકારી ખાખી  ચડ્ડી  પહેરીને  ફરતો હતો એ યાદ આવે  છે કે નહીં , મેં જનકને કીધું  મારી પાસે ટિકિટ  નથી , મને તું સાંગોપાંગ  સ્ટેશન બહાર  નીકળી જવા માટે મદદ કર   , જનક કહે આતો  આપણા બાપાની  ગાડી છે.. બસ અહી સુધી લખી મોકલી છે …

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના . બેઠકના દરેક સર્જક કરે છે

આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક પર વધુ …
https://aataawaani.wordpress.com/2017/01/15/aataa_no-more/

દાવડા સાહેબે મોકલેલ વિગત

આતા-૯૩ વર્ષની વયના મારા મિત્ર શ્રી હિમતલાલ જોષીને વધારે લોકો તેમના હુલામણા નામ “આતા” કે “આતાઈ” થી ઓળખે છે. મારા પ્રત્યેક ઈ-મેઈલનો તરત જ જવાબ લખનારા આ આતા સદા આનંદિત રહે છે.તેઓ પોતાનો “આતાવાણી” નામે બ્લોગ ચલાવે છે, અને બીજા અનેક બ્લોગ્સની મુલાકાત પણ લેતા રહે છે. વેબ ગુર્જરી દ્વારા સન્માનિત આતાની વાત એમના શબ્દોમાં જ વાંચો.

“મારો જન્મ ૫ મી એપ્રિલ ૧૯૨૧ ના દિવસે દેશીંગામાં થયો હતો. દેશીંગા જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. મારા પિતા જેઠાબાપા દેશીંગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલતરીકે નોકરી કરતા.  હું દેશીન્ગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધીભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેશીંગાથી અર્ધો ગાઉ દુર મરમઠગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ  કર્યા. મારી ભણવાની બહુ હોંશહોવા છતાં, મારા બાપાની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો.  પછીમને બીલખામાં  શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત  ભણવામુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયનાસાધુનો ભેટો થયો. આ સાધુ પાસેથી  હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો.  અહીમેં આશ્રમના એક ક્લાર્કને  લાકડીથી માર્યો હતો, અને આ કારણે મનેઆશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.

આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો, અને પછી મેં  ખાંડ,કેરોસીન વગેરે વસ્તુ  કાળાબજારમાં વેચવાનો  ધંધો શરૂ કર્યો,  પણ એમાં જોખમ હોવાથી મારી માએ  આવો ધંધો ન કરવાનું કહ્યું.

આ વખતે બીજું વિશ્વ યુદ્ધ  જોરશોરથી  ચાલી રહ્યું હતું.  હું આર્મીમાંભરતી થઇ ગયો. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી આર્મીમાં કામ કર્યું. બીજું વિશ્વયુધ્ધ પૂરૂં થઈ જવાથી મને સેનામાંથી છુટો કર્યો. ત્યાર બાદ, હુંઅમદાવાદ પોલીસ ફોર્સમાં જોડાયો. ૧૯૪૭ થી ૧૯૭૪ સુધી પોલીસ ખાતામાં કામ કર્યું. અમદાવાદમાં  હું એક એવો પોલીસ હતો કે D.S.P.સુધીના માણસો મને અંગત રીતે ઓળખે.  એનું કારણ એ કે,  હું  કાળાનાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લેતો. હુંમારા આવા સરપ  પકડવાના ધંધાને લીધે  છાપે ચડ્યો હતો. અમદાવાદનો સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એના ચીફ એન્જીનીઅર બી. કુમાર હતા. તે  એક વખત સિનેમા જોઈ  ઘરે આવ્યા અને પથારી પાસેગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમનેડરાવ્યા. એટલે  એ તો હડી કાઢીને  બંગલાની બહાર નીકળી ગયા.  આવખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે,  કોઈ બંગલાનજીક જાય!  પણ એક ભડનો દીકરો  ભૈયો હતો તે  દરવાજા  પાસેહાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો.  મને બોલાવવામાંઆવ્યો. હું ગયો  એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,

“साब! आप साथ कुछ नहीं लाए। यह  साप बड़ा खतरनाक है।”

મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારીપાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો.  હું સૌને સંભળાવવા બોલ્યો –

” નાગબાપા!  આ તમે જુઓ છો એ માંયલો માણસ હું નથી.”

એમ બોલી ફેણ માથે હાથ મૂકી  નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચેમારા બે હાથની હથેળીઓ ઘાલી  નાગદેવતાને  ઊંચા કરી મારા નાક સામેફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.

કોઈક બોલ્યું કે આને કૈંક ઇનામ આપવું જોઈએ.  બી.કુમારે  મને વીસ રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ ન લેવાય. તમેમને મારા ખાતા મારફત  આપો.

પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે  બોલાવ્યા.  મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો;  અને હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પપકડવાની વિગત પણ  છપાણી. મારો જીવતા સાપ પકડવાનો આ શોખ,એક વાર નાગના કરડવા છતાં, આજસુધી કાયમ છે.

પોલીસ ફોર્સમાંથી વહેલો નિવૃત થઈ અને મારા નાનાભાઈનાતેડાવવાથી   ૧૯૭૪ માં અમેરિકા આવ્યો.  છ દિવસ આરામ કર્યાં પછીનોકરીની શરૂઆત કરી. ૧૯૮૫ સુધી પ્રિન્ટીંગ  પ્રેસમાં કામ કરી કમાયોઅને એરિઝોનામાં  પોતાની કમાણીથી  ઘર ખરીદ્યું.  છાપાઓમાં લેખોલખ્યા.  લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ (જાણીતા ચિત્રકાર રવિશંકર રાવલના સુપુત્ર) જેવા મિત્રો મળ્યા.  શ્રી સુરેશ જાની(બ્લોગ જગતના જાણીતા સુરેશદાદા) એ મારો ઉત્સાહ  ખુબ વધાર્યો.

અમેરિકા આવ્યા બાદ સાહિત્યમાં રસ કેળવાયો અને ઉર્દુ અને અરબી ભાષા શીખ્યો.  ૧૯૯૬ સુધી ન્યુ યોર્ક રાજ્યમાં અને ત્યારબાદ એરિઝોના રાજ્યમાં રહ્યો. ૪૦ વર્ષથી અમેરિકામાં રહેવા છતાં હજી અમેરિકાની નાગરિકતા સ્વીકારી નથી.

૨૦૦૭ માં  મારી પત્નીના પરલોક ગયા પછી  હું બહુ ઉદાસ રહેતો હતો;પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી અને મને  મારી પોત્રી જેટલી જ વહાલી, ગોરી અમેરિકન લિયા એ મારી ઉદાસીનતા દુર કરી.”

હાલમાં આતાજી સવારે વહેલા તૈયાર થઈ, સરકાર દ્વારા ચાલતા Senior Citizen Centre માં પહોંચી જાય છે, ત્યાં મિત્રોને મળે છે, કોમપ્યુટર ઉપર કામ કરે છે, વાંચન કરે છે, લેખ અને શાયરીઓ લખે છે. બપોરે ઘરે આવી થોડો આરામ કરે છે, ત્યાર બાદ ઘરના બાગમાં થોડું કામ કરે છે,લોકોને હળે મળે છે, અને આનંદમાં જીવન વ્યતિત કરે છે. એમને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી.

 

પી. કે. દાવડા
https://davdanuangnu.wordpress.com/

___________________________________________________________________________________

રામકા નામ લીયેજા, તું અપના કામ કીયેજા…