
ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૮ ના દિવસે બેઠક મિત્રો બેઠકમાં મળ્યાં એક નવા ઉત્સાહ અને રહસ્ય સાથે!! કારણ ? કારણ આજ કલ્પનાબેન રઘુના જન્મદિવસની સરપ્રાઈઝ પાર્ટી હતી. બધાં બેઠકના સભ્યો ખૂબ જ ઉત્સાહમાં હતાં રાબેતા મુજબ સાંજનાં છ વાગે ભેગા થવાનું હતું. મનીષાબેન પંડ્યા ફૂલના ગુચ્છા સાથે અને સુંદર મજાના કાર્ડ સાથે દાખલ થયાં હતાં. બધાં સભ્યો કાઈ ને કાઈં વાનગી બનાવી લાવ્યાં હતાં. જેમાં કઠોળ, ઢોકળા, હાંડવો,પરાઠા સલાડ, પૂરી, ગુલાબજાંબુ ચુરમાના લાડવા અન્ય અનેક પ્રકારની વાનગીઓથી ટેબલ સજી ગયું હતું.
બેઠક એક પરિવાર છે. અહીં બધાંની ખુશી, સાથે મળી ઉજવાય છે અને બધાંના દુઃખ,સાથે મળી વહેંચાય છે. આજ કલ્પનાબેનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સરસ મજાની કેક લાવવામાં આવી. કલ્પનાબેને કેક કાપી તો બેઠક પરિવાર આનંદથી ” બાર બાર દિન યે આયે બાર બાર દિલ યે ગાયે તુમ જીઓ હજારો સાલ યે હમારી હૈ આરજૂ.. હેપી બર્થ ડે ટુ યુ.” બધાએ એમના દિર્ઘાયુ અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી સાથે સાથે જયંતભાઈ અને ભારતીબેનની પણ લગ્નતિથિ હતી એમણે પણ કેક કાપી અને બધાએ શુભેચ્છા પાઠવી. તો મનીષાબેને પોતે ટુંક સમય માટે પણ હાજર રહી કલ્પનાબેન અને ભારતીબેનને શુભેચ્છા આપી ગુલદસ્તા સાથે ચુરમાના લાડવા ખવડાવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કલ્પનાબેનની પ્રાર્થનાથી થઈ. પછી કલ્પનાબેનને ફૂલનો ગુચ્છો આપવામાં આવ્યો. આગળ જતાં કાર્યક્રમમાં નવાં આવનાર નિશાબેન શાહ અને વિક્રમભાઈ તથા કચ્છની હાઈસ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી રમાબેન શાહનું પણ સ્વાગત કરવામાં આવ્યું. વસુબેન અને મધુબેને વાચિકમથી બધાને આનંદ આપ્યો. ઘણા લેખકોએ પોતાની રચનાઓ રજૂ કરી. કવિતાઓ, ગઝલ અને વાર્તાઓથી વાતાવરણ સાહિત્યરસિક બની ગયું. હેમંતભાઈએ કવિતાથી કલ્પનાબેન અને બેઠકને નવાજ્યા હતા. નવા આવેલા મહેમાન નિશાબેને એક સુંદર ડાયોસ્પરા કવિતા રજુ કરી સૌને ચકિત કર્યા હતા તો પ્રજ્ઞાબેને નવા આવેલ મહેમાનોને આવકારી ફરી આવતા રહેવાનું આમંત્રણ આપ્યું હતું. વચ્ચે વચ્ચે જોક્સ અને નાના મોટા ઠહાકા થતાં રહ્યા. ‘બેઠકે’ વધુ વાંચન થાય તેવા આશ્રયથી અને વાચકોને પ્રોત્સાહન આપવા વાચિકમનો નવો પ્રયત્ન કર્યો છે. વાંચન દ્વારા વિચારોને કલમ આપવાનું કામ ‘બેઠક’ કરે છે. જે સૌએ ઉત્સાહ સાથે આવકાર્યો છે. એ પ્રવૃતિને વેગ આપવા માધવ જે નાટ્યકાર છે તેમને ‘બેઠકે’ ખાસ આમત્રણ આપી બોલાવ્યા હતા, માધવે વાચિકમ અને નાટક માટે શું શું કરવું જોઇએ એની માહિતી આપતા કહ્યું કે વાર્તાનું નાટ્ય રૂપાંતર કરી રજુ કરવું એક કળા છે અને એણે એક સુંદર દ્રષ્ટાંત આપી વાચિકમ અને સામાન્ય વાંચનના ના ભેદ સમજાવ્યા હતા.
કલ્પનાબેન બેઠકના સ્તંભ રહ્યા છે. જે પોતાના જ્ઞાનની ગંગાથી બેઠકના બ્લોગ પર દર ગુરુવાર શબ્દને વિકસાવી શબ્દસેતુમાં નવા શબ્દો થકી આપણને નવાજતા રહે છે…રેડિયો જોકી જાગૃતિ શાહનું પ્રોત્સાહન સર્જકોને વાચિકમ માટે પ્રેરણા રૂપ રહેશ. જાગૃતિબેને લાગણીભીની શુભેચ્છા આપી તો રમેશભાઈ પટેલે ફૂલથી તો વસુબેન શેઠે સુંદર પોતાના હાથે બનાવેલ કાર્ડથી કલ્પનાબેનને હ્ર્દયથી શુભેછા પાઠવી હતી.એવા કલ્પનાબેનના અનેક ચાહવાવાળા બે એરીયામાં છે. આ સાથે બેઠકના શુભેચ્છક ભારતીબેન અને જયંતભાઈની લગ્નતિથિ પણ સૌએ સાથે મળી પરિવારની જેમ ઉજવી હતી.
વાત અહી મહત્વની છે કે એક પરિવાર જેવી લાગણી અહી બેઠકમાં અનુભવીએ છીએ ‘બેઠક’ એટલે પાઠશાળા બધા એક બીજાના હાથ પકડી વિકસી રહ્યા છે ‘બેઠક’નું કામ છે.ગુજરાતીઓને પરદેશમાં પોતાની માતૃભાષામાં વાચા આપવાનું!! ભાષાને અનેક પ્રયત્ન દ્વારા વહેતી રાખવાનું કામ ‘બેઠક’ કરે છે.
બેઠક પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા!!
સપના વિજાપુરા
For Gujarati ghazals: http://www.kavyadhara.com/
For hindi ghazals: www.kavyadhara.com/hindi
Najma’s Shayri: http://www.najmamerchant.wordpress.com/