અવલોકન -૩૬-રિવર વોક અને બંધ બારી

       ઓસ્ટિનના સરસ મજાના રિવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નિહાળી રહ્યો છું.

       સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી  છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઉંચી ઈમારત પર સ્વાભાવિક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઉભી, બધી  બારીઓ બંધ છે – સાવ નિષ્ક્રીય અને કોઈ ચેતન વિનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક માંધાતા તેની કુશાંદે ચેમ્બરમાં વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે. કદાચ તેની ઘણે નીચે આવેલા પરિસરમાં સળવળતાં માનવ જંતુઓને જોઈ મૂછમાં મલકી રહ્યો હશે.

     એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત  વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.

    નદીની મારી તરફ રિવરવોક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતના કૂતરા પણ છે.

     લોખંડનો એ બાકડો સાવ નિર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરિવર્તનને અવકાશ નથી. હા! હું મારી કલ્પના અને વિજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતિ  વિશે વિચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?

     મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાદડા પવનમાં ફરફરી રહ્યાં છે. એના લીલાં પાન તડકામા તપતાં શ્વસી રહ્યાં છે; વૃક્ષનો જીવનરસ સતત બનાવી રહ્યાં છે. સૂકી ભંઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફૂટું ફૂટું કરી રહ્યો છે, થોડાક દીવસોમા એમાંથી કુંપળ ફૂંટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફૂલની કળીનો નવો નક્કોર જન્મ થશે. પણ એ ઝાડ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સ્પર્શી શકતું નથી. એને કોઈ વિચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ  ખસી શકતું નથી. એની ચેતના બાકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.

     ત્યાં ગળે માલિકના પટાથી બંધાયેલો એક કૂતરો દોડતો દોડતો અને મોંમાંથી જીભ બહાર લબડાવતો આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને સૂંઘતો, સૂંઘતો, આમતેમ આથડતો, તે મારા  પગને પણ સૂંઘી લે છે. પણ માલિકના ઈશારાથી મને અવગણીને વિદાય લે છે. કૂતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટિલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સૂંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કુદી પણ શકે છે. પણ તેની વિચાર શક્તિ બહુ જ સીમિત છે.

…………..

     આ બધું નિહાળતો હું કુતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે. હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પૂર્જાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબામાં ઢાળી સુંદર મૂર્તિ બનાવી શકું છું.

    હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું. અથવા એના બીજ અન્ય જગ્યાએ વાવી, એવાં અનેક ઝાડ ઘણે દૂર, નવા જ કોઈ બગીચામાં ઊગાડી શકું છું.

     હું તે કૂતરાને અથવા એના જેવા બીજા અનેક કૂતરા કે બીજાં પ્રાણીઓને પાળી, મારો માલિકી ભાવ સંતોષી શકું છું.

    ‘મારી ચેતના કૂતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢિયાતી છે.’–  તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.

     પણ ..

એમ ન બને કે….

 • મારાથી અનેક ગણું ચઢિયાતું કોઈક હોવાપણું એવી અપ્રતિમ ચેતના ધરાવતું હોય……
  • જેના થકી એને કોઈ દેખીતા રંગ, રૂપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય?
  • જેને માનવ મનની કે અસ્તિત્વ/ અનસ્તિત્વની મર્યાદાઓ નડતી ન હોય?
  • જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય?
  • જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે કારણ વિના, ધસમસતાં અને પ્રગટ અસ્તિત્વ વાળાં કરી દેતું હોય?

      – પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા ઓલ્યા માંધાતાની જેમ?


 નોંધ 

     આ અવલોકન ૨૦૦૯ની સાલમાં  થઈ ગયું હતું – મારાં માનીતાં અવલોકનોમાંનું એક છે; કદાચ એ એક સ્તૂતિ છે! મૂળ જગ્યાએ એની ઘણી ચર્ચા પણ થઈ હતી. હ્યુસ્ટનના વડીલ મિત્ર શ્રી. ચિમન પટેલે (ચમન) તો એનો અનુવાદ કરવાની પણ ફરમાઈશ કરી હતી , જેથી ગુજરાતી વાંચી ન શકતો યુવાન વર્ગ એની પાછળના વિચાર અને  ભાવને માણી શકે.

આ રહ્યો એ અનુવાદ ….

      ત્યાર બાદ એના આધાર પરથી જૂન – ૨૦૧૪માં  ‘Scratch’ પર હોબી પ્રોગ્રામિંગનો એક પ્રોજેક્ટ પણ બનાવ્યો હતો. એની મદદથી બનાવેલ એનિમેશન વિડિયો …..

 

અવલોકન -૩૩ -૩૪-૩૫-રસ્તો – ત્રણ અવલોકન

 –    ૧    –  

લોન્ગ કટ 

        શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ?   હા! લોન્ગ કટ!   વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય છે.

rd1

     અમે તળાવના કિનારે બેઠા હતા. ત્યાં તળાવની સામેની બાજુમાં અમે અમુક લોકોને ચાલતા જોયા.  અમારી વાનરસેનાને એ બાજુ જવાનું મન થયું. આથી અમે તળાવની બાજુમાં આવેલા ઘાસના મેદાનની એક બાજુએ આવેલા છીંડા જેવા કિનારે ગયા. ત્યાં પાછળની ઝાડીમાં જતી, એક કાચી કેડી નજરે પડી. અમે તો એમાં ઝુકાવ્યું. સાવ એક જ જણ માંડ ચાલી શકે તેવી ઝાડી અને ઝાંખરાં વચ્ચેથી પસાર થતી કેડી હતી. અમે જેવા એમાં પ્રવેશ્યા કે તરત જ સાવ જંગલમાં આવી ગયા હોઈએ એવો આભાસ થતો હતો. અમુક જગ્યાઓએ તો નીચે ઝૂકેલી  ડાળીઓ રસ્તો રોકીને પથરાયેલી હતી, તેમને વાળીને અથવા ઝુકાવીને માર્ગ કરવો પડતો હતો. માત્ર એક બે જગાએ જ એ કેડી તળાવની નજીકથી પસાર થતી હતી. અને ત્યાંથી તળાવનું સુંદર દ્રશ્ય દેખાતું હતું. બે જણ ત્યાંથી નીચે ઉતરી માછલીઓ પકડવામાં પણ પ્રવૃત્ત હતા.

       અમે બેળે બેળે આખી કેડી પસાર કરી પાછા પાકા રસ્તાની નજીક બહાર આવી ગયા. આમ અને જ્યાં ઉભા હતા, ત્યાંથી પાકા રસ્તે જે અંતર એક બે મીનીટમાં કપાઈ જાય તે અમે કાપવા અમારે અડધો કલાક થયો!

      હવે તમે જ કહો. આને લોન્ગ કટ કહેવાય કે નહીં? પણ અમારો આશય થોડો જ રસ્તો કાપવાનો હતો? અમારે તો એક સાહસ કરવું હતું. નાનકડું સાહસ. શહેરની વચ્ચોવચ આવેલા પાર્કમાં સાહસ.

      સામાન્ય વ્યવહારમાં બધે શોર્ટ કટ શોધવાની વૃત્તિવાળા અમારે માટે આ લોન્ગ કટનો અનુભવ અનેરો હતો.

 –    ૨    –  

શોર્ટ કટ 

     એ તો તરવરિયા તોખાર જેવા મારા દોહિત્ર સાથેની સફરની વાત હતી. પણ આ તો બેળે બેળે ચાલતા, ઘોડાગાડીના ગલઢા અડિયલ ટટ્ટુ જેવા આ ડોસાની વાત છે!

    આ વાત લખી હતી ત્યારે જમણો ઢીંચણ જરીક આડો થયેલો હતો! સહેજ ચાલું એટલે રાડ્યું પાડવા માંડે. પણ ચાલ્યા વગર તો કેમ ચાલે? ન ચાલું તો સાવ બેઠાડુ જ થઈ જાઉં ને? એટલે દરરોજ થોડું થોડું ચાલવાનો મહાવરો રાખ્યો હતો. તે દિવસે પાર્કમાં ચાલવા ગયો. ગાડી પાર્ક કરી, આગળના રસ્તે જવા નીકળ્યો. પણ બાજુમાં જ સૂકા વહેળાની પાર સરસ લીલું મઝાનું ઘાસ હતું. નીચે ઊતરી, થોડુંક કષ્ટ વેઠી ચાલું તો ખાસું અંતર ઓછું થઈ જાય તેમ હતું.

rd2

     સાચવી સાચવીને કાચા ઢાળ પરથી વહેળામાં ઉતર્યો. અને બીજી પાર થોડુંક વધારે કષ્ટ   લઈ ચઢી પણ ગયો. ઘાસ વટાવી પાછો મુળ રસ્તે ચઢી ગયો. પગમાં જોડા નહીં પણ ચંપલ પહેરેલાં હતાં, એટલે લપસી જતાં પણ બચ્યો – ખાસ તો ઉપર ચઢતી વખતે.

      સૌને શોર્ટ કટ શોધવાનું અને લાંબા રસ્તા ટાળવાનું સૌને ગમે છે – મારા જેવી તકલીફ વાળાઓને તો ખાસ.   પણ એવા સરળ રસ્તાનાં પોતાનાં જોખમો હોય છે. ક્યાંક ગબડી પડવાની, લપસી જવાની, ઘવાવાની, કાયદાનું ઉલ્લંઘન થવાની, ક્યાંક અનૈતિકતાની, હાસ્યાસ્પદ થવાની શક્યતા હોય છે.   બધા ચાલતા હોય તેવો, લાંબો રાજમાર્ગ સહી સલામત હોય છે. ક્યાંક તો શોર્ટ કટ ન જ લઈ શકાય. ક્યાંક એ લાંબો રસ્તો લેવાથી બીજી શક્ય તકલીફો બચી પણ જાય છે. ક્યાંક સરળ રસ્તા લાભ કરી આપે છે અને ક્યાંક લાંબા ગાળાનું નુકશાન પણ!

     શોર્ટ કટ લેવો કે લોન્ગ કટ, એ પોતપોતાની આવડત, ચિત્તવૃત્તિ અને  જોખમો વહોરવાની કાબેલિયત પર આધાર રાખતું હોય છે!

–    3    –  

અનુકૂળ રસ્તો 

ઉપરોક્ત  બે અનુભવ પરથી એવું તારણ નીકળ્યુ  કે,

અનુકુળ રસ્તો લેવો.
સ્થળ, સમય, સંજોગને આધીન
જેવી જરુર હોય તેવો રસ્તો લેવો.

     એકદમ વ્યવહારિક વાત. સીધા સટ રસ્તે ચાલવું. શોર્ટ કટ મળી જાય તો…. લાંબા રસ્તે સ્વૈરવિહાર કરી ઠામુકાનો શ્રમ અને સમય ન બગાડવો. પણ,  સાથે સાથે  શોર્ટ કટનું જોખમ પણ ન લેવું.

 • નો રિસ્ક ફેક્ટર!
 • સમય વર્તે સાવધાન.
 • જેવો વટ, તેવો વહેવાર.
 • જે આંગળીએ ઘી નીકળે, તે વાપરવી.

આ જ તો  સરળ રીતે જીવવાની રીત. મધ્યમ માર્ગ. સફળ થવાની રીત. સામાન્ય અને સર્વમાન્ય રસ્તો. કોઈ વિવાદ વિનાની, ગળે શીરાની જેમ ઊતરી જાય તેવી વાત.

પણ …કશુંક નવું કરવું હોય તો?

 • નવી કેડી પાડવી હોય તો?
 • નવું સંશોધન કરવું હોય તો?
 • પનામાની કે સુએઝની નહેર બનાવવી હોય તો?
 • ચન્દ્ર અને મંગળ સર કરવા હોય તો?
 • અજાણ્યા રાહે ચાલી, નવા પ્રદેશો શોધી કાઢવા હોય તો?
 • જીવનને સરળ બનાવે તેવા શોર્ટ કટ શોધવા હોય તો?
 • પર્વતના શીખર પર ચઢવું હોય તો?
 • જુની રસમો તોડી, નવી પ્રથાઓ સ્થાપવી હોય તો?

     એ તો વીરલાનું કામ. બહાદુર બંકાનું કામ. પાગલનું, નશામાં મસ્ત મસ્તાનાનું કામ. પથ પ્રદર્શકનું કામ. સામાન્યતાને વીસારી પાડનારનું કામ. અનુકૂળતા જ શોધનારનું એ કામ નહીં. વ્યવહારિક બુદ્ધિ ધરાવનાર, ગાડરિયા પ્રવાહમાં ચાલનાર, વધારે પડતા હુંશિયાર(!) જણનું એ કામ નહીં!

અવલોકન -૨૭-૨૮ -સ્વીમિંગ પૂલમાં

ગોગલ્સ

      પૂલમાં હું બાજુમાં ઊભો હતો. નીચેની ફર્શ પર નજર પડી. સતત તરંગો વાળી પાણીની સપાટીને કારણે નીચેની  ફર્શ પરની ડિઝાઈન હાલમડોલમ થતી હતી. સ્પષ્ટ પણ દેખાતી ન હતી. મેં ડુબકી મારી. હવે ડિઝાઈન સારી દેખાતી હતી; હાલતી ન હતી. પણ આકૃતિ તો ધુંધળી જ દેખાતી હતી.

       પાછા બહાર નીકળીને આંખ પર તરવાના ગોગલ્સ  ચઢાવ્યા. ફરી ડુબકી મારી. હવે ડિઝાઈન સ્પષ્ટ દેખાતી હતી. થોડી વાર તો આમ સારું ચાલ્યું, પણ થોડીવારે ગોગલ્સની અંદર પાણી જમા થવા માંડ્યું. ફરી દ્રશ્ય અસ્પષ્ટ થવા માંડ્યું. મોતી લેવા ડુબકી મારતા મરજીવા યાદ આવ્યા. તેમણે કેટલી સતેજ આંખો રાખવી પડતી હશે?  જૂના જમાનામાં તો શ્વાસ લેવા માટે કોઈ સાધન પણ ન હતા. જાનને જોખમમાં નાંખીને મરજીવા ડુબકી મારે અને મોતી પામે.

       જ્ઞાનની બાબતમાંય આમ જ હોય છે ને? કોઈપણ વિષયની ચોક્કસ માહિતી મેળવવી હોય તો તેના ઊંડાણમાં ડુબકી મારવી પડે. ચોક્ખા દર્શન માટે આપણી નજરને કુશાગ્ર રાખે તેવાં સાધનો વાપરવાં પડે. અજ્ઞાન, અંધશ્રદ્ધા, પૂર્વગ્રહ, માન્યતા વિગેરેનાં પડળ આપણી દૃષ્ટિને અવરોધે નહીં; તે માટે ખાસ તકેદારી રાખવી પડે. વિચારની  સ્પષ્ટતા, આચારની શુદ્ધિ, ડુબકી લગાવવાનું સામર્થ્ય, એ સાધનોની સતત ચકાસણી અને જાગૃતિ….

        તો જ કોઈ પણ ચીજનું વાસ્તવિક દર્શન થઈ શકે;  તેનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે. બાકી તો બધું ધુંધળું અને અસ્પષ્ટ જ રહે.

    હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.
    પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

–  પ્રીતમદાસ

ફુવારો

fountain

     અમે જઈએ છીએ તે સ્વીમિંગ પૂલમાં એક સરસ ફુવારો છે. ઉપર સાતેક ફૂટ વ્યાસની અને બે ત્રણ ફૂટ ઊંચી, લાલ રંગની છત્રી; અને વચ્ચે દસેક ઇંચ વ્યાસનો સફેદ પાઈપ. પાઈપમાંથી પાણી છત્રીની ઉપર પડે; અને છત્રીની ઉપરથી, તે ચારે તરફ નીચે રેલાઈને પડે. વિશાળ નળાકારમાં સરસ મજાનો ફુવારો બની જાય. એમાં નાનાં મોટાં બધાં કલ્લોલ કરતાં ભીંજાવાની મજા માણે.

       આજે ફુવારામાં ભીંજાતાં, એક અવાજ સંભળાયો. બહાર ઊભો હતો ત્યારે ફુવારાનું પાણી, પૂલના પાણી ઉપર પડે તેનો ઘૂઘવાટ ભર્યો અવાજ આવતો હતો. જેવો અંદર પ્રવેશ્યો કે તરત જ અવાજ બદલાઈ ગયો; અને તીવ્ર માત્રાનો સૂસવાટા મારતો અવાજ સંભળાયો.  પાણી પડતું હોય ત્યાં બરાબર વચ્ચે ઉભો રહ્યો, અને કાન પરથી પાણીની સીકરો પસાર થતી હતી ત્યારે બધો જ અવાજ બંધ – લગભગ નીરવ શાંતિ જેવું.

        પાણીના અથડાવાથી જે અવાજ બહારની બાજુ ફેલાતો હોય; તે તો આખા સ્વીમિંગ પૂલમાં ફેલાઈ જાય. પણ અંદરની બાજુ જતો અવાજ, નીચે પડતા પાણીની દિવાલ સાથે અથડાતો, પડઘાઓની પરંપરા સર્જે, અને ઘૂઘવાટાની જગ્યાએ સૂસવાટા સંભળાય! કાન પાણીથી ભરેલા હોય તો કશું ય ન સંભળાય!

       વિજ્ઞાનની રીતે તો આ બરાબર કાયદેસર જ છે, પણ ……

     ધ્વનિ સંભળાય, ન સંભળાય, કેવો સંભળાય, કેટલો સંભળાય; તે કેટકેટલી બાબતો પર આધાર રાખે છે? આપણે કાન જડબેસલાક બંધ કરી દઈએ, તો કશું ય ન સંભળાય! અને તેનું પુનરાવર્તન થવા દઈએ; પડઘા, પ્રતિઘોષને પણ ધ્યાનમાં રાખીએ; તો અવાજની માત્રા તીવ્ર બની જાય. ફેલાઈ જતા અવાજના ઘૂઘવાટા કરતાં તે કદાચ વધુ કર્ણપ્રિય પણ લાગે.

        સાંભળવાની પણ એક શક્તિ  કે અશક્તિ હોય છે, નહીં વારુ?

       મોટાભાગે તો આપણે બીજાનું કશું સાંભળવા જ ક્યાં તૈયાર હોઈએ છીએ?

         અને એમ પણ બને કે ગમે તેટલા ઘૂઘવાટા કેસૂસવાટા હોય; કાનને અપ્રિય  હોય. પણ કાન બંધ કરીને નીરવ શાંતિ માણવાની ય એક મજા હોય છે ને? !

  ઘટના એક જ
પણ
કેટકેટલી રીતે
આપણે તેનું મૂલ્યાંકન કરી શકીએ?

અવલોકન -૨૫,૨૬,-પુલ

      ગાડી રસ્તા પરથી સડસડાટ સરી જતી હતી. આગળ એક મોટી નદી આવતી હતી. બાજુમાં તકતી પર તેના બનાવ્યાની તારીખ લખેલી હતી. કદાચ પુલ બનાવવાનું કામ બે એક વર્ષ ચાલ્યું હશે. તે પહેલાં લોકોને એક કાંઠેથી બીજા કાંઠે જવાની કેટલી મુશ્કેલી પડતી હશે? ગોળ, બહુ જ લાંબા અંતરનો ચકરાવો લેવો પડતો હશે, કે હોડીમાં બેસીને પાણીની પાર જવું પડતું હશે. સામાન અદલાબદલી કરવો પડતો હશે. કેટલી બધી અને કેટલાં બધાંને મુશ્કેલી?

    કોઈએ પુલ બનાવ્યો અને અસંખ્ય લોકોને સુવિધા થઈ ગઈ. થોડા લોકોની ટૂંકા ગાળાની મહેનત અને ઘણાંને હમ્મેશની રાહત.

     નદીના  બે કાંઠાને તો આમ જોડાય. અંતર અને તકલીફ ઓછાં થાય; પણ બે મન વચ્ચે, બે માનવી વચ્ચે પણ આવા પુલ બનતા હોય છે –  બનાવી શકાતા હોય છે. બે સાવ અલગ વિચારધારાઓ, એકેમેકથી વિરુદ્ધ  માન્યતાઓ વચ્ચે આવા પુલ ન બનાવી શકાય? તેમાં કોઈ મોટા ખર્ચની જરુર નથી હોતી. માત્ર અભિગમ જ બદલવાનો હોય છે, એકમેકનાં મન સુધી  પહોંચવાનું હોય છે. કોઈ વચલો માનસિક પુલ જ બનાવવાનો હોય છે. થોડું આપણી રીતોમાં મામૂલી સમાધાન  કરવાનું હોય છે. અથવા અન્યની ચિત્ત વૃત્તિને સાંખી શકવાનું મનોબળ કેળવવાનું હોય છે. દરેક જણની પોતાની અંગત હસ્તીનું એક ક્ષેત્ર હોય છે. એનો આદર રાખીને સંવાદ સાધી શકાય. અન્યનું દૃષ્ટિબિંદુ સમજવા કોશિષ કરી શકાય.

કમભાગ્યે …
દરેક પ્રશ્નને બે બાજુ હોય છે –
મારી અને ખોટી !

     આવા થોડા સંવાદી પુલો બનાવતા  રહીએ તો કેટકેટલાં યુધ્ધો, કેટકેટલી યાતનાઓ, કેટકેટલાં વેર ને ઝેર નિવારી શકાય?

      આવા જ બીજા એક દિવસે તળાવના એક નાના ફાંટા ઉપરના પુલ પરથી પસાર થવાનું હતું; સરસ કુદરતી હવાની લહેરખીની મજા માણવા મેં બારી ખુલ્લી રાખી હતી. પુલ આવી ગયો. તરત જ ગાડી ચાલવાનો અવાજ બદલાઈ ગયો. અવાજના મોજાં પુલ સાથે અથડાઈને પાછાં આવતાં હતાં અને પ્રતિઘોષ  થતો હતો.  જેવો પુલ પૂરો થઓ કે તરત ગાડી ચાલવાનો સામાન્ય અવાજ ફરીથી સંભળાવા લાગ્યો.

    ઘણી વાર આ જ રસ્તેથી પસાર થયો હતો, પણ આજે કોણ જાણે કેમ; આ બદલાયેલા અવાજ તરફ ધ્યાન કેન્દ્રિત થયું.  કોઈ અવરોધ ન હોય તો ધ્વનિનો એક પ્રકાર હોય છે. જેવો અવરોધ આવ્યો, કે તરત તેમાં બદલાવ આવ્યો. વાંસળીના સૂરમાં ય આમ જ બને છે ને?  વાંસળીના અલગ અલગ કાણાં પર આંગળી બદલતાં રહીને બંસરીવાદક સુમધુર તર્જ  વહેતી કરી શકે છે.

     સંગીત કે ઘોંઘાટ – કાંઈ પણ પેદા કરવા અવરોધ જોઈએ છે! અવરોધના પ્રકાર પર તે આધાર રાખે છે.

     આપણા સંવાદોમાં આપણે સૂરીલું સંગીત  રેલાવતા થઈએ તો?  વાત વિરોધી હોય તો પણ તેને ઘોંઘાટ બનતો રોકવાનો સંયમ કેળવીએ તો? 

અવલોકન -૨૪-નિશાળમાં

chicago-1-jumbo

     મારી દીકરીના દીકરાને શાળામાંથી બપોરે ઘેર પાછો લાવવાનો સમય છે. આમ તો હું બરાબર સમયે જ જાઉં છું. પણ તે દિવસે બહાર ગયો હતો અને થોડો વહેલો પરત આવ્યો હતો.  ઘેર જાઉં તો તરત દસ જ મિનિટમાં નીકળી જવું પડે. એટલે વહેલો નિશાળે પહોંચી ગયો. બધું સૂમસામ લાગતું હતું. એકાદ બે કાર મારા જેવા કોઈ વહેલા પક્ષી આવી ગયાની ચાડી ખાતી હતી!  પણ શાળાની અંદર તો બાળકો અને શિક્ષકોની વણજાર ધમધમતી હશે. એના કોઈ અણસાર બહાર જણાતા ન હતા. હું શાળાના મુખ્ય દ્વાર પાસે આવેલા બાંકડા પર બેઠો.

   થોડીવારે એક પીળી સ્કુલ બસ ધમધમાટ કરતી આવી પહોંચી.  થોડી વારે ડે કેર વાળાની એક બસ પણ આવી ગઈ. એક પછી આવી બસો અને મારા જેવા વાલીઓની કારો  આવવા માંડી. શાળાનો પાર્કીંગ લોટ ભરાવા માંડ્યો. બસોના ડ્રાઈવરો અને વાલીઓ ભેગા થવા માંડ્યા. શાળાને સામાન પહોંચાડનાર એક જણ ઠેલણગાડીમાં (ટ્રોલી)  સામાન ભરીને લઈ આવ્યો. બારણું ખોલીને મેં તેને અંદર જવા સગવડ  કરી આપી. મારો આભાર માની તે શાળાની અંદર ગરકી ગયો.

     થોડીવારે લાઉડસ્પીકર પરથી કાંઈક ગોટપીટ ગોટપીટ જાહેરાત થઈ. અને લ્યો! થોડી જ વારમાં નાનકડાં ભટુરીયાંઓની એક  છુક છુક ગાડી આવી પહોંચી. એનું  એન્જીન હતું – આગળ પીઠ રાખીને ચાલતી એક શિક્ષિકા! એની આમ અવળા ચાલવાની આવડત દાદ માંગી લે તેવી હતી. જોકે, આમ અવળી ચાલની આદત અને કુશળતા તો ઘણાંને હોય જ છે ને !  નાનકડાં ભુલકાં એવાં તો વહાલસોયાં લાગતાં હતાં. એમની નાનકડી કાયા અને પીઠ પર ભરવેલો મસ મોટો બગલ થેલો એમને નાનકડા સૈનિક જેવો નિખાર આપતાં હતાં. બધાં લાઈનમાં એમના મમ્મી પપ્પા અને વાલીઓના આવવાની રાહ જોતાં બેઠાં. અને કલબલાટ શરુ.

   એક પછી એક બાળગાડીઓ (!) આવતી ગઈ. બાળકોની ઉમ્મર પણ વધવા માંડી! ધોળી અને કાળી શિક્ષિકાઓ અને જાતજાતના રંગનાં અને રંગબેરંગી કપડાં પહેરલાં બાળકોનો એ સમુદાય શાળાનું શાળાપણું સાર્થક કરતો રહ્યો.  રણમાં વીરડી જેવા ઘર ભેળા થઈ જવાની તલપ બધાંને લાગી હતી. શિક્ષિકાઓ કદાચ આખા દિવસની લમણાંઝીંકમાંથી મુક્તિ મેળવવાની આશા સેવી રહી હતી. કોઈક બાળકો શાળા સમયમાં સંઘરી રાખેલી અદાવતોનો હિસાબ ચૂકતે કરવા બાઝી રહ્યાં હતાં. એમની શિક્ષિકા એ ઝઘડા નિપટાવવાના પોલિસ કામમાં વ્યસ્ત હતી.

     ત્યાં મારા દોહિત્રના વર્ગની ગાડી આવી ગઈ. ઊછળતો  અને કૂદતો એ ફોર્થ ગ્રેડર મારાથી આગળ, અમારી કાર તરફ ભાગ્યો. હું ડોસા સ્ટાઈલે ડગમગતા પગલે તેને અનુસર્યો. અમે કારમાં વિરાજમાન થયા. રસ્તા પર પહોંચતાં થોભી જવું પડ્યું. પગે ચાલીને ઘેર પહોંચતાં સૌને રસ્તો ઓળંગવાની સુવિધા કરવા માટે,  ગણવેશધારી  સ્વયંસેવકે રસ્તા પરના ટ્રાફિકને અટકાવી દીધો હતો. એ ગાડીઓ પણ પસાર થઈ ગઈ.

     આવાં બીજાં બેચાર વિઘ્ન પતાવી અમે આગળ ચાલ્યા. ઘરની નજીક પહોંચતાં સામેથી એક સ્કુલ બસ આવી પહોંચી. સ્ટોપ સાઈન અને ઝબુક ઝબુક લાલ લાઈટ ચાલુ. રસ્તા પર પસાર થતી અમારી કાર  સમેત ત્રણ ગાડીઓ સ્થીર ! બસનું બારણું ખુલ્યું અને ચાર બાળકો બહાર આવી ગયા. બસ વિદાય થઈ અને અમે ઘર ભેગા થયા.

     શાળામાં બીજો એક કલાક અને રોજનું કામ પતાવી, છેલ્લી શિક્ષિકા પણ શાળાના મુખ્ય દ્વારને તાળું લગાવી વિદાય થઈ જશે. શાળાનો એ પરિસર બીજા દિવસની સવાર સુધી સાવ સૂનો. એકલવાયો, ભેંકાર, પ્રાણવિહીન બની જશે.

     પણ.. હું શાળાએ પહોંચ્યો તે સમયની શાંતિ,  ઘર પાછા આવી ગયા બાદની હાશ, શાળાના એ પરિસરની ગમગીન સાંજની એ કલ્પના અને આ બધાંની વચ્ચેની બધી ગડમથલ મને કશોક સંદેશ આપતી ગઈ.

      જન્મ બાદની પહેલી ચીસ, અને એ પહેલાંની અને પછીની નિદ્રા; અને જીવનના છેલ્લા તબક્કા બાદની ચીર નિદ્રા – એ બેની વચ્ચેની બધી ગડમથલ અને બધી અવઢવ, જાતજાતની અને ભાતભાતની ગાડીઓ, યાત્રાઓ, અવસ્થાઓ, રંગ, રોગાન, કલબલાટો, કોલાહલો, વ્યથાઓ, રૂકાવટો, શિસ્ત , શિસ્તભંગ, આશાઓ, અપેક્ષાઓ, ઝગડા, હાર, જીત, સમાધાનો, વિઘ્નો, અને બીજુંય કેટલું બધું  ….

જીવનનો એક નાનકડો ચિતાર

અવલોકન -૨૨-પાનખર

Colorful forest panorama in autumn     તે દિવસે પાર્કની મુલાકાતે ગયો હતો. પાનખર હવે પતવામાં છે. ઓતરાદા વાયરા અને ઠંડીનો ચમકારો શરુ થઈ ગયાં છે. ઠેકઠકાણે ખરેલાં પાંદડાં પડ્યાં છે. સાવ નિર્જીવ, શબ જેવાં, પવનના ઝપાટામાં દીશાવિહીન , આમથી તેમ અફળાતાં પાંદડાં.

     આ ઝાડની નીચે ઘણાં બધાં પાંદડાનો ઢગલો પડ્યો છે. ઝાડ પર હતાં ત્યારે તેના રંગ નિખરેલા હતા. આ જ પાંદડાં ઝાડ પર હતાં ત્યારે કેટલાં સોહામણાં લાગતાં હતાં? માત્ર ઝાડની જ નહીં, આખા પાર્કની શોભામાં ચાર ચાંદ લાગી જતા હતા. અત્યારે એ સાવ મૃત થઈને પડેલાં છે.

       હું થોડો આગળ ચાલું છું. આ બીજા ઝાડ પર તો એકેય પાંદડું બાકી નથી. ઠંડીના ચમકારામાં થરથરતું એ ઝાડ સાવ બોડું થઈ ગયું છે. તેની ઉપર તો શું,  નીચેય એક પણ પાંદડું બચ્યું નથી. બધાંયને વાયરાનો સુસવાટો તાણી ગયો છે. તેની બધી સમૃદ્ધિ નામશેશ થઈ ગઈ છે.

      લ્યો… એની બાજુવાળા આ જનાબ હજી પણ પાનના રંગ ખીલવી, રંગીન મિજાજમાં મ્હાલી રહ્યા છે. તેમનો વારો હજુ હવે આવશે. પણ અત્યારે તો એ પૂરબહારમાં છે.  બાજુના મહાશય તો સદાકાળ હરિતપર્ણધારી જ છે. એ તો હમ્મેશ લીલા ને લીલા જ. તેમને કોઈ પાનખર વિચલીત કરી શકતી નથી.  તેમની ખુમારી તો કાંઈ અજીબોગરીબ જ છે.

       એની બાજુમાં જ એક કાપેલા ઝાડના થડનો, માંડ એક બે  ઈંચ ઉંચો પાયો, માત્ર સમ ખાવા માટે ટૂંટિયું વાળીને પડ્યો છે – જાણે કે, ઝાડની કબર. તેનો ક્રોસ સેક્શન/ આડછેદ જોતાં એ દાદા ૭૦ – ૭૫  વરસ જીવ્યા હોય એમ લાગે છે. લ્યો ! આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા! તેમનું તો અસ્તિત્વ જ વિદાય લઈ ચૂક્યું છે.

        દરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મિજાજ, એક રંગ, એક નિયત જિંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નિયતિ પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વિખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.

        પાર્કના ખુલ્લા ભાગથી થોડેક દૂર ઝાડીઓવાળો પ્રદેશ છે. ત્યાં ગીચ ઝાડીની વચ્ચે પવનથી ઊડીને આવેલાં પાંદડાંઓના ઢગના ઢગ પડ્યા છે. વરસાદ આવશે, સ્નો પડશે, માટીના થરના થર તેમને આવરી લેશે. તે સૌ જ્યાંથી પ્રગટ્યાં હતાં, તે ધરતીનો એક અંશ બની જશે. એમાંથી રસ અને કસ ઉતરી, અન્ય વૃક્ષોનાં મૂળીયાં સુધી પહોંચશે. ફરી એ નવપલ્લવિત કુંપળોમાં રસ સિંચન કરશે. બીજા જ કોઈ વૃક્ષનું કોઈ પાન, બીજી કોઈ પાનખરે,  કોઈ બીજો જ રંગ  મઘમઘાવશે.

      ફરી જન્મ….. ફરી મૃત્યુ…. આ જ જીવનક્રમ હજારો – લાખો  વર્ષોથી ચાલ્યો આવે છે – ચાલતો રહેશે.
—————————–

       આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચૂક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્ષક નિખાર તો નથી જ આપતો! એક દિવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેષોને ઊડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમિયાન મારું પોષણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તિત્વ ઓગળી જશે.

મને ખબર નથી કે,
જેને હું ‘હું’ કહું છું,
તેનું પછી શું થશે?

       આ જ તો પાંદડાની, થડની, મારી,  તમારી,  સૌની …….નિયતિ  છે.

અવલોકન -૨૧-નીંદણ

       વસંત આવી ગઈ છે. ઘાસ લીલું થવા લાગે તે  પહેલાં જંગલી છોડમાં  [ weeds ]   ઘણી વહેલી ફૂટ આવી ગઈ છે. ઘાસનાં પાનથી બેકયાર્ડમાં હરિયાળી છવાઈ જાય, તે પહેલાં એમનું સામ્રાજ્ય ઘણું ઊંચું થઈ ગયું છે.

     આમ જ બનતું હોય છે. દુર્ગુણો, દુરાચાર, અસહિષ્ણુતા, નકારાત્મકતા …. એ બધાંની સેના વધારવા અને આગળ ધપાવવા કોઈ માવજત કે તાલીમ જરૂરી નથી હોતાં. એના કોઈ ટ્યૂશન ક્લાસ ચલાવવા નથી પડતા! એ તો હાવ ‘મફત’માં મળી જતું ગનાન હોય છે. સમાજ સુધારકો, યુગપ્રવર્તકો, મુઠ્ઠેરી ઊંચા મ્હાનુભાવો સુધરવા માટે  કહી કહીને થાકયા અને ….વિદાય થઈ ગયા.

આપણે તો રામ એના  એ  જ !

ગીતા બહેન પુછતાં જ રહેશે –
‘આમ કેમ?’ !

બેકયાર્ડમાં હિંચકે ઝૂલતાં ઝૂલતાં આ વિચારના ઝોલે ચઢી જવાયું. મન અતીતમાં ગરકી ગયું. આવું જ કાંઈક પહેલાં પણ વિચાર્યું હતું , તે યાદ આવી ગયું . આ રહ્યું –


     છેલ્લા અઠવાડિયા કે દસ દિવસથી શિયાળો પૂર બહારમાં છે. સવારે ઊઠીએ ત્યારે ય થર્મોમિટરનો કાંટો ચાલીશ અંશ ફે. ની નીચે જ હોય. રાત્રે તો ૩૨  ની નીચે થઈ જતો હશે. ઘાસનું એક તણખલું પણ લીલું નથી. બધાં ઝાડ સાવ બોડાં બની ગયાં છે. બધું સાવ સુક્કું અને નીરસ લાગે છે.

      પણ આ સુક્કાભંઠ ઘાસની વચ્ચે રડ્યુંખડ્યું જંગલી નીંદણ લીલુંછમ્મ છે. તેની ઉપર આ ગાત્રો થીજવી દેતી ઠંડીની કોઈ જ અસર થતી નથી. તેની પ્રતિકારશક્તિ અનન્ય છે. એને કોઈ માવજતની જરુર નહીં. એ તો ગમે ત્યાં અડાબીડ ઉગી જાય. કદાચ ઝાકળનું પાણી પીને પણ એનો ગુજારો થતો હશે! ખેતરનો બધો રસકસ ચૂસી લે. જંગલી ઝાડીઓમાંય આમ જ હોય છે ને? ગમે તેવા ઉપવનને વનમાં ફેરવવાની તેની શક્તિ અજોડ છે!

    અમે તો કેટલીય વાર એને કાઢી મુકવા ઝેરી રસાયણો છાંટ્યાં. પણ એ રામ તો એના એ.  આપણી જમીનમાંથી વિદાય લઈ લે, તો પાડોશીના પ્લોટમાંથી એ તો ઊડતાં ઊડતાં આવી જાય –  પેલા ગ્રીક ફિનિક્સ પંખીની જેમ. એ તો બળી જાય તો પણ  રાખમાંથી નવજીવન પામી જાય.

      માટે તો ખેતરોમાં અને બગીચાઓમાં પાક ઊગાડવા જેટલું જ નીંદામણ કરવું અગત્યનું હોય છે. એ રાક્ષસી માયાને વધવા ન જ દેવાય. બધા રસ્તા અજમાવી એને તો ઝબ્બે જ કરવી પડે.

      એ વખતે અહિંસાને પરમ ધર્મ ન બનાવી દેવાય !

દુર્જનો અને દુર્ગુણોનુંય આમ જ છે ને?

અવલોકન -૧૯ – ફાયર ટ્રક – એક અવલોકન

maxresdefault

      રસ્તા ઉપરથી ધમધમાટ ટ્રાફિક પસાર થઈ રહ્યો છે. રશ અવર છે. બધાને કામે પહોંચવાની, ધંધાના કામ શરુ કરવાની ઉતાવળ છે. એક મિનિટ પણ બગડે, તે પાલવે તેમ નથી. ટ્રાફિક લાઈટ લાલ થાય તો પણ મોં કટાણું થઈ જાય છે. ‘અરેરે ! ક્યાં અટકવું પડ્યું?’ બડબડાટ શરૂ થઈ જાય છે.

        અને ત્યાં જ દૂરથી સાયરન સંભળાય છે. લાયબંબાની સાયરન. બધો ટ્રાફિક સ્થગિત બની જાય છે. બધા બને તેટલા બાજુએ ખસી જાય છે. બધી ઉતાવળ ભુલાઈ જાય છે. હવે કોઈ વાહન એક તસુ પણ ખસતું નથી. અરે! રસ્તે ચાલતા રડ્યા ખડ્યા વટેમાર્ગુ પણ ઊભા રહી જાય છે.

લો, આ મોટી અડચણ આવી પડી !

     અને ત્યાં જ ધમધમાટ કરતો તે આવી પહોંચે છે. તેની પાછળ એક એમ્બ્યુલન્સ વાન પણ છે. તે બન્નેની તેજ રફ્તાર અને ગતિ બધાંના મનમાં ભય અને માનની લાગણી પેદા કરે છે. ઉપર લાલ, પીળી અને વાદળી લાઈટો ઝબુક ઝબુક થાય છે. કાન ફાડી નાંખે તેવો સાયરનનો અવાજ એકદમ નજીકથી કમને સાંભળવો પડે છે – સહેવો પડે છે. એ એકલવીર જે જગ્યા ખાલી મળે ત્યાંથી  આગળ ધસે છે. એને કોઈક અગત્યના કામે, જીવન જોખમમાં હોય તેવે સ્થાને, સુરક્ષા સાચવવા ધસવાનું છે. ક્યાંક આગ લાગી છે; અથવા ટ્રાફિકનો અકસ્માત થયો છે; ત્યાં તેને યુધ્ધના ધોરણે સત્વરે પહોંચવાનું છે. તે ઘડીક પણ રોકાઈ શકે તેમ નથી.

      અને અહીં તો  ટ્રાફિકની બધી જ લેનો પૂરેપૂરી ભરાયેલી છે. તે શુરવીર તો ઊંધી બાજુએ પોતાનું સુકાન વાળી; લાલ બત્તીની ધરાર ઉપેક્ષા કરી; પોતાની જગ્યા કરી લે છે. આગળ એક કારવાળાએ તો આ મહાનુભાવને માર્ગ આપવા  ફૂટપાથ ઉપર પોતાની ગાડી ચઢાવી દીધી છે.

      વિજયી મુદ્રા સાથે,  કોઈની પણ તમા કર્યા વિના, તે ભડવીર તો ચાલ્યો જાય છે. હતપ્રભ બનેલો ટ્રાફિક ધીમે ધીમે આ મૂર્છામાંથી જાગૃત  થાય છે. મંથર ગતિએ તેની સફર ફરીથી શરૂ થાય છે. કોઈ વિજયી સમ્રાટ શત્રુસેનાને મહાત, પરાસ્ત, આખા નગરને ધરાશાયી કરી ચાલ્યો જાય; તેમ લાયબંબો બધે આ જ માહોલ પેદા કરતો આગળ ધપતો જાય છે –

ત્સુનામીના મોજાંની કની.

        પણ……

     ફરક એટલો જ છે કે, એ વિનાશ કરવા નહીં; વિનાશ અટકાવવા જઈ રહ્યો છે. તે લડાયક જરુર છે પણ શાંતિનો, સહાયનો, દયાનો દૂત પણ છે. એને માટે ભય કરતાં માન વધારે ઊપજે છે. બધાં એની અદબ જાળવે છે. એ પ્રહરી જરુર છે; પણ જીવન અને જાનમાલની સુરક્ષાનો પ્રહરી છે. એના શસ્ત્રમાં આગ નથી. પાણીની બોછાર છે.

      એને જોતાં જ આપણને પણ એ સહાયકાર્યમાં ભાગીદાર થવાની ક્ષણિક ઈચ્છા થઈ આવે છે.

    લાયબંબો એ આપત્તિને પહોંચી વળવાની સમાજની પ્રતિબધ્ધતાનું, ક્ષમતાનું પ્રતીક છે. જે કોઈ આવી સુરક્ષાના કામમાં જોડાયેલા હોય, તે સૌ પણ આવા જ સન્માનના અધિકારી હોય છે.

 • આપણે કદીક તો ફાયર ટ્રક જેવા બનવા તૈયાર  છીએ ખરા?
 • અણીના સમયે –
  • આપણી સુરક્ષાને
  • આપણા સ્વાર્થી મનસુબાઓને
  • આપણી ગણતરીઓને
  • તિલાંજલી આપી,
 • કોઈ જરૂરતમંદની સહાયે ધસી ગયા છીએ વારૂ? 

અવલોકન -૧૮ -બાઈટ

bits-bytes

    કોમ્પ્યુટરની ભાષાનો પાયાનો મણકો. કોમ્યુટરમાં જે કાંઈ સમાય તે બધું બાઈટમાં મપાય. કિલોબાઈટ, મેગાબાઈટ, ગિગાબાઈટ અને ટેરાબાઈટ  – હજુય આગળ બીજા ‘મોટા’ બાઈટ આવશે ! ગમે તે માહિતી હોય;  કે કોમ્પ્યુટરને કામ કરવાની સૂચના હોય –  બધું બાઈટની પરિમિતીમાં આવી જાય. બાઈટની લંબાઈ માહિતી પર આધાર રાખે.  માહિતી જેટલી મોટી, તેટલા વધારે બાઈટ જોઈએ.

          બાઈટની અંદરેય જવાય. તેના બે જ ઘટક – ‘૦’  અને ‘૧’ . આ સિવાય કશું જ નહીં. સંખ્યા હોય કે દુનિયાની કોઈ પણ ભાષાનો કે , કોઈ પણ લિપિનો શબ્દ હોય ; અરે સંગીતની તર્જ હોય કે કોઈ ચિત્ર કે ચલચિત્ર (વિડિયો) હોય – બધુંય તે બાઈટમાં જ સમજે. કોમ્પ્યુટર  ‘૦’  અથવા ‘૧’  સિવાય કશું જ સમજી ન શકે.

—————————–

        કેટલું સરળ દિમાગનું છે, આ મશીન? આપણા જેટલું તે ચાણક્ય નથી!  આપણે તો શૂન્ય અને એક્ને કોઈ વિસાતમાં નથી ગણતા.

 • આપણી ગણતરીઓ મોટી
 • આપણી હુંશિયારી અને ફિશિયારી મહાન
 • આપણી આકાંક્ષાઓ, અપેક્ષાઓ પાર વિનાની
 • આપણી બુદ્ધિ વિશદ, પંડિતાઈથી ભરેલી.
 • જાતજાતનાં વિજ્ઞાનો,  શાસ્ત્રો અને ભાષાઓ.
 • જાતજાતની સંવેદનાઓ,
 • જાતજાતના   
  • મતમતાંતરો
  • માન્યતાઓ
  • પૂર્વગ્રહો
  • ગમા- અણગમા
  • શંકા- કુશંકા

કેટલું વિલક્ષણ છે આપણું મગજ?

કોમ્યુટર બે જ વાત સમજે

 • ૦ અને/ અથવા  ૧ 
 • હોવાપણું અને નહીં હોવાપણું
 • સ્વિચ ચાલુ છે કે બંધ

        અને આપણને આટલી નાની વાત સમજતાં જન્મારો નીકળી જાય. અને તોય  આ નાની શી વાત સમજતાં આપણી વિષદતા -ખરું પુછો તો  આપણી અધૂરી સમજણ – વચ્ચે નડે !   આપણને બાઈટ કરતાં આવડે (કરડતાં!) પણ ઓલ્યા , સાવ નાનકડા બાઈટની કની ગણતાં ન આવડે.

ભણ્યા, પણ ગણ્યા નહીં.
‘બાઈટ’ જ ન સમજ્યા.

અવલોકન -૧૭-હાઈવે પરનો એક્ઝિટ

      દરરોજનો અનુભવ છે. આમ તો લાંબા અંતરે જવાનું હોતું નથી. દીકરીના દીકરાને નિશાળેથી બપોરે લઈ આવવાનું એ રોજનું કામ. પાંચ માઈલનો એ રોજનો રસ્તો. પણ એ પાંચ માઈલની મુસાફરી માટે પણ હાઈવેનો સહારો લેવો પડે છે. એ વિના પણ મુસાફરી થઈ તો શકે છે. પણ એ રસ્તો બહુ લાંબો પડે છે. તેની ઉપર ધીમી ગતિએ જવું પડે છે. વચ્ચે રુકાવટો પણ ઘણી આવે છે. ક્યાંક ટ્રાફિક સિગ્નલ તો ક્યાંક સ્ટોપ સાઈન. વળાંકો પણ ઘણા આવે. ક્યાંક તો રસ્તો સાવ નાનો હોય, બન્ને દિશામાં માત્ર એક એક જ લેન.

      આથી દરરોજ એ હાઈવેનો સહારો અચૂક લેવો પડે છે. અમારા ઘરની નજીકના મુખ્ય રસ્તા પરથી તેમાં પ્રવેશવાનું અને નિશાળની નજીકના નાનકડા રસ્તા પર પ્રવેશવા તેમાંથી નીકળી જવાનું. પાછા વળતાં આનાથી ઉંધી પ્રક્રિયા. આ બન્ને માટે એક્ઝિટનો સહારો લેવાનો.

        હવે વાત એ કરવાની છે કે, જ્યારે એક્ઝિટ પરથી હાઈવેમાં પ્રવેશવાનું હોય ત્યારે ખાસ સતેજ રહેવું પડે. હાઈવે પર ચાલી રહેલી ગાડીઓનો પ્રવાહ દૂર હોય, ત્યારે જ એમાં પ્રવેશી શકાય. મોટા ભાગે તો જગ્યા મળી જ જાય. પણ કો’ક વખત લાંબી વણજાર આવી રહી હોય ત્યારે બહુ જ અસમંજસ રહે. ગતિ વધારે પણ ન રાખી શકો અને ધીમી પણ નહીં. કદીક સાવ અટકી પણ જવું પડે અને ચાલ મળતાં ત્વરાથી ઝડપ વધારી હાઈવેની ઝડપ સાથે તાલ મેળવી લેવો પડે  – કલાકના સાઠ માઈલ ! હાઈવે પર ચાલ મળી જાય ત્યારે હાશકારો થાય.

ચાલો! હવે નિરાંત
ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી જવાશે.

         હાઈવે પરથી બહાર નીકળતી વખતેય સતેજ તો રહેવું પડે, પણ પ્રમાણમાં તકલીફ ઓછી પડે. જેવા એક્ઝિટમાં પ્રવેશી જઈએ અને ઝડપ ઓછી કરવા માંડીએ એટલે પહોંચ્યાનો હાશકારો થાય. ધીમે ધીમે શહેરની કલાકના 35-40 માઈલની ઝડપ ઉપર આવી જઈએ. હવે અટકવાનું સરળ બની જાય. તાણ પણ ઓછી થાય.

———————–

         બે હાશકારા – પણ બન્નેની અનુભૂતિ અલગ.

 • એકમાં ઝડપ વધવાનો આનંદ; બીજામાં અટકી શકાવાનો આનંદ.
 • પહેલામાં તાણના વધતા પ્રવાહ સાથે તાલ મેળવવાનો આનંદ, લક્ષ્ય સુધીનું અંતર હવે ઝડપથી કપાશે તે આશાનો આનંદ. બીજામાં તાણ ઘટી શકાવાનો આનંદ – લક્ષ્યની નજીક આવી ગયાનો આનંદ.
 • પહેલાંમાં ઉપર ચઢવાનું તાણ. બીજામાં નીચે ઉતરવાની હળવાશ.

        ઉપર ચઢવાનું હમ્મેશ વધારે શક્તિ, વિશેષ ધ્યાન, વિશેષ સતર્કતા માંગી લે છે. એમાં વિશેષ જોખમ છે.

       નીચે ઉતરવાનું પ્રમાણમાં બહુ સરળ છે.

       રસ્તો ટૂંકો હોય તો આ ઉપર અને નીચે જવાના અનુભવોની એક આવૃત્તિ થાય એટલે પત્યું. લાંબા રસ્તે જતાં હોઈએ તો આવા બે, ત્રણ કે વધારે ચઢાવ ઊતારમાંથી પસાર થવું પડે.

        પર્વત ઉપર ચડવાનું અને ઊતરવાનું – એમાં પણ આ જ અનુભૂતિ દોહરાય છે. નાની ટેકરી હોય કે મસ મોટો પર્વત હોય.

જીવનમાંય આમ જ છે ને વારુ?