હજી મને યાદ છે.-કબૂતરની ઉડાન -અમિતા ધરિયા

કબૂતર ની ઉડાન

ઉત્તરાયણ, મકર સંક્રાંતિ નો તહેવાર આપણે બહુ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવીયે છીએ. દૂર દૂર સુધી પતંગ ઉડાવવાની અને કાપવાની મઝા માણીયે છીએ. જે માંજાથી આપણે બીજાનો પતંગ કાપવાનો ઉમંગ અનુભવીએ છીએ, તે જ માંજો આનંદથી હવામાં લહેરાતા પક્ષીઓની જીવનદોરી કાપી નાખે છે. તેનો આપણને વિચાર પણ નથી આવતો.

20 ફેબ્રુઆરી 2000 ના દિવસે મને તેનો અહેસાસ થયો.

મારા દીકરો મોન્ટુ તેની 12th ની પરીક્ષાની તૈયારી કરતો હતો જે 22 ફેબ્રુઆરી 2000 ના દિવસે હતી. તેની નજર અગાશીમાં કબૂતર પર પડી, જેના બંને પગમાં દોરો વીંટરાઈ ગયો હતો અને તે ઉડી નહોતું શકતું. તેને મને ઓફિસમાં ફોન કરી આ વાત જણાવી. મેં તેને તે કબૂતરને પકડીને તેના બે પગ સાથે વીંટરાયેલી દોરી કાપી નાખવાનું કહ્યું. પણ મોન્ટુ તેને પકડવા જતો હતો તો તે વધારે ગભરાતું હતું અને છેવટે અગાશીમાં ટાંકીની પાછળ છુપાઈ ગયું. સાંજે મેં આવીને જોયું તો તે ટાંકીની પાછળ જ હતું. આમ જ તે આખી રાત રહેશે તો ઉંદર તેને મારી નાખશે. તે વિચારે હું તેને બહાર કાઢવા માંગતી હતી. પણ તેમ કરવામાં તે છજા પર જતું રહ્યું. રાત્રે પપ્પા અને મોન્ટુને જમવા બેસાડ્યા પણ મારુ ધ્યાન તો છજા ઉપર જ હતું, જેની કિનારી પર મને તે કબૂતરની થોડી પાંખો દેખાતી હતી. થોડીવાર પછી મેં છજા પર જોયું તો કબૂતરની પાંખો દેખાતી બંધ થઇ ગઈ. મને ડર લાગ્યો. કારણકે છજા પરથી થોડું ઉડીને અગાશીમાં પાછું આવવું તેના માટે શક્ય નહોતું. તો પણ હું અગાશીમાં જોવા માટે ગઈ. પણ તે કબૂતર ત્યાં નહોતું. મતલબ તે નીચે ગટર માં પડી ગયુ હતું. જ્યાં બધા કચરો નાખતા હતા અને ત્યાં ઉંદર પણ બહુ જ હતા.

જમવા બેઠેલા મોન્ટુને મેં નીચે ગટરમાં જોવા મોકલ્યો. તે એક થેલી લઈને નીચે ગયો. અંધારામાં બેટરીના પ્રકાશથી કબૂતરને શોધવા ખુબ મથામણ કરી. આખરે તે કબૂતર ડરના માર્યા પાણીની પાઇપ ની પાછળ છુપાઈ ગયેલું દેખાયુ. થોડી મહેનત કર્યા પછી મોન્ટુ તેને થેલી માં લાવવામાં સફળ થયો. જેવો મોન્ટુ તેને લઈને ઘરમાં આવ્યો કે તરત જ મેં થેલી હાથમાં લઈને સૌથી પહેલા કબૂતર નું મોઢું બહાર કાઢ્યું. જેથી તેને રાહત થાય. પછી તેને પાણી પીવા આપીને તેને થપથપાવવા લાગી. તે બહુ જ ધ્રૂજતું હતું. તે કબૂતરને ધીમેથી બહાર કાઢીને તરત જ તેના બે પગ પર વીંટળાઈ ગયેલ દોરો વચ્ચેથી કાપી નાખ્યો. તેના પગ અલગ થતા જ તેને બહુ જ રાહત થઇ. પછી તે ડર્યા વગર શાંતિથી મારા હાથમાં પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરતું હતું. જેથી હું તેના બેઉ પગમાં વીંટાયેલ દોરો કાતરથી ધીમે ધીમે કાપતી હતી. સાંજથી રાત સુધીમાં તેના બંને પગમાં દોરીની બહુ જ આંટી લાગી ગઈ હતી. જેનાથી તેના એક પગમાં અડધો કાપો પણ પડી ગયો હતો. લગભગ બંને પગમાંથી વીંટરાયેલ આઠેક દોરી કાપી નાખી પછી એ જગ્યા પર તેને દુઃખાવો ઓછો થાય તે માટે antiseptic cream લગાવ્યું. કબૂતરને એક ખૂણામાં મૂકી તેને ખાવા માટે જાર અને પીવા માટે પાણી આપ્યું. તેને થોડું પાણી પીધું. તેને હવે રાહત થઇ હતી. રાત્રે 2 થી 3 ટાઈમ જેટલી વાર આંખ ખુલી, તેટલી વાર તેના પગમાં antiseptic cream લગાવ્યું. સવારે બેડરૂમની બારી ખોલી જેથી તે કબુતરના મિત્રો અને પરિવાર તેને અંદર આવીને મળી શકે. પણ થોડીવાર પછી જોયું તો તે કબૂતર જ બહાર ઉડી ગયું.

તેની ઉડાન માં મેં સંતોષ ની લાગણી અનુભવી.

અમીતા ધારિયા

જિંદગી કે સફ્ર્મે (૪)પાનખરમાં વસંત- અમીતા ધારિયા-

જિંદગીકે સફરમેં, હર મોડપે લોગ મિલતે હૈ,

કુછ અનજાન રહતે હૈ, કુછ અપને હો જાતે હે.


બારીમાંથી વાદળા વિહોણા ખુલ્લા આકાશ તરફ મીટ માંડીને ઉભો રહેલો આનંદ ક્યાંક કોઈ વિચારોમાં અટવાયેલો હતો. તેનું મન બેચેન લાગતું હતું. તે વિચારતો હતો કે હું કયા સંબંધે એ વિશાળ બંગલામાં જઈને તે બાળકીની તપાસ કરું? જેનું નામ પણ હું નથી જાણતો. અચાનક તેના મગજમાં ઝબકારો થયો. તે કોઈ નિર્ણય પર આવી ગયો હતો. તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “ગમે તે થાય, કાલે તો હું આની તપાસ કરીશ જ. આખરે તે બાળકી છે ક્યાં?”

આનંદનો એ નિત્યક્રમ હતો. સવારે સાત વાગે ઉઠવું. ત્યારબાદ આખા દિવસ દરમ્યાન લાગતા થાક સામે શરીરને થોડું સ્ફૂર્તિલું બનાવવા કસરત કરવી. નાસ્તો કરી, તૈયાર થઇ ઓફીસ જવા માટે ૯-૧૦ ની બસ પકડવા બસસ્ટોપ પર હાજરી પૂરવી. આ નિત્યક્રમમાં ક્યાંય મીનમેખ ન હોય. છેલ્લા પાંચ વરસથી આ ક્રમ અવિરત ચાલતો હતો. પણ છેલ્લા છ મહિનાથી આમાં એક ઓર ઉમેરો થયો હતો.

એમ.જી. રોડ થી પસાર થતી બસ મધુવીહારના બસસ્ટોપ પર ઉભી હતી. ત્યાં રોડને અડીને આવેલા વિશાળ બંગલાના બગીચામાં હસતી રમતી નાનકડી બાળકીની નજર આનંદની નજર સાથે ટકરાઈ. આ વાત્સલ્યભર્યા ટકરાવના પડઘારૂપે બંનેના મુખ પર હાસ્ય ઉપસી આવ્યું. પછી તો રોજ દસ વાગે એ બાળકીની આંખો બસની રાહ જોતી ચકળવિકળ થતી હોય અને આનંદ પણ બાળકીને હસતી રમતી જોવા મધુવીહારના બસસ્ટોપ પર પહોચવા થનગનતો હોય. બંનેના ઈન્તજારનો અંત આવતો અને ‘બાય બાય અંકલ’, ‘બાય બાય બેટા’ ના શબ્દો હવામાં સામસામાં અફળાતા. આંખોમાંથી વરસતો આ નિર્દોષ પ્રેમ બંનેને દિવસ દરમ્યાન તાજગીપૂર્ણ રાખતો હતો.

છેલ્લાં અઠવાડિયાથી આનંદના આ ક્રમમાં વિઘ્ન પડ્યું હતું. વિશાળ બંગલાનો બગીચો ખુશખુશાલ બાળકીના હાસ્ય વગર મૃત્તપાય ભાસતો હતો. કાલે તો એ બાળકી દેખાશે જ, એ આશામાં આજે અઠવાડિયું વીતી ગયું હતું. ઓફિસેથી આવેલો આનંદ આજે ખુબજ બેચેન હતો. તેની આવતી કાલની આશા ઠગારી નીવડી હતી. એક મક્કમ નિર્ધાર સાથે સવારની પ્રતિક્ષામા ઊંઘ ક્યારે આવી ગઈ તેની પણ આનંદને જાણ ન થઇ.
સવારથી આનંદના કામની ઝડપ વધી ગઈ હતી. ક્યાંક જવાની ઉતાવળમાં શરીરનું અંગેઅંગ ફટાફટ કામે લાગી ગયું હતું. આનંદ રોજ કરતા થોડોક વહેલો જ ઘરેથી નીકળી ગયો. બસમાં અનજાન ચહેરાઓ વચ્ચે બેઠક જમાવી. મધુવીહારનું બસસ્ટોપ આવતા જ બસમાંથી ઉતર્યો. તેના પગ ધ્રુજતા હતા. મન વિચારોની રમઝટમાં અટવાયેલું હતું. દિલ બેચેન હતું. આંખોમાં એક તલાશ હતી.

આનંદે વિશાળ બંગલાનો દરવાજો ખોલી તેમાં પ્રવેશ કર્યો. વોચમેન જેવા દેખાતા વ્યક્તિએ દુરથી જ ઈશારો કરી પ્રશ્ન પૂછ્યો, “કોનું કામ છે?” પ્રત્યુત્તરમાં આનંદે નાની બાળકીનો ઉલ્લેખ કર્યો. “તો તમે વાચા બિટિયાની વાત કરી રહ્યા છો. તે તો ઘરમાં નથી. પણ દાદાજી છે. તમે તેમને મળી શકો છો.” આનંદને જોઈ આડા અવળા કોઈ પ્રશ્ન કર્યા વગર વોચમેને જવાબ વાળ્યો.

વિશાળ બંગલાનું પ્રવેશદ્વાર પણ તેની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવું વિશાળ હતું. ડોરબેલ પર હાથ થંભી ગયો. પણ અકળ નિર્ણય યાદ આવતા બેલ રણકી ઉઠ્યો. દરવાજો ખુલ્યો. સોફા પર બેઠેલા વયોવૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું, “કોણ છે?” દરવાજો ખોલવા આવનાર વ્યક્તિએ જવાબમાં આનંદ સામે નજર કરી. “અંકલ, હું નાનકડી વાચાને મળવા આવ્યો છું. અંદર આવી શકું?” વોચમેન પાસેથી જાણી લીધેલું નાનકડી બાળકીનું નામ દિલમાં કોતરાઈ ગયું હતું. આનંદના આ શબ્દોએ વયોવૃદ્ધ વ્યક્તિને તેની સામે જોવાની ફરજ પડી. નજરમાં આત્મીયતા લાગતા, “આવો બેટા” શબ્દો સાથે આવકાર મળ્યો. “દાદાજી, મારું નામ આનંદ છે. મારો આ બંગલા સાથેનો નાતો આ બંગલાના બગીચામાં રોજ સવારે આનંદથી ઝૂમી રહેલી નાનકડી બાળકી વાચા જ છે.” આનંદે પોતાનો નિત્યક્રમ જણાવ્યો.

દાદાજીની એકલતાને વાચા ફૂટી. દિલ થોડું હળવું કરવાનો કોઈ આધાર મળ્યો હાય તેવું લાગ્યું. “બેટા, આ વિશાળ બંગલો જોઈ રહ્યો છે ને, તેનો એશોઆરામ ભોગવવા મળે તે માટે મારા પુત્ર અને પુત્રવધુ એ ખુબ મહેનત કરી એટલો બધો કારોબાર ફેલાવી દીધો છે કે તે મળ્યા પછી તેઓ પોતાનામાં એટલા બધા વ્યસ્ત છે કે તેમને વાચા બેટા માટે પણ સમય નથી મળતો. હા, તેને કોઈ તકલીફ નથી. તેની દેખભાળ કરવા ઘરમાં ચાર નોકરો છે. રોજ સવારે ઉઠીને બગીચામાં ફૂલ ઝાડ ને રમકડા સાથે રમતા આનંદ માણવો તે તેનો નિત્યક્રમ હતો.”

આનંદની ધીરજે માઝા મૂકી. ન ઇચ્છવા છતાં દાદાજીના શબ્દોને અધવચ્ચેથી અટકાવતા તેને સીધો પશ્ન કર્યો, “વાચા અત્યારે ક્યાં છે?”

“બેટા, વાચા અત્યારે એક ખાનગી નર્સિંગ હોમમાં છે. તે અઠવાડિયાથી બીમાર છે. હવે તો તબિયત સુધારા પર છે. આજકાલમાં તે ઘરે આવી જ જશે.”

દાદાજી પાસેથી નર્સિંગ હોમનું સરનામું લઇ, તેમને પ્રણામ કરી દુઃખ મિશ્રિત ખુશીના ભાવ સાથે આનંદે ત્યાંથી વિદાય લીધી. ઓફીસ માં ફોન કરી આવી નહિ શકું તેમ જણાવી દીધું.

વાચાને મળવા થનગનતા આનંદની રિક્ષા નર્સિંગ હોમના દરવાજાની પાસે અટકી. વાચાને મળવા અધીરો આનંદ દાદાજીએ જણાવેલ રૂમ વિશે વોર્ડબોય ને પૂછી ત્યાં પહોચી ગયો. બસ હવે પળનો પણ વિલંબ પાલવે તેમ નહોતો. આનંદે બારણું ખોલી રૂમમાં પ્રવેશ કર્યો. વાચા નર્સ સાથે મીઠી મીઠી વાતો કરતી હતી. વાચાની નજર આનંદ પર પડી. ક્ષણભર ખામોશી છવાઈ ગઈ. પણ બીજી ક્ષણે મૌન મૃતપાય બન્યું. વાચા ખુશીથી ઉછળી પડી. “અંકલ, તમે!” કહી આનંદને વળગી પડી. વળગણમાં પ્રેમ અને હુફની તલાશ હતી. આનંદની આંખોમાં લાગણીની ભીનાશ આવી ગઈ. અનાયાસે તેનો હાથ વાચાનાં માથા પર ફરવા લાગ્યો. નર્સ ના હોઠ પર સ્મિત હતું.

એટલામાં જ ડોકટરે રૂમમાં પ્રવેશ કર્યો. વાચા ડૉક્ટરને પોતાના અંકલ વિશે કંઈક કહે તે પહેલા જ વાચાનાં મુખ પર ખુશીની લાલાશ જોઈ ડૉક્ટરની નજર આનંદ તરફ ગઈ. ડૉક્ટરને હેલો કરી આનંદે પોતાની ઓળખ આપી.

ડૉક્ટર સાથે વાતચીત કરતા આનંદને જાણવા મળ્યું કે વાચા પાસે પ્રેમ અને હુંફ વગરનો ખુબ પૈસો છે. તેના મમ્મી પપ્પા તેને ખુબજ પ્યાર કરે છે. પણ સમય આગળ તે પ્યાર દબાઈ જાય છે. ઘરમાં દાદાજી અને વાચા ઘણા બધા પગારદાર માણસોની વચ્ચે સાવ એકલા છે. નર્સિંગ હોમનું વાતાવરણ પારખી ગયેલી વાચાને તે એકલતામાં પાછું જવું નથી.

ડૉક્ટરની વાત સાંભળી થોડીવાર આનંદ વિચારોમાં ખોવાઈ ગયો. તેને વાચાનાં મમ્મી પપ્પાને મળવું જરૂરી લાગ્યું. વાચાને વહાલ કરી બીજા દિવસે ફરી મળવાનું પ્રોમિસ આપી બાય બાય કર્યું.

એપોઇન્ટમેન્ટ ના સમય પ્રમાણે આનંદ વાચાનાં પપ્પાની ઓફિસે પહોચી ગયો. જેવો વિશાળ બંગલો હતો તેવી જ આલીશાન ઓફીસ હતી. દિવસરાત ની મહેનત પછી જ આવી ઓફીસ મળી શકે. પણ તે માટે બાળકની વાત્સલ્યતાને નેવે ન મુકાય.

વેઈટીંગ રૂમમાં આનંદ વાતની શરૂઆત ક્યાંથી અને કઈ રીતે કરવી તે માટેના શબ્દોને મનમાં આમતેમ ફેરવતો હતો. થોડી જ વારમાં તેને વાચાનાં પપ્પાની કેબીનમાં પ્રવેશ મળ્યો. વાચાનાં મમ્મી પપ્પાને જોઈ તેઓનામાં વ્યક્તિત્વશીલ વ્યક્તિની છાપ ઉપસી. વાતનો દોર ચાલુ કરતા આનંદને વાર ન લાગી. કારણ તેને મનમાં પૂરતા રીહર્સલ કર્યા હતા. વળી સ્વાર્થરહિત વાત કરવામાં કોઈ ડરની લાગણી નથી હોતી.

સારાંશમાં આનંદે પોતાની ઓળખ આપી અને વાચા સાથેના નિર્દોષ સંબંધની વાત જણાવી. વાચાની મમ્મીના મુખપર “તો તે તમે છો” ના ભાવ અંકિત થયા. વાચાનાં મુખેથી ઘણીવાર સાંભળેલી વાત સ્મરણમાં આવી. આનંદે વાતનો દોર આગળ વધાર્યો. “વાચા તમારા ખુબજ વખાણ કરતી હતી. તે કહેતી હતી કે મારા મમ્મી પપ્પા મને ખુબજ પ્યાર કરે છે. મારા માટે ખુબ સારા રમકડા લાવે છે. પણ અંકલ, તે રમકડા મને મારી આયા કે નોકર સાથે રમવું નથી ગમતું. મારા મમ્મી પપ્પા મારી સાથે રમતા હોત તો! મમ્મી પપ્પા મારી સાથે જેટલો સમય હોય ત્યારે મને વહાલ તો કરે જ છે. પણ તેમને હું વહાલ કરું તેવો સમય જ નથી હોતો. મારે પણ તેમની સાથે ખુબ વાતો કરવી હોય છે.” આનંદના આ શબ્દો તેઓ ઉપર ધારી અસર બતાવી શક્યા.

વાચાનાં મમ્મી પપ્પા પળભર વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે ક્યાંક તેઓની સમજણમાં કચાશ રહી ગઈ છે. નર્સિંગ હોમમાં વાચાએ બોલેલા શબ્દોનો મર્મ હવે સમજાયો. વાચા કહેતી હતી, “પપ્પા મને સારું થઇ જાય પછી પણ હું અહી જ રહીશ. મને અહી બહુ ગમે છે. ડૉક્ટર અંકલ, નર્સ બધા જ લગભગ આખો દિવસ મારી પાસે જ હોય છે. બધા મને મળવા આવે છે. તેમની સાથે વાતો કરવી મને બહુ ગમે છે. રમકડા સાથે વાતો કરીને હું કંટાળી ગઈ છું. પ્લીઝ, મને ઘરે ન લઇ જશોને!”

સાચી દિશા બતાવવા બદલ આભારવશ થયેલા વાચાનાં મમ્મી પપ્પાની લાગણીઓ વધારે શરમીંદગી અનુભવે તે પહેલા જ આનંદે ત્યાંથી વિદાય લીધી.

ઓફિસેથી આજે વહેલા આવી ગયેલા મમ્મી પપ્પાને જોઈ વાચા ખુશીથી ઉછળી પડી. મમ્મીએ તેને બાથમાં લીધી. આજે તેના સ્પર્શમાં કોઈ ઓર જાદુ હતો. મમ્મી પપ્પામાં આવેલું પરિવર્તન વાચા અનુભવતી હતી. પણ તેનું કારણ જાણવાની પળોજણમાં પડવાનો નાનકડી બાળકીને કોઈ રસ નહોતો.

બીજે દિવસે સવારે વાચાને મળવા ગયેલા આનંદે તેના શબ્દોમાં તેના મમ્મી પપ્પા તરફથી છલકાયેલો પ્રેમ ભાળ્યો. તેની આંખોની કોર ભીની થઇ ગઈ. વાચા કહી રહી હતી, “અંકલ, કાલથી હું રોજ સવારે તમને બાય બાય કરીશ. કારણ આજે સાંજે હું મમ્મી પપ્પા સાથે ઘરે જવાની છું.”

સાંજે બસમાં ઓફિસેથી પાછા ફરતા આનંદ વિચારી રહ્યો હતો, કોઈના પ્રત્યે દિલમાં ઉઠેલો નિર્દોષ પ્રેમ પ્રદર્શિત કરવામાં દેર ન કરવી. કદાચ તે વ્યક્તિ તે જ પ્યારની તલાશ માં હોય. આનંદના હોઠ પર સંતોષનું સ્મિત ફરકી રહ્યું.

“પ્રેમ અને હુંફ તણા શબ્દો પડ્યા એ કર્ણ પર,
આજ આ શબનમ માંહી એક ફૂલ તો ખીલી ઉઠ્યું.”

– અમીતા ધારિયા

તરુલતા વાર્તા સ્પર્ધા (6) ડિજિટલ યુગ ની માયાજાળ-અમીતા ધારિયા

ડિજિટલ યુગ ની માયાજાળ

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ શોખ હોય છે. જેવા કે, વાંચવાનો, લખવાનો, ગાવાનો, રમતગમતનો, ડ્રોઇંગ, પેઇન્ટિંગ, નવા ઉપકરણો વાપરવાનો, સર્ફિંગ કરવાનો, નવી એપ્લિકેશન સર્ચ કરી તેની ડીટેલ જાણવાનો…. મનની સ્વસ્થતા માટે, કોઈ પ્રવૃત્તિ માટે, ક્રિએટિવ બનવા માટે, આવા શોખ હોવા જરૂરી છે.

સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં વ્યક્તિના શોખ બદલાતા ગયા. સ્વભાવ બદલાતા ગયા. જેમ જેમ નવા સંશોધન થતા ગયા, નવી ટેક્નોલોજી આવતી ગઈ, તેમ તેમ રોજ નવા નવા ઉપકરણો, સ્માર્ટફોન, ટેબ્લેટ ફૂટી નીકળ્યા. નવા જનરેશનની 24 કલાકની દિનચર્યા, સવારે મોડા ઉઠવાનું, મેસેજના જવાબ આપવાનું, ઘરનાંઓ સાથે સંબંધો સાચવવાના બદલે કિંમતી સમય ફોનમાં રચ્યાપચ્યા રહેવાનું, એ જ છે. મિત્રો સાથે ફેસબુક પર કેટલા મિત્રો છે તેની શરત લગાવવી, પોતે કેટલા બધા ગ્રુપનો એડમીન છે તેનો ગર્વ લેવો, ઓનલાઇન વિડીયોગેમ રમવી, એ બધાનું એવું ઘેલું લાગ્યું છે કે તેના પરિવારના સભ્યો, મા-બાપ, પત્ની, બાળકો તેની રાહ જોતા હોય છે તેની પણ પરવા નથી હોતી. બધા મિકેનિકલ બની ગયા છે.

અમીના ઘરનો પણ આ જ માહોલ હતો. દરેક સભ્યો સોશિયલ નેટવર્કની ચુંગલમાં ફસાયેલા હતા. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા ઘરના બધા સભ્યો સાથે હોવા છતા પણ સાથે નહોતા. પપ્પા ધંધાને લગતા ઈમેલ ચેક કરી રહ્યા હતા. મમ્મી કીટી ગ્રુપના વૉટ્સઅપ મેસેજ ધ્યાનથી વાંચી રહી હતી. અમીનો પતિ આકાશ તેના નવા એન્ડ્રોઇડ ફોનની નવી નવી એપ્લિકેશન જોઈ રહ્યો હતો. અમી ફેસબુક પર મૂકેલા ફોટા પર કેટલી લાઈક્સ, કૉમેન્ટ્સ આવી તે જોવામાં અને તેના જવાબ આપવામાં વ્યસ્ત હતી. નાનકડો આરવ સોફા પર આઇપેડ લઈને યુટ્યૂબ પર કાર્ટૂન જોઈ રહ્યો હતો.

બપોરે રોજના રૂટિન મુજબ અમીએ ટીવી ચાલુ કર્યું. ટીવી ઉપર આધેડ ઉંમરના માલતીબેનનો ઇન્ટરવ્યૂ આવતો હતો.

માલતીબેન કહી રહ્યા હતા, “અઠવાડિયા પહેલા એક યુવાન ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. થોડીક જ દૂર ગયો ને તેનો અકસ્માત થયો. આ દ્રશ્ય જોઈ થોડીક ક્ષણ માટે હું અવાક થઈ ગઈ. પછી બીજા લોકોની મદદ લઈ તે યુવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો. તરત સારવાર મળતાં તે યુવાનની જાન બચી ગઈ.”

જયારે માલતીબેનને પૂછવામાં આવ્યું કે તમારામાં આટલી હિંમત ક્યાંથી આવી? ત્યારે દિલના એક ખૂણામાં ધરબાયેલો તેમનો અતીત શબ્દો રૂપે બહાર આવ્યો. “ઘણા વર્ષો પહેલા મારા પતિએ નવો નવો મોબાઈલ લીધો હતો. એક દિવસ પ્લેટફોર્મ પરથી વાત કરતા હતા, ત્યારે કોઈનો ધક્કો લાગતા મેલ ટ્રેન સાથે તેમનો અકસ્માત થયો. નવા નવા લગ્ન, નવો ફોન, પ્રેગ્નનસી…. મારા દીકરાએ તો તેમને ફોટામાં જ જોયા છે. દિલ રડતું રહ્યું પણ હિંમત રાખી દીકરાને સ્વમાનથી મોટો કર્યો. વર્ષો વીતવા સાથે ઘા પણ કંઈક અંશે રુઝાવા લાગ્યો હતો. ત્યાંજ તે પાછો સતેજ થયો.”

“મારા દીકરા મંદારનું એન્જીનીયરીંગ પત્યું એટલે તે અને તેનો મિત્ર મયંક માથેરાન ગયા હતા, ફોટા પાડતી વખતે મયંકનો બ્લેકબેરી ફોન હાથમાંથી સરકી ગયો ને ખીણની કિનારી પર પડયો. આંખ સામે દેખાતા મનગમતા ફોનને લેવાની લાલચ મયંક રોકી ના શક્યો અને પગ લપસતાં ખીણમાં પડી ગયો. આંખ સામે જોયેલા પોતાના પ્રિય મિત્રના અકસ્માતથી મંદાર શૂન્યમસ્તષ્ક થઇ ગયો હતો. વર્ષો પહેલા મારી જે સ્થિતિ હતી તે મંદારની થઈ હતી.”

“એકાદ વર્ષ પછી મંદાર જોબ પર લાગ્યો. ત્યાં તેની મોના સાથે દોસ્તી થઈ. મોનાના સાથ સહકારથી ધીમે ધીમે તે સ્વસ્થ થવા લાગ્યો. તેને મોના સાથે લગ્ન કર્યા. લગ્નના 2 વર્ષ પછી માયરા દીકરીનો જન્મ થયો. ઘરમાં આનંદનો માહોલ હતો. પણ કાળના ગર્ભમાં કાંઈ બીજું જ લખાયું હતું. મોના 1 વર્ષની માયરાને બાથટબમાં નવરાવી રહી હતી. બાજુમાં મંદારે અઠવાડીયા પહેલા મોનાને વર્ષગાંઠ પર આપેલો આઈફોન પડયો હતો. માયરા પાણીમાં છબછબિયાં કરી રહી હતી. મોનાએ માયરા ના ફોટા પાડયા અને મંદારને મોકલ્યા તેમ જ વૉટ્સઅપના ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ મૂક્યા. માયરાને પાણીમાં છબછબ કરવામાં બહુ આનંદ આવતો હતો. ત્યાંજ મેસેજ નું નોટિફિકેશન આવ્યું. મોના મેસેજ વાંચવામાં એટલી મશગુલ થઈ ગઈ કે………”

“શું થયું ભગવાન જાણે, પણ અચાનક મોનાની ચીસ સાંભળી. હું બાથરૂમ પાસે ગઈ. જોયું તો હાંફળી ફાફળી મોના પાણીથી લથપથ માયરાને ઉંચકી રહી હતી. બાજુમાં ફોન પર હલો હલો સંભળાઈ રહ્યું હતું. પોતાની ભૂલના કારણે ગુમાવેલ દીકરીના આઘાતમાંથી તે હજી બહાર નથી આવી. તે જલ્દી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીયે છીએ. આવા ઉપરા ઉપરી આઘાતોએ મને આટલી હિંમત આપી છે.”

અમી થોડીવાર શાંત ચિત્તે બેસી ઈન્ટરવ્યૂ વિષે વિચારતી રહી. અમીનો નિત્યક્રમ તેના સ્મૃતિપટ પર ડોકાઈ રહ્યો હતો. ફેસબુક, ટ્વિટર, યુટ્યૂબ, ઈમેલ તેના નજીકના મિત્રો હતા. તે પોતાનો ફોન ચશ્માની જેમ ગળે લગાવીને રાખતી, ક્યાંક કોઈ મેસેજ જોવામાં મોડું ના થઇ જાય. તે દિવસના 7 થી 8 કલાક ફોન પર સર્ફિંગ કર્યા કરતી. તેનાથી તેને અનિંદ્રા, ગુસ્સો, ચિંતા, બેધ્યાનપણું પણ થઇ જતું. તેના દીકરાને પણ તેને એ જ આદત પાડી હતી. હદ તો ત્યારે થતી, જયારે પતિ પત્ની એકબીજાના ફોન અને લેપટોપને હાથ લગાડતા ત્યારે ઘરમાં મહાભારત સર્જાતું, અંગત સંબંધો વણસી જતા અને ક્યારેક એ વાત ડિવોર્સ સુધી પણ પહોંચી જતી.

અમીને પોતાની ભૂલ સમજાઈ. ઘરના બધા સભ્યોની સંમતિથી નક્કી થયું કે ડાઇનિંગ ટેબલ પર આવતા પહેલા દરેક જણે પોતાના ફોન બાજુમાં રાખેલ ટોકરીમાં મૂકી દેવા. આરવને દૂધ પીતી વખતે, જમતી વખતે ફોન પર કાર્ટૂન બતાવવાના બદલે તે બાળસહજ વાતો કરવા લાગી.

ફેસબુક અને વૉટ્સઅપ ના લીધે વર્ષોથી ના મળેલા સ્કૂલ, કોલેજના મિત્રો તેમ જ વિખુટા પડેલા સ્વજનો ભેગા થાય છે. પહેલા દૂર રહેતા મિત્રો અને સગા સંબંધી ની બહુ યાદ આવે, મળવાનું મન થાય તો ઘરે જવું પડતું. હવે મન થાય ત્યારે ઇન્ટરનેટ દ્વારા વાત કરી શકાય છે. કોન્ફરન્સ કરીને બધા એક સાથે વાત કરી શકે છે. વડીલોનો, એકલા રહેતા લોકોનો ટાઈમપાસ થઇ જાય છે.

દુનિયા બહુ નજીક આવી ગઈ છે, પણ લાગણીઓ દૂર વહી ગઈ છે. ઘરના એક ખૂણામાં બેસીને કોઈપણ જાણકારી મેળવી શકીયે છીએ, પણ પરિવારનો સાથ ગુમાવી રહ્યા છીએ. દિવાળી અને વર્ષગાંઠ માટે કાર્ડ પસંદ કરવા સ્ટોરમાં જવામાં, તે મોકલવામાં અને આવેલા કાર્ડ વાંચવામાં જે મીઠાશ આવે તે ઓનલાઇન કાર્ડ મોકલવામાં કે વાંચવામાં નથી આવતી. સંબંધો બહુ વધ્યા છે, પણ ઉમળકો નથી જણાતો. ક્યારેક બાળકની ફોનની માંગણી પુરી ના થતા ઘરેથી ભાગી ગયાના, સેલ્ફી લેતા અકસ્માત થયાના કિસ્સા પણ સંભળાય છે. પહેલા પરિવાર સાથે બહાર જઈયે તો એકબીજામાં ઓતપ્રોત રહેતા. હવે આ સોશિયલ નેટવર્કિંગનો અતિરેક થતા પારિવારિક સંબંધો જોખમાય છે.

આજના મોબાઇલયુગમાં આધુનિક ટેક્નોલોજીની વચ્ચે રહેલા પરિવારના દરેક સભ્યોએ સમજવું જરૂરી છે કે આપણે જમાનાના બદલાવને આવકાર્યા છે. આધુનિક ઉપકરણોને પણ આવકાર્યા છે. પણ લેટેસ્ટ મોંઘા ફોન ખરીદી શોઓફ કરવાની જે ઘેલછા છે, નશો છે તે ખરેખર હાનિકારક છે. નવી ટેક્નોલોજી પાછળ આંધળી દોટ મુકવાને બદલે તેનો સમજીને ઉપયોગ કરીયે તો પારિવારિક સંબંધો, જિંદગી અસ્તવ્યસ્ત ના થાય.

— અમીતા ધારિયા