અભિવ્યક્તિ -૨૦-‘સાચાં’ ફૂલ ગલગોટા-અનુપમ બુચ

‘સાચાં’ ફૂલ ગલગોટા

કોઈ ધર્મગ્રંથોમાં કે શાસ્ત્રમાં નથી વાંચ્યું નથી કે ફૂલો વચ્ચે ‘સાચાં’ અને ‘ખોટાં’ એવો ભેદ હોય. મેં ગૂગલગુરુને પૂછ્યું પણ તેઓશ્રીએ પણ મને સાચા-ખોટાં ફૂલોની યાદી ન આપી. જે સુગંધી હોય એ ‘સાચું’ ફૂલ અને બાકી બધાં ‘ખોટાં’ એવો પણ કોઈ માપદંડ નથી. જૂઓને ગુલાબ, મોગરો, ચંપો, જૂઈ, બોરસલ્લી વિગેરે ફૂલો સુગંધનો દરિયો ખરાં પણ લાલ-સફેદ કે પીળી કરેણનાં ફૂલોમાં ક્યાં કોઈ સુગંધ હોય છે છતાં સુગંધ રહિત કરેણના ફૂલોથી શણગારેલ ભોળા શંભુ કેવા તેજસ્વી લાગે છે!

રાતરાણી અને મધુમાલતીની માદક સુવસથી હવા તરબતર થઇ જાય પણ એ નિજ મંદિરમાં હોવાનું જાણ્યું નથી, એ તો મંદિરની બહાર જ શોભે. ફૂલનો રંગ પણ મહત્વનો નથી. ગુલાબના રંગને ટક્કર મારે એવાં ગુલાબી બોગનવેલનાં ફૂલો કોઈ મંદિરમાં ચઢાવેલ જોયાં નથી.

‘સાચાં’ ફૂલની વણલખી વ્યાખ્યા એટલે ‘ભગવાનને ચઢે એ સાચાં અને પવિત્ર ફૂલો’. પાતરીમાં બંધાય એ ‘સાચાં’ ફૂલો. ‘સાચાં’ ફૂલો ભૂલથી પણ કચડાય નહિ., અને એકવાર સુંઘાયેલ ફૂલો ભગવાનને ચઢાવાય નહિ. મંદિરમાં ભગવાનને કે ઘરમાં ઠાકોરજીને ચઢાવેલાં ભીના અને કોહવાયેલ/કરમાયેલ ‘સાચાં’ ફૂલો આંખ પર વંદાય અને પછી નદી-તળાવમાં પધરાવાય. બિચારાં ‘ખોટાં’ ફૂલો નિજ મંદિરમાં ગયા વિના ડાળી પર જ કરમાય કે જમીન પર ધૂળમાં રગદોળાય.

‘ગલગોટો’ એટલે કે ‘મેરીગોલ્ડ’ એક એવું સુગંધ રહિત ‘ખોટું’ અને સ્ટેટસ વિનાનું ફૂલ કુદરતે આપણને આપ્યું છે જેને માણસે સમજીને ‘સાચું’ ફૂલ હોવાનો દરજ્જો આપ્યો. હું તો આ વર્ષો જૂના અને જાણીતા ગલગોટાની એકવીસમી સદીમાં ચાલતી બોલબાલાથી આશ્ચર્ય ચકિત છું. જ્યાં જૂઓ ત્યાં ગલગોટા. આટલા બધા ગલગોટા અત્યાર સુધી ક્યાં હતા? જૂઈ ગઈ, બોરસલ્લી વિસરાઈ, ગુલાબ ઓછાં થયાં, મોગરા અદ્રશ્ય થયા. હવે તો ઘઉંની જેમ ગલગોટાની ખેતી થાય છે.

એક ‘ગલગોટો’ એવું ફૂલ છે જે આપણી લાજ રાખે છે. હા, આજ-કાલ ફૂલ બજારમાં મોંઘાં આકર્ષક અને વિલાયતી ફૂલોની ગાંસડીની ગાંસડીઓ ઠલવાય છે ખરી પણ એ બધાં ફૂલો સમારંભોના સ્ટેજ અને સ્વાગતની કમાનો શણગારવામાં અને ગુલદસ્તાઓ સજાવટમાં વધુ વપરાય છે. પીળા, કેસરી અને સોનેરી રંગનો મનમોહક ગલગોટો આપણે માટે ‘સાચું’ ફૂલ બની ગયું છે. આટલાં સસ્તાં અને મબલખ ફૂલો બીજાં કયાં મળે?

સાહેબ, આ ખોટાં ફૂલનો સૌથી મોટો ગુણ છે ‘સુકાઈ જવું પણ કરમાવું નહિ’. તમે આ ફૂલને કોઈ સાચા સંત સાથે સરખાવી શકો. અમે ગિરનારમાં કોઈ એકાકી ગૂફામાં ઘૂણી ઉપર મૂકેલા ત્રિશુળ પર વીંટેલ સૂકાયેલ ગલગોટાનો હાર જોઈએ તો થતું કે ન જાણે એ કેટલાય મહિના જૂનો હાર હશે. મધ્યમવર્ગના ઘેર લગ્ન પ્રસંગે વાડીએ શણગારેલ દરવાજા ઉપર અઠવાડિયા સુધી કેસરી ગલગોટાની ઝૂલ જોઈ બે દિ’માં ચીમળાઈ જતાં મોંઘાં દાટ ગુલાબ મોગરાની હાંસી ઉડાવવાનું મન થાય.

અને ગલગોટાનો વ્યાપક ઉપયોગ તો જૂઓ! કથા કે વાસ્તુ પ્રસંગ છે? ગલગોટો. કે કાર-સ્કૂટરની પૂજા છે? ગલગોટો. ચોપડાપૂજન કે હવન છે? ગલગોટો. મહેમાનનું સ્વાગત કે ચારધામ યાત્રાની વિદાય છે? ગલગોટો. લગ્નની ચોરી છે કે ભાગવત પુરાણની પોથી છે? ગલગોટો. ઘરનો ઊંબર પૂજાવો છે? ગલગોટો. ફૂટપાથની હનુમાનજીની નાની દેરી છે કે કોઈ મઝાર પર ચાર ફૂલ છે? ગલગોટો. અરે, દિવંગતની નનામી પર ફૂલના ઢગલો હાર છે? ગલગોટો. હરિ-કી-પૈડી કે ચાણોદ કરનાલીમાં પાણીમાં વિસર્જિત થતો અસ્થિકુંભનો હાર છે? ગલગોટો હાજર હોય છે!

અનેક ધર્મ, પંથ, માન્યતા, જાતી-જ્ઞાતિ વચ્ચે વહેંચાઇ ગયેલા આ દેશને બાંધી રાખનાર જો કોઈ એક ફૂલનું નામ આપવું હોય તો બેધડક ગલગોટો કહેવું પડે. ગાર્ડનમાં પણ વિવિધ સોનેરી-પીળા શેડ્ઝમાં ગલગોટા કેવા રૂપાળા લાગતા હોય છે! ગલગોટો એટલે સર્વધર્મ સમભાવ અને સમાનતાનું પ્રતીક. ગરીબ અને તવંગરોનું સહિયારું ફૂલ. દેશના કોઈ પણ છેડે જાવ, વારણસીની ગંગાને ઘાટ પહોંચો કે મહાકાળેશ્વર જાવ, ધોરાજીમાં ભરાતા ઉર્સમાં જાવ કે અજમેર ખ્વાજાના દરબારમાં જાવ, સુવર્ણ મંદિર જૂઓ કે ડાકોરનું મંદિર, બધે ગલગોટા જ ગલગોટા.Anupam Buch

ભલે આપણે પ્રસગો દિપાવવા ખરીદાતાં ગુલાબ-મોગરા અને તરેહ તરેહનાં રંગબેરંગી ફૂલોની ડિઝાઈનર સજાવટના વખાણ કરીએ, ભલે આપણે ટાંટિયા ઠોકી જોયેલ ‘વેલી ઓફ ફ્લાવર્સ’થી અંજાઈ જઈએ પણ…..

હું અને તમે, આપણે સૌ આ સસ્તા, સોનેરી, સુગંધ રહિત ગલગોટાના ‘શ્રદ્ધા સુમન’નો ભાર લઈને જ જવાના હોં!

અભિવ્યક્તિ -૧૭-તિથિ’ તોરણમાં તારીખ!-અનુપમ બુચ

તિથી તોરણમાં તારીખ 
મારા બેડરૂમના સ્વિચબોર્ડ પર એક ‘તિથિ’તોરણ લટકે છે. હું રોજ સવારે ઊઠું ત્યારે મારી આંખો એ ‘તિથિ’તોરણ પર અચૂક પડે છે અને મારું પહેલું ધ્યાન ‘તારીખ’ પર પડે છે, ‘તિથિ’ની મને પડી નથી હોતી.
હું અમુક તારીખે ઓફિસ પહોંચું છું અને અમુક તારીખે બેંકમાં જાઉં છું. હું તારીખ પ્રમાણે જન્મુ છું અને તારીખને આધારે રિટાયર થાઉં છું. ખરેખર હું અંગ્રેજી તારીખ અને મહિના પ્રમાણે જીવું છું. છતાં જીવનમાં કેટલીય ક્ષણો, કેટલાય મુકામ એવા આવે છે કે જયારે મારે ‘તિથિ’તોરણમાં જોવું જ પડે છે, તિથિ જાણ્યા વિના ચાલતું નથી. તમે પણ કોઈને પૂછતા જ હશો, ‘આજે તિથિ કઈ થઈ?’ આપણે ભલે ડગલેને પગલે તારીખમાં જીવતા હોઈએ પણ તિથિ વિના ચાલતું નથી.
વર્ષો પહેલાં અમારા ઘરની પરસાળમાં એક પૂઠાંનું કેલેન્ડર લટકતું રહેતું. એ કેલેન્ડર પર ચાર-પાંચ વર્ષ માતાજી, ચાર-પાંચ વર્ષ શંકર ભગવાન તો ચાર-પાંચ વર્ષ રામનો રાજ્યાભિષેક અમારા પર કૃપા દ્રષ્ટિ કરતો. આહા! એક સમય હતો જ્યારે આવાં પૂંઠાંના કેલેન્ડરોથી ઘરની દિવાલો શોભતી! ત્યારે રામ-લક્ષ્મણ-જાનકી-હનુમાનજીના ચિત્રવાળું એક કેલેન્ડર દસ વરસ સુધી મોંઘા પોર્ટરેટની અદામાં લટકતું રહેતું અને એના પર પ્રતિ વર્ષ માત્ર ‘ડટ્ટા’ બદલાતા રહેતા.
પછી ગિફ્ટમાં આવેલાં મસમોટાં તારીખવાળાં કેલેન્ડર ડ્રોઈંગરૂમની ટેક્સચર્ડ વોલની શોભા બન્યા. કુદરતી દ્રશ્યોના કેલેન્ડર ડ્રોઈંગરૂમમાં અને હીરો-હિરોઈન કે અન્ય હોટ કેલેન્ડર્સ દાદા-દાદીથી દૂર બેડરૂમની દીવાલો પર લટકતાં થયાં જયારે તારીખ સાથે બે-ત્રણ ધર્મોની તિથિઓ છાપેલ ‘તિથિ’તોરણ પૂજારૂમમાં કે રસોડાનાના સ્વિચ બોર્ડ ટીંગાતાં થયાં.
ધર્મ ગમે તે હોય, તિથિ એટલે ધર્મ હોવાનું આધારકાર્ડ!
આપણને જન્મતિથિ કે લગ્નતિથિ અને વડીલોની મૃત્યુતિથિ જોવા ‘તિથિ’તોરણ વિના ચાલતું નથી. અપણા જીવનના મહત્વના પ્રસંગો માટે આપણે તિથિનો આધાર લઈએ છીએ. આપણે સભાન થઈ પૂછીએ છીએ કે ‘તારીખ જે હોય તે, તિથિ કઈ આવે છે?’ નવા ઘરમાં કુંભ મૂકવો છે? તિથિ જોવાની, લગ્ન લેવા છે? જૂઓ તિથિ. અમુક ત્રીજ, ચોથ, છઠ્ઠ, અગિયારસ ને પૂનમ માસ માટે ખાસ બની ગયેલ છે. કેમ દશેરાએ સૌથી વધુ ગાડીઓ છોડાવાય છે? કેમ સૌથી વધુ સોનાની લગડીઓ પૂષ્ય નક્ષત્રમાં ખરીદાય છે? શુભ તિથિ વિના સારાં કામ કરતાં આપણે ડરીએ છીએ. આપણે માટે શુભ તિથિ વિનાનો દિવસ અશુભ છે એવી ભીરૂતામાં જીવવું આપણને કોઠે પડી ગયું છે. આપણે ગમે તેટલા સુધારાવાદી હોઈએ, આપણને શાસ્ત્રોથી છેડો ફાડતાં ડર લાગે છે. હૃદયથી નજીક હોય એવા કોઈ પણ સારા કે માઠા પ્રસંગની તારીખ યાદ હોય પણ તિથિ વિસરાઈ જાય ત્યારે આપણો જીવ બળે છે. કંઇક તો છે તિથિમાં.
કૃષ્ણ ભગવાન શ્રાવણ વદ આઠમને દિ’ કારાવાસમાં ‘છાના’ જન્મ્યા’તા. ત્યારે નહોતાં ઢોલ-ત્રાંસા વગડ્યાં કે નહોતાં ટોડલે તોરણ બંધાયાં. કૃષ્ણભગવાનની જન્મતિથિ મને બરાબર ખબર છે પણ ભગવાનની જન્મ તારીખ જાણવા હું ગુગલમહારાજને શરણે જાઉં છું તો એ કહે છે, ‘કાનુડો 27July, 3112 BCEના રોજ જન્મ્યો’તો!’ ઇન્ટરેસ્ટિંગ!
ઊંડા મનોમંથનને અંતે મને તારીખ અને તિથિની ભેળસેળ ગમવા લાગી છે. માણસ એક જ વાર જન્મે છે અને એક જ વાર મૃત્યુ પામે છે છતાં તારીખ અને તિથિ એમ બન્ને દિવસો યાદ કરાય એનાથી વધુ રૂડું શું? બે વખત મેરેજ એનિવર્સરી ઉજવાય એમાં ખોટું શું છે? હું તો કહું છું કે શાસ્ત્રો અને સશોધાકોના તારણને માન આપીને કૃષ્ણજન્મ ગોકુલઅષ્ટમી ઉપરાંત તારીખ પ્રમાણે દર 27, July પર પણ કેમ ન ઉજવવો? કોઈ દિવંગત વડીલને વર્ષમાં બે વખત પુષ્પાંજલિ કરાય તો કેવું મજાનું?
મને લાગે છે કે મારે રોજ સવારે ‘તિથિ’તોરણમાં કે ‘ડટ્ટા’માં તારીખ અને તિથિ બન્ને જોવાં જોઈએ, મને યાદ પણ રહેવાં જોઈએ. મને ‘ડિસેમ્બર’ જ નહિ, ‘માગસર’ મહિનો પણ ચાલે છે એ ખબર હોવી જોઈએ. આપણે રામલલ્લાની જન્મ તારીખ શોધી કાઢવી જોઈએ અને ભગવાનના જન્મની ‘પંજરી’નો પ્રસાદ વરસમાં બે વાર વહેંચવો જોઈએ!Anupam Buch
ચાલો, આપણે પાસપોર્ટની તારીખમાં જ નહિ, વિધિના લેખ લખાયા એ તિથિમાં પણ જીવીએ!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧૬-ખુલ્લું તાળું.-અનુપમ બુચ

ખુલ્લું તાળું.

આજે મને ઘર-ઘરનું ખુલ્લું અને અદ્રશ્ય તાળું યાદ આવ્યું અને ગામની ભૂલાતી જતી ડેલીએ ડેલીએ ઉલાળા ખોલવા મારા પગ દોડ્યા. પ્હો ફાટે ત્યારથી મોડી રાત સુધી ડેલીનાં એ બારણાં અંદરથી બંધ છતાં બહારથી ખુલ્લાં જ રહેતાં! અમે એ લોક સિસ્ટમને ઉલાળો કહેતા. ઉલાળાના લાકડાનો હાથો બહારથી કલોક વાઈઝ ઘુમાવો અને બારણાને સ્હેજ ઠેલો મારો એટલે તમે અંદર! પાછા ફરો ત્યારે પણ બારણાં બંધ કરીને આગળિયો એન્ટી-કલોકવાઈઝ ઘુમાવો એટલે બારણાં બંધ.

હા, બપોરે અંદરથી દોઢ-બે કલાક પૂરતી ત્રણ કડીની સાંકળ બંધ થાય ખરી. જો કે અમારા ગામની બપોર પણ અડધી રાત જેવી સૂમસામ રહેતીને! દિવસ આખો ખોલ-બંધ થતા ઉલાળાને ત્યારે આરામ મળતો. હા પણ ઉલાળો ચીવટપૂર્વક બંધ કરવાના વણલખ્યા કાયદાનું ચુસ્તપણે પાલન કરતુ. પછી એ ઘરની વ્યક્તિ હોય કે કોઈ આગંતુક. ઉલાળો ખુલ્લો ન રહી જાય એની કાળજી લેતાં ફોઈ કે દાદીની નજર ઉલાળા તરફ તાળાંની જેમ જકડાયેલ રહેતી. અંદર હોય તો કાન ઉલાળાના અવાજ તરફ જ મંડાયેલ રહેતા. એ સતેજ વડીલોની ટકોર મને આજે પણ કાનમાં પડઘાય છે. ‘એ…ઉલાળો બંધ કરજે, હોં ભાઈ!’

કોઈ વાર એવું પણ બને કે ઉલાળો ખુલ્લો રહી જાય ત્યારે અધખૂલ્લા બારણાં મુસીબત પણ નોતરે. કોઈ વાર ગાય બારણાં પર ‘ધીંક’ મારીને ડેલીમાં ઘૂસી જાય ત્યારે જોયા જેવી થાય. પછી આંગણા સુધી ઘૂસી ગયેલી એ ગાયને કુંડીમાંથી પાણી ભરી હથેળીએ છાલક મારી ભગાડવી પડતી. કોઈ વાર કોઈ ‘માંગણ’ પણ અધખૂલું બારણું જોઈને ડેલીમાં ઘૂસી પણ જતો. બસ, પછી ‘કોર્ટ માર્શલ’ શરૂ! ‘કોણ ઉલાળો બંધ કરવાનું ભૂલી ગયું’તું?’ એ વાતનું ઇન્વેસ્ટીગેશન ચાલે. ખરું ચોર તો ક્રિકેટ રમવા દોડી ગયેલું બેદરકાર બાળક જ હોય પણ પછી ટપાલી ઉપર દોષનો ટોપલો ઢોળાય.

મારા એક મિત્રના ઘરનો ઉલાળો ખોલ-બંધ કરો ત્યારે એ બારણાંની અંદર બાંધેલી પિત્તળની ઘંટડી રણકતી. કેવું મ્યુઝિકલ ‘આવો-આવજો’!

હા, આ ઘરમાં ઉલાળાના અવાજ ઓળખનારા પણ મોજૂદ હતા. સવારે કે સાંજે ખૂલતા અને વહેલી બપોરે ખૂલતા ઉલાળાના અવાજમાં ફેર ખરો. આઠમા ધોરણનું ‘ફુલ્લી પાસ’નું રિઝલ્ટ લઇને દોડીને ખોલાતા ઉલાળામાં હોંશનો મોટો અવાજ હોય. કોઈ માઠા સમાચાર આપવા ખોલાતા ઉલાળાના અવાજમાં નરમાશ હોય. ઉલાળો દીકરીએ ખોલ્યો કે સાંજે પિયરથી ઘેર પાછી આવેલી વહુએ ખોલ્યો એ ખબર પડી જાય. વહુએ ખોલેલ ઉલાળાના અવાજમાં વિવેક હોય. દીકરીએ ખોલેલ ઉલળાના અવાજમાં બેફિકરાઈ હોય!

દરેક વખતે ઉલાળાનો અવાજ પારખતા કાન ડેલી તરફ મંડાતા. પૂછવું જ ના પડે કે કોણ આવ્યું અને કોણ ગયું! ઠાકોરજીની પૂજામાં બેઠેલ માજીની આંખો ભલે બંધ હોય, દાદાના પગ હિંચકાને ભલે ઠેલા મારતા હોય, આગંતુકને ઘણુંખરું ઓળખી જ જાય. કોઈ વાર ઉલાળો ખોલાયા પછી ડેલીમાંથી વિવેક પૂરતો ટહુકો આવે, “કાકી, આવું અંદર?” પણ કાકીને ખબર પડી જ જાય કે રોજ ઓફિસેથી પાછા ફરતાં ડોકું કાઢતો ભીખુ જ હશે.

આ બારણાં પાસે ક્યાં કોઈ ડોરબેલનું બટન હતું? બારણાં તો જ ખખડાવવા પડે જો તમે ક-ટાણે આવો તો જ. હવે તો બારણાંની વચ્ચે ફીટ થયેલી ‘આઈ’માં જોઈને, સેફટી લેચ ભરાવીને બારણાં ખોલતો સિક્યોરીટી સિસ્ટમનો ગુલામ માણસ ઉલાળા કે આગળિયાની કલ્પના જ ક્યાંથી કરી શકે? એવો પણ સમય હતો જ્યારે ‘તું જરાક ઠેલો મારી જો’ જેવો ખુલ્લો આવકાર આપતા ઉલાળા હતા, કોણ માનશે?

‘ડેલીએથી પાછા મા વળજો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં હો જી રે…’ પંક્તિમાં ‘ઠાલાં દીધેલાં’ બારણાના ઉલાળાનો અવાજ સાંભળવા જ રાધાએ કાન સરવા રાખ્યા હશે ને!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -અનુપમભાઈ બુચ -વ્યક્તિ પરિચય

મનની મોસમમાં અભિવ્યક્ત થતા અનુપમભાઈ બુચ

જીવનમાં એવા કેટલાય માણસો છે જેમને આપણે જીવનમાં જોયા નથી મળ્યા નથી કે સાંભળ્યા પણ નથી હા માત્ર તેમના લખાણો થકી આપણા જીવનમાં જીવે છે.ઓચંતી વાસંતીની લેહેર્કીની જેમ અચાનક કોઈ કારણ સર એ યાદ આવે છે. કારણ જે એ લખે છે તે આપણી જ વાત છે.તમે હું આપણે બધા જે વિચારએ છીએ તેજ એમની કલમ લખે છે  એક આપણાપણા નો અહેસાસ..  ભાષા સરળ છતાં સચોટ.. હૃદયમાં સીરાની જેમ ઉતરી જાય એવા અનુપમભાઈને હું ક્યારેય મળી નથી માત્ર વાંચ્યા છે.વસ્તુ કે વિષયની વ્યક્તિનિષ્ઠ સમઝ, ‘એપ્રોચ’ મેં એમના લખાણ માં જોયા અનુભવ્યા છે.જીવન જીવવા જેવું છે એની એ પ્રતીતિ એ કરાવે છે.એમને વિષય શોધવા નથી પડતા. એ છાપુ હોય કે બટકણી પેન્સિલથી માંડી  ફેસબુક સુધીની વાતો બોલચાલની ભાષામાં લખી શકે છે.અને લખે છે ત્યારે એવું લખે છે કે મોસમ ખીલ્યા વગર રહેતી નથી. તેમની પાસે બધું છે,વ્યક્તિત્વ,વિચારધારા, ભાષા, અભિવ્યક્તિ અને જીવન તરફનો નવો જ અભિગમ મનની મોસમને ખીલવા માટે આનાથી વિશેષ શું જોઈએ …

બેઠકના આયોજક -પ્રજ્ઞા  દાદભાવાળા

અનુપમભાઈ નો સંપર્ક -https://anupambuch.wordpress.com/

એમનું પુસ્તક ..