અભિવ્યક્તિ -૩૪-હ્યુમન માઇકોલોજી-અનુપમ બુચ

હ્યુમન માઇકોલોજી

મણસે માઇકની શોધ કરીને ઈશ્વરને પણ આશ્ચાર્યચકિત કર્યા છે. દેવોની સભામાં જ્યારે જ્યારે આ મુદ્દે ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે દરેક દેવતાઓ માઇકની શોધ કરવા બદલ માણસનાં વખાણ કરતાં થાકતા નથી હોતા.

‘લાઇટ એન્ડ સાઉન્ડ’ના દેવ તો વિના સંકોચ કબૂલે છે કે, માણસ ઈશ્વરને ઓળખવામાં સદીઓથી થાપ ખાતો આવ્યો હશે, પણ માઇક શોધાયા પછી માણસને ઓળખવાનું અત્યંત કપરું કામ દેવતાઓ માટે ખૂબ સરળ થઈ ગયું છે.

ઊંડાણથી વિચારો. માઇક એટલે આપણામાં મૌન બેઠેલા માહ્યલાનો પડઘો.

કોઈ એવા છે જે માઇકથી સખત ડરતા હોય છે. માઇક જાણે સળગતું લાકડું હોય એમ આઘા જ ભાગતા હોય છે. માઇક હાથમાં પકડાવો તો હોંઠ ધ્રૂજવા લાગે, હાર્ટબીટ વધી જાય. કેટલાક વળી એવા હોય છે જેમની સામે તમે માઇક ધરો તો કોઈએ અચાનક છરો બતાડ્યો હોય એવા હાવભાવ એમના ચહેરા પર આવી જતા હોય છે. કેટલાકને તો માઇક જોઈને તરત જ શરમનાં શેરડા પડવા લાગે છે. એમના તરફ તમે માઇક ધરો તો એમ પાછું ઠેલે કે પોતે જાણે સોળ વરસની કુંવારી કન્યા ન હોય! એમની હથેલી પાણી પાણી થઇ જાય અને આંખોમાં મીઠો ગભરાટ ચળકી ઊઠતો હોય છે.

કેટલાક વળી માઇકને જન્મથી ધિક્કારતા હોય એમ માઇકથી મોઢું ફેરવી લેતા હોય છે. બહુ આગ્રહ કરો તો ચિડાઈ જાય. કેટલાક લોકોને માઇકમાં બોલવાની ઈચ્છા તો હોય પણ હિંમત ન હોય. સાંભળનારા શું કહેશે? હાંસી ઉડાવશે તો?’ ‘અવાજ સારો નહિ લાગે તો?’ આવી આવી મૂંઝવણ અનુભવતાં ‘દ્રાક્ષ ખાટી છે’ જેવું વલણ બતાવી છટકી જતા હોય છે.

આ બધા ભીરુ, શંકાશીલ, શરમાળ, પૂર્વગ્રહવાળા કે માઇકથી અકળાતા લોકો વચ્ચે સાવ અલગ તરી આવતો એક વર્ગ છે, જેના પર દેવોને પણ ભરપૂર માન છે. ‘માઇકઘેલા’. માઇક જોતાં જ એમના મોઢામાં પાણી છૂટતાં હોય છે, જાણે ખસખસ ભભરાવેલ લાડુ જોયો ન હોય! માઇક મળે તો આવા લોકોને શેર લોહી ચઢે. આવા માઇકપ્રિયજનોનો આત્મવિશ્વાસ જ જૂદો હોય છે.

આમાંના કેટલાક સભાન હોય છે કે એમનું ગળું મીઠું છે. પછી શું? પોતાનો મધમીઠો અવાજ સંભળાવવા, શ્રોતાઓને અભિભૂત કરવા હરઘડી તત્પર જ હોય છે. માઈક હાથમાં આવ્યાની જ વાર!

અલબત્ત, ‘માઇકપ્રિય’ અને ‘માઇકભૂરાયા’ વચ્ચે મોટો ભેદ છે.

‘માઇકપ્રિય’ માઇક માંગે, ‘માઇકભૂરાયો’ માઇક ઝોંટે. ‘માઇકભૂરાયો’ માઇક જોઈને ગાંડો થઈ જતો હોય છે. ઝાલ્યો ઝાલાય નહિ! પછી ભલેને બોલવામાં કે અવાજમાં ઠેકાણું ન હોય! એમનું બોડી લેન્ગવેજ જ ચાડી ફૂંકી દે કે, ‘ક્યારે માઇક હાથમાં આવે ને ક્યારે હું આખેઆખું માઇક ગળી જાઉં!’ આવા માઇકેશ્વરોનાં ઘરનાં ઠાકોરજીમાં કદાચ રોજ માઉથ-પીસ પર કંકુ-ચોખા-તિલક થતાં હોય તો નવાઈ નહિ!

માઇકની દૂનિયામાં કરાઓકે! Karaoke! OMG! માઇકના આ પ્રકારે તો માઝા મૂકી છે. (થોડું-ઘણું સારું કે ઠીક ગાતાં હોય એમણે માઠું લગાડવું નહિ!) કરાઓકે માટે દેવતાઓ વિસ્મિત પણ છે અને ચિંતિત પણ છે.

તૈયાર મ્યુઝિક ટ્રેક સાથે હાથમાં માઇક લઈ ગાતાં ગાતાં ડોલનારાઓનો આ નવોનક્કોર સમૂહ વૈશ્વિક નાગરિકત્વ ધરાવે છે. મૂંગી ફિલ્મો પછી ગીત-સંગીતવાળી પહેલી ફિલ્મના ગીતથી લઈને આજ સુધીના ગીતો આવડે! હું તો માનું છું કે એક એવાં દેશનું સર્જન કરવું જોઈએ જ્યાં ‘કરાઓકે ક્રેઝી માઇક લવર્સ’ દિવસ-રાત, જે ગાવું હોત એ બે-રોકટોક ગાયા કરેAnupam Buch

સાચું પૂછો તો મને કરાઓકેપ્રિય ‘માઇકભક્તો’નો નિજાનંદ ગમે છે. કેવા નિખાલસ, નિ:સંકોચ ગાયકો! પરદેશના કોઈ હાઉસના બેઝમેન્ટમાં ગણ્યાં-ગાંઠ્યાં લોકો વચ્ચે લેપટોપ સામે માઇક પકડી ઝૂમતા કે પછી ખાલી એપાર્ટમેન્ટમાં અટૂલા કોઈ કરાઓકે ચાહકને દિલ ખોલી ફિલ્મી ગીતો ગાતાં જોઉં છું ત્યારે મારું મન ભરાઈ આવે છે. એક માઇક એમને ભીતરનો અવાજ ઉલેચવાનો કેવો મજાનો મોકો આપે છે!

માત્ર ગીત-સૂર-સંગીત જ કેમ? એક માઇકે ઘેરા અવાજવાળા ઉપદેશકો અને પ્રભાવશાળી વિચાર ઘરાવતા મોટીવેટરોને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે! માઇકને લીધે તો પોલિટિકસ વીજળી વેગે પાંગરતું રહ્યું છે. અરે, હજારો વોટ કે ડોલ્બી સાઉન્ડમાં માર્ક એન્ટની સ્પીચ સાંભળવાની કલ્પના માત્ર મારા ધબકારા વધારી દે છે!

અવાજ મીઠો હોય કે કર્કશ, માણસના મન-હૃદયનો પડઘો કોણ પાડે? માઈક.

અભિવ્યક્તિ -૩૩-સુખડી ની વાતો -અનુપમ બુચ

સુખડી” ની આવી વાતો તમે પેહલા ક્યારેય નઈ વાંચી હોય…

ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે.
ઇન્દ્રદેવે માણસને પહેલીવાર આ રેસિપી સુઝાડી ત્યારે નારદજી વ્યંગમાં બોલ્યા, ‘હે ભગવંત! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવશે?! એ ખાઈ ખાઈને કંટાળશે. ત્યારે ઈન્દ્રએ નારદજીને વચન આપ્યું’તું કે ‘બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ સાદી લગતી મીઠાઈ સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે, હંમેશા મોખરે રહેશે. નારદજી, આ મીઠાઈ ગરીબ હોય કે તવંગર, સમાજના દરેક સ્તરે વખણાશે’. ઇન્દ્રએ આ મીઠાઈને નામ પણ સાવ સાદું આપ્યું, ‘ગોળપાપડી’!
નારદજીએ પૃથ્વીના પરિભ્રમણ દરમ્યાન લોકોને આ મીઠાઈ સુખ અને શુકનથી માણતાં જોયા અને ખૂબ પ્રસન્ન થયા. નારદમુનિએ ઇન્દ્રે સુઝાડેલ અને નામાંભ્ધન કરેલ ‘ગોળપાપડી’ને ‘સુખડી’નું હૂલામણું નામ આપ્યું!
સાહેબ, દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી, ‘સ્પીડી’, સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો. સવાલ જ નથી! ‘મેગી’ કરતાં વધુ સહેલાઈથી અને ઝડપથી બની જતી આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કિસમિસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે, ઘી ઉમેરાય એટલે ગોળપાપડીની અલૌકિક મહેક ઘરમાં ફરી વળે. એ મહેક રસોડાના ઝાળિયામાંથી ફળિયા સુધી પહોંચે ત્યારે ટૂંટિયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધીની વાત જ કંઈ ઓર છે.
આહા! એ કડાઈમાં ઘસાતા તાવિથાનો આંગણા સુધી રેલાતો ‘ધાતુધ્વની’ કોઈ ખૂશી કે શુભ પ્રસંગની ચાડી ફૂંકે. એમાં પણ ધીમી ધારે પડતા વરસાદી માહોલમાં લસોટાતી સુખડીની સુગંધ જેમણે છાતીમાં ભરી છે એનો અવતાર કદિ એળે ન જાય. હા, ભલે જીભ પર ચોંટી જાય પણ ગરમ ગોળપાપડીની એક ચમચી કોઈ વાર મોઢામાં મૂકી જોજો, થનગની ઉઠશો! અમને બાળપણમાં પેંડા, શિખંડ કે બાસુંદી કો’ક જ વાર ખાવા મળતાં પણ ગોળપાપડી ખાઈને તો અમે ઉછર્યા છીંએ! આહા! એક ચોસલું! એક બટકું! ખલ્લાસ!
આ બારમાસી મીઠાઈને નથી નડતાં કોઈ દેશ કે કાળના બંધન. માળિયા હાટીનાનાં કોઈ ખેડૂતના રસોડાનાં ચૂલા પર એલ્યુમિનિયમની કડાઈમાં ઘીસોટાય કે મુંબઈમાં ‘એન્ટિલા.’ના ડિઝાઈનર કિચનની હોટ પ્લેટ પર નોનસ્ટિક વાસણમાં ખદબદે એનું નામ સુખડી! .
એક વાત તો કબૂલ કરવી પડે કે દરેક વખતે એક સરખી ગોળપાપડી બનાવવી એટલે સાંબેલું વગાડવું. કોઈવાર મોળી તો કોઈ વાર ગળી બની જાય. કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય. કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર લોટ વધુ શેકાઈ જાય. એક સરખી ગોળપાપડી બનાવી શકે એ સાચી અન્નપૂર્ણા. મારી ચેલેન્જ છે કે જો ગોળપાપડી બનાવવાની કૂકિંગ કોન્ટેસ્ટ થાય તો બધા જ હરીફની ગોળપાપડીના સ્વાદ અને બનાવટ અલગ અલગ જ હશે એ વાત પાક્કી.
ગોળપાપડી એક શુભ અને પવિત્ર મીઠાઈ છે. ‘કૂછ મીઠા હો જાય’ ના લિસ્ટમાં ટોપ પર જો કંઈ હોય તો એ ગોળપાપડી. કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને ઝટ ગોળપાપડી ધરાય. મહુડીની સુખડીનો પ્રસાદ લેવાનો લાભ મળે એટલે તમે અને નસીબદાર પુણ્યશાળી! રામેશ્વરની જાત્રાએ જતા પરિવારના ભાતાનાં ડબ્બા ખોલી જૂઓ તો એમાં ગોળપાપડી મળશે, શિખંડ કે લાડુ નહીં હોય. વડોદરાનો કોઈ સથવારો મળી જાય તો હોસ્ટેલમાં રહીને ભણતા દીકરાને સવિતાબેન વેરાવળથી સુખડી મોકલશે. ગોળપાપડી નૈનિતાલ અને ઊટી-કોડાઈકેનાલની સફર પણ કરે. સક્કરપારા અને સુખડી ભરેલા ડબ્બાઓ અમદાવાદથી ન્યૂ જર્સી જતા બોઇંગ પ્લેનમાં ઓગણત્રીસ હજાર ફીટની ઊંચાઈએ હોંશે હોંશે ખૂલતા હોય છે.
ગોળપાપડી બનતી હોય ત્યારે ભજન ગણગણવાનું મન થાય, ફિલ્મી ગીત યાદ ન આવે, સાહેબ!
હું તો પ્રભુને પ્રાર્થના કરું કે રાય હો કે રંક, આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળિયે ઝરમરઝરમર વરસાદ પડતો હોય, દરેક ઘરમાં એક નાની થાળીમાં ઠારી શકાય એટલી સુખડી બનાવવા પૂરતાં લોટ, ગોળ અને ઘી હોય!

અભિવ્યક્તિ -૩૨-પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’

એક જૂના બંગલાની દસ બાય આઠની રૂમ, જમીન પર પથારી, એક ખૂણામાં આઠ વાટનો મૂંગો સ્ટવ, જમીન પર પડેલ બે ખાનાવાળા ખૂલ્લા ઘોડામાં ગોઠવેલ ચા-ખાંડના ડબ્બા, પ્યાલા-રકાબી, એક તપેલી, બે સ્ટીલના પ્યાલા, સાણસી, બીજા ખૂણામાં રકાબી ઢાંકેલ પાણીનું માટલું, ડોલ-ડબલું અને બે-ચાર જરૂરી વસ્તુઓ. લોખંડની પટ્ટીવાળા પલંગ નીચે પતરાની ટ્રંક અને એક ચેનવાળો થેલો. ખીંટી પર લટકાતાં લેંઘો, બે શર્ટ, બે પેન્ટ. ક્રોસમાં બાંધેલી દોરી પર બે-ત્રણ ઇનર્સ અને ઝાંખો ટુવાલ.
બંગલો કહેવાતા આ ટેનામેન્ટના કંપાઉંડની જમણી તરફથી પ્રદક્ષિણા કરો એટલે એક નળવાળી કોમન બાથરૂમ અને દેશી ટોઇલેટ, ખૂલ્લી ચોકડી અને નળની ઊંચી ચકલી. ચોમાસામાં છત્રી લઇ નહાવા જવાનું અને ‘કળશે જવા’ અરધી રાત્રે કસરત કરવાની. ટેનામેન્ટના કમ્પાઉંડમાં બે-ત્રણ આસોપાલવ, સફેદ કરેણન અને તુલસીજી ખરાં પણ આજુબાજુ નહિ ક્યાંય આંબો, નહિ વડ, નહિ પીપળો કે નહિ લીમડો. ક્યાંય નહિ નદી નહિ નાળા, નહિ સરોવર નહિ કૂવો.
શહેર કહેવાતા એક મોટા ગામથી નોકરી કરવા મોટા શહેરમાં નવાસવા આવેલ એક પોપટનું આ ઘર, આ એનું પ્રારંભિક રાચરચીલું.
માસીના રસોડે નિયમિત જમતો આ પોપટ રવિવારે સાંજે રસોડું બંધ હોય એટલે ભેળની લારી કે સેન્ડવીચના થડા શોધતો હોય છે. યોગાનુયોગ એક સાંજે વતનથી શહેરમાં કામ માટે આવેલ કોઈ દૂરના સંબંધીના સગાનો ભેટો થતાં જ પોપટની આંખમાં ચમક આવી જાય છે, પગમાં જોમ આવી જાય છે. એમ જ કહોને કે એની રગેરગમાં વતન વ્યાપી જાય છે. એ ત્યાંને ત્યાં રસ્તા પર જ વડિલને ભાવપૂર્વક પગે લાગે છે જાણે આખું ગામ એને આશીર્વાદ આપવા ઊતરી ન આવ્યું હોય!
બસ, પછી તો ઊભાઊભ ખબર-અંતરનો દોર ચાલે છે અને પેલા વડીલ ‘ઘરનું કંઈ પણ કામ હોય તો વિના સંકોચ જણાવ’ એવો વિવેક કરે છે. પોપટ જવાબ વાળે છે, ‘બસ, બીજું કંઇ નઈ, કે’જો કે મજામાં છું’. અને વડિલ પોસ્ટકાર્ડ બની બીજે જ દિ’ ગામ પહોંચી જાય છે અને પોપટના ઘરની ડેલીમાં દાખલ થતાંવેંત મોટે અવાજે સમાચાર આપે છે, ‘એ…પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’. પોપટના સમાચાર સાંભળી મા-બાપને પણ પોપટ રૂબરૂ આવીને કહી ગયો હોય એવી નિરાંત થાય છે.
‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ એક કહેવત માત્ર હોવા છતાં અજાણ્યા બનીને મા-બાપ પણ સંબંધીના શબ્દમાં વિશ્વાસ મૂકે છે અને એમનો ભારોભાર આભાર માને છે.
નથી એમણે પોપટનું દસ બાય આઠનું ‘ઘર’ જોયું હોતું કે નથી એ લોકોએ ચાખી હોતી માસીના હાથની રસોઈ. છતાં એ લોકોમાં પોપટ આંબાની ડાળે ઝૂલતો હોય અને સરોવરની પાળે બેઠો હોય એવો રાજીપો ઉભરતો હોય છે. પોપટ પણ ઘર ભૂલીને ઉડાઉડ કરતો રહે છે.
ખરેખર તો ઉભય પક્ષે અણદીઠો વલવલાટ હોય છે, ભારેલો તલસાટ હોય છે. નોકરીમાંથી અઠવાડિયાની રજા ભેગી કરીને પોપટ ઘર ભણી જવા નીકળે છે ત્યારે એની પાંખમાં વેગીલો પવન વીંઝાય છે. એ આંબાની ડાળીએ બેસવા આવે છે ત્યારે વગર બોલે કબૂલાત થાય છે. પોપટને રોજ ‘ફરતું ફરતું’ ખાવા મળે છે. મા ‘અંદર ખાને’ જાણે છે કે પોપટ કેવો ભૂખ્યો હશે. બાપ પણ મનમાં સમજતો હોય છે કે પોપટ શું શું ન કરીને દર મહીને મનીઓર્ડરની કાપલીમાં પોપટ ‘હું મજામાં છું, તમે કુશળ હશો’ એવું લખતો હશે. મા વિદાય વખતે ખારાં થેપલાં અને ગોળપાપડી બાંધી આપી ઓટલે આવજો કરવા આવે ત્યારે બાપને ઓસરીથી આગળ આવવાની હામ નથી હોતી.

હવે તો કાચી ઉમરનાં પોપટ-પોપટીના ઝૂંડેઝૂંડ શહેર ભણી ઉડે છે. પાણી માગો ત્યાં અને રહેવું-વિહરવું એટલે જાહોજલાલી! પોપટ-પોપટીને ગોળપાપડી નથી ભાવતી, એમને મેકડોનાલ્ડ કોઠી પડી ગયું છે. પોપટ-પોપટીને ઝટ આંબાની ડાળી નથી સાંભરતી. મન પડે ત્યારે ‘કાચ અને કચકડા’ પર ‘એ..રામ રામ!’ બોલે છે. પોપટ ખરેખર ભૂખ્યો નથી અને તરસ્યો પણ નથી. એ ખરેખર આંબાની ડાળ અને સરોવરની પાળ ભૂલવાના પાઠ શીખે છે!Anupam Buch

તમે જૂની કહેવતનો પોપટ હો તો તમારા પૌત્ર-પૌત્રીને આંબાની ડાળના એ પોપટની દંતકથા કહી હળવા થજો.

અનુપમભાઈ બુચ

અભિવ્યક્તિ -૨૩-યુનિફોર્મ વિનાનું ભણતર

યુનિફોર્મ વિનાનું ભણતર
રહી રહીને મને યાદ આવે છે
મારાં એ અનોખાં સ્કૂલ ‘યુનિફોર્મ’.
ઈસ્ત્રી વિનાના ચડ્ડી ને ચોળાયેલું શર્ટ.
માના બે હાથે ધોકાવેલ, કચકચાવીને
લાલ થઇ જતી હથેળીઓથી
નીચોવી, ઝાપટી, સિંદરી પર સૂકવેલ
ચડ્ડી ને શર્ટમાં કરચલીઓ તો હોય જ ને!
પછી પહેરવામાં શરમ શું ને સંકોચ શું!
એકસરખાં નહિ. સોમવારે ખાખી-સફેદ,
બુધવારે બદામી-સફેદ, શનિવારે કથ્થઈ-બદામી.
પ્રાર્થનાની શિસ્તબદ્ધ લાઈનોમાં પણ
ભેરુઓના અલગ-અલગ તરી આવતા ડ્રેસ.
એકસરખાં રંગ શું ડિઝાઈન શું!
અને ખિસ્સા પર સ્કૂલનો બિલ્લો?
શી જરૂર હતી? સ્કૂલનું નામ તો હૃદયસ્થ હતું,
‘તાલુકા શાળા નંબર-૧’, પછી શું?
કદિ’ મેલાં ન હોય અમારાં ‘યુનિફોર્મ’,
પણ હા, ‘દાગ અચ્છે હૈ’ ખરાં, કારણ
બટકું ભરેલ જાંબુ, ચણી બોર-કરમદાં-રાયણના ડાઘ,
આવા ડાઘ તે કંઈ ડાધ કહેવાય?
અને દોસ્તાર સાથે ઝઘડતાં ઉતરડાઈ ગયેલું
શર્ટનું ખિસ્સું કે તૂટી ગયેલું ઉપલું બટન.
ભલે એ સુઘડ, ડિઝાઈનર યુનિફોર્મ નો’તાં,
પણ ચોખ્ખાં ચણાક હોય, જાણે બગલાની પાંખ.
અમે એ ચડ્ડી-શર્ટ પહેરી,
ભણી-ગણી જીવન જીવી ગયા!
Anupam Buch

અભિવ્યક્તિ -૨૨ -ઘણી ખમ્મા!

ઘણી ખમ્મા!
અમે નાના હતા ત્યારે છાનામાના સાહસ કરતા. એક વખત અમે વહેલી સાંજે ગિરનાર ચઢવાનું કહીને સંધ્યાકાળે આરોહણ શરૂ કરી રાત્રે પત્થરચટ્ટી પહોંચ્યા’તા. અલબત્ત, બીજે દિ સુખરૂપ પાછા પણ આવી ગયા’તા છતાં સાહસની એ વાત લીક થઇ ગઈ અને મારા પર પસ્તાળ પડી’તી. ‘ત્યાં અંધારામાં કંઇક થયું હોત તો કોઈ પાણીનું પણ પૂછવા ન આવત’, ‘આવી નરી મૂર્ખાઈ સૂઝી જ કેમ?’ ‘ખબરદાર જો ફરી આવી મૂર્ખામી કરી છે તો.’ વિગેરે વિગેરે.
અને વર્ષો વીતે છે. સિંગાપોરના વિશ્વ વિખ્યાત ચાંગી એરપોર્ટની ઝાકઝમાળ વચ્ચે હું ચાર આંગળ દળદાર અને કલાત્મક કાર્પેટ પર એક સાઇલન્ટ કાર્ટમાં બેસી હલેસાં વિનાની હોડીમાં સરકતો હોઉં એમ સરકું છું. ડોક્ટરોએ મારા હૃદય ફરતે લોહી ધસમસતું કર્યાને હજી બેત્તાળીશ દિવસ જ થયા છે. મારા જેકેટના આગળના ખિસ્સામાં એક સર્ટીફીકેટ છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ માણસ બાયપાસ સર્જરીનો પેશન્ટ ટ્રાવેલિંગ માટે ફીટ છે. એમને માટે વ્હિલચેર આવશ્યક છે.
એટેન્ડન્ટસ મને કાચના વાસણની જેમ સાચવીને સિડની એરપોર્ટ પર ઉતારે છે અને એ જ માવજત અને સંભાળથી મને એક મહિના પછી અમદાવાદ સુધી પણ પહોંચાડે છે. ‘ચીબી’ એરહોસ્ટેસો આ દયામણા પેશન્ટનું એક્સ્ટ્રા ધ્યાન રાખે છે. હુ ક્ષોભ અનુભવું છું, મૂંઝાઉં છું, મરકું છું. ગ્રાઉન્ડ સ્ટાફ, કસ્ટમ્સ વિગેરે મારું સસ્મિત અભિવાદ કરી, કોઈ રો-ટોક વિના ઝડપથી મને ડિપાર્ચર લાઉન્જ તરફ મોકલી આપે છે.
જે દેશની હવામાં ખરા અર્થમાં ‘ફેર’ છે એવા ‘diversely beautiful’ ઓસ્ટ્રેલિયાની ધરતી પર હું ‘હવાફેર’ કરવા પગ મુકું છું. મુખ્ય ઉદ્દેશ એક જ છે, આરામ કરવો અને સાચવીને ફરવું. ડોક્ટરોએ લખી આપેલી ટેબ્લેટસનો ડબ્બો ગોઠવાય છે. ક્યારે શું કેટલું ખાવું, શું ન ખાવું, કેટલું ચાલવું, વાંકા વળતી વખતે અને વજન ઉપાડવા અંગે ડોક્ટરોની ટિપ્સ પણ ગાયત્રીની જેમ કંઠસ્થ થઇ ગઈ છે.
ખરેખર તો વ્હિલચેરમાં એરપોર્ટ પર ઉતરેલ પેસેન્જર ઘેર આવે ત્યારે સફેદ ચાદર, પોચી બેડ, બે પોચાં ઓશિકાં અને બાજુમાં ટીપોય પર પાણીનો જગ તૈયાર હોય. પણ આ પેશન્ટ ઘડીના છઠ્ઠા પોતાના ચહેરાનું દયામણું મહોરું બેકયાર્ડમાં ફેંકી દે છે. એક દિવસના આરામ પછી ‘રખડવા’નો સિલસિલો ચાલુ થઇ જાય છે. હરવું ફરવું, ચઢ-ઉતર, લોંગ વોક અને ઘટમાં થનગનતો ઘોડો. હાંફ ચડતી નથી, થાક લાગતો નથી અને સાથે રાખેલું પોર્ટેબલ બીપી મશીન ગ્રીન સિગ્નલ આપે રાખે છે. તમે જ કહો, બીજું શું જોઈએ?
બે ઘડી એવો પણ ડર લાગ્યા કરે છે કે મારા માનવંતા ડોક્ટર્સ કે ફીઝીઓથેરાપીસ્ટ ત્રાંસી આંખે મને આમ બેફીકર હરતો ફરતો જોઈ જતા તો નહિ હોય ને! કોઈ વડિલ મારા બાયપાસના પિસ્તાળીસ-પચાસમાં દિવસે આવું મુર્ખાઈભાર્યું સાહસ કરવા બદલ ઠપકો તો નહિ આપેને? કોઈ મેડિકલ ઈશ્યુ ઉભો થાય તો હાંસીને પાત્ર તો નહિ થાઉં ને? બોન્ડાઈ બીચ પર નહાતા નહાતા શ્વાસ ચઢી જાય અને વીમાના કાગળ ઘેર લેવા દોડવું પડશે તો? જે થાય તે, આટલો ફ્રી ઓક્સિજન ક્યાં મળવાનો છે? આવું મફત પ્રદુષણવિહીન વાતાવરણ ક્યારે મળશે?
અને આ ‘પરદેશ’ને કુદરતે બક્ષીશમાં આપેલી સંપત્તિ હું ચંદન ચોર વિરપ્પનના ઝનૂનથી લૂંટવા લાગું છું. એક પેશન્ટ તરીકે મારે ન કરવા જોઈએ એવા ‘આઉટ ઓફ વે’ સાહસ વખતે અને લાંબી ટ્રીપ કરીને સાંજે ઘેર કે હોટેલ આવી કોફી પીતાં પીતાં મારી મૂર્ખામી પર હું મૂછમાં હસી લઉં છું.
અમે જૂદા જૂદા આઈલેન્ડ/બે ની કરેલી લાંબી ટ્રીપમાં એક કદિ ન ભૂલાય એવું સાહસ કર્યું. તે દિવસે મારી ઉંમર પંચાવન દિવસની હતી!
અમે વહેલી સવારે હોબાર્ડ(તસ્માનિયા)થી બસમાં ‘Wine Glass Bay’ની ટ્રીપ માટે નીકળ્યાં. ૧૬૭ કિ.મી.ની પૂરા બે કલાક ને વીસ મીનીટની લક્ઝરીમાં મુસાફરી એટલે હથેળી જેવા રસ્તા, બુશ ફાયરથી ભયભીત જંગલો, નદિઓ, બેક વોટર્સ, ફાર્મસ, અસંખ્ય ગાય, ઘેંટા અને ઘોડા અને આસમાની આકાશ. બધું આશ્ચર્યથી જોતા જ રહેવાનું. અફાટ દેશ છે આ, મોંફાટ વખાણ કરવા માટે શબ્દોનાં ફાંફાં પડે છે, સાહેબ!
‘Wineglass Bay’ પ્રેમથી પીવાના એટલે કે જોવાના અમારી સામે બે વિકલ્પ હતા. હેલિકોપ્ટર રાઈડ અથવા પૂરા પિસ્તાળીસ મિનિટનું આકરું ચઢાણ. હેઝાર્ડ્ઝ માઉન્ટેન રેંજ પર કેડી અને પગથિયાંનું અપ હિલ ક્લાઈમ્બીંગ! અમે તત્કાળ નિર્ણય લીધો, ચઢવા માંડો, પ્રથમ દસ મિનિટમાં કેટલી હાંફ ચઢે છે એ ન્યુટ્રલી નક્કી કરીને આગળ વધવાનું સાહસ કર્યું. દીકરાનું કડક પ્રોત્સાહન અને પિસ્તાળીસ મિનિટ માટે ઉછીનો લીધેલો અમારો ખૂદનો વિલ પાવર કામ કરી ગયાં.
અમે ઊપર પહોંચી સ્વર્ગને ભેટ્યા. દૂર નીચે ‘વાઈન ગ્લાસ’ આકારમાં બ્લુ-ગ્રીન સાગરનાં શાંત પાણી, સફેદ રેતાળ કાંઠો અને ઊપર સ્વચ્છ આકાશ. ભગવાને પાણીમાં બ્લુ શાહી તો નહિ ઢોળી હોયને! ચોમેર લીલાંછમ્મ વૃક્ષો, વાઈલ્ડ ફ્લાવર્સ અને ગ્રેનાઈટની ભેખડોનો નજારો! સ્તબ્ધ થઇ ન જાય કે એક ધબકારો ચૂકી ન જાય એ હૃદય સમજો હૃદય નથી. બસ, પછી તો ક્યારે નીચે આવી ગયા એ ખ્યાલ જ ન રહ્યો. થોડાં ડગલાં દૂર હનીમૂન બીચ એટલે કુદરત કા કરિશ્મા! એટલી જ રોમાંચક ક્ષણો એટલે લાઈટ હાઉસથી દૂર ઘૂઘવતો પેસોફિક મહાસાગર.
હું સાંજે કોફીબારમાં કોફી સીપ કરતો’તો ત્યારે કદાચ મારી પલ્સ ૭૨થી વધુ-ઓછી નહિ જ હોય.
આમ કહો તો ‘Glass With Care’ જેવી કાળજીથી ઓસ્ટ્રેલીયા પહોંચી હું Wineglass Bay સામે બેફિકર ઊભોતો! અને આમ કહો તો મને સુખરૂપ સફર કરાવનાર સઘળા એર લાઈન સ્ટાફનો હું ગુનેગાર હતો. મને બીજી ઇનીન્ગ્ઝ રમવા માટે તૈયાર કરનાર ડોકટરોના સલાહ-સૂચનોનો પણ મે અનાદર જ કર્યો કહેવાય. મે અજાણપણે એક અશક્ય (દુ)સાહસ કર્યું’તું. અને હા, મારા ફાધર હયાત હોત તો એ નક્કી ત્રાડ પાડત, “ખબરદાર જો હવે આવી મૂર્ખામી કરી છે તો”! ઘણી ખમ્મા!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧૭-તિથિ’ તોરણમાં તારીખ!-અનુપમ બુચ

તિથી તોરણમાં તારીખ 
મારા બેડરૂમના સ્વિચબોર્ડ પર એક ‘તિથિ’તોરણ લટકે છે. હું રોજ સવારે ઊઠું ત્યારે મારી આંખો એ ‘તિથિ’તોરણ પર અચૂક પડે છે અને મારું પહેલું ધ્યાન ‘તારીખ’ પર પડે છે, ‘તિથિ’ની મને પડી નથી હોતી.
હું અમુક તારીખે ઓફિસ પહોંચું છું અને અમુક તારીખે બેંકમાં જાઉં છું. હું તારીખ પ્રમાણે જન્મુ છું અને તારીખને આધારે રિટાયર થાઉં છું. ખરેખર હું અંગ્રેજી તારીખ અને મહિના પ્રમાણે જીવું છું. છતાં જીવનમાં કેટલીય ક્ષણો, કેટલાય મુકામ એવા આવે છે કે જયારે મારે ‘તિથિ’તોરણમાં જોવું જ પડે છે, તિથિ જાણ્યા વિના ચાલતું નથી. તમે પણ કોઈને પૂછતા જ હશો, ‘આજે તિથિ કઈ થઈ?’ આપણે ભલે ડગલેને પગલે તારીખમાં જીવતા હોઈએ પણ તિથિ વિના ચાલતું નથી.
વર્ષો પહેલાં અમારા ઘરની પરસાળમાં એક પૂઠાંનું કેલેન્ડર લટકતું રહેતું. એ કેલેન્ડર પર ચાર-પાંચ વર્ષ માતાજી, ચાર-પાંચ વર્ષ શંકર ભગવાન તો ચાર-પાંચ વર્ષ રામનો રાજ્યાભિષેક અમારા પર કૃપા દ્રષ્ટિ કરતો. આહા! એક સમય હતો જ્યારે આવાં પૂંઠાંના કેલેન્ડરોથી ઘરની દિવાલો શોભતી! ત્યારે રામ-લક્ષ્મણ-જાનકી-હનુમાનજીના ચિત્રવાળું એક કેલેન્ડર દસ વરસ સુધી મોંઘા પોર્ટરેટની અદામાં લટકતું રહેતું અને એના પર પ્રતિ વર્ષ માત્ર ‘ડટ્ટા’ બદલાતા રહેતા.
પછી ગિફ્ટમાં આવેલાં મસમોટાં તારીખવાળાં કેલેન્ડર ડ્રોઈંગરૂમની ટેક્સચર્ડ વોલની શોભા બન્યા. કુદરતી દ્રશ્યોના કેલેન્ડર ડ્રોઈંગરૂમમાં અને હીરો-હિરોઈન કે અન્ય હોટ કેલેન્ડર્સ દાદા-દાદીથી દૂર બેડરૂમની દીવાલો પર લટકતાં થયાં જયારે તારીખ સાથે બે-ત્રણ ધર્મોની તિથિઓ છાપેલ ‘તિથિ’તોરણ પૂજારૂમમાં કે રસોડાનાના સ્વિચ બોર્ડ ટીંગાતાં થયાં.
ધર્મ ગમે તે હોય, તિથિ એટલે ધર્મ હોવાનું આધારકાર્ડ!
આપણને જન્મતિથિ કે લગ્નતિથિ અને વડીલોની મૃત્યુતિથિ જોવા ‘તિથિ’તોરણ વિના ચાલતું નથી. અપણા જીવનના મહત્વના પ્રસંગો માટે આપણે તિથિનો આધાર લઈએ છીએ. આપણે સભાન થઈ પૂછીએ છીએ કે ‘તારીખ જે હોય તે, તિથિ કઈ આવે છે?’ નવા ઘરમાં કુંભ મૂકવો છે? તિથિ જોવાની, લગ્ન લેવા છે? જૂઓ તિથિ. અમુક ત્રીજ, ચોથ, છઠ્ઠ, અગિયારસ ને પૂનમ માસ માટે ખાસ બની ગયેલ છે. કેમ દશેરાએ સૌથી વધુ ગાડીઓ છોડાવાય છે? કેમ સૌથી વધુ સોનાની લગડીઓ પૂષ્ય નક્ષત્રમાં ખરીદાય છે? શુભ તિથિ વિના સારાં કામ કરતાં આપણે ડરીએ છીએ. આપણે માટે શુભ તિથિ વિનાનો દિવસ અશુભ છે એવી ભીરૂતામાં જીવવું આપણને કોઠે પડી ગયું છે. આપણે ગમે તેટલા સુધારાવાદી હોઈએ, આપણને શાસ્ત્રોથી છેડો ફાડતાં ડર લાગે છે. હૃદયથી નજીક હોય એવા કોઈ પણ સારા કે માઠા પ્રસંગની તારીખ યાદ હોય પણ તિથિ વિસરાઈ જાય ત્યારે આપણો જીવ બળે છે. કંઇક તો છે તિથિમાં.
કૃષ્ણ ભગવાન શ્રાવણ વદ આઠમને દિ’ કારાવાસમાં ‘છાના’ જન્મ્યા’તા. ત્યારે નહોતાં ઢોલ-ત્રાંસા વગડ્યાં કે નહોતાં ટોડલે તોરણ બંધાયાં. કૃષ્ણભગવાનની જન્મતિથિ મને બરાબર ખબર છે પણ ભગવાનની જન્મ તારીખ જાણવા હું ગુગલમહારાજને શરણે જાઉં છું તો એ કહે છે, ‘કાનુડો 27July, 3112 BCEના રોજ જન્મ્યો’તો!’ ઇન્ટરેસ્ટિંગ!
ઊંડા મનોમંથનને અંતે મને તારીખ અને તિથિની ભેળસેળ ગમવા લાગી છે. માણસ એક જ વાર જન્મે છે અને એક જ વાર મૃત્યુ પામે છે છતાં તારીખ અને તિથિ એમ બન્ને દિવસો યાદ કરાય એનાથી વધુ રૂડું શું? બે વખત મેરેજ એનિવર્સરી ઉજવાય એમાં ખોટું શું છે? હું તો કહું છું કે શાસ્ત્રો અને સશોધાકોના તારણને માન આપીને કૃષ્ણજન્મ ગોકુલઅષ્ટમી ઉપરાંત તારીખ પ્રમાણે દર 27, July પર પણ કેમ ન ઉજવવો? કોઈ દિવંગત વડીલને વર્ષમાં બે વખત પુષ્પાંજલિ કરાય તો કેવું મજાનું?
મને લાગે છે કે મારે રોજ સવારે ‘તિથિ’તોરણમાં કે ‘ડટ્ટા’માં તારીખ અને તિથિ બન્ને જોવાં જોઈએ, મને યાદ પણ રહેવાં જોઈએ. મને ‘ડિસેમ્બર’ જ નહિ, ‘માગસર’ મહિનો પણ ચાલે છે એ ખબર હોવી જોઈએ. આપણે રામલલ્લાની જન્મ તારીખ શોધી કાઢવી જોઈએ અને ભગવાનના જન્મની ‘પંજરી’નો પ્રસાદ વરસમાં બે વાર વહેંચવો જોઈએ!Anupam Buch
ચાલો, આપણે પાસપોર્ટની તારીખમાં જ નહિ, વિધિના લેખ લખાયા એ તિથિમાં પણ જીવીએ!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧૬-ખુલ્લું તાળું.-અનુપમ બુચ

ખુલ્લું તાળું.

આજે મને ઘર-ઘરનું ખુલ્લું અને અદ્રશ્ય તાળું યાદ આવ્યું અને ગામની ભૂલાતી જતી ડેલીએ ડેલીએ ઉલાળા ખોલવા મારા પગ દોડ્યા. પ્હો ફાટે ત્યારથી મોડી રાત સુધી ડેલીનાં એ બારણાં અંદરથી બંધ છતાં બહારથી ખુલ્લાં જ રહેતાં! અમે એ લોક સિસ્ટમને ઉલાળો કહેતા. ઉલાળાના લાકડાનો હાથો બહારથી કલોક વાઈઝ ઘુમાવો અને બારણાને સ્હેજ ઠેલો મારો એટલે તમે અંદર! પાછા ફરો ત્યારે પણ બારણાં બંધ કરીને આગળિયો એન્ટી-કલોકવાઈઝ ઘુમાવો એટલે બારણાં બંધ.

હા, બપોરે અંદરથી દોઢ-બે કલાક પૂરતી ત્રણ કડીની સાંકળ બંધ થાય ખરી. જો કે અમારા ગામની બપોર પણ અડધી રાત જેવી સૂમસામ રહેતીને! દિવસ આખો ખોલ-બંધ થતા ઉલાળાને ત્યારે આરામ મળતો. હા પણ ઉલાળો ચીવટપૂર્વક બંધ કરવાના વણલખ્યા કાયદાનું ચુસ્તપણે પાલન કરતુ. પછી એ ઘરની વ્યક્તિ હોય કે કોઈ આગંતુક. ઉલાળો ખુલ્લો ન રહી જાય એની કાળજી લેતાં ફોઈ કે દાદીની નજર ઉલાળા તરફ તાળાંની જેમ જકડાયેલ રહેતી. અંદર હોય તો કાન ઉલાળાના અવાજ તરફ જ મંડાયેલ રહેતા. એ સતેજ વડીલોની ટકોર મને આજે પણ કાનમાં પડઘાય છે. ‘એ…ઉલાળો બંધ કરજે, હોં ભાઈ!’

કોઈ વાર એવું પણ બને કે ઉલાળો ખુલ્લો રહી જાય ત્યારે અધખૂલ્લા બારણાં મુસીબત પણ નોતરે. કોઈ વાર ગાય બારણાં પર ‘ધીંક’ મારીને ડેલીમાં ઘૂસી જાય ત્યારે જોયા જેવી થાય. પછી આંગણા સુધી ઘૂસી ગયેલી એ ગાયને કુંડીમાંથી પાણી ભરી હથેળીએ છાલક મારી ભગાડવી પડતી. કોઈ વાર કોઈ ‘માંગણ’ પણ અધખૂલું બારણું જોઈને ડેલીમાં ઘૂસી પણ જતો. બસ, પછી ‘કોર્ટ માર્શલ’ શરૂ! ‘કોણ ઉલાળો બંધ કરવાનું ભૂલી ગયું’તું?’ એ વાતનું ઇન્વેસ્ટીગેશન ચાલે. ખરું ચોર તો ક્રિકેટ રમવા દોડી ગયેલું બેદરકાર બાળક જ હોય પણ પછી ટપાલી ઉપર દોષનો ટોપલો ઢોળાય.

મારા એક મિત્રના ઘરનો ઉલાળો ખોલ-બંધ કરો ત્યારે એ બારણાંની અંદર બાંધેલી પિત્તળની ઘંટડી રણકતી. કેવું મ્યુઝિકલ ‘આવો-આવજો’!

હા, આ ઘરમાં ઉલાળાના અવાજ ઓળખનારા પણ મોજૂદ હતા. સવારે કે સાંજે ખૂલતા અને વહેલી બપોરે ખૂલતા ઉલાળાના અવાજમાં ફેર ખરો. આઠમા ધોરણનું ‘ફુલ્લી પાસ’નું રિઝલ્ટ લઇને દોડીને ખોલાતા ઉલાળામાં હોંશનો મોટો અવાજ હોય. કોઈ માઠા સમાચાર આપવા ખોલાતા ઉલાળાના અવાજમાં નરમાશ હોય. ઉલાળો દીકરીએ ખોલ્યો કે સાંજે પિયરથી ઘેર પાછી આવેલી વહુએ ખોલ્યો એ ખબર પડી જાય. વહુએ ખોલેલ ઉલાળાના અવાજમાં વિવેક હોય. દીકરીએ ખોલેલ ઉલળાના અવાજમાં બેફિકરાઈ હોય!

દરેક વખતે ઉલાળાનો અવાજ પારખતા કાન ડેલી તરફ મંડાતા. પૂછવું જ ના પડે કે કોણ આવ્યું અને કોણ ગયું! ઠાકોરજીની પૂજામાં બેઠેલ માજીની આંખો ભલે બંધ હોય, દાદાના પગ હિંચકાને ભલે ઠેલા મારતા હોય, આગંતુકને ઘણુંખરું ઓળખી જ જાય. કોઈ વાર ઉલાળો ખોલાયા પછી ડેલીમાંથી વિવેક પૂરતો ટહુકો આવે, “કાકી, આવું અંદર?” પણ કાકીને ખબર પડી જ જાય કે રોજ ઓફિસેથી પાછા ફરતાં ડોકું કાઢતો ભીખુ જ હશે.

આ બારણાં પાસે ક્યાં કોઈ ડોરબેલનું બટન હતું? બારણાં તો જ ખખડાવવા પડે જો તમે ક-ટાણે આવો તો જ. હવે તો બારણાંની વચ્ચે ફીટ થયેલી ‘આઈ’માં જોઈને, સેફટી લેચ ભરાવીને બારણાં ખોલતો સિક્યોરીટી સિસ્ટમનો ગુલામ માણસ ઉલાળા કે આગળિયાની કલ્પના જ ક્યાંથી કરી શકે? એવો પણ સમય હતો જ્યારે ‘તું જરાક ઠેલો મારી જો’ જેવો ખુલ્લો આવકાર આપતા ઉલાળા હતા, કોણ માનશે?

‘ડેલીએથી પાછા મા વળજો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં હો જી રે…’ પંક્તિમાં ‘ઠાલાં દીધેલાં’ બારણાના ઉલાળાનો અવાજ સાંભળવા જ રાધાએ કાન સરવા રાખ્યા હશે ને!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧૫-‘પાટિયાસન’-અનુપમ બુચ

‘પાટિયાસન’
યોગગુરુ બી.કે.એસ.આયંગરના યોગશાસ્ત્રમાં આ યોગાસનનો ઉલ્લેખ નથી. યોગ એક્સપર્ટ બાબા રામદેવને પણ આ આસનની ફાવટ હોવા અંગે અમને શંકા છે. આ આસનમાં કૌશલ્ય મેળવવું એ જેવાતેવાનું તો કામ જ નથી. કોઈ પણ ગુજરાતીને અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રહીશને બાપ-દાદાઓ પાસેથી હસ્તગત થયેલ રહેણીકરણી અને એશોઆરામનો ભવ્ય વારસો એટલે ‘પાટિયાસન.’
હવામાં લટકતા ડાબા પગની સાથળ નીચે જમણા પગનો પંજો દબાવી, ટટ્ટાર શરીરે જમીનથી ત્રણ ફૂટ અધ્ધર, એક પછી એક પગ બદલતાં, કલાકો સુધી અર્ધ-પલાંઠી મારી હીંચકતા રહેવું એ યોગનો ભવ્ય પ્રકાર છે.
જીવનભર ચાલતી ‘પટિયાસન’ની યોગમુદ્રામાં જ્યારે ધ્યાનભંગ થાય ત્યારે સમજો એ સદગ્રસ્થનું પેન્શન પણ બંધ થાય. આવા દૈવી યોગસનને ‘અનન્યાસન’ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી.
‘પાટિયાસન’ અન્ય યોગસનોથી અલગ ઓળખ ધરાવે છે. આ આસન કરવા માટે ‘યોગ મેટ’નો રોલ બગલમાં ભરાવીને ફરવાની જરૂર નથી. એ માટે તમારી પાસે પેઢી દર પેઢીથી વપરાતું, લોખંડના વળી ગયેલા આકડામાં ભરાવેલ હવામાં ઝૂલતું, ટેકા વિનાનું, લાકડાનું સપાટ પાટિયું હોવું જરૂરી છે. ચાર-પાંચ પેઢીથી, સેંકડો શિયાળા, ઊનાળા અને ચોમાસાં સહીને કોઈ નિસ્તેજ બુઝર્ગની કમરની જેમ વચ્ચેથી નમેલું છતાં અડીખમ! ન કોઈ ટેકો કે ન કોઈ કઠેડો. બે પહોળાં લાકડાંના પાટિયાં અને બે લાકડાના ધોકામાં લોખંડના છ ખીલ્લા ઠોકી બનાવેલ પાટિયું એટલે ‘પાટિયાસન’ માટે ઉત્તમ બેઠક. જમીનથી અધ્ધર બેસી એક પગથી સેલારા મારતાં આવો નિજાનંદ માણતા અમારા સ્થિતપ્રજ્ઞ વડીલ સદગ્રહસ્થોને આજે મનોમન નમન કરવાનું મન થાય છે.
‘પાટિયાસન’ એક દિર્ઘાસન છે. હા, અનુલોમ વિલોમ, ભુજંગાસન કે પવનમુક્તાસનનો સમય સેકન્ડો અને મિનિટોમાં મપાતો હશે. ‘પાટિયાસન’ એક કલાકથી લઈને સાડાત્રણ-ચાર કલાક સુધી સતત ચાલતું રહે એવું યોગાસન છે. વચ્ચે વચ્ચે પૂર્ણ પલાંઠી વાળવાની છૂટ હોય છે ખરી પણ બોચીથી બેઠકના ભાગ સુધી ટટ્ટાર રહેવું ફરજિયાત હોય છે.
સાવધાન! ‘પાટિયાસન’ને કામધંધા વિનાના લોકોનું આસન કહીને મશ્કરી કરવી એ યોગશાસ્ત્રનું અપમાન છે. ‘પાટિયાસન’થી થતા સાચા શારીરિક, માનસિક, સામાજિક લાભનો તો વિચાર કરો.
શારીરિક લાભ જગજાહેર છે. બંને પગનાં પંજાનો જમીન સાથે થતો સ્પર્શ શરીરમાં ઊર્જાનો ગજબ સંચાર કરે છે. સેલારા મારતી વખતે બન્ને પગના અંગૂઠાનાં દબાતાં ‘પોઈન્ટ’ આરોગ્ય માટે ચોક્કસ લાભદાયી હશે જ. બન્ને પગને મળતી કસરતથી સાથળો માંસલ બને છે અને અને પગની ઢાંકણીઓનું ‘ઓઈલીંગ’ થાય છે. ઢાંકણીના દુઃખાવાની ફરિયાદ અને ની-રિપ્લેસમેન્ટના ખર્ચા અને ધજાગરા તો હવે ફરકતા થયા.
‘પાટિયાસન’થી થતા સામાજિક લાભ પણ સલામ કરાવી પડે. ઘરમાં કોઈને નડ્યા વિના કલાકો સુધી બેસી રહેતા વડીલો કુટુંબની સાચી સેવા કરે છે. ઘરમાં વચ્ચોવચ્ચ બેસીને રડારની જેમ ઘરનું મોનીટરિંગ કરવું એ પણ દુર્ગુણ નહીં, એક સદગુણ છે. કૌટુંબિક પ્રશ્નો, સલાહ સૂચનો માટે હાજર હોવું એ ‘ચંચુપાત’ નથી. ‘હનુમાન ચાલીસા, સાંઈચાલીસા, માતાજીના ગરબા, કે શિવમહિમ્ન આંખો બંધ કરીને કડકડાટ બોલવાનો લાભ પાટિયા પર જ મળે. તમે જ કહો, પાટિયાસન’થી મળતી પરમ શાંતિ કોઈ મંદિર-મસ્જીદ-અપસરા કે ગુરુદ્વારામાં મળે ખરી?
‘પાટિયાસન’ એટલે અદભૂત મનોરંજન અને નિજાનંદનો મહાસાગર! સાયગલ-રફી-મન્નાડે-કિશોર કુમાર-લતાજી-આશાજીના ગીતો લલકારવાં કે ગણગણવાં. હથેળી અને આંગળીઓનાં ટેરવાંથી રિધમ આપવી અને ભૂતકાળમાં સેર કરવી! મન કેવું પ્રસન્ન અને પ્રફુલ્લિત થાય!Anupam Buch
મોટા બંગલાઓમાં કે શિપમેન્ટ દ્વારા સેકડો ડોલર ખર્ચીને ટીંગાડાતાં પિત્તળની નકશીદાર સાંકળોથી શોભતાં પાટિયાં પર એકલતાને ઠેલા મારતાં કોઈ એકલ-ડીકલ કે કપલ આપણો આ અમર વારસો સાચવે છે.
હું તો એવા દ્રશ્યની કલ્પના કરું છું કે લાલ કિલ્લા સામેના વિશાળ મેદાનમાં બાંધેલ શામિયાણામાં સેંકડો પાટિયાં બાંધ્યાં છે અને સતત એક કલાક સુધી યોગ વાંછુઓ ‘પાટિયાસન’ કરે છે અને દૂનિયાભરની ચેનલોમાં એનું જીવંત પ્રસારણ થાય છે!
અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧૪ -‘મે આઈ હેલ્પ યુ?’

‘મે આઈ હેલ્પ યુ?’
આપણે ત્યાં બીજાનો હાથ જોઇને ભવિષ્ય ભાખતા જ્યોતોષીઓ તગડું કમાય છે ત્યારે પોતાનો હાથ લંબાવી કોઈને મફતમાં રસ્તો બતાડતો જોઈએ એટલે અચરજ થયા વિના ન રહે.
અમારા શહેરના એક પોશ વિસ્તારમાં બે ટ્રી ગાર્ડ વચ્ચે ફૂટપાથ પર લાકડાની એક પેટી પડી રહે છે. તમે એને દુકાન પણ કહી શકો. સવારથી દીવાબત્તી થાય ત્યાં સુધી ખૂલ્લી રહેતી રહેતી આ ખૂલ્લી દુકાનનો માલિક ખૂલ્લા દિલનો ઓલિયો છે. ઉંમરનો ક્યાસ કાઢું તો કાકા સાઈંઠના તો ખરા. આમ તો બૂટ પોલીશ કરવાનો ધંધો લગભગ પડી જ ભાંગ્યો છે છતાં કોઈ રડ્યો ખડ્યો માણસ કાકા પાસે બૂટ ચમકાવવા આવી જાય છે બાકી તકલાદી લેડીઝ ચંપલો, હલકી ક્વોલિટીની હેન્ડ બેગો, લેડીઝ પર્સો, તૂટી-ફાટી ગયેલી અને ચેન બગડેલ બેગ-બગલ થેલા કે વારેવારે ફસકી જતી સ્કૂલ બેગો રીપેર કરીને કાકા હસતે મોઢે ચારના પેટ ભરે છે.
કાકા જેટલા ઉદ્યમી છે એટલા જ વાતોડિયા અને ખૂશમીજાજી છે. એક બહેનનું કાઈનેટિક આવીને ત્યાં ઊભું રહે છે. કામ કરતાં કરતાં કાકા એ બહેનની સામે મરકે છે. કાકાના હાવભાવમાં ‘હું આપની શું મદદ કરી શકું?’ નું પાટિયું વંચાય છે. એ બહેન કાઈનેટિકના કર્કશ અવાજ વચ્ચે સામે આવેલ એક ટેઈલરની બંધ દૂકાન તરફ ડોકું ખેંચીને ઊંચા અવાજે પૂછે છે, “કાકા, આ દુકાન બંધ કેમ છે?” કાકા હસતા હસતાં જવાબ વાળે છે, “બુન, ઈ તો શ્યાડા દહે ખોલ છ, આવતો જ હઈશે” પેલા બહેન સ્કૂટર સ્ટેન્ડ પર ચઢાવીને બાજુમાં જ અડ્ડો જમાવે છે. થોડી વારમાં એક કોલેજીયન યુવતી આવીને કાકાને પૂછે છે, “કાકા, આટલામાં ક્યાંય દવાની દૂકાન ખરી? કાકા ચાર રસ્તા તરફ આંગળી ચીંધી દૂરથી એક દૂકાન બતાવી પાછા કામે વળગે છે. થોડી વાર પછી એક સ્થૂળકાય બહેન કાકાને ઢંઢોળે છે, “કાકા, ચશ્માવાળા એક ભાઈ અહિ આવશે તો એને કે’જોને કે હું દસ મિનિટમાં આવું છું, મારી રાહ જૂએ” કાકા એમના ઉપલા ચાર દાંત દેખાડી કહે છે, ”એ હારું, બોન”
વચ્ચેથી એક બેન હાંફાળા ફાંફળા સ્કૂલબેગમાં ‘ટેભા’ મરાવવા આવે છે. કાકા એમને આંટો મારીને બેગ લઇ જવાનો વાયદો આપે છે. થોડી વારમાં ફૂટપાથ પાસેથી નિયમિત પસાર થતા એક ભાઈનો ઘોઘરો અવાજ આવે છે, “કાકા, મજામાં?” અને કાકા ગેલમાં આવી જાય છે. ત્યાં ફૂટપાથ પાસે આવીને ઊભી રહેલ એક કારનો કાચ ઊતારી કોઈ કાકાને પૂછે છે, “કાકા, જીવરાજ મહેતા હોસ્પિટલ આ તરફને?” કાકા હાથ લંબાવી બોલે છે, “હા, પેલા નઇં ને બીજા ચાર રસ્તા, ભઈલા” હદ તો ત્યારે થાય છે જ્યારે એક બહેન થોડી વાર માટે એવું કહેતાં પાણીનું નવું ખરીદેલું માટલું મૂકતા જાય છે, “કાકા, અબી હાલ આયી, હોં”
રાહદારીઓના ટહુકાઓનો મફત અને હસતા ચહેરે જવાબ આપતી કાકાની આ ‘દુકાન’ ‘મે આઈ હેલ્પ યુ’ નું પાટિયું મારેલ એક નિ:શુલ્ક ‘હેલ્પ ડેસ્ક’ છે!
પાઘડી આપ્યા વિના, ભાડું ભર્યા વિના, તાળું માર્યા વિના, દીવાલ વિનાની આવી કોણ જાણે કેટલીય દુકાનો વર્ષોથી આપણા રસ્તાઓ, ગલીઓ અને ફૂટપાથ પર પોતાના શટર ખોલે છે અને શટર પાડે છે. પણ, અંધારું થતાં પહેલાં બંધ થતી અને ક્યારેક જ રજા પાડતી આવી દુકાનો જ્યારે બંધ હોય છે ત્યારે ફૂટપાથ નિર્જીવ અને વેરાન બની જાય છે.
બૂટ પોલીશ થઇ ગયા પછી અમસ્તો જ ઉભો રહેલો હું લોકોની પૂછાપૂછથી અકારણ અકળાઉં છું પણ કાકા મને ખોટો પાડે છે. વાતવાતમાં મને ખબર પડે છે કે કાકા એટલા માટે ખૂશ છે કે બધા એને ઘરનો જાણીને પૂછે છે અને એ પોતે બધાને મદદરૂપ થાય છે. કાકા આંખોથી હસીને બોલે છે, “આઈં મુને હામેથી ‘ચ્યમ સો કાકા’ કે’વાવાળા ઘણા છ, બાકી ક્યોં કોઈન કોઈની પડી હોઈચ, હું કયોછ, સાઈબ?”Anupam Buch
અને મારા શૂ પર ખરાખરીની ચમક હવે આવે છે!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧2 -ઉભું રસોડું!

ઊભું રસોડું!
ચૂલાના ભડકા જેવો એક સવાલ છે. શું બેઠા બેઠા રાંધવું ગુલામી છે અને ઊભાં ઊભાં રાંધવું મુક્તિ?
લગભગ દુનિયા આખી હવે સ્ટેન્ડિંગ પોઝીશનમાં રાંધે છે. આપણા રસોડાઓમાં રાંધવાની આ પશ્ચિમી પધ્ધતિનો સ્વીકાર બહુ ઝડપથી થઇ રહ્યો છે અને આપણા રસોડાં ‘કિચન’ બની રહ્યાં છે. હા, આપણે ત્યાં પરિવર્તનનો પવન પહોંચતાં ભવ ગળે છે.
અલબત્ત, આપણે ત્યાં ઊભું રસોડું આવતાં વાર લાગવાના આપણી પાસે સાચાં-ખોટાં કારણો ઘણા છે. ક્યાંક પરંપરા ત્યજવાનો અણગમો, ક્યાંક પરિવર્તનના પશ્ચિમી પવન સામે પૂર્વગ્રહ, ક્યાંક નવી સુવિધાને અસુવિધા ઠેરવી ટંગડી ઊંચી રાખવાની વાત તો ક્યાંક પૈસા કે જગ્યાનો અભાવ. દસ બાય બસની રૂમમાં એક ખૂણામાં ચોકડી અને એક ખૂણામાં રસોડું હોય, એમાં ઊભું રસોડું કેમ સમાવાય? આમ, ના છૂટકે ઘણાં ઘરોમાં આજે પણ બેસીને રાંધવું અને બેસીને જમવું’ ‘આગુ સે ચાલી આતી હૈ!’ જેવી એક પ્રણાલી છે.
એટલે કે, ઘૂંટણીયાં વાળીને રાંધણીયાંમાં રોટલા ટીપતી ભારતીય નારી હજી ક્યાંક જીવે છે. બિચારી!
આપણે એક નિખાલસ કબૂલાત કરવી જ રહી છે કે આપણી માવડીઓ રાંધણીયાં રૂપી જેલમાં કેદ હતી. દિવસમાં બે વખત રસોડામાં એક ફૂટ બાય એક ફૂટની લાકડાની પાટલી પર અધૂકડા બેસી, ચૂલા, સગડી કે સ્ટવ સામે ઢગલો રોટલી વણતી આપણી માવાડીઓ ગુલામડી હતી એ સત્ય અપણને બહુ મોડું સમજાયું’તું. રસોડાના એક ખૂણામાં બેસી રહેતી બાવીસ વરસની નવવધુ કે ઇકોત્તેર વરસની માતાઓને તમે જોઈ હોય કે ન જોઈ હોય, માત્ર કલ્પના કરી જૂઓ. એક જ જગ્યાએ ઘૂંટણભેર બેસવાનું અને શરીરનો સમગ્ર ભાર પંજા અને ઘૂંટણ પર આપતા રહેવાનું, બસ, એક જીવતા સ્ટેચ્યુની જેમ જિંદગી આખી રાંધતા રહેવાનું.
રાંધતા રાંધતા પંદર વખત ઊભા થવાનો શારીરિક અને માનસિક ત્રાસ જેમણે વેઠ્યો હોય એ જ જાણે. મા દાળ હલાવતી હોય અને બાળક નંબર ચાર નાકમાં લીંટ લઈને રસોડામાં આવે! રસોડામાં ચૂલા સામે બેસીને ધાવણ ધાવી ઉછરેલાં બાળકો પણ હતાં એ કોણ માનશે? ત્રીસ રોટલી વણાયા પછી સગડીમાં કોલસા ઉમેરવા કે સ્ટવમાં કેરોસીન ભરવા  ઊભું થવું પડતું. ખરેખર, કિચનની એ સિટિંગ પોઝીશન એક સજા હતી, ગુલામી હતી.
પશ્ચિમી સંસ્કૃતિએ આપણને હસતે મોઢે અપનાવી શકાય એવું નવું ઘણું આપ્યું જેમાં સ્ટેન્ડિંગ કિચન ટોપ ટેનમાં આવે.  ઊભાં-ઊભાં રાંધવામાં કેવી અનુકૂળતા રહે છે! આંટા મારતાં મારતાં, ગીત ગણગણતાં રાંધવું એટલે રમત વાત! ગેસ ધીમો કરીને ટીવીમાં ડોકું કાઢી આવવાનું, રેડિઓ સંભાળતા સાંભળતાં વઘાર કરવાનો, શાક હલાવતાં હલાવતાં ફોન ઉપર મમ્મી સાથે પંચાત કરવાની, ડોરબેલ વગડે ત્યારે ગેસ પર દાળ ઉકળતી હોય છતાં બારણા ખોલવા જઇ શકાય. સામે પાડોશી સાથે ગપાટા મારતાં મારતાં કૂકરની ત્રણ વ્હિસલ સાંભળી શકાય. રાંધતા રાંધતાં ફ્રીઝ ખોલીને કંઈ પણ મોઢામાં ‘ટપ્પ’ મૂકી શકાય. વચ્ચેથી કિચન સિન્કમાં હાથ ધોઈને થમ્સઅપ પણ ગટગટાવી શકાય. અરે, શાક ‘ચઢે’ ત્યાં સુધીમાં ગેલરીમાં કપડા સુકવવાની સુવિધા આ સ્ટેન્ડિંગ કીચનને તો આભારી છે!
ઊભાં રસોડાને કારણે ગૃહિણીને રાંધતા રાંધતા ઉઠ-બેસ કરવાની સજામાંથી હવે મુક્તિ મળી છે. બે વખત રાંધવા કિચનરૂપી કારાવાસ ભોગવતી ગઈકાલની ગૃહિણી અઠ્ઠાવનમે વર્ષે સોસાઈટીમાં રાત્રે મોડે સુધી ગરબે ઘૂમતી જોવા મળે છે, રાંધવાના સમયે પોર્ચમાં ઝૂલા પર બેસી છાપાની પૂર્તિ વાંચતી દેખાય છે. રાંધવાની આ સ્ટેન્ડિંગ પોઝીશન કોઈ સજા નથી, આશીર્વાદ છે.
હવે તો ગૃહિણીઓને ઊભું રસોડું ફળ્યું છે. હવેના રસોડાંઓની સુવિધાઓ જોઈને તો દંગ થઇ જવાય છે. અરે, ડ્રોઈંગ રૂમ અને કિચન વચ્ચે દીવાલ જ નથી હોતી! રસોડામાં પૂરાઈ રહે એ બીજા! શહેરો જ કેમ, ખોબા જેવડા ગામડામાં પણ ગ્રેનાઈટનું કે સદા પત્થરનું કે પછી લોખંડની ફ્રેમવાળું સ્ટેન્ડિંગ કિચન આવ્યું છે. રસોડામાંથી સંપૂર્ણ મુક્તિ અશક્ય છે પણ ગૃહિણીઓ રાહતનો શ્વાસ લેતી થઇ છે. હું કોઈને ત્યાં અલ્ટ્રા મોડર્ન કિચન જોઉં છું ત્યારે હું મારા મનના કેનવાસ પર ખૂણાની કાળીમેશ કે ધૂમાડી ગયેલ દીવાલો સામે વાંસો વાળી, ઉંધા મોઢે રોટલી વણતી કે દાળ હલાવતી નારીનું ચિત્ર દોરું છું.
આધુનિક નારીને પરંપરાગત રસોડાના બંધનથી મુક્ત થતી જોઇને અમારી માવાડીઓઓની ગુલામીના દિવસો યાદ આવતાં મન ભીનું થઇ જાય છે.
કોડભરી કન્યાઓ ‘સાસરામાં ટોઇલેટ નહિ તો લગ્ન નહિ કરું’ સાથે સાથે ‘સાસરામાં ઊભું રસોડું નહિ હોય તો લગ્ન નહિ કરું’ એવી જીદ કરતી થાય તો કેવું સારું!
આપો ’સ્ટેન્ડિંગ કિચન’ને સ્ટેન્ડિંગ ઓવેશન!
અનુપમ બુચ