ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય…..(8)“ઘોંઘાટ” – દર્શના નાડકર્ણી

બેઠકનો આ મહિનાનો વિષય છે કે માતૃભુમી થી દુર નિવાસ કરવાથી “ડાયાસ્પોરા” ને જે અનુભૂતિ થાય તેના ઉપર “અછાંદસ” કવિતા લખવાની.  આપણે ખરેખરી રીતે “ડાયાસ્પોરા” ન ગણાઈએ।  અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે જે લોકો ને કમને અથવા પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાની જન્મભૂમી છોડવી પડી હોય તેને “ડાયાસ્પોરા” કહેવાય અને આપણે તો આપણી ઈચ્છા સાથે અહીં આવ્યા છીએ.  છતાયે માતૃભુમી પ્રત્યેની ખેંચ અને ઘણી લાગણીઓ તેવીજ તેજ હોય છે.

પહેલા નવો લાગતો આ દેશ હવે પોતીકો થયો, દિલમાં વસ્યો
ક્યારેક જન્મભૂમી ખુબ દુર ને અળગી લાગે છે
નવા દેશમાં નવા ઝાડ રોપ્યા, નવા ફૂલ ખીલ્યા
નવી ઝીંદગી માં કડી કડી જોડાણી ને મિત્રો અહી નવા બન્યા

છતાયે અચાનક આવીને દિલ ને ભીન્જાડી જાય છે, વરસાદના છાંટણા જેમ
માતૃભુમી ની યાદ..  ક્યારેક વસે છે મોગરાના ફૂલ ની સુવાસ માં,
ક્યારેક ગૌરવભેર આંખ ભીની થાય છે
જયારે ગુજરાતી માં ગીત ગુંજે છે ગુજરાતદિન નિમિતે
પહેલાના દિવસો postman ની રાહ જોવામાં ગુજર્યા
પણ હવે તો કમ્પ્યુટર ખોલતા આંખ ઇન્બોક્ષ તરફ મંડાય છે

દિલ અધૂરું થાય છે પડોશમાં રહેતી સહેલીના સમાચાર વાંચવા
સાથે કોલેજ જતા, સાથે ખાતાપીતા ને સાથે વાંચતા
ઉનાળાની રજામાં કંટાળીએ તો કેરમ રમવા બેસતા
ને ચોથું પાત્ર ખૂટે ત્યારે મમ્મીને બેસાડતા

ક્યારેક ખાખરા ને અથાણું ખાવા મન ખેચાય છે
માસીના જ હાથના બનાવેલા..
મમ્મીની દાળ યાદ આવે ત્યારે
હું પૂછું છું, “મમ્મી મને કેને તારા જેવી દાળ કેમ બનાવવાની”
મમ્મી ક્યે છે “દાળ તો નવવધુ સમાન છે, ઘરેણા બરોબર પહેરાવીશ તો સારી જ બનશે”
પણ ક્યારેય મમ્મી બનાવતી તેવી બનતીજ નથી

ભારતની સહેર કરીને આવ્યા પછી શાંત બપોરે બેસું છું ત્યારે….
માસી, મમ્મી ને બહેનપણી ને યાદ કરું છું ને આંખ ભીની થાય છે
ઝટ આંસુ લુછી નાખું છું. હવે તો અહીજ મન પરોવવાનું
તોયે આખીયે શાંત બપોરે મન કકળાય છે

પહેલી વખત અમેરિકા આવ્યા ની યાદ તાજી થાય છે
મમ્મી પપ્પાની યાદ ને તો ત્યારેય ઝટ ભૂંસી નાખતી
પણ આ અખંડ નીરવ શાંતિ….
ન ભેદાય, ન ખંખોરાય, ન ભૂંસાય, ન છેદાય
એવી નિર્જીવ શાંતિ માં……
ભારતનો ઘોંઘાટ શોધતું દિલ ગૂંગળાય છે

XXXXXXXXXXXXXXXXXX

 

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય….. (7)ઉજડેલો પંખીનો માળો !વિનોદ પટેલ

ઉજડેલો પંખીનો માળો !
કોઈ એક છેવાડાના ગામમાં,
વૃક્ષ નીચે ખાટલામાં સુતેલ,
એકલો અટૂલો નિવૃત વૃદ્ધ જન ,
નીરખી રહ્યો ઉંચી નજર કરી ,
વૃક્ષની ડાળે રચેલ પંખીના માળાને.
માળો જોઈ વિચારે ચડ્યો કે ,
તિનકા તિનકા ગોઠવી દિનરાત,
કેવો મજાનો રચ્યો છે આ માળો
બે મહેનતુ પંખી યુગલે !
ચણ વીણી લાવી ચાંચમાં એમની,
જાતે ભૂખ્યા રહીને પણ પોષ્યાં ,
કેવાં એમનાં વ્હાલાં બચ્ચાંઓને ,
ઠંડી, ગરમી કે વરસાદમાં પણ
પાંખો ફેલાવી કેવું જતન કર્યું હતું એમનું હેતથી !
કેવાં ખુશ થયાં હતાં જોઈ એમને મોટાં ,
પણ આ શિશુ પંખીડાં મોટાં થઇ ગયાં ,
એમની પાંખો મજબુત થઇ ગઈ ,
જોત જોતામાં તો ઉડી ગયાં એક દિન,
અને ખુબ મહેનતે રચેલો એમનો ,
આ સુંદર પંખી માળો ઉજડી ગયો !
વૃક્ષ નીચે સુતેલ વિચાર મગ્ન વૃદ્ધ ,
ઊંડો નિસાસો નાખી, કહી રહ્યો  એના મનને,
પંખીડાં મારાં પણ ઉડી ગયાં છે વિદેશે ,
પોત પોતાનો આગવો માળો રચવાને,
પેલાં પંખીઓની જેમ મારો પણ ,
માળો જોત જોતામાં કેવો ઉજડી ગયો !
રહી ગયાં માત્ર હું ને મારી વેદનાઓ,
અને મારાં પંખીડાંની એ હરી ભરી યાદો ,
ઓ મારાં ઉડી ગયેલ પંખીડાંઓ ,
સુખેથી ચણજો, રહેજો ,તમારા રચેલ માળામાં,
આશીર્વાદ આપી રહ્યો  છે તમને આજે,
ખાટલે સુતેલ આ એકલો અટૂલો તમારો ,
શરીરે હવે નબળો પડેલો વૃદ્ધ બાપ !
વિનોદ પટેલ,સાન ડીએગો

ડાયાસ્પોર’ અછાંદસ કાવ્ય …(6)આરતી રાજપોપટ

પાલક માં
એક હળવો આંચકો ને
છુક છુક …
ઉપડીતી ટ્રેન,ને ચાલી તી હું
માં-ભોમ થી દુર …
નવ-દેશ ,નવ-ભૂમિ રચવા નવજીવન …
અહા !
કેટલા વર્ષો વીતી ગયા…
છોડી આવી તી તે જન્મભૂમિ,
અહી બની કર્મ ભૂમિ ..
ના વિદેશ ની ધરતી નહિ
બંને છે મારી ભારત
માતા ની જ સંતાન !!
એક માં તો બીજી
“માં”સી (પાલક મા )
એવીજ આબોહવા એવીજ મીઠાસ
જેટલી સમાનતા એટલીજ
અલગતા..!!
એકે આપ્યું શૈશવ ,યૌવન ભણતર..તો બીજે પામ્યું
પૂર્ણત્વ ,માતૃત્વ ગણતર…
ખુશ છું, સંતુષ્ટ છું..
જાઉં વર્ષે દહાડે મારી ” માં”
ને મળવા…
સંભારણા ની
ઝોળી ભરવા…
પણ …
થાય થોડા દિવસ ને
બોલાવે છે મને કરી યાદ
જાણે માં યશોદા બોલાવે
કાન્હા ને પ્રેમે દઈ સાદ !
ને જયારે એરોપ્લેન ના પૈડા ધડધડા હત સાથે ઉતારે છે ત્યારે રોમાંચ ની એક મીઠી ધ્રુજારી થાય છે..
ને ભૂમિ ના ચરણ સ્પર્શ થતા
બાહ ફેલાવી મને આવકારે છે મારી પાલક માં !!!

આરતી રાજપોપટ

ડાયાસ્પોર’ અછાંદસ કાવ્ય …(5)પપ્પા-દર્શના ભટ્ટ.-

mothers day માતૃ મહિમાના ગાન સાથે ઉજવાઈ ગયો.મારી પુત્રવધુ
કૈક દુખ સાથે બોલી ” મા, સહુ માની સહનશક્તિ,ત્યાગ અને સંતાનો માટે ભોગવેલા
દુઃખ અને આપેલા બલીદાનોનો મહિમા કરે છે,પણ વયસ્ક એવા મારા પપ્પા
કેવું જીવી રહ્યા છે! ” પછી તો અમે બહુ વાતો કરી.તેની લાગણીને મેં નીચેના શબ્દોમાં
વ્યક્ત કરી છે.
પપ્પા
        ————
પપ્પા હીંચકા ખાય છે.
સાવ એકલા સાવ એકાંતે
પપ્પા હીંચકા ખાય છે.
સ્મિત વેરતી છબી  મમ્મીની
સામેની જ દીવાલે જીવતી.
તેની સામે સ્મિત કરીને
બે ઠેલા વધારે મારે છે,
ઠેલે  ઠેલે જિંદગીને
ઠેલા મારતા જાય છે.
પપ્પા હીંચકા ખાય છે.
ચાની ચુસકી લેતા લેતા
સંગાથે સ્મરણો દઝાડતા
જીભ દઝાડી બેસે છે.
એકલતાને પચાવતા
શું શું પચાવી જાય છે !
ખાટાં ખારા મીઠાં માઠા
સ્મરણો હિચોળતા જાય છે.
પપ્પા હીંચકા ખાય છે.
માત્ર વ્યાસન એક,કામ.
થતું નથી પણ કરવું છે.
જાત ડૂબાડી કામમાં
અમને તારતા જાય છે.
રામો રસોયો પાડોશીના
ખાડા અખાડાની સંગાથે
સમાધાનના સથવારે
જીવન વિતાવતા જાય છે.
એની સાંજ મારી સવાર
વાતોનો ના મળે અવકાશ
એન.આર.આઈ.દિકરીના
વ્યસ્ત જિવનને પોતાના
ત્રાજવે તોળતા  જાય છે.
રોજ કરું હું ફોન છતાં
આ અલીકોચમેનને કેમ
સમજાવું,હું મરિયમ નથી !
જોબ નવી ને દેશ પરાયો
પણ …….
આવું છું પપ્પા
જૂનમાં આવું જ છું.
રાહ જોજો  હો…આવું જ છું.
( શ્રી ધૂમકેતુની પ્રસિદ્ધ નવલિકા ” પોસ્ટ ઓફીસ ” ના પિતા પુત્રી અલીકોચમેન અને મરિયમ
 ગુજરાતી સાહિત્યના અવિસ્મરણીય પાત્રો છે .)
દર્શના ભટ્ટ.

(5)પ્રકૃતિનો શણગાર – કલ્પના રઘુ

(ડાયાસ્પોર’ અછાંદસ કાવ્ય ….)

પ્રકૃતિનો શણગાર – કલ્પના રઘુ

હું

અમદાવાદથી નિકળી

આવી સીલીકોન

જોયું

એક મળસ્કે, વેલીમાં

કોઇ ફેર નથી

સાત ઘોડા પર સવાર

એ જ છે સૂરજ

અરૂણનો ઉદય

માનાં કંકુની લાલિમા

ઉગે છે સવાર

મેં

એ કોમળ તડકામાં

લીલા ઘાસમાં જોયા

વેરાયેલા મોતી!

આંખોમાં ભર્યો એ અહેસાસ

ફૂટયાં સ્પંદનો લાગણી ભીના

લીલૂડી ચૂંદડી પર

માના કંઠે મુક્તાવલી!

હું

વારી એ શણગાર પર

મેં

જોયું પારદર્શક ઉપરણુ

ઓઢ્યું ડુગરાંઓએ

જાણે આકાશે છોડી

ધૂમ્રસેર

ત્યાં પણ એ જ હતું

અહીં પણ એ જ

પણ ન’તા ત્યાં ડુંગરા

ઉપરણા ને ધૂમ્રસેર

હું

કલ્પના

શીશ નમાવી, મા ધરાને,

સ્પર્શી યાચુ

સમુદ્રવસને દેવી

પર્વતસ્તન મંડલે|

વિષ્ણુપત્ની નમસ્તુભ્યં

પાદસ્પર્શ ક્ષમસ્વમે||

(દાવડા સાહેબની કોમેન્ટને ધ્યાનમાં લઇને કરેલ ફેરફારો સાથે ……

આભાર દાવડા સાહેબ!!!)

 

ભીતર  માં  છે ભારત -હેમંત ઉપાધ્યાય

                     
ભલે અંગ અંગ  ચમકે  અમેરિકા , ભીતર  માં છે ભારત 
દ્રષ્ટિ ,વાણી ,કર્મ   ડોલરિયા ,હૃદયે    રૂપિયો  ભારત  
હાય , બાય , ને વ્હાય કહેતો રહું ,”જય શ્રી કૃષ્ણ “નો નાદ ભારત  
મેગી ,નુડલ્સ ,પીઝા ચાઇનીઝ  ખાઉં ,પણ ખીચડી નો સ્વાદ ભારત  
મોઘી   કર ભલે   ફરતો રહું ,  પણ રીક્ષા   નો પ્યાર    ભારત  
કમાયો ભલે હું   હઝારો ડોલર , દાન દઉં માતૃભૂમિ  ભારત  
મહેલો તણા  ભલે  હો   મકાનો  , શેરી  પોળ ની યાદ ભારત  
અહી  કામ ના દામ ને દામ થી કામ , ઉત્સવ નો આનંદ   ભારત  
અહી  પૈસા થી પ્યાર ને પૈસા નો પ્યાર ,કુટુંબ તણો  પ્યાર  ભારત  
અંગ્રેજી ની વાણી ભારીને ભપકાળી , સંસ્કાર   ની સલામ  ભારત  
                                                              સંસ્કાર   ની સલામ  ભારત  
ઓમ માં   ઓમ  
 
હેમંત  ઉપાધ્યાય 
 
 

અમેરિકન સીટીઝન-(3)પ્રજ્ઞા દાદભાવાળા-

 

અમદાવદાથી મિત્રો ફોન પર કહે છે,   

અભિનંદન તમે તો હવે NRI થઇ ગયા.   

 અને હું એમના થી અળગો થઇ જાવ છું.   

  એમને ખબર નથી.

  મેં મારી માતૃભાષા ફી પેટે આપી છે.

  હવે બધું બદલાઈ ગયું છે

  વાતો જોવાની દ્રષ્ટિ અને કર્મ પણ જાણે ડોલર માં થાય છે

   ખરીદી કરવા જાવ છું અને અને શાકના ભાવ

   અઢી ના પાઉન્ડ ટીનડોરા  વાંચતા મને રૂપિયા યાદ આવે છે.

    પેલી શેરી અને પોળ અને રેકડી સાથે ઉભો શાકવાળો ક્યાં?

   આજુ બાજુ અનેક મિત્રો બન્યા છે.

  અને હાય બાય અને વ્હાય બોલું  છું.

   પણ શું કરું કાનને જય શ્રી કૃષ્ણ સંભાળવું ગમે છે.

   અમેરિકન બાળકો સાથે પીઝા

   ખાતા કહે છે, કહે ટેસ્ટી છે, ટ્રાઈ કરો.

   અને હું કહું છું  મને મારું સ્ટેપલ ફૂડ ભાવે છે.

   પણ કોણ જાણે કેમ ખીચડી નો સ્વાદ જ

   મારી જીભ ને ફાવે છે. 

   રસ્તા પણ અનેક મોઘી કાર જોઉં તો છું

   પણ  મને મંદિરે રોજ લઇ જતી રીક્ષા અહી ક્યાંય દેખાતી નથી.

   કોની સાથે વાત કરું ?

  અહી તો બધે જ કામના દામ  અને દામના થી કામ છે.

  ઘરે તો પોહચું છું.

  સુવાનો પ્રયત્ન કરું છું પણ..

  આ પોચા ગાદલા સુત્લીના ખાટલા કરતા વધુ બરછટ લાગે છે.

  મને મારો ખાટલો યાદ આવે છે

  એરકન્ડીશ બંધ કરી  હું મારા લીમડાના ઝાડની

  એ શીતળ લહેર ને મહેસુસ કરતા સુવાનો પ્રયત્ન કરું છું.

  બસ આવું રોજ રોજ થયા કરે છે.

  હું હવે થાક્યો છું

  થાકતા થાકતા હાફ્યો છું.

 અને હાંફતા હાંફતા

 હાફ હાફ થઇ ગયો છું.

 બે દેશ વચ્ચે કરવતથી વહેરાયા કરું છું.

 પછી મારી જાત ને પુછુ છું,

 હું ક્યાં નો ?

 શું હવે હું ક્યાંય નો નહિ?

 અને પાસપોર્ટ ખોલું તે પહેલા વંચાય છે.

 અમેરિકન સીટીઝન.

 

હું -એન.આર.આઈ -દર્શના ભટ્ટ.

બેઠકનો આ મહિનાનો વિષય: તમારે “ડાયાસ્પોરા” અનુભૂતિ પર “અછાંદસ” કવિતા લખવાની
______________________________________________________
વતનની ગલીઓમાં
ફરતા ફરતા
આ ક્યાં આવી જવાયું !
દસકા એકની આવન
જાવનથી થાકી
છેવટે અહી
આવી જવાયું
એવા જ નભ ને ધરતી
એવા જ હવા ને પાણી
પણ આબોહવા અનોખી.
ભાવ અભાવ
પ્રેમ લાગણી
સુખ ને દુખની.
માપણી સાવ અનોખી.

સવારથી દોડતા
દેશમાં
હાઈવે ધમધમેં
ધરમાં નર્યું એકાંત.
નહિ આવરો
નર્યો જાવરો….
આઈપેડના સથવારે
સભર એકાંતને માનું
(મૈ ઔર મેરા આઈપેડ
તનહાઈ મેં અક્સર બાતે
કિયા કરતે હૈ..)

નોર્મલ અમેરિકન ડ્રેસ
અપનાવ્યો
છતા સાડી પહેરે “માણસ ” લાગુ.
ગાડીમાં તો બેસું
પણ
મારા એકટીવાને તરસું.
શિયાળે મન કકળે
“શું દાટ્યું ‘તું તે અહી આવ્યા ”
એજ philadeifia ઉનાળે
સ્વર્ગથી સુંદર લાગે.
ધોળા કાળા પીળા ભૂરા
માનવ રંગો ની રંગોળી
સ્વતંત્રતા ને સમાનતાના
આચરને શોભે

ચુંટણીના વર્ષમાં
વતન જેવો માહોલ નથી
પણ…
ટ્રમ્પ લાલુની ખોટ પૂરે .

બસ….
ચારે તરફ વિસ્તરેલી
લીલી છમ શાંતિમાં
રોબીનના ટહુકામાં

વતનના આંગણામાં
આંબા પરની
કોયલની પંચમ
ક્યારેક …
અશાંત કરી દે છે
એટલું જ….

ગોર્સરી સ્ટોર-પ્રજ્ઞા દાદભાવાળા

એક સગર્ભા સ્ત્રીની વાત મેં લખી છે. મે આ મહિનાના વિષય ઉપર લખવાનો પહેલો પ્રયત્ન કર્યો છે.
આપ સર્વે સાચા અભિપ્રાય આપશો.
ગોર્સરી સ્ટોર
કહે છે સભર્ગા અવસ્થામાં ખાવાનું ખુબ મન થાય છે.
બધા કહે છે ઘણું બધું ખાવાનું અને સારું ખાવાનું
સંતરા ,કીવી ,એપલ વગેરે…
હા મને  પણ ખાવાનું ખુબ મન થાય છે
હું  ગોર્સરી સ્ટોરમાં જાવ છું.
સ્પ્રીંગમાં આવતા નીતનવા ફળો લેવા
ગોર્સરી સ્ટોર જાણે ફળોથી લચી પડ્યા છે.
અને મને કેરીથી લચી પડતો આંબો
ઘરનો આંબો યાદ આવે છે.
જે  મોમાં સ્વાદ લઇ આવે છે.
અગાસીમાં અથાણા માટે સૂકવેલી પેલી ખાટી કેરી
અને  મોઢામાં પાણીના ફુવારા છુટે છે.
 લાળ જરે છે
અને જીભ ભીની અને ખાટી થઇ જાય છે
દાત અમ્બાઈ જાય છે.
અને એ તાજી સ્ટ્રોબેરી છોડી
અને આંખો કેરી શોધવા માંડે  છે
ખાટું ખાવા અહી કીવી પણ છે
પેલી ખાટી કેરી જેવા નથી
અચાનક મેક્સીકો ના જામફળ દેખાય છે.
 હું હાથમાં ઉપાડું છું  અને મને ખાવાનું મન થાય છે.
અને સાવરકુંડલાની પટેલની વાડી યાદ આવે છે
ધોધમાર પંપ નીચે નાહવાનું અને ઝાડ પર ચડી
જામફળ ઉતારવાના,ઉપરથી ફેકવાના
ધૂળ લાગે તો હાથેથી અને પછી ફ્રોકથી લુછવાના
હું એ જામફળને યાદ કરી એની સુગંધ લઉં છું
અહી કેટલા જામફળ સરસ પેકીંગમાં છે
અને  એ  પાછા મૂકી દઉં  છું
મારી ખાવાની ઈચ્છા મરી ગઈ છે.
પ્રજ્ઞા દાદભાવાળા

બેઠકનો આ મહિનાનો વિષય: તમારે “ડાયાસ્પોરા” અનુભૂતિ પર “અછાંદસ” કવિતા લખવાની છે

મિત્રો  બેઠકનો આ મહિનાનો વિષય છે: અછાંદસ તમારે ડાયાસ્પોરા અનુભૂતિ પર અછાંદસ કવિતા લખવાની છે.

આ સાથે ખાસ જાણવાનું કે”બેઠક”ના સર્જકોનો યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે માટે હવે આપણા બે એરિયાના સાક્ષર બાબુભાઈ સુધાર  પણ “બેઠક”ની પાઠશાળામાં સર્જકોને માર્ગદર્શન આપશે જેમનું આપણે સ્વાગત કરીએ છીએ અને રૂબરૂ આવતી બેઠકમાં મળી શકશો  આ સાથે એમની મુકું છું જે આપને વ્યવસ્થિત અછાંદસ કવિતા લખવા વિષે માટે સુંદર માર્ગદર્શિકા બનાવી છે જે આપને યોગ્ય રીતે લખવામાં મદદ કરશે

દાવડા સાહેબે બેઠકની પાઠશાળા માં જે વિચારો સરળ ભાષામાં રજુ કર્યા હતા તે અહી રજુ કરું છું  જે આપ સૌને સમજવામાં સરળ પડશે

સાહિત્ય ના બે વિભાગ ગદ્ય અને પદ્ય. ગદ્યના કેટલાક વિભાગ નિબંધ, વાર્તા, નવલકથાવગેરે. પદ્યના કેટલાક વિભાગ કવિતા, ગીત, ગઝલ, ભજન વગેરે. કવિતામાં છંદમાં અને છંદવગર એમ બે વિભાગ છે. અગાઉ છંદ વગરની કવિતાને ગદ્યપદ્ય અથવા અપદ્યગદ્યકહેવાતી. હવે એને અછાંદસ કે અછંદાસ કહેવાય છે.

છંદવાળી કવિતામાં એક લય હોય છે, અને આવી કવિતાઓ સહેલાઈથી યાદ રહે છે. આપણા મોટાભાગના છંદ સંસ્કૃતમાંથી લીધેલા છે. થોડાક છંદો આપણા મોટા ગજાના કવિઓએરચેલા છે. હવે આપણે છંદવાળી રચનાઓના એક બે નમૂના જોઈએ.

કવિતા માટે એક વિષય હોવો જોઈએ.

વિષય વિચારકેન્દ્રી,

કલ્પનાકેન્દ્રી કે સ્વાનુભવ કેન્દ્રી હોઈ શકે.

ત્યારબાદ એ વિષયને છંદના બંધારણમાં રહીને કહેવો જોઈયે. દા. ત. ભૂખથીટળવળતા હજારો લોકો પણ છે અને મોંઘીડાટ થાળી જમનારા લોકો પણ છે. આ વાત કહેવામાટે મેં શીખરીણી છંદ પસંદ કર્યો, અને આ પંક્તિઓ લખી.

લગાગા ગાગાગા લલલ લલગા ગાલ લલગા

(કુલ ૧૭ અક્ષર) યતિ છ અને અગિયાર અક્ષર પછી.

(અસત્યો માહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા)

 

હવે જુઓ મારી કવિતા

અરે ખાવા આપો, અમ ઉદર ખાડા બહુ પડ્યા,

હજારો ભુખ્યાના શ્રવણ પડિયા શબ્દ કર્ણ, ત્યાં

તિજોરીના  નાણા  ખડ ખડ  કરીને  હસી પડ્યા,

અને એ હાસ્યો સૌ ધનિક ઉદરે પ્રતિધ્વનિત થ્યા,

પુકારે  ત્રુપ્તિના,  મમ  ઉદર  વિષે  પ્રશ્ન ઉઠતો,

હજારોની  થાળી  એક   ઉદરમાં  શું  શમી  ગઈ?

 

(સાહિત્યના મુખ્ત્વે બે પ્રકાર છે. એક ગદ્ય અને બીજું પદ્ય.અપદ્ય ગદ્ય એ એ વચગાળાનો પ્રકારછે.પણ એને પદ્યમાં ગણી શકાય.

જે કવિતા આવા છંદોમાં લખાઈ નથી, એ અછાંદસ કવિતા કહેવાય.

એ લખાણ ગદ્યમાં કે પદ્યમાં બેસતું નથી,

છતાં લોકોને ગમે છે, એટલે એને કવિતાના એક પ્રકાર રૂપે સ્વીકૃતિઆપવામાં આવી છે.

આ પ્રકાર છેલ્લા ૫૦ વર્ષથી અસ્તિત્વમાં છે.

૧૯૫૬ માં ઉમાશંકર જોશીએ આનો પ્રયોગ કરીએને સાહિત્ય જગતમાં માન્યતા અપાવી.

એ પહેલાં નાન્હાનાલાલે દીર્ધકાવ્ય નામ આપીઆવો જ પ્રકાર શરૂ કરેલો.

છંદની પડોજણમાંથી મુકત થવાની ઝંખનાને પરિણામે આ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો.

એકવ્યક્તિ પાસે વિચાર છે, એ એને કાવ્ય સ્વરૂપે કહેવા માગે છે, પણ છંદ નથી ફાવતા,

એમનામાટેનું આ વાહન છે.

હવે આપણે એક ઉદાહરણ જોઈએ. મારી આ ટુંકી કવિતા

હું ડોટ કોમ

તું ડોટ કોમ

બધા ડોટ કોમ

ડોટ કોન નથી તો હું હું નથી, તું તું નથી,

યાહુંમાં નથી ને ગુગલમાં પણ નથી,

જે ગુગલમાં નથી તે આ જગતમાં નથી

ક્રીશ્ના ડોટ કોમ લખો તો સ્વયં પ્રભુ પધારે,

છે કોઈ શક્તિ ડોટ કોમથી વધારે?

જન્મીને ના કોઈ કુંડળી બનાવો,

તરત નામ રાખીને ડોટ કોમ કરાવો.

ડાયાસ્પોરાઃ

વર્ષોસુધી વતનમાં રહ્યા બાદ, સંજોગ જ્યારે પરદેશ લઈ જાય, અને ત્યાં લાંબો સમય રહેવાનું થાય, ત્યારે માણસ ઉપર વતનની સંસ્કૃતિની સાથે સાથે એ જે દેશમાં રહેતો હોય ત્યાંની સંસ્કૃતિનો રંગ ચડવા લાગે છે. એની વાણી, વર્તન ઉપરાંત એના સાહિત્ય સર્જનમાં પણ આ અસર દેખાવા લાગે છે.

આ વાત સમજવા રેખાબહેન સિંધલે એક સરસ દાખલો આપ્યો છે. જ્યારે સાસરે ગયેલી સ્ત્રી જેમ પિયરની પ્રીતને ભૂલ્યા વગર પતિના ઘરને સ્વગૃહ કરવા મથે છે અને એમાં પોતાનું અસ્તિત્વ ઓગાળીને કેટલાંક નવા મૂલ્યો અને કેટલાક જૂના મૂલ્યોનો સમન્વય સાધી બંને ઘરની આબરૂ વધારે છે, એટલું જ નહિં, બે કુટુંબો વચ્ચે સેતુ બનીને એક જુદીજ પરંપરા સર્જવા સમર્થ બને છે, એજ રીતે અન્ય દેશમાં વસવાટ કરતો માણસ બે દેશની અલગ સંસ્કૃતિના સુભગ સમન્વયથી આત્મવિકાસ સાધે છે, જેથી નવી સંસ્કૃતિનો જન્મ અને વિકાસ થાય છે, અને વૈશ્વીકરણના આજના યુગમાં માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં એક નવી દૃષ્ટિ દ્વારા સામાજીક એકતા સાધે છે.

બસ ડાયસ્પોરામાં પણ લગભગ આવું જ છે.

please see this file

Bethak free verse poems

 

મિત્રો  “અછાંદસ” અહી વાંચવા મળશે

http://pannanaik.com/

http://layastaro.com/?cat=5

– સુરેશ દલાલ