મોટામાં મોટો ખાડો એટલે દેખાડો
આ જમાનામાં “દેખાડો” અનેક રોગોમાંનો એક નવો રોગ છે. એને માપવાનું કોઈ થર્મોમીટર નથી. પરંતુ જો એ ઝંઝાળમાં કોઈ પડે તો બહુ લાંબે સુધી ઉતરી જાય.
દેખાડો તો જાણે કે એક વ્યસન છે. વર્તનથી ફેલાતો એક માનસિક રોગ. દેખાડો કરનાર માણસ પોતે જ પોતાના માટે ઉપદ્રવી હોય છે. પહેલાંના જમાનામાં આ રોગનું ઉદ્ભવ સ્થાન માત્ર પરિવાર કે પાડોશ જ હતું પરંતુ હવે તો સોશ્યલ મીડિયાના કારણે આનો ફેલાવો ઠેર ઠેર પહોંચી ગયો છે.
દેખાડો અને દેખાદેખી એ મામા ફોઈના દીકરા દીકરી જેવાં છે. દેખાડો કરનાર અને આતંકવાદી વચ્ચે લગભગ કોઈ તફાવત નથી. જે વ્યક્તિ દેખાડો કરે છે એને ખબર નથી કે એના સંસાધનો કે પ્રતિષ્ઠાની એ એટલી બધી ગોળીબારી કરે છે કે તેનાથી અનેક લોકોના ઘમંડ ઘવાઈ જાય છે. સાચી વાત તો એ છે કે જે દેખાડો કરતો હોય તે અંદરથી તો ખોખલો જ હોય છે. એટલે જ કહે છે ને કે “દુકાનમાં માલ નહીં અને ડેકોરેશનનો પાર નહીં”. ખરેખર તો જેની પાસે દેખાડવા લાયક છે તેને એની પાસે તે હોવાનું ભાન જ નથી માટે જ તે આટલો તટસ્થ રહી શકે છે. એટલે થોડુંક ઘણું અજ્ઞાની હોવું પણ આ જમાનામાં આશીર્વાદરૂપ છે.
આપણે દેખાડો નથી કરતા તેમ કહેવું પણ એક જાતનો દેખાડો જ છે. પૈસા ટકાનો દેખાડો તો હવે ઓલ્ડ ફૅશન થઇ ગઈ કહેવાય. હવે તો માણસ ઑર્ગનિક અને હમ્બલ બનવાનો દેખાડો કરે છે. થોડાં દિવસ પહેલાં જ એક બહેનની ફેસબુક પર પોસ્ટ જોઈ હતી. તેમાં તેમણે લખ્યું હતું કે ‘વધુ પડતો વપરાશ અને સમયનો બગાડ થતો હોવાથી આજથી હું ફેસબુક વાપરવાનું બંધ કરું છું.'(આ વાક્ય તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું.) થવાનું શું હતું! ઉપરાછાપરી મેસેજ અને સેડ ઈમોજી ચાલુ થઇ ગયા. ‘વી વીલ મિસ યુ બેના…’, ‘એની ટાઈમ કમ બૅક માય ડિયર’, ‘થેન્ક્સ ફૉર યોર પ્રેઝન્સ’ વિગેરે વિગેરે..વધુમાં કોઈક હાર્ડકોર સોશ્યલ માણસ હતો તેણે તો એવું પણ લખી નાખ્યું કે ‘રેસ્ટ ઈન પીસ’. અને એ જ પોસ્ટમાં એ બહેન લોકોને સાત-આઠ દિવસ સુધી ‘થેન્ક યુ’, ‘મી ટુ..’ વિગેરે કરતા રહ્યાં.
દેખાડો તો મૂર્ખ માણસની અને નબળા વ્યક્તિત્વની નિશાની છે.
સાચે, આપણે દેખાડો ઘણો કરવો છે પણ અંતે આપણને જ ખબર નથી હોતી કે આપણે આવા છીએ કે નહીં.
-મૌલિક “વિચાર”