‘બેઠક’માં છે આવકાર આપનો,…. નથી ઔપચારિક ભાર ‘બેઠક’ના આંગણીએ રે પ્રેમ તણો સત્કાર

_dsc0027-2

_dsc0058

શ્રી બળવંતભાઈ જાનીનું સંન્માન બે એરિયાના ગુજરાતી સમાજના અગ્રણી સુરેશભાઈ પટેલ કરી રહ્યા છે.

_dsc0052

શ્રી બળવંતભાઈ જાની નું સન્માન કરી રહ્યા છે ગૌરાંગભાઈ- પંડ્યાપ્રતાપભાઈ પંડ્યાના સુપુત્ર )

ડૉ અંબાદાનભાઈનું સંન્માન કરી મોમેન્ટો આપી બેઠકને યાદગાર બનાવી . ફોટો -ડાબેથી બેઠકના આયોજક પ્રજ્ઞા દાદભાવાળા,ડૉ અંબાદાનભાઈ રાહડીયા,ડૉ બળવંતભાઈ જાની ,સુરેશભાઈ પટેલ,પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા,અને બે એરિયાના વડીલ શ્રી હરિકૃષ્ણ મજમુંદાર .

presentation1

_dsc0111

બેઠક ના પાયામા છે પ્રેમ સાથ સહકાર અને ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે નો પ્રેમ સાથે બધાનો સહિયારો પ્રયત્ન તસ્વીરમાં છે -ડૉ મહેશભાઈ રાવલ .પી.કે દાવડા.રાજેશભાઈ શાહ .કલ્પનારઘુ ,સપનાબેન વીજાપુરાઆયોજક પ્રજ્ઞા દાદભાવાળા ,બાબુભાઈ સુથાર ,મહેન્દ્રભાઈ મહેતા,તરુલતાબેન મહેતા ,જયશ્રીબેન મર્ચન્ટ,બેઠકનું બળ રમાબેન પંડ્યા,અતિથી વિશેષ ડૉ અંબાદાન ભાઈ અને ડૉ બળવંતભાઈ જાની પુસ્તક પરબના ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા ,શ્રી હરિકૃષ્ણ દાદા ,અને સુરેશભાઈ પટેલ

 સર્જક સાથે સાહિત્યસભર સાંજ 

પાંચમી નવેમ્બર 2016ની શુભ સાંજ ‘પુસ્તક પરબ’ ગુજરાતી સાહિત્ય પરિવાર કેલીફોર્નીયા અને ‘બેઠક ‘ના ઉપક્રમે  ડાયાસ્પોરા સાહિત્ય સારસ્વત ડો.બળવંત જાની અને ચારણી સાહિત્યના વિદ્વાન ડો.અંબાદાન રોહડિયાના સાંનિધ્યમાં સીમાચિન્હરૂપ ગણાય. કેલિફોર્નિયાના મિલપિટાસ નગરના ‘મિલન’ રેસ્ટોરન્ટમાં દિવાળીના   ઉલ્લાસ સાથે  સાહિત્ય રસિકોના  માતૃભાષા ગુજરાતી  માટેના પ્રેમનું ,ધગશનું ,સમૃધ્ધિનું હદયસ્પર્શી મિલન યાદગાર રહેશે.મુખ્ય મહેમાનોની જ્ઞાનપ્રદ વાણીના પ્રવાહને આકંઠ માણવા બે વિસ્તારના સાહિત્યપ્રેમી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા એટલું જ નહિ ડલાસ ,એલ.એ અને શિકાગોથી પણ મહેમાનો આવ્યા હતા.દિવાળીની ઉજવણી નિમિત્તે હોંશથી સજીધજી આવેલા રસિક સજ્જનો અને સન્નારીઓના  સુંદર વસ્ત્રોથી  વાતાવરણ રંગીન થયું હતું. જ્ઞાન ,સાહિત્ય અને સૌંદર્યની ત્રિવેણી મનોહર હતી.પ્રજ્ઞાબેને કાર્યક્રમના સંચાલનનો દોર સંભાળ્યો.  કલાત્મક રીતે સજાવેલા ટેબલની ખુરશીઓમાં ડો.બલવંતભાઈ જાની ,ડો.અંબાદાનભાઈ ,મુ.પ્રતાપભાઈ પંડ્યા  ,મુ.હરિકૃષ્ણદાદા તથા શ્રી સુરેશભાઈ વિરાજ્યા.મહેમાનોનું વસુબેન શેઠ અને જયોત્સનાબેને ફૂલગુચ્છથી સ્વાગત થયું. કાર્યક્રમની શરૂઆતમાં  બેઠક્ના ઉત્સાહી સભ્ય વસુબેને ગણેશ અને સરસ્વતીની પ્રાર્થના મધુર કંઠે ગાઈ. ‘બેઠક ‘ના સૂત્રધાર,આયોજક  અને કડી સમા પ્રજ્ઞાબેને સૌરાષ્ટ્રથી આવેલા મહાનુભવોનું સ્વાગત અનોખી રીતે કર્યું . તેમણે કાઠિયાવાડી લોકગીતની ઢબે સ્વરચિત ગીત એમના પહાડી ,મીઠા રાગે ગાઈ ‘બેઠક ‘અને ‘પુસ્તક પરબ’ તરફથી મહેમાનોને મીઠો આવકારો આપ્યો. ભાવવાહી ગીતના પ્રસંગને અનુરૂપ શબ્દોથી  પ્રજ્ઞાબેને મહેમાનોના  અને સાહિત્યરસિયાઓના દિલ જીતી લીધા.

‘બેઠક’ની સાહિત્યિક ,સામાજિક ,સંગીત ,નાટકો વિશેની વિવિધ પ્રવૃત્તિનો પરિચય આપવા કલ્પનાબેનને નિમંત્રણ અપાયું.કલ્પનાબેન એમની આગવી નાટકીય ઢબે ગીતના રણકામાં લચીલું ચાલતા આવી સૌને ખુશ કર્યા.તેમણે ખૂબ વિગતે ‘બેઠક ‘ની માતૃભાષા ગુજરાતીની સેવાની પ્રવૃત્તિ જણાવી. વાંચનની ભૂખને ‘પુસ્તક પરબ ‘ પૂરી કરે તો સર્જનની ,અભિવ્યક્ત થવાની ઝંખનાને ‘શબ્દોનું સર્જન’ પ્લેટફોર્મ આપે.સામાન્ય વાચકો લખતા થયા.કોલમ રાઇટર થયા.માતુભાષાનું સંવર્ધન શક્ય બન્યું.અનુભવી સર્જકોની પ્રેરણા અને બળથી નવા અને જાણીતા સર્જકો દ્વારા  બાર હજાર પુષ્ઠનો મહાગ્રંથ તૈયાર થયો.અમેરિકામાં વસેલા 100જેટલા ગુજરાતી સર્જકોના ડાયસ્પોરા સાહિત્યની નોંધણી થઈ.આ મહાગ્રંથ સંશોધક માટે મદદરૂપ  થશે.ભારતથી આવતા કવિઓ અને સર્જકો સાથે ‘બેઠક’ના આંગણે ગોષ્ટી ,મહેફિલ,ચર્ચા વિચારણા તથા પ્રશ્નોતરી થાય છે.દર મહિને મળતી સાહિત્યપ્રેમીઓની  બેઠક એવોર્ડ વિજેતા સાહિત્યકારોને સન્માને છે.એટલું જ નહિ કલાકારો અને ગાયકો સ્ટેજ પર તેમની રચનાઓને રજૂ કરે છે. નવા સર્જકોને પ્રોત્સાહન માટે સ્પર્ધાઓ પણ યોજાય છે.કલ્પનાબેન તમારું વ્યક્તવ્ય સરસ રહ્યું.

કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાબેને  સમયની સાથે રહેતાં મુખ્ય મહેમાન ડો.બળવંતભાઈ જાનીનો પરિચય આપવા લેખિકા તથા ‘બેઠક’ના સભ્ય અને પ્રેરણારૂપ તરુલતાબેન  મહેતાને નિમંત્ર્યા. ડો.બલવંતભાઈ જાનીના બ્રિટિશ ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યના સંશોધન  અને સંપાદનના કાર્યને બિરદાવતા તરુલતાબેને તેમને ઋષિ કહી માન આપ્યું. તેમના  ગુજરાતી  લોકસાહિત્ય ,જૈનસાહિત્ય,સંતસાહિત્ય ચારણીસાહિત્યના  આગવા સંશોધન તથા સંપાદનના કાર્યને તરુલતાબેને મહત્વનું પ્રદાન ગણાવ્યું.તે અંગેના પચીસેક પુસ્તકો તેમણે પ્રગટ કર્યા છે.ડો.બલવંતભાઈ ત્રેવીસ વર્ષથી ગુજરાતી ભાષા સાહિત્ય સંશોધન  ક્ષેત્રે ક્રિયાશીલ છે.બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના એકત્રીકરણ ,મૂલ્યાંકન સંશોધનને તેમણે 18 પુસ્તકોની શ્રેણીરૂપે પ્રકાશિત કરીછે.જેમાં અદમ ટંકારવી ,વિપુલ કલ્યાણી ,ડાહ્યાભાઈ પટેલ જેવા અનેકનો સમાવેશ થાય છે.અમેરિકામાં વસતા ગુજરાતી ડાયસ્પોરા સર્જકો માટે તેમના કાર્યની મૂલવણી થશે તેવા આશાના કિરણો દેખાય છે.

તરુલતાબેને કહ્યું કે ડો.બળવંતભાઈ કોઈએ ન કર્યું હોઈ તેવું કાર્ય કરવાની અભીપ્સા સેવે છે.(ના મૂલં લિખતિ કિંચિત )દેશ વિદેશમાં સર્જકહીરાને શોધે છે.તેમના કાર્યને મૂલવે છે અને પ્રકાશિત કરે છે.તેઓ ડિરેક્ટર ઓફ GRIDS છે.ડાયસ્પોરા એવોર્ડ કમિટીમાં,ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતીભાષાના સમિતિના સંયોજક છે.સભામાં હાજર ડો.બાબુભાઇ સુથારને 2010માં ગુજરાતી ડાયસ્પોરા સર્જક એવોર્ડ અપાયો હતો.ડો.બળવંતભાઈ  જાનીએ દેશવિદેશની યુનિ. માં અધ્યાપકની સેવા આપી છે.ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા.હાલ સૌરાટ્ર  યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ છે.આવો આવા ભોમિયા વિના ગુજરાતી સાહિત્ય સંશોઘન ક્ષેત્રે વિશ્વમાં સાહસ કરી સાહિત્યકાર રત્નોને પારખતા ડો.બળવંતભાઈ જાનીને સાંભળીએ.ત્યાર બાદ બળવંતભાઈ જાનીને ગૌરાંગભાઈ પંડ્યાએ ખેસ પહેરાવી સત્કાર્યા અને સુરેશભાઈ પટેલે આ પ્રસંગને યાદગીરી રૂપે મોમેન્ટો આપી બળવંતભાઈ ને નવાજ્યા.

ડો.બલવંત જાનીએ અહીંની ‘બેઠક’અને ‘પુસ્તકપરબ’ સાહિત્યિક પ્રવૃત્તિઓને બિરદાવી.મોટી સંખ્યામા ગુજરાતી ભાષા ,સાહિત્યપ્રેમીઓને મળી તેમને ખૂબ આનંદ થયો.’ડાયસ્પોરા ‘ એટલે વતનમાંથી નિકાલ થયેલા માણસો પણ હાલના યુગમાં લોકો સમૃદ્ધિ ,નોકરીની તકો તથા સારા જીવનની આશામાં સ્વેચ્છાએ પરદેશ જઈ વસે છે.તેઓ વતનઝૂરાપો ,એકલતા,સાંસ્કૃતિ ,ધાર્મિક સંઘર્ષ અનુભવે છે.વતનમાંથી મૂળિયાં હલબલી જાય પછી નવેસરથી પરકાદેશમાં સેટ થવાની ઊંડી મથામણમાંથી જન્મતી કવિતા ,વાર્તા ,નવલકથા સાહિત્યને ડાયસ્પોરાની ઓળખ મળી.’થનડો સૂરજ ‘ ઊગતા વિષાદની લાગણી અનુભવતા ગુજરાતી સર્જકોને દુનિયાના ખૂણે ખૂણેથી શોધી તેમણે સંશોધન કરી 18 પુસ્તકોમાં પ્રગટ કર્યું.મૂલ્યાંકન કરી એવોર્ડ આપ્યા.ગુજરાતી સાહિત્યના  મુખ્ય પ્રવાહમાં સ્થાન આપ્યું.તેમણે અમેરિકાના ગુજરાતી સર્જકોને હૈયાધારણ આપી કે તેમનો અવાજ ગુજરાત સુધી જરૂર પહોંચશે.જેમ લોકસાહિત્ય,ચારણીસાહિત્ય ,જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર મનાવા લાગ્યું છે તેમ ડાયસ્પોરા ગુજરાતી સાહિત્ય પણ ગણાશે.તેમના  જ્ઞાનસભર છતાં રસવાહી વ્યક્તવ્યમાં શ્રોતાઓ ધન્યતા અનુભવી રહ્યા.

ત્યાર પછી જાણીતા કવિયત્રી,બે વિસ્તારની સમગ્ર સાહિત્યિક પવૃત્તિના પ્રેરકબળ સમાન જયશ્રીબેન મર્ચન્ટ ડો.અંબાદાનભાઈ રાહડિયાનો પરિચય આપવા સ્ટેજ પર આવ્યાં.તેમણે મહેમાનું અભિવાદન કરી શરૂઆતમાં ચારણીસાહિત્ય અંગે શ્રોતાઓને રસપ્રદ વાત કરી.ચારણીસાહિત્યની  કવિતા,દુહાઓમાં જે ખુમારી,વીરતા ,સચ્ચાઈ જણાય છે તે દાદ માંગી લે તેવું છે.લોકોના હૈયામાંથી વહેતી કાવ્યધારામાં છંદોનું આયોજન સુંદર છે.ડો.અંબાદાન ભાઈએ ઝવેરચંદ મેઘાણીના ચારણી સાહિત્યના કાર્યને પ્રાણ આપ્યો છે.આવા મહાનુભવના બેએક પાનની યાદી થાય તેટલા પ્રકાશનો અને સંપાદનના પુસ્તકોની યાદી સમયની કરકસરમાં તેમણે બતાવી.કાઠીયાવાડનો કસુંબી રંગ માણવા ડો.અંબાદાનભાઈને આમંત્રણ આપ્યું ,આ સાથે રમાબેન પંડયાએ ખેસ અર્પણ કરી આશીર્વાદ આપ્યા અને પ્રતાપભાઈ પંડ્યાએ સુરેશભાઈ અને સૌ સાથે ભેગા મળી અંબાદાનભાઈને  મોમેન્ટો અર્પણ કર્યો. 

ડો.અંબાદાનભાઈ રાહડિયાએ તેમના નિકટના સ્વજન જેવા ડો.પ્રતાપભાઈ પંડ્યા તથા તેમના પત્ની રમાબેનનો પ્રેમથી કેલિફોર્નિયા આંગણે મેળાપ થયાનો આભાર માન્યો.કાઠિયાવાડની ધરતીનું ધાવણ જેણે પીધું છે તેવા આ વિદ્વાનના શબ્દોમાં ચારણીસાહિત્યની ઓળખ આપતા ઉત્સાહ અને પ્રેમ નીતરતો હતો.બે ઘડી સૌ શ્રોતાઓ ડાયરોના કસુંબલ રંગમાં રંગાયા.સ્વના ચારણકુટુંબની વાતોનો રસિક ખજાનો ખોલ્યો.માતાજી પરની શ્રદ્ધા દુકાળના કઠણ સમયે તેમના પિતાશ્રીને સો ગાયોની રખેવાળી કરવાનું બળ આપે છે.નારીશક્તિનું સન્માન ,રાજા પ્રત્યેની વફાદારી છતાં સચ્ચાઈને કહેવાની મર્દાનગી વંદનને પાત્ર છે.તેમને કંઠસ્થ ચારણી દુહાઓની તેમણે  અતૂટ રસધારા વહેવડાવી.ચારણોને કવિતા ,વીરતા ,શ્રદ્ધા ,ખુમારી ગળથુથીમાં મળ્યા છે.જે ધરતીમાંથી તેઓએ બળ મેળવ્યું છે,તેની ખૂલ્લાદિલે વાત કરતા,દુનિયાના લોકો ચારણીસાહિત્યને જાણે ,માણે તેવી ઋણ ચૂકવ્યાની લાગણી હતી.સૌ સર્જકો માટે અને શ્રોતાઓ માટે તેમનું વ્યક્તવ્ય પ્રેરણાકારી હતું. ભોજન રાહ જોતું હતું પણ સૌ સાહિત્યના રસથાળને માનવામાં મસ્ત હતા.

મુ.હરિકૃષ્ણદાદાને તેમની અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટેની નિસ્વાર્થ સેવા બદલ સન્માન અપાયું.સૌએ તાળીઓથી વધાવ્યા,બે એરિયાની સાહિત્યિક પ્રવૃત્તિના તેઓ અને તેમના પત્ની સ્વ.પ્રેમલતાબેન જનેતા અને પાલક છે. ઉંમરના બાધને ગણકાર્યા વિના વડીલ મુ.દાદા કાર્યક્રમમાં હાજર રહી સભાનું ગૌરવ વધારે છે.તેમને મારા વંદન છે.તેવા જ આદરણીય મુ.પ્રતાપભાઈ પડ્યા ‘પુસ્તકપરબ ‘ તથા બીજી સાહિત્યિક પવૃત્તિને ચેતનવંતી રાખે છે.તેમણે  સૌનો આભાર માન્યો.મહેમાનો સાથેનો તેમનો ઘરોબો આ પ્રસંગને પ્રાણ પૂરે છે.પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાએ આભાર વિધિ કરતા કહ્યું કે સારા કર્યો સહિયારા સહકારથી જ થાય છે પણ  ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેન બધાને જોડતી કડી છે ને એમને વલોણામાં ઉપર આવતી ભ્રમરકડી કહી ખૂબ સરસ રીતે માન આપ્યું.બહારના મહેમાનોની સરભરા,કાર્યક્રમનું આયોજન તેમના પ્રેમ ,ઉત્સાહ ,કુશળતાથી થાય છે.ગુજરાતી ભાષાના સ્નેહથી સંકળાયેલા અનેક મિત્રોની મદદ આવા પ્રોગામની સફળતાનું કારણ છે.એક પરિવારની ભાવનાથી સંકળાયેલા સૌના સહકારની સૌગાત કિંમતી છે.મહેમાનોએ તેમના પુસ્તકો ડો.પ્રતાપભાઈને અર્પણ કર્યા.સૌ મિત્રો ડો.બળવંત જાનીને તથા ડો.અંબાદાનભાઈને નિરાંતે મળ્યા,સ્વજનની જેમ ગોઠડી કરી.અંગત રીતે મને પણ બલવંતભાઈ જાની સાથે ભૂતકાળના સાહિત્યપરિષદના મેળાવડા ,મિલન મુલાકાતોની વાતો  કરવાનો આનંદ થયો.

ડીનરની સોડમ ,ક્લિક થતા કેમેરા,લોકોની સંતૃપ્તિની ભાવના,પ્રેમભર્યા હસ્તમેળાપો અને અંતે ભાવભર્યા વિદાયની વેળા.સૌને ધન્યવાદ, પુન: સાહિત્યકારોનું મિલન થતું રહે તેવી શુભેચ્છા.

તરુલતા મહેતા 2016 નવે.9

 https://youtu.be/YbFFstTUybU

https://youtu.be/aSAPyTeFZpshttps://youtu.be/aSAPyTeFZps

 https://youtu.be/aSAPyTeFZps