વાત્સલ્યની વેલી ૪૬) બાળકો શું ઈચ્છે છે?

અમે એરપોર્ટ પર કેન્સલ થયેલી ફ્લાઇટને લીધે કંટાળીને અફસોસ કરતાં બેઠાં હતાં. કેટલાંક લોકો ફોન કે કમ્પ્યુટર પર કાંઈ કામમાં વ્યસ્ત હતાં, તો કોઈ છાપું કે પુસ્તક વાંચતું હતું. પણ બાળકોને કોણ કહે કે ‘ભઇલા, આપણી ફ્લાઇટ કેન્સલ થઇ છે, એટલે હજુ ગેઇટ ઉપર વધારે રોકાવું પડશે ?’
અમારી પાછળની હરોળમાં એક યંગ કપલ સ્ટ્રોલરમાં બેઠેલ બાળકને રમાડવા પ્રયત્ન કરતું હતું .
મેં જોયું કે એ બે અઢી વર્ષનો છોકરો ધીમે ધીમે કંટાળી રહ્યો હતો. શરૂઆતમાં તો એની મમ્મીએ એને બીજાં પ્લેન વગેરે બતાવ્યાં હતાં, પણ હવે એનેય બીજાં કામ હોય ને ?
થોડી વાર પછી પપ્પાએ એનો ચાર્જ લીધો, અને એને ચક્કર મરાવ્યું. હવે એય કંટાળ્યો .પણ તોયે પેલા બાપે એને આઈસ્ક્રીમ લઇ આપ્યો . થોડી વાર પછી કોઈ ચોકલેટ પણ આપી ! હવે?
“ હવે બેસ નિરાંતે !” જાણેકે એનાં મા બાપ કહેતાં હતાં.
થોડીક વાર એને સ્માર્ટ ફોન પકડાવ્યો ; પણ બાળકને એમાંયે રસ ના પડ્યો !
મા બાપને પોતાની રીતે નિરાંતે બેસીને ફોનમાં કોઈની સાથે વાતો કરવી હતી ! નિરાંતે કોઈ સોસ્યલ મીડિયામાં પોસ્ટ મુકવી હશે – કે કાંઈ વાંચવું હશે. કે પછી કાંઈ પણ કર્યા વિના શાંતિથી બેસવું હશે! પણ પેલું બાળક કોઈને કાંઈ જ કરવાદેતું નહોતું !
એને દોડાદોડી કરવી હતી, કુદકા મારવા હતાં, અહીંયા ત્યાં – આને તેને અડકવું હતું.. આ ઉંમર જ એવી હોય છે ને? અને મા બાપ એને શાંતિથી બેસવા કહેતાં હતાં!
હવે?
હવે એ ક્જયે ચઢ્યો !
“ Just ignore him !”
બાપે ગુસ્સામાં પત્નીને કહ્યું ; “ હવે તું એની સામું જોઇશ નહીં ! રડવા દે !”
પણ એથી તો એ વધારે જિદ્દે ચઢ્યો! અને એણે ભેંકડો તાણ્યો!
પત્નીએ પણ ઘુરકિયું કર્યું ; “ શું જોઈએ છે તારે ?”
આવા પ્રસંગો આપણે ક્યારેક એરપોર્ટ પર, ગ્રોસરી સ્ટોરમાં કે કોઈ જાહેર સ્થળે – પાર્કમાં કે લાયબ્રેરીમાં જોતાં હોઈએ છીએ ! ( ઘરમાં તો આવું અવારનવાર બનતું હોય!)
શું જોઈતું હોય છે બાળકને?
થાકેલાં , કંટાળેલા મા બાપ એ ભૂલી જાય છે કે એ નાનકડું – ક્યારેક તદ્દન નાનું પાંચ – છ માસનું , ને ક્યારેક છ- સાત વર્ષનું – બાળક પણ એ મા બાપની જેમ જ કંટાળ્યું હોય છે ; અથવા તો એનીએ કોઈ આગવી ઈચ્છા હોય છે!
ક્યારેક કોઈ સ્ટોરમાં, મોલમાં કે એરપોર્ટ પર, નવાં વાતાવરણથી બાળક ખુબ આનંદમાં આવીને અધીરાઈથી બધી વસ્તુઓને અડકવા દોડે છે ! આ બધું બાળકોના વિકાસના સામાન્ય તબક્કાઓ છે – આશ્ચર્યથી અભિભૂત , આશ્ચર્યચકિત થઈને બાળક એની આસપાસનું વાતાવરણ જોવા , માણવા, સમજવા મથતું હોય છે!
પણ કેટલું વિચિત્ર છે માનવનું મન ! બાળકને નવું નવું જોવા, જાણવા અને માણવા માટે જ બહાર લઇ જતાં પેરેન્ટ્સ જયારે પોતે થાકી કંટાળી જાય છે ત્યારે આખી પરીસ્થિતિને અવળી રીતે સમજે છે! બાળક આપણું કહ્યું કરતું નથી એમ માનીને એને શિસ્ત શીખવાડવા અકળાય છે!
દુખતું હોય પેટ , અને ફૂટે માથું !
આવું ઘણી વાર મેં નોંધ્યું છે. આજે ફરીથી મેં નોંધ્યું,ને હું અચાનક જ બોલી ઉઠી ;
“ Do you want to make a new friend?”
વરસો પહેલાં એક વખત મેં એવાં જ ગુંગળાયેલા વાતાવરણમાં તાજી હવા આવે એવાં હેતુથી કહેલું . મારાં ખિસ્સામાં એ દિવસે કોઈ રમકડું કે એવું કાંઈ હતું.મેં એ નાનકડું પતંગિયું મારાંવિન્ટર કોટનાં ખિસ્સામાંથી બહાર કાઢ્યું ! (વીસેક વર્ષ પહેલાં, ડે કેર સેન્ટરમાંથી નિકળતાં છેલ્લી ઘડીએ કોઈ બાળકનું એ રમકડું હશે)
બસ ! પેલું રડતું બાળક – વિષયાંતર થવાથી – એનું ધ્યાન આમ કોઈ નવી વ્યક્તિ , નવી પરિસ્થિતિ , નવું રમકડું વગેરે તરફ ખેંચાયું ; અને રડવાનું બંધ થઇ ગયું ! અમે બંને મિત્રો બની ગયાં! અને મા- બાપ અને આજુબાજુનાં સૌએ નિરાંતનો શ્વાશ લીધો !
અને પછી તો આવી પરિસ્થિતિમાં ગુંગળાયેલ વાતાવરણને હળવું કરવાનું ઘણી વાર બન્યું છે.. એટલી બધી વાર ,કે અમુક પ્રસંગો ઉપર વાર્તા લખાય !
“ પણ, કોઈની એ પર્સનલ પરિસ્થિતિમાં માથું મારવું શું વ્યાજબી છે?” તમે પૂછશો !
એનો જવાબ છે : “ ના! અને હા!”
ના, કોઈના પર્સનલ પ્રોબ્લેમમાં અચાનક કૂદી પડવું અસભ્યતા ગણાય , પણ અમુક સંજોગોમાં જો બાળકનાં મા બાપની પરિસ્થિતિ એવું કહેતી હોય તો, બાળકને મદદ થાય તે હેતુથી સમસ્યા હલ કરવા પ્રયત્ન કરીશકાય !
આજે ફરીથી એક વાર મેં સંજોગો ઉભા થતા ઝંપલાવ્યું !
મેં અક્ળાયેલ મા સાથે આંખ મિલાવી અને પ્રયત્ન કરવા અનુમતિ માંગી . અક્ળાયેલ , કંટાળેલ માની જગ્યાએ કોઈ વાતો કરવા આતુર એવી નવી મારાં જેવી મિત્રને જોઈને પહેલાં એણે એક સેકન્ડ માટે મારી સામે નજર કરી અને મારાં હાથમાં લટકતી પર્સ સામે જોયું.. બસ! રડવાનું ભુલાઈ ગયું! એણે હાથ લાંબો કર્યો અને
પર્સની ચેઇન પર લટકતી લટકણને અડકવા પ્રયત્ન કર્યો.. હા, વધુ એક વાર રડતું બાળક ઘડીભર શાંત થઇ શક્યું : ભલેને બહુ નહીં પણ થોડી વાર માટે!
વાત્સલ્યની વેલની આ કોલમમાં એ કહેવાનો ઈરાદો છે કે :
બાળકોને જો યોગ્ય રીતે સમજીએ તો નાની નાની સમસ્યાઓ મોટી થાય તે પહેલાં જ ઉકેલી શકાય છે!
બાળપણ એટલે જ નાની નાની લાડકોડની મીઠી યાદોની સરવાણી!
Childhood comes only once in the life : give our children the best , that they can cherish rest of their lives !
“ બાળકો જીદ્દ કરે છે, આપણું ધ્યાન ખેંચવા કકળાટ કરે છે!” એવું નકારાત્મક કહેવાને બદલે ,
“ બાળક કુતુહલવશ જિજ્ઞાસાથી નવું જોવા ,જાણવા અધીરું થઇ ગયું છે ; એને આપણી સાથે મૈત્રી કરવી છે!” એમ કહેવા અને વિચારવાથી નકારાત્મક વલણ હકારાત્મક બની જાય!
હું તમારી સાથે મૈત્રી કરવા આવું તો તમે મને કેવા ઉમળકાથી આવકારો !
એમાં સંબંધ બાંધવાની વાત છે, એમાં મદદ માટે લંબાવેલા હાથની લાગણી છે! અને પ્રતિભાવ પણ એવો જ ઉષ્મા સભર હોય તે સહજ છે!
બસ, એ જ ઉમળકાનો ભાવ એવાં વિચિત્ર સંજોગોમાં પણ આવી જશે !અને લગભગ એંસી ટકા પરિણામ સારું જ આવે છે!આ મારો પર્સનલ અનુભવ છે…

વાત્સલ્યની વેલી ૪૫) બરાક ઓબામા !

વાત્સલ્યની વેલીમાં એવાં અનેક દ્રષ્ટાંત મેં મુક્યાં છે જ્યાં મા – બાપના ઝગડા કંકાસથી બાળક આડે રસ્તે ચઢી જાય ! દિશા વિહીન બની જાય! તૂટેલ ઘરમાં ઉછરેલા લગભગ બધાં જ બાળકો દારૂ ડ્રગ્સ અને હિંસા તરફ વળે ! પણ આજે વાત કરવી છે એ વ્યક્તિની જે મહાન થયા તે પહેલાં એમને નજીકથી મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું !
વર્ષ હતું ૨૦૦૪નું ! અમારે ત્યાં કોઈ મિત્રનો ફોન આવ્યો; “ એક આફ્રિકન અમેરિકન યુવાન રાજ્ય કક્ષાના (સામાન્ય )સેનેટર તરીકે ઉભો રહે છે અને એને આપણાં ભારતીય લોકોનો સપોર્ટ જોઈએ છે…”
સ્વાભાવિક રીતે જ આપણે બધાં ‘ દેશી’ એને જ સપોર્ટ કરીએ જેનામાં આપણને વિશ્વાશ હોય કે એ જીતશે ! “ એ પહેલી વાર જ સેનેટરની ચૂંટણી લડે છે ,પણ જીતી જાય તેમ લાગે છે!” એમણે કહ્યું.
એમના વિષે ગુગલમાંથી થોડી માહિતી એકઠી કરી .. શિકાગોમાં સાઉથ સાઈડમાં – હાઇડ પાર્ક વિસ્તારનો એ અશ્વેત ઉમેદવાર હતો ! અમારાં ડે કેર સેન્ટરથી થોડાં જ (અડધો માઈલ) દક્ષિણમાં જાઓ અને આખું નેબરહૂડ બદલાઈ જાય! અને ત્યાર પછી જેમ વધારે સાઉથમાં જાઓ તેમ તેમ હિંસા ,મારામારી ,ઝગડા કંકાસના બનાવો વધુ પ્રમાણમાં થતાં સંભળાય ! એવા વિસ્તારમાંથી આ યુવાન આવે છે!
અમે બાલમંદિર શરૂ કરવાના ઈરાદાથી ૧૯૮૮માં બિલ્ડીંગ ખરીદ્યું ત્યારે જ આખું નેબરહૂડ બદલાઈ રહ્યું હતું. મેં આગળ શરૂઆતનાં ચેપટરમાં લખ્યું છે કે અમે અમેરિકામાં લગભગ નવાં હતાં અને બાળ ઉછેરનું ભણવા માટે મેં એક વખત ,એક સેમેસ્ટર , કોઈ અજાણી જગ્યાએ અજાણ કોલેજમાં એડમિશન લઇ લીધેલું ..અને પછી એક એક શનિવાર મારે માટે ભયજનક બની ગયેલ !મેં છેલ્લા ચાર પાંચ શનિવાર ગેરહાજર રહીને જ પરીક્ષા આપેલી !
બસ ! બરાક ઓબામા (લગભગ )એ જ નેબરહૂડના !
સ્વાભાવિક રીતે એમની આજુબાજુના વિસ્તારમાં રહેતાં લોકો ગરીબ ,અભણ અને માર્ગ ભૂલેલાં! અમેરિકામાં જયારે સિવિલ વોર થઇ ત્યારે અશ્વેત પ્રજા ગુલામીમાંથી મુક્ત થઈને ઉત્તરના રાજ્યોમાં આવીને વસી . એમને શિકાગો અને ડેટ્રોઇટ જેવા મોટા શહેરોમાંથી મોટી ક્મ્પ્નીઓએ એ લોકોને રેલવે, બ્રિજ, હાઈ વે વગેરેના કન્સ્ટ્રક્શન માટે બોલાવ્યાં! .એમને નોકરી વગેરે મળી; પણ સદીઓથી ચાલ્યું આવતું અજ્ઞાન ,એમનાં ઉપર થયેલાં અત્યાચાર અને તેમાંથી ઉદ્દભવતું ફ્રસ્ટ્રેશન દૂર થયા નહીં ! એટલે એ વસ્તીમાં લૂંટફાટ , મારામારી , ખૂનામરકી અને ઘરફોડ ચોરી વગેરે જાણે કે સાવ સામાન્ય થઇ ગયાં! પણ કહ્યું છે ને , નાનકડો એક દીવડો પણ ગમે તેટલો સદીઓ જૂનો અંધકાર દૂર કરી શકે છે- જો એ ધારે તો ! એકઅંધારી ગુફામાં સદીઓ જૂનો ગુલામી ,અજ્ઞાન , આળસ રૂપી અંધકાર હતો! બરાકનાં આવ્યા પછી , મિશાલના જીવનમા પણ સામાજિક ક્રાંતિની જ્યોતનો પ્રકાશ પથરાયો હતો! હવે એ બન્નેએ હળી મળીને એ કાર્ય કરવાની હામ ભીડી હતી!મિશાલ તો એ જ નેબરહૂડમાં ઉછરી હતી!બન્ને જણ વકીલ હોવાથી કાયદાને સમજીને ,કાયદેસર બદલાવ લાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં! અને એ વર્ષોમાં ૨૦૦૪માં એ સેનેટર તરીકે પ્રથમ વાર ચૂંટણી લડવાના હતા: બરાક ઓબામાને આપણી ઇન્ડિયન કમ્યુનિટીનો સાથ જોઈતો હતો !
હા , એ નાનકડા સમારંભમાં અમે પણ ગયાં હતાં.
વાત્સલ્યની વેલીમાં એજ વાત કરવી છે કે કેવાં કપરાં સંજોગોમાં બરાકનું બાળપણ પસાર થયું હતું! અશ્વેત બાપ અને શ્વેત ટીનેજર માનો એ દીકરો હતો! અમેરિકાના છેક નોર્થ વેસ્ટ રાજ્ય વૉશિન્ગટનના સિયાટલ ગામમાંથી ફર્નિચરના સ્ટોરવાળાએ સ્ટેન્લી દુનહમને -બરાકનાં નાનાને – હવાઈ હાનાલુલુ મોકલેલ! ત્યાં બરાક ઓબામાની મમ્મી એન દુનહમ જે ત્યારે માત્ર સત્તર વર્ષની હતી, એને કોલેજમાં સિનિયર બરાક સાથે મૈત્રી થઇ- જે પોતે કેન્યાનો હતો !
ક્યાં હવાઈ! ક્યાં કેન્યા ! ક્યાં અમેરિકાનું સિયાટલ!!
અઢાર જ વર્ષની ધોળી એનને સિનિયર બરાકથી બાળક જન્મે છે જે અશ્વેત છે! અને સમાજના અનેક વાંધા વચકાનો એ લોકો પણ ભોગ બને છે! બરાક માત્ર ચાર જ વર્ષનો છે અને એની મા આ હબસી પતિને છોડીને બીજા ઈન્ડોનેશિયન સ્ટુડન્ટ લોલો સાથે પરણે છે!
છ સાત વર્ષની ઉંમરે બરાક એની માં અને એના સ્ટેપફાધર લોલો સાથે ઇન્ડોનેશિયા ગયો ! જુદા દેશ , જુદાં લોકો અને ભારત કરતાંયે ગરીબ એ દેશની રહેણીકરણી ! પણ એ બધી મુશ્કેલીઓ છતાં એ આગળ વધવા પ્રયત્ન કરે છે !
Dreams from my Fatherમાં બરાક ઓબામાએ પોતાનાં બાળપણ વિષે લખ્યું છે. પોતાનો દીકરો ઇન્ડોનેશિયાના સમાજથી ઉપર આવે એ માટે એની મમ્મી એને રોજ સવારે ચાર વાગે ઉઠાડીને ભણવા બેસાડતી ! “ મારે માટે આ અઘરું હતું , પણ મમ્મી કહેતી કે, મારેય આ કાંઈ સરળ નથી !તારી જેમ હુંયે સવારે તારી સાથે ચાર વાગે ઉઠું છું, અને તને ભણાવીને સાત વાગે નોકરીએ જાઉં છું ને?
વળી પાછો , દશ વર્ષની ઉંમરે આ બાળક નાના – નાની સાથે રહીને ભણવા પાછો આવે છે! પણ, લો ! અહીંયા ય કાંઈ લાઈફ સરળ નથી! બધ્ધાંજ ધોળીયાઓ વચ્ચે રડ્યા ખડ્યાં કાળિયાઓ વચ્ચે એ પોતાનું અસ્તિત્વ શોધે છે! હું કોણ છું?
ક્યારેક આ દેશમાં કોઈ આપણી સાથે વહેરો આંતરો કરે તો આપણને ડિસ્ક્રિમેશન કર્યાનું દુઃખ થઇ જાય ! પણ બરાકનું જીવન કેવું હશે તેની કલ્પના કરો !એક પ્રસન્ગ વાંચીને આંખમાં ઝળઝળિયાં આવી ગયેલ !નાના નાની વચ્ચે ઝગડો ચાલતો હતો.
નાનીએ કહેલું કે હવે હું બસમાં નહીં જાઉં!
પંદરેક વર્ષના બરાકે નાનાને કહ્યું કે, કાંઈ વાંધો નહીં; હું નાનીમાને ગાડીમાં મૂકી આવું!
ને ગુસ્સામાં નાનાથી બોલાઈ જવાય છે; “ એને બસમાં નથી જવું કારણકે ત્યાં એક કાળીયો ઉભો હોય છે!”
પોતાનાં જ ઘરમાં એ બાળકને કેટલું એકલવાયું લાગ્યું હશે , તમને એની કલ્પના થાય છે? અને એ વખતે એની સગી મા તો જોજનો દૂર હતી! બરાકે ધ્યાન ના રાખ્યું હોત તો પોતે પણ નશામાં ચકચૂર બનીને , દારૂ ડ્રગ્સ ના બન્ધાણી બની ગયા હોત, સોબતની અસરોથી ! પણ કદાચ એ ટીનેજર છોકરાએ મનમાં નક્કી કર્યું હશે, પોતાનાં જેવાં અનેક યુવાનુંની ભાવિ બદલવાનું !
“ તું તારા દિલનો દીવો થાને! ઓરે,ઓરે, ઓ ભાયા!” ( સ્નેહરશ્મિ)
બરાક ઓબામાને એ દિવસે ,2004 શિકાગોના ગાંધીમાર્ગની એ રેસ્ટોરન્ટમાં મળવાની તક મળી હતી. બહુ થોડા માણસો હતાં. અમે સૌએ એમની સાથે ભારતીય ઇમિગ્રેશન અને બિઝનેસ વિષે પ્રશ્નોત્તરી કરેલી ;પણ નોકરી કરતી એકલી બહેનોને બાળઉછેર સંસ્થાઓ કેવી રીતે મદદરૂપ થઇ શકે તે બાબત એમની સાથે ચર્ચા કર્યાનું યાદ છે.. ત્યારે પણ નજીકનાં મિત્રોનું કહેવું હતું કે એ કોફી & ક્રીમ ( કાળો બાપ અને ધોળી મા નું સંતાન ઓબામાએ પોતે જ લખ્યું છે ,કે જે રીતે લોકો એને ઓળખતાં) ભવિષ્યમાં અમેરિકાના પ્રમુખ બનવાની ક્ષમતા ધરાવે છે!અને માત્ર ચાર જ વર્ષમાં ૨૦૦૮ નવેમ્બરમાં ઇતિહાસ સર્જાયો ! પ્રથમ અશ્વેત વ્યક્તિ અમેરિકાનો પ્રેસિડન્ટ બની !
આ કેવી રીતે બન્યું ?
બરાકે એ દુઃખો અને દર્દને પચાવીને અન્યને સહાય કરવા કમર કસી !
મુશ્કેલીઓ છે તો એને હલ કરવા પ્રયત્ન કરો ! એને સહન કરવાને બદલે એને નાબૂદ કરવા ઉપાય શોધો !
અમેરિકામાં હેલ્થ ઇન્સ્યોરન્સ મહત્વનો પ્રશ્ન હતો! ઓબામા કેર એનો ઉકેલ હતો!
પોતાને માટે તો સૌ જીવે છે; પણ જયારે આપણે અન્યની મુશ્કેલીઓને હલ કરવા પ્રયત્ન કરીએ છીએ તો આપણું દુઃખ હળવું થાય છે અને કાંઈક કરી છુટયાંનો સંતોષ થાય છે! અને ૨૦૦૯ માં એમને વિશ્વશાંતિ પ્રયત્નો માટે નોબલ પ્રાઈઝ પણ મળ્યું ! પ્રેસિડન્ટ તરીકે આઠ વર્ષ વ્હાઇટ હાઉસમાં રહ્યાં ત્યારે કૌટિમ્બક ઐક્યની સુગંધ એ પરિવારમાંથી સતત લહેરાયાં કરતી હતી, અને પત્રકારો અવારનવાર એનો ઉલ્લેખ પણ કરતાં હતાં! બાળકોને કેવી રીતે ઉછેરવાં એ બાબત મા તરીકે મિશાલ પાસે એક સ્પષ્ટ ફિલોસોફી હતી, પ્રેમ અનેહૂંફ સાથે નીતિ નિયમ સહ માર્ગદર્શન એ એની વાત્સલ્ય વેલીનાં ખાતર રહ્યાં છે!

ગીતા ભટ્ટ 

વાત્સલ્યની વેલી ૩૭) એક એક્ઝિટ ઇન્ટરવ્યૂ !ટીચર ક્લોવીની વાત!

વાત્સલ્યની વેલી ૩૭) એક એક્ઝિટ ઇન્ટરવ્યૂ !ટીચર ક્લોવીની વાત!

ઇન્ટરવ્યૂ તો જયારે કોઈને નોકરીએ રાખીએ ત્યારે લેવાનાં હોય; એ વ્યક્તિ વિષે બધું જાણવા માટે. એ શું ભણેલ છે, જે કામ માટે એને નોકરીએ રાખીએ છીએ તેને માટે શું એ ખરેખર યોગ્ય છે કે માત્ર ચોપડીયું જ્ઞાન જ ધરાવે છે? વળી બાળકોના ક્ષેત્રમાં ભણતર તો જરૂરી છે જ, પણ કોઠાં સૂઝ પણ એટલી જ જરૂરી છે. એટલે નોકરી માટે હાયર કરતાં એ ઇન્ટરવ્યૂ જરૂરી ગણાય!

પણ એક્ઝીટ ઇન્ટરવ્યૂ?

જે નોકરી છોડી દે છે તેની સાથે મુલાકાત કરવાનો શો અર્થ ?

ક્લોવી અમારે ત્યાં થોડા સમય પહેલાં જ આવી હતી. બાળ ઉછેર ક્ષેત્રમાં એણે નજીકની કમ્યુનિટી કોલેજમાંથી એસોસિએટ ડીગ્રી લીધી હતી. પચ્ચીસેક વર્ષની લોકલ શ્વેત અમેરિકન ક્લોવી આદર્શવાદી હતી અને જિંદગી વિષે ઉંચા ખ્યાલો ધરાવતી હતી. જો કે એને આ ફિલ્ડમાં બાળકો સાથે કામ કરવાનો અનુભવ નહોતો.

“ કાંઈ વાંધો નહીં ;” મેં વિચાર્યું ; “ દરેક બાબતમાં ક્યારેક તો ફર્સ્ટ ટાઈમ હોય છે જ! અહીં એને એ First time working with kids અનુભવ અને ટ્રેનિંગ મળશે !”

ક્લોવીને સવારની શિફ્ટમાં કામ કરવાનું હતું.

“ ગમે તેવી ખરાબ વેધર હોય, સ્નો હોય કે સ્ટોર્મ , તારે સાડા છ પહેલાં સેન્ટરનાં બારી બારણાંના પડદા વગેરે ખોલી બાળકોને આવકારવા તૈયાર રહેવાનું!” મેં એને જોબ આપતાં પહેલાં જવાબદારી સમજાવી; “આ એક ખુબ જ મહત્વની જવાબદારી છે…” મેં એ વિષે ઉંડાણથી સમજાવ્યું : એ ન થવાથી કેટલા મોટા પ્રોબ્લેમ્સ થઇ શકે છે:

– પોતાની નોકરીએ મોડાં પહોંચવાથી કોઈ પેરેન્ટ્સ એમની નોકરી ગુમાવે , કોઈબાળક ઠંડીમાં બહાર રહેવાથી માંદુ પડી શકે, બહાર ગાડીઓમાં પેરેન્ટ્સ રાહ જુએ તો ટ્રાફિક જામ થઇ જાય, પોલીસ આવે તો વળી બીજાં પ્રશ્નો ઉભા કરે! વગેરે વગેરે.. આ બધી મુશ્કેલીઓ જો તું ડે કેર મોડું ખોલે તો થઇ શકે છે !

ઉત્સાહથી એણે એ શિફ્ટ સ્વીકારી અને કામે લાગી ગઈ.આમ પણ મુખ્ય ટીચર નિયમ અનુસાર સાત વાગે આવી જાય એટલે ક્લોવીને માથે બીજી કોઈ મુખ્ય જવાબદારી નહોતી. પણ થોડા જ દિવસોમાં પેરેન્ટ્સ તરફથી ફરિયાદ આવવા માંડી. મુખ્ય ટીચર( એ દિવસોમાં એલિઝાબેથ હતી) એણે પણ ફરિયાદ કરી કે ક્લોવી આખો દિવસ વોક્મેનમાં મ્યુઝિક સાંભળે છે! એ વર્ષોમાં વોકમેન નામનું ઇલેક્ટ્રોનિક ગેજેટ બહુ પ્રચલિત હતું. હેડ ફોન કાને લગાડીને ખિસ્સામાં રાખેલ વોકમેનમાંથી એ મ્યુઝિક સાંભળે!

ક્લોવીની દલીલ હતી કે બાળકોની સંભાળ રાખવામાં હાથ ,પગ અને આંખની જરૂર હોય છે! સવારના પ્હોરમાં બાળકોને બાથરૂમમાં લઇ જવા હોય કે હાથ ધોવડાવવાનાં હોય કે બ્રેકફાસ્ટ સર્વ કરવાનો હોય કે આવી રહેલ બાળકનાં કોટ ,સ્કાર્ફ ગ્લવ્ઝ કાઢીને ખીંટીએ લટકાવવાનાં હોય તેમાં હેડ ફોન કોઈ રીતે અવરોધ કરતાં નથી !

“અને બાળકો કાંઈ પૂછે છે તો મને બધું જ સંભળાય છે!” એણે દ્રઢતાથી કહ્યું ! મારી પાસે કોઈ દલીલ નહોતી કે હું એને સમજાવી શકું! એણે એનો હેડફોનનો વપરાશ ચાલુ જ રાખ્યો ! હવે ?

હવે શું કરવું ?

ડોસી મરે એનો વાંધો નહોતો; જમડા ઘર ભાળી જાય તેનો ડર હતો!!

મને સમજાતું નહોતું કે કોકડું કઈ રીતે ઉકેલવું !એક ટીચર જો મનસ્વી રીતે વર્તે તો બીજાં બધાં સ્ટાફ ઉપર પણ અવળી અસર પડે ! અને બીજી બધી રીતે એ ક્વોલિફાઈડ હતી એટલે ઉતાવળમાં જે તે પગલું પણ સંસ્થા માટે યોગ્ય નહોતું !

પણ દર અઠવડીયાની જેમ એ શુક્રવારે જયારે હું ક્લોવી સાથે ઓફિસમાં બેસીને વીતેલા અઠવાડિયાની વાતો કરતી હતી ત્યારે મને લાગ્યું કે એનું ધ્યાન બીજે ક્યાંક હતું. ચેક લઈને એ ઓફિસની બહાર નીકળી ;( આ એ વર્ષોની વાત છે જયારે ઓન લાઈન પેયમેન્ટ શોધાયેલ નહોતાં! દર અઠવાડિયે બધાં એમ્લોઇના કલાકોની ગણતરી અગાઉથી કરીને, કહેવાનાં – ચર્ચા કરવાના મુદ્દાઓ લખી રાખીને સમસ્યાઓનો સર્જનાત્મક ઉકેલ ચર્ચવાની પદ્ધતિ રાખેલી) ક્લોવી દિવસ પૂરો કરીને નીકળી ગઈ, પણ પ્રશ્ન તો ઉભો જ હતો: વોકમેનનો !

સોમવારે અચાનક જ મારી આંખ ઉઘડી! કાંઈક અજુગતું થઇ શકે છે! મને લાગ્યું ; અને અમારાં ઘરેથી આંઠ માઈલ દૂર આવેલ અમારી સ્કૂલે પહોંચી ગઈ! હા, ક્લોવી આવી જ નહીં !

ભગવાનની કૃપાથી અમે એક મોટી મુસીબત માંથી બચી ગયાં! ડે કેર સમયસર ખુલ્યું ના હોત તો ?પણ ડે કેર પર એના સમય મુજબ બાળકોને આવકારવા હું હાજર હતી!! અને ત્યાર પછી બીજી બેક અપ હેલ્પ પણ તૈયાર જ હતી!

જિંદગીમાં આવા અનેક નાના મોટા પ્રસંગોએ ક્યારેક કોઈ ટેલિપથીથી ડિઝાસ્ટર ઘટતાં પહેલાં ગંધ આવી જાય છે! અને ભગવાન ઉગારી લે છે!

જીવનમાં કોઈ આપણને રંગ ભેદ કે જાતિ ભેદ કે ધર્મ કે એવાં તેવાં ડિસ્ક્રિમેશન ભેદભાવથી જુએ છે એમ માનવને બદલે એ બધાથી ઉપર થઈને આવી રીતે કામ કરીને સફળ થવાનો આનંદ અનેરો છે!

એક વખત આવા જ એક એક્ઝીટ ઇન્ટરવ્યૂમાં મેં એ બેનને સીધું જ પૂછ્યું હતું; “જયારે તમે અહીંથી જાવ છો તો તમારી થોડી કૉમેન્ટ્સ ,કંપ્લેઇન્સ કે કોમ્પ્લિમેન્ટ્સ મને આગળ વધવામાં મદદરૂપ થશે !” અને એ બહેને મને પ્રામાણિક રીતે એમનો અભિપ્રાય આપેલો ; ( જે ઇન્ડિયન લોકો માટે,ઇન્ડિયન સ્ત્રી માટે અને ઇન્ડિયન સંસ્કૃતિ માટે હતી! હું આભી બનીને સાંભળી જ રહી . જો કે એ કૉમેન્ટ્સ હું ક્યારેય ભૂલી નથી . બસ , એમાંથી પ્રેરણા લેવા પ્રયત્ન કર્યા છે)અને અનેક કારણોમાંથી એક એ કારણ પણ હતું કે મને નેશનલ લેવલે હરીફાઈ કરવાનું મન થયેલ.

બાળકો સાથે કામ કરતાં કરતાં અમે પણ ઘણું ઘણું શીખી રહ્યાં હતાં! આ એક ઘણું જ સેન્સિટિવ ક્ષેત્ર હતું, એમાં ઘણાં પડકારોનો સામનો કરવો પડતો હતો, પણ આખરે તો એ બધું બાળકોના હિતાર્થે જ હતું! આપણી સંસ્કૃતિ કહે છે કે અતિથિને આવકાર , અને જાય ત્યારેય એને બારણાં સુધી વળાવવા જવાનું કહે છે! આ પ્રત્યેક વ્યક્તિ માટે સત્ય છે. આંગણે આવેલને બે ઘડી સાંભળો ,પાણી આપો અને જાય ત્યારે “ આવજો !” કહી વિદાય આપો! આપણી સંસ્કૃતિ મનુષ્ય સાથે પશુ પંખી અને વનસ્પતિનેય પ્રેમ કરવાનું કહે છે; જો કે હવે બધું બદલાઈ રહ્યું છે! અને ટેક્નોલોજીના આ જમાનામાં ફેસ ટુ ફેસ મળવાનું ઓછું થઇ જતાં સમસ્યાઓ પણ વધી ગઈ છે. ડે કેરમાં બાળકોનાં ઉછેરમાં પણ બદલાવ આવવા માંડ્યાં છે. કેટલીક વાત કહ્યા વિના માત્ર બોડી લેંગ્વેજથી સમજાતી હતી તે હવે રૂબરૂ મળ્યા વિના કેવી રીતે સમજાય ?

નવી પેઢીને એમના નવા પ્રશ્નો છે પણ બાળકો હજુ આજે પણ જન્મે પછી હૂંફ ઝંખે છે, સ્પર્શ ઝંખે છે, પ્રેમ માંગે છે: જેટલો પ્રેમ,હૂંફ,સ્પર્શ હજારો વર્ષ પહેલાં આદિ માનવનું બાળક ઝંખતું હતું! કેટલાક મૂલ્યો અચલ છે, શાશ્વત છે! બાળપણ એવું જ એક શાશ્વત સત્ય છે!

કુમળાં બાળકોનાં જીવનનાં પાયામાં અમી સિંચનનો લ્હાવો અમે વરસો સુધી લીધો ! અને એ આહ્લલાદક અનુભવોનો રોમાંચ આજે પણ અનુભવું છું !!

 

વાત્સલ્યની વેલી ૩૫) સિસ્ટર એન્જલિના !

સિસ્ટર એન્જલિના !
અમેરિકામાં લગભગ ૫૦% બાળકો રોજ મા સિવાયની કોઈ વ્યક્તિ પાસે દિવસનો મહત્વનો સમય પસાર કરતાં હોય છે. એમાંના પચાસ ટકા અમારાં ડે કેર સેન્ટર જેવી ઇન્સ્ટિટ્યૂશનમાં જતાં હોય છે. એ આંકડાઓ તરફ ધ્યાન આપીએ તો આપણને સમજાય કે એક સામાન્ય મધ્યમ વર્ગના બાળકનો ઉછેર કેવી રીતે થાય છે. જે રીતે કદાચ આપણે ઉછર્યાં – જ્યાં મમ્મી ઘરે રહીને કુટુંબ સાંભળે અને પપ્પા આર્થિક મોરચો સાંભળે- એનાથી જુદી સોસાયટી અહીંયા : પપ્પા કામ કરે ,મમ્મી પણ કામ કરે અને ક્યારેક એ એકલી જહોય અને બાળક ઉછેરતી હોય( એ રીતે પપ્પા માટેય ખરું!) એટલે બાળકોને ડે કેરમાં મૂકવાં પડે ! જો કે હવે દેશ – પરદેશ બધે પરિવર્તન આવી રહ્યું છે… તેમ છતાં હજુ આજે પણ આપણે ત્યાં સંયુક્ત કુટુંબ જળવાઈ રહ્યાં છે! અને બાળકોને સંયુક્ત કુટુંબમાં ઉછરવાનો અનુભવ મળે છે.
સંયુક્ત કુટુંબના ગેરફાયદાઓ હશે જ પણ નાના બાળકોને લાગે વળગે છે ત્યાં સુધી તેઓને ભવિષ્ય ઘડતરમાં ઘણો લાભ થાય છે! જો કે યુવા વર્ગને પણ જોઈન્ટ ફેમિલીનાં ઘણા ફાયદા થાય છે!
આપણાં જેવાં ઈમિગ્રન્ટ્સને અહીંનો આછેરો ચિતાર મળે ,અને બાળઉછેર જેવાં મહત્વના ક્ષેત્રમાં આટલાં બધાં વર્ષો કામ કર્યું તેની હજ્જારો યાદગાર ક્ષણોમાંથી થોડી અહીં વાચક મિત્રો સાથે વાગોળું છું.
જો કે હવે આપણે પણ અડધી સદીથી અહીંયા વસ્યાં છીએ ,હવે મુખ્ય રસ્તાનાં થઇ ગયાં છીએ , હવે બીજી – ત્રીજી પેઢીનાં બાળકો અહીં ઉછરી રહ્યાં છે! પણ ત્રણ દાયકા પહેલાં, હજુ બે સંસ્કૃતિ વચ્ચેની અવઢવ ,મુંઝવણ અને આશ્ચર્ય વચ્ચે અનુભવેલ કેટલાક સ્વાનુભવો બાળ ઉછેર ક્ષેત્રનાં અહીં રજૂ કરું છું .
આજે સિસ્ટર એન્જલિનાની વાત કરું: કદાચ એ સંયુક્ત કુટુંબમાં રહેતી હોત તો તેની વાત કદાચ જુદી જ હોત!
કેટલીક વ્યક્તિઓ તમને ભલેને અલ્પ ક્ષણો માટે જ મળી હોય, પણ જિંદગી ભર યાદ રહી જાય છે.એન્જલિનાએ અમારે ત્યાં માત્ર એક જ અઠવાડિયું કામ કર્યું હશે, પણ એ મને કોઈ અગમ્ય કારણથી યાદ રહી ગયાં છે!
૧૯૯૦- ૯૧ માં અમારે પાર્ટ ટાઈમ માટે કોઈ શિક્ષિકા બેનની જરૂર હતી . ખુબ સારું ક્વોલિફિકેશન ધરાવતાં આધેડ વયના એક બેન એન્જલિના પ્રાથમિક મુલાકાતે આવ્યાં.

આમ જુઓ તો આ ક્ષેત્ર ખુબ પડકારરૂપ છે. બાળકોને રાખવાનાં, રમાડવાનાં અને સતત કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલા રાખવાનાં; સાથે સાથે એમનાં સર્વાંગી વિકાસને અનુરૂપ બધી પ્રવૃત્તિઓ હોવી જોઈએ ! અને આ બધું ગોઠવ્યા બાદ , બાળકમાં એ પ્રકારની ઈચ્છા અને ધગસ ઉભાં કરવાનાં! કોઈ પણ બાળકને ફોર્સ કરીને અમુક પ્રવૃત્તિ કરવા બેસાડાય નહીં, બાળકને એ પ્રવૃત્તિ કરવા પ્રેરણા મળે એવું વાતાવરણ અને સંજોગો ઉભાં કરવાનાં! એક કુશળ શિક્ષક જ આ કરી શકે ! અને બદલામાં આર્થિક વળતર ઓછું , મહેનત વધારે અને જવાબદારી સૌથી વધારે, જો કે જે આત્મ સંતોષ, પેરેન્ટ્સ તરફથી અહોભાવ અને બાળકોનો પ્રેમ મળે તેનો જે આનંદ થાય તે તો જેણે આ ક્ષેત્રમાં કામ કર્યું હોય તે જ જાણે ! અને એ ઉમદા ભાવનાથી જ તો ઘણી નવયુવાન આદર્શવાદી યુવતીઓ આ બાળમાનસ વિષયમાં ગ્રેજ્યુએટ થઈને આવે !
મિસ એન્જલિના સાહીંઠેક વર્ષનાં હતાં અને બાળ માનસ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવતાં હતાં!
લગભગ ત્રીસ વર્ષ પહેલાં આ ક્ષેત્રમાં આટલાં જ્ઞાની ઉમેદવારને આવી પાર્ટ ટાઈમ નોકરી માટે હું મળી નહોતી .ઔપચારિક ઇન્ટરવ્યૂ પછી એ બાળકોના વર્ગમાં ગયાં!
બાળકોને વર્ગમાં રમાડતાં રમાડતાં એમણે મને કહ્યું : જુઓ બે વર્ષનાં બાળકો આખાં વાક્ય ના બોલે પણ છુટા છુટા શબ્દો બોલે! “ One walk, Two talk! Three dance and Four surpass !”એક વર્ષે ચાલતાં શીખે , બે વર્ષે બોલતાં! ત્રણ થાય ત્યાં મંડે નાચવા ( કૂદવા ) ને ચાર થાય ત્યાં આ બધાંથી આગળ થઇ જાય!
એમને ચોપડીયું જ્ઞાન ઘણું બધું હતું પણ તેઓ ક્લાસમાં બાળકોને સાંભળી શકે તેમ નહોતાં. બે ત્રણ રીતે પ્રયત્નો કર્યાં પછી લાગ્યું કે એ આ ક્ષેત્રમાં કામ કરી શકશે નહીં. હવે તેમને ના પાડવાની હતી પણ એમ સીધી રીતે ,આટલું બધું ભણેલી, વિદ્વાન , વડીલ , વ્યક્તિને કહેવું કેવી રીતે? એમની સાથે કોઈ સર્જનાત્મક – હકારાત્મક (Creative Criticism ) રીતે વાત કરવાની ફરજ પડી. દેશમાં મેં આખી જિંદગી નોકરીઓ શોધવામાં કાઢી હતી. એટલે કોઈ પણ વ્યક્તિને ના કહેતાં પહેલાં મને મારા એ દિવસો જરૂર યાદ આવે જ. એટલે મેં , એ એન્જલિનાને – પ્રમાણમાં થોડાં ઓવર વેઇટ ,પણ મોંઘા કપડાં પહેરેલ ચર્ચની નન જેવાં લાગતાં ગોરા સિસ્ટરને સાંજે ડે કેર બંધ થયાં બાદ નોકરીની વાત કરતાં પહેલાં એમનાં જીવન વિષે પૂછ્યું !
આમ તો કોઈની અંગત જિંદગીમાં માથું મારવું એ બરાબર ના કહેવાય ! પણ મૂળ વાત કરતાં પહેલાં એમનાં વિષે વધુ જાણવું જરૂરી હતું.
“ તમે ખુબ ભણેલાં છો પણ અમારાં ડે કેર સેન્ટર કરતાં કોઈ બીજા મોટા ડે કેર સેન્ટરમાં તમારી સેવાઓ વધુ યોગ્ય રહેશે .” મેં હળવેથી કહ્યું.
પણ વાત શરૂ કરું તે પહેલાં જ એકાકી અટુલી જિંદગી જીવતી એ એન્જલિનાએ રડતાં રડતાં પોતાનાઅંગત જીવનની વાત કરી … ‘આ ડેકેર માટે તેઓ અનફિટ છે ‘કહેતાં આ રિજેક્શનને સાંભળતાં જ એમણે અનેક કારણો રજૂ કરવા માંડ્યા ! જાણે કે એમને આ નોકરી છોડવી જ નહોતી! ખુબ આશ્ચર્યથી હું આ જોઈ રહી! …
સરળ , શાંત અને શરમાળ એન્જલિનાની આખી જિંદગીમાં ક્યારેય કોઈ વ્યક્તિ મિત્ર બનીને આવ્યું જ નહોતું ! એને કોઈ ભાઈ બેન સગાં સબન્ધી કોઈ જ નહોતું! એક સિંગલ મધરનાં હાથે એ ઉછરી!
એક ડિગ્રી પછી બીજી ડિગ્રી! એ જે તે, જેમ તેમ ભણતી જ રહી! ના કોઈએ એને કોફી પીવા કે સિનેમા જોવાનું આમન્ત્રણ આપ્યું , કે ના કોઈને એ કોફી, લન્ચ કે એવી ડેઈટ માટે એવું પૂછી શકી !
આખરે એન્જલિનાએ ક્રિશ્ચિયન મિશનરીમાં જોડાઈને સિસ્ટર બનીને રહેવાનું નક્કી કર્યું, જ્યાં એ લોકો જીસસને પોતાના પતિ માને છે! પણ ઘરડી માં ને લીધે એણે એ વિચાર પણ માંડી વાળ્યો !
એન્જલિનાએ મને કરગરતાં કહ્યું કે એને
નોકરી નહીં પણ વોલેન્ટિયર રીતે કામ કરવું છે. જો કે ના નિયમ પ્રમાણે એ શક્ય નહોતું. “તમને કોઈ ચેરિટીનું માનવ સેવાનું કામ જરૂર મળી જશે ! “: આશા આપતાં એમને સમજાવ્યું . છેવટે એમણે મને વિનંતી કરી તમે પ્રાર્થના કરો કે દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યારેય મારાં જેટલી એકલી એકાકી ના હોય!” એમણે પરાણે ડે કેરને અલવિદા કહેતાં ભારે પગલે ડગ ઉપાડ્યા !
વાત્સલ્યની વેલીમાં બાળકો વિષે લખતાં, જે લોકો પોતે બાળકોને સાંભળે છે તે વિષે જાણીને જાણે કે હું મારી આગવી ફિલોસોફી રચી રહી હતી! શું એન્જલિનાને સંયુક્ત કુટુંબમાં દાદા દાદીનો પ્રેમ મળ્યો હોત તો એનું જીવન કદાચ જુદું જ ના હોત?

વાત્સલ્યની વેલી ૩૪) ટીચર મેલાનિની એક માત્ર ઈચ્છા ! મારુ પણ એક કુટુંબ હોય!

એક માત્ર ઈચ્છા ! મારુ પણ એક કુટુંબ હોય!
મા બાપ આખો દિવસ નિશ્ચિન્ત રહીને પોતાનું કામ કરી શકે એટલે એમનાં બાળકો અમારે ત્યાં બાલમંદિરમાં આવે! પણ એમને સાચવનાર ટીચર્સના જીવન વિષે ક્યારેય વિચાર્યું છે ખરું કે એ લોકો કોણ છે? એ લોકોનુંયે અંગત જીવન છે !
પરંતુ એ વાત કરતાં પહેલાં આપણે આપણી દીકરીઓ વિષે વિચારીએ : ઘણી વખત આપણે આ દેશમાં આપણે બહુ હાડમારી ભોગવી એમ કહેતાં હોઈએ છીએ !
તો તમે ક્યારેય એવી પરિસ્થિતિમાં મુકાયાં છો કે જયારે તમારી સોળેક વર્ષની ,ટીનેજર, યૌવનમાં પગ મુક્તી દીકરી ,તમારી સામે થઇ હોય, તમારું કહ્યું માનતી ના હોય અને ઉદ્ધત બનીને પોતાનું ધાર્યું જ કરતી હોય? એવું બન્યું છે કોઈ દિવસ ?
“હા!” તમે કહેશો; “સંતાનો જયારે હાઈસ્કૂલમાં આવ્યાં એ સમય ઘણો કપરો હતો, પણ જ્યાં ત્યાં એ વર્ષો પણ વીતી ગયાં! “
એ એક એવો સમય છે કે જયારે સંતાનોમાં શારીરિક અને માનસિક ફેરફાર થતા હોય છે.જુવાની ફૂટતી હોય છે એટલે હોર્મોન્સમાં પણ પરિવર્તન આવતું હોય છે. ત્યારે મા બાપ તરીકે આપણું કર્તવ્ય તેઓની સાથે કમ્યુનિકેશનની કડી જોડી રાખવાનું હોય છે. તેઓને હળવેથી સમજાવીને, થોડું પટાવીને, જરાક આંખ આડા કાન કરીને ,ગાડી પાટા પરથી ઉતરી ના જાય તેનું ધ્યાન રાખવાનું હોય છે!
પણ હવે વિચાર કરો કે જેને મા બાપ જ નહોય , એટલેકે મા બાપ હોય પણ એમની પાસે આવો – આવો પાસે બેસીને વાત કરવાનો સમય જ ના હોય- એ સંતાનો શું કરે ?
મેલાનિ અમારે ત્યાં સમર વેકેશન દરમ્યાન પાર્ટ ટાઈમ નોકરી કરવા આવી હતી.
લગભગ અઢી દાયકા પહેલાની આ વાત છે.
ત્યારે છ વર્ષથી મોટાં બાળકો પણ અમારે ત્યાં આવતાં. એમની સાથે દોડાદોડી કરવા, ધીંગા મસ્તી કરવા અમે આ સોળ સત્તર વર્ષની હાઈસ્કૂલમાં ભણતી મેલાનિને હાયર કરી હતી. આમ તો એ નજીકની પબ્લિક સ્કૂલમાં ભણતી હતી, પણ એ કોઈ ફોસ્ટર સંસ્થામાં રહેતી હતી.
સમરમાં હું આ મોટાં બાળકોને પાર્કમાં લઇ જાઉં ત્યારે મેલાનિને પણ મારી સાથે રાખું. મેં આપણે ત્યાં દેશમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતી છોકરીઓ વિષે સાંભળ્યું હતું ,પણ આમ ફોસ્ટર ઇન્સ્ટિટ્યૂશન વિષે ક્યારેય સાંભળેલું નહીં.
“ એ ગવર્મેન્ટ દ્વારા ચલાવાતી હોસ્ટેલ કહેવાય.” મેલાનિએ મને કહ્યું.
એની મમ્મી સાથે એ મારામારી કરતી હતી એટલે એની મમ્મીએ પોલીસ બોલાવેલી અને એ વાતનેય દસકો વીતી ગયેલ ! (એ શા માટે આમ મારામારી કરતી હતી તેનું કારણ પૂછતાં એણે કહેલ કે એની મમ્મીના જુદા જુદા બોયફ્રેન્ડ એને ગમતા નહોતા !)
બે – ચાર ફોસ્ટર ઘરોમાં પોતાનાં પાલ્ય મા બાપ સાથે એ રહેલી ,પણ હવે એ આ ફોસ્ટર હોસ્ટેલમાં રહેતી હતી. એના જીવનના મહત્વના નિર્ણયો આ સંસ્થા જ લેતી હતી. એની મમ્મી એનાં જીવનમાં રત હતી: દારૂ અને નશીલા પદાર્થોમાં ડૂબેલી એ મેલાનિને સાચવી શકે તેવી સ્થિતિમાં નહોતી ! આપણે બધાં અમેરિકન લાઈફ સ્ટાઈલથી અંજાઈ જઈએ છીએ અને ૧૮ વર્ષનો છોકરો સ્વતંત્ર રીતે એના પગ પર ઉભો રહે છે એમ કહીએ છીએ પણ ઘણી વાર એના પાયામાં જે દુઃખ દર્દ છુપાયેલાં હોય છે તેની ખબર જ હોતી નથી!
મેલાનિ મને એટલી બધી ટ્રબલમેકર – અવળચંડી – નહોતી લાગી !
વાસ્તવમાં એ મને ઠરેલ અને પ્રેમાળ લાગેલી! (એનું સાચું કારણ મને ત્યારે સમજાયું નહોતું; અને સમજાયું ત્યારે ઘણું મોડું થઇ ગયેલ)!! મેં એને પહેલે દિવસે જ, નોકરી આપતાં પહેલાં જ, અલબત્ત પ્રેમથી – કહેલું કે આટલાં નીતિ નિયમમાં હું બાંધછોડ નહીં કરું: ગાળાગાળી કે કોઈ અપશબ્દ કે એવાં જેસ્ચર – હાવભાવ નાનાં બાળકો પર બહુ માઠી અસર ઉભી કરે છે ,એવું કાંઈ પણ હું ચલાવી લઈશ નહીં !વગેરે વગેરે.
મેં જોયું કે બાળકો સાથે એ એવી ભળી ગઈ હતી કે એ ફોસ્ટર ફેસીલિટીમાંથી આવે છે એવું લાગે જ નહીં! આ ઉંમરની કિશોરીઓ (અને કિશોરો ) પ્રેમ માટે તડપતાં હોય છે ! મેલાનિએ બે ત્રણ મહિના અમારાં ડે કેરમાં કામ કર્યું .
ત્યારે પછી , એનાં ગયાં પછી, ઘણા સમય બાદ ફોસ્ટર બાળકો વિષે અચાનક જ કોઈ લેખ મારા વાંચવામાં આવ્યો : હવે મને સમજાયું જે મને ત્યારે ૧૯૯૪ના સમર વેકેશનમાં નહોતું સમજાયું!
મેલાનિએ મને વાત વાતમાં કહેલું; “ હું એટલાં ફોસ્ટર ઘરોમાં રહી છું કે મને મારાં બાળપણનું , મારાં ઉછેરનું , કે મારી પ્રાથમિક શાળાનું કાંઈ સારું યાદ રાખવા જેવું બન્યું હોય એવું કાંઈજ યાદ નથી !અહીંયા આ બાળકોને રમતા જોઉં છું તો મારાં દિલમાં એક કાણું પડેલું હોય તેમ મને લાગે છે!”
જોકે ત્યારે હું ‘મારાં’ બાલ સંભાળ કેન્દ્ર – બાલમંદિર અને ‘મારાં’બિઝનેસ અને ‘મારાં’પરિવાર અને ‘મારાં’પ્રશ્નોમાં એવી ડૂબેલી હતી કે મેલાનિની આ વાતો પર વિચારવાનો સમય જ નહોતો!!
ઊંડે ઊંડે એ મારી પાસે નોકરી કરતાં કશુંક વધુ ઇચ્છતી હતી?
“મને ખબર જ નથી કે કુટુંબ એટલે શું? કુટુંબ કેવું હોય?” એણે એક વાર કહેલું.
હા, ત્યારે અમે અમારાં ડે કેર સેન્ટરની ઉપર રહેતાં હતાં. ક્યારેક હું એને અમારાં એપાર્ટમેન્ટમાં ઉપર પણ મોકલું ! ડાઇનિંગ ટેબલ પર બેસીને અમારાં સંતાનો ક્યારેક ખાતાં પીતાં હોય કે કોઈ પ્રોજેક્ટ કરતાં હોય ( મોટા ભાગે સમર વેકેશનમાં હું અમારાં છોકરાવને દેશમાં દાદા બાને કાગળ લખવા કહું !જો કે દરેક પ્રોજેક્ટ શરૂ કર્યો હોય તે પૂરો થવો જરૂરી નથી!!) કે ક્યારે ટી વી જોતાં હોય!
સાંજે છેલ્લું છોકરું ઘેર જાય એટલે અમે- ક્યારેક હું અને મારી સાથે કુટુંબનાં અન્ય સભ્યો પણ હોય- અમે મેલાનિ અને અન્ય સ્ટાફ ને ગુડનાઈટ કહીને અમારાં એપાર્ટમેન્ટ તરફ ઉપર જઈએ ને હવે મને યાદ આવે છે, મેલાનિના ચહેરા ઉપરના એ અગમ્ય ભાવ !
મેલાનિ મને ખુશ રાખવા આટલી મહેનત કેમ કરતી હતી!!
અહીંના નિયમો પ્રમાણે સરકાર અઢાર વર્ષના છોકરાઓને આમ ફોસ્ટર સંસ્થાઓમાં રાખે , પણ પછી એ લોકોએ પોતાનો રસ્તો પોતાની જાતે જ શોધી લેવો પડે !
એટલે કે અઢાર વર્ષની ઉંમર થાય એટલે નોકરી વિનાનો યુવાન હોમલેસ બની જાય! રસ્તાનો ભિખારી ! અને આવી યુવાન છોકરીઓ આડા માર્ગે ચઢી જાય!
હું વિચારમાં પડી ગઈ: બાળકને જન્મ આપ્યાં પછી, એ પગ ભર થાય ત્યાં સુધી બીજી કોઈ સુખ સગવડ ના આપે તો ચાલશે , પણ હે પ્રભુ , તું એમને મા બાપ વિનાનાં નોધારાં ના કરીશ ! અને હા, ગમે તેટલા પ્રશ્નો હોય, પણ બેમાંથી એક પેરન્ટને સમજુ બનાવજે કે જે પોતે બાળકના હિતને સમજીને પોતે દારૂ,ડ્રગ્સ અનેકંકાસથી દૂર રહી બાળકને સુંદર બાળપણ જીવવાની તક આપે! મેલાનિ જેવી કેટલીયે છોકરીઓ હજુ આજે પણ દિલમાં એક કુટુંબની ઈચ્છાઓ લઈને ફરતી હશે …..હવે આંખના આસું ખાળી શકાય તેમ નથી! વાત્સલ્યની વેલીમાં બસ આજે આટલું જ!

વાત્સલ્યની વેલી ૩૩) ફોસ્ટર બાળક ફલીસા !

ફોસ્ટર બાળક ફલીસા !
આપણામાં એક બહુજ સુંદર કહેવત છે: મા તે મા; બીજાં બધાં વગડાનાં વા!
પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે જે બાળકની મા જ ના હોય તેનું શું થતું હશે ?જેની મા મૃત્યુ પામી હોય કે ગરીબ હોવાથી કે કોઈ ગુનો કર્યો હોય તો જેલમાં હોય એવી મા ના બાળકોનું શું થાય છે?
હા , આમ તો બાળકને ઉછેરવાની જવાબદારી પછી બાપ સાંભળે !
પણ બાપ પણ પિક્ચરમાં ના હોય તો? એટલે કે બાપ જીવિત ના હોય અથવા તો જેલમાં હોય કે ક્યારેક પોતે કોઈ બાળકનો બાપ છે એની એને ખબર જ ના હોય: મા એ પોતાની પ્રેગ્નન્સીની વાત અને બાળકના જન્મની વાત બાપથી છુપાવી હોય- એવા સંજોગોમાં બાળકને કોણ સાચવે ?
કોણ ઉછેરે ?
આપણે ત્યાં તો મા બાપ વિહોણું બાળક નજીકનાં સગાંઓ કે દૂરના સબંધીઓ અંદર અંદર સમજીને ઉછેરે! દાદા દાદી કે મામા – માસી કે ફોઈ કે કાકાને ઘેર બાળક ઉછરે , ને મોટો થઈને પોતાનો જિંદગીનો રસ્તો પકડી લે !
લોક લાજે કે દયાની ભાવનાથી એ કપરો સમય જ્યાં ત્યાં નીકળી જાય! પણ એમાં કાંઈ ખોટું થાય- સગાં મારે કે ભૂખ્યો રાખે તો આડોશી પાડોશી વચમાં પડે અને મામલો થાળે પડે કે પછી જેવું બિચારા બાળકનું નસીબ !
પણ અહીં અમેરિકામાં વાત જરા જુદી છે!
ડી સી એફ એસ -Departmental if Children And Family Services આવા કેસોનું ધ્યાન રાખે. બાળકને સાચવનાર સગાં વ્હાલાંનું ઇન્સ્પેક્શન પણ થાય. એ લોકોયે જો પાછાં ડ્રગ્સ લેતાં હોય કે દારૂડિયા હોય તો બાળકોની કસ્ટડી તેમને ના મળે !
જો કે ઘણી વાર તેથી સગાં વ્હાલાં છોકરાને રાખે નહીં ! કારણકે વારંવાર એવી એજન્સીઓ ઘેર જોવા આવે તે કોને ગમે ?
છેવટે એ બાળકોને પછી સાવ અજાણ્યાં ફોસ્ટર હોમ કે ફોસ્ટર આશ્રમોમાં ( બોર્ડિંગ સંસ્થા ) મૂકવાં પડે ! તેથી એ બાળકો છેવટે કોઈ ઇન્સ્ટિટ્યુશન -સંસ્થામાં રહીને મોટાં થાય !
પણ તદ્દન અજાણ્યાં બાળકોને પોતાનાં ઘરમાં રાખવાં તે નાની સુની વાત નથી ;
ક્યારેક ક્યારેક અમારા ડે કેર સેન્ટરમાં આવાં ફોસ્ટર બાળકો પણ આવ્યાં છે. એક લેખમાં મેં ક્રિસ્ટોફર અને લુઈસની વાત લખેલી જેઓના શરીર પર – હાથે , પગે સિગારેટના ડામ હતા અને ડ્રગ્સના નશામાં મા બાપ ચકચૂર રહેતાં હતાં એટલે ગ્રાન્ડમાને બાળકોની કસ્ટડી મળેલી !
પરંતુ કોઈ જાતના સબન્ધ વિના પણ બાળકોને તમે તમારા ઘરમાં રાખી શકો. બદલામાં ગવર્મેન્ટ તમને બાળકનો તમામ ખર્ચ અને મા બાપને થોડા ( ૫૦૦-૭૦૦ ડોલર )દર મહિને આપે !
આ દેશમાં કમનસીબે અસંખ્ય બાળકો આવી રીતે ઉછરે છે!એમાં માનવતાની ભાવનાથી જ બધાં ફોસ્ટર પેરેન્ટ્સ બાળકોને રાખતાં હોય એવું નથી હોતું. તેથી બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ થાય તેવું મોટાભાગના બાળકો સાથે બનતું હોય છે !
ફલીસા લગભગ પાંચેક વર્ષની હતી. એનાં પેરેન્ટ્સ વિષે અમને કે એનાં ફોસ્ટર પેરેન્ટ્સને – પાલક મા બાપને -પણ ઝાઝી ખબર નહોતી . પણ ફલીસા થોડી ડિસ્ટર્બ થયેલી છોકરી હોય તેમ અમને પહેલી મુલાકાતે જ લાગ્યું હતું . આ નવાં પેરેન્ટ્સને ઘરે હજુ આગલે જ અઠવાડીએ આવેલી . એ પહેલાં બિચારી ફલીસા કોઈ સામાજિક સંસ્થાના બોર્ડિંગ ઘરમાં રહેતી હતી!!
બિચારાં આ બાળકો કોઈ ઘરમાં સ્થાયી રહેવાં તડપતાં હોય છે! એ લોકો દર વર્ષે ઘર અને માં બાપ બદલીને થાકી જતાં હોય છે. ફોસ્ટર કેરમાં રહેતાં એંસી ટકા બાળકો ડિસ્ટર્બ્ડ વર્તન કરતાં હોય છે.
અમારાં ડે કેરમાં જયારે પણ એવો કેસ આવે ત્યારે બિચારાં એ બાળકની દયા ખાવા સિવાય , આંખમાંના આસું લૂછ્યાં સિવાય બીજું કશું જ હું કરી શકી નથી. તેનો મને અફસોસ છે . જયારે કુમળું બાળક હૂંફ અને પ્રેમ ઇચ્છતું હોય ત્યારે ઘર અને ગામ બદલવાનાં?ફલીસા બધાં બાળકોને કારણ વિના હેરાન કરતી . ગમે તે બાળકના રમકડાંથી બનાવેલ મહેલને તોડી નાંખે કે બનાવેલી પઝલને વિખેરી નાંખે કે કોઈના પુસ્તકમાં લીટા કરીને હેરાન કરે ! હાથ ધોવા માટે લાઈનમાં ઉભેલાં બીજા બાળકોને ધક્કા મારે !
માનસિક રીતે, લાગણીઓથી એ એટલી ઘવાઈ ગઈ હતી,પરેશાન થઇ ગઈ હતી કે કોઈની સાથે નિરાંતે પ્રેમથી વાતો કરવાનું તો એને ગમતુંજ નહીં !
પણ અમને એના માટે એક છુપી કૂણી લાગણી હતી . એમાં મને દૂર દેશમાં રહેતાં અમારાં એક સબંધીનાં સંતાનો દેખાતાં હતાં , જેમનો બાપ ગરીબાઈથી કંટાળી સાધુ થઇ ગામને મંદિરે બેઠો હતો! જો કે ગરીબ અભણ મા પોતાનાં બાળકોને માંગી ભીખી , મજૂરી કરીને ઉછેરતી હતી! ( મેં કહ્યું ને ; મા તે મા?)
એક દિવસ અચાનક ફલીસાએ મને કહ્યું કે એ હવે બીજા પેરેન્ટ્સને ઘેર જશે ! એ ખુબ ગભરાઈ ગયેલી હતી અને મોટેથી રડતી હતી.
“ ફલીસા, શું થયું ?” મેં એને ખોળામાં બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવતાં પૂછ્યું .
“ મારે અહીંથી બીજા ઘેર નથી જવું ! ભલે આ મમ્મી મને મારે અને મારી પાસે કામ કરાવે ! મને એનો કોઈજ વાંધો નથી!”
પાંચ વર્ષની ફલીસા એટલું સ્પષ્ટ બોલી શકતી હતી!! એ ગભરાયેલી હતી, પણ એને મારામાં પૂરો વિશ્વાશ હતો.
ચાઈલ્ડ એબ્યુઝ ની શંકાને લીધે ડી સી એફ એસ એ નિર્ણય લીધો હતો કે ફ્લીસએ હવે ત્યાં રહેવું સલામત નથી..ફલીસાની ફોસ્ટર મા, મેં પણ જોયું હતું કે એ વિચિત્ર હતી. મને પણ લાગતું હતું કે પાંચ વર્ષની કુમળી છોકરીને એ ઘરમાં હૂંફ કે પ્રેમ નહોતીજ મેળવતી . એનાં ઓળ્યાં વિનાના વાળ અને એક જ કપડાં વગેરે એની ચાડી ખાતાં હતાં. એટલે ડિરેક્ટર તરીકે મેં એનું હિત “બીજા ઘરે એ વધુ સચવાશે” એમ માન્યું અને ફલીસાને પણ એમ સમજાવ્યું ..
પણ આ બધું એટલું ગહન હતું કે આખી દુનિયા બદલવાનું અમારાં હાથની વાત નહોતી!
બાળકો આવે એટલે એમને એટલો સમય પ્રેમથી, સમજપૂર્વક ઉછેરવા : એટલું હું જરૂર કરી શકું ; એટલું જ અમે કરી શકીએ !
ફલીસા ગઈ પણ અમને ગમગીન કરતી ગઈ! મારે શું કરવાનું હતું? હું શું કરી શકી હોત? એ વિચાર મારા મનમાંથી ખસતો નહોતો .. વાત્સલ્યની વેલીનાં અનેક પુષ્પોએ મને લાગણીથી ભીંજવી છે! અનેક કળીઓએ તેમને ખીલવવા મને વધારે આગ્રહ કર્યો છે.. ક્યારેક મેં એક્સટ્રા – વધારે સંભાળ રાખી છે, ક્યારેક મારુ કર્તવ્ય બજાવીને જ સંતોષ માન્યો છે! ફોસ્ટર કેરનાં બાળકોની પરિસ્થિતિથી હું કાયમ (માનસિક ) રીતે હેરાન જ થઇ છું !
આ ફોસ્ટર બાળક હતું, પણ એક ફોસ્ટર કેરમાં ઉછરતી યુવાન છોકરી અમારે ત્યાં નોકરીએ આવેલી.. તેની વધુ ગમગીન વાત આવતે અંકે !

વાત્સલ્યની વેલી ૩૨) બાળ ઉછેર અને સારી શિક્ષિકા માસૂમા!

સારી શિક્ષિકા માસૂમા!
એક સારા શિક્ષકની ફરજ શું છે? શું બાળકને એ બી સી ડી ગોખાવવી ? એને એકડો બગડો લખતાં શીખવાડવું ? ખરેખર અમેરિકામાં અમને બાળમંદિરોનાં સંચાલકોને – ડાયરેક્ટરોને – શીખવાડવામાં આવે છે કે ગોખણપટ્ટી અને કૉપી કેટ – દેખાદેખીથી બાળકનો વિકાસ સીમિત થઇ જાય છે; ગોખણપટ્ટીને બદલે એ નવું નવું શીખવા પ્રોત્સાહિત થાય તેવું વાતાવરણ ઉભું થવું જોઈએ!બાળકને જીવનમાં સફળ થવા જરૂરી એવા શારીરિક ,માનસિક અને સામાજિક એમ સર્વાન્ગી વિકાસ માટે પ્રોત્સાહિત કરવો !સાચો રસ્તો બતાવવો !
અને એ ત્યારેજ બની શકે જો શિક્ષક પાસે એની સાચી સમજ , સૂઝ અને દિશા હોય !
ગરીબ બાળકને બીજી મોટી ફેશનની કે ખોટા મોજ શોખની વાતો અને ઉંચા ઉડ્ડ્યનો કહેતાં પહેલાં એને બે ટંક ભોજન પૂરું મળે તે જરૂરી છે ! તેમને સમજીને તેને અનુરૂપ સાચો માર્ગ ચીંધાય!
અમારે ત્યાં કેટલાંક મધ્યમ વર્ગીય બાળકો પણ આવે અને ‘સુખી’ કુટુંબનાં બાળકો પણ આવે!
સિંગલ પેરન્ટનાં બાળકો પણ આવે અને મા બાપ કે મા બાપ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતાં હોય તેવાં બાળકો પણ આવે!
એ સૌ બાળકો અમારે ત્યાં એક કુટુંબનાં સભ્યોની જેમ આત્મિયતાથી રહે ! અહીં સૌ પ્રેમથી ઉછરે ! સૌ પોતપોતાની રીતે વિકસે ! અને સાચી શિક્ષિકા બાળકના સર્વાંગી વિકાસ માટેનું વાતાવરણ ઉભું કરે !
અમારે ત્યાં બાળકોને અમે સીધો રસ્તો ચીંધવાને બદલે, સાચો માર્ગ બતાવવાને બદલે બાળક સાચો – યોગ્ય રસ્તો પસંદ કરે તે માટે પ્રેરણા આપીએ !
તમને આ વાત બરાબર સમજાય એટલે દ્રષ્ટાંત આપું !
પાંચેક વર્ષનાં બાળકને જો તમે કહેશો કે; “જોજે હોં , દાદરા ઉપર કુદકા ના મારતો ; તું પડી જઈશ !”
તો એ કદાચ તમારું માનશે નહીં! પણ એ જ વાત જુદી રીતે કહી હોય; “ જો બેટા,દાદરા ઉપર કુદકા કેમ ના મરાય ? તું જ કહે; જે છોકરાઓ ત્યાં કૂદતાં હતાં એમને ક્યાં વાગ્યું હતું ?”
અથવા તો રૂમ સાફ કરવાનું કહેવાને બદલે; “ પહેલાં આપણે પુસ્તકો ગોઠવવા છે કે બ્લોક્સ ? રમકડાં ગોઠવવાં છે કે કપડાં મૂકી દેવાં છે?”
આને વાતાવરણ ઉભું કર્યું કહેવાય ! સારાં શિક્ષકો આમ સમજપૂર્વક બાળકોને સાચવે , સાંભળે , શીખવાડે અને ઉછેરે !પણ આ બધું અતિશય મહેનત , ખંત અને ધીરજ માંગે છે! જોકે એક વખત ગાડી પાટે ચઢી જાય પછી એ એટલું મુશ્કેલ પણ નથી !
તો પણ આવાં મહેનતુ શિક્ષિકા બહેનો મેળવવા એટલું સરળ પણ નથી ! શિક્ષકો પણ જુદાં જુદાં બેકગ્રાઉન્ડમાંથી આવતાં હોય! કોઈ પૈસાદાર , કોઈ ગરીબ ; કોઈ એકલું રહેતું હોય તો કોઈ કુટુંબ સાથે!
પણ કોલેજમાં ભણતી બાળઉછેર કે નર્સીંગ કે શિક્ષક કે ડોક્ટર વગેરે લાઈન માટે અભ્યાસ કરતાં વિદ્યાર્થીનીઓ અને અન્ય શાખાની યુવાન ઉત્સાહી કોલેજીયન છોકરીઓ ડે કેર સેન્ટરની પાર્ટ ટાઈમ નોકરી પસંદ કરે છે! આ યુવતીઓ આદર્શવાદી અને ઉત્સાહી હોય તો અમે થોડી ટ્રેનિંગ આપીને પણ એમને તૈયાર કરીએ .

અમારા ડે કેર સેન્ટરની નજીકની કમ્યુનિટી કોલેજ Wright College રાઈટ કોલેજમાં દર વર્ષે જોબ ફેર થાય અને એમાં ભાગ લેવા એ લોકો અમને પણ આમંત્રણ આપે ! સ્વાભાવિક રીતે જ અમારા ટેબલ પાસે કોલેજમાં બાળ શિક્ષણ વિષે ભણતી ECE ( Early Childhood Education )ભણતી છોકરીઓ આવે ! આમાં બધાં ને કાંઈ નોકરી કરવામાં રસ ના હોય; એ તો ફ્રી સમયમાં લટાર મારવાય નીકળ્યાં હોય! એ બધાં આવે અને ટેબલ પર પડેલ આર્ટસ ક્રાફટના પ્રોજેક્ટ્સ ની ફ્રી કીટ લઇ જાય.
એક વખત એક નમણો ચહેરો અને સુંદર લાંબા કાળા વાળ વાળી એક અઢારેક વર્ષની છોકરી અમારાં ટેબલ પાસે આવી અને બાળકોને રમાડવા માટે બનાવી શકાય તેવાં પેપર મપેટ્સ ( ઢીંગલીઓ ) જેવું કંઈક બનાવતી હતી .
મને લાગ્યું કે એ કદાચ ભારતીય છે. મને ખબર નહીં કેમ , પણ એનામાં રસ પડ્યો ; “ તું શું ભણે છે?” મેં પૂછ્યું .
“ બાળ વિજ્ઞાન ECE !” એણે કહ્યું .
“ જો તું પાર્ટ ટાઈમ મદદનીશની અરજી કરીશ તો હું તને નોકરીએ તારા અનુકૂળ સમયે રાખીશ .” મેં એને કહ્યું.
“પણ હું નોકરી નથી શોધતી !” એણે કહ્યું ; “ મારાં પેરેન્ટ્સ મને ક્યારેય નોકરી કરવા રજા નહીં આપે !”
અમેરિકામાં આજના જ્માનામાંયે કેટલાંક પેરેન્ટ્સ આવું સંકુચિત માનસ ધરાવનારાં હોય છે, અને તેય પાછાં મારાં જ દેશનાં? મેં વિચાર્યું !
મને થયું કે જો બની શકે તો આ છોકરી – કે જેનું નામ માસૂમા હતું- એનાં જીવનમાં હું કાંઈક બદલાવ લાવી શકું તો કેવું !
મને પ્રયત્ન કરવા દે !
વળી એ આજ ક્ષેત્રમાં તો ભણતી હતી ! એને નોકરી કરવાની ઈચ્છા તો હતી જ!
મેં અને સમજાવ્યું કે એણે કેવી રીતે એનાં અબ્બુને પૂછવું .. વગેરે . ત્રણેક અઠવાડિયા પછી એને સફળતા મળી ! અને એણે બપોર પછી કામે આવવાનું શરૂ કર્યું!
માસૂમા નામ તેવા જ ગુણ વાળી સરળ, ઉત્સાહી અને મહેનતુ છોકરી હતી ! થોડા જ સમયમાં બાળકોની એ પ્રિય ટીચર બની ગઈ!
એ બપોરે બે વાગે કોલેજથી આવે ત્યારે બાળકો હજુ ઊંઘતાં હોય એટલે એની સાથે થોડી અનૌપચારિક વાતો કરવાનો સમય પણ મળે !
સ્ત્રી સશક્તિકરણની હિમાયતી હોવાથી , અને બાળકોના ક્ષેત્રને જ મારી કેરિયર – કારકિર્દી બનાવેલ હોવાથી, અને આ ક્ષેત્રમાં મોટા ભાગે સ્ત્રીઓનું પ્રાધાન્ય હોવાથી અને એ વિષયના અનેક સેમિનારો , સંશોધનો વગેરેને લીધે માસૂમા ના પ્રશ્નો મને રસપ્રદ લાગ્યા.
અને આમ જુઓ તો આતો અત્તરનો વેપાર કરવા જેવું હતું ! અહીં વેચનાર અને ખરીદનાર બંને સુગંધી થતાં હતાં !
ખુબજ સ્ટ્રીક કુટુંબની માસૂમાને એના દાદા અને બાપાએ મને ‘બરાબર માપ્યાં’ પછી જ માસૂમાને ઘર અને કોલેજ સિવાયની ત્રીજી જગ્યાએ જવાની છૂટ આપેલી ! એના સિવાય ઘરની બીજી બધી સ્ત્રીઓ હિજાબ પહેરીને જ જાહેરમાં બહાર નીકળે .
એક દિવસ એણે મને એની કોઈ સામાન્ય મુશ્કેલી કહી . મેં એને સો દુઃખોંકી એક દવા : ફ્રેશ હવા – અને તે પણ જ્યાં ફ્રેશ વિચારો પણ મળે છે તેવી યુનિવર્સલ જગ્યાનું નામ આપ્યું !
મેં એને કહ્યું કે જિંદગીમાં ગમ્મે ત્યારે દુઃખ આવે, મુશ્કેલી પડે અને કોઈ જ રસ્તો ના સૂઝે તો પુસ્તકાલયમાં જઈને બેસવું ! ત્યાં બધાં જ પ્રકારનાં પુસ્તકો હોય! જાહેર જગ્યાએ જવાથી કદાચ બે ત્રણ વ્યક્તિઓ જોડે હળવા મળવાનું પણ થાય અને કોઈક રસ્તો જરૂર મળે!
પણ મારી આ સુવર્ણ શિખામણે એને મુશ્કેલીમાં મૂકી દીધી !
એની માસૂમિયતે એ બધી સફળતાની ચાવીની વાતોપહેલાં અમ્મા જાનને કહી . માસૂમાની મમ્મીને એમાં રસ પડ્યો અને કદાચ એમણે એના કહેવા પ્રમાણે એમના ઘર નજીકની લાયબ્રેરીમાં જવાનું પણ શરૂ કર્યું- ફ્રેશ હવા લેવા ! પણ સાથે અબ્બુ ને પણ મારાં આવા ( બંડખોર ?) વિચારોની ખબર પડી ગઈ!
આમ તો બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર ડાયરેક્ટરની ફિલોસોફી અને ટીચરની મહેનત પૂરતી નથી હોતી . માં બાપે પણ ઘેર સહકાર એવો પડે છે! જોકે આ તો ટીચરનાયે કુટુંબની વાત હતી! અને માત્ર અનૌપચારિક વાર્તાલાપ જ હતો ! પણ કહ્યું છે ને કે એક વિચાર વ્યક્તિને અને સમાજને બદલવા પૂરતો છે!
બસ !
એનું ડે કેરમાં આવવું બંધ થઇ ગયું !
અને બીજે જ અઠવાડિયે ડે કેરની બહાર બારણાં પાસે એક કુંડામાં નાનકડો છોડ અને અંગ્રેજીમાં ચિઠ્ઠી લખેલાં હતાં : “એક માસુમ પંખીને પાંખો ફફડાવતાં શીખવાડ્યું , ઉડતાં શીખવાડ્યું! હવે એ કાયમ માટે એક પિંજરામાં કેદ થવા જઈ રહ્યું છે. એને ખુલ્લા આકાશનું મુક્ત ઉડ્ડયન બતાવનાર આપને દિલથી પ્રણામ ! અલવિદા !”
એક ટીચરે કહ્યું કે એણે એરપોર્ટથી ફોન કરીને કહેલું કે એ દેશ પાછી જઈ રહી છે- ફોન પર જ એને કોઈની પરણેતર બનાવી દીધી હતી!!
વાત્સલ્યની વેલીને વાત્સલ્યથી ઉછેરવામાં અનેક પરિબળોએ કામ કર્યું છે.. બાળકોને સાંભળતાં, ઉછેરતાં , શીખવાડતાં હું પણ ઘણું બધું શીખી રહી હતી!
એ પ્રસંગ બાદ મેં ગૃહ ક્લેશ અને શારીરિક માનસિક હિંસા અટકાવવાના ક્લાસીસ કરીને એ ક્ષેત્રમાં કામ કરવાની લાયકાતનું સર્ટિફિકેટ Domestic Violence PreventionCertificate DVP C પણ મેળવ્યું હતું અને ત્યાર પછી એક સંસ્થામાં માનદ સેવાઓ પણ આપેલી.
જો કે થોડા સમય સુધી અમે બધાં માસુમને યાદ કરીને મુંઝાયેલાં દુઃખી રહેલાં ! એક હોનહાર સારી નીવડી શકનારી ટીચરની કારકિર્દી આમ રહેંસાઇ ગઈ!!

વાત્સલ્યની વેલી ૩૧)મેમોરિયલ ડે – અને શિક્ષણ સરવૈયું !

વાત્સલ્યની વેલી ૩૧)મેમોરિયલ ડે – અને શિક્ષણ સરવૈયું !
દર વર્ષે મેમોરિયલ ડે લૉંગ વીકેન્ડ આવે એટલે વર્ષ પૂરું થવા આવ્યું એમ લાગે! અમે વર્ષનું સરવૈયું કાઢીએ ! વર્ષ દરમ્યાન ક્યારેક કોઈ નિયમો ખરડા સ્વરૂપે આવ્યા હોય તે બધું ક્યારેક સપ્ટેમ્બરથી લાગું પડવાનું હોય! પણ આ દેશની ઉન્નતિના પાયામાં આ બધાં વિચાર વિમર્શ જ તો છે ! જેવો કોઈ પ્રશ્ન ઉભો થાય એટલે એના ઉપાયો પણ સૌ શોધવા માંડે! એટલે વાત્સલ્યની વેલીમાં બાળકોને લગતા પ્રસંગો વિષે લખતાં મેમોરિયલ ડે લૉંગ વીકેન્ડ વિષે લખવું વ્યાજબી રહેશે!
વિશ્વના હોંશિયાર બુદ્ધિમાન વિદ્વાનો મુશ્કેલીઓ વેઠીને પણ અહીં વસે છે; કારણ? કારણ કે અહીં આવડતને આગળ કરવાની તક છે! બુદ્ધિના વિકાસની તક છે! સામાન્ય પ્રજાને સારું શિક્ષણ , સામાન્ય માણસને કોઈ પણ જાતની લાગવગ ભલામણ વિના ઉચ્ચ અભ્યાસની સગવડ સહજ મળે છે!
ને તેથી જ તો અબ્રાહમ લિંકન જેવા અત્યંત ગરીબ વર્ગના અને બરાક ઓબામા જેવા નાગરિક દેશના સુકાની બની શકે છે!
આ દેશની શિક્ષણ પ્રથામાં સૌથી મહત્વનું યોગદાન જો કોઈ પ્રેસિડન્ટનું હોય તો તે છે LBJ લિન્ડન બી જોહન્સનનું! ટેક્ષાસના નાનકડા ગામમાં ટીચરની નોકરી કરેલી હોવાથી ગરીબ બાળકોને સમાન શિક્ષણ મળે તે બાબત તેમણે સૌ પ્રથમ વિચારેલું! તો ઉચ્ચ ગુણવત્તા બાબત મહત્વ આપનાર પ્રેસિડન્ટ રેગન હતા! અમેરિકા એટલે સુખ સંપત્તિનો દેશ. અહીં કરેલી મહેનત સોનેરી બનીને ચમકે છે ,એવી એક સામાન્ય માન્યતા છે, કારણકે આવા રાજકારણીઓથી આ દેશ ઘડાયો છે! શિક્ષણની સાથે જ દેશ સેવા પણ એક અગત્યનું અંગ છે! જરૂર પડે તો બધાયે જ લડવા જવું પડે! (આપણી જેમ માત્ર ક્ષત્રીઓએ જ લડવા જવાનું ને યુદ્ધમાં ખપી જવાનું એવું નહીં !) આ ભૂમિ બહાદ્દુર લોકોથી ઘડાઈ છે! અને એ બહાદ્દુરોને પોંખવાનો દિવસ , એ બહાદ્દુરો જે યુદ્ધમાં ખપી ગયાં તે શહીદોને યાદ કરવાનો દિવસ એટલે મેમોરિયલ ડે!
આપણે એને પિક્નિકની ઉજવણીમાં ફરવી નાખ્યો છે!
કારણકે એક તો ઠન્ડીમાં ઠીકરાઈને છ છ મહિના જાણે કે પેટીમાં પુરાઈ રહ્યાં હોઈએ તે સહેજ ઠન્ડી ઓછી થાય અને ત્યાં આ લોન્ગ વિકેન્ડ મળે ! શનિ , રવિ , સોમ ! ત્રણ દિવસની જાહેર રજા! મે મહિનાનો છેલ્લો સોમવાર એટલે મેમોરિયલ ડે! છેક ડિસેમ્બરમાં ક્રિશ્ચમસ ઉપર રજા મળ્યા બાદ જાન્યુઆરીમાં નવા વર્ષની રજા પછી પુરા પાંચ મહિને આવી જાહેર રજા મળે!
બધાં આવી રહેલ ઉનાળાના પ્રોગ્રામો કરવા બેસી જાય ! હરવું , ફરવું , પીકનીક અને પાર્ટીઓ !
તો શું મેમોરિયલ ડે વિકેન્ડ એટલે મોજ – મઝા?
“પ્લીઝ! મેમોરિયલ ડે ના દિવસે કોઈને ‘ હેપ્પી મેમોરિયલ ડે’ કહેશો નહીં !”સીલ -૬ ના કેપ્ટ્ન રોબ ઓ નાઈલના શબ્દો છે: જેમણે બિન લાદનને , મધરાતે પાકિસ્તાનમાં ,એના છુપા ઘરમાં જઈને એને ગોળીએ ઠાર કર્યો. ‘મહેરબાની કરીને આ દિવસને ‘ હેપ્પી’ ના કહેશો ! એ હેપ્પી થઈને ઉજવણી કરવાનો દિવસ નથી !’ એ કહે છે!
કારણકે મેમોરિયલ ડે એ હેપ્પી થવાનો દિવસ નથી .. એ તો
દેશનું રક્ષણ કરતાં ખપી ગયેલ વીર જવાનોને અંજલિ આપી એમની વીરતાને યાદ કરવાનો દિવસ! સદગતના આત્માને સેલ્યુટ કરવાનો દિવસ!
તુમ યાદ ઉન્હેં ભી કરેલો .. જો લોટકે ઘર ના આયેં ! . જો લોટકે ઘર ના આયેં !
દેશની સ્વતંત્રતા માટે , અને એ સ્વતંત્રતાની રક્ષા માટે , જે અમેરિકાને આપણે Land of Opportunity કહીએ છીએ , તેના પાયામાં રહેલ લોકશાહીની રક્ષા માટે અપાયેલાં બલિદાનોને યાદ કરવાનો આ દિવસ!
આમ તો આ દિવસની ઉજવણી છેક સિવિલ વોરથી થઇ છે !

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા કાળા ગોરાના ભેદભાવથી વહેચાયેલું હતું , અને સિવિલ વોર શરૂ થઇ- ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા અંદર અંદર યુદ્ધે ચઢ્યા ! ત્યારે યુદ્ધમાંથી ઘેર પાછા ના ફરેલ વીર જવાનોનેકબ્રસ્તાનમાં જઈ અંજલિ આપવાનો દિવસ નક્કી થયો હતો .
જો કે ત્યાર પછી વીસમી સદીના પ્રારંભે પહેલા વિશ્વયુદ્ધ પછી , સમગ્ર અમેરિકાએ એક થઈને યુદ્ધમાં ભાગ લીધો .
યુદ્ધ પૂરું થયે અનેક અજણ્યા પાર્થિવ દેહ દેશ આવ્યા.. જેની ઓળખાણ ના પડી , પણ જેણે દેશ માટે બલિદાન આપ્યાં હતાં એવા કોઈના એ લાડકવાયાની યાદમાં Tomb of the Unknown રચાઈ ! એવા અજાણ્યા કોઈ શહીદની શહાદત ઉપર લખાયેલ એક અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યો જે મૂળ કાવ્ય કરતાંયે વધુ સુંદર છે: ‘કોઈનો લાડકવાયો’!
અમેરિકાએ વિશ્વની ઘણી બધી લડાઈઓમાં ભાગ લીધો છે. (વિશ્વમાં નમ્બર વન રહેવાની શું આ કિંમત ચૂકવવી પડતી હશે ? ) આપણે ત્યાંદેશમાં , આપણે પરતંત્ર હતાં ત્યારે , અંગ્રેજોએ આપણાં લોકોને વિશ્વ યુદ્ધોમાં મોકલ્યાં હતાં.
અંગ્રેજ સામેની સ્વરાજ્યની લડતમાં વીર ભગતસિંહ જેવા અનેકોએ બલિદાનો આપ્યા છે.
તો આપણો દેશ આઝાદ થયા બાદ , દેશની નવરચના થઇ ; રાજાઓના રજવાડાઓ સ્વતંત્ર ભારતમાં જોડાઈ ગયાં પછી જુદા જુદા રાજ્યોનું વર્ગીકરણ ભાષા પ્રમાણે થયું . તેમાંનું એક તે બૃહદ મુંબઈ રાજ્ય!
ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યની માંગણી થયેલ ને અંતે ૧૯૬૦ મે ૧ ગુજરાત મહારાષ્ટ્ર અલગ રાજ્યો બનેલ. એ ચળવળોમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર નવયુવાનોનું એક શહીદ સ્મારક અમદાવાદમાં છે જેનો ઉલ્લેખ અહીં કરું તો અસ્થાને નહીં લાગે ! સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરશો તો આવાં વીર જવાનોની ખાંભીઓ તમને જોવા મળશે!
વીર રાજપૂતોની વીરતાને બિરદાવતો દુહો : જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર! અહીં કવિએશૂરવીરનું ગૌરવ કર્યું છે …
તો અહીં અમેરિકામાં , બીજું વિશ્વયુદ્ધ , કોરિયન વોર અને પછી આવી વિયેતનામ વોર! લોકો ભલે કંટાળ્યા હતાં આ બધાં યુદ્ધોથી ; પણ એમાં શહાદતને વોહરેલા જવાનો , એમના કિંમતી જીવનને બિરદાવ્યે જ છૂટકો ! અને કબ્રસ્તાનો અને અન્ય સ્થળોએ પાળિયાઓને ,આ જવાંમર્દોને અંજલિ અર્પવાના , ત્યાં , કબર પાસે દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમને બિરદાવવાની પ્રણાલિકા શરૂ થઇ.
એકવીસમી સદીમાં યુદ્ધની સ્ટાઇલ બદલાઈ !
ન્યુયોર્કના વર્લ્ડટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો પછી ટેરરિઝમ વધી ગયું ! સદ્દામ સાથેની ઇરાકની વોર પછી, અફઘાનિસ્તાન અને સિરિયન વોરમાં પણ અનેક જુવાનો શહીદ થયા . કેમિકલ વેપન અને આતંકવાદે સમગ્ર વિશ્વનો જાણે કે નકશો જ બદલી નાખ્યો !
ભલે ને યુદ્ધ ની રીત બદલાઈ પણ શાંતિ માટે યુદ્ધની જરૂરિયાત તો ઉભી જ છે!! અને અસન્ખ્ય જુવાનો દેશની રક્ષા કાજે હથેળીમાં પોતાનો જીવ લઈને ઝઝૂમે છે! યુદ્ધમાંથી પાછાં આવ્યાં બાદ આ વેટરન્સ લોકોને એમનાં શારીરિક અને માનસિક પ્રશ્નો હોય છે જ. ક્યારેક લડાઈમાં જીતીને ઘણું મમ મેળવ્યા બાદ માનસિક અશાંતિથી પીડાઈને ઘણાએ આત્મહત્યાયે કરી છે! તો એ યુદ્ધના જીવિત સૈનિકોને વધાવવાનો દિવસ તેમને બિરદાવવાનો દિવસ તે વેટરન્સ ડે; અને શહીદ થયેલ વીર સ્ત્રી પુરુષોને અંજલિ આપવાનો દિવસ તે મેમોરિયલ ડે!
પણ એમાં આ પીકનીક અને પાર્ટી ક્યાંથી આવ્યાં? કોઈ પૂછશે .
ઉત્સવ પ્રેમી આપણે સૌ, આવી ત્રણ રજા સાથે મળે એવું વર્ષમાં પણ ભાગ્યેજ બે – ત્રણ વાર મળે- એટલે , આ દિવસોમાં પ્રવાસ કરીએ , પીકનીક અને પાર્ટી કરીએ., મોજ અને મઝા કરીએ!
પણ જેના થકી આ મોજ મઝા છે; જેઓના બલિદાનોથી આ દેશ વિશ્વમાં અગ્રેસર છે તે શહીદોને અંજલિ આપવાનું જ આપણે ભૂલી જઈએ ? અને એને હૅપ્પી મેમોરિયલ ડે કહીને નવાજીએ ?
અરે એ શહીદોની શહાદતને યાદ કરીને ગાજો:
એની ભસ્માંકીત ભૂમિ પર ચણજો આરસ ખાંભી ;
એ પથ્થર પર કોતરજો તમે કોઈ કવિતા લાંબી !
લખજો ખાક પડી આંહીં કોઈના લાડકવાયાની !
અમારાં ડે કેર સેન્ટરનાં બાળકો અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ દોરીને ગૌરવથી મેમોરિયલ ડે ઉજવણીની શરૂઆત કરે છે!

વાત્સલ્યની વેલી ૩૦) ધરમ કરતાં ધાડ પડી !સ્ટાફ સાથે મુશ્કેલી- જેસિકા અને દલાયલા !

સ્ટાફ સાથે મુશ્કેલી- જેસિકા અને દલાયલા !
કેટલાંક વાચક મિત્રોનો પ્રશ્ન હતો: શું શ્યામ સાન્તાક્લોઝનો બનાવ કોઈને આટલો બધો હચમચાવી દે ખરો? પણ વાસ્તવમાં એ તો ભોજનના છેલ્લા કોળિયા જેવું હતું: ઠાંસી ઠાંસીને ખાધા પછી હવે અજીર્ણ થયું અને બધું ઉલ્ટી થઈને બહાર આવ્યું ! અથવા તો પૃથ્વીનાં પેટાળમાં ચાલી રહેલો ઉલ્કાપાત છેવટે જ્વાળામુખી બનીને બહાર આવ્યો ! શરૂઆતનાં વર્ષોમાં આગળ વધવાની ધગસ અને અહીંની ભૂમિ સાથેની અસંગતતા, અને છતાં બે સંસ્કૃતિનું સર્વોત્તમ લઈને બાળકોનું સુંદર ડે કેર સેન્ટર બનાવવાની તમન્ના અને કુટુંબને પણ સાથે રાખીને આગળ વધવામાં જે સ્ટ્ર્સ હતો એનું જ એ પરિણામ હતું! કોઈએ સાચું જ તો કહ્યું છે કે ઝડપથી જવું હોય તો એકલા દોડો, લાંબે સુધી જવું હોય તો ( કોઈની ) સાથે ચાલો ! પણ મારે તો બધાંને સાથે લઈને ઝડપથી દોડવું હતું!

સંસ્કૃતમાં એક બહુજ સુંદર શ્લોક છે:
સુખસ્ય દુઃખસ્ય ન કઃ અપી દાતા
“ પરઃ દદાતિ” ઇતિ કુબુદ્ધિ: એષા!
(સુખ કે દુઃખ આપણે કોઈ આપતું નથી ! પારકાંઓ કોઈ મને દુઃખ આપે છે એમ માનવું ખોટું છે!)
અહમ કરોમિ ઇતિ વૃથા અભિમાન:
સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ!
( “હું” કરું છું એ પણ એક મિથ્યા અભિમાન છે ; વાસ્તવમાં આપણે જે રીતે વર્તીએ છીએ તેનું પરિણામ જ આપણે ભોગવીએ છીએ!)
અને એ છેલ્લું ચરણ ખરેખર સાચું હતું !
જે સ્ટ્રેસમાંથી અમે પસાર થઇ રહ્યાં હતાં એ ગમ્મે ત્યારે મને અકસ્માતમાં ધકેલી શકે તેમ હતાં!
બાળકો સાથે, બાળકો માટે, બાળકોનું કામ કરવામાં માત્ર સારી ભાવના હોવી એ જ પૂરતું નથી! એને માટે માત્ર ચોપડીયું જ્ઞાન જ પૂરતું નથી! અને માત્ર હાર્ડ વર્ક પણ અપૂરતું જ કહેવાય !
શરૂઆતનાં વર્ષોમાં સ્ટાફ સાથે જે કાંઈક વિચિત્ર બનાવો બન્યા એ વિષય પર પણ જરા પ્રકાશ નાખું:

બે સંસ્કૃતિના સંઘર્ષનું આ દ્રષ્ટાંત જુઓ !

ચારેક વર્ષની જેસિકા ડે કેરમાં છેલ્લા બે વર્ષથી આવતી હતી અને સરસ રીતે ભળી ગઈ હતી !
પણ એની મમ્મીને હવે નવી જોબ હતી એટલે એને રોજ સાંજ પડ્યે જેસિકાને લેવા આવવામાં મોડું થઇ જતું હતું! અમારું સેન્ટર છ વાગે બંધ થાય, પણ હવે રોજ જેસિકાને લીધે થોડી વધારે રાહ જોવી પડે ! મેં જોયું કે બપોરે પાર્ટ ટાઈમ કામે આવતી અઢારેક વર્ષની દલાયલા અને બાવીસેક વર્ષની જેસિકાની મમ્મી સારાં મિત્ર બની ગયાં હતાં અને શનિ રવિ પણ ક્યારેક સાથે જ પસાર કરતાં હતાં. બંને સ્પેનિશ બોલે એટલે પણ એમને આત્મિયતા બંધાઈ હશે !
આમ તો ટીચર્સ માટે બધાં જ બાળકો સરખાં જ હોવા જોઈએ ! એમાં કોઈ બાળક વધારે વ્હાલું હોય તો બીજા બાળકને ઓછું આવી જઈ શકે. વળી આ તો સાવ નાનાં બાળકો હતાં! એ કુમળા છોડને વાળીએ તેમ વળે ! એટલે બધાં જ બાળકો પ્રત્યે સમ ભાવ રાખવો જરૂરી કહેવાય.
પણ બાળ ઉછેરની ફિલોસોફી અને વાસ્તવિકતા વચ્ચે આપણે પ્રયત્ન કરીએ તોયે સહેજ તફાવત રહેવાનો જ! ડાહ્યાં અને શાંત બાળકો ટીચર્સને વધારે ગમે; અને તોફાની બાળકોનું વધારે ધ્યાન રાખવું પડે,ને કેટલાંક તો વળી ઉત્પાત્યા હોય- બીજાં બાળકોને હેરાન જ કરતાં હોય એટલે એ બાળકો તો ટીચર્સને પોતાના વર્ગમાં રાખવાં પણ ના હોય! એટલે શાંત અને સમજુ જેસિકા પહેલેથી જ સૌની માનીતી હતી! જેસિકાની મમ્મી અને ટીચર હેલ્પર દલાયલાની મૈત્રી અમારાં ડે કેરે સેન્ટરને કોઈ રીતે વાંધાજનક લાગતી નહોતી .
જો કે મોટી કંપનીઓમાં તો અંદર અંદર સોસાયલાઈઝેશન કરવાની મનાઈ હોય છે; અથવા કમ્પનીના ક્લાયન્ટ્સ સાથે પર્સનલ સબન્ધ રાખવાની મનાઈ હોય છે ; સિક્યોરિટીને કારણે ! પણ મારાં મનમાં એવી વાતો ઉતરતી નહીં !બધાં હળીમળીને રહેતાં હોય તેમાં ખોટું શું ?
એટલે જયારે જેસિકાની મમ્મીએ મને પૂછ્યું કે રોજ સાંજે અઢાર વર્ષની ટીચર હેલ્પર દલાયલા સાથે જેસિકાને ઘરે મોકલી શકશો ? ત્યારે મેં ઘણાં આનંદ ઉત્સાહથી હા પાડી.
પણ પછી થોડા જ સમયમાં મુશ્કેલીઓ ઉભી થઇ! નાની ઉંમરની દલાયલા રોજ જેસિકાને લઈને સાંજે એને ઘેર લઇ જતાં લઇ જતાં, ત્યાંજ રાત રહેવા માંડી ! અમેરિકામાં તો અઢાર વર્ષની ઉંમરે એ લોકો સ્વતંત્ર નિર્ણયો લઈને માબાપથી જુદાં રહી શકતાં હોય છે! એટલે પછી તો દલાયલા હવે ત્યાં લિવ ઈન નેનીની જેમ રહેવા લાગી ! પણ લિવ ઈન નેનીને તો પૈસા આપવા પડે! જેસિકાની મમ્મીના મતે એ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી , તેથી એ ભાડું માંગે !
ઘણાં બધાં પ્રશ્નો અને કોઈ વ્યવસ્થિત જવાબ નહીં! કોણ કોને માટે કેટલું કામ કરે છે એની કોઈ સ્પષ્ટતા વિના ઘણી ગુંચવણ ઉભી થઇ! સારી ટીચર દલાયલાએ જોબ પર આવવાનું બંધ કર્યું , અને એ જ રીતે જેસિકાનું થયું !
એક વાર પોલીસ પણ વધારે માહિતી લેવા અમારે ત્યાં આવ્યાં!
આપણે ત્યાં દેશમાં તો મોટે ભાગે “ હશે, જે થયું તે થયું” કહીને વાત સમેટી લઈએ ! “ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો !” વડીલો કહે અને બધાં માનીયે જાય ! પણ અહીંયા તો બધ્ધું કાયદેસર થાય! એ બધી કડાકૂટ અને માથાઝીકમાંથી માંડ છુટકારો મળ્યો ! હા,એક સારી સ્ટુડન્ટ જેસિકા ગુમાવી ; અને નવેસરથી નવી ટીચર માટે છાપમાં જાહેરાત આપી ,નવેસરથી નવી ટીચર ખોળીને, એને એકડે એકથી ફરીથી ટ્રેનિંગ આપવાના મોટા કામમાં હું ગુંથાઈ ગઈ!

વાત્સલ્યની વેલીને ઉછેરવામાં આ અજાણ ભૂમિનાં અજાણ ખાતર પાણીએ અમને ઠીક ઠીક સાબદા કર્યા છે! કોઈને વધારે કલાકો કામ મળે અને બાળકને એક જ વ્યક્તિ સ્કૂલમાં અને ઘરમાં સાચવી શકે એવા ઉમદા ભાવથી લીધેલા એ પગલાએ અમને અનેક ગણી વધારે ઉઠબેસ કરાવી હતી! બાળકોને સતત સંભાળતાં સ્ટાફના ખુદના વાત્સલ્ય વેલની વધુ વાત આવતે અંકે !

વાત્સલ્યની વેલી ૨૯) શ્યામ સાન્તાક્લોઝ અને ગોરો ગેરી ! વધુ એક ફટકો !

વધુ એક ફટકો !

મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું છે કે ‘ જો હકીકત તમારી થિયરીમાં ફિટ ના થાય , તો હકીકત બદલો ( તમારી થિયરી નહીં )If the facts don’t fit the theory then change the facts! અમે પણ અમારા આદર્શો પ્રમાણે જીવનની હકીકતોને બદલવા પ્રયત્ન કરતાં હતાં : ડે કેર સેન્ટરમાં હવે ઘણાં પ્રોગ્રામો , ઘણી સેવાઓ ઘટાડીને માત્ર પાયાની સેવાઓ જ અપાતી હતી. જેથી કરીને સખત ટેનશન અને દોડાદોડીમાં થોડો ઘટાડો થાય! એટલે કે છોકરાંઓને સ્કૂલમાંથી લાવવાં – લઈજવાની સુવિધા બંધ કરી હતી. બીજા પણ ઘણાં પ્રોગ્રામો બંધ કર્યા હતાં;પણ ડે કેરમાં બે ચાર વાર્ષિકોત્સવો :ઉનાળામાં એવોર્ડ ઉત્સવ, પછી હેલોવીન , પછી ક્રિશ્ચમ્સ પાર્ટી , અને મધર્સ ડે વગેરે અમે પુરા ઉત્સાહથી ઉજવતાં.
ક્રિશ્ચમસ પર બાળકો ક્રિશ્ચમસ કેરોલ – ગીતો ગાય, ડાન્સ કરે,ડે કેરની એક ટીચર કાયમ સાન્તા બને ;અને સાન્તા ક્લોઝને હાથે બધાં બાળકોને ગિફ્ટ મળે!ઘણાં બાળકો માટે તો આ તેમનાં જીવનની પહેલી જ ક્રિશ્ચમસ પાર્ટી હોય! મા બાપ અને અન્ય કુટુંબી જન સૌ ઉત્સાહ ઉમંગથી આ પ્રોગ્રામમાં જોડાય! અને આ સમગ્ર પ્રસંગ એટલો તો મનોહર સુંદર લાગે !! બાળકો અને સૌને આનંદ કિલ્લોલ કરતાં જોઈ હું પણ આપણા દેશમાં મારાં બાળપણ કે એવી કોઈ અગમ્ય વાતોમાં ખોવાઈ જાઉં !મને પોતાને પણ આવાં સેલિબ્રેશન ખુબ ગમે એટલે એની પાછળ કરેલી અથાગ મહેનત સફળ થતી લાગે.
પણ ડિસેમ્બર ૧૯૯૪ માં કાંઈક જુદું બન્યું ! ડે કેરના પાંચ વર્ષ પૂરાં થયાં હતાં એટલે મેં કોઈ પ્રોફેશનલ સાન્તાક્લોઝને હાયર કરવાનું વિચાર્યું. અમારે ત્યાં ટપાલમાં જાહેરાતો આવતી હતી તેમાંથી કોઈને ફોન કરીને સાન્તાક્લોઝને બોલાવેલ. પણ ત્યાંયે કદાચ બે સંસ્કૃતિ વચ્ચેની, કે ભાષાની કોઈ ગેરસમજ થઇ હશે! વળી ત્યારે ઇન્ટરનેટ કે વેબસાઈટ જેવું તો કાંઈ હતું નહીં ! મેં ફોન પર બધી માહિતી આપેલ પણ એ કંપનીના માણસો સમયસર આવી શક્યાં નહીં! ભૂલાં પડયાં ;વળી હોલીડેનો ટ્રાફિક અને છેવટે સવા કલાક મોડાં આવ્યાં ત્યાં સુધીમાં બધાંની ધીરજની અવધિ આવી ગઈ હતી!અને સેંતાક્લોઝને જોઈને તો બધાં સ્તબ્ધ બની ગયાં !
શિકાગોમાં તે દિવસે ભયંકર ઠંડી હતી; બહાર સ્નો વર્ષા પણ ચાલુ જ હતી. લગભગ સો જેટલાં આબાલ વૃદ્ધથી લગભગ હજાર સ્કવેર ફૂટનો હોલ ભરચક હતો ! અમે બધાં ગીતો ત્રણ વાર ગાઈ ચૂક્યાં હતાં; બાળકોએ કાલી ભાષામાં સાન્તાને લખેલ પત્રો પણ વાંચી સંભળાવ્યાં હતાં; મેં અને અન્ય ટીચર્સે રજૂ કરવાની મહત્વની આઈટમ પણ રજૂ થઇ ચુકી હતી અને હવે કેક , સ્વીટ શરૂ થઇ ગયેલ ત્યારે ફાઈનલી સાન્તા ક્લોઝનું આગમન થયું .. પહેલાં સેંતાના સાથીદારો રેન્ડિયર વગેરેની હેટ અને શિંગડા સાથે પ્રવેશ્યાં , હા, એ સરસ હતું , અને એ લોકોએ નોર્થ પોલનાં દ્રશ્યવાળું બેકગ્રાઉન્ડ અને સાન્તા ક્લોઝને બેસવાનું સિંહાસન ગોઠવ્યાં ત્યાં સુધી બધાં ઉત્સુકતાથી સાંતાની રાહ જોઈ રહ્યાં .. પણ જ્યાં હો હો હો એમ કહેતા, ઘંટડી વગાડતા છ ફૂટ ઉંચા , જાડા , લાલ કોટ ને કાળા બૂટમાં સાન્તા પ્રવેશ્યા ત્યારે ઘણાંના ચહેરા વિલાઈ ગયાં!! પૂરો અમેરિકન, બ્લાન્ડ ,ચાર વર્ષનો બોલકો , વાચાળ બાળક ગેરી નિર્દોષતાથી સહજ સ્વાભાવિક રીતે મોટેથી બોલ્યો; “ આ તો બ્લેક સાન્તાક્લોઝ છે !”Oh no! He is black!
અમારે ત્યાં ઝાઝાં હિસ્પાનીક – મેક્સિકન બાળકો અને કોકેઝિયન – વ્હાઇટ બાળકો આવે. બધાં મધ્યમ વર્ગનાં; એટલે સામાન્ય નોકરી કરે! સાન્તા સાથે ફોટો પડાવવાના પૈસા કાંઈ બધાંયને ના પરવડે, પણ બધાંયે હોંશે હોંશે એ પોલેરોઇડ ફોટાઓ માટે પૈસા આપેલાં! એ જમાનામાં ઇન્સ્ટન્ટ પોલેરોઇડ ફોટાઓ પ્રચલિત હતાં.. આફ્રિકન અમેરિકન સાન્તા સાથે ફોટા પડાવવા કોઈ ઉત્સુક નહોય તે સ્વાભાવિક છે. દર વર્ષે સાન્તાકોઝ કેવા હતા એ બાબતની રમુજી ચર્ચાઓ ટોક રેડિયોમાં અમે સાંભળતાં; પણ આજે એ
હકીકત એ હકીકત બનીને ઉભી હતી! હું મુંઝાઈ ગઇ હતી!
જ્યાં ત્યાં પ્રોગ્રામ પત્યો અને બધાં વિખરાયાં, પછી મેં મુખ્ય બારણાં બહાર નજર કરી તો એક બે ફોટાઓ થોડે દૂર સ્નોનાં ઢગલાઓમાં છુપાયેલ પડેલ હતાં! એમનો એક ફોટો ગોરા ગેરી અને શ્યામ સાન્તાનો હતો! બીજા પણ બે ફોટા પોલેરોઇડ પ્રિન્ટને ફાડી નાંખવા પ્રયત્ન કરેલ, ચિમળાયેલાં દૂર પડ્યાનું યાદ છે.
મને ખબર નથી કે મારાં મન પર એની શી અસર થઇ.. બપોરે સાડા ત્રણ વાગ્યે પ્રોગ્રામ શરૂ થયો ત્યારે જે ઉત્સાહ , ઉમંગ અને આ દેશમાં અમે જે પ્રાપ્ત કર્યું હતું અને હજુ વધુ જે નજીકની ક્ષિતિજે જ દેખાઈ રહ્યું હતું તે સૌનો મને ગર્વ હતો! જાણે કે હું કોઈ ઉચ્ચ શિખરો સર કરી રહી હતી.. તે બે જ કલાકમાં સખત ટેનશનમાં , સ્ટ્રેસ નીચે દબાઈ ગઇ હતી; અને ગેરી અને સાન્તાનો ફોટો, પાછળ બેકગ્રાઉન્ડમાં ઉત્તર ધ્રુવ, સ્નો વગેરે જોઈને હું કોઈ અગમ્ય કારણથી ભાંગી પડી !
પાર્ટી પુરી થઇ ગઇ હતી; બધાં વિખરાઈ ગયાં હતાં, અમારાં ટીનેજર થઇ રહેલ સંતાનો ઉપર એપાર્ટમેન્ટમાં ઘરની પાર્ટીની ( અને પોતાની પ્રેઝન્ટની ) રાહ જોઈ રહ્યાં હતાં.. પણ હું જાણેકે મારી જાતને સાવ – સાવ જ એકલી અટુલી મહેસુસ કરતી હતી.. ડે કેરમાં અંદર આવી , બારણું બંધ કરી, પડદાં પાડીને હું ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડી! કદાચ એ આટલાં વર્ષોના સ્ટ્રેશનું પરિણામ હતું? કદાચ પંદર વર્ષ વતનથી દૂર રહ્યાં પછી, અને કુટુંબી જનોને વતનમાં બે વખત મળ્યાં પછી, હું મારી સફળતાને કોઈ બિરદાવે તેમ ઇચ્છતી હતી, એટલે એ સૌને મીસ કરતી હતી? કે અમેરિકન સમાજમાં પ્રવાહની વિરુદ્ધ સંસ્કૃતિને જાળવવા મથતી હું બે સંસ્કૃતિઓ વચ્ચે ગોથાં ખાતી હતી?
વાત્સલ્યની વેલડીને અમૃતમય બનાવવાની મારી ઘેલછાએ જાણે કે મને ભવસાગરમાં ડુબાડી દીધી હતી! પૈસો , પ્રતિષ્ઠા અને પાવર ! એજ તો માનવીના લોભામણાં વસ્ત્રો છે! પણ એની અંદર એક સામાન્ય સહજ નાજુક હૈયાનો માણસ વસે છે એ ઘણી વાર આપણે ભૂલી જતાં હોઈએ છીએ ! ઉમાશંકર જોશીએ ક્યાંક કહ્યું છે ને: માનવીના હૈયાને નંદવામાં ( તૂટવામાં ) વાર શી? આનંદવામાં વાર શી?
એક અંધકાર મય ગુફામાં હું છું તેમ મને લાગતું હતું! પણ વાત્સલ્ય વેલડીને અમૃત સીંચીને સુગંધી બનાવવા
ભગવાને મારે માટે શું ઇચ્છ્યું હતું તેની સુંદર વાત આવતા અંકે !