
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-29 ‘ભરી મહેફિલમાં!’ એની 28મી ગઝલ અને રસાસ્વાદ. આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
હવાનો હાથ જાલીને રખડતાં આવડી ગ્યું છે,
મને ખુશ્બૂની દુખતી રગ પકડતાં આવડી ગ્યું છે.
હવે આનાથી નાજૂક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી,
મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે.
બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતાં આવડી ગ્યું છે.
હવે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતાં આવડી ગ્યું છે.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
રખડવાનો આનંદ લેવો હોય તો બીજા કોઈની કંપની શોધવા નહીં બેસવાનું. બસ નીકળી પડવાનું, હવાનો હાથ પકડીને! અને આ હવા તો આપણને ક્યાંય પણ લઈ જઈ શકે. દુર સુદુરની મહેકને પણ હવા ક્યાંયથી શોધીને પોતાની સાથે લઈ આવે. એના આધારે આપણને પણ જ્યાં પહોંચવું હોય તેની આછેરી ભાળ મળે અને જવાની દિશા પકડાય. રખડવાની મઝા તો એને જ કહેવાય! બાકી બધું અગાઉથી નક્કી કરીને પુરતી તૈયારી કરીને ફરીએ એ તો પ્રવાસ થયો!
હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,
મને ખુશ્બૂની દુખતી રગ પકડતાં આવડી ગ્યું છે.
કેટલીક સપાટી ખરબચડી હોય તો કેટલીક લીસી. પાણી કે દુધ જેવા પ્રવાહીમાં આંગળી બોળીને જોઈએ તો એ સ્પર્શ સુંવાળો લાગે છે. ઘન અને પ્રવાહીમાં આવો તફાવત તો રહેવાનો પણ શું હવાનો સ્પર્શ કરી શકાય? કે પછી હવા ભરેલા પરપોટાનો? કવિ કહે છે, એક વાર પરપોટાને અડતાં આવડી જાય તો પૂછવું જ શું? આપણે જે ક્ષેત્રમાં કામ કરવું હોય તે વિશે ભરપુર માહિતી મેળવીને તે વિષયના નિષ્ણાત બની જઈએ ત્યાર પછી એ ક્ષેત્રમાં કાર્ય કરીએ તો તે આપણે માટે ડાબા હાથનો ખેલ બની રહે. અધકચરા જ્ઞાન સાથે આ શક્ય નથી. બસ એક વાર પકડ હાથમાં આવી જાય એટલે કામ સરળ બની રહે.
હવે આનાથી નાજૂક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી,
મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે.
માણસને પ્રસિદ્ધ થવાના અભરખા હોય છે. મને કોણ કોણ ઓળખે છે? તે જાણવામાં ખૂબ રસ હોય છે. ઘણા બધા લોકો ઓળખે એને માટે શું કરવું જોઈએ? ભરી મહેફિલોમાં વારંવાર હાજરી આપવાની. બધા મહાનુભાવોની વચ્ચે રહો એટલે ધીમે ધીમે એક ઓળખ ઊભી થઈ જાય. પછી તો મહેફિલોમાં અનેક જણ હોય તો પણ કવિ કહે છે કે, આપણી નોંધ જરૂર લેવાય અને એ જ તો આપણને જોઈતું હોય છે. આને માટે આ શેરમાં સરસ શબ્દો વાપરાયા છે.
બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતાં આવડી ગ્યું છે.
આમ તો મદારી સામાન્યરીતે સાપને પકડે. કરંડિયામાં પુરીને રાખે અને નાગપાંચમ જેવા ખાસ દિવસે, તેને લઈને આખા ગામમાં ફરે. એ બહાને કમાણી પણ કરી લે. એની માંગણી તો નાગ કે સાપ માટે દુધની હોય પણ કવિ અહીં જબરદસ્ત વ્યંગ કરે છે. કહે છે કે, આજકાલ તો મદારીને માણસ પકડતાં આવડી ગયું છે. એટલે હવે નાગ માટે તો એ હરિફ થઈ ગયો. તો હવે નાગનું શું? એને તો બીચારાને ઝેર ખાવાનો વારો જ આવ્યો ને? આવી અદ્ભુત કલ્પના આલા ગજાના કવિ જ કરી શકે.
હવે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતાં આવડી ગ્યું છે.
આજની આ ગઝલમાં, પરપોટાને સ્પર્શ કરવો! સાપને ઝેર ખાવાનો વારો આવવો! હવે સાપ તો પોતે ઝેરનું ઉત્પાદન કરનાર સૌથી મોટો સોર્સ છે. વળી મદારી માણસને પકડે! કેવી કેવી અદ્ભુત કલ્પનાઓ! આપને મઝા આવીને મિત્રો?
આવી જ સુંદર બીજી એક ગઝલ સાથે આપણે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.
નમસ્કાર
રશ્મિ જાગીરદાર