હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 50. ઝવેરચંદ મેઘાણી અને વાચક વર્ગ !


એક કલ્પના કરો : દરિયામાં પગ બોળીને ઉભાં ઉભાં હાથમાં અંજલિ ભર પાણી લઈને સૂર્યને અર્ઘય આપવાની ચેષ્ટા કરીએ અને સૂર્યને દર્શાવવા જઈએ તો તેમાં મહાનતા કોની છે ? વિશાલ જલરાશિનું પાણી અને સૂર્ય જેવો પ્રચંડ ઉર્જા સ્ત્રોત ! ગુજરાતી સાહિત્ય જેવા વિશાલ સમન્દરમાં છવાયેલ – દેદીપ્યમાન સૂર્ય જવા તેજસ્વી મેઘાણી વિષે મારે આ વર્ષે લખવાનું હતું ! શું લખું અને શું નહીં એની દ્વિધા અને કેવી રીતે વાચક વર્ગ સુધી એમને ગમે તે માધ્યમમાં પહોંચાડવું એ વધારે મહત્વની વિટમ્બણા ! પણ લખવાનું શરૂ કર્યા પછી તો બહુ મોટી સમસ્યા ઉભી થઇ !! મેઘાણી વિષે ભણવામાં આવ્યું હતું અને ભણાવવાનું પણ થયું હતું ; પણ એય સાડા ચાર દાયકા પૂર્વે ! જેમ જેમ એમના વિષે વધારે ઊંડાણથી અભ્યાસ કરવા માંડ્યો તેમ તેમ મને મારી કલમ પાંગળી લાગતી ગઈ.
વાચક મિત્રોએ તો મને તેમના પ્રેમમાં અભિભૂત કરી ને ભીંજવી દીધી હતી ! કલ્પનાબેન રાઘુભાઈએ તો પહેલા જ લેખમાં મને આવકારતાં કહી દીધું ; “ ગીતાબેન !અમે તો તમારી આંગળી પકડી લીધી છે અને હવે તમારી સાથે નવું નવું જાણવા જોવા આ બંદા તૈયાર છે !
મારી મૂંઝવણ વધી ગઈ ! દર્શનાબેન નાડકર્ણીએ ક્યાંક કુશળ લેખકના સૂચનો કરેલ કે ‘નળ શરૂ કર્યા વિના પાણી આવે નહીં : લખશો તો આગળ દિશાઓ ખુલશે ;’ એ મુજબ લેખમાળા શરૂ તો કરી , અને ‘સેંકડો પુસ્તકો વાંચશો તો વિચાર ગંગા વહેશે’ એ મુજબ અસંખ્ય પુસ્તકો પણ ભેગાં કર્યાં અને પછી આત્મ શંકા દૂર કરીને મને આવડશે જ એમ શ્રદ્ધા સાથે
હૃદય સ્પર્શી વાતોથી વાચકોને આવકારવા સાથે એ શબ્દ અને સર્જનના પ્રવાહમાં હું જ રંગાઈ ગઈ !
દર અઠવાડીએ ઉત્સાહથી મેઘાણી સાહિત્ય ભેગું કરીને વાંચવા માંડ્યું ! ભુલાયેલ અતીત ફરીથી સજીવન થયો ; હા નવા મધુર રંગો સાથે !
નિશાબેન ત્રિવેદીએ પોતાનાં પુસ્તકો સપ્રેમ આપ્યાં અને એ ચેપ બીજાં મિત્રોમાં પણ લાગ્યો .. એમનાં પુસ્તકો અને મેઘાણીના જીવન સાથે સંકળાયેલ પ્રસંગોથી હાં રે દોસ્ત કોલમ વધુ જીવંત બની !
ભરતભાઈ ઠક્કરે પ્રોત્સાહિત શબ્દોથી આ લેખમાળાનો આવકારી અને લખ્યું કે ઝવેરચંદ મેઘાણીના ચાહક વર્ગને મેઘાણી વિષે તમે એક વિશિષ્ટ અમૂલ્ય સમજ આપો છો ! અને ઘણું નવું જાણવા મળશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી !
રીટાબેન જાનીએ પોતે સૌરાષ્ટ્રના હોવાથી , મેઘાણી સાહિત્ય તેમને એમનાં વતનની યાદો તાજી કરાવે છે એમ કહી ને અને દર અઠવાડીએ ઉત્સુકતાથી લેખ વાંચે છે એમ લખીને મને પ્રોત્સાહન આપ્યું . એમની પ્રત્યેક ટિપ્પણી એ મને પ્રોત્સાહિત કરી છે . જયવંતીબેન , રંજનબેન માલવિયા એ પણ અવારનવાર ટિપ્પણી મૂકી છે .. જો કે લખ્યા વિના પણ ક્યારેક ફોન દ્વારા વિચાર વિમર્શ કરનાર મિત્રો પણ અનેક છે ..
મેઘાણીનો પેલો પ્રસિદ્ધ પત્ર : “ લિ. હું આવું છું !” એ વિષે મેં એક લેખ લખ્યો હતો . તે વાંચીને અમેરિકામાં રહીને મૂળ ધ્યેય જાળવી રાખવું જીગર માંગી લે છે એમ કહીને ફોન પર મારી સાથે ચર્ચા કરનારો પણ એક વર્ગ ઉભો થઇ ગયો . સાહિત્યના જીવ અને રેડિયો કલાકાર વડીલ મિત્ર અરવિંદભાઈ જોશી મારા નજીકના માર્ગદર્શક બની ગયા ! કોઈ ઉચ્ચ ધ્યેય હોવું એ એક વાત છે અને એ ધ્યેય હાંસલ કરવા કૃત નિશ્ચયી બનવું એ તદ્દન ભિન્ન વાત છે ; અમેરિકામાં આવીને પૈસા પાછળ મૂળ ધ્યેય ભૂલીને ભટકી જનારાંઓ ઓછાં નથી .. એમણે કહ્યું
અને પછી તો જાણે કે દર અઠવાડીએ લેખ પોષ્ટ થાય પછી બુધવારે વસુબેન અને પરષોત્તમભાઇ પરમાર અને વડીલ મિત્ર દંપતી મધુબેન અને ઈશ્વરભાઈ જનસારી ઉપરાંત વડીલ સુધાબેન અને શરદભાઈ ઉપાધ્યાય સાથે વિચાર વિમર્શનું બંધાણ થઇ ગયું ! ક્યારેક લેખમાં ભાષાની સરળતા અને સ્પષ્ટતા પણ એ યુગ્મોને ધ્યાનમાં રાખીને થઇ હશે ..
હા , કોરોના એ તેનું સ્વરૂપ પ્રકાશ્યો હતું અને આખું વિશ્વ લોકડાઉંન – બધું બંધ થઇ ગયું હતું અને બ્લોગ દ્વારા વાંચન એક પ્રવૃત્તિ બની રહી હતી ત્યારે મેઘાણી લેખમાળાએ અમુક મિત્ર વર્ગને આમ વાત -વાર્તા વિમર્શ કરતાં કર્યાં ! આ બધાં કહો કે વડીલ વર્ગનાં -લગભગ એંસી વર્ષથી મોટાં , જેમણે ગાંધી યુગને , આઝાદીની ચળવળો અને મેઘાણીનાં કાવ્યો : છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ ! અને કોઈનો લાડલવાયો – રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે – એ ગીતો સાથે આસું વહાવ્યાં હતાં!
ગિરીશભાઇ ચીતલીયાએ મેઘાણીનું અનુસર્જિત સૂના સમદરની પાળે વાંચીને ભાવથી વધાવ્યું હતું . મેઘાણીનાં મન મોર બની ટહુકાર કરે એ રવીન્દ્રનાથના ‘ નવી વર્ષા’ એ વાચકવર્ગને અપ્રતિમ આવકાર આપ્યો અને મને પણ વધુ સંશોધન કરવા પ્રેરણા આપી .. પાછળથી એને અન્ય બ્લોગમાં પણ સ્થાન મળ્યું . નરેન્દ્રભાઈનો આભાર !
મેઘાણીના માણસાઈના દિવા સર્જનની વાત છેડી ને દૂર દેશમાં વસતાં જયશ્રીબેન પટેલ સાથે જાણેકે આત્મીયતા બંધાઈ ગઈ ! તેમનાં દાદીની ઘેર રવિશંકર મહારાજને જવા આવવાનું હતું ; ને પછી તો મેઘાણી સાથે રવિશંકર મહારાજના જીવનને સ્પર્શવાનો લ્હાવો મળ્યો ! સ્થળ સંકોચને લીધે વધુ તો શું લખું ? પણ આઝાદીનાં આવા લડવૈયાઓની વાતો ફરી ફરીને વાગોળવી ગમે અને પ્રેરણાદાયી રહી છે . એવી જ વાતો સખી જિગીષા પટેલ સાથે પણ થઇ .
ને અહીં લોસ એન્જલસના પ્રકાશભાઈ પંચોલી , મીનાબેન પટેલ , ભારતીબેન ભાવસાર , વડીલ મનસુખભાઇ ગાંધી નલીનીબેન ત્રિવેદી , કુમુદબેન પરીખ , વગેરેને કેમ ભૂલું ? તે સૌના મંત્વયોએ પણ મને પ્રોત્સાહન આપ્યું છે .
મયુરી શાહે તો મેઘાણી વિષે દરિયામાં છુપાયેલ ઝવેરાત રત્નો સાથે આ ઝવેરચંદની સરખામણી કરી દીધી ! દરિયો ખાલી કરવા જેવું છે ઝવેરચંદનું સાહિત્ય જગત ! એમણે લખ્યું છે . મારાં આ પ્રયાસને એમણે આચમન સ્વરૂપ ગણીને સુંદર અંજલિ અર્પી છે ..
મિત્રભાવે દર અઠવાડીએ ટિપ્પણી કરવા સાથે ફોનથી પણ ચર્ચા કરનાર મારાં પરમ મિત્રો જિગીષાબેન , રાજુલબેન ! તમારી એકાદ ટિપ્પણી અહીં ઉલ્લેખું તે પૂરતું નથી ; મેઘાણીનાં બાળગીતો , લગ્નગીતો , વ્રત કથાઓ , નવલિકાઓ , નવલકથા કે ગાંધીયુગ , પંડિત યુગ , મેઘાણીનું જીવન હો કે મેઘાણીનું કવન – તમે સૌએ મને , મારાં આ પ્રયાસને વધાવ્યો છે . સાથે માર્ગદર્શક કલ્પનાબેન , સપનાબેન સૌનો હ્ર્દયથી આભાર !
પ્રજ્ઞાબેને પ્લેટફોર્મ આપ્યું અને માર્ગદર્શન પણ . મેઘાણી જેવી મહાન વિભૂતિને અંજલિ અર્પવાની મને તક મળી એ મારુ અહોભાગ્ય . એમણે ક્યાંક કહ્યું હતું લોકસાહિત્યની ખોજમાં નીકળનાર અભ્યાસુ વર્ગને કે ,’ તમે સૂર્ય કિરણ બનીને જશો તો સૂર્યમુખી ફૂલ જરૂર ખીલશે !” હું નમ્રતાથી કહીશ કે .. સૂર્યકિરણોથી ખીલેલાં સુર્યમુખીઓને મળવાનો નાનકડાં આ દીવડાને અવસર મળ્યો .. કારણ કે ઝવેરચંદ મેઘાણી જન્મજ્યંતિ વેળાએ મેઘાણી વિષે અનેક મહાનુભાવોને ઝૂમ વિડીયો કોલ દ્વારા મળવાનું ,જોવાનું એને સાંભળવાનું મળ્યું ! મેઘાણી માટે માત્ર ૫૦ લેખમાં લખવું પૂરતું નથી જ , પણ ગંગા મૈયાના
પાણીનું આ એક ચમચી આચમન બસ થઇ જશે , એમ સમજીને અહીં જ આ લેખમાળા પુરી કરીશું ! અસ્તુ !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 49) મેઘાણી અને એક અનોખી વાત!


આપણામાં કહેવત છે કે દ્રષ્ટિથી દૂર તે દિલથી એ દૂર ! પણ એનાથી વિરુદ્ધ કૈક મેં આ સમગ્ર વર્ષ દરમ્યાન અનુભવ્યું ! દૂર રહેલ માતૃભૂમિ જાણેકે અહીં આવી વસી મારાં મનમાં ! દ્રષ્ટિની નજીક અને દિલની નજીક! જે દિલમાં રમતું હતું તે જ જાણેકે સામે મળ્યું !
આ વર્ષના પ્રારંભે મારે શું લખવું તે વિષે વિચારતાં મનમાં રમી રહેલ ગરવી ભોમકા ગુજરાતના લાડીલા લોકસાહિત્યના બેતાજ બાદશાહ અને રાષ્ટ્રીય શાયર , મેઘાણી વિષે લખવાનું વિચાર્યું !
લખવાનું શરૂ કર્યું ત્યાં તો વળી મોટો મોટો ચમત્કાર બની ગયો !!

હા , છેલ્લા એક વર્ષમાં દર અઠવાડીએ નિયમિત ઝવેરચંદ મેઘાણી વિષે લખતાં મારી સમક્ષ આટલાં બધાં પુસ્તકો અને તેમને લગતું મબલખ સાહિત્ય મારા કમ્પ્યુટર અને વેબ સાઈટ પર રિસર્ચ કરીને મેં સાચવી રાખ્યું છે ; એટલે જાણે કે મેઘાણી મારાં રોજિંદા જીવનનું એક વિશ્વ બની ગયા છે ! એ વાત સાચી , અને તેમના વિષે મેં જે વાંચ્યું , જાણ્યું અને ચર્ચાઓ દ્વારા મેળવ્યું તે અમૂલ્ય ખજાનો મારી પાસે કાયમ સંગ્રહાયેલો રહેશે તેમાં એ કોઈ જ શંકા નથી ; પરંતુ પ્રિય વાચક મિત્રો ,મારે તમને એક અનોખી વાત પણ કરવી છે !
ઝવેરચંદ મેઘાણી આપણા સુપ્રસિધ્ધ કવિ ( ૧૮૯૭ – ૧૯૪૭) અને સાહિત્યકાર હોવાથી તેમના વિષે થોડું થોડું તો આપણે સૌ જાણતાં જ હોઈએ , તેમાં શંકા નથી . વળી મેં ગુજરાતી ભાષા સાથે એમ એ કરેલ અને વળી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પણ કામ કરેલ એટલે એમના વિષે હું કદાચ વધારે જાણું તેમાં યે નવાઈ નથી . પણ , ઘણી ઘણી વાતો સાચા અર્થમાં જાણવાની તો આ વર્ષે આ લેખમાળાના ફળ સ્વરૂપે જ મળી !
મારા આ અનુભવને એક ચાઈનીઝ વાર્તા ચાંગ અને ચતુરાની વાર્તાના ચાંગ સાથે સરખાવી શકાય !
એ વાર્તામાં વતનથી દૂર એકલા રહેતા ચાંગને પોતાનો દેશ યાદ આવતો હોય છે ; પણ અહીં કામ પણ એટલું બધું હતું કે એ ત્યાં જય શકે એમ નથી .. પણ એક દિવસ ભગવાન એના પર પ્રસન્ન થાય છે અને રોજ ચાંગ બહાર નોકરી કરવા જાય ત્યારે તેના ઘરની દિવાલ પર લટકાવેલ કેલેન્ડરમાંથી ચતુરા નામની છોકરી બહાર નીકળીને ચાંગ માટે એની ગમતી ચાઈનીઝ સરસ રસોઈ તૈયાર કરીને રાખે છે! અને રોજ કેલેન્ડરમાં પાછી જતી રહેતી હોય છે ! કોણ મારી આટલી કાળજી રાખે છે ? ચાંગને પ્રશ્ન થાય છે .. ચાંગનો વતનનો ઝુરાપો જતો રહે છે . એને એક દિવસ એ નોકરીએથી વહેલો ઘેર આવે છે અને ચતુરાને પકડી પડે છે અને પછી તેઓ આનંદથી રહે છે !
દર અઠવાડીએ મારે માટે પણ કેલેન્ડરમાંથી હાં રે દોસ્ત હાલો અમારે દેશ કોલમ લખવા માટે જાણે કે ચતુરા આવીને મને આપણે દેશ , એ પ્રદેશ સૌરાષ્ટ્ર અને ત્યાંની ભૂમિ પર લટાર મારવા લઇ જતી ના હોય ? તેવી રમ્ય અનુભૂતિ થાય છે !
મેઘાણી વિષે લખતાં લખતાં એ યુગ – પંડિત યુગ અને ગાંધીયુગ બંને યાદ આવી ગયા ! હા , કોલેજમાં એ બધું ભણ્યા હતાં પણ એ યુવાનીના – કહો કે કોલેજ જીવનના અનુભવો હતા ! કાળના પ્રવાહમાં ઘણું વિસરાઈ ગયું હતું તો ઘણું નજરે જ ચઢ્યું નહોતું ! ઝવેરચંદ મેઘાણી ત્યારે પણ મારા પ્રિય સાહિત્યકાર હતા પણ તેમના વિષે પુરી માહિતી તો નહોતી જ !
જે જાણ્યું હતું તેમાંયે કહો કે કેટલુંક અર્ધ સત્ય હતું ; કેટલુંક તદ્દન સત્ય નહોતુંયે ! પણ , એક વાત ચોક્કસ છે કે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ પછીના સ્થાને – ત્રીજા નમ્બરે મેઘાણીનું નામ ગુજરાતભરમાં પ્રખ્યાત છે તેમાં શંકા નથી .!
અમારું કુટુંબ ગાંધીવાદી હોવાને લીધે અને સાહિત્ય અને સંગીતનું વાતવરણ ઘરમાં હોવાથી , નાનપણથી અમે મેઘાણીના કાવ્યો , હાલરડાં અને બાળગીતો સાંભળતા , ગાતાં મોટાં થયેલ .
મેઘાણીના પ્રખ્યાત ગીતો : ચૌદ વર્ષની ચારણ કન્યા અને મન મોર બની ટહુકાર કરે એ તો ગુજરાતી સાહિત્યમાં શિર મોર સમા છે એટલે આપણે સૌ એનાથી પરિચિત છીએ જ પણ રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે એ કોઈનો લાડકવાયો ગીત અને શિવજીને નિદરું ના’વે ; માતા જીજાબાઇ ઝુલાવે .. હાલરડાં અમે ભાઈ ભાંડુળાઓ સૌને આવડે . બા નવરાત્રીમાં ગરબા ગીતો ગવડાવે જેમાં મેઘાણીનાં: ‘ અષાઢી સાંજના અંબાર ગાજે ; અંબર ગાજે ને મેઘ ડંબબર ગાજે એ , અષાઢી સાંજના અંબાર ગાજે !’ ને દેશભક્તિનો ગરબો : મોરલિયા જાજે વીરાના દેશમાં ; એટલું તું કે’જે સંદેશમાં મોરલિયા જાજે વીરાના દેશમાં.. અને છેલ્લે જયારે બા પેલી પંક્તિઓ ગાય; “ કહેજે કે ભાભીએ લીધી છે બધા , વેણી નથી નાંખતી એ કેશમાં , મોટલીયા જાજે વીરાના દેશમાં.. ને કેટલીયે આંખના ખૂણા ભીના થઇ જતા …
મેઘણીનાં શૌર્ય ગીતો , રાષ્ટ્રભક્તિના ગીતો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ સૌ અમે નાનપણમાં ખુબ ગાતાં , ગરબે રમતાં અને પાછળથી કોલેજ જીવનમાં એ ગીતોના ગરબા કરાવ્યા હતાં એ બધું જ બધું આ લખતાં નજર સમક્ષ તાદૃશ્ય થયું !
કેલેન્ડરની ચતુરા જાણેકે બહાર આવીને મને મારાં બાળપણમાં લટાર મારવા લઇ જાય !
અને પછી મેં જયારે મેઘાણીની સૌરાષ્ટ્રના બહારવટિયાઓની વાતો માંડી ત્યાં તો મને યાદો તાજી થઇ કે ઓલી કોડ ભરેલ કન્યા પરણીને જામનગર જાય છે અને ફૂલછાબ છાપું જોઈને યાદ આવે છે એ મેઘાણી ! ત્યાં જઈને મેં જોયાં અસ્સલ ઓલી ચારણકન્યાઓના કાઠિયાવાડી નેસડાં, ગામની ભાગોળે જોયાં પેલાં પાળિયાઓ , જેસલ તોરલ સાથે સૌરાષ્ટ્રના સંતો જોગી જીવણદાસ અને જલારામ બાપાની વાતો કરતાં કરતાં જાણે કે ચતુરા મને મારાં મુગ્ધાવસ્થાનાં ભૂતકાળમાં ખેંચી ગઈ !! અહીં મારે સવિનય કહેવું જ પડશે કે મેઘાણી દ્વારા હું અને સુભાષ (my better half ) પતિ લગભગ પિસ્તાલીસ વર્ષ પૂર્વેની એ ધરતી સાથેની યાદોમાં સરી પડ્યાં!
મેઘાણી વિષેની ઘણી માહિતી મારી પાસે એમના શતાબ્દી ગ્રન્થમાંથી , અને એમાં દર્શાવેલ રેફ્રન્સ – સન્દર્ભ પુસ્તકોમાંથી પ્રાપ્ત થઇ છે જે ઉત્સાહથી વાચકવર્ગ સમક્ષ મેં રજૂ કરી તે છે ! એમનું અંગત જીવન અને એમનું અંતર મન , એની વાતો પણ મેં વાચક મિત્રો આપણી સમક્ષ રજૂ કરી છે .. કેવું હતું એ મહાન કવિનું પ્રેમાળ સહૃદય હૈયું ! એમનાં સંતાનો પ્રત્યે તેમનો પ્રેમ અને એમણે જેટલો રસ એ સંતાનોના ઉછેરમાં લીધો હતો તે અવર્ણીય છે , ખાસ કરીને એમના સંતાનો સાથેના સંવાદો , પત્રો વગેરેથી જાણેકે એમની એક અજાણ બાજુનો અનુભવ થયો ..
અને વાચકમિત્રોનો પ્રતિભાવ પણ અનન્ય રહ્યો છે . કેટલાક વાચકમિત્રોએ ફોન કરીને પોતાની પાસેથી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો કાઢી આપ્યાં! તો હું અમારાં અમુક મિત્રોને જાણું છું કે તેઓ તરત જ આ લેખ વાંચીને બપોરે જ ફોન પર તેની ચર્ચા કરે છે .કદાચ આવા વાચકમિત્રો મને વધુ સરળ સુગમ્ય લખવા પ્રેરે છે .. પણ વાચકોના પ્રતિભાવો વિષે વાત કરીશું આવતા અંકે ! હા , આ ઈસ્વીસન ૨૦૨૦નો એ છેલ્લો અને આખરી અંક – ૫૦ પચ્ચાસમો હશે . ત્યાર પછી નવી લેખમાળા લઈને મળીશું . બસ , આજે કલમ અટકવા આનાકાની કરે છે , અને હજુ તો પાશેરામાં પહેલી પૂણી જેવું લાગે છે , હજુ તો ઘણું બધું લખવાનું બાકી રહી ગયું તેમ થાય છે .. પણ આજના લેખના શબ્દો પણ વધીને છેક હજાર સુધી થઇ ગયા છે , તો મળીશું આવતે અંકે , વાચકોના અભિપ્રાયો વાગોળશું ..અસ્તુ !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 48) મેઘાણીની વિદાય !

જાન્યુઆરી મહિનાથી શરૂ થયેલ આ મેઘાણી સાહિત્ય યાત્રા હવે અંત તરફ ગતિ કરે છે ત્યારે , આપણાં રાષ્ટ્રીય શાયર કવિ ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યની ઘણી બધી વાતોકહી છતાં , ઘણી બધી વાતો અનકથિત જ રહેવાની ! પણ સમયને માન આપવું જ રહ્યું. સમયને ઓળખ્યા વિના જો લાગણીઓમાં ખેંચાઈને કાર્ય કરીએ તો કાર્ય ને સહન કરવાનું આવે અને પરિણામ જોઈએ તેવું વ્યાજબી ના પણ આવે !
ઝવેરચંદ મેઘાણી માટે તેમના ચાહક અને મિત્ર સુખલાલ સંઘવી એક જગ્યાએ દુઃખ સાથે , અફસોસ સાથે , અને કદાચ પાર્શ્ચયાતાપ સહ ; ‘ શક્તિ અને કાર્યની સમતુલા’ લેખમાં આ જ સત્ય આપણને ભારે હ્ર્દયે યાદ કરાવે છે ..
દિલના સાલસ સ્વભાવના મેઘાણીએ જીવનમાં ઘણાં ઉતાર ચઢાવ જોયેલાં. વણિક જેવી ‘ઉજળી’ જાતિનો દીકરો સૌરાષ્ટ્રનાં ડુંગરાળ પ્રદેશમાં ઉછર્યો અને ત્યાંની ‘દેશી’ પ્રજા સાથે સ્નેહના તાંતણે બંધાયો . ને પછી યુનિવર્સીટીનું ભણતર લીધું એટલે એ લોકોની સંસ્કૃતિને ભણેલ લોકો સુધી લઇ જવાના મહત્વના કાર્યમાં એ લાગી ગયા. ધરતીમાં ધરબાઈ રહેલ સાહિત્યને ગ્રન્થસ્થ કરવાનું ભગીરથ કાર્ય એમણે એકલે હાથે કર્યું !
“એકલે હાથે ?” તમે પૂછશો , “ કેમ ? બીજાં બધાં સાહિત્યકારો ક્યાં હતાં ?”
એ બધાં શહેરી સાહિત્યકારો મેઘાણીની વિરુદ્ધમાં હતાં !! તેમનું માનવું હતું કે અભણ પ્રજાનું આવું બધું , લોકગીતો અને લગ્ન ગીતો ને સંત કથાઓ ને બહારવટિયાઓની વાતો ને જેવી તેવી વ્રતકથાઓ એ બધું સાહિત્ય ના કહેવાય !
હા , એ પંડિત યુગ હતો ! મોટી ભારેખમ વાતોમાં આ લોકોની આવી જાડી ભાષાની વાતો ક્યાંથી આવે ? શરમાળ સ્ત્રીઓ પાસેથી -ખવાસણ, આહિરયાણી, ભરવાડણ , કાઠિયાણીઓ અને બ્રાહ્મણ -વણિક સ્ત્રીઓ પાસેથી પટાવીને -પોતાના કૌશલ્યથી મેઘાણીએ લોકગીતો મેળવ્યાં ત્યારે પ્રશંસા કરવાને બદલે રામનારાયણ પાઠકે મેઘાણીની ટીકા કરતા કહ્યું હતું ;” કોઈ સ્ત્રીની કનેથી આમ ગીતો કઢાવાય ? It is not something like drawing her naked ?”

અને આમ જોવા જઈએ તો ગાંધીજીને પણ દેશમાં જાગૃતિ લાવવા કેટલી તકલીફ થઇ હતી ? એ સત્ય જ છે કે સારું અને સાચું કરતાં આડે પથરા નાંખનારાઓનો તોટો નથી !
પણ ,આપણે વાત કરીએ છીએ આ બધાં કાર્યમાંથી ઉપજતા શ્રમની! મેઘાણીના જીવન પર આ બધું જ બોજાની જેમ સતત રહેતું જ !હા , એમની લોકપ્રિયતા – લોક ચાહના અનેરી હતી ! સામેની વ્યક્તિ મંન્ત્રમૂગ્ધ થઈને એમને સાંભળ્યા જ કરે તેવી પ્રચંડ તાકાત ધરાવતી એમની પ્રતિભા હતી . .એ વાત માંડે પછી જાણે કે આખો પ્રવાહ એમના મય બની જાય ! એ ગીત ગાય એટલે સૌ એમની સાથે લાગણીઓમાં ભળી જાય ! એમનાં શબ્દો , લય , છંદ , આરોહ અવરોહ ની તાકાત બેસુમાર હતાં! અને એમના પોશાક માંથી નિખરતું વ્યક્તિત્વ અનેરું હતું ! દિલના દિલાવર મેઘાણી પાછળ સૌ ઘેલું થતું !
સરળ સહજ સાલસ વ્યક્તિત્વ ! કુટુંબ માટે અનહદ પ્રેમ અને છતાં રાષ્ટ્રને પણ એમની એટલી જ જરૂર હતી . દેશમાં આઝાદી લાવવાઅજગરની જેમ ઊંઘતી પ્રજાને જગાડવાની હતી ! એમાં જાણેકે શહાદત વ્હોરીને જ કાર્ય કરવાનું ન હોય , તેમ તેઓ સમયને સમય આપ્યા વિનાઅથાગ કાર્ય કરી રહ્યા હતા.
દોઢસો જેટલાં પુસ્તકો માત્ર પચ્ચીસ વર્ષના સાહિત્ય સર્જનમાં લખવા – એ જમાનામાં જયારે આજની જેમ કમ્પ્યુટર નહોતાં, અન્ય સાધનનોનો અભાવ , ત્યારે સાહિત્ય સંશોધન , સર્જન અને પ્રસારણ કરવું એ નાની સુણી વાત નહોતી .
મા વિનાનાં ચાર બાળકોને ઉછેરવાનાં સાથે બીજીવાર્ ના પત્ની ચિત્રદેવી થી થયેલ સંતાનો અને પત્નીની અવારનવાર રહેતી નાદુરસ્ત તબિયત સાથે પોતાની પણ કથળતી તબિયત !
મેઘાણીએ પોતાના જીવનું ટીપેટીપું દેશ અને સાહિત્યને અર્પી દીધું .
સુખલાલ સંઘવી અફસોસ સાથે કહે છે કે ગમે તેવો શક્તિશાળી માણસ જો શક્તિ અને કાર્યની સમતુલા જાળવી શકે નહીં તો આખરે તો એને પોતાને અને પ્રજા ને નુકસાન જ છે .
એક વખત ગાંધીજીએ ગોખલેના મૃત્યુ બાદ કહ્યું હતું : “ ગોખલે એ બહુ કિંમતી કામ કર્યું પણ શરીર પ્રત્યે ધ્યાન નહોતું આપ્યું એટલે આખરે તો આપણને જ નુકસાન થયું છે કે આપણે એમના માર્ગદર્શનથી વંચિત રહીશું !
સુખલાલભાઈએ મેઘાણીનો એક પ્રસંગ લખ્યો છે : મુંબઈમાં ૧૯૪૩માં મેઘાણીના ભાષણોની સિરીઝ રાખી હતી . કલાકોના કલાકો સુધી વિદ્વાનો સમક્ષ પ્રવચનો આપવાના , અને સાથે સાથે ઊંચા સ્વરે એ મેદની સમક્ષ ગાવાનું અને સમજાવવાનું અને તે પણ સતત દિવસો સુધી ! ( અને માઈક વિના !) મેં એમને કહ્યું કે આ રીત સારી નથી – જીવલેણ છે .પણ તેઓ માન્ય નહીં !
ને પછી આવી મિજબાનીની સાંજ ! ત્યાં ફરીથી ત્રણ કલાક મેઘાણીએ સૌને મધુર સ્વરે ઘેલાં કર્યાં! શ્રોતાઓની માંગણી પણ અવ્યાજબી હતી , કાર્યકર્તાઓની પણ એ બાબતમાં ઢીલ , અને વક્તાની તો સૌથી મોટી ભૂલ ! પણ દિલાવર દિલના મેઘાણીને તો શ્રોતા વર્ગ મળે એટલે પછી પૂછવું જ શું !
જો કે , દિલમાં દુઃખના દાવાનળ સાથે એમણે પત્રોમાં મિત્રો પાસે હૈયાવરાળ જરૂર ઠાલવી છે :” હું તો એક ઉખડી ગયેલ મૂળિયાંવાળું ઝાડવું બન્યો છું !” એ અફસોસ અને દર્દ સાથે લખે છે .
ચૂલામાં ભીના લાકડાં અને કરગઠીયાને ( ડાંખળા) ફૂંકી ફૂંકી ચૂલો સંધરુકવો અને દેવતા પ્રગટાવવા જેવું કઠિન કામ – એવું હતું મેઘાણીનું જીવન !
મૃત્યુના થોડા જ મહિના પૂર્વે ૧૯૪૬માં ફરીથી મુંબઈમાં આવી જ રીતે મેળાવડામાં એકાદ કલાકનો પ્રોગ્રામ ત્રણ કલાક સુધી લંબાયો. “ જો આજ રીતે શરીરને શ્રમ આપશો તો ઝાઝું જીવશો નહીં !” સુખલાલ ભાઈએ બળાપો કાઢ્યો !
બરાબર અગ્યાર મહિના બાદ એ વાત સાચી પડી . નવમી માર્ચ ૧૯૪૭ હ્ર્દય રોગના હુમલાથી તેઓ પોતાના વતનમાં અવસાન પામ્યા !
પણ આગલે દિવસે એમણે મુંબઈના કોઈ નાટકો પર પ્રતિબંધ બાબત પોતાનો સ્વતંત્ર અભિપ્રાય લખ્યો છે :” એ ખોટું છે , poewr politics નું પરિણામ છે .” સ્પષ્ટવકત્વ્ય !
મેઘાણીનો જીવન ક્રમ હતો : રોજ રાત્રે સુતાં પહેલાં દરેક બાળકની પથારી પાસે જઈને ઓઢાડે , પંપાળે .. એજ ક્રમ પ્રમાણે સંતાનોને પ્રેમથી પંપાળી , છેલ્લે પોતાની ગાયને સવાર માટે ચારો નાંખ્યો- ઘાસ પાણી તપાસ્યાં અને અનંત નિદ્રામાં પોઢી ગયા ! એમના આમ સાવ અચાનક અવસાનથી ગુજરાત જ નહીં સમગ્ર દેશ ખળભળી ઉઠ્યો !
ગાંધીજીએ દેશને આઝાદી મળી ત્યારે (સૌરાષ્ટ્રમાં ઉહાપોહ થયેલ ત્યારે ) મેઘાણીને યાદ કરતા કહેલું કે એ જો જીવતા હોત તો ડહોળાયેલ વાતાવરણને તેમની કલમની શક્તિથી તેઓ પલટાવી નાખત ! જેમ કૃષ્ણ કરતા તેમની વાંસળીથી ગાયોનું ધણ કે ગોપી વૃંદ વશ થઇ જાય તેમ મેઘાણીનાં સાહિત્યમાં એવી પ્રચંડ તાકાત પડેલી હતી !
કાકા સાહેબ કાલેલકરે કહ્યું ;” મેઘાણીને ઘણું જીવવાનો અધિકાર હતો .. એ એકલે હાથે જ ઝઝૂમતા હતા .. એમણે કરેલ કામ કોઈએ ય એમની પાસેથી ખુંચવી લીધું જ નહીં .. પણ અરે એ કોઈની તાકાત જ નહોતી ! ગુજરાત તો શું , હિન્દુસ્તાનમાં એમનો જોટો જડવો મુશ્કેલ છે !
રસિકલાલ પરીખે સૂચન કરેલ કે એમને સાચી અંજલિ તો જ મળે કે જો એમની પાછળ લોકસાહિત્ય સંશોધન અધ્યયન માટે શિક્ષણ સંસ્થા શરૂ થાય !
હા , એમની ખોટ સાહિત્ય જગતને કાયમ રહેશે , પણ એમણે શરૂ કરેલ કાર્યને આજે સાહિત્ય જગત આગળ વધાવી રહ્યું છે તે ગૌરવની વાત છે !
વાચક મિત્રો ! એક વર્ષથી સતત દર અઠવાડીએ મેઘાણી વિષે લખતાં , અને તે માટેનું જરૂરી સાહિત્ય વાંચતા , વિચારતાં મારા પર એમની જે અસર પડી તે અંગત વાતો આવતે અંકે !
આપના અભિપ્રાયો પણ જણાવવા વિનંતી જે અંતિમ પ્રકરણમાં સમાવેશ કરીશું !અસ્તુ .

હાં રે દોસ્ત હાલો અમારે દેશ :47) ઝવેરચંદ મેઘાણીનાં સંતાનો !

રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીના જીવન કવનની લેખમાળા એનાં અંતિમ ચરણમાં છે ત્યારે એમના પુત્ર , સાહિત્યકાર અને સાહિત્ય સંવર્ધક શ્રી જયંત ભાઈના અવસાનના સમાચાર આવ્યા ! તો આજે અહીં એમને પણ અંજલિ અર્પીએ, કારણકે તેઓ પણ સાહિત્ય જગતમાં પિતાને પગલે આગળ વધ્યા હતા . તાજેતરમાં બેઠક પરિવારના એક સભ્યને એમની સાથે વાત કરવાની તક મળી હતી; નાદુરસ્ત તબિયનને કારણે ઝૂમ વિડિઓ કોલ દ્વારા યોજાયેલી મેઘાણીની સવાસોમી જન્મજયંતીની ઉજવણીમાં તેઓ હાજર રહી શક્ય નહોતા .

જેમના અવસાનને લગભગ સાત આંઠ દાયકા વીતી ગયા છે અને છતાં આપણાં હૈયા પર જેમની અવિસ્મરણીય છાપ કંડારાયેલી છે , તેવા ગુજરાતી સાહિત્યના શિરમોર ઝવેરચંદ મેઘાણીના પુત્ર તરીકે આપણે જયન્તભાઈને ઓળખીએ છીએ ;ત્યારે રાષ્ટ્રીય કવિ મેઘાણીના કૌટુંબિક જીવન વિષે અત્રે સહેજ અછડતો ખ્યાલ આપવાનું ઉચિત લાગે છે .

આપણે સદ્દભાગી છીએ કે આજથી સવાસો વર્ષ પૂર્વે જન્મેલ આપણા ગુજરાતી સાહિત્યનું અણમોલ રત્ન ઝવેરચંદ મેઘાણી કે જેઓ પંડિતયુગ અને ગાંધીયુગનો સેતુ હતા , એમનાં લગભગ બધાં સંતાનો અત્યારે હયાત છે . કહો કે સૌ સંતાનોએ પિતાનાં અધૂરાં રહેલ કાર્યોને ઉપાડી લીધાં અને રીલે રેસ ની જેમ સાહિત્યની બટાન જાળવી રાખી છેદેશમાં અને વિદેશમાં પણ !

તિમિર કાળમાં દેહલી દીપ બનીને

ઘર અંદર ને ઘર મલકમાં

તમે તેજનાં નમણાં નમણાં ગીત રેલાવ્યાં

તિમિર કાળમાં ઘીના દિવા જેમ તમે પ્રગટ્યાતા !

રમેશ પારેખની પંક્તિઓ

મેઘાણી શતાબ્દી ગ્રંથ , ‘શબ્દોનો સોદાગરમાંઅંજલિ અર્પતાં લખાઈ છે .

દેહલી દીપએટલે કે ઘરના ઉંબરા ઉપર પ્રગટાવેલ દીવડો ! દીવડો ઘર અંદરનો અંધકાર દૂર કરે અને ઘરની બહાર પણ તેજ પ્રસરાવે !

ઝવેરચંદ મેઘાણીએ સાચા અર્થમાં શું એવું કામ કર્યું નહોતું ? કહેવાતા ભદ્રશિષ્ટભણેલ વર્ગને ગામડામાં વસતાં મહેનતુ વર્ગ સાથે , અને તરછોડાયેલ વર્ગ અને ખમીરવંતો ભાટ ,ચારણ , રાજપૂત વર્ગ સૌને ગૌરવથી જોડવાનું ભગીરથ કાર્ય મેઘાણીએ એકલે હાથે કર્યું હતું ! સાઉથ આફ્રિકાથી ત્યારે આવેલ ગાંધીજીએ એમનું સમાજને માટે ખુબ જરૂરી કાર્ય પીછાણ્યું હતું ! અને વાચક મિત્રો ; સાથે સાથે કહેતાં ગૌરવ થાય છે , કે એમને હાથ લાકડી થવા એમનાં સંતાનો પણ એમની વ્હારે આવ્યાં હતાં!

મેઘાણીનું અધૂરું રહેલ કાર્ય તેમનાં સંતાનોએ યત કિંચિત રીતેજેનાથી જે થઇ શક્યું તે રીતેએમનું અધૂરું કામ ઉપાડી લીધું છે .

એક કોમળ હ્ર્દયના મેઘાણીનું પિતૃ હ્ર્દય તો અત્યંત કોમળ છતાં માર્ગદર્શન આપનારું વિચક્ષણ હૈયું હતું . ( લેખ માળાનો ૨૩મો લેખ વાંચોમાતાપિતાના રોલમાં મેઘાણી ) બાળકોને ક્યારેક વઢાઈ ગયું હોય તો આસું સારીને રડી પડે ! એટલું કોમળ હૈયું !

ઝવેરચંદ મેઘાણીનાં નવ સંતાનોમાં મહેન્દ્રભાઈ સૌથી મોટા . ( ૧૯૨૩)પિતાના અવસાન પછી એમનું ફૂલછાબ સાપ્તાહિકનું સમગ્ર કામ તેઓએ ઉપાડી લીધું હતું . અમેરિકામાં એક વર્ષ પત્રકારત્વનો અભ્યાસ કર્યા બાદ તેઓએ મિલાપ મેગેઝીન શરૂ કર્યું અને પાછળથી લોક મિલાપ પુસ્તકની દુકાન પણ ચલાવી . એમણે સૌથી મહત્વનું કામ તો અર્ધી સદીની વાચન યાત્રા નામની ગ્રન્થ માળા પ્રસિદ્ધ કરી તે છે .

તેમનાથી પાંચ વર્ષ નાના બહેન ઇન્દુમતી અનિલભાઈ શાહ .

પિતાના મુખે ગવાયેલ લોકગીતો , ભજનો બરાબર એજ રાગમાં , ઢાળમાં ગાવાનું એમણે યાદ રાખ્યું અને સમાજ સુધી સત્વ પહોચાડ્યું સમયે જયારે ટેપ રેકોર્ડર એટલા બધાં સરળતાથી ઉપલબ્ધ નહોતાં. અને આકાશવાણી રેડિયો સ્ટેશને મેઘાણીનાં ઘણા બધાં ગીતો ધ્વનિ મુદ્રિત કર્યા નથીત્યારે ભેટ મહત્વની થઇ પડે છે .

ને ત્યાર પછીના બે જોડિયા ભાઈઓ : નાનક અને મસ્તાન . જેમાં નાનક ભાઈએ અમદાવાદ અને રાજકોટમાં પુસ્તકની દુકાનગ્રંથાગાર ચલાવી .

હમણાં તાજેતરમાં જેમનું નિધન થયું તે જયંતભાઈ !

ઝવેરચંદ મેઘાણીનાં બીજી વારના પત્ની ચિત્રાદેવીનું બીજું સંતાન .

આપણાં લોકોમાં સાહિત્યની ભૂખ જગાડવાનું કામ સૌ સંતાનોએ તન મન અને ધનથી કર્યું છે . ગાંધીવાદે રંગાયેલ સૌ ભાઈ બેનોએ એક રીતે તો સાચા અર્થમાં પિતૃ તર્પણ કર્યું કહેવાય !

જયંતભાઈએ પણ બોટાદ અને ભાવનગરમાં સાહિત્ય સેવા આપ્યા બાદપ્રસારબુકસ્ટોર ચલાવ્યો હતો . એમણે પિતાનાં કાવ્યો અનેસૌરાષ્ટ્રની રસધારઅનેસોરઠી બહારવટિયા વાર્તાઓસાથે લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય વગેરેનું સંપાદન કર્યું ; અને બધું ભેગું કરી સમગ્ર ઝવેરચંદ મેઘાણીમાં સંપાદન કર્યું . ‘સપ્ત પર્ણી’ , એમનું સાહિત્ય સર્જન ; તે સાથે ગાંધીજીની વાતો નવી પેઢીને રસ પડે તે રીતે અંગ્રેજીમાં પ્રકાશિત કરી .

મેઘાણીના ઘણાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ પણ ભાઈઓએ રસ લઈને કરાવ્યો .

ચિત્રાદેવીના સૌથી મોટા દીકરા વિનોદભાઈ .

તેમને પણ સાહિત્યમાં પૂરો રસ . તેઓ પણ લખે છે .

તેમનાથી નાના જયન્તભાઈ

અને ત્યાર પછી પદ્માબેન અને ચોથા નંબરે આવે અશોકભાઈ જે અમેરિકામાં રહે છે.

અને સૌથી નાના મુરલીબેન ભાવનગરમાં વસે છે .

નવ સંતાનોમાંથી લગભગ બધાં ભાઈબહેનોને કાં તો લખવા , વાંચવાનો કે મેઘાણીની જેમ ગરબા લોકગીતો ગાવાનો શોખ છે .

સાહિત્યના ક્ષેત્રમાં સારા સાહિત્યકારો તો મળશે , પણ સાહિત્ય પ્રેમી આટલાં બધાં કુટુંબીજનો જોવામળવા મુશ્કેલ છે ! મેઘાણીને અંજલિ અર્પતાં કહેવાયું છે કે બલિરાજાની વાર્તામાં આવે છે તેમ એમણે પત્રકારત્વ, સાહિત્ય અને લોકસાહિત્ય એમ ત્રણેય લોક આવરી લીધાં હતાં ; પણ એમના સંતાનોએ ત્રણેય લોક આવરી લીધાં છેસ્વદેશમાં અંતરિયાળ પ્રદેશ ,બોટાદ , ભાવનગર , રાજકોટ , અને મોટા શહેર પ્રદેશઅમદાવાદથી છેક મુંબઈ અને ત્યાંથી છેક વિદેશમાંઅહીં અમેરિકાસુધી એમના સંતાનોએ જાણે અજાણે ત્રિ લોકમાં પ્રસરીને સાહિત્યની સેવા કરી છે !!જાણેકે કોઈ ધ્યેય માટે જીવતાં હોય તેમ કુટુંબે ગુજરાતી સાહિત્ય સાથે ભારતીય સંસ્કૃતિની સેવા કરીને નવી પેઢીને તૈયાર કરી છે .. અને લાગે છે કે જયારે ઉચ્ચ ધ્યેય હોય ત્યારે સંસાર રથ પણ જગન્નાથનો રથ બનીને કાર્ય કરે છે !

એવાં સંતાનોને અને તેમનાં પિતા ઝવેરચંદ મેઘાણીને શત શત વંદન !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ : 46) મેઘાણીની ઈચ્છાઓ -આકાંક્ષાઓ !

આજે કોરોનની મહામારીમાં ઘણાં અઘટિત સમાચારો સાંભળીએ છીએ , નહીં?
હાલતો ચાલતો માણસ ઘડીમાં ઉકલી જાય ! અરે કોરોના પોઝિટિવ આવે અને એમ્યુલન્સ લેવા આવે ત્યારે એ જમનાં દૂત છે કે દેવદૂત એ તો જો તમે જીવતાં પાછાં આવો તો જ ખબર પડે ! એ જ રીતે જમદૂત સાથે યુદ્ધ કરીને છેક મૃત્યુંના મુખેથી પાછા ફરેલ એક સબંધી સાથે વાત થઇ કે કેવાં કેવાં વિચારોમાંથી એ પસાર થયેલ !
એમણે કહ્યું કે ; “ હોસ્પિટલના ખાટલે પડ્યાં પડ્યાં વિચારો આવ્યા જ કરે કે આ કરવાનું રહી ગયું , પેલું કરવાનું બાકી જ રહ્યું .. નાની નાની વાતોનો અફસોસ અને જીવનમાં થયેલી ભૂલો યાદ આવ્યા કરે ..” એમણે પ્રામાણિકતાથી એ વાતો કરી .
સારા નસીબે ભગવાને એમને બીજી તક આપી . પણ આપણે તો વાત કરી રહ્યાં છીએ મેઘાણીની !
આજે આપણે છેલ્લા એક વર્ષથી ઝવેરચંદ મેઘાણી વિષે , તેમના સાહિત્ય પ્રદાન વિષે , તેમના જીવન અને કવન વિષે ચર્ચા કરી રહ્યાં છીએ . આપણને ખબર છે કે તેઓ બહુ નાની ઉંમરે – માત્ર પચ્ચાસ જ વર્ષની ઉંમરે અવસાન પામ્યા . હૃદયરોગનો હુમલો હતો એટલે એમની છેલ્લી ઈચ્છાઓ તો કેવી રીતે જાણી શકાય ? એ અચાનક જ અવસાન પામ્યા હતા , ઊંઘમાં જ .
પણ એમણે અવાર નવાર પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ વિષે જણાવ્યું હતું ! અરે , એ ઈચ્છાઓ પુરી કરવા સમગ્ર જીવન ખર્ચી નાખ્યું હતું ! શી હતી એમની ઈચ્છાઓ ?
એમનાં સહકાર્યકરોએ એમનાં વિષે એમનાં અવસાન બાદ ઘણું લખ્યું છે . મેઘાણીનું સ્વપ્ન સાકાર કરવા એમનાં સંતાનો અને મિત્ર વર્તુળ સાથે સાહ્ત્યિક સંસ્થાઓએ પણ કામ કર્યું છે . રાષ્ટ્રીય કવિ જેવું ઉચ્ચ આસન પ્રાપ્ત કરનાર ઝવેરચંદ મેઘાણી નાં સ્વપ્નાં સાકાર થઇ રહ્યાં છે .
એમની સાથે ફૂલછાબ માં કાર્ય કરતા , અને મેઘાણીનાં અવસાન બાદ તંત્રી પદ નિભાવેલ સ્વ. જયમલ્લ પરમાર પોતાનાં સ્પર્શક્ષમ સંસ્મરણો જણાવે છે , જેમાં મેઘાણીની આશા , આકાંક્ષા અને અરમાનોની ઝાંખી થાય છે .
એમને લોકસાહિત્યનું ઘેલું લાગેલું હતું . એમને સામાન્ય લોક પ્રત્યે પ્રીતિ- અપ્રતિમ પ્રીતિનો -પક્ષપાત હતો ! ગ્રામ્ય સમાજને આગળ કરવાની તમન્ના હતી . એમની પાસે ફૂલછાબ જેવું છાપું હતું જેના દ્વારા એમણે ઘણાં મહત્વનાં કામ કર્યાં હતાં.

જયમલ્લ ભાઈ લખે છે ; ‘ એક વાર અમારી નાનપણની વાતો કરતા મેં ડુંગરો અને એની બે ત્રણ ધારોની વાત કહી. એના નામ અને એની પાછળ છુપાયેલ વાતોથી મેઘાણી પ્રભાવિત થયા . રસથી કહ્યું , આ બધું ખુબ મહત્વનું છે ; આપણે એ બધું પ્રકાશમાં લાવવું જોઈએ .” અને ત્યારથી ફૂલછાબમાં “સંશોધન વિભાગ” શરૂ થયો .

એક વાર ભાવનગર રાજ્યમાંથી અમુક ‘ ઉતરતી ‘ જાતિને અમુક સમય માટે ગામ બહાર કરેલી . એ લોકો હવે વરસો બાદ પાછાં વસવાટ કરવા આવી રહ્યાં હશે .. જયમલ્લભાઈ લખે છે કે એમણે ( જયમલ્લભાઈએ ) એ લોકોની મજાક કરી ને કાંઈક ઉતરતું બોલ્યા . પણ ઝવેરચંદ મેઘાણીને દિલે તો એલોકો માટેની હમદર્દી અને પ્રેમ હતાં . એમણે તો રસ લઈને કહ્યું ,” આપણાં ઉજળિયાત સમાજમાં આ લોકોનાં જીવન વિષે લખવા જેવું છે , હોં! “ અને પછી એ આડોડિયા જાતિ સાથે નટ , સાધુ , બજાણીયા , વણઝારા , અને એમ ઘણી બધી જાતિની વાતો , તેમની સંસ્કૃતિ – રીત રિવાજ , તેમનો ઇતિહાસ વગેરે ઉપર સંશોધન ચાલું કર્યાં! અને આ રીતે ફુલછાબમાં શરુ થયો : સંશોધન વિભાગ !
એક વાર ફુલછાબના કાર્યાલયમાં કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’ નવલકથાની ચર્ચા ચાલતી હતી . એમાં રણભૂમિની ભયાનક્તાનું વર્ણન , જેમાં ગીધડાં મડદાંઓ ઉપર જે કલશોર મચાવે છે તેનથી દૂર દૂર એનો અવાજ સંભળાય છે એમ વાત હતી . જયમલ્લભાઇને પંખી શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું એટલે એમને ખબર હતી કે ગીધના ગળામાં એમુક ગ્રંથિઓ ના હોવાથી ગીધ અવાજ ના કરી શકે . એમણે મેઘાણીને એ વાત જણાવી . તો વાચક વર્ગને પ્રકૃતિમાં રસ પડે , પ્રાણી સૃષ્ટિમાં જિજ્ઞાસા જન્મે તે માટે ફુલછાબમાં શરૂ થયું “આપણે આંગણે ઉડનારાં!” પંખીઓનું વિજ્ઞાન !
અને પાછળથી એનું પુસ્તક બન્યું .
એજ રીતે કોઈ લેખકે આકાશમાં ચાંદા વિષે કોઈ ખોટું ડિંડક હલાવેલું . મેઘાણીએ કહ્યું કે ચાલો આપણે આકાશની અવનવી વાતો આપણાં વાચકો સુધી પહોંચાડીએ .
પણ એમાં લોકોને શું રસ પડશે ? પ્રશ્ન થયો .
“જુઓ , આપણે એ વાતો રસથી લખીએ તો સાચી હકીકતથી વાચક માહિતગાર થાય !” એમણે કહ્યું અને એમણે થોડાં ઉદાહરણો પણ આપ્યાં અને એ રીતે ફુલછાબમાં શરૂ થયો એક વિભાગ ; “ ગગનને ગોખે !” પાછળથી એનુંયે પુસ્તક બન્યું અને લોકોને એમાં એટલો રસ પડ્યો કે સૌ ખુલ્લા આકાશમાં તારાઓ નીરખવા નીકળતાં!
એ પુસ્તકની આવૃત્તિઓ હૂજુએ થતી રહી છે !
ઝવેરચં મેઘાણી લોકોનાં માણસ હતાં. ઘરમાં કાંઈક સારું બનાવ્યું હોય તો મા જે પ્રેમથી કુટુંબમાં સૌને વહેંચે એમ મેઘાણી લોકોને અધિક – અધિકતમ આપવા , વહેંચવા , પીરસવા તતપર રહેતા ! આ એમનો સ્વભાવ હતો . અને આવો લાગણીશીલ સ્વભાવ હોય તે પોતાની ભૂલો પણ એટલી જ સહજતાથી સ્વીકારે ને ?
એ આટલા મોટા પ્રસિદ્ધિ પામેલા સાહિત્યકાર હતા , છતાં પોતાના ફુલછાબના તંત્રી લેખ સહકાર્યકરોને અચૂક વંચાવે . રખેને એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ? ક્યાંક પોતાના વિચારે એટલા સબળ ના પણ હોય ! એ કહે .
કેટલીક વાર તંત્રી મટીને માણસ વ્યક્તિ બનીને કાંઈક અજુગતું લખી નાંખે તો સમગ્ર વાચક વર્ગ પર એની અસર થાયને ? એક વાર એવી જ રીતે ગાંધીજીના વ્યક્તિગત ઉપવાસની વાત બની . ૧૯૪૧માં ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો . મેઘાણી એની વિરુદ્ધમાં હતા એટલે એમણે પોતાનો રોષ તંત્રી લેખમાં દર્શાવ્યો પણ સહકાર્યકરોના સૂચન બાદ એમણે પોતાનું મંતવ્ય બદલ્યું .
જયમલભાઈએ લખ્યું છે કે મેઘાણી એટલાં કોમળ હૈયાના હતા કે આવી નજીવી વાતોથી પણ એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં. એક વાર કાર્યાલયના એક છોકરા પર એમને ગુસ્સો ચડ્યો . પાણિયારા પાસેના આળિયામાં ( નાનકડી કેબિનેટમાં ) એમનો કાંસકો નહોતો . મેઘાણીને લાગ્યું કે પેલા છોકરાએ જ ગુમ કરી દીધો હશે . એ પેલા છોકરા પર ખુબ ગુસ્સે થયા . પેલો છોકરો , મહિને નવ રૂપિયાનો પગારદાર જઈને બજારમાંથી નવો કાંસકો લઇ આવ્યો ! હવે મેઘાણીને ખુબ જ ખરાબ લાગ્યું . ગરીબ છોકરા પર એટલો બધો ગુસ્સો થઇ ગયો ?
‘ ચાલો , એને ઘેર જઈને મારાં પાપનું પ્રાશ્ચિત કરી આવીએ !” એમણે ટપ ટપ પડતાં આંસુડાં માંડ ખાળતા કહ્યું .’ વિધવા મા અને ચાર ભાઈબેનનો બોજ ઉપાડતો અને સાંજે દૂધ વેચવાનું કામ કરતા ગરીબ પર કરેલ વર્તનની માફી માંગવા એ અધીરા થઇ ગયા . અને પછી એ સ્વમાની છોકરાને તહેવાર નિમિત્તે ત્રણ રૂપિયા આપ્યા , સાથે બીજા છોકરાને પણ ત્રણ રૂપિયા આપ્યા બાદ જ એના જીવને શાંતિ થઇ .
એમની કરુણા અને લોકો પ્રત્યેના પ્રેમના અનેક પ્રસંગો છે , જેમાં અનહદ પ્રેમ અને તેના પરિણામ રૂપે રુદન સ્વાભાવિક રીતે ઉતરતું દેખાય છે .. કોઈને માટે કરી છૂટવાની ઉદાત્ત ભાવના અને ઋજુ હ્ર્દય મેઘાણીના વ્યક્તિત્વમાં અવિભાજ્ય અંગ બની ને વણાઈ ગયાં હતાં!
પણ વાચક મિત્રો ; શું આટલાં લાગણીશીલ , ઋજુ હ્ર્દયના હોવું તે યોગ્ય કહેવાય ખરું ?
એમના જીવનનાં કેટલાક પ્રસંગો અને જેને કારણે તેઓ હ્રદયરોગના હુમલામાં અટવાઈ ગયા તેની ગાથા આવતે અંકે !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ :45) મેઘાણીની માંગ: તો સૂર્યકિરણ બનવું પડશે!

“હેજી તારાં આંગણિયા પૂછીને કોઈ જો આવે તો આવકારો મીઠો આપજે રે લોલ! “ (દુલા ભાયા કાગ )
હા , આમ જુઓ તો આજે ચારે બાજુએથી આપણે મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયાં છીએ.
કોરોના ને લીધે ઘણાનાં ધંધા રોજગાર બંધ પડી ગયાં હશે ,
ઘરમાં પણ તણાવનું વાતાવરણ હશે , કદાચ દુઃખના ડુંગરા તૂટી પડ્યા હશે ,

પણ એવી કપરી પરિસ્થિતિમાં પણ જો કોઈને તમે એમની હાલત વિષે પૂછો તો એ તમારી સાથે એના દિલની વાત કરશે નહીં ! હા , દિલ ઠાલવવા પણ યોગ્ય પાત્ર જોઈએ .
અરે પોતાની મુશ્કેલીઓ કે મૂંઝવણો કે મનની વાતો એમ જેને તેને થોડી જ કહેવાય ? જો તમે બહુ આગ્રહ કરીને પૂછો તો એ સામે જ જવાબ આપી દે કે “ભાઈ , તું તારું સંભાળ ; અમે જે છીએ તે સારાં છે !!!”
આપણને મનમાં ધુરી ચઢે કે ચાલ , હવે સમાજ સેવા કરવા દે ! હવે જઈને ગરીબ , અસહાય , અશક્તનાં દુઃખ હળવા કરવા દે ! તો એમ સમાજ સેવા ના થાય !
કોઈનું દુઃખ જાણવા , સમજવા , કોઈનું દિલ પામવા , કોઈની પાસે જવા માટે એના જેવાં બનવું પડે ! ત્યારે એ વ્યક્તિ મનની વાત કહે !
એટલે તો દુલા કાગે લખ્યું :
“કાગ , એને પાણી પાજે , ધીરે ધીરે બેસવા દેજે .. “
અને પછી જો એ મન હળવું કરે તો ધીરે થી બોલવા દેજે !
વાચક મિત્રો , આ વાત અહીં એટલા માટે યાદ કરાવી કે લોકસાહિત્ય મેળવવા માટે મેઘાણીને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી .
ઝવેરચં મેઘાણી પણ ભણેલ ગણેલ , વાણિયા જાતીનાં : એટલે એમને જે તે બધી વાતો કહેતાં ગ્રામ્ય પ્રજા સંકોચ પામે . એમને થાય કે આ ભણેલ માણસ આપણને કોઈ કાયદાની આંટી ઘૂંટીમાં તો સલવાવશે નહીં ને ? એટલે લોકો એમની સામે શંકાની નજરથી જુએ . એમને મેઘાણીમાં વિશ્વાસ ના હોય એટલે ક્યારેક ઉડાઉ જવાબોય આપી દે . તેમાં એ વળી પાછા બધું નોંધપોથીમાં નોંધે !
“આ નોટબુકમાં શું લખે છે ? “ એ લોકો વિચારે અને ગભરાય !
વળી એમની મુશ્કેલીનું બીજું પણ એક કારણ હતું .
લોકસાહિત્ય લોકોને મુખે , એટલે કે ઝાઝું કરીને સ્ત્રીઓને મુખે – જળવાયેલા હોય : સ્ત્રીઓ સાથે વાતોય કેવી રીતે કરવી? ગઢવી , ચારણ અને અન્ય જાતિમાં તો વળી પરદા પ્રથા ! પરદામાં રહીને વાતો થાય ! આ બધાં બંધનો તોડવાનાં કે ઓળાંગવાનાં , પછી જ લોક સાહિત્ય મળે !
પણ પછી ધીરે ધીરે , મેઘાણીના વ્યક્તિત્વથી સૌ વિશ્વાસ પામીને પોતાની અંતરની વાતો – સાહિત્યનો ખજાનો કહેતાં થયાં.
એકલે હાથે એમણે ઘણું કાર્ય કર્યું . પણ , એમને ખબર હતી કે આ તો અમૂલ્ય ખજાનો છે . એમને સમજાઈ ગયું હતું કે વિશ્વના સાહિત્યમાં સ્થાન પામે તેવું ઘણું સાહિત્ય આ લોક સાહિત્યમાં સંતાઈને પડ્યું છે . પણ એને બહાર કાઢવા સમય અને સમજણ બંને જોઈએ ! “કોણ એ કામ કરી શકશે મારા ગયા બાદ ? “ એની એમને ચિંતા હતી .
ઉમાશંકર જોશી તેમના પરમ મિત્ર હતા , એમને એમણે પત્રમાં લખ્યું ;” મારાં કંઠમાં હું પાંચસો ગીતો પકડીને બેઠો છું . એ વિસરાય તે પહેલાં મેં એટલાં તો આગમાંથી ઉગારી લીધાં છે ; પણ બીજા હજ્જારોનું શું ?
એમણે કહ્યું , “ અમુક ચારણ કવિને ઘેર પાંચસો વર્ષની જૂની હસ્ત પ્રતો નો થોકડો પડ્યો છે , એનો અભ્યાસ કરવો જરૂરી છે . પણ હું એકલો શું કરી શકું ? અને યુનિવર્સીટીમાં ભણેલ વર્ગ એને અશાસ્ત્રીય કહીને અવગણે છે!” મેઘાણી હૈયા વરાળ કાઢતા લખે છે કે “કાંકરા અને કસ્તરની જેમ હું ભલે ઉડી જાઉં પણ એ સાહિત્યમાં જે જીવનસત્વ છે તેનો તો વિચાર કરો?” ઝવેરચંદ મેઘાણીની એક વધુ મુશ્કેલી હતી :
લોકગીતોને જો એનાં રાગમાં ને ઢાળમાં ગાઈએ તો જ એ સાચા અર્થમાં લોક ગીત લાગે . એ જમાનામાં ટેપ રેકોર્ડર એટલા પ્રચલિત નહોતા . મેઘાણીએ મહા મહેનતે એ ગીતોના ઢાળ યાદ રાખ્યા ..
એમણે એકલે હાથે એ ગીતોને સાહિત્ય જગતમાં સ્થાન મળે તે માટે ખુબ પ્રયત્નો કર્યા .
એમણે આકાશવાણી વિભાગને લખ્યું આ બધાં લોકગીતોના પ્રસારણ બાબત . પણ પૈસા – મહેનતાણું બાબત ગરબડ ઉભી થઇ .
મેઘાણી સ્વમાની વ્યક્તિ હતા . મુસાફરીનું ભાડું મળે તો જ તે આવવા તૈયાર થાય !
મિત્રો !આપણા દેશમાં હીરાઓ નથી પાકતા એવું નથી, આપણે એમને પિછાની શકતા નથી . કલાકારનું હીર જોઈને એને વધાવી લેવાને બદલે નાહકની આંટી ઘૂંટીમાં અને ખોટા રાજકારણના આટાપાટા માં સાચો હીરો હાથથી જતો રહે છે , અને પછી જયારે એ જ વ્યક્તિ પરદેશમાં જઈને ખ્યાતિ પ્રાપ્ત કરે છે ત્યારે આપણે એ વ્યક્તિની મહાનતા માટે ગૌરવ લઈને કહીએ છીએ કે ફલાણી વ્યક્તિ તો અમારા દેશની છે ! પછી તે સ્વામી વિવેકાનંદ હોય કે હરે કૃષ્ણ ચળવળના પ્રભુપાદ હોય કે ચિન્મયા મિશનના પ્રણેતા સ્વામી ચિન્મયાનંદ હોય ! એ સૌને પ્રતિષ્ઠા ત્યારે મળી જયારે પારકાં લોકોએ એમને વખાણ્યાં!
મેઘાણીનો વિરોધ કરનારાં ઘણાં હતાં.
તો એ દિવસોમાં મેઘાણીને આકાશવાણી રેડીઓ પર યોગ્ય ન્યાય ના મળ્યો અને ઘણાં ગીતો – લોકગીતોથી શ્રોતાઓ અપરિચિત અજાણ રહ્યાં!
પરંતુ મેઘાણી તો એક મોટું ધ્યેય લઈને બેઠા હતા ! એમણે નવી પેઢીને અને લોકસાહિત્ય સંશોધકોને જણાવ્યું કે એ ગ્રામ્ય પ્રજા પાસે અખૂટ સાહિત્ય સંગ્રહાયેલું છે ; માત્ર એમનો વિશ્વાસ જીતીને એ બહાર લાવવાનું છે !
એ લખે છે : “ જાઓ તેઓની પાસે , એમના ઉર – કપાટ હળવે હાથે , જુક્તિ પૂર્વક ઉઘાડજો . એ તો કેળનાં ઝાડવાં છે , મોટરોની ધૂળ ઉડાડ્યે એમનાં હ્ર્દયો ઉઘડશે નહીં .( તમારા મોટર ગાડીના ભભકાથી એ લોકો અંજાશે નહીં ) . એમનાં મિત્ર બનવું પડશે . એમનાં મિથ્યાભિમાનનેય પંપાળવું પડશે .. એ તો સૂર્યમુખીઓ છે , એ તો જ ખીલે જો આપણે સૂર્ય કિરણ બનીને તેમની પાસે જઈએ તો !
કેવી સ્પષ્ટ વાત !

આપણું લોકસાહિત્ય વિશ્વમાં પ્રસરે તે માટે એમને શાંતિનિકેતનમાં અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપેલાં. (૧૯૪૩. ) અને ત્યાંના મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલા .(Folksongs of Gujarat .)એજ રીતે ગુજરાત રિસર્ચ સોસાયટીમાં પણ કાઠિયાવાડના લોકગીતો પર લેખ લખેલ . Marriage songs of Kathiyavad . એમણે ત્યારે જાણીતા અંગ્રેજ લેખક લોકસાહિત્યકાર એલ્વિન વેરિયરને પોતાનાં આ લોકગીતો અને સાહિત્ય તપાસવા અંગ્રેજીમાં અનુવાદ પણ મોકલવાની તૈયારી કરી હતી – પણ એ બની શક્યું નહીં . એ પહેલાં જ એમને ભગવાનના ઘેરથી તેડું આવી ગયું , નહીં તો આપણે એ બધાં ગીતો અંગ્રેજીમાં સાંભળ્યાં હોત, એ ગીતો વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યાં હોત ! ( જો કે આ લેખ લખવા થોડું રિસર્ચ કરતાં જણાય છે કે હવે એ સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે એમનાં ગીતોનો અંગ્રેજીમાં અને અન્ય ભાષાઓમાં અનુવાદ થઇ રહ્યો છે )
સૌરાષ્ટ્રનાં લોકસાહિત્યની જેમ અન્ય પ્રાંત પ્રદેશોનું પણ એનું પોતીકું કહી શકાય તેવું સાહિત્ય હશેજ , માત્ર તેને શોધવા પરિશ્રમ કરવો પડે ! હા, હવે આપણે ટેક્નોલોજી યુગમાં એટલાં ઝડપથી આગળ વધી રહ્યાં છીએ કે એ બધું પુરાણું હવે નવા સ્વરૂપે બદલાઈને આપણી સમક્ષ આવે છે ! એમાં લોકસાહિત્યની સુગંધ રહી નથી !
પણ , ત્યારે તમે જ વિચાર કરો એવી સુગંધ કેવી રીતે રહે ? જુઓ પેલું લોકગીત ; “ આ વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ ! એની આ પંક્તિઓ જુઓ :
નણદીએ જઈ સાસુને સંભળાવ્યુ રે લોલ ;
ભાભી કરે છે આપણાં ઘરની વાત રે .. આ વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ ….” તો પ્રશ્ન થાય કે આવાં ગીતો આજે કેવી રીતે લોકગીતની સુગંધ પ્રસરાવે ? ભાભીએ વાત કરવાને બદલે બધું જો વિડિઓ કરીને વોટ્સએપ પર કે ફેસબુકમાં જ જો મૂકી દીધું હોય ને પછી નણંદ અને સાસુને રંગે હાથ પકડ્યાં હોય તો પછી પરણ્યાના હાથે કસુંબો પીને મરવાનું કેવી રીતે આવે ???
વાચક મિત્રો ! મેઘાણીનાં જીવનમાં એમની આશાઓ , અપેક્ષાઓ , અરમાનો અને અધૂરું રહેલ સ્વપ્નની વાતો આવતે અંકે !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ : 44) ચૌદ વર્ષની ચારણ કન્યા ! મેઘાણીનું ચારણી સાહિત્ય!

ચૌદ વર્ષની ચારણ કન્યા !
હીરબાઇ એનું નામ , ગીરનારની તળેટીમાં જંગલના રાજા સિંહોની વસ્તી વચ્ચે એ રહે ! ઝવેરચંદ મેઘાણી કહે છે કે ગીરનાં એ નેસડાઓમાં એક વાર એ રાત રહ્યા હતા જ્યાં હજુ બે ચાર દિવસ પહેલાં જ એ બનાવ બન્યો હતો ; ચૌદ વર્ષની હીરબાઈએ સિંહને ભગાડ્યો હતો ! માત્ર ચૌદ જ વર્ષની એ દીકરીએ જયારે રાતે ગાયની ગમાણમાં કંઇક હલચલ સાંભળી ત્યારે ઘડીનોયે વિલંબ કર્યા વિના એ હાથમાં ડાંગ લઈને દોડી અને પોતાના પ્રિય વાછરડાને સિંહના મોંમાંથી છોડાવ્યું ! આ આખી વાત મેઘાણીએ સૌ કુટુંબી જનોને મુખે ફરી ફરીને સાંભળી અને રચાઈ ગયું આ અજોડ , અવિસ્મરણીય કાવ્ય : ચૌદ વર્ષની ચારણ કન્યા ! ચારણી છંદમાં રચાયેલ એ ગુજરાતી સાહિત્યનું અમૂલ્ય નજરાણું ; અનેક ભાષામાં એના અનુવાદ- ભાષાંતર પણ થયાં છે.
પ્રિય વાચક મિત્રો આપણે વાત કરી રહ્યાં છીએ મેઘાણીનાં કાવ્યોમાં ચારણી છંદ વિષે .
ચારણ જાતી કે જે રજપૂત રાજાઓ સાથે સંકળાયેલી છે , મોટે ભાગે દેવીની આરાધના કરે . માતાજીની સ્તુતિ છંદ ભાવવાહી સ્વરે ગાનાર આ પ્રજા દેવી પુત્ર પણ કહેવાય . રાજાઓને વાક્ચાતુર્ય દ્વારા એમની ફરજો સમજાવે , યુદ્ધ માટે તૈયાર કરે .. અપને ત્યાં વર્ણ વ્યવસ્થા ઉભી થઇ ત્યારે બ્રાહ્મણોને સરસ્વતીના ઉપાસક કહ્યાં અને એમને વેદ વગેરે સાહિત્ય માટેનો અધિકાર આપ્યો ત્યારે ચારણોને પણ સાહિત્ય રચવાનો અને ક્ષત્રિય લોકોની જેમ માં શક્તિ ને ભજવાનો અધિકાર આપ્યો . લગ્ન વગેરેમાં બ્રાહ્મણો જો વિધિ કરાવે તો દરવાજે ઉભા રહીને ચારણો બુલંદ સ્વરે લગ્ન પ્રસંગને ગાઈને શણગારે !
જો કે આ બધું “પહેલાંના” જમાનામાં હતું ..
તો ચારણી છંદો શૌર્ય રસ સાથે સંકળાયેલ છે. કોઈને યુદ્ધમાં – જંગમાં પોરસ ચઢાવવું હોય તો ચારણી છંદો એને વધુ અનુકૂળ આવે .
મેઘાણી પોતે જ લખે છે : “સૌને એનો શ્રુતિ વૈભવ જ પ્રથમ સ્પર્શે છે. એમ ને એમ તો ચારણી છંદો હજમ નહિ થાય . એનું શબ્દ ગૂંથણ જટિલ છે . એટલે આપણે એ રચનાની શૈલીને સાદા ભાવથી ને સાદા શબ્દોથી વાપરીએ . એ યત્ન મેં “ચારણ કન્યા “ ગીતમાં કર્યો છે .”

તેઓ કાવ્યની શરૂઆત કરે છે : વનરાવનનો રાજા ગરજે : ત્યાંથી …. અને થોડી જ પંક્તિઓમાં તો એ વનરાવનનો રાજો જંગલનું કૂતરું બની જાય છે :
ગીરના કુત્તા ઉભો રે’જે !
ચોર – લૂંટારા ઉભો રે’જે ! …….ત્યાં સુધીમાં એ ચરણકન્યાનું શૌર્ય , એનો ક્રોધ , પોતાના વાછરડા પ્રત્યેનો પ્રેમ વગેરે બધું જ મેઘાણી ચારણી છંદોમાં આપણી સમક્ષ તાદૃશ્ય કરે છે !
કાવ્યમાં ગતિ છે, નાદ વૈભવ છે અને ભાષાનો વૈભવ અને ઝડપથી વહેતી વાર્તાનું વહેણ પણ છે !
વાચક મિત્રો આ પંક્તિઓ જરા મોટેથી વાંચશો તો રુંવાટા ઉભા થઇ જશે :
ચૌદ વર્ષની ચારણ કન્યા ;
ચુંદળીયાળી ચારણ કન્યા ;
જગદંબા શી ચારણ કન્યા ; ડાંગ ઉઠાવે ચારણ કન્યા ;
ત્રાડ ગજાવે ચારણ કન્યા ….. અને આ કન્યા કોઈ અજબ જ માટીની ઘડાઈ છે , એનામાં ગીરના જંગલનું ખમીર છે !
લાલ હિંગોળી , પહાડ ઘુમંતી , આગ ઝરંતી , અને – પાછળ દોડી ચારણ કન્યા !
સિંહણ તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
અને મેઘાણી છેલ્લે લખે છે :
નર થઇ તું નારીથી ભાગ્યો , અરે નાનકડી છોડીથી ભાગ્યો !
આ છે મેઘાણીનો શબ્દ વૈભવ ! અને આ છે ચારણી છંદનો જાદુ !
અહીં એક વાત કહેવાનું મન થાય : સૌરાષ્ટ્રમાં ગીરના જંગલોમાં આસપાસના ગામડાઓ તુલસી શ્યામ અને સતાધાર પ્રદેશોમાં મેં આવી ચરણકન્યાઓ જોઈ હતી કે જે નદી કાંઠે ઉભી હોય ને સામે કાંઠે વનરાજ કેસરી એના કુટુંબ કબીલા સાથે નીકળ્યો હોય ! અને ઘણી વાર આશ્ચર્ય થાય કે હજુ આજે પણ એક બીજાના સહવાસ સહ જીવનથી એ લોકો જીવી રહ્યાં છે!

આપણે આવી જ રીતે “મન મોર બની થનગાટ કરે “એ મેઘાણીનું પ્રસિદ્ધ કાવ્ય ૧૬ માં હપ્તામાં જોયું હતું . એમણે ચારણી છંદનો ઉપયોગ કરીને નવું બંધારણ ઘડ્યું છે : જુઓ થોડીક પંક્તિઓ :
ઘરર ઘરર ઘરર મેઘ ઘટા ,ગગને ગગને ગરજાટ કરે !
ઘૂમરી ઘૂમરી ગરજાટ ભરે ,ઘૂમરી ઘૂમરી ગરજાટ ભરે !
શબ્દો એક પછી એક સરી જાય છે અને શબ્દોનો નાદ વરસાદ અને વાદળ ગળગળાટ વર્ષાઋતુનું એક ભવ્ય દ્રશ્ય ખડું કરે છે !
નવે ધન ભરી સારી સીમ ઝૂલે ,નદીયું નવ જોબન ભાન ભૂલે !
મઘર મઘર મલકાઈને મેંડક નેહ સુનેહશું વાત કરે !
ગગને ગગને ઘુમરીને પાગલ મેઘ ઘટા ગરજાટ કરે ..

કેટલાંક કવિઓ એવાં હોય જે કાવ્યમાં ગેય તત્વ અનાયાસે જ વણી લે !મેઘાણી એવાં એક કવિ હતા . એમનાં અઢી સો જેટલાં કાવ્યો ગાઈ શકાય તેવાં છે . ક્યારેક કોઈ છંદ તૂટતો હોય તો એ તે એવી રીતે ગાય કે શ્રોતા મુગ્ધ બનીને સાંભળ્યા જ કરે !
એમણે સિંધૂડો કાવ્ય સંગ્રહ ગાંધી યુગમાં રચ્યો , જયારે આઝાદીનો જુવાળ ઉભો થયો હતો . એમાં ચારણી છંદ બહુજ સરસ રીતે સહજ ભાવે આવી જાય છે .
નયન ફાડ, માર ત્રાડ,જરીક વાર જાગને ;
બીક કોની , બીક કોની બીક કોની માં તું ને !

નરસિંહ મહેતા અને અનેક કવિઓએ જેનો બહોળો ઉપયોગ કર્યો છે તે , મારો પ્રિય ઝૂલણા છંદ પણ ચારણી સાહિત્યમાં વપરાય છે . મેઘાણીનાં કેટલાંક કાવ્યોની પંક્તિઓ જુઓ :
થૈ થ થૈ ડોલતી , ચાલમાં ચાલતી ,
ગાડીને જોઈ જન કૈક મોહે !
( મેઘાણીનું કાવ્ય શૉફરની દિવાળી માંથી લીધેલ આ પંક્તિઓ મેં અમારીનવી લીધેલ ગાડી Tesla જે ડ્રાયવર વિના પણ ચાલી શકે છે તે જોઈને અનુભવી હતી )
બીજું કાવ્ય જુઓ :
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી ‘ કાયરો જ એ અહંકાર ધરતાં!
એ જ રીતે ચર્ચરી છંદનું અ કાવ્ય :
‘અમે ખેતરેથી વાડીએથી જંગલ ને ઝાડીએથી સાગરથી , ગિરિવરથી સુણી સાદ આવ્યાં;
અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પરે આજ પીડિત દલિતોનું રાજ રચાવાને આવ્યાં !’
અહીં “અમે” શબ્દ છંદની દ્રષ્ટિએ વધારાનો હોવા છતાં કાવ્યમાં વણાઈ જાય છે ..
એમના અવસાન બાદ દુલા ભાયા કાગે ગાયું હતું :
છંદા , ગીતાં ને સોરઠાં, સોરઠ સરવાણી,
એટલાં રોયાં રાતે આંસુએ આજ જાતાં મેઘાણી !

મિત્રો , કવિ કલાપીની સુંદર પંક્તિઓ છે :
જે પોષતું તે મારતું , તેવો દીસે કર્મ કુદરતી ..
મેઘાણીની આ સાહિત્ય ભક્તિ , આ લોક પ્રત્યેની પ્રીતિ , ગાંધી રંગે રંગાયેલ નીતિ , અને જીવનની કપરી પરિસ્થિતિ આ બધાંએ તેમનાં જીવન પર અસર કરી છે . તેમના પત્રકારત્વ વ્યવસાયની હાડમારી અને રખડપટ્ટી વગેરેએ એમના જીવન પર ગંભીર અસર કરી હતી ! એ જીવનની કપરી વાસ્તવિકતાની વાત આવતે અંકે ….

હાં રે દોસ્ત હાલો અમારે દેશ : 43) મેઘાણી અને ચારણી સાહિત્ય !

હે સાંજને સમે જયારે સૂરજ નમે ;
નર નાર લગાતાર સૌ રંગે રમે –
વાચક મિત્રો ! તમે આ અને આવી જાતના દુહાઓ સાંભળ્યાં જ હશે !
પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી સો વર્ષ પૂર્વે આ જાતનું સાહિત્ય ભદ્ર સમાજમાં એટલું બધું પ્રચલિત નહોતું ! ભણેલ ગણેલ શહેરી ભદ્ર સમાજ ગરબા રાસ તો રમતાં હતાં , દયારામ અને તત્કાલીન કવિઓ ગિરધર , છોટમ વગેરેએ આપણા સંસ્કૃત ડિંગળના છંદ ગ્રન્થો માં છે તેવા છંદો પ્રયોજ્યાં છે ; પણ મેઘાણીએ લોકસાહિત્યની શોધમાં નીકળીને જે ચારણી સાહિત્ય આપણને આપ્યું તે થોડું જુદું અને અજોડ છે ! એમ કહી શકાય કે એ સાહિત્ય લોકોની જીભે પેઢી દરપેઢી રમતું રહ્યું અને સૌરાષ્ટ્રના ડુંગરો અને કોતરો અને ખીણોમાં , આદિવાસી પ્રજા અને મહેનતુ ખેડૂત , ભરવાડ વગેરે દ્વારા જીવતું હતું તે મેઘાણીએ શોધીને આપણી સમક્ષ રજૂ કર્યું !

આમ પણ આપણા ઝવેરચંદ મેઘાણીનો કંઠ હલકદાર છટાવાળો; તેમાં એમની પ્રેક્ષકોને વાતમાં રસ તરબોળ કરીદેવાની કામણગારી રીત ભળે, અને શબ્દોને સજાવી લપેટીને રાગબદ્ધ ગીત ગાય ત્યારે આ દુહા છંદ અગાઉના કોઈ પણ કવિ કે ચારણ કરતાં અજોડ અને અદ્વિતીય હોય તેમાં શંકા ખરી ?
ચારણ જાતનો મેળો ભરાયો હતો ને એમની સભામાં મેઘાણીએ બે કલાક સતત ગાઈને સૌને સ્તબ્ધ કરી દીધા હતા ! ચારણો સ્તબ્ધ થઈને એકે વાણિયાનો ડાયરો માણી રહ્યાં !
ચારણ પ્રજા મુખત્વે રાજા રજવાડાઓના દરબારમાં બેસીને મહારાજાઓ અને તેમના વંશ પરંપરાઓની ખુશામત કરે ! થોડું આશ્ચર્ય થાય , પણ નિવૃત્તિના સમયમાં વોટ્સ એપ દ્વારા આપણે શું એવું જ કામ નથી કરતાં ?
જયારે આ પ્રજાતો રાજાની આશ્રિત પ્રજા હતી ! નવરાશની પળોમાં ભાટાઈ કરતી આ પ્રજા યુદ્ધ દરમ્યાન દુહા છન્દની તાકાતથી મડદાને પણ જીવતા કરી દેતી ( અહીં અતિશયોક્તિ છે , પણ દુહા છંદમાં એ બધું અપેક્ષિત હોય )

આ બધું ગ્રામ્ય પ્રજામાં હોવાથી, ગ્રામ્ય સઁસ્કૃતિમાં હોવાથી , અને અંગ્રેજોએ ઉભા કરેલ બે વર્ગને પરિણામે – સુજ્ઞ સમાજથી દૂર રહેલ . મેઘાણીએ બંને વર્ગ વચ્ચે સેતુ બનીને એ વર્ગની અલૌકિક સાહિત્યિકતાના દર્શન કરાવ્યા .

એમણે ગાંધી યુગનો વિષય લીધો , ચારણોની શૈલી સ્ટાઇલ લીધી અને લખ્યું :
“ પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં!
ખેડુનાં , ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં!
રંકોનું રક્ત પાન પી પી ને પે’લવાન
બનતા ધનવાન , જ્ઞાનવાન તેનું સ્થલ ના ! બનતા ધનવાન , જ્ઞાનવાન તેનું સ્થલ ના!”
મેઘાણીએ બીજા એક કાવ્યમાં આ જ ચર્ચરી છંદમાં લખ્યું :
“આખર એની જ જીત સમજી લેજે ખચીત ,
જાગો ભયભી જાલિમો! વિરાટ આવે .
નૂતન શક્તિને ભાન , ગાતાં શ્રદ્ધાનું ગાન
એક તાલ , એક તાન, લોક સૈન્ય આવે ! એક તાલ , એક તાન, લોક સૈન્ય આવે !”
આ છંદ મારો પ્રિય , પણ એ સૌનેય વધુ ગમે કારણ કે એમાં બંધારણને વફાદાર ન રહીયે તો પણ કથનના વેગમાં કોઈ ભૂલ દેખાય નહીં !
મેઘાણીનાં આ છન્દનાં કાવ્યો જેટલાં અહીં લખું તેટલાં ઓછાં ! પણ આ એક વધુ ઉદાહરણ “ભારતતીર્થ” કાવ્યમાંથી :
‘ખાંડનો ખણખણાટ , જયના જયકાર ગાત,
મદછક જે ભાતભાત , આવ્યા રણ વીંધી .
આવ્યા ભેદીને પહાડ , દેતા દસ્યુ શી ત્રાડ
ધરતી ચોગમ ઉજાડ, લજ્જત શું કીધી ! ધરતી ચોગમ ઉજાડ, લજ્જત શું કીધી !’

એવા તો અનેક પ્રચલિત છઁદોમાઁ મેઘાણીએ કાવ્યો રચ્યાં અને ચારણી સાહિત્યને પ્રકાશમાં લાવ્યા !
દલપતરામ વગેરે એ જે ડિંગળ શાસ્ત્રમાંથી લઈને કાવ્યો રચ્યાં છે તેને મેઘાણીએ લોક્સાહિત્યમાંથી ,ચારણો પાસેથી લઈને ચારણી કુંડલિયો છંદ લઈને કાવ્યો રચ્યાં .
તમે પૂછશો ,” સાહિત્ય અમારો વિષય નહીં , અમને એમાં શું સમજ પડે ? એમણે છંદમાં ભૂલો કરી કે સુધારો વધારો કર્યો , અમને તો કાવ્ય ગમે , ઢાલ ગમે એટલે બસ !’
હા,સાચું જ કહ્યું ! પણ બીજી વાર જયારે તમે ગરબા પહેલા સાંભળો :હે મનમાની , મનમાની , રાધા રાણી, કાં રિસાણી?
તો સમજાશે કે એમાં શબ્દોનું પુનરાવર્તન થાય છે :
મેઘાણીએ લખ્યું :
“ઘટમાં ઘોડા થનગને , આતમ વીંઝે પાંખ !
અણદીઠેલી ભોમ પર , યૌવન માંડે આંખ !
આજ અણદીઠી ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખ અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે
ગરુડશી પાંખ આતમ વિષે ઉઘડે ! ગરુડશી પાંખ આતમ વિષે ઉઘડે !”
મૂળ છંદની લાક્ષણિકતા જાળવ્યા વિના ભાવ અને ભાષાની તીવ્ર અનુભૂતિથી કાવ્ય ગમે છે !
ઘટમાં ઘોડા થનગને , આતમ વીંઝે પાંખ !
અણદીઠેલી ભોમ પર , યૌવન માંડે આંખ ! આ તો હવે એક પ્રચલિત કહેવત – ઉક્તિ બની ગયાં છે ! યુવાનોને માટે વપરાતી આ ઉક્તિઓ !

મેઘાણીનાં લોકસાહિત્યના આ પાસાને વધારે અલૌકિક રીતે માણવા આવતે અંકે વાત કરીશું . તમને જાણીને નવાઈ લાગશે કે આવી શબ્દો અને સુર ટાલની રમતોની હરીફાઈ થતી ! ચારણો મોટી ડાંગને ટેકે ઉભા ઉભા કલાકો સુધી આમ દુહા લલકારતા ; અને સામસામે દુહા છંદની રમઝટ મંડાતી ! એ બધી વાતો કર્યા વિના લેખને પૂરો ન્યાય ના મળીશકે ! આ શ્રેણી જયારે પુરી થવા આવી છે ત્યારે મેઘાણી સાથેના કેટલાક વિષયોને ન્યાય એવો જ જોઈએ ! અને જે વ્યક્તિએ સાહિત્ય અને તેમાંયે લોકસાહિત્ય જે ખોવાયેલું હતું , જે અસ્પૃશ્ય હતું તે માટે જીવન ખર્ચી દીધું તો એ વિષયને ન્યાય આપવા આ કોલમ નાની પડે છે : આવતે અંકે બીજા મહત્વનાપ્રકારના છંદ દુહાના દ્રષ્ટાંતો સાથે મળીશું !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ:42) મેઘાણીનું સંત ચરિત્ર !

સંત સમાગમ કીજે હો નિશ દિન સંત સમાગમ કીજે!
અમદાવાદ જેવા મોટા શહેરમાંથી સહેજ નાના ગામ જામનગરમાં જવાનું થયું (1977) ત્યારે સૌથી પ્રથમ ઉડીને આંખે વળગ્યું તે હતું ત્યાંનું ધાર્મિક વાતાવરણ! ગિનિસ બુકમાં જેનો સમાવેશ થયો છે તે બાલાહનુમાન , સંત ‘પ્રેમભિક્ષુક’ મહારાજનું અખંડ ધૂન મંદિર જોઈને ભક્તિ અંદરથી જ પ્રગટી! અમારાં ઘરથી નજીક , લાખોટા તળાવ પર બંધાયેલ મંદિરમાં ભાવિક ભક્તોની અવીરથ ધૂન આજે કોરોના સમયમાં પણ ચાલુ જ છે ! હા , સાચા સંતો જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થીમાં પણ પ્રેરણાદાયી હોય છે !
સંત પરમ હિતકારી જગત માંહી સંત પરમ હિતકારી!
ઝવેરચંદ મેઘાણી ઉપરની લેખમાળામાં એમનાં ઉદાત્ત ચરિત્ર વિશે આપણે ઘણું ઘણું જાણ્યું. એ એક મોટા સાહિત્યકાર હતા પણ તેથીયે પહેલાં એક પ્રેમાળ પિતા , મિત્ર અને એક નિખાલસ દિલના માનવી હતા . ક્યાંથી આવ્યા હતા આ દિવ્ય ગુણો એમનામાં ?
નાની ઉંમરે એમને જે મિત્રો મળ્યા એમણે એમનાં વ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે . એક તો પિતાની સરકારી પોલીસ અમલદારની નોકરીને લીધે ગિરનારને ફરતી કોતરોમાંથી પસાર થવાનું થાય , ત્યાં રાત વસો કરવો પડે ત્યારે રસ્તામાં કોઈ સાધુ સંત પણ મળી જાય ! અને સ્કૂલના શિક્ષણ દરમ્યાન મિત્રો થયા જેમાંભાવનગર નજીકના બગસરા ગામ નજીકના હડાળા ગામના દરબાર વાજસૂરવાળા નો ફાળો નોંધનીય છે .
મેં આગળ શરૂઆતમાં લખ્યું છે તેમ એ મિત્રોએ મેઘાણીના જીવનમાં ઘેરી અસર કરી છે . આ સુખી સંપન્ન કુટુંબના દરબારને ત્યાં એમનાં બેઠકખાનામાં મેઘાણીને ભેટો થયો સૂરા બારોટનો ! એ બારોટે મેઘાણીને સંતો અને મહાત્માઓની અનેક અવનવી વાતો સંભળાવી . સંતો અને સાધુઓની ભક્તિ , ત્યાગ , પરિશ્રમ અને ગૌસેવા , અન્નદાન અને અનેક ચમત્કારોની વાતો આ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ , ઉચ્ચ વણિક કોમના સરળ હ્ર્દય ઝવેરચંદને ગમી ગઈ . કોલેજનું શિક્ષણ તો હતું જ ; અને પશ્ચિમના દેશોના સાહિત્યનો પણ પરિચય હતો . મેઘાણીને થયું કે આ સંત ચરિત્રો પણ સમાજ ને આપવા જોઈએ .
શહેરમાં રહેતાં પાંડિત્યના ભાર નીચે ઉચ્ચ સાહિત્યની સંસ્કૃત અને અંગ્રેજી , જર્મની અને ફ્રેન્ચ સાહિત્યની વાતો કરતા પંડિતોને આ સંતોની વાતો પણ જણાવવાની જરૂર છે ! લોકસાહિત્યની શોધમાં નીકળતા મેઘાણીએ મંદિરના સ્ત્રી મહંત ગંગા માતાજી અને વેલાબાવાની સમાધિ પાસે વસતા બુઢ્ઢા મહંત બાવા , અને દાસીજીવણના અનુયાયી વગેરે વગેરેને મળીને એ સૌ સંતોની વાતો પોતાની નોંધપોથીમાં ઉતારી !
અને આ રીતે એમણે સૌ પ્રથમ નવ સંત કથાઓ ,” સોરઠી ભક્તિ પ્રવાહ” એ પુસ્તકમાં આપી !(1928)

પ્રિય વાચક મિત્રો ! આજે નેવું વર્ષ બાદ અમેરિકામાં કદાચ આ વાત બહુ મહત્વની નહીં લાગે , અને વિચિત્ર પણ લાગશે , પણ એ સમયમાં દેશમાં એક પંડિત વર્ગ હતો જે અભણ , મજુર વર્ગ અને ગામડાની પ્રજાને ( કદાચ માનની નજરે જોતો નહોતો . અંગ્રેજી ભણેલ બ્રાહ્મણ – વાણિયાઓ આવાં અભણ સંતોને કદાચ એટલું મહત્વ આપતાં નહોતાં. અને આમ જુઓ તો એ સાચું પણ હતું જ . જે પોતે ભણેલ નથી એ વેદ વેદાંતોની વાતો કેવી રીતે કરી શકે ? એટલે ભણેલાઓ આ ચમત્કારો અને અંધ શ્રદ્ધાની વાતોથી દૂર રહેતાં. પરંતુ સૌરાષ્ટ્રના પહાડોમાં ઉછરેલ વણિક નબીરા મેઘાણીએ તો બંને સમાજને પચાવ્યા હતા . ભણેલ અને ‘લોકો’ વચ્ચે એતો સેતુ રચવા ઇચ્છતા હતા. એમણે આપા મેપા, આપા રતા , આપા ગોરખ અને દાના ભગત , વિસામણ ભગત , ગીગાભાગત અને વેલો બાવો અને રામબાવો – રામૈયા જેવા લોક સંતોના જીવન પ્રસંગોમાંથી માનવ મૂલ્યોને પ્રગટાવતા પ્રસંગો લોકોને સમજાય તેમ , એમાંથી અવાસ્તવીક્તા કે ચમત્કારો દૂર કરીને , પોતાની દ્રષ્ટિથી અર્થઘટન કરીને આપણને આપ્યા .

એમણે બને તેટલું સત્ય દર્શાવવાનો હેતુ રાખ્યો , અને આ નવ સંતોનાં ચરિત્ર આપણને જાણવા મળ્યા . ત્યાર બાદ દસ વર્ષે એમણે ‘પુરાતન જ્યોત’ એમ બીજું સંત ચરિત્ર બહાર પાડ્યું. એમાં સંત દેવીદાસ , સંત મેકરણ અને ‘જેસલ જગનો ચોરટો’ એમ જેસલનું જીવન વૃત્તાન્ત વિસ્તારથી સમજાવે છે . પોતે આ માહિતી ક્યાંથી લીધી , એનાં પાઠાન્તરો , પોતાનો અભિગમ વગેરે બધું જ મેઘાણી આગળ દર્શાવે છે . ચમત્કારો અને સંતોનાં પરચાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજાવે છે . દંતકથાઓને મૂળમાં શું હોઈ શકે તેમ દર્શાવે છે ..
પણ , આ બધી વાતોનું શું મહત્વ ? તમે પૂછશો .
આજથી ૪૩ વર્ષ પૂર્વે , જામનગરમાં મને પણ એનો જ પ્રશ્ન થયેલ .સંસ્કૃતિ અને લોક્સાહિત્યથી મ્હેકતાં સૌરાષ્ટ્રનું છેક પશ્ચિમ છેવાડાનું ગામ જામનાગર , ત્યાં સોળમી સદીમાં બંધાયેલ ભીડભંજન મહાદેવનું મંદિર , તેમાં મુખ્ય મંદિર સિવાય પણ અન્ય સોળેક જેટલી નાની દેરીઓ છે , તેમની એક દેરીમાં એક સતી સાથે મુલાકાત થયેલ . આજે પણ યાદ છે કે એ ગરીબ , અભણ અર્ધવસ્ત્રી વૃદ્ધ નારીએ જીવનનું જ્ઞાન મને જણાવ્યું હતું : કહો કે એ અનુભવથી પ્રાપ્ત થયેલ જ્ઞાન હશે . ભણેલ નહીં પણ કોઠાસૂઝથી , અનુભવથી મળેલ એ જ્ઞાન !
એ વૃદ્ધાએ મને કહ્યું હતું ;
“ સંસારમેં ભાત ભાતકે લોગ મિલેંગે , વિવાદ કમ ઓર વિચાર જ્યાદા કરના.
કામ કરના ઓર ભજન ભી કરના !
અને ત્રીજી વાત :
કર ભલા બચ્ચી ! તેરા હોગા ભલા !”

આજે આ પ્રસંગ લખું છું ત્યારે યાદ આવે છે કે ભગવાં કપડાં પહેરેલ સ્ત્રી માટે લોકોને કેટલો આદર ભાવ હતો ! એવી યુવાન સાધ્વીઓ તરફ પણ કુદ્રષ્ટિ ના કરાય , એમને માતા સમાન સમજીને પૂજ્ય ભાવે જ જોવાય એવો દિવ્ય વિચાર એ વખતના લોકોમાં હતો ! આજે ભણતર અને એડવાન્સ વિચારને નામે શ્રદ્ધા કે સંસ્કાર જેવું રહ્યું નથી અને સ્ત્રીઓની સલામતી જોખમમાં છે ત્યારે નિર્ભીક , નિશ્ચિન્ત રીતે એકલી રહેતી એ સંત સ્ત્રીની યાદે આંખ ભીની થઇ જાય છે !

તો વાચક મિત્રોની જાણ માટે ઝવેરચંદ મેઘાણીના સંત ચરિત્રની ,” કર ભલા, હોગા ભલાનું ‘ ઉદાહરણ :
સંત મેકરણની વાત જણાવું.

કચ્છની ભૂમિ પર થઇ ગયેલ સંત મેકરણ બાપાની વાત કચ્છનાસંશોધક દુલેરાય કારાણીના ઋણસ્વીકાર સાથે મેઘાણી લખે છે . એ સામાન્ય , પણ અતિ અસામાન્ય માનવતાનું કાર્ય કરતા સંત એમણે ગુરુ દત્તાત્રેયની દીક્ષા લીધેલી અને પરમાર્થનું જ કાર્ય કરવામાં જીવન ખર્ચી નાખ્યું હતું . લાલિયા ગધેડા અને મોતિયા કુતરા સાથે કચ્છની કાળઝાળ ગરમીમાં તરસ્યાને પાણી પહોંચાડવાનું કાર્ય કરતા ! મોતિયો કૂતરો રણમાં કોઈ પાણી વિના તરફડતું હોય ત્યાં પહોંચી જાય . પછી મેકરણ દાદા ગધેડા પર પાણીનું માટલું મૂકીને કુતરા સાથે ત્યાં મોકલે . કૂતરો દોરે ત્યાં ગધેડું જાય . તરસ્યાને પાણી નહીં જીવન અમૃત પ્રાપ્ત થાય !
મેકં દાદા શા માટે એવું કાર્ય કરતા ? કોને એમના કાર્યની નોંધ લીધી ? સુજ્ઞ સમાજને તો એમના નામ ની પણ ખબર નહોતી ! આજના જમાનામાં કહીએ તો ગુગલ ભગવાન હેલીકૉપટર દ્વારા આવાં ભૂલા પડેલ તરસ્યાં વટેમાર્ગુને શોધે અને મદદ પહોંચાડે ! બસ , એવી જ રીતે , આ અભણ મેંકણ બાપા પોતાનાં પાલતું પ્રાણીઓ પાસે આવું ઉમદા કાર્ય કરાવતા હતા ! ચોપડા ફાડ્યે જ ભણેલ ગણાય એ વાત સત્ય નથી એવું પણ નમ્રતાથી દર્શાવવાનો પ્રયાસ છે !
એજ રીતે જેસલ તોરલની વાર્તા !
લૂંટારો જેસલ ભાભીના કહેવાથી તોળી ઘોડી , તલવાર અને તોળી રાણીની ચોરી કરવા આવ્યો છે અને સતી તોરલનો વર એ ત્રેણય જેસલને સોંપી દે છે . પાછા ફરતાં દરિયામાં તોફાન , જેસલ ડરી જાય છે ત્યારે તોરલ આશ્વાશન આપે છે અને ત્યાં જેસલ નું હૃદય પરિવર્તન થાય છે . પણ એક વખતનો લૂંટારો જેસલ લોકોના ઉપહાસનું પાત્ર બને છે . બંને આત્માથી જોડાઈ જાય છે અને છેવટે બંનેની સમાધિ જોડા જોડ કરવામાં આવે છે . ઘણી વાતો મગજમાં ઉતરવી મુશ્કેલ છે પણ , મેઘાણીનો હેતુ તો સુજ્ઞ સમાજને એવાં પાત્રોની થોડી જાણકારી આપવાનો જ હતો ને ? પરિચિત કરવાનો હતો ને ?
મેઘાણીએ સંત ચરિત્રોમાં વચ્ચે વચ્ચે ભજનો પણ મૂક્યાં છે , જે આજે પણ જગ પ્રસિદ્ધ છે ..
આજના જમાનામાં , જેણે આટલાં બધાં ખુન કર્યા હોય , લૂંટફાટ ચલાવી હોય તેને સાવ છોડી દેવો અને એને સંત તરીકે સ્વીકારવા શું આપણું મન તૈયાર થશે ?
પણ મેઘાણીનો હેતુ જન સમુદાયને આવા અધાતોથી તૈયાર કરવાનો હતો ..
મેઘાણીની વધુ વાતો આવતે અંકે !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ:41)મેઘાણીનો કાર્ટૂન કેસ !

આજે ઈન્ફોર્મેશનનોનો રાફડો ફાટી નીકળ્યો છે , ત્યારે કોઈ પણ માહિતીનું સાતત્ય તપાસવું હોય તો બે ચાર મીડિયાની વેબ સાઈટ જોવાથી , જરા વધારે ઊંડાણમાં તપાસ કરવાથી સત્ય ખોદી શકાય છે . સત્ય શોધી શકાય છે . હા , સાથે સાથે સોસ્યલ મીડિયાઓને લીધે જેટલી અફવાઓ અને અર્ધ સત્ય સમાચારોમાં પ્રસરી રહ્યા છે તેનો પણ અસ્વીકાર થઇ શકે તેમ નથી .. લોકો ગમે તે માહિતી ગમે તે વ્યક્તિને નામે ચઢાવી દે ! જો કે એક ગુનો છે , અને ખોટી માહિતી ફેલાવવા બદલ , કે ઉઠાંતરી કરવા બદલ તમને કડકમાં કડક સજા થઇ શકે છે .

પણ આજથી પચાસસો વર્ષ પૂર્વે તો સમાચાર પત્રોનું મહત્વ કૈક અનન્ય હતું ! જે સમાચાર છાપે તો જનતા સુધી પહોંચે ! ક્યારેક ફિલ્મ જોવા જઈએ ત્યારે ડોક્યુમેન્ટ્રીમાં થોડે વત્તે અંશે તત્કાલીન સમાચાર જોવા મળે .. પણતાજાસમાચાર માટે તો લોકો રોજ સવારના છાપાની રાહ જોઈને બેઠાં હોય ! સવારનું છાપું સમાજનું , દરેક ઘર , કુટુંબનું અભિન્ન અંગ હતું . એવાસવારના છાપાનાંયુગમાં , પત્રકાર હોવું અતિ મહત્વનું ક્ષેત્ર ગણાતું . ( આજે પણ પત્રકાર હોવું એટલું મહત્વનું ગણાય છે , માત્ર એવી સેવાઓ આપનારો વર્ગ ઘણો મોટો છે . સામાન્ય વ્યક્તિ પણ પોતાની આસ પાસ માં કૈક અજુગતું બને તો તરત ન્યુઝ એજન્સીને ફોન , વિડિઓ દ્વારા માહિતી આપી શકે છે . પણ પહેલા શક્ય નહોતું ) તો અર્ધી સદી પૂર્વે સૌરાષ્ટ્રનુંફૂલછાબ રીતે અગત્યનું , સમાજનું ધોરી નસ જેમ મહત્વનું કામ કરતું . રોજ સવારે એમાં ગાંધીજીએ શું કહ્યું અને હવે ગાંધીજી કયો પ્રયોગ આપવાના છે , દેશને આઝાદી કેવી રીતે મળે , તે માટે જનતાને શી હાકલ કરવામાં આવી છે .. વગેરે વગેરે સમાચારોથી જન સમુદાયમાં ઉત્તેજના આવી જતી . હા , સમય એવો હતો ! બસ્સો વર્ષથી ઘેરી ઊંઘમાં અજગરની જેમ પડી રહેલો દેશ ગાંધીયુગ સાથે જાગી રહ્યો હતો ! સ્વદેશાભિમાન , સ્વાતંત્ર્યની ઝંખના સમગ્ર દેશમાં સુનામી બનીને જાણેકે વ્યાપી ગઈ હતી! અને સાચા પત્રકાર તરીકેફૂલછાબના તંત્રી મેઘાણી કલમની તાકાત પર માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાત ઝૂમી રહ્યું હતું , ત્યારે એક સમાચાર બાબત મેઘાણી ઉપર સરકારે કેસ દાખલ કર્યો .

હા , લોકોને સાચી માહિતી આપવી અને સાથે સાથે સાહિત્યનું સંવર્ધન કરવું મેઘાણીનો જીવન અભિગમ હતા . કલકત્તાની સાહેબગીરી છોડી ને તેઓ અવાજ કોઈ અગમ્ય કારણસર વતન પાછા ફર્યા હતા . આવીને એમની કલમના જોરે એમને નવા શરૂ થયેલસૌરાષ્ટ્રદૈનિકમાં નોકરી મળી ગઈ હતી . પછી , બંધ પડતા. તેઓ મુંબઈ જઈને જન્મભૂમિ માં જોડાયા . અને ફરી પાછા સૌરાષ્ટ્રનાફૂલછાબમાં જોડાઈને વતન પાછા ફરેલા . એક સાહિત્યકાર અને પત્રકાર તરીકે તેઓ દિલથી સેવા આપતા . લોકોને જગાડવા , દેશ ભક્તિ જાગૃત કરવી , ભણેલ વર્ગ અનેબીજોવર્ગ વચ્ચે સેતુ ઉભો કરવો બધું એમનું અવીરથ વહેતુ કાર્ય ઝરણું હતું ! પણ બધા માટે ખોટી માહિતી , અફવા , હરગિજ વાપરી નથી!

પણ છતાંયે એમના ઉપર કેસ દાખલ થયો હતો !

વાત બની હતી ૧૯૪૧માં . ગાંધીજીએ અંગ્રેજોનેદેશ છોડોની ઓફિસિયલ હાકલ કરી નહોતી .

દેશને આઝાદી મળે તે પહેલા હજુ તો ગાંધીજીને દેશવાસીઓને સ્વતંત્રતા માટે તૈયાર કરવાનાં હતાં.

હજુ તો દેશમાં ઊંચનીચ , છુતઅછૂત અને સૌથી મહત્વનાં ધાર્મિક પાસાંઓને વ્યવસ્થિત કરવાનાં હતાં . પણ , કેન્સરની જેમ પ્રસરી રહેલ ધાર્મિકતાને નામે અંધશ્રદ્ધા અને ઝનૂનનો રોગ નાથવો મુશ્કેલ હતો . વળી અંગ્રેજોને એજ તો જોઈતું હતું , લડો , ઝગડો અને અંદરઅંદર મારામારી કરીને મારો !

અમદાવાદમાં હિન્દૂમુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડ ફાટી નીકળ્યું . ફૂલછાબ સાપ્તાહિકમાં મેઘાણીએ કોમી તોફાનોને રજૂ કરતું એક કાર્ટૂન દોર્યું . હા , પત્રકાર હોવા સાથે એમણે આમ કાર્ટૂનિસ્ર્ટ તરીકે પણ કલમ ચલાવી છે . આપણને આપણા યુગનાશંકરકાર્ટુનિષ્ટનું નામ યાદ હશે . રોજ દિલ્હીથી રાજકારણનું એક કાર્ટૂન ગુજરાત સમાચાર માટે મોકલતા . બસ ! રીતે મેઘાણીએ પણ કાર્ટૂન તૈયાર કરેલું . અને એમણે એને શીર્ષક આપ્યું : “ મુખડા ક્યા દેખ દર્પણમેં !”

કાર્ટૂન કેસતરીકે મશહૂર બનેલ કેસના કાર્ટૂન ચિત્રમાં એક પોલીશ અરીસામાં જોતાં જોતાં તૈયાર થઇ રહ્યો છે ; અને અરીસાની પાછળ બેકગ્રાઉન્ડમાં એક કરચલીવાળો, હાથમાં લોહીવાળું ખંજર લઈને , લાલ આંખ અને અર્ધું ઉઘડેલું મોં અને લાંબા વિકરાળ નાખવાળો શખ્સ ઉભો છે . ને પાછળ મકાનો ભડકે બળી રહ્યાં છેમેઘાણીએ બહુ યોગ્ય રીતે લખ્યું; “ મુખડા ક્યા દેખ દર્પણમેં ?”

પણ સરકારને મેઘાણી સામે તો કદાચ વાંધો હતો ! એમણે મેઘાણી પર કોમી લાગણી ભડકાવવાનો આક્ષેપ કર્યો .

જો કે મેઘાણીએ કહ્યું : “ ગુંડો તો સાચો મુસ્લિમ હોઈ શકે કે ના તો હિન્દૂ ! કોઈ પણ ધર્મ માં ગુંડાગીરીને સ્થાન નથી . ગુંડો તો ગુંડાગીરીને મજહબ માને છે . મેં કાર્ટૂન દ્વારા નિર્દોષ શહેરી ઉપર ગુંડાઓનું આક્રમણ દર્શાવ્યું છે . ઠઠ્ઠા ચિત્રનું મુખ્ય લક્ષ પોલીસની નિષ્ક્રિયતા , અધિકારી ઓફિસરોની નિષ્ક્રિયતા છે .. જો કે ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળી .

પ્રિય વાચક મિત્રો , મેઘાણીની કોલમમાં પ્રસંગ વણી લેવાનું એક કારણ તત્કાલીન સમાજનું ચિત્ર અને સાથે ન્યાય પદ્ધતિનું ચિત્ર પણ ખડું કરવાનું રહ્યું છે .

ન્યાયાધીશની સમક્ષ ફરિયાદ પક્ષમાં ત્રણ મુસ્લિમ લીગના સભ્યો હતા . એટલે સૌની જુબાની કેટલી વિશ્વાસપાત્ર છે તે માટે ન્યાયાધીશે શંકા વ્યક્ત કરી ; અને સામે પક્ષે મેઘાણીનું સાહિત્ય તપાસ્યું ; જેમાં તેમની ઐતિહાસિક નવલકથાઓ અને નવલિકાઓનું કથા વસ્તુ તપાસ્યું જેમાં મેઘાણીએ મુસ્લિમ પાત્રોને ઉચ્ચ કક્ષાએ મુક્યાં છે , મુસ્લિમ શૌર્ય , વીરતા અને વફાદારીની પ્રસંશા કરી છે ; ઇસ્લામનાં ગુણ ગાન ગાયાં છે .

ન્યાયાધીશે ચુકાદો આપ્યો : “ તહોમતદારે બે કોમો વચ્ચે શત્રુતા કે દ્વેષ ફેલાવવાના બદ ઈરાદાથી કાર્ટૂન પ્રગટ કર્યું હોય તેમ હું માનતો નથી . હાથમાં ખંજર લઇ ખૂન કરનારો શખ્સ માનવ નહીં પણ દૈત્ય છે , જે નાત જાતના ભેદ ભાવ વિના ખૂન કરે છે . અને મને લાગે છે કે કાર્ટૂન પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે .

મેઘાણીને આવી રીતે પત્રકાર હોવાને નાતે , કે ક્યારેક માત્ર માનવતાને નાતે , પણ કોર્ટ કચેરીઓ માં ધક્કા ખાવા પડ્યા હતા .. પોતાના સૌ અનુભવોને એમણે ક્યાંક ને ક્યાંક સાહિત્યમાં વણી લીધાં છે.. હા , માત્ર અર્ધી સદીનું આયુષ્ય ભોગવીને એક સદી જેટલું સાહિત્ય પીરસનાર વીરલો ઇતિહાસમાં મળવો મુશ્કેલ છે ! એમની ખૂબીઓ અને ખામીઓની વધુ વાતો આવતે અંકે !