અનુભૂતિનું અત્તર -2
ઉડાન
31 ઓગસ્ટ, 2019.લંડન. આંખો ખુલતા જ સવારનો ઉજાસ ભરેલી દિશાઓ જોવાને ટેવાયેલી હીના આજે ચોતરફ અંધકારમાં જ ઉઠી ગઈ .વહેલી સવારની ઠંડીમાં ફટાફટ રૂટિન આટોપવા લાગી . આજ નો દિવસ તેના માટે બહુ ખાસ છે. આજે તેના પગ રોજ કરતા વધુ ઝડપથી દોડી રહ્યા છે. સ્વ માં શ્રદ્ધા છે ને મનમાં છે આશા..તે રસોઈ કરતા મીઠા ભાવવાહી સ્વરમાં પ્રાતઃ વંદના ગાઈ રહી છે.બેકયાર્ડમાંથી તાજા ફૂલો લાવી પૂજા કરી ,સ્વર્ગસ્થ માતાની છબીને પ્રણામ કરી ,તેનો ફેવરિટ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરી ઑફિસ જવા નીકળી. પતિ બોબ સાઇકલ રેસિંગની પ્રેક્ટિસ માટે નીકળી ગયા છે. રોજનો આ રસ્તો પણ આજે કાંઈ વધુ લાંબો લાગે છે. પોતાની કંપનીની ઓફિસ પહોંચી કામમાં પરોવાઈ જાય છે.
આજનો દિવસ ખૂબ વ્યસ્ત છે. પહેલા સેશનમાં એક વર્કશોપ છે સાઉથ બેડસ ગોલ્ફ કલબમાં- How to grow your business with high performing team. અને ત્યારબાદ રૂટીન કામ. પોતાના કામ પ્રત્યે કમિટેડ હીના વ્યસ્ત છે કલાયન્ટ મિટિંગમાં. ત્યારે જ બ્રિટનના અતિ પ્રતિષ્ઠિત એવા નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ બીઝનેસ વુમન,2019 ના 3 ફાઈનલિસ્ટ નું નોમિનેશન જાહેર થાય છે જેમાં એક નામ હીના નું પણ છે. પુરી ઓફિસમાં હર્ષોલ્લાસ છવાઇ જાય છે ને પૂરો સ્ટાફ તાળીઓના ગડગડાટ સાથે હીનાની કેબિનમાં પહોંચી જાય છે. આ કંપની એ તેનું બ્રેઈન ચાઈલ્ડ છે- તેની સ્થાપનાથી લઈને આજ સુધી પોતાના ખૂનપસીનો એક કરી આ લેવલે પહોંચાડી છે.તેનું વિઝન, તેનું સ્વપ્ન, તેની મેહનત ,તેની કાળજી ને તેનો પ્રેમ આ કંપનીના પાયામાં છે.
બધાના અભિનંદન સ્વીકારી પોતાની કારમાં ઘેર જવા નીકળે છે તો રિયર વ્યુ મીરરમાં પાછળ હીથરો એરપોર્ટ નજરે પડે છે ને તેને યાદ આવે છે 7 ઓક્ટોબર, 1972 નો એ દિવસ જ્યારે હીથરો એરપોર્ટ, લંડનમાં પહેલી વાર પગ મૂક્યો. કંપાલામાં રહેતો માતાપિતા અને બે દીકરીઓનો આ પરિવાર ઇદી અમીનના દેશ છોડીને જવાના ફરમાનના કારણે બ્રિટિશ પાસપોર્ટના આધારે લંડન પહોંચે છે. મોટી દીકરી હીના 18 વર્ષની, યુવાનીના ઉંબરે પગ માંડતી, આંખોમાં અનેરા અરમાન અને દિલમાં ધગશ આભને આંબાવાની, નમણા નાક-નેણ ને પારેવા જેવી ભોળી, સુંદર મુગ્ધા તો નાની દીકરી રીના હજુ 12 વર્ષની- દુનિયાદારીથી સાવ અજાણ , દુન્યવી કે સામાજિક, રાજકીય પરિસ્થિતિના પડકારો તેના કુમળા દિમાગની સમજની બહાર હતા. માતા બિંદુ એક મોટા ખાનદાન કુટુંબની દીકરી પણ બહુ ભણે એ પહેલાં તો લગ્ન થઈ ગયા ને આફ્રિકા પહોંચી ગઈ. શૈક્ષણિક ડિગ્રી ભલે ન હતી પણ દેખાવમાં ખૂબ સુંદર, તેજસ્વી દિમાગ અને ખુદદારી તો એવી કે ક્યારેય પોતાની મુશ્કેલીઓ માટે કોઈ પાસે હાથ લાંબો ન કરે કે ન કોઈ પાસે રોદણાં રડે. પતિ પ્રવીણ આફ્રિકામાં બિઝનેસ કરે પણ મૂળમાં જુનવાણી ને થોડો શંકાશીલ સ્વભાવ. આ કારણે બિંદુને ઘણું સહન કરવું પડે. પણ તે દીકરીઓના ભવિષ્યને સામે રાખી પોતાનું જીવન ચલાવે રાખે.
હવે જ્યારે તેમને દેશ છોડવાની મજબૂરી આવી તો તેમના માટે તે કસોટીની નિર્ણાયક ઘડી આવી. પ્રવીણને તો નવી જગ્યાએ કોઈ કામ કરી મેહનત કરવાની તૈયારી જ ન હતી. તેના વિચારો પ્રમાણે તે 18 વર્ષની હીનાને ઈન્ડિયા જઈને પરણાવવા માંગતા હતા ને બાકી નિવૃત થઈ આરામ કરવો હતો. તેણે બિંદુને કહી દીધું કે તમારે લંડન રહેવું હોય ને મજૂરી કરવી હોય તો કરો, હું તો ઇન્ડિયા જઈ આરામ કરીશ. ને ખરેખર તે મા-દીકરીઓને લંડનની શેરીમાં બેસહારા મૂકીને ઇન્ડિયા પહોંચી ગયો.ફાઇટ અથવા ફ્લાઇટ ની આ ઘડીમાં સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ ધરાવતી માએ દીકરીઓને જીવનના એવા પાઠ ભણાવ્યા કે જે જિંદગીભર માર્ગદર્શક બની રહ્યા. પહેલું કામ એ પરિસ્થિતિ નો સ્વીકાર, શંકાથી નહિ પણ શ્રદ્ધાથી ચાલવું, મોટા સ્વપ્નો જોવામાં કઈ ખોટું નથી પણ પછી એ સ્વપ્નોના મહેલને જમીન પર ઉતારવા પ્રયત્નો કરી પાયા ચણવા.
રીના તો નાની એટલે સમજે નહીં પણ બિંદુ અને હીનાએ પોતાના ભવિષ્યનું બલિદાન આપવાના બદલે કઠોર અને કાંટાળો માર્ગ પસંદ કરવાનું સાહસ કર્યું. બંને એકબીજાને હિમ્મત આપીને નોકરીની શોધમાં લાગી ગયા. એક જ અઠવાડિયામાં હીનાને ટેલિફોનિક કંપનીમાં કામ મળી ગયું. પણ માતા બિંદુને કામ મળતા 40 દિવસ થયા. શિફ્ટ ડયુટી માં કામ, નવો દેશ, નવા લોકો, અલગ આબોહવા, પોતાનું ઘર પણ નહીં, કોઈ સંબંધી ને ત્યાં રહેવાનું- પડકારોનો પાર નહીં પણ આ મા-દીકરી એવી માટીમાંથી બનેલા કે એમ હિમ્મત હારે કે ડગે નહીં. થોડા જ સમયમાં ભાડે ઘર લઇ લીધું. તેમના ઈરાદા વધુ મજબૂત બનતાં ગયા ને હીનાએ તો સાથે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ નો અભ્યાસ પણ કર્યો. પોતાના અથાક પ્રયત્નો, કાબેલિયત અને મહેનતના જોર પર ધીમા પણ મક્કમ પગલે કારકિર્દીનો ગ્રાફ ઉપર ચઢતો રહ્યો. ને એરપોર્ટ પર HR ઓફિસરની જોબ મળી ગઈ. ને સમય જતાં HR મેનેજર બની.
એક મેનેજમેન્ટ વર્કશોપમાં હીનાની મુલાકાત બોબ સાથે થઈ. બોબ પણ એરપોર્ટ પર કામ કરતો. બંનેની આંખોમાં હતી એકમેક માટે કોઈ અજબ ઓળખાણ, એકના દિલની ધડકન બીજાએ સાંભળી, મૈત્રી પ્રેમમાં પરિણમી ને ઓગળી ગયા દેશ, ધર્મ, રંગ કે જાતિ ના સર્વ બંધનો. હીનાએ માતાની રજા લઈ ,પાનેતર પહેરીને મંદિરમાં અને ગાઉન પહેરીને ચર્ચમાં મનના માણીગર સાથે જીવનના તાર જોડ્યા.
પ્રેમ અને સમજદારીની મિસાલ બની આ યુગલ નવા નવા કીર્તિમાનો સર કરતું રહ્યું. બોબના રસના વિષય હતા ફોટોગ્રાફી, સાઇકલ રેસિંગ, કાર રેસિંગ તો હીના માટે તેની કેરિયર, સંબંધો મહત્વના હતા. તેનો પ્રેમાળ સ્વભાવ તેના સંપર્કમાં આવનાર તમામને પોતાના બનાવી દેતો. છતાં 2009 માં કોઈ બાબતે વિચારભેદ થતાં જોબ છોડી. હવે નવી જોબ લેવાના બદલે તેણે પોતાની જ HR સોલ્યુશન ની કંપની સ્થાપી. તેનો સ્વભાવ,તેની વિષયની નિપુણતા, ધગશ, મેહનત રંગ લાવી અને તેની કંપનીની ગણના એક અગ્રગણ્ય કંપની માં થવા લાગી અને આજે તો તેમાં ચાર ચાંદ લાગી ગયા જ્યારે બ્રિટનના પ્રતિષ્ઠિત રાષ્ટ્રિય પુરસ્કારના 3 ફાઇનલિસ્ટમાં તેનું નામ આવ્યું. બોબના અભિનંદનના ફોનથી હીનાના વિચારોની ઘટમાળ થંભી. સામેથી જ એક વિમાન ટેઈક ઓફ કરી રહ્યું હતું જે જાણે કે તેને સંદેશ આપી રહ્યું હતું કે આસમાન ભલે અલગ હોય, ડેસ્ટિનેશન ભલે જુદા હોય , મહત્વ ઉડાનનું છે. પડકારો જીવનના ગમે તેવા મોટા હોય, મહત્વ નિર્ધારનું છે. આ તો જીવનનો એક પડાવ માત્ર છે, ઉડાન હજુ ચાલુ છે.
મિત્રો,
હૈયાની વાતો જયારે હોઠ ઉપર ન આવે અને શબ્દ સ્વરૂપે પ્રાગટ્ય પામે છે. અને હૈયાને હલકું કરે છે. મોટા ભાગના લોકો જીવન કેમ આટલું મુશ્કેલ છે તે પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે, ત્યારે વાસ્તવિક હીરોએ તેનાથી આગળ જોવાનું નક્કી કરે છે.જે દિવસો એમને તોડી નાખે છે તે દિવસો તેમને બનાવે પણ છે! માટે તેમના ઘા પર ચમકતા હોય છે, .હું ઈચ્છું છું કે આપણે બધા હૈયાને હળવું કરી આપણે આપણી પોતાની વાતકહેવાથી વાર્તાનો ભોગ બનવું ન પડે, અને આપણી વાત બધાને માટે દ્રષ્ટાંત બને છે. આપણા બધામાં એક ફાઇટર છે.હું ઈચ્છું છું કે આપણે આપણું જીવન એવી રીતે બનાવવી કે જ્યારે આપણે આપણી યાત્રા તરફ નજર કરીએ, ત્યારે આપણે ગર્વથી કહી શકીએ કે ‘હું મારો પોતાનો હીરો છું!’ હા મિત્રો તો તમારી પાસે પણ કોઈ એવી વાત હોય તો હળવેથી અહી રજુ કરી હલકા પણ થાજો અને ગર્વ પણ જરૂર લેજો.
Rita jani
Like this:
Like Loading...