હકારાત્મક અભિગમ- આભાર દિલસે- રાજુલ કૌશિક

સાહિત્ય મિત્રો ,
બેઠક એક એવો સાહિત્યિક પરિવાર છે જ્યાં બે એરીયામાં રહેતા આપ સૌ તો અવારનવાર મળતા જ રહો છો પરંતુ અમેરિકાના બે છેવાડા જેવા બોસ્ટન અને સાન ફ્રાન્સિસ્કોના લગભગ ૨૬૯૯ જેટલા માઈલ દૂરથી પણ આપ સૌના સ્નેહે મને પણ બેઠક સાથે સાંકળી રાખી છે. ગત  ૨૬-સપ્ટેમ્બરથી શરૂ કરેલા હકારાત્મક અભિગમની લેખમાળાને સૌએ સરસ રીતે આવકારી છે . આ લેખમાળાનું મારા મનમાં બીજ રોપ્યું પ્રજ્ઞાબેન દાદભાવાળાએ અને એ આવી રીતે લીલુછમ થઈને મહોર્યું આપ સૌના પ્રતિભાવથી. પ્રત્યેક લેખના અનુસંધાનમાં જે પ્રતિભાવ પાઠવીને પ્રોત્સાહન પુરુ પાડ્યું છે એ માટે આપ સૌની હું આભારી છું….દિલ સે.
હકારાત્મક અભિગમના ૫૧ લેખ સાથે ગયા સપ્તાહે જ આ લેખમાળા એના અંતિમ ચરણે પહોંચી. આ એક સળંગ-સતત લેખમાળાના વિષયોની સાથે હું પણ મારી જાતને-મારા વિચારોને જોડતી રહી. આ લેખમાળા કેમ અને કેવી રીતે હું લખી શકી એ પણ વિચારતી રહી. એક સત્ય એ હતું કે હંમેશા મને સાવ થોડામાં ઘણું કહી જતી વાત અત્યંત સ્પર્શી જતી. કોઈપણ બાબત આપણને ત્યારે જ સ્પર્શે જ્યારે આપણું અંતર એ સત્ય સમજતું જ નહી પણ સ્વીકારતું પણ હોય. હકારાત્મક અભિગમના પ્રત્યેક લેખ સાથે એક વાત નિશ્ચિત થઈ કે હું જે માનતી કે વિચારતી હતી એ એમાં પ્રતિબિંબિત થતું અનુભવતી અને માટે જ મને એ લખવમાં સરળતા રહેતી. આ સળંગ ૫૧ લેખ કશાય આયાસ વગર અને અત્યંત આનંદથી હું લખતી રહી અને માણતી પણ રહી.મારા માટે એક બીજી ખુશીની વાતએ બની કે મુરબ્બી શ્રી સુરેશભાઇ જાનીએ આ હકારાત્મક અભિગમની વાતો એમના ઈ-વિદ્યાલય પર મુકવાની ઇચ્છા પ્રગટ કરી. કદાચ જે સારું છે એ સૌને સ્પર્શતું જ હશે.
દર મહિનાના અંતિમ શુક્રવારે બે એરીયાની બેઠકમાં જે સાહિત્ય- સ્નેહ સંમેલન થાય છે ત્યારે મારી તો હાજરી નથી હોતી પણ મારા માટે સોમવારની સવાર એટલે બે એરીયા સાથે કનેક્ટ થવાનો સમય, આપ સૌને મળવાનો સમય એટલે બસ આવી જ રીતે  ક્યારેક હું આપને મળીશ.  ફરી એક નવા વિચાર, એક નવા અભિગમ સાથે…….
રાજુલ કૌશિક

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

******

વાચક મિત્રો
આપણે ગર્ભમાં હોયએ છીએ ત્યારે જન્મતાજ માતા સાથેનો સંબંધ તો નક્કી થઇ ગયો હોય છે પરંતુ આ જન્મદત્ત સંબંધો પછી સંબધનું એક જુદુંજ સરોવર રચાતું જાય છે.સંબધમાં બે વ્યક્તિ વચ્ચે વેવલેન્થ હોય છે.સંબંધમાં જો પારદર્શકતા ન હોય તો એની માવજતમાં ખામી રહે છે. રાજુલબેન સાથે મારા સંબધને લીલોછમ રાખવા મહેનત કરવી પડી નથી કારણ રાજુલબેન  અને મને  જોડતી જો કડી હોય તો એ અમારા વિચારો અને માતૃભાષા નો પ્રેમ છે. કોઈ વ્યક્તિના અભિગમ થકી અને હકારાત્મકતા થકી આપણે જો વિક્સીએ તો એના જેવો બીજો કયો ઉત્તમ સંબધ હોય શકે ? રાજુલબેનની હકારાત્મક અભિગમની ૫૧ લેખમાળા  ગયા સપ્તાહે એના અંતિમ ચરણે પહોંચી. વાત હવે વાચક અને લેખકના સંબધ ની કરીએ તો રાજુલબેને વાચકના દિલ જીતી લીધા…  વાત તેમણે વાચકના દિલની જ કરી પણ એટલી સરળ શૈલીમાં કરી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ,  બસ વાચક અને રાજુલબેન વચ્ચે એક અનોખો સંબધ રચાઈ ગયો.વાચકો સોમવારના આર્ટીકલ ની રાહ જોવા માંડ્યા.રાજુલબેનની નિયમિતા અને વાચકની ઉસ્તુકતા એ વેવલેન્થ ઉભી કરીઅને રાજુલબેન ‘બેઠક’ સાથે જોડાઈ ગયા.લેખના  માધ્યમ થી વધુ નિકટ આવ્યા, બે છેવાડા, અંતર,બધું ભુંસાઈ ગયું.હકારાત્મક અભિગમના પ્રત્યેક લેખમાં લખતા ત્યારે એ જે માનતા કે વિચારતા હતા એમાં એના  પ્રતિબિંબિત ખુદ રાજુલબેન પોતે અનુભવતા,આમ અંતરમાંથી નીકળતો સૂર સીધો સંધાય ત્યારે આત્મીયતાનાં ઝરણા સ્ફુરે એમાં શી નવાઈ?તેમના લેખો માત્ર પ્રેરણાસ્ત્રોત જ નહિ પણ માર્ગદર્શક પણ બન્યા. દર અઠવાડિયા ની શરૂઆત જ આત્મબળ જગાડતી. એમની કલમની તાકાતે અને વિચારોએ જીવનની કૃતજ્ઞતા અને આનંદ આપ્યો. જીવનમાં સફળ થવું હોય તો હકારાત્મક વિચારોની સાથે સાથે સંગત પણ એવા હકારાત્મક લોકોની કરવી જોઇએ.. એ વાત  હું પણ અનુભવથી શીખી. આ લેખમાળા લખવાની મારી ઈચ્છાને અને મિત્રતાને ક્યાંય આડંબર વગર માન આપી લખવા બદલ રાજુલબેનનો આભાર  સાથે તેમના પતિ કૌશિકભાઈનો પણ રાજુલબેનને પ્રેરણા આપ્યા બદલ આભાર માનું છું. દિલ ખોલીને નિખાલસ થવાનું મને વધુ ગમે છે.શબ્દોનુંસર્જન બ્લોગમાં સર્જકના શબ્દોની, વિચારોની રમણીયતા ને આપણે પાનામાં વહેંચી છે ત્યારે ભાવકોનું પીઠબળ એમને લખાવે છે,માટે વાચકોનો આભાર..
શબ્દસાધનામાં ગતિ અને અગતિ બંનેનું મહત્વ છે. માટે અહી ૫૧ લેખમાળાનો અંત લાવી એમની કલમને ગતિમય રાખતા હવે પછી નવા જ વિચારો સાથે આવતી રાજુલબેનની નવી લેખમાળા આપણી સોમવારની સવાર ઉઘાડશે..બસ માત્ર થોડી રાહ જોવાની છે.
પ્રજ્ઞા દાદભાવાળા

૫૧-હકારાત્મક અભિગમ- શબ્દ પ્રારબ્ધ- રાજુલ કૌશિક

આજ સુધી આપણે સૌએ મહાભારતની કથા અને એના અંતે વેરાયેલી વ્યથાની વાતો અનેક વાર વાંચી જ હશે. આજે એમાંની એક વાત ફરી એકવાર યાદ આવી……. 
મહાભારતના ૧૮ દિવસના યુધ્ધ પછીનો એક દિવસ છે. દ્રૌપદીની ઇચ્છા પ્રમાણે કૌરવો સામેના પ્રતિશોધમાં પાંડવો વિજયી થઈ ચૂક્યા છે પણા વિજયની ખુમારી દ્રૌપદીના ચહેરા પર છે ખરી? ના, આ પ્રતિશોધની આગે તો દ્રૌપદીના ચહેરા પર ઉંમરના ચાસ પાડી દીધા છે. શારીરિક જ નહીં માનસિક રીતે પણ એ સાવ નંખાઈ ગઈ છે. પ્રતિશોધ પછીના પશ્ચાતાપની આગ લીધે શ્યામવર્ણી ર્દ્રૌપદીના ચહેરા પર જાણે વધુ શ્યામલ શાહી પથરાઈ ગઈ છે. કુરુક્ષેત્રના મેદાનમાં ચારેકોર લાશોના ઢગલાએ એની કશું જ વિચારવાની સમજને પણ જડતામાં ફેરવી નાખી છે. અગ્નિસંસ્કાર પણ જેને નસીબ નથી એવા પતિ કે પુત્રના વિરહમાં વિધવાઓ જાણે વગર અગ્નિએ બળી રહી હતી. બાળકો અનાથ બની ગયા છે એવા હસ્તિનાપુરની મહારાણી આજ સુધી ન અનુભવી હોય એવી વિવશતા અનુભવી રહી છે. મહાલયમાં પણ જાણે કાલિમાની છાયા ફેલાઈ ગઈ છે. વિચારશૂન્ય દશામાં બેઠેલી દ્રૌપદીને મળવા શ્રીકૃષ્ણ આવી રહ્યા છે.
કૃષ્ણને જોઈને દ્રૌપદી એમની સામે દોડી આવે છે અને એના આંસુઓનો બંધ છૂટી જાય છે. કૃષ્ણ એને સાંત્વન આપવાનો મિથ્યા પ્રયાસ કરે છે. હવે દ્રૌપદી અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે એ જોઈએ.
દ્રૌપદી કૃષ્ણને પૂછે છે, “ આ શું થઈ ગયું સખા? આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. 
કૃષ્ણ જવાબ આપે છે, “ પાંચાલી, નિયતી અત્યંત ક્રુર હોય છે એ આપણે વિચારીએ એવી જ રીતે ચાલશે એવું નથી બનતું એ આપણા કર્મોને પરિણામમાં બદલી નાખે છે. તારી  તો પ્રતિશોધની ભાવના હતી જે પુરી થઈ. માત્ર દુર્યોધન કે દુશાશન જ નહીં તમામ કૌરવો મૃત્યુ પામ્યા છે. તને તો ખરેખર હવે આનંદ થવો જોઈએ.”
 દ્રૌપદી- “સખા, તમે અહીંયા મને સાંત્વન આપવા આવ્યા છો કે મારા ઘા પર મીઠુ ભભરાવવા?”
 કૃષ્ણ- “પાંચાલી, હું તો તને વાસ્તવિકતાનું દર્શન કરાવવા આવ્યો છું. આપણે જે કર્મો કરીએ છીએ એના પરિણામો શું હોઈ શક્શે એ પહેલેથી વિચારી શકતા નથી અને જ્યારે પરિણામ આપણી સમક્ષ આવે છે ત્યારે આપણા હાથમાં કશું જ નથી રહેતું.”
 દ્રૌપદી-“ તો શું આ યુધ્ધ માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર છું?
 કૃષ્ણ-“ ના, તું તારી જાતને એટલી મહત્વપૂર્ણ  પણ ના સમજ પણ જો તારા વિચારોમાં જરા પણ દૂરંદેશી હોત તો આજે તને આટલું કષ્ટ ના પડ્યું હોત એ વાત પણ નિશ્ચિત.”
 દ્રૌપદી- “તો હું શું કરી શકી હોત?”
 કૃષ્ણ- “ જ્યારે તારો સ્વયંવર રચાયો ત્યારે કર્ણને જો અપમાનિત ન કર્યો હોત અને સ્વયંવરમાં ભાગ લેવાનો અવસર આપ્યો હોત તો પરિણામ જુદુ હોત. એ પછી કુંતીએ તને પાંચ પતિઓની પત્નિ બનવાનો આદેશ આપ્યો ત્યારે તેમ એનો સ્વીકાર ન કર્યો હોત તો પરિણામ જુદુ હોત. તારા મહેલમાં દુર્યોધનને અપમાનિત ન કર્યો હોત તો ચીરહરણ ન થયું હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. દ્રૌપદી આપણા શબ્દો પણ આપણા કર્મો બની જાય છે. પ્રત્યેક શબ્દ ઉચ્ચારતા પહેલા વિચારવું જરૂરી છે અન્યથા એના દુષ્પરિણામ માત્ર આપણને જ નહીં આપણા પરિવેશને પણ તકલીફ પહોંચાડે છે. સંસારમાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતોમાં નહી પણ એના શબ્દોમાં હોય છે.” 
સીધી વાત- શબ્દોનો ઉપયોગ એવી રીતે કરીએ કે જેનાથી કોઈની ય ભાવનાને ઠેસ ન પહોંચે. આ બાબત દ્રૌપદી જેટલી જ આપણને પણ લાગુ પડે છે ને! શર અને શબ્દ માટે કહેવાય છે ને કે, “ભાથામાંથી છૂટેલું શર અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી ફેરવી શકાતા. આપણા વિચારો શબ્દોમાં ફેરવાય છે. આ શબ્દો જ ક્યારેક આપણું પ્રારબ્ધ બની જાય છે. બૂમરેંગ માટે કહેવાય છે કે જો એને સાચી રીતે ફેંકવામાં આવે તો એ નિશ્ચિત માર્ગ પર પ્રવાસ કરીને તેના શરૂ થવાના બિંદુ પર પરત થાય છે. આપણા કેટલાક શાબ્દિક કર્મો પણ એવા જ છે જે સાચી કે ખોટી રીતે આપણા ભાથામાંથી છૂટે તો અન્યની જેમ આપણા આત્માને પણ અસર તો કરે જ છે.
 
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com 
 

૫૦- હકારાત્મક અભિગમ- સંબંધોની ગરિમા- રાજુલ કૌશિક

સંબંધોની દુનિયા કેટલી નિરાળી છે નહી? મન મેળ હોય ત્યારે મહિનાઓ સુધી મળવાનું ન થાય તો ય કોઈ ફરિયાદો નથી હોતી પણ મળીને જો મનદુઃખ થાય તો કાચની જેમ તિરાડ પડતા પણ વાર નથી લાગતી અને પછી તો મન-મોતી અને કાચ તુટ્યા પછી એ ક્યાં સંધાય છે અને માટે જ આપણે એની નાજુકતા પારખીને એનું જતન કરીએ છીએ ને?
અહીં વાત કરવી છે બે મિત્રોની. બંને વચ્ચે અત્યંત ગાઢી મૈત્રી. દોસ્તીની મિસાલ આપી શકાય એવી. બંનેની પ્રકૃતિ પણ લગભગ એક સમાન. હવે એકવાર એવું બન્યું કે બંને જણ પ્રવાસાર્થે નિકળ્યા. વચ્ચે રસ્તામાં રેતાળ વિસ્તારમાંથી પસાર થતા હતા. કોઈપણ કારણસર બંને ચર્ચા પર ઉતરી પડ્યા. આવું તો ઘણી વાર એમની સાથે બન્યું હતું એટલે એમાં કોઈ નવાઈની વાત પણ નહોતી. બંને વચ્ચે વાદ હતો, સંવાદ હતો પણ ક્યારેય વિવાદ નહોતો. પણ ક્યારેય નહોતું બન્યું એવું એ દિવસે બન્યું. ચર્ચામાંથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્રના ગાલ પર તમાચો માર્યો.
બીજા મિત્રએ જરાય અકળાયા વગર રેતી પર લખી દીધું, “ આજે મને મારા સૌથી જીગરી મિત્રએ તમાચો માર્યો.”
અને બંને મિત્ર આગળ ચાલ્યા. થોડીવારના મૌન પછી બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું અને વાત પતી ગઈ. આગળ જતા નદી આવી. નદી પાર કરવા જતા બીજા મિત્રનો પગ પાણીમાં લપસ્યો અને એ પાણીના વહેણમાં તણાવા લાગ્યો. પહેલા મિત્ર કે જેણે ઉશ્કેરાઈને તમાચો મારી દીધો હતો એણે પોતાના જીવની પરવા કર્યા વગર વહેણમાં તણાતા મિત્રને બચાવી લીધો.
કિનારે આવીને થોડીવાર શ્વાસ હેઠો બેસતા પેલા બીજા મિત્રએ એક શિલા પર અણીદાર પત્થરથી કોતર્યું, “ આજે મારા સૌથી જીગરી મિત્રએ મારો જીવ બચાવ્યો.
આ જોઈને પહેલા મિત્રને નવાઈ લાગી. એને થયું કે પહેલા રેતી પર લખ્યું અને હવે શિલા પર કોતર્યુ કારણ?
બીજા મિત્રને કારણ પૂછતાં એણે જવાબમાં શું કહ્યું એ આપણે એના જ શબ્દોમાં જાણીએ.
“ તેં મને તમાચો માર્યો ત્યારે મને ખરેખર ખૂબ દુઃખ થયુ હતું. તું મારી સાથે આવો વ્યહવાર કરે એ મારા માન્યમાં આવતું નહોતું. આઘાત પણ ઘણો લાગ્યો જ હતો . મારે મારા આઘાતને, મારા ઉભરાને ઠલવી દેવો હતો જેથી મારું મન હળવું થઈ જાય આથી મેં મારા દુઃખને રેતી પર લખીને વ્યક્ત કર્યું. રેતી પરનું લખાણ પવનના સપાટાની સાથે ઉડી જાય છે ને? એની પરનું લખાણ ભૂંસાઈ જાય છે ને? એવી રીતે સમયના સપાટાની સાથે મારું દુઃખ પણ ઉડી જાય અને મનમાંથી ભૂંસાઈ જાય એવું હું ઇચ્છતો હતો. જ્યારે તેં મારો જીવ બચાવ્યો ત્યારે એ ઉપકાર મારે હંમેશ માટે યાદ રાખવો હતો. કોઈ આપણી પર ઉપકાર કરે એ પત્થરની લકીરની જેમ આપણા હ્રદયમાં કાયમી અંકિત થયેલું રહેવું જોઈએ, હંમેશ માટે મનમાં જડાઇ રહેવું જોઈએ ને ? આથી મેં એને શિલા પર કોતરી દીધું.
કેવી સરસ વાત! સંબંધોના વ્યહવારો પણ રેતી અને પત્થર પરના લખાણની જેવા જ હોવા જોઈએ. તકલીફ કે દુઃખની વાત મનમાંથી જેટલી જલદી વિસરી જઈએ એટલું આપણા માટે અને આપણા સંબંધોની સાચવણી માટે જરૂરી છે. પ્રસિધ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સ કહે છે એમ આપણા જીવનની ગુણવત્તા એ ખરેખર તો આપણા સંબંધોની ગુણવત્તા કેવી છે એના પર આધાર રાખે છે .
સીધી વાત- સંબંધોની ગુણવત્તા, સંબંધોની ગરિમાનો આધાર આપણા પર છે. એ ગુણવત્તા- એ ગરિમા સાચવવા શું યાદ રાખવું અને શું વિસારે પાડવું એ આપણે નક્કી કરવાનું છે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪૯-હકારાત્મક અભિગમ-આદાનપ્રદાન-રાજુલ કૌશિક

મોટાભાગે એવું બનતું હોય છે કે આપણને આપણી વાત કરવામાં જેટલો રસ હોય છે એટલી સામેની વ્યક્તિની વાત સાંભળવામાં નથી હોતો. કોઈક કંઇક વાત કરવાની શરૂ કરે ત્યાં વચ્ચે જ આપણી વાત શરૂ કરી દેતા હોઈએ છીએ. એનાથી જરા અલગ અભિગમવાળી એક રસપ્રદ બીના જાણવા મળી.
એકવાર કોઈ કંપનીના ઉચ્ચ હોદ્દા માટે અતિ સક્ષમ વ્યક્તિની નિમણૂંક કરવાની હતી. એને અનુલક્ષીને અખબારમાં જાહેરખબર આપવામાં આવી..અને હંમેશા બને છે એમ આ હોદ્દાને અનુરૂપ એક નહી અનેક લોકોએ પોતાની લાયકાત અને અનુભવને વર્ણવતી અરજી કરી.
અનેક લોકોના ઈન્ટરવ્યુ બાદ કંપનીના માલિકે એક યુવકની પસંદગી કરી. કારણ?
આપણે એ યુવકના શબ્દોમાં જ એ ઇન્ટર્વ્યુના અંશ સાંભળીએ. એણે ઇન્ટર્વ્યુ દરમ્યાન પોતાની લાયકાત અંગે થોડાક શબ્દોમાં કહ્યા પછી એણે કંપનીના માલિકને  એટલું કહ્યું કે, “આપની કંપની માટે જો મારી પસંદગી થશે તો હું મારી જાતને સદ્ભાગી માનીશ. હું જાણું છું કે આજથી ત્રીસ વર્ષ પહેલા આપે એક નાનકડી ઓફિસમાં સાદા ટેબલ-ખુરશી અને એક મદદનીશ સાથે શરૂઆત કરી હતી અને આજે શહેરમાં આપની એક સન્માનીય અને અગ્રગણ્ય વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઉભી થઈ છે..”
હવે બન્યું એવું કે એ યુવકે આ કંપની માટે અરજી કરતાં પહેલા કંપનીની વિગતો ઉપરાંત એના માલિક વિશે પણ શક્ય એટલી માહિતી મેળવી લીધી હતી. દરેક સફળ વ્યક્તિના મનમાં એમના સંઘર્ષના દિવસોની ક્યારેય ન ભૂલાય એવી યાદ અંકિત થયેલી હોય છે જ અને સંઘર્ષના પથ પર ચાલીને જે રીતે સફળતાના પગથીયા સર કર્યા છે એ વાત યાદ કરવી ગમતી પણ હોય છે. હવે જ્યારે આ યુવકે એમની કારકિર્દીના આરંભની વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે સાવ ઓછી મૂડી લઈને શરૂ કરેલી એ યાત્રાથી માંડીને , દિવસોના દિવસોની અથાક અને અથાગ મહેનતના દિવસો, કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરીને આગળ વધ્યા અને અંતે ધારેલી અને મેળવેલી સફળતા સુધીની વાતો યાદ આવી ગઈ.
જો કે એ યુવક માત્ર પોતાની જ વાત કહીને નિકળી શક્યો હોત પરંતુ તેણે પોતાની જ વાત કહેવા પુરતો રસ ન દાખવતા માલિકની વાતો અત્યંત રસપૂર્વક સાંભળી. કહેવાની જરૂર છે કે એ યુવકને કંપનીના એ હોદ્દા માટેની જગ્યા મળી ગઈ ?
સીધી વાત- જેમ આપણને અન્ય સાથે આપણી વાત કરવી ગમે છે. આપણા જીવનના ચઢાવ-ઉતાર, સંઘર્ષ કે સફળતા વિશે કહેવું ગમે છે, આપણે શું પામ્યા અને એની પાછળ જીવનની કેટલી અમૂલ્ય ક્ષણો અર્પી છે એ કહેવું ગમે છે, આપણે જીવી ગયેલી પળોની વાત કરવી ગમે છે. આપણા જીવનના સારા-માઠા અનુભવોની યાદ તાજી કરવી ગમે છે  એવી રીતે અન્યને પણ પોતાની સફળતા વિશે વાત કરવી ગમે જ છે તો આપણે માત્ર આપણી વાત જ ન કરતાં પહેલાં એની વાત પણ સાંભળી લઈએ તો કેવું? અને બીજી વાત આપણે કોઈને પ્રથમ વાર મળતા હોઈએ ત્યારે એના વિશેની જાણકારી અગાઉથી મેળવી લઈને એ વ્યક્તિ સાથે સાથે સરળતાથી જોડાવાનો સેતુ બાંધી લઈએ તો એની સાથે વાત કરવામાં પણ સરળતા રહે.
આદાનપ્રદાન જેવો એક શબ્દ છે એ માત્ર ભૌતિક કે આર્થિક સ્તરે જ ન વિચારતા જરા આગળ વધીને વ્યક્તિગત સંબંધ સાથે પણ જોડી દઈએ તો કેવું?

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪૮-હકારાત્મક અભિગમ- જીવન-પ્રવાહ- રાજુલ કૌશિક

જગત સમ્રાટ સિકંદર, વિશ્વ વિજેતા સિકંદર, અઢળક સંપત્તિનો દાવેદાર સિકંદર જીવ્યો ત્યાં સુધી જીતવાની ખેવનામાં જ રહ્યો પણ માત્ર મેળવવાની જ જીદથી પણ એ શું પામ્યો? અને જ્યારે  એના જીવનની અંતિમ પળો આવી ત્યારે એણે પોતાના જનાજાની બહાર ખુલ્લી હથેળી રાખીને એને દફન કરવાનું કહીને વિશ્વને  એક અર્થપૂર્ણ સંદેશ આપતો ગયો.
“ખુલ્લી હથેળી રાખીને જીવો જીગતમાં આવતા,
ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા
યૌવન ફના, જીવન ફના, જર અને જગત પણ છે ફના”
એ વાત સાથે એક બીજી વાત અહીં યાદ આવી.
જોર્ડન અને ઇઝરાયેલની વચ્ચે આવેલો સમુદ્ર મૃત સમુદ્ર તરીકે ઓળખાય છે. ખરેખર તો આ એક વિશાળ તળાવ છે જેમાં ૩૫ ટકા જેટલો ક્ષાર છે એટલે એમાં નથી કોઈ દરિયાઈ વનસ્પતિ ફાલી શકતી કે નથી કોઈ જીવ રહી શકતા. હા! એટલું ખરું કે એમાં રહેલી ખારાશના વધુ પડતા પ્રમાણને લીધે એમાં માનવશરીર કોઈ આયાસ વગર તરી શકે છે.
જ્યારે આ મૃત સરોવરની ઉત્તરે ગેલિલોનો સમુદ્ર છે. આ બંને સમુદ્રમાં જોર્ડન નદીનું જ પાણી ભળે છે પરંતુ બે અંતિમ છેડાનો ફરક છે. મૃત સમુદ્રમાં જીવન શક્ય જ નથી જ્યારે ગેલેલિના સમુદ્રમાં અઢળક દરિયાઈ જીવ વસે છે.
એક જ વિસ્તાર, બંનેમાં મળતા-ભળતા પાણીનું વહેણ પણ એક સમાન તેમ છતાં આટલો વિરોધાભાસ શાને? એક જીવનથી છલોછલ અને બીજો નિર્જીવ.
કારણ માત્ર એ છે કે જોર્ડન નદીનું પાણી ગેલિલોના સમુદ્રમાં એક તરફથી પ્રવેશીને બીજી તરફ બહાર વહી જાય છે જેના લીધે આ સમુદ્રમાં જીવન શક્ય છે. જ્યારે બીજી બાજુ દરિયાઈ સપાટીથી નીચે આવેલા આ મૃત સમુદ્રમાં પાણીનું વહેણ તો છે જ પરંતુ એને બહાર નિકળવાનો કોઈ અવકાશ નથી. આ સમુદ્રના પાણીનું બાષ્પીભવન તો થયે જ રાખે છે એટલે બાષ્પીભવન થયેલું પાણી પાછળ માત્ર ક્ષાર છોડતું જાય છે અને સતત ખારાશમાં ઉમેરો થયે રાખતા એમાં જીવન શક્ય નથી.
સિકંદરની જેમ માત્ર પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ આવા જ મૃત સમુદ્ર જેવી સંગ્રહી નથી બની જતી? મૃત સમુદ્રમાં રહેલી ખારાશના લીધે જેમ માનવશરીર આયાસ વગર તરી શકે એમ વ્યક્તિનો અહમ એને તરતો પણ રાખશે જ પણ એના બળે જીવેલું જીવન સિકંદરના શબ્દોમાં ફના ન કહેવાય?
જીવનનું નામ છે આપવું એટલે પામવું..એ આપવા- પામવાની વાત માત્ર ધન સંપત્તિ સાથે જ નથી. જ્ઞાન, પ્રેમ, માન-સન્માન આ તમામ પેલા મૃત સમુદ્રના પાણીની જેમ પોતા પુરતા રાખવાથી સ્થગિત થઈ જશે. જ્યારે ધન-સંપત્તિ, જ્ઞાન, પ્રેમ, માન-સન્માન આપવા-વહેંચવાથી અન્યની સાથે આપણું જીવન પણ જીવંત બની જશે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪૭-હકારાત્મક અભિગમ-સમભાવ- રાજુલ કૌશિક

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ તબક્કા આવતા જ હોય છે અને આવતા જ રહેવાના. ક્યારેક ચડતી- ક્યારેક પડતી. ક્યારેક સુખના હિંડોળે તો ક્યારેક તકલીફોના ચક્કરે. મોટાભાગે એવું બને કે દુઃખમાં કે તકલીફમાં કોઇના સાથ કે સધિયારાની આવશ્યક્તા જણાય પરંતુ સુખના હિંડોળે ઝૂલતા હોય ત્યારે ? ત્યારે તો આસપાસની વ્યક્તિઓ કે વાતાવરણ ક્યાંય કશું જ જાણે સ્પર્શતું જ ન હોય એમ માત્ર પોતાની મસ્તીમાં જ મગ્ન.

આવી જ રીતે બાપ કમાઈ અને થોડી આપ કમાઈથી ધનાઢ્ય બનેલો એક સાહસિક યુવાન ઉદ્યોગપતિ પોતાની પ્રગતિના પ્રતિક જેવી સાવ નવી મર્સિડિઝ લઈને શહેરના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ગાડી અને યુવાન બંને પોતાની રફ્તારે જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક કોઇ એક ખૂણેથી મોટો પત્થર આવીને ધડામ…..કરતો ગાડીના કાચ સાથે અથડાયો. અત્યંત મોંઘી ગાડીના કાચ પર મોટી મસ તિરાડ પાડતો એ પત્થર બોનેટ પર અથડાયો અને ત્યાં ય ગોબો પાડતો ગયો અને યુવાનના દિલ પર તો વળી અસંખ્ય તિરાડો પડી ગઈ.

ગાડીને બ્રેક મારીને એમાંથી એ યુવાન ઉતર્યો અને આજુબાજુ જોયું તો એ રસ્તાની કોરે એક ટેણીયો દેખાયો. યુવાનનું દિમાગ તો ગુસ્સાથી ફાટ-ફાટ. એણે એ ટેણીયાની પાસે જઈને સીધી એની ફેંટ પકડી અને હાથ ઉગામવા જતો હતો અને એ ટેણીયો રડી પડ્યો. યુવાન જરા ઢીલો પડ્યો પણ ગુસ્સો તો હજુ જ અકબંધ જ હતો. એણે પેલા બાળકને અત્યંત કઠોર અવાજે પૂછ્યું, “ આ શું માંડ્યુ છે? આવી રીતે રસ્તા પર ઉભા રહીને આવતી જતી ગાડી પર પત્થર ફેંકાય? શા માટે તેં મારી ગાડી પર પત્થર ફેંક્યો? ગાડીને કેટલું નુકશાન પહોંચાડ્યું એની સમજ પડે છે? તારા મન રમત છે પણ મને ઈજા થઈ હોત તો ?”

બાળકે રડતા રડતા જવાબ આપ્યો,“ સાહેબ, મને ખબર છે આપની ગાડીને મેં નુકશાન પહોંચાડ્યું છે અને મેં આ પત્થર રમતમાં પણ નથી ફેંક્યો. મારો ભાઈ અપંગ છે અને ત્યાં પેલા ઝાડ પાસે વ્હીલચેર પરથી ગબડી પડ્યો છે અને એને ઘણું વાગ્યુ પણ છે. મારા એકલાથી એને ઉભો કરીને વ્હીલચેર પર બેસાડી શકાય એમ છે નહીં. ક્યારનો હું અહીં એકલો ઉભો ઉભો બૂમો મારીને મદદ કરવા સૌને બોલાવતો હતો પણ સાહેબ કોઈ મારી મદદે ન આવ્યું એટલે હારી થાકીને મારે આવું કરવું પડ્યું. મારી ભૂલ થઈ છે એની મને ખબર છે , મને માફ થાય તો માફ કરજો નહીં તો જે સજા આપશો એ મને મંજૂર છે પણ મારી પર મહેરબાની કરો અને મારા આ ભાઈને ઉભો કરવામાં મને મદદ કરો.

પેલા બાળકની વાત સાંભળીને યુવાનનો ગુસ્સો ઠરી ગયો, હ્રદય કંપી ઉઠ્યુ અને એણે વ્હીલચેર પરથી ગબડી પડેલા પેલા બાળકના ભાઈને ટેકો આપીને વ્હીલચેરમાં બેસાડ્યો. પોતાની ગાડીમાંથી ફર્સ્ટ એઈડ બોક્સ કાઢીને ઈજા સાફ કરી, દવા લગાડીને પાટો બાંધી આપ્યો. આભાર માનીને પેલો ટેણીયો વ્હીલચેરને ધકેલતો પોતાના રસ્તે પડ્યો પણ એ ટેણીયો દેખાયો ત્યાં સુધી એ યુવાને એનેa જોયા કર્યો.

એ પછી તો એણે પોતાની ગાડી રિપેર કરાવી પણ બોનેટ પરનો ગોબો તો એમ જ રહેવા દીધો. કારણ?

કારણ કે સફળતા પામ્યા પછી પણ એ યુવાનમાં સહ્રદયતા ટકી રહી હતી. આજે પણ એ ગાડીના બોનેટ પરનો ગોબો જુવે છે અને એના જીવનમાં બનેલી ઘટનાને મનમાં તાજી રાખે છે.

એની પાછળનો વિચાર કહો કે હેતુ આપણા માટે પણ પ્રેરણાદાયી છે. “ જીવનમાં ક્યારેક એટલી તીવ્ર ઝડપ ન રાખીએ  કે આપણું ધ્યાન ખેંચવા કોઇએ આપણી તરફ પત્થર ફેંકવો પડે.”

એટલા પણ સ્વકેન્દ્રી ન બનીએ કે  આપણા મનમાં સ્વ સિવાય અન્યનો વિચાર પણ ન આવે. પોતાની સગવડો સાચવવા અન્યની જરૂરિયાત તરફ લક્ષ્ય જ ન આપી શકીએ. આપણે જે મેળવ્યુ છે એમાં આપણી મહેનતની સાથે ઈશ્વરની કૃપા ભળેલી છે તો એ જ ઈશ્વરની સર્જેલી દુનિયાના અન્ય લોકો તરફ દુર્લક્ષ્ય પણ ન કરીએ.

૪૬-હકારાત્મક અભિગમ- કિ ફલં કિ ફલં-રાજુલ કૌશિક

સ્વામી ચિદાનંદજીથી કોણ અજાણ હશે?  આજે સ્વામી ચિદાનંદજીના જીવનનો એક પ્રસંગ  વાંચવા મળ્યો.
એક સમય તેમની સાથે હૃષીકેશમાં જતીન રામકૃષ્ણ આવીને રહ્યા. પુષ્પો અને શૃંગાર તેમના પ્રિય વિષય હતા એટલે દર બે-ચાર દિવસે આડોશ- પાડોશના આશ્રમો કે અન્ય સંસ્થાના ઉદ્યાનમાંથી ફુલો લાવીને સ્વામી ચિદાનંદજીના નિવાસસ્થાને સજાવીને મુકતા.
બે-ચાર અઠવાડીયા પછી સ્વામી ચિદાનંદજીએ એમને પછ્યું, “ આટલા સુંદર ફુલો તમે ક્યાંથી લાવો છો?
જવાબ મળ્યો, “ કૈલાશ આશ્રમ, પરમાર્થનિકેતન, યોગનિકેતન, ટૂરીસ્ટ બંગલેથી.”
સ્વામી ચિદાનંદજીને આશ્ચર્ય થયું. “તમને હૃષીકેશ આવીને માત્ર મહિનો જ થયો છે, તો આ બધા લોકોને તમે કેવી રીતે ઓળખતા થયા?”
“હું કોઇને પણ ઓળખતો નથી, કથામાં સાંભળ્યુ હતું કે શ્રી કૃષ્ણ માખણ ચોરી કરતા ત્યારે  ‘કાફલં-કાફલં’
બોલતા જેથી પકડાય નહીં. હું પણ એમ જ બોલું છું અને ફુલો તોડી લાવું છું.” (જો કે સ્વામી ચિદાનંદને જાણતા દરેક માટે આ શબ્દ ‘ કાફલં કાફલં’ જરાય જાણીતો નથી જ. એનો સંદર્ભ પણ ક્યાંય મળ્યો નથી પરંતુ આપણે અહીં શબ્દાર્થ શોધવાના બદલે વાતનો મર્મ જોઇશું.)
હવે સ્વામીજીને આઘાત લાગ્યો. “અરે! સાધુજીવનના આરંભમાં જ ફુલોની ચોરી ! આજે બધા આશ્રમોના મહંત-મંડળેશ્વરને પગે લાગી આવજો-માફી માંગજો. પ્રાયશ્ચિત રૂપે દરેક બગીચામાં થોડા દિવસો સુધી પાણી પીવડાવજો અને જો અહીં ફુલો લાવવાનું ગમતું હોય તો જ્યાં રહ્યા છો ત્યાં બગીચો કરો, આમ તફડંચી મારેલ તો કદીયે લાવતા નહીં.”
સીધી વાત….. કદાચ આપણા સૌમાં પણ આવો એક દલા તરવાડી બેઠો જ હશે. “રીંગણા લેને દસ-બાર” વાળી સ્વ-ઉક્તિથી મન મેળે બારો-બાર મંજૂરી મેળવીને પછી જે મળે તે મેળવી લેવાની વૃત્તિ પણ ક્યાંક ઊંડે ધરબાયેલી હશે કે પછી મનોમન કાફલં-કાફલં બોલીને પકડાઇ ના જવાય એની તકેદારી રાખીને જે મળ્યુ એ હાથમાં અને બાથમાં કરી લેતા હોવાની શક્યતા ઊંડે ઊંડે ખરી ??
ના હોય તો જ ઉત્તમ……………
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪૫-હકારાત્મક અભિગમ-સંમોહન-રાજુલ કૌશિક

ઇશ્વરે આ જગતમાં અનેક જીવનું સર્જન કર્યું. પશુ, પંખી, માનવ…

કહેવાય છે કે માનવ એ ઈશ્વરનું સૌથી અનોખુ સર્જન છે. દિલ અને દિમાગનો અદ્ભૂત સમન્વય ધરાવતી માનવજાત આજે લગભગ દુનિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂકી છે. મનોવિજ્ઞાન મુજબ માનવીના ઘડતરમાં વારસાની સાથે વાતાવરણ પણ એટલી જ મહત્વની ભૂમિકા ધરાવે છે. બાળકના માનસિક-શારીરિક ઘડતર પર એને વારસામાં જે જિન્સ મળ્યા છે એ તો અસર કરવાના જ છે પણ સમજણું થાય ત્યારે આસપાસનું-બહારનું વાતાવરણ પણ એના ઘડતરને અસર કરવાનું. આપણા પર- આપણી સમજણ પર, આપણા મન પર પણ આસપાસનું વાતાવરણ અસર કરે જ છે.

એના અનુસંધાનમાં આજે જ વાંચેલું એક દ્રષ્ટાંત અહીં ટાંકવાનું મન થાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સમાન બુધ્ધિ પ્રતિભા ધરાવતા હોય એવા એક વર્ગના વિદ્યાર્થીઓ પર એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવ્યો. આ વર્ગના વિદ્યાર્થીના બે જૂથ પાડવામાં આવ્યા.

પ્રથમ જૂથને એક અલગ ખંડમાં લઈ જઈને બ્લેકબોર્ડ પર એક ગણિતનો ગૂંચવણભર્યો પ્રશ્ન લખીને એને ઉકેલવાનું કહેવામાં આવ્યુ. સાથે એવું પણ જણાવવમાં આવ્યું કે આ પ્રશ્ન ખરેખર  એટલો ગૂંચવણભર્યો છે  કે તમારામાંથી ભાગ્યેજ કોઈ એનો ઉકેલ શોધવમાં સફળ થશે. તમારાથી પણ ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ પણ માંડ આનો ઉકેલ શોધી શક્યા હતા એટલે તમને પણ સફળતા મળશે કે કેમ એ શંકા તો છે જ પણ તેમ છતાં તમારી પાસે  સમજી વિચારીને આનો ઉકેલ લાવવાની તક છે. અજમાવી જુઓ.

આ જૂથે ખૂબ મહેનત કરી પરંતુ એ પંદર વિદ્યાર્થીઓના જૂથમાંથી ત્રણ જ વિદ્યાર્થીનો જવાબ સાચો પડ્યો.

હવે બીજા જૂથને ગણિતનો આ જ પ્રશ્ન ઉકેલવાનું કહેવામાં આવ્યું.

સાથે એમને એમ કહેવામાં આવ્યું કે આ એકદમ સહેલો પ્રશ્ન છે. આનો ઉકેલ લાવવામાં ભાગ્યેજ કોઈ નિષ્ફળ જશે. તમારાથી નીચલા વર્ગના વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નનો ઉકેલ શોધી શક્યા હતા. જ્યારે તમે તો એમનાથી બુધ્ધિશાળી વિદ્યાર્થીઓની ગણતરીમાં આવો છો.

હવે જોવાની મઝા એ છે કે આ જૂથના પંદર વિદ્યાર્થીઓમાંથી બાર જણ એનો સાચી રીતે ઉકેલ લાવી શકયા હતા.

સીધી વાત- જો આપણી આસપાસનું વાતાવરણ જો મનને સકારાત્મક રીતે ઊર્જિત કરનારું હોય તો મન સાચે જ સકારાત્મક બનશે પણ જો આપણા મનને નિર્બળ બનાવે એવું વાતાવરણ હશે તો ચોક્કસ એની અસર આપણા મન અને પછી વર્તન પર થવાની જ. કોઈપણ બાળક કે વ્યક્તિને પણ સતત એમ કહેવામાં આવે કે આ કામ તો તું કરી જ શકીશ. એ કાર્ય કરવા એ ઉત્સાહિત તો જરૂર થશે જ અને એમાં સફળ થવાની શક્યતા વધી જશે.

હિપ્નોટિઝમ શું છે?  આપણે ઘણીવાર સ્ટેજ પર પણ એવા હિપ્નોટિઝમનના પ્રયોગો જોયા હશે. એ હિપ્નોથેરેપિસ્ટ સતત એકધારી સૂચનાથી આખા વૃંદને સંમોહિત કરતા હોય છે. જો આપણા મન પર કોઈના કીધાથી સારી કે ખોટી, સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય તો એ જ બાબતને આપણે જાત અનુભવમાં પણ મૂકીએ, આપણા મનને સતત એવા આદેશ આપીએ કે જે આપણી સકારાત્મકતાને ઊર્જિત કરે. જે કામ કોઈ હિપ્નોથેરાપિસ્ટ કરી શકે એ જ રીત આપણે પણ અમલમાં મૂકી જ શકીએ ને?

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪૪-હકારાત્મક અભિગમ- મનદુરસ્તી-રાજુલ કૌશિક

બે પડોશી મિત્રો….એ બંનેના પરિવાર વચ્ચેના સંબંધો પણ સરસ. એક મિત્રને દિકરો અને બીજાને દિકરી આ બંને બાળકો પણ એક સરખી જ વયના એટલે બંને વચ્ચે પણ સરસ દોસ્તી. સાથે રમે, સાથે જમે અને સાથે જ સ્કૂલે જાય.

છોકરાને ગાડીઓ ભેગી કરવાનો શોખ. નાની નાની જુદી જુદી જાતની, જુદા જુદા રંગની ગાડીઓ એના ખજાનામાં મળે.  એવી રીતે છોકરી ઉજવાઈ ગહેયા ઇસ્ટર તહેવારમાં મળેલા ઈસ્ટર એગ્સ સાચવી રાખેલા.

જ્યારે મળે ત્યારે બંને પોતાની પાસેના એ ખજાનામાં શું ઉમેરો થયો એ એકબીજાને બતાવે અને ખુશ થાય. એક દિવસ છોકરાના મનમાં વિચાર આવ્યો અને એણે પેલી છોકરીને કહ્યું કે,

“હું તને મારી પાસે છે એ બધી ગાડીઓ આપી દઉં અને તું મને તારી પાસે જેટલા ઇસ્ટર એગ્સ છે એ આપ. આપણે અદલાબદલી કરીએ.”

છોકરીએ તો ખુશી ખુશી પોતાની પાસે જેટલા ઈસ્ટર એગ્સ હતા  એ બધી એની નાનકડી શૉલ્ડર બેગમાં ભરીને આપી દીધી. છોકરાએ પણ પોતાની પાસે હતી એ બધી ગાડીઓ બેગમાં ભરીને છોકરીને આપી પણ એમ કરતાં પહેલા એણે એની સૌથી વધુ ગમતી ગાડી છોકરીનું ધ્યાન ન પડે એમ સેરવી લીધી.

થોડા સમય માટે રમીને બંને પોત-પોતાના ઘેર ગયા. રાત પડે પેલી છોકરી તો ઘસઘસાટ ઊંઘી ગઈ પણ પેલા છોકરાને જરાય ઊંઘ ન આવી. કારણ ?

એના નાનકડા મનમાં સતત એક વિચાર ઘોળાયા કરતો હતો કે જેમ મેં એક ગાડી સરકાવી લીધી એમ પેલી છોકરીએ પણ એને ઈસ્ટર એગ્સમાંથી ગમતા રંગનું ઈસ્ટર એગ કાઢી જ લીધું હશે ને?  બસ એના મનમાં ઘૂમરાયા કરતા આ વિચારે એની ઊંઘ ઉડાડી દીધી.

વાત તો જાણે નાના બાળકોની છે પણ આપણી સાથે ય એવું બનવાની શક્યતા ખરી? કોઇપણ કાર્યમાં , કોઇપણ સંબંધમાં, કોઇપણ લેવડ-દેવડમાં જો આપણે સંપૂર્ણ નહી હોઇએ તો આપણું મન પણ પેલા છોકરાની જેમ આશંકાના વમળમા ઘૂમરીઓ લીધા કરશે. આપણે જે કંઇ વિચાર્યું કે આચર્યું હશે એવું જ સામેની વ્યક્તિએ વિચાર્યું કે આચર્યું હશે એમ માનવા પ્રેરાઈએ છીએ.

સીધી વાત- પાણી  કે આયનો સાફ હશે તો પ્રતિબિંબ પણ સાફ દેખાશે. મન સાફ હશે તો જ માન્યતાઓ શુધ્ધ રહેશે.  આપણે પણ જો આપણા દરેક  કાર્યક્ષેત્રે ,વ્યહવારમાં, મિત્રતામાં કે પારિવારિક સંબંધોમાં સંપૂર્ણ હોઇશું- શ્રેષ્ઠ હોઇશું તો આપણું મન શાંત રહેશે. આપણે શાંતિની નિદ્રા માણી શકીશું. મનની શાંતિ માટે જરૂરી છે આપણા કર્તવ્યનું સો ટકાનું યોગદાન.

Rajul Kaushik

https://rajul54.wordpress.com/

૪૩-હકારાત્મક અભિગમ-ચીવટ- રાજુલ કૌશિક

એક નામી કૉર્પૉરેટ કંપનીમાં ઉચ્ચ કક્ષાના હોદ્દા પર એક વ્યક્તિ વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતી હતી. હવે એ વ્યક્તિ ઉંમર થતા રિટાયર્ડ થઈ. એમની જગ્યાએ નવી વ્યક્તિની નિમણૂંક કરવાનો સમય આવી ગયો. સ્વભાવિક રીતે આવી મોટી કંપની અને હોદ્દા માટે કેટલાય ઉમેદવારોની અરજી આવી. ઇન્ટરવ્યૂ માટેના નિશ્ચિત દિવસ અને નિશ્ચિત સમયે અનેક ઉમેદવારો સુટ-ટાઇ અને હાથમાં ડિગ્રીની ફાઇલ સાથે વગદાર વ્યક્તિઓના ભલામણ પત્રો અને મનમાં ઊંચી આશા લઈને હાજર થઈ ગયા. કંપનીના માલિક આ હોદ્દા માટે પોતે ઇન્ટરવ્યૂ લેવાના હતા.
એક પછી એક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાતા ગયા. આ બધામાં એક એવો ઉમેદવાર પણ હતો કે જેની પાસે કૉર્પૉરેટ કંપનીના માલિકના અંગત મિત્રનો ભલામણ પત્ર હતો. એ ઉમેદવાર પાસે  ભલામણની સાથે ભણતરની ઉચ્ચ ડિગ્રીઓ પણ હતી. દેખીતી રીતે એ જ ઉમેદવારની પસંદગી થશે એવું એણે અને સૌએ માની લીધું હતું.
પરંતુ જ્યારે નિર્ણય જાહેર થયો ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે એક સાવ જ અજાણ્યા ઉમેદવારની પસંદગી થઈ હતી જેની પાસે એક પણ ભલામણ પત્ર નહોતો.
કંપનીના માલિકના મિત્રે એના આ નિર્ણય માટે આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન પૂછ્યો. “ મેં એક એવી વ્યક્તિની ભલામણ કરી હતી જે ખરેખર એના ભણતર, એના અનુભવને લઈને તારી કંપનીના આ હોદ્દા માટે સર્વથા યોગ્ય હતી તો પછી એને પડતો મૂકીને તેં એવા એક સાવ અજાણ્યા ઉમેદવારને પસંદ કર્યો. એનામાં એવી કઈ વધારાની લાયકાત તેં જોઇ?”
કંપનીના માલિકે અત્યંત શાંતિથી જવાબ આપ્યો, “ દોસ્ત, તારી વાત સાચી છે પણ આ ઉમેદવાર પાસે એક સૌથી મહત્વનું પ્રમાણપત્ર હતું જે કોઇનામાં નહોતું. એ જ્યારે રૂમમાં આવ્યો ત્યાર પહેલાં એણે  દરવાજો ખટખટાવીને મારી પરવાનગી માગી હતી. સ્પ્રિંગવાળો દરવાજો એની મેળે બંધ થતો હોવા છતાં એણે પછડાય નહીં એના માટે પકડીને હળવેથી બંધ કર્યો. ખુરશીમાં બેસતા પહેલાં એણે મારી પરવાનગી લીધી. આ ઉમેદવારી માટેના તમામ જરૂરી પ્રશ્નોના એણે અત્યંત આત્મવિશ્વાસથી મુદ્દાસર જવાબ આપ્યા. ઇન્ટરવ્યૂ બાદ એ મારી પરવાનગી લઇને ઊભો થયો અને ચૂપચાપ આવ્યો હતો એવી જ કાળજીથી રૂમનો દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો. ના તો એણે કોઇ સિફારિશનો ઉલ્લેખ કર્યો કે ના તો એણે પોતાના માટે કોઇ વધારાની વાત કરી. હવે તું જ કહે છે આવી વ્યક્તિને કોઇ વધારાના ભલામણપત્રની શી જરૂર ?”
સીધી વાત- કોઇપણ કામ માટે એને યોગ્ય અત્મવિશ્વાસની સાથે લાયકાત તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે વ્યહવારિક સમજ, ચીવટ પણ એટલી જ જરૂરી છે. પુસ્તકીય જ્ઞાન સાથે વ્યહવારિક જ્ઞાનનો ગુણાકાર થાય ત્યારે એ વ્યક્તિની યોગ્યતા વધી જાય છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com