સ્પંદન-6પ્રેમ વ્હાલ વરસાવી જાણે
અશ્રુ અમી છલકાવી જાણે
કરૂણામય સ્પર્શ છે જેના
સ્વર્ગનું સુખ ખોળે જેના
આશિષ માગું હરદમ તેના
ધન્ય જનેતા, ધન્ય માવડી.

વેલેન્ટાઈન  ડે ગયો ને સહુએ ખૂબ પ્રેમની વાતો કરી. ત્યારે આજે પ્રેમમાં શિરમોર, સંબંધોમાં ઉત્તમ અને અદ્વિતીય એવા પ્રેમની વાત કરવી છે. જી હા,બા, મા,માતા, જનની, જનેતા,માવડી, આઈ, અમ્મી, મમ્મી, મૉમ – એક એવો શબ્દ, જેનાથી સહુ કોઈ પરિચિત છે. પરિચયનું કારણ કદાચ દૂર નથી. આપણું ધબકતું હૈયું સાક્ષી છે કે જ્યારે તેણે પ્રથમ ધબકાર કર્યો ત્યારે આ સમગ્ર વિશ્વમાં કોઈ આપણી સાથે નહોતું સિવાય કે એક વ્યક્તિ – મા . મા શું છે? કોઈ બાળક જે કદાચ કોઈ પણ ભાષાથી અજ્ઞાત હશે, તેની આંખોમાં તેનો ઉત્તર મળશે કે મા શું નથી? બાળકની ભૂખ ને તરસની તેને વગર કહ્યે જ ખબર પડી જાય છે. એની આંખોમાં તમે આશીર્વાદ વાંચી શકો. સંતાનની ઇચ્છામાં જ પોતાની ઇચ્છાની ઇતિશ્રી જોતી ‘મા’ ઈશ્વરનો પૃથ્વી પરનો પ્રતિનિધિ છે.

જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે એક માતા જન્મે છે. બાળકના ધબકાર સાથે જ જન્મે છે માતાનું સ્પંદન. એ સ્પંદન જે તેના બાળને દુનિયાની દરેક કઠિન પરિસ્થિઓથી બચાવે છે, જે કંટકછાયા રસ્તા પર ફૂલ બિછાવે છે, જેનો પાલવ એવું છત્ર છે જે મુશ્કેલીરૂપી તમામ આંધી, તોફાન, વાવાઝોડાનો સામનો કરવા સક્ષમ છે. મા તેનો પ્રેમ અનરાધાર વરસાવે રાખે છે, તેના વ્હાલની ઝોળી હંમેશા છલકાતી રહેતી હોય છે, તેની આંખના અમી ક્યારેય સુકાતા નથી, તેનું દિલ કાયમ લાગણીની સુગંધથી મહેકતું હોય છે, તેનો કરુણાભર્યો હાથ સઘળો પરિતાપ અલોપ કરી શકે છે. જનનીના ખોળે માથું મૂકતાં તો સ્વર્ગનું સુખ પણ હાથવેંત લાગે છે. મા એટલે મમતા અને વાત્સલ્યની સાક્ષાત મૂરત,  ઉચ્ચતમ માનવીય પ્રેમનો સર્વોત્તમ સંબંધ, જે  પાપી- પુણ્યશાળી, ગુણી- દુર્ગુણી, ધનવાન –કંગાળ…સૌને માટે એકસરખો પ્રેમ રાખી છાતીએ ચાંપે ને દુનિયાભરનું દુ:ખ હળવું થઇ જાય. બોટાદકરે તેમની કવિતામાં સાચું જ કહ્યું છે – “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ… ગંગાના નીર વધે ઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એકસરખો જ રહે છે.”

કહેવાય છે કે એક માતા સો શિક્ષક બરાબર છે. શિક્ષણ એટલે માત્ર સાક્ષરતા કે અક્ષરજ્ઞાન જ નહીં, પણ ઉત્તમ માનવ બનાવતું તત્વ. આ શિક્ષણ એટલે સંસ્કાર. સંસ્કાર એટલે કયા સમયે કઈ વસ્તુ કરવી કે ન કરવી તેની સચોટ બુદ્ધિમતા કે નીતિશિક્ષણ. સંસ્કારહીન સમાજ કદાચ ભૌતિક રીતે વિકાસ પામે કે સાધન સમૃદ્ધિ વધે, પણ જો માનવીય ગુણો વગરનો હોય તો તે વિનાશ નોતરે છે. કદાચ ભારતીય સમાજ, જે પ્રત્યેક યુગે પડકારો સામે ઊભો રહી શક્યો છે તેનું કારણ પણ માતાના ઉચ્ચ આદર્શો હોઈ શકે. નજીકના ભૂતકાળનો ઈતિહાસ જોતાં જ આપણને છત્રપતિ શિવાજી મહારાજ અને માતા જીજાબાઇનું સ્મરણ થાય. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સાથે જ આપણને પીઠ પર બાંધેલ કુંવરનું ચિત્ર દ્રષ્ટિમાં આવે જ. સંગ્રામ કોઈપણ હોય -સામાજિક કે રાજકીય – તો પણ માતા હંમેશા બાળકનું કવચ કે ઢાલ હોય છે. માતા બાળક માટે આશ્રય છે, હૂંફ છે, શરણ છે. આર્થિક સંગ્રામમાં પણ પેટે પાટા બાંધીને પણ સંતાનના શિક્ષણ માટે આકાશ પાતાળ એક કરતી માતા કેટલાંયે તેજસ્વી સંતાનોના વિકાસની સાક્ષી છે. માતા સ્નેહ છે, સંસ્કાર છે, વાત્સલ્ય છે, કડવા સંસારમાં મીઠાશનો ઘૂંટડો છે, ખારા સંસારસમુદ્રમાં મીઠા પાણીની વીરડી છે.

શારીરિક રીતે અબળા નારી, માતા તરીકે બાળકને બચાવવા કેવી બહાદુર બની જાય છે, તેની આ સત્ય ઘટના ગવાહી પૂરે છે. એક માતા ઘરના ચોગાનમાં ધોકો લઈને કપડાં ધોઈ રહી હતી. બાજુમાં તેનું બાળક રમી રહ્યું હતું. અચાનક એક દીપડાએ આવી બાળકને તરાપ મારી પકડ્યું. માતાએ ફક્ત ધોકાની મદદથી એ હિંસક પ્રાણીનો સામનો કર્યો એટલું જ નહીં પણ તેના બાળકને હેમખેમ બચાવી લીધું ને દીપડાને  એક રૂમમાં પુરીને ઝૂ સત્તાવાળાનો સંપર્ક કર્યો. માતાની આવી તો અનેક પ્રેરણાદાયી સત્ય ઘટનાઓ વિશ્વભરમાં મળી આવે છે,જેમાં માતાએ અસામાન્ય હિમ્મત દર્શાવી પડકારોનો સામનો કર્યો હોય.


હેપી બર્થડેના અભિનંદન અને તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે  કેક કપાય ત્યારે, બુઝાતી મીણબત્તીની ધૂમ્રસેર વચ્ચે જો ક્યારેક કોઈ ચેહરો દેખાય તો તે ચોક્કસ માતાનો હશે જેણે માત્ર જન્મ જ નથી આપ્યો, પણ જન્મદિવસ અને સમગ્ર  જીવન ‘Happy’ બને તે માટે અથાક પરિશ્રમ કરી, રાત્રિના ઉજાગરા કરી,સંતાનની સુખાકારીને લક્ષ્યમાં રાખી પોતાની જાતને મીણબત્તીના ટપકતા મીણની જેમ પીગળાવી છે.  ત્યારે જો માતાના આશિષ સાથે શીશ ઝૂકી જાય તો માતાને થયેલું આ વંદન હશે જીવનનું શ્રેષ્ઠ સ્પંદન.

રીટા જાની

સ્પંદન -5.નજરથી નજર મળવાની વાત છે
હૃદય એક ધબકાર ચૂકયાની વાત છે
વાણી અવાચક થયાની વાત છે
ગાલે લાલી છવાયાની વાત છે
સમયનું ભાન ભૂલાયાની વાત છે
તડપની ભરતી ઉઠ્યાની વાત છે
સંગાથે શમણાં સજાવવાની વાત છે
હર દિલમાં પ્રફુલ્લ પ્રેમની પ્યાસ છે

કેવી છે આ પ્રફુલ્લ પ્રેમની પ્યાસ?  જાણે ચાતકને વર્ષાની પ્યાસ. વર્ષાના અમી છાંટણા થાય  અને ચાતકની તરસી આંખો ચમકી ઊઠે, કદાચ એ જ રીતે પ્રેમના છાંટણા થાય અને માનવ મન મહોરે, હ્રુદયમાં ઊઠે કલશોર અને મનડું થનગને.

ક્યારેક  એવું બને કે અજાણી નજરો સાથે નજર મળે અને તે જાણીતી બની જાય.
કયારેક …
નજરોથી નજરો મળે..
અને…દિલ પણ ધડકન ચૂકે..
અજાણી નજરો જાણીતી લાગે
કોઈની વાતો માનીતી લાગે..
અને …અંગે અંગ જો ઉમંગ લાગે
ઉરમાં જો વસંત ગાજે…
સપનાઓ શત રંગ લાગે..
તો..તે છે પ્રેમ.

પણ…
પ્રેમ એ જાણવાની ચીજ નથી, પણ માણવાની ચીજ છે. પ્રેમ એ એવી ઉષ્મા છે, જેમાં મન મીણબત્તીની જેમ પીગળે છે અને  પ્રેમીઓ ક્યારેક ફના થવાની તૈયારી સાથે જ તેમાં ઝંપલાવે છે. ત્યારે પ્રેમ એક ચમકાર બની આંખોમાં છવાય છે અને મૂકી જાય છે સ્નેહ, સમર્પણ અને સંગદિલીની ગાથા. ફેબ્રુઆરી મહિનો અને વેલેનટાઈન ડે આવે એટલે ચારે તરફ જાણે પ્રેમની લહેર દોડવા લાગે છે. પ્રેમ ઠાલા શબ્દોમાં નથી, પ્રેમ એ તો ભીની અનુભૂતિ છે. તેમાં કોઈ ગણતરી ન હોય, પ્રેમ હંમેશા નિર્દોષ હોય બાળક જેવો હોય. પ્રેમમાં હંમેશા આપવાનું હોય છે. પ્રેમ ભોગ માગે છે- સ્વયંનો, અહમનો. પ્રેમ પોતાની જાતને ઓગાળીને બીજાને સ્વીકારે…બીજાના દોષ ભૂલીને ગુણનું સ્મરણ કરે.


પ્રેમ એ ક્યારેક વાણીને અવાચક કરી દે છે. જે પાત્રને મળવા માટે જાત જાતની યોજનાઓ ઘડી હોય, તે જો સન્મુખ થાય તો ક્યારેક વાચા હરાઈ જાય છે. આવી પળો પણ પ્રેમનો અહેસાસ તો કરાવે જ છે. પ્રેમી પાત્ર જાય પછી થાય કે ઓહ, આ તો કહેવાનું હતું પણ ન કહેવાયું.
શાયર નક્શ લાયલપુરીના શબ્દો યાદ કરીએ તો….
યું  મીલે કે મુલાકાત હો ના સકી
હોઠ કાંપે મગર બાત હો ના સકી…

તો ક્યારેક હોઠથી વાત ના થાય પણ આંખોથી બધુ જ કહેવાઈ જાય છે. પણ પ્રેમ એવી લાગણી છે, જે ક્યારેક લજ્જાની લાલી ચેહરા પર લાવે છે. કદાચ આનંદનો અનુભવ પણ તેનું કારણ હોઈ શકે. પ્રેમમાં દિવસ રાતનું પણ જ્ઞાન રહેતું નથી. હૈયે આનંદની એવી ભરતી ઊઠે છે કે માનવી સ્ત્રી હોય કે પુરુષ, પ્રેમમય બની જાય છે. ભવિષ્યના સપના સજાવવામાં પ્રેમીઓ ખોવાઈ જાય છે. એક નવી જ સૃષ્ટિ રચાય છે. પ્રેમની આ સૃષ્ટિ અદભુત છે, જે આનંદનો અનુભવ કરાવે છે. તેથી જ સાહિત્યનું લાલિત્ય કહો કે ગીત સંગીતનું માધુર્ય તેમાં પ્રેમગીત જ સર્વવ્યાપી છે. પ્રેમ પ્રાચીન પણ છે અને અર્વાચીન પણ છે. દેવદાનવની પૌરાણિક વાર્તામાં પણ દેવગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ અને દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની વચ્ચેના પ્રેમની વાત છે. કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમાં રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમકથા કઇ રીતે ભૂલાય? મોગલેઆઝમની અનારકલી અને શાહજાદા સલીમની પ્રેમકથા એ વાતની ગવાહી પુરે છે કે પ્રેમનું સામ્રાજ્ય મોગલ સામ્રાજ્યને પણ પડકાર ફેંકી શકે છે. પ્રેમ એવો મજબૂત તંતુ છે, જે શાહજહાં અને મુમતાજમહલના પ્રેમના પ્રતીક તરીકે આજે પણ તાજમહલને પ્રસ્તુત કરે છે.

પ્રેમ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું સાતત્ય છે. વર્તમાનમાં તો દરેક પ્રેમ એક કથા છે. વર્તમાન પ્રેમ કબૂતર જા …જા..ના યુગથી આગળ નીકળીને બની ગયો છે .હાઈ ટેક. હવે પ્રેમમાં પરાકાષ્ટા પહેલાં ઝડપ આવી ગઈ છે, વિરહ જેવી લાગણીઓનું વિસર્જન થઈ ગયું છે. મોબાઈલની આ ઝડપ વિરહની વેદનાને નામશેષ કરતી ચાલી છે. બધું જ ઇન્સ્ટન્ટ છે. પ્રેમની અભિવ્યકિત પણ સરળ છે. કદાચ એક ગુલાબનું ફૂલ અને વેલેનટાઇન ડે એ પ્રેમની અભિવ્યક્તિ છે.  અને પ્રેમ કે ગુલાબ…
………by any other name,it smells sweet ….

પ્રેમનો અહેસાસ, એતબાર અને એકરાર એક જ માળાના મણકા છે. પ્રેમમાં કાયમ ઝંખના, પ્રતીક્ષા હોય…પ્રેમ ઇંતેજાર, રાહ જોતાં શીખવે…ત્યારે રાધાકૃષ્ણના પ્રેમને કેમ ભૂલી શકાય? ભગવાન શ્રીકૃષ્ણના વેણુનાદનું માધુર્ય એ પ્રેમમય ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ એક સુખદ સપનું છે. પ્રેમમાં કોઈ મંઝિલ નથી, પ્રેમ તો પ્રવાસ છે, યાત્રા છે…. આવો, આપણે પણ ધરતી પરના આ જીવનપ્રવાસને પ્રેમમય બનાવીએ….

રીટા જાની

https://youtu.be/YbojAwM9ZEs

Bethak-સ્પંદન -ચિંતન શ્રેણી-રીટા જાની -મણકો -૪


પ્રસન્નતા ફૂટી પર્ણે પર્ણે..
ધરતી તરણું બની પ્રગટે..
કોકિલ કંઠે કલરવ ગુંજે…
સ્મિત ફૂલ બની મહેકે…
મન ભરીને મંજરી મહોરે..
વાસંતી વૈભવ  છલકે..
 પ્રકૃતિ પ્રેમની આ ઝલકે
કોનું મનડું ન મલકે?
આજે પાનખરના અસ્તિત્વને પડકાર છે. કારણ આજની હવામાં વસંતનો અણસાર છે. બરફથી આચ્છાદિત શીત ધરતીને પણ આજે ઉષ્માનું આલિંગન મળ્યું છે. ધરતીના હૈયાની ભીનાશ આજે ક્યાંક મખમલી લીલા ઘાસના હૈયામાં ધબકે છે. પ્રકૃતિનો સ્પર્શ કદાચ ફૂલોના ગાલ પર મુલાયમતાની રંગોળી રચવા આતુર છે. ફૂલોની મહેક ધરતીનું સ્મિત બનીને આવી છે. પંખીઓનું ગીત આજે કાનનું સંગીત છે. આ છે ઋતુરાજ વસંતના આગમનનો દોરદમામ. કાળજાની કોરે, હૈયાના શોરે, જામે છે અદભૂત સંગીત. આવો, આજે આપણે પણ ગાઈએ વસંતનું ગીત. આ છે ઝરણાનું કલકલ ગીત, આ છે હવાઓનું સંગીત.
પણ…વસંતના વાયરાના સથવારે, મનમાં સર્જાય છે, વિચારોના વમળ…આજે ભમરાનો મધુર ગુંજારવ છે. પણ, કેમ મૂરઝાય છે માનવમનનું કમળ?  વિકાસની વાતો વચ્ચે વ્યસ્ત માનવ સુવિધા પામે છે, પણ સુખ ગુમાવે છે. આ સુખ એટલે જીવનનું સંગીત. આ સુખ એટલે વસંતનું ગીત. આ સુખ એટલે પુષ્પનો પમરાટ. આ પુષ્પનો પમરાટ, આ મહેક, આપણે માણીએ તો જ જીવનનો અર્થ, બાકી જીવન રહેશે વ્યર્થ. જેમ દરેક સૂર્યનો ઉદય એ રાત્રિના અંધકાર પર આશાના સૂર્યનું કિરણ છે, તેમ વસંતનું દરેક ગીત પાનખરના પરાજય અને વસંતના વિજયની રણહાક છે. ગમે તેવા કપરા સંજોગો આ વિજયયાત્રાને રોકી શકતા નથી. વર્ષ કદાચ ગમે તે હોય..2019, 2020  કે 2021… સુખ કે સફળતા કેલેન્ડરના પાનાં વચ્ચે કેદ નથી. તેનો સંદેશ એટલે વાસંતી વાયરા. વર્ષો એ તો સમયયાત્રાની પહેચાનના અંકો છે, નહીં કે સમય. સમય તો સમાયો છે રાત અને દિનમાં, ઉદય અને અસ્તમાં…. પછી તે સૂર્ય હોય કે માનવી. સમય અનંત છે. પરંતુ જીવન નહીં. ચાલો સમયને માણી લઈએ..આ ક્ષણ, આ પ્રકૃતિને માણી લઈએ, આ વસંતને વધાવી લઈએ.
પણ, વસંત શું છે? વસંત છે કુદરતનો માનવને પોકાર. માનવ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ ભરી રહ્યો છે. આ હરણફાળ કંઈ એક દિવસનું પરિણામ નથી.  જ્યારથી માનવ સુસંસ્કૃત થયો ત્યારથી સફળતાની આ સીડીનું આરોહણ કરતો રહ્યો છે. આ સફળતા તેણે કુદરતી સાધનોનું દોહન કરીને મેળવી છે. પરંતુ જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિના પગરણ મંડાયા ત્યારથી ઝડપ વધતી ચાલી. કુદરતી સંપત્તિનું દોહન એ જાણે કે માનવનો એકાધિકાર હોય તેમ હવે તો કુદરતી સંપત્તિનું શોષણ થઈ રહ્યું છે. આજે વાયુનું પ્રદૂષણ કહો કે પાણીનું એ માનવીના અવિચારી આચરણનું પરિણામ છે. જે મહાસાગર મોતીઓથી ઉભરાય ત્યાં હવે પ્લાસ્ટિકનું વન અનુભવાય છે. સદીઓથી શીતળતાનો અનુભવ કરતા ધ્રુવ પ્રદેશો, બરફના પહાડો કે હિમનદીઓ જાણે કે અસ્તિત્વનો સંઘર્ષ કરી રહ્યા છે. મંગળયાત્રા એ અત્યારે માનવીની સિદ્ધિની ગાથા છે. પણ ઈચ્છીએ કે એ આપણી પૃથ્વી માટેની વિદાયનું કારણ ન બની જાય. આવી નિરાશામાં સપડાયેલો માનવી ક્યારેક આશાનું કિરણ શોધે છે. આ આશાનું કિરણ તેને કદાચ વસંતના વિજય સંદેશમાં મળે છે. દર વર્ષે કુદરત તેને reminder આપે છે અને કહે છે કે આ સુંદર સૃષ્ટિનો આવિર્ભાવ કર. કુદરતની આ ભાષાનું સંગીત, આ ઊર્મિ ગીત અનુભવાય છે પાંદડે પાંદડે અને પુષ્પે પુષ્પે.  પ્રકૃતિનો આ સંદેશ માત્ર વનસ્પતિ જ આપે છે તેવું નથી. કદાચ આંબાની ડાળે ઝૂલતા કોકિલ કંઠમાંથી ગુંજતું ગીત પણ આ જ કહે છે. હે માનવ, આ પ્રકૃતિ તું માણી લે, જીવનને સજાવી લે, દુર્લભ છે આ માનવ જન્મ તેને સાર્થક કરી લે. આવા સંદેશનો વાહક છે આ વસંત વૈભવ. આવો આ વસંત વૈભવને જાણીએ, માણીએ અને જીવન સંગીતનો ઝંકાર સાંભળી લઈએ.
પરંતુ, લાગે છે કે વસંતનો વૈભવ આઇસીયુમાં છે. ક્યાં છે આશાનું કિરણ? આશાનું કિરણ છે માનવીની સંવેદનશીલતામાં. પણ સંવેદનશીલ માનવીઓ છે ખરા? ધરતી કહેવાય છે બહુરત્ના વસુંધરા. આવા માનવરત્નો આજે પણ અસ્તિત્વમાં છે – ઉદાહરણ તરીકે બે જ નામો બસ થશે – 2021માં જેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા  તે પદ્મશ્રી તુલસી ગૌડા અને પદ્મશ્રી સુંડારામ વર્મા. કર્ણાટકના અંકોલા તાલુકાના હોનાલી ગામમાં રહેતા 72 વર્ષના તુલસી ગૌડાનો જન્મ એકદમ પછાત એવી  જનજાતિમાં થયો હતો. 2 વર્ષની બાળવયે પિતા અને યુવાન વયે પતિને ગુમાવ્યા. તેઓ કોઈ પ્રકારનું પરંપરાગત શિક્ષણ ન હોવા છતાં વૃક્ષો, બીજ અને વનસ્પતિનું અસાધારણ જ્ઞાન ધરાવે છે.  તેમણે 30000થી વધુ વૃક્ષોની રોપણી અને ઉછેર કરી પર્યાવરણ જાળવણીને પોતાનું જીવનકાર્ય બનાવ્યું.  તો રાજસ્થાનની મરુભૂમિને હરિયાળી બનાવવા જેમણે પોતાનું જીવન સમર્પી દીધું અને એ માટે ત્રણ ત્રણ વાર સરકારી નોકરી ઠુકરાવી એ છે ખેડૂત શ્રી.સૂંડારામ વર્મા. તેમણે માત્ર એક લીટર પાણીથી વૃક્ષ ઉછેરી શકાય તે સિદ્ધ કરી બતાવ્યું. અત્યાર સુધીમાં તેમણે 50000થી વધુ વૃક્ષો વાવ્યા છે અને દોઢ લાખ છોડની નર્સરી બનાવી છે.  જો આ જ સંવેદન, આ જ સ્પંદન, આ જ ધબકાર દરેક દિલમાં ઊઠે તો વસંતનું વરદાન ચિરંજીવ છે…વાસંતી વૈભવ ચિરંજીવ છે ..
રીટા જાની

મિત્રો વાંચવાનો સમય ન હોય તો આ વિડીયો સાંભળ જો 

સ્પંદન -2


રૂપ એનું સમજાય ના,
સૂર એનો કળાય ના,
પાર પણ તો પમાય ના,
ક્યાં મ્હોરે, ક્યાં ઝીલાય,
આ તો ઝાકળભર્યું ફૂલ
સ્પંદન એના રોમે રોમ.

2020 હોય કે 2021…સમય સરતો રહે છે. એ સમાન રીતે સરે છે તેથી જ કદાચ તેને સંસાર કહે છે. વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચી જઈએ પણ બે વસ્તુ અફર છે. આપણી આજ અને ગઈ કાલ. આ આજ અને ગઈ કાલ વચ્ચેનો ભેદ એ હકીકતે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો ભેદ છે. કાલ અને આજ વચ્ચે સમય સરે છે …પૃથ્વી સરે છે …સૂર્ય અને ચંદ્ર સરે છે…ગ્રહો નક્ષત્રો અને સમગ્ર બ્રહ્માંડ સરે છે અને તેની વચ્ચે આપણું અસ્તિત્વ પણ સરે છે … ગઈ કાલ આજ અને આવતી કાલ…ભૂત , વર્તમાન અને ભવિષ્ય. આ અસ્તિત્વની લડાઈ લડી રહેલો માણસ સુખ શોધે છે. તેને જોઈએ છે સુખનું સાતત્ય. પણ સુખનું સાતત્ય શેમાં છે? ભૌતિક વિજ્ઞાન માને છે કે જે દેખાય અને અનુભવાય તે સત્ય છે. બુદ્ધિ કહો કે તર્ક, સુખની આ દોડમાં ક્યાંક તન તો ક્યાંક મન સંકળાયેલા છે. ભૌતિક સગવડો સુખનો એહસાસ ઉભો કરી શકે છે, પણ તે અનંત નથી. ભૌતિક યાત્રાનો અંત છે, પણ મનોયાત્રાનો અંત નથી. 2 G થી 5 G સુધી પહોંચેલી દુનિયા પણ જો G થી H ની ભાષા સમજી શકે તો કદાચ સુખનો સોનાનો સૂર્ય ઉગી શકે. H એટલે Human Heart ની ભાષા – હૃદયની ભાષા જે વિવિધ ખંડોમાં વહેંચાયેલા વિશ્વને અખંડતાનો અહેસાસ કરાવી શકે. આ ભાષા એટલે સ્પંદન – સ્પંદન એટલે દિલથી દિલની ભાષા – કંપન ખરું પણ ધ્રુજારી નહીં. અનુભૂતિ અને સહાનુભૂતિએ એના મૂળભૂત તત્વો .

સ્પંદનો જગાવનાર પ્રકૃતિને તો કોઈ કઈ રીતે ભૂલી જ શકે? ગ્રીષ્મ ઋતુમાં પણ કોયલનો ટહુકો કેવો લાગે એ અનુભૂતિનો વિષય છે, તો વર્ષાના વધામણાં કરતો મોર કળા કરીને મયુરનૃત્ય કરતો હોય તો આપણા સ્પંદનો જાગી ઊઠે છે. ગ્રીષ્મની ગરમીથી તપ્ત થયેલ ધરા પર વર્ષાની ઝરમર જો પ્રકૃતિને પણ પુલકિત કરી દેતી હોય તો માનવ મનની પુલકિત લાગણીઓ પણ જગાવી જ દે છે. આ લાગણી એ હૃદયના સ્ફુરણ છે, સ્પંદન છે. ઋતુઓનું વર્ણન થાય અને ઋતુરાજ વસંતને યાદ ના કરીએ તો કેમ ચાલે ? વસંતના વાયરા લઈ આવે છે પ્રણય કહાણીઓ. વાસંતી વૈભવને માણવામાં માત્ર માનવી જ નથી હોતો પણ પક્ષીઓ , મધમાખીઓ અને ભમરાઓનો પણ ગુંજારવ કાને પડતાં જ માનવીના સ્પંદનો સજીવ થઈ ઊઠે છે. પ્રકૃતિ અને માનવ સ્પંદનો એ એક જ સિક્કાની બે બાજુઓ છે.

પ્રકૃતિની પ્રેરણાના પ્રસાદ તરીકે જાગી ઊઠેલાં માનવસ્પંદનોનો એક બીજો આયામ એટલે માનવીય સંબંધો અને માનવીય ભૂમિકા પરના સંબંધો. સ્પંદનોની આ માનવીય ભૂમિકા શરૂ થાય છે બાળપણથી. બાળક તરીકેની સ્મૃતિઓ આપણા હૃદયમાં કેટલાં સ્પંદનો જગાવે છે. બાળપણના મિત્રો અને તેની યાદો કંઈ કેટલાયે દિલોમાં સ્પંદનો જગાવે છે. ‘વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની’ સાંભળતાં જ કંઈ કેટલી યે આંખોમાંથી શ્રાવણ ભાદરવાના આંસુ વહે તે માનવ મનના સ્પંદનોનો જ ચમત્કાર છે.

સ્પંદનોની આ કથા માત્ર બાળપણ પૂરતી જ સીમિત નથી. કદાચ મુગ્ધાવસ્થામાં કે યુવાવસ્થામાં પણ સ્પંદનોની આ દુનિયા કંઈ કેટલીયે કોડભરી કન્યાઓની કહાણી કહેતી હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ પ્રેમકથાઓ સ્પંદનો વિનાની હોતી નથી…હોઈ શકે પણ નહિ. પ્રેમ એ પણ એક સ્પંદન જ છે. પ્રેમ એ કદાચ માત્ર ઉમર પર આધારિત હોય તેવું જરૂરી નથી. પ્રેમ એવું તત્વ છે જે કદાચ વ્યક્તિના મનમાં ડોકિયું કરતું હોય છે. તેથી જ પ્રેમી કે પ્રેમિકા એક બીજા માટે સમર્પિત હોય છે, એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. સમાજ કે તેના રીતરિવાજો પણ તેને રોકી શકતા નથી. પ્રેમીઓ માટે હર મોસમ એક વસંત હોય છે, હર ઘડી એક અગ્નિ પરીક્ષા. ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબ સાથે આપણે પણ પોકારી ઉઠીએ કે – “યે વો આતિશ હૈ જો લગાયે ન લગે ઔર બુઝાયે ના બને”. દરેક પ્રેમી માટે પ્રેમ એવું શક્તિશાળી સ્પંદન છે કે તે કંઈ પણ કરવા તૈયાર થાય છે. તેને માટે દરેક પળ – “એક આગ કા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ”- ની યાદ અપાવતી હોય છે. ક્યારેક આવી રસપ્રદ પ્રેમકથાઓ પણ સ્પંદનથી જ શરૂ થઈ હોય છે. હીર રાંઝા કહો કે શિરિં ફરહાદ – તેમની પ્રેમની મજબૂતી એટલે જ સ્પંદન. પરંતુ માત્ર આ પ્રકારનો પ્રેમ જ સ્પંદન છે તેમ નથી.

મિત્રતા કે દોસ્તી એ પણ સ્પંદનની દુનિયામાં જ વસે છે. મિત્રની વાત થાય એટલે તરત જ યાદ આવે કૃષ્ણ અને સુદામા. એક દ્વારિકાધીશ અને બીજા અકિંચન બ્રાહ્મણ. પણ કૃષ્ણ સુદામાને જોઈ દોટ મૂકે છે અને સુદામાના તાંદુલ ખાય છે, એ વાત સાક્ષી પુરે છે કે મિત્રતાનું સ્પંદન પણ ક્યારેક દ્વારકાધીશના દિલને પણ સ્પંદિત કરી શકે છે. દોસ્તીની વાત આવતાં જ વર્ષો પહેલાંની ફિલ્મ દોસ્તી યાદ આવે છે. તેની વાર્તા પ્રમાણે એક દોસ્ત આંખે જોઈ શકતો નથી તો બીજો પગની તકલીફને લઇને ચાલી શકતો નથી. ગરીબી અને શારીરિક અશક્તિથી લડી રહેલા બંને દોસ્ત સંગીતના સહારે એકબીજાને મદદ રૂપ થાય છે અને પ્રગતિનો એક જુદો જ અધ્યાય શરૂ થાય છે. પણ સંગીતના સૂરની સાથે જ એક અદ્રશ્ય સંગીત રજૂ થાય છે તે છે દોસ્તીનું સ્પંદન. આ સ્પંદન આપણા દિલમાં પણ સ્પંદન જગાવે છે.

હૃદયનું સ્પંદન એ જ કદાચ ભક્ત અને ભગવાનના સંબંધોનું રહસ્ય પણ છે. ભક્તિ એ પણ સ્પંદન જ છે. ક્રૌંચ પક્ષીને વાગેલા તીરની વેદનાથી જ વાલ્મિકી રામાયણનો પ્રારંભ થાય છે, તો રામ શબરીના બોર ખાય છે તે પણ ભક્તિનું સ્પંદન જ છે ને? ભક્તિની શક્તિ પણ માનવ હૃદયના સ્પંદનથી પ્રેરિત છે.

પુષ્પોનો પમરાટ એટલે સ્પંદન , હ્રુદયનો ધબકાર એટલે સ્પંદન , પ્રેરણાનું પાવન ઝરણું એટલે સ્પંદન , માનવ સંબંધોની સરગમ એટલે સ્પંદન , જીવથી શિવ સુધીની યાત્રા એટલે સ્પંદન , લેખકની લેખિનીનું સામર્થ્ય એટલે સ્પંદન અને આવા સમર્થ સાહિત્યના સર્જનથી વાચકના મનના સંવેદન સુધીની આજની મારી યાત્રા એ પણ સ્પંદન…
માણો આજનો મારો…તમારો… સુંદર સંવાદ…
ના..ના…સ્પંદન.

રીટા જાની

૧-“સ્પંદન”- રીટા જાની

મિત્રો સ્પંદનની કોઈ ભાષા હોય ખરી ? અહેસાસ પછીના સ્પંદન થકી શબ્દો સર્જાય કારણ કે દરેક સ્પંદનમાં વિશિષ્ટ ઊર્જા છે ! દરેક સર્જક આવા સ્પંદન થકી પોતાના શબ્દો સર્જતો હોય છે એ ‘શબ્દ’ વાંચનારના મન, બુદ્ધિ અને ચિત્તને સ્પર્શીને અનોખા પ્રકારનું સ્પંદન જગાવે છે. મિત્રો રીટાબેન એમની નવી શ્રેણીમાં એમણે અનુભવેલી સંવેદનાને શબ્દ સ્વરૂપ આપી લઈ આવ્યા છે. આપણે તો માત્ર શબ્દમાં રહેલા ભાવને પામવાના છે. આપણે એમના શબ્દો દ્વારા  મર્મને, એમની ઉક્તિના હાર્દને પામવા છે. હદયમાંથી જે શબ્દ આવે છે, એનો ભાવ ન્યારો હોય છે, કેમ કે એ ‘શબ્દ’ વાંચનારના મન, બુદ્ધિ અને ચિત્તને સ્પર્શીને અનોખા પ્રકારનું સ્પંદન જગાવે છે. કહેવાય છે કે “સર્જન કોઈ ખાસ પળે નથી થતું પણ જે પળે સર્જન થાય એ પળ જ ખાસ બની જાય છે ” આજ રીતે રીટાબેને કહે છે કે હું … કેવી રીતે લખીશ – એ વિષે બહુ વિચાર્યું નથી. મારા અંતરના સ્પંદનોનું શબ્દોમાં હું આલેખન કરતી રહીશ . તમે માત્ર વધાવજો .હું વધુ કહું અને તમે વાંચો એના કરતા આવતા શુક્રવાર સુધી રાહ જુઓ. મને ખાતરી છે તમને આ શ્રેણી ગમશે. 


આ જુુઓ, લેખિકા શું કહે છે ?

મિત્રો, મારા શબ્દો અહીં  સ્ફુર્યા છે સ્પંદન થકી. આ શ્રેણી એ મેઘધનુષ છે. તેમાં ઘણા બધા રંગોનો સરવાળો પણ છે અને ગુણાકાર પણ. સ્પંદન એ જ્ઞાન નથી,અનુભવ છે; દિમાગ નહી, પણ દિલની ભાષા છે. ચિત્રકાર, ગીતકાર અને સંગીતકાર કે ગાયકની સફળતાનું રહસ્ય પણ સ્પંદન જ છે. લેખક અને વાચકના સંબંધનો સેતુ પણ સ્પંદન જ છે . મોનાલિસાના રહસ્યમય સ્મિતને જોતાં જોતાં આપણી આંખોના ચમકારમાં કોઈ સ્મિત સર્જાય  તો એ પણ એક સ્પંદન. છે.  રાધાકૃષ્ણની મૂર્તિ જોતાં જો તમને કોઈ વેણુનાદ સંભળાય તો તે પણ સ્પંદન, સોનેરી શમણાંની વાતો જો તમને ક્યારેક ખળ ખળ વહેતા ઝરણામાં સંભળાય તો તે પણ સ્પંદન. માનવ ખુદ એક સ્પંદન છે – સમયનું – કુદરતનું – ઈશ્વરનું. તો આવા સ્પંદનોની રસગાથા મારી સ્વરચિત કાવ્ય પંક્તિઓ સાથે લઈને હું આવું છું…


અહેસાસ છે ત્યાં સ્પંદન છે, 

સ્પદંન મને સાંધે મારા શબ્દ સાથે.

કાળા અક્ષર કાગળ ઉપર

એકાદ લસરકો ઉજાસનો આંકી શકું જો હું,

તો ઊઘડે રસ્તો કદાચ.મારો, તમારો, આપણો. 

અહેસાસ સ્પર્શની એક ભાષા છે. જે સ્પર્શી જાય તે સ્પંદન જગાડે. પ્રેમના સ્પંદન, વહાલના સ્પંદન,સાંત્વનના સ્પંદન, મિલનના , આનંદના સ્પંદન,  ગાલ પર થયેલ, ગાલને લાલ કરી દે તેવા સ્પંદન! કેટકેટલું કહી શકે સ્પંદન તેની ભાષામાં ! તમને ખબર છે… અંતરથી નજીક કોઈ વ્યક્તિએ સ્પર્શ કરેલ વસ્તુનો સ્પર્શ પણ અનેક સ્પંદન જગાવી  શકે….મિત્રો આ જ વાત હવે પછીની શ્રેણીમાં લઈને આવી છું. મને જે વાત સ્પર્શી છે, જેનો અહેસાસ મને થયો છે તે મારા સ્પંદનો મારે મારા શબ્દો થકી વહેંચવા છે.

મારી મુનશી લેખમાળાને અને મારા પ્રથમ પ્રયત્નને તમે વખાણ્યો છે, તો આ શ્રેણી દ્વારા હું તમારામાં જરૂર સ્પંદન જગાડીશ.

રીટા જાની

—-