તરૂએ કૂંપળ ફૂટે
ઉરના બંધ તૂટે
કલ્પનાઓ મેઘધનુ રચે
ગુલ શમણાંના સજે
ચિંતન કદી ન થંભે
ભીતર રોજ ઢંઢોળે
શબ્દનો મર્મ પરખે
કલમ ઠાઠથી નવાજે
ઉર્મિઓ અંતરે ઉછળે
સ્પંદન ઝીલાય શબ્દે.
સ્પંદન ક્યારે સર્જાય? સ્પંદન સર્જાય ત્યારે, જ્યારે દિલનો ઉમંગ અને મનનો તરંગ શબ્દની પાંખે ઉડી સાહિત્ય ગગનમાં વિહરે. ઉરની લાગણીઓના બંધ તૂટે અને કલ્પનાના મેઘ ધનુષમાં નિખરે વિવિધ રંગો. આ રંગો દર સપ્તાહે પ્રગટ થયા અને આજે સુવર્ણ જયંતિ સાથે મારા સ્પંદનની વિચાર યાત્રા અને સાહિત્યની સ્મરણ યાત્રાના પ્રસંગો યાદ કરતાં લાગે છે કે ઉર્મિઓના અવિરત પ્રવાહે સોનામાં સુગંધ ભળી, શબ્દોનો સાથ અને કલમનો ઠાઠ મળી સર્જાઈ મારી શબ્દયાત્રા. એ જ છે સ્પંદન.
સ્પંદન એટલે શું? વહેલી સવારે આકાશમાં ઉષાના રંગો સાથે ઉદિત થતો સૂર્ય એ સ્પંદન, કળીનું ફૂલ બનીને મહોરવું એ સ્પંદન, તરુવરની ટોચે ફૂટેલી કુમળી કૂંપળ એટલે સ્પંદન, સંબંધનો સેતુ એટલે સ્પંદન, વાચકોના પ્રેમનો પ્રતિસાદ એટલે સ્પંદન, અચેતન વિશ્વ સાથે મનનું સંધાન એટલે સ્પંદન. માતા સરસ્વતીની કૃપાથી શબ્દોનો અર્ઘ્ય સર્જાયો અને થયું ઈશ્વર વંદન. એ જ મારું સ્પંદન. હપ્તે હપ્તે એવી ભાષા સમૃધ્ધિ જેણે વાચકોને રસ તરબોળ કર્યા અને મારા માટે સ્પંદન એટલે વાચકો પ્રત્યે મારા પ્રેમ અને સાહિત્યની સરિતામાં વહેવાની કટિબદ્ધતા. સ્પંદન એટલે જ સુઘડ સ્વચ્છ સાહિત્ય માટે અનુભવેલો ધબકાર…કુછ દિલને કહા.
આજે વર્ષનો અંતિમ દિવસ અને ‘સ્પંદન’ લેખમાળાનો ગોલ્ડન જ્યુબિલિ એટલે કે 50મો મણકો. આજે કોઈ એક વિષય પર નહિ પરંતુ આ લેખમાળા દરમ્યાન મારા અનુભવોની વાત મારા વાચકો સાથે કરવી છે. બેઠકે મને વ્યક્ત થવાની મોકળાશ આપી અને મેં બેઠક પર લેખ લખવાનું શરુ કર્યું. જોત જોતામાં 2 વર્ષના વહાણા વાયા એની ખબર પણ ન પડી. 51લેખની બે લેખમાળા ખૂબ સહજ રીતે અવતરી એનો રાજીપો છે. પ્રજ્ઞાબહેને પરદેશમાં રહી માતૃભાષા માટે એવો દીવો પ્રગટાવ્યો છે, જેનો પ્રકાશ મારા જેવા અનેક લેખકો માટે પથપ્રદર્શક બન્યો છે. મારી લેખમાળાના પાયામાં છે પ્રજ્ઞાબહેનનો મારામાં વિશ્વાસ, સખી જિગીષાબેનનું પ્રોત્સાહન અને મારા જીવનસાથી દિપકનો ખભે ખભા મિલાવી ચાલવાનો સહકાર જેણે મને આ મજલ કાપવાનું બળ પૂરું પાડ્યું. મારા વાચકોના હૂંફાળા સ્નેહની તો શું વાત કરું? તેમના પ્રેમ, લાગણી અને સ્વીકાર મને સતત મળતા રહ્યા છે, જેનાથી હું મારી આ લેખનયાત્રા જાત જાતના પડકારો વચ્ચે પણ અવિરત, વણથંભી ચાલુ રાખી શકી છું.
મારા પ્રિય લેખક કનૈયાલાલ મુનશીના સાહિત્યની રસ સભર 51 લેખની લેખમાળા પૂરી કર્યા બાદ હવે નવા વર્ષે શું વિષય પસંદ કરવો એ મનોમંથન ચાલ્યું. એ સાથે હૃદયના આંદોલનો એટલા તીવ્ર બન્યા કે વિચાર્યું કે હૃદયના આંદોલનોની ડાળે ઝૂલતાં ઝૂલતાં આ જ સ્પંદનોને ઝીલી મારા વાચકો સાથે વહેંચવા. અને શરૂ થઈ સ્પંદન લેખમાળાની આ અવિસ્મરણીય સફર. જેમાં મેં ખુશીના, દુઃખના, પડકારના, સફળતાના, નિષ્ફળતાના….એમ જે જે સ્પંદનો હૃદયે અનુભવ્યા તે ઝીલીને મારા વાચકો સુધી પહોંચાડ્યા.
ઝરણાના માર્ગમાં અનેક ઉબડ ખાબડ પથ્થરો આવે છે, ઋતુના ફેરફારો પણ આવે છે છતાં ઝરણું એ બધાની વચ્ચે પણ માર્ગ કરતું ખળખળ વહે છે. એવું જ મારી આ લેખન યાત્રા દરમ્યાન અનેક પડાવો આવ્યા. કોરોનાકાળના પડકારો, પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થયા, સ્વાસ્થ્યના પ્રશ્નો, સામાજિક જવાબદારીઓ વચ્ચે પણ સ્પંદનનું આ ઝરણું ન સુકાયું ન રોકાયું – એનો પૂરો યશ હું મારા વાચકોને આપીશ જેઓ આવતા હપ્તાની રાહ જોતા તેમનો પ્રેમ તેમના પ્રતિભાવો દ્વારા મોકલી મને પ્રોત્સાહિત કરતાં રહ્યાં.
સ્પંદન એ વેણુનાદ છે જેણે શબ્દને સૂર બનાવી સહુને ઝંકૃત કર્યા. ખુશીની વાત એ બની કે મારાં ધસમસતા સ્પંદનોને વાચકોએ ખૂબ પ્રેમથી ઝીલ્યાં એટલું જ નહિ પણ મારા સ્પંદનોના રંગોથી સુંદર રંગોળી બનાવી હૂંફાળો પ્રતિસાદ આપ્યો. આ પ્રતિસાદ એ જ મારો પુરસ્કાર. મારા વાચકોમાં પણ કેટલી વિવિધતા છે. લગભગ સમાજના દરેક ક્ષેત્ર એમાં ખાસ તો કેળવણીકાર, લેખક, પત્રકાર, ડોકટર, એન્જિનિયર, બીઝનેસમેન, બેન્કર, ગૃહિણી અને વિદ્યાર્થીથી લઇ નિવૃત્ત લોકોએ પણ મારા સ્પંદનને ભરપૂર પ્રેમથી આવકાર્યું છે. અહીં કદાચ હું ઈચ્છું તો પણ એ તમામના નામ લેવા શક્ય નથી પણ હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું.
અંતે, સૌના ઋણ સ્વીકાર સાથે સ્પંદનના વાચકોને નવ વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષે નવા જોમ, નવા થનગનાટ, નવા તરવરાટ અને નવા વિષય સાથે જીવનને ઉજવવા ફરી મળીશું.
રીટા જાની
31/12/2021