Category Archives: સહિયારુંસર્જન
મનવા કરી લે તું પ્રેમ-ઇન્દુ શાહ
કરી લે તું પ્રેમ
મનવા કરી લે તું પ્રેમ
વનવગડાના ફૂલડાઓમાં
વસંતની મહેકતી મહેક
ભરીને કરી લે તું પ્રેમ
મનવા કરી લે તું પ્રેમ
ખળખળ વહેતા ઝરણા
તનના તાનપુરાની સાથ
ડુંગર ખીણની વનરાજીના
ધ્યાન ધરીને કરી લે તું પ્રેમ
મનવા કરી લે તું પ્રેમ
સૃષ્ટિ સૌન્દર્ય અદભૂત
રચનાર પરમ પરમેશ્વરને
યાદ કરીને કરી લે તું પ્રેમ
પ્રભુને કરી લે તું પ્રેમ
મનવા કરી લે તું પ્રેમ
આખુ કાવ્ય વાંચવા
ઇન્દુ શાહ
Thanks for visit

સંતાકૂકડી-કલ્પના રઘુ
સંતાકૂકડી
એક ધૂંધળીસી આકૃતિ, મુજ માનસપટ પર છવાઇ રહે,
એ તુજ છે, એ તુજ છે.
પળપળ હર ક્ષણ, સંતાકૂકડી ખેલતી રહે,
એ તુજ છે, એ તુજ છે.
ક્યારેક વિરહ ક્યારેક મિલન, ક્યારેક રડાવે ક્યારેક હસાવે,
એ તુજ છે, એ તુજ છે.
જાગતા દિસે કે સૂતા, રહે ધ્યાનમાં, બેધ્યાનમાં,
એ તુજ છે, એ તુજ છે.
શ્વાસમાં કે પ્રાણમાં, સાત સૂરોનાં નાદમાં,
એ તુજ છે, એ તુજ છે.
નીચેથી ઉપર, ઉપરથી નીચે, ચક્રભેદન કરી સળવળે,
એ તુજ છે, એ તુજ છે.
કલ્પના રઘુ
પ્રેમ – રોહીત કાપડિયા
પ્રેમ
તેં મને સોના-હીરા-મોતીનાં અલંકારોથી મઢી ન દીધી,
પણ હાં !મારા મુખ પર લાખેણું સ્મિત સદા યે રાખ્યું.
તેં મારા દામનને ફૂલોની વર્ષા કરીને ભરી ન દીધું,
પણ હાં ! કદી યે કાંટો ન ખૂંચે તેનું સદા ધ્યાન રાખ્યું.
તેં મને રાજાની પટરાણી જેવાં એશો-આરામ ન દીધાં,
પણ હાં ! મને ક્યારે ય તેં જરા પણ થાકવા ન દીધી.
તેં મને ચાંદ-તારા લાવી આપવાનું ક્યારે ય ન કહ્યું,
પણ હાં ! જીવન સ્વર્ગીય લાગે તેનો સદા ખ્યાલ રાખ્યો.
તેં મારી છબીને વોલેટમાં રાખવાનું ક્યારે ય ન વિચાર્યું,
પણ હાં ! તારા દિલથી તેં મને ક્યારે ય અળગી ન કરી.
તેં મને ક્યારે ય મોંઢે-મોંઢ ‘આઈ લવ યુ ‘ એવું ન કહ્યું,
પણ હાં ! તારી ખામોશીમાં પ્રેમગીત સદા ગુંજતું રહ્યું.
( જન્મભૂમિ ) રોહીત કાપડિયા
હું જ મારો વેલેન્ટાઇન-કલ્પના રઘુ
હું જ મારો વેલેન્ટાઇન
વસંત પંચમી, જ્ઞાન પંચમી.
પતઝડમાંથી વસંત, જ્ઞાનનો ઉજાસ
ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યુ છે,
‘પરિવર્તન એ સંસારનો નિયમ છે’.
ખુદને બદલો, ખુદીને કરો બુલંદ.
જે નથી તે સ્વીકારો, ના ગમે તેને ગમતુ કરો.
ના ભાવે તેને ભાવતુ કરો અને ના ફાવતાને કાવતુ.
પરિવર્તન સૌને પ્રિય હોય છે, આવકાર્ય હોય છે.
નજર બદલો, દ્રષ્ટિ બદલો, જગત બદલો.
મુરઝાયેલી પતઝડને કરો અલવિદા!
એ ભૂતકાળ છે, ભૂલવા માટે,
ખીલેલો વર્તમાન એટલેજ વસંત.
નિત્ય નવુ નજરાણુ, તેનુ નામ જ વસંત!
સ્વયં પરિવર્તિત થશો તોજ સમાજમાં પરિવર્તન આવશે.
ચોમેર પથરાયેલી વસંત દેખાશે.
બદલાયેલો સમાજ સૌને આવકાર્ય હશે.
નવા પ્રયત્નો, નવા ચહેરા, નવી મહેનત,
નવા ફળ, નવા પરિણામો, નવો નજારો,
બદલાયેલી નજરથી નજારો બદલાશે.
સ્વયં સાથે પ્રકૃતિના રાસની રમઝટ રેલાશે.
અને વસંતની વધામણી થશે.
પ્રકૃતિમાં પતઝડ અને વસંત વર્ષમાં એક વખત આવે છે.
માનવ-જીવનમાં તો દિવસમાં અનેક વાર આવે છે. તો …
શા માટે આ પતઝડને હમેશ માટે વસંતમાં ના ફેરવીએ … ?
આજે હું ઉપર છું,. ધરતી નીચે છે.
ધરતી પર પગ નથી, આસમાનમાં ઉડુ છું.
ડગલા ભરૂ છું પણ ધરા પર નહીં,
ઉડુ છું ગગને પણ પાંખો નથી.
મસ્તીમાં છું, હસ્તીનો અહેસાસ કરૂ છું.
તન ડોલે છે, મન બસમાં નથી …
નવી ચેતના … નવો જોશ …
અંગે અંગે ફૂટે છે દાહ, વેદના, ઝૂરાપો,
એક અતૂટ મિલન ઝંખે છે તુજને,
આકુળ છું, વ્યાકુળ છું, તરવરાટ છે,
ખાલીપો છે, અદમ્ય મૂંઝારો છે.
નથી જીરવાતી આ જુદાઇ.
નસેનસમાં તલસાટ છે, વલવલાટ છે.
એકાકાર થવું છે, આ હ્રદયના ધબકારને.
સમાઇ જવું છે તુજમાં, તુ ક્યાં છું?
સંભળાય છે આહટ તારા આગમનની.
મારા જીવનની વસંત તું જ છુ.
નવી કૂંપળો ફૂટી રહી છે, રોમ રોમમાં.
મિલનની પળોની મીઠી વેદના,
મારૂ મન નથી મારૂ, સોંપવા મથી રહ્યું તને
તુ મારો હું તારી, હવે નથી સહેવાતી આ જુદાઇ.
મારાં જીવનનું આ અદમ્ય પરિવર્તન …
હું હવે હું નથી, તુ હવે તુ નથી!
હું કલ્પી રહી છું આપણુ એ મિલન,
જાણે તપતી ધરતી પર અનરાધર …
એ દાહ, એ વરાળ અને તૃપ્તિનો અહેસાસ …
હવે હું અને તુ જુદા નથી,
એક બની ગયા … શું એજ છે વસંત … ?
મારા વહાલાની બાહોમાં! એનાથી શું વધુ?
હું મહેસુસ કરૂં … શું એજ છે સ્વર્ગ?
હું સલામત છું, એક મીઠી આસ … !
મારા જીવનની બુઝાતી પ્યાસ … !
જીવનની પતઝડની વિદાય … !
મારો વેલેન્ટાઇન મારી પાસ
અને આજે મને લાગે છે, આજે મને લાગે છે,
હું જ મારો વેલેન્ટાઇન ! હું જ મારો વેલેન્ટાઇન !
શિવોહમ્! અહમ્ બ્રહ્માસ્મિ!
કલ્પના રઘુ
નરસિંહ મહેતા-પી, કે, દાવડા
નરસિંહ મહેતા-૧
વિશ્વના બધા ધર્મગ્રંથો, એ સ્થળ અને એ કાળની સંસ્કૃતિ, સમાજ,રીતરિવાજ અને માન્યતા ઉપર રચાયા છે. પરિવર્તનશીલ જગતમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન આવે છે, સમાજ બદલાય છે, અને સમાજના નિતીનિયમો પણ બદલાય છે. તેમછતાં જૂના ધર્મગ્રંથોને આગળ કરી આને વિશ્વભરમાં વિવાદો અને વિખવાદો ચાલે છે. આ વિવાદોને હવા આપવાવાળા વર્ગને આપણે ધર્મગુરૂઓ કહીયે છીયે. હિન્દુ ધર્મની જ વાત કરૂં તો જગદગુરૂ શંકરાચાર્યો, આચાર્યો, સંતો, બાબાઓ અને બાપુઓ અને આવા બીજા અનેક નામધારી લોકો ધર્મગ્રંથો સમજાવવાના બહાને, સમાજમાં અથડામણો ઊભી કરે છે. આવા અતિવિશાળ અનુયાયી ધરાવતા અનેક સંતો છેલ્લા દશ-બાર વરસમાં ઉઘાડા પડી ગયા છે. એક શંકરાચાર્ય ખૂનના આરોપમાં જેલમાં જઈ આવ્યા છે, તો બીજા શંકરાચાર્યની નજર શીરડીના સાંઈબાબા ટ્રસ્ટની આવક ઉપર બગડી છે. એક બાપુ બળાત્કારના આરોપસર જેલમાં છે.ગણત્રી કરવા બેસું તો પાનું ભરાઈ જશે.
આ બધા ધર્માચાર્યો આપણને આપણા ધર્મગ્રંથો સમજાવવા બેઠા છે.કેટલાકે એનું અધ્યતનનામ Art of Living રાખી, કરોડો રૂપિયાની વાર્ષિક ફીની આવક ઊભી કરી છે, તો કેટલાક યોગ શીખવી અને આયુર્વેદિક દવાઓ વેંચી કરોડો રૂપિયાની આવક ઊભી કરી છે. કોઈ વિમાનમાં કે સબમરીનમાં લાખ લાખ રૂપિયા ફી લઈ રામકથા સંભળાવે છે, તો કોઈ ચમત્કારો બતાવી કરોડૉ રૂપિયા કમાય છે. બધા પોતપોતાની સમજ પ્રમાણે ધર્મગ્રંથોનો સાર સમજાવે છે. હવે તો આવા સંતો રાજકારણીઓના હાથા બની, ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોને ફાયદો પહોંચડાનું કામ પણ કરે છે. આવા સમયે મને યાદ આવે છેનરસિંહ મહેતા.
આજથી ૬૦૦ વર્ષ પહેલા, એક અભણ, ગરીબ, નાગર બ્રાહ્મણે,પ્રભુભક્તિમાં રચેલા પદો અને કાવ્યોમાં, સામાન્ય માણસને સમજાય એવા શબ્દોમાં બધા ધર્મગ્રંથોનો સાર આપી દીધો છે. આજે જે વાત હું લખવા બેઠો છું, એ વાત તો એણે બે પંક્તિઓમાં ૫૦૦ વર્ષ પહેલા જ કહી દીધી છે.
“ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;
મનકર્મ વચનથી આપ માહી લહે, સત્ય છે એ જ મને એમ સૂઝે.”
આ ધર્મગ્રંથોમાં કહેલી વાતો ને એના સાચા સવરૂપે સમજાવવાના બદલે, પોતાના મતલબનો અર્થ કરનારાઓએ ગડબડ કરી છે. જેને જે ગમ્યું, તેને જ આગળ કરવાનો પ્રયત્ન કર્યો. સમાજમાં વિવાદ અને વિખવાદ પેદા કર્યા. આનો સરળ ઉપાય બતાવતાં નરસિંહ કહે છે,ખરાદિલથી પોતે જ વિચારે તો એને પોતાને જ સાચું શું છે એ સમજાઈ જશે, કોઈપણ ગુરૂની મદદ વગર.
રામાયણે ભારતમાં રામ જેવા રાજા, લક્ષમણ અને ભરત જેવા ભાઈ,સીતા જેવી પત્ની અને હનુમાન જેવા સેવક કેટલા પેદા કર્યા, એ તો હું નથી જાણતો, પણ રામસેતુનો વિવાદ ઊભો કરી, ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનો ટુંકો જલમાર્ગ રોકી રાખ્યો છે, અને અયોધ્યામાં રામમંદિર બાંધવાની જીદ લઈ, દેશને વિભાજીત કરી દીધો છે. આ ગ્રંથે દેશમાં ગડબડ તો કરી છે.
-પી, કે, દાવડા
*************************************************************
નરસિંહ મહેતા-૨
“જેહના ભાગ્યમાં, જે સમે જે લખ્યું,
તેહને તે સમે, તે જ મળશે.”
નરસિંહ મહેતાની આ વાત અને શ્રી કૃષ્ણે ભગવદગીતામાં કહેલી વાત,
“કર્મણેવ અધિકારસ્તે, મા ફલેષુ કદાચ ન” માં કેટલું સામ્ય છે?મોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાતનો સાચો અર્થ કરતા નથી. આવાલોકો એમ માને છે કે ભગવાને કહ્યું છે કે માત્ર તને કામ કરવાનોઅધિકાર છે, કામનું વળતર મેળવવાનો નહિં. હકીકત આવી નથી. એકદાખલો આપીને સમજાવું. એક ખેડૂત હળ ચલાવે છે, વાવણી કરે છે,કારણ કે આ બન્ને એના હાથની વાત છે. હવે સમયસર વરસાદ નઆવે તો? બિલકુલ જ વરસાદ ન આવે તો? અતિવૃષ્ટીથી પાક ધોવાઈજાય તો? પૂર આવે તો? આમાનું કંઈપણ એના હાથમાં નથી. તો શુંએણે વાવણી ન કરવી?
બસ કૃષ્ણ આ જ વાત કહે છે, તું તારૂં કામ તો કર, અમુક ચીજો તારાહાથમાં નથી, તારો એ ચીજો ઉપર અધિકાર નથી, જે થવાનું હશે એથશે. તું તારૂં કામ કર. નરસિંહ પણ આ જ વાત કહે છે, જેના નશીબમાંજે લખ્યું હશે તે જ એને મળશે. એ તો એક ડગલું આગળ વધીને કહેછે કે જે સમયે મળવાનું હશે ત્યારે જ મળશે. ભગનાવે સમજાવેલીવાતમાં પણ એણે એક વધારે વાત ઉમેરી છે.
અહીં નરસિંહે ભાગ્ય ચમકે એની રાહ જોઈને બેસી રહેવાની વાત નથીકરી, એણે માત્ર એટલું જ કહ્યું છે કે તમે તમારૂં કામ કરો, બદલો થોડોવધારે-ઓછો મળશે, અદાચ વહેલો-મોડો મળશે. કૃષ્ણે તો નરસિંહકરતાં વધારે કડક ભાષામાં કહ્યું છે, તું તારૂં કામ કર, બદલો આપવો કેનહિં એ મારા અધિકારની વાત છે. ભગવાન કરતાં ભક્ત વધારે દયાળુછે.
-પી, કે, દાવડા
*****************************************************************88
નરસિંહ મહેતા-૩
“આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે
તે તણો ખરખરો ફોક કરવો”
નરસિંહ મહેતાની આ વાત બહુ બારિકાઈથી સમજવા જેવી છે. જ્યારે આપણે જાણતા હોઈએ કે અમુક ઘટના અટળ છે, એને આપણે રોકી શકીયે એમ નથી, એ ઘટના અંગેનો નિર્ણય આપણો નથી, અને એ નિર્ણય આપણે ફેરવી શકીયે એમ નથી, તો પછી એનો અફસોસ કરવાથી શું વળશે?
પ્રત્યેક માણસ એક Expiry Date લઈને આ જગતમાં આવે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે “નામ છે, એનો નાશ છે.” તો પછી એ ઘટના બન્યા પછી તેને યાદ કરી લાંબા સમય સુધી વિલાપ કરવો એ કેટલી હદે યોગ્ય છે? તમારામાં જીવ છે ત્યાં સુધી જીવન ચાલતું રહેવાનું છે,તેને કેમ ચલાવવું એની આ વાત છે, બાકીનું જીવન અફસોસ કરવામાં પસાર કરી દેવું, કે કંઇક રચનાત્મક કામ કરવું?
આ જ અર્થવાળી વાત એક ભજનમા પણ નરસિંહ મહેતાએ કહેલી છેઃ
“સુખ દુખ મનમા ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યા તે કોઈના નવ ટળે, રધુનાથના જડીયા”
બીજા ઘણાં કવિયોએ આ જ વાત અલગ અલગ રીતે કહી છે,
“સંસારની આ ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી” અને
“ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સહેજે.”
પણ નરસિંહ મહેતાએ આપણી રોજની બોલીમાં એ સરસ રીતે કહી છે.
-પી. કે. દાવડા
નરસિંહ મહેતા-૪
“હું કરૂં, હું કરૂં એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે”
આપણી આસપાસ એવા ઘણા માણસો મળી આવશે કે જે લોકો બીજાએમહેનત કરીને મેળવેલી સફળતાનો યશ લઈ લેવાની કોશીશ કરે.
“મેં એને એમ કરવાની સલાહ આપેલી, એટલે એને સફળતા મળી.”
અરે ભાઈ તેં એને સલાહ આપવાને બદલે પોતે કેમ પ્રયત્ન ન કર્યો? અનેતેં કેટલાય લોકોને કેટલીયે સલાહ આપી હશે, પણ બીજા કોઈને આવીસફળતા કેમ ન મળી?
શકટ એટલે ગાડું. જેમ ગાડાં નીચે, ગાડાંના છાંયામા ચાલતો કુતરો એમમાને કે આ ગાડાંનો ભાર એના માથે જ છે. હકીકતમાં તો એ ગાડાંનાછાંયડાનો લાભ મેળવતો હોય છે. બળદની મહેનતનો મનોમન યશ લઇલેવાની કોશીશ કરતા કુતરા જેવી વ્યક્તિઓ આપણી આસપાસ પણ મળીઆવસે. સામાન્ય દાખલા આપું તો હાથ નીચેના સ્ટાફની મહેનત અનેઅક્કલ હોશીયારીનો યશ લઈ લેતા અમલદારો, નિષ્ણાતોની સલાહથીકારોબાર ચલાવતા પ્રધાનો અને લોકોના ફંડફાળાથી સંસ્થા ચલાવતાટ્રસ્ટીઓ આ વ્યાખ્યામાં આવી જાય છે.
આજે નરસિંહની વાત કોણ સાંભળે છે? અને સાંભળ્યા સમજ્યા છતાં કોણમાને છે?
-પી. કે. દાવડા
***************************************************************************
નરસિંહ મહેતા-૫
નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે.
અહીં નરસિંહ મહેતા એ એક Matter of fact વાત કહી છે. બધી વાતમાં માણસનું જ ધાર્યું થાય તો જગતમાં કોઈ માણસ દુઃખી જ ન હોય. બધા પોતાની આસપાસના શત્રુઓનો સંહાર કરી અને માત્ર મિત્રો જ પોતાની આસપાસ રાખે. એવી જ રીતે શહેરમાં કૉઈ ગરીબ જ ન હોય, બધાના ઘર રાજમહેલ જેવા હોય.
અફસોસ, હકીકતમાં આવું હોતું નથી. સંસારમાં મિત્રો હોય તો દુશ્મનો પણ હોય, કોઈ ગરીબ હોય તો કોઈ શ્રીમંત હોય. ટુંકમાં આ દુનિયામાં માણસના મનનું ધાર્યું જ થાય એવું નથી. સારા કામોમાં પણ વિઘ્ન આવે.સફળતા શબ્દની સાથે નિષ્ફળતા શબ્દ જોડાયલો હોય છે.
કુદરતી શક્તિઓ ઉપર માણસનું કંઈપણ નિયંત્રણ નથી. વાવાજોડું,વરસાદ, ધરતીકંપ અને આવા અન્ય વિનાશકારી તત્વો સામે માણસ તદ્દ્ન લાચાર છે. અકસ્માત, બિમારી વગેરે સામે સવચેતી રાખી શકાય પણ સદંતર ટાળી ન શકાય.
આમ નરસિંહએ સામાન્ય માણસ પણ સમજી શકે એવી ભાષામાં ઘણી મહત્વની વાતો કહી છે, અને તે પણ બિલકુલ મફત.
-પી. કે. દાવડા
‘બેઠક’-પરસ્પર પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એક જૂથ, અથાગ પ્રયત્ન.
પ્રજ્ઞાબેન અને ‘બેઠક’ ના સર્વે કુટુંબીજનો,
‘બેઠક’ ની દ્વિતીય વર્ષ ગાંઠે આપ સૌને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છા!
‘બેઠક’ સાથેના મારા નાના અમથા સંપર્કમાં મને આપ સૌની અંદર સર્જનાત્મકતા પ્રત્યેનો એક અનેરો ઉત્સાહ અનુભવાયો છે. પરસ્પર અપાતી સતત પ્રેરણા તથા વ્યક્તિગત અને સામુહિક સર્જનાત્મકતાનો એકજૂથ અથાગ પ્રયત્ન ‘બેઠક’ ને પ્રાણવાયુ પૂરો પાડે છે. દરેક વ્યક્તિના ઉરે ઉભરતો એક ઉત્સાહ અને એમને હૈયે કૈંક લખ્યાનો સંતોષ એમના ચહેરા પર એક તેજસ્વી ચમક આપી જાય છે જે મેં નજરે જોયો છે, માણ્યો છે…
‘બેઠક’ના વડીલોના જીવન માં સંધ્યા ટાણે, એક નવા જ ઉજાસે જાગી શકવાનો આનંદ જગાવવો એ ‘બેઠક’ ની એક અમૂલ્ય ઉપલબ્ધિ છે.
ગુજરાતી માં એક નાની વાર્તા, પછી વાર્તાઓનો સમૂહ, એમાંથી પુસ્તક, અને પછી પુસ્તકોની શ્રુંખલા, અને આગળ હવે ગ્રંથ અને ‘મહાગ્રંથ’ સુધીની સફર અને એની સફળતા, એ આપ સૌનું વ્યક્તિગત સાફલ્ય છે.
આપ સૌને અંતરના પરમ આનંદ અને શાંતિથી જ શુભકામના.
પ્રણામ,
હેતલ નીરજ બ્રહ્મભટ્ટ
‘બેઠક’-‘काव्य शास्त्र विनोदेन कालो गच्छति धीमताम’-શ્રી અરુણકુમાર અંજારિયા
મારે સન્નીવેલ કેલીફોર્નીયામાં રેહેવાનું થયું ત્યારે મારા જેવા નીવૃત્તે સમય ક્યાં-કેવી રીતે પસાર કરવાનો રેહેશે તેની મૂંઝવણ હતી પણ ‘બેઠક’ નામની સંસ્થાએ તેની પૂર્તિ કરી.
બે એરિયામાં દાખલારૂપ સાહિત્યિક પ્રવૃત્તિ કરતી ‘બેઠક’ એક ગુજરાતી સામાજિક સંસ્થા, જેમાં ગદ્ય,પદ્ય, નાટક તેમજ વાર્તા વ. બાબતોમાં ગુજરાતી ભાષાકીય કૌશલ્યો કેળવાય અને અહીં યુ.એસ માં વસતાં ગુજરાતી કુટુંબો ગુજરાતી સાહિત્યને માણી શકે તથા પોતાના વિચારો નિબંધ-વાર્તા-નાટ્ય પ્રવૃત્તિ મારફતે વ્યક્ત કરી શકે તેવો તેનો ઉચ્ચ હેતુ પ્રસંશાને પાત્ર છે.
‘काव्य शास्त्र विनोदेन कालो गच्छति धीमताम’ એ ન્યાયે થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ યોજવાના ક્ષેત્રે ‘બેઠક’નું ઉચ્ચ પ્રદાન છે અને રેહેશે તેમાં શંકા નથી. મેં પણ જ્યાં લાગી અહીં રહ્યો ત્યાં સુધી આ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ ખૂબ આનંદ મેળવ્યો છે. બેઠકના સ્થાપક એવાં શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાલાના આયોજાનથી દરમાસે થતી પ્રેરણાદાયી સાહિત્યિક બેઠકો દરેકે માણવાલાયક હોવા ઉપરાંત સામાજિક મેળાવડાનો મંચ પૂરો પાડે છે.
‘બેઠક’ની આ પ્રવૃત્તિઓ ફાલે-ફૂલે તેમજ તેનો લાભ આપણો ગુજરાતી સમાજ લે, તેવી શુભેચ્છા!
- શ્રી અરુણકુમાર અંજારિયા
હકીકત!-શૈલા મુન્શા.
હકીકત!
વાવવાં જો હોય કોઈ સપના તો,
દિલ રાખવું પડે છે મજબુત!
ફસલ પાકશે કે નહિ,
એ બાહેંધરી સપના નહિ,
માનવીની ધગશ આપે છે.
મંઝિલ તો સામે જ છે, બસ!
પગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે!
બેસીને કિનારે, જોતા તમાશો,
જિંદગી આખી વહી જાય છે,
હોય જો હામ, સામે વહેણ તરી જવાય છે!
કરવાં સાકાર સપના, બેસ ના કિનારે,
ભર પગલું પહેલુ, ને સપનુ બનશે હકીકત!
શૈલા મુન્શા. તા ૦૨/૦૫/૨૦૧૬
” મારી માવલડી “-જયવંતી પટેલ
ભરદરિયે ડૂબું ત્યારે બને મારી નાવડી
શું શું સોણલા સજ્યા તેં મમ કાજે
ઉડાડે તું ગગનમાં મને, બની પવનપાવડી
“માં,” શબ્દ જ એટલો વહાલસોયો છે કે ભાવનાના વમળમાં ડૂબવા માંડું છું. માનું અસ્તિત્વ કંઈક અનોખું જ હોય છે.
કંઈ પણ બદલાની આશા ન રાખે તે માં. માં એક જ એવી વ્યક્તિ છે જે વિના સ્વાર્થ ખુલ્લા દિલે તમને એની સોડ્યમાં લઇ લેશે. માને બાળકની ભૂલ કદી દેખાતી નથી. એના હુંફાળા આચલમાં પ્રેમ અને સ્નેહનો મહિમા છુપાયેલો છે. એનું એક સ્મિત કંઈક દુઃખોને હળવું બનાવી ધ્યે છે.રાત રાતના ઉજાગરા એ હસતે મોએ સહન કરી શકે છે. માં, બાળકના દુઃખો જોઈ મધર ટેરેસા બની જાય છે. કોઈ પીડાથી કે બીજા કારણથી તેને સ્તનમાં દૂધ ન આવે તો બાળકને માટે બેબાકળી બની જાય છે. કેટલાયે ઉપચારો કરવા તૈયાર થઇ જાય છે – મારી બાને મારી નાની બહેનનાં જન્મ વખતે કાન અને માથાનો સખત દુઃખાવો રહેતો અને એની અસર તેનાં શરીર પર પડી. તેનાં સ્તનમાંથી દૂધ ઉડી ગયું. નાની બહેન ભૂખી રહેવા લાગી એટલે બહું રડતી. લગભગ એક મહિનો ઉપરથી દૂધ, પાતળું કરી પાવું પડયું હતું. અમે બે મોટી બહેનો ત્યારે ખૂબ મદદ કરતાં અને નાની બહેનને સાચવતા. એ પછી ધીમે ધીમે એમને દૂધ આવતું થયું.
હવે મારી વાત કરું. નાનપણથી અનુભવેલી એ અમીભરી આંખો, એમની લાગણી અને વહાલથી સોડમાં લઇ લેતી બા ક્યારેય ભૂલાતી નથી. બા માંડ બે ચોપડી ભણેલા પણ સ્વપ્ન મોટા રાખતાં. વારે વારે કહેતા કે હું નથી ભણી પણ મારી દીકરીઓને તો ભણાવીશ જ – ગમે તેટલું દુઃખ પડશે પણ મારી ત્રણેય દીકરીઓ ને શાળા અને કોલેજ કરાવીશ. પછી બા રાત્રે મોડે સુધી બેસી સિલાઈ કરતા અને એ પૈસામાંથી અમારા પૂસ્તકો આવતાં અને શાળાની ફી ભરાતી. સાથે બેસી સહુ વાતો કરતાં, ન સમજાય તે બા ધીમે રહી સમજાવતા. કહેતા બેટા, દુનિયાદારી હજુ તને ન સમજાય, વખત જતાં સમજાશે. એ વખતે અમારે અંગ્રેજી પણ શીખવાનું હતું – અંગ્રેજી શબ્દ જલ્દી ન પકડાઈ તો બા બીજા પાસે ખૂબ મહેનત કરી શીખતા અને પછી અમને શીખડાવતા.
એવી અનેક માતાઓ હશે જે પોતાના બાળકો માટે આખી જીંદગી ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે. અમારા જ કુટુંબમાં બે દાખલા એવા છે કે જે બહુ યુવાન વયે વિધવા થયા છે પણ બાળકો ખાતર બીજા લગ્ન નથી કર્યા અને બાળકોને પાંખમાં લઇ બેસી ગયા છે. બીજી તરફ માં જ એવી એક વ્યક્તિ છે જે મોટું મન કરી બધું તેના પેટમાં સમાવી ધ્યે છે નાના હોય ત્યારે નાની ભૂલો અને મોટા થયાં પછી મોટી ભૂલો — કરતાં તો હોઈએ જ છીએ. ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ કે અમૂક રીતે બોલશું કે વર્તશું તો માને કેટલું દુઃખ થશે! બાળપણમાં અજ્ઞાત રીતે અને યુવાનીમાં – જુવાનીના જોશમાં, કંઈક એવા દાખલાઓ હશે કે માને દુઃખ પહોચ્યું હશે. એ જનનીનું ઋણ કઈ રીતે ચૂકવાય ?