૨૧ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

આદ્ય કવિથી માંડીને આધુનિક કવિ અને એમની કવિતાઓ કે ગીતોની લોકપ્રિયતા અસીમ હોય તેમ છતાં દરેક કવિ કે ગીતકારની કોઈ એક રચના જાણે એમનાં નામ સાથે ટ્રેડમાર્કની જેમ જોડાઈ જતી હોય છે. નરસિંહ મહેતાનું નામ યાદ આવે અને ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા’ કે  ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે’ યાદ આવ્યાં વગર રહે ખરાં?  ‘તારી આંખનો અફીણી, તારાં બોલનો બંધાણી’ની સાથે વેણીભાઈ પુરોહિત, ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ની સાથે રમેશ પારેખ, ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ સાથે હરીન્દ્ર દવે કેવા આપોઆપ યાદ આવી જાય છે! કોઈ ડોસીને વહાલથી ડોસા માટે મસાલા ચા કે ગરમ નાસ્તો બનાવતાં જોઈએ તો તરત જ સુરેશ દલાલનું સ્મરણ થાય. ધૃવ ભટ્ટનાં નામ સાથે ‘ઓચિંતુ કોઈ રસ્તે મળે ને ધીમેથી કેમ છે પૂછ્યા’ના ભણકારા અવશ્ય વાગે.

એવી જ રીતે, ‘લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ’ સાંભળીએ કે ‘છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘાં લાવજો’ સાંભળીએ તો અવિનાશ વ્યાસનું નામ આ ગીતો સાથે યાદ આવે જ. એમાં કોઈને પૂછવાનું બાકી રહે જ નહીં.


હવે આ ‘છેલાજી’ ગીત જે રીતે લખાયું છે એમાં ક્યાંય કોઈ અલંકારનો આડંબર નથી અને તેમ છતાં એ કોઈ અલંકાર – આભૂષણથી જરાય ઉતરતી રચના નથી. આ રચના યાદ આવવાનું કારણ પણ એ જ કે પ્રેમ અને પ્રેમમાં મળવાની સાથે છૂટા પડવાની વાત. આ છૂટા પડવાની વાત ક્યારેક વસમી લાગે તો ક્યારેક એ વહાલી પણ લાગે. જ્યારે ઉભયને ખબર નથી કે છૂટા પડીને ફરી ક્યારે મળાશે ત્યારે એ વિરહ વસમો લાગે. પણ જ્યાં ખબર જ છે કે આ તો ઘડી-બે ઘડી છૂટા પડવાની વાત છે ત્યારે એમાં હળવાશની સાથે ફરી મળવાનો ઉમળકો ઉમેરાઈ જાય ને સાથે મનગમતી શરતો પણ ઉમેરાઈ જાય.

કોણ જાણે કેમ પણ ગીતકાર તરીકે અવિનાશ વ્યાસની રચનાઓમાં હંમેશા આ એક ખૂબી રહી છે. ગીત, ગીતના ભાવ, ગીતની હલક સાથે એમાં નિરુપાયેલા હોય એવા જ ભાવ આપણાં મનમાં પણ ઊઠે.

હા, તો વાત કરવી હતી મનગમતી શરતો સાથે ફરી મળવાની. તો જુઓ, અહીં આ ગીતમાં કેવા લાડથી માંગણી રજૂ થઈ છે! જવાનું છે તો જાઓ, પણ આવોને ત્યારે હું કહું એ લેતાં આવવાનું રહી ના જાય.

છેલાજી રે ..

મારે હાટું પાટણથી પટોળાં મોંઘાં લાવજો.
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો.
રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો.

અહીં છેલાજી રે…માં જે લહેકા અને લાડથી પાટણનાં પટોળાની માંગ કરી છે ને એમાં જ છેલાજીને વહેલાં વહેલાં પાછા આવવાનું ઈજન પણ દેખાય. છેલાજીને તો એણે અનન્ય નકશી ધરાવતાં પટોળાં વિશે કહેવામાં કંઈ કચાશ નથી છોડી. એમનેય ખબર છે કે એકાદી ફરમાઇશથી નવલી નારનું મન નથી માનવાનું એટલે એમાં પાછા રૂડા મોરલિયા ચિતરાવવાની વાત પણ ઉમેરી છે.

અમસ્તાય સૌ જાણે છે કે, પાટણનાં પટોળાં તો મોંઘાં જ આવવાનાં અને તેમ છતાં એ ભારપૂર્વક કહે છે કે, મારે હાટું પાટણથી પટોળાં મોંઘાં લાવજો અને એટલેથી ન અટકતાં કહે છે, પાલવ પ્રાણ બિછાવજો. એટલે વળી શું? પટોળું તો મોંઘુ ત્યારે જ બને જ્યારે એનો પાલવ કંઈક અનેરો હોય, એવું પટોળું જે કોઈ કસર વગર સાચે જ દિલથી ખરીદ્યું હોય એવું પટોળું લેતા આવજો.

અરે! જરા થોભો, નાયિકાની મનસા તો હજી આગળ કંઈક વધારે છે. પટોળાનો રંગ રાતો હોય તો એની સાથે કસુંબલ પાલવ તો ખરો જ હોં. આ પટોળાનો રંગ કંઈ અમસ્તો જ રાતો ન હોવો જોઈએ. એમાંય તમારા પ્રેમનો કસુંબલ રંગ ચઢેલો હોવો જોઈએ. લો બોલો, કવિ આટલી હદે કોઈ નારીના મનની ઈચ્છાને કેવી રીતે પારખીને વ્યકત કરી શક્યા હશે!


ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો.

એક વિચાર મનમાં ઝબક્યો કે, આ નમણી નારને એ પણ ખબર છે કે પાટણના મોંઘાં પટોળામાં શોભતી નારી કેવી લાગતી હશે. એ સમયે તો ક્યાં કોઈ બ્યુટી કોન્ટેસ્ટ, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સનો ચીલો ચાલું થયો હતો? પણ હા, ખરી તો નાર એને કહેવાય જે પદમણી-પદ્મિની હોય. તો પછી, કોને એ પદમણી નાર જેવાં દેખાવાનો લોભ ન થાય?

ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખામાં મોંઘાં મોતી મઢાવજો રે.

આપણાં જેવાં સૌનાં મનની વાતને કવિએ એમના શબ્દોમાં વ્યકત કરવામાં જરાય મણા છોડી જ નથીને. હીરે મઢેલા મોંઘા ચૂડલાની જોડ, નથણી, લવિંગિયા અને ઝૂમખામાં મોંઘાં મોતી મઢાવેલાં હોય એવી જોડ એ એની યાદીમાં ઉમેરે છે. હવે આ બધુ પહેરીને એ નીકળે તો ખરી પણ પાછું પિયુનું ધ્યાન કેવી રીતે આકર્ષાશે, એનોય ઉકેલ સૂચવે છે. પહેલાની વહુવારુઓ ઘૂમટો કાઢતી પણ પગમાં રણઝણતી પાયલ પહેરતી એટલે ઘરના મોભીની હાજરીમાં પણ પિયુને એ ક્યાં છે એનો અણસાર મળી રહે. વાહ!

વળી, આ ગીતમાં એક નવો શબ્દ ઉમેરાયો છે – પામરી. આ પામરી શબ્દ પણ કેવો મીઠ્ઠો લાગે છે, નહીં? કોડીલી કન્યા જ્યારે પાનેતર પહેરે ને એની ઉપર પાછી પારદર્શક ચૂંદડી કહો કે ખેસ માથે નાખે, બસ એવી જ રંગ નિતરતી પામરી, એ વળી એક નવો શણગાર.

એવું નથી લાગતું કે જાણે આપણા આ સવાયા ગુજરાતી ગીતકારનાં ગીતો અને પાટણ શહેરનો નાતો સદીઓથી ચાલ્યો આવતો હોય? એમણે તો પાટણ શહેરની સાથે પાટણની નારીનોય મોભો એમનાં ગીતોમાં ટોચના સ્થાને મૂકી દીધો છે.

આ આખાંય ગીતના શબ્દોમાં એક એવો તો સરસ રમતિયાળ લહેકો છે કે એમાં આપણોય પ્રાણ પ્રફુલ્લિત થઈ ઊઠે. સાવ સરળ અને સરસ પણ લાડભરી રીતે કહેવાયેલી માંગ ચિરંતન બનીને રહી છે. આવાં તો એક નહીં, અનેક ગીતો છે જે ચિરકાલીન બની રહ્યાં છે. આવનારા ઘણા લાંબા સમય સુધી એ આવાં જ સદાબહાર રહેવાનાં છે. એ સત્ય તો આજે પણ ડંકાની ચોટ પર જ છે એમ કહી શકાય.

મઝાની વાત તો એ છે કે, મરાઠી ગાયિકા આશા ભોંસલેએ જે સરળતાથી આ ગુજરાતી ગીત ગાયું છે, એના અવાજમાં જે લહેકો છે એમાં તો એ છેલાજીને વહાલથી હુકમ ફરમાવતી નાયિકાનું ચિત્ર નજર સામે તરી આવે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૦ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

કુદરતનો ક્રમ છે આવન-જાવનનો. દિવસ શરૂ થાય અને સૂર્યદેવનાં આગમન સાથે ચંદ્ર વિદાય લે ત્યારે આકાશ કે પૃથ્વીને એનો જુદાગરો લાગતો હશે? પહાડોમાંથી વહી જતાં ઝરણાનું પાણી જોઈને પહાડનું હૃદય આર્દ્ર થતું હશે? પાંદડું ખરે ત્યારે ઝાડને પીડા થતી હશે? કે પછી પંખીને પાંખ આવે અને એ ઊડી જાય ત્યારે વૃક્ષને એનો વિરહ સાલતો હશે? એની તો આપણને કંઈ ખબર નથી હોતી પણ જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જુદી પડે ત્યારે એનો જરૂર જુદાગરો સાલતો જ હોય છે. આ જુદાગરોય પાછો જુદા જુદા પ્રકારનો હોં કે! અને આ સૌ જુદાગરામાં સૌથી વસમો જુદાગરો તો બે પ્રેમીઓનો.

આ પહેલા પ્રણયગીતોને માણ્યા અને પ્રણય હોય ત્યાં મળવાની સાથે જુદા પડવાનુંય આવે એટલે પ્રણયગીતોની જેમ જ આ વિરહ, વિયોગ, વલવલાટને કવિઓએ – ગીતકારોએ એવી રીતે તો શબ્દોમાં ઢાળ્યો છે કે એ વિરહ પણ જાણે મણવા જેવો અનુભવ ના હોય!

તો પછી આપણા લાડીલા ગીતકાર અવિનાશ વ્યાસ એમાંથી બાકાત રહે ખરા? એ તો વળી એવું કહે છે કે ઘણીવાર તો મળવામાં જે મઝા હોય એનાથી વધુ મઝા ઝૂરવામાં છે. પ્રિયતમ સાથે હોય ત્યારે જે પ્રીતનો પરિચય થાય એનાં કરતાંય વધુ એ દૂર થાય ત્યારે સમજાય છે.

પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઈમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગઈમાં

અને એટલે જ એ પ્રિયતમાને કહે છે કે, પ્રિયા તો આવે અને જાય પણ ખરી પણ એની યાદ તો સદાય સ્મરણમાં જ રહેવાની. પ્રિયતમાની હાજરી ઘડીભરનીય હોઈ શકે પણ એની યાદ તો દિલ સાથે સદાય જોડાયેલી… ઘણીવાર જે દેખાય એનાં કરતાં જે ન દેખાય એ વધારે સુંદર હોઈ શકે.

યાદ છે ને આ ગીત?

આવો ને જાઓ તમે ઘડી અહીં, ઘડી તહીં
યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી

આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

હવે  આ ગીતની મઝા જુઓ… એક રીતે જોઈએ તો પ્રિયતમા તો આવે એ જ ગમે પણ ન આવે તો મન તો મનાવવું પડે ને? પાછું મન મનાવવાની રીત પણ કેવી મઝાની?

અવિનાશ વ્યાસ કહે છે કે,

મિલનમાં મજા શું, મજા ઝૂરવામાં
બળીને શમાના, પતંગો થવામાં.

આ પ્રીત છે જ એવી કે એમાં પડેલાને મળવાની સાથે બળવાની મઝાય લેવી હોય છે.

અવિનાશ વ્યાસની બીજી એક રચના યાદ આવે છે. અહીં, પ્રેમીની યાદમાં તડપતી પ્રિયાની લાગણીઓ વ્યક્ત થઈ છે. ગીતકાર કહે છે કે,

સપનામાં આવી તું કેમ સતાવે?
તારી યાદમાં મને નિંદરુ ન આવે.

વળી અહીં ફરિયાદની સાથે મીઠી મૂંઝવણ, મનની અકળામણ પણ છે ખરી..

એ કહે છે કે,

આમ તને જોઈને મને રોષ બહુ આવે, પણ પાંપણ તો પ્રીતનું પાથરણું બિછાવે

મનડાના મંથનમાં કેમ તું મૂંઝાવે, તારી યાદ મારે મને નિંદરું ન આવે.

અવિનાશ વ્યાસની ગીત રચનામાં એવી ખૂબી છે કે, એ પ્રિયતમ હોય કે પ્રિયતમાના ભાવ હોય, એ બંનેના ભાવ સાંગોપાંગ નિરૂપે છે. કેવી રીતે આવા ભાવ એમના મનમાં ઊગતાં હશે?

હવે જ્યારે મિલનની અને વિરહની વાત આવે ત્યારે પ્રેમની દુનિયામાં જેમનું નામ અને સ્થાન અમર છે એવી રાધા-કૃષ્ણની જોડી તો યાદ આવે જ અને રાધા-કૃષ્ણની કોઈપણ વાત તો કવિ, ગીતકાર, લેખકોની કેટલી માનીતી?

અવિનાશ વ્યાસે પણ રાધાના વિરહની વ્યથા અત્યંત ભાવવાહી રીતે શબ્દોમાં ઢાળી છે. રાધા એક એવું નામ કે જેના વગર કૃષ્ણ પણ અધૂરા લાગે. એટલે એવી રાધાને એણે કેમ છોડી, ક્યારે છોડી એ પ્રશ્ન જ આમ જોવા જઈએ તો અસ્થાને છે. સૌ જાણે છે કે ક્યારેય કૃષ્ણ મનથી રાધાથી અળગા રહી શક્યા નહોતા તો રાધાના દરેક શ્વાસની આવન-જાવન પર કૃષ્ણનું નામ હતું જ. સનાતન કાળથી અદેહી જોડાયેલા રહ્યા પરંતુ એ દૈહિક રીતે તો અલગ જ રહ્યાને? પાસે હોવાનાં, નજરની સામે હોવાનાં, જરા હાથ લંબાવીને એને સ્પર્શી લેવાનાં સુખથી તો એ વંચિત જ રહ્યાને?

રાધા-કૃષ્ણનો પ્રેમ જેમ અમર રહ્યો એમ એમના વિરહના સંજોગો પણ કાયમી જ રહ્યા. આવી રાધાની મનોસ્થિતિ, એની વેદના, વ્યાકુળતાને અવિનાશ વ્યાસે શબ્દોમાં અમર કરી છે.

કેમ રે વિસારી ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી

વગડાની વાટે હું વાટડીયું જોતી
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મુકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારી

નિત્ય નિરંતર મુજ અંતરમા
તુજ વાજીંતર બાજે
કહે ને મારા નંદ દુલારા
હૈયું શેને રાજી

તારી માળા જપતી વનમાં
ભમતી આંસુ સારી

રાધાની વિરહ વેદનામાં પ્રેમનગરમાં વિહરતી સૌ પ્રેમિકાને પોતાની જ લાગવાની. જો કે, ઈચ્છીએ કે ભલે શબ્દોમાં આ ભાવ અજબ રીતે ઝીલાતો હોય પણ આવા સંજોગો કોઈના પ્રેમ આડે ન આવે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧૯ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

ગુજરાતી પદ્યનો વ્યાપ વિશાળ છે; ગીત, ગઝલ, કાવ્ય, મહાકાવ્ય, હાઈકુ…. વગેરે.

માત્ર સત્તર અક્ષરોમાં જ રચાઈ જતાં હાઈકુથી માંડીને ૧૮ પર્વનાં મહાકાવ્ય મહાભારત સુધી વિસ્તરેલો ગુજરાતી પદ્યનો વિશાળપટ છે. કાવ્યમાં જાણે છંદ, પ્રાસ, અનુપ્રાસનું બંધન છે પણ એવું લાગે કે, ગીતનો ઉદ્ભવ તો કદાચ કોઈક પંખીના કલરવમાંથી, કુદરતના ખોળેથી, વરસતા વરસાદમાંથી, વહેતાં ઝરણાં કે નદીનાં ખળખળ પાણીમાંથી કે લહેરાતા પવનના સરસરાટમાંથી થયો હોઈ શકે. ભાષાની ઉત્પત્તિ લયમાંથી થઈ હોવાનું મનાય છે. લયમાંથી શબ્દ, શબ્દમાંથી ગીત-સંગીત પ્રગટ્યું. ગીત અને ગીતના પ્રકારોનો સંબંધ લય અને ઢાળ સાથે તો હંમેશનો રહ્યો છે. મોટાભાગે લોકભોગ્યની કક્ષાએ ગીતો, લોકગીતોને મૂકી જ શકાય પરંતુ એથી કરીને ગીતકારને કવિ કહી શકાય?

અન્ય માટે તો ઝાઝી જાણકારી નથી પરંતુ એવું કહેવાય છે કે, અવિનાશ વ્યાસને કવિઓએ કવિ માન્યા નથી. કદાચ અવિનાશ વ્યાસ પણ પોતાને ગીતકાર-સંગીતકાર તરીકે જ ઓળખાવતા હશે પણ તેથી શું થયુ? ગીતો તો હૃદયની ભાષા છે અને એ કોઈપણ ઊર્મિશીલ વ્યક્તિનાં હૃદયમાં પાંગરી શકે અને એટલે જ અવિનાશ વ્યાસનાં ગીતોય જાણે શબ્દોમાં મઢેલું સંગીત સાંભળતાં હોઈએ એમ એ આપણાં ભીતરને સ્પર્શ્યા જ છે! એમનાં ગીતોના ભાવો આપણાં મનને ભીંજવે છે, તો ક્યારેક મનની લાગણીઓને રમાડે છે, તો ક્યારેક પ્રણયોન્મત કરી દે છે.

આજે અવિનાશ વ્યાસનાં આવાં પ્રણય ગીતો વિશે વાત કરવી છે.

પ્રેમમાં ચકચૂર બે વ્યક્તિઓ વચ્ચે એક શબ્દ બોલ્યા વગર ક્યારેક આંખના ઈશારે પણ વાત થઈ જાય, તો ક્યારેક એ નજરનું સંધાન જરા અમસ્તુ તૂટે તો ય જાણે ઘણું બધું અધૂરું રહી ગયાનો અહેસાસ થાય.

નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે?


જીવનને આંગણે આવેલી વસંત જાણે અકાળે મૂરઝાઈ ચાલી હોય એમ અજાણતા થઈ ગયેલી ભૂલની સાવ ગળગળા શબ્દોમાં માફી માંગી છે અને કહે છે;


મારી થઈ ગઈ છે ભૂલ મને માફ કરો,

મેં તો આપ્યું છે ફૂલ મને માફ કરો પણ આમ પ્રણયનાં ફૂલ કરમાવીને ચાલ્યા તો ના જાવ.

આમ તો તમે પૂનમની રાત થઈને આવ્યા હતા, જીવન પ્રભાત બનીને આવ્યા હતા તો પછી, એવી તે કઈ ભૂલ થઈ કે વિરહની આગ સળગાવીને ચાલ્યા?

વાત બહુ સાદી છે. નથી એમાં કોઈ ભારેખમ શબ્દપ્રયોગો કે નથી કોઈ અલંકારના આડંબર પણ તેમ છતાં અધૂરી રહી જતી રાત અને એની વાત તો આપણા સુધી પહોંચે જ છે.

તો વળી, નજરોથી થઈ જતી વાતની અધૂરપ ન રહી જાય એટલે ગીતકાર એને જરા જુદા શબ્દોમાં ઢાળીનેય એ જ વાત ફરી રમતી મૂકે છે. મઝાની વાત તો એ છે, આ બંને ગીતો ધીરગંભીર અવાજ ધરાવતા શ્રી મુકેશજીએ ગાયાં છે.

ઘડીક ઘૂંઘટ ઉઠાવો ને ઘડીક મુખ ઢાંકો,
કરો દિલબર જે કરવું હોય તે પણ નજર મારા તરફ રાખો,

નજરને કહી દો કે નિરખે ન એવું નાહકનું દિલ કોઈનું પાગલ બને છે,
અમથી જિગરમાં આંધી ચડે છે ને આંખો બિચારી વાદળ બને છે

મશહૂર છે મહોબ્બત તમારી ને આપ પણ મશહૂર છો
અફસોસ કેવળ એટલો કે તમે પણ દૂર છો.


આ એક ગીતમાં જ બે સાવ અલગ વાત કરી છે અને તેમ છતાં એકમેકની પૂરક પણ એટલી જ છે. સનમને જે કરવું હોય એ કરે પણ નજર તો મારા તરફ જ રાખે. વળી પ્રેમમાંય શરતો કેટલી મઝાની? નજર તો નજર સામે જ હોવી જોઈએ પણ પાછું એવી રીતે નજરસંધાન નહીં કરવાનું કે જેમાં કોઈનું દિલ પાગલપનની હદે પહોંચે.

હવે આવા ગીતો સાંભળીને અવિનાશ વ્યાસ જેવા ગીતકારને કવિઓ કવિ ન માને તો પણ શું ફરક પડે? કદાચ એમના ગીતો કોઈપણ કવિ કરતાં મારા તમારા જેવા, પ્રત્યેક સુગમ સંગીતના ચાહકોનાં દિલનાં તળ સુધી વધુ પહોંચ્યાં છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧૮ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

આ વિશ્વમાં જો કશું પણ શાશ્વત હોય તો એ છે પંચમાહાભૂતનો મૂળ નિયમ. ઈશ્વરસર્જિત ઘટનાઓની રૂખ ક્યારેક બદલાશે પણ આગ,  પાણી, હવા, ધરતી, આકાશ તો શાશ્વત છે અને રહેશે કારણકે એ ઈશ્વરના સર્જન છે. ભાષા માનવનું સર્જન છે એટલે આપણે કહીએ છીએ કે, બાર ગાઉએ બોલી બદલાય. માણસે કહેલી વાતોના સૂર પણ બદલાશે. માનવ સંબંધો બદલાતા આવ્યા છે એટલે એ સંબંધો વિશેની અભિવ્યક્તિ ય બદલાશે. માનવ સંબંધો પર લખાયેલી વાતો કે કાવ્યો પણ કોઈ નવા સ્વરૂપે આપણી સમક્ષ આવશે.  

હા, એક વાત નિશ્ચિત કે જીવન કે સંબંધો વાસ્તવિકતા છે જ્યારે એના વિશે લખાયેલી વાતો કલ્પનાભરી છે. એમાં લાગણીના નવરંગ ઉમેરાયા છે એટલે એને શક્ય હોય એટલી સોહામણી બનાવી શકાય છે.

સોહામણી શબ્દથી યાદ આવ્યું અવિનાશ વ્યાસનુ સદાય કંઠે રમતું પેલું ગીત. અવિનાશ વ્યાસે તો  પોતાના ગીત, ગરબામાં આખેઆખા કુટુંબમેળાને અલગ, અનોખા અંદાજે પરોવી લીધા છે. ક્યાંક ખાટા, ક્યાંક મીઠા તો ક્યાંક તૂરા લાગે એવા સંબંધોને એવી તો સરસ રીતે શબ્દોમાં વણી લીધા છે જાણે એક કન્યાનાં હ્રદયના ભાવોમાંથી જ ક્યાંક ગીતકારનો જન્મ ન થયો હોય!

યાદ છે ને આ ગીત? જાણવા જેવી વાત તો એ છે કે આ ગીત તેમના પત્નીએ પણ ગાયું છે. શબ્દ અને સંગીતની સાથે સ્વર પણ ઘરનો જ હોય એ તો કેવી મઝાની વાત!

મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ.

આ ચાર ચાર ફૂલની અવિનાશ વ્યાસની કલ્પના અત્યંત સરસ રીતે ખીલી છે. સાસરિયા પરત્વેની નારી સંવેદનાને ખૂબીથી વ્યકત કરી છે. સાસુ, સસરા અને નણંદની લાક્ષણિકતા એવી તો સરસ રીતે વ્યક્ત કરી છે કે આ નારીનું સંસારચિત્ર આખું ઉપવન જ ભાસે અને એમાંય રાતરાણીની જેમ મહેંકતા પતિની વાતથી તો જાણે એ અત્યંત મહેંકી ઊઠે.

ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું, જાણે પેલું રાતરાણી ફૂલ

દિવસે ના બોલે એ મોટાના માનમાં, રાતડીએ બોલે બૂલબૂલ

સંસાર માંડતી પરણેતર માટે સાસરિયાની કલ્પનાય સાવ અવનવી હોય. એના સંસારના સંબંધોમાં તો ફૂલોય છે તો સાથે કાંટા પણ છે. પણ અહીં ગીતકારે સંભળાવા કદાચ અઘરા લાગે એવા સંબંધોને પણ કેવા મઝાના શબ્દોથી સોહાવ્યા છે? સસરાજીને મોગરાનાં ફૂલ સાથે સરખાવીને ઘરના ઓરડા જ નહીં ઘરસંસારને પણ મઘમઘમતો કરી દીધો છે. સાસુજીને સૂરજમુખીનાં ફૂલ જેવા કહીને એમની પ્રકૃતિ જાણે સાવ સાચૂકલી વ્યક્ત કરી છે. આખો દિવસ પોતાની મસ્તીમાં મશગૂલ એવી નણદીને ચંપાનાં ફૂલ સાથે સરખાવીને સંસારવાડીને મહેકાવી દીધી છે અને એમાંય સૌથી પ્રિય એવા પતિની વાત એ રીતે કરી છે કે ગીતકારની કલ્પનાને દાદ આપ્યા વગર નહીં જ રહેવાય. આખો દિવસ ક્યાંય ન દેખાતું પેલા રાતરાણીનું ફૂલ રાત પડે કેવું મહેંકી ઊઠે છે? બસ એવી જ રીતે દિવસ આખો માનમાં ને ભારમાં રહેતા પતિદેવ રાત પડે કેવા ખીલી ઊઠે છે? કેવી રોમાંચભરી કલ્પના?

કવિનાં હ્રદયના ખૂણામાં ઋજુતા તો હોવાની અને આવી રચનાઓથી આપણે એ અનુભવી શકીએ છીએ. આ કુમાશ કે ઋજુતાની સાથે એનામાં રહેલી નટખટવૃત્તિનોય ક્યાંક પરિચય થઈ જાય એવી રચનાઓ પણ અવિનાશ વ્યાસે કરી જ છે.

એ આ વિચારને વળી એક નવી અને જરા જુદી રીતે પણ વ્યક્ત કરે છે. સાસરામાં ભલેને સૌ સરસ જ છે પણ એથી શું? આખો દિ કંઈ એમની સાથે થોડો વિતાવાય?

પરણીને સાસરે ગયેલી એ કન્યાને પોતાના પતિને મળવાના કેવા કેવા ઓરતા હોય? આખો દિવસ માનમાંને ભારમાં રહેતા પતિદેવને મળવાની આતુરતાય કેટલી હોય! પણ, ઘરમાં હાજર સાસુ-નણંદથી છાના મળવુંય કેવી રીતે? કદાચ એ ઈચ્છે અને મથે તોય એના પગનું ઝાંઝર તો ચાડી ખાવાનું જ છે. અને પગની પાયલ તો એ નવી નવેલી વધૂના અંગે શોભતું એક ઘરેણું છે. એને કાઢી પણ કેવી રીતે શકાય અને પતિને પામી પણ કેવી રીતે શકાય એની એ મીઠી મૂંઝવણ માટે ગીતકાર પાસે મસ્ત મજાના શબ્દો છે…

છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં

ઝણકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છૂપાય નહીં,

ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં…

અવિનાશ વ્યાસ પાસે જાણે એક જ સિક્કાની એક જ નહીં અનેક બાજુઓ છે. એક વ્યક્તિના અનેક ભાવોની અભિવ્યક્તિ છે. એમની રચનાઓમાં કદાચ મીઠી ફરિયાદો હશે પણ આક્ષેપ નથી. સાવ સહજ રીતે કહેવાઈ જતી મનની વાતો છે.

આપણને એવા સર્જકો ગમે છે જેમની રચના ક્યાંક આપણી લાગણીઓની સાવ નજીક લાગે. જે આપણા મનને, આપણી ભાવનાઓને દર્પણની જેમ ઝીલતી હોય. અવિનાશ વ્યાસની રચનાઓમાં આવી સીધી સાદી નારીના મનની વાત, છલકાતી લાગણીઓ આબાદ ઝીલાતી જોઈ શકાય છે ત્યારે આપોઆપ સમજાઈ જાય છે કે કેમ અવિનાશ વ્યાસ કોઈનાય ઘરનો ઉંબરો વળોટીને એમના ઘર સુધી આટલી સરળતાથી પહોંચી શક્યા છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com


૧૭ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

પરમેશ્વર, પ્રકૃતિ, પ્રણય, પીડા વગેરે વિષયો કવિઓ, ગીતકારો, ગઝલકારોના પ્રિય રહ્યા છે પણ બહુ ઓછા ગીતકાર કે કવિએ પરિવારને સાંકળી લેતી રચનાઓ કરી હશે.  જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી બોટાદકર પછી જો પરિવારની સંવેદનાઓ કોઈએ શબ્દોમાં વણી લીઘી હોય તો એ છે અવિનાશ વ્યાસ.

અવિનાશ વ્યાસે પ્રિયા-પ્રીતમને જ નહીં, પતિ-પત્નીથી માંડીને જાણે આખેઆખા કુટુંબમેળાને, પરિવારના સ્નેહને એમની રચનાઓમાં સાંકળી લીધા છે. નારીની સંવેદનાઓને એમણે આબાદ ઝીલી છે. 

સમય બદલાયો છે. સંવાદિતા કદાચ ખોરવાઈ છે. એવા સમયમાં અવિનાશ વ્યાસની એ રચનાઓ સુખની, સ્નેહની ઝાંખી કરાવે એવી છે. આજે એવી કેટલીક રચનાઓને યાદ કરવી છે.

સુરેશ દલાલ કહેતા કે, “આપણે કોઈપણ  કલાકારને એની સમગ્રતામાં મૂલવવો જોઈએ. પ્રભુલાલ દ્વિવેદી કે રઘુનાથ બ્રહ્મભટ્ટ હોય તો એમની ગીતસૃષ્ટિને નાટ્યકારની સૃષ્ટિ તરીકે જોવી જોઈએ. અવિનાશ વ્યાસ કે નીનુ મઝુમદારની ગીતસૃષ્ટિને સંગીતકારની ગીતસૃષ્ટિ તરીકે જોવી જોઈએ. પ્રજામાં વ્યાપકપણે પહોંચેલા આવા કવિઓને વિવેચકોએ હંમેશા અવગણ્યા છે અને સાવકી આંખે જોયા છે. જ્યારે આપણે કોઈની અવગણના કરીએ છીએ ત્યારે કશુંક આપણે જ ગુમાવીએ છીએ. અવિનાશ વ્યાસનાં ગીતોને આવા સાક્ષરો સાચવે કે ના સાચવે,પ્રજા તો ક્યારનીય એમનાં ગીતોને કંઠમાં સાચવીને બેઠી છે.”

આજે તો સુરેશ દલાલ કે અવિનાશ વ્યાસ બંનેમાંથી કોઈ હયાત નથી પણ સુરેશ દલાલે કહેલી આ વાત આજે પણ એટલી જ સત્ય સાબિત રહી છે.

દરેક સંબંધ એક સમજ આપે છે. આ સંબંધને ઉજાળતી રચનાઓ શાબ્દિક નહીં, પણ હાર્દિક બનીને હૃદયને કે માર્મિક બનીને આપણા મનને સ્પર્શે છે. કહેવાય છે કે કોઈપણ પરિણીતા માટે, એના સંસારમાં છેક સુધી સાચવવામાં અઘરો લાગતો સંબંધ છે સાસુ સાથેનો – નણંદ સાથેનો. પણ જો ભાભી અને નણંદ વચ્ચે સુમેળ હોય તો એક વિશિષ્ટ સંબંધ અને સખી જેવો ભાવ સ્થપાય.

જોકે, આજના સમયમાં તો કોઈપણ યુવતિને વરણાગી થવાનું કહેવાની જરૂર પડે એમ છે જ નહીં પરંતુ જ્યારે ૧૯૪૮ના સમયમાં આ ગીત લખાયું અને ગવાયું હશે ત્યારના સમયની કલ્પના કરીએ તો આ સંબંધ એકદમ સુમધુર ભાસે, કારણકે એ સમયે તો અમથો ય આ સંબંધ સ્ત્રીસહજ ઇર્ષ્યા અને ખટપટથી વગોવાતો આવ્યો હતો. આ ગીતમાં નણંદની મીઠી ટકોર, થોડી સખીભાવની ઝલક ભાભીને જ નહીં, સૌને સાંભળવી ગમે એવી છે.

ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી,

ઓ ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી.

નવી ફેશનની ધૂન બધે લાગી

ઓ ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી….

મઝાની વાત તો એ છે કે, એ સમયના સુખ્યાત સંગીતકાર રોશનજીને ‘ગુણસુંદરી’નું આ ગીત એટલી હદે ગમી ગયું હતું કે, એમણે ત્રણ વર્ષ પછી ૧૯૫૧માં બનેલી ફિલ્મ ‘મલ્હાર’નાં ગીતની ધૂન ‘ભાભી તમે થોડાં થોડાં થાઓ વરણાગી’ પરથી તૈયાર કરી હતી. “ બડે અરમાન સે રખ્ખા હૈ બલમ તેરી કસમ, પ્યાર કી દુનિયામેં યે પહેલા કદમ…” એનો અર્થ એ થયો કે, આપણા જેવા સુજ્ઞ શ્રોતાઓને જ નહીં, ઉચ્ચ કોટીના સંગીતકારોનાં મનને પણ અવિનાશ વ્યાસની રચનાઓ સ્પર્શી જતી.

અવિનાશ વ્યાસે આ સંબંધને વધુ મધુરો બનાવતી સામે વળતી એક ગીત રચના કરી જેમાં ભાભીને વરણાગી અર્થાત સ્ટાઈલિશ બનવા કહેતી નણંદને ભાભી વળતા જવાબમાં કહે છે.

આજ મારી નણદીએ મેણું માર્યું

ભાઈ ખોવાઈ ગયો ભાભીના આવતાં

બોલ્યાં…બોલ્યાં નણંદબા નૈનો નચાવતાં

ઘરમાં બધું થાય મારી ભાભીનું ધાર્યું.. એવું મારી નણદીએ મેણું માર્યું

સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું વહાલભર્યું બહેન કેરું સગપણ હાર્યું

એવું મારી નણદીએ મેણું માર્યું

આગળ કહ્યું તેમ, એ સમય એવો ય નહોતો જેમાં ભાભી-નણંદમાં જરાપણ સખ્ય હોય. એવા સમયમાં આવા નવા અંદાજમાં સંબંધને પ્રસ્થાપિત કરવાની વાતને તો વધાવી જ લેવાની હોય ને?

વળી, કોઈ નણદી એવી પણ હોય જે પરણીને આવેલી ભાભીને નવાં ઘરમાં, સાસરવાસમાં કેવી રીતે રહેવું એ હળવી ટકોરે સમજાવે..

‘મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં..

પ્રેમ કેરા પંથમાં કહ્યાગરો કંથ મળ્યો, હવે સમજુ થઈ રહેજો સંસારમાં

પ્રેમ કેરી મર્યાદા જીરવીને જાણજો

ઊઘાડું માથું રાખી ઘૂંઘટડો તાણજો

બહુ ઘેલાં ન થાશો ભરથારમાં

વર ઘેલાં થોડાં થોડાં ઘર ઘેલાં ઝાઝા

રાખીને રહેજો ભાભી સાસરની માઝા

બહુ શોભે ન ગળપણ કંસારમાં ઓ ભાભી તમે મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં

વાત બહુ જ સીધી સાદી છે પરંતુ એ વાતોને થોડી ટીખળ, થોડી સમજણમાં ઢાળીને કહેવાની રીત અનોખી છે.

ભાભી નણંદની જેમ, અવિનાશ વ્યાસે પરિવારના બીજા એવા અઘરા લાગતા સંબંધોને પણ પોતાની રચનાઓમાં વણી લીધા છે જેની વાત હવે આગળ કરીશું.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧૬ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

સદાબહાર એટલે હંમેશા પ્રફુલ્લ રહેતું, સદા ખીલી રહેતું…

આમ જોવા જઈએ તો આ વાત ફૂલો માટે થતી હોય એમ જ વિચારીએ પરંતુ આપણે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ છીએ સદાબહાર સૂરની એટલે કે અવિનાશ વ્યાસની અવિસ્મરણીય રચનાઓની જે સાંભળતાં આપણે ખુદ પ્રફુલ્લિત થઈ ઊઠીએ છીએ.

કેટલીક વ્યક્તિઓ માટે સમય જતાં લૅજન્ડ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ લોકો લૅજન્ડરી અર્થાત કેવળ દંતકથામાં આવતા પાત્રો તરીકે ચિરસ્થાયી બની જાય છે એમ અવિનાશ વ્યાસ માટે, એમની રચનાઓ માટે સદાબહાર શબ્દ આજે અને ભવિષ્યમાં પણ અંકિત થઈને રહેશે.

આ એક જ શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે અઢળક ગીતો ગુજરાતીઓને, ગુજરાતી ભાષાને આપ્યા છે અને એટલા માટે જ એમના માટે એવું કહેવાય કે, તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે તો જરાય અતિશયોક્તિ નહીં લાગે. એમ લાગે કે જાણે આ કલા તેમનામાં જન્મજાત હશે..

ગયા વખતે આપણે એમણે રચેલાં ‘હુતુતુતુ’ ગીતની વાત કરી હતી. સાવ અચાનક રમતાં રમતાં થઈ ગયેલી. એ રચના પાછળ એમનાં કૌશલ્યનો પાયો તો સાવ નાનપણમાં જ મંડાયો હશે એની આજે વાત કરવી છે.

આ વાત તો આપણે એમને ઓળખતા થયા એ પહેલાંની છે.

તેઓ નાના હતા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તેઓ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ‘પ્રોપ્રાયટરી’ હાઈસ્કૂલમાં ભણતા હતા જે અત્યારે ‘દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’ તરીકે ઓળખાય છે. તેઓ ભણતા હતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓની નોટબુકો એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સરસ હતું. વર્ગશિક્ષકે તે સમયના શાળાના સંચાલક શ્રી દિવાન સાહેબને વર્ગમાં બોલાવ્યા. તેમણે દિવાન સાહેબને તે ગીત વાંચવા માટે નોટ આપી. દિવાન સાહેબે તે ગીત વાંચ્યું. તેઓ તો એટલા બધા ખુશ થઈ ગયા કે, તેમણે તેની પીઠ થાબડીને શાબાશી આપી. ત્યારબાદ, અચાનક જ બોલી ઊઠ્યા : ‘અલ્યા છોકરા! તું તો ગુજરાતનો રવીન્દ્રનાથ થવાનો છે કે શું?’ પરંતુ આ નાનકડા નાગર છોકરાએ જવાબ આપ્યો : ‘ના જી સાહેબ, હું તો ગુજરાતનો અવિનાશ વ્યાસ થવાનો છું!’ – આવો હતો એમનો આત્મવિશ્વાસ અને એક ગુજરાતી તરીકેનું સ્વાભિમાન. આજે વર્ષો પછી પણ તેમના શબ્દો સાચા પડ્યા છે અને તેમના ગીતો અને ગરબા લોકહૃદયમાં ગૂંજી રહ્યા છે.

સાવ નાની ઉંમરે આવી અંતઃસ્ફુરણાં થવી એ જ દર્શાવે છે કે, આગળ જતાં આ છોકરો કેવું કાઠું કાઢશે……

નાનપણથી જ તેમને મળેલા આ વરસા માટે ખાતરીપૂર્વક એમ કહી શકાય કે, એ વારસો માતા મણીબેન તરફથી મળ્યો હશે કારણ કે મણીબેનમાં પણ સંગીત અને સાહિત્યના સંસ્કાર હતા. તેઓ પણ તે સમયમાં ગરબા લખતાં હતાં.

યુવાન અવિનાશ વ્યાસની કારકીર્દિની શરૂઆત મિલમાં નોકરીથી થઈ. એક દિવસ મિલના સમારંભમાં તેમને મિલમજૂરની ભૂમિકા ભજવવાની હતી તેમાં એમણે  એક ગીત ઉપાડ્યું : ‘કોઈ કહેશો ચાંદલિયો શાને થયો…?’ અને શ્રોતાઓએ તે ગીતને ખૂબ જ હર્ષભેર વધાવી લીધું.

અને પછી એમના જીવનનો જાણે પ્રવાહ જ બદલાઈ ગયો. તેમણે મિલની નોકરી છોડી દીધી અને નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા. મુંબઈના આકાશવાણી જ નહીં, ભારતભરના સંગીતના ચાહકોએ તેમના મધુર કંઠ અને અર્થપૂર્ણ સ્વરરચનાને આવકારી લીધી અને પછી તો જે સર્જાયો એને ઈતિહાસ જ કહી શકાય ને?

મઝાની વાત તો એ છે કે, રેડીયો પરથી પ્રસારિત થતાં ગીતોથી માંડીને આજના ડિજિટલ યુગમાં પણ અવિનાશ વ્યાસના ગીતો અણનમ છે.

હવે આગળ વાત કરીશું એવી જ નોખી-અનોખી વિવિધ રચનાઓની.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧૫ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસે ગુજરાતી ફિલ્મજગતમાં પોતાની બહુમુખી પ્રતિભાથી મોટું યોગદાન આપ્યું. એમણે આપેલ યોગદાન બદલ તેઓ સદાય માટે અવિસ્મરણીય બની રહેશે. અવિનાશ વ્યાસ, એક એવું નામ જે ભૂતકાળમાં તો હતું પણ વર્તમાન એને અનુસરશે અને ભવિષ્યકાળમાં પણ દીવાદાંડી જેમ સુગમ સંગીતના ગાયકો અને ચાહકોને માર્ગદર્શન આપશે.


સુરેશ દલાલે અવિનાશ વ્યાસ માટે બહુ સરસ વાત કરી છે કે, વીસમી સદીના ગુજરાતી સુગમ સંગીતના પર્યાય જેવા અવિનાશ વ્યાસ ગુજરાતી પ્રજાના કંઠમાં અને કાનમાં કાયમ માટે વસી રહેલા સંગીતકાર અને ગીતકાર છે. આ જ વાતને સહેજ સમજાય એવી રીતે કહેવી હોય તો કહી શકીએ કે એક અવિનાશમાં બે અવિનાશ છે; સંગીતકાર અવિનાશ અને ગીતકાર અવિનાશ. ક્યારેક એકમેક સાથે મીઠી સ્પર્ધા કરે છે. કોઈકવાર સંગીતકાર આગળ નીકળી જાય છે તો કોઈક વાર ગીતકાર. ક્યારેક સૂર શબ્દને ખેંચે છે તો ક્યારેક શબ્દ સૂરને. સંગીતકાર અવિનાશનાં ફ્લાવરવાઝમાં ગીતકાર અવિનાશના બગીચાનાં કેટલાય ફૂલો લય અને તાલની હવામાં ઝૂલ્યા કરે છે.


આવા ગીતકાર-સંગીતકારનું નામ સદાય અવિસ્મરણીય રહેવાનું જ કારણ કે, એમણે સાવ સરળ લાગતાં અને તેમ છતાં ઘણું કહી જતાં ભાતીગળ ગીતોની રચના કરી છે. આ વાત જરા સમજવી હોય તો આપણાં ઑલ ટાઈમ ફેવરિટ ગીતને યાદ કરવું પડે. વાત છે હૂતુતુતુની.. એક શ્વાસે ગવાતું આ ગીત સાંભળીને કોઈને એમ થાય કે આ તો રમતની વાત છે. પણ રમતની સાવ સરળ લાગતી વાતમાં પણ  કેટલો મોટો ગૂઢાર્થ અવહી છતો થાય છે, નહીં?


હવે આ રચના પણ રમતાં રમતાં જ કેવી રીતે રચાઈ છે, એની વાત પણ રસપ્રદ છે. અને આ વાત માંડે છે અવિનાશ વ્યાસના સુપુત્ર અને ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસ. એ કહે છે કે, ક્યારેક એવું બને કે કેટલીક સ્વર રચનાઓ એવી હોય છે જે કોઈના સૂચનનું  નિમિત્ત બને. એમાં બન્યું એવું કે, જ્યારે ગૌરાંગ વ્યાસ એમના પિતા અવિનાશ વ્યાસના સહાયક સંગીતકાર તરીકે  કામ કરતા હતા એ વખતે, આપણા મહાન ગાયક મન્ના ડે ફિલ્મનાં ગીતો ગાવા આવતા.  મન્ના ડેને એવું હતું કે જેવું રેકોર્ડિંગ પતે એટલે ગૌરાંગ વ્યાસને હાર્મોનિયમ પર બેસાડે અને કહે કે “कुछ नया सुनाओ, कुछ अच्छा सुगम संगीत का गाना सुनाओ!” એટલે ગૌરાંગ વ્યાસ એમના કંપૉઝ કરેલા ગીતો મન્ના ડેને સંભળાવતા અને મન્ના ડેને એ ખૂબ ગમતાં. એમાં એકવાર મન્ના ડેએ એવું કીધું કે “गौरांग, ईतना अच्छा कंपोझिशन करते हो तो हम लोग HMV करते है. “એમાં ભજન, ગઝલ અને  ગીત હોય. એ સમયે ભજન અને ગઝલ તો નક્કી થઈ ગયા પણ ગીત નક્કી કરવાનું બાકી હતું એટલે મન્નાબાબુએ ગૌરાંગ વ્યાસને કહ્યું કે, તું અવિનાશભાઈને કહે કે કોઈ રિધમેટિક સોંગ લખી આપે તો જરા મઝા આવે. ભજન અને ગઝલ તો બરાબર છે.” એટલે ગૌરાંગ વ્યાસે એમના પિતાશ્રી અવિનાશ વ્યાસને કહ્યું કે, એક રમતિયાળ ગીત જોઈએ છે. 

બીજા દિવસે શાંત, સ્વસ્થ મને પડકાર ઝીલનારા અવિનાશ વ્યાસે ગૌરાંગ વ્યાસને બોલાવીને કહ્યું કે, તું રમતિયાળ ગીતની વાત કરતો હતો તો આપણે રમતનું જ ગીત કરીએ અને અવિનાશ વ્યાસે ગૌરાંગ વ્યાસને લાઈન લખી આપી.

હૂ તુ તુ તુ તુ તુ તુ તુ, જામી રમતની ઋતુ
આપ આપો એક મેકના થઈને ભેરુ 
સારુ જગત આખું રમતું આવ્યું છે 
ને રમે છે હૂ તુ તુ તુ …

અને કહ્યું કે આની પર તું કર. ગૌરાંગ વ્યાસ તો હાર્મોનિયમ લઈને બેસી ગયા અને અવિનાશ વ્યાસે જે ટેમ્પોમાં સંભળાવ્યું હતું એ ટેમ્પો એમણે પકડી રાખ્યો. ઢીન ચાક ઢીન ચાક.. અને ગૌરાંગ વ્યાસને મુખડું સૂજ્યુએ અવિનાશ વ્યાસને બોલાવીને સંભળાવ્યું તો એમને પણ મઝા આવી ગઈ અને કહ્યું કે, બહુ સરસ થઈ ગયું છે. થોડું શબ્દોના હિસાબે ગોઠવવું પડે બાકી ટ્યૂન તો સરસ બેસી ગઈ છે. ગૌરાંગ વ્યાસે કીધું કે, ‘ભઈ, સરસ તો થઈ ગયું પણ હવે આગળ શું? અવિનાશ વ્યાસના મનમાં થોડા થોટ્સ હતા એટલે એમણે ગૌરાંગ વ્યાસને કહ્યું કે, ‘તને જે ટ્યૂન સુઝે એ તું ગા અને હું ટ્રાય કરું.’ ગૌરાંગ વ્યાસે એમની રીતે રાગ છેડ્યો. એ રાગ સાંભળીને અવિનાશ વ્યાસે આગળની પંક્તિઓ ઉમેરી. “એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે…આ રીતે અવિનાશ વ્યાસે ત્રણ અંતરા લખ્યા. ગૌરાંગ વ્યાસ ટ્યૂન ગાતા જાય અને અવિનાશ વ્યાસ લખતા જાય અને આવી રીતે આ ગીત લગભગ બે કલાકમાં પુરુ થઈ ગયું.

આ દર્શાવે છે કે ગીતકાર અવિનાશ વ્યાસ મનથી કેટલા સજ્જ હશે કે એમણે ટ્યૂનની સાથે સાથે જ શબ્દોની એટલી ત્વરિત રચના કરી હશે! અથવા એમ પણ કહી શકાય કે, ગીતકાર અવિનાશ વ્યાસનું મન, ચિત્ત હરદમ સંગીતમય જ રહેતું હશે ને? એમની ચેતામાં પણ ચોવીસે કલાક ગીત-સંગીત જ વહેતતાં હશેને?  એ સમયે તો અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ કે મન્ના ડેને  સપનેય ખ્યાલ નહોતો કે, મન્નાબાબુનું રમતિયાળ ગીત માટેનું સૂચન અને સૂચનના આધારે બનેલું એમના ઈજારા સમું આ ગીત અત્યંત પ્રચલિત અને લોકપ્રિય બની જશે. એ પછી આ ગીત મહેન્દ્ર કપૂરે પણ ફિલ્મ ‘સાત કેદી’ માટે ગાયું હતું. એમને ગાવામાં ખૂબ તકલીફ પડી હતી તેમ છતાં એમણે નિભાવી જાણ્યું હતુ.

બીજી એક વાતે મારું ધ્યાન ખેચ્યું કે, પિતા-પુત્રએ એકબીજાની મૈત્રીને સર્જનાત્મક કામોમાં જ ઉત્તમ રીતે વાપરી અને કેવું સુંદર રીતે સંયોજન થયું? સંગીતમાં વિવિધ વિષય સાથે બંને એક બીજાના પૂરક બન્યા. જેનાં ફળ ગુજરાતી પ્રજાને મળ્યાં. એક વાત નક્કી છે કે પરિવાર સાથે કામ કરે તો અનુભવ અને ઉત્સાહ બને સર્જનને વૈવિધ્યસભર બનાવે છે નહિતર હરીફાઈનાં જગતમાં નવી પેઢી માટે તો આટલું સિદ્ધ થવું સહેલું નથી. ગુજરાતીઓ જેટલા બિઝનેસ માટે ઉત્સાહી છે એટલા નિરુત્સાહ પોતાની માતૃભાષામાં સંગીત માટે છે અને આ હકીકત છે.

આ જ કારણે તો આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવુડ સામે સાવ નબળી પડી ગઈ છે. મારે અફસોસ સાથે અને એક ગુજરાતી હોવા છતાં કહેવું પડશે કે, જે ઉત્સાહ મન્ના ડેએ ગૌરાંગની નવી રચના સાંભળવા દેખાડ્યો એ ગુજરાતીઓ ભાષા, સાહિત્ય અને સંગીત પ્રત્યે દેખાડતા નથી. આ બાબતમાં મરાઠીઓ અને બંગાળીઓ ગુજરાતીઓ કરતાં ક્યાંય ચડિયાતા છે. આપણે તેમને આદર્શ બનાવવા જોઈએ. આવું જ વલણ ગુજરાતી સંગીતના પીઢ સંગીતકારે નવી પેઢીને આગળ લાવવા દેખાડવું જોઈએ. જો કે આશિત દેસાઈ અને હેમા દેસાઈએ પણ આવો અભિગમ રાખી તેમના દીકરા આલાપ દેસાઈને અને નવી પેઢીને પ્રોત્સાહન આપી આગળ લાવી રહ્યાં છે. તેઓ પણ અવિનાશ વ્યાસની જેમ જ ગૌરવને પાત્ર બન્યા છે એ પણ અત્રે ઉલ્લેખનીય છે.

મારી વાત અહીં જોર આપીને ફરી ફરી કહીશ કે, આ ગીતના રચયિતા અવિનાશ વ્યાસ કે ગાયક મન્ના ડે હયાત નથી પરંતુ આજે પણ કોઈપણ સુગમ સંગીતનો કાર્યક્ર્મ જાણે અવિનાશ વ્યાસની આ રચના વગર અધૂરો જ છે.

જ્યારે આવી ઘટના બને ત્યારે સહજ એક વિચાર આવે કે,  કોઈપણ ગીત, કાવ્યની રચનાની શૈલી, માત્રાઓ અને છંદ કે ગઝલના રદીફ કે કાફિયાનો અવિનાશ વ્યાસે અભ્યાસ કર્યો હશે?  ત્યારે એક સરસ જવાબ મળ્યો જે અહીં ટાંકુ છું… “આદ્ય કવિઓએ પણ ક્યાં આ બધા અભ્યાસ કર્યા હશે પણ એમની રચનાઓ પરથી જ કદાચ આ કાવ્ય શૈલી, એમાંની માત્રા કે છંદમેળ નિશ્ચિત થયા હશે.”

અવિનાશ વ્યાસ માટે પણ હું એટલું તો ચોક્કસ કહીશ કે એમણે જે રચનાઓ આપી એ એટલી તો આપણા મન, હ્રદય સોંસરવી ઉતરી ગઈ કે એમાં આપણે શૈલી, માત્રા કે છંદમેળનો તાલ શોધ્યા કે મેળવ્યા વગર પણ માણતા જ રહ્યા અને ભવિષ્યમાં પણ માણતા જ રહીશું.  

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com


૧૪ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ એક એવું નામ જેના વિશે, જેમની રચનાઓ વિશે કશું પણ કહેવું હોય તો શબ્દો ખૂટે, પાનાં ઓછાં પડે પણ ક્યારેક અવિનાશ વ્યાસ માટે બે-ચાર વાક્યોમાં પણ ઘણું કહેવાઈ જાય. એ કહેવા માટે અવિનાશ વ્યાસને એમના જ શબ્દ અને સૂરથી ઓળખવા પડે. એમની સૂઝ પારખવી પડે. એમની અભિવ્યક્તિને પામવી પડે.

આવા, એમને પારખી ગયેલા, પામી ગયેલા એક ઉચ્ચ કોટીના ગાયક-સ્વરકારે એમના માટે જે કહ્યું છે એ આજે અહીં ટાંકુ છું.

“આજે આખાય વિશ્વનો વ્યાપ લઈને બેઠેલો છે એ માણસ, જેનાં નામનો કદી નથી નાનો વ્યાસ, જેનું નામ હતું, છે અને રહેશે એ છે અવિનાશ વ્યાસ.” પુરુષોત્તમ ઉપાધ્યાય જેવી વ્યક્તિ અવિનાશ વ્યાસ માટે આ વાક્ય બોલ્યા એ જાણે એક આખા સંદર્ભગ્રંથ જેવું છે.

વા જ એક બીજા ગાયક-સ્વરકાર આશિત દેસાઈએ કહેલી વાત આજે જો પુનરુક્તિ જેવી લાગે તો પણ કહેવાની ઈચ્છા થાય જ છે. એમણે કહ્યું હતું કે, “અવિનાશભાઈ એટલે ગુજરાતી સુગમ સંગીતના ભિષ્મપિતામહ એટલે માતા અને પિતા એમ બંનેનું કામ એમણે સંભાળ્યું. સુગમ સંગીતનો પાયો મજબૂત કરવામાં એમનો ફાળો ખુબ મહત્વનો છે.” અવિનાશ વ્યાસ પોતાની રચનાઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. એમની રચનાઓ કાવ્યત્વથી ભરપૂર તો હતી જ પણ એની સાથે ખૂબ સૂરીલી પણ હતી.

અવિનાશ વ્યાસે સરળ અને મધુરા ગીતો તો આપ્યાં જ છે પણ એ સરળતાની સાથે ક્યારેક સાવ ઓછા વપરાતા એવા શબ્દોને પણ સરસ રીતે એ પોતાનાં ગીતમાં ગૂંથી લેતા. આજે એક એવા જ શબ્દપ્રયોગને યાદ કરવાનું મન થયું છે.

આ એકદમ મસ્તીભર્યું  ગીત ગાયું છે  આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરે…..

આપણે આગળ વાત કરી હતી એમ, અવિનાશ વ્યાસે બીન ગુજરાતી ગાયકો પાસે અનેક ગીતો ગવડાવ્યાં. એમાં આશા ભોંસલેએ તો અનેક ગીતો ગાયા છે. સાથે ઘેઘૂર અવાજ ધરાવતા ગાયક મહેન્દ્ર કપૂરે પણ સાથ આપ્યો છે.

એક પાટણ શહેરની નાર પદમણી, આંખનચાવતી ડાબી ને જમણી

સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય, ભાતીગળ ચૂંદડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય….

એક વાગડ દેશનો બંકો જુવાનીયો, રંગ જાણે એનો લાલ ફાગણીયો

કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વર્તાય,નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય…

સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય, ભાતીગળ ચૂંદડી લહેરાય

ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય….

એક વાગડ દેશનો બંકો જુવાનીયો, રંગ જાણે એનો લાલ ફાગણીયો

કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વર્તાય,નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય…

સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય, ભાતીગળ ચૂંદડી લહેરાય

ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય….

એક વાગડ દેશનો બંકો જુવાનીયો, રંગ જાણે એનો લાલ ફાગણીયો

કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વર્તાય,નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય…

અહીં વાત તો પ્રેમમાં રસ તરબોળ દિલની જ છે પણ ગીતકાર અવિનાશ વ્યાસે ગીતમાં ભાવની સાથે શબ્દોને એવા તો રમતીયાળ રીતે રમતા મૂક્યા છે કે સાંભળીને એ ઝાંઝરનો ઝમકાર કાનને સંભળાવા માંડે. ઝમક ઝમકની જેમ જ ધબક ધબક શબ્દને ભારે લહેકાપૂર્વક એકથી વધારે વાર મૂકીને એ શું પ્રસ્થાપિત કરવા માંગે છે?

આ ઝમક ઝમક કે ધબક ધબક શું છે? આમ તો કાના-માત્રા વગરના શબ્દો જ ને! પણ આ કાના-માત્રા વગરના શબ્દોને અવિનાશ વ્યાસે ગીતમાં એવી રીતે વણી લીધા છે કે, સાંભળતાની સાથે એ નારીનાં હ્રદયના ધબકારા આપણા કાન સોંસરવા ઊતરી દિલ સુધી પહોંચી જાય. આપણા હાથની થાપ આપોઆપ એની સાથે તાલ મેળવી લે.

વળી આ ગીતમાં અંગ, રંગ, ઢંગ જેવા શબ્દોને પણ કેવા અલગ રીતે અજમાવ્યા છે !

રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

બંકડી મૂછો અરે બંકડી પાઘલડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

શબ્દોની જાણે સાતતાળી માંડી ના હોય!

એવું જ બીજું ગીત…..

ચરરર ચરરર મારું ચકડોળ ચાલે, ચાકડચું ચીં ચીં ચાકડચું ચીં ચીં તાલે

હવે આમ તો સામાન્ય રીતે આપણે આ ચરરર કે ચાકડચું ચીં ચીં જેવા શબ્દો ક્યાં અને ક્યારે વાપરીએ છીએ? પણ જ્યારે અવિનાશ વ્યાસ આ ગીત રચે અને પાછું સંગીતે પણ મઢે ત્યારે આવા શબ્દો પણ આપણને ગમતા થઈ જાય. આપણે પણ ગણગણતા થઈ જઈએ અને મઝાની વાત તો એ કે, આ ગીત એમણે મન્ના ડે પાસે ગવડાવ્યું. હવે આ બંગાળી ગાયક માટે આ ગીત ગાવું સાવ સહેલું તો નહીં જ હોય ને? પણ અવિનાશ વ્યાસે એ શક્ય કરી બતાવ્યું અને આજે પણ આ ગીત એટલું જ ગવાય છે.

એવી રીતે  હુતુતુતુ જેવું ગીત હોય અને મન્ના ડે જેવા ગાયકે ગાયું હોય ત્યારે એ એક ઈતિહાસ જ રચે ને? પણ આ ગીતની રચના પાછળનો ઇતિહાસ આપણે આવતા લેખમાં જોઈશું .

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧૩ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

એક સમયને અવિનાશ વ્યાસના જાજરમાન દાયકા તરીકે ઓળખવામાં આવતો હતો અને આજે પણ એ જાજરમાન વારસો સચવાઈ રહ્યો છે જેને આપણે આનંદપૂર્વક અને આદરપૂર્વક માણીએ છીએ. આપણે જેમ સેફ ડિપોઝીટમાં સોનું, ચાંદી અને નગદનારાયણ સાચવીએ છીએ એમ એમનાં ગીતો આપણાં હૃદયમાં સચવાયેલાં રહેશે એવું જો કોઈ કહે તો એમાં જરાય અતિશયોક્તિ નથી. કવિ-ગીતકાર પ્રદીપજીનાં નામથી કોણ અજાણ છે? એવા શ્રી પ્રદીપજી અવિનાશ વ્યાસ માટે કહેતા કે “चाहे कोई मने या न माने पर अविनाशजी का मुकाबला कोई नहीं कर सका। वह अपने आप मे अद्वितीय थे और अद्वितीय रहेंगे। કેટલી સરસ અને સચોટ વાત કરી છે પ્રદીપજીએ? આપણે ગુજરાતીઓની સાથે તો અવિનાશ વ્યાસ એમની રચનાઓથી સતત ગૂંજતા જ રહ્યા છે અને રહેશે પણ ભારતવર્ષના ખ્યાતનામ કવિ જ્યારે એક સવાયા ગુજરાતી અવિનાશ વ્યાસ વિશે આવી શબ્દાંજલિ આપે ત્યારે ગુજરાતી તરીકે જાણે આપણું ગૌરવ વધી જાય.

કવિ પ્રદીપજીએ લખેલું ‘પીંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ” ગીત અવિનાશ વ્યાસે સંગીતબદ્ધ કર્યું હતું. અવિનાશ વ્યાસે પ્રદીપજી ઉપરાંત કમલ જલાલાબાદી, ઇન્દીવર, પ્રેમ ધવન, રાજા મહેંદી જેવા અનેક પ્રતિષ્ઠિત ગીતકારોનાં ગીતોને સંગીતબદ્ધ કર્યાં હતાં. એના પરથી જ આપણને એ કઈ કોટીના સંગીતકાર હશે એ સમજાય છે.

આ ગૌરવની વાત અહીંથી અટકતી નથી. ફિલ્મ સંગીતકાર શ્રવણકુમારે તો એટલે સુધી કહ્યું છે કે, “मैं ऎसा मानता हूं कि जीवन मे दो इन्सान बहुत इम्पोर्टेन्ट हैं, एक जन्मदाता और दूसरे कर्मदाता। जैसे मेरे पिताजी मेरे जन्मदाता है वैसे अविनाशजी मेरे कर्मदाता थे।

અવિનાશ વ્યાસ માટે લતા મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર, સુમન કલ્યાણપુર, ગીતા દત્ત, મન્ના ડે, હેમંત કુમાર, મુકેશ, તલત મહેમુદ, મહેન્દ્ર કપૂર, કિશોર કુમાર જેવા ખ્યાતનામ ગાયકોએ પોતાનો સ્વર આપીને ગૌરવ અનુભવ્યું છે.

મહત્વની કહેવાની વાત એ છે કે આ બધા જ ગાયકો ટોચ પર બિરાજતા હતા ત્યારે પણ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષા માટે એમણે સ્વર આપ્યો છે આનાથી એ સૌનો અવિનાશ વ્યાસ તરફનો આદરભાવ કેવો હશે એ કલ્પના કરી શકાય છે.

સૌથી મહત્વની અને ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ અન્ય ભાષાના કલાકારોએ ભાવથી તરબોળ થઈને આપણા જેવી જ ભાવના આપણી ભાષાનાં ગીતમાં દિલથી પ્રગટ કરી છે. આનો જશ કલાકાર સાથે હું અવિનાશ વ્યાસને આપીશ

આજે એક એવા ગીતની વાત કરવી છે..

હું રંગોળી બની બેઠી’તી એક રંગ હતો ઓછો એમાં
અધૂરી રંગોળી પૂરી થઈ તું રંગ બનીને આવ્યો એમાં
હું મોર બનીને ભમતો’તો કદી ડુંગરામાં કદી વગડામાં,
મારા સૂરના રણકારે તું તો ટહુકાર થઈ આવી એમાં …

૧૯૭૮માં આ ગીત ગવાયું છે અને કદાચ એનાથી પણ પહેલાં લખાયું હશે. એ સમયે નારીને એક સન્માનીય પદે પ્રસ્થાપિત કરવી અને જીવનનૈયાની સ્થિરતાનો યશ આપવો એ કેટલી ઉમદા વાત છે?

૧૯૭૮માં બનેલી આ ફિલ્મ ‘નારી તું નારાયણી’માં અવિનાશ વ્યાસનાં આ ગીતમાં આશા ભોંસલે અને કિશોરકુમારે સ્વર આપ્યો છે. હવે આશા ભોંસલે મરાઠી અને કિશોર કુમાર બંગાળી અને તેમ છતાં ભાષાના અવરોધ વગર આ ગીત ગવાયું છે.

હવે જે વાત કરવી છે ને એ તો અવિનાશ વ્યાસ તરફ આપણું ગૌરવ વધુ ઊંચું જાય એવી છે. કહેવાય છે કે કિશોર કુમાર અત્યંત ધૂની હતા. એમની સાથે, એમની પાસે કામ લેવું અત્યંત અઘરું હતું. એ પોતાના પેમેન્ટ માટે આજના સમયમાં પ્રોફેશનલ કહેવાય એવા હઠાગ્રહી પણ હતા. રેકોર્ડીંગના દિવસે પણ સ્ટુડિયોમાં પહોંચે ત્યારે એમના મેનેજર તરફથી પેમેન્ટ મળ્યાનું ગ્રીન સિગ્નલ મળે પછી જ ગાતા. એકવાર તો પેમેન્ટ મળ્યું નહોતું તો સ્ટુડિયોની લાઈટનો પ્લગ કઢાવીને લાઈટ ઊડી જાય એવી પરિસ્થિતિ સર્જીને ઘેર ભાગી ગયા હતા. હવે આવી  જીદ્દી અને તરંગી વ્યક્તિ પાસે કામ લેવું કેટલું કપરું કહી શકાય અને તેમ છતાં અવિનાશ વ્યાસે આ શક્ય કરી બતાવ્યું.

આવી રીતે મન્ના ડે કે હેમંત કુમાર કે જેમની વાણીમાં, જેમના લોહીમાં બંગાળી ભાષા વહેતી હોય એવા ગાયકો પાસે પણ એમણે ઉમદા કહી શકાય એવાં ગીતો ગવડાવ્યાં. એના લીધે ગુજરાતીઓને ભારતભરના શ્રેષ્ઠ ગાયકોને ગુજરાતી ગીત-ગરબા ગાતાં સાંભળવાનો લ્હાવો મળ્યો. મન્ના ડે કે હેમંત કુમારની જેમ ગીતા દત્ત પણ બંગાળી જ હતાને? તેમ છતાં એમની પાસે પણ અવિનાશ વ્યાસે ખૂબ સુંદર ગીતો ગવડાવ્યા જેમકે ‘તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમવા જાય રે..(ફિલ્મ મંગલફેરા). ‘નૈન ચકચૂર છે’ (મહંમદ રફી – લતા, ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો), ‘પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે (મુકેશ, બિનફિલ્મી)’, ‘પિંજરું તે પિંજરું’ (મન્ના ડે, બિનફિલ્મી) ‘માડી તારું કંકુ ખર્યું’ (આશા ભોંસલે, બિનફિલ્મી),  ‘આવને ઓ મનમાની’ (હેમંતકુમાર, ફિલ્મ: હીરો સલાટ), ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ (કિશોરકુમાર, ફિલ્મ: માબાપ) જેવાં અસંખ્ય ગીતો.. કેટલાં યાદ કરીએ અને કેટલાં ભૂલીએ!  સીધા સાદા ગુજરાતીનાં દિલમાં આ સંગીતની મસ્તી મૂકયાનો જશ કોને આપું?  સલામ છે અવિનાશભાઇને!

અવિનાશ વ્યાસ માટે એટલું તો જરૂર કહી શકાય કે એમણે જે રચનાઓ આપી એ એટલી હદે તો આપણાં હ્રદયમાં, મનમાં સ્થાયી થઈને રહી ગઈ કે કદાચ આપણે એ ગીતોના ગાયક કોણ હતા એ જાણ્યા વગર પણ એને માણ્યાં..અને ભવિષ્યમાં પણ માણતા જ રહીશું. આપણને તો બસ યાદ રહ્યા અવિનાશી સદા બહાર અવિનાશ વ્યાસ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૧૨ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ ગુજરાતી ગીતકાર, સંગીતકાર તરીકે એક એવું મોખરાનું નામ છે જે આજ સુધી સન્માનીય જ રહ્યું છે. અવિનાશ વ્યાસ બધા કરતા નોખા હતા. પોતે જે સંવેદના જીવતા એ લખતા અને સંગીત પણ એ જ સંવેદના સાથે આપતા. એમની રચનાઓમાં એમણે અવનવી, અનોખી, ભૌતિક સંબંધોની લાગણીઓને પણ વાચા આપી છે. એમની રચનાઓમાં સંબંધોને એટલી સરસ રીતે ઉજાળ્યા છે કે દરેક સંબંધની એક અનોખી ભાત આપણાં મન પર ઊપસ્યાં વગર ન રહે.

માનવી એટલે સંવેદના. વ્યક્તિ જન્મે છે ત્યારથી એક પછી એક સંબંધોના, ક્યારેક લોહીના તો ક્યારેક લાગણીના, ગોફથી એકમેક સાથે ગૂંથાતો જાય. આપણા જેટલા સંબંધોના ગોફની ગૂંથણી અવિનાશ વ્યાસે એમનાં ગીતોમાં ગૂંથી છે એટલી એ જમાનામાં કોઈએ નહિ ગુંથી હોય. ખરેખર જોઈએ તો તે જમાનામાં ગુજરાતીઓ પાસે આવા ભાવ પ્રગટ કરવાની ક્યાં વાચા જ હતી!


એ સમયની વાત કરીએ તો ગુજરાતીઓને પ્રેમ કરતા અવિનાશભાઈએ શીખવ્યું કહેવાય અથવા ગુજરાતીઓના પ્રેમને એમણે વાચા આપી. આજે પણ જ્યારે લત્તા મંગેશકર અને મહેન્દ્ર કપૂર પાસે ૧૯૬૦માં એમણે ગવડાવેલું ગીત ‘પાંદડું લીલું ને રંગ રાતો’ સાંભળીએ તો એની મહેંદીના મદમાતા રંગની ઝલક નજર આગળ તરી આવે અને એની ખુશબો જેમ ધ્રાણેંદ્રિયને સ્પર્શીને મનને તરબતર કરી દે એવી જ આ રચના જોઈએ…


નયન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે

૧૯૬૦ના દાયકાનું આ ગીત અને એ સમયના સમાજની કલ્પના કરો. ગુજરાતી એટલે વેપારી પ્રજા એમને પ્રેમ કરતા, પ્રેમની ભાષા બોલતા જાણે અવિનાશભાઈ એ શીખવ્યું . ૬૦ વર્ષ પહેલાની આ ફિલ્મનાં ગીત પર તો આજે પણ આપણા ઘરના વડીલો સાંભળી ઝૂમી ઊઠશે. તેમની જુવાની પાછી આવી જશે અથવા સાંભળતાં જ એમનાં મોઢાં પર સ્મિત ફરકી જાય તો નવાઈ ન પામતા.


ગુજરાતી ગીતોમાં જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે હંમેશા એને અવિનાશ વ્યાસે કંઇક અલગ અંદાજમાં મૂકી છે. હવે એના સંદર્ભમાં એક આ સૌનું મનગમતું ગીત પણ યાદ આવ્યું છે.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે…
.’


આ ગીત વિષેની વાત કરું તો ઘણાને કદાચ આ બહુ ગમતાં ગીતનો અર્થ કે સંદર્ભ ખબર નહિ હોય.. એવું સાંભળ્યું છે, સૌરાષ્ટ્રની જાતિના એક સિંહને પાતળિયા તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ અને પાછળથી ભરાવદાર હોય અને વચ્ચે કમરથી પાતળો હોય. હવે મઝાની વાત તો એ છે કે, જ્યારે એ સમયે બોડીના વી શેપઅંગે ઝાઝી ગતાગમ નહોતી ત્યારે પણ આ લખાય છે. એનો અર્થ કે ગીતકારના મનમાં ભવિષ્યમાં એક સંપૂર્ણ શરીર સૌષ્ઠવ ધરાવતા, સુદ્રઢ બાંધાની ફ્રેમમાં ફીટ થતા જુવાનની કેટલી સુંદર કલ્પના અકાર લેતી હશે?


હવે એક સાહિત્યની દ્રષ્ટિએ અવિનાશ વ્યાસને સમજવા હોય તો આ ગીતની અંદરનો પ્રાસ સમજવો જોઈએ. પાતળીયાનાં

અંગનું રે અંગરખું તમતમતું રે, પગનું  રે પગરખું ચમચમતુ રે,
મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા તને અમથું રે

નાયિકાના મનોભાવોને અવિનાશ વ્યાસે આ શબ્દોમાં કેટલા સિફતથી મૂક્યા છે. આપણે સંગીતની સામે એમનાં કવિત્વને પણ સમજવું પડશે.

કેટલી મોટી વાત બસ સાવ અમથી, અમસ્તી જ હોય એમ રમતી મૂકી દે છે. આ એક શબ્દને લઈએ “અમથું” પણ આ એ સમયે વપરાતી કેવી બોલચાલની ભાષામાં વાત કહેવી એ અવિનાશભાઈ પાસેથી શીખવાં જેવું છે. અમથું શબ્દનો ભાર કેટલો છે? સામાન્ય બોલચાલની વાતો જલ્દી લોકોનાં મોઢે વહેતી થાય છે એ વાતથી અવિનાશ વ્યાસ જાગરૂક છે એ વાત અહીં છતી થાય છે. સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ દસ હજાર જેટલા) રચ્યાં છે.

સમય પ્રમાણે જેમ રૂખ બદલાતી જાય એમ કાવ્ય રચનાઓ, ગીતો પણ બદલાતાં ગયાં. આ તો સમયની માંગ છે. એને તો સ્વીકારીને અવિનાશ આગળ વધ્યા. ગીતોના લય, સૂર, તાલ બદલાયા, એની શબ્દ રચના બધું બદલી એમાં થોડી આધુનિકતા ઉમેરી અને આ આધુનિકતા ગુજરાતી સંગીતમાં લાવ્યાનો જશ હું અવિનાશ વ્યાસને આપીશ. કોઈપણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિધ્ધિ પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા.
એમણે ગુજરાતી સિવાયના ઘણા કલાકારો પાસે કામ કર્યું અને કરાવ્યું તેની વાત આવતા અંકે ..

આજે સાંભળીએ આ મસ્ત મઝાનું ગીત.

http://www.mavjibhai.com/MadhurGeeto/001_taribankire.htm

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com