નેશનલ એવોર્ડ મળેલ હેલ્લારો પીક્ચર જોવા ગયા. થીએટરની બહાર જ “વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ “ પર કચ્છી ચણિયાચોળી પહેરી મારી સખીઓ ગરબા કરતી હતી. ગુજરાતી પીક્ચર જોવા ગયેલા અને થીએટર તો હાઉસફૂલ.બેઠકનાં સૌ મિત્રો તો ખરાજ પણ બેએરિયાની બધીજ સંગીતની અને સાહિત્યની સંસ્થાના આપણા જ આપ્તજનો તેમજ વૈષ્ણવ મંદિરમાં આવતા પ્રિયજનો ,સમજોને આખા થીએટરમાં આપણો ગુજરાતી પરિવાર. જાણે આપણા દેશમાં જ ન આવી ગયા હોય તેવો મહોલ! ગુજરાતી ભાષાનું ,ગુજરાતી નિકટનાં સૌ મિત્રો સાથે સર્વશ્રેષ્ઠ નેશનલ સિનેમા જોતા અને કચ્છ-ખાવડાની ધરતીની વાત માણતા વતનની માટીની સુગંધ ન આવે તો જ નવાઈ?ભલેને આપણે સૌ અમેરિકામાં રહીએ પણ આવું કંઈક જોઈએ એટલે વતન ઝૂરાપો તો થાય જ ને?
હમણાંજ અમેરિકન સિટીઝન થયાં એટલે ભારત જવા માટે વીઝાની એપ્લીકેશન કરી ,ભારત જવા વીઝા લેવાના હતા. એક જોરદાર નિસાસો નંખાઈ ગયો.મારા જ દેશમાં જવા માટે મારે પરવાનગી લેવાની?આંખ જરા ઝળહળાં થઈ ગઈ.ફરી એકવાર “ભૂલું ના એક ક્ષણ તુઝે”વાર્તા લખી હતી તે જ સમયની સંવેદનાએ મનને ઘેરો ઘાલ્યો.
દેશપ્રેમ એક એવી સંવેદના છે કે તે દેશમાંજ હોઈએ તેના કરતાં દેશથી દૂર હોઈએ ત્યારે વધુ અનુભવાય. એટલેજ દેશ કરતાં પણ અમેરિકામાં આપણાં બધાંજ તહેવારો અને પ્રસંગો આપણે વધુ ઉત્સાહથી ઊજવીએ છીએ.
સંવેદનાના પડઘાની સફરમાં આ દેશદાઝને અનુભવતી જુદી જુદી સંવેદનાની રજૂઆત થઈ તેની ચોંટ દૂર દૂર સુધીના અમેરિકાના અને ભારતના લોકોને પણ લાગી. “ભૂલું ના એક ક્ષણ તુઝે” વાર્તાને ખૂબ સુંદરપ્રતિભાવ મળ્યા.
વડીલ સુરેશભાઈ જાનીએ લખ્યું વાત તો સાચી જ છે. દેશમાંથીઅહીં આવી નાગરિક બનતી વખતની આપણી સૌની સંવેદનાને બહુ જ સરસ વાચા આપી.અંગત સંજોગોને કારણે આપણેn દેશ ત્યાગ કરવો પડે, બીજે નાગરિક થવું પડે –એ નિયતિ છે. પણ દિલમાં ઘરેણાંની જેમ સાચવી રાખેલા સંસ્કારોને ન વિસરીએ એ નીતિ છે.નિયતિ અને નીતિ બન્નેનો પૂર્ણપ્રેમથી સ્વીકાર – એ જીવન જીવવાની કળા છે.
તો રાજુલે કીધું,
જિગિષા,આજે પ્રસંગને અનુરૂપ જે વાત લખી છે એ સીધી જ દિલથી અનુભવેલી હોય એવી રીતે આલેખી છે અને એ લગભગ સૌના મનની જ વાત છે.સમય અને સંજોગોના લીધે કે પરિવારની માયામાં લપેટાયેલા જે કોઈ અહીં આવ્યા પણ મૂળીયા તો વતનમાં જ ને?એટલે એ ક્યારેક પણ મન પાછું એ તરફ ખેંચાયા વગર રહે ?દિલની વાત દિલ સુધી પહોંચે એટલી સરસ રીતે મુકી છે.
આ વાર્તા વાંચી વોટ્સ અપ પર પણ અનેક પ્રતિભાવ મળ્યા .મારાં કુટુંબીજનો અને ભાઈબહેનને પણ વાર્તા ખૂબ ગમી અને તેમણે તેમના મિત્રવૃંદને આગળ મોકલી.તેમાં મારી બહેનનાં મિત્ર અશ્વિનભાઈ સુપ્રિમ કોર્ટના જજ તેમણે જ્યારે મને મેસેજ કર્યો ત્યારે ખરેખર હું ખૂબ ખુશ થઈ ગઈ અને હું મારી સંવેદનાથી લોકોના હ્રદયને ભીંજવી શંકુ છું તેનો અનુભવ કર્યો.
મોદીજીની ૨૦૧૯ની બીજીવારની ચુંટણીમાં જીતના આનંદ સાથે લખાયેલ “સૌગંધ મુંજે ઈસ મિટ્ટી કી” લેખ અને આતંકવાદી હુમલામાં એકસાથે પુલવામામાં શહીદ થયેલા સૈનિકોની હ્રદયને હલાવી દેતી વેદના સાથે લખાએલ” અમર વો નવ જવાઁ હોગા” લેખ મારી અંદર ઘરબાએલ મારા દેશપ્રેમની જ પ્રતિતી છે.અને એટલે જ આજે પણ મોદીજી આપણા દેશના એક અદના પ્રધાનમંત્રી કેમ છે? તેને લગતો લેખ લખ્યો છે તે અહીં પ્રસ્તુત કરું છું.સૌ જરુર વાંચજો અને વાત સાચી લાગે તો જરુર ફોરવર્ડ કરજો જેથી વધુમાં વધુ લોકોને આ જાણકારી મળે.આ દૂર રહીને કરેલી દેશસેવા જ છે.
મોદીજી જ કેમ???
મોદીજીની વાત આવે એટલે તેમનાં વિરોધીઓ હમેશાં મોદીના ભક્તો વિરુદ્ધ બળાપા કાઢતા મેં સોશ્યલ મિડીયા પર અનેક વાર વાંચેલા અને સાંભળેલા.સામાન્ય જ્ઞાન ધરાવતા અને ગાડરીયા પ્રવાહ સાથે વહેતા લોકો વિશે આપણો અભિપ્રાય પૂરતી જાણકારી વગર ન અપાય. એવામાં ભારતથી કૌટિલ્ય જેવી વિચક્ષણ બુધ્ધિવાળા એક ઉદ્યોગપતિ અમારે ઘેર રહેવા આવ્યા.રાત્રે અમે પરિવાર સાથે બેઠા હતા તો બીજા સમાચાર સાથે મને મારા દેશની પણ સત્ય હકીકત અને સમાચાર જાણવા હતા.
આ એવી વ્યકિત હતી જેને ના ભાજપ સાથે કંઈ લેવાદેવા હતી કે ન આર.એસ.એસ સાથે.મેં પત્રકારની અદાથી તેમને પૂછ્યું કે મોદીજી અંગે આપનું શું કહેવું છે?
તેમણે કીધું “આજ સુધી આપણા દેશને આવો નેતા ખરેખર નથી મળ્યેા.
મેં કીધું મોદીજી તો Gst લાવ્યા તેથી બધાંને ડબલ ટેક્સ આપવો પડે છે એવી ફરિયાદ લોકો કરે છે.તેમણે કીધું ”દેશવાસીઓને રસ્તા સારા જોઈએ છે.બધી સગવડો વિદેશ જેવી જોઈએ છે અને ટેકસ નથી ભરવો તે કેમ ચાલે? “અને તેમણે મોદીજીએ દેશ માટે આમ જનતા ન જાણતી હોય તેવી અનેક જાણકારી આપી.તેમણે જે કીધું તે મને લોકો સુધી પહોંચાડવા જેવું લાગ્યું.
તેમણે કીધું “જે મોટી કંપનીઓના કરોડોમાં નફા થતા હોય તેમને તેમનો ટેકસ ભર્યા પછી તેમની કમાણીના બે ટકા સરકાર કહે ત્યાં દાન કરવાનું. તેમાં ગામડાઓમાં સ્કૂલ,કોલેજ,હોસ્પિટલ માટે જેવા અનેક ઓપ્શન સરકાર આપે.આ શું ગરીબ-તવંગરના ભેદને સરસ રીતે ઓછા કરવાની જ રીત નથી? ૪૦૦ કરોડનો નફો કરતી કંપનીએ ટેકસ ભર્યા પછી તેના બે ટકા એટલે કે આઠ કરોડનું ફરજિયાત સરકારની સુચવેલ યાદી મુજબ દાન કરવાનું.પોતાના દીકરાની શાળામાં દાન ન કરી શકે! “
આગળ વાત વધારતા તેમણે કીધુ,
“મોટી-નાની કંપનીઓએ ટેકસ ઓનલાઈન ભરવાનો તેથી વકીલોના ડીપાર્ટમેન્ટમાં જવાના ધક્કા બચ્યાં અને અમદાવાદની કંપનીનું એસએસમેન્ટ કોચીનમાં ઓનલાઈન ઓફીસર કરતો હોય તેથી
અમારે અમદાવાદના ઓફીસરોને જે લાંચ આપવી પડતી હતી ત્યારે ઈન્કમટેક્ષનાં કેસ પતતા હતા તે મગજમારી ગઈ અને ટેક્સના ભરેલા વધારાના TDS ના પૈસા પણ મહિનામાં પાછા આવી જાયછે.એટલે જેને સાચું કરવું છે તેને તો મોદીથી કોઈ તકલીફ જ નથી.”
પછી તેમણે કીધું કે હમણાં તે ચારધામ ગયા હતા ટેક્સીવાળા અને ત્યાંની ગરીબ પ્રજા બધા કહે છે કે મોદીજીએ ઉત્તરભારતનાં રસ્તા એટલા સરસ કરી દીધા છે કે ટેકસીવાળાઓને અને નાનામોટા ધંધા કરવાવાળાને ખૂબ રોજીરોટી મળે છે.ઉપરાંત મોદી વિરોધીઓ કહે કે મોદી હિમાલયમાં આવીને રહ્યા એ પબ્લીસીટી સ્ટંટ છે ત્યારે પેલા ગરીબ ડ્રાઈવરે કીધું કે મોદીજી આવીને ગયા પછી એટલા બધા પ્રવાસી આવે છે કે અમારો ધંધો સો ટકા વધ્યો છે.એ તો હિમાલય પ્રવાસના અમારા એમ્બેસેડર બની ગયા.
આટલી વાત ચાલતી હતીને ત્યાંજ અમારા મહેમાનના પત્ની બોલ્યાં” સફાઈ અભિયાન એટલું સરસ ચાલુ કર્યું છે કે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો એના લીધે બધાં કપડાંની થેલીઓ વાપરતા થયા,પ્લાસ્ટિકના ડબ્બા નાસ્તા માટે અને રેસ્ટોરન્ટનાં ખાવાના માટે મળતા તે અને પ્લાસ્ટિકની પાણીની બોટલો બંધ થઈ ગઈ .અડધો કચરો તો આમ જ સાફ થઈ ગયો. ગાયો પ્લાસ્ટિક ખાતી બંધ થઈ તે વધારામાં.”
આ ઉપરાંત ટ્રાફીકનાં નિયમો એવા કર્યા કે રાત્રે બે વાગે અમેરિકાની જેમ અમદાવાદનો યુવાન લાલ લાઇટ પર ઊભા રહે છે.અને જીબ્રા ક્રાેસીંગની સફેદ લાઇનને ગાડી અડી ન જાય તેનું દયાન રાખે.દારુ પીને ગાડી ચલાવે તો યુવાનની સાથે રહેતા માતપિતા પણ જવાબદાર ગણાય.આ બધું ભારત દેશમાં થાય તે માત્ર અને માત્ર મોદીજીને જ આભારી છે.
ત્યાંજ અમારા મહેમાનભાઈ બોલ્યા” બીજી એક વાત કહું જેનો વિચાર અત્યાર સુધીના કોઈ પ્રધાનમંત્રીને આવ્યો નથી.તેમની કંપનીને હમણાં જ વેપાર ક્ષેત્રે એક એવોર્ડ મળ્યો.તેમણે કીધું “મારી અડસઠ વર્ષની ઉંમરમાં મારી કંપનીને અનેક એવોર્ડ મળ્યા છે તેમાં એવોર્ડ તરીકે હમેશાં તાજમહેલ મળતો.એના બદલે આ વખતે સરદારનું સ્ટેચ્યું ઓફ યુનિટી મળ્યું.હું એટલો ખુશ થયો કે આવા વિચાર તો માત્ર મોદીજીને જ આવે.”
પછી ઉત્સાહમાં આવીને કહે “હું મારા કામથી દેશ-વિદેશમાં સતત ફરતો હોઉં છું. દીલ્હીનાં ,મુંબઈના,અમદાવાદના એરપોર્ટ જુઓ …..બહેન દિલ્હીના એરપોર્ટ પર ખમણ ઢોકળાં મળે.
અરે ! હમણાં અમદાવાદના એરપોર્ટ પર નવરાત્રિમાં ઉતર્યા તો સ્વર્ણીમ્ ગુજરાતનું એરપોર્ટ પર નવરાત્રિના સુંદર રાસ-ગરબા,ચાંલ્લા અને હાર પહેરાવી યાત્રિકોનું સ્વાગત જોઈ આનંદથી ગદગદ થઈ ગયો અને મન
મ્હોરી ઊઠ્યું ને બોલી ગયું વાહ વાહ મોદી….”
મને કહે, ” ક્યારેક પાણીનું આછું પાતળું વહેણા તો ક્યારેક સાવ સૂકી ભઠ્ઠ બની જતી સાબરમતીના બદલે રીવરફ્રન્ટ અને કાંકરીયાના નઝારાએ તો અમદાવાદની સિકલ બદલી નાંખી છે.અરે !સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તેમના વિરોધીઓ બોલવા ખાતર કંઈપણ બોલતા હતા કે તેની આજુબાજુનાં લોકોની જમીન લઈ લીધી વગેરે …….પણ સાચીવાત તો એ છે કેઆજુબાજુનાં ગામના લોકોને અનેક પ્રવાસીઓને લીધે એટલી રોજગારી મળી છે કે આખા વિસ્તારના લોકોને કામ મળ્યું છે ને વિસ્તારનો સુંદર વિકાસ થયો છે.”
“માત્ર ગુજરાત જ નહીં દરેકે દરેક રાજ્યનાં અને દેશના નાનામાં નાના માણસ અને ગામડા પર તેમનું ધ્યાન છે.કાશ્મીરમાં ૩૭૦ના કાયદાની નાબૂદી તો ઉત્તરભારતનાં હિમાચલ પ્રદેશના રસ્તાઓ ,ગંગા જેવી નદીઓની સફાઈ તો દ્વારકા,સોમનાથ,કેદારનાથના મંદિરોની તો સિકલ જ બદલાઈ ગઈ.પરદેશનાં સંબંધોની સુધારણા સાથે જે તે દેશની દરેક સારી વસ્તુ જોઈને આપણા દેશમાં પણ તેને અપનાવવાના પ્રયત્ન કર્યા.વિધવા ,સિનીયર સિટીઝન,નારી સુરક્ષા અને દીકરીઓના ભણતરના કાયદા અને ફાયદા પણ ખૂબ સરાહનીય છે.”
તેમનું છેલ્લું વાક્ય મનને અડી ગયું.”અત્યાર સુધી આટલા પ્રધાનમંત્રીઓ આવ્યા છે પણ દેશના વિકાસ માટે મોદીજીએ દરેક ક્ષેત્રે દરેક રાજ્યમાં દરેક વ્યક્તિ માટે જે અગણિત કાયદા અને સુધારા કર્યા છે તે હજુ સુધી કોઈએ કર્યા નથી.અને મોદીજી પણ ભગવાન તો છે નહી.તેમની કોઈ ક્ષતિ હોય તો પણ જેણે દેશની અંદર અને વિદેશમાં ભારતની સિકલ જ બદલી નાંખી તો તેમની કોઈ નાની ક્ષતિ હોય તો માફ છે અમારે માટે અને ભક્તો માટે જય મોદીજી.તેમના વિરોધીઓને જે કહેવું હોય તે કહે -પૂંઠ તો પાદશાહની
જિગીષા દિલીપ પટેલ
