‘શબ્દના સથવારે’-આભાર દર્શન-કલ્પના રઘુ

મારાં વ્હાલાં વાચક મિત્રો,
જોતજોતામાં વરસ વીતી ગયું. ‘શબ્દના સથવારે’ વિષયનો ૫૧મો લેખ લખ્યા પછી હાલ પૂરતો હું વિરામ લઉં છું. પરંતુ હા, મારી કલમનાં શબ્દો, સાહિત્ય જગતમાં અવિરત વહેતાં રહેશે. મારી આ યાત્રાનાં આપ સૌ સાથી છો. ‘શબ્દનાં સથવારે’માં અવનવા શબ્દો થકી મારી કલમ ચોક્કસ વિકસી છે. વિસરાયેલાં અને બોલાતાં 
શબ્દોને સાહિત્ય-બાગમાંથી ચૂંટીને, તેને ઘોળીને, જેટલો રસ નિકળ્યો, મેં પીરસવા પ્રયત્ન કર્યો છે અને શબ્દોની મર્યાદામાં રહીને જરૂરી માહિતી પૂરી પાડવા કોશિશ કરી છે. ‘મા’ શબ્દથી સફરની શરૂઆત કરીને ‘રાખ’ શબ્દ સુધી પહોંચીને શબ્દનો શબ્દકોશ મુજબ અર્થ સમજાવીને, જીવનનું ચિંતન અને તેની વાસ્તવિકતા સમજાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે.
મારાં લખાણને સ્વીકારીને, બિરદાવીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને પ્રોત્સાહન આપવા માટે હું આપ સૌની આભારી છું. આ ઉપરાંત અનેક પ્રકારનું જરૂરી સાહિત્ય વૉટ્સએપ, ફેઇસબુક, ગુગલ, કોમેન્ટસ, પ્રવચન કે પુસ્તક દ્વારા પૂરૂં પાડનાર દરેક વ્યક્તિ તેમજ જ્ઞાનની દેવી, મા સરસ્વતી અને ગુરૂ દેવતાનો હું આભાર માનુ છું. અને હા! આપ સૌ સુધી મારા વિચારો પહોંચાડવા માટે હું આ બ્લોગ અને ‘બેઠક’નાં પ્રણેતા પ્રજ્ઞા દાદભાવાળાનો, કે જેણે મને લખવા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને મંચ આપ્યો છે, તેમની ખાસ આભારી છું.
હવે આવતા ગુરૂવારથી આ જ બ્લોગ પર આપણે મળીશું, પણ એક નવા વિષય સાથે.
કલ્પના રઘુ

*****************************************

વાચક મિત્રો,
શબ્દોથી બન્યો બ્લોગ અને સર્જાયું “શબ્દોનું સર્જન”, અને  પુસ્તકપરબ અને આપણી યાત્રા ને નવું સ્વરૂપ મળ્યું ‘બેઠક’ ,હા 2014માં  કલ્પનાબેન આપણી સાથે જોડાયા  બેઠકનું  સંચાલન રાજેશભાઈ સાથે સંભાળ્યું।. .વાત શબ્દોની કરીએ તો શબ્દ તો શબ્દ છે, દરેક વ્યક્તિમાં શબ્દ અભાનપણે જીવે છે. પણ જયારે તેને અર્થ મળે ત્યારે સર્જન સ્વરૂપ લે છે.એક કોલસો હોય પણ તેને અગ્નિ નો સંગ ન મળે ત્યાં સુધી નિસ્તેજ ટાઢા કોલસા જ  હોય છે પણ અગ્નિ મળતા તે ત્યાં માત્ર જ્વાળા જ નહિ પણ સર્જન પ્રજાળે છે. તેમ આપણા બ્લોગ પર કલ્પનાબેને શબ્દને  અનેક અર્થ અને સ્વરૂપે પિરસ્યાં છે. એકાવન અલગ અલગ શબ્દોને દર ગુરુવારે આપણા બ્લોગ પર મુકી  ​પોંખ્યાં છે.તમે એક એક શબ્દને માણ્યો અને વધાવ્યો,ક્યારેક ભુતકાળની યાદોમાં તો ક્યારેક ઉત્સવ બનીને શબ્દ કલ્પનાબેનની  કલમે આવ્યો, ક્યારેક વાસ્તવિકતા દેખાડી શબ્દને ગળામાં શીરાની જેમ ઉતાર્યો તો ક્યારેક તેમના શબ્દે આપણને વિચાર કરતા કર્યા, આજથી આઠ દાયકા કરતા વધુ સમય પહેલા આપણે ગુજરાતી  પુસ્તક ભણતાં હતાં તે પુસ્તક પૈકીના એક હજાર જેટલા શબ્દો આજે લુપ્ત થઈ ગયા છે. લોકોની બોલીમાંથી પણ એ શબ્દો વિસરાઈ ગયા છે. આ શબ્દો પૈકી મોટાભાગના શબ્દોનો અર્થ હાલની પેઢીને ખબર નથી.તેવા શબ્દો કલ્પનાબેને અર્થ સભર પીરસ્યા,આવી કલમ વિરામ લે તો ચાલે પણ અવિરત ચાલવી જ જોઈએ,કલ્પનાબેને ​આ લેખમાળા ​લખવાની ઈચ્છા દર્શાવી અને ભલે ‘બેઠક’ એનું પ્રેરણા નું સોત્ર બન્યો.પણ શબ્દો અંગ્રેજીનાં  ટોળામાં ખોવાયા હતા તે જાણે પાછા મળ્યા, સાથે તમે સૌએ શીખતાં ,માણતા, વાંચતા આંનદ લીધો માટે આભાર પણ આપણે કલ્પનાબેનની કલમને ચાલુ રાખતા આવતા ગુરુવારથી નવા વિષય સાથે માણશું.  તમારી આતુરતાનો અંત ન ધારેલા વિષય સાથે આવશે વાંચજો જરૂર.
બેઠકના આયોજક:પ્રજ્ઞા દાદભાવાળા 

૫૧ – શબ્દના સથવારે – પાઘડી – કલ્પના રઘુ

પાઘડી

પાઘડી એટલે પાઘ, માથાબંધન, માથાનો એક પહેરવેશ, માથાનું મોળિયું, ફાળિયું, ફગ, ફિંડલ, ફેંટો, સાફો, શિરોભૂષણ, છોગું, સરપેચ, સરપાવ, ચાંલ્લો, મુસલમાની, સારા કામ બદલ અપાતી ભેટ, મકાન ભાડે લેવા માટે અગાઉ ખાનગી આપવી પડતી ઉચ્ચક રકમ, લાંચ, આબરૂ, એક છંદ, એક જાતની રમત, હરાજીમાંથી ખસી જનારને અપાતી રકમ, ઘડીનો ચોથો ભાગ. અંગ્રેજીમાં પાઘડીને turban, gift or present given for doing some good work, money secretly given to landlord for renting house, bribe કહેવાય.

પાઘડી ત્રણ હજાર વર્ષ જૂની પરંપરા છે. તેનાં મૂળિયાં આદિકાળ જેટલાં જૂનાં છે. તેની ઉત્પત્તિ માટે એમ કહેવાય છે કે આદિમાનવ નાહીને ચહેરા પર પથરાયેલી વાળની લટોને કુદરતી રીતે હાથથી પાછળ ઠેલી દેતો. ધીરેધીરે તેણે વાળને બાંધવા માટે ઝાડનાં વેલા-પાંદડાનો ઉપયોગ કરવા માંડ્યો. સમયાન્તરે તેમાંથી કપાળ ફરતે ઝીણાં કપડાંનો ‘ઓપસ’ બાંધવાની શરૂઆત થઇ. આમ ભાતભાતનાં કપડાંઓમાંથી પાઘડી બનવા લાગી. જોકે અંગ્રેજોનાં આગમન પછી પાઘડી પહેરવાની પરંપરામાં ધીરેધીરે ઓટ આવી છે.

પાઘ શબ્દ પાકૃત ‘પગ્ગહ’ ઉપરથી આવ્યો છે. પાઘડી શબ્દ ‘પટ’ એટલે કાપડ અને ‘ક’ પ્રત્યય લાગી ‘પટકી’ શબ્દ બન્યો. એનું અપભ્રંશ તે પાઘડી. પાઘડી તથા સાફાનાં પચાસ જેટલાં પ્રકાર છે. સામાન્ય રીતે પાઘડી ૬ થી ૧૫ મીટરની લંબાઇની હોય છે જેમાં કાપડને વળ ચડાવીને માથા પર બાંધવામાં આવે છે. જ્યારે સાફા સામાન્ય રીતે ૨ મીટર લંબાઇનાં કાપડમાંથી ૪ આંગળ પહોળાં પટાની જેમ બાંધવામાં આવે છે. આજે જૂજ લોકો આ કળાને જાણે છે. ૨૬ વર્ષનો એક પંજાબી યુવાન અત્યાર સુધી સાઇઠ હજાર કરતા વધુ લોકોને પાધડી પહેરાવતા શીખવી ચૂક્યો છે. માત્ર ૨૨ સેકન્ડમાં પાઘડી બાંધવાનો તેનો રેકોર્ડ કાબિલે તારીફ છે.

પાઘડી મરદની મર્દાનગી અને રૂપની છટા પ્રગટ કરે છે. પાઘડી વિવિધ લોકજાતિઓની અને વિવિધ પ્રાદેશિક સંસ્કૃતિની આન, બાન ને શાન ગણાતી. કાઠીયાવાડમાં પહેલાનાં વખતમાં રાજદરબારમાં જનાર માણસ ઉઘાડા માથે જઇ શકતો નહીં. ગામડાંમાં આજે ય જમવા માટેનાં પાઘડીબંધ નોતરાં અપાય છે.

પાઘડીની ઉપયોગિતા અને તેને સમ્બન્ધિત અનેક રિવાજો જાણવા જેવાં છે. ભારત પ્રાચિન પરંપરામાં માથા પર શેર-સુતર બાંધવું જરૂરી હતું. શીખ લોકોની પાંચ ઓળખમાંની એક પાઘડી છે. તે માથાનું ઠંડી, ગરમીથી રક્ષણ કરે છે. પાઘડીને પગથી ઠોકર મારવી, ઓળંગવું અને જમીન પર મૂકવું એ પાઘડી બાંધનારનું અપમાન કર્યું ગણાતું. યુધ્ધ દરમ્યાન રાજાની પાઘડી ઝૂંટવીને ભાગવું, વિજયસૂચક મનાતું. રણમેદાનથી કોઇની પણ પાઘડીનું ઘરે પાછું આવવું એ વ્યક્તિનાં મૃત્યુનાં સમાચાર આવ્યાં ગણાતાં. કોઇપણ કુટુંબનાં વડીલનાં અવસાનનાં ૧૨ દિવસ પછી ઘરનાં મોટા પુત્રને સમાજની પરંપરા અનુસાર જનસમુદાય સમક્ષ સગાં-સંબંધી દ્વારા પાઘડી બાંધીને ઉત્તરાધિકાર તરીકે જાહેર કરવામાં આવે છે, જેને પાઘડીની રસમ કહે છે. ઇશ્વર સામે માથા પરથી પાઘડી ઉતારીને પગે લાગવું જરૂરી હોય છે. જૂના જમાનામાં થતાં ધીંગાણાં અને મારામારી પ્રસંગે સારી રીતે બાંધેલી પાઘડી માનવીનાં મસ્તિષ્કનું લાકડીનાં ઘા ઝીલી લઇને રક્ષણ કરતી. પાઘડીમાં મૂકેલી તાંસળી તલવારનાં વારથી માથું બચાવી લેતી. ધીંગાણાંનાં સ્થળેથી ઘાયલને પાઘડીની ઝોળી બનાવી લઇ જવાતો. વગડામાં પાણી સીંચવા માટે કૂવે પાઘડી ઉપયોગમાં આવતી.

પ્રાચીન સમયમાં સ્ત્રીઓ પણ યુધ્ધમાં પાઘડી કે સાફા બાંધતી જેમ કે ઝાંસીની રાણી, રઝીયા સુલ્તાના, વગેરે. શિવાજીની મરાઠી, વીર ભગતસિંહની પંજાબી, રાણા પ્રતાપની મેવાડી, જલારામ બાપાની ગુજરાતી કે સ્વામી વિવેકાનંદની પાઘડીથી ક્યાં કોઇ અજાણ છે? ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરૂં’ આ પ્રતિજ્ઞા કવિ પ્રેમાનંદે કરી હતી. એક ગામના આદિવાસી સમાજનાં સરપંચ ૩ કીલો વજનની પાઘડી પહેરે છે તે માટે ૫૧ મીટર કાપડની જરૂર પડે છે. આ વખતે નવરાત્રીમાં અમદાવાદમાં એક ગ્રુપે હેરિટેજ અમદાવાદનાં થીમ પર કચ્છી ડ્રેસ માટે અમદાવાદનાં જોવાલાયક સ્થળોને સમાવી લેતી સાડાત્રણ કીલો વજનની ૨૮,૦૦૦ નાં ખર્ચે પાઘડી તૈયાર કરાવી છે. ભારતનાં પી. એમ, નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી તેમનાં પ્રવચનમાં શૌર્યતાનાં પ્રતિક સમી પાઘડીને તેમનાં ડ્રેસકોડમાં સ્થાન આપે છે.

ભારતીય વૈદીક સાહિત્યમાં પ્રાંત અનુસાર પાઘડીઓનાં રંગ, રૂપ, આકાર, પ્રકાર અને નામો મળી આવે છે. ભાવનગરી પાઘડી છાપરાં જેવી મોટી પહોળી હોવાથી તે પાઘડી તૈયાર કરનાર કે પહેરનાર માણસ છાપરિયો કહેવાય છે. સૌરાષ્ટ્રનાં લોક્જીવનમાં આલમની અઢારેય વરણની નોખી નોખી પાઘડીઓ જોવા મળે છે. લોકજીવનમાં પાઘડીની અનેક વાતો કિવદંતીઓ, દૂહા, કહેવતો, લોકવાણી અને સાહિત્ય જોવા મળે છે. નવી પેઢીને પાઘડીઓની માહિતી મળી રહે તે હેતુથી ગોંડલનાં નવલખા પેલેસનાં મ્યુઝીયમમાં દેશ-વિદેશની પાઘડીઓનો સંગ્રહ મૂકવામાં આવ્યો છે. હવે જ્યારે પાઘડી લૂપ્ત થઇ રહી છે ત્યારે મ્યુઝીયમોમાં મૂકેલી પાઘડીઓ જોઇને ખૂશ થવાનું છે.

‘બંધ બેસતી પાઘડી ના પહેરવી’ એ કહેવત છે પરંતુ વાસ્તવમાં પાઘડી તો બંધ બેસતી જ પહેરાય નહીં તો હાંસીને પાત્ર થવાય. આજે કાયદેસર પહેરાતી હેલમેટ એ પણ પાઘડીનું જ સ્વરૂપ છે. છેલછબિલા ગુજરાતીની ઓળખ પણ ‘લાંબો ડગલો, મૂંછો વાંકડી, શિરે પાઘડી રાતી’ છે. એ ના ભૂલવું જોઇએ. એમ કહેવાય છે, ‘અહંકારની પાઘડી જો આપણાં માથા પરથી ઉતરી જાય તો આપણાં જીવનની દરેક સમસ્યાઓ પણ પા-ઘડીમાં જતી રહે!’

૫૦ – શબ્દના સથવારે – વાસ – કલ્પના રઘુ

વાસ

વાસ એટલે દુર્ગંધ, બાસ, બદબો, બુ, ગંધ, સોડમ, પરિમલ, ખુશબો, સુગંધ, રહેવું, વસવું, નિવાસ કરવો, સ્થળ, વસવાટ, ઠેકાણું, ગામડાનો એક ભાગ, રહેઠાણ, મુકામ, મકાન, ઘર, જગ્યા, લત્તો, પા, પાડો, પોળ, મહોલ્લો, આશ્રમ, કાગવાસ, બંધ કરવું, વસ્ત્ર, પહેરવાનું લૂગડું, અરડૂસાનું ઝાડ, ખાટલો, તંબૂ, નિશાની, ચિન્હ, શેરડીનાં રસને ઉકાળી ગોળ બનાવવા ચૂલમાં નાખવાનું બળતણ. અંગ્રેજીમાં residence, abode, dwelling, house, street, locality, smell, bad odor કહે છે.

સુગંધ હોય કે દુર્ગંધ, ગંધ માત્રને વાસ કહેવાય. પાંચ ઇન્દ્રિયોમાંની એક જેના થકી મનુષ્ય વાસને પારખી શકે છે. વાસ તીવ્ર કે ઉગ્ર હોય, ખોરી, ખાટી, મીઠી કે બિભત્સ હોય. પશુ-પક્ષીમાં વાસ પારખવાની ક્ષમતા મનુષ્ય કરતાં વધુ હોય છે. દરેક વ્યક્તિની પોતાની વાસ હોય છે જે પોતે પોતાની પાછળ મૂકતું જાય છે. વાસ પરથી ભાળ કાઢનાર કૂતરાની એક જાતિ હોય છે. સ્નીફર ડોગ વાસને લીધે ગુનેગારોને પકડી શકે છે. સ્કંક નામનું પ્રાણી તેના પર હુમલો થતાં તીવ્ર વાસ મારતું પ્રવાહી બહાર ફેંકે છે. જડ અને ચેતન, દરેકની પોતાની વાસ હોય છે. મૃત્યુ બાદ મૃતદેહને સડવા કે વાસ મારવાથી રોકવા માટે તેને એમ્બાલ્મીંગ દ્વારા કેમીકલ કોટિંગ કરીને લેપન પ્રોસેસથી સુરક્ષિત રાખવામાં આવે છે જેથી હજારો વર્ષો પહેલાં તાબૂતમાં દફન કરાયેલ શબ આજે પણ સુરક્ષિત હોય છે, વાસ મારતી નથી, જે ‘મમી’ તરીકે ઓળખાય છે.

જેમ શહેરમાં પોળ, ગલીઓ, સોસાયટીઓ હોય છે તેમ ગામડામાં નાત-જાત પ્રમાણે રહેઠાણનું સ્થાન નક્કી કરતી જગ્યાને વાસ કહે છે જેમકે પટેલ વાસ, વાણિયા વાસ, ઠાકોર વાસ, વણકર વાસ, વગેરે.

વાસ એટલે શ્રાધ્ધનાં દિવસોમાં મૃતપિતૃ માટે કાગડાને બોલાવીને જે હવિષ્યાન્ન નાખવામાં આવે જે કાગડા આરોગે અને પિતૃઓ તૃપ્ત થાય એ ભોજન-પાણી. આ પહેલાંનો ચાલ્યો આવતો રિવાજ છે. હવે તો વોટ્સએપ પર આ વિષે ઘણી વાતો બહાર આવી છે.

“મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસની, ચાલુ શ્વાસે જ જરૂર છે સહવાસની”

ખરેખર જીવતાની સેવા કરો એ જ સાચું શ્રાધ્ધ છે. એક માન્યતા મુજબ, કાગડી ભાદરવામાં ઇંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ છે. એટલે પક્ષી પ્રેમ માટે અને કાગડાનાં બચ્ચાને વાસ, ખાવાનું મળે તે માટે આ રિવાજ હોઇ શકે.

પ્રણયની સુવાસનાં પુષ્પોને પાનખર ક્યારેય નડતી નથી એમ સુવાસ સૌનાં અંતરમાં વાસ કરી જાય છે. પુષ્પની સુવાસ પવનની દિશા પ્રમાણે ફેલાય છે જ્યારે સુકર્મોની, સેવાની, સજ્જનતાની, સંસ્કૃતિની, સંવેદનાની સુવાસ દશે દિશામાં અને મૃત્યુ બાદ પણ રહે છે. સાહિત્યની પણ સુવાસ હોય છે.

પરોઢીયે પથારીમાંથી ઉઠતાં આપણે હથેળીનાં દર્શન કરતાં બોલીએ છીએ,

“કરાગ્રે વસતે લક્ષ્મી: કરમુલે સરસ્વતી |

કરમધ્યે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્ ||”

કારણકે લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદનો વાસ હથેળીમાં હોય છે. આપણે ઘરમાં લક્ષ્મી સદૈવ વાસ કરે તેવું ઇચ્છીએ છીએ. કણકણમાં ભગવાનનો વાસ હોય છે. પીપળાનાં અને વડનાં પાન પર વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. પીપળાનાં મૂળમાં પિતૃઓનો વાસ હોય છે. કવિ દલપતરામનાં ભજનનાં શબ્દો યાદ આવે છે, ‘આસપાસ આકાશમાં, હૈયાંમાં આવાસ, ઘાસ ચાસની પાસમાં વિશ્વપતિનો વાસ.’ જો પ્રભુનો વાસ આપણાં હ્રદયમાં કરવાની શક્તિ હોય તો આપણુ હ્રદય એજ મંદિર છે. આપણે જે ઘરમાં રહીએ છીએ, જ્યાં આપણો વાસ છે એજ પ્રભુના વાસ માટે આપણા શરીરને અને આપણા રહેઠાણને હંમેશા સ્વચ્છ, નિર્મળ રાખવું એ નિજસેવા, પ્રભુસેવા છે જ્યાંથી દિનચર્યાની શરૂઆત થાય છે. જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં વિશ્વાસ છે. અને આ વિશ્વાસ સમગ્ર વિશ્વનો શ્વાસ છે. વિશ્વાસે વહાણ ચાલે છે માટે વાસ શબ્દનો વાસ શ્વાસે શ્વાસે થાય તે એટલુંજ જરૂરી છે. આ બે અક્ષરને જે આત્મસાત કરે છે તેને મંદિર જવાની જરૂર નથી પડતી કારણકે ઇશ્વરનો અંદર વાસ હોય છે.

દિવસ દરમ્યાન માનવે તેની આજુબાજુ ચોંટેલી ‘હું’પણાની વાસને નિર્મમ બનીને ખંચેરતા શીખવું જોઇએ અને જ્ઞાનેન્દ્રિયને માજતાં શીખવું જોઇએ તોજ ઇશ્વર સુધીનો માર્ગ સરળ બને છે.

૪૯ – શબ્દના સથવારે – આંસુ – કલ્પના રઘુ

આંસુ

આંસુ એટલે અશ્રુ, નેત્રજળ, નેત્રાંબુ, રોદન, અસ્ત્ર, અસ્ત્રુ, ઝળઝળિયાં. અંગ્રેજીમાં ‘tear of grief or joy’ કહે છે. જે ખાડામાં ડોળો રહે છે તે જ ખાડામાં ઉપરની બાજુ બહારનાં ખૂણામાં બદામ જેવડી અશ્રુપેશી રહેલી હોય છે જેમાંથી આંસુ પેદા થાય છે. આ રસને લીધે આંખની સપાટી હંમેશા ભીની રહે છે. પોપચાની ઉઘાડ-બીડને લીધે વધારાનું પાણી અંદરનાં ખૂણા તરફ વહી, નળીઓ અને અશ્રુનળી વાટે નાકમાં ઉતરી ત્યાં પવનની આવજાને લીધે વરાળ થઇ ઉડી જાય છે.

આંસુ ૩ પ્રકારનાં હોય છે. બેસલ ટીયર્સ, આંખને ભીની રાખે છે. ધૂળ કે બેક્ટેરીયા ઇન્ફેક્શનથી આંખોનું રક્ષણ કરે છે. રીફ્લેક્ષ ટીયર્સ એટલે આંખમાં કણાં કે કસ્તર જેવી બહારની કોઇ વસ્તુ પડે કે ડુંગળીનાં વેપર્સ કે અન્ય કોઇ ગંધ કે ગેસથી થતાં ઇરીટેશનથી આવતાં આંસુ, જેનાથી આંખ સ્વચ્છ બને છે અને આંખનું રક્ષણ થાય છે. સાઇકીક ટીયર્સ, હર્ષ, દુઃખ કે દિલગીરીની લાગણીને કારણે પેદા થાય છે.

કોઇપણ નાતજાત કે રંગની વ્યક્તિને આંસુની ભાષા શીખવવી પડતી નથી, બાળક હોય કે વૃધ્ધ. આ ઇશ્વરની દેન છે. આંખ અને આંસુનો જન્મથી નાતો હોય છે. ક્યારેક મૂંગા પ્રાણી-પક્ષીની આંખમાં પણ આંસુ જોવાં મળે છે. જીવન દરમ્યાન સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે આંસુનાં નામ, રૂપ, ગુણ બદલાય છે.

સતિદહન બાદ શબને હાથમાં લઇ આઘાત સાથે તાંડવ કરતાં શિવ, સીતાહરણ બાદ રામની મનોદશા, કૃષ્ણ વિયોગે રાધાજી, કાનાની પ્રતિક્ષામાં અંતિમ શ્વાસ સુધી મા યશોદાની મનોદશા, મીરાંની તડપ, શહીદોનાં પરિવારની દશા, પરદેશ ગયેલાં સંતાનનાં મા-બાપની દશા, દીકરીવિદાય, અંતિમવિદાય, આ તમામ પ્રકારની જૂદાઇનાં અંતે વિરહ સાથે માત્ર આંસુ હોય છે.

આંસુ પાંપણનાં બંધ કમાડમાં સચવાય છે. એ ક્યાં કોઇની પ્રતીક્ષા કરે છે? આખરે એ પણ એનો રસ્તો કરી લે છે. પાંપણનાં કમાડ ભીડાય કે ઉઘડે, આંખની નાનકડી દાબડીમાંથી કિંમતી આંસુ સરી પડે છે, છલકાઇ જાય છે, ઝુમ્મર બની લટકે છે, તોરણ બનીને ઝૂલે છે. ક્યારેક મોતી જેવડાં તો ક્યારેક બોર જેવડાં આંહુડા ક્યારેક આંખ્યું કરતાં પણ મસ મોટાં હોય છે. આંસુનું ટીપું, ઝરણું કે ધોધ હોય છે. તે ખારાં હોય છે, ગરમ અને શિતળ પણ હોય છે, ક્યારેક ચોધાર તો ક્યારેક મગરમચ્છનાં હોય છે. આંસુ જીવનની વસંતનાં પણ હોય અને પાનખરનાં પણ. ક્યારેક હાથથી તો ક્યારેક રૂમાલ, ખભો કે પાલવથી લૂંછાય. જ્યારે બૂઢી આંખોનાં ઝળઝળિયાં લૂંછનાર કોઇ ના હોય ત્યારે બૂઢાપાનાં બેબસ હાલમાં આંસુ સૂકાઇ જતાં હોય છે ત્યારે આંસુ ખૂદ રડે છે તેની નિષ્ફળતા પર! અને ત્યારે થાય છે! ‘હરિનાં લોચનીયાં ભીનાં …’ જીવનમાં એવો કોઇ હમસફર કે સાથી જોઇએ કે જે આંસુ વિનાનું રુદન સમજી શકે. દુખિયારાનાં આંસુ લૂછવાં એ મોટી સેવા છે. કુદરતી હોનારત વખતે લોકોની આંખોમાં અનુકંપાનાં આંસુ પણ જોવા મળે છે.

જીવન દરમ્યાન જેણે સારાં કર્મો કર્યા હોય તેનાં અંતિમ સંસ્કાર વખતે લોકો અશ્રુભીની વિદાય આપતા હોય છે. આમ લોકો અશ્રુતર્પણ કરે છે. એક ગઝલમાં ‘બેફામ’ કહે છે, ‘મળ્યું જેને મરણ એ ભાગ્યશાળી થઇ ગયા બેફામ, જે વંચિત રહી ગયાં એ આંખમાંથી અશ્રુ સારે છે’. બેસણાં વખતે ખોટાં આંસુ સારનાર ભાડે મળે છે. ઇરાનમાં મરણ પ્રસંગે રડવા આવતા સગા-સંબંધીઓને તેમનાં આંસુ ઝીલી લેવા માટે વાદળી આપવામાં આવે છે. પછી તે વાદળી નીચોવીને આંસુ સંઘરી રાખવામાં આવે છે. આ રીતે એકઠાં કરેલ આંસુ, દવા તરીકે વપરાય છે. આમ આંસુઓ વેચવાનો ધંધો પણ ચાલે છે.

ભીની નજર હોય અને આંસુ ના હોય, કેમ બને? અશ્રુ પર અનેક શાયરી લખાઇ છે. આંસુ આંખોની ભાષા છે, મનની પરિભાષા છે, સંવેદનાની સરવાણી છે. મૌનની અભિવ્યક્તિ છે, બાળક અને સ્ત્રીનું શસ્ત્ર છે, પ્રભુભક્તિની પરાકાષ્ઠા છે. મોરારિબાપુ કહે છે, ‘માયારૂપી નર્તકી પાસે ઇશારા હોય, ભક્તિનાં નર્તનમાં આંસુ હોય છે’. આંસુ એ પશ્ચાતાપનું ટીપું છે જે સાબુનું કામ કરે છે. જેનાંથી હ્રદયની બધીજ મલિનતા ધોવાઇ જાય છે અને મન શુધ્ધતા તરફ પ્રયાણ કરે છે.

ચાર્લી ચેપ્લીન કહેતો, ‘મને વરસાદમાં ચાલવું ગમે જેથી કોઇ મને રડતો ના જોઇ શકે’. બાકી આખું ભીતર, અંતર વલોવાય, ભીતરમાં વલોણું વલોવાય તોજ આંસુ પાંપણ સુધી આવે. પાંપણે આંસુનાં તોરણ બંધાતા કવિ બેફામે કહ્યું છે,

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહીં,

પાછા નયનનાં નૂર ને વાળી શક્યો નહીં,

આંસુનું સાક્ષી હોય છે, ઓશીકું અને એકલતા. વિરહ પછીની મિલનની ક્ષણો આંસુનો સૈલાબ લાવે છે. આંસુને રોકતાં કે ગળી પીતાં આવડવું તે પણ એક કળા છે.

પૃથ્વી પરથી પાણી અદ્રશ્ય થશે તેવી સંભાવના છે પરંતુ માનવની આંખનાં આંસુ ક્યારેય અદ્રશ્ય નહીં થાય, માત્ર આંસુ સ્વરૂપે પાણીની હયાતી અવશ્ય રહેશે.

૪૮ – શબ્દના સથવારે – મૂળ – કલ્પના રઘુ

મૂળ

 ‘મૂળ’ એટલે વનસ્પતિ કે કોઇપણ પદાર્થની જડ, ટીકા વગેરેનો ગ્રંથ, અસલ મૂડી, આકાશમાં એક નક્ષત્ર, આદિ પુરુષ, મુખ્ય, પ્રધાન, પ્રથમ, પાયો, મંડાણ, નદીનું ઉત્પતિ સ્થાન, મૂળ કારણ, પૂર્વજ, જેનાં વીર્યથી વંશ વિસ્તાર પામ્યો હોય તે પુરુષ, આરંભ, એક જાતની મૃગયા, કંદમૂળ, જટા, પરિગ્રહ, પર્વતની તળેટી, મૂળ લખાણ, આધાર, પીપરીમૂળ નામની ઔષધિ, પુષ્કરમૂળ, બીજમંત્ર, ગણિતમાં સંખ્યાનો ઘાત, આદ્ય, તદ્દન, બિલકુલ. અંગ્રેજીમાં મૂળને ‘root of plant or tree’, ‘foundation’, ‘base’, ‘source of river’, ‘origin’, ‘root-cause’, ‘19th lunar mansion’, ‘original text or writing’, ‘original ancient’, ‘bottom cost’, ‘fundamental price’ કહેવાય.

જ્યોતિષશાસ્ત્રમાં ૨૭ માહેનું ૧૯મું નક્ષત્ર મૂળ છે. આ અધોમુખ નક્ષત્ર છે. આ નક્ષત્રમાં જન્મ લેનાર વૃધ્ધાવસ્થામાં શરીરે રોગી, કલાનુરાગી, માતૃપિતૃહંતા અને આત્મીય લોકોને ઉપકારક થાય છે. મૂળરાજનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો. ડૉક્ટર જ્યારે રોગનું નિદાન કરે ત્યારે રોગનાં મૂળને શોધી તેનું નિવારણ પહેલા કરવું જોઇએ તો જ રોગ નાબૂદ થઇ શકે.

મને ‘ધાડ’ ફિલ્મની એક સુંદર વાત યાદ આવે છે. ચેરીઆના છોડ વિશે. તેમાં જોતાંજ પ્રશ્ન થાય કે ખાતર વિહોણા, ચીકણી માટીવાળા, કાદવનાં ઢગલામાં દરિયાનું ખારૂં પાણી પીને આ છોડ ક્યાંથી ખોરાક મેળવતો હશે? અને કેવી રીતે જીવતો હશે? ફિલ્મનો હીરો કહે છે, આ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઉંડા જાય છે તેથી એ છોડ પોતાનાં થડ ઉપર મજબૂત બને છે. પણ કાદવમાં પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આજુબાજુ પથરાઇ જઇ પોતાનાં કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે! પરંતુ કોઇવાર વંટોળિયાનાં કારણે કાદવનાં ઢગલાં પર ધૂળ પથરાય ત્યારે ચેરીઆનાં મૂળિયાંનાં કાંટા ધૂળથી દટાઇ જાય છે અને આ છોડ સૂકાઇને મરી જાય છે. ચેરીઆ પાસેથી માનવે શિખવાનું છે, જીવતાં રહેવાનો ભેદ. જીવન છે એટલે જીવવાનું છે પરંતુ મૂળ સાથે જોડાઇ રહેવું એટલુંજ જરૂરી છે. માનવ જીવનમાં અનેક પ્રકારનાં સમયાનુસાર વાવાઝોડાં આવતાં જ રહેવાનાં પરંતુ પોષણ તમારૂં મૂળ જ પૂરું પાડે છે તે વાત ભૂલવી ના જોઇએ. આ વાત આકાશમાં ઉડતો નિર્જીવ પતંગ સમજાવી જાય છે. પતંગ દોરીથી જ્યાં સુધી જોડાયેલો છે ત્યાં સુધી તે ગમે તેટલો ઉંચો ચગે, વાંધો નથી આવતો. પરંતુ જેવો તે કપાઇ જાય છે, તેનાં મૂળથી છૂટો પડી જાય છે ત્યારે શરૂઆતમાં આકાશમાં ખૂબ ઉંચે જાય છે, પવન તેને દૂરદૂર ખેંચી જાય છે. તેને લાગે છે કે મૂળથી દૂર જવામાં તેની ખૂબ ઊંચી ઊડાન થઇ રહી છે પરંતુ આખરે તે નીચે બેહાલ દશામાં ફેંકાઇ જાય છે.

ઘણાં લોકોનાં ઘરમાં ફેમીલી ટ્રી હોય છે. તેનાં થડમાં અને મૂળમાં પરદાદાનાં ફોટાં હોય છે જેનાં દ્વારા આવનાર પેઢીને પણ મૂળનું સ્મરણ રહે છે. આ સંસ્કારની વાત છે. હમણાં હું એક સીનીયર ડૉક્ટર દંપતિ સાથે ગણેશ પૂજામાં જતી હતી. તેમની ગાડીમાં ગણેશ સ્તોત્ર વાગી રહ્યું હતું. મેં સહજ કહ્યું કે હું આજ સ્તોત્ર પૂજામાં ગાવાની છું. ત્યારે તેઓએ એક સુંદર વાત કરી. ‘આ મારાં પિતાજીનાં અવાજમાં તેમણે ગાયેલાં, તેમને ગમતાં, સ્તોત્ર, પાઠ અને ભજનોની સી. ડી. છે. હું હંમેશા કારમાં આજ વગાડું છું’. કેટલું સુંદર! તેમનાં સ્મરણમાં તેમનાં મૃત મા-બાપની યાદ જીવંત હતી. મૂળ સાથે જોડાયેલી વ્યક્તિ કે વસ્તુ ક્યારેય સૂકાતી કે નાશ પામતી નથી. મૂળ દ્વારા તાજગી, પોષણ, સંસ્કાર મળે છે. સમય, શિક્ષણ, ટેક્નોલોજીને કારણે સંતાન ગમે તેટલી ઉંચાઇએ પહોંચે પરંતુ એ ઉંચાઇ મા-બાપનાં ખભા પર ઉભા રહ્યાં પછીની છે એ સંતાને ભૂલવું જોઇએ નહીં કારણકે મૂળમાં આપણાં શરીરમાં પિતૃઓનાં ડી. એન. એ. રહેલાં હોય છે. શરીરનો રંગરૂપ બદલાય છે પણ મૂળ તે જ રહે છે. પુસ્તક ચાહે ગમે તેટલું જૂનું થાય, તેનાં શબ્દો બદલાતાં નથી.

આધુનિક સમયમાં એવું માનવામાં આવે છે કે અતીત પછાત હતું, વર્તમાન અને ભવિષ્ય વિકાસમાન છે. આ પશ્ચિમની વિચારસરણી છે જ્યારે ભારતની મનીષા બિલકુલ વિપરીત છે. આપણે માનીએ છીએ કે મૂળ શ્રેષ્ઠ છે. માનવની શ્રેષ્ઠતા તેનાં મૂળ પર, ગર્ભમાં છૂપાયેલાં બીજની શ્રેષ્ઠતા પર આધારિત છે.

શ્રીકૃષ્ણે ગીતાજીનાં ૧૫મા અધ્યાયમાં કહ્યું છે,

ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ
છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ વેદવિત

સામાન્ય રીતે વૃક્ષોનું મૂળ નીચે અને પ્રશાખાઓ ઉપરની બાજુએ હોય છે. ઉપરની બાજુએ મૂળવાળા તથા નીચેની બાજુએ શાખાઓવાળા સંસારરૂપી આ પીપળાનાં ઉલટા વૃક્ષને પ્રભુ અવિનાશી કહે છે. શ્રીકૃષ્ણ આ સંસારરૂપી વૃક્ષને અશ્વસ્થની ઉપમા આપીને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે તેનું છેદન કરીને પરમ તત્વની પ્રાપ્તિ કરવાનું કહે છે એટલા માટે તુલસીદાસે રામાયણમાં કહ્યું છે,

‘નરક-સ્વર્ગ, અપવર્ગ નિસેની, ગ્યાન, બિરાગ ભગતિ શુભ દેની’.

માનવજીવનની તીર્થયાત્રાનું એકમાત્ર અંતિમ લક્ષ્ય છે સત્‍ ચિત્‍ આનંદ. આનંદનો મૂળ ઉર્જા સ્ત્રોત આપણી અંદર છે અને એ માણસનો મૂળ સ્વભાવ છે માટે માનવે પોતાનાં મનનાં મૂળ સુધી પહોંચવું જ રહ્યું.

૪૭ – શબ્દના સથવારે – ઉત્સવ – કલ્પના રઘુ

ઉત્સવ

ઉત્સવ એટલે આનંદનો અને ઉત્સાહનો દિવસ, તહેવાર. મંદિર વગેરેમાં તહેવારને કારણે થતો વિધિ, ઓચ્છવ, ઉજવણી, સમારંભ, ધર્મને લગતો તહેવાર, પર્વ, સપરમો દિવસ, જલસો, મેળાવડો, માંગલિક ધામધૂમ, મંદિર વગેરેમાં તહેવારને કારણે થતી વિશિષ્ટ વિધિ, મંગળ સમય. અંગ્રેજીમાં ‘day of festivity’, ‘religeous holiday’, ‘festival’ કહે છે.

ઉત્સવ, મૂળ સંસ્કૃત શબ્દ છે. ઉત્‍ = દૂર કરવું, હટાવવું અને સવ = દુન્યવી દુઃખ કે વિષાદ. ‘દુઃખ કે વિષાદને દૂર કરનાર’ એવો અર્થ થાય છે. હિન્દુ ધર્મમાં લગભગ બધાંજ ઉત્સવો, તહેવારો પંચાંગ પ્રમાણે તિથિ અનુસાર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ, એક એવો તહેવાર છે જે ગ્રેગોરિયન કેલેન્ડરની તારીખ આધારિત હોય છે.

ઉત્સવ મુખ્ય ત્રણ પ્રકારનાં હોય છે. ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય. ધાર્મિક તહેવારોથી લોકો ભક્તિનાં માર્ગે જાય છે. સામાજીક તહેવારોથી સમાજમાં એકમેક વચ્ચેનું અંતર ઘટે છે તેમજ રાષ્ટ્રીય તહેવારોથી પ્રજામાં રાષ્ટ્રભાવના જાગે છે. કાકાસાહેબનાં શબ્દોમાં, ‘તહેવારો આપણાં ભેરૂ છે’. દેશનાં અર્થકારણમાં તહેવારોનો મોટો ફાળો રહ્યો છે. ઉત્સવો રાષ્ટ્રનાં અર્થતંત્રની ધોરી નસ છે. જેમ કે વાયબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવે આર્થિક પાસાને મજબૂત બનાવી સીમાચિન્હ સ્થાપ્યું છે. વર્ષ દરમ્યાન ગુજરાતની પ્રજા અનેક મેળાઓ અને ઉત્સવોની ઉજવણી કરે છે. મેળાઓ સંસ્કૃતિનાં કલાત્મક વારસાનું પ્રતીક છે. પરંપરાગત વર્ણોની સંસ્કૃતિ અને રીતરિવાજ સાથે ઉજવાતાં ઉત્સવો ધર્મ, સંસ્કૃતિ અને રીતરિવાજોને જીવંત રાખે છે. ઉત્સવ અનુસાર ખોરાક અને વેશભૂષામાં વિવિધતા જોવા મળે છે.

જીવનને ઉર્ધ્વગમન તરફ લઇ જતું આધ્યાત્મિક પર્વ એટલે ચાતુર્માસ. શ્રાવણનાં સરવરિયા સાથે ઉત્સવોનો ઉત્સાહ સૌનાં હૈયાને આનંદની સરવી સુવાસથી તરબતર કરી દે છે, એ ક્યાં અજાણ્યું છે? વર્ષ દરમ્યાન તહેવારોનો ફાલ આવે છે અને જાય છે. મા સરસ્વતીની આરાધનાનું પર્વ એટલે વસંતપંચમી. આસ્થા અને આસ્તિકતાનું પર્વ, રંગોનો ઉત્સવ એટલે હોળી કે ફાગવા. દાન-દક્ષિણાનું પતંગનું પર્વ ઉતરાયણ, મહાદેવનો શિવરાત્રિ પર્વ, નૃત્ય અને ભક્તિનો સમન્વય એટલે મા શક્તિને રીઝવવા માટેની નવરાત્રિ. આસુરી શક્તિના વિનાશનું પર્વ દશેરા, વટસાવિત્રી, ગુડીપડવો, રથયાત્રા, રક્ષાબંધન, જન્માષ્ટમી, દહીંહાંડી, હિંડોળા ઉત્સવ, ગણેશોત્સવ, રામનવમી, નાતલ, શ્રધ્ધાનું પર્વ ગુરૂપૂર્ણિમા, પ્રેમ, પ્રકાશ અને આનંદનું પર્વ એટલે દિવાળી, ક્ષમાપનાનું પર્વ એટલે પર્યુષણ, સ્વાતંત્ર્ય પર્વ ૧૫ ઓગસ્ટ, પ્રજાસત્તાક દિન, વગેરે ઉત્સવો લોકપ્રિય છે. પાકની વાવણી અને કાપણી સાથે એટલેકે ખેતી સાથે જોડાયેલાં તહેવારને હરેલા ઉત્સવ કહે છે. પોંગલ પણ પાક સાથે સંકળાયેલો ઉત્સવ છે. દરેક જાતિઓનાં મહાપુરુષોનાં જન્મદિવસ ઉત્સવરૂપે ઉજવાય છે. સ્નેહ પર્વ, અસ્મિતા પર્વ, કચ્છનો રણોત્સવ, નાટકોત્સવ, જ્ઞાનપર્વ વગેરે ઉત્સવો ઉજવાય છે. હમણાં દર વર્ષે ગુજરાતમાં ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ ઉજવાય છે. જેમાં લેખકો, કવિઓ, નાટ્યકારો, ગીતકારો, બ્લોગર્સ, સાહિત્યિક સર્જનાત્મકતાનો ઉપયોગ કરતાં અન્ય લોકો એકસાથે મળીને ઉજવણી કરે છે. આ ઉત્સવને અનેરૂ જ્ઞાનપર્વ કહી શકાય. આ ઉપરાંત જન્મોત્સવ, લગ્નોત્સવ, મરણોત્સવ લોકો ઉજવે છે.

જીવનને ઉત્સવની જેમ જીવો તો મૃત્યુ પણ ઉત્સવ બની જાય. ઉત્સવો માનવજીવનને જીવવા યોગ્ય એક અમૃતતત્વ અને સંજીવનીનું કામ કરે છે. તે નથી જોતો નાત કે જાત. ગરીબ હોય કે તવંગર, ઉત્સવો આબાલવૃધ્ધ તમામ ઉજવે છે. કારણકે તે માનવની મૂળ પ્રકૃતિ સત્‍, ચિત, આનંદ લઇને આવે છે. માનવજીવનમાં ઉત્સવો ના હોત તો શું થાત? માનવ અને પશુમાં કોઇ ફેર જ ના રહે. માનવ સામાજીક પ્રાણી છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે, ‘उत्सव प्रियाः खलु मानवाः।’ જેમ કહેવાય છે ‘પીનેવાલોં કો પીનેકા બહાના ચાહિયે’, એમ ‘જીનેકા બહાના ચાહિયે’. લોકોને ઉત્સવ ઉજવવાનું બહાનુ જોઇએ છે. રોજિંદા જીવનમાંથી મુક્તિ મેળવવા માટેનો ઓક્સીજન સીલીન્ડર એટલે ઉત્સવો. ઉત્સવો ક્લીન્સીંગનું કામ કરે છે. જૂનાં વિચારોનો ગાર્બેજ સાફ કરીને સ્વચ્છ આકાશ હ્રદયમાં ભરી દે છે. નકારાત્મકતાને સાફ કરી નવા જીવન માટે માનવ હકારાત્મક બની જઇને જીવવા તૈયાર થઇ જાય છે.

ખાસ કરીને પરદેશમાં વસતા હિન્દુઓ માટે ઉત્સવો જીવન જીવવાની જડીબુટ્ટી સાબિત થાય છે. મંદિર, હવેલી કે દેરાસરમાં વાર તહેવારે ઉજવાતા ઉત્સવોની હારમાળા ભારતીયોને તેમનાં મૂળ સાથે પકડી રાખે છે જેનાથી તેઓનું જીવન હર્યુંભર્યું, તરોતાજા રહે છે. સમય બદલાતાં ઉત્સવોની ઉજવણીની રીતો બદલાય છે તે આવકાર્ય છે પરંતુ ધર્મનાં મૂળભૂત મૂલ્યો જળવાઇ રહે તે એટલું જ જરૂરી છે. ઉત્સવોની સાત્વિકતા, પવિત્રતા અને પરંપરા જળવાઇ રહેવી જોઇએ બાકી ઉત્સવ વગરનાં માણસની કલ્પના જ ન થઇ શકે. પોતાનાં મૃત્યુ પહેલાં પોતાનાં મરણને ઉત્સવ ગણીને ઉજવે તે આજનો માનવ.

૪૬ – શબ્દના સથવારે – નાથ – કલ્પના રઘુ

નાથ

નાથ એટલે સ્વામી, પતિ, ધણી, ભરથાર, માલિક, શેઠ, રાજા, રક્ષક, વડીલ, મુરબ્બી, ગોસાંઇ, સંન્યાસી તેમજ અતીત બાવાની એક અટક, ગોરખનાથનાં સંપ્રદાયનો સાધુ, આ પંથનાં સાધુ કાનફટા હોય છે, બળદ વગેરેને નાકમાં કાણું પાડી નાંખવામાં આવતી દોરી, અંકુશ, ઇશ્વર, શિવ, ઉપરી, અધિપતિ, ગણપતિ, નવસૂચક સાંકેતિક શબ્દ, નથ, નાકની વાળી, વેસર, ચૂની, ચૂક, જમીનનું ધોવાણ રોકવા બંધાતી પાળ એટલે નાથ બાંધવી, મત્સેન્દ્રનાથનાં અનુયાયી યોગીઓની એ નામની ઉપાધિ, ગોરખપંથી સાધુની એક પદવી, સર્પ પાળનાર તથા નચાવનાર એક જાતનો મદારી. અંગ્રેજીમાં નાથ એટલે ‘Master’, ‘Husband’, ‘a name of Shiva’, ‘a class of Yogis’, ‘nose-ring’ (ornament of woman), ‘nose-string of bullock’, ‘bund or embankment made on land to stop erosion of soil’.

સંસ્કૃત ભાષામાં ‘નાથ’ શબ્દનો અર્થ થાય છે, સ્વામિ, પતિ, ભગવાન, શરણ, વગેરે. ‘હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ, શરણ મળે સાચું તમારૂં એ હ્રદયથી માંગીએ’. આ ભજન પ્રચલિત છે. શામળિયા માટે ભક્તજનો નાથ શબ્દનો ઉપયોગ કરીને શરણે જાય છે. રથયાત્રામાં ચૌદલોકનો નાથ, જગતનો નાથ એટલેકે જગન્નાથ ભગવાન રથમાં બેસી નગરચર્યાએ નીકળે છે. નાથ શબ્દની વ્યુત્પત્તિ માટે ‘ના’ અનાદિ રૂપનું પ્રતીક છે અને ‘થ’ સ્થાપના અથવા ત્રિભુવનનું પ્રતિક છે.

નાથપંથ ભારત તથા નેપાળ જેવાં હિન્દુ રાષ્ટ્રોમાં આજે પણ પ્રચલિત છે. દેશના વિવિધ સ્થળોએ નાથ સંપ્રદાયનાં યોગીઓ જોવા મળે છે. પ્રશ્ન થાય, આ સંપ્રદાય શા માટે શરૂ થયો? કહેવાય છે કલિયુગનો આરંભ થતાંજ મૃત્યુ લોકનાં માનવીઓમાં વધતાં પાપો, દુઃખ અને દારિદ્ર મિટાવવા તેમજ સાત્વિક પ્રકૃતિનું નિર્માણ કરવા આદિદેવોએ શંકર ભગવાનને સ્તુતિ કરી. ભોલાનાથે, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન સાથે મળીને આસુરી પ્રકૃતિનો નાશ કરવા નવ નારાયણોને બોલાવ્યાં. પરંતુ તેઓએ કહ્યું, ‘પૃથ્વીલોક પર અવતાર લેવાં માટે હજુ ૨ બ્રહ્મવર્ષની રાહ જોવી પડશે’ તેથી નક્કી થયું કે નવ નારાયણોએ અયોનિ જન્મ લઇ પૃથ્વી પર અવતરણ કરવું. આ નવનાથનાં ગુરુ તરીકે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ ત્રણેયે એક સ્વરૂપે ગુરુ દત્તાત્રેય તરીકે અવતાર લીધો જે નાથ સંપ્રદાયનાં ગુરુ તરીકે પૂજાયા અને તેનાં સંસ્થાપક ભગવાન શંકરને માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીનાં નાકમાં પરોવાતી નથનું અનોખું મહત્વ છે. સોનું, ચાંદી, હીરા, મોતી, મેટલની વાળીથી કે કિંમતી રત્નોથી નથ બનાવવામાં આવે છે. સ્ટડસ, રીંગ, ક્લીપઓન્સ, નથણી, વગેરે સ્ટાઇલમાં નથ મળે છે. ઉત્તર ભારતમાં મોટી નથ પહેરાય છે. જ્યારે દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ ત્રણ નથ પહેરે છે. આમ સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી આ ટ્રેડીશનલ નથ ફેશન બની ગઇ છે.

નવોઢાનાં સોળ શણગારમાં નથનો સમાવેશ થાય છે. નથને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો કે અપરિણીત પણ નથ પહેરે છે. ૧૬ વર્ષની ઉંમરે યુવતીને નાકમાં કાણું પડાવે છે. ઍક્યુપંક્ચર પ્રમાણે સ્ત્રીનાં ડાબા નસકોરાંમાં કાણું પાડવામાં આવે છે જે સ્ત્રીનાં પ્રજનન અંગો સાથે જોડાયેલું છે. તે માસિક દરમ્યાન થતો દુઃખાવો ઘટાડે છે અને બાળકનાં જન્મમાં મદદરૂપ થાય છે. ભારતમાં દેવી પાર્વતીને માન આપવા માટે નથ પહેરાવવાની પ્રથા છે. પૂર્વ ભારતમાં એવી માન્યતા છે કે પત્ની સીધો શ્વાસ લે તો એનાં પતિનાં આરોગ્ય પર અસર થાય છે અને નથ પહેરીને શ્વાસ લે તો પતિ પર ખરાબ અસર ના થાય. આમ અલગ અલગ માન્યતા કે રિવાજને કારણે, તંદુરસ્તી કે ફેશન માટે કે ધાર્મિક કારણોસર સ્ત્રીને નથ પહેરાવવામાં આવે છે. નવવધૂને નથ પહેરાવવામાં આવે છે અને વિધવા બને ત્યારે નથ કાઢી લેવામાં આવે છે.

નાથવું એટલે કાબૂમાં લાવવું. જે શક્તિ માટે વપરાય છે. જો શક્તિને અંકુશમાં ન રખાય તો વિનાશ સર્જે છે. જેમ નદીને નાથવા માટે ઉપર બંધ બાંધવામાં આવે છે, બળદને નાકમાં કાણું પાડી દોરડી પરોવીને અંકુશમાં રાખવામાં આવે છે. તેને નથ નાંખવી કહેવાય જેને કારણે તે સારી રીતે બેસી કે હરીફરી શકે નહીં. આ એક પ્રકારની ક્રૂરતા કહેવાય.

આર્ય સંસ્કૃતિમાં પતિને નાથ કહેવામાં આવે છે. નાથ, સ્વામિત્વ કે દાસત્વની ભાવના સૂચવે છે. પરંતુ આજે જ્યારે, સ્ત્રી સમાનતાની ભાવના વિકસી રહી છે ત્યારે આ વ્યાખ્યાઓ પુરાણોમાં જ રહી જશે. સ્ત્રી, સ્વામિની બનીને રહી જાય તો નવાઇ નથી. પરંતુ જેનો કોઇ નાથ ના હોય, ધણી ના હોય, કોઇ આધાર ના હોય, સહારો ના હોય તેને અનાથ કહેવાય છે. પરંતુ અનાથોનો નાથ એક માત્ર ઇશ્વર હોય છે જે માનવના ઘટમાં વાસ કરે છે, શ્રીનાથજી …

૪૫ – શબ્દના સથવારે – ચાદર – કલ્પના રઘુ

ચાદર

ચાદર એટલે ઓછાડ, સ્ત્રીઓનો સાડી ઉપરનો ઓઢો, પિછોડી, ધોળાં કપડાંનો પાંચ-સાત હાથ લાંબો કટકો, ચોફાળ, પલંગપોશ, કબર પર કે મડદાંને ઓઢાડવાનું કપડું, નદી કે પહાડનાં નીચાણવાળા સપાટ ભાગ ઉપરથી થોડાં તરત નીચેનાં ભાગ ઉપર પડતો પાણીનો પથરાયેલો વિસ્તાર, ધોધનાં આકારની એક આતશબાજી (જ્વાળા), એક પ્રકારની પુરાતની તોપ, ઉપર ઘી ચૂરમામાં નાંખેલ ખાંડ અથવા સાકરનો ભૂકો, ગોળીનો વરસાદ, ચાદરપાટ, દેવતા અથવા પૂજાસ્થાન ઉપર ચડાવવામાં આવતો ફૂલોનો સમૂહ, ફૂલ ગૂંથીને બનાવાતી ચાદર, લોઢાનું પતરું વગેરે. અંગ્રેજીમાં ‘bed-sheet’, ‘counterpane’, ‘coverlet’, ‘covering mattress’, ‘sheet for covering oneself’, ‘for covering a dead body’, ‘iron sheet’.

ચોમાસામાં મેધરાજાની મહેરથી મા ધરતી પણ હરિયાળી ચાદર ઓઢે છે. વરસાદી, બરફની, ધુમ્મસની ચાદર જેવા શબ્દો વપરાય છે. ચાદર શિયાળામાં ઠંડીથી, મચ્છરોનાં ત્રાસથી રક્ષણ કરે છે. મોટેભાગે હોટલોમાં કે ઘરમાં રાત્રે સફેદ રંગની ચાદર પાથરવામાં આવે છે કારણકે સફેદ રંગ આંખોને આરામ આપે છે તેમ જ તણાવને દૂર કરે છે અને ઉંઘ સારી આવે છે. નિષ્ણાતોનાં મત અનુસાર રોજ વપરાતી ચાદર બેક્ટેરીયા કે ફંગસનું ઘર બની જાય છે જે નરી આંખે જોઇ શકાતું નથી માટે એલર્જી, અસ્થમા કે ત્વચાનાં રોગોથી બચવા માટે ચાદર નિયમીત ધોવાવી જોઇએ.

અકબર બીરબલની એક બોધકથા છે, ‘સવા ગજની ચાદર’. અક્બરે સવા ગજની ચાદર તૈયાર કરાવી. તેનાં હજૂરીયાઓને કહ્યું કે, ‘મને આ ચાદર એવી રીતે ઓઢાડી દો કે મારું આખું શરીર ઢંકાઇ જાય’. અને તે સૂઇ ગયો. સૌએ યુક્તિઓ કરી. પરંતુ ચાદર પગ તરફ ખેંચે તો મોઢું ખુલ્લું રહે અને મોઢા તરફ ખેંચે તો પગ ખુલ્લાં રહે. આખરે બીરબલને બોલાવ્યો. બીરબલે અકબરનાં પગ બેવડા વાળીને ચાદર ઓઢાડી દીધી. આખું અંગ ઢંકાઇ ગયું. બીરબલે કહ્યું, ‘હજૂર! લાંબા પગે ટૂંકી ચાદર ઓઢાય? પગ જોઇને પાથરણું તાણવું જોઇએ’. કદાચ આ પ્રસંગ પરથી આ કહેવત બની હશે. ‘ચાદર પ્રમાણે સોડ તાણો’. આનો એવો પણ અર્થ થાય કે માણસે આવક પ્રમાણે ખર્ચ કરવો જોઇએ તેમજ ક્ષમતા પ્રમાણે કામ કરવું જોઇએ.

સૂફી સંતની દરગાહ પર લોકો ચાદર ચઢાવતા હોય છે, ક્યારેક કપડાંની તો ક્યારેક ફૂલોની. સંતોનાં કહેવા મુજબ આમ જોઇએ તો આ શરીર શું છે? હાડ-માંસ, લોહી-પરુથી બનેલું પોટલું. દરેક માણસનું સરખું જ છે. માત્ર બહાર સફેદ કે કાળી કે રેશમી ચાદરથી લપેટાયેલું હોય છે. જો ચાદર ના હોય તો ચિતરી ચઢે.

આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવીટી પહેલાં વૈજ્ઞાનિકો માનતાં હતા કે ગ્રહો, તારાઓ અને બીજાં પદાર્થો બ્રહ્માંડમાં તરી રહ્યાં છે જ્યારે આઇન્સ્ટાઇનનું માનવું હતું કે તે એક ચાદર ઉપર રહેલાં છે. ૨૦૧૧માં નાસાએ જાહેર કર્યું કે બ્રહ્માંડની ચાદર ખરેખર જ મરોડાઇ હતી. મતબલ સાચેજ બ્રહ્માંડ ચાદર જેવું લચીલું છે. આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે તેમાં તાણા વાણાં છે જેને વિજ્ઞાનીઓ વર્લ્ડલાઇન કહે છે.

ચાદરની વાત આવે એટલે ૧૫મી સદીમાં થઇ ગયેલ સંત કબીરજી યાદ આવ્યાં વગર ના રહે. કબીરજી જૂલાહા એટલે કે વણકર હતાં. ચાદર વણતાં વણતાં, ચાદરને મનુષ્ય શરીર અને આત્માનાં પ્રતીક બનાવીને તેમણે ઉત્તમ વાતો વણી છે. શ્વાસ અને ઉચ્છવાસનાં તાણાંવાણાંથી આ જીવનરૂપી ચાદર વણાય છે. એમનાં ખૂબ જાણીતાં ભજનને યાદ કરીએ,

ચદરિયા ઝીની રે ઝીની યે રામ નામ રસભીની…

અષ્ટ કમલકા ચરખા બનાયા, પાંચ તત્ત્વકી પુની,

નૌ દસ માસ બુનન કો લાગે, મૂરખ મૈલી કીની …

જબ મોરી ચાદર બન ઘર આયી, રંગરેજ કો દીની,

ઐસા રંગ રંગા રંગરેજને, લાલેં લાલ કર દીની …

ચાદર ઓઢ શંકા મત કરીઓ, યે દો દિન તુમકો દીની,

મૂરખ લોગ ભેદ નહીં જાને, દિન દિન મૈલી કીની …

ધ્રુવ પ્રહ્‌લાદ સુદામાને ઓઢી, શુકદેવને નિર્મલ કીની,

દાસ કબીરને ઐસી ઓઢી, જ્યું કી ત્યું ધર દીની …

તેઓએ કહ્યું છે, ‘વણકરે ચાદર તો સરસ બારીક વણી છે પણ એ ચાદરને દેવ-માનવ-મુનિ સહુ ઓઢીને મેલી કરી નાંખે છે’. કબીરે પોતાનાં દેહરૂપી ચાદરને વિકારોથી મલિન થવા દીધી નહોતી. પરમાત્માએ જે શુધ્ધ અને નિર્મળ દેહરૂપી ચાદર આપી હતી તેવીને તેવીજ મૃત્યુ સમયે પરમાત્માને ચરણે ધરી.

આધુનિક યુવા કવિ અનિલ ચાવડાએ પોતાનાં કાવ્યમાં ખૂબ ઊંચી વાત લખી છે.

‘શ્વાસ નામની સીમેન્ટ લઇને જીવન ચણવા બેઠા,

અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા’.

મૃત્યુ બાદ ઓઢાડેલા કફનમાં ખીસ્સું હોતું નથી માટે માનવે ‘ચાદર’ શબ્દ દ્વારા આ જીવનલક્ષી અધ્યાત્મવાદી વાત સમજવી જ રહી.

૪૪ – શબ્દના સથવારે – રાખ – કલ્પના રઘુ

રાખ

રાખ એટલે રખાત, ઉપપત્ની, ઉપનાયિકા, વાની, વસ્તુ બળી ગયા પછી વધતો ભૂકો અથવા અવશેષ, ખાખ, ભસ્મ, રાખોડી, રખ્યા, ધૂળ જેવું કોઇપણ તુચ્છ દ્રવ્ય, કિંમત વગરની નિર્માલ્ય ચીજ કે વસ્તુ, રહેવા દે, ફોગટ. અંગ્રેજીમાં ‘ashes’, ‘worthless things’.

ભસ્મને રાખ કહેવાય છે. પરંતુ યજ્ઞની કે મંત્રેલી રાખને, વિભૂતિને કે ભભૂતને ભસ્મ કહેવાય છે. આયુર્વેદમાં વૈદ્ય દ્વારા રસાયનપ્રયોગથી બનાવેલ ધાતુઓ વગેરેની ખાખ, મારેલી ધાતુ જે ઔષધિમાં વપરાય છે તેને ધાતુની ભસ્મ કહે છે. મોરપંખ, પરવાળા, તામ્ર, લોહ, સુવર્ણ, પારા, હીરામોતી, એમ જુદીજુદી ભસ્મો જુદીજુદી માત્રા દ્વારા ઔષધ તરીકે વપરાય છે. પહેલાં લોકો રાખથી વાસણ માંજતાં હતાં.

શૈવ સંપ્રદાયવાળા માને છે કે, ગાયનું છાણ અધ્ધરથી જ ઝીલી લઇ તેનાં છાણાં કરી તેને અભિમંત્રીત કરીને બાળવામાં આવે તે ગોમયની ભસ્મ પૌષ્ટિક અને કામદ કહેવાય છે માટે તેને રક્ષા કહેવાય છે. આયુષ્યની, ધનની, સંતાનની, મોક્ષની ઇચ્છાવાળાઓએ આ ભસ્મ ધારણ કરવી જોઇએ. આખે શરીરે વિભૂતિ ચોળવી, એ ભસ્મસ્નાન કહેવાય છે. ભસ્મને શુધ્ધ કર્યા પછી ત્ર્યંબકં વગેરે મંત્રોથી તેને ચોળવી અને પછી નમઃ શિવાય એ મંત્રથી કપાળ, કંઠ, બાહુ, હ્રદય, પડખાં, સાથળ વગેરે અવયવો પર ધારણ કરવી તેથી શુધ્ધ બ્રાહ્મણપણું પ્રાપ્ત થઇ શકે છે. તેનાથી શિવસ્વરૂપ ઓળખી શકાય છે અને મહાદેવ પ્રસન્ન રહે છે એવી માન્યતા છે. યજ્ઞમાં આહૂતિ આપેલી સમિધ અને ઘી હોમીને જે ભાગ શેષ રહે છે તેને ભસ્મ કહે છે. રાખ શબ્દ સાથે પવિત્રતા ભળે ત્યારે તે ભસ્મ, વિભૂતિ કે ઉદી તરીકે ઓળખાય છે.

સાઇબાબાની દિવ્ય ઉદીના પ્રસાદનાં ચમત્કારો ખૂબ જાણીતા છે. અસલમાં બાબા લાકડાં ધૂણીમાં નાંખતા, તેને દિન-રાત જલતી રાખતાં. આ ધૂણીની અગ્નિની રાખને પોતે ઉદી કહેતાં. ઉદી દ્વારા બાબા બોધ દેતાં હતાં કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. વિશ્વનું આ બહાર દેખાતું સ્વરૂપ રાખ જેવું ક્ષણિક છે. પંચતત્વનું બનેલું આ શરીર સઘળા ભોગ ભોગવ્યા પછી પડી જશે અને તેની રાખ થઇ જશે એ સ્મરણમાં રાખવા ખાતર જ બાબા ભક્તોમાં ઉદી વહેંચતા. આ ઉદીની રાખ આજે પણ શીરડીમાં વહેંચાય છે જેનાથી શારીરિક તેમજ માનસિક રોગો તેમજ અન્ય પ્રકારનાં પ્રશ્નોનું નિરાકરણ સહજ રીતે થાય છે. પહેલાં કપાળ પર પછી ગળા પર લગાવીને તેનું ભક્ષણ કરવું, આ ઉદી લગાડવાની પધ્ધતિ છે. બાબા કહેતાં હતાં કે જ્યારે હું મારા શરીરને છોડીને ચાલ્યો જઇશ ત્યારે પણ હું ભક્તોની કામના પૂર્ણ કરવા માટે અવશ્ય આવીશ.

હોળીની ભસ્મ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઉપયોગી છે. તેને વિધિસર રીતે કરવાથી તમારાં દુર્ગુણો દૂર થઇ સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય છે. હોળી પ્રાગટ્ય વખતે પંચતત્વો તેમાં સંકળાયેલા હોય છે. પૃથ્વી તત્વ એટલે જમીન ઉપર જ લાકડાથી હોળી પ્રગટે છે, અગ્નિ તત્વ એટલે હોળીનું પ્રાગટ્ય થાય છે, વાયુ તત્વ એટલે પવનની દિશા મુજબ વરતારો કરવામાં આવે છે અને જળ સાથે પ્રદક્ષિણા કરવામાં આવે છે એટલે જળ તત્વ જોડાયેલુ છે અને આકાશમાં રહેલાં દેવોનું સ્મરણ પ્રદક્ષિણા દરમ્યાન કરતાં ધૂણી આકાશમાં જાય છે આમ પાંચ તત્વોથી બનેલી હોળીની ભસ્મ ખૂબજ પવિત્ર ગણાય છે.

ભગવાન શિવનું મહાકાલ સ્વરૂપ ઉજ્જૈનમાં બિરાજમાન છે. તેમની ૬ આરતીઓમાં સવારે ૪ વાગે થતી ભસ્મ આરતી ખાસ છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીનકાળમાં દૂષણ નામના રાક્ષસને ઉજ્જૈનમાં શિવે ભસ્મ કર્યો હતો અને તે રાખથી તેમણે પોતાનાં પર શ્રૃગાંર કર્યો હતો ત્યારથી ભગવાન શિવ ત્યાં નિરાકાર શિવલિંગ સ્વરૂપે વસે છે અને તેમની ભસ્મથી આરતી થાય છે. અહીં સ્મશાનમાં સળગતી સવારની પહેલી ચિતાની ભસ્મથી ભગવાન શિવનો શ્રૃગાંર કરવામાં આવે છે. શિવમહાપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ ભાલમાં નિત્ય ભસ્મનું ત્રિપુંડ અથવા તો તિલક કરે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. યજ્ઞકુંડની ભસ્મનું નિત્ય તિલક કરવાથી જીવન મંગલમય બને છે. શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. રાખ દ્વારા તેઓ સંદેશ આપે છે કે આ ભસ્મની જેમ આપણું શરીર એક દિવસ માટીમાં ભળી વિલિન થઇ જશે માટે નશ્વર શરીર પર ગર્વ ના કરવો જોઇએ. રાખ માટે એક તર્ક એવો છે કે શિવજી કૈલાસ પર્વત પર નિવાસ કરે છે ત્યાં અતિશય ઠંડી હોય છે. ભસ્મ શરીરનાં આવરણનું કામ કરે છે જે ચામડીનાં છિદ્રો બંધ કરી દે છે જેથી સાધના કરનાર સંન્યાસીને ઠંડી કે ગરમી મહેસૂસ થતી નથી. અઘોરી તેમજ નાગા બાવા પણ શરીરે ભભૂત ચોળીને રહેતાં જોવા મળે છે.

કામદેવને ભસ્મ કરનાર શિવજી હતાં. શિવ ભસ્મને વૈભવ સમજે છે. આ પ્રકારનું જ્ઞાન માનવનાં તમામ દોષોને ભસ્મ કરે છે.અવિનાશ વ્યાસની એક રચના ખૂબ જાણીતી છે, જે સૂચવે છે, માનવ માત્ર રાખનાં રમકડાં છે જે મૃત્યુલોકની માટીમાંથી રામે બનાવ્યાં છે અને આ ધરતી પર રમતાં મૂક્યાં છે.

૪૩ – શબ્દના સથવારે – સારંગ – કલ્પના રઘુ

સારંગ

સારંગ એટલે વહાણનાં કપ્તાનનો મદદનીશ, વહાણનો મુખ્ય ટંડેલ કે ખલાસી, એક તંતુ વાદ્ય, વિષ્ણુનું ધનુષ; શાંર્ગ, હાથી, મૃગ, એક રાગ કે છંદ, સિંહ, ઘોડો, મોર, ભમરો, મેઘ, વાદળ, અમૃત, આકાશ, કપૂર, કમળ, કાબરચીતરો રંગ, કામદેવ, કેશ, કોકિલ, ચંદન, સુખડ, ચંદ્ર, ચાતક, છત્ર, ઝાડ, તંબુરો, સિતાર, સારંગી, રત્ન, અલંકાર, સોનુ, હીરો, દિવો, દુષ્ટ વીંછી, દેડકો, પહાડ, પૃથ્વી, પ્રકાશ, ફૂલ, બકરો, રાજહંસ, વસ્ત્ર, રાત, વાઘ, શંખ, શિવના હજાર માંહેનું એક નામ, એક જાતની માખી, મોટા માથાવાળી પીળા રંગની એક મધમાખી, આઘા, રંગબેરંગી. અંગ્રેજીમાં સારંગને ‘Assistant Captain of ship’, ‘a mode of music’, ‘metre in poetry’, ‘spotted deer’, ‘bow’, ‘the bow of Lord Vishnu’, ‘Elephant’, ‘Cuckoo’, ‘black bee’, ‘cloud’, ‘kind of musical’ instrument’ કહે છે. સારંગ શબ્દનો અર્થ સક્ષમ, સચેત, ખુશખુશાલ, નસીબદાર, ઉદાર, ગંભીર, સર્જનાત્મક, મૈત્રિપૂર્ણ, આધુનિક, સક્રિય, સ્વભાવગત એવો થાય છે.

હનુમત મત કૃષ્ણ મત અને ભરત મત અનુસાર સારંગ રાગ મેઘનો દીકરો છે એવું કહેવાય છે. સારંગના ૧૩ પ્રકાર છે. શુદ્ધ, બ્રિન્દાબની, બડહંસ, મલરહુન, સાવંત, ધુલિયા, ગૌડ, મધમાદ, ગુબરહારી, સોરઠી, બહારી, સૂર અને લૂર સારંગ. કેટલાંક કહે છે સારંગ એ દેવગિરિ, મલ્હાર અને નટનું મિશ્રણ છે. જ્યારે કોઇ મારવા અને મલ્હારનું મિશ્રણ કહે છે. રાગ સારંગ પર આધારિત ફિલ્મી ગીતો ખૂબ જાણીતા છે. ‘પદમાવત’ ફિલ્મનાં વખણાયેલા ઘુમર ડાન્સનું ગીત બ્રિન્દાબની અને મધમાદ સારંગ પર આધારિત છે. પુષ્ટિમાર્ગમાં હવેલી સંગીતનું ઘણું મહત્વ છે. કહેવાય છે કે ઠાકોરજી સંગીત, કીર્તન ગાન પછી જ બધી સેવા સ્વીકારે છે. એમાં મધ્યાહ્નકાળે કરવામાં આવતાં કિર્તન સારંગ, સૂર સારંગ, સાવંત સારંગ, શુદ્ધ સારંગ વગેરે રાગમાં થાય છે. મધ્યાહ્ને ૧૨થી સૂર્યાસ્ત સુધી રાગ સારંગ ગવાય છે. સારંગ બપોરનો રાગ છે પરંતુ શીતળતા આપતો આ રાગ બપોરનાં સમયે સૂરીલા શરબત જેવો લાગે છે. સૂરસેના, નરસિંહ, સૂરદાસજી વગેરેનાં પદોમાં શામળિયા માટે સારંગ રાગમાં, સારંગ નામનું ધનુષ ધારણ કરનાર સારંગપાણિનો ઉલ્લેખ જોવા મળે છે.

તામીલનાડુનાં કુંભકોણમાં આવેલું ‘સારંગપાણિ મંદીર’ ભગવાન વિષ્ણુનું સૌથી મોટું મંદિરોમાંનુ એક છે. સારંગ ધનુષની પૌરાણિક કથા છે. મહર્ષિ કણ્વએ ગાઢ આરણ્યમાં બ્રહ્માનું તપ આદર્યુ. આ ભયંકર તપમાં વર્ષો વીતી ગયાં. તેઓ એવાં સમાધિસ્થ થયાં કે તેમનાં શરીર પર ઉધઇએ રાફડો બનાવ્યો જેના પર એક વાંસ ઉગ્યો. આવા મહર્ષિની મૂર્ધા પર જે વાંસ ઉગે તે જેવો તેવો હોય નહીં. બ્રહ્માજી તેમના પર પ્રસન્ન થયાં. તે વાંસ કાપીને વિશ્વકર્મા કે જે ઓજારો અને સ્થાપત્યોનાં કારીગર કહેવાય તેમને આપ્યો. તેમણે એમાંથી ત્રણ ધનુષ્ય બનાવ્યાં. પિનાક, સારંગ અને ગાંડીવ. બ્રહ્માજીએ પિનાક શિવજીને આપ્યું જેથી શિવ ‘પિનાકપાણિ’ કહેવાયા. સારંગ ભગવાન વિષ્ણુને આપ્યું જેથી વિષ્ણુ ‘સારંગપાણિ’ કહેવાયા. અને ગાંડિવ જે છેવટે અર્જુનને મળ્યું. વિશ્વકર્માનાં ‘સારંગ’ ધનુષથી રામે દૈત્ય સંસ્કૃતિનો સંહાર કર્યો હતો.

આપણી માતૃભાષાની એક ખૂબી છે કે એકજ શબ્દનાં જુદાં જુદાં અર્થ થાય છે. સારંગ એટલે મોર, સારંગ એટલે સાપ અને સારંગ એટલે ચોમાસુ. મોર સાપને પકડે છે પરંતુ જો વરસાદ પડે અને મોર ગાવાનું શરુ કરે તો તેના મોંઢામાંથી સાપ પડી જાય. આ વાતને ડૉ. કિશોરકુમાર ભટ્ટે તેમની રચનામાં અદ્‍ભૂત રીતે મૂકી છે,

‘સારંગે સારંગ ગ્રહ્યો, સારંગ આવ્યો ઘાય,

જો મુખસે સારંગ કરે, તો પકડ્યો સારંગ જાય … ’