હાં રે દોસ્તત હાલો અમારે દેશ-6) મેઘાણી અને ગાંધી પ્રભાવ !

મેઘાણી અને ગાંધી પ્રભાવ !

આજથી લગભગ સો વર્ષ પહેલાં બે દાયકા પરદેશમાં રહ્યાં પછી ‘એ હાલોને જઈએ સ્વદેશ’ એમ બિસ્તરા પોટલાં લઈને સ્વદેશાગમન કરનાર અને સમગ્ર દેશ અને દુનિયામાં છવાઈ જનાર મોહનદાસ કરમચંદ ગાંધી પણ આ જ અરસામાં સ્વદેશ આવ્યા હતા ,જયારે ઝવેરચંદ મેઘાણી હજુ કોલેજમાં હતા ! પણ ગાંધી પ્રભાવ ઝવેરચંદ પર પડી ચુક્યો હતો.
માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર રાષ્ટ્ર પર એક વૈચારિક સુનામી આવી રહી હતી.. સદીઓથી ગુલામીમાં સબડતો દેશ , પહેલાં મુસલમાનોનું આક્રમણ અને પછી અંગ્રેજોના ભરડામાં ભિંસાઈ રહ્યો હતો .. ગરીબાઈ, અંધ શ્રદ્ધા અને અજ્ઞાન સાથે અશ્પ્રુશ્યતા અને ઉંચ નીચના વાડાઓથી દેશ પાયમાલ બની રહ્યો હતો .. અને આ બધું યુવાનીને ઉંબરે પહોંચેલો એ નવયુવાન ઝવેરચં અનુભવી રહ્યો હતો – પણ કાંઈક જુદી દ્રષ્ટિથી !

આમ તો છેલ્લાં બસ્સો વર્ષમાં કેટલાં બધાં સાહિત્યકારો થઇ ગયાં! પણ જે સમાજ અને સંજોગોએ મેઘાણીનું સાહિત્યકાર તરીકે વિશિષ્ટ રીતે ઘડતર કર્યું તે સમજવા આપણે અહીં પ્રયત્ન કરી રહ્યાં છીએ.
તદ્દન દૂરનાં ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણ લઈને મેઘાણી ભાવનગર કોલેજમાં આવ્યા ત્યારે ગાંધીજીનો પ્રભાવ પડવા માંડ્યો હતો.
ગાંધીજી ૧૯૧૩માં આવ્યા તે પહેલાં પણ વારંવાર દેશ આવતા.ગાંધીજીના અનુયાયી ઠક્કરબાપાના ભત્રીજા સાથે ઝવેરચંદ મેઘાણીને મૈત્રી ભાવ ! તેઓ ભાવનગરમાં અસ્પૃશ્ય સમાજના અંત્યજ બાળકો માટેની શાળામાં કામ કરતા.તેમની શાળાના એક કાર્યક્રમમાં ભાવનગર કોલેજના વિદ્યાર્થીઓને આમન્ત્રણ આપેલ . મેઘાણી ત્યાં ગયા અને એ અંત્યજ બાળકોને હાથેથી અપાયેલ પાન ,( બીજા બધાં કોલેજિયનોએ ખાધું નહીં ) પણ એમણે પ્રેમથી પાન ખાધું ! પણ જાણે કે સત્યાનાશ થઇ ગયો !! અસ્પ્રુશ્યના હાથનું પાન??
આ એ જમાનો હતો કે જયારે આભડછેટ અને અસ્પૃશ્યતાએ માઝા મૂકી હતી. મેઘાણીને પુરા બે વર્ષ કોલેજની હોસ્ટેલમાં જમતી વખતે જુદા બેસવું પડેલું ! કારણકે એણે એક દલિત બાળકના હાથે અપાયેલ પાન ખાધું હતું !! મને અહીં લખતાં પણ ત્રાસ થાય છે કે બીજે વર્ષે મેઘાણી બીજી હોસ્ટેલમાં ગયા , ત્યાંયે આ સિલસિલો ચાલુ રહેલો !! કેવો હતો એ ભદ્ર સમાજ !
કહેવાની જરૂર નથી કે ઝવેરચં મેઘણીને અંતરથી જ આવા દબાયેલા, પીડિત સમાજ માટે પહેલેથી જ અનુકંપા અને લાગણી હતાં!
આગળ ઉપર આપણે જોઈશું કે લોક સાહિત્યમાં આ દબાયેલ તરછોડાયેલ ઉપેક્ષિત લોકોની સારી નરસી વાતો એમણે કેવી રીતે લખી છે ..

દલિત વર્ગ માટેનો પક્ષપાત એ એમનાં પાત્રો દ્વારા દર્શાવે છે.
એક વાર્તામાં એ લખે છે:
‘ ગામમાં કટક આવ્યું, દરબારે મિયાણાઓને ભગાડ્યા, પણ પાણી જવાના બાકામાંથી એ લોકો પાછા ઘુસ્યા. દરબારને બેભાન કરી દીધા. ત્યાં (દલિત )કાનિયો ઝાંપડો નીકળ્યો. દરબારની તલવાર લઇ લીધી અને બાકોરામાંથી જેવા મિયાણા આવવા પ્રયત્ન કરે કે તલવાર વીંઝે. કંઈક મિયાણા મરાયા, દલિત કાનિયો પણ મરી ગયો.
પછી ડાયરો ભરાયો !
ચારણે દરબારની બહાદ્દુરીની પ્રસંશા કરી, ત્યારે દરબાર કહે, ‘ હેં કવિ, આ તમારી સરસતી પણ અભડાતી હશે ને?’
‘ બાપુ , એમ કેમ કહો છો ?’
‘ તો તમારા આ ગીતોમાં મારો કાનિયો કેમ નથી આવતો ,કે જેના થકી મારો જીવ બચ્યો હતો ?”
ને પછી તો ચારણે કાનિયાનું ગીત જોડ્યું અને ગાયું!
કેવો સુંદર વાર્તાનો અંત !
ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીના પ્રભાવમાં આવ્યા પછી લોકસાહિત્ય સંશોધનમાં જાણે કે બળ મળ્યું ! એમની પાસે બાળપણના અનુભવોનું ભાથું હતું અને કોલેજ જીવન દરમ્યાન લોક સાહિત્યનું મહત્વ પણ બીજા બધા દેશોના folklores લોક સાહિત્ય દ્વારા એમને સમજાયું હતું , પણ આ ઊંચ નીચ ને છૂટ અછુતનાં વાડાઓ ભેદવા કેવી રીતે ?
જે વાત એમને સુજ્ઞ સમાજને કરવી હતી તે ગાંધીજીના પ્રભાવ હેઠળ જોર શોરથી કહે છે

પ્રિય વાચક મિત્ર ,એ કાર્ય કેટલું કઠિન હતું તે સમજવા એ વખતના સાહિત્ય યુગ ઉપર નજર કરો
ગાંધી યુગ પહેલાંનો એ સાક્ષર યુગ હતો.
સાક્ષરયુગના સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાએ ટીકા કરેલી કે, ‘ બોલચાલની ભાષામાં સાહિત્ય ના લખાય , કારણ કે બોલચાલની ભાષા તો બોલી છે, એ બોલનારા સંસ્કારી નથી ,અસંસ્કારી છે.’
સાહિત્યકાર નાનાલાલ કવિએ (મેઘાણીના લોકસાહિત્ય જુવાળ બાદ ) બહાર પડેલી
પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માટે કહ્યું હતું, ‘ પટેલિયા અને ગાયંજાને ય સાહિત્યમાં મુકશો ? આ નવલકથાને બમ્બામાં નાખી દો!’
અને ગાંધી યુગના અગ્રેસર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પણ લોકસાહિત્યની અવગણના કરી હતી…
જો કે ઝવેરચંદ મેઘાણી તો કોઈ અલગ પ્રકૃતિના માનવી હતા. એમણે દુનિયા જોઈ હતી .એમની પાસે કલકત્તાના નિવાસ દરમ્યાનનું બંગાળી સાહિત્યનું જ્ઞાન પણ હતું.

ઈન્દુકુમાર જાની( નયા માર્ગ – પાક્ષિકના તંત્રી ) લખે છે ; “ આ સાહિત્યકારોને જવાબ વાળતા હોય તેમ શરદબાબુના પુસ્તક ‘દેવદાસ’ની ટીકામાં તેઓએ લખેલું કે ;”એ ( ભદ્ર) સમાજમાં આબરૂનું ચલણ પ્રેમના ચલણ કરતાંય વધારે !! નહીં તો , પારૂને દેવદાસ પાસે પહોંચાડે કેમ નહીં ? અને દેવદાસ પારૂને મળ્યા વિના રહે કેમ ?” અને એમ કહીને સુજ્ઞ સમાજ પર પ્રહાર અને નીચલા વર્ગ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે .

અને ‘ રાષ્ટ્રીય શાયરનું’ ગૌરવવંતુ ઉપનામ ગાંધીજી જેવી મહાન વિભૂતિ શું એમ ને એમ જ તો ના આપે ને ?

‘ઝવેરચંદ મેઘાણી સાથે વાચન યાત્રા’ ( સંપાદન મહેન્દ્દ મેઘાણી,૨૦૦૫) ના પુંઠા ઉપર) મનુભાઈ પંચોળી દર્શક ‘ સેતુ બંધ’ માં લખે છે :
મહાત્મા ગાંધી બહુ તોળી તોળીને શબ્દો વાપરતા તે આપણે બધાં જાણીએ છીએ. તેમને મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા. તો રાષ્ટ્રીય શાયરનો અર્થ શો ? શું રાષ્ટ્રનાં રણશિંગા ફૂંકે એનું નામ રાષ્ટ્રીય શાયર?જો એવું હોય તો રાષ્ટ્રનાં ગીતો ગાનાર કોઈ કવિઓ નહોતા અને મેઘાણીએ ‘ સિંધૂડો’ વગેરે ગીતો ગાયાં એવું તો ગાંધીજીના મનમાં ના જ હોય.
ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રનાં જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર.
‘ હે જી ભેદયુંની ભીંત્યુંને આજ મારે ભાંગવી ,
મનડાની આખરી ઉમેદ !
આ જે ઉમેદ હતી તે ગાંધીજી પારખી ગયેલા. ગાંધી પ્રવાહ હેઠળ લોકો દલિત વર્ગ તરફ નજર કરતાં થયા ( ઉપર પાન ખાવાનો પ્રસંગ મેં લખ્યો છે ) પણ વિચાર અપનાવવો એક વસ્તુ છે અને વિચારને રંગ રૂપ દેહ આપી બોલતો કરવો એ જુદી વાત છે. (દલિત વર્ગ માટે શાળા શરૂ કરી એ એક સારું કામ ખરું પણ એ બાળકોને અપનાવવા એ જ મહત્વનું ખરું કામ )મેઘાણીએ મહાત્મા ગાંધીનું આ કામ કર્યું છે. ગાંધીજીએ ભણેલ સમાજને લોકાભિમુખ થવા પ્રેર્યા, મેઘાણીએ એ મડદાં જેવા તરછોડાયેલને સજીવન કર્યા.અને એટલે જ તો એમને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૨૮ માં મળ્યો !

આ ગાંધી પ્રભાવ એમને એમના બીજા પત્ની ચિત્રદેવી સાથે કેવી રીતે મુલાકાત કરાવે છે એ વાત અને રાષ્ટ્રીય કવિની યશગાથા આવતે અંકે !

નવી કોલમ -“वाचिकं सर्व वाङ्ग्मयम “-નયનાબેન પટેલ

“આંગીકામ ભુવનમ યસ્ય વાચિકમ સર્વ વાંગ મયં
આહાર્યમ ચંદ્ર તારાદી તમનુંમહ સાત્વિકમ શિવમં”
       
મિત્રો.. ફરી એક વાર ‘બેઠક’ નવીન અભિગમ સાથે આપની સમક્ષ કથા પઠનનો પ્રયોગ રજુ કરશે આપણે આ પહેલા દીપા પટેલ દ્વારા અનેક વાચિકમ youtube પર મુક્યા હતા. તો હવેથી દર રવિવારે નયનાબેન પટેલ લંડનથી કથા પઠન કરતી “वाचिकं सर्व वाङ्ग्मयम “કોલમ ચલાવશે. જેમાં પોતાની સ્વ રચિત વાર્તાઓ સાથે બીજા લેખકની શ્રેષ્ઠ વાર્તા પણ સુંદર રીતે પઠન કરીને મુકશે આપ સૌએ જેટલાં પ્રેમથી બીજી કોલમ વધાવી એટલાં જ પ્રેમથી આ નવા પ્રયત્નને પણ વધાવશો.
       નયના બેનના પરિચયમાં ઘણું કહેવાનું થાય ,યુ.કે.ના સમાચારપત્રમાં સાપ્તાહિક ધારાવાહી ’કેડી ઝંખે ચરણ’નાં લેખિકા નયનાબેન પટેલ હાલ લંડનમાં રહે છે. ૧૯૪૭માં ભારતમાં જન્મ અને ઉછેર પામી તથા ગુજરાતી વિષયમાં બી.એ. કરીને ૧૯૬૮માં પતિને પગલે ઇંગ્લૅન્ડ સ્થાયી થયાં. પરદેશમાં રહીને દેશના ઝુરાપાની પોટલીમાં પોતાના અને અન્યોના અગણિત અનુભવોને સમેટતાં રહ્યાં, જે પ્રતિબિંબિત કરવા માટે તેમણે કલમ ઉપાડી અને પ્રથમ વાર્તા આકાર પામી- ‘આરંભ કે અંત ?’ અને યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રથમ વાર્તાહરીફાઈમાં દ્વિતીય સ્થાન પામી. ત્યારપછી એમની કલમે કાંઈ કેટલીય લાગણીઓને શબ્દદેહ આપવા માંડ્યો અને લખાઈ ટૂંકી વાર્તાઓ : ‘રીડ ગુજરાતી’ની ૨૦૧૧ની વાર્તા હરીફાઈમાં પ્રથમ આવી-‘ડૂસકાંની દીવાલ’, પછી ‘મોનિટર’ મેગેઝિનમાં પ્રગટ થઈ ‘કોણ ન્યાય કરે અને કોને’- ૨૦૧૨, ‘ભીષ્મ થવું પડ્યું’- ત્યારબાદ ૨૦૧૨માં ‘સંદેશ’માં, ૨૦૧૩માં ‘પીળાં આંસુની પોટલી’ પ્રગટ થઈ ‘ફીલીંગ્સ’ મેગેઝિનમાં; અને હવે આપ સમક્ષ આવી રહી છે, ‘આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે ?’.૨૦૧૪થી એમણે રેડિયો પર પોતાની પ્રસ્તુતિની શરૂઆત કરી,વર્ષા અડાલજની “મારે પણ એક ઘર હોય”, કિશોરલાલ મશરૂવાળાની ‘ગીતા ધ્વીવની’અને “ડોક્ટરની ડાયરી” જેવી અનેક નવલકથા પઠન કરી અને લોકપ્રિયતા પણ મળી.સંસ્કાર રેડિયો પર આજે પણ પ્રસારણ કરી રહ્યા છે.  
      હું એમને મળી ત્યારે એક સરળ સાદું વ્યક્તિત્વ જોઇને અંજાઈ હતી. કોઈ પણ જાતના પ્રયન્ત વગર લખવું અને પ્રસિદ્ધિ પામ્યા માત્ર કલમના બળ પર. અવાજ પણ એવો જ સરસ અને વાર્તાની રજૂઆત -પ્રસ્તુતિ પણ ઘણી સુંદર. એમણે લંડનના રેડિયો પર પોતાની વાર્તાની રજૂઆત કરી છે. અભિનયનું પહેલુ ચરણ છે વાચિકમ – સ્‍વર અભિનય-નાટ્યાત્મક પઠન,શબ્દો કઈ રીતે, કયા ટોનમાં, કેટલા ઊંચા કે નીચા સ્વરમાં બોલાવા, માત્ર બોલવાની જ કલા નહિ, બલકે સાંભળવાની પણ કલા છે. એક માયાવી વાર્તા એને કહી શકાય તેનો અંત જ રસપ્રદ હોય અને અંતથી જ વાચકોના મનમાં નવી વાર્તાનો જન્મ થતો હોય છે. આ અનુભવ મેં જયારે નયનાબેનને સાંભળ્યા ત્યારે થયો હતો.અન્યની સંવેદનાઓને ઝીલી અને પ્રસ્તુત કરવી એમનું સબળ પાસું છે.અને માટે જ આ કોલમ એમને સોંપતા આનંદ સાથે ગૌરવ અનુભવું છું.
        વિસરાતી ગુજરાતી ભાષાને વાચા આપવાનો આ ‘બેઠક’નો એક નમ્ર પ્રયત્ન છે.આપણી માતૃભાષા એ વાંચવા, લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ સાંભળવાથી સમજણના અને વિચારોના મૂળ સુધી પહોંચે છે.’બેઠક’નો હેતુ વાર્તાને સાંભળી શકાય,તેને માણી શકાય અને એ રીતે તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી સાહિત્‍યનાં ક્ષેત્રનું પણ આ ઉત્તમ કામ કરવાનો છે.જેમાં નયનાબેનની સહાયતાથી આપણા યજ્ઞને બળ મળ્યું છે માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે.નયનાબેન ‘બેઠક’માં તમારું સ્વાગત છે બધા સર્જકો અને વાચકો પણ આપની કોલમને આવકારે છે.

   ‘બેઠક’ આપણું ગુજરાતીપણું છે અને આપણું ગુજરાતી હોવાનું ગૌરવ વધારે છે.આપણા સર્જકોને પ્રોત્સાહન આપવાની જવાબદારી સર્વે ગુજરાતી વાચકોની છે.નયનાબેન ‘બેઠક’ આપની કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.

પ્રજ્ઞા  દાદ્ભાવાળા– નિમિત્ત

તેવા આદરણીય સાહિત્યકાર મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.

ભગવતીકુમાર શર્મા, સુરત માટે આ નામ જ કાફી છે.પણ  તેમને ભાવભરી અંજલિ આપતા  કહીશ કે સુરત અને સમગ્ર સાહિત્યજગતના આકાશમાં તારાની જેમ નહીં પરંતુ સૂરજની જેમ ઝળહળતા ભગવતીકુમાર શર્માના પવિત્ર આત્માએ આજે તા.5મી સપ્ટેમ્બરના વહેલી સવારે 6 વાગ્યે પોતાનો દેહત્યાગ કર્યો છે.તેમનું સાહિત્ય ક્ષેત્રે માતબર પ્રદાન સદાય સ્મરણીય રહેશે।
 શબ્દબ્રહ્મના ઉપાસક તેઓ  સાહિત્યના પ્રાણવાયુથી જીવતા અને અન્યને ચેતનવંતા કરતા તેઓ મારી જેમ અનેકના પ્રેરણાસ્તોત્ર હતા.
મારી   મુ.ભગવતીકુમાર શર્મા સાથેની મુલાકાતોએ એક પથદર્શકન -ગુરુનું કામ પ્રેમથી કર્યું હતું.તેઓ સદેવ મારા વંદનીય  રહ્યા છે.
તેમની સાથેની કેટલીક યાદો આજે વેદનાસભર હૈયે કહીશ.

જેમણે મારા જીવનને સર્જનાત્મક માર્ગે પથદર્શન કરાવ્યું તેવા આદરણીય સાહિત્યકાર

મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.સુરતથી હું દસ હજાર માઈલ દૂર બેઠી છું,પણ તેમના લાગણીભર્યા સહકારથી મારી  લેખિનીમાં હમેશા બળ પૂરાયું છે.પરોક્ષપણે તેમની નવલકથા ,વાર્તાઓ અને ગઝલોથી હું એમને જાણતી હતી.પણ

1975ની સાલમાં સુરતમાં મને પ્રથમ ભગવતીકુમાર શર્માનો પ્રત્યક્ષ પરિચય થયો.સાવલીના કવિમિત્રો પુરુરાજ જોષી અને જયદેવ શુક્લ દ્રારા તેમને મળવાનું થયું.સુરત મારા માટે અજાણ્યું શહેર હતું,કોલેજની નોકરી નવી હતી,પરંતુ તેમના મિલન પછી સુરત આજે પણ મારું પ્રિય શહેર છે.

સુરતમાં એનીબેસન્ટરોડ પર જયદેવ શુક્લ અને ભગવતીકુમાર શર્મા પાડોશી,ગુજરાત મિત્રના પત્રકાર,લેખક તરીકે તેમને સૌ ઓળખે.એમના ત્રણ માળના મકાનના ત્રીજા માળે સાહિત્યગોષ્ઠી થાય.મારા જેવા નવોદિતોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અનાયાસ ત્યાં મળે,વાર્તા,કવિતા,લેખો સૌનું વાંચન થાય,સૌની રચનાઓને તેઓ હદયપૂર્વક માણે,સાંભળે.તેમનો પ્રતિભાવ તેમના સન્વેદનશીલ ચહેરાના હાવભાવથી કે એકાદ હુકારાથી ખબર પડે.તેમની અનેક ગઝલો અને કાવ્યોનો રસાસ્વાદ થાય,તેઓ પ્રતિષ્ઠિત અને નામી સર્જક પણ અમારી રચનાઓને પોંખે ,અમે પોરસાઈએ,અમારી સર્જનશક્તિને સઁકોરે. આકાશમાં ઉદિતમાન સૂર્ય તેની અજવાળાની અંગુલિથી પથદર્શન કરાવે તેવી ભગવતીકુમારની અમાર્રી વચ્ચે હાજરી સર્જનની સીડી ચીંધે.તેમાં સ્વ.તેમના અર્ધાંગી જ્યોતિભાભી હૂંફાળા સ્વાગતથી અમને પ્રસન્ન કરી દે.નયન દેસાઈ ,બકુલેશ ,રવિન્દ્ર પારેખ અને બીજા અનેક ત્યાં ભેગા મળે.સ્વ.મનહર ચોકસી જેવા અનુભવીનો લાભ મળે.મુકુલ ચોકસીની નવજાત મસ્ત રચનાઓ માણીએ.

ભગવતીકુમારની સાહિત્યનિષ્ઠા મને માર્ગ ચીંધે.વર્તમાનપત્ર સાથે પત્રકાર તરીકેનો નાતો રાખી , ઉંચા સાહિત્યિક મૂલ્ય ધરાવતી કૃતિઓની રચના કરવાનું કઠિન કામ તેમણે સમતુલા જાળવી કર્યું તે મારા માટે માર્ગદર્શન આપે છે.કેટલીક વાર રજાના દિવસે તેમના ત્રીજા માળના બેઠકરૂમમાં હું જતી ત્યારે બારી પાસેના ટેબલખુરશીમાં એક કુશકાય,જાડા ચશ્મા પહેરેલા લેખક માથું ઢાળી

‘અસૂર્યલોક ‘જેવી સદીની નોંધપાત્ર નવલકથાનું લેખન કરતા હોય,એ દ્રશ્ય નર્મદ કે ગોવર્ધનરામના વારસાને જીવન્ત કરે.ગમે તેવી વિપરીત  સામાજિક,રાજકીય કે શારીરિક પરિસ્થિતિમાં તેમનું લેખનકાર્ય અવિરત ચાલ્યા કરે.આજે પણ લેખનમાં નિમગ્ન ભગવતીકુમારની એ મૂર્તિને હું લખવા બેસું ત્યારે સ્મરું છું.એક સર્જક તરીકેનું તેમનું નમ્ર,પ્રેમાળ ,સાલસ વ્યક્તિત્વ મારા જેવા અનેકને સાહિત્ય સર્જનનો પથ દર્શાવે છે.ફળથી પલ્લવિત વૃક્ષો નીચે નમે છે.ભગવતીકુમાર શર્મા ભારતીય સાહિત્ય એકાદમી અને બીજા અનેક પુરસ્કારોથી સન્માનિત હોવા છતાં એમને મળવું એટલે સહદય સાથેની હળવાશ,પ્રેમની અમીવર્ષા અને ‘શું નવું લખ્યુંની?’મીઠી પુછપરછ. એમણે પ્રમાણિક  ,નિષ્ઠાપૂર્વકની કલમથી ગુજરાતી સાહિત્યની સેવા કરી છે,અને કરી રહ્યા છે,તે જ તેમનો સાહિત્યસન્દેશ મારા માટે આજે પણ પથદર્શક છે,મારું સદભાગ્ય કે મારા સુરતના દશ વર્ષના નિવાસ દરમ્યાન મુ.ભગવતીકુમારની સતત પ્રેરણા અને પથદર્શન મને ઉપલબ્ધ થયું.કેટલાંક ઋણ હદયમાં તાંબાના લેખની જેમ  કોતરાઈ જાય છે,એને કોઈ રીતે ચૂકવી શકાતા નથી,શબ્દો દ્રારા એમને મારી ઝાઝેરી સલામ.ગુજરાતી સાહિત્ય ભગવતીકુમાર જેવા સાહિત્યરત્નોથી સદા ગોરવવન્તિ છે.જે આવનાર પેઢીને પથદર્શન કરાવતી રહે છે.એમની ગઝલની બે પંક્તિથી મારા જીવનના પ્રવાસમાં મને મળેલા પથદર્શકને વન્દન કરીશ.

આ ક્ષણો પછીથી નહિ રહે,ન સુવાસ ફોરશે શ્વાસમાં ,
ચલો સન્ગ થોડુંક ચાલીએ ,સમયના આ દીર્ઘ પ્રવાસમાં (ભગવતીકુમાર શર્મા)

તરુલતા મહેતા 6 -9-2018

હાસ્યની મોસમ માં ખીલતા હરનીશ જાની

ઘણી વાર કોઈ વ્યક્તિ આપણા પરિચયમાં આવ્યા વગર આપણા જીવનમાં જીવતી હોય છે. એમનું મૃત્યુ જાહેર કરવું  એ ગુનો છે.મને હાસ્ય લેખો ગમે અને અમારી વચ્ચે હાસ્ય થકી જોડાણ હતું. દરેક વ્યક્તિ એક મોસમ હોય છે.હરનીશભાઈ માટે હાસ્ય એ ફૂલના ખીલવાની મોસમ છે. જે વ્યક્તિ હાસ્યથી સમૃદ્ધ છે એમને બીજું શું જોઈએ ? અમેરિકન ડાયાસ્પોરા લેખકોમાં એમના હાસ્ય લેખોથી ખુબ જાણીતા,ન્યુ જર્સી નિવાસી સહૃદયી મિત્ર શ્રી હરનીશભાઈ જાની અને એમના નેટ જગતમાં ખુબ વંચાતા હાસ્ય લેખોથી તો કોઈ અપરિચિત હોય એવું ભાગ્યે જ કોઈ હશે.હાસ્ય એમની રગ રગમાં હતું.

હરનીશભાઈએ  may 11, 2017, મારા જન્મદિવસે મને એક ઈમૈલ દ્વારા જણાવ્યું હતું “અમેરિકામાં સાહિત્યિક કાર્ય કરતી થોડી જ સંસ્થાઓ છે. તમારી “બેઠક” ની પાઠશાળા વિષે પણ જાણું છું તમારા નમ્ર પ્રયત્નને ચાલુ રાખશો.અંગ્રેજી ભાષાના વાતાવરણમાં પણ ભાષાને ઉજાગર કરવાનો પ્રયત્ન ચાલુ રહે છે તે ખરેખર પ્રસંશનીય છે.વાંચન દ્વારા ભાષાને કેળવજો.અને એમણે “સુધન” પુસ્તક ની pdf વાંચવા મોકલી એમાં પોતાના પરિચયમાં લખેલી એક વાત મને સ્પર્શી ગઈ જે આજે અહી એમને યાદ કરતા મુકીશ.

“નર્મદ સુવર્ણ ચંદ્રક ’ મળ્યો નથી.
“રણજીતરામ સુવર્ણ ચંદ્ર” મને જોઈતો નથી.( સાંભળ્યું કે તે સોનાનો નથી!)
પણ – જીવનનુાં સૌથી મોટુાં પારિતોષક તો – જ્યારે મારા મિત્રો
અને અજાણ્યા વાચકો એમ કહે છે કે: ‘ તમારો લેખ બહુ
ગમ્યો’ ત્યારે જ્ઞાનિીઠ એવોડા મળયા જેટલો આનંદ થાય છે.
એમ કહવામાાં મને સંકોચ નડતો નથી.-હરનીશ જાની

હાસ્ય અને ગંભીરતા વચ્ચે આસમાન જમીનનો ફર્ક હોય છે.પણ હાસ્યમાં ઘણી ગંભીર રહસ્ય હોય છે અને માટે જ હાસ્ય માણસને સમૃદ્ધ કરે છે. અને ત્યારે  માણસ જિંદગીની ગંભીરતા  ને પામી શક્યો છે એ પુરવાર થાય છે .હાસ્ય દરેકથી જીરવાય તેવી વસ્તુ નથી.દરેક વ્યક્તિની તાકાત બહારની વાત છે. મને લાગે છે કે સ્વર્ગમાં પણ અત્યારે હ્સ્યનો દુકાળ વર્તાય છે માટે એક પછી એક હાસ્ય લેખકો સ્વર્ગે જઈ રહ્યા છે.

હરનીશ જાની એટલે હાસ્યની લ્હાણ. બસ એમને વાંચીએ એટલે મોસમ ખીલે. ક્યાંક કશું ખૂટતું હોય ક્યાંક કશું તૂટતું હોય ત્યારે જાની સાહેબને યાદ કરી એમના લખેલા લેખ વાંચજો અને વગર મોસમે મોસમ ખીલશે. હાસ્યની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે હાસ્ય માનવીને હર્યોભર્યો રાખે છે.મનની મોસમ એટલે સહજ ખીલવું,નિખાલસતા ,પ્રમાણિકતા, નિસંકોચ અને નિર્ભય અભિવ્યક્તિથી સહજ વસંત ખીલે જેનો આનંદ બધા જ લે, લખનાર અને વાંચનાર બન્નેનો સંતોષ પહોંચે આકાશે …તો .ભાઈ મનની મોસમ ખીલ્યા વગર રહે ખરી.

હરનીશભાઈ આપ આપના શબ્દો થકી સદાય જીવંત છો. અને રહેશો.

પ્રજ્ઞા દાદભાવાળા

 

પ્રેમ એક પરમ તત્વ-રવિવાર પૂર્તિ-

મિત્રો એક વાત ની જાહેરાત કરતા ખુબ આનંદ અનુભવું છું કે હવેથી રવિવારની પૂર્તિ સપનાબેન વિજાપુરા લખશે.
તેમનો વિષય છે.પ્રેમ એક પરમ તત્વ 
શું આપણે જાણીએ છીએ ખરા કે પ્રેમ એટલે શું? માત્ર સ્ત્રી-પુરુષના સંબંધોમાં જ નહીં પણ સંસારના તમામ સંબંધોની સાથે પ્રકૃતિ સાથેનો આપણો નાતો એટલે પ્રેમ. આવો જાણીએ એક પરમ તત્વ  “પ્રેમ” ઈશ્વર એક એવું સત્ય જે હર કોઈ વ્યક્તિ જાણે છે પણ તેના અસ્તિત્વ નો અનુભવ જીવનમાં અનેક રીતે અનેક સંબધોમાં કરીએ છીએ. પ્રેમ ભીતરની ઘટના છે.પ્રેમ એ જીવન છે. એક એવું તત્વ જે અનિવાર્ય છે. બસ આ વાત સપનાબેન એમની  ચિંતનિકામાં પીરસી આપણ પ્રેમને અને  પ્રેમની વ્યાખ્યાને ખીલવશે . 

સપનાબેન શબ્દોથી મોસમ ખીલવે છે.

આમ જોવા જઈએ તો સપનાબેન  મળી ત્યારેથી એવું લાગે કે જાણે  અમે ખુબ પરિચિત છીએ.એક વ્યક્તિના બેઠકમાં પ્રવેશથી મારા પણાનો અહેસાસ અનુભવાય છે, એક નિર્દોષ હાસ્ય અને મલકાતું હૃદય.એમને મળીએ ત્યારે લાગે પ્રેમથી તમામ કડવાશ મધુરમ મધુરમ.એવા સપનાબેન એક ધબકતા સર્જક છે.તેઓ શબ્દ સાથે જીવી રહ્યા છે અને આમ શબ્દો સાથે જીવતા જીવતા ભાષાને ગતિમય રાખવાના બેઠકના આ યજ્ઞમાં પોતે પણ જોડાઈ ગયા છે.એમણે ભાષા અને શબ્દને અનેક રીતે જીવંત રાખ્યા  છે.અનેક લેખન પ્રવૃતિની વચ્ચે એમણે ગઝલને કાયમ જીવંત રાખી છે.અહી મરીઝને યાદ કરતા સપનાબેન ને પુછીશ  કે…. 
એક જ જવાબ દે મારો એક જ સવાલ છે;
આ મારા પ્રેમ વિષે તારો શું ખયાલ છે ?
બસ આનો જવાબ મેળવવા આપણે એમને દર રવિવાર પૂર્તિમાં માણશું.સાચી સંવેદના અને  નિખાલસતાથી  અભિવ્યક્તિથી સહજ વસંત ખીલે છે અને પક્ષી ટહુકે જેનો આનંદ બધા જ લે, લખનાર અને વાંચનાર બન્નેનો સંતોષ પરાકાષ્ઠાએ પહોંચે અને મનની મોસમ ખીલી ઊઠે….
બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા

૧-ગીતાબેન ભટ્ટ -વ્યક્તિ પરિચય

ગીતાબેન ભટ્ટ આ અમારા મિત્ર શિકાગોથી આવ્યા છે.સપનાબેને પ્રથમ ઓળખાણ કરાવી ,બસ અને ‘બેઠક’ના પરિવારના સદસ્ય  કયારે બની ગયા તેની જાણ જ ન થઇ..!

ગીતાબેન એટલે  પોતાનો પોતીકો અવાજ .આ અવાજ પરંપરાના વિદ્રોહમાંથી નથી પ્રગટ્યો પરંતુ વાંચન અને સર્જનના પુરુષાર્થથી પ્રગટાવ્યો છે.એમની વાત માંથી  શીખવા મળે છે પણ બોધ નથી,ચીલાચાલુ વાત ન કરતા તંતુ પકડી જાગૃતિ લાવવાની વાત મને ગમે છે. ગીતાબેનની નાના બાળકોની વાત કરતા  નાના બની  મોટી વાતો કહી જાય છે.એમની પાસે એવો કસબ નથી જે જુદો તરી આવે પણ એમની  વાતોમાં ઉપાડ છે..પોતાના અનુભવની તીવ્રતા શબ્દોમાં રજુ કરે  છે.અમે વારે ઘડીએ મળતા નથી પણ મળીએ તેટલીવાર આનંદ જરૂર થાય છે.વરસાદમાં ઉભા રહી મિત્રો સાથે ભીજાવાનો આનંદ હું એમની હાજરીમાં માણું છું.અને મોસમ ખીલે છે…

બસ આવા ગીતાબેનને આ વિભાગમાં માણીએ,વિચારીએ… વાત માત્ર માનસિકતા બદલવાની છે.

ગીતાબેન ભટ્ટ નો પરિચય

આ વર્ષે ગીતા રિટાયર્ડ થાય છે . પણ એને હું નિવૃત્તિ નહીં કહું ! પ્રવૃત્તિમાં થોડો બદલાવ આવશે , એમ જ કહીશ! ત્રીસ વર્ષથી શિકાગોમાંપ્રિ સ્કૂલ – ડે કેર સેન્ટરની ડિરેક્ટર , માલિક રહ્યા બાદ કાયદેસરની જવાબદારીમાંથી નિવૃત્તિ લે છે. દેશમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકેજીવનની કારકિર્દીની શરૂઆત કરી ; અને અમેરિકામાં , શિકાગો આગમન બાદ બન્ને બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકાય તે હેતુથીબાલ સંભાળ- ચાઇલ્ડકેર ક્ષેત્રમાં ઝમ્પલાવ્યું. સમય – સંજોગ મળતાં પોતાની પ્રિય સાહિત્યિક પ્રવૃત્તિને ફરી તાજી કરી !શિકાગોની ઘણીબધી સામાજિક સંસ્થાઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય ફાળો આપવા ઉપરાંત ત્યાંના નર્સિંગ હોમમાં ગુજરાતી વડીલોને મળવાનુંવોલેન્ટિયર કાર્ય પણ વર્ષોસુધી જાળવી રાખ્યું .
“અમેરિકાથી અમદાવાદ” તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ (૨૦૧૦) “ “દુઃખને પણ ગરબામાં ગાઈ જાય , એ ગુર્જરનું સરનામું” એ એનો જીવનપ્રત્યેનો અભિગમ છે! અને નવી પેઢીનાં સર્વાંગી ઉછેર માટે- “ બાળકોને વિકાસ માટે સંસ્કૃતિ રૂપી મૂળિયાં અને જ્ઞાન રૂપી પાંખ આપીયે” એ કહે છે.સાન ફ્રાન્સિસ્કોના ‘ સૌનો સાથ , સૌનો વિકાસ’ એમ માનતા પ્રજ્ઞાબેન દાદભાવાલાના “ શબ્દોનું સર્જન” બ્લોગમાં ગીતા ભટ્ટની “ આવું કેમ ?” કોલમ સમાજના વિવિધ પાસાઓને અનુલક્ષતી , બે રાષ્ટ્રો અને બે સંસ્કૃતિને જોડતી , સાંપ્રત જીવનને સ્પર્શતી અઠવાડિકકોલમ ખુબ લોક પ્રિય થઇ છે. કાંઈક નવું , કાંઈક સારું , ચીલાચાલુ ઘરેડથી વેગળું , અને છતાં મનનીય – એ ગીતાની વિચાર સરણી છે! “બંધઘડિયાળ પણ રોજ બે વાર સાચો સમય બતાવે છે” ગીતા ગમે તેવી , આ દેશમાં આવીને ભૂલી પડેલી વ્યક્તિને આત્મવિશ્વાષ આપતાં કહે છે!સમાજમાં જ રહીને વ્યક્તિને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ શિકાગોના મેયરનો કમ્યુનિટી ગૌરવ એવોર્ડ પણ મળ્યો છે!
બાળા રાજા રામના હાલરડાં હોય તો બાળુડી દીકરીનાં હાલરડાં કેમ ના હોય? નવી પેઢીને માતૃભાષાનો સંપર્ક રહે અને આત્મવિશ્વાષ વધેતે હેતુથી નવી શૈલીના હાલરડાં લખવાનો વિચાર સ્ફૂર્યો !અને પરિણામ સ્વરૂપ “ અમેરિકા કે અમદાવા ; દીકરી થકી ઘર આબાદ” હાલરડાંઅને બાળગીતોનો સંગ્રહ અને સી . ડી . પ્રસિદ્ધ થયાં!
પાંસઠ વર્ષની ઉંમર એટલે પહેલાનાં જમાનાનાં પિસ્તતાલીસવર્ષની ઉંમર ! એ વિન્ડી સીટી શિકાગોથી સનશાઈન કેલિફોર્નિયા સેટલ થતાકહે છે;”જેના હાથ પગ ને મન સલામત ; જીવન તેને જીવવા લાયક !”
સુભાષ ભટ્ટ : contect: 773-251-7889

-ધનંજય સુરતી -વ્યક્તિ પરિચય

 

 

 

 

 

 

 

દરેક વ્યક્તિને પોતાના જીવન વિશે  કહેવું કે લખવું ગમે છે. સરલતા અને સહૃદયતા થી ઊઘડતી જતી વાત ને વાગોળી શબ્દોમાં મુકતા એ જિંદગી ભરનું સંભારણું  ઉદાહરણ બની નવી પેઢી માટે સમજણ બની જાય,ઘણા ને એમ થાય કે માણસ આત્મકથા લખવા જેવું જીવ્યા હોય તો જ એણે આત્મકથા લખવી જોઇએ. પરંતુ દરેક વ્યક્તિની કથા એક સમજણ આપે છે એ વાત અહીં ધનંજયભાઈને ન ઓળખતી વ્યક્તિ માટે કહીશ, જેમ વાંચશો તેમ તેમના  જીવન ના દ્રશ્યો આપ મળે તમારી સમક્ષ આવશે, ખુબ જ સહજતાથી લખ્યું છે.પોતે જે જીવ્યા છે,તેની વાત વાચક સમક્ષ મૂકી છે.  પાના ફેરવતા એવું લાગશે કે એક દાદાજી વાર્તા કહેતા હોય અથવા એક પીઢ માણસ પોતાના ભૂતકાળમાં ડોક્યા કરતા જે દ્રશ્ય દેખાય તેને આલેખતા હોય, કોઈ જગ્યાએ એમની સુરતી છાટ પણ દેખાય છે ધનંજય ભાઈએ લખાણમાં સીમાનો ક્યારેય અતિક્રમ નથી અભિવ્યક્તિ છે.પણ અતિશયોક્તિ ક્યાંય દેખાતી નથી.પ્રમાણિકતાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.એક નાનકડા ગામડાથી શરુ થયેલી એમની જિંદગીની સફર આજે અહી સુધી પહોંચી છે. જેનું ખુબ સુંદર વર્ણન આલેખતા સુરતી આપણને ભૂતકાળમાં એવા ખેચી જાય છે કે પછી શું થયું એમ મન નાના બાળકની જેમ બોલી ઉઠતા આગળના પ્રકરણ આપો આપો વાંચે છે. ક્યાય દેશી ઉચ્ચારો, તો ક્યાંક સુરતી શબ્દો તો વળી ક્યાંક એંગ્રેજી શબ્દોનો પ્રયોગ ધનંજય ભાઈના વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. ખુબ ભણેલી વ્યક્તિ પણ પોતાની જ માતૃભાષામાં સૌથી શ્રેઠ અભિવ્યક્તિ કરી શકે છે વાત અહી અજાણતા જ પુરવાર થાય છે.અને માટે જ પુસ્તક નું મથાળું ખુબ યોગ્ય લાગે છે. તેમની વર્ણન શક્તિની દાદ આપતા કહી શકાય કે દ્રશ્ય ભલે શબ્દોમાં વર્ણવ્યા  હોય પણ વાંચતા આંખ સમક્ષ નિહાળી શકાય છે.નવી પેઢીને કદાચ ખબર ન હોય તેવા શબ્દો (બાવડી,બંબો,કને લાઈટની જગ્યાએ દીવા) તેમની જીજ્ઞાશા વધારશે એમાં કોઈ શક નથી ગીઝરની જગ્યાએ પાણી બમ્બામાં ગરમ થાય એ વાત આવતી પેઢી માટે કુતુહુલતા ઉપજાવશે એમની આ આત્મકથા અપરિચિત માટે જ નહીં, પરંતુ એમના જીવન સાથે સાથે સંકળાયેલા સૌ મિત્રો અને સ્વજન માટે છે,જે સમગ્ર મનહ્રદયથી એમની સાથે ખૂબ ઊંડાણથી જોડાયા છે. જૂની નવી પેઢીના સંબંધો ને પોતાના જીવનના પ્રસંગો દ્વારા સરસ આલેખ્યા છે,પરિક્ષાના વર્ગમાં પિતાથી દુર હોવા છતાં પિતાના મૃત્યુનો અહેસાસ થાય છે ત્યારે પિતા અને પુત્રના ન ઉચારેલા પ્રેમની સંવેદના પણ જગાડે છે, એમના જીવનમાં  ઘણું બન્યું છે જે કોઈના જીવનમાં નથી બન્યું,એમની આત્મકથા કદાચ સેન્સેશનલ નહીં, પરંતુ સેન્સિટિવ જરૂર છે. વાંચવાનું શરુ કરો તે પહેલા જરૂર કહીશ કે સહજતાથી નીકળતી વાણી જેવી અને વાતચીતની ભાષામાં લખેલી આ ડાયરી -આત્મકથા એક પીઠ લેખકની બરોબરી કરે છે.

પ્રજ્ઞા દાદભાવાળા

કલ્પના રઘુ-વ્યક્તિ પરિચય

કલ્પના રઘુ 

ઘણીવારે કુદરત અનાયસે આપણને કોઈ સાથે મેળવે છે. એની પાછળ નું એક પ્રયોજન છે.બધાને ભગવાન એક ઉદેશ સાથે મોકલે છે.અને એ ઉદેશ માત્ર એક વ્યક્તિ થકી પૂર્ણ નથી થતો. બસ મારા જીવનમાં પણ આવું જ કશું બન્યું, “પુસ્તક પરબ”ની શરૂઆત કરી અને કલ્પનાબેનને જયંતભાઈ લઈને આવ્યા. માત્ર આવ્યા જ નહિ મારા ધ્યેયને પૂર્ણ કરવા જાણે એક નિમિત્ત બન્યા. ‘બેઠક’ના ના સંચાલન કાર્યમાં અજાણતા જ મારા સહભાગી થયા.અને ‘બેઠક’ની મોસમ ખીલી …અમે સાથે સાથે જાણી અને માણી,એક બીજાના પુરક બન્યા.

કલ્પનાબેન એટલે એક એવું વ્યક્તિત્વ અથવા યોગ્ય શબ્દ લખું તો એવી એક સ્ત્રી શક્તિ, એક હૃદયસ્પંદન કે સામા માણસને ઉઘડવાનું મન થાય… ઉમળકો આવે. પોતે લખે ત્યારે પહેલા કોળિયાની જેમ પહેલું વાક્ય પ્રભુને પીરસે,શ્રદ્ધા અને વિશ્વાસથી જ આગળ વધે એમની પ્રભુ પરની શ્રધા એના કાર્યમાં પરિણમે અને …લેખનમાં પોતાનું નામ નહિ પરંતુ નારાયણ નું નામ પ્રગટે …એવા કલ્પનાબેન અનેક સ્ત્રીઓ માટે સ્ત્રી શક્તિ બની પ્રેરણા આપે… જગત તો વિસંવાદોથી અને વિષમતાથી ભરેલું છે તેમાંથી પોતાની શક્તિ ને પારખવાની કળા કલ્પનાબેન પાસે છે અને પોતાના લેખો દ્વારા બીજાને આપી રહ્યા છે, એવા કલ્પનાબેન બેઠકની મોસમના આખું વર્ષ ખીલતું ફૂલ છે જે શબ્દોને પારખે છે. વેડફતા નથી બાવરા બોલકણા, લવારો કરનારા, વાણીના વિલાસી નથી માટે જ મૌનની વચ્ચે શબ્દના અર્થને માણે છે.મોસમ ખીલે છે.  જીવન નો અર્થ સરી પડતા મોસમને  પાનખરમાં પણ  શબ્દનો સથવારો મળતા અર્થ સભર જીવન મળે છે….

બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

અભિવ્યક્તિ -અનુપમભાઈ બુચ -વ્યક્તિ પરિચય

મનની મોસમમાં અભિવ્યક્ત થતા અનુપમભાઈ બુચ

જીવનમાં એવા કેટલાય માણસો છે જેમને આપણે જીવનમાં જોયા નથી મળ્યા નથી કે સાંભળ્યા પણ નથી હા માત્ર તેમના લખાણો થકી આપણા જીવનમાં જીવે છે.ઓચંતી વાસંતીની લેહેર્કીની જેમ અચાનક કોઈ કારણ સર એ યાદ આવે છે. કારણ જે એ લખે છે તે આપણી જ વાત છે.તમે હું આપણે બધા જે વિચારએ છીએ તેજ એમની કલમ લખે છે  એક આપણાપણા નો અહેસાસ..  ભાષા સરળ છતાં સચોટ.. હૃદયમાં સીરાની જેમ ઉતરી જાય એવા અનુપમભાઈને હું ક્યારેય મળી નથી માત્ર વાંચ્યા છે.વસ્તુ કે વિષયની વ્યક્તિનિષ્ઠ સમઝ, ‘એપ્રોચ’ મેં એમના લખાણ માં જોયા અનુભવ્યા છે.જીવન જીવવા જેવું છે એની એ પ્રતીતિ એ કરાવે છે.એમને વિષય શોધવા નથી પડતા. એ છાપુ હોય કે બટકણી પેન્સિલથી માંડી  ફેસબુક સુધીની વાતો બોલચાલની ભાષામાં લખી શકે છે.અને લખે છે ત્યારે એવું લખે છે કે મોસમ ખીલ્યા વગર રહેતી નથી. તેમની પાસે બધું છે,વ્યક્તિત્વ,વિચારધારા, ભાષા, અભિવ્યક્તિ અને જીવન તરફનો નવો જ અભિગમ મનની મોસમને ખીલવા માટે આનાથી વિશેષ શું જોઈએ …

બેઠકના આયોજક -પ્રજ્ઞા  દાદભાવાળા

અનુપમભાઈ નો સંપર્ક -https://anupambuch.wordpress.com/

એમનું પુસ્તક ..

પરિચય – દીપલ પટેલ

સુગંધ દેખાતી નથી પણ આસપાસ અનુભવવાતી  હોય છે.એક શુદ્ધ આવકાર દેતું વ્યક્તિત્વ એટલે દીપા. જિંદગીને ઝીણી ઝીણી રીતે માણવાની,વૃક્ષોથી નાના નાના છોડવામાં ઉછેરેયા નો આનંદ અને  કુદરતના દેવામાંથી મુક્ત થઇ અશબ્દ  કુદરતની  અનુભૂતિનો કોઈ વિરલ સ્પર્શ ને અનુભવતા  ઋણ ચૂકવ્યાનો અહેસાસ ,શીખવું અને શીખવાડવું ,પોતા પાસે છે તે બીજાને આપી સંતોષ લેવો .

આકાશી સપનાં ખરા તોપણ ધરતીની વાસ્તવિકતા ને જાણી આગળ વધવાનું ધગસ સાથે પુરુષાર્થ કરવાનો,બગીચો હમેશા સભર સભર રાખવાનો ,પુસ્તકોની પ્યાસી, અવાજથી અને વિચારથી અજવાળું પાથરવાનું,આપણી મૌલીકતાથી જીવનના અભિગમ તરફ હળવે હળવે વધવાનું,સર્જનતાની પરખ કરવાની,કલાને પોષવાની અને ખીલવવાનું આવી દીપા વિષે હું વધુ લખી પક્ષપાત કરું તો સમજી જજો મને દીપા મારી દીકરી જેટલી વ્હાલી લાગે છે ..હવે તમે એને વાંચશો એટલે તમેજ અભિપ્રાય આપજો.

https://dipalsblog.wordpress.com/

(મિત્રો ,  પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો વડીલોને સાંભળવા આપવા તો, દીપલબેન ની મદદ થી આ ઓડીઓ પણ બેઠકે કરી)