૭-મળેલા જીવ-પન્નાલાલ પટેલ

પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ નવલકથા વિષે ઘણું સાંભળ્યું હતું પણ મારી પાસે અહી હતી નહિ કે વાંચું. મિત્ર પૃથા પાસેથી એ પુસ્તક મળ્યું અને ત્યારનું મારી લાયબ્રેરીમાં ગોઠવાઈ ગયું હતું પણ વાંચવાનો લાગ મળતો ન હતો. રોજ રાત્રે સુતા પહેલા એક પ્રકરણ વાંચવાનું શરુ કર્યું. અને અડધી નવલકથા વાંચીને પછી બાજુમાં મૂકાઇ ગઈ , આજે અચાનક ‘મળેલા જીવ’ ની જીવી યાદ આવી અને પાછી બેઠી વાંચવા અને એક જ બેઠકે વાંચી ગઈ. એટલો બધો આનંદ મળ્યો છે કે વર્ણવી શકું એમ નથી પણ મારા અનુભવો કરતા પુસ્તક વિષે વાત માંડું.
આ પુસ્તક ૧૯૪૧માં લખાયું અને એ પછી ૨૯ આવૃત્તિઓ બહાર પડી અને મે સૌથી છેલ્લી ૨૦૧૪ની આવૃત્તિ વાંચી.
કુલ પાનાં: ૨૯૨
કીમત: ૨૦૦ રૂ.
મળેલા જીવ

ગુજરાતી સાહિત્યના પંડિત યુગ (આઝાદી પહેલાનો ગાળો) દરમિયાન જેટલી વાર્તાઓ લખાઈ એમાં ગ્રામ્ય જીવન વિષે ખુબ જ ઓછુ અથવા નહીવત લખાયું. ત્યારબાદ ગાંધી યુગની શરૂઆત થઇ અને ગાંધીજીએ લેખકોને કહ્યું કે એવું સાહિત્ય લખો કે ગામડાનો કોસીયો પણ સમજી શકે. ટુકમાં ગાંધીયુગનું સાહિત્ય એટલે સાહિત્યમાં ગામડું હોવું અને ગામડામાં સાહિત્ય હોવું. અને પન્નાલાલ પટેલે ૧૯૪૧માં આ કામ કરી બતાવ્યું અને ઉત્તમ ‘મળેલા જીવ’ નવલકથા આપી. પહેલી વખત ગુજરાતી સાહિત્યમાં ગ્રામ્ય જીવન( ‘Local Colors’) આવ્યા.
હવે વાત કરીએ લેખક વિષે – કેમ કે એ અત્યંત મહત્વની છે. પન્નાલાલ પટેલના ગુજરાતી સાહિત્યજગતમાં વિશેષ યોગદાન માટે ઉચ્ચતમ સાહિત્ય પુરસ્કાર- જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. અને સૌથી મજાની વાત એ છે કે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામમાં રહેતા આ લેખક માત્ર ૪ ચોપડી જ ભણેલા! અને પછીથી ઉમાશંકર જોશી અને સુન્દરમે એમને ગુજરાતી લખતા-વાંચતા શીખવ્યું. સવારે મજુરી કામ કરી રાત્રે લખતા. એવા દિવસોમાં એમની કલ્પના શક્તિથી આટલી અદ્ભુત નવલકથા આપી.

IMG_20171115_222252.jpg
ઝવેરચંદ મેઘાણી – પન્નાલાલ પટેલ વિષે 

આ પુસ્તક વિષે મને લખવાનું કહેવામાં આવે તો કઈ વાત લખવી અને કઈ નહિ એ નક્કી કરવું અઘરું છે એટલે જો હું આખું પુસ્તક લખી શકતી હોત તો ચોક્કસથી આખે આખું લખત.

આ નવલકથા ગ્રામ્યપુષ્ઠ ભૂમિ પર લખાયેલી છે અને ભાષા પણ એ સમયને અનુરુપ છે એટલે ગામઠી સંવાદો. એટલે એવું પણ બને અડધું તો ઉપરથી જ જાય. ગામઠી સંવાદોમાં જે તળપદી ભાષા વાપરવામાં આવી છે એ મહેસાણાની ભાષા છે એટલે મને વાંચવામાં વિશેષ આનંદ આવેલો. 😉
પુસ્તકની વાર્તા વિષે થોડું સંક્ષિપ્તમાં લખું,
“ભૂલી જવાશે કો અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
નહીં રે ભુલાય એક આટલું 
કોક દન કરી ‘તી પ્રીત”

જન્માષ્ટમીના મેળાથી શરુ થતી વાર્તા કારતક પૂનમના દિવસે સમાપ્ત થાય છે. ઈડરિયા પ્રદેશના ઉધડિયા ગામનો પટેલ કાનજી અને જોગીપુરા ગામની ઘાંયજી જીવીની મુલાકાત એક મેળામાં થાય છે અને બંનેને મળતા જ પ્રેમ થઇ જાય છે. પારિવારિક જવાબદારીઓમાં ઘેરાયેલો અને ન્યાતની ચિંતામાં કાનજી, ઘાયજી જીવી સાથે પરણી નથી શકતો પણ જીવીને રોજ જોઈ શકાશે એ આશાથી કાનજીના પાડોશી ધૂળા વાણંદ સાથે જીવીના લગ્ન ગોઠવે છે. લગ્ન પછી ધુળો જીવીને ખુબ મારે છે. કાનજીને પસ્તાવો થાય છે અને દુઃખી થઇ ગામ છોડી શહેર જાય છે, બીજી તરફ જીવી, આત્મહત્યા કરવા માટે રોટલામાં ઝેર નાખી પોતાનો રોટલો બનાવે છે અને ભૂલથી એ રોટલો ધુળો ખાઈ અને મરી જાય છે. જીવી હવે સાવ ગાંડી થઇ ગામમાં ફરે છે અને ભગત નામનો કાનજીનો મિત્ર જીવીને લઈને દેવ બાવજી ને ત્યાં સંઘમાં લઇ જાય છે અને ત્યાં કાનજી આવી જીવીને તેની સાથે શહેર લઇ જાય છે અને વાર્તા પૂર્ણ થાય છે.

આ પ્રેમકથા લેખકની સીમાસ્તંભ નવલકથા છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિંદના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ, ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે’.

શું અદભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ, જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઇ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડે, પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની કુપમંડુક બુદ્ધીને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસુસ કરી શકશે.
ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધિ, પણ તેમની અદભુત સહનશક્તિ, દરિયા જેવું તેમનું દિલ, તેમનો કપટરહિત પ્રેમ અને ગમે ત્યાં મળી આવતા સ્વાર્થી માણસો. આ બધાનું વર્ણન પન્નાલાલ પટેલે ખુબજ અદભુત રીતે કર્યુ છે. આ નવલકથા મારી આંખ ભીની થતા હું ના રોકી શકી. વાંચતા એમ થતું કે આ જઈને હાલ કાનજીને સમજાઈ આવું.

આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણીએ લખી છે જેની અમુક વાતો શબ્દસહ અહી મુકું છું.

IMG_20171115_222651.jpg

IMG_20171115_222952.jpg
પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે ” વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા !”

દીપલ પટેલ

૮-સાગરપંખી-રીચાર્ડ બેક ગુજરાતી અનુવાદ -મીરાં ભટ્ટ

મારા શહેર નડિયાદમાં મહિનાના પહેલા રવિવારે ડાહ્યીલક્ષ્મી લાયબ્રેરીમાં સવારે ૯ થી ૧૨ એક ઉત્તમ કાર્યક્રમ થાય છે જેનું નામ છે ‘ગ્રંથ નો પંથ’ – જેમાં ગુજરાતી ભાષાના અલગ અલગ સાહિત્યકારો આવે અને પોતાના મનગમતા પુસ્તક વિષે ૨ કલાક બોલે. મને કાયમ અફસોસ રહે કે મારા શહેરમાં આટલો સરસ કાર્યક્રમ થઇ રહ્યો છે અને હું જઈ નથી શકતી પણ Google નો અમારા જીવનમાં બહુ મોટો ભાગ રહ્યો છે અને એમાય youtube નો ખાસ. youtubeની અસીમ કૃપાથી આ બધા વ્ય્ખ્યાનનું રેકોર્ડીંગ મને મળી રહે છે અને હું ‘ઘેર બેઠા ગંગા’ કરું છું. (મને રસોઈ બનાવતા કે ગાડી ચલાવતા આવા વ્ય્ખ્યાન સાંભળવાની ટેવ છે, ખરેખર આ પ્રયોગ કરવા જેવો છે.) હા તો એક દિવસ મે ‘ગ્રંથ નો પંથ’ માં R.J. ધ્વનિત ને સાંભળ્યા. અને એ જે પુસ્તક વિષે બોલ્યા એ હતું ‘સાગરપંખી’
પાન સખ્યા : ૫૦
કિમંત : ૧૫ રૂ.

આ પુસ્તકના મૂળ લેખક રીચાર્ડ બેક છે પણ એનું ગુજરાતી અનુવાદ મીરાં ભટ્ટએ કર્યો છે. મે અંગ્રેજી પુસ્તક જ વાંચ્યું. વાંચતા મને કલાક જ થયો પણ પછી એના પર વિચારો હજુ ચાલુ જ છે 🙂 આ પુસ્તક amazon પર ૨$ માં છે તમે મેળવીને વાંચી શકો. આ પુસ્તક વિષે વાંચતા પહેલા આ વિડીયો જોઈ લેશો તો પુસ્તક વાંચવાની વધારે મજા આવશે.

હવે વાત કરીએ પુસ્તકના મૂળ વિષય પર,
જોનાથન એક નાનકડું સાગર પંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી કાંઇક જુદું પડે છે. જયારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊચાંઈઓ આંબવા, આ સાગર પંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પર, દૂર- ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર ! બસ આ નાનકડા પંખીના જીવનરસની વાર્તા આ પુસ્તકમાં છે.
આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે ફફડ્યા જ કરે છે. આ એવા લોકો માટે એક વાર્તા છે કે જેઓ તેમના હૃદયના પગલે ચાલે છે અને પોતાના નિયમો બનાવે છે. જે લોકો કંઈક સારી રીતે કરવાથી વિશેષ આનંદ મેળવે છે, ભલે તે પોતાના માટે જ હોય !
વધુ આનંદ તો પુસ્તકને વાંચીને જ આવશે પણ હા..
મીરાબેનના અનુવાદિત આ પુસ્તકની પ્રસ્તાવના શબ્દસહ અહી ટપકાઉ છું. એ વાંચવામાં વધારે આનંદ આવશે.
“વર્ષો વીતી ગયાં એ વાતને. રેલગાડીમાં બેસી કયાંક બિહાર-આસામનો પ્રવાસ ખેડી રહી હતી. કોઈક સ્ટેશને બારીમાંથી અચાનક પુસ્તકોની લારીમાં ‘Jonathan Livigstone Seagull’ પુસ્તક જોયું. એની ખ્યાતિ મારી પાસે પહોંચી ગઈ હતી. પછી તો કેડો મૂકે એવું એ પુસ્તક ક્યાં હતું ? મિત્રોમાં એને મમળાવતી રહી. ત્યાં ‘નવનીત’ નાં સંપાદિકા કુન્દનિકાબહેનનું નિમંત્રણ મળ્યું કે પુસ્તકનો સંક્ષેપ કરી આપો. અને ‘સાગરપંખી’ ગુજરાતી પરિવેશ ધારણ કરી જમીન પર જેવું ઊતર્યું તેવું ગુજરાતના સુજ્ઞ વાચકોએ એને વહાલપૂર્વક વધાવી લીધું. પછી તો ‘વિચાર વલોણું’ નાં સંપાદક શ્રી સુરેશ પરીખે એને પુસ્તકાકારે ત્રણ-ચાર આવૃત્તિમાં પ્રગટ કર્યા કર્યું. અને પાઠકો એને ઉમળકારભેર આવકારતા રહ્યા. પરંતુ છેલ્લાં ઘણાંયે વર્ષોથી ‘સાગરપંખી’ અપ્રાપ્ય બની ગયું હતું અને જાણ્યા-અજાણ્યા અનેક મિત્રો સતત એની માગણી કરતા રહેતા હતા. એટલે એ સૌની લાગણીનો પડઘો પાડવા માટેની આ નવી આવૃત્તિ સૌ પાઠકો સમક્ષ પ્રસ્તુત છે.

આવું ઉમળકાભેર વધાવવા જેવું આખરે છે શું આ નાનકડી પુસ્તિકામાં ? મેં એક ગ્રંથપાલને આ પુસ્તક વસાવવા સૂચવ્યું તો મને સાંભળવા મળેલું કે, ‘હું વાંચી ગયો છું એ ચોપડી. ખાસ કશું છે નહિ એમાં. એક પંખી આમતેમ ઊડ્યા કરે છે.’ હું આ જવાબ સાંભળી થીજી ગયેલી. જે પુસ્તક મને આટલું બધું હલાવી ગયું એમાં એમને કશું ના જડ્યું ? ઉપર ઉપરથી પાનાં ફેરવી જઈએ તો આવું જ લાગે. ન કોઈ વિશેષ ઘટના, ન નાયક-નાયિકા, ન કોઈ ખલનાયક. વાત માત્ર એક પંખીની અને એની પાંખોના ફફડાટની.

‘જોનાથન’ એક નાનકડું સાગરપંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કંઈક જુદું પડે છે. જ્યારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊંચાઈઓ આંબવા. આ સાગરપંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પાર, દૂર-ક્ષિતિજને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર !

આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે જ ફફડ્યા કરે છે. એને જીવનની તમામ ઊંચાઈઓ, તમામ ગહરાઈઓ અને અસીમ વિસ્તાર પણ ઓછો પડે છે. ઊંચાઈ, ઊંડાણ અને વ્યાપકતાઓના ત્રણેય પરિમાણને પેલે પારના તત્વને આત્મસાત કરવા મથવું એ જ એની જિંદગીનો પરમ પ્રાણ છે. આપણું આ સાગર પંખી પણ એવું જ છે. એને દૂર દૂર ગગનમાં ઊંચે ઊડવું છે, પરંતુ આગળ વધવા ઈચ્છનાર ક્યા સાધકની યાત્રા નિર્વિધ્ન રહી છે કે એની રહે ? જમાતમાં પાછળથી ટાંટિયા ખેંચનારા હાજર જ હોય છે. જોનાથનને પણ માબાપ વ્યવહારડાહી વાતો સમજાવે છે, ‘બેટા, શા માટે આમ અમથો ઊડાઊડમાં સમય વેડફી મારે છે ? એના કરતાં માછલાં પકડવાની જુદી જુદી રીતો શીખી લેતો હો તો ?’ સામાન્ય સાગરપંખીને હજાર ફૂટ ઊંચે ઊડવા મથતો જોઈ જ્ઞાતિના લોકો આડા ફરી વળે છે, ‘હવેથી તું ન્યાત બહાર ! કારણ, તેં બેજવાબદારી દાખવી છે. ત્યારે નાનકડું પંખી આક્રોશ કરી જિંદગીનો પાયાનો પ્રશ્ન પૂછી બેસે છે, ‘અરે ! જીવનમાં પ્રયોજન શોધવું, પ્રયોજનને પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય ?’ પણ લોકોને તો એક જ વાત કહેવી છે કે ‘આપણો સંબંધ પૂરો થાય છે.’ હરિનો મારગ પસંદ કરનારને હંમેશા આમ જ એકલા, અટૂતા ચાલવું પડ્યું છે. સાંપ્રત સમાજે એના રસ્તા પર કાંટા જ કાંટા વેર્યા છે. પૃથ્વી પરની ધર્મસભાઓ ધર્માત્મા માટે કેદખાનાં જ સિદ્ધ થતી આવી છે. પણ પંખી અટકતું નથી. એનું ઉડ્યન ચાલુ જ છે. મથામણો પણ. એને છેવટે સિદ્ધિનો પહેલો મુકામ આવે છે, જ્યાં પ્રકાશ છે, વ્યાપક વિસ્તાર છે અને તારોજ્જવળ પાંખોવાળા શાંત, સૌમ્ય હમસફર છે.

પરંતુ જીવનયાત્રા કોઈ એક મુકામમાં તો પૂરી કેવી રીતે થાય ? નિત્ય-નિરંતર નવીન મંજિલો ખોલી આપે એનું નામ તો છે જીવન. એ નવા મુકામ પર પણ સાગરપંખી એક વયોવૃદ્ધ ગુરુસમા વડીલ પંખીને એક વાર પૂછી બેસે છે, ‘ચ્યાંગ, મને સાચેસાચ કહો, આ સ્વર્ગ નથી ખરું ને ?’ – સ્વર્ગ એટલે અંતિમ મુકામ. ત્યાર ચ્યાંગ મજાકમાં કહે છે, ‘તું હવે શીખવા લાગ્યો છે.’ યાત્રા એ યાત્રા છે, મુકામ નથી – જીવનનું આ તથ્ય જોનાથન પકડે છે ત્યારે ગુરુ કહે છે કે હવે તું મર્મ પકડવા લાગ્યો છે. અને પછી ચ્યાંગ જોનાથન સમક્ષ જીવનનું ગર્ભિત રહસ્ય, જીવનનો મર્મ ખોલી આપતાં કહે છે, ‘જોનાથન, સ્વર્ગ ન સ્થળમાં વસે છે, ન કોઈ કાળમાં. જીવનમાં પરિપૂર્ણતા પામવી એ જ તો છે સ્વર્ગ.’

બિલકુલ આપણા ઉપનિષદોની વાત. સ્થળાતિત કાળાતિત અસીમ અનંત શાશ્વતીમાં સ્થિર થવાની વાત. માણસે પોતાનાથી બહાર બીજે ક્યાંય પહોંચવાનું નથી. પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. પૂર્ણગતિ એટલે અત્યંત વેગમાં ગોળગોળ ફરતા ભમરડાની સ્થિર ગતિ. પરંતુ જુઓ કમબખ્તી ! જ્યાં પહોંચવા માટે જનમ ધરીને સતત તરફડતાં રહી, મથામણો કરતાં રહી અંતે મુકામ સર કર્યો. પણ ત્યાં પહોંચ્યા પછી શું ? ઈશ્વરે માનવમાં એવું હૃદય મૂક્યું છે કે એ સુખ કે દુ:ખ તો એકલો ભોગવી જ શકતો નથી, પણ મુક્તિ પણ એકલો ભોગવી શક્તો નથી. જીવનની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા પછી પોતાના માદરે વતનની તળેટીમાં ઊંચાઈ આંબવા મથતાં જીવ એને સાંભરી આવે છે અને એ મજબૂર બને છે નીચે ઊતરવા.

શ્રીરામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈશુ-ગાંધી આમ જ સહુજનહિતાય – સહુજનસુખાય પાછા ધરતી પર આવે છે અને ઊંચે ચઢવા ઈચ્છનાર માટે હાથ લાંબા કરે છે. માણસ જ્યારે સમગ્રતામાં જીવે છે, ત્યારે જ જીવનને સમગ્રપણે જીવી શકે છે. આપણા સાગરપંખીને પણ જીવનની સમગ્રતાની ચાહત છે, એટલે ફરી પાછો હજારો ફૂટ નીચે પાછો ઊડીને પોતાના સાગરકાંઠાના જાતબંધુઓ સમક્ષ આવીને ઊભો રહે છે. જિજ્ઞાસુ અને મથનારા જીવોને એ મમતા અને વાત્સલતાપૂર્વક ઊંચે ઊડતાં જ માત્ર શીખવતો નથી, પોતાને તિરસ્કારતાં જ્ઞાતિબંધુને પણ કરુણાપૂર્વક સમજવાની કળા શીખવે છે, ‘ફ્લેચર, તું એમના પર ગુસ્સે ન થઈશ. તારો બહિષ્કાર કરી એમણે પોતાનું જ નુક્શન કર્યું છે. એમની ઘૃણા કે ઘૃષ્ટતા સામું ન જોઈશ. આપણે તો તેમને મદદ કરવાની છે.’ જોનાથનનું આ અવતાર-કાર્ય ખૂબ સુંદર અને કળાત્મકરૂપે અહીં પ્રગટ થયું છે. એની વાણીમાં ક્યારેક ઈશુ વંચાય, તો ક્યારેક ભગવાન બુદ્ધ !

અને કદી ન કદી તો અવતારે પણ સંકેલો કરવો પડે છે. હવે જોનાથન પણ મહાપ્રયાણ માટે તૈયારી કરે છે, પરંતુ પાછળ બીજો એક જોનાથન મૂકી જાય છે. પોતાના ઉત્તરાધિકારી ફલેચરને જતાં જતાં જીવનનું એક બીજું મહાસત્ય કહેતો જાય છે, ‘ફલેચર, મહેરબાની કરીને પાછળથી મને ભગવાન ન બનાવી દઈશ. પંખી માત્રમાં અસીમ આત્મા પડેલો છે. એને વધુ ને વધુ ઓળખવો, પામવો એ જ જરૂરી છે.’ આમ કહી સાધારણ માનવમાં પણ જે અપ્રગટ સંભાવના પડી છે, તેની સામે અંગુલિનિર્દેશ કરી ફલેચર માટે શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું કરી આપી જોનાથન અંતિમ વિદાય લે છે.

આમ, આ છે એક આતમપંખીનો ફફડાટ, ઉંચાઈઓ અને અનંતતાઓ આંબવાની મથામણ, પોતાનામાં જ સ્થિર થઈ વિશ્વમય અનુભવવાની કળા અને ત્યાર પછી પણ ગાંધીચીંધ્યા ‘સાવ છેવાડે ઊભેલા માણસ’ ને ન ભૂલવાની વાત.

અમારો એક યુવા મિત્ર. સાગરપંખીનો અનહદ પ્રેમી એટલે મારા પણ પણ અપાર પ્રેમ ઢોળે. કહે, ‘પહેલાં ગુજરાતી ‘સાગરપંખી’ વાંચ્યું. ખૂબ ગમ્યું. ત્યાં ખબર પડી કે આ કથા ફિલ્મમાં પણ રૂપાંતરિત થઈ છે. એ પણ એટલી જ ગમી. એને થયું કે મારા સાગરપંખીનાં મીરાંબહેન સાગરપંખીની વાતને ફિલ્મરૂપે ન જુએ તે કેમ ચાલે ? અને એ મુંબઈથી વિડિયો કેસેટ લઈ આવ્યો, પોતે જ ક્યાંક વ્યવસ્થા કરી અમને ફિલ્મ જોવા લઈ ગયો. અને હું શું કહું ? – જીવતા-જાગતા, ઊડતા-પડતા-આખડતા-અથડાતા જોનાથનને જોઈને હું તો પાગલ જ થઈ ગઈ. પુસ્તકની છબીકળા તો સુંદર હતી જ પણ ચિત્રપટની છબીકળા તો અદ્દભુત ! વળી તેમાં સુંદર સંગીત અને અદ્દભુત કથનશૈલી ! પ્રઘોષકનો ઘેરો પહાડી અવાજ ! – સો વાતની એક જ વાત ! સાગરપંખીના પ્રેમીઓ આ ફિલ્મ અચૂક જુએ !

કથામાં આવતું એક લંગડાતું મેનાર્ડ પંખી જ્યારે આકાશમાં ઊંચે ઊડી શકે છે અને આકાશમાં, ‘I can fly, I can fly’ ના ઉલ્લાસોદ્દગાર કાઢે છે, એ તો ઘણી વાર અડધી રાતે મને આજેય ઊંઘમાંથી ઉઠાડી મૂકે છે. ‘સાગરપંખી’ પુસ્તકનું હાર્દ હૃદયમાં એટલું ઘૂંટાતું રહ્યું છે કે આજે જોનાથન લિવિંગ્સ્ટન મને વિનોબા જેટલો જ વહાલો અને આત્મીય થઈ પડ્યો છે. જેમને મન જીવન કેવળ સાગરકાંઠાના પાણીમાં છબછબિયાં કરી પૂરું કરી લેવાની ચીજ નથી અને જેઓ જીવનની ગહનતાના કંઈક ભાગ પામવા ઝંખે છે તેવા સૌ જીવનપ્રેમીઓને આ પુસ્તક વાંચી જવાની મારી પ્રેમાગ્રહભરી વિનંતી છે.

આપણા એક કવિએ ગાયું છે – ‘આભ ભરીને ઊડતાં હજુ શીખવું મારે…’ માનવમાત્ર આભ ભરીને ઊડતા શીખવાનું ઝંખે એ જ ઝંખના.” – મીરાં ભટ્ટ

આ ઉપરાંત મને આ પુસ્તકમાં ગમી ગયેલા અમુક વાક્યો:
– “How much more there is now to living! Instead of our drab slogging forth and back to the fishing boats, there’s a reason to life! We can life our selves out of ignorance, we can find ourselves as creatures of excellence and intelligence and skill! We can be free! We can learn to fly”
– “There is no such place like Heaven. Heaven is not a place and it is not a time. Heaven is being perfect”
– “Break the chain of your thoughts and you break the chains of your body,too”

દીપલ પટેલ

૫-અમૃતા-

Capture.PNG
પાન : ૩૨૦
કીમત: ૨૦૦ રૂ.

ઇ.સ.૧૯૬૬માં પ્રગટ થયેલી અમૃતા નવલકથા એ રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કૃતિ છે. ‘અમૃતા’ નવલકથા લેખકે માત્ર ૨૭ વર્ષની ઉંમરે લખી હતી. ‘અમૃતા’ નવલકથા એકબીજાનાં પ્રણયસંબંધથી જોડાયેલા ત્રણ પ્રેમીઓની – એક સ્ત્રીની અને બે પુરુષની પ્રણયકથા છે. અમૃતા, અનિકેત અને ઉદયન – આ ત્રણ પાત્રોની આજુબાજુ જ અમૃતા નવલકથાનું કથાવસ્તુ ઘડાયેલું છે. ત્રણેય પાત્રો શિક્ષિત, યુવાન અને બુદ્ધિમાન છે.
અમૃતા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારે ઉદયન અને અનિકેત એને અભિનંદન આપવા આવે છે, ત્યાંથી આ કથાનો આરંભ થાય છે. આ ત્રણેય પાત્રોમાં સ્વભાવગત ભિન્નતા રહેલી છે.

અમૃતા શિક્ષિત તેમજ સમજુ સ્ત્રી છે. એના હ્રદયમાં અનિકેત પ્રત્યે પ્રેમભાવ છે, પરંતું ઉદયનને છોડવો એ એની કસોટીરૂપ છે. બન્નેમાંથી કોની પસંદગી કરવી એના માટે એને સ્વતંત્ર પસંદગીનો અધિકાર જોઇએ છે. અમૃતાને મતે માણસ પોતાની જાતને જ ઓળખી શકતો નથી તો અન્યને તો કેવી રીતે ઓળખી શકે? એથી બીજાને ઓળખવા કરતા જાતે જ અનુભવ લેવામાં માને છે.
ઉદયન અઠંગ અસ્તિત્વવાદી છે. ઇશ્વરમાં માનતો નથી. પોતાની જાત પર ખૂબ અભિમાન છે. ઉદયને અમૃતાનાં વિકાસમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હોવાથી અમૃતા પ્રત્યે એને પ્રેમની લાગણી જન્મે છે. એ એવું ઇચ્છે છે કે, અમૃતા સ્વયં સમજશક્તિથી એના પ્રેમનો સ્વીકાર કરે.

પરંતું બને છે એવું કે ઉદયનનો મિત્ર અનિકેત – જેનો પરિચય ખુદ ઉદયને અમૃતા સાથે કરાવ્યો હતો તે – સમય જતાં અમૃતાનાં હ્રદયમા વસી જાય છે. અહી અમૃતા પુરુષ પસંદગીની બાબતમાં દ્વિધા અનુભવે છે. કથાનાં પૂર્વાર્ધમાં એ અનિકેત પ્રત્યે વિશેષ હ્રદય-રાગ ધરાવે છે. અમૃતા અને અનિકેતમા નિતાંત મુગ્ધતા છે, જ્યારે ઉદયનમા મુગ્ધતાનો અભાવ વર્તાય છે. એટલે જ અનિકેતને અમૃતા ચાહે છે એ વાતની ખબર પડતા ઉદયન અકળાઇ ઊઠે છે. એનાથી એ બાબત સહન થતી નથી. એટલું જ નહીં આવેશમાં આવી ઉત્તેજિત થઇ અમૃતા પર હાથ ઉપાડવાની  અને એના કપડાં ફાડી નાખવા સુધીની ક્રિયા કરી નાખે છે. એનામા પૂર્વગ્રહો અને ખોટી માન્યતાઓ એટલી હદે વ્યાપેલી છે કે તે સત્યને જીવનનાં અંત સુધી સ્વીકારી શકતો નથી. કથાનાં અંતમાં અમૃતાનો સમર્પણભાવ જ ઉદયનના ખોટા ખ્યાલોનો અને પૂર્વગ્રહોનો છેદ ઉડાડે છે.

અનિકેત વનસ્પતિશાસ્ત્રી હોવાની સાથે સાથે અનેક શાખાનો જ્ઞાતા છે. એ ઇશ્વરમાં આસ્થાવાળો તેમજ ઐન્દ્રિય અને તર્કગત બાબતોનો સ્વીકાર કરનારો છે. અન્યને અનુકૂળ થવા એ હમેશાં તૈયાર રહે છે. એ ઉદાર અને પ્રેમાળ છે. જ્યારે અમૃતા એની પ્રત્યે આકર્ષાય છે તેની પોતાને જાણ થતાં અમૃતા અને ઉદયન વચ્ચે અવરોધરૂપ ન બને એથી એ બન્નેથી દૂર જતા રહેવા વિચારે છે. પરંતું અમૃતાથી દૂર થવાના વિચાર માત્રથી વિવશ-બેચેન બની જાય છે. એનું સમગ્ર અસ્તિત્વ હચમચી જાય છે. અનિકેત વૈજ્ઞાનિક હોવાની સાથે સુસંસ્કૃત પુરુષ છે. જ્યારે અમૃતા અનિકેતના ઘરે આવે છે ત્યારે અનિકેત જે રીતે એનો આદર-સત્કાર કરે છે, તેમાં અનિકેતની એક સભ્ય અને સંસ્કારી પુરુષ તરીકેની છાપ ઊભી થયા વિના રહેતી નથી.

ઉદયન અધ્યાપક, પત્રકાર અને વાર્તાકાર છે. તે ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતા વર્તમાનને વધારે સ્વીકારે છે. ઉદયન કોઇ પર આધાર રાખવામા માનતો નથી. સ્વબળે જ પોતાનો વિકાસ સાધવાની ઇચ્છાવાળો છે. પરંતું જ્યારે તે ભિલોડામાં ખૂબ બિમાર પડે છે અને અમૃતા એની સાચા હ્રદયથી સેવા કરે છે ત્યારે એને પોતાનાથી ભિન્ન એવા અન્યની સેવાનો સ્વીકાર કરવો પડે છે. હિરોશિમાથી લ્યુકેમિયાની અસાધ્ય બિમારી લઇને આવેલા ઉદયનનુ અમૃતાની સેવાચાકરીથી અને વિશુદ્ધ સમર્પણયુકત પ્રેમથી હ્રદય પરિવર્તન થાય છે. અને તે મૃત્યુ પામતા પહેલા ઇશ્વરનાં અસ્તિત્વમાં માનતો થઇ જાય છે.
અમૃતા, ઉદયન અને અનિકેત વચ્ચે સ્ત્રી-પુરુષોનાં સંબંધોને લઇ મુક્ત ચર્ચાઓ થાય છે. ત્રણેય પાત્રો એકબીજાનો સહવાસ ઇચ્છે છે. ત્રણેય પાત્રો એકબીજાને બળજબરીથી મેળવવામાં નહીં પણ સમજણપૂર્વક સ્વીકાર કરવામાં માને છે. ત્રણેય પાત્રો જુદાજુદા સમય, સંજોગો, વાતાવરણ અને પરિસ્થિતિમાથી પસાર થઇ કથા વિકાસમાં વેગ લાવે છે. એ રીતે જોઇએ તો આ અમૃતા, ઉદયન અને અનિકેતની વ્યક્તિકથા બની રહે છે.

લેખકને અહીં ત્રણેય પાત્રોનાં ચિત્રણમાં પાત્રનિરૂપણરીતિ દ્વારા માત્ર પાત્રોનાં પ્રણયભાવને રજૂ કરવાને બદલે પાત્રોના અસ્તિત્વને ઉજાગર કરવાનું વધારે યોગ્ય લાગ્યું છે. કથામાં ઘટના બહુ ઓછી છે.પાત્રોના માનસમાં ચાલતું મંથન એ જ નિરૂપણનો મુખ્ય વિષય છે, અને એ કાર્ય બને તેટલી સુક્ષ્મતાથી થઇ શકે એ માટે લેખકે અનેકવિધ યુક્તિઓનો ઉપયોગ કરેલો છે. કથા ઘટનાવિરલ હોવા છતાં વાચકના ચિત્ત ઉપર પકડ જમાવી શકે છે, અને ઠેઠ સુધી પહોચ્યા વગર જંપવા દેતી નથી, એ લેખક ની સફળતા દર્શાવે છે.

દીપલ પટેલ

4-મન- માઈનસથી… પ્લસ-કાજલ ઓઝા -વૈદ્ય

વાંચના- વાંચવા જેવું પુસ્તક

IMG_20160812_162735

નવભારત સાહિત્ય મંદિર – પ્રકાશક

કીમત :૨૫૦

પાનાં : ૧૦૦

નાનકડું સુંદર પુસ્તક.

નાની નાની આ ૧૦૦ સલાહો/સૂચનો કે સમજવાની રીત લેખિકાએ વર્ણવી છે. આ પુસ્તક વાચતા પહેલા એક “I do” – “હું કરું છું” એવું લીસ્ટ બનાવી વાચવા જેવી છે. ઘણી વખત આપણને ખબર જ નથી હોતી આપણે એવી ભૂલ કરતા હોઈએ છીએ. આ પુસ્તકનું દરેક પ્રકરણ વાંચીને વિચારવું કે હું આમ કરું છું કે નહિ? મારે સુધારવાની જરૂર છે? ઘણી બધી બાબતો મને મારા માટે સાચી લાગી અને અમુક સુધારવા જેવી પણ.

લેખિકા પ્રસ્તાવનામાં કહે છે કે ‘ હું અનેક વ્યક્તિઓને મળી છું અને એમને જીવનની સમસ્યાઓ વિષે ખુલ્લા દિલે ચર્ચા કરી છે અને મને સુઝ્યા તેવા જવાબો – ઉપાયો મે સૂચવ્યા છે. અને મોટે ભાગે આ ઉપાયો ચમત્કારની જેમ પરિસ્થિતિને પલટાવનારા  નિવડ્યા છે. ‘કોઈ પણ પરિસ્થિતિ સુધારવાની કે બગાડવી આપણા હાથમાં જ હોય છે. અજાણતા જ આપણે કાયમ આપણે જ સાચા છીએ એમ સમજી વર્તીએ છીએ .

આ પુસ્તકમાં લેખિકાએ નાની સલાહો આપી છે અને એના કારણો પણ સમજાવ્યા છે. જેમ કે  કુદરતનું સન્માન કરીએ, નવું શીખવા તૈયાર રહીએ ,મનની વાત કહેતા અચકાવવું નહિ ,એક વ્યક્તિ સાથેના મતભેદને કારણે તેની આસપાસ  બધું નકામું ન થવું જોઈએ.સત્ય સહન કરતા શીખવું, વજન ઉતરવું અઘરું નથી… અને બીજા ઘણાય. ૧-૨ દિવસમાં આરામથી પતાવી શકાય એવું પુસ્તક છે. જે આપણને આપણી જ પરીક્ષા લેવા પ્રેરે છે.

દીપલ પટેલ 

૩-વાંચવા જેવું પુસ્તક -અલગારી રખડપટ્ટી-દીપલ પટેલ

લેખક: રસિક ઝવેરી
કિંમત: ૧૦૦ રૂ.
પાનાં : ૧૨૪
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

આ પુસ્તક વાંચીને બે પ્રયોગમાં સફળતા મળી. (૧) આ પ્રવાસ પુસ્તક છે.(Travelogue). મે આની પહેલા કદી પ્રવાસપુસ્તક વાંચેલ ન હતું. (૨) આ પુસ્તક મે અને અનુજે સાથે વાચ્યું.રોજ રાત્રે જમીને ૩૦ મિનીટનો સમય ફાળવતા. હું વાચું અને અનુજ સાંભળે અથવા અનુજ વાંચે અને હું સાંભળું.
બંને પ્રયોગ ખુબ સાર્થક નિવડ્યા. વાંચવાની અને લેખક જોડે ફરવાની ખુબ મજા પડી 🙂

વાર્તા કઈક આમ છે. ૧૯૬૫ ની ૨૦ જુને લેખક રસિક ઝવેરી એમની દીકરી ભાનુ અને જમાઈ આનંદ પાટીલને મળવા અને ફરવા માટે લંડન જાય છે. સ્ટીમરની સફરથી લઈને, લંડનના અનુભવો, પ્રસંગો,વાતચીતો બધું એકદમ સરળ ભાષામાં લેખકે લખ્યું છે. વર્ણન એટલું રસદાર છે કે લેખકની સાથે તમે લંડન ફરતા હોવ એમ જ લાગે અને પુસ્તક ફરી વાંચવાનું મન થાય  🙂

જયારે લેખક ૧૯૬૫ માં લંડન જવાનું નક્કી કરે છે ત્યારે એમની પાસે પૂરતા પૈસા પણ નહતા. તેથી તેમના મિત્રોએ ભેગા મળીને ગુજરાતી રંગભૂમિ કાર્યક્રમ કર્યો અને પૈસા ભેગા કર્યા. માર્કોની સ્ટીમરમાં પેસેજ બુક કરાવ્યાથી માંડીને મેડીકલ રીપોર્ટ કઢાવા સુધીનું કામ પતતા ૨ મહિના લાગ્યા.

લેખકે સફર દરમિયાન ભારત અને લંડન વિષે જે અનુભવ્યું છે એનું સંક્ષિપ્ત તેમણે પ્રસ્તાવનામાં લખેલું છે. જેના ફોટા મુકું છું.

IMG_20160518_134547

IMG_20160518_134554

IMG_20160518_134731IMG_20160518_134736

લેખકની દીકરી અને જમાઈ સવારે એમને oxford street પર ઉતારી દે અને લેખક રહ્યા ત્યાં સુધી પગપાળા ફરીને લંડન દર્શને રખડવા નીકળી પડે. ત્યાના લોકો સાથે વાતો કરે, અલગ દુકાનો/મોલ માં ફરવા જાય, લાયબ્રેરી અને પબમાં બેસે અને નવા અનુભવો મેળવતા રહે.

‘ફોઇલ્સ બુક શોપ’માં લેખક વાંચવા જાય તે સમયનો એક અનુભવ લખું: “સૌથી વધુ મને ગમે ચરીંગ ક્રોસ પાસેની જગવિખ્યાત ‘ફોઇલ્સ બુક શોપ’.ત્યાં પાર વિનાનાં પુસ્તકો અને પર વિનાનાં વિભાગો. એની અભરાઈઓ હું કલાકો સુધી ફેંદ્યા કરું. ત્યાં તમારે કોઈ પુસ્તક ખરીદતા પહેલા જોઈ જવું હોય તો ખુશીથી વાંચી શકો એવી સગવડ અને છૂટ.એક સજ્જન રોજ એક ચોક્કસ પુસ્તક વાંચવા આવે. સાંજે અધૂરું હોય ત્યાં નિશાની માટે બુકમાર્ક મૂકી રાખે.વિભાગના કર્મચારીના ધ્યાનમાં આ વાત હતી જ. કોઈ ગ્રાહકે એ પુસ્તક ખરીદવાની મરજી બતાવી. તપાસ કરતા ખબર પડી કે પેલા સજ્જન વાચતા હતા એ તો ચોપડીની આખરી પ્રત હતી. ગ્રાહકને ખુબ વિનયથી સમજાવવામાં આવ્યું કે,’કોઈ જિજ્ઞાસુ આ પુસ્તક વાંચે છે.તેઓ બુકમાર્ક મૂકી ગયા છે. હવે થોડા જ પાનાં વાંચવાના બાકી લાગે છે. આજકાલમાં તેઓ આવશે એટલે, તેમણે પૂછ્યા પછી જ આ પરત અમે આપણે વેચી શકીશું!’ “

તે ઉપરાંત પીટર રોબીન્સની દુકાનમાં થયેલ અનુભવ, પબ(દારૂના પીઠા)ની મુલાકાત વિષે, બીજી ઘણી દુકાનો જેવી કે હેરોડ્ઝ, વુલ્વર્થ,સેલ્ફરીજીસ,ઓઉટ સાઈઝ, મધરકેર , થીએટરની મુલાકાત, અને ઘણું બધું બહુ સરસ રીતે આલેખ્યું છે.

IMG_20160518_141134
રંગભેદ વિષે 

લંડનના લોકોના નૈતિક ધોરણો, શિસ્ત , ફેશન અંગે..

IMG_20160518_141350IMG_20160518_141401IMG_20160518_141442

એકવાર આ પુસ્તકને વાંચવા જેવું ખરું! 🙂

દીપલ પટેલ

૨-પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા – પન્નાલાલ પટેલ

param_vaishnav_narasinh_mehta_gujarati_book_by_pannalal_patel.jpg

સુનિતે મને લગ્નમાં ભેટ આપેલ પન્નાલાલ પટેલનું પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા પુસ્તક આજે વાંચી રહ્યી.. 🙂

એક અલગ જ વિષય હતો મારા માટે.. શું ભગવાન ખરેખર છે? ભગવાન શ્રી કૃષ્ણ એમના ભક્ત તરીકે નરસિંહ મહેતાને પસંદ કરે છે… નરસિંહ મહેતાની એના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ગજબ હતી.. એનો પ્રભુ પરનો વિશ્વાસ અને નિષ્ઠા એમના જીવનમાં સર્વસ્વ હતી.. 🙂

એક સામાન્ય ભગતના દીકરા શામળ અને દીકરી કુંવરના રાજાને શરમાવે એવા જાહોજલાલીવાળા લગ્ન, કુંવરના મામેરામાં પ્રભુ દ્વારા મોકલવામાં આવેલી ભેટો, ભક્ત નરસિંહ મહેતાના નાહવા માટે વરસેલો વરસાદ, ચમત્કારિક રીતે શામળશેઠ માટે લખાયેલી હૂંડીનો સ્વીકાર, હરિજનવાસ માં પ્રભુનું પાણી પીવડાવવા આવવું, અને રાજા માંડલીક અને સમગ્ર જૂનાગઢની હાજરીમાં પ્રભુનું નારસિંહને હાર પહેરાવવું… બધું સમજણની બહારનું લાગે.. પણ ખરેખર આ સત્ય છે તો કોઈ શક નથી કે ભગવાન નથી..  🙂

મને તો નરસિંહ મહેતાનો એના પ્રભુ પરનો પ્રબળ વિશ્વાસ આકર્ષી ગયો.. 🙂
અદભુત ભક્ત.. !!!
ખરેખર ભક્ત હોવો તો નરસિંહ મહેતા જેવો.. 🙂

ટૂંકમાં વાર્તા: તળાજા ગામમાં મોટાભાઈ જિવણરામ અને ભાભી સાથે 18 વર્ષના નરસિંહ મહેતા અને પત્ની માણેક રહે. નરસિંહ મહેતાને ભજન કીર્તનમાં વધુ રસ.. એક દિવસ ભાભી મહેણું મારે અને નરસિંહ ઘર છોડી ચાલ્યો નીકળે, 7 દિવસ જંગલમાં રહી પાછો ફરે અને  વિગતે વાત કરે… જંગલમાં નરસિંહ ધ્યાનમાં બેસે અને ભગવાન શિવ એમનો હાથ ઝાલીને કૃષ્ણને સોંપે.. નરસિંહ દ્વારકા જુએ.. એમને જૂનાગઢના શેઠ પુરષોત્તમદાસ મળે અને જૂનાગઢ રહેવાનું નક્કી કરે..
પહેલુ ભજન દ્વારકામાં ‘વૈષ્ણવજન તો… ‘ ગાયું હતું..

જૂનાગઢ ગામમાં ભજન કીર્તન કરે.. આખું ગામ આકર્ષાય.. લોકોના ટોળાં ભજન સાંભળવા ઉમટે.. ઘણા લોકો ઈર્ષા થાય..

૧૨ વર્ષના દીકરા શામળનું લગ્ન વડનગરના મદન મહેતાની દીકરી રતન સાથે જાહોજલાલીમાં થાય.. ૪ દિવસમાં ૪ માણસો આવીને લગનની તૈયારી કરે.. ગામ આખું જમે..

દીકરી કુંવર(સુરસેના)નું લગ્ન ઉનાના શ્રીરંગ મહેતાના દીકરા સાથે થાય..

દીકરા શામળ અને પત્ની માણેકનું અવસાન..

કુંવરના સીમંતમાં સાસુ તરફથી આપેલા મામેરાની યાદી પ્રભુ શેઠ શેઠાણી અવતારે પુરી કરી જાય.. નરસિંહને હેરાન કરવા નાહવા માટે લોકોએ આપેલા ઉકળતા પાણી ને ઠંડુ કરવા પ્રભુ વરસાદ પાડે..

જૂનાગઢ ના અમુક લોકો નરસિંહની આબરૂ કાઢવા  યાત્રીઓને  હૂંડી લખાવવા નરસિંહ પાસે મોકલે… હૂંડી ૭00રૂપિયા માં લખી આપે પણ ભક્તોને હૂંડી સ્વીકારવા વાળું દ્વારકામાં કોઈ ના મળે. .. નિરાશ થયેલા ભક્તોને છેલ્લે દિવસે શામળ્યા શેઠની હૂંડી સ્વીકારવા પ્રભુ મોકલે.. 🙂

હરિજનો નરસિંહને ડરતા ડરતા હરિજનવાસમાં ભજન ગાવા નોતરે.. નરસિંહ ખુબ ઉત્સાહથી ભજન રાસ ગવડાવે અને તરસ લગતા ભગવાન પાણી પીવડાવા આવે..

ગુસ્સે ભરાયેલા રાજા સમગ્ર જૂનાગઢ સામે નરસિંહને એના પ્રભુનો સાક્ષાત્કાર કરવા બોલાવે અને પ્રભુ છેલ્લા ભજનો પરોઢે આવીને નરસિંહના ગળામાં હાર પહેરાવી જાય 🙂

છેલ્લે નરસિંહ જૂનાગઢ છોડી માંગરોળ રહેવા જાય અને ૧૪૫૫ માં મૃત્યુ પામે.

— સમાપ્ત-દીપલ પટેલ

૧- પુસ્તક : ત્યારે કરીશું શું?? -– લિયો ટોલ્સટોય

ગુણવંત શાહની એકાંતના આકાશમાં પુસ્તક વાંચતી હતી ત્યારે લેખકે લિયો તોલ્સતોય ની “ત્યારે કરીશું શું?” પુસ્તક વિષે વાત કરી હતી… ત્યારેની મે મારા બુક લીસ્ટમાં નામ લખી રાખેલું હતું… ક્રોસવર્ડ માં જવાનું બન્યું અને આ પુસ્તક લઇ આવી… કીમત માત્ર ૪૦ રૂપિયા… પાના ૭૨.

આ પુસ્તક મૂળે રશીયનમાં લખાયેલું છે પછી તેનું અંગ્રેજી અનુવાદ થયું અને પછી નરહરિ પરીખે ગુજરાતી અનુવાદ કર્યું છે…

કાકા કાલેલકરે આ પુસ્તક વિષે કહ્યું છે કે ચોપડી વાચ્યા પછી એશઆરામ અને મોજમજાના દુધમાં પશ્ચાતાપનો ખરો કાંકરો પડે છે.

 વાત છે, લિયો તોલ્સતોય ૧૮૮૧ માં મોસ્કો શહેરમાં રહેવા ગયા ત્યારની છે.તેમને ત્યાની શહેરી ગરીબી જોઇને તાજુબ થયેલો. લોકો પાસે ખાવાનાય પૈસા નહિ, દારૂની લતમાં જકડાયેલા,પૈસો નહિ, કામ નહિ… લિયો આ બધું જોઇને માનવા લાગ્યા કે જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે અને ખાવાનું છે અને બીજા પાસે કઈ જ નથી ત્યાં સુધી એક નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર બનું છું..

 એટલે એમણે નક્કી કર્યું કે અભાગિયા લોકોની સ્થિતિ સુધારવા માટે યથાશક્તિ કઈક કરવું.. શરૂઆતમાં જ્યાં ગરીબ દેખાય ત્યાં એને પૈસા આપી દેતા. આગળ જતા એનાથી વધુ જરૂરિયાતવાળો ગરીબ દેખાય અને પૈસા આપીને પણ ગરીબોની હાલતમાં કોઈજ ફેર પડતો નહતો તે નોંધ્યું.. એટલે એમણે મનોમન નક્કી કર્યું અને મોસ્કોના તમામ ધનિક વ્યક્તિઓને મળ્યા અને પૈસા એકઠા કરવા માંડ્યા.. અને બીજું કામ ગરીબોને શોધવામાં કે જેમને ખરેખર પૈસાની જરૂરિયાત છે અને જેનાથી કોઈનું જીવન સુધરી શકે.

મોસ્કોમાં એ સમયમાં ચાલી હતી જ્યાં શહેરની હલકી પ્રજાતિના લોકો રહે જેમ કે નાના કારીગર, મોચી,સુથાર,ચમાર.દરજી,મજુરો, માગણો,વૈશ્યાઓ વગેરે.

તેઓ લોકોની નજીક આવવા લાગ્યા, લોકો ને સમજવા લાગ્યા. ત્યારે સમજાયું કે લોકો પાસે કામ છે અને પૈસા મળે છે તો દારૂ જુગારમાં વાપરી નાખે છે.. લોકોનું પેટ એટલું ખરાબ થઇ ગયું છે કે હવે એમને કઈ સારું ખાવાનું જોઈતું જ નથી. લોકો એમના ગામ પાછા જવા માંગતા ન હતા.. લોકો શહેરના આ નર્ક જેવા જીવનથી ટેવાયી ગયા હતા. બહુ લાંબો સમય સુધી ઝઝૂમ્યા પછી એમણે જોયું કે પૈસા આપ્યે કોઈનું ભલું થાય એવા માણસો હતા જ નહિ. જેમ તેમ કરીને અમીરો પાસેથી ભેગા થયેલા પૈસા ગરીબોને આપી આખરે એમને બધું કાર્ય સંકેલી વિષાદભર્યા હૃદયે ગામ ચાલ્યા ગયા.

 લિયોને શહેરી ગરીબાઈના કારણો, દુર કરવાના ઉપાયો વિષે લખવું હતું. તેમની નિષ્ફળતાનું કારણ તેઓ સમજી શક્યા નહતા. છેવટે ૩ વર્ષ પછી તેઓ લેખ પૂર્ણ કરી શક્યા.

 એમના લેખની અમુક વાતો શબ્દસહ લખી રહી છું:

-સઘળા દુખનું કારણ મારામાં નહિ પણ બહાર રહેલું છે એમ માનીને, દુઃખના નિવારણ અર્થે બધો વખત હું બાહ્ય સાધનોના વિચારમાં જ મશગુલ રહ્યો.

– મેં મારું પોતાનું જીવન સુધારીને મારે વધારે સારું જીવન ગાળવું જોઈએ, ઉલ્ટામાં મે તો તેમાંથી એવો વિચિત્ર સિદ્ધાંત કાઢ્યો કે હું પોતે વધારે સારી રીતે જીવી શકું એટલા ખાતર મારે બીજાઓના જીવન સુધારવા જોઈએ,એટલે મે બીજાઓના જીવન સુધારવાનું કામ આરંભ્યું.

– સર્વ ધનનું મૂળ તો ગામડામાં છે, સાચું ધન તો ત્યાં જ મળી શકે – ખેતરો, જંગલો, વગેરે

– ગામડાના લોકો શહેરની પ્રમાણમાં ઓછી મહેનતની કામની અને મોજશોખથી તે શહેર ભણી આકર્ષાય છે. શહેરમાં ઓછી મહેનત કરવી પડશે, સારું ખાવાનું મળશે, દિવસમાં ૩ વાર ચા પીવા મળશે, દારૂનો પણ ટેસ લગાવવા મળશે અને સ્વછંદી જિંદગી ગુજારવા મળશે, એટલા ખાતર લોકો શહેરમાં જાય છે.

– ગામડામાં શ્રીમંત પોતાનું ઘરે ગમે તેટલું શણગારે,પણ એ બધું જોઇને અદેખાઈથી બળે એવું ત્યાં કોઈ ના મળે,કારણ કે ગામવાસીઓ આ બાબતોમાં કશું સમજતા નથી જયારે શહેરમાં લોકો એકબીજાથી ચડિયાતા થવા સ્પર્ધામાં વ્યસ્ત હોય. અને મારા જેવા બધા અમીરો શ્રમજીવી લોકોની મજુરી પર તાગડધીન્ના કરી રહ્ય છે..

– હું જોઉં છું કે બીજાઓની મહેનત પર મોજમજા ભોગવાવની આ વ્યવસ્થા એવી સુંદર રીતે કરવામાં આવી છે કે માણસ જેમ વધુ કારસ્તાની બનતો જાય તેમ બીજાની મહેનતનો લાભ વધારે લઇ શકે ને તેટલા જ પ્રમાણમાં પોતાની જાતને મહેનત મજૂરીમાંથી બચાવી શકે.

 હું (અમીર વર્ગ) તો અત્યારે એક માણસની ખાંધ પર ચડી બેઠો છું ,એને ગૂંગળાવી રહ્યો છું, તેને કહું છું મને ઉચકીને ચાલ; અને એના પરથી ઉતર્યા વગર મારી જાતને અને બીજાઓને ખાતરી આપું છું કે મને એ બિચારાને માટે અત્યંત લાગણી થાય છે, અને માત્રા એની ખાંધ ઉપરથી નીચે 

ઉતર્યા સિવાય બીજા કોઈ પણ ઉપાયે એનું દુઃખ ઓછુ કરવા હું તૈયાર છું.

 મારે જો બીજાને મદદ કરવી હોય તો જે દુઃખો મટાડવાનો વિચાર હું રાખું છું, તે દુઃખો દેવાનું પ્રથમ તો મારે બંધ કરવું જોઈએ.

– ચાયનીઝ સિદ્ધાંત: “દુનિયામાં એક પણ માણસ આળસુ રહીને ખાય તો બીજા એકને તેને બદલે ભૂખે મરવું પડે છે.”

– હું દરરોજ ખમીસ બદલવાને બદલે અઠવાડિયે બદલું અને મારી સિગારેટ જાતે બનાવું તો કોઈક ધોબણ અને સિગારેટ વાળનાર ને એટલી મહેનત ઓછી કરવી પડે, અને જે ખર્ચ બચે તે હું એજ ધોબણ અને સિગારેટ વળનાર ને આપું તો એને ગજા ઉપરાંત કામ ના કરવું પડે અને એટલો સમય આરામ કરી કૈંક ખાઈ શકે.

– “મારે શું કરવું?” એ સવાલનો પહેલો નિઃશંક ઉત્તર મળ્યો કે “પહેલા મારા પોતાના બધા કામ – મારું રાંધવાનું,મારું પાણી ભરવાનું, મારા કપડા ધોવાનું , જે બની શકે તે જાતે કરવું”

– મે જોયું કે શરીરને હું જેમ જેમ વધારે શ્રમ આપતો ગયો તેમ તેમ મારી બધી આળપંપાળ છૂટી અને મારી શારીરિક અને માનસિક કામ કરવાની શક્તિ ઊલટાની વધી.

– ધીમે ધીમે શ્રમ કરતો થયો તેમ હવે મીઠાઈ અને ચરબીવાળા ખોરાક કરતા સાદા ખોરાક તરફ આકર્ષાયો. મારી જરૂરિયાતો ઓછી થઇ ગઈ.

— — સમાપ્ત

-દીપલ પટેલ –

પરિચય – દીપલ પટેલ

સુગંધ દેખાતી નથી પણ આસપાસ અનુભવવાતી  હોય છે.એક શુદ્ધ આવકાર દેતું વ્યક્તિત્વ એટલે દીપા. જિંદગીને ઝીણી ઝીણી રીતે માણવાની,વૃક્ષોથી નાના નાના છોડવામાં ઉછેરેયા નો આનંદ અને  કુદરતના દેવામાંથી મુક્ત થઇ અશબ્દ  કુદરતની  અનુભૂતિનો કોઈ વિરલ સ્પર્શ ને અનુભવતા  ઋણ ચૂકવ્યાનો અહેસાસ ,શીખવું અને શીખવાડવું ,પોતા પાસે છે તે બીજાને આપી સંતોષ લેવો .

આકાશી સપનાં ખરા તોપણ ધરતીની વાસ્તવિકતા ને જાણી આગળ વધવાનું ધગસ સાથે પુરુષાર્થ કરવાનો,બગીચો હમેશા સભર સભર રાખવાનો ,પુસ્તકોની પ્યાસી, અવાજથી અને વિચારથી અજવાળું પાથરવાનું,આપણી મૌલીકતાથી જીવનના અભિગમ તરફ હળવે હળવે વધવાનું,સર્જનતાની પરખ કરવાની,કલાને પોષવાની અને ખીલવવાનું આવી દીપા વિષે હું વધુ લખી પક્ષપાત કરું તો સમજી જજો મને દીપા મારી દીકરી જેટલી વ્હાલી લાગે છે ..હવે તમે એને વાંચશો એટલે તમેજ અભિપ્રાય આપજો.

https://dipalsblog.wordpress.com/

(મિત્રો ,  પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો વડીલોને સાંભળવા આપવા તો, દીપલબેન ની મદદ થી આ ઓડીઓ પણ બેઠકે કરી)

વિષય પરિચય -વાંચના

મિત્રો બેઠક રજુ કરે છે એક નવો વિભાગ -‘વાંચના’ -દર શનિવારે .

“બેઠક”ની શરૂઆત બ્લોગથી કરી વાંચવું અને વંચાવવું ત્યારબાદ  “પુસ્તક પરબ”એ  વાંચવાની સુવિધા કરી આપી કરી

દીપલ પટેલ આપની સૌની જાણીતી અને માનીતી હું એને વાંચનહરિણી કહું છું,જેને  પુસ્તકો વાંચવા ગમે છે વાંચવું અને વિકસવું જેનો મંત્ર છે  એ આ વિભાગ સંભાળશે પોતે વાંચેલા પુસ્તકો વિષે માહિતી આપી  સૌને વાંચવા પ્રેરશે. આપણે સૌ જાણીએ છીએ કે પુસ્તકો વ્યસ્તતા વચ્ચે પણ હૂંફ આપે, હકારાત્મક વિચારધારા પ્રગટાવે તેવું વાંચન ક્યાંથી પણ મળી રહે તો  ?…અથવા શું વાંચવું ? કેવું વાંચવું ?

વાચકમિત્રોની વાંચનક્ષુધાને સંતોષવાનું સરસ કાર્ય એક યુવાન પેઠીની દીપા કરવાની છે ત્યારે એટલું કહીશ કે આજે શબ્દોના સર્જનના વૃક્ષને ફળ આવ્યા છે.આ બ્લોગ મુંગા થઇ ગયેલા વડીલો માટે બનાવ્યો હતો પરંત વડીલો જયારે જોશે કે નવી પેઠી પણ ગુજરાતી ભાષા માં લખી વાંચી પોતાને વિકસાવી રહ્યા છે તો જરૂર એમના કરચલીવાળા ચેહેરા ઉપર સ્મિત પ્રગટશે.આભાર દીપા

શ્રીઝવેરચંદ મેઘાણી લખે છે, સાહિત્ય તો સાગરવેળ છે. જીવનનાં અણુએ અણુને પ્લાવિત કરી મૂકે. આવો નાદ પ્રજામાં લાગી જાય તે માટે વાંચો, ફરી વાંચો, વાંચીને રસને અંતરમાં સ્થિર કરો. આપોઆપ આપણી રસેન્દ્રિયમાં અમી પેદા થશે.”  સંબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે છે પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી

સુખ-શાંતિ અને સંતોષની અનુભૂતિ મેળવવા, મૂંઝવણમાંથી માર્ગ કાઢવા, લોકોમાં વાચનની ક્ષુધા પ્રદીપ્ત કરવાના ઉદ્દેશથી આ વિભાગ શરુ કરેલ છે.

‘બેઠ’ના આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા