મનની મોસમ ખીલવતા સર્જકના સાથીદાર-જ્યોતિ ઉનડકટ

 

 

 

 

ઘણીવાર ઘણી વ્યક્તિ ટુક સમય માટે મળે તો પણ લાંબી છાપ મુકીને જતા હોય છે.આજે આવો જ અનુભવ મનીષાબેન પંડ્યાના ઘરે થયો, જયારે એક કોલમીસ્ટ અને અભિયાનમાં એક વખતના એડિટર  જ્યોતીબેનને મળી ત્યારે…

જ્યોતિ ઉનડકટ એ ગુજરાતી પત્રકારીતામાં એક ઝળહળતું નામ છે…પહેલા જોઈએ ત્યારે લાગે  ફાલ્ગુની પાઠક જેવા દેખાય છે. પર્સનાલીટી “ટોમબોય” જેવી મુક્ત, સહજ  અને પારદર્શક, બોલવામાં કાઠીયાવાડી લહેકો  અને પહેલીવાર  મળીએ તો પણ આપણાપોતાના જ હોય તેવો અહેસાસ એને વાંચ્યા ન હોય તે પણ છુટા પડે ત્યારે કૈક વાંચ્યાનો અને મેળવ્યાનો અનુભવ કરાવે તેવું વ્યક્તિત્વ. જીજ્ઞાશું  અને નિરક્ષક આંખો, સાદી સરળ ભાષા, વાતચીતમાં કયાંય મોટો દંભ નહિ..દ્રઢ છતા અત્યંત ઋજુ અને સંવેદનશીલ, જ્યોતિબેન ને મળ્યા પછી જાબાંજ અને મક્કમ મનોબળની આ નારીનું વ્યક્તિત્વ જ ક્યાંક  અનોખું છે એવું લાગ્યું, સાચું કહ્યું એમના માંહ્યલાનો જાદુ સહજ વર્તાયો. એક  સ્ત્રી કલમ પકડે છે ત્યા એની સંવેદનાઓ શબ્દરૂપ ધારણ  કરે છે.સ્ત્રી સર્જકોની વાત જરા જુદી રહેવાની એને આવી લખતી અને અનેકની સંવેદનાને જગાડતી સ્ત્રીને મળીએ ત્યારે તેના માટે સહજ લખવાનું મન થાય.

એક દોઢ કલાકમાં ઘણી વાતો કરી..વાતચીત દરમ્યાન એમણે કહું  મેં અમેરિકાની એક એક ક્ષણ માણી,અહી આવ્યા પછી કોઈ બપોર મેં આરામ કરવા વિતાવી નથી,જાણે એમણે મનની મોસમ ને ખીલવી. મનની મોસમ એટલે મનના વિવિધ વિચારો…મનની મોસમ એટલે સહજ ખીલવું, અને સહજતા જ માનવીને અર્થ આપે છે.જયારે કોઈ વ્યક્તિ પોતાના શબ્દોથી પુષ્પને ખીલવે  ત્યારે  સામેવાળા એ ખીલેલા પુષ્પ ને માણે છે,જયારે આ તો એક પ્રત્રકાર એ જયારે વાતો કરે ત્યારે એમની  આંખો ઉપર ચશ્માં અને એની ઉપર દ્રશ્યો  અને જોયેલી, અનુભવેલી ઘટના સિવાય પણ કંઈ ઘણું બધું દેખાય… ‘ઘણું બધું એટલે માનવીય સંવેદના નો અહેસાસ

બીજી એક વાત મને સ્પર્શી ગઈ કે શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ની હાજરી ન હોવા છતાં એમની હાજરી દેખાણી… એક જ વ્યવસાય માં સાથે કામ કરનારા પતિ પત્ની આટલા એકબીજાના પુરક હોય અને તે પણ આવા પ્રગતિશીલ સમાજમાં ?જોઇને આનંદ થયો,સાથે  તેમના આ લગ્ન એ લાદેલો નહિ પરંતુ સમજણ પૂર્વક સહજ સ્વીકારેલો સંબંધ છે એ જાણે અમે પણ મહેસુસ કર્યું  અને ..જ્યોતિ અને કૃષ્ણકાંત એ એકબીજા વગર અધૂરા છે એ વાત મારા મને જાણે  નક્કી કરી લીધું.

જ્યોતિબેને  એક એક ક્ષણ માણી જીવન માણતા આનંદ અનુભવતા, શબ્દમાં પરોવી બીજાના મનની મોસમને ખીલવતા હતા જેના પડઘા અમે મુલાકાતમાં અનુભવ્યા,જ્યોતિબેનને પહેલીવાર જ મળ્યા પણ એક અજાણી વ્યક્તિ તરીકે નહિ હુંફાળા વ્યવહાર સાથે,જેણે  મિત્રતાનો અહેસાસ કરાવ્યો. ..

મિત્રો મારી અને મનીષાબેનની ઈચ્છા એમને ‘બેઠક’ના સર્જકો અને વાચકો આપ બધા સાથે મેળવવાની હતી પરંતુ સંજોગો વસાત એમને ‘બેઠક’માં ન લાવી શકી તેનો અફસોસ થયો.

પરંતુ અમે મળ્યા, ખુબ મજા આવી પણ સમય ઓછો પડ્યો..

પ્રજ્ઞા દાદ્ભાવાળા

 

અહેવાલ -૦૩/૩૧/૨૦૧૭ બેઠકમાં “મનની મોસમ” ખીલી સોળે કળાએ

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ૩૧મિ માર્ચ  2017ના એક અનોખી “મનની મોસમ”  ગુજરાતી ભાષાની “બેઠક”મા પ્રેક્ષકે  માણી.

 

 

 

 

 

 

બેઠક -૦૩/૩૧/૨૦૧૭

ડૉ, ઉષાબેન ઉપાધ્યાય

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘બેઠક’ની શરૂઆત કલ્પનાબેનની સુંદર પ્રાર્થના વડે થઇ.ત્યાર બાદ બધાને  આવકારતા પ્રજ્ઞાબેન દાદભાવાળા એ કવિશ્રી ચિનુભાઈ મોદીને યાદ કરી પ્રાર્થના કરી કહ્યું આ કવિશ્રી  હજી અહી જ છે અને રહેવાની છે એના  શબ્દોમાં,કવિતામાં, એના નાટકોમાં ,એની નવલકથાના એકએક પાત્રોમાં ,ગઝલના“ઈશાર્દ”મા…ચિનુંમોદી જીવંત રહેવાના.

 

પ્રજ્ઞાબેને કહ્યું કે બેઠક સાહિત્ય સાથે પરિવાર ભર્યું વાતાવરણ રાખે છે. જેની અનુભૂતિ આજે મને અને આપણને સૌને થાય છે. આજે  સતીશભાઈ રાવલને માંદગી પછી બેઠકમાં સાજા નરવા જોયા  ત્યારે ‘બેઠક’ના સૌને આનંદ થયો જે નોધનીય છે  અને સતીશભાઈને આવકારતા  કહ્યું બેઠક આપનું સ્વાગત કરે છે. તો ઉષાબેનને મોટી સર્જરી માટે જવાના છે માટે જલ્દી સાજા થાય તેવી શુભ ભાવના સૌ ભાવીએ .દાદા હરિકૃષ્ણ મજમુંદાર જલ્દી સાજા થાય માટે પ્રાર્થના

ત્યારબાદ પ્રજ્ઞાબેને મહિનાનો વિષય “મનની મોસમ” વિષે વાત કરતા કહ્યું સૌનો પ્રયત્ન આ વખતે નિબંધ માટે નોખો રહ્યો બધા જ નિબંધો સરસ હતા માટે આ વખતે  રમાબેન પંડ્યા તરફથી સૌને ૧૧$નું ઇનામ મળશે. દાવડા સાહેબે મહિનાના વિષય પર પોતાના વિચારો દર્શાવ્યા  નિબંધ કેમ લખવાએ વિષે જણાવતા કહ્યું  નિબંધ  વિષે આજે હું નહિ કહ્યું ઉષાબેન જેવા સાક્ષર આજે હાજર છે અને નમ્રતાપૂર્વક કહ્યું કે આજે મારા કરતા ઉષાબેન વધુ સરસ સમજાવશે અને હળવા શબ્દોમાં નિબંધનો દાખલો આપી વાત રજૂ કરી  તો અતિથિવિશેષ તરીકે  ડૉ, ઉષાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિ નોંધનીય રહી. ‘વાચિકમ’ માં દીપલ પટેલ પદ્માબેન શાહ નો નિબંધ વાંચ્યો ને ધરાએ રાજુલ કૌશિકના નિબંધનું પઠન કરી ‘બેઠક’ને રસિક બનાવી.સાથે પીનાકભાઈએ કવિતા રજૂ કરી તો જયવંતીબેન અને કલ્પનાબેને પણ નિબંધનું પઠન કર્યું ,દરેક પઠન બાદ ડૉ, ઉષાબેન ઉપાધ્યાય ની ટિપ્પણી જ્ઞાન સભર પુરવાર થઇ.નિબંધ વિશેનું માર્ગદર્શન સર્જકોને વધુ સારું લખવા પ્રેરણા આપશે એમાં કોઈ શક નથી ,’બેઠક’ને  આગળ વધવા માટે નવી દિશા મળી, ગુરુ ડૉ, ઉષાબેન જાણે દેવી સરસ્વતીએ મોકલ્યા ન હોય તેમ આવ્યા અને દેવી સરસ્વતી ઉષાબેનના  માનસમાંથી અવતરિત થઈ,એમણે સર્જકોને માર્ગદર્શનઆપ્યું અને ‘મનની મોસમ”માં જાણે જ્ઞાન સભર વસંત પંચમી આપો આપો ખીલી.

દર્શનાબેન ભુતા શુક્લ અને માધવી બેનની હાજરી એ બેઠકને સંગીતમય બનાવી, મનની મોસમ ના વિષયને અનુરૂપ ગીત ગાયું અને ‘બેઠક’ની મોસમ સોળે કળાએ ખીલી, સૂર શબ્દ અને સંગીત ભેગા થાય ત્યારે બેઠક’માં સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? “મન મળે ત્યાં મેળો” રજૂ કર્યું ત્યારે  મન હોય ત્યા મેળાનો આનદ  અનુભવ્યો, તો પોટલોક પાર્ટી માં બધાજ હાંડવો લઇ  આવ્યા અને ‘બેઠક’ના દરેક વ્યક્તિના  મનમેળની અનુભતી બેઠકમાં સૌએ અનુભવી.બેઠકમાં બધા એક જ વિષય ઉપર વિચારે છે અને ખાવાની ઈચ્છા પણ જાણે એક જ સરખી થઇ રહી છે એવું સૌને લાગ્યું અને ‘બેઠકે’ હાંડવા પાર્ટી ઉજવી. મન મળે ત્યાં મેળો અને અને મન ખીલે ત્યાં મોસમ, જાણે મોસમ જાણે નવપલ્લવિત થઇ,ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ જાણે સર્જાયું

સૌથી વધુ આનંદ રાજેશભાઈ શાહ અને જયશ્રીબેન શાહ  ની ૪૦ વર્ષની લગ્નતિથિ ઉજવી લોકોએ માણ્યો,બંને પતિપત્નીને  એમની બા ના આશીર્વાદ સાથે બધાની  અઢળક શુભેચ્છા મેળવી ,રાજેશભાઈ અને તેમના પત્ની જયશ્રીબેને  ‘બેઠક’માં લગ્નદિવસ પ્રેક્ષકો સાથે સહિયારો માણ્યો અને પ્રેક્ષકોએ એમને હોશે વધાવ્યા.માધવીબેનની મીઠાઈ બંને પતિપત્ની એ ખાઈ મીઠું મોઢું કરી ‘બેઠક’માં પોતાના રોમાન્ટિક સંવાદો ની રજૂઆત કરી અને  ‘બેઠક’માં પ્રેમની ઋતુ વસંત ખીલવી.

કોઈ અંત સુધી જવાનું નામ ન લેતા બધાના આગ્રહને માન આપી ઉષાબેને બે સુંદર કાવ્યો તેમની સરસ શૈલી માં રજૂ કર્યા, સંગીતની કલાને માણતા એમણે બંને કલાકાર દર્શનાબેન અને માધવી બેનને વખાણતા કહ્યું કે શબ્દોને જયારે સૂર અને સંગીત મળે છે ત્યારે એક અનોખું  શબ્દનું રૂપ સર્જાય છે મને આપની કલા માટે માન છે સાહિત્ય અને કલા બંને એક જ છે.આપણે સૌએ એમની કલાને તાળીઓ થી વધાવીએ,પ્રતાપભાઇને યાદ કરતા પુસ્તકો ની આપ લે થઇ.સમય જાણે ટુંકો પડ્યો,  હાજરી ખુબ હતી કહેવાની જરૂર છે ખરી ? ન છુટકે સૌ છુટા પડ્યા પણ ખાલી હાથે નહિ ‘બેઠકે’ સર્જેલી “મનની મોસમ” સૌ ખોબામાં લઇ ગયા.

અહેવાલ -પ્રજ્ઞા દાદભાવાળા

 

મનની મોસમ -લલિત નિબંધ (૨૧) પાનખર

અમેરિકામાં આવ્યા પછી જીવનમાં આવી એક લહેરખી અને પાનખર નો અહેસાસ કરાવ્યો. મારા  સ્વાસ્થ્ય માટે  નિરીક્ષણ થયું ડૉ,બોલ્યા કે મને  સ્ટેજ ચાર ફેફસાનું કેન્સર છે જે ગળામાં અને મગજમાં પણ પ્રસરી ગયું છે. ત્યારે મનમાં ચાલતો સંઘર્ષ, વેદના અને મૃત્યુની સામેનો પડકારે જાણે મનની મોસમ બદલી નાખી,એક અજબ પરિસ્થિતી,ખરવાની અવ્યક્ત વેદના, ત્યારે  દુઃખથી છલોછલ ભરેલું મન ક્યાંક ખાલી થવા બારી શોધે અને દેખાય માત્ર દુર બાંકડે બેઠેલું જીવન …

મારું મન કેટલાયે દાયકા પાછળ જતું રહ્યું.  બરાબર સાત દાયકા.સોળ વર્ષની યુવાન ઉંમર.. ખેતરમાં જવું, આંબાવાડીમાં આંબાને મોર આવ્યો હોય તેની એક અલગ ફોરમ લેવી, બે ત્રણ મહિનામાં નાની નાની કેરીઓ દેખાય.મનની આ યાદગાર મૌસમને  યાદ કરતાં મન ક્યારેય થાકતું નથી.નિશાળેથી આવ્યા એટલે તરત પુસ્તકો ટેબલ પર મૂક્યા, જરાતરા નાસ્તો કર્યો કે બહાર રમવાં દોડી જવું  – બીજા ભાઈબંધો રાહ જોઈ રહ્યા હોય.  એ જીવન કઈ અનેરૂ હતું.  ન કોઈ ચિંતા, ન ફિકર, ન જવાબદારી ! જીવનનો અમુલ્ય એ સમય હતો.  ગામનો કૂવો, સરકારી સ્કુલ, નાનું તળાવ, અને ગામની વચ્ચેથી પસાર થતો ધોરી રસ્તો.ત્યાં આવીને ઉભી રહેતી એસ ટી બસ, .બા બૂમ પાડી બોલાવે નહીં ત્યાં સુધી ઘરમાં ન જવાનું બસ આનંદ એક નિદોષ આનંદ .  સંધ્યાકાળ ધેનુ બધી પોતપોતાના ઘરમાં પ્રવેશ કરી નીરેલું ઘાસ અને પાણી પીતી હોય, બાની બોલાવવાની રાહ જોવાતી હોય. આંખો બંધ હતી અને છતાં આખું જીવન જાણે આંખોમાં….


એ સમયે એક ખુમારી હતી.  જુવાનીનું જોશ હતું.  ન શું થાય ! બધુંજ થશે. ચાલ, હું મદદ કરું।  આખા ગામમાં નામ જાણીતું થઇ ગયું.  સીત્તેર  વર્ષ વિતી ગયા. ગામનું દરેક વ્યક્તિ મને ઓળખતું થઇ ગયું. કોઈનું પણ કામ હોય, હું હાજર રહેતો.  કોઈના દીકરો કે દીકરી પરણે તો જાણે મારી જવાબદારી બની જતી. કોઈને આર્થિક જરૂરિયાત હોય તો તરત હાથ લાંબો કરી આપી દેતો. તેથી જ અમેરીકા આવવા નીકળ્યાં તો આંગણું આખું ભરાઈ ગયું હતું. ગામનાં દેસાઈ, પટેલ, મોચી, ઘાંચી, મુસલમાન,અને કામ કરતાં દુબરાની વસ્તી!  તે દિવસે જાણે આખું ગામ ભેગું થઇ ગયું, સૌને થતું હતું ભાઈ પાછા નહીં આવે તો અમારું કોણ ?..આજે મારું કોણ

અચાનક છાતીમાં દુઃખી આવ્યું.આ ભીંસ કેવી ?  શ્વાસ લેવામાં તકલીફ પડે છે. છતાં પેલાં વિચારો એનો પીછો ન્હોતા છોડતા. બધાએ કેટલું સમજાવ્યું હતું ! સીગરેટ ન પીઓ.  દારૂ ભલેને ફોરીન હોય પણ શરીર તો તમારુંને ?  ક્યાં સુધી સહન કરે ! વિદેશી સીગરેટ અને દારૂ ની બોટલ – દરેક ઇંગ્લેન્ડ અમેરિકાથી આવનાર ભેટમાં આપતા અને એ ખૂબ ગમતું.  પણ આજે એજ વસ્તુએ મને બરબાદ કરી દીધો.  ફેફસામાં કેન્સર થયું, ગળામાં પ્રસરી ગયું.  હવે મગજમાં આવી ગયું. આભ ફાટે તો થીંગડા ક્યાં મરાય ? કીમો થેરાપી કે રેડિએશન, કાંઈ જ કામ નથી કરતું.  હવે માત્ર ગણ્યા ગાંઠ્યા દિવસો રહ્યા છે.મન વિચારોથી ભરપૂર છે.  સ્વસ્થ શરીર હોય તો જ મન સ્વસ્થ રહી શકે.  મેં દારૂ અને સીગરેટ વર્ષો પહેલાં છોડ્યા હોત તો આજે મારી આ પરિસ્થિતિ ન હોત.  મારે મારી પરિવાર  પર બોજ નથી બનવું.  હે પરમાત્મા, મને તું વેળાસર તારી પાસે બોલાવી લેજે. મારુ મન તારા ચરણોમાં આવવા હવે તડપી રહ્યું છે

મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુનો મને ડર નથી. મારી પત્ની, પુત્ર, પુત્રવધુ, દીકરી, જમાઈ, પોતા, પોતીઓ – ભરેલો સંસાર છે મારો બાગ મહેકે છે,હું સુખી છું – પણ હવે મારે જવાનો સમય થઇ ગયો છે.  મારુ મન આટલું વિચલિત કેમ છે?  મને કેમ શાંતી નથી ? અમેરિકાનું સુઘડ ઘર કે સારામાં સારી હોસ્પિટલ કોઈ મોસમથી મને જાણે વંચિત રાખતી હતી.

મેં પાછી આંખો મીંચી દીધી. પાછું એજ ગામ, લીલા ખેતરો, કૂવો, તળાવ, મંદિર, ઢોર, બહાર હિંચકા પર બેસી આવતા જતાં લોકોને નિહાળવા, ખબર અંતર પુછવી – કેવી હરિયાળી હતી એ, એની યાદ પણ  શાંતી આપતી હતી  હવે સમજાયું કે મને પોતાપણું  મારું ગામ,આપતું હતું. મનની શાંતીની  લ્હેર ત્યાંથી આવતી હતી. સમગ્ર મોસમ માણવા મન પોતાને ગામ પહોંચી ગયું.  શું ધરતીની સુગંધ છે !! એ ગુલમ્હોરી રાત અને મોઢા ઉપર આછું સ્મિત આવ્યું.  છોકરાંઓને થયું ડેડી દુઃખમાં પણ હસી શકે છે પણ તેઓને ક્યાં ખબર હતી કે એમનું મન તો આંબા વાડીમાં પહોંચી ગયું હતું અને પૂરું માણી રહ્યું હતું.  હું સુખી છું.  હવે મને મૃત્યુનો ડર નથી.  હું મારે ગામ પહોંચી ગયો છું.  મૃત્યુ મને ડરાવી નહીં શકે.  વતનના  ઝુરાપાએ મને વતનમાં, મારાં ગામમાં પહોંચાડી દીધો છે. મારા એ મનની મોસમ ખીલી ઊઠી છે. .

મને હવે અફસોસ કોઈ વાતનો નથી.  મેં જીંદગી ખૂબ માણી, વસંત જોઈ છે. એટલું જ નહિ ઘર ગુથ્થીમાં માં -બાપ પાસેથી શીખેલું કે દરેક વસંત એકલા નહિ  વહેંચીને માણજે, આજ દિન સુધી એ સૂત્રને નજર સમક્ષ રાખી જીવન જીવતો આવ્યો છું. બની એટલી જન સેવા કરી આપતો આવ્યો છું. મનુષ્ય પાસે શું નથી ? હું પણ ઘણી વસ્તુથી અજાણ રહ્યો, મારા મોહમાયા અને મારી ટૂંકી દ્રષ્ટિ એ મને આવરણો થી ઢાંકી દીધો અને હું બહાર ન આવી શક્યો.હવે અંતરચક્ષુ પર જે પડદો હતો તે ખસી ગયો.

આપણે સૌ નાની-મોટી મોસમ  જીવીએ છીએ પણ પાનખર મનની મોસમનો એક એવો અહેસાસ  એક એવી વેદના…છે કે  આપણે પોતે ઝાડ થઈને પાંદડે પાંદડે ખરીએ છીએ અને .. પીળા પડી ખરવાની વેદના ઝીલતા, આપણા આયખા આખાને આંખોમાં પથારીમાં ઝીલીએ છીએ  અને ઝીલતા ઝીલતા સત્યને જે પામીએ છીએ, હવે  નવી દ્રષ્ટિ, નવા વિચારોથી કુપણો ખીલે  છે બારી બહાર દ્દેખાતી પાનખરમાં પણ વસંતનો વૈભવ સર્જાય છે.
આજે સમજણ છે પણ હવે સમય જ ક્યાં છે એ વસંતે મણવાનો…

 

 

જયવંતિ પટેલ

મનની મોસમ -લલિત નિબંધ (૨૦)રંગોના સથવારે

 

સમગ્ર સૃષ્ટિ રંગોના અપાર વૈવિધ્યથી સોહી રહી છે. આ અનેકવિધ રંગોનું આગવુ મહત્વ ભારતીય સંસ્કૃતિએ સ્વીકાર્યુ છે. રંગોનુ પણ એક સરસ વિજ્ઞાન છે. રંગોની સમગ્ર સૃષ્ટિ પ્રકાશ અને અંધકાર વચ્ચે સમાયેલી છે. મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યનુ કિરણ પસાર કરીને શોધી કાઢયું કે પ્રકાશ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, એ સાત રંગોનો બનેલો છે. તેને સંક્ષેપમાં ‘જાનીવાલીપીનારા’ ગુજરાતીમાં અને ‘VIBGYOR’ પ્રમાણે અંગ્રેજીમાં બોલવામાં આવે છે. ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણીથી થાય.’ આ જાણીતુ છે. રંગોના અનેક પ્રકાર હોય છે. આછો, ઘેરો, ઉત્તેજીત, ઉષ્ણ, શીતલ, વિગેરે. કાળા રંગના મીશ્રણથી રંગ ઘેરો બને છે અને રંગને આછો બનાવવા સફેદ રંગ ઉમેરવો પડે છે. મનોવૈજ્ઞાનિક રીતે જોતા ઉષ્ણ રંગો ભૌતિક ગણાય છે જે માનવના આવેગોને દર્શાવે છે. સૌમ્ય રંગો આદ્યાત્મિકતા અને ઉદ્દાત ભાવના દર્શાવે છે.

શબ્દ દ્વારા સહજ રીતે વ્યક્ત ના થઇ શકતી અનુભૂતિની અવસ્થાને દર્શાવવા માટે માનવે સદીઓથી અલગ અલગ રંગોનો પ્રતિકાત્મક રીતે ઉપયોગ કર્યો છે. જોકે સમય અને સંસ્કૃતિ પ્રમાણે તે અલગ પણ હોય છે. જાંબલી – શાંતિ, ગંભીરતા, વિનમ્રતા પ્રગટ કરે છે. વાદળી – શાંત, સ્વચ્છ, આકાશી ગુણ દર્શાવે છે. લાલ – ઉગ્રતા, ઉત્તેજના, શહીદીના પ્રતિકરૂપે. નારંગી – જોશ, આનંદ અને સફળતા તરફ લઇ જાય છે. પીળો – પવિત્રતા, ગુલાબી – પ્રેમ અને મિત્રતા, ભૂખરો – ધૈર્ય, વૃધ્ધાવસ્થા અને વિનમ્રતાને પ્રગટ કરે છે. સફેદ – શુધ્ધિ, શાંતિ અને કરૂણાના પ્રતિકરૂપ ગણાય છે જ્યારે કાળો – શોક, વિષાદ અને મૃત્યુના પ્રતિક તરીકે ઓળખાય છે.

ભારત રંગોથી ભરેલો ભાતિગળ દેશ છે જેમાં ચારે બાજુ રંગો વિખરાયેલા છે. દેવ-દેવીઓના નામાભિધાનમાં, વસ્ત્રોમાં, સગીતના સાત સૂર, પાંચ પ્રાણ, ષટ્‍ચક્ર, દેહશૃંગાર, ગૃહસજાવટ, પશુશૃંગાર, રોજીંદી ચીજ-વસ્તુઓ, ઉત્સવો, મેળાઓ, પૂજાવિધિ, કર્મકાંડ, દરેકમાં રંગોની ચોક્કસ પ્રકારની પરંપરા જોવા મળે છે. મંત્રના દરેક અક્ષરોની આભા હોય છે. તંત્રોમાં રંગો હોય છે. વાયુના રંગો હોય છે. વિવિધ શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથોમાં રંગો અંગેના આયામો દર્શાવાયા છે. નવગ્રહોના પણ અલગ રંગો હોય છે. રસના અને સ્વરના પણ રંગ હોય છે. તંત્ર અને યોગ અનુસાર ભૌતિક માનવ શરીરને બીજુ એક સુક્ષ્મ શરીર પણ હોય છે જેમા સાત ચક્રોમાં આદ્યાત્મિક શક્તિ રહેલી હોય છે. આ દરેક ચક્રને પોતિકો રંગ હોય છે. પંચમહાભૂતોને પણ પોતાનો રંગ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રંગની માનવજીવન પર ગાઢ અસર જોવા મળે છે. મેડીકલ સાયન્સમાં રંગોની મદદથી દર્દીનો મુડ બદલીને તેના રોગોને દૂર કરવામાં આવે છે તેને ‘કલર થેરાપી’ કહેવામાં આવે છે. સૂઝોકમાં પણ અલગ અલગ રંગના ટપકા કરીને રોગમુક્ત કરવામાં આવે છે.

શૂરવીર માટેનો કસુંબીનો રંગ અને સરહદ પરનાં શહીદોના રક્તનો રંગ, તો વળી કાન સંગ ગોપીઓએ ખેલેલા ગુલાલ-કેસુડાના રંગથી તો સૌ પરિચિત છે. હિન્દુ તહેવારોમાં રંગોની વિવિધતા જોવા મળે છે. નવરાત્રિનો રંગ, નવા વર્ષની રંગોળીનો રંગ, રંગોનો સરવાળો અને મિલાવટ કરતો હોળી-ધૂળેટીનો અનોખો તહેવાર જીવનને જીવંત બનાવે છે. વિખરેલા રંગોને એકઠા કરો ત્યારેજ રંગોળી સર્જાય છે. આકાશમાં મેઘધનુષ ત્યારેજ રચાય છે જ્યારે તમામ રંગો સાથે હોય.

તમારી આસપાસનુ રંગીન દિવ્યશક્તિનુ આવરણ જેને ઑરા કહેવાય તેના રંગો સતત તમારા મન, વિચારો, ચેતના અને લાગણીઓના ઉતાર ચઢાવ પ્રમાણે બદલાતા રહે છે. આ રંગોને યોગની કેટલીક પ્રક્રિયાઓ થકી બદલી શકાય છે. વર્તમાનમાં વાયકા છે કે સમયની સાથે કલીયુગના માનવને તેના સ્વભાવના રંગને બદલતો જોઇને કાચિંડાને આપઘાત કરવાનુ મન થયુ કે આ માનવ મારાથી પણ ચઢી ગયો. કાચિંડો સમય, સંજોગો પ્રામાણે તેનો રંગ બદલે છે પરંતુ આજનો માનવ બહુરંગી બનતો જાય છે. માણસ કરતાં માણસે તેની માણસાઇને સકારાત્મક રીતે મેઘધનુષી કરવાની જરૂર છે.

રંગો વગરનું જીવન જીવવુ અશક્ય છે. જીવનનાં રંગો અપાર છે. જ્યારે પણ સંવેદના સળવળે છે ત્યારે રંગો ઉભરાય છે અને કોઇપણ રીતે તે વ્યક્ત થાય છે. એ નશામાં ડુબવાનુ મન થાય છે ત્યારે કાવ્ય લખાઇ જાય છે.

પીછવાઇમાં પૂરેલા રંગો, જેવી છે આ જીન્દગી,

મોરપીંછનાં રંગો, જેવી છે આ જીન્દગી,

મેઘધનુષનાં રંગો, જેવી છે આ જીન્દગી,

ક્યારેક સોનેરી તો ક્યારેક રૂપેરી છે આ જીન્દગી.

એ રંગોનાં પૂરનારને હું શું કહું?

એની લ્હાણીમાં ક્યાંય ખોટ નથી,

ક્યાંય કસર નથી, ક્યાંય કચાશ નથી.

હૈયુ ભરાય છે એ ભારથી,

અને ગદ્‍ગદ્‍ થવાય છે મારા શ્યામની એ કરનીથી.

જે મારી આસપાસ છે અને એને હું દીઠી શકતી નથી.

માત્ર એક અહેસાસ છે એનો હોવાનો,

અને શ્વાસમાં શ્વાસ પૂરાતા જાય છે …

જીવનમાં રંગો પૂરાતા જાય છે, પૂરાતા જાય છે …

અને રંગીન જીન્દગી જીવાતી જાય છે.

માનવ જીવનનાં રંગોને  ક્ષિતિજે ઉગતા સૂરજના રંગોથી માંડીને ક્ષિતિજે આથમતા સૂરજનાં રંગો સાથે સરખાવી શકાય. જીવનની પ્રભાતે ઉષાના સોનેરી કિરણો, માના હાલરડે રંગાતુ બાળપણ, યુવાનીમાં પૂરાતી સપનાની રંગોળી – ભીતર રંગ, બહાર રંગ, અંગેઅંગ રંગમાં, પ્રીત-પીયુને પાનેતરના રંગમાં જુવાની ઝબોળાઇને નિખરતી જાય છે. વહાલપની નિતરતી લાગણીઓના રંગમાં ભીંજાવું એ મેઘધનુષના રંગો કરતા પણ આકર્ષક હોય છે. વળી સોનેરી સંધ્યા સમી જીવનની પાનખરના, પીળા પાનને લાલ રંગમાં ફેરવવાની આવડત જો આજનો વૃધ્ધ શીખી જાય તો ક્ષિતિજે આથમતો સૂરજ પણ રંગીન લાગે છે.

આ તમામનો આધાર મનની મોસમના રંગો પર, ખુદની ચેતના શક્તિ અને સકારાત્મકતા પર નિર્ભર છે. મનની મોસમને ખીલતી રાખવા સત્સંગ, ભક્તિ અને આદ્યાત્મનો રંગજ પરમ સમીપે લઇ જાય છે. અને મન ગાઇ ઉઠે છે, “રંગાઇ જાને રંગમાં …”

 

 

 

 

કલ્પના રઘુ

મનની મૌસમ – લલિત નિબંધ (2) ઝીલાય સુખ અને દુઃખ

snake

એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ  બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી રંગની ઘણી બધી રજકણો હતી.તેણે સપનામાં પડેલી એ સ્વર્ણ રજકણ ભેગી કરી અને ચકાસણી કરાવડાવી તો તે ૨૪ ટકા સોનુ હતુ. તેનું મન હતું તે તક્ષક નાગને શોધવા પાછું કાર્યરત થયું આ વખતે સ્વપ્ન જરા વિચિત્ર હતું નાના સાપોલીયા તો અસંખ્ય હતા પણ તેમની સાથે એક લીલી નાગણ અને નાગ પણ હતા.અને સ્વર્ણ રજકણ ની મોટી ઢગલીઓ પણ હતી. નાના તક્ષક નાગોથી તે જગ્યા ભરેલી હતી અને લીલા નાગ દંપતી સૌને ઉછેરતાં હતાં તેમને જરુરી દુગ્ધપાન કરાવતા હતા.નાગ અને નાગણ સ્વર્ણ રજકણો એકઠી કરી ઢગલીઓ પણ કરતી હતી

સપના જોતાએનાં મને વિચાર કર્યો…આ નાગ અને નાગણ ને વશમાં કરીયે તો રોજે રોજ સ્વર્ણ રજનાં ઢગલા મળે. પછી કામ એક જ કરવાનું આ નાગ અને નાગણને વશમાં કરવાનાને?..રોજે રોજ સ્વર્ણ રજ ભેગા કરીને મબલખ પૈસા પેદા કરવા નાગ વન કરી એક ફાર્મ બનાવ્યું. અમુક સમયે નાના તક્ષક નાગો બધા પેલા નાગ  જેટલા પુખ્ત થયા થયા અને એક કરતા વધુ ફાર્મ થયા નાગ વન, નાગઉપવન .નાગવૃંદાવન, નાગ નંદનવન,

રોજે રોજ સ્વર્ણ રજ વધતી ગઈ.તેમજ તે વાત  ફેલાતી ગઇ.અને  તેમ તેમ જ ઈર્ષા અને સ્પર્ધા વધતી ગઈ ..જેટલા નાગ વન હતા તેટલા નૉળીયા વન વધતા ગયા..નાગમાં ઝેર ઉભરાતા થયા અને સ્વર્ણરજ ઘટતી ગઈ. વિદેશીઓએ ભેળસેળ કરવા માંડી હવે નાગનાં રંગ બદલાવાનાં ઘટવા માંડ્યા અને નાગનું કદ વધવા માંડ્યુ નાગ ફુંફાડા મારતો થયો અને નાના તક્ષક નાગોને ચાંઉ કરી જતો થયો..ધારતો હતો તેટલો નફો થતો નહોતો.

બહુ શાંતિથી વિચાર્યુ તો સમજાયું કે મુખ્ય નાગ અને નાગણ ઘરડા થવા માંડ્યા હતા તેની ચોથી પેઢીએ બદલાવ દેખાતા હતા નાના તક્ષક નાગોમાં એકાદ નાગ વિદ્રોહી થઈ જતો હતો અને તે નાગ ની આગલી પેઢીઓ માં વિદ્રોહી સ્વભાવ દેખાતો હતો.તેઓ ઝડપથી દ્વિગુણીત થતા હતા

સપનામાં હવા મહેલ ઉભો કર્યો હતો તેના કાંગરા તુટતા જણાયા તેથી પ્રભુને વંદના કરી…હે કૃષ્ણ આ નાગનો નવો ફાલ દુર કરવા આવો અને કાળીયા નાગને જેમ કાબુમાં કર્યો હતોને તેમ કાબુ કરો..

કૃષ્ણ ભગવાન હસ્યા..”મારો ભાગ કેમ નહોંતો નાખ્યો?. હું આવીને તારા નાગોને બચાવીશ પણ તારે દરેક નાગ વન નો કર આપવો પડશે.”….

”ભલે ભગવાન પણ એવું કરો કે આ ભેળસેળ છુટી પડે અને  આ ઇર્ષાથી પિડાતા અને મારા ભાગ્યનાં કંટકો જેવા નોળીયા વનો અને આ તક્ષક નાગોને ચાંઉ કરી જતા વધેલા ક્દનાં ફુંફાડા મારતા નાગોને દુર કરો.”..

વાત તો કઠીન છે કહી માયા ભર્યુ હાસ્ય પ્રભુ હસ્યા.તેમણે કહ્યું પેલા વાણીયાની જેમ એક જ વરદાનમાં આખું તારા દુઃખોનો હળ તે શોધી લીધો.?”

“.પ્રભુ આપ બેવડો કર લેજો પણ આ સ્વર્ણ પ્રસવતા મારા લીલા તક્ષક નાગોને બચાવી લો પ્રભુ…!”

પ્રભુ એ વાંસળી વગાડવા માંડી અને બધાજ મોટા નાગો તેમની પાછળ જવા માંડ્યા.મોટો હાશકારો અનુભવતા પડખું બદલ્યું પણ થોડા સમય પછી વાંસળી બંધ થઈ અને એક ચક્ર ફરતુ આવ્યું તેમા બધા નાગ  ફેણ ફુલાવતા ચક્ર સાથે ફરતા હતા અને તે પીળા રંગનું તીવ્ર ઝેર વરસાવતા હતા…

પાછળ નાગનાં સુસવાટા સંભળાતા હતા તે પીળુ ઝેર નાનકડા તક્ષક નાગો પર પડતુ હતુ ને તે સર્વ નાના નાગ પીળા થતા જતા હતા તેમનું દ્વીભાજન યંત્રવત રીતે ઝડપી થતું જતું હતું અને સોનેરી ઢગલીઓજે પહેલા કલાકે દેખાતી તેને બદલે દર દસ મીનીટે દેખાતી હતી આ ઉપાધી હતી કે વરદાન તેને સમજાતુ નહોંતુ તેથી પ્રભુને આહ્વાન કર્યુ..”પ્રભુ આ આશિર્વાદ છે કે શ્રાપ?”

મંદ મંદ હસતા પ્રભુ બોલ્યા “આતો તમારા ઇચ્છાધારક નાગ હાલ તો તમારે માટે સ્વર્ણ રજ બનાવીને તમને માલેતુજાર બનાવી રહ્યા છે.”.

“પણ પ્રભુ તમે જાણો છો તેમ આ રીતે સરળતાથી લભ્ય બનતુ સોનુ પછી જરુરી સમૃધ્ધી નહી આપે.”

“ મનથી રોકો તો જ રોકાશે આ મનની મૌસમ.”

“ પ્રભુ આટલા બધા નાગ અને સ્વર્ણ રજ..શું સંબંધ છે મન સાથે?”

“ લીલા નાગ એટલે લાલસા અને સ્વર્ણ રજ એટલે લક્ષ્મી….તમે કુબેર બનવા ઇચ્છો છોને?”

“હા પ્રભુ! પણ આ લીલા નાગ અને પીળુ ઝેર…અને આપ કહોછો મનની મૌસમ? મને કંઇ સમજાતુ નથી.. અર્જુનની જેમ ઘુંટણીયે પડીને પ્રભુની સામે જોઇ ને તે બોલ્યો.”

જુઓ લાલસાનું સ્વરૂપ મનથી બદલો અને વિચારો કે સંતોષ…અને જુઓ કમાલ.

તરતજ ખીલી ઉઠ્યા દરેક નાગ બની ને સફેદ ગુલાબ અને સ્વર્ણ રજ બદલાઇ ગઈ બર્ફીલી ચાદરમાં.

મનથી તેણે ઇચ્છ્યુ કંકાસ રહીત જીવન અને બર્ફીલી ચાદરમાં રંગોનું મેઘધનુષ્ય ઉભરાવા લાગ્યુ.

પ્રભાતનાં પક્ષીઓની ચહેકાટ સાથે પૂર્વમાં ઉષાનાં રંગો ઉભરાવા માંડ્યા..જલતરંગ મધુર ગાન ગાતુ હતું.તે જરાક સળવળ્યો..તેને ઠંડી લાગતી હતી ગોદડી ખેંચી અને સપનામાં લપેટાવા તૈયાર થતો હતો અને આંખો ખુલી ગઈ.સપનુ તો પુરુ થયુ હતું…લીલા નાગોએ ભેગી કરેલી સ્વર્ણ રજોની ઢગલીઓ ગાયબ હતી.

એલાર્મ વાગતું હતું

કૃષ્ણ નો ફોટૉ ગીતાસાર કહેતો હતો…

કર્મનો જ તને અધિકાર,,,ફ

ળ તો એના સમયે પાકશે તેના ઉપર ના કોઇ તારો અધિકાર.

મન ની મૌસમ દ્વારા ઝીલાય સુખ અને દુઃખની અનુભુતિઓ

તો શીદને કાબુમાં ન રાખવું મન નું ચલણ?. કાયમનીજ અતૃપ્તિ,..

કાયમ જ અસંતોષ

અને કાયમ કશું પામવાની દોડને

બદલે જે છે તે માણને.

મન.અને..તેના રંગોને તો તું ધારે તેમ બદલી શકે છે…..

પાછળ વાગતી વાંસળીનાં મધુર રવે તેને લાધ્યુ આ જ્ઞાન …

તૃષ્ણાનાં વન ને બદલી નાખ સંતોષનાં રંગે..

દોટ ના મુક લક્ષ્મી માટે જ્યાં હશે વિષ્ણુ ત્યાં લક્ષ્મીનો વાસ છે નિશ્ચિંત

વિજય શાહ

મનની મોસમ – લલિત નિબંધ (19) મનજી

 
મનની મૌસમ વિષય મન સાથે સાંકળેલો જોતા મન વિચારે ચઢ્યું ખરેખર શું આ મન જ છે કે જે ખીલવે છે અને મુરઝાવે છે. અર્વાચીન કવિ દયારામેં એક ગીત માં મન ને “મનજી” કહ્યું છે…મન ને ખુબ માન આપ્યું છે. જેમ મામાજી, કાકાજી કેહવા થી સંબંધમાં માન અને આત્મીય પ્રેમ દર્શાવાય છે તેમ મન ને મનાવતાં મનજી કેહતા તેની શક્તિઓ વિષે માન ઉપજે છે અને તે યથાર્થ જ છે.  
 
ક્યારેકતો મન એટલેજ માણસ એવું કહેવાનું મન થાય છે.જુના ફિલ્મી ગીતોમાં પણ મન વિષે વાતો કરતા ગીતો ઘણા છે …….  તોરા મન દર્પણ કહેલાયે.. ભલે બુરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે….. ને કોણ ભૂલી શકે છે? કવિએ મન ને દર્પણ કહ્યું છે કારણકે મન થી કશુંજ છૂપું રહેતું નથી.
 
મન ની મૌસમ ખીલે અને જીવન નું વન ઉપવન બને તેવું કોણ ના ઈચ્છે? જિંદગીની શરૂઆત થતાંજ બાળપણથી જ મનની માવજત લેવાય છે. દિલ અને દિમાગ બંને કામે લાગે છે ..બંનેમાં  જયારે એકમત અને સુસંગતતા જળવાય ત્યારે યોગ સધાય છે…અભ્યાસ માં રંગત આવે છે ..કંઈક બનવા ની મહેચ્છા આજે રંગ લાવે છે. પ્રતિષ્ઠા સભર નોકરી મળે છે જીવનનો વિકાસ બંધ પેરાશૂટ ખોલી નાખે છે…. .અને મન ની મૌસમ ખીલે ઉઠે છે..
 
હવે જીવન નો એક નવો દૌર શરુ થાય છે. લગ્ન અને જીવનસાથી ની વાત આવતાજ મન ચકડોળે ચઢે છે..મન કહ્યામાં રહેતું નથી….કાંઈ સૂઝ પડતી નથી…સુખી જીવન ની કલ્પનાઓ અને જીવનસાથી સાથે વિતાવવાના સોનેરી સ્વપ્નાઓ જ નજર સામે આવે છે. જીવનના બાગ ને લગ્ન કરી ને ઉછેરવો, મહેકાવવો અને જીવન ને શણગારવું કઈ સહેલું નથી….મનગમતો જીવનસાથી મળીજ જાય છે …અને પછી જીવન ની વસંત માં મન ની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠે છે.
 
હવે તો મન સાથે તન પણ નાચી ઉઠે છે…..અનેમન મીઠા મધુરા ગીતો ગાવા લાગે છે….પંછી બનું ઉડકે ફીરુ મસ્ત ગગન મેં ..આજ મેં આઝાદ હું દુનિયાકે ચમન મેં ……….આજ મેં ઉપર અસમાન નીચે।…..આજ મેં આગે જમાના હૈ પીછે…..જીવન રંગીન લાગે છે…. અને ઝપાટાભેર જિંદગી સેકન્ડ ઇંનિંગ્સ તરફ આવી પહુંચે છે. 
 
આંખના પલકારામાં જીવનની વસંત પાનખરને બારણે ટકોરા મારે છે…જીવનની ઉષા અને જીવનના મધ્યાન ને ભરપૂર માણ્યા પછી પણ મન હજુ એમજ કહે છે કે ઉષા ની જેમ જીવનની સંધ્યા પણ ભવ્યતા  અને રંગો થી ભરેલી છે…પાંદડું લીલું ની જગ્યા એ પાંદડું પીળું ને રંગ રાતો  …..કેહતા મન ને હજુપણ જીવનને ભરપૂર જીવવું છે…કૃષ્ણ ના રાસ માં જોડાવું છે….જિંદગીની મેન્ડેટરી ઓવરો માં …હવે અંદાઝ જુદોજ છે….હવેતો કૃષ્ણ ની બંસી થયી ને બજવું છે…જલકમલવત જીવવું છે ….સેવા, સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા જીવનને આનંદ થી ભરી દેવું છે… અને આમ જીવતા જીવતા મન ની મૌસમ ફરી એક વાર મહેકી ઉઠે છે….
(રાજેશ શાહ)

૧૮મનની મોસમ – લલિત નિબંધ – આનંદો ,આનંદો,આનંદો!

હર પલ,હર ક્ષણ, હર ઘડી,બદલાયે મોસમ

આટલું લખ્તાની સાથે મનની મોસમ જાણે શરુ થઇ ગઈ ના હોય તેમ અચાનક એક સિનેમાનું ગીત મન ગણગણવા લાગ્યું.

હર ઘડી બદલ રહી હય યે જિંદગી,છાંવ હય કભી,કભી હય ધૂપ જિંદગી!હર પલ યહાં જી ભર જીઓ,જો હય સમાં કલ હો ન હો?

સમય ક્હો કે  મોસમ બન્ને અનિશ્ચિત છે.

મનની મોસમ જાણતા પહેલા આપણે મોસમને જાણીએ

હૂ હૂ કરતો આવે શિયાળો, ઉનાળો કરાવે હાય હાય

ભલે ભીંજાતાં વર્ષામાં,મુખેથી બોલતા જાય હાશ,હાશ!

મનનો વિચાર કરતા, મન નથી એકલું તન સાથે છે જોડાયલું

મન વિનાનું તન છે જાણે સહુ એ મડદું!પણ,પણ તન વિનાનું મન?

શું કહેવાય ભૂત કે પ્રેત?ના હું પહેચાનું.પણ

તનને વયની અવધિ છે, મનને ના કો અવધિ છે,

જ્યાં સુધી જોડાયેલ છે,હર મોસમના એ સંગી છે

તનની બાલ્યાવસ્થામાં હરખાઈને  બોલાવે વર્ષાને ગાઈ ગીતમાં

આવ રે વરસાદ ઘેબરિયો પ્રસાદ,ઉની ઉની રોટલી ને કારેલાનું શાક!

લાંબુ ચાલે ચોમાસું તો? તેના પણ  ગીત ગવાય!

તારે મેહુલીયા કરવા તોફાન અમારા લોકોના જાય છે જાન,

કેટલા દિવસનો તું આવ્યો છે અહી કેમ તારી બા તને લઇ જાય નહીં?

મનનો મિજાજ એજ મનની મોસમ ખરી ?ઘડી ઘડીમાં જાય એ ફરી ફરી?

હું રે મેહુલીયા રમવાને જાઉં ભૂખ્યો થાતા ઘેર પાછો આવું!

મન છે માંકડું ને સાંકડું,ઓથેથી રહીને બતાવે પોતાને મસ્ત  થઈ ફાકડું!

બદલાતી મોસમમાં થાય હુહુ,હાયહાય,કે હાશ હાશના ઉચ્ચાર !

હરેક મોસમમાં ગુંજી રહે  “હ’ નો હકારાત્મકનો હોકાર

એક વિખ્યાત લેખક ઈમર્સનના ખુબ સરસ  શબ્દો “યદી મુઝે નરક મેં રખા જાયે,

તો મય અપને સદગુણો કે કારણ વહા  ભી સ્વર્ગ  બના દુંગા”બખૂબ!

મન  સમ બની જાય,મોસમ! ત્યા રે જ એ  મનની મોસમ મણાય

એક બહુ  જૂનું ગીત” મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા”

જોતીતી વાલમની વાટ  રે અલબેલા કાજે ઉજાગરા. મનના ભાવથી

કરેલા મનગમતી વ્યક્તિ કાજે કરેલા ઉજાગરા એક એક ક્ષણ તેના મનને ઉત્સુક કરે છે.

ના મનને કે ના તનને કર્યા બોર, પ્રેમ આનંદમાં કરી દીધા તરબોળ!

મનને થોડી ઘહરાઈથી જોતા જ્ઞાત થયું,કે મનને બે જોડિયા ભાઈ છે!.એક છે જાગ્રત મન  અને બીજું છે અર્ધ જાગ્રત  મન.

જાગ્રત મન પાસે છે ૧૦%શક્તિ, જયારે અર્ધ જાગ્રત મન પાસે ૯૦% શક્તિ છે. એ ૯૦ %શક્તિનો ઉપયોગ કરવાનું આપણે જો શીખી લઈએ તો બધું મેળવી શકીએ.જાગ્રત મનથી  જીવનની સમસ્યાનો હલ ન કરી શકવાથી કોઈ સગા સમ્બંધી,કે સમર્થ વ્યક્તિ,કે જ્યોતીશ પાસે દોડી જાય છે.અંતે ભગવાનને શરણે જાય છે.એ પણ સહેલો તો ન કહેવાય.આ સિવાય વૈજ્ઞાનિક રીતે જે સચોટ રસ્તો છે એ છે “તમારા અર્ધ જાગ્રત મન” પાસે જવાનો.કારણ કે તમને મુઝવતા દરેક પ્રશ્નનો ઉકેલ તમારા અર્ધ જાગ્રત મન પાસે છે.

આપણા દરેકના અર્ધ જાગ્રત મન પાસે વિશ્વના સમગ્ર વાતાવરણ ઉપર અસર કરવાની  તાકાત છે.એ પછી ભૌતિક, માનસિક કે બાયોલોજિક વાતાવરણ હોય.આપણે જયારે અર્ધ જાગ્રત મનને કોઈ મહાન કાર્ય માટે આહ્વાન આપીએ છીએ ત્યારે આત્મ ચેતના જગાડીએ છીએ.અર્ધજાગ્રત મન વિશ્વ ચેતના (કોસ્મિક પાવર)પાસેથી શક્તિ મેળવી પોતાની ધારી અસર દેખાડે છે. ને ત્યાં કોઈ પણ દુરી નડતી નથી.આપની પ્રબળ ઈચ્છા {બર્નિંગ ડીઝાયર}તેના અર્ધ જાગ્રત મનમાં જઈને એક ચુંબકીય વાતાવરણ ઉત્પન્ન કરે છે.એ ચુંબકીય પાવરથી ભગવાન શ્રીરામ શબરીને ઘેર પધારે છે.અભણ જંગલમાં રહેતી એક આદિવાસી સ્ત્રી શબરી જો પોતાના અર્ધ જાગ્રત મન દ્વારા ભગવાનને પોતાના તરફ ખેંચી લાવે,તો આપણે આપણી  આ શક્તિને ઓળખી લઈએ અને બરાબર ઉપયોગ કરી  શકીએ તો?તો ના જવાબમાં અર્ધ જાગ્રત મન એ ભગવાનનો જ અંશ છે.તેની શક્તિ પર શંકા કરવા કરતા ધીરજ સાથે હકારાત્મક વિચારથી એકાંતની પ્રાર્થનામાં આપણે આપણી ચેતના શક્તિને જગાડતા,અર્ધ જાગ્રત મનને કાર્યશીલ કરીએ છીએ.ત્યારે વિશ્વ ચેતનામાંથી શક્તિનો સંચાર થાય છે.ચેતના શક્તિ એ શક્તિની જાગૃતિની ક્રિયા છે.આ શકતી છે તે પૃથ્વી અને બ્રહ્માંડને સંભાળે છે.તે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિ છે.તેગતિમાં રહે છે તે સંપૂર્ણ છે.દિવસમાં દીસે અનેક માર્ગ,સુઝે ના એકે માર્ગ?એક રાત્રીના અંધકારમાં,એક નાનાશા દીપકમાં પ્રગટી ભક્તિની જ્યોત,વહે શક્તિનો ધોધ,સ્નાન કરતા સ્વચ્છ થાયે મન ને ત્યારે જ ને ત્યારે જ ખીલી ઉઠે મનની મોસમ!

હર કણ હર ક્ષણ પ્રભુમય બની જાય!

આનંદો ,આનંદો,આનંદો!

પદમા-કાન

મનની મોસમ – લલિત નિબંધ(15)ખીલવશું તો વિશ્વ આખ્ખું ખીલશે

મનની મોસમ એટલે મનના વિવિધ વિચારો : એને ખીલવશું તો વિશ્વ આખ્ખું ખીલશે ! અને એને ખીલવવા ખાતરપણ સારું નાખવું પડશે .આપણા સમાજને ખીલવવા શાસ્ત્રો પુરાણો અનેતેના પ્રચારકો , ધર્મ સંસ્થાઓ અનેધર્મગુરુઓએ બદલાવ લાવવો પડશે .

આજે મારે વાત કરવીછે શિવ -પાર્વતીની ! 

ઘણા વર્ષોથી મને સતી અનેદક્ષપ્રજાપતિની વાર્તામાં દિલચશ્પઈ રહી છે. એવું તે શું બન્યું હશે તે સતી ( પાર્વતી ) ને પિતાને ઘેર પ્રસંગ પર ગયાં બાદ ત્યાં જઈને આત્મ વિલોપન કરવું પડયું ? અને આ પાર્વતી કોઈ સાધારણ સ્ત્રી નહોતી , દક્ષ પ્રજાપતિની વિદુષી દીકરી હતી !

એક ભણેલી ગણેલી , સમજુ , પોતાની ઈચ્છાથી મહાદેવને વરેલી સ્ત્રી હતી ! એક કન્વેનશનમાં મેં આ વિષય પર બોલવા જે સંશોધન કર્યું તેની રસપ્રદ વિગત આપ સાથે રજુ કરું :ક્યારેક સાપ ગયા ને લિસોટા રહ્યા તેમ મૂળ વાત વિસરાઈ જાય ને ઠુંઠું પકડીને બેસી રહીયે તેમ થાય !

તુલસીદાસજીએ રામચરિત માણસમાં પાર્વતી મુખે કહેવડાવ્યું છે ” પિતા મંદમતી , નિંદત તેહિ , દચ્છશુક્ર  સંભવ યહ દેહી ; તજી દઉં  તુરત દેહ તેહિ હેતુ , ઉર ધરી ચંદ્ર મૌલિ બ્રુશકેતુ “

પિતાની આવી નાદાન બુદ્ધિ અને એનાજ શુક્રાણુ નો આ દેહ બન્યો છે 

તો શંકરનું ધ્યાન ધરતાં આ દેહ ત્યાગું છું ‘

આ સમગ્ર વાતને માનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારવા મેં ભાગવત , શિવ પુરાણ વગેરે તપાસ્યાં.  

કોઈ પણ સમજુ , વિદુષી સ્ત્રી આવું ઉતાવળિયું પગલું શું કામ ભરે? આત્મ વિલોપન ? અને તે પણ પિતાના ઘરે?

શિવપુરામાં છેકેશિવ અને સતીને રામ બાબત ચર્ચા થઇ જેમાં પાર્વતીસીતાનું રૂપ લે છે, શિવને ગુસ્સો આવતા બંને વચ્ચે એક મૌન ની દીવાલ રચાય છે

વર્ષો સુધીનાં આવા વિષાદી વ્યવહારમાં એ પિતા ઘેર જાયછે પણ કોઈ એને ઉમળકાથી આવકારતું નથી – પિતાના ગુસ્સાને લીધે . ડિપ્રેશનમાં ડૂબેલી સતી ખોટા ખયાલોમાં – ઘેલછામાં -આત્મહત્યા કરેછે : આ ભવે શિવની પ્રીતિને નાપામી તો આવતે ભવે પામીશ ‘ એમ વિચારોને !  

આજના જમાનામાં આવી વિષાદગ્રસ્ત પરિસ્થિતિમાંથી પસાર થતી દીકરીઓને આપણેઉભી કરીએ . કથાકારે આવી વાતોનો ખાશ ઉલ્લેખ કરી સમાજમાં નવો વિચાર રમતો મુકવાની જરૂર છે. સતીજેવી દીકરીઓ જે પતિના ઠંડા વર્તનથી સહન કરે છે ( સતીએ સીતાનું રૂપ લીધેલ તેથી શિવજીએ તેને માતા સમાન ગણેલી )  , પિતા જેને જમાઈ સાથે અણબનાવ  હતો , દીકરીએ પ્રેમ લગ્ન કરેલા તેથી તેના પ્રત્યે ઉપેક્ષા  

આવા બધાંઝગડા વગેરેમાટે યોગ્ય સલાહકાર કાઉન્સેલરની મદદ લેવી જોઈએ . ફેમિલી કાઉન્સેલિંગ , મેરેજ થેરાપિસ્ટ વગેરેના ઉલ્લેખ વ્યાખ્યાનોમાં આવવા જોઈએ. ભાગવતકથાકારો  અને અન્ય વિદ્વાન વર્ગ જો આવા વિચારો વહેતા કરશે તો બદલાવ જરૂર આવશે  

અંધકાર દૂર કરવો એટલે શું? દીવો પ્રગટાવો તો અંધકાર આપો આપ જાય ! અને તેપણ તરતજ ! હજાર વર્ષ જૂની માન્યતાઓ નો અંધકાર દૂર કરવા જ્ઞાન રૂપી દીવો કાફી છે. 

દેશમાં દીકરીઓનું સ્થાન ત્યારે જ ઊંચું આવશે! અસ્તુ .

ગીતા ભટ્ટ. 

#Gujarati Pride

મનની મોસમ – લલિત નિબંધ (17)જીવનબાગ નું સાફલ્ય

Image may contain: tree, sky, outdoor, text and nature

મન ની મોસમ : કુદરત નિસર્ગ સૃષટી = જીવનબાગ નું સાફલ્ય .
જ્યારે પ્રવેશ કર્યો “બેઠક “” ના બારણે ,
વિચારોની માળા ગુંથાઈ “બેઠક”ના બારસાખ પર લીલાંછમ તોરણે.
મળ્યા સૌ સ્નેહીઓના મન fb ના કોલમે,.
રુબરુ મળ્યાં જયાં બાંધ્યાં સંબંધો ,
ને આત્મીય લાગણીઓ એ છેડી દીઘાં
સ્તવન મનગમતી મોસમ ના બેઠક ને આંગણે .
મન ની મોસમ એટલે ઈશ્વરે આપેલી અલૌકિક લૌકિક , કુદરત, નિસર્ગ , સૃષટી ની ભેટ જ નહી, પણ માનવ સૃષટી ની ભેટ . ઈશ્વરે આલહાદક વાતાવરણ ને માણવા ની મોલવાની શક્તિ અને ભક્તિ માનવ ને આપી માનવ જીવન સાર્થક બનાવવા ની જીવનશૈલી આપી . ઈશ્વર ની લીલા ન્યારી ને ગતિશીલ છે . પશુપંખી ,ફુલછોડ ,ઝાડપાન ,ડાળ શાખા ,પરીંદા ,રંગબેરંગી પતંગિયા ,આકાશ ,પાતાળ ,વાદળ ,ધરતી ,વરસાદી હરિયાળી , સફટીકી બરફીલી માયા, ઝરણું નદી સાગર મહાસાગર અખાત , મહેંક પાણી પવન મોર નો ટહુંકો ને કોયલ ની મીઠાશ , રુતુ ચક્ર ની મનગમતી મોસમ . સૂરજ ચંદ્ર તારા વગેરે ને આપણાઊપવન ની શોભામાં પુષ્ટિ કરવા વહેતા મુકયાં. ને આપણાં મુખેથી શબ્દ સરી પડે ,
ઈશ્વર કેટલાં મહાન છે. અરે વા !!!! શું વસંત ખીલી છે!! આકાશી ઓઢણી ને સાગર નો બિછાનો , ફૂંકાયો પવન પ્રણય નો ને ,ઊગયો છે સૂરજ મજાનો !!!!!
ધરતી એ ઓઢી છે હળિયાળી કાયા ,
” ગયાને”બિછાવી દીધી , સફટીકી બરફીલી છાયા !!!
વાદળે વરસાવયાં કરા ધરતી પર પથરાયા,
લાગણીઓ ની ઉમીઁઓ માં મનોરથ સજાયાં.!!!!! આ તો ભાઈ માનવ રહદય ની ભાવના ને ભીંજવતી પ્રેમ ની મનગમતી મોસમ .
ધરતી ભીની થાય છે વરસાદ ની હેલી ના આગમન થી ને માનવ હૈયું ભીનું થાય છે લાગણીઓ ના તલસાટ થી .
ફૂલ ખીલે છે તે કરમાય છે ત્યાં સુધી તેની સુવાસ ફેલાવતું રહેછે . તેવી જરીક માનવ રહદય ની
લાગણી પ્રેમ સદ્દભાવના સમતા પ્રેરણા ની પરબ સન્માર્ગેવહેતી રહે છે. ને તેની સુવાસ ચોમેર ફેલાય છે તેને પ્રેરણા ની મન ની મોસમ કહીશું .
સફળતા એને કહેવાય ……..જયા તમારી signature બીજાને માટે autograph બને. આ autograph ને signature તમારી જિંદગી ની મહામુલી મન ની મોસમની હૈયાતી ના હસ્તાક્ષર કહેવાય .
અરે!!!!!! પેલાં કલકલ વહેતાં ઝરણાં તો જૂઓ !! કેવાં ઉછળકુદ કરતાં અથડાતાં કુટાતાં પર્વત ની પથરીલી શાલાઓ માંથી માર્ગ કરી નદી માતા ને સાથ આપી રહ્યા છે!!! એવું કહી શકાય ,
“”” કલકલ વહેતું ઝરણું આવ્યું , સાગર ને મળવા ને .
સારે તેને ચુંમી લીધું ને , શૈશવ ને વાગોળવા ને.
“ઝરણું” ત્યાં કો બોલી ઉઠયું , કયાં છે મારી માડી!
મળવા આવ્યું નદીમા તને , વારતાઓ સાંભળવા ને .
નદીમા એ સ્તવન છેડ્યું તયાં, સ્થાન મળ્યું “હાલરડાં” ને.
ઝરણું સાગર મળ્યાં અેકમેક ને , કર્યું આલહાદક નિસર્ગ વાતાવરણ ને .
આ તો થઈ ઝરણું નદી સાગર મહાસાગર ના મન ની મોસમ ની વાત . માનવ પંખી મા પણ આવી મન ની મોસમ ના ફેરફાર જોવા મળે છે . બચપણ ,યુવાની જોબન , વસંત , પાનખરી વસંત ની પ્રક્રિયા બદલાતી રહેછે. માનવ પંખી પોતાના બાળકો ના શૈશવ ના સ્પંદનો માં પોતાના બચપણ ની યાદો ને ખુલ્લા ફલકની જેમ વાગોળી મમળાવી ્ યાદો ને તરોતાજી કરી મન ની મોસમ ને મુકત મને વહેતી કરીએ છીએ .
જેમ વૃક્ષ વૃદ્ધ થાય તો પણ છાંયો તો આપે જ છે , તેને આંગણાં માં રહેવા દો. તેવી જ રીતે માતા પિતા વૃદ્ધ કેમ નહોય તેમને તમારા બાળકો ના સંસ્કાર સિંચન માટે પણ તેમે ધરમાં રાખી માવજત કરો , એને કહેવાય મનગમતી મોસમ ની ભગવદ્ગીતા . જે માનવ પંખી એ આ મોસમ ને માંણી છે તે ગનીમત છે. Promise ” એટલે સરળ ભાષા માં કહીયે તો “બેયના” “હું”નો હવન કરી ને ” આપણે ” નો પ્રસાદ લેવો. આને કહીશું મન ની મોસમ નો પ્રસાદ.
ગુલાબ નું ફૂલ કાંટા મા રહીને સમતા ના મુલ મા જીવે છે . આપણે તો ભાઈ માનવપંખી , જીવન માંઆવતી આફતો માં કાંટાળા માર્ગ માં અડગ સ્થિરતા રાખી આવેલી પરિસ્થિતિ નો સામનો કરીએ છીએ . સમતા ને ક્ષમતા ના ફૂલ ને વેરતાંવેરતાં મંજીલ ને વધાવી લઈ મન ની મોસમ ને માંણી લઈએ છીએ .
મારી મન ની મોસમ એટલે મારું જીવનવૃક્ષ . મારા બાળકો , મારો સંસાર , મારા જીવનસાથી નો જીવન પર્યંત નો સાથ .
મારું જીવનવૃક્ષ હમેશાં મઘમઘતું, હમેશાં ઝગમગતું. હમેશાં હસતું હસાવતું .
ક્યારેક જીવન માં આવે જો ગ્લાનિ તો ,
દુ:ખ ને પણ પ્રેમ થી ટાળતું !
મન ને મનાવતું, હાસ્ય પ્રહસન કરતું ,
દિલ થી આવકારતું , હાથ ને પણ સાથ દેતું.
મન ના મનોરથ ને સાકાર કરતું , આ મારું જીવનવૃક્ષ . આ મારી મનગમતી મોસમ નું વૃક્ષ .
મજબૂત મનોબળ થી ભરેલું, મનોભાવ ના તોરણ થી બાંધેલું . મારી મનગમતી મોસમ ને તરબોળ કરતું મારું જીવનવૃક્ષ .
પ્રત્યેક સ્ત્રી ના જીવન મન ની મોસમ ની કલ્પના કરું તો એક જ વાત કરીશ .
” આવી હતી જીવન માં વસંત ની બહાર જેમ,
આજે ઝુમી રહી છું આ ઘર માં ફુલો નીમહેંક જેમ .
ઘડકતાતાં હૈયા , લગ્ન ની શરણાંઈ જેમ,
ગુંજે છે રહદય માં શબ્દ પહેલી આજ
મન ગમતી મેાસમ ની, “હાશ ” ગગન માં પડઘાંની જેમ .
મળ્યા હતાં નયન જયાં, સૂરજ માં રોશની ની જેમ .
ભીંજાઈ રહી છે એ લાગણીઓ , આંશુ રુપે “ઝાકળ” ની બિંદુ ની જેમ . યાદ કરું છું ભૂતકાળ ના દિવસો ને મુક્ત વહેતી મુગ્ધ સરિતા ની જેમ . મહાલી રહી છું આજે આ જ ઘર માં
વસંત ની પુરબહાર જેમ .
“આસ્થા ” ની આસ્થા એટલી ,
રબ ની મીઠી નજર નું નજરાણું
બનાવી દે મારા ઘરઊપવન ને
નિસર્ગ સ્વર્ગ ની જેમ .
આ જ મારી મન ની મોસમ .
હું એક જ શોખ જોરદાર રાખું છું , પરિસ્થિતિ ગમે તે હોય હું મારા ચહેરા પર સદા સ્મિત ને હાસ્ય રાખું છું .
મન ની મોસમ ને જાણવી છે? માંણવી છે?
તો મને વાંચો , ૧) મારો સ્વભાવ જ છે , દૂધ માં સાકર ની જેમ ભળી જવાનો , પણ તમને જ ગળ્યું ન ભાવે એમાં મારો શું વાંક?!!!!
જિંદગી એટલે
ન સુખ માં અલ્પવિરામ, ન દુ:ખ માં અલ્પવિરામ
બસ જયાં જુઓ ત્યાં અલ્પવિરામ .
જેનો કોઈ અંત જ નથી એ જિંદગી એટલે ન ની મોસમ મા હકારાત્મક જીવન જીવવાની જીવનબારી સદા ખુલ્લી જ રાખવી પડે . સારાંશ એટલો જ કે ,
“” Rivers never go reverse . So try to live like a riveForget past, & focus on future. Always be positive.
મન ની મોસમ ના બેઠક પરિવાર નો દિલ થી આભાર .

Image may contain: 1 person, indoor
પન્નાબેન શાહ

મનની મોસમ – લલિત નિબંધ (16)જે જીવ્યા એજ મોસમ

મનની મોસમ …જે જીવ્યા માણ્યું એજ મોસમ ….’મૌસમ ‘ શબ્દથી તો આપણે સૌ પરિચીત છીએ. જિંદગીના જેટલાં વર્ષો જીવ્યાં એટલી મૌસમનો તો આ દેહને અનુભવ કરવો જ પડે છે. એમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. આપણે ત્યાં વર્ષ દરમિયાન આવતી ત્રણ ઋતુઓ કે છ મોસમને કુદરતે જ ઘડી છે કે જેનો અનુભવ પ્રાણી માત્રને થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ કે હેમંત, શિશિર ,વસંત, ગ્રીષ્મ, વર્ષાઅને શરદ ઋતુને આપણે માણતાં આવ્યા છીએ. અને એનાથી થતી શારીરિક અસરને સહેલાઇથી અનુરૂપ થઇ જઈએ છીએ અને સુખરૂપ માણીએ છીએ.પણ મનની વાત જ જુદી છે.મનની મોસમ તો માનવીમાં રહેલી ઈશ્વર બક્ષી પ્રેમ, લાગણી, દયા, કરુણા, ક્રોધ, સુખ, દુઃખ વિગેરે ભાવનાઓ સાથે સંકળાયેલ છે. તો આપણે જરાં એ વિષે વિચારીએ
હેમંત કે શિશિરની સવારે, આરોગ્યવર્ધક વસાણાનું સેવન અને ગરમાગરમ દૂધમાં બદામ, પિસ્તા અને કેસરનાં ગ્લાસ સાથેની મીઠાશમાં શિયાળાની ઠંડી જરાય નડતી નથી. ટાઢની તકલીફ હોવા છતાં એને ભૂલી જવાય છે અને મનની મોસમ ખીલી ઉઠે છે. ગરમ સ્વેટર ,શાલ અને મફલર લપેટી ઠંડીને જાકારો આપી દઈએ છીએ. સાંજ પડે તાપણી કરી,ફાયરપ્લેસ પાસે બેસી સહ કુટુંબ ટી.વીના શો જોતાં આનંદ માણી લઈએ છીએ. આમ મન આનંદની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. પણ…જો ટી.વીના શોમાં ઠંડીથી થીજવાઇ ને કેટલાક ‘ઘર વિહોણાં લોકો ફુટપાથ પર મૃત્યું પામ્યાં’ આ સાંભળતા કે જોતાં જ ક્ષણવારમાં જ આનંદનો પારો નીચે ઉતરી જશે. આમ દયાળુ માનવીનાં મનની મોસમને કરમાતાં પણ વાર નહિ લાગે.
“વસંત આવી ફુલડાં લાવી ” સૃષ્ટિના અણુએ અણુમાં નવ યૌવન પ્રગટ્યું. કેસુડે ફૂલ ફોર્યા , આંબી મોર આવ્યા કોયલના ટહુકાથી વાતાવરણ ગાજી ઉઠ્યું.વતાવરણ ઉત્તેજિત થઇ ગયું તો માનવીનાં મનની મોસમ ક્યાંથી કાબુમાં રહે? એ આનંદની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. પણ એ ક્યાં સુઘી ? ગ્રીષ્મએ એનું ગુમાન ના ટકવા દીધું. ગ્રીષ્મની એ કાળઝાળ ગરમીએ મનને બેચેન બનાવી મૂક્યું.આમ મનને આનંદથી વિમુખ થતાંય વાર ન લાગી. ચારેકોરથી પ્રાર્થના સંભળાતી થઇ..
“આવો મેહુલિયા, આવો મેહુલિયા
ધરતીનો સાદ સુણી…આવો મેહુલિયા.”
અને..
વર્ષા ના ઓવારણાં લીધા
” એ….ધરતીનો સાદ સુણી , આવ્યો મેહુલિયો;
લીલુડી ચૂંદડી લાવ્યો મેહુલિયો.”
આમ ધોમ ધીખતી ધરતીને ટાઢી પાડવાં અરજી સુણી મેહુલિયો આવ્યો.. પહેલા વરસાદના છાંટાએ ભીની માટીની મહેકથી વાતાવરણને સુંગંધિત કરી દીધું. સૂકી ધરતીને લીલી ચાદરથી મઢી નવો ઓપ આપ્યો..ડુંગરો રળિયામણા દેખાવવાં લાગ્યા.ખેતરોમાં ભવિષ્યની શુભ કામનાઓ સાથે ખેડુતોએ નવા વાવેતરની શરૂઆત કરી દીધી. નદી, સરોવર જળે ભરાયાં. આખી સૃષ્ટિ જળ સમૃધ્ધ બની ગઈ. તો મનની મોસમમાં પણ મોટી ભરતી જ આવે! પણ જ્યાં વાદળ ફાટ્યું , નદીઓમાં પૂર આવ્યાં, માલ મિલકત ને નુકશાન પહોચ્યું કે નિરાધાર માનવીઓ પાણીનાં પ્રવાહમાં તણાઈ જવાનાં સમાચાર જાણ્યાં તો મોસમની ભરતીને ઉતરવામાં જરાય વાર નહિ લાગે !આમ તરત ઓટ પણ આવી જાય.
શરદના પુર્ણિમાના ચંદ્રની ચાંદનીને મનની મોસમ આનંદપૂર્વક માણે છે. રઢિયાળી રાત્રીએ ગરબા અને રાસની રમઝટ તેમજ દૂધ પૌંઆનો પ્રસાદ મનને પ્રફુલ્લિત કરે છે. રાધાકૃષ્ણ અને ગોપગોપીની રાસલીલાને યાદ કરી સાત્વિક આનંદ મેળવે છે. ચંદ્રના પ્રકાશમાં સરોવર અને સરોવરમાં ખીલેલાં કમળની સુંદરતાનું વર્ણન શું કરવું? એ તો કવિ શ્રી કાલિદાસ જ કરી શકે!
આમ મનની મોસમ પરિસ્થિતિને અનુરૂપ થઇ એક ક્ષણમાં હિમાલયને શિખરે પહોંચી શકે
અને બીજી જ ક્ષણે પેસિફિકના તળીયા સુધી પહોંચવાને સમર્થ છે અને..કુદરત જ્યાં સુધી સૌમ્ય સ્વરુપ ધારણ કરે ત્યાં સુધી મનની મોસમ એને પ્રેમપૂર્વક સ્વીકારશે અનુભવશે અને આનંદ કરશે. પણ જ્યાં કુદરત વકરી, અને એણે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું તો કોઈ ક્યારેય મનને બહેલાવી નહિ શકે.

 

 

 

Fulvati Shah
Sunnyvale, CA.