પ્રેમ એક પરમ તત્વ -સપનાબેન વિજાપુરા

મિત્રો
આજે સપનાબેનના “પ્રેમ એક પરમ તત્વ”ના  ૫૧ લેખ પુરા થતા આનંદ સાથે ગૌરવ અનુભવું છું. તો ચાલો સૌ સાથે મળીને વધાવીએ.

મારા જીવનમાં મૈત્રી એ મોટામાં મોટી મિરાત છે. જયશ્રીબેન મર્ચન્ટ અમારી મૈત્રીના નિમ્મીત બન્યા. મૈત્રીનું પંચાંગ નથી હોતું બસ અચાનક મળી જવું અને સહજ ફૂલોની જેમ ખીલવા માંડે ત્યારે દરેક સીમાઓ ઓળંગી જાય દરેક મોસમમાં વસંત ખીલે.સપનાબેન જે સપના દેખાડે શબ્દોને ગઝલમાં ખીલવે પણ બધાની પાછળ એક પરમ તત્વ પ્રેમ અને એજ એમની ઓળખ.

મિત્રો પ્રેમ એક પરમ તત્વ છે એ વાત સપનાબેને દરેક લેખમાં અનેક સંબધોને વણીને સમજાવી છે.આપણી આસપાસ સતત પ્રેમ છે માત્ર એને ઓળખવાની જરૂર છે. આ વાતને સપનાબેને દરેક પ્રકરણમાં ઘુંટીને પીરસી દીધી છે.વાત પ્રેમને પૂર્ણતાથી પીવાની છે.પ્રેમનું તત્વ આપણી બહાર નથી પણ ભીતરમાં છે એની સુંદર સમજણ સપનાબેને આપી પરમ તત્વનો અહેસાસ કરાવ્યો છે.જે ગઝલ લખી શકે એને સંવેદના ક્યાં શોધવા જવાની જરૂર છે?.એમની ગઝલ અને “પ્રેમ એક પરમ તત્વ”ના ૫૧ લેખોમાં એક સામ્ય છે સંવેદનબિંદુ.

સપનાબેન એક સદાબહાર લેખિકા છે.સપનાબેન એક સાથે મહેફિલ અને મંચની વ્યક્તિ છે.એમના અહેવાલમાં પત્રકારત્વની ક્ષમતા છે.એમની પાસે માત્ર ન્યુઝ નથી પોતાના વ્યુઝ પણ છે અને સૌથી મોટી વાત એ નિષ્પક્ષ સાક્ષી છે.એ પ્રેમથી સેતુ બાંધી જાણે છે.પ્રેમને કોઈ ધર્મ નથી કોઈ જાત નથી કોઈ સંપ્રદાય નથી અને એને અર્થનું કોઈ વળગણ નથી એને એણે પ્રેમને આંખોની કીકીમાં સદાય ભરી રાખ્યો છે.કેવળ શંકા અને ટીકાથી જીવન જીવાઈ નહિ પણ જીવવા માટે પ્રેમ જોઈએ એ વાત આ ૫૧ લેખોમાં એમણે કરી આપણને જીવનને મૂલવતા શીખવ્યું છે.વાંચતા વાંચતા આપણે આપણી લાગણીની લીપીને ઉકેલી છે.ક્યારેક વૃક્ષની છાયા જેવો વિસામો તો ક્યારેક કોઈને નફરત કર્યાનો દોષ પણ અનુભવ્યો છે.અને અંતે એમ થાય છે માણસે પ્રેમ તો કરવો જ જોઈએ અને પ્રેમ વિના માણસ અધુરો છે. પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. પ્રેમ છે માટે પરમ તત્વ આપણી સાથે છે જેનો અહેસાસ આ ૫૧ લેખોમાં સપનાબેને સૌને કરાવ્યો છે.મિત્રો તમે સૌએ આ લાખોને વધાવ્યા છે. તો આપણે ભાવના ભાવીએ કે સપનાબેનની કલમ સદાય લખતી રહે.

હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ “શબ્દોના સર્જન” પર એક નવા વિષય સાથે આપની કલમ રજુ કરો. તે દરમ્યાન આ લેખ લખતા થયેલા આનંદ અને અનુભવને આપ દર રવિવારે  લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.

આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. સપનાબેન  તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.

પ્રજ્ઞા દાદભાવાળા

bethak-8

પ્રેમ પરમ તત્વ : 48 : બેઠક : સપના વિજાપુરા

પ્રેમ મળે ત્યારે દિવાળી
હું 2016 માં શિકાગોથી કેલિફોર્નિયા મુવ થઇ. અજાણ્યું રાજ્ય, અજાણ્યું, શહેર , અજાણ્યાં  લોકો અને એની વચ્ચે હું સાવ એકલી. દીકરો અને દીકરાની વહુ!! પણ પ્રજ્ઞાબેન દાદભાવાલાની  સાથે એ પહેલા એક મુલાકાત થયેલી જયશ્રી  મર્ચન્ટ દ્વારા.અને એમને મને ખૂબ  પ્રેમથી અને માનથી બેઠકમાં બોલાવેલી અને મને એક આખો કાર્યક્રમ ફક્ત મારા માટે ગોઠવેલો.  હું તો ખૂબ  ખુશ હતી. કવિને બીજું શું જોઈએ માઈક અને શ્રોતા!! આ બંને વસ્તુ પ્રજ્ઞાબેને આપી.ત્યાર પછી હું શિકાગોથી કેલિફોર્નિયા આવી ગઈ અને હર મહિને બેઠકમાં જવા લાગી.  મને એ પ્રેમ અને માન હજુ સુધી મળે છે. ‘બેઠક’ એ મારો પરિવાર બની ગયો.મારો પરિવાર વધતો ગયો. ‘બેઠક’ સિવાય લોકો મને એમના ઘરે પણ બોલાવવા લાગ્યા.  પ્રજ્ઞાબેન ,પ્રતાપભાઈપંડ્યામનીષાબેન,સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ મહેતા ,કલ્પનાબેન રઘુ, રાજેશભાઈજયવંતીબેનવસુબેનદર્શના બીજા અનેકે મને ખૂબ સ્નેહ આપ્યો. બધા નામ નું લિસ્ટ ઘણું મોટું છે. સાચું કહું તો શિકાગોમાં હું 40 વરસ રહી. પણ મને આવો સ્નેહ અને પ્રેમ મને શિકાગોથી નથી મળ્યો.  આ માટે હું ખરેખર પ્રજ્ઞાબેન અને એમના સાથીઓની આભારી છું
ગઈકાલે ‘બેઠક’માં દિવાળી પાર્ટી થઇ. આખું વર્ષ અમે આ પાર્ટીની રાહ જોઈને બેસીએ છીએ. નવા નવા કપડાં અને ખૂબ મીઠાઈ અને ભાવતા ભોજન.  અને ચહેરા પર ઉલ્લાસ અને અને હોઠ પર મીઠાઈ કરતા પણ મીઠા સ્મિત.  મારે અને દર્શનાને પાવભાજીની  ભાજી બનાવવાની હતી. દર્શના બધું શાકભાજી લઈ આવી. અને અમે ભાજી બનાવવાનું શરુ કર્યું. બંનેએ ખૂબ મહેનત અને ખંતથી આ ભાજી બનાવી એમાં પાવભાજી મસાલા કરતા પ્રેમની માત્રા વધારે હતી. એટલે થોડી સ્વાદિષ્ટ વધારે બની. અમે પહોંચી ગયા ભાજી લઈને આઈ. સી. સી.(ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર)  મીલ્પીટાસમાં જ્યાં અમારી ‘બેઠક’ હતી. ત્યાં જાત જાતની વાનગીઓ થી ટેબલ સજ્ હતું. બધાને સાલમુબારક કહી અમે ભાવતા ભોજન કર્યા.  જેમાં પાવભાજી, ખમણ,હાંડવો, પુલાવમઠિયા , ચોળાફળી,રસ મલાઈ,અડદિયા, બુંદી, દિવાળીના ગુઘરા,એ સિવાય ઘણી મીઠાઈ થી ટેબલ ભરેલું હતું. મુખ્ય વસ્તુ એ હતી કોણ શું લાવ્યું તેના નામની જાહેરાત નહોતી કરી પણ બધાએ માત્ર પ્રેમ પીરસ્યો હતો. અહી સાંનિધ્યનો આનંદ છે.
ભોજન બાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ વસુબેન અને જયવંતીબેને પ્રાર્થના કરી. પછી કવિતાનો દોર શરુ થયો. જેમાં કલ્પનાબેન રઘુ, અલ્પાબેનરીટાબેન જાની, હેમંતભાઈસપના વિજાપુરા, વગેરેએ પોતાની કવિતાનું પઠન કર્યું।.
પછી સંગીતનો દોર શરુ થયો, જેમાં અમારા અતિથિ વિશેષ શ્રી આશિષભાઇ  સોપારકર અને વાગમી  કચ્છી  હતા.  આશિષભાઇ જે મેઘમની ઓર્ગેનિક કંપનીના માલિક છે. જેમનો બિઝનેસ દેશ વિદેશમાં ફેલાયેલો છે. જેની કંપનીનું નામ ફોર્બમેગેઝીનમાં પણ આવેલું છે. તેઓ શ્રી મોટા બિઝનેસ મેન  નહિ પણ એક મીઠા કંઠના માલિક પણ છે. એમણે  તથા વાગમી કચ્છી એ પણ એક પણ સંગીત તાલીમ લીધેલી ગાઈકા છે, તેમણે જુના ફિલ્મી  ક્લાસિકલ ગીત સંભળાવી શ્રોતા ને ભાવ વિભોર કરી દીધા! અમારા ‘બેઠક’ના કલાકાર શ્રી રાજેશભાઈ શાહ અને એમની પત્ની શ્રીમતી જયશ્રી શાહે,અલ્પાબેન ,સુબોધભાઈ અને તેમના પત્ની પણ મધુર ગીત ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું.  ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો પણ સમયનું પણ ભાન ના રહ્યું.સુગમ સંગીત સાથે શાસ્ત્રીય સંગીતનો પણ સમન્વય થતા માહોલ સર્જાયો. 
‘બેઠક’ એ એક સાહિત્ય સર્જકને પ્રોત્સાહન આપનારી સંસ્થા છે. સીનિયર લોકોને લખતા કરવાં. અને એમના હ્ર્દયનો ભાર હળવો  કરવો એ આ સંસ્થાનો હેતુ છે. પ્રજ્ઞાબેનના નેતૃત્વ નીચે ઘણા સીનિયર લોકો લખતાં થયા છે. અને જે સીનિયર લખે છે એનો સંગ્રહ તૈયાર કરી પ્રજ્ઞાબેન પ્રકાશિત કરે છે. લોકો માટે પોતાનો સંગ્રહ હોવો એક સપનું હોય છે સપના વિનાની આંખો તો વાંઝણી કહેવાય પણ એ સપનાને પ્રજ્ઞાબેન સાકાર કરે છે. 
પ્રેમ ,સ્નેહ , લાગણી, માન આ દરેક વસ્તુનો માનવી ભૂખ્યો હોય છે. જેમ વેલને જ્યાં સહારો મળે ત્યાં ચડી જાય છે એમ માનવ પણ જ્યા થોડી લાગણી થોડો પ્રેમ મળે એ તરફ ઢાળી જાય છે. અને પ્રજ્ઞાબેન એ અડીખમ વૃક્ષ બની ગયા છે જેની પર ઘણા સીનિયર વેલ બની એમને વીંટળાઈ ગયા છે. અહીં કોઈ ધર્મ કે કોઈ જાતિ અથવા કાસ્ટ ના ભેદ નથી. અહીં ફક્ત પ્રેમનો ધર્મ ચાલે છે, ફક્ત પ્રેમનો ધર્મ નિભાવાઈ છે. જો એ પ્રેમનો સિક્કો નથી, તો અહીં ચાલતો નથી. 
પ્રેમ ખરેખર શું છે? પ્રેમ એ માનવતા છે. પ્રેમને કોઈ ધર્મ નથી, પ્રેમ એ ધર્મ છે. જો તમે ખરેખર માનવ હો તો તમે કોઈ દુઃખીને જોઈને દુઃખી થતા હો, તમે કોઈ દુઃખીને એનો ધર્મ પૂછવા રોકાતા ના હો તમે ખરેખર પરમને પામી ગયા છો અને  એપ્રેમ પરમ ઈશ્વર સુધી પહોંચાડે છે.
સપના વિજાપુરા 

ફોટા માટે લીંક ખોલો –

ફોટો માટે રઘુભાઈ શાહ નો ખાસ આભાર

પ્રેમ પરમ તત્વ : 47: દિલ : સપના વિજાપુરા

પ્રેમ નો સીધો સંબંધ દિલથી છે. દિલ જે કહે તે પ્રેમ!!  દિલ જે સત્ય કહે છે, દિલ જે કોઈની વાત માનતું નથી. દિલ જે પોતાનોકક્કો સાચો માને છે. દિલ વિષે કેટલાય મુવી બની ગયા છે અને દિલ વિષે હજારો ગીત, હજારો ગઝલ, અને હજારો કવિતાઓ લખાય ગઈ છે. પણ એમ પણ કહી શકાય કે કવિ દિલ માટે  બન્યો છે કા તો દિલ તૂટવા થી અથવા દિલ ના સંવારવાથી।
ચાલો દિલ વિષે વાત કરીએ તો માનવ શરીરનું એક અગત્યનું અંગ છે. જેના હોવાથી  આપણું હોવાપણું છે અને જેના બંધ થવાથી દુનિયા સ્થગિત થઇ જાય છે. આમ તો દિલનું કામ આખા શરીરમાં લોહી પહોંચાડવાનું અને ખરાબ લોહીને શુદ્ધ કરવાનું છે. બાકી કોઈ કામ દિલનું નથી.
પણ દિલનું સૌથી મોટું કામ લાગણીઓને સ્પર્શવાનું છે. કોઈ પણ લાગણી પ્રેમની , નફરતની, સુખની, દુઃખની, કરુણાની, દયાનીપછી જાતીય સુખની। આપણને સ્પર્શની  ભાષાનું ભાન દિલ અને દિમાગ કરાવે છે. દિલ દિમાંગની વાત સાંભળી એ લાગણીનું વિશ્લેષણ કરે છે અને દિમાગને  હુકમ આપે છે કે આપણે શી રીતે વર્તવાનું છે. કદાચ કોઈ ડોક્ટર આ વાત નહિ માને પણ મારો અભિપ્રાય છે.

સૌથી પહેલા નફરત વિષે જાણીએ કોઈ વ્યક્તિ આપણને નફરત કરે છે. એના હાવભાવ અને તમારી સાથેનીવાતચીત પરથી તમને ખબર પડી જાય છે. તમને આ વ્યક્તિ ગમાડતી નથી.  દિલને દુઃખ પહોંચે છે એ દિમાંગને કહે છે કેફલાણી વ્યક્તિથી દૂર રહે. અને દિમાગ જાત જાતની કોશિશ કરે છે એ વ્યક્તિથી દૂર રહેવા માટે. સુખની લાગણી તો બહુ સ્વાભાવિક છે. દિલને ગમ્યું તે થયું તો સુખ અને દિલને ના ગમતું થયું તો દુઃખ.  કરુણા અને દયાની  લાગણીમાં દિલ  દિમાગને હુકમ કરે છે કે ફલાણી વ્યક્તિ પીડિત છે જે મારાથી જોયું જતું નથી. કોઈ ગરીબ, કોઈ ફકીર, કોઈ જરૂરતમંદ ,કોઈ બીમાર. કોઈ ઇજા પામેલ અને કોઈ મુસાફર, આ બધા પ્રત્યે દયા અને કરુણા ઉત્પન્ન થાય છે અને દિલ દિમાગને  હુકમ કરે છે મદદ કરવા માટે અને એ માટે દિમાગ  કોશિશ કરે છે.
હવે વાત આવી ગમતો જાતીય  સુખનો સ્પર્શ અને અણગમતો સ્પર્શ.  દિલને બંધ ખબર  પડે છે અને દિલ ફરી દિમાગને  હુકમ કરે છે અને ક્યાં ચેતીને ચાલવાનું છે તે જણાવે છે. અમેરિકામાં તો આ માટે બાળકોને પણ ખાસ લેસન આપવામાં આવે છે।ગમતા સ્પર્શ અને અણગમતા સ્પર્શ માટે.  કોઈ વ્યક્તિ પર બળાત્કાર થતો હોય તો દિલ બરાડા પાડીને ના પાડે છે અને દિમાગ ને હુકમ કરે છે અને દિમાગ બચાવાની હાલતમાં હોય તો વ્યક્તિને બચાવી લે છે.
છેવટે  વાત કરીએ પ્રેમની.  પ્રેમનો સીધો રસ્તો દિલ સાથે છે. દિલ ને કોઈ ગમી જાય, કોઈની જીલ જેવી આંખોમાં ડૂબી જવાનું મન થાય. કોઈ નો સ્પર્શ દુનિયાના કોઈપણ સ્પર્શ કરતા વહાલો લાગે અને કોઈનો વિચાર દિલને પુલકિત કરી દે. કોઈ નો વિચાર કર્યા  વગર દિલ રહી ના શકે. દિલ વારંવાર કહે કે “દિલ હૈ કી માનતા નહિ.” દિલ તો હૈ દિલ દિલકા ઐતબાર  ક્યાં  કીજે ” દુનિયા આખીના બધા દિલ પરના ગીત તમારા માટે લખાયા છે એવું લાગે ત્યારે દિલ તમારું ચોરાયું છે એમ માની લેવું અને  અને દિલ પર કોઈ જોર ચાલતું નથી.  હવે પ્રેમ દિલમાંથી ઉદભવે છે અને દિલ આ પ્રેમને પરમ સુધી પહોંચાડવા માગે છે. જો બે આત્માનું મિલન થાય તો દુનિયા સ્વર્ગ બની જાય છે. પણ જો બે આત્મા મળે નહિ તો આ પ્રેમ દિલમાં ધરબાઈ જાય છે. અને દિલ ની અંદર ક્યાંક એ પ્રેમ જળવાઈ  રહે છે. અને જો આ પ્રેમને જો સાધના ગણી લેવામાં આવે તો આ પ્રેમ પરમ સુધી પહોંચીકે છે.
ઘણીવાર શરીરનું મિલન શક્ય નથી ત્યારે આત્મા મળી જાય છે.  પ્રેમ એક સાધના બની પરમ તત્વ બની જાય છે. પ્રેમનીવ્યાખ્યા બધા પાસે જુદી જુદી હોય છે. કોઈ બાળકને પ્રેમ વિષે પૂછશો તો કહેશે કે મારી માતા એ પ્રેમ. અને કોઈ યુવાન કેયુવતીને પૂછશો તો પોતાના પ્રેમીને પ્રેમ ગણાવશે કોઈ પતિ પત્નીને પૂછશો તો  એક બીજાની કાળજીને પ્રેમ તરીકેગણાવશેઅને કોઈ માતાપિતાને પૂછશો તો બાળકોને પ્રેમ કહેશે દરેક ઉંમરમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ છે. પણ પ્રેમ તો ત્યાંજઅડગ ઉભો છે, પરમ બનીને। માનવીને પ્રેમ વગર રહેતા આવડતું નથી. એટલે છેલા શ્વાસ સુધી પ્રેમને ઝંખતો અને ખોળતોરહે છે.
સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વ : 40 : શ્રદ્ધા: સપના વિજાપુરા

શ્રદ્ધા , આસ્થા, યકીન, faith   તમે એને ગમે તે નામ આપો. પણ એનો સીધો સંબંધ દિલ સાથે છે. આપણે ઈશ્વરને જોયોનથી, ખુદાને જોયો નથી. પણ શ્રદ્ધાળુ વ્યક્તિ ને જરૂર શ્રદ્ધા છે કે ખુદા છે ઈશ્વર છે. આ જગતને ચલાવનાર કોઈ છે. જે આપણી ઈચ્છા કે અનિચ્છાથી આપણા જીવનના નિર્ણય લે છે.
બાળક જ્યારે મા  ના ગર્ભમાં હોય છે. એ અંધારામાં એ બાળકને ખોરાક પહોંચાડે છે. એ બાળક ધીરે ધીરે મોટું થાય છે. અને એના નિમિત્ત સમયે આ દુનિયામાં આવે છે. તો એની મા ની છાતીમાં દૂધની હેલી ચડે છે. આ બધો બંદોબસ્ત બાળક નથી કરતુ, પણ એના માટે ઉપર બેઠેલો ઈશ્વર કરે છે. જે  નિરંજન અને નિરાકાર  છે.બાળકને પૂરો વિશ્વાસ છે કે એને એનો ખોરાક મળી રહેવાનો છે. વળી શ્વાસની રિધમ, ધમની માં લોહીનું ભ્રમણ એને કશી ચિંતા કરવાની જરૂર નથી, એના માટે બધી વ્યવસ્થા છે.
પછી બાળક મોટું થતું જાય એના મોઢામાં દાંત આવી જાય , શરીર વિકસતું જાય. બાળક એક સુંદર જવાન બની જાય અને સમાજના દરેક આશ્રમમાં થી પસાર થતા, અંતે પરમાત્મામાં મળી જાય. આ દુનિયામાં જે જીવ આવ્યો છે તે પાછો ફરવાનો છે. એમાં કોઈ શક નથી. દરેક મનુષ્યનું જીવન લગભગ આ ઘટમાળ માંથી પસાર થવાનું.  તો પછી એ અદ્રશ્ય શકિતને માન્યા વગર છૂટકો  નથી જે દરેક આત્માની સંભાળ રાખે છે.
માનવ શરીર જોઈએ તો એક એક અંગ કેટલી મહેનત અને કારીગરીથી બનાવવામાં આવ્યું છે. દરેક  અંગનું કામ પણ  ઇશ્વરે નક્કી કરી દીધું છે. જો કોઈ એક અંગ બરાબર ના ચાલે તો ઇન્સાનને તકલીફ પડે છે. જેમાં હ્દય અને મગ બંનેને મૂકી આપણા હ્દયમાં શ્રદ્ધા ના દિપક જલાવી દીધા છે. આ શ્રદ્ધા ઉમ્મીદ અને આશા માંથી જન્મે છે.
શ્રદ્ધા સાથે ડર  પણ સંકળાયેલ છે, જો મારાથી કોઈ ભૂલ થઇ જશે અને મારો રબ મારાથી રિસાઈ જશે તો!! આ ડર  અને ખોફ માં પણ શ્રદ્ધા રહેલી છે કે આપણે આપણા રબને આપણા થી દૂર થતો સહન થતો નથી. જયાં  મહોબ્બત છે, પ્રેમ છે ત્યાં ખોફ અને ડર  આવી જાય છે કે ક્યાંક મારો પ્રેમી, મારો ખુદા મારાથી રિસાઈ ના જાય. તો જેમ આપણે આપણા પ્રેમીને મનાવવા જાત જાતના ઉપાયો કરીએ છીએ એ રીતે આપણે આપણા રબ ને મનાવવા શ્રદ્ધાનો દીપક જલાવીએ  છીએ.
પ્રેમ અને શ્રદ્ધા માં કોઈ ફરક નથી.  જ્યા પ્રેમ હોય ત્યાં શ્રદ્ધા હોય  છે.કોઈ ચી ને જોયા વગર એના પ્રેમમાં પડવું એ શ્રદ્ધા છે.  જેમકે એક ખાલી ઓરડો હોય, કોઈ તમને કહે કે આ ઓરડામાં જા તને ઈશ્વર મળશે. અને તમે ઓરડામાં દાખલ થાઓ અને ત્યાં હવા સિવાય કશું નથી. પણ જો એ ઓરડામાં દાખલ થતી વખતે તમે વિચારો કે ઈશ્વર તો દરેક જગ્યાએ છે. તો આ ઓરડામાં ઈશ્વર મળી આવશે અને આ શ્રદ્ધા છે. અદ્રશ્ય વસ્તુ પર શ્રદ્ધા રાખવી એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ બતાવે છે એતમને પરમ સુધી લઇ જશે આમ, સાચી શ્રદ્ધા એટલે ઈશ્વર વિશે આપણે જે કંઈ જાણીએ છીએ, એમાં પાક્કી ખાતરી રાખવી અને અડગ ભરોસો રાખવો.
પરમ સુધી પહોંચવા માટે પ્રેમ જરૂરી છે, અને પ્રેમ માટે શ્રદ્ધા જરૂરી છે. અંતમાં મોરારીબાપુની એક વાત સાથે વિરમું છું.
આમ તો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ત્રણે પ્રથમ દ્રષ્ટિએ સમાનાર્થી શબ્દો લાગે, પરંતુ ત્રણે શબ્દોમાં અર્થ સંબંધી તફાવત છે. મારે આ ત્રણે શબ્દો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાનો વાક્યપ્રયોગ કરવાનો હોય તો હું એમ કહું કે મંત્રમાં વિશ્વાસ રાખવો, સદ્દગુરુ માં ભરોસો રાખવો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી અથવા એમ પણ કહી શકાય કે સત્યમાં વિશ્વાસ રાખવો, પ્રેમમાં ભરોસો રાખવો અને કરુણા માં શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા અમૂલ્ય છે. દરેક જગ્યાએ શ્રદ્ધા મૂકી ન શકાય. વિશ્વાસ વિના ન ચાલે, એટલે તે ગમે ત્યાં મુકાય છે. જે પ્રેમમાં ડૂબેલ છે, જ્ઞાનને વિજ્ઞાન બનાવી દીધું છે, એ મહત્ સત્તામાં શ્રદ્ધા મુકાય. શ્રદ્ધાને વ્યભિચારિણી ન બનાવો. વિશ્વાસ તો દરેક વ્યક્તિમાં પણ મૂકવો પડે છે. ડોક્ટરમાંડ્રાઈવરમાં, તમારા ઘરના નોકરમાં પણ વિશ્વાસ મૂકવો પડે છે. શ્રદ્ધા બધા પર ન થાય.એ ફકત અને ફકત ઈશ્વર પર થાય !!
સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વ : 39: ઈશ્કે ખુદા : સપના વિજાપુરા

મીરા કૃષ્ણ દીવાની હતી અને દરેક જાતના જુલ્મ સહન કરી છેવટે કૃષ્ણ માં સમાઈ ગઈ. નરસિંહ મહેતાની વાત પણ આપણી સમક્ષ છે. ઈશ્વરના પ્રેમમાં ગળાડૂબ ડૂબી જવું એ આપનો ઇતિહા ઠેક ઠેકાણે બતાવે છે.આ હું પણ એક એવા ઈમામની વાત કરીશ જે ખુદાની રાહમાં પોતાના આખા કુટુંબની કુરબાની આપી પણ અન્યાય સામે માથું ના ટેકવ્યું. આનું નામ  ખુદા પ્રત્યે પરમ પ્રેમ કહી શકાય.
૧૪૦૦ વર્ષ પહેલાં ઇમામ હુસૈન.(.)ને તથા એમનાં ખાનદાન નાં કેટલાક સભ્યોને દુ:ખદાયી રીતે શહીદ કરવામાં આવેલા.ફકત એટલા માટે કે તેમણે  સત્ય ,ન્યાય અને શાંતિ ને સ્થાપવાની કોશિશ કરી. અને અલ્લાહ થી મહોબત કરી.
મહંમદ પયગંબર ના મૃત્યુ પછી ખિલાફતનો  દોર આવ્યો. જેમાં લોકો પોતાના ખલીફા પસંદ કરતા હતા. જ્યારે મહંમદ પયગંબર સાહેબ અલ્લાહના હુકમથી  હજરત અલીને પોતાના વલી  બનાવીને ગયા હતા. વલી એટલે ઇમામ. પણ લોકો તલવારના જોરથી ખલીફા બનતા ગયા.
ઇમામ હુસૈન . પયગંબર મહમદ . ના નવાસા હતા.અને ઇમામતના ત્રીજા ઇમામ હતાં.  અને હજરત અલીના પુત્ર  હતા.જુલ્મી શાસકોએ  ઇમામ . ને ત્રા આપવામાં બાકી ના રાખ્યું. યજીદ જે મઆવિયાનો દિકરો હતો..જુલ્મી શરાબી અને સત્તાનો દિવાનો હતો..તે સતત ઇમામ હુસૈનને હુકુમત થકી ત્રા આપતો હતો..તેણે ઇમામ હુસૈનને બયત કરવા આમંત્રણ આપ્યું. બયત કબુલ કરવી  એટલે એની મરજી પ્રમાણે ના જુલ્મી, અન્યાયી અને ભ્રષ્ટાચારી શાસનનો સ્વીકાર. પણ ઇમામ હુસૈનને એ મજૂર ન હતું. ઇમામ હુસૈને કહ્યું કે હું એક પાપીબેઈમાન અને ખુદા અને રસૂલને ના માનવાવાળા યઝીદનો હુકમ ના માની શકું.
યઝીદે ચાલાકીથી ઇમામ હુસૈનને  કરબલા  શાંતિના કરાર કરવાં માટે   મહેમાન તરીકે  બોલાવ્યા. ઇમામ હુસૈન પોતાનાં કુટુંબ કબીલા સાથે કરબલા જવા નીકળ્યાં અને યઝીદ સાથે  વાતચીત કરવાં ગયા. એ જમાનામાં ઊંટ પર મુસાફરી થતી હતી…ઈમામ હુસૈન બીજી મહોર્રમ ના (ઇસલામીક કેલેન્ડરનો પહેલો મહિનો ) કરબલા પહોચ્યાં. અને યઝીદના મહેમાન બનવાને બદલે એનાં લશ્કરે ઇમામ હુસૈનને ઘેરી વળ્યા. હુસૈન જંગ કરવા માગતા ના હતા. કારણકે મહંમદ પયગંબર પાસેથી શિખામણ મળી હતી કે ઇસ્લામ જંગ નું નામ નહિ પણ મહોબતનું નામ છે.
યઝીદે ફરમાન કર્યુ કે જો ઇમામ હુસૈન મારી બયત કબુલ ના કરે તો એમનુ સર ઉડાવી દો અને મારી પાસે લાવો. ઇમામ હુસૈન જો બયત કરે તો  મહમદ પયગંબરનો  સાચો સંદેશો લોકો સુધી ના પહોચત. ઇમામ હુસૈન બયત કરવા  ના કહી અને લડાઈની તૈયારી ચાલુ થઈ.યઝીદનું  લશ્કર ૪૦,૦૦૦ થી એક લાખ સૈનિકોનું હતું. અને ઇમામ હુસૈન પાસે કુલ મળીને 70 સૈનિકો હતાં. જેમા ૧૦ વરસના બાળકોથી માંડીને ૯૦ વરસના વૃધ્ધ પણ હતાં. આ હતું ઇમામ હુસૈનનુ લશ્કર.
સાતમી મોહર્રમ થી  યઝીદે  ઇમામ અને એમના સાથીઓ  ઉપર પાણી બંધ કર્યુ. પાણીની નહેર પર પહેરા લગાવી દીધા. ઇમામના સૌથી નાનાં પુત્ર અલી અસગર  મહિનાના હતાં જે એમની સાથે હતા. જેઓ પાણી વગર અને ખોરાક વગર..ત્રણ દિવસ રહ્યા.આ લશ્કર સચ્ચાઈ માટે અને હક માટે લડવા તૈયાર હતું, ભૂખ્યુ ને તરસ્યું!! આ યુદ્ધમાં શહાદત  નક્કી હતી. પણ ઇમામને એ મંજૂર હતું પણ શરાબી અને ભ્રષ્ટાચારી ના હાથમાં ઇસ્લામની બાગડોર સોંપવી એ મંજૂર ન હતું.
ઇમામ હુસૈને ખુદાની ઈબાદત કરવા માટે એક રાત માંગી.  જેમાં ઇમામ હુસૈન અને સાથીઓ આખી રાત ઈબાદત કરતા રહ્યાં. હવે વિચારો અલ્લાહ સાથે કેટલી મહોબત કેટલો પ્રેમ કે માથા પર તલવાર લટકી રહી છે. આ લડાઈ જેમાં મોત  નક્કી છે. છતાં અલ્લાહની ઈબાદત કરી. આખી રાત ઇમામ હુસૈન તથા એમના સાથીઓના તંબુમાંથી અલ્લાહની ઈબાદતનો અવા એ રીતે આવી રહ્યો હતો જાણે  હજારો મધમાખીઓ ગણગણી રહી હતી. ઇમામ હુસૈને ઈબાદત પછી દિવા ઓલવી નાખ્યા અને કહ્યું કે જેને જવું હોય તે આ લડાઈ મૂકીને જાય.  આ યુધ્ધમાં મોત નક્કી છે. મને  જરા પણ ખરાબ નહિ લાગે અને આમ તમારા જવા છતાં તમારી  જન્નતની જવાબદારી મારી છે. પણ કોઈ ઉઠી ને ના ગયું. આ ઇશ્ક હતો ઇમામ હુસૈન તરફ કે જાન પણ હાજર હતી.  આ પરમ પ્રેમ હશે.!! ખુદા પ્રત્યે અસીમ મહોબત ઇમામ હુસૈનની, અને એમના સાથીઓની ઇમામ હુસૈન પ્રત્યે અસીમ મહોબત. 
 દસમી મોહર્રમ   આવી. આશુરા નો સવારનો સૂર ઊગ્યો. આવી સવાર પહેલાં ક્યારેય ઊગી નથી અને કદી ઊગશે  પણનહી..આ  જંગ હતી અસત્યની સામે સત્યની, અન્યાયની સામે ન્યાયની ભ્રષ્ટાચારની સામે પ્રમાણિકતાની અને જુલમની સામે દયા અને સબરની. સવારની અઝાન થઈ. જંગ ચાલુ થઈ. ઝોહરની નમાઝ સુધીમાં ઈમામના સાથીદારો જેની સંખ્યા પચાસ ગણવામાં આવે છે શહીદ થઈ ગયાં.આ બધાં ભૂખ્યાં ને તરસ્યાં શહીદ થયાં. ઝોહરની નમાઝ બાદ ઘરનાં બધાં પુરુષો  જેમાં  ભાઈ,ભાણિયા, ભત્રીજાઓ  પુત્રો તથા મિત્રો શહીદ થયાં. છેલ્લે ઇમામ હુસૈન એકલા રહી ગયા. કોઈ સાથી નહિ કોઈ સગું કેવહાલું નહિ. ઘોડા પર ચડી એકલા હાથે લડાઈ કરી પણ અન્યાય સામે માથું ના ઝુકાવ્યું.
આશુરાનો દિવ પૂરો થયો. કરબલાના  રણની તપતી જમીન ઉપર મહમદ .. ના ખાનદાનની લાશો રઝળતી રહી કફન વિના. સૂર આથમી ગયો.. 
આ રઝળતી લાશોના સર કાપીને યઝીદે  ભાલા પર લટકાવ્યાં. હવે સૈનિકો તંબુઓ તરફ ધસી ગયાં… સ્ત્રીઓનાં દુપટા ખેંચી લીધાં અને તંબુમાં આગ ચાંપી. દુનિયામાં ક્યાંય આવી જંગ થઇ નથી અને કયામત સુધી થશે નહિ જેમાં   મહિનાના બાળક  સૈનિક લડવૈયા હોય. 
ઇમામ હુસૈનનો સંદેશ હતો કે અસત્ય અને અન્યાય સામે ઝૂકવું નહી.આતંકવાદનો વિરોધ કરવો.ચાહે તેની કિમંત જિંદગી થી પણ ચુકવવી પડે. અંતમાં સત્યનો હમેશા વિજય થાય છે..એનો આ એક ઉમદા દાખલો છે કે ઇમામ હુસૈનના રોઝા ઉપર લાખોનીસંખ્યામા દુનિયાભરના  લોકો દર્શન(ઝિયારત) કરવા કરબલા(ઈરાક) જાય છે. જ્યારે એ જમાનાની  અરબસ્તાનની સલ્તનનો ગવર્નર યઝીદ,જેના   કોઇ નામો નીશાન નથી.આમ છતાં કેટલીક જગ્યાએ આજના જમાનામાં યઝીદ  જેવા આતંકવાદી ઇસ્લામને  બદનામ કરી રહ્યા છે એ દુ:ખદ વાત છે.
ખુદા પ્રત્યે પરમ પ્રેમનો આ નમૂનો દુનિયામાં અજોડ રહેશે. સત્યમેવ  જયતે 
સપના વિજાપુરા 
આશુરા=૧૦ મો દિવ અહીં દસમો દિવ મોહર્રમ મહીનાનો દસમો દિવ
નવાસા = દોહિત્ર= મહમદ . ના દીકરીના દીકરા
બયત કબુલ કરવી=એની મરજી પ્રમાણેની સલ્તનનું સમર્થન કરવું 
નીચે ભારતના મહાનુભવ ઇમામ હુસૈન વિષે કહે છે .
 • Mahatma Gandhi (Indian political and spiritual leader): “I learnd from Hussein
  how to achieve victory while being oppressed.”
 • Mahatma Gandhi
  My faith is that the progress of Islam does not depend on the 
 • use of sword by its believers
 • but the result of the supreme sacrifice of Hussain (A.S.),
 •  the great saint.”
 • Pandit Jawaharlal Nehru
  Imam Hussain’s (A.S.) sacrifice is for all groups and communities
 • an example of the path ofrightousness.”
 • Rabindranath
  In order to keep alive justice and truthinstead of an army or weapons
 • success can be achieved by sacrificing livesexactly what Imam Hussain (A.S.) did
 • DrRajendra Prasad
  The sacrifice of Imam Hussain (A.S.) is not limited to one countryor nation
 • but it is the hereditary state of the brotherhood of all mankind.”
 • DrRadha Krishnan-
  Though Imam Hussain (A.S.) gave his life almost 1300 years ago,
 •  but his indestructible soul rules the hearts of people even today.”
 • Swami Shankaracharya-
  It is Hussain’s (A.S.) sacrifice that has kept Islam alive 
 • or else in this world, there would be no one left to take Islam’s name.”
 • MrsSarojini Naidu
  I congratulate Muslims that from among themHussain (A.S.), 
 • a great human being was born, who is reverted and honored totally by all communities
http://smma59.wordpress.com/2008/02/03/quotationsaboutimamhussainasbynonmuslims/

 પ્રેમ પરમ તત્વ -29- ગુજરાતી ભાષા -સપના વિજાપુરા

માતૃભાષા કેવુ મીઠું નામ લાગે છે. મા શબ્દ બોલતા જે અમી ઝરે છે એજ અમી માતૃભાષા બોલતા ઝરે છે. ગુજરાતી ભાષા મારા માટે જનની સમાન છે. મેં કદાચ પહેલો શબ્દ ગુજરાતીમાં જ બોલ્યો હશે!! હું ચાલીશ વરસથી પરદેશમાં વસુ છું અને અહીં ગોરાલોકો સાથે ઈંગ્લિશમાં જ વાત કરવી પડે! પણ હમેશા વિચારો ગુજરાતીમાં આવે.. સપનાં ગુજરાતીમાં આવે સ્મિત ગુજરાતીમાં આવે, દુઃખ ગુજરાતીમાં લાગે, સુખ ગુજરાતીમાં અનુભવાય!!ગુજરાતી ભાષા મારાં લોહીમાં વહે છે.
ગુજરાતી ને  ગળથૂથી માં લઈને જન્મી છું. જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ ગુજરાતી સાહિત્યનો રસ મારા પપ્પા મને પીવડાવતા ગયા, જેથી ગળથૂથી માંથી પછી એ લોહીમાં ભળી. કનૈયાલાલ મુનશી, પન્નાલાલ  પટેલ, ઉમાશંકર જોષી, મેઘાણીજેવા સાહિત્યકારો ને વાંચતાં યુવાની કાઢી અને હવે ગુજરાતી ફક્ત લોહીમાં જ નહિ પણ અફીણ બની મગજ પર ચડી ગઈ. એટલે ગુજરાતીનો નશો હવે ઉતરશે નહિ આ જીવન. અને ઈશ્વરને પ્રાર્થના છે કે મને ગુજરાતી જીવંત રાખવાની એક કડી  બનાવે!
ગુજરાતી ખૂબ સમૃદ્ધ ભાષા છે. જેમકે ગુજરાતીમાં મામા. કાકા, ફૂવા,ભાઈ બહેન, ભત્રીજી ભત્રીજો, ભાણી ભાણીયો, પુત્રવધુ, મામી કાકી, ફઈ, વગેરે બધા સંબંધોનું એક નામ છે. એને દર્શાવવા માટે બે ત્રણ વાક્ય બોલવા પડતા નથી જે કે મામા કહેશોએટલે લોકો સમજી જશે કે મા ના ભાઈ છે.ઇંગ્લિશ  માં કોઈ સંબંધ બતાવવા  માટે એક થી બે વાક્ય બોલવા પડે છે. આ ભાષાની મર્યાદા કહેવાય આવા તો ઘણાં દાખલા આપી શકાય.
માતૃભાષા સાથે મને શા માટે પરમ પ્રેમ છે, એ દર્શાવું તો મારી ગુર્જરી માં મને માનો રણકો સંભળાય છે ગુર્જરી માં મને બાપનોપડકાર સંભળાય છે.૭૦૦ વરસ જૂની આ ભાષા લગભગ ૫.૫ મિલિયન લોકો બોલે છે એ લગભગ ૪.૫ ટકા ભારતીય થયાં . વિદેશમાં પણ ગુજરાતી ઘરોમાં આ ભાષા બોલાઈ છે અને હવે આજકાલની માતાઓ બાળકોને ગુજરાતી ભણાવે પણ છે એટલું જનહિ સાહિત્યમાં પણ રસ લેતા કરે છે.
બે એરિયામા આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડા  પ્રયાસરૂપે “બેઠક”ની શરૂઆત થઇ બેઠક” આપણી ભાષાને જીવંત  રાખવાની કોશિશ કરે છે.ગુજરાતી સાહિત્યકારોને આમંત્રણ આપી બોલાવવા અને ભાવુકની સાહિત્ય તરસને છીપાવવા કોશિશ કરે છે. ‘લખતા રહો’ એ પ્રજ્ઞાબેન નો લોગો છે. એ  સમયનો ભોગ આપી આ કામ કરે છે. બે એરિયા માટે એક ગર્વ લેવા જેવી બાબત છે.૧૧ મેં ના રોજ ગુજરાતી સાહિત્ય સમાજ અને બેઠક તરફથી ગુજરાત દિવસ ઉજવવામાં આવ્યો હતો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ‘બેઠક” જેવો મંચ મળ્યો. જેના માટે હું પ્રજ્ઞાબેન ની આભારી છું.
૩૧, ૨૦૧૯ ના રોજ ઉષાબેન ઉપાધ્યાયને આમંત્રણ આપવામાં આવ્યું. જે  પ્રોફેસર અને ગુજરાત વિદ્યાપીઠ ના ડીન  રહી ચૂક્યાં છે. એમને બે વરસ પહેલા સ્ત્રી લેખિકા ને મંચ આપવા માટે જૂઈ મેળા ની શરૂઆત કરી છે. ગુજરાતી ભાષામાં ઘણી સ્ત્રી સાહિત્યકારો થઇ  ગયાં છે જેમાં મીરાંનું નામ મોખરે આવે છે. મીરાના પદ  વિશ્વભરમાં પ્રચલિત છે. ઉષાબેને સ્ત્રીઓને એક આગવું સ્થાન સાહિત્યના મંચ  પર આપવું  છે એમ નક્કી કર્યું છે. એમણે  આવીને ગુજરાતી વાતાવરણને મહેકતું કરી દીધું। અને ગુજરાતી ની સુગંધ ગઈકાલની સાંજમાં પ્રસરી ગઈ.
ગુજરાતી મારા હ્દયમાંથી ઉદભવતી લાગણી છે જેથી હું ગુજરાતી બોલું તો કવિતા બનીને મારા મુખમાંથી નીકળે છે. તેથી હું ગુજરાતીને પ્રેમની ભાષા કહું છું. ભલા પ્રેમ ઇંગ્લિશમાં  શી રીતે  કરવો। ” તને પ્રેમ કરું છું’ અને આઈ લવ યુ માં ઘણો ફર્ક છે. જે મીઠાશ અને વહાલાપણું !! તને પ્રેમ કરું છું માં છે તે બીજી ભાષામાં નથી.મારી જિંદગી છે ત્યાં સુધી ગુજરાતીને ચાહતી રહીશ અને ગુજરાતીને મારી તરફ થી કવિતાના પુષ્પો ભેટમાં આપતી રહીશ. મને ખબર નથી મારા મૃત્યુ પછી મારી કવિતાને કોઈ વાંચશે કે નહિ પણ મને ગુજરાતીમાં લખ્યાં  નો આનંદ ચોક્કસ રહેશે. ગુણવંત શાહ કહે છે કે “ભાષાનું મૃત્યુ  એટલે સંસ્કૃતિનું મૃત્યુ  ભાષાને નહિ આપણે આપણી જાતને બચાવવાની છે.” આપણે ભાષાને લુપ્ત થતા બચાવવાની છે.અહીં કેટલાક મહાન સાહિત્યકારોની પંક્તિઓ ટાકું  છું જેનાથી ગુર્જરીનો પ્રેમ શી રીતે પરમ તત્વ બન્યો છે તે સમજાશે.
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી
ઉમાશંકર જોષી.
જે વૈભવ થી ભરપૂર છે અને સૌમ્ય પણ છે એ મારી ગુજરાતી પરમ છે.
ભાષાનાં અધિકારની વાત જ ક્યાં છે?
ને શબ્દનાં વહેવારની વાત જ ક્યાં છે?
છે મિત્રના જેવો જ અનુભવ “આદિલ”
આ અર્થનાં વ્યાપારની વાત જ ક્યાં છે.
_આદિલ “મન્સૂરી”
ગુજરાતી કોઈના બાપની નથી એટલે અધિકારની વાત ક્યાંથી આવી આ મારી ગુર્જરી છે અને મારી રહેશે!
લાગણીનાં જળ વડે મર્દન કરું છું,
શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી,
પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.
_પિનાકીન ઠાકોર
માતૃભાષા ગુર્જરીને મારા સદા વંદન!! મારી કવિતાના પુષ્પો મારી ભાષાને અર્પણ!
એ બોલે તો ભાષા બને છે વિવેકી,
ઢળેલા નયનમાં શરમનો ઉતારો.
_શોભિત દેસાઈ
અંતમાં નમણી  નાર જેવી મારી ગુર્જરીને ઘણા ઘણા સલામ!
સપના વિજાપુરા

પ્રેમ એક પરમતત્વ-વૈશાલી રાડિયા


પ્રણયમાં કોઈ શરતોથી તો બન્ને નહિ ફાવીએ

પરવડે તો છુટ્ટા હાથે લાગણીના બીજ વાવીએ

પ્રેમ તો એક પરમ તત્વ છે પ્રિય પ્રકૃતિનું

મળી જાય તો મત્તું મારજે સો ટકા સ્વીકૃતિનું

       પ્રેમ શબ્દમાં જ એક અજીબ સંવેદન છે, ચુંબકીય તત્વ છે. જન્મ પહેલાથી જ આત્મા પ્રેમથી જોડાઈ જાય છે. માતાના ગર્ભમાંથી જ બાળકને પ્રેમનો અહેસાસ થતો રહે છે અને પછી શરુ થાય છે માતાપિતા, ભાઈબહેન અને પરિવારનો પ્રેમ. જે કોઈ પણ સજીવને ધબકતું રાખે છે.

       સારસ-સારસી, ચક્રવાક બેલડી કે પછી કાગડી ઈંડાને સેવે ત્યારે એ કોઈ દહેશત વિના પરમ પ્રેમથી સેવે છે કે આ ઈંડા મારા જ છે! કેટલો અદ્ભુત વિશ્વાસ! પારધી અને હરણીના બચ્ચાની વાર્તા બચપણમાં મોટાભાગનાએ વાંચી હશે. કુદરતની કોઈ પણ ઘટનાની જાણકારી પ્રાણીઓને ઘણી વહેલી જાણ થઇ જાય છે. એમની ઇન્દ્રિયો માનવ કરતાં સતેજ હોવાનું કારણ શું એમની મૌન રહેવાની શક્તિના લીધે હોઈ શકે? પ્રેમ અને વફાદારી પણ માનવ કરતાં પ્રાણીઓમાં વધુ ઉચ્ચ કક્ષાની જોવા મળે છે, તેનું કારણ શું એવું હોઈ શકે કે માનવ વાચા દ્વારા બધું વ્યક્ત કરીને હૃદયથી ખાલી થઇ જતો હશે!

       માનવજીવની વાત કરીએ તો પરિવારમાંથી બહાર નીકળ્યા પછી એક વિશાળ વિશ્વ તેની સમક્ષ ખુલે છે, જેમાં શરૂઆત દોસ્તીના પ્રેમથી થાય છે. દોસ્તીમાં રહેલો પ્રેમ એક અલગ જ ભાવવિશ્વમાં ખીલે છે. દોસ્તીનું તત્વ સૌથી વધુ પ્રેમાળ ને અખંડ રહેવાની તાકાત ધરાવે છે તેમજ તેમાં બીજા પ્રેમ સંબંધો  કરતાં સ્વાર્થ ઓછો ને પ્રેમતત્વ અગ્રેસર હોય છે. યુવાન વયે તો એ ખૂબ મજબુત બને છે. દોસ્તીમાં કોઈ ઉંમર, સજાતીય, વિજાતીય એ બધું ગૌણ રહે છે, બસ પ્રેમતત્વ વધુ સાચું હોય છે.

જેને  જિંદગીમાં બે-ચાર પ્યારા મિત્રો ન મળે

એ માણસને જિંદગીમાં કોઈ ‘માણસ’  જ ન મળે!

       યુવાનીનો પ્રેમ એટલે અલ્લડતા, મોજ, મસ્તી, ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, તોડી નાખું, ફોડી નાખું વાળું ધગધગતો લાવા અને ધગધગતો પ્રેમ! જેમાં કોઈ સરહદ કે સીમાડા આંબી જવાની ખેવના ને બધું જ કરી છૂટવાના સપના. જેમાં ‘તું’ ને ‘હું’ એટલી જ દુનિયા! સમગ્ર અસ્તિત્વ એક જ પાત્રમાં સમાઈ જાય એ પ્રેમતત્વ પાસે ‘પરમ’ પણ ટૂંકા પડે!

       દરેક અવસ્થામાં પ્રેમના સ્વરૂપ અલગ હોય છે. આત્માની અંત તરફની ગતિ વખતે એક હૂંફનો સ્પર્શ ને આંખોથી થતી વાતોમાં પ્રેમને સાબિત કરવાની જરૂર જ નથી હોતી એ અવસ્થાએ પહોંચેલ પ્રેમ એક અદ્ભુત અનુભૂતિ છે.

શબ્દોની જરૂરત નથી રહી હવે આજ

આંખો જ કહે છે હું છું ને તારે કાજ

       વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે ત્યાં પ્રેમ કામ કરી જાય છે. અસાધ્ય બીમારીમાં પણ પ્રેમનો મૃદુ સ્પર્શ કે પ્રેમની એક નજરથી જ બીમારીમાંથી એક તાકાતથી કોઈ ઉભું થાય એ તત્વ એક જ છે, પ્રેમ!

       પ્રેમ શબ્દની વ્યાખ્યા આપણે ઘણીવાર સંકુંચિત મનથી અને સીમિત દ્રષ્ટિકોણથી કરી એ જ નજરથી માપી લઈએ છીએ. પરંતુ, પ્રેમ તો એક અહેસાસ છે જેને અનુભવ્યા વિના મૂલવવાનો કોઈને અધિકાર નથી. પ્રેમ એક એવું તત્વ છે જે અણુએ અણુમાં ફેલાય છે ત્યારે એને છુટ્ટું પાડવા કોઈ ઘટકોનો અભ્યાસ જરૂરી નથી. પ્રેમને રોમ-રોમમાં ઉતારી જીવંત રહી એની દિવ્ય અનુભૂતિથી જીવનને શાંત અને યોગ્ય દિશામાં ઉર્ધ્વ ગતિ તરફ જઈ શકવાની કેડી બનાવી શકાય છે.

       પ્રેમનો સાચો અર્થ સમજાય તો જીવનની દશા અને દિશા જ ફરી જાય. પ્રેમને ક્યારેય સ્થૂળ અર્થમાં ના બાંધતા વિશાળ દિલ અને ખુલ્લા મનથી એને સાચી રીતે સમજી એનો પૂરેપૂરો જીવનમાં ફેલાવીએ તો જીવંત રહી શકાશે અને જીવનનું લેવલ દિવ્ય ગતિ તરફ સરળ અને ઝડપી ગતિ કરશે એમાં બેમત નહિ હોય!

કોઈ છીછરા કે હલકા પ્રેમને આપણે પરમતત્વ જેવું રૂપાળું નામ ન આપી શકીએ. અને પરમતત્વ એટલે દુન્યવી પ્રેમથી પર એવું પણ નથી કહેવું. આ પૃથ્વી પર રહીને જ સાચો પ્રેમ પામવો ને કરવો એ જ તત્વ સાચું. એવું નથી કે સાચો પ્રેમ થાય ત્યાં સ્પર્શ ના હોય ત્યારે જ એ પવિત્ર. પ્રેમ એક એવું તત્વ છે, એવી દિવ્ય અનુભૂતિ છે કે એમાં બસ વહી જવાય ને ઓગળી જવાય કોઈ શરત વિના. ત્યારે થનાર સ્પર્શ પણ પવિત્ર જ હોય અને સંપૂર્ણ સંબંધ પણ પવિત્ર જ હોય. એ પ્રેમ જો શાંતિ અને સંતોષથી જીવન પસાર કરવામાં નિમિત બને તો એમાં કશું અપવિત્ર ના હોઈ શકે. એનો રસ્તો શાંત અને નિ:સ્વાર્થ હોવો જોઈએ. એ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ, એમના સંબંધોનું સ્વરૂપ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. એમાં સ્પર્શ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, મળવું જરૂરી હોય પણ અને ન પણ હોય. પ્રેમને પરમ રીતે ભાગ્યે જ કોઈ મેળવી શકે અને જે મેળવે તેને માટે એ આત્મીય જોડાણ હોય છે, જેને દેખાવ કે આવડત કરતાં દિલથી, આત્માથી જોડાણ હોય છે, અને તે ક્યારેય તૂટતું નથી. શબ્દો કે સ્વાર્થ વિના જ જરૂર પડ્યે સેવા પણ કરી શકે ને અદ્વિતીય પ્રેમ પણ એ જ કરી શકે. એ અહેસાસ આપનાર વ્યક્તિ જીવનમાંથી કે ધરતી પરથી જતી રહે તો પણ એનું સ્મરણ શાંતિ ને આનંદ જ આપે ત્યારે એ પ્રેમ જીવંત વ્યક્તિને એક ઉર્ધ્વ ગતિ તરફ પરમ સંતોષથી જવા દઈ શકે તો એ સ્વીકારવું જોઈએ કે નહિ?

પ્રેમનું છે એક પરમ તત્વ

મળે તો પામી લેજો એ સત્વ

~ વૈશાલી રાડિયા

પ્રેમ એક પરમ તત્વ -ગીતાબેન ભટ્ટ

પ્રેમ એટલે શું?
“પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ” 
પ્રેમના ગુણનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે.
આપણે પ્રેમ કઈ રીતે એ કેળવી શકીએ અને રોજબરોજના જીવનમાં એને બતાવી શકીએ?
જિંદગીમાં ક્યારે ક્યારે પ્રેમની ઝલક આપણે માણી છે.

જાન્યુઆરી આવે અને નવું વરસ લાવે !
નવા વર્ષની નવી પ્રભાત 
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ફેબ્રુઆરી મહિનો લાવે વેલેન્ટાઈન ડે !
પ્રેમ ચારેકોર વર્તાય
વધે પ્રેમ આપસમાં !અને આંનદ મઁગલ થાય!

માર્ચ મહિનો આવે , એ તો હોળી ધુળેટી !
સ્નેહના રંગ ઉડાડો !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

એપ્રિલ મહિનો આવે, લાવે વસન્ત પંચમી !
ખીલે જીવનની વસન્ત!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

મે મહિનો આવે….એતો મધર્સડે લઇ આવે !
વ્હાલી મા….. ત … ને વન્દન !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

જૂન મહિનામાં ગ્રેજ્યુએશન ઉજવણી !
કરો જ્ઞાનનું ગૌરવ !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

જુલાઈ મહિનો લાવે તહેવાર જુલાઈ ૪થ
હો બન્ને ભૂમિને પ્રેમ.
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ઓગષ્ટ મહિને આવે રક્ષાબન્ધન ને બળેવ !
નિઃસ્વાર્થના બન્ધન ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

સપ્ટેમ્બર મહિનો આવે , એ તો શ્રાદ્ધના દિવસ !
કરો શ્રદ્ધાથી સૌ કામ ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ઓક્ટોબર મહિનો આવે , હેલોવીનનો મહિમા !
ભગાડો ભૂત સૌ મનનાં ,!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

નવેમ્બર મહિનો આવે: એ તો થેંક્સગિવિંગ ડે!
આભાર કહેવાનું !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ડિસેમ્બર મહિનો લાવે ક્રિશમ્સની રોશની !
જલાવો દીપ અંતરના !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!


Geeta Bhatt🙏

પ્રેમ એક પરમ તત્વ–પી. કે. દાવડા

મિત્રો સપનાબેન બહારગામ ગયા છે તો હમણાં તેમની ગેરહાજરીમાં આપણા બેઠકના  લેખકો પોતાના વિચારો આ વિષય પર દર્શાવી શકે છે. જે સપનાબેન પાછા  આવે ત્યાં સુધી દર રવિવારની પૂર્તિમાં મુકાશે।.. તો ચાલો આજે બેઠકના ગુરુ દાવડા સાહેબ શું કહે છે ?  પ્રેમ એક પરમ તત્વ છે ?

પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. મનની આકર્ષણ શક્તિને સાધારણ ભાષામાં પ્રેમ કહેવામાં આવે છે. આ આકર્ષણ શક્તિના ઘણાં રૂપો છે. જ્યારે આ પ્રેમ બાળકો અને તમારાથી નાના હોય તેને કરવામાં આવે છે ત્યારે તેને સ્નેહ કહેવાય છે. જ્યારે આ પ્રેમ દીન અને દુ:ખી પ્રત્યે બતાવવામાં આવે છે ત્યારે  તેને દયા કહેવાય છે. જ્યારે આ પ્રેમ વડીલો, સંતો અને મોટા લોકો પ્રત્યે જણાવવામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાનું રૂપ ધારણ કરે છે. સ્ત્રી સાથેનો પ્રેમ પ્રણય કહેવાય છે. પ્રેમની અઢળક સત્તા છે. પ્રેમથી પ્રાણીઓને પણ વશ કરી શકાય છે. શ્રદ્ધા એ વિશ્વાસનું બીજું રૂપ છે અને એ સાચા પ્રેમ વગર શ્રધ્ધા પ્રકટે નહીં.

પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં હળવાશથી પ્રયત્ન કર્યો છે.પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે, તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.

“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.

“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે પછી રોકવો મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે, તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.

“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષમા મારે કંઈ કહેવાની જરૂરત છે?

“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.

“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બેસૂરૂં થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.

આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમાં તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.

આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ

प्रेम न बाड़ी ऊपजै, प्रेम न हाट बिकाय।

राजा परजा जेहि रूचै, सीस देइ ले जाय।।

બસ આમ પ્રેમ એક પરમ તત્વ છે.

-પી. કે. દાવડા

પ્રેમ પરમ તત્વ – 21- સ્વાર્થરહિત – સપના વિજાપુરા

પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ હર ખુશી સે હર ગમસે બેગાના હોતા હૈ.ધર્મ રંગ અને જાતીથી  પર પ્રેમમાં માણસ પોતાનીજાતને ખોઈ બેસે છે. એક મિત્ર એ કહ્યું પ્રેમબ્રેમ કાંઈ હોતું નથી બસ બધા સ્વાર્થના સંબંધ હોય છે.પતિપત્નીનો સંબંધ હોય છે કે એકબીજાની જરૂરિયાત પૂરી  કરવી.ભાઈ બહેનનો સંબંધ ક્યારેક એટલી હદ સુધી સ્વાર્થી બની જાય છે કે માબાપની મિલકત માટે લોહીની સગાઇ પણ ભૂલી જાય છે. જો મિલકત દીકરીને નામે કરવામાં આવી હોય તો ભાઈ ભૂલી જાય છે કે આ મારી બહેન છે અરે બોલવાના સંબંધ પણ નથી રાખતાં. અને મા દીકરાનો સંબંધ પણ જ્યા સુઘી દીકરાના લગ્ન થાય ત્યાં સુધી સચવાય છે. જેવી પત્ની આવે મા ને એ રીતે ભુલાવી દે છે જે રીતે કબરમાં રહેલી મૃત વ્યક્તિને જીવંત માણસો ભુલાવી દે છે.પણ આ મારી મિત્રનું માનવું છે. હું માનું છું  કે પ્રેમમાં સ્વાર્થ નથી હોતો.  પ્રેમ એક અલૌકિક બંધન છે. જેમાં ઈશ્વરે સૌને બાંધીને મોકલ્યાછે.અપેક્ષા ઓછી રાખીએ તો પ્રેમ એની ટોચ પાર પહોંચે છે.
કોઈ એક અજાણી વ્યક્તિને જોઈ દિલનું ધડકી જવું. કે શ્વાસની રફતારમાં ફરક આવી જવો. નજરને ત્યાંથી હટાવવી મુશ્કેલ થઇ જાય! અને બેબસ તમે એક દોરી વગરના ખેંચાણ થી ખેંચાતાં જાઓ.શું આ પ્રેમ હશે કે આકર્ષણ? આ પ્રેમમાં પણ સ્વાર્થ હશે? શું આ પ્રેમમાં પણ કોઈ અપેક્ષા હશે? પામી લેવાની અપેક્ષા! પણ પામવું એ પ્રેમ હોય તો હજારો લોકો જે પ્રેમ કરે છે એનો પ્રેમ સ્વાર્થી ગણાશે. પ્રેમ તો ઈશ્વરે આપેલું એક વરદાન છે જે બધાના નસીબમાં નથી હોતું અને પ્રેમની પરાકાષ્ટા અનુભવવા કદાચ પામી લેવાની વૃત્તિ આવે તો એ સ્વાર્થ કહેવાય?
પ્રેમને સ્વાર્થી કહેનારા કદાચ આવો મીઠો પ્રેમ માણ્યો નહિ હોય. દરેક પ્રેમ સ્વાર્થી નથી. ચાહે મા બાપ હોય કે ભાઈ બહેન કેપતિપત્ની હોય અથવા પ્રેમી પ્રેમિકા હોય!! સ્વાર્થ અને પ્રેમને કોઈ સંબંધ નથી. જો સ્વાર્થ હોય ત્યાં પ્રેમ નથી.પ્રેમમાં સમર્પણનીભાવના હોય છે. પ્રેમ કુરબાની માગે છે. આ કુરબાની એકપક્ષીય નથી હોતી દ્વિપક્ષીય હોય છે. પતિપત્નીના પ્રેમમાં પણ બંને પક્ષેસમજદારીથી કામ લેવાનું હોય છે.પ્રેમ આંધળો નથી પ્રેમ જોઈ શકે છે કે કોણે મારા માટે શું કર્યું છે? માબાપ ના પ્રેમમાં પણસમર્પણ જરૂરી છે.જ્યાં સમર્પણની ભાવના આવશે ત્યાં સ્વાર્થ અદ્રશ્ય થશે અને પ્રેમ ઉભરાય આવશે. ખાસ કરીને સંવેદનશીલ સ્ત્રી બધા સંબંધને ખૂબ  પ્રામાણિકતાથી નિભાવે છે. ચાહે બાપ હોય કે પતિ હોય કે ભાઈ એ દરેક બંધનને સ્વીકારી દરેક પ્રેમ માટે કુરબાની આપે છે. એનો અર્થ એ નથી કે પુરુષ લાગણી વિહીન છે પુરુષની પ્રેમ દર્શાવવાની રીત જુદી છે. મા  દીકરાના વિરહમાંડૂસકે ડૂસકે રડી શકે છે તો બાપ છાના આંસુ સારે છે. પત્ની લડી ઝગડીને પણ પોતાના હક જતાવે છે. જ્યારે પુરુષ એ હક આપીને ખુશ થાય છે.જે ભાઈ મિલકત માટે ઝગડો કરતો હોય એ ભાઈ જો બહેનને કોઈ ખરાબ દ્ગષ્ટિથી જુએ તો એની ધૂળ કાઢી નાખે છે.
સુંદરમની આ કવિતા મને સ્પર્શી ગઈ જેથી અહીં ટાંક્યા વગર રહી ના શકી.પ્રેમ શી રીતે થઇ જાય છે? અને પ્રેમને આંધળો પણનથી કહેતા. નથી એને પાંખો, નથી આંખો, નથી પગ નથી હાથ! કેવું સચોટ વર્ણન કર્યું છે. મેં કહ્યું  એમ બેબસ રીતે તમે ખેંચાતાજાઓ. તમારા વશમાં કાંઈ ના રહે એ પ્રેમ! કેવો પકડે છે, કેવો પાડે છે, કેવો ઉપાડે છે એ? પ્રેમ તમને પર્વતની  ચોંટી પરબેસાડી શકે છે અને જમીનદોસ્ત પણ કરી શકે છે.જે રીતે મજનૂ લયલાના પ્રેમમાં પાગલ થઈ રણમાં ભટકી રહ્યો હતો. અને કંઠ વગર ગવડાવે છે. કેવો મીઠો છે આ પ્રેમ! તમારામાં સંગીત ભરી દે છે.તમારી દુનિયા જોવાની દ્રષ્ટ્રી બદલી નાખે છે. સવાર તમને સાંજ અને સાંજ તમને ઉષા લાગે છે.પાંપણની પાછળ છુપાઈને જીવે છે અને હટ  કહો તો ક્યાંય જતો નથી. એને આંધળો કોને કહ્યો? શું કોઈએ તમારી આંખમાં આંખ માંડી નથી? વાહ આનાથી સુંદર પરમ પ્રેમની પરિભાષા બીજી શું હોય કહો?
આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
નથી આંખો,
નથી પગ, નથી હાથ
તોયે કેવું પકડે છે એ ?
કેવો પકડે છે એ ?
કેવો પાડે છે એ ?
કેવો ઉપાડે છે એ ?
આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.
તમે કહો ગા,
તો વગર કંઠે ગાય છે.
સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
ઉષાઓ ઉગાડી દે છે.
એને આંધળો કોણે કહ્યો ?
આંખ તો એની  છે
કોઈએ તમારી આંખમાં
શું આંખ માંડી નથી ?
સપના વિજાપુરા