નવા વર્ષનો નવો સંકલ્પ –

 

મિત્રો નવા વર્ષની વધાઈ

‘બેઠક’ના ચાહકો સર્જકો અને વાચકોને મારી નવા વર્ષની શુભકામના,  પહેલા નૂતન વર્ષની ઉજવણી મર્યાદિત હતી,અને હવે પણ ચાર દીવાલોમાં હોવા છતાં બ્લોગ દ્વારા સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.મિત્રો નવા વર્ષે એવી શુભ કામના કરીશ કે આપણે કારણ વિના એકબીજાને પ્રેમ કરીએ  બેઠક જાણે છે કે સૌની ભીતર પડ્યો હોય છે,એક ચમકતો હીરો,મિત્રો ચાલો નવા વર્ષના સંકલ્પ સાથે ભીતર જઈએ અને શોધી લઈએ આપણી જાતને, બસ વાત સ્વયં પ્રગટવાની છે. વાંચન અને સર્જન દ્વારા સ્વયં પ્રગટી બીજાને પણ પ્રગટાવીએ.ચાલો આજે  રજનીશના જ્ઞાન થકી અજ્ઞાનતાની ઉજવણી કરીએ.
તમે માત્દર આજે જ નહિ દરરોજ જીવનના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યાં છો. કંઈક નવું, જે તમે જાણતા ન હતા તે,આજે તમારા અનુભવમાં આવ્યો છે. તમે ત્યારે જ સત્ય તરફ આગળ વધશો જ્યારે તમને “મને ખબર નથી” નો અહેસાસ થશે. જો તમને લાગે કે તમે જાણો છો, તો તમે અસત્ય તરફ આગળ વધવાનું શરૂ કરશો – કારણ કે “મને ખબર છે” એ ફક્ત એક વિચાર છે; “મને ખબર નથી” એ એક હકીકત છે, તે વાસ્તવિકતા છે. જેટલું જલ્દી તમે મેળવશો, તે વધુ સારું છે.

તમારા જીવનની સૌથી મોટી અનુભૂતિ એ છે કે તમે નથી જાણતા. “મને ખબર નથી” એક જબરદસ્ત સંભાવના છે. ફક્ત જ્યારે તમે “મને ખબર નથી” જોશો, ત્યારે ઝંખના અને જાણવાની કોશિશ અને જાણવાની સંભાવના વાસ્તવિકતા બની જશે.માટે વાંચન ની ભૂખ જરૂરી છે. ભલે આપણે કેટલુંય જાણીએ – પણ આપણી અજ્ઞાનતા અમર્યાદિત છે. તેથી જો તમે તમારી અજ્ઞાનતા સાથે ઓળખાઓ છો, તો તમે અમુક અર્થમાં અનહદ થઈ જાઓ છો, કારણ કે તમે જે કાંઈ પણ ઓળખો છો તે તમારા ગુણ હશે. રજનીશે સરસ રીતે કહ્યું છે કે, પ્રબુદ્ધતા એ અજ્ઞાનતાની ઉજવણી છે, આનંદિત અજ્ઞાનતા. વાંચન લેખન આ બધામાં -પ્રબુદ્ધતા ‘હું નથી જાણતો” એ અજ્ઞાનતા માંથી આવે છે.

“હું જાણું છું..” એ ભ્રમ પેદા કરે છે.અહંકાર એ સત્ય અંગે નું અજ્ઞાન છે.આપણો બધો જ સંઘર્ષ વધારે જાણવા નો છે….તમે તમારા થી બનતો બધો  જ પ્રયત્ન કરો,ફકત સાદી અને નિર્દોષ અવસ્થા-“ હું નથી જાણતો..!! મા રહો.આ જીદગી ગુઢ/રહસ્યમય છે.-સુંદર છે-તેને ભરપૂર જીવો,વાંચો વંચવો અને સર્જન કરો એવી ભાવના સદાય ‘બેઠક’ રાખે છે તમે પણ આજ ભાવના રાખો. નવા વર્ષે આનાથી વિશેષ શું સંકલ્પ હોઈ શકે.  સૌને ‘બેઠક’ તરફથી શુભ કામના

આયોજક અને સંચાલક -પ્રજ્ઞા દાદભાવાળા

સહ સંચાલક -રાજેશ શાહ ,કલ્પના રઘુ

સંવત્સરીની ક્ષમાપના

 

ક્ષમા તપ છે.
ક્ષમા  ધૈર્ય છે.
ક્ષમા બહ્મ છે.
ક્ષમા સત્ય છે.
ક્ષમા શાંતિ છે.
ક્ષમા પવિત્રતા છે.
ક્ષમા  સહિષ્ણુતા છે.
ક્ષમા સહજ શક્તિ છે.
એક આંતરિક ઊર્જા  છે.
ક્ષમા અસ્ખલિત ઝરણું છે.
કર્મમળની વિશુદ્ધ ક્રિયા છે.
આંતરિક દશાનું અવલોકન છે.
શાંત સ્વીકારની ભાવના છે.
ક્ષમા સમ્યક સ્થિરતા છે.
ક્ષમા માગવાથી અને આપવાથી
આજ નિર્મળ બને છે.
ગઈકાલ વિમલ બને છે.
આવતી કાલ ઉજ્જવળ બને છે.

સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે.
મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….
પ્રતિક્રમ એ મારો જાગૃતિ પૂર્વક નો પુરષાર્થ છે ,મારા દોષો મારા અભિપ્રાયો ને દુર કરવાનો।….

આપ સર્વેની માફી મને પુરષાર્થ આદરવામાં સહાય રૂપ થશે
આલોચના પ્રતિક્રમ અને પ્રત્યાખ્યાનથી હું મારા કર્મ ને હલકું કરવાનો પ્રયત્ન કરી રહી છું
અને એનો સમભાવે  નિકાલ કરી શકું માટે મને માફ કરી આગળ વધવાની શક્તિ આપશેi
આજે  ક્ષમાપના દિવસે પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વે જીવો ને ખમાવતની સાથે આપ સર્વેને,
મારાથી થયેલા જાણતા  અજાણતા દોષોને ,અંતકરણ પૂર્વક ખમાવું છું.

“મિચ્છામી દુક્કડમ :”

-પ્રજ્ઞા દાદભાવાળા-

તેવા આદરણીય સાહિત્યકાર મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.

ભગવતીકુમાર શર્મા, સુરત માટે આ નામ જ કાફી છે.પણ  તેમને ભાવભરી અંજલિ આપતા  કહીશ કે સુરત અને સમગ્ર સાહિત્યજગતના આકાશમાં તારાની જેમ નહીં પરંતુ સૂરજની જેમ ઝળહળતા ભગવતીકુમાર શર્માના પવિત્ર આત્માએ આજે તા.5મી સપ્ટેમ્બરના વહેલી સવારે 6 વાગ્યે પોતાનો દેહત્યાગ કર્યો છે.તેમનું સાહિત્ય ક્ષેત્રે માતબર પ્રદાન સદાય સ્મરણીય રહેશે।
 શબ્દબ્રહ્મના ઉપાસક તેઓ  સાહિત્યના પ્રાણવાયુથી જીવતા અને અન્યને ચેતનવંતા કરતા તેઓ મારી જેમ અનેકના પ્રેરણાસ્તોત્ર હતા.
મારી   મુ.ભગવતીકુમાર શર્મા સાથેની મુલાકાતોએ એક પથદર્શકન -ગુરુનું કામ પ્રેમથી કર્યું હતું.તેઓ સદેવ મારા વંદનીય  રહ્યા છે.
તેમની સાથેની કેટલીક યાદો આજે વેદનાસભર હૈયે કહીશ.

જેમણે મારા જીવનને સર્જનાત્મક માર્ગે પથદર્શન કરાવ્યું તેવા આદરણીય સાહિત્યકાર

મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.સુરતથી હું દસ હજાર માઈલ દૂર બેઠી છું,પણ તેમના લાગણીભર્યા સહકારથી મારી  લેખિનીમાં હમેશા બળ પૂરાયું છે.પરોક્ષપણે તેમની નવલકથા ,વાર્તાઓ અને ગઝલોથી હું એમને જાણતી હતી.પણ

1975ની સાલમાં સુરતમાં મને પ્રથમ ભગવતીકુમાર શર્માનો પ્રત્યક્ષ પરિચય થયો.સાવલીના કવિમિત્રો પુરુરાજ જોષી અને જયદેવ શુક્લ દ્રારા તેમને મળવાનું થયું.સુરત મારા માટે અજાણ્યું શહેર હતું,કોલેજની નોકરી નવી હતી,પરંતુ તેમના મિલન પછી સુરત આજે પણ મારું પ્રિય શહેર છે.

સુરતમાં એનીબેસન્ટરોડ પર જયદેવ શુક્લ અને ભગવતીકુમાર શર્મા પાડોશી,ગુજરાત મિત્રના પત્રકાર,લેખક તરીકે તેમને સૌ ઓળખે.એમના ત્રણ માળના મકાનના ત્રીજા માળે સાહિત્યગોષ્ઠી થાય.મારા જેવા નવોદિતોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અનાયાસ ત્યાં મળે,વાર્તા,કવિતા,લેખો સૌનું વાંચન થાય,સૌની રચનાઓને તેઓ હદયપૂર્વક માણે,સાંભળે.તેમનો પ્રતિભાવ તેમના સન્વેદનશીલ ચહેરાના હાવભાવથી કે એકાદ હુકારાથી ખબર પડે.તેમની અનેક ગઝલો અને કાવ્યોનો રસાસ્વાદ થાય,તેઓ પ્રતિષ્ઠિત અને નામી સર્જક પણ અમારી રચનાઓને પોંખે ,અમે પોરસાઈએ,અમારી સર્જનશક્તિને સઁકોરે. આકાશમાં ઉદિતમાન સૂર્ય તેની અજવાળાની અંગુલિથી પથદર્શન કરાવે તેવી ભગવતીકુમારની અમાર્રી વચ્ચે હાજરી સર્જનની સીડી ચીંધે.તેમાં સ્વ.તેમના અર્ધાંગી જ્યોતિભાભી હૂંફાળા સ્વાગતથી અમને પ્રસન્ન કરી દે.નયન દેસાઈ ,બકુલેશ ,રવિન્દ્ર પારેખ અને બીજા અનેક ત્યાં ભેગા મળે.સ્વ.મનહર ચોકસી જેવા અનુભવીનો લાભ મળે.મુકુલ ચોકસીની નવજાત મસ્ત રચનાઓ માણીએ.

ભગવતીકુમારની સાહિત્યનિષ્ઠા મને માર્ગ ચીંધે.વર્તમાનપત્ર સાથે પત્રકાર તરીકેનો નાતો રાખી , ઉંચા સાહિત્યિક મૂલ્ય ધરાવતી કૃતિઓની રચના કરવાનું કઠિન કામ તેમણે સમતુલા જાળવી કર્યું તે મારા માટે માર્ગદર્શન આપે છે.કેટલીક વાર રજાના દિવસે તેમના ત્રીજા માળના બેઠકરૂમમાં હું જતી ત્યારે બારી પાસેના ટેબલખુરશીમાં એક કુશકાય,જાડા ચશ્મા પહેરેલા લેખક માથું ઢાળી

‘અસૂર્યલોક ‘જેવી સદીની નોંધપાત્ર નવલકથાનું લેખન કરતા હોય,એ દ્રશ્ય નર્મદ કે ગોવર્ધનરામના વારસાને જીવન્ત કરે.ગમે તેવી વિપરીત  સામાજિક,રાજકીય કે શારીરિક પરિસ્થિતિમાં તેમનું લેખનકાર્ય અવિરત ચાલ્યા કરે.આજે પણ લેખનમાં નિમગ્ન ભગવતીકુમારની એ મૂર્તિને હું લખવા બેસું ત્યારે સ્મરું છું.એક સર્જક તરીકેનું તેમનું નમ્ર,પ્રેમાળ ,સાલસ વ્યક્તિત્વ મારા જેવા અનેકને સાહિત્ય સર્જનનો પથ દર્શાવે છે.ફળથી પલ્લવિત વૃક્ષો નીચે નમે છે.ભગવતીકુમાર શર્મા ભારતીય સાહિત્ય એકાદમી અને બીજા અનેક પુરસ્કારોથી સન્માનિત હોવા છતાં એમને મળવું એટલે સહદય સાથેની હળવાશ,પ્રેમની અમીવર્ષા અને ‘શું નવું લખ્યુંની?’મીઠી પુછપરછ. એમણે પ્રમાણિક  ,નિષ્ઠાપૂર્વકની કલમથી ગુજરાતી સાહિત્યની સેવા કરી છે,અને કરી રહ્યા છે,તે જ તેમનો સાહિત્યસન્દેશ મારા માટે આજે પણ પથદર્શક છે,મારું સદભાગ્ય કે મારા સુરતના દશ વર્ષના નિવાસ દરમ્યાન મુ.ભગવતીકુમારની સતત પ્રેરણા અને પથદર્શન મને ઉપલબ્ધ થયું.કેટલાંક ઋણ હદયમાં તાંબાના લેખની જેમ  કોતરાઈ જાય છે,એને કોઈ રીતે ચૂકવી શકાતા નથી,શબ્દો દ્રારા એમને મારી ઝાઝેરી સલામ.ગુજરાતી સાહિત્ય ભગવતીકુમાર જેવા સાહિત્યરત્નોથી સદા ગોરવવન્તિ છે.જે આવનાર પેઢીને પથદર્શન કરાવતી રહે છે.એમની ગઝલની બે પંક્તિથી મારા જીવનના પ્રવાસમાં મને મળેલા પથદર્શકને વન્દન કરીશ.

આ ક્ષણો પછીથી નહિ રહે,ન સુવાસ ફોરશે શ્વાસમાં ,
ચલો સન્ગ થોડુંક ચાલીએ ,સમયના આ દીર્ઘ પ્રવાસમાં (ભગવતીકુમાર શર્મા)

તરુલતા મહેતા 6 -9-2018

મા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના

મારી માવડી અનસૂયાબેન જ્યંતિલાલ શાહ 

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

                                                     ​મા’  એક નવા પંથે પ્રયાણ કરી ગઈ 

આજે માનું જીવંત અસ્તિત્વ અમારી વચ્ચે નથી. 

પરંતુ ​

એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને 
​આજે પણ અહી આટલે દુર આલિંગન  આપે છે.

 આજે તમે સહદેહે હાજર નથી… પરંતુ 

​’મા’ તમારી સહજતા, તમારું સમર્પણ, સારી જોવાની સતત ક્ષમતા 

જીવનની દરેક ક્ષણનો રાગ દ્વેષ રહિત તમારો સહજ સ્વીકાર  

અમને જીવનમાં સતત માર્ગદર્શન આપતા 

આપના  જીવંત અસ્તિત્વનો અહેસાસ કરાવશે..

મા  અમે તમારો એક માત્ર અંશ 

પણ

 ​અમા​રા અણુ એ અણુ એટલે મા…તમે . 

 મા તમે જીવનને વિશિષ્ઠ રીતે જોયું ,પોખયું  અને નિહાળયું અને અનુભવ્યું છે. 

જિંદગી જીવ્યાનો સંતોષ એ સંતોષના ઓડકાર ખાધા પછી  આપની આ નવી શરૂઆત..

પાનખર ખરની ની જેમ એક એક જિજીવિષાના પાન ખેરવ્યા પછી

પણ લીલી વાડી મૂકી ને જાવ છો .

માના પ્રાણના વિસર્જન

 એટલે આપનું છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય..

અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન…એજ ક્ષણયોગ ..

હવે આપના  દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી…

પરંતુ જીવનની સુવાસ નિરાકાર છે ને ?

આપના કરેલા કર્મ જ  સુવાસરૂપે ફેલાતા રહેશે….

અમે જાણીએ છીએ  ​’​મા’ કદીએ મૃત્યુ પામતી નથી. 

“આજ સુધી એમના આત્‍મામાં  મેં પરમાત્મા જોયા ….

પ્રભુ હવે આપમાં માને નિહાળીશ..”

ક્ષરલોકના અંધારેથી નીકળીને

માની અક્ષરલોકના અજવાળાંની યાત્રામાં,

પાંપણ ભીની કર્યા વિના  આપવી છે  આજે વિદાય.. 

દેહ વિલય :૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૭
સમય : આજે સવારે ૬.૫૫ -અંતિમ વિદાય -૧૦.૩૦
પોરબંદર નિવાસી -હાલ મુંબઈ -દાદર 

અંતર ની અભિલાષા [Mothers Day]

અભિલાષા
 
 મા ! તારી આ અદ્વિતીય શક્તિ ,
ચાપલ્ય,  શૌર્ય અને  સુશીલતા ,
લાવી અમ જીવનમાં ઉજ્જવળતા.
 પ્રેમાળ ,ચમકતી કાળી  આંખોમાં ,
સ્મિત ભરેલ , સુકાયેલ ગાલો માં , 
કરચોળી  વાળી રૂક્ષ હથેળી માં 
મા ! મેં દેખી હીરની  સુંવાળપતા.
અમૃત  સમ ઉપદેશ  અર્પતી , 
અમૂલ્ય દિવ્ય પ્રેમ વરસાવતી ,
એ જનની  ને જન્મોજન્મ પામું 
એ મુજ  અંતર ની અભિલાષા.
માતૃદિન “ના શુભ અવસરે 
પ્રભુને પ્રાર્થું અંત:કરણ થી,
દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને 
સુખ સંતોષ બક્ષજો સૌ માડીને.

ફુલવતી શાહ 

‘મધર્સ ‘ડે

મિત્રો ,

આપ સૌને ‘મધર્સ ‘ડે ‘ની મારામાં રહેલા માતુત્વ તરફથી અંતકરણપૂર્વકની શુભેચ્છા.માતાને બાળકના જન્મની ધન્યતા અનુભવવા માટે પ્રભુએ કૃપા કરી છે.પણ મેં મિત્રોના સંબોધનમાં પિતાનો સમાવેશ કર્યો છે .સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પરનું અર્ધાંગ છે.મા અને બાપ તેમના સેતુરૂપ બાળકને પૂરા સમર્પણ અને પ્રેમથી ચાહે છે,ઊછેરે છે.આજકાલ સિંગલ ફાધર બાળકની મા અને પિતા બનતા હોવાના કિસ્સા જાહેરમા ચર્ચાતા થયા છે. .પિતા મોટેભાગે બહારની જવાબદારી અને કુટુંબના ભરણપોષણમાં વ્યસ્ત તેથી  બાળકને સમય ફાળવી શકતો નથી.બાળકને સ્તનપાન કરાવતી માં,એને નવડાવતી,એનાં મળમૂત્ર સાફ કરતી મા બાળકની કોણ છે?આદરણીય કવિ મુ.ભગવતીકુમાર તેનો ઉત્તર આપે છે:

માં મારી મિત્ર

મા મારી પહેલી મિત્ર

અને શ્રેષ્ઠ અને છેલ્લી પણ ….

બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થ ,

તે નહીં તો અપેક્ષાનું બારીક કણું આવી જાય
પછી ઉઝરડો ,તિરાડ
ઉદારતાથી ક્ષમા કરીએ એ વાત જુદી
થીગડું ..અને ભીંગડું રહી જાય
પતિ પત્નીની મૈત્રી આદર્શ પણ વિરલ
હું-પદની ત્વચા એમ શાની ઝટ ઊખડે ?
નખ જરા આદિ જાય ,લોહીની ધાર થાય
હિંડોળાની ઠેસમાં ,પાનનાં બીડામાં ,
ખભે મુકાતા હાથમાં ,બાળકો પ્રત્યેની મીટમાં
નેજવાની છાજલીમાં દાંમ્પત્ય ઓગળે અને મૈત્રી મહોરે તો ભયો ભયો
પણ પરસેવાની ગંધ જુદી તે જુદી જ
માને તો આકાશ જેટલું ચાહી શકાય
દેવમૂર્તિની જેમ પૂજી શકાય
અને પાછું એવું કશું વિચારે -ઈચ્છે કે માગે નહિ
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની ગંધ
એ સાથે લઈને જ જાય ઈશ્વર પાસે!
અને ઈશ્વર સુગંધ સુગંધ !
ભગવાનની યે મા તો હશે જ ને?
(ભગવતીકુમાર શર્મા )
‘જનની જોડ નહીં જડે ‘ એવાં માતુપ્રેમનાં અઢળક કાવ્યોમાંથી ‘મા મારી પહેલી મિત્ર ,શ્રેષ્ઠ અને છેલ્લી પણ ‘ મારા મનમાં વસી ગયું .વિસ્મૃતિના ટાપુ પર બેઠેલી મારી માએ એના અંતિમ દિવસોમાં મારી ઓળખને ભૂંસી નાંખી હતી ત્યારે મને સમજાયેલું કે મારી જન્મદાત્રી મા જે મારી પહેલી ,શ્રેષ્ઠ અને છેલ્લી મિત્ર મેં ખોઈ હતી.હવે કોની આગળ હદયનો વલોપાત ,ઊકળાટ ,ઊભરો ઠાલવવાનો! બાને શબ્દોમાં કહેવાની પણ ક્યાં વાત હતી? એ તો કરમાયેલું મોં ,ભીની આખો કે ઢગલો થઈ સુનમુન બેઠેલી દીકરીની વાત જાણી જાય.સાચા મિત્રો પણ શબ્દોની લેવડદેવડ કર્યા વિના સમજી જાય છે.
દુનિયામાં મિત્રો તો ઘણા હોય ,તેમાંના કેટલાક બાળગોઠિયા ,ખૂબ નિકટના પણ હોય ક્યારેક અપેક્ષાને કારણે તિરાડ પડતી હોય છે,કૃષ્ણ સુદામાની ‘તને સાંભરે રે ‘
એવી સાંદિપની ઋષિના આશ્રમની મૈત્રી.ગરીબ મિત્રની પત્ની કૃષ્ણ પાસે મોકલે છે,ભગવાન તત્કાલ સુદામાને હાથમાં કાઈ આપતા નથી તેથી સુદામાને માનહાનિ અને દુઃખ થાય છે,પછી ઘેર જાય છે ત્યારે ભગવાનની કૃપા જુએ છે.પતિ-પત્નીમાં પણ અહમ ટકરાયા કરે.ગાંધીજીએ પત્નીને કસ્તુરબા કહ્યા પછી તેમને મિત્ર માન્યા.અહમ ઓગળે માના પલ્લુમાં ગમે તેટલી ઊંચાઈ પર જગતમાં પહોંચો મેલો મેલો તો ય માનો ખોળો
છેલ્લી પંક્તિઓમાં માના અપાર ,નિસ્વાર્થ પ્રેમને પ્રભુરૂપ ગણે છે,પ્રભુએ પોતાના રૂપને માના સ્વરૂપે ઘડી તેથી મા બાપનો આદર એજ મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ અંત સુધી માના અંશરૂપે આપણામાં રહે છે.અંતની પન્ક્તિઓ માટે કવિને સલામ માના ખોળાની બાળકના પેશાબની ગંધ ઈશ્વરને
સુગંધમય કરી દે કારણ મા ઈશ્વરરૂપ છે.એક બાળક જેવો નિર્દોષ પ્રશ્ન ‘ભગવાનને ય મા તો હશે જ ને ?’ કેટલો ગહન પણ સરળ પ્રશ્ન।પ્રેમનું પિષ્ટપેષણ ન હોય1 ,પોથી પઢી પ્રેમ ન પામી શકાય એતો અનુભવ છે.’મુંગા કેરી સર્કરા ‘
હેપી મધર્સ ડે
તરૂલતા મહેતા 12મીમે 2017

વેલેન્ટાઈન દિન નિમિત્તે

 

હું જયશ્રી વિનુ મરચંટ, આપ સહુ, “બેઠક”ના સાથીઓને, વેલેન્ટાઈન દિન નિમિત્તે શુભ કામનાઓ પાઠવું છું કે આપ સહુ પ્રણયને શૃંગારના કંકુ-ચોખાથી પોંખો, એટલું જ નહીં પણ પ્રણય-શૃંગારને સાયુજ્યમાં ઓતપ્રોત કરીને દરેકે દરેક ક્ષણોને જાદુભરી બનાવીને મ્હાલો.  યુગોથી અભિસાર, શૃંગાર અને સાયુજ્યને આદિકવિ વાલમિકીથી માંડી આજના યુવાન પેઢીના અનોખા ગઝલકાર ને કવિ અનિલ ચાવડા સુધીના સૌ પોતાના કવનમાં સમયની માંગ પ્રમાણે આલેખતા આવ્યા છે, છતાં પણ એના યૌવનના થનગનાટમાં કોઈ જ કમી આવી નથી કે નથી એના આકર્ષણમાં ઓટ આવી.  આપ સહુને આજના આ પ્રેમના મહિમાના દિવસે હું એક કોડભરી મુગ્ધાના કુંવારા સપનામાં થનગનતા અભિસાર અને શૃંગારની સફર પર લઈ જાઉં છું કે જે યુવાનીમાં એના પ્રેમી સાથેની પળનીયે જુદાઈ સહન કરી શકતી નથી અને જ્યારે વિરહની એકલતા સહેવી પડે છે તો પોતે “આજન્મ મુક્તા” હિમશીલાના સ્વરુપે જીવવાનો અભિશાપ જીવી રહી છે એવું મહેસૂસ કરે છે. સમય વહે છે ને પછી તો સાથ હોવા છતાંયે જાણે એ અભિસારની ઉષ્મા અને શૃંગારની જ્વાળાઓ ઠરી જાય છે તો જે બર્ફીલા રણ જેવી જિંદગીમાં રહેંસાવું પડે છે એ વિષમતા જીરવવી ખૂબ ભારી પડે છે. કહે છે કે મિલનની મસ્તીનો કેફ જેટલો પ્રેમનો મહિમા ગાય છે એથી વધુ તો પ્રણયની તીવ્ર અનુભૂતિ વિરહ અને વિદાયમાંથી થાય છે. “મરીઝ”નો શેર યાદ આવે છે,  “બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી મળતા નથી પ્રણયના પૂરાવાઓ!” વેલેન્ટાઈનના દિવસે પ્રેમની આ જ પરિસીમાને મારા આ કાવ્ય “ચમત્કાર”માં ૩ નાના ખંડોમાં આલેખી છે. આ કાવ્ય “કવિતા”ના ઓક્ટોબર ૧૯૮૩ના શૃંગાર અંકમાં પ્રસિધ્ધ થયું હતું. વેલેન્ટાઈનમાં મિલનનો વૈભવ તો હોય જ પરંતુ વિદાય ને વિરહ વિના મસ્તીને એના “ફુલ ફોર્મ”માં માણવી કે મ્હાલવી શક્ય જ નથી. આશા છે કે આપ સહુને આ કાવ્ય ગમશે. Wishing you all a Happy Valentine Day.

ચમત્કાર ખંડ ૧

ગઈ કાલે રાતે, સપનામાં તમે, મૂકી ગયા હતા,

મારા ઓષ્ઠદ્વય પર,

કુંવારા ચુંબનની કુંવારી કળી…! .

સવારે ઊઠીને જોઉં તો દર્પણમાં…

પારિજાતની સૌરભના ઢગલે ઢગલામાં દટાયેલી હું….!

ખંડ ૨

સપનાની શેવાળી ભૂમિ પર જ તો હું ચાલતી હતી

ને લપસી પડી..

ત્યારે, તમારા શ્વાસોનું આલિંગન માણતી હું!

આંખો ખૂલતાં જ મળી આવી મને બર્ફીલા શ્વાસોના પ્રદેશમાં,

આજન્મ મુક્તા હિમશીલાના સ્વરુપે…!

ખંડ ૩

યાદ છે, હજુ તને,

એ આપણું સમંદરના કિનારે, ફેનરાશિની સ્નિગ્ધતાને રોમરોમથી પીવાનું? ને,

એક જબરજસ્ત મોજું આવરી લેતાં જ  ઠંડા તરંગની જ્વાળામાં લપેટાઈને,

આપણું એ ખાક થઈ જવા માટે આતુર થવાનું?

…આજે એ સાગરતટે જાઉં છું ત્યારે,

ન જાણે કેમ, સાગરના એ મોજાંની ભભૂકતી આગનું મને આવરી લેતાં જ અફાટ,

બર્ફીલા રણમાં રુપાંતર થઈ જાય છે! . . . . .

જયશ્રી લિનુ મરચંટ

 

નવા વર્ષની શુભકામના “બેઠક”ની શુભેચ્છા.-

નવલા વર્ષે   દરેક વાચક અને સર્જક વિજયશ્રી વરતે 

આજના દિવસે શુભ લાભના પગલે આપના ઘરમાં ઝળહળતી સુખ શાંતિ કુમકુમ પગલે  પ્રવશે અને આપનો પરિવાર, ઘર અને કલમ નવા વર્ષમાં શુભ ભાવના અને શુભ કામના થી ઝગમગે એવી

“બેઠક”ની શુભેચ્છા.

દિવડા પ્રગટાવજો

Happy Diwali

ઘરના આંગણે દિવડા પ્રગટાવજો પણ એના પ્રકાશનું કિરણ દિલમાં દીપાવજો.
ઘરના આંગણે રંગોળી સજાવજો પણ એ રંગબેરંગી ડિઝાઇન દિલમાં કોતરજો.
દિપાવલીમાં મેવા મિઠાઇ ચાખજો પણ એ મિઠાશ સમાજ ઘડતરમાં ફેલાવજો.
દિપાવલીમાં નવાં વસ્ત્રો ખરીદજો પણ કોઇ અનાથને વસ્ત્ર આપીને સજાવજો.
દિપાવલીમાં ધનપપૂજન કરજો ને એમાંથી સફાઇ,આરોગ્ય, વિદ્યામાં વાપરજો.
દિપાવલી ઉમંગથી મનાવજો પણ દેશ રક્ષા કાજે ઝઝુમતા જવાનો ના ભુલજો.
દિપાવલીમાં કાશ્મીરથી કન્યાકુમારી ને દિવથી દિબ્રુગઢ સુધી એકતા મનાવજો.

સ્વપ્ન જેસરવાકર

દિવાળી-ઇન્દુબેન શાહ

happy-diwali1

 

દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા
અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના
રોશની ફેલાવું ઘર ઘરમાં
પ્રગટાવી દીવા સહુના દિલમાં

ટમટમતા તારાઓ સૌ સાથ
વેરાયા પૃથવીપર આજ
ઉજાળવા પગદંડી ને પાથ
બારાત ઉતરી માણવા મહેફીલ

ફટાકડાની સાથે ફોડી દર્દના ફોલ્લા
બુરાઇ મનની બધી ધકેલી બહાર
વસાવું એવી દુનિયા
ન રહે કોઈ રાગ-દ્વેશ પીડા

મીઠાઇની મીઠાસ સદા દિલમાં વશે
પ્રતિજ્ઞા શુભ દિનમાં ઍવી લઈને
ભૂલી નાત જાત રંગ સીમા વાડા બધુએ
સહુના દિલ બહેલાવું મીઠા વર્તન વ્યવહારે

  દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા

અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના
રોશની ફેલાવું ઘર ઘરમાં
પ્રગટાવી દીવા સહુના દિલમાં

ટમટમતા તારાઓ સૌ સાથ
વેરાયા પૃથવીપર આજ
ઉજાળવા પગદંડી ને પાથ
બારાત ઉતરી માણવા મહેફીલ

ફટાકડાની સાથે ફોડી દર્દના ફોલ્લા
બુરાઇ મનની બધી ધકેલી બહાર
વસાવું એવી દુનિયા
ન રહે કોઈ રાગ-દ્વેશ પીડા

મીઠાઇની મીઠાસ સદા દિલમાં વશે
પ્રતિજ્ઞા શુભ દિનમાં ઍવી લઈને
ભૂલી નાત જાત રંગ સીમા વાડા બધુએ
સહુના દિલ બહેલાવું મીઠા વર્તન વ્યવહારે

ઇન્દુબેન શાહ