વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો,

એપ્રિલનો વાસંતી મહિનો એની મઝધારે પહોંચી ગયો છે. અહીંયા USAમાં તો હવે પુષ્પો અને પ્રકૃતિ જાણે મહોરી ઉઠવાની તૈયારીમાં હોય તેવું લાગે છે. ઝાડ અને છોડવાઓ ધીમે ધીમે પર્ણ અને પુષ્પોથી ઘેરાવા લાગ્યા છે. આ તો થઇ પ્રકૃતિના વાસંતી નવપલ્લવિત થવાની વાત… પણ મનમાં મ્હોરતી વસંત નું શું? મનમાં ખીલતી વસંત માત્ર મહિનાઓને આબદ્ધ ન હોય. આજે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત, આ મનમાં મ્હોરતી વસંતને મહેકાવતી એક સુંદર બંગાળી રચનાને આપણે જાણીશું અને માણીશું. જેનું શીર્ષક છે একটুকু ছোঁয়া লাগে અર્થાત “A Tender Touch” એટલેકે “એ નાજુક સ્પર્શ…”. આ નાજુક રચનાના રચયિતા અને સ્વરકાર કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર છે. તમે તેની મૂળ બંગાળી રજુઆત અને અંગ્રેજીમાં અનુવાદ અહીં આ લિંક પર વાંચી શકશો. https://geetabitan.com/lyrics/rs-e/ektuku-chhnoa-laage-english-translation.html

કવિવરની આ રચનામાં તેમના વ્યક્તિત્વના એક જુદાજ પાસાની છાંટ જોવા મળે છે. હૈયાની ભીનાશ અને લાગણીઓની લીલાશને છતી કરતી આ રચનામાં, કવિવર એક પ્રેમી હૃદયની ઉર્મિઓને શબ્દો દ્વારા વહાવે છે. રચનાની શરૂઆતમાં કવિ આલેખે છે કે પ્રિયજનનો એક મૃદુ લાગણી ભર્યો બે ઘડીનો સ્પર્શ અને થોડા સ્નેહ નીતરતા અગંત શબ્દોજ કોઈના પણ હૃદયમાં વસંત ખીલવી જવા પર્યાપ્ત છે. આગળ વધતા કવિ લખે છે કે પ્રકૃતિમાં ખીલતા પુષ્પોની માદક સુગંધ મહી,પ્રિયજનની ક્ષણિક હાજરી માત્ર અને માત્ર પ્રિયજનના રંગે રંગાઈ જવા પ્રયાપ્ત છે. અને છેલ્લે કવિ કહે છે કે પ્રિયપાત્રના પ્રેમમાં એટલી શક્તિ રહેલી છે કે તેનો ક્ષણિક ફકીરી સહવાસ પણ ભીતરના સપના જીવંત કરી મૂકે છે પછી ભલેને પછી એ સાથ છૂટી જાય પણ હૃદયમાં ઉઠતા સ્પંદનો અનંત કાળ સુધી થરકતા જ રહે છે ….
કવિવરની આ રચના ભાવનાત્મક દ્રષ્ટિએ અને સ્વરાંકનની દ્રષ્ટિએ રવીન્દ્રસંગીતની એક ઉત્તમ રચનાઓમાંની એક છે.આ કાવ્યના શબ્દે શબ્દમાંથી ઋજુતા ફૂટે છે. પ્રિયજન પ્રત્યેના હૃદયના સૌથી અંદરના ખૂણે ગોપિત ભાવો આ રચનામાં શાબ્દિક રીતે રજુ થયા છે. આ રચનામાં રહેલા ભાવપુષ્પો માત્ર વિજાતીય પ્રેમી-પ્રેમિકાના સબંધ પૂરતા મર્યાદિત નથી. કોઈ પણ સંબંધમાં એક મૃદુ લાગણી ભર્યો બે ઘડીનો સ્પર્શ અને થોડા સ્નેહ નીતરતા અગંત શબ્દોની આપ-લે હૃદયમાં વસંત ખીલવી જવા પર્યાપ્ત બની રહે છે. કહેવાય છે કે “Nothing is so healing as human touch”. આપણા ટેરવામાં પરમાત્માએ પ્રચંડ શક્તિ મુકેલી છે. એક સ્નેહભર્યો સ્પર્શ ક્યારેક કોઈકના જીવનની ગતિ અને દિશા બદલી શકે છે. મનોવિજ્ઞાન પણ આ વાતની વૈજ્ઞાનિક સાબિતી પૂરી પાડે છે. જોકે અત્યારે તો આપણે સૌ એક કપરા કાળમાં થી પસાર થઇ રહ્યા છીએ જેમાં આ સ્પર્શરૂપી મલમ પર પ્રતિબંધ લાગેલો છે… પણ માત્ર સ્પર્શ જ શા માટે? લાગણી ભર્યા બે શબ્દો કે એક નિર્દોષ સ્મિત કે પછી પારદર્શકતા થી કરેલી પ્રસંશાના પણ કોઈકના જીવનની પાનખરને વસંતમાં બદલી શકે છે. પછી ભલેને આજુબાજુની જે મોસમ હોય! As Leo Buscaglia says, too often we underestimate the power of a touch, a smile, a kind word, a listening ear, an honest compliment, or the smallest act of caring, all of which have the potential to turn a life around. અને અત્યારની પરિસ્તિથીમાં તો આ ખુબ ખુબ જરૂરી બની રહે છે. ભલે રૂબરૂમાં તો હાલ શક્ય ના બને પણ ફોન દ્વારા સૌ સાથે જોડાયેલા રહી જ શકીએ છીએ…We have restrictions on touching other people, but there are no restrictions on keeping in touch… શું ખબર આપણો એક phone call કોઈકના મન હૃદયને વાસંતી વાયરાનો અનુભવ કરાવી જાય …
તો ચાલો આજે આ રચનાને એક મીઠ્ઠા અને ઋજુ ગીત તરીકે માણતા માણતા મારી કલમને વિરામ આપું છું.આવતા અઠવાડિયે એક બીજી વાસંતી કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
– અલ્પા શાહ