જુની આંખોને નવા ચશ્મા (૭) -કલ્પના રઘુ શાહ

આ મહિનાનો (હ્યુસ્ટન-સાહિત્ય સરિતા) નો વિષય
જુની આંખોને નવા ચશ્મા

સહિયારું સર્જન - ગદ્ય

Juni ankhe nava chashma

આધુનિક યુગમાં શરીરનાં ઘણાં પાર્ટસ બદલી શકાય છે. પરંતુ આંખ એવું અવયવ છે જે બદલી શકાતું નથી. તેના માટે ચશ્મા જ બદલવા પડે છે. જીવનમાં આંખો દ્વારા જોવાતી ઘટના આપણે બદલી શકવા સમર્થ હોતા નથી. તેના માટે દ્રષ્ટિ એટલે કે એ જોવાનો અંદાજ બદલવો પડે છે.  એ ઘટનામાં અનુકૂળ બનવા માટેનો હકારાત્મક અભિગમ એટલેજ નવા ચશ્મા અને આ ચશ્મા વ્યક્તિ માટે ઘરેણુ પુરવાર થાય છે.

અમારા જમાનામાં, એવું કહેનાર ડોસો કે ડોસી કહેવાય. નવા ચશ્મા સાથે વૃધ્ધે વડીલ બનવાનું છે. સરકતા સમયને નવા ચશ્માથી જોવાનો જે વ્યક્તિ આનંદ લઇ શકે તેજ આજીવન જુવાન રહી શકે. 3D કે 4D સીનેમા જોવા માટે તમારે તેના ખાસ ચશ્મા પહેરવા જ પડે છે. તોજ તમે દ્રશ્યની અંદર હો તેવો ભાસ થાય છે. તે રીતે કુટુંબ કે સમાજમાં દરેકની સાથે રહેવા ચશ્મા બદલવા જરૂરી છે. તોજ તમે તે ક્ષણનો આનંદ લઇ શકશો.

View original post 572 more words

જુની આંખે નવા ચશ્મા (૬) વિજય શાહ

 

Juni ankhe nava chashma

જુની આંખે નવા ચશ્મા આમ તો પરિવર્તન અને અનૂકુળતાની વાત છે. કહે છે પરિવર્તન એ સદાય ચાલતી ઉત્ક્રાંતિનું પ્રતિક છે. સૂર્યથી છુટી પડેલ પૃથ્વી અબજો વર્ષો પહેલા સુર્ય જેટલી જ ગરમ અને ધગધગતી હતી. સુર્યથી જેમ  દૂર ફેંકાતી ગઈ તેમ, તે ઠંડી પડતી ગઈ. કદાચ આ સહુથી પહેલું પૃથ્વીનું પરિવર્તન હતું.  અનુકૂલતા કાજે  જીવોની ઉત્પતિ થઇ, વરસાદપડ્યો અને ખાલી જગ્યાઓ કે જ્યાંથી ચંદ્ર છુટો પડ્યો હતો ત્યાં સાત સમુદ્ર થયા. જંગલો, પર્વતો અને એક તબક્કે ડાયનાસોર થયા. એ ચક્ર ફરતું ફરતું આજે એક્વીસમી સદીમાં આવીને ઉભુ રહ્યુ છે. અબજો વર્ષથી ચાલતા આ પરિવર્તનશીલ યુગમાં એક નાનુ કુટુંબ અનેક  સ્વપ્નાઓ લઇ અમેરિકા આવ્યું. તેની વાત મારે આજે માંડવાની છે.

દીકરો  બાર વર્ષનો અને દીકરી સોળ વર્ષની ,પતિ પત્ની બંને ૪૫ના.ઘર બદલાયું, ભાષા બદલાઇ ગાડી ફરજીયાત શીખવાની આવી. કલાકના સાત ડોલરની આવક સાથે પતિ અને પત્નીએ અમેરિકન જીવન શરુ કર્યું. જુની આંખો નવી દુનિયા બતાવવા માંડી. દીકરી અને દીકરાને અમેરિકન છૂટછાટ ભર્યુ  જીવન ગમવા માંડ્યુ. માબાપ છોકરાઓની ખુશીમાં ખુશ, એમ માની પરિવર્તન સ્વિકારી અનુકૂલ થવા માંડ્યા. વળી આ તો આમેય મોટો મેલ્ટીંગ પોટ. ગમે કે ના ગમે ડોલર અને રૂપિયા વચ્ચે અંતર તેથી ભારતની સરખામણી ભુલાવા માંડી.

ઘર આંગણે  એક નહીં ત્રણ ગાડીઓ પાર્ક થતી. એક પગાર છોકરાઓને ભણાવવામાં, કારના હપ્તા અને વિમામા જતો. બીજો પગાર ઘર વખરીમાં ત્યાં બચત કેવી અને વાત કેવી ?

૪૬ વર્ષે  ઘરના વડીલનું ભણવાનું શરુ થયું, તે પહેલું અને મોટું પરિવર્તન. કોલેજ પુરી થઇ અને પંખીઓને પાંખો આવી ગઈ.

લગ્ન ગુજરાતી અને ઉચ્ચ કૂળનાં પાત્ર લાવે તેવી અપેક્ષાઓ છોડી ભારતિય લાવશે તો ચાલશે !સમલીંગી લગ્ન ના કરીશ  વાળી સર્વ વાતોને કડવી દવાનાં ઘૂંટની જેમ પીવાઇ ગયું અમેરિકામાં તો આવું જ હોય એમ સ્વિકારતા એક દાયકો પુરો થયો. વચ્ચે વચ્ચે લે ઓફ આવે, હરીકેન આવે, કારોનાં અકસ્માતો થાય. શેરબજારમાં તેજી આવે મંદી આવે !  બેંકમાં ડોલર ઠલવાતા જાય, નીકળતા જાય. જુની આંખે નવા તમાશા જોતા જોતા આજે ૪૬ની જગ્યા ૬૪ લીધી ! આમ  એક દિવસ ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં રાખ થઇને વિખરાઇ જશે.

આ કથા એક ‘વાત’ કહે છે. જુની આંખે નવા પ્રસંગો જોયા કરો ! તેના કાચ ઉપર જુના વળગણો ના રાખો. જેણે  વણગણો રાખ્યા છે તે સૌ દુઃખી છે. કાંતો હીબકા ભરે છે! દેશ પાછા જવાનો ઝુરાપો વેઠે છે ! જેણે જુની આંખને નવા દ્રશ્યો સાથે સંધિ કરી લીધી છે તે અહિં સીનીયર હોમમાં પણ આઇ પેડ ઉપર દીકરાનાં દીકરા જોઇને હસતો  ચહેરો રાખે છે !

પૃથ્વી આખી જો બદલાઇ શકતી હોય તો આપણે તો બુધ્ધિજીવી છીએ.  આપણે દેશ તેવો વેશ કેમ ના કરી શકીએ? ફક્ત એકલી મા  હીબકા ભરે છે. તેને  અંહી  કશું ગમતું  નથી. દિકરો ૧૦૦૦ માઇલ દુર દક્ષીણે અને દીકરી ૫૦૦ માઇલ દુર પશ્ચિમે છે. થેંક્સગીવીંગનાં દિવસે ભેગા થાય બાકી તો વીડીયો ચેટ અને ટેલીફોન !  ઠાલા હાસ્યો અને પરપોટાનાં જીવન જેટલું પ્રફુલ્લીત આંતર મન.

એક દિવસ રડતા રડતા પત્ની કહે છે.” આપણે અહીં આવીને શું મેળવ્યુ?

પતિ કહે સીનીયર હાઉસના પેલા કમલેશભાઇ કરતા તો આપણે સુખી છીએ? એમનો દીકરો તો ખબરેય નથી કાઢતો અને મોં પણ નથી બતાડતો. આપણ ને થેંક્સ ગીવીંગનાં દિવસે તો પોતરા મળે છે ને?”

પત્ની છતાય અશાંત છે. ત્યારે પતિ કહે છે, તું ૨૦૧૪માં છે અને ૧૯૮૦માં  જે સ્વપ્ના જોયા હતા તે ના પુરા થયા તેને માટે કેમ રડે છે? કહેતી હોય તો “દેશ”મા હાલી નીકળીએ.

પત્ની કહે ‘ હવે દેશમાં ય કોણ છે આપણું? છીએ ત્યાં જ ઠીક છીએ. પત્ની એ અનુકૂલન બતાવ્યું પરિવર્તન સ્વિકાર્યુ !

-વિજય શાહ-

 

જુની આંખે નવા ચશ્મા (૫) પ્રજ્ઞા દાદભાવાળા

લ્યો ​હું ચશ્માં લઇ આ​વ્યો,
કારણ આંખો હવે ઘરડી થઇ છે.
પણ ચશ્માં મને કેમ ખુંચે છે? ​
ચશ્માં માનવીની પરધીનતા છે.
અને પરિવર્તન ચશ્માં છે.
છતા નવા ચશ્માં જ હવે જીવન છે.
પણ માનવી અને માનવીનું માનસ તો જુના છે.
ક્યારેક નવા ચશ્માંથી ડર લાગે છે
​પોતાના વ્યક્તિત્વ ખોવાનો ડર છે
​​ન જોવાનું પણ દુઃખ છે.
અને ​નવું ​જોવાનું પણ દુઃખ છે.
જૂની આંખે નવી પેઢીનું દરેક વર્તન
હવે નવા ચશ્માં જોશે,
પણ ઉછાંછળું જ બધું અયોગ્ય દેખાય છે.
કારણ આંખો જૂની છે.
​માણસની આંખ રમણીય છે
તેટલું માનસ નથી ?
માણસ આંખ ની જેમ જલ્દી
ફોકસ બદલી શકતો નથી.
પરિવર્તન પ્રકૃતિના જીવંતતાની ઓળખ છે.
પણ પરિવર્તનને સ્વીકારવાની
અને પચાવવાની અશક્તિ છે.
ત્યારે ચશ્માં છે, પણ બધું ખુચે છે.
જૂની આંખો ને નવી પેઢી ક્યારે પણ ડાહી લાગી નથી.
એ ઘરડું વિધાન કહે છે.
‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.’
“આજકાલ બધું જ બદલાઈ ગયું છે.
એવું સતત લાગે છે.
વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.
નવી પેઢી એ ઝડપ ઘટાડવી જ પડશે
અને જૂની પઢી ઝડપ સાથે તાલ મિલાવશે
બંનેને પોતપોતાના નોખા નોખા ઠાઠ છે !
ઝડપ સાથે તાલ ન મિલાવતા
ઘણા ઘરડાના બળાપા સાંભળ્યા છે.
ઘણા ઘરડા છાશને કચ્છી બીયર કહે છે.
પણ બીયર જ હવે નવી પેઢીની છાશ છે.
આ જૂની આંખે ચશ્માં માં દેખાય છે.
માં બાળકને ચોકલેટ ખવડાવે
કારણ ગોળપાપડી cholesterol છે.
રોટલા નું સ્થાન પીઝા લઇ લીધું છે.
નવા ચશ્માં પણ દ્રષ્ટિ તો જૂની છે.
ન દેખતી આંખનો ઉપાય ચશ્માં છે.
પણ જૂની દ્રષ્ટિને ફેરવવાનો કોઈ
ઉપાય છે ખરો ?
દ્રષ્ટિનો બીજો અર્થ માનસિકતા છે.
મનને વિરોધ ​નો ​રોગ ​છે.
પછી ધીમે ધીમે તેનો સ્વીકાર થઈ જાય છે.
ફેરફાર પ્રકૃતિનો નિયમ છે.
અને દાતણથી શરૂ થતો દિવસ
હવે ટૂથ-બ્રશ અને ટૂથ-પેસ્ટથી શરૂ થાય છે.
​દાદી સગડી ને ભૂલી ગેસ પર રસોઈ કરે છે.
અહી હવે સ્વીકાર સહજ છે.
​અસ્વીકારમાં ​ મતભેદ અને તણાવ ​છે ​
ઓછા કરવાનો એક જ રસ્તો છે
પરિવર્તનનો સ્વીકાર ​જ જવાબ છે.
નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે.
આવી મજા ન માણી શકે તે
અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.
ઘડપણ મનની અવસ્થા છે.
ઘરેડમાં ચાલતો માણસ
ઘરડો થાય છે.
વૃદ્ધ સદાય વિકસે છે.
જુનાએ ટકવા માટે સતત નવા રહેવું પડે છે.
અને જે વિકસે છે તે જ વૃદ્ધ છે.
અને વૃદ્ધ વિકસવા માટે જ
નવા ચશ્માં લાવે છે.
​ચશ્માં જ પરિવર્તન છે
​નવા ચશ્માં મારો
​સકારાત્મક અભિગમ છે.
હવે કશું ખુંચતું નથી
એને હવે નવું જ જોઈ શકે છે.
​કારણ
અપનાવ્યું છે.
હવે દ્રષ્ટિ અને ચશ્માં
બન્ને નું ગૌરવ સચવાય
કારણ મેં
નવા ચશ્માં ને અપનાવ્યા છે.

​પ્રજ્ઞાજી -​પ્રજ્ઞા દાદભાવાળા

https://shabdonusarjan.wordpress.com/

જુની આંખે નવા ચશ્મા (૩) -હેમાબહેન પટેલ

આધુનિક દુનિયામાં ઘર પરિવારમાં જે કંઈ પણ બની રહ્યું છે, તે આધુનિક યુગના તમાશા આપણી ઈચ્છા હોય કે ન હોય તેને મજબુરીથી પણ જોવા પડે છે. તો પછી તેને જોઈને શું આપણે આપણી દ્રષ્ટિ ન બદલી શકીએ ? જુની આંખે નવા તમાશા જોઈને આપણી દ્રષ્ટિ બદલીને સમજવાની જરૂર છે.માટે જ જુની આંખે નવાં ચશ્માં .દ્રષ્ટિ બદલવાની વાત છે. આપણો દ્રષ્ટિભાવ ન બદલાય તો દુખી થવાય.

છેલ્લા વીસ, પચીસ વર્ષમાં લોકોની હરવા-ફરવાની-રહેવાની –ખાવા-પીવાની ઢબ બલાઈ ગઈ છે. ટુંકમાં કહીએ તો દરેકની રહેણી કરણી સાવ બલાઈ ગઈ છે.દુનિયા આખી આધુનિક થઈ ગઈ છે. કમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરેને લીધે દુનિયા એકદમ નાની થઈ ગઈ છે. લોકો એક બીજાની નજીક આવી ગયા છે. અત્યારની મોર્ડન ટેકનોલોજી જોઈએ તો આપણી અક્ક્લ કામ ન કરે, માનવામાં ન આવે એવી સુવિધામાં જીવીએ છીએ.

હવે કોઈ વ્યક્તિ ૨૦ થી ૪૦ ના દાયકામાં જન્મી હોય તેને આ મોર્ડન ટેકનોલોજીના યુગમાં જીવવાનુ થાય તે પણ કોઈ એકદમ નાના ગામમાં ઉછરેલા હોય ત્યાં જ જીંદગી વીતાવી હોય અને જો તે કોઈ મોટા શહેર અથવા તો પરદેશમાં જવાનુ થાય ત્યારે તેની શું હાલત થાય એ આપણે વિચારી શકીએ. ગામની અંદર સાદી સીધી જીંદગી વીતાવી હોય.,પૈસાની રેલમ છેલ ન માણી હોય,વૈભવ સુખ માણ્યા ન હોય,તેને ગાડીઓમાં અને પ્લેનમાં બેસીને ફરવાનુ થાય, મોટા વિશાળ હાઉસમાં રહેવાનુ થાય, રોટલા-ખીચડી ખાધા હોય તેને પીત્ઝા ખાવાના થાય ત્યારે તેનો પ્રતિભાવ કેવો હોય શકે તે આપણને ખ્યાલ આવે છે.તેને સંપત્તિ અને વૈભવવાળી જીંદગી જો જોવાની થાય તો તેવી વ્યક્તિ તેને જોઈ ન શકે અને સહન પણ ન કરી શકે. ન સહેવાય ન રહેવાય એવી હાલત થાય.

જુની આંખે જ્યારે નવા તમાશા જોવાના થાય ત્યારે આપણે આપણી દ્રષ્ટિકોણ બદલવો પડે, નહીતો જુની દ્રષ્ટિથી દુનિયા જોવા જઈએ તો મન તે તમાશા જોવા માટે તૈયાર ન હોય અને તેના માટે બળાપો કર્યા કરે.જ્યારે નવા તમાશા જોઈને તેને માટે આશ્ચર્ય થાય, અચંબો થાય ત્યાં સુધી સારું છે. નહી તો પારકી પંચાત કરીને દુખી થવા જેવું છે. સમયની સાથે પરિવર્તન અને દરેક વસ્તુમાં બદલાવ એતો દુનિયાનો નિયમ છે, જો સમયની સાથે ન ચાલીએ તો સમય આપણને એક બાજુ ફેંકીને ચાલ્યો જાય.સમયની સાથે કદમ મીલાવીને ચાલવું એમાં જ ડહાપણ સમાયેલું છે. નહીતો નવા તમાશા જોઈને દુખી થવું પડે. જે વ્યક્તિને કોઈ પણ સમય અને પરિસ્થિતીમાં બીજાની સાથે પોતાને અનુકુળ થતાં આવડે તે ક્યારેય દુખી ન થાય.દાદાભગવાન કહે છે “એડજેસ્ટ એવરી વ્હેર” જમાના પ્રમાણે એડજેસ્ટ થાવ.દુનિયામાં નાના-મોટા બધાની સાથે એડજેસ્ટ થઈને રહેવાની સલાહ આપે છે. .બધાની સાથે અનુકુળ થઈને રહેવા માટે બહુજ આગ્રહ કરેલો છે. જો જીવનમાં શાંતિ જોઈતે હોય તો દરેકને અનુકુળ થવું પડે છે. તે સુખી થવાની ચાવી છે.

શાન્તીલાલ અને કમુબેન ગુજરાતના એક નાના ગામમાં રહે છે,સાદા સીધા માણસો, ઉંમર ૮૦ની આસપાસ, એક બે વખત અમદાવાદ અને વડોદરા જવાનુ થયું છે અને બહુ તો જાત્રા કરવા માટે ગયાં છે. તેઓ બહુ હર્યા હર્યા ફર્યા નથી.શાન્તીલાલ સ્વભાવે શાંત પરંતું કમુબેન બોલવામાં ચબરાક, હોય એવું બોલવા જોઈએ. બધાને મૉઢા પર હોય એવું કહેવાની ટેવ.

તેમની પૌત્રી નિકીતાએ તેઓને અમેરિકા ફરવા માટે બોલાવ્યા, કમુબેનને તો મુંબઈ પ્લેનમાં બેઠાં ત્યાંથી બોલ બોલ કરવાનુ ચાલુ કરી દીધું, શાન્તીલાલે સમજાવ્યું, તૂં તારુ મૉઢુ બંધ રાખજે, તારો ખોટો લવારો મને નથી ગમતો.તારી અક્ક્લનુ પ્રદર્શન બધે ના કરતી ફરીશ. કમુબેન તરત જ બોલ્યા હા ભઈ, મારું મૉઢુ બંધ રાખીશ બસ.આખે રસ્તે શાંન્તીલાલની બીકે ચુપ રહ્યાં અમેરિકા આવી ગયાં.નિકીતાને ઘરે રહ્યાં અમેરિકાની રહેણી કરણી સાવ જુદી છે.કમુબેનને તેમની આદત મુજબ બોલ્યા વીના ન રહે શકે. નિકીતીએ ચા બનાવાની તૈયારી કરી, કમુબેન કિચનમાં જ બેઠાં હતાં. નિકીતા ચાની અંદર દુધ નાખતી હતી, કમુબેન તરત જ બોલ્યાં હાય ! હાય ! દિકરી તૂં આ શું કરે છે ? ગેલન આમ નમાવાતું હશે ? તૂં તો જમાઈનુ દેવાળુ કાઢી નાખશે. નિકીતા તરત જ બોલી બા તમે શાંતિ રાખો હું બહુ દુધ નથી નાખતી ,માપનુ જ રેડું છું.શાંતિલાલે સાંભળ્યુ એટલે આવીને તેમને રૂમમાં લઈ ગયા, બોલ્યા શાંતિથી બેસ, બધામાં તારું ડહાપણ ના વાપરીશ. મારી ઘેલી બાયડી જુની આંખે નવા ચશ્મા પહેર નહી તો દુખી થશે અને બીજાને પણ દુખી કરશે.

નિકીતા એક દિવસ નાના-નાનીને બહાર મૉલમાં ફરવા લઈ ગઈ ફરતાં ફરતાં નાનીની નજર એક યુવાન ક્પલ પર પડી યુવતી અને યુવાન એક બીજાને પપ્પી કરતાં હતાં, નાનીના સ્વભાવ પ્રમાણે તરત જ બોલી ઉઠ્યા “ હાય હાય ઘોર કળીયુગ આવ્યો છે, ભરેલા બજારમાં લોકોની વચ્ચે આ લોકોને આવું કામ કરતા જરાય શરમ નથી આવતી ? લાજ શરમ નેવે મુક્યા છે ? શરમ વીનાની એક તો ટુંકાં કપડાં પહેર્યાં છે અને પાછી આવા કારસ્તાન ? “

શાંતિલાલ તરત જ બોલ્યા તારાથી ચુપ નથી રહેવાતું ? એણે ટુંકા કપડાં પહેર્યા છે તેમાં તને શું પેટમા દુખે છે ? મારી ઘેલી બાયડી આતો જુની આંખે નવા તમાશા છે ચુપ ચાપ જોયા કર. બહુ લવારો ના કરીશ. થોડા આગળ ચાલ્યા એટલે છુટ્ટા વાળ વાળી બધી યુવતીઓને જોતાં પાછા ફરીથી બોલ્યાં આ જેંથરીઓ જોવોને વાળ ઓરવાનો સમય પણ તેમની પાસે નથી ? નાનીનુ મોઢું બિલકુલ બંધ નથી રહેતું. શાંતિલાલ સમજાવે તો પણ તેમને બધું જોતાં જ તેમનુ લોહી ઉકળી જાય છે અને દુખી થાય છે. હવે આપણે જોવા જઈએ તો કમુબેને પોતાની જાતેજ બળાપા અને દુખ ઉભા કરેલા છે.

મોટા ભાગના પરિવારોમાં જોયું છે યુવા પેઢી નવા જમાનાની લાઈફ સ્ટાઈલથી જીવવા માટે ટેવાઈલા હોય એટલે ઘરની અંદર વડીલો આ બધાથી ટેવાયેલા ન હોય તો કજીયા કંકાસ ઉભા થાય.ઘણી વખત તો જે ખોટા રિતી- રિવાજ પડેલા છે તેને જો યુવા પેઢી ન અપનાવે તો પણ ઘરની અંદર કકરાટ ઉભા થાય છે. કમુબેન જેવી કેટલી સ્ત્રીયો હશે , જે નવા તમાશા જોઈને સમજવા માટે તૈયાર નથી. નવું જાતે તો નથી અપનાવવું અને બીજા જે અપનાવે તેને પણ રોકે. અમે જેવું જીવતા હતા તેવું જ તમે જીવો હવે આ તો સંભવ નથી. લોકો જમાના પ્રમાણે જ ચાલશે.સિનેમા જોવી , પાર્ટીઓ કરવી,રેસ્ટોરંટમાં અવાર નવાર જમવા જવું ઘરે બહારથી ખવાનુ મંગાવવું,મોજ શોખ માટે વિચાર કર્યા વીના પૈસા વાપરવા,હીલ સ્ટેશનો પર ફરવા જ્વું, આ બધું યુવા પેઢી માટે સામાન્ય બની ગયું છે.આવી તો ઘણી બધી બાબતો છે જે વડીલોને પસંદ નથી તેમને માટે તો જુની આંખે નવા તમાશા બરાબર છે. જો તેમની દ્રષ્ટિ બદલીને અનુકુળ થાય તો ઘરમાં શાન્તિ રહે નહી તો પછી લોહી ઉકાળા ! ઘણી વખત જોયું છે યુવા પેઢી સાંભળવા માટે તૈયાર ન હોય તો પણ ઘરડા માણસો વધારે ટક ટક કરતા હોય. ડોસા-ડોસીની વધારે પડતી ટક ટક હોય અને જો માથુ ફરેલી વહુ આવે તો તેઓને સીધા કરે.આપણે જે રીતે જીવન જીવ્યા તે રીતે આવનાર પેઢી આપણી જેમ નથી જ રહેવાની.પોતાના વિચારો બીજા પર લાદ્યા વીના તેમની સાથે સમજદારીથી અનુકુળ થઈને રહીએ તો ઘરની અંદર સુખ શાંતિ રહે. નહીતો પછી ઘરડા માણસોને ઘરમાં રાખવા માટે કોઈ તૈયાર ન થાય.તેઓ તરફથી માન સન્માન જોયતા હોય તો આંખો અને કાન ખુલ્લા રાખવના અને મૉ બંધ રાખીને બેસીએ તો સૌને વ્હાલા લાગીએ નહીતો તેમના માટે ન્યુસન્સ બની જઈએ.માટેજ ઘરડાંએ જવાનીયાં જે કરે તેમાં આંખ આડા કાન કરે તો પછી ઘરની અંદર શાંતિ બની રહે. યુવા પેઢીને જ્યાં ખોટુ થઈ રહ્યું હોય ત્યાં ટકોર કરવાની જરૂર છે, નહીકે બધી વસ્તુમાં માથુ મારીને વધારે પડતી કચકચ કરવી.

જૂની આંખે નવા ચશ્મા (2) પ્રવિણા અવિનાશ

Juni ankhe nava chashma

જ્યારે ચશ્મા આવે ત્યારે આંખ જૂની થઈ ગઈ હોય. એમાં બે મત નથી. આંખ જૂની થઈ હોય તેના કરતા તેને ઘસારો પહોંચ્યો હોય તે કહેવું વ્યાજબી છે. જન્મ ધર્યો ત્યારથી આજ સુધી જે માનવ શરીર ૨૪ કલાક દિવસ અને રાત, સાતેય દિવસ, પળભર થંભ્યા વગર ચાલે તો સ્વાભાવિક છે તેને ઘસારો પહોંચે ! નવા ‘પાર્ટસ’ નાખવા પડે યા જૂનાને સાજા નરવા બનાવવાની જહેમત ઉઠાવવી પડે. અરે, કોઈક વાર તો જૂના ‘પાર્ટસ રીપ્લેસ’ પણ કરવા પડે.

હવે આંખ જૂની અને ચશ્મા નવા એટલે જોવાનું શું ? સાધારણ રીતે ચશ્મામાંથી જે દેખાય તે ! ઘણી વખત તેમ નથી બનતું ! જૂની આંખે નરવી હતી ત્યારે જે દેખાતું હતું તે નવા ચશ્માથી અલગ જણાય ! એમાં નથી આંખનો દોષ યા નથી નવા ચશ્માનો ગુનો. જો અપરાધી હોય તો તે માનવનું અવડચંડુ મન. બાકી જે આંખથી દેખાતું હતું તે વધારે સ્પષ્ટ પણે ચોખ્ખું દેખાય છે!

જ્યારે ૪૨ વર્ષની ઉમરે મને પહેલીવાર ચશ્મા આવ્યા ત્યારે  મારા પતિદેવ કહે ,’તું ઈંદિરા ગાંધી જેવી દેખાય છે.’ હવે હું એ જ હતી, માત્ર ચશ્મા નવા આવ્યા હતા ! મને પોતાને મારો ચહેરો અલગ જણાયો !

આજે ૨૧મી સદીમાં મોટેભાગે લોકો એમ માને છે અમારી આંખો જૂની થઈ, ચશ્માના નંબર વારે વારે બદલાય છે. તેથી આજના રંગ ઢંગ અલગ જણાય છે. તેનું મુખ્ય કારણ ,આપણે જમાના સાથે કદમ મિલાવવાને બદલે આપણો કક્કો ખરો કરવામાં રચ્યા પચ્યા રહીએ છીએ.

જેને સદીઓ પુરાણી ભાષામાં કહીએ તો ‘જૂની આંખે નવા તમાશા ? ‘ એ વિચારસરણીને તિલાંજલી આપવી તે ડહાપણ ભર્યું કામ છે. સુખી થવાનો રામબાણ ઈલાજ ,” અમારા જમાનામાં આમ, અમે આમ કરતા હતા, અમને આમ ગમે છે” એવા વાક્યો પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.

આજનો નવોદિત લેખક અને કનૈયાલાલ મુન્શી, વી.સા. ખાંડેકર કે શરદબાબુની શૈલીમાં તફાવત જણાવાનો. નવુ અપનાવો ખુલ્લા દિલે. સહુ સહુની જગ્યાએ શુશોભિત છે. જ્યોતિન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠીની વાતો આજે પણ દિલચશ્પ લાગે છે, નવા હાસ્ય લેખકોની રમૂ્જી શૈ્લી ખૂબ મનભાવન છે.

પાટીપેન લઈને પલાખા લખતા કાલના આપણે આજે બે વર્ષના બાળકને કી પેડ પર રમતા જોઈ પોરસાઈએ છીએ. મનમાં એમ પણ વિચાર આવે કે ‘ભગવાને આપેેલું બિલ્ટ ઈન કમપ્યુટર’ વાપરે તો સારુ! પણ એ જ દિમાગ તેઓ બીજા યોગ્ય રસ્તે  વાપરશે.પછી પાટી પેન લઈને અમે એકડો ઘુંટતા હતા એ વ્યર્થ વાતોનો શો ફાયદો?

ઘુંઘટામા જોયેલા દાદીમા કે મમ્મી યાદ કરીએ ત્યારે કેવું વિચિત્ર લાગે છે! જે ચશ્મા એ નિહાળતા હતા તેની જગ્યાએ આજે દીકરીઓ અને વહુઓ પંજાબી, ડ્રેસ, સ્કર્ટ અને મીનીમા દેખાય તો આપણને જરાય વરવુ નથી લાગતુ. સાવ સહજ અને યોગ્ય ભાસે છે.

આપણે અપનાવ્યું છે કે લાજ શરમ આંખોમા અને વર્તનમા વસે છે નહી કે જમાના અનુસાર પહેરવાના કપડામા ! જુની આંખવાળા આજે ૮૦ યા ૯૦ વર્ષના વડીલોને ઘણો ફરક જણાતો હશે. જેઓએ નવિનતાને ઉદાર દિલે અપનાવી છે તેઓ આજના સમયને માણે છે. જેઓ વખતની સાથે વલણ ઢીલુ નથી મુકતા તેમની પરિસ્થિતિ ખૂબ દયનિય આપણે સમાજમાં ચારે તરફ નિહાળી રહ્યા છીએ.

હા, જૂનું તે સોનું, જુઓ આજે સોનાના ભાવ આસમાને છે. તેમાં નવા હીરા જડવા હોય તો કેટલું કામમા આવે છે! હર કદમ વિચારીને ઉઠાવો. જૂની ઘરેડમાંથી બહાર ઝાંકો, સુરજ એનો એ છે. વર્ષાની રિમઝિમ તન બદનને તરબોળ કરે છે. હરિયાળી જોઈને જુનું યા નવું મન હિલોળા લે છે !

૨ રૂપિયે લિટર મળતું આરે કૉલોનીનું દૂધ આજે ૩૫ રૂપિયે લિટર મળે છે. શું આપણે ચહા પીવાની છોડી દીધી ? હા, દિલગીરી સાથે કહેવું પડશે કપ નાના થઈ ગયા.

નજર બદલાશે નજરિયા આપોઆપ સુહાની ભાસશે!

બધા મનના ખેલ છે, બાકી કુદરતમાં કોઈ ફરક નથી !

સત્ય આવરણમાં હોય કે પ્રત્યક્ષ સત્ય રહેવાનું !

જૂની આંખે નવા તમાશા – 1-ડો.લલિત પરીખ

‘જૂની આંખે નવા તમાશા’ લોકોક્તિ જૂની હોવા છતાય આજના  કોમ્પ્યુટર યુગમાં ય  એટલી જ સાંપ્રત તેમ જ સમીચીન છે, તેમાં તો લવલેશ સંદેહ નથી.અલબત્ત મોતિયાના ઓપરેશન પછી નવો લેન્સ બેસાડી દીધા બાદ તો હકીકતમાં નવી આંખે જ નવા તમાશા જોતા રહેવાના હોય છે એટલો સુધારો કરવો હોય તો કરી શકાય.બાકી આ કહેવત આપણા  દાદા દાદી પણ તેમના જમાનામાં કહ્યા કરતા હશે,આપણા માબાપ પણ કહેતા રહેતા અને આપણે પણ મનોમન કહ્યા કરતા હોઈએ છીએ.પરંપરા વિરુદ્ધની નવી રહેણી કરણી,રીતરિવાજ, ફેશન,જીવનશૈલી વી.જોઈ આપણે બોલી ઊઠીએ છીએ કે “જુઓ જૂની આંખે નવા તમાશા”.

એક સુપ્રસિદ્ધ જૈન પ્રવચનકાર શ્રી હુકમચંદ ભારિલને મેં એક વાર  સાંભળેલા જેમણે  બહુ સરસ પણ રમૂજી રીતે આ બાબતમાં કૈંક આવું કહેલું,જેનો લક્ષ્યાર્થ ”જૂની આંખે નવા તમાશા’ જ અભિપ્રેત હતો.તેમણે કહેલું કે એક જમાનામાં લોકો મોટી પાઘડી બાંધતા,પછી નાની પાઘડી બાંધવા લાગ્યા,તેમાંથી તૈયાર પાઘડી માથે મૂકતા થયા,આગળ જતા પાઘડી છોડી, કાળી અને કાશ્મીરી ટોપી પહેરતા થયા,આવી ટોપીઓ પણ ત્યાગી ગાંધી ટોપી પહેરતા થયા અને હવે  ઉઘાડે માથે બાબરી પાડીને ફરતા થઇ ગયા.સ્ત્રીઓ પણ લાંબા ઘૂમટામાંથી નાના ઘૂમટા કાઢતી થઇ જવા લાગી,પછી માથે માત્ર કપાળ ઓઢતી થવા લાગી,તેના પછી કેવળ માત્ર માથું જ ઢાંકવા લાગી અને છેલ્લે ઉઘાડે માથે ફક્ત ખભો જ ઢાંકતી થઇ ગઈ.પાની  ઢાંકીને ચાલતી સ્ત્રીઓ શોર્ટ્સ પણ પહેરતી  થવા લાગી.ચશ્મામાંથી લેન્સ પહેરતા  થઇ ગયા લોકો અને હવે તો ઇનબિલ્ટ લેન્સ પહેરતાપણ  થઇ ગયા.શરીર ઢાંકવા કરતા  વધુ ઊઘાડું રાખવું એ ફેશન તો મલિકા શેરાવત જેવી અભિનેત્રીએ પૂરી પરાકાષ્ટાએ પહોંચાડી દીધી.

બાળકો વડીલોને  સ્ટુપિડ કહેતા થઇ ગયા અને ક્યાંક ક્યાંક તો વડીલો બાળકોને આતંકવાદી કહેતા થઇ ગયા. વિદ્યાર્થીઓ શિક્ષકથી ડરતા તેના બદલે હવે શિક્ષકો વિદ્યાર્થીઓથી ડરતા થઇ ગયા, તેનાથી વધુ તો જૂની આંખે જોવાતો મોટો તમાશો બીજો શો હોઈ શકે? યુનિયનો બનતા હવે બેન્કના સ્ટાફથી મેનેજરો ડરતા દેખાય અને ઘરેથી પ્રાર્થના કરીને નીકળે કે “આજે સ્ટાફ હેરાન ન કરે’ તેનાથી વધુ  તમાશા કયા અને કેવા હોઈ શકે? કોલેજના પ્રિન્સિપાલો,યુનિવર્સીટીના  રજીસ્ટ્રારો  અને વાઈસ ચાન્સલરો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓથી વાતે વાતે ગભરાય એ તમાશો તો જૂની આંખ જોઇને આશ્ચર્ય અને આઘાતનો જ અનુભવ થઇ શકે. પરદેશમાં વડીલો કરતા  કૂતરા-બિલાડાઓનું માન – સન્માન વધારે થતું જોવાય, એ પણ જૂની આંખે નવા તમાશા જેવું જ કે બીજું કાંઈ ? વડીલોને પાછળથી ‘ગાર્બેજ’ કે ‘ડસ્ટબિન’નું ટાઈટલ અપાય એ તો જૂની આંખે જ નહિ, જુના કાને પણ નવા તમાશા જેવું જ દુખદ અને આઘાતજનક  કહેવાય.નાનપણમાં જેમની હાકથી,હાજરીથી,ધાકથી જે ડરતા અને ગભરાતા તે બાળકો હવે વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકેલા માતાપિતાને ટડકાવતા રહે એ તો જૂની આંખે જોવાતો, ન ભૂતો ન ભવિષ્યતે  જેવો તમાશો તો અત્યારે ઘરે ઘરે જોવાતોભજવાતો જોવા મળે છે.

પરંતુ દરેક સૈકામાં જૂની આંખે નવા તમાશા જોવાની,તેના વિષે ફરિયાદ કરવાની પરંપરા તો ચાલતી જ આવી છે.ફક્ત મારા પરિવારની જ વાત કરું તો મારા લગ્ન સમયે મારી વાગ્દત્તા લાજ નહિ કાઢે તે માટે મારે મારા મોટા સસરાને પત્ર લખવો પડેલો અને એ લાજ કાઢ્યા વગરના અમારા લગ્ન  મારા માતા પિતા તેમ  જ મારા શ્વસુર પક્ષના લોકો માટે જૂની આંખે નવા તમાશા જેવું જ ગણાયેલું.મારી પત્ની માથે ઓઢતી અને મારા બાળકો પણ નાના હતા ત્યારે મારા પિતા ઘરમાં આવતા દેખાય કે તરત મારી પત્નીના માથે સાડલાનો છેડો ઓઢાડી દેતા તે મને હજી યાદ છે.આગળ જતા એ માથે ઓઢવાનું પણ નીકળી  ગયું,જયારે મારા પિતાના દૂરના ભત્રીજાની પ્રૌઢ પત્ની છેક સુધી લાજ કાઢતી રહી,અને લાજમાંથી જ તેમની સાથે વાતચીત કરતી રહેતી, તે પણ યાદ છે.એ કદાચ સંધિકાળ હશે; પણ તે સમયના વડીલો માટે એવું બધું જૂની આંખે નવા તમાશા જેવું જ હશેને?

પછી તો મારા ચારમાંથી ત્રણ પુત્રોએ પ્રેમલગ્ન કર્યા ત્યારે હું અને મારી પત્ની તો સહમત થયા જ ;પણ સાથે સાથે મારા માતા પિતા પણ ખુશી ખુશી સહમત થયા, એ ગામલોકો માટે જૂની આંખે નવો તમાશો બની ગયેલ.અમારા વૈષ્ણવ ગુજરાતી પરિવારમાં એક ગુજરાતી જૈન પુત્રવધૂ,બે મહારાષ્ટ્રીયન પુત્રવધૂઓ  અને એક ઉત્તર પ્રદેશની વાર્શ્નેનેય પુત્રવધૂ સ્વીકારાઈ તે મારા મિત્રો માટે ય જૂની આંખે નવા તમાશા જેવું બનેલું.

હવે મારા પૌત્રો અને પૌત્રીઓ તો પોતાની પસંદગીના પાત્રો સાથે પરણી રહ્યા છે અને માનવજાતિ એક જ છે તે સિદ્ધાંતના આધારે કોઈ પણ દેશના ,રંગના પાત્રને પરણે તો તે અમારા માટે તો સર્વસંમત વાસ્તવિકતા છે; પણ ભારતના અમારા સગા વહાલાઓ  માટે તો જૂની આંખે નવા તમાશા જેવું જ કહેવાય કે બીજું કાંઈ ? દેશ કાળ સાથે વર્તન પરિવર્તન સ્વીકારતા જવું એ જ સાચી પ્રગતિ છે,સાચો વિકાસ છે એવું સમજનાર માટે જૂની આંખે નવા તમાશા જેવું બહુ રહ્યું નથી. વડીલો પણ સમજ વધતા બધું સ્વીકારતા જાય , એ આનંદની વાત છે.મારા પિતરાઈ ભત્રીજાએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા,  તે પણ બેઉ પક્ષોએ સ્વીકારી ધામધૂમથી લગ્ન કરેલા અને મેં તેમાં હાજરી આપેલી તે મને યાદ છે.

મારા એકસો છ વર્ષના કાકી તો પ્રસન્ન પ્રસન્ન ભાવે  ‘રામ રાખે તેમ રહીએ’ ભજન ગાયા કરે છે વર્તન- પરિવર્તન જ જીવનનું  પરમ સત્ય છે એ સમજાય  તો ‘જૂની આંખે નવા તમાશા’ની ફરિયાદ ઓછી થઇ જાય.