વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ઉઠાવી પેન ત્યાં યાદોનાં ઢગલાં થયાં

સ્મરું છું આજ એ  સૌને !મીઠાં ને મધુરાં હતાં!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો , ઘંટ નાદ ત્યાં થયો’તો !

ખંડેર ખળભળ્યાં ને હવેલી થઇ ઝૂમ્યાં સૌ 

આંગણનો  ઠૂંઠો ક્યારો  વાચાળ થઇ ખીલ્યો’તો!

પરસાળના  હિંડોળે પુરાણા ગીત છેડ્યાં

ઘડિયાળના યે કાંટા  ત્યાં સ્થિર  થઇ ગયા ‘તા !

જિદ્દે ચઢેલ પગ પણલગીર ના ખશય્યા ને 

સ્મિત જ્યાં કર્યું મેં , આંસુ ખરી પડ્યાં’ તા!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો ,ત્યાં ઝણઝણાટ થયો’ તો!

ગીતા ભટ્ટ

ઘર એટલે ઘર…(24) હેતલ બ્રહ્મભટ્ટ

વ્હાલા પ્રજ્ઞા બેન,
બેઠક ના વિવિધ વિષયો પર લખાયેલું ઘણું વાંચ્યું છે પણ આવો લાગણીશીલ વિષય જોઇને થોડુક લખવાનું મન થઇ ગયું.

ઘર.
કાનો, માત્રા, અનુસ્વાર વગરનો એક સાવ નાનકડો શબ્દ. એના નાનકડા સ્વરૂપમાં એ કેટલી મોટી દુનિયા સમાવે છે!
તેર વર્ષના વિદેશવાસ પછી, ઘરની મારી વ્યાખ્યા ઘણી બદલાઈ છે.

સાવ નાનપણમાં મમ્મી, પપ્પા અને બહેનીના સહવાસમાં જ ઘર લાગતું. પછી માસી, ફોઈ, કાકા, દાદા, નાનીને ત્યાં પણ ઘરોબો લાગતો. નવી નવી અમેરિકા આવી, પહેલી વાર મહિનાઓ સુધી ચાલેલી ‘homesickness’ અનુભવી ત્યારે મારા ઘર નું મૂલ્ય સમઝાવાનું શરુ થયું … હવે મમ્મી, બહેનીનું વર્ષો સુધી મ્હો જોવા ના મળે ત્યારે અવારનવાર અનુભવતી ઉદાસી વળી પાછી મને વારેવારે ઉડાડીને ઘરે જ તો લઇ જાય છે…અત્યંત આત્મીય ઘરથી પડેલું અઢળક અંતર જાણે ક્યારેક મને દઝાડે, ક્યારેક ઓગાળે ને ક્યારેક વળી સાવ જ પીગળાવી દે…ને છતાં, મારી અંદર જ સદા અકબંધ અને જીવંત છે મારું ઘર.

હું માનતી હતી, કે તમે જેમાં વસો એ તમારું ઘર.
વર્ષો-વર્ષ અને હજારો માઈલોના અંતર પછી સમજાયું – જે તમારામાં વસે, એ તમારું ઘર.

~ હેતલ બ્રહ્મભટ્ટ

ઘર એટલે ઘર…(24) પ્રજ્ઞા દાદભાવાળા

મામા નુ ઘર કેટલે…

મામાનું ઘર કેટલે ?
દીવો બળે એટલે.
દીવો મેં તો દીઠો,
મામો લાગે મીઠો.

 

 

મારી એક મીઠી યાદ કહો તો મારું મોસાળ… .”મામા નુ ઘર”…બાળપણના ઘણાખરા ઉનાળુ વેકેશન નાના-નાની,  ઘરે જ વીત્યા છે.એની  વાતો યાદ આવતા ,શબ્દની સાથે જ સંવેદનાઓથી હૃદય છલકાવા લાગે છે.  મારું મોસાળ રાજકોટ ,જન્મ પણ ત્યાં જ થયો ભલે મુંબઈમાં વસવાટ કર્યો પણ દર વેકેશનમાં મામાને ઘેર જવાનું થાય ,એટલે એની વાતો કરું એટલી ઓછી પડે હો…. ….

આમ પણ  રાજકોટિયા કોઈ ભેગા થાયને કે તરત જ રાજકોટની વાતો કરવા મંડી પડે ,શરૂઆત કરે પહેલા તો તમારે ક્યા રહેવાનું થી  થાય ,પછીતો  લે લે હું ને તારી મામી એકજ શાળામાં જતા,ખાસ મિત્ર  ,લે કર વાત અને શરુ થઇ જાય। ..હવે તું તો મારી દીકરી જેવી કહેવાય… ભાણીબા લેલે તું આટલી મોટી થઇ ગઈ। .અને પછી રાજકોટ ની શેરીઓ ,જીગદના ભજીયા ,પટેલનો આસ્ક્રીમ ,ધર્મેન્દ્ર કૉલેજ અને પેલો ત્રિકોણ બાગ ,જુબિલી ગાર્ડન ,શ્રોફનો બંગલો ,અને યાદ છે ,તને કયાંથી યાદ હોય? ,ત્યારે તું સાવ નાની, મને યાદ છે તારા નાકમાંથી શેડા હાલે જાય …તને અમે શેડાડી  કહેતા….. રેસકોર્સ પર અમે દાડમની ભેળ ખાતા ,અને પેંડા ને ભજીયાના ચસકા લેતા એવી વાતો કરે કે બાજુમાં ઉભેલો। ..રાજકોટને ન હોય જાણના તો હોય તો પણ .. જાણે પોતે રાજકોટ નો હોય તેવું લાગવા માંડે,અને એટલું જ નહિ પાછા તાળિયું દેતા જાય હવે આવા રાજકોટને કેમ ભૂલાય ? મારા સગાવાળા 30 વર્ષથી રાજકોટ છોડી અહી રહે છે ત્રીજી પેઢી હમણાં પરણશે પણ હજી પૂછો તો કહેશે રાજકોટ એટલે રાજકોટ। ….  આમ જોવો તો રાજકોટના લોકો પોતે જ પોતાના વખાણ પણ કરે અને સંભાળવા પણ ખુબ ગમે ,મારા મામા અમેરિકા આવ્યા ત્યારે મેં કહું મામા શરીર ખુબ વધી ગયું નહિ ? પણ રાજકોટવાળા નું કામ બધું બાપુ જેવું ! …તો કહે હા અમે જાડા ખરા પણ અદોદરા નહિ હો ….

ખેર મારા માટે ,મારું રાજકોટ એટલે મારા મામાનો ડેલો.દેવકુરબા સ્કુલ,.ધારશી શામજી ઘીવાળા નો ડેલો,એથી આગળ વધો તો રયા નાકા રોડ એના છેડે આવેલું  ટાવર જરીક આગળ નીકળો તો લુહાણા પરા અને ર્ય ટાવરની ડાબી બાજુ વળો તો  કંસારા બજાર,માંડવી ચોકનું દેરાસર જય સીયારામ ના પેંડા,અને કેસર કેરી,રવિવારની સાંજ એટલે રેસકોર્સ ની  દાડમ ભેળ અને કોઠમ્ડાની ચટણી ,અને પછી ખાવાનો પટેલનો આઈસ્ક્રીમ.આમ જોવો તો રાજકોટના બધા  લોકો ખાવાના પણ એટલા જ  શોખીન  છે.વરસાદ  પડ્યો  નથી  કે  તરત  જ  બધા  ભજીયા  ખાવાનો વિચાર આવે  અહીના  લોકોના  ફેવરીટ આ  સિવાય વણેલા ગાંઠિયા, સાથે પપૈયાં નો મરચાંનો  સંભારનું  પણ  ચલણ ..

મારા નાનાનાં ડેલામાં સાત ભાઈના સાત ઘર,બધાય એક સાથે અને રસોડા જુદા,ડેલામાં દાખલ થાવ કે એય મજાનું મોટું ફળિયું  અને ફળીયામાં વચો વચ્ચ પાણી નીડંકી અને ડંકીની બાજુમાં બાંધેલી ચોકડી,બાલદી રાખવાની અને ડંકી સીચી પાણી ભરવાનું ,સવારે દૂધવાળી ભરવાડન આવે ,માથા પર તાંબાના ઘડામાં દૂધ લાવે ,કમ્ખું પહેરેલું હોય અને હાથમાં મોટા પાટલા બાવળા સુથી ચડાવેલા હોય અને પગમાં ચાંદીના કડા નાખ્યા હોય અને આવે ભેગી હોકારો કરે ..દૂધ લેજો…બધા પોત પોતાના ઠામ વાસણ લઇ આવે અને બધાને દૂધ આપે હું દોડતી કાસાનું છાલીયું લઈને જાઉં એટલે મને મારા કાંસાના વાટકામાં દૂધ આપે,હું રાજી રેડ થતી ઘરમાં દોડી જાઉં..

સવારે ફળિયાની પાળી ઉપર દાતણ કરતી બેઠી હોઉં ત્યાં તો મારા નાના દેરાસરથી દર્શન કરી પાછા આવે, અને મોટેથી બોલતા જાય। …પગુડી (પ્રજ્ઞા)ઉઠી કે નહિ ?એટલા જોરથી બોલે કે બધા ઘરની વહુ બધી જટ  લાજ કાઢી લે અને કોઈ આડી ન ઉતરે…આજ સંસ્કૃતિ ,આજ માન અને મર્યાદા…..કહેવાનું નહિ માત્ર સમજી જાય ..મારા નાના ઘરના મોભી એટલે આમ માન સચવાય ….અંદર આવ્યા ભેગા મારા મામાને ઉઠાડવા બુમા બુમ કરે ચમનીયો ઉઠયો કે નહિ ?(મુળ  નામ ચંદ્રકાંત )અને પછી નાનાજી ની આરતી નો ઘંટ સંભળાય ,દીવો રે દીવો પ્રભુ માંગલિક દીવો।…આરતી થાય એટલે અખા ઘરમાં પાણી છાંટી શુદ્ધ કરે,અને પછી સીરામણ આલજો। …કહી મામીને બોલાવે ,ત્યાંતો ઉપરથી રોજની ટેવ મુજબ બાબુકાકા ખોખરો ખાતા મામાને હોકારો કરતા બોલે… દુકાને નથી જવાનું  ચમન ?…અને મારા મામા જવાબ આપે ભાણીયા આવ્યા છે મુંબઈ થી… તો જલેબી ને ગાંઠિયા ખાઈ મોડો નીકળીશ ,તમ તમારે નીકળો ,અને આજે અભયસિંગ ની ગાડી મંગાવી છે તો રાજકોટ ફેરવશું ભાણીયાઓને….

સવારે અમને દૂધ સાથે બોર્નવીટા જોઈએતો ખાસ લઇ આવે ,રસોડાની ભીતમાં એક ચાર ખાનાવાળું પીંજરું ,જે આજના જમાનામાં ફ્રીજ ની ગરજ સારે ,તેમાં થી રોટલા કાઢવાના અને સીરામણ કરવાનું ,રસોડાની ત્રણ દીવાલમાં અભેરાય અને એક ખૂણે ચૂલો, એક બાજુ સિકુ એમાં પેંડા રાખે કીડીયું ન ચડે માટે। ..જરીક બહાર નીકળો એટલે ઓસરીમાં પાણીયારું ,અને એના ઉપર ઓસરીમાં અભરાય જ્યાં મામી રોજ પ્યાલા ,લોટા રાખથી માનજી ચકચકિત કરી ને હાર બંધ ગોઠવે ,એક માટલું અને બે ગોરી અને ગાગર ,પાણી લેવાનો નો ડોયો,પાણીયારા નીચે કાળો પત્થર લાદીમાં જડેલો જેમાં તમામ પ્રકારનું વાટવાનું કામ થાય। …મિક્ષચર ની જરૂર જ નહતી ,અમે જઈએ ત્યારે મામા એકવાર જરૂર વાટીદાળ ના ભજીયા ખવડાવે ..

  આમ જોવા જાવતો મારા મામા રાજકોટમાં ખુબ પ્રખ્યાત ,સ્ટેશને ઉતરો અને કોઈ ઘોડા ગાડી વાળાને પૂછો કે ચીમનભાઈ ક્યા રહે તો તરત લઈ જાય,અને સરનામું પૂછો તો કહેશે રાય ટાવર પાસે જમણી બાજુ વળી સીધા નાકની દાંડીએ હાલ્યા જાવ અને દેવકુવરબા સ્કુલની સામે ધારશી શામજી નો ડેલો એટલે તમે પુગી ગયા હમજો। …. મામાનો  વટ  એટલે  અહીનું  રેસકોર્સ  ! . કોઈ પણ મહેમાન આવે એટલે રેસકોર્સ ખાસ લઇ જવાના પણ યાદ રાખજો અહી  રેસકોર્સમાં ઘોડા નથી,હ્હા માણસો ખુબ દેખાય , રસ્તા ઉપર બાઈકની અને  કારની  અવર -જવર  ખાસ્સી  છે,તો રયાનાકા રોડ ની નાની ગલ્લીમાં ગાડીઓ જતી પણ નથી ,મામા  શરદ પુનમ હોય તો દૂધ પૌઆ ખાવા પણ આજી ડેમે લઇ  જાય જ। ….અહી આમ જોવા જઈને તો પેંડા એટલે લીલાલહેર છે ,અને નાકે નાકે પણ આઈસ્ક્રીમ ની દુકાન છે,મામા ખાય અને ખવડાવી જાણે ,અને  વખાણ પણ કરતા જાય ,

આમ જોવા જીઈએ તો રાજકોટના ઘરમાં એક ઓસરી ,ઉતારા બે ઓરડા ,એક બાજુ રસોડું ,અને ઓસરીની બાજુમાં કોઠાર ,કોઠારની બાજુમાં ઘંટલો ,ઓરડાની પાછળ નવેરું.. અને એના ખૂણા માં પાણી નો ટાંકો એને અડીને નાનો ઓટલો ..એને બંધ કરતો દરવાજો એટલે બાથરૂમ ..બાજુમાં થી પાણી બહાર જાય માટે ખુલ્લી ખાળ open drain ….વેકેશનમા …આખે આખું ઘર  ધમાલ મસ્તીથી ભરચક, હાસ્યની છોળોથી રંગાયેલુ  ……નવાઈ વાત તો એ છે કે ત્યાં કયારેય મહેમાન ને અગવડ નથી પડી। ..મામા મામી નું દિલ ખુબ મોટું,સૌથી વધુ આકર્ષણ મને બા ના ઘંટલા નું રહેતું ,બા મને અડવા ના દે ,કારણ હું ખુબ જોરથી ફ્રેરવું અને પથ્થર ઘસાય ,તો લોટમાં કાંકરી આવે અને પાછો ટાંકવા જવો પડે તે વધારાનું ,ડંકી સિંચવી ખુબ ગમે ,રોજે રોજના તાજા દળેલા લોટના રોટલા ખાવ તો મજા પડી જાય ઉપર ઘી ને ગોળ,ન ખોટા રાતના ઉજાગરા,ન ખોટા ખર્ચા ,સાદું સાત્વિક જમવાનું ,સહજતાથી જીવવાનું અને બીજાને જીવવા દેવાના,સંતોસ ,કોઈ જાતની ચડસા ચડસી નહિ, દેખાડો નહિ,મારું તારું નહિ ,બધું સહિયારું,ખુબ મજા આવતી ,ઓસરીમાં હિચકે બેસવાનું ,ગીત ગાવાના ,સાથે ચણીયા બોર, જામફળ ખાતા ખાતા કહેવાનું મામાનું ઘર કેટલે દીવો બળે એટલે… ..આજે પણ એ યાદો સગપણના તાંતણે અમને બાંધી રાખે છે,એ નિસ્વાર્થ પ્રેમ અને લાગણી। …જાણે અમને ખેચી રહી છે …એ અનુભૂતિ શબ્દોમાં સમાવવી શક્ય નથી..

…..મોટા ભાગના બાળકો વકેશન શરૂ થતાં જ મમ્મી સાથે મામાના ઘરે જતાં હોય છે, પરંતુ અનાથાશ્રમમાં રહેતાં ઘણાં માસૂમોને માટે તો ‘મામાનું ઘર કેટલે?’ એ માત્ર  જોડકણું…..

 

પ્રજ્ઞાજી- પ્રજ્ઞા દાદભાવાળા  

ઘર એટલે ઘર…(23) કવિશ્રી મુકેશ જોશી

ઘર જયારે સન્નાટો ઓઢી લે છે

 ઘર એટલે ભર્યું-ભાદર્યું જીવન,બાળકોના કિલ્લોલથી ગૂંજતું ઘર ,હર્યા-ભર્યા ઘરમાં જીવનની સંધ્યા માણવાના ઓરતા દરેક માંને હોય છે.પણ એવું બનતું નથી.

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું ત્યાં બાળકોના કિલ્લોલથી ગૂંજતું ઘર જયારે સન્નાટો ઓઢી લે છે ત્યારે સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરવા માંડે ..હૈયું હચમચાવી દે એવી કવિશ્રી મુકેશ જોશીની આ કવિતામાં  ઘરની એકલતામાં ઝૂરતાં બાની મૂક વેદનાનું હૃદયદ્રાવક ચિત્રણ થયું છે.

.

બા એકલાં જીવે                
                             બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે  
                                  બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
                                                    બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
                                                  બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
                                              બા સાવ એકલાં જીવે

– મૂકેશ જોશી

ઘર એટલે ઘર…(22) દેવિકાબેન ધ્રુવ

વીતેલી સમયવીણા પર,

         સ્મરણનખલી ફરે છે ઘરમાં,
સુખી સૂરીલા સૂરો છેડે,
જાણે આરતી ઘરમંદિરમાં
હળવે ફરે છે ઘરના જૂનાં,
પાના હજી યે મનમાં તાજાં,
પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
પ્રગટી રહે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું સંતાનોનું,
બાદાદાની શીળી  છાંયમાં,
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,
ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘામૂલા દિવસો એ કેવાં,
સ્વજન મિત્રોના નિકટ સાથમાં,
ટૂંકા નાના સીમિત આંચલમાં,
પોષાયાં સૌ પ્રેમમંદિરમાં,
ક્ષણકણ વીણી ઘરથી,
બાંધ્યા સૌએ નીજના માળા.
ભૂલાય કેમ હા સૌની વચમાં,
પરમ શિવ તો સતત ઘરમાં.
વીતેલી સમયવીણા પર,
સ્મરણનખલી ફરે છે ઘરમાં..

દેવિકાબેન ધ્રુવ 

ઘર એટલે ઘર…(20)ડૉ.મહેશ રાવલ

  ગઝલઘરનાં બારણે……. જ્યાં આડકતરો પણ અહમ  ઉંબરે  પણ પોષાય નહીં।.ઘર એટલે સૌમ્ય, સાલસ, સાહજિકતા,ભીતરી સૌંદર્ય, રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં‘ને સાદગી થી શણગારેલું ઘર  એટલે ઘર ……આખરે ઘર તો ઘર જ હોય છે અ પછી એ ગઝલનું કેમ  ન હોય….

તો, બારણાં ખુલ્લા જ છે…

http://drmahesh.rawal.us/?p=1877

અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા જ છે
લાગણી, આધાર હો તો બારણાં ખુલ્લા જ છે

આડકતરો પણ અહમ આ ઉંબરે પોષાય નહીં
પાત્રતા પુરવાર હો તો બારણાં ખુલ્લા જ છે

એક માર્ગી છે હ્રદયની સલ્તનતનાં માર્ગ સહુ
આવવા તૈયાર હો તો બારણાં ખુલ્લા જ છે

ફળવગરનાં કર્મ નહીં પણ, કર્મનાં ફળનું ચલણ
માન્ય જો સો વાર હો તો બારણાં ખુલ્લા જ છે

રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં
માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા જ છે

સૌમ્ય સાલસ સાહજિકતા,ભીતરી સૌંદર્ય, ‘ને
સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા જ છે !

લઇ ખુમારીનો અનાહત વારસો બેઠા છીએ
દબદબો સ્વીકાર હો તો બારણાં ખુલ્લા જ છે

ડૉ.મહેશ રાવલ

પ્રતિકુળતા (13) કુંતા શાહ

જીવન આપણે ધારીએ તેમ ભાગ્યે જ વહે છે.  અને જો વિચાર કરીએ તો એ બરાબર જ છે.  આપણે સમજવું જોઇએ કે જીવનની પળેપળ બ્રહ્માંડમાં શું થઇ રહ્યું છે તેના પર જ આધારીત છે અને એ આપણા વશમાં નથી.  આપણા અત્યારના જ્ઞાન પ્રમાણે અઢાર અબજ વર્ષોથી આ બ્રહ્માંડ રચાયું અને જીવોની ઉત્પત્તિ પણ બ્રહ્માંડમાં થતા ફેરફારોને અનુરુપ થતી ગઇ. એ ઉત્પત્તિ આપણને લાગે કે બદલવાની નથી પણ કોણે જાણ્યુ હતું કે અમીબામાંથી વિક્રુત થતાં થતાં માનવી ઉત્પન્ન થશે?  દેવો તથા દૈત્યો તો આપણે જ છીએ પણ એથી વિભીન્ન કોઇ જીવ ક્યારેક હશે એની મને શંકા નથી.  અત્યારે આપણને જે દેખાય છે કે અનુભવીએ છીએ તે ખરેખર અલૌકિક છે કારણ તે અબજો વર્ષોની કારિગરી છે.  આપણો એમાં તસુભર પણ ફાળો નથી.  છતાં આપણે આપણા જીવનમાં શું થવું જોઇએ એ નક્કી કરી, આપણા એ લક્ષ્યને નિયંત્રિત કરવા પ્રયત્નશીલ રહીએ છીએ.  અને જરાય આશ્ચર્યની વાત નથી કે આપણે ચિંતા, ભય અને વ્યકુળતાથી ઘેરાયેલા જ રહીએ છીએ. આપણે દરેક જણ એમ જ માનીએ છીએ કે પોતની રીતે જ બધું થવું અને હોવું જોઇએ.  જે થાય છે તે કુદરતનાં તે પળના નિયમો પ્રમાણે જ ઘડાય છે એ તથ્ય સ્વિકાર કરવા આપણો અહં અટકાવે છે..

દરરોજ,  આપણે આપણા મન્ની જ વાત સ્વિકારીએ છીએ, આજુબાજુ, જે સત્ય ઘટનાઓ આ ક્ષણને ઘડી રહી છે તે જાણતા નથી, પછી સમજવાની વાટ જ ક્યાં?  આપણે હંમેશા આપણા સ્વાર્થની પૂર્તિની એચ્છા કરીએ છીએ.  દા..ત. આજે મને લોટરી લાગે તો સારું, જેથી મારે, મારા સ્વજનોને છોડી જવું ના પડે.  ઓ આપણે ધારીએ તે ન બને તો આપણે ઉદાસ થઇએ છીએ.  આ વાર્તા સહુએ સાંભળી તો હશે જ છતાં અહીં એનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે.  એક વટેમાર્ગુએ એક સાધુને પુછ્યું “મને ખબર પડી કે તમે ફ્લોરિડા થઇને આવો છો.  ત્યાંના લોક કેવાં છે?”

“ભાઇ, તમે ક્યાંથી આવો છો?”

“કેલીફોર્નિઆથી”

“ત્યાના લોક કેવા?”

“સારા. ત્યાંથી બીજે ક્યાંય જવાનો વિચાર કરતાં મન અસ્વસ્થ થઇ જાય છે.”

“જરા પણ ચિંતા ના કરશો.  તમે જ્યાં જશો ત્યાં તમને અપનાવી લે તેવા માણસો જ છે.”

તાત્પર્ય – આપણા સ્વભાવ અને વર્તન આપણું મંડળ બનાવે છે, અને આપણે કોણ? આપણો સ્વભાવ અને વર્તન, આદી મા, બાપથી ચાલી આવતી બક્ષીસ જેમાં સંજોગ અને વારસાગત શિક્ષણનો ઓપ એ આપણે!  બાહ્ય જે થઇ રહ્યું છે તેના પર આપણો કંઇ કાબુ નથી.  આપણા શબ્દો અને વર્તનને કારણે બીજી વ્યક્તિ શું વિચારશે, કરશે તે પણ આપણે નિયંત્રિત નથી કરી શકતાં. ધરોકે  આજે મારે બેઠકમાં જવું છે પણ મારી તબિયત સારી હશે કે નહીં, દિલિપ મને લઇ જઇ શકસે કે નહીં,  કાર ચલશે કે નહીં,  કાર ચાલે તોયે રસ્તામાં કંઇ બ્લોકેજ તો નહીં નડે! શું બેઠકમાં પહોંચવું મારા હાથમાં છે?

આપણે તદ્દન લાચાર નથી.  પ્રયત્નો તો કરવાનાં જ.  પરિણામની ચિંતા શું, અપેક્ષા પણ રાખવી નહીં.  કહેવું સહેલું છે.  આપણે સહુ ઉદાસી અને ખુશી અનુભવીએ છીએ.  આપણે ઉદાસ થઇએ ત્યારે, ભય, ક્ષોભ, ક્રોધ અનુભવીએ છીએ.  ખુશ હોઇએ ત્યારે, પોતાની માનસિક અને ભૌતિક સંપત્તિને આપણે લુટાવી દેવા તત્પર થઇએ  છીએ.

પ્રુથ્વી અબજો વર્ષોથી નભમંડળમાં ફર્યા કરે છે, બીજમાંથી, વનસ્પતિ ઉગ્યા જ કરે છે.  પશુઓની પણ વંશાવલી ચાલતી જ આવી છે.  ભલેને,  આપણે, આ ક્ષણના આનંદ ખાતર કુદરતના નિયમોને તોડી,  આવતી પેઢીઓને નવી લડાઇ તરફ ધકેલી રહ્યા છીએ!

સમાજવાદિત્વની ભાવના એક રીતે સારી છે.  ડેન્માર્ક, કેનેડા જેવા દેશોમાં માણસોની મુખ્ય જરૂરિયાત, અન્ન, છાપરું, દવાદારુ સહુને મળી રહે છે. એથી, પોતાની આવડતથી પ્રગતિ મેળવવી અને તેનો ઉપયોગ સહુ માણી શકે એવી ભાવના સહજ રીતે કેળવાય છે.  મૂંડે મૂંડે મતિર્ભીન્ના – કોઇક સ્વાર્થી પણ હશે જ એની શંકા નથી.  આજે છું,  કાલે નહીં હોઊં – જે સાચી અને સારી વાતો મેં કરી હશે તેના પશઘા નિરંતર સંભળાયા કરશે – જે બીજાને હાની, દુઃખ પહોંચે એવું કાર્ય મેં કર્યું હશે તેની હું માફી માંગુ છું—સાપ ગયા પણ લીસોટા રહી ગયા –  તેમ મારાં કુકર્મોના લીસોટા આવતી પક્રુતિમાં રહેશે જ.  પ્રભુ એવી ભૂલોના લીસોટા વધીને થાંભલા ના થાય એવી ઈચ્છા – લો,  મારી ઈચ્છા પુરી થશે કે નહીં તે મારા હાથમાં નથી એ સમજું છું,

 કુંતા શાહ

ઘર એટલે ઘર…..(19). રાજુલ ભાનુશાલી

મિત્રો  આપણા બ્લોગ પર રાજુલ બેનનું સ્વાગત છે ,ખુબ સારા લેખિકા છે અને સ્વય એક બેઠક ચલાવે છે  હું એમનો પરિચય આપું એના કરતા એમના જ શબ્દો માં લખું છું 

મને મારો પરિચય કેટલો?

સતત બે દિવસ સુધી ગડમથલ ચાલી..જવાબ મળ્યો..જેટલી ક્ષણ હું સ્વ ને મળું છું એટલો..!

(https://rajulbhanushali.wordpress.com/ )

‘ઘર’ એટલે

‘ઘર’ એટલે કાનામાત્રા વગરની એક એવી સંજ્ઞા જે ઉચ્ચારતાંજ જીવને “હા…..શકારો” થઈ જાય!

ઘર એટલે ધોધમાર વહેતી સંવેદનાનું સરનામું..!

ઘર એટલે આખો દિવસ બહાર રહ્યા-રખડ્યા પછી તમે પાછા આવો, ડોરબેલ પર આંગળી દબાવો, ને………દરવાજો ખૂલે ત્યાંજ અડધો થાક ઉતરી જાય એ પ્લેસ.

ઘર એટલે તમે ભલેને કોક અત્યંત મહત્વનું કામ કરતા હો , તો પણ વાસણોનો ખખડાટ કે બાળકોનો કલબલાટ તમને જરાય ડિસ્ટર્બ ના કરે એ જગ્યા.

ઘર એટલે જ્યાં રજાને દિવસે તમે આખો દિવસ હાથમાં ટી.વી.નો રીમોટ લઈ સોફા પર રીંછની જેમ પડયા રહો તોય ચાલે એવી સ્થાન.

ઘર એટલે મા ના હેતની હરફર.

ઘર એટલે પિતાની કાળજી.

ઘર એટલે સવારસવારમાં રસોડામાંથી આવતી આદુવાળીચા અને બટાટાપૌંઆની સ્ફુર્તિદાયક સુગંધ.

ઘર એટલે રોટલી કરતી પત્નીની પાછળ ચુપકેથી આવીને પતિએ કરેલું મસ્તીભર્યું અડપલું.

ઘર એટલે એ સ્થળ જ્યાં ચોળાયેલી નાઇટીમાં ફરતી ગૃહિણી એટલી જ મીઠી લાગે જેટલી પાર્ટીમાં જવા તૈયાર થાય ત્યારે લાગતી હોય.

ઘર એટલે સુખ, સગવડ અને સલામતીનો ત્રિવેણી સંગમ.

હા.. આજે વાત માંડવી છે ‘ઘર’ની…

જેમ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અને અનોખી હોય છે તેમ દરેક ઘર પણ પોતપોતાની રીતે અલગ અને અનોખો હોય છે. પ્રત્યેક ઘરની પોતાની આગવી ક્ષમતા, છટા અને સ્વભાવ હોય છે. દરેક ઘરમાં એનાં ઘટમાં ઘટતાં નાનાં નાનાં પ્રસંગોમાંથી, બાબતોમાંથી પોતાનું સુખ જાતે શોધી લેવાનો  જન્મજાત ગુણ હોય છે અને પછી ઘર  એજ સુખ  માણસને પરત આપે છે એનાથીજ દરરોજ માણસ નવોનક્કોર બને છે. એવું મારું માનવું છે. આજ કારણસર આપણને  ‘ગઈકાલ’ કદી જ વાસી લાગતી નથી..આપણી અને આપણા ઘરની.. જયારે જ્યારે મમળાવીએ એટલી જ તાજગીસભર ..!

સૃષ્ટિમાં દરેક અજીવ-સજીવનાં પોતાનાં પ્રકૃતિગત ગુણધર્મો હોય છે.  ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે ડીટ્ટો તેવીજ રીતે દરેક ઘરની પ્રકૃતિ જુદી જુદી હોય છે. એમની વચ્ચે સરખામણી શક્ય નથી,  કરવી પણ ના જોઈએ. આ બન્ને ફૂલનું પોતાનું આગવું મહત્વ અને સુંદરતા છે. એમ તો ગલકાંનાં ફૂલનું પણ પોતિકું સૌંદર્ય હોય જ છે ને! ઘરનું પણ એવું જ છે પછી એ નાનું હોય કે મોટું, ઝુપડું હોય કે આલીશાન મહેલ..!

ઘણીવાર જ્યારે આપણે મોટ્ટા-લાંબા વેકેશન પર જતાં હોઈએ ત્યારે ઘરેથી નીકળતી વખતે કેટ્લો ઉત્સાહ, આનંદ અને હોંશ હોય છે. પણ અઠવાડીયું થતાં થતાં આ ઉત્સાહમાં ઓટ આવવા લાગે છે. મનમાં  ક્યાંક ઉંડે ઉંડે ઘરની યાદ સળવળવા લાગે છે. ફાઈવ સ્ટાર હોટેલનાં સ્ટે દરમ્યાન, સરસ મજાનાં સુખ-સગવડ-સાહ્યબીમાં પણ ઘરઝૂરાપો  કનડવા લાગે છે અને જાણે અજાણે આપણે ‘પાછા ઘરે ક્યારે પહોંચશું’ એ પળની રાહ જોવા લાગીએ છીએ. પોતાનાં આવા 

ખાલીખમ્મ અને સૂના દિવસો દરમિયાન શું ઘર પણ એકલવાયાપણું અનુભવતું હશે જયારે એનો પરિવાર પાસે, સાથે નથી હોતો! શું એ પણ કાગડોળે પોતાના પરિવારના પાછા ફરવાની રાહ જોતું હશે?

હા.. ચોક્કસ જોતું હશે… ઘટમાં વ્યાપેલો સુનકાર એને પણ ખાવા ધાતો જ હશે!

આવા કોક લાંબા વેકેશન બાદ જ્યારે તમે પાછા ઘરે પહોંચોને ત્યારે એની એકાદી દિવાલ પર હાથ ફેરવી જોજો…તમારા ટેરવાં પર ભીનાશ તો નથી ચોંટી ગઈને? ચેક કરજો! મને તો ક્યારેક  એવોય ભાસ થાય  કે જાણે મારા ઘરની ચાર દિવાલો એની અંદર બનતું બધું જ પોતાની અંદર શોષી લેતી ના હોય! સુખ-દુઃખ, વેદના-સંવેદના.. બધું જ..
મારા સુખે સુખી ને મારા દુખે દુ:ખી!

પરિવારનો ઘરઝુરાપો અને ઘરનો એનાં પરિવાર માટેનો  ઝૂરાપો — સરખો જ..

તસુ નો ય ફરક નહિં. જે લોકો નોકરી અર્થે કે ભણતર સંબંધે લાંબા અરસા સુધી ઘરથી દૂર રહેતા હોય એમની મનોસ્થિતિની કલ્પના પણ હ્રદય ભીનું કરી જાય છે. વિજ્ઞાન આટ્લું આગળ વધ્યું પણ ઘરઝૂરાપાની થતી પીડા માટે હજુ સુધી કોઈ પેઈનકીલર શોધી શકાઈ નથી..!

 ક્યારેક જયારે ‘ઘર’ને કશુંક નાછૂટકે સહન કરવાનું આવે ત્યારે એ કેવો સીધોદોર થઈ પોતાની ફરજ બજાવતો હોય છે અને પોતાનાં દરેક સભ્યને પણ સાચવી  લેતો હોય છે. ‘હિમ્મત હારી જવી’ એ ગુણ કદાચ આ જમાતનાં સ્વભાવમાં જ હોતો નથી એવું લાગે. આપણે પણ ગુણ અપનાવવા જેવો કે નહિં ? કેવી કેવી કપરી પરિસ્થિતિઓમાં ઘર આપણને હુંફથી, હેતથી સાચવે છે ! તો આપણી પણ એવી જ  ફરજ છે કે નહી ? એમ પણ કોઈ એક ઘરની વાત કરી બતાવો જેમાં ક્યારેય દુઃખ, મતભેદ, પીડા કે વિષાદની એક્કેય ક્ષણ સુદ્ધાં ના આવી હોય! અસામાન્ય સંજોગો અને વિપરિત સમય વચ્ચે પણ પોતાની ખૂબી પર અડીખમ રહી પોતાની આગવી ઓળખ જાળવી રાખવી એ  દરેક ઘરની  ખાસિયત છે — એટલેજ કદાચ એને  ‘દુનિયાનો છેડો -ઘર’ જેવી માતબાર ઉપમાથી નવાજવામાં આવ્યો હશે..!

છેલ્લે મારા સાસુ પાસેથી સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલા દેશમાંથી  રોટલો કમાવવા મુંબઈ શિફ્ટ થવું એવો નિર્ણય પરિવારે લીધો. દેશનાં ઘરનો બધો જ અસબાબ સમેટી લેવામાં આવ્યો.પ્રયાણની બધી જ તૈયારી થઈ ગઈ. ઘરમાં એક ગાય હતી. એ ગાયને બા-બાપુજીએ એક ઓળખીતાને ત્યાં વળાવી દેવાનો નિર્ણય કર્યો અને સજળ આંખે વળાવી પણ આવ્યાં. (દેશમાં પશુધન– ગાય ભેંસ વગેરે– ઘરનાં જ મેમ્બર ગણાય.. ગાય ને બીજા કોઈને સોંપી એટલે ‘વળાવી’ શબ્દ વાપર્યો.. વેચી નહિં..).. ત્યાર બાદ દેશમાં પ્રસંગપાત આવવા જવાનું થતું રહેતું. ક્યારેક ગાય મળી જતી તો માથે હાથ પણ ફેરવી લેતાં.આગળ બન્યું એવું કે લગભગ દસેક વરસ પછી મુંબઈનું ઘર સમેટી ફરી પરિવાર ગામમાં આવીને વસ્યો. વર્ષોથી બંધ પડેલું ઘર પાછું ખુલ્યું. તે દિવસે સંધ્યા ટાણે સીમમાંથી જ્યારે પેલી ગાય ધણ સાથે પાછી ફરી ત્યારે એના ‘હાલનાં વર્તમાન ઘરે’ જવાને બદલે સીધી અમારા ઘરે, પોતાની નિયત જગ્યાએ આવીને ઉભી રહી..!

આ છે ઘરની માયા..
આપણને ઘરની– ઘરને આપણી!

કવિ માધવ રામાનુજની પંક્તિઓ સાથે વિરમું છું.

“એક એવું ઘર મળે વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!”

અસ્તુ.

~~ રાજુલ

ઘર એટલે ઘર…..(18). ફૂલવતી શાહ

 ” ઘર ” એ કેટલો સરળ શબ્દ છે !  નહિ કા’નો કે નહિ માત્રા. જેટલો સરળ  છે તેટલો જ અર્થસભર અને ઉષ્માભર્યો શબ્દ છે. એની સાથે આત્મીયતા અને નિર્ભયતા સંકળાયેલી છે.એનું મૂલ્ય આપણી કહેવત બતાવે છે. ” પૃથ્વી નો છેડો ક્યા?” તો કહેવાય  કે  ” ઘર.”  સંતોષ ,પ્રેમ અને આનંદનું ધામ  એનું નામ ઘર. પછી  એ તપોવનમાં  વૃક્ષ નીચે બાંધેલી કુટીર કેમ નાં હોય !.  ઈટ ચૂનાનું બનાવેલું  મકાન હોય કે સિમેન્ટ કોન્ક્રીટ અને એર કંડીશન વાળી  ઈમારત હોય કે પછી આરસ પહાણ જડીત મહેલ હોય- પણ જો તેમાં રહેનાર વ્યક્તિઓ માં પરસ્પર પ્રેમ, વિશ્વાસ કે સહાનુભુતિ ના હોય તો એ રહેઠાણ- ” ઘર ” નથી.  

         સૃષ્ટિ પર નાં તમામ સજીવો ને પોતાના જીવને સાચવવાની  કુદરતી  વૃત્તિ હોય છે.  આથી  પ્રત્યેક પ્રાણીને  આશ્રય સ્થાનની જરૂર પડે  છે. દરેક પોતાની જરૂરીઆત મુજબ સ્થાન શોધે છે અથવા બનાવી લે છે.  આશ્રય  સ્થાનની પસંદગીમાં  પ્રથમ  જરૂરીઆત પોતાની અને  પોતાના પરિવારની   સંરક્ષણની  છે.  પોતાનાથી વધુ શક્તિશાળી પ્રાણી નો પોતે શિકાર ના બને તે મુખ્ય ધ્યેય હોય છે.   પવન, તાપ, ટાઢ અને વરસાદ  જેવી કુદરતી ઘટમાળ થી બચવા દરેક પ્રાણી અને મનુષ્યે પોતાને અનુકુળ રહેઠાણ બનાવ્યા.ઉંદર, છછુંદર કે સાપ  દર બનાવી રહે. પક્ષીઓ પોતાના વિશ્રામ માટે માળો બાંધે છે.વાઘ, સિહ ,વરુ જંગલી પ્રાણીઓ બોડકે ગુફા શોધે છે ગાય,ઘોડો બકરી વિગેરે પાલતું પ્રાણીઓને એમના પાલકો ઋતુ અનુસાર સગવડ સાચવી ગભાણ , તબેલો ઈત્યાદી બનાવે છે.જ્યારે માનવી પોતાને માટે મકાન બનાવે છે. માણસ જ માણસનો દુશ્મન બની શકે છે. એટલે માનવી ચોર, લુંટારા  કે અનિષ્ટ તત્વોથી બચાય તેવું રહેઠાણ પસંદ કરે છે.બને ત્યાં સુધી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.આ વિચારધારાએ  જ આપણને ખડકીઓ, પોળો , મહોલ્લા વિગેરે આપ્યા.અને એના પરિણામે ગામડા, ગામ અને શહેરો બન્યાં. 

સજીવની જરૂરીઆત પ્રથમ આત્મરક્ષણ , બીજી આહાર અને ત્રીજી  આશ્રયસ્થાન. એટલે માનવી પોતાનું  રહેઠાણ ભયરહિત સ્થળ છતાં નોકરી ધંધાની નજીક પસંદ કરશે .જેથી સમય અને શક્તિ બન્નેનો  બચાવ કરવાનું વિચારશે.પોતાના બાળકો નાં ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સારા સ્કુલ એરિયા માં  મકાન પસંદ કરશે.આવી બધી તકેદારી રાખવા છતાં એ રહેઠાણ ” ઘર ” ક્યારે બને ? જ્યારે એમાં રહેનારા સૌ સભ્યો સ્નેહ સાકળથી બંધાયેલા હોય, એમના વિચારોમાં સામ્યતા હોય.  તેઓના સ્વભાવમાં  ક્ષમા અને સંતોષ ગુંથાઈ  ગયા હોય. જ્યાં  પતિ-પત્ની,  દીકરા-દીકરી, ભાઈ-બેન, માતા-પિતા, કે વૃદ્ધ દાદા -દાદી પ્રેમ અને સન્માન પૂર્વક રહી શકતા હોય , જ્યાં   આદરપૂર્વક  અતિથી   આવકાર પામતા હોય   અને જ્યાં આનંદ  કિલ્લોલ નો ગુંજારવ સંભળાતો હોય તો  તે  રહેઠાણ જ સાચું

” ઘર ”  છે. સૌને સાચા અર્થમાં રહેવા માટે નું  ” ઘર ” મળે એ જ શુભેચ્છા. 

 ફૂલવતી શાહ 

“ઘર એટલે ઘર “(17)રશ્મિબેન જાગીરદાર

કોઈ પૂછે કે , કુબેર ના ભંડાર માં કેટલું ધન હશે ? અને એનો જવાબ શોધવા આપને ગણત્રી કરવા બેસી જઈએ તો એ ગણતરી ક્યારેય પૂરી થાય ખરી ?આકાશ નું
માપ લેવા નું કોઈ કહે તો આપને સામે પૂછીએ અઘાધ આકાશ નું તે કંઈ માપ હોય ભલા ! આવું જ અઘરું , અરે ! કહો ને અશક્ય કામ છે આકાશ ના તારા ગણવાનું ,આપણા પોતાના વાળ પણ ક્યાં ગણી શકાય છે ? આવા બધા વિચારો મને ત્યારે આવવા લાગ્યા જયારે હું ઘર વિષે લખવા બેઠી સાગર ના પાણી ને એક લોટો લઇ ને ઉલેચવા બેસું ત્યારે કેવી લાગણી થાય બસ બરાબર એવી જ લાગણી મને અત્યારે થાય છે .
” ઘર ” શબ્દ તો નાનકડો જ છે અને પાછો કાનો – માત્ર જેવા કોઈ વળગણ વગર નો, પરંતુ એનો અર્થ એની ગહનતા , વિશાળતા , ઉચાઇ , ઊંડાણ અને એવા બીજા બધા આયામો સમજવા કે તેના વિષે લખવા હું સંપૂર્ણપણે શકિતમાન નથી કદાચ — આટલું કબુલ્યા પછી હવે ઘર ને સમજવા કંઈક પ્રયત્ન કરી શકું . હા , મકાન શબ્દ ની વ્યાખ્યા થોડી સહેલી પડે ,પણ ઘર ? આપણા શરીર માં જેમ આત્મા સમાયેલો છે તેવી જરીતે મકાન માં ઘર સમાયેલું છે અને એટલેજ તેનો અર્થ જેટલો વિશાળ તેટલો જ સુક્ષ્મ છે . વિશાળ વસ્તુ જોવી સમજવી શક્ય છે જેમ કે હિમાલય આટલો વિશાળ હોવા છતાં તેને આંબી શકાય કિન્તુ સુક્ષ્મ ને સમજ વું અતિ કઠીન , એને માટે તમારી પાસે અલગ સુક્ષ્મ્દર્શક દ્રષ્ટી અને મન જોઈએ !!!
“આત્મા ત્વં , ગિરીજા મતી: સહચરાહા પ્રાણાહા શરીરમ ગૃહમ ” આ શ્લોક માં શરીર ને આત્મા નું ઘર કહ્યું છે અને આત્મા એટલે આપણે જેને ” હું ” કહીએ છીએ તે , હવે ઘર શબ્દ ની વિશાળતા સમજીએ તો પૃથ્વી પર જેટલા શરીર છે તે બધાજ આત્મા ના ઘર છે ! એના વિભાગો પણ આ રહ્યા જંગલી પશુ ઓ નું ઘર જંગલ , જળચર પ્રાણી ઓ નું ઘર જળાશયો તો વળી પક્ષી ઓ ના ઘર વ્રુક્ષો એમાં પક્ષી ઓ આપણે પોતીકા લાગે જાણે મિત્રો ! વહેલી સવાર માં જ તેઓ પોતાનું ઘર – માળો છોડી ને ચણ શોધવા નીકળી પડે, આખો દિવસ ખોરાક ની શોધ માં ગમે તેટલાં દુર નીકળી જાય પણ સુરજ ડુબતાં જ ઘર તરફ પાછા ફરે, કેટલીક વાર અતિ દુર થી તો વર્ષા ઋતુ માં અનેક તકલીફો વેઠી ને પણ પોતાને ઘરે પહોચી જ જાય .સાંજ ના ટાણે ઓટલે બેસી ને વ્રુક્ષ ની અંદર લપાઈ જતાં પક્ષી ઓ નો કલરવ માણ્યો હોય તો આપણ ને એ કલરવ માં એવા શબ્દો પડઘાતા જણાશે “ઘર એટલે ઘર ” જાણે પક્ષીઓ કહી રહ્યાં ન હોય !!1 ગોધૂલી ના સમયે પાછા ફરતા પશુધન પણ જાણે અનુભવે છે કે , આખરે ” ઘર એટલે ઘર “, તો વળી કાળક્રમે આત્મા શરીર રૂપી ઘર ને છોડીને તો જાય જ છે પરંતુ આપણા શાસ્ત્રો પ્રમાણે ફરી શરીર ધારણ કરે છે , ત્યાં પણ શું આવો જ ભાવ સમાયો હશે કે , ” ઘર એટલે ઘર ” —- હોઈ શકે નહિ ?
હવે આપણે જેને ઘર સમજીએ છીએ , જ્યાં રહીએ છીએ તે ઘર ને સમજવું પણ એટલું જ કઠીન છે .શું ઘર એટલે ચાર દીવાલો , છત અને બારી બારના નું બનેલું માળખું કે પછી એમાં રહેતા માનવ સમુદાય નું ઝુમખું ? આ વિચારતાં જ મારા મન માં એક ગીત ગૂંજી ઉઠ્યું , ” તુમસે હી ઘર ઘર કહેલાયે ….. ” ઘર હોય એટલે એમાં કેટલીક રૂમો હોય અને એમાં રહેનાર કુટુંબીજનો હોય જેમાં બાળકો હોય વડીલો હોય ઘર નો મુખીયા હોય અને ગૃહિણી હોય તો શું આ બધાનો સરવાળો એટલે જ ઘર ??? આ સવાલ નો જવાબ જોઈતો હોય તો ગૃહિણી ને તમારે અઠવાડિયા ની રાજા પર ઉતારવી પડે , એ ના હોય ત્યારે તમને કોઈ ચીજ તમને જગ્યા પર નહિ મળે , કશું જ સમય સર નહિ જડે અરે , ચા નાસ્તો કે લંચ-ડીનર પણ સમયે પ્રાપ્ત થાય તો ગનીમત ! આવું !! અઠવાડિયું તમે માંડ પસાર કરો પછી ગૃહિણી જયારે પછી ફરે ત્યારે સૌ થી પહેલા તે એકજ વાક્ય બોલશે ,” અરે આ તો ઘર છે કે ઉકરડો ? ” ને તરત કામે ચડી જશે એટલે બીજા દિવસ થી બધું રાબેતા મુજબ ગોઠવાઈ જશે અને ત્યરે તમે પણ ગઈ ઉઠશો ,” તુમસે હી ઘર , ઘર કહેલાયે ” તો ગૃહિણી પણ ગીત માં સમાયેલા પ્રેમ ને પામી ને હરખથી બોલી ઉઠશે “ઘર એટલે ઘર ” એક કારણ એ પણ ખરું કે આખું અઠવાડિયું તેણે ઘરને મિસ કર્યું હતું . અહીં જ ઘર – ની ગહનતા ઉજાગર થાય છે , ઘર મિસ કર્યું એટલે શું -શું મિસ કર્યું ભલા ?
આપણા માં થી ઘણા ને ઘર જમાઈ બનવાનો શોખ હોય છે ! જો કોઈ રોકે તો રોકડો જવાબ પણ તૈયાર જ હોય . કૈલાશ પતિ શંકર પણ તેમના સાસરે હિમાલય પર જ રહે છે ને ? તો વળી વિષ્ણુ ભગવાન પણ તેમના સાસરે સમુદ્ર માં નિવાસ કરે છે તો પછી અમે કેમ નહિ ?આવું વિચારી ને સાસરે રહેતા જમાઈ ન્હાતા ન્હાતા ક્યારેક બાથરૂમમાં હરખાઈ ને લખી નાખે કે , ” સસરા સુખવાસરા ‘
તો ચબરાકિયો સાળો સામે લખે કે, ” દો દિનો કા આશરા ” આવી હરકતો થી કંટાળી ને દીકરી – જમાઈ પોતાનું જુદું ઘર લે અને રહેવા જાય ત્યારે જ તેઓ ને અહેસાસ થાય , “ઘર એટલે ઘર ” બાપુ !
હું જયારે પહેલી વાર અમેરિકા જઈ ને પછી આવી ત્યારે પ્લેન લેન્ડ થાય તે પહેલા જ ‘ અમદાવાદ ‘ નું બોર્ડ જોઈ ને મને હરખ થયો , હાશ! હું ઘરે આવી ગઈ ! હવે બોલો ઘર તો ઘર ના સ્થાને જ હોવાનું ને પણ આખું અમદાવાદ મને ઘર લાગ્યું . આપણ ને બધાને આવા અનુભવ વારંવાર થતા હોય છે . આપને જ્યરે પંદરેક દિવસ માટે પર પ્રાંત માં પ્રવાસે જઈ ને પાછા ફરીએ ને તે દરમ્યાન ગુજરાત ની બોર્ડર ક્રોસ કરીએ ને ગુજરાત માં પ્રવેશ કરતા જ આપણો માંહ્યલો બોલી ઉઠે, “ઘર એટલે ઘર ” એજ રીતે વર્લ્ડ ટુર કરી ને પાછા ફરતાં ભારત ના કોઈ પણ ભાગ માં પહેલો પ્રવેશ કરીએ ત્યારે પણ બિલકુલ આવા જ ભાવો થી આપણે રોમાંચિત થઇ ઉઠીએ!!! જો તમે મારી વાત માનો તો એસ્ટ્રોનટસ અવકાશયાન સાથે અવકાશયાત્રા પૂરી કરીને પૃથ્વી પર પરત ફરે ત્યારે સમગ્ર પૃથ્વી તેમને પોતાનું ઘર લાગશે અને કેમ નહિ ? આપને તો પ્રાચીન કાળથી “વસુધૈવ કુટુમ્બકમ” માં માનીએ છીએ એટલે કોઈ પણ દેશ નો અવકશ યાત્રી જ્યાં અને જયારે પૃથ્વી નો પ્રથમ સ્પર્શ પામે ત્યરે તે ને ઘરે પહોચ્યા નો અહેસાસ જરૂર થશે અને અંદર થી એક એવી લાગણી ઉદભવશે ,” ઘર એટલે ઘર ” ખરું કે નહિ ?
ઘર શબ્દ નો અર્થ ઊંડાણ થી સમજવા જઈએ ત્યારે એના અનેક આયામો અને તેમાં સ્થિત જટિલતા જાણે તેન અર્થ ને અતિ અઘરો બનાવી દે છે નહિ ? પણ મિત્રો ડરશો નહિ આપણને ઈશ્વર જેમ ઊંડા અંધારેથી પરમ તેજે લઇ જાય તેમ આપણે જ પોતાને જટિલતા થી સરળતા તરફ લઇ જઈએ . કોઈએ કહ્યું છે ને ,” મારે પણ એક ઘર હોય જ્યાં હું વિના નિમંત્રણ અને વિના સંકોચે જઈ શકું !!!” તો બસ આ જગ્યા જ સાચું ઘર! પછી તે આપણું હોય કે બીજાનું . સાંપ્રત સમાજ ની વિટંબણા ક્યાં ઓછી છે ? સંયુક્ત કુટુંબ માં રહેનારા બધા માટે ઘર તો એક જ હોય પણ શું દરેક સભ્ય પોતાનું ઘર માની ને કામ કરે છે ? દીકરી પોતે જ્યાં જન્મી ને મોટી થઇ હોય તે લગ્ન પછી પિયર આવે તો કહેશે મમ્મી ને ત્યાં જાઉં છું અને ત્યાંથી પછી ફરતા કહેશે સાસરે જાઉં છું તો પ છી એનું પોતાનું ઘર ક્યાં ? આવી અસમંજસ માં શરૂઆત ના સમય માં તો દીકરી મમ્મી ને ઘરે જાય ત્યારે જ થતું હશે હાશ! “ઘર એટલે ઘર” . આવો અહેસાસ પણ મમ્મી હોય ત્યાં સુધી પછી તો કહેશે ભાઈ ના ઘરે જઈ આવી અને ત્યાંથી પોતાના ઘારે આવે ત્યારેજ તેને લાગે યાર , ” ઘર એટલે ઘર “.
આમ આખું વિશ્વ અસંખ્ય ઘરો થી ઉભરાઈ રહ્યું છે , તેમાંનું કયું ઘર કોને પોતાનું લાગશે, તે ખરેખર યક્ષ પ્રશ્ન છે! મારા માટે તો જ્યાં જઈ ને તમને , તમારા આત્માને , અને તમારા સમગ્ર અસ્તિત્વ ને એમ થાય કે , “ઘર એટલે ઘર ” એ જ તમારું ઘર

રશ્મિબેન જાગીરદાર