ગમતા નો કરીએ ગુલાલ-પ્રસ્તાવના

મિત્રો

આપણી  હવે પછીની “બેઠક”નો વિષય છે  “પ્રસ્તાવના”

તો મને કોઈએ પ્રસ્તાવના વિશેનો આ લેખ મોકલ્યો છે જે વાંચી આનંદ સાથે જાણકારી મળશે.

ReadGujarati.com

એક અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના – ડૉ.મૌલેશ મારૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના 1976ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.]

સામાન્ય રીતે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરવા ખાતર જ થતી હોય છે. જૂના વખતની પ્રણાલિકા છે માટે ચાલુ રાખવી જોઈએ. આ વસ્તુ આપણા જીવનમાં બરાબર રૂઢ થઈ ગયેલ છે એ ન્યાયે પ્રસ્તાવના વગરનું પુસ્તક પણ પૂંછડી વગરના પ્રાણી જેવું લાગે છે. પુસ્તક પ્રસિદ્ધ થાય અને તેનું વિવેચન સારું થાય એ માટે એક વણલખ્યો નિયમ છે કે પુસ્તકની પ્રસ્તાવના કોઈ ખૂબ જાણીતો સાક્ષર લખે અગર તો ટીકાખોર વિવેચક લખે અથવા બહુ વગ ધરાવતી વ્યક્તિ લખે તે વધુ યોગ્ય ગણાય. તેથી તે નિયમ પ્રમાણે પહેલાં બેત્રણ વિવેચકોને સાધવાનો પ્રયત્ન કર્યો.

એક વિવેચક પાસે ગયો ત્યારે તેઓ કંઈક પ્રાત:કર્મમાં પડ્યા હતા તેથી દોઢેક કલાક રાહ જોવરાવી ને મળ્યા. મેં બહુ જ સંકોચ સાથે કહ્યું, ‘મારે મારા પુસ્તકની પ્રસ્તાવના આપની પાસે લખાવવી છે,’ એક સંતોષનો ઘૂંટ ખેંચીને તેમણે કહ્યું: ‘જુઓ, મારી પાસે સમય તો નથી. પરંતુ તમારા લેખો મૂકતા જાઓ, હું વાંચીને લખવાનો પ્રયત્ન કરીશ.’ મેં કહ્યું : ‘જી, લેખો ?’ તો કહે ‘કેમ ! તમે લેખોનો સંગ્રહ નથી લાવ્યા ? તો પછી મોકલાવજો.’ મેં કહ્યું : ‘વાત એમ છે કે, મારે હજી લેખો લખવાના તો બાકી છે. પહેલાં પ્રસ્તાવના તૈયાર કરાવવી છે.’ તેમના મુખ પરના બદલાતા ભાવો જોઈને મને તેમની સમક્ષ વધુ સ્પષ્ટતા કરવાનું મન થયું કે ‘જુઓને સાહેબ, તમોએ જ્યારે પાઠ્યપુસ્તક લખ્યું ત્યારે હજી તે પ્રેસમાં ગયું તે પહેલાં જ અમે તમારી શરમે અમારી નિશાળમાં પાઠ્યપુસ્તક તરીકે મંજૂર નહોતું કર્યું ? તો આમાં પણ કેમ ન થાય ? પરંતુ તેમને એમ કહેવાની હિંમતના અભાવે હું ખરેખર લેખો લખવાના બાકી હોય તેવા મુખભાવ સાથે ચાલતો થયો.

બીજા એક લેખક મહોદય તો વળી પ્રસ્તાવના લખી દેવાથી તેમને શું મળે ? તેની ચિંતામાં પડ્યા હતા એટલે સર્વમાન્ય નિયમને ત્યજીને એમ નિશ્ચય કર્યો કે ચાલો, લેખો હું લખવાનો છું તો પ્રસ્તાવના પણ હું જ લખું. જો કે પોતે જ પ્રસ્તાવના લખવાથી લેખોની ટીકા કરતાં વખાણ જ થવાનો સંભવ ખરો પરંતુ ; આમેય બીજો કોઈ પ્રસ્તાવના લખે તો પણ લેખકના વખાણ માટે જ ને ? જો કે આમેય બીજા ક્ષેત્રના લેખકો કરતાં કટાક્ષ લેખકોમાં એક સૂક્ષ્મ ભેદ જોવા મળે છે કે પોતાની ક્ષતિ પર પોતે હસે અને બીજાને પણ હસાવે. તેમનું જીવન એટલું બધું ખુલ્લું હોય છે કે લગભગ વાચકો કટાક્ષ લેખકના તેમની પત્ની સાથેના ખાનગી સંવાદો પણ જાણતા જ હોય છે.

આ બાબતમાં મારા એક મિત્રનો દાખલો યાદ આવે છે. એક કટાક્ષ લેખની હરીફાઈમાં તેમને બીજું ઈનામ મળ્યું. ઈનામ લેવા ગયા ત્યારે સમારંભમાં પ્રથમ વિજેતા બહેન સાથે ઓળખાણ થતાં એ બહેને પૂછ્યું : ‘તમને મારી ઈર્ષ્યા થતી હશે કેમ ?’ તેમના જવાબમાં મિત્રે કહ્યું, ‘બહેન ! ખોટું ન લગાડિ તો એક પ્રશ્ન પૂછું : ‘આ તમારો પહેલો જ લેખ હતોને ?’ લેખિકા બહેન કહે ‘તમારી વાત તો સાચી પરંતુ તમને તે કેવી રીતે ખબર પડી ?’ મિત્ર કહે ‘તમે જે પ્રશ્ન પૂછ્યો તે જ દર્શાવે છે કે તમારામાં અનુભવનો અભાવ છે. કટાક્ષ લેખકો કોઈની ઇચ્છા કરે જ નહીં અને જો ઇચ્છા કરે તો કટાક્ષ લેખક થઈ શકે નહીં, હકીકતમાં કટાક્ષ લેખક જ ને અનુસરીને દરેક વસ્તુને, પોતાની જાતને પણ, તટસ્થ રીતે જોવાને ટેવાયેલો હોય છે.

જેમ ઘણા પ્રેક્ષકોને મુખ્ય ચિત્ર શરૂ થયા પહેલા દેખાડાતાં ‘ન્યુઝરીલ’માં કંટાળો આવતો હોય છે તેમ મોટા ભાગના વાચકોને પ્રસ્તાવના વાંચવાનો કંટાળો આવતો હોય છે. તેમાં યે જો પ્રસ્તાવના ભારેખમ હોય તો તો અમારા પેલા વિજ્ઞાન લેખો લખતા મિત્ર કહે છે તેમ લેખ વિષે ‘પ્રુફરીડર’નો જ અભિપ્રાય પૂછવો જોઈએ. કારણ બીજા કોઈએ આખો લેખ વાંચ્યો હોય તો અભિપ્રાય પૂછાયને ? જો કે વિજ્ઞાન લેખ વિષે મારો તો અભિપ્રાય છે કે પ્રુફરીડર પણ ઘણી વખત તો તેમના પર કામનો બોજો એટલો બધો હોય છે કે વાંચ્યા બાદ તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેમણે કટાક્ષ લેખ વાંચ્યો કે વિજ્ઞાન લેખ ! પરંતુ કોઈક વ્યક્તિએ લેખનો શબ્દેશબ્દ વાંચ્યો છે તેવો સંતોષ અને ગર્વ જરૂર લઈ શકાય.

પ્રસ્તાવના લખવાનો એક હેતુ ઘણી વખત પુસ્તકના કાર્યમાં જેમણે મદદ કરી હોય તેનો આભાર માનવાનો પણ હોય છે. હું લખતો થયો અને પુસ્તક છપાવવા સુધી પહોંચ્યો એ માટે જો આભારવિધિ કરવા માટે લિસ્ટ બનાવું તો ખૂબ ખૂબ લાંબું થાય. પરંતુ મુખ્ય મુખ્ય વ્યક્તિઓનો વિચાર કરું તો મારા લેખકપણામાં વિશેષ ફાળો પિતાશ્રી તથા માતુશ્રીનો છે. એ બંનેનો સ્વભાવ એટલો બધો ભીરુ અને ચિંતાળુ કે મારા માતુશ્રી તો અમે કોઈ ઘરની બહાર અમસ્તા પણ નીકળીએ તો પાછા હેમખેમ ઘેર આવી જઈએ એને માટે ભગવાનને માળા અને દીવા માને. પિતાશ્રી બહાર ગયેલ વ્યક્તિને સહેજ મોડું થાય એટલે ઘરમાં રહેલ સભ્યો પર ઊકળી ઊઠે અને મોદું કરનાર વ્યક્તિ આવે એટલે એમનો ગુસ્સો અદૃશ્ય થઈ જાય. આમ અમારે ઘરમાં જ રહેવું પડે તેવી પરિસ્થિતિમાં લખવા સિવાય બીજી કઈ પ્રગતિ થઈ શકે ? તેમની ભીરુ વૃત્તિ મારામાં પણ વારસાગત ઊતરી છે અને એટલે જ મારો પહેલો લેખ છપાવવા મોકલવાની હિંમત જ ન ચાલે.

તે હિંમત સૌથી પહેલાં મારી પત્નીએ દર્શાવી અને એમાં પણ પુરસ્કાર મળ્યો ત્યાર પછી તો સહેજ નવરો બેઠો હોઊં તો ‘હવે આમ નવરા કેમ બેઠા છો, એકાદ લેખ લખી નાખોને’ એવી રીતે મને લખવાની સતત અને સખત પ્રેરણા મળ્યા જ કરે તે કંઈ નાનોસૂનો ફાળો કહેવાય ? આ ઉપરાંત બચપણથી મને મનમાં એમ ઠસી ગયેલું કે લેખક એટલે સાક્ષાત દરિદ્રતા ! તેને તો પેટમાં રોટલી નાખવાને બદલે બહારથી પાટા જ બાંધવાના હોય. સાયકલ તો એક બાજુ રહી પણ પગમાં ચંપલનું પણ ઠેકાણું ન હોય. આપણા જૂના લેખકોના જીવનચરિત્રો પરથી પણ કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો હોય તે શક્ય છે. અને એટલે જ મનોવૈજ્ઞાનિક રીતે લેખક તરીકે બહાર આવતાં કંઈક ડર લાગતો હતો. પરંતુ જ્યારથી ‘ફિલસૂફ’ (ચીનુભાઈ પટવા)ને વાંચ્યા ત્યારથી ખબર પડી કે લેખક સ્કૂટર કે મોટરમાં પોતાનાં પાત્રોને જ ફેરવીને સંતોષ પામે તેવું નથી પોતે પણ તેવાં વાહનોમાં ફરી શકે છે. આમ આ બધાં પરિબળોનો મારે આ તકે આભાર માનવો જોઈએ. જો કે હું કદાચ લેખનને બદલે દારૂ કે જુગારના વ્યસન પર ચડ્યો હોત તો પણ ઉપરના ઘણાખરાં પરિબળોને કારણભૂત દર્શાવી શક્યો હોત એટલે મને લાગે છે કે હું લેખન તરફ વળ્યો તે મારે માટે મારો અને ફક્ત મારો જ આભાર માનવો જોઈએ ! પુસ્તકમાં આવા પ્રકારની પ્રસ્તાવના કેવી શોભી ઊઠે તે વિશે એક લેખક મિત્રનો અભિપ્રાય પૂછતાં તેમણે કહ્યું કે ‘મને તો લાગે છે કે પુસ્તક છપાયા પહેલાં જેમ તેમાના ઘણા લેખો જુદી જુદી જગ્યાએ પ્રસિદ્ધ થઈ ગયા હોય છે અને હકીકતમાં તેની પ્રસ્તાવના જ પ્રથમ વખત છપાતી હોય છે તેમ પ્રસિદ્ધિ પહેલાં આ પ્રસ્તાવના પણ છપાવીને પુસ્તકમાં કંઈપણ નવું ન રહેવા દેવાનો તમારો વિચાર ખરેખર મૌલિક છે. અને તેથી જ પુસ્તક પહેલાં મારા અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના વાચકો સમક્ષ આવી શકી છે.

આભાર: મોકલનારને અને રીડ ગુજરાતીને

http://www.readgujarati.com/2013/11/11/pustak-prastavna/

કવિતાની કેડીએ… – નલિની માડગાંવકર

મિત્રો
ગઈ બેઠકમાં આપણો વિષય હતો” મને ગમે છે “
જેમાં બધાએ પોતાની દ્રષ્ટી થી કવિતાનો આસ્વાદ કરાવ્યો  ખુબ સરસ રહી બેઠક
આજ ચાલો
એક સુંદર કવિતાનો આસ્વાદ માણીએ ……
અને ચાલો કરીએ ગમતાનો ગુલાલ……..

સામી વ્યક્તિ તમારી નજરથી સમગ્ર સંસારના તંત્રને નિહાળે એવી અપેક્ષા શું કામ?

કવિતાની કેડીએ… – નલિની માડગાંવકર

તો?

તને નયન હોત જો મુજ, અને હતે ન્ય્હાળું તેં

સદૈવ મુજ દૃષ્ટિથી સકળ તંત્ર સંસારનું,

શક્યો ન હોત સંભવી કદીય તો વિસંવાદ આ,

ન હોત વણસ્યા બધા મૃદુ મનોરથો આપણા.

અને ઉભય આપણે સુખદ હૂંફ અક્કેકની

સદા અનુભવી કરે કર ગ્રહી, હસી વિઘ્નને,

સ્ત્રજી નિતનવીન કો મુધરપે મનોરાજ્યને,

અખંડ જયકામના ગજવતાં હતે જીવને.

‘અરે! નયન હોત જો મુજ તને!’-રહું ચિન્તવી;

અને હૃદય મુગ્ધ આ દ્રવતું એક નિ:શ્ર્વાસમાં;

મનોરથ વિનષ્ટ સૌ નયન પાસ નાચી, ઘડી

રહે છ મુજ મુંઝવી મતિ; તદા ફરી ચિંતવું.

નિહાળ્યું કંઈ તેં નહીં કદીય નેત્રથી માહરાં;

પરંતુ તુજ નેત્રથી નિરખી હું શક્યો હોત તો?

– મનસુખલાલ ઝવેરી

કવિ સુન્દરમ્-ઉમાશંકર જોશી પછી ગાંધીયુગના કવિઓમાં જેમનો અવાજ અલાયદો તરી આવતો જણાય છે એ છે કવિ મનસુખલાલ ઝવેરી. પંડિતયુગના સાક્ષર કવિઓ નવાં નવાં કાવ્યસ્વરૂપોનો વારસો પછીની પેઢીને આપ્યો અને આ સ્વરૂપોની ઉપાસના પ્રયોગ અને પરંપરાની સમતુલા જાળવીને ગાંધીયુગના કવિઓએ કરી છે. આજે એવા જ એક સોનેટની વાત કરવી છે. સોનેટમાં વિચાર સૂક્ષ્મ ગતિએ છેલ્લી બે પંક્તિઓમાં વળાંક લેતો હોય છે એની પ્રતીતિ અહીં પણ થાય છે.

કવિ મનસુખલાલની કવિતામાં એક ભાવ વારંવાર દેખાય છે અને એ છે વિષાદનો. એ માનતા કે ‘માનવજીવનમાં’ અષાઢ અને ફાગણ-આવનજાવન કરે છે. બાકી જો કોઈ સનાતન મોસમ હોય તો તે શ્રાવણની છે.’ આ માન્યતા જ ઘૂંટાઈ ઘૂંટાઈને અનેક કવિતામાં પ્રગટ થઈ છે. જીવનમાં અનેક કડવાં સત્યનાં ઘૂંટડાં પીધા પછી એને પચાવવા હોય તો સ્વીકૃતિ અને સમજણને સ્થાયી રાખવાં જોઈએ. માણસની વધતી અપેક્ષાઓ જ એને અકળાવીને શંકાશીલ બનાવે છે અને એ શંકાઓ આખરે તેમની વચ્ચેનાં સંબંધસૂત્રને છેદી નાખે છે. આવાં પરિણામોથી દૂર રાખવા ખુદને અને અન્યને જગાડતું આ કાવ્ય છે.

બે વ્યક્તિ વચ્ચેના વિસંવાદના મૂળમાં આવી જ અપેક્ષાઓથી સભર વિષમ ક્ષણો જોવા મળે છે. સમગ્ર જિંદગી માણસ એક જ અફસોસ સાથે જીવતો હોય છે કે ‘મને કોઈ સમજતું નથી. મારી દૃષ્ટિનો કોઈ વિચાર કરતું નથી.’ અહીં ઉપહાસ તો આપણી માન્યતાનો જ થતો હોય છે, કારણ કે સામી વ્યક્તિની ભાવ-ભાવનાઓનો આપણે એકપક્ષી વિચાર કર્યો હોય છે. ચિંતનથી કવિતા ભારેખમ નથી બનતી પણ આપણી દૃષ્ટિ એને ભારેખમ બનાવી દેતી હોય છે. ઝાડ પરથી ખરી પડતાં પીળાં પાંદડાંના ઢગલાઓને વાળીઝૂડીને સાફ કરવાનાં હોય-તો જ એનાં મૂળિયાંને નિરામય બનવામાં ગતિ મળતી હોય છે. પરંતુ આપણે એનો સંચય કરીએ છીએ. એનું ખાતર બનાવવાની આશામાં ભેગાં કરીએ છીએ. અને કોહવાટની દુર્ગંધને સહીએ છીએ. ભલે વનસ્પતિશાસ્ત્રીઓ આ પ્રક્રિયાને સહજ ગણે પણ જીવનમાં મનોકામનાનાં આવાં સૂકાં પર્ણોને આપણે ત્યજી દઈએ એ જ જરૂરી છે. તો જ નિરામય પ્રેમની આપણી અપેક્ષાની નિકટ જઈ શકીશું. કવિતાની શરૂઆત જ વેદનાગ્રસ્ત શબ્દોથી થઈ છે. કવિ એમ નથી કહેતા કે ‘તને આંખો નથી’ એ તો કહે છે, ‘તારી પાસે જો મારી દૃષ્ટિ હોત તો’ જાણે કે બે વ્યક્તિ વચ્ચેની ગેરસમજૂતીનું બીજ અહીં રોપાઈ ગયું છે. શા માટે ભાઈ? સામી વ્યક્તિ તમારી નજરથી સમગ્ર સંસારના તંત્રને નિહાળે એવી અપેક્ષા શું કામ રાખો છો? જીવનસાથીનો હાથ પકડીએ છીએ ત્યાં જ બે હથેળીના સંગમમાં એકબીજાના જીવનની પુરુષાર્થની દિશા એક થઈ જતી હોય છે. અથવા તો સમાંતર દિશાએ ગતિ કરતી હોય છે. પછી બે પંક્તિઓમાં કવિ વણસતા સંબંધો માટેનો સંકેત આપે છે. વિસંવાદિતા જાગે છે. મૃદુ મનોરથો એકના નથી, બંનેના છે. એ વણસે છે એટલા માટે કે સામી વ્યક્તિ આપણા અંતિમથી વિચારે એવી અપેક્ષા રાખીએ છીએ, આપણે માનીએ છીએ કે આપણું પ્રિયજન જો બધા જ સંજોગોમાં આપણી દિશાએથી વિચાર કરે તો વિરોધનો સંભવ જ નથી હોતો. કવિતાના બીજા શ્ર્લોકમાં સુખી દાંપત્યજીવનનું એક સ્વપ્ન છે. એકબીજાની સુખદ હૂંફને અનુભવતાં, હાથમાં હાથ ગ્રહીને સુખ પામતાં અને વિષમતા તથા વિરોધી જીવનતત્ત્વોને હસતાં હસતાં દૂર કરી શકીએ જો આપણે એકબીજાને સમજી શકીએ તો! કવિતાનો દરેક શ્ર્લોક આ ‘તો’ની અનિશ્ર્ચિતતાનો સંકેત કરે છે. મનોરાજ્યના માધુર્યને અનુભવતાં સર્વ દિશાઓના સાફલ્યને ગજવતો વિજય જ આપણો સાથી બને, પરંતુ આ તો સ્વપ્ન છે. વાસ્તવિકતા આનાથી કંઈક જુદી છે. ત્રીજા શ્ર્લોકના આરંભમાં જે પ્રાપ્ત નથી થયું એના માટેનો આવો જ અફસોસ છે. હૃદય પાસે નિષ્ફળતાના નિ:શ્ર્વાસ સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. અહીં મનોરથ સાથે હંમેશાં હૃદયને કલ્પ્યું છે, પણ મતિ સાથે ફરી ફરીને વિચાર-ચિંતન ઘૂમી રહ્યાં છે. જાણે હૃદય અને બુદ્ધિ બંનેની આ નિષ્ફળતા છે. આપણે જગતને જે નજરથી નિહાળીએ છીએ એ જ નજરથી અન્ય પણ જુએ એવું બનવું શક્ય બને? પરિણામે મૃદુ મનોરથો પણ વણસે છે. મનોરથો કેટલા કોમળ છે? ફૂલની જેમ ખીલતાં અને કરમાતાં એને વાર નથી લાગતી. સામી વ્યક્તિ પોતાની જ દૃષ્ટિથી જગતને જુએ આ ભાવ સાથે માણસની ભીતરની દૃષ્ટિનો કવિ સંકેત કરે છે. જે દૃષ્ટિને ઘડવામાં માણસના અનુભવો-સંચિત અનુભવો બહુ મોટો ભાગ ભજવતાં હોય છે. આ સંચિત અનુભવોમાં જેમ સારું-માઠું સમાયું છે તેમ સુખ અને દુ:ખની અનુભૂતિ પણ જોડાઈ હોય છે.

વાસ્તવમાં અન્ય માટેની સેવેેલી અપેક્ષા જ વહેતા જળ સાથે તણાઈ જતી વસ્તુઓની જેમ નિષ્ફળ બની વહેતી હોય છે. જળની સપાટી પર તરતા દીવાની જેમ એ સાર્થ નથી બનતી. આવાં સ્વપ્નો એ ધૂમ્રસેરની જેમ આકાર બદલનારાં હોય છે. એનો આધાર, એનો બદલાતો ઘાટ વહેતી હવાની પર નિર્ભર હોય છે. આ વેરવિખેર સ્વપ્ન આપણી જિંદગી પર કાયમનો વસવસો મૂકતી જાય છે. ધ્રુવપંક્તિની જેમ એક જ વાત મનમાં ધુમરાતી હોય છે;

‘મને કોઈ સમજી શકતું નથી.’ આ માન્યતા એટલી બધી બળકટ હોય છે કે એ માણસના સમગ્ર જીવનને, એની મહત્ત્વાકાંક્ષાઓને, સ્વપ્નોને પોતાની મુઠ્ઠીમાં જકડી રાખે છે.

છેલ્લી બે પંક્તિમાં સોનેટનો વળાંક પ્રભાવક લાગે છે.

બાર પંક્તિ સુધી કવિ જાણે ‘તું’, ‘હું’,ના સંબંધમાંથી જન્મતા ‘આપણે’ ને જ કેન્દ્રમાં રાખે છે. પરંતુ છેલ્લી બે પંક્તિમા કવિ માનવીય સંબંધને નવો વળાંક આપે છે.

સંબંધનો એક છેડો જેમ બે વ્યક્તિને જોડનારો છે તેમ બીજો છેડો એને ખુદને પણ અંતરના સંબંધથી જોડનારો છે. જે માણસ ભીતરથી ખુદની સાથે સંબંધ બાંધી પરિસ્થિતિની સચ્ચાઈને ઓળખી શકે છે એને જગત સાથેના સંબંધમાં વધુ તડજોડ કરવી પડતી નથી. જે વ્યક્તિને ચાહતાં હોઈએ એ પણ આવા ભીતરના સંબંધતંતુથી જોડાયેલી હોય છે.

આ સત્ય જે સમજી શકે છે એના અંતરમાંથી જાગેલી આ કવિતાની છેલ્લી બે પંક્તિઓ છે. માની લો કે તમારું પ્રિયજન તમારી દૃષ્ટિથી જગતને જોઈ શકતું નથી. તો તમે તો એની નજરથી જોઈ શક્યા હોત? કવિતામાં પ્રગટ થતી વેદના અહીં જ જાણે અંતિમ ચોટને સાધે છે. શક્યો હોત તો? જે સમયમાં આવું બનવું શક્ય હતું એ સમય જ હવે હાથમાંથી ચાલ્યો ગયો છે. આંતરરૂપ સાથેની તન્મયતા જાણી લીધી પછી અપેક્ષાઓ ઓગળી શકી, સામી વ્યક્તિના અંતિમેથી વિચારી પણ શકાયું છતાં આવા અદ્વૈતને સાધવાનો સમય હાથમાં ન રહ્યો. પ્રેમનો મર્મ સમજાવવા અને સમજવા માટેની આ કેન્દ્રની અનુભૂતિ છે. જે પોતાની અપેક્ષાઓને ઓગાળી દઈને સામી વ્યક્તિની અપેક્ષાઓને જાણીને એને સંતોષવા પ્રયત્ન કરે છે એની પાસે પ્રેમ શબ્દ બોલ્યા વગર પણ પ્રતીત થતો હોય છે.

કવિતાની આ ‘તો’?ની દૃષ્ટિની યથાર્થતા ફક્ત પતિ-પત્ની કે બે પ્રેમીઓને જ સ્પર્શતી નથી, પરંતુ પ્રેમના વિશ્ર્વમાં જેમના અસ્તિત્વને આપણે પોતીકું બનાવ્યું છે એ પિતા-પુત્ર કે માતા-પુત્રીની પણ હોઈ શકે. પ્રેમ આત્મરતિને સ્થાન આપતો નથી. આવો પ્રેમ જ અવનિનું અમૃત બની શકે છે.

સૌજન્ય :મુંબઈ સમાચાર -આભાર

જતા વર્ષને સલામ. નવા વર્ષનુ સ્વાગત.

મિત્રો

આજે કોમ્પુટરમાં કેલેન્ડર  એની મળે બદલાશે, 

અને 2014 ઝાકળ માકળ સાથે પ્રવેશશે  

જે ગયું તે પર શું રોવું,

આવ્યુ છે તે વધાવી લ્યો

આપણે સમય સાથે આગળ વધશું,

નવી તમન્ના ઓને જગાડો સંકલ્પ કરો.

 નવા વર્ષમાં પણ દિલ ખોલીને લખતા રહેશું

 અને સર્વેને ઢંઢોળતા રહેશું.

કે હું ક્યારેય મુરજાઇ નહિ, 

મારા સપનાઓથી ખીલતો રહીશ,

હું જીવતો રહીશ, ​

મારી સંવેદના ઓને સજીવન રાખીશ.

​જિંદગીની હરેક પળ ને ખુબ માણીશ,

મન મોકળું કરી જીવીશ,

નથી તો શોધીશ,

છે તેને માણીશ અને જાળવીશ.

આજે નવા વર્ષના પહલે પ્રભાતે, 

ખોટા અભિપ્રાય થી મુક્ત થઈ, આપણે હળવા થાશું,

રોજિંદા જીવનની ઘટમાળ અને ઘોંઘાટ વચ્ચે

જે કંઈ હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું,

જાણ્યું-માણ્યું કે અનુભવ્યું,

​તે ગમતી ક્ષણો ને વાગોળીશ…

નથી કર્યું તે પૂરું કરીશ.

મારી શક્તિઓને જગાડીશ. 

મારા સાચા સ્વરૂપને પામીશ.

નવા વર્ષની શુભ પ્રભાતે નવા કિરણો પ્રવેશે

ત્યારે આપણે સહુ પૂર્ણ પણે ખીલેલા હશું….

તેથી વધુ શું જોઈએ?

                              ​નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ…..

નવુ વરસ ખુબ શાંતિ, સુખ અને સમૃધ્ધિ. 

સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય લાવે એવી ઇશ્વ્રરને પ્રાર્થના.

જતા વર્ષને સલામ. નવા વર્ષનુ સ્વાગત. સર્વત્ર માંગલ્ય વરસો.

Pragnaji

ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

મિત્રો 
   
બીજી ઓક્ટોબરનો દોર આગળ ચલાવતા …..
ગાંધી હજી જીવે છે  અને નવી પેઢીમાં આપણે જીવાડવાના છે રેટીંયો,સત્યાગ્રહ ,ઉપવાસ કે  દાંડીકુચ ભલે ભુલાઈ  ગયા હોય ભલે નવા જમાના સાથે બધું બદલાઈ ગયું હોય પણ ગાંધીજી  હતા અને રહશે… એ સત્ય છે અને સત્ય કયારે બદલાતું નથી  જ્યાં સત્યનો આગ્રહ છે ત્યાં ગાંધી છે ગાંધીજી જીવંત સત્ય સ્વરૂપ હતા  ગાંધી હજી લોકોના દિલમાં છે ગાંધીજી  કયાં નથી ?નવી પેઢી ની 10 વર્ષની છોકરીના સવાલમાં ગાંધી જીવે છે સત્યને જાણવાની જીજ્ઞાસા માં ગાંધી જીવે છે। … આજે ફૂલવતી બેને એમના ગુરુની કલમેં લખેલી કવિતા મોકલી છે જે વાંચ્યા પછી ખાતરી થઇ જશે……  તો મિત્રો ચાલો ગમતાનો ગુલાલ કરીએ ખાસ જાણવાનું કે ફૂલવતી બેનને આ કવિતા રજુ કરવા માટે શાળામાં ઇનામ મળ્યું હતું  

ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

ગગને ગાજે ને વિશ્વ હૈયે રાચે …..ગાંધી બાપુનું નામ

સત્ય અહિંસા ના શસ્ત્રે જંગ કઈક ખેલીયા,

ભારત માતાની મુક્તિ ને કાજે ……ગાંધી બાપુ નું નામ

અર્પ્યુતું જીવન આ સેવા માં દેશની

પીડીત દલીત હરીજન ને કાજે …….ગાંધી બાપુનું નામ

હિન્દુ મુસલમાન ઐકય કાજ પ્રાણ અર્પીને

ચાલી ગયા એ દિવ્ય પંથે આજે …….ગાંધી બાપુનું નામ

તકલી નાં તાન માં ને રેંટીયાના ગાન માં

આજે એ ” મોહન ની વેણુ વાજે ” ….ગાંધી બાપુ નું નામ

ભારત નો ભાગ્ય વિધાયક એ ભગવાન શો,

લાવ્યો સ્વાતંત્ર હીંદ મૈયા કાજે ……ગાંધી બાપુ નું નામ

હરદમ હસતી એ હેતમુર્તી જગ સંત ની

ભારત વાસી ને હૈયે હૈયે રાચે …….ગાંધી બાપુ નું નામ

વ્યોમ લિખિત તારાંકિત દીવ્યલેખ વાંચજો

અમ્મર છે ગાંધી બાપુ અવની પાટે …. ગાંધી બાપુ નુ નામ

વંદન હો લાખ લાખ જગના એ સંતને

” વિષ્ણુ ” હૈયામાં સદા બાપુ બીરાજે . .. .ગાંધી બાપુ નું નામ
ગાંધી બાપુનું નામ ગગને ગાજે!

ગગને ગાજે ને વિશ્વ હૈયે રાચે …..ગાંધી બાપુનું નામ

સત્ય અહિંસા ના શસ્ત્રે જંગ કઈક ખેલીયા,

ભારત માતાની મુક્તિ ને કાજે ……ગાંધી બાપુ નું નામ

અર્પ્યુતું જીવન આ સેવા માં દેશની

પીડીત દલીત હરીજન ને કાજે …….ગાંધી બાપુનું નામ

હિન્દુ મુસલમાન ઐકય કાજ પ્રાણ અર્પીને

ચાલી ગયા એ દિવ્ય પંથે આજે …….ગાંધી બાપુનું નામ

તકલી નાં તાન માં ને રેંટીયાના ગાન માં

આજે એ ” મોહન ની વેણુ વાજે ” ….ગાંધી બાપુ નું નામ

ભારત નો ભાગ્ય વિધાયક એ ભગવાન શો,

લાવ્યો સ્વાતંત્ર હીંદ મૈયા કાજે ……ગાંધી બાપુ નું નામ

હરદમ હસતી એ હેતમુર્તી જગ સંત ની

ભારત વાસી ને હૈયે હૈયે રાચે …….ગાંધી બાપુ નું નામ

વ્યોમ લિખિત તારાંકિત દીવ્યલેખ વાંચજો

અમ્મર છે ગાંધી બાપુ અવની પાટે …. ગાંધી બાપુ નુ નામ

                                         વિષ્ણુપ્રસાદ પંડ્યા 

અમે બસ અહીં સુધી પહોંચ્યા…!-ડો.મહેશ રાવલ

મિત્રો
એક ખુશીના સમાચાર સાથે જાણવાનું કે સાહિત્યક્ષેત્રે  કાર્યરત એવા ડૉ. મહેશભાઈ રાવલ(રાજકોટ)   બે એરિયામાં કાયમી વસવાટ માટે આવી ગયેલ છે અને તેનો લાભ રજૂઆત દ્વારા આપણને મળતો રહેશે પરંતુ ,જેઓં લખવા ઈચ્છતા હોય અથવા લખતા હોય તેમને તેનું માર્ગદર્શન પણ મળતું રહેશે. તો વિના સંકોચે તેમને email  અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકશો .
આ સાથે એમની લખેલી નો  તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” ની ૧૦૦મી  છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહી  છું .આ ગઝલની પહેલી બે લાઈન મને એટલી સ્પર્શે છે કે સહજતાનો સહારો લઇ તેઓ અહી સુધી પહોચ્યા. આમ જોવા જઈએ તો આખી ગઝલમાં કયારેક ઉત્તમ વિચારો તો કયારેક જાતઅનુભવ અને અંતે આધાત્મિકતા નજરે ચડે છે ,આમ  ભાવ અને લયનો જવાબ જ નથી ટુકમાંએક સફળ કવિના શબ્દોની તાકાત અનુભવી છે.

આપ સર્વે પણ આ અનુભવી કલમને માણો.

ડૉ. મહેશભાઈ રાવલ શબ્દોનુંસર્જન  બ્લોગ પર આપનું  હાર્દિક સ્વાગત..

તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા

અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.

ડો.મહેશ રાવલ

ડૉ.મહેશ રાવલ.http://navesar.wordpress.com

408-329-3608

 

કૃષ્ણકાંત ઉનડકટ,

 

આજે તારીખિયું બદલી ગયું. કેલેડન્ડરના ડટ્ટા હવે આઉટ ઓફ ડેઇટ થઇ ગયા છે. સમય ડિઝિટલ બની ગયો છે. મોબાઇલ, ટેબલેટ,લેપટોપ અને કમ્પ્યૂટરમાં સમય ચૂપચાપ આંકડા બદલતો રહે છે અને આગળ વધતો રહે છે. સતત પરિવર્તન એ સમયની પ્રકૃતિ છે. ઘડિયાળની ફિતરત આગળને આગળ વધવાની છે, પણ આપણી ? આ વર્ષમાં આપણી લાઇફમાં કેટલી જિંદગી ઉમેરાઇ ?

સમયને આપણે પકડી નથી શકતા પણ આપણે જો ધારીએ તો સમયની સાથે વહી જરૂર શકીએ છીએ. એક વર્ષ પૂરું થયું, જતું વર્ષ એ જ શીખવે છે કે ગયું એ ગયું. જરાક પાછળ વળીને જોયું તો કેટકેટલીય ઘટનાઓ સામે આવી જશે. કેટલું બધુ બનતું હોય છે આપણા સહુની જિંદગીમાં ? થોડુંક સારું અને થોડુંક ખરાબ, થોડાક અપ્સ અને થોડાક ડાઉન્સ, થોડુંક રેડ અને થોડુંક ગ્રીન,થોડીક યાદો અને થોડાક વિવાદો, થોડોક ગમ અને થોડીક ખુશી… સરવાળા-બાદબાકી કરવાનો કોઇ મતલબ નથી. સવાલ એ છે કે આજે નવા વર્ષના પહેલા પ્રભાતે આપણે કેટલા હળવા છીએ ? નવું વર્ષ એ જ કહેતું હોય છે કે જૂનું ખંખેરી નાંખો. જો તમે ભાર ઉતારી નહીં નાખો તો એની જ નીચે દબાઇ જશો.

નવા વર્ષના દિવસે રિઝોલ્યુશન પાસ કરવાની એક વણલખી પરંપરા છે. રિઝોલ્યુશન સાથે એક એ વાત પણ કહેવાતી આવી છે કે રિઝોલ્યુશન ટકતા નથી. નવા વર્ષે કરેલો સંકલ્પ લાભપાંચમ આવે ત્યાં સુધીમાં તો લડખડાવવા મંડે છે. રિઝોલ્યુશન ટકતા નથી કે પછી આપણે તેને ટકવા દેતા નથી ? ગમે તે હોય પણ લોકોને રિઝોલ્યુશન પ્રત્યે લગાવ તો હોય જ છે, કારણ કે કંઇ નવું શરૂ થાય ત્યારે આપણને પણ કંઇક નવું કરવાની તમન્ના જાગે છે.

જિંદગીમાં કરવા જેવા સંકલ્પો ઘણા હોય છે. કરવા જેવો એક સંકલ્પ એ છે કે, હું કરમાઇશ નહીં, હું ખીલેલો રહીશ અને હું જીવતો રહીશ. માત્ર શ્વાસ ચાલતો હોય એ જીવવું નથી, સતત ધબકતા રહેવું એ જીવવું છે. આપણા ચહેરા ઉપરથી હાસ્ય ક્યાંય ગુમ થઇ ગયું છે. તમે ક્યારેય અરીસા સામે ઊભા રહી તમારી સામે જ સ્મિત કર્યું છે ? કરી જોજો, તમને પોતાને જ એવું લાગશે કે હસતો ચહેરો કેટલો સુંદર લાગે છે ! તો પછી તમે હસવાનું પ્રમાણ શા માટે વધારી નથી દેતા? ચાલો આજે એક સંકલ્પ કરીએ કે આગામી વર્ષમા હું થોડુંક વધારે હસવાનું રાખીશ.

કરવું હોય તો બીજુ પણ ઘણું બધું કરવા જેવું છે. એક વ્યક્તિનો ચહેરો તમારી આંખમાં ઉપસાવો અને નક્કી કરો કે હું તેને આખી જિદંગી સતત પ્રેમ કરીશ. આખી દુનિયામાંથી એક વ્યક્તિ તો અપવાદ હોવી જ જોઇએ એવું તમને નથી લાગતું ? સાથોસાથ એક વ્યક્તિને નફરત ન કરવાનું પણ નક્કી કરવા જેવું છે. ઘણી વખત આપણો વાંધો એ હોય છે કે આપણે માફ નથી કરી શકતા. થોડુંક જતું કરીને આપણે ઘણુ બધુ મેળવતા હોઇએ છીએ. એકાદ જૂના સંબંધને પણ જીવતો કરવો જોઇએ. સ્મરણોને થોડાક ઢંઢોળો તો એકાદ એવો ચહેરો સામે આવી જશે જેની સાથે તમે ખડખડાટ હસ્યા હતા. જેને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી નહોતી પડતી. તમારાથી ડિસ્ટર્બ ન થતી હોય એવી કોઇ વ્યક્તિ જો તમારી પાસે હોય તો એને જતનપૂર્વક સાચવી રાખો.

આપણા બધાની લાઇફ બહુ રુટીન થઇ ગઇ છે. રોજ એક જ શેડયુલ. હોલિડેના દિવસે પણ આપણે દર હોલિડે જેવું જ કરતાં હોઇએ છીએ. કંઇ જ નવું હોતું નથી એટલે બધુ બોરિંગ અને કંટાળાજનક લાગવા માંડે છે. અરે આપણે તો ઓફિસે કે દુકાને જવાના રસ્તા પણ બદલાતા હોતા નથી. તમે માર્ક કરજો, ઘણા રસ્તા હશે તો પણ તમને એકના એક રસ્તે જ જતાં હશો. નવા વર્ષમાં થોડોક રસ્તો તો બદલી જુઓ. જિંદગી તો દરેક ક્ષણે બદલવાની તક આપતી હોય છે, આપણે જ જડ થઇ ગયા હોઇએ છીએ.

સંવેદનાને પણ જો સજીવન ન રાખીએ તો એ ચીમળાઇ જાય છે. આપણને બધાને જિંદગીનો અહેસાસ જોતો હોય છે પણ એ અનુભૂતિની આવડત આપણે ગુમાવી દેતા હોઇએ છેએ. નવું વર્ષ આપણને જિંદગીની થોડીક નજીક લઇ જાય તો એનાથી રૂડી વાત બીજી કોઇ ન હોય શકે.

દુનિયા ચાલવાની જ છે. રાજકારણ ખેલાવાનું જ છે. કૌભાંડો થવાના જ છે, મોંઘવારી વધવાની જ છે અને ન ગમતું હોય એવું થતું જ રહેવાનું છે. આપણને ગમતું હોય એવું આપણે શોધવું પડે છે અને મળી જાય તો એને જાળવી રાખવું પડે છે. ગમતી ક્ષણોને જીવતી રાખો તો જિંદગી જીવવા જેવી લાગશે. કોઇ અફસોસ નહીં, કોઇ અણગમો નહીં, કોઇ ઉશ્કેરાટ નહીં… બસ જિંદગી. તમે અને તમારો સમય, તમે અને તમારી ક્ષણો, તમે અને તમારી ખુશી, તમે અને તમારી શક્તિ, તમે અને તમારી વ્યક્તિ… ઔર જિને કો ક્યા ચાહિયે ? નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે

અત્યાર સુધીનાં મારાં ગુજરાતી લખાણો કરતાં કાંઈક જુદા પ્રકારનું જ લખાણ લખવાની મને ઘણા સમયથી અંતરના ઉંડાણમાં તમન્ના હતી. તેને ન્યાય આપવા અને એક સામાજીક પ્રદુષણનો નાશ કરવા મારે આજે આંતરમનોવેદના, આસ્થા, શ્રદ્ધા અને ઈશ્વર અંગેનો મારો પોતાનો સ્વતંત્ર સ્પષ્ટ અભીપ્રાય પ્રસ્તુત કરવો છે. જોરાવરનગરના ભાઈશ્રી. જમનાદાસ કોટેચાએ તે માટે મને ઈજન અને તક આપ્યાં છે તેને વધાવી લઈ મારી વાત કરું છું. જીવનની સત્ય અનુભવેલી સ્થીતી–પરીસ્થીતીનું મારું આ તારણ છે.

ભગવાન, પરમેશ્વર, ઈશ્વર અંગે માનવસમાજના બે ભાગ આદીકાળથી જ પડેલા છે. એમાં ત્રીજો એક વીભાગ છેલ્લા ૫૦૦ વરસથી ઉમેરાયો છે. તે છે ‘ઈશ્વર છે અને નથી…’ ઈશ્વર નથી; છતાં છે પર પરમ્પરાગત માન્યતાઓને સ્વીકારી જીવનારો ત્રીજો વર્ગ. ‘ધોબીનો કુતરો ન ઘરનો; ન ઘાટનો’ એવી દશામાં તેઓ જીવે છે; છતાં દમ્ભ અન્તરને સુખ લેવા દેતો નથી એટલે આસ્તીક અને નાસ્તીક એ બન્ને પ્રકારના લોકોને અવગણે છે, તીરસ્કારે છે, સતત અસન્તોષની આગમાં બળતા રહે છે.

તો મારે એ બાબત કાંઈક અલગ જ કહેવું છે. મેં ગુજરાતી, હીન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ઘણા ઉત્તમ ગ્રંથો વાંચ્યા છે. વેદોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વીશ્વના ૧૨ મોટા સમ્પ્રદાયો કહેવાય છે તેના દરેક પવીત્ર ગ્રંથનો અભ્યાસ – અનુવાદ કરાવીને પણ – કર્યો છે. ક્યાંય ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળ્યો હોય તેવો એક પણ દાખલો નથી, પુરાવો નથી. હા, જીવ ઈશ્વરનો અંશ છે, જીવમાત્ર સમાન ગુણધર્મ ધરાવે છે, તે વૈજ્ઞાનીક સીદ્ધાન્તો દ્વારા જીવશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. માનવ કે અન્ય જીવની ઉત્પત્તી એ શરીરવીજ્ઞાનની એક ક્રીયાનું જ પરીણામ છે. તેમાં ઈશ્વર કાંઈ કરતો જ નથી. છતાં આપણે ઈશ્વરના ફોટા, મુર્તી, છબીઓ, ધુપ–દીપ, માળા, પુજા, મંદીર, આરતી વગેરે ઈશ્વર વીશે માત્ર ને માત્ર કલ્પનાથી લખાયેલી વાર્તાઓ કે ધર્મગ્રંથોની પુરાણી દૃષ્ટાન્ત કથાઓને આધારે જ કર્યા કરીએ છીએ. આપણે આગળની વાત પછી કરીએ. પૃથ્વીની રચના થયા પછી માનવની ઉત્પત્તીનો ઈતીહાસ આજે સૌ જાણે છે. શેવાળથી માંડી આજ સુધીના માનવપ્રગતીના ઈતીહાસમાં ઈશ્વરે કોઈ કામ કર્યું હોય અથવા કોઈપણ માનવને કે જીવને તે રુબરુ મળ્યા હોય તેવું બન્યું નથી, બનવાનું પણ નથી; છતાં જે અન્ધશ્રદ્ધાપુર્ણ માન્યતાઓ જ છે તેને સત્ય માની, આપણે જીવનનો ઘણો કીમતી સમય કર્મકાંડ, દોરા–ધાગા, પુજા–જાપ, મંત્ર–તંત્ર, ભુત–ભુવા, ગ્રહોની પીડા વગેરેમાં વેડફી રહ્યા છીએ. આ બધું ખોટું છે, સત્યથી વેગળું છે. જેને તમે ભગવાન, ઈશ્વર કે પરમેશ્વર માનો છો તે તત્ત્વ નીર્મળ સત્ય છે. આ નીરંજન–નીરાકાર પરમ તત્ત્વ સાથે આજની આપણી ઘોર અન્ધશ્રદ્ધા–ગેરસમજોને કોઈ નાતો નથી અને આપણે કાળા દોરડાને અન્ધારામાં સાપ માની ડરીને, અજ્ઞાનતાથી કાંઈ પણ વીચાર કર્યા વગર, આંખો મીંચી ઈશ્વરને નામે થતાં પાખંડો, ભ્રષ્ટાચારો, વ્યભીચારોને પોષણ આપીએ છીએ એ ભયંકર પાપ છે. આ આપણું સામાજીક પ્રદુષણ છે જે કેન્સર ટી.બી. કે અસાધ્ય રોગ બની માનવજાતને ભયંકર નુકસાન કરી રહ્યું છે.

અનુભવ અને અભ્યાસને આધારે મારી સ્પષ્ટ માન્યતા છે કે જ્યોતીષ, ગ્રહો, દોરા, જાપ અને કર્મકાંડી વીધીવીધાનથી સુખ, સન્તોષ, સમ્પત્તી, સન્તાન મળે છે તે હળાહળ ખોટું છે. માત્ર ભ્રમ ઉભો કરી કહેવાતા ‘પાખંડી લોકોને પેટ ભરવાનો જાહેર ધંધો’ છે જે ખુલ્લેઆમ લુંટ સીવાય બીજું કશું નથી. મારા પીતા અમને વારસામાં જે આપી ગયા છે તેને અણમોલ શીખામણ કહો કે ઈશ્વર વીશેની સત્ય વ્યાખ્યા કહો, તે પ્રમાણે આજે ૭૫ વરસે હું નીડરપણે મારો સત્ય અભીપ્રાય જાહેરમાં આપવા સક્ષમ છું. કારણ બહુ જ સ્પષ્ટ છે, મને ધર્મગ્રંથો, સાહીત્યની ઉત્તમ કૃતીઓ, મહાન ગણાતા સન્તો–મહન્તો, આચાર્યો, પંડીતોની વાણી તેમ જ ૭૫ વરસની લાંબી જીવનયાત્રામાં ઈશ્વરનો સાક્ષાત્કાર, પ્રત્યક્ષ અનુભવ કરેલ હોય એવું કોઈ જ મળ્યું નથી. તેમ જ અગાઉ કોઈને મળ્યા હોય તેવો એક પણ દાખલો જગતભરમાં નથી તે સાબીત કરવાની મારી તૈયારી છે.

હવે વાંચો મારી વાત :

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત – મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરા–ધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  

‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના – સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાન–દક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાત–જાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’

છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુ– સીધુંસામાન–દાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’

 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, ‘આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’

આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.

છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?

શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

લેખક સમ્પર્ક: ડૉ. પ્રતાપ પંડ્યા,

‘ઘર’ – એ-1/1 સામ્રાજ્ય –2, મુંજ મહુડા, વડોદરા – 390 020 ફોન : 0265- 231 2793 મોબાઈલ : 98253 23617 ઈ–મેઈલ : pratapbhai@gmail.com

અમેરીકાનો સેલફોન નંબર :  949 340 7533

http://govindmaru.wordpress.com/-આ લેખ સાભાર લેવામાં આવ્યો છે.

(લેખક હાલ અમેરીકાના પ્રવાસે છે. એક મહીના પછી સ્વગૃહે વડોદરા પરત થશે.)

પર્યુષણ આત્મશુદ્ધિનું પર્વ

જૈનોમા મહાનપર્વ પયુર્ષણ પર્વ છે.
આત્મ જાગૃતિનું મહાપર્વ…
માનવી વિજ્ઞાનને સિદ્ધ કરી શકયો છે,
પણ પોતાની
આંતરિક અશાંતિ અને વિષાદનો ઉપાય એ નથી કરી શકયો.
સ્થૂળ સંપત્તિ અને સાધનોને એ પામ્યો છે,
પણ અંતર ખાલી અને શુષ્ક પડયું છે….
પર્યુષણના આ પાવન અવસરે આપણૅ
તપશ્ચર્યા દ્વારા અને સેવા પુજા તથા પ્રભુના રંગમા રંગાઇને
આપણા તીર્થંકર પરમાત્મા નુ જિવન ચરિત્ર નુ વાંચન સાંભળી ને આપણુ જીવન તો જિવદયાપુર્ણ બનાવવાની કોશીશ કરી રહ્યા છીય..ત્યારે ચાલો થોડા વિચારો  દ્વારા આત્માને જગાડીએ.
તપ   
પર્યુષણ એટલે તપ-ત્યાગ  કરવાનો અવસર .
તપ એટલે ત્યાગ અથવા
સંયમ …તપ પોસાય તેટલું જ કરો આત્મા નિરાહારી છે ..દેહ આહારી છે .એ જ્ઞાની પાસે થી સમજી લેવું જોઈએ ..કારણ તપના તારણમાં આત્મા ન જડ્યો તો તપ નકામા કહેવાય .તપ ઊપયોગ પૂર્વક કરવો જરૂરી છે .નિરંતર ઉણોદરી એ તપ છે . વસ્તુનો ત્યાગ નથી કરવાનો પરંતુ વસ્તુની મૂર્ચ્છાનો ત્યાગ કરવાનો છે .ખોરાક કે વસ્તુની મૂર્ચ્છા જવાથી વસ્તુ નો ત્યાગ સહેજે ત્યાગ થઇ જશે ..સહેજે વર્તે તે વ્રત .યાદ ન  આવે તે વ્રત ..નિરંતર સ્વભાવમાં જ હોય તે જ તપ . ખરો ત્યાગ કે જે મનમાં વિચારો ઉત્પન્ન થાય ગમતા કે અણગમતા વાણીના જે જે પરમાણું ઉડે તેમાં પોતે તન્મયાકાર ના થાય તેને શુદ્ધ ત્યાગ કહ્યો છે ..સ્વાભાવિક જ્ઞાન ,દર્શન ચરિત્ર અને તપને એ મોક્ષના ચાર પાયા છે
હું શુદ્ધ સ્વરૂપ છું એ જ્ઞાન હું શુદ્ધ આત્મા છું એવી પ્રતીતિ રહે એ દર્શન અને જ્ઞાન દ્રષ્ટા રહે એ ચરિત્ર અને બહાર કશું થાય અને તપે ત્યારે એને જોવું અને જાણવું એ તપ અને અદીઠ તપ ,આંતર નું તપ .બાહ્ય તપથી સારી ગતિ મળે જયારે મોક્ષ માટે આંતર તપ જોઈએ .આંતર તપ એજ યથાર્થ  પુરુષાર્થ ….પ્રતિક્રમણ એ આંતરિક તપ.

અથર્વવેદ”માં પણ કહું છે કે “આત્મકલ્યાણની ઇચ્છા રાખનારને પહેલા તપનીની દિક્ષા આપવામાં આવે છે. એનાથી શરીરબળ, મનોબળ પદ-પ્રતિષ્ઠા અને સુખ પ્રાપ્ત થાય છે.”ગીતામાં બતાવ્યા મુજબ તપ ત્રણ પ્રકારના છે- શારીરિક તપ, વાણી નું તપ, અને માનસિક તપ..જે રીતે સોનાને તપાવવાથી તેનો મેલ ઉતરી જાય છે તે જ રીતે તપના માધ્યમથી શરીરની અંદરનો અને આત્માનો મળ વિકાર દૂર થાય છે.માટે તપને ત્યાગને સયંમ ને જાણો અને સમજો..તપને ને  ક્રિયા ન બનવો હું તપનો કરતા છું એવું ભાન થાય છે ત્યાં સુથી એ ક્રિયાકાંડ છે ..મોક્ષ માર્ગ કષ્ટ નથી સંસાર અઘરો છે અને જ્યાં  કષ્ટ છે ત્યાં મોક્ષ નથી .ભગવાને કહું છે તપ કરજો પરન્તું ઉપયોગપૂર્વક.
(વિવિધ પુસ્તકો માંથી સંકલન કર્યું છે )
 
હું, વ્રત, એકટાણાં ઉપવાસ કરું.
અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,
તો મારું એ તપ મિથ્યા છે.
હું મંદિરે જાઉં, ફુલ ચડાવું, માળા ગણું
અને મારા કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,
તો મારી એ પૂજા મિથ્યા છે.
હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું
અને મારા ચિતમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ
નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.
હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું,
અને મારી ઈચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,
મારો દેહભાવ ઢીલો ન પડે,
તો મારી એ સાધના મિથ્યા છે.
હે પરમાત્મા, હું પ્રાથના કરું ને તમારું નામ લઉં
અને મારા જીવનમાં પ્રેમ કરુણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,
તો મારો તમારો સાથેનો સબંધ મિથ્યા છે.

—–પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ—-

આ પ્રાર્થના અંકિત ત્રિવેદીના આવાજમાં જરૂરથી સાંભળો ..

 આભાર હિના પરીખ

http://heenaparekh.com/2011/08/01/mithya-chhe/#comment-2205

નવકાર મંત્ર

નવકાર મંત્ર

બોલીએ   નમો  મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન   કરીએ  મહાપ્રભુને   ,  નિરખી   નિમઁલ આંખોમાં

વંદન    કરીએ     અરિહંતને  ,   ૐ   નમો    અરિહંતાણં
ધ્યાન   ધરી   સિધ્ધ   ભગવંતોનુ  ,  ૐ  નમો સિધ્ધાણં

મન  સ્મરીલે  આચાયૅ દેવોને ,  ૐ  નમો  આયરિયાણં
વંદન    ઉપાધ્યાય   દેવોને  ,  ૐ   નમો   ઉવજ્ઝાયણં

તમે   અમારા   તારણહારા    ગાઇએ    તવ   ગુણગાન
વંદન  સઘળા  સાધુજનોને  ,  નમો  લોએ  સવ્વસાહૂણં
રોમ  રોમમાં  પુલકિત  થઇને   પંચ દેવને  નમન કરો
પળે   પળે   સૌ  જપતા  રહીએ ,  અસો પંચ  નમુક્કારો

દૂર   થશે  સઘળા  પાપો , નિત્ય    હૈયે   નવકાર  ગણો
અર્થ એનો સૌ સહુ  સમજી લઇએ , સવ્વપાવપ્પણાસણૉ

મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં    ચ    સવ્વેસિં  ,   પઢમં      હવઇ    મંગલમ્

                                                             –  અમિત ત્રિવેદી

મંત્રએ વિજ્ઞાન  છે, અંધશ્રદ્ધાનો વિષય નથી..
નવકાર મંત્ર અને ગાયત્રી એ યુનિવર્સલ મંત્ર છે.મંત્ર માટે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સર્વશ્રેષ્ઠ છે.કેમકે મંત્રમાં શક્તિ છે. જાપનાં ત્રણ પ્રકાર હોય છે. વિજ્ઞાાનની દ્રષ્ટિએ જોઇએ પ્રથમ પ્રકારનાં ભાષ્ય જાપમાં મંત્રની કંપસંખ્યા(ફ્રિક્વન્સી) ૩૩૦ મીટર પ્રતિ સેકન્ડની હોય છે.
ઉપાંશુ જાપમાં ૨૦ હજાર મીટર પ્રતિ સેકન્ડ હોય છે અને માનસ જાપમાં કંપસંખ્યા કલ્પનાતીત હોય છે.મંત્ર જાપની સાથે જાપ કરનારની પવિત્રતા, કેવા સ્થાને બેસીને મંત્ર જાપ થાય છે. કેવા સમયે થાય છે. જો આ બધા પરિબળો પોઝીટીવ હોય તો અવશ્ય મંત્રનું ફળ મળે છે. મંત્રમાં પણ જાપ, જાપ બાદ ધ્યાન અને ત્યારબાદ લય શ્રેષ્ઠ છે.

જગતના સર્વ મંત્રોમાં શીરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ દ્વાદશાંગી  સમાયેલી છે.

નવકારના પદો, સંપદાઓ, અક્ષરો

              – નવકાર ૧૪ પૂર્વનો સાર છે.

              – નવકારના નવપદો છે.

              – નવકારની આઠ સંપદાઓ છે.-

              – નવકારના ૬૮ અક્ષરો છે.-

              – પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી)–

                -છેલ્લી ચાર (ચુલિકા) ના ૩૩ અક્ષરો છે. (ચુલિકા)-

નવકાર વાળીના ૧૦૮મણકાઓ.

પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે. એટલે તે ગુણની આરાધના માટે ૧૦૮ મણકા છે.

  •          અરિહંતના ૧૨ ગુણ
  •               સિધ્ધ ના  ૦૮ ગુણ
  •               આચાર્યના ૩૬ ગુણ
  •               ઉપાધ્યાયના ૨૫ ગુણ
  •               સ્રર્વ સાધુના ૨૭ ગુણ
  •            કુલ્લે      108 ગુણ

નવકાર માં ત્રણ તત્વો……

              નવકારમાં દેવ-ગુરુ-ધર્મ તત્વ સમાયેલા છે. તેના વડે પાપ-તાપ-સંતાપ દુર થાય છે. અને શાંતિ-સમતા-સમાધિ પ્રાપ્ત થાય છે.

  • દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ત્રણ નવકાર ગણવા
  • મરણની જાણ ન હોવાથી સંસારની સર્વ વસ્તુની મમતા ન રહે તે માટે રાત્રે 7 નવકાર ગણવા
  • બની શકે તો દિવસમાં એક બાંધી નવકારવાળી ગણવી
  • મંત્ર જાપની સાથે જાપ કરનારની પવિત્રતા, કેવા સ્થાને બેસીને મંત્ર જાપ થાય છે. કેવા સમયે થાય છે. જો આ બધા પરિબળો પોઝીટીવ હોય તો અવશ્ય મંત્રનું ફળ મળે છે. મંત્રમાં પણ જાપ, જાપ બાદ ધ્યાન અને ત્યારબાદ લય શ્રેષ્ઠ છે.

“તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં.”…સુરેશભાઈ દલાલ

ગુજરાતી ભાષા-સાહિત્ય જગતના કવિ -લેખક સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું ગઈકાલે  સાંજે અવસાન થયું , ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. ઉત્તમ કાવ્યોથી લઈને ગદ્ય-પદ્યના ઉત્તમ સંપાદનો તેમણે આપણને આપ્યા છે.  હું કોલેજમાં ભણતી હતી ત્યારે બે વર્ષ સુરેશભાઈ અને હરીન્દ્રભાઈ દવે પાસે ભણવાનો મોકો મળ્યો.તેમના પ્રવચન અને  વિચારપ્રેરક લખાણો ને  કેમ ભૂલી ..શકાય? સુરેશભાઈ જે વાત કહી હતી તે આજે પણ યાદ છે .‘તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં….શબ્દોના સર્જક ને  અને દરેક લખતી વ્યક્તિ માટે શું કહી ગયા તે યાદ રાખીને આપણે જે આપણી અંદર સુતેલી વસ્તુ હોય એને જગાડીએ તો જ સાચી એમની  શ્રધ્ધાંજલી…

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?
તો
લખો….

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે ?
તો
લખો….

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે ?
તો
લખો….

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે ?
તો
લખો….

તમને આંખમાં આવેલા વાદળને નહિં વરસાવતાં આવડે છે ?
તો
લખો….

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે ?
તો
લખો….

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે ?
તો
લખો….

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે ?
તો
લખો….

તમને કંઈ પણ આવડતું નથી
અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
તો
લખો….

તસવીર સૌજન્ય : GGN Global Gujarati News……

Aabhar -Readgujrati-Link of article: http://www.readgujarati.com/2012/08/11/suresh-dalal/