ચોપાસ -2–અમે હવા ફેર કરી આવ્યા.

સિક્કિમ મારી દ્રષ્ટિએ

સામાન્ય રીતે ગુજરાતીમાં કોઈ ફરવાના સ્થળે જાય ત્યારે એમ કહેવાય કે અમે હવા ફેર કરવા જઈએ છીએ ​ દર વર્ષે અમે ભારત આવીએ ત્યારે જરૂરથી ભારતના અમે ન જોયેલા સ્થળો જોવા જઈએ હા હવા ફેર કરવા જઈએ આ વખતે માત્ર હવા નહિ પાણી, ખોરાક બધું જ ફેર કરી આવ્યા..અમે સિક્કિમ જઈ આવ્યા.PHOTO-2018-12-01-17-27-32.jpg

સિક્કિમ ચીન, નેપાળ તથા ભૂતાન ની સરહદે આવેલું ભારત નું રાજ્ય છે. તેનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. અમુક ક્ષેત્રોમાં સિક્કિમી અને લેપ્ચા ભાષા પણ બોલાય છે. સિક્કિમ આમ તો ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય ગણાય છે .અમે સૌ પ્રથમ ગેગટોક ગયા. ગંગટોક  સિક્કિમની રાજધાની છે, સાથે સાથે સુંદર હિલ સ્ટેશન પણ છે. અહીંથી તમે કાંચનજંઘાની સફેદ પહાડીઓને માણી શકાય છે. બરફની સફેદ ચાદરમાં ઢંકાયેલી કાંચનજંઘાની પહાડીઓનું દ્રશ્ય મનને પ્રફુલ્લિત કરી દે છે. હિમલાયના ખોળે વસેલું આ પ્રાચીન હિલ સ્ટેશન કુદરતી સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે.

 

 

અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉતર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે.1957ની 16મી મે એ સિક્કીમ એ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. ભારતની આઝાદી સમયે સિક્કીમ સ્ટેટે ભારત સાથ જોડાવાનો ઈન્કાર કર્યો હતો. ૧૯૫૦માં સિક્કિમ અને ભારત વચ્ચે સંધિ થઈ, તે અનુસાર સિક્કિમ એ ભારત રક્ષિત રાજ્ય બન્યું અને સિક્કિમની વિદેશ નીતિ, રક્ષણ અને સંદેશવ્યવહાર ભારતને હસ્તક રહ્યો. તે સિવાય સર્વ ક્ષેત્રોમાં, રાજ્યકારભાર સંબંધેની સ્વાયત્તતા મળી. બાદમાં રાજાશાહીનો ત્રાસ વધતા સિક્કિમના વડાપ્રધાને ભારતીય સંસદને સિક્કિમને તેના એક રાજ્ય તરિકે ભેળવી દેવાની વિનંતી કરી હતી. જે સંદર્ભેના લોકમતમાં 97.5 ટકા લોકોએ રાજાશાહીનો અંત કરી ભારતીય સંઘમાં જોડાવાની તરફેણ કરી હતી.

સિક્કીમ બીજા પહાડી હિલ સ્ટેસશન જેવું જ સુંદર। …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં ચોપાસ  લેન્ડસ્કેપ જેવા દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ। ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ ,સાહસિક દ્રષ્ટિકોણથી, ગોલ્ફરો, ટ્રેકર્સ અને સ્કીઅર્સ માટે એક સ્વપ્ન સ્થાન….. શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …હા અહીં પ્રવાસીઓ આત્માની અને માનસિક શાંતિને સિક્કિમના બૌદ્ધ મઠ પામી શકે છે.સિક્કિમમાં ૭૫ બૌદ્ધ મઠો આવેલા છે તેમાંથી સૌથી જૂનો ૧૭૦૦ના સૈકામાં સ્થપાયો છે ….હા તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિના પડઘા પહાડોની વચ્ચે પણ વર્તાય … સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી ચિંતિત છે, ત્યારે સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે. ૬ લાખ ૧૦ હજારની વસતી ધરાવતું આ નાનકડું રાજય દુનિયાનું પ્રથમ ૧૦૦ ટકા ઓર્ગેનિક રાજય બની ગયું છે.સામાન્ય રીતે સફરમાં મિનરલ બોટલ સાથે લઈને ફરવું જ પડે પણ અહીં દાખલ થતાની સાથે પાણી ની બોટલ ફેકવી પડે છે ..નો પ્લાસ્ટિક બોટલ। …સિક્કિમ ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જે 100 ટકા ઓર્ગેનિક સ્ટેટ બન્યું અને સિક્કિમ દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કરાયું છે.2016માં પીએમ મોદીએ સિક્કિમને દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કર્યું હતું. હા ….સિક્કિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે જૈવિક ખેતી થાય છે પૂર્ણપણે એટલે કે 100 ટકા જૈવિક ખેતિ કરવામાં આવે છે.સિક્કિમે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજો તથા આધુનિકરણ વચ્ચેનું સમતોલપણું જાળવી રાખ્યું છે, જેના થકી તેમણે પર્યાવરણનો નિરંકુશ નાશ કર્યા વગર પ્રગતિ સાધી છે.

“ગુજરાતી સાહિત્ય સરિતા”ની ૧૮૩મી ‘બેઠક’ની ઉજવણી 

 અહેવાલ- શ્રી. નવીન બેન્કર    ફોટો સૌજન્ય- શ્રી. જયંત પટેલ અને ડો. રમેશ શાહ

તા.૧૮ માર્ચ,૨૦૧૮ને રવિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડીટેશન સેન્ટરના પિરામીડ આકારના,

હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં

 વિશ્વપ્રવાસિની અને કવયિત્રી પ્રીતિબેન સેનગુપ્તા.

Inline image
 

ગુડી પડવાના પવિત્ર પર્વની બપોરે, બરાબર ૨ અને ૧૦ મિનિટે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નિતીન વ્યાસે કાર્યક્રમની શરુઆત કરી.સૌથી પહેલાં પ્રેક્ષા સેન્ટરના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ સીમાબેન જૈને સેન્ટર વિશે માહિતી આપી અને ભાવભીનું જૈન સ્તવન કર્યું. ત્યારબાદ સાહિત્ય સરિતાના ભાવનાબેન દેસાઈએ મધુર સ્વરમાં સરસ્વતી વંદના ગાઈ સંભળાવી. આ પ્રારંભિક વિધિ પછી શ્રી નીતિનભાઈ વ્યાસે કાર્યક્રમનું સંચાલન કવયિત્રી દેવિકાબેન ધ્રુવને સોંપ્યુ.
Inline imageસૂત્રધાર તરીકે દેવિકાબેને વસંતઋતુને અનુરૂપ સ્વાગત કરી,વાતાવરણને કાવ્યમય બનાવી દીધું. તેમણે કાર્યક્રમની રૂપરેખા આપી તથા પ્રીતિબેન સેનગુપ્તાનો સવિશેષ પરિચય કલાત્મક રીતે આપી શ્રોતાજનોને રંગમાં લાવી,મન મોહી લીધું. સંસ્થાના હાલના સલાહકાર શ્રી હસમુખભાઈ દોશીના હસ્તે પુષ્પગુચ્છથી પ્રીતિબેનનું સ્વાગત કરવામાં આવ્યું.

પ્રથમ દોરમાં પ્રીતિબેને સ્વરચિત કાવ્યો રજૂ કર્યા. મેનાના માનસનું ગીત, ‘ઉંચેરી ડાળ પરથી કાળની કોયલ ટહૂક્યા કરે..થી માંડીને શેકસપિયરની ગઝલ, કબીરે કહ્યાની, ઓરતા કરવાની અને અંતિમ રુદનની ગઝલ વાંચી સંભળાવી. પછીની એક ગઝલ તો શ્રોતાઓને ખુબ પસંદ પડી.

દીવા પાછળનું અંધારૂં હોઇ શકે છે,
નસીબ કોઇકોઇનું ઠગારૂ હોઇ શકે છે.
પોતાનું લાગતું યે મઝિયારૂ હોઇ શકે છે…વગેરે…

સાથે સાથે કવિતાની સર્જન-પ્રક્રિયાની પાર્શ્વભૂમિકા પણ વર્ણવી તથા શેક્સપિયરના ઓથેલો અને ડેસ્ડીમોનાની વાત પણ વણી લીધી. પછીની ગઝલના શબ્દો ઃરાત આખી ચાહવાની વારતા કરતા રહ્યા, રણ વચાળે ઝાંઝવાના ઓરતા કરતા રહ્યા…અહીં કાલિદાસના પેલા યક્ષને પણ યાદ કરી લીધો. પછી તો કાવ્યો અને ગઝલોનો દોર ચાલતો રહ્યો. ‘અંતીમ રૂદનની ગઝલ’ અને નામ લખવા વિશેની ગઝલ ‘ભીતરી શેવાળ પર નામ લખી દઉં,શ્વાસની વરાળ પર નામ લખી દઉં’ તો શ્રોતાઓને રસતરબોળ કરી મુક્યા. પોતાના કાવ્યસંગ્રહ ‘ખંડિત આકાશ’ની વાતો કરી. પ્રભુને ‘સખા’ બનાવવાની વાત કરતું એક કાવ્ય રજૂ કર્યું. ‘મારા અંતરમાં એવું તે ઉગજો કે કાંટા પણ હરિયાળા થાય.’ અમદાવાદ વિશે લખેલા એક કટાક્ષ-કાવ્યની રજૂઆત વખતે તો શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વાતાવરણને ગૂંજતું કરી મુક્યું હતું.

તે પછી સ્થાનિક સર્જકોનો બીજો દોર શરુ થયો. દરેક સર્જકની એક એક લીટીમાં સુંદર રીતે ઓળખાણ આપતા દેવિકાબેને સૌથી પ્રથમ મનોજ મહેતાને બોલાવ્યા. તેમણે સ્વરચિત ગઝલ સંભળાવી જે કાબિલેદાદ હતી.

જગમાં બધા ભલા નથી,બૂરા બધા નથી.
જીવતા ન આવડે છતાં, મરતા બધા નથી.
ઠોકર જો ખાધી પ્યારમાં, આંસુ વહે છે, પણ-
આંખોમાં આંસુ હોય તે રડતા બધા નથી.

તે પછી સાહિત્ય સરિતાના સદા પ્રસન્ન શૈલાબેન મુન્શાએ પોતાની એક રચના સંભળાવી જેના શબ્દો હતાં” નારીના હર રૂપ અનોખાં, હર ગુણ અનોખા”.

હાસ્યલેખો અને હળવી રચનાઓ લખતા ચીમનભાઈ પટેલે તેમની લાક્ષણિક શૈલીમાં એક કૃતિ ‘એમ બને’ પ્રસ્તૂત કરી લોકોની વાહ વાહ મેળવી..

મૂકી આવીએ માબાપને, જઈ ઘરડાઘરમાં,
મૃત્યુ પછી ભજનો, નિત ગાઈએ એવું બને.
પત્ની મળી વફાદાર ને વળી સીતા સમી ‘ચમન’,
કથાઓ સાંભળતા, નજર રાવણની બને, એવું બને!

ત્યારબાદ ડો ઈન્દુબેન શાહે “વહેલી સવારે બારીએ ચકલી બોલી,જગાડી મને,”વસંત આવી,વસંત આવી” કહી વસંતના વધામણા કર્યા.મુકતકોના મહારાજા સુરેશ બક્ષીએ મઝાના મુકતકો રજૂ કર્યા. તેમના ચોટદાર શબ્દો પર લોકોએ તાળીઓના ગડગડાટ કરી તેમને વધાવી લીધા.

પ્રવીણાબેન કડકિયાએ અંતરમાં ડૂબકી મારીને બહાર લાવેલ સંવેદનાને વાંચી સંભળાવી તો વિજયભાઈ શાહે એક “ડોઝ” શિર્ષકવાળી માઈક્રોફિક્શન વાર્તા નાટ્યાત્મક રીતે વાંચી. વાર્તાનો અણધાર્યો અંત તેની ખૂબી હતી.

ત્યારબાદ દેવિકાબેને એક ગઝલ ‘અણધારી આ હલચલ થઈ ગઈ, અંદર ઉથલપાથલ થઈ ગઈ. શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો, પાંખડી મનની શતદલ થઈ ગઈ” અનોખા અંદાઝમાં રજૂ કરી.

૨૫-૩૦ મિનિટ ચાલેલ આ આઈટમમાં સાહિત્યના, ખાસ કરીને પદ્યસાહિત્યના, જુદા જુદા પ્રકારો રજૂ થયા હોવાને કારણે વિવિધતા રહી.

કાર્યક્રમના ત્રીજા દોરમાં દેવિકાબેને ફરી પાછા પ્રીતિબેનને આમંત્રણ આપ્યું અને તેમણે પોતાના દેશવિદેશના અનુભવોની દિલચશ્પ વાતો કરી. લોકલ બસોમાં સ્થાનિક જીવન જોવા, માણવા મળે છે અને એવા સમયે પોતે પરકાયા પ્રવેશ જ નહીં પણ પર-માયા પ્રવેશ કરી લે છે એના અનુભવો વર્ણવ્યા. વિશ્વના દરેક ખંડમાંથી પોતાને ગમતી જગ્યાઓ અંગે પણ વિશદતાપુર્વક માહિતી આપી.

તેમના વક્તવ્યમાંથી સ્પષ્ટ વર્તાતું હતું કે તેમને મન પ્રવાસ એ માત્ર શોખનો જ વિષય નથી પણ એક ધર્મ પણ છે. જે જે જગ્યાએ જાય છે તે તે જગ્યાઓને દિલથી ગમતી કરી લે છે. એટલે જ તો ગ્રુપ-પ્રવાસથી દૂર રહી પોતાની રીતે, પૂરતા સમય સાથે એક વિશ્વ નાગરિક તરીકે, જે તે દેશની જીવન-રીતિઓને નિહાળીને આલેખે છે. આ રીતે વિશ્વભ્રમણ પ્રીતિ સેનગુપ્તાના વ્યક્તિત્વનો અસલી મિજાજ રહ્યો છે.

ત્યારબાદ ગુજરાતી સાહિત્ય સરિતાના વહીવટીકર્તાઓએ અને સંસ્થાના માનનીય વડિલ શ્રી દીપકભાઈ ભટ્ટે “વિશ્વપ્રવાસિની”ને માનપત્ર અને ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક પણ ભેટ આપ્યું.

Inline imageInline image

તે પછી મનગમતો “લકી ડ્રો” યોજાયો જેમાં પાંચ વ્યક્તિઓને પુસ્તકો ઈનામમાં મળ્યાં. સંસ્થાના ખજાનચી મનસુખભાઈ વાઘેલાએ સૌનો પ્રેમપૂર્વક આભાર માન્યો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે, પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ શ્રી. નિતીન વ્યાસ અને ટ્રેઝરર શ્રી. મનસુખભાઇવાઘેલાએ તથા ડોક્ટર રમેશ શાહ,ઇન્દુબેન શાહ, પ્રશાંત અને શૈલાબેનમુન્શા,શ્રી. હસમુખ દોશી, દેવિકાબેન ધ્રુવ,રાહુલ ધ્રુવ વગેરેએ તનતોડ મહેનત કરી હતી.

અઢી કલાક ચાલેલો આ આખો યે કાર્યક્રમ પ્રીતિબેનના પ્રવાસની વાતો, કવિતાઓ અને સંસ્થાના સર્જકોની રજૂઆતથી રળિયામણો અને રસભર્યો બની રહ્યો. છેલ્લે સ્વાદિષ્ટ પ્રીતિભોજનને ન્યાય આપી સૌ વિખેરાયા.વર્ષમાં આવા સુંદર બે કાર્યક્રમો થતા રહે તો ગુજરાતી ભાષા અને સંસ્થા વિકસતી રહે અને નવી પેઢીને પ્રેરણા મળે તે આશા અસ્થાને નથી.

અસ્તુ..
નવીન બેંકર
3/20/18

Devika Dhruva.
http://devikadhruva.wordpress.com

 
 

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ઉઠાવી પેન ત્યાં યાદોનાં ઢગલાં થયાં

સ્મરું છું આજ એ  સૌને !મીઠાં ને મધુરાં હતાં!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો , ઘંટ નાદ ત્યાં થયો’તો !

ખંડેર ખળભળ્યાં ને હવેલી થઇ ઝૂમ્યાં સૌ 

આંગણનો  ઠૂંઠો ક્યારો  વાચાળ થઇ ખીલ્યો’તો!

પરસાળના  હિંડોળે પુરાણા ગીત છેડ્યાં

ઘડિયાળના યે કાંટા  ત્યાં સ્થિર  થઇ ગયા ‘તા !

જિદ્દે ચઢેલ પગ પણલગીર ના ખશય્યા ને 

સ્મિત જ્યાં કર્યું મેં , આંસુ ખરી પડ્યાં’ તા!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો ,ત્યાં ઝણઝણાટ થયો’ તો!

ગીતા ભટ્ટ

‘હું આનંદમાં રહીશ’ -તરુલતા મહેતા 2016

‘હું આનંદમાં રહીશ’

ચાલો આપણે એક મઝાનો  સંકલ્પ કરીએ.એકદમ ગળે ઉતરી જાય તેવી  વાત.આ ગમી જાય તેવો નિર્ણય  વાંચતાંની સાથે તમને 1લી જા.2016ના દિવસે લેવાનું મન થઈ જશે.’હું રોજ ચાલવા જઇશ’,’દવાઓથી દૂર રહીશ.અને તે માટે ગળ્યું ઓછું ખાઇશ,તળેલા ફરસાણની સામે નજર નહી મિલાવું’ એવા સંકલ્પ લીધા પછી એકાદ અઠવાડિયામાં ભાંગી ને ભૂક્કો થઈ જાય છે,ઋષિ -મુનીઓના મન ચળી જાય તો પામર મનુષ્યનું શું ગજું?બીજા પણ શુભ સંકલ્પ અનેક છે,’ગુસ્સો  નહિ કરું ,બીજાને મદદ કરીશ.’ પણ જાતઅનુભવથી મેં જોયું કે મન જયારે ચિંતામાં,અશાંત હોય ત્યારે ઘર ધૂમાડાથી ભરેલું હોય તેવું ધુંધળું હોય છે.એક ઘટનાની ચિતામાં સર્વ  વિસરી વિવેક ગુમાવીએ છીએ.મેં સં કલ્પ કર્યો કે આનંદમાં રહીશ.એટલે ઉચાટ કે પીડા ‘શું થશે?ની એન્ઝાઈટી કે વ્યગ્રતાને મનથી દૂર રાખવાની, મારી નજર  બીજા એગલથી વસ્તુ કે પ્રસંગને જુએ તો સવારમાં ઝાકળ  બિ ન્દુઓ ઓગળી જાય તેમ મન હળવું થઈ જાય છે ,દીવા તળે અંધારું હતું પણ ચારે તરફ અજવાળું જોઈએ તો મન રાજી થાય.મારુ  મન આનંદમાં રહે તે માટે નવા વર્ષની સવારે બારી બહારના ઠંડીમાં થીજેલા,જેની ડાળખી પર એકે પાન નથી તેવા વુક્ષને જોઈ વિચારવાનું કે વુક્ષો કેટલાં નિર્ભય થઈ ગયાં છે,કે હવે પાનખરની કે એલ્મીનોની બીક રહી નથી.ભૂતકાળ ભૂલી  જવાય, વર્તમાન વહી જાય અને ભવિષ્ય ભરમાવે ટુંકમાં સમય બળવાન હોવા છતાં મનને બાંધી શકતો નથી.’મન હોય તો માળવે જવાય’જેનું મન મૂઠીમાં’એટલે કે પોતાના કાબૂમાં છે  તે કાળને વશ થતો નથી અને જીવનમાં જંગ જીતી જાય છે. મારી અંદર આનંદમાં રહેવાની સ્થિતિને જાળવી રાખવા માટે સમયને કહું કે ‘મને તારી બીક નથી કારણ કે મારી ડાળખીમાં પીડા ,ચિતા જેવાં એકે પાન નથી,મારામાં સમયથી અલિપ્ત આનંદની ધારા વહે છે,મારામાંથી જીવનના ઉલ્લાસનાં,પ્રસન્નતાના ,વિન્ટર પછીના વસંતના ફૂલો ખીલે  છે.સુખ અને દુઃખ એ ભરતી ઓટ છે,તેથી સાગરના જલ વધી કે ઘટી જતાં નથી.આપણા હદયમાં ઉછળતા આનન્દનો  સાગર પણ અતલ અને અનંત છે.હિમાલયની કન્દરામાં સમાધિ લગાવી બેસી જતા મુનિ જે આત્માનું ધ્યાન ધરે છે,એ જ આત્મા જીવ માત્રમાં છે,આત્માના ગુણ આનંદ , સત્ય ચેતન્ય અને અમરતા છે.આપણે રોજના જીવનમાં આનંદના ફૂલની ફોરમને માણીએ,રોજની ઉપાધિઓને સહજ ગણી મનને મસ્તીમાં ઝૂમવા દઈએ.  નવા વર્ષે મારામાં અને તમારામાં રહેલા આત્માનો    એક ટેક્ષ મેસેજ આપણે સ્વીકારીએ   ‘હેપી ન્યુ ઈયર’. એક વર્ષ પુરતો નહિ પણ શરીરના શ્વાસની મંજિલ સુધી.જીવનના આનંદની અભિવ્યક્તિથી શબ્દોના સર્જનને મન મૂકીને મહેકાવીએ અને ખુદ સુગંધ થઈ જઈએ.

  •  તરુલતા મહેતા 2016

આવોને રમીએ રાસ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

 નવરાત્રી એટલે રાસ-ગરબાની રમઝટ. નવરાત્રીના ગરબા એટલે ગુજરાતની આગવી કલા પહેચાન. વિવિધ પોષાકો ને ઝાકમઝાળ સાથે, યુવાઓનો આ મનગમતો ઉત્સવ. રાસના વૈવિધ્યની સુંદર માહિતી દિવ્યભાસ્કર ન્યુઝ પર માણવા મળી…આવો આપણી સંસ્કૃતિના એ વૈભવને માણીએ.

મણિયારા રાસ / કણબી રાસ : 

મણિયારો રાસ

મણિયારો રાસ

 

રાસનાં 36 પ્રકારમાંથી ફક્ત પાંચ પ્રકાર જીવિત છે, મણિયારો પણ તેમાનો જ એક પ્રકાર છે. જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ‘મેર’ કોમ્યુનિટી દ્રારા ભજવાય છે. આ રાસમાં ખેલૈયા સફેદ કપડાં અને કમરે લાલ દુપટ્ટો બાંઘે છે. તેમજ માથા પર પાઘડી બાંઘે છે. તેમના ગળામા લાલ અને સોનેરી મોતીઓની માળા પણ પહેરેલી હોય છે.

ગુજરાતીમાં કણબી એટલે ખેડૂત. આ રાસ ખાસ કરીને જામનગરનાં ખેડૂતો સાથે જોડાયેલો છે. સ્ત્રી અને પુરુષ સામ સામે ડાંડીયા રાસ કરે છે, તેથી તેને ‘કણબી રાસ’ કહે છે. ઝડપી બેસવાની ક્રિયાને ‘બેસણી’ અને ગોળ ઘુમવાની ક્રિયાને ‘ચક્કર’ કહે છે.

……………..

 

અઠીંગો રાસ :

આ રાસ ડાંડીયા વડે ખેલાય છે, અને તેના મઘ્યમા વાંસનો ડંડો હોય છે. આ વાંસ સાથે જુદા જુદા કલરના દોરડાઓ બાંઘેલા હોય છે. રાસ રમતી વખતે દરેક ખેલૈયાના હાથમાં આ દોરડાનો છેડો હોય છે. રાસ રમતા સમયે આ દોરડા સમબાજુએ ગુંથાય છે અને છુટા પડે છે.

……………
ગોવાર રાસ :
ગોવાર રાસ 

.

આ રાસ લાકડાના રંગીન ડાંડીયા વડે રમાય છે. આ રાસમાં સંગીત અન્ય રાસની તુલનામાં ઝડપી હોય છે. ગોવાર રાસમા રંગબેરંગી હાથવણાટ કરેલા કપડા અને ટોપીનો પોશાક પહેરવામા આવે છે.

 

……………..
 
 
ડાંગી નૃત્ય : 

ડાંગી નૃત્ય

ડાંગી નૃત્ય

 

દુનિયાભરમાં સુપ્રસિઘ્ઘ ડાંગી નૃત્ય એ ડાંગના આદિવાસીઓમાં ખાસ લોકપ્રિય છે. કોંકણ, વારલી અને ભીલ જાતિના લોકો દરેક આનંદના પ્રસંગે આ નૃત્ય કરે છે, જેવા કે દિવાળી , હોળી. આમા, સ્ત્રીઓ અને પુરુષો હાથમાં હાથ પરોવીને એક સાંકળ બનાવે છે અને કલાકો સુધી નૃત્ય કરે છે. મુખ્ય શરણાઈ વાદક સુર બદલે છે અને નર્તકો પોતાની ચાલ બદલે છે.

…………………….

હુડો :

હુડો રાસ

હુડો રાસ

 

હુડોનો ઉદભવ એ સુરેન્દ્રનગરનાં ભરવાડ સમાજ દ્વારા થયો છે. હુડો એ તાલ અને રાસનું મિશ્રણ છે. ભરવાડ સ્ત્રીઓ અને પુરૂષો ઢોલના તાલ સાથે એકસુત્રતા બાંઘી હાથની તાળીઓ સાથે આ નૃત્ય કરે છે. ઉપરાંત પુરૂષો કાચના આભલા જડિત ભપકાદાર છત્રીઓ સાથે નૃત્ય કરે છે.

……………..

ટિપ્પણી રાસ

ટિપ્પણી રાસ

ટિપ્પણી : 

 

સોરઠના દરિયા કિનારે વસવાટ કરતા ખારવા અને કોળી સમાજનાં લોકો મુખ્યત્વે નાવિક હોય છે. તેમની સ્ત્રીઓ મુખ્યત્વે લેબરકામમાં જોડાયેલી હોય છે. કામના ઘોંઘાટને ઘટાડવા સ્ત્રીઓ ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. આથી તેને ‘ટિપ્પણી’ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે.

………………..

ગોપ રાસ

ગોપ રાસ

 

ગોપ રાસ : 

 

આ રાસ ‘ડાંડીયા રાસ’ તરીકે પ્રખ્યાત છે. જે નર્તકોના સમુહ દ્વારા ડાંડીયા વડે ગોળ વર્તુળમાં ભજવાય છે. તેના ગીતો મુખ્યત્વે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા હોય છે. ઝડપ અને આકર્ષકતા તેનાં મુખ્ય લક્ષણો છે. ઢોલનો અવાજ, રંગબેરંગી કપડાં સાથે ઝડપ અને ઉત્સાહ દર્શકોને મંત્રમુગ્ઘ કરી મુકે છે.

………………………………….
સનેડો
સનેડો :  
 
સનેડો એ ‘સ્નેહડો’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ સ્નેહ કે પ્રેમ એવો થાય છે. સનેડો મુખ્યત્વે ચાર પંક્તિનો બનેલો હોય છે. તેનો વિષય પ્રેમથી લઈને કટાક્ષ સુઘી કંઈ પણ હોઈ શકે છે. સનેડાનો ઉદભવ પાટણ જિલ્લાનાં ગામડાઓથી થયેલો છે. તેમાં વપરાતા સંગીત માટેના સાધનને ‘ડાકલું’ કહે છે.
……………………

ડાંડીયા રાસ

ડાંડીયા રાસ

ડાંડીયા રાસ :

ડાંડીયા રાસનો ઉદભવ માં દુર્ગાના માનમાં કરવામા આવતી આરાધનાથી થયો છે. આ રાસ એ મુખ્યવે માં દુર્ગા અને અસુરના રાજા મહિષાસુર વચ્ચેનાં યુઘ્ઘને દર્શાવે છે. આ રાસ દરમિયાન ખેલૈયા જટિલ મુદ્રાઓમા હાથ અને પગને સંગીતના તાલ સાથે તાલ મિલાવીને ભારે ઉત્સાહથી રાસ રમે છે. ડાંડીયાએ માં દુર્ગાની તલવારનું પ્રતિક છે. સ્ત્રીઓ પરંપરાગત અને રંગીન ભરતગૂંથણ કરેલ ચોળી, ઘાઘરા અને બાંઘણી દુપ્પટા પહેરે છે.

………………….

વિંછુડો : 

આ નૃત્ય એ મુખ્યત્વે સામાન્ય ભારતીય લોકગાથા પર આઘારિત હોય છે. વઘુમા એવું કહેવાય છે કે વિંછુડો એ ભારતીય સંસ્કૃતિના મહત્વના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે કે સવા બે દિવસના સમયને વિંછુડો કહેવાય છે. આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે.

કાલ ચક્ર-શિવાની દેસાઈ

મિત્રો વધુ એક નવા  લેખિકાને આવકારો

“શબ્દોનાસર્જન” પર શિવાની દેસાઈ આપનું સ્વાગત  છે.

નાના હતા ત્યારે વેકેશન માં ગામ ,મામા ને ત્યાં જતા….

આખો દિવસ ક્યાં જાત જાત ની રમતો રમવા માં પસાર થઇ જતો ખબર ના રહેતી પણ રાત ની ખાસ રાહ જોવાતી કારણ કે રાત ના ભોજન ના સમયે બા કઈ ને કઈ નવી વાનગી બનાવતી…બધા જમી કરી ને પરવાર્યા હોય ત્યાં ભીખી નો અવાજ આવતો….વાળુ આપો ને બેન વાળુ …..અને બા અમને નાનાડિયા ને કહેતા,જાવો ત્યાં ખૂણા માં પડેલું વાસણ કોઈ જઈને લઇ આવો તો….પછી એ વાસણ  માં રાત નું વધેલું ખાવાનું મૂકી ને બા બહાર ઓટલે ઉભેલી ભીખી પાસે જતા અને એના વાસણ માં ,લાવેલું વાસણ અદ્ધર રાખી ને ખાવાનું નાખતા…ત્યારે સમજાતું નહિ કે બા વાસણ અદ્ધર રાખી ને શું કામ ખાવાનું આપે છે? ભીખી ઓછપાઈ ને કેમ ચાલી જાય છે…. . અમે નાનાડીયા એ જોઈ રહેતા અને ભીખી આગળ ચાલી જતી.આમ ને આમ કેટલાય વેકેશન ગયા પણ બા અને ભીખી નો ક્રમ એજ રહ્યો…..અમે મોટા થતા ચાલ્યા…

એક દિવસ લંડન એમ્બસી માં થી કાગળ આવ્યો કે ત્યાં આગળ ભણવા માટે ના વિસા અપ્રુવ થઇ ગયા છે….મારી ખુશી નો પાર ના રહ્યો ને હું કરવા લાગી લંડન જવાની તૈયારી…

લંડન airport પહોંચતા જયારે immigration  વિભાગ માં જાત જાત ના સવાલો પૂછયા ત્યાં જ ખ્યાલ આવી ગયો કે આગળ કેટલા કપરા ચઢાણ ચડવા ના છે…..પણ એમ કરી ને મહિનો વીત્યો  અને grossary shop પાર્ટ ટાઇમ માં જોબ મળી ગઈ……આપણે તો એકદમ ખુશખુશાલ…. જોબ માં પણ ફાવટ આવી ગઈ…ગમતું ગયું। ..જાત જાત ના લોકો ને મળવાનું થતું ગયું….જાત જાત ના અનુભવો થતા રહ્યા…

એક દિવસ એક  ગોરા દાદા સિગરેટ લેવા આવ્યા…..સિગરેટ લીધા પછી પૈસા આપતી વખતે મારો હાથ સહેજ અડી જતા એમણે હાથ તરત જ લઇ લીધો અને હું અંદર ને અંદર સમસમી ગઈ પણ ત્યાં જ ક્ષિતિજે મને ભીખી અટ્ટહાસ્ય કરતી દેખાઈ અને નિયતિ નું એક ચક્ર જાણે પૂરું થયું……!!!

 

ગમતાંને ગમતું ….. વિનોદ પટેલ

​મિત્રો હોળી આવે તે પહેલા આપણાં સર્જકો ગમતાનો ગુલાલ કરી પોતાનો ગુલાલ ઉછાળી રહ્યા છે.​જયશ્રીબેનની કાવ્ય રચના વાંચી  ​વિનોદ કાકાને  પણ એક કાવ્ય રચવાની પ્રેરણા થઇ. રચના આ રહી .​મિત્રો તો ચાલો કરીએ ગમતા નો કરીએ ગુલાલ……

ગમતાંને ગમતું  …..   વિનોદ પટેલ

ઓ પ્રભુ, તારી લીલા કેટલી છે, અપરંપાર,

તારાં ગમતાંને તેં કેટલું ગમતું દીધું છે.!

કીડીને કણ અને હાથીને મણ એ રીતે ,

સૌને યોગ્ય આપી, કોઈને અન્યાય ના કરી ,

તારાં ગમતાંને તેં ગમતું બધું દીધું છે   !

મળ્યા પછી માણસો ભલે બન્યા સ્વાર્થી,

એની દરકાર ના કરી , બધાંને માફ કરી,

બસ તેં તો ગમતાંઓને ગમતું જ દીધું છે.

અગણિત ઉપકારો છે તારા અમ પર ,

વંદીએ તને કર જોડી રોજ હૃદય-ભાવથી ,

કેમકે તારાં ગમતાંને તેં ગમતું દીધું છે !

અર્પણ કરું આ કાવ્ય સૌ ગમતાંઓને,

અરજ કરુ એને માણજો ,ગમતું કરીને !

વિનોદ પટેલ

https://vinodvihar75.wordpress.com/ 

ગમતાનો ગુલાલ

Shethna Madhukar
મિત્રો ચાલો આજે ગમતાનો ગુલાલ કરીએ ,મુંબઈથી મધુકરભાઈ શેઠનાએ એક અજ્ઞાત સર્જકની સુંદર રચના મોકલી છે જે ખરેખરે વિના મોસમ આપણ ને ભીજવી દે  તેવી છે ,મધુકરભાઈ સારું લખી જાણે છે પણ લખી મોકલતા નથી પરંતુ આપણા બ્લોગનું અને બેઠકનું બળ છે મુલાકાત લે છે અને અભિપ્રાય પણ આપે છે તો ચાલો આ રચના માણીએ અને હા કોઈને સર્જકનું નામ ખબર હોય તો જરૂરથી મોકલશો.

 

એક બીજા ને ગમતાં રહિયે

કઈ ખટકે તો ખમતાં રહિયે ..

સંજોગો કેવા પણ સર્જાય

થોડા થોડા નમતાં રહિયે ,,

સ્વાર્થિ – સાંક્ડા સંકુચિત ન રહેતા

નદીના નીર થઈ વહેતા રહિયે ,,

વાત અંદર અંદર ન વાગોળતા

એક મેક ને કહેતાં રહિયે ,,

પડી ગાંઠના સરવાળા-બાદબાકી , ન કરતાં

મીઠાં સંબંધોનો ગુણાકાર કરતાં રહિયે.

– અજ્ઞાત કવિ –

ગમતા નો કરીએ ગુલાલ-સુખ એટલે શું ?

આ ચિત્ર જોઇ શું લાગે છે આ માણસ સુખી છે કે દુ:ખી?
તુટેલ પથારી
ટુંકુ ઓઢવાનુ
પત્ની 6 છોકરા અને એક કુતરો
ગળતી છત
તુટેલો બારીનો કાચ
દરેક વસ્તુ સુચવે છે દુ:ખ દુ:ખ ને દુ:ખ
પણ દરેક્ના ચહેરા પર નુ સ્મિત…
સુચવે સુખ સુખ અને સુખ….

સુખ એટલે શું ?

સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે…તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? … હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. ..જીવનમાં સુખ કેમ કરીને પ્રાપ્ત થાય ?માનવીને સુખ જોઈએ છે અને એ પણ કેવું?….જે સદૈવ એટલે કે હરહંમેશ હોય…દરેક વ્યક્તિને પોતાનું સુખ અલગ-અલગ જગ્યાએ છે એવું લાગે છે. ઉંમર પ્રમાણે સુખની પરિભાષા બદલાતી હોય છે, કોઈને પોતાનું સુખ પૈસામાં, કોઈને પુત્રમાં, કોઈને નોકરીમાં, કોઈને પ્રતિષ્ઠા કે ખ્યાતિમાં, મોબાઇલ ફોન, કોમ્પ્યુટર,કોઈને ફેસબુક પર કેટલા લાઈક મળે છે..જે ગમતું મળે તેણે સુખ કહેવાય અને જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેને આનંદ કહેવાય, .સુખ થી પર એક બીજી અનુભૂતિ છે : આનંદ…સુખ અને આનંદમાં ભેદ છે.“આનંદ” કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર નથી રાખતું.ધન દોલતથી જે મળે તે સુખ છે,સંતોષથી જે મળે તે આનંદ છે,સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.અહંકારના ત્યાગ વિના કદીએ સુખ મળતું નથી. જીવનનું સુખ વિચારોની ગુણવત્તા ઉપર આધાર રાખે છે.જયારે પરીસ્થિતિ મનુષ્યના સ્વભાવને અનુકુળ હોય છે ત્યારે મનુષ્ય સુખી હોય છે. પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ પરીસ્થિતિને અનુકુળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. સુખનો ખજાનો તો તમારી અંદર જ પડેલો છે.હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે તેને મુગજળની માફક કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી.સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકી એ, ખરીદી શકીએ કે બીજ કોઇ ને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખા મારે છે, છતાં મોટા ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. સુખ એ તો માત્ર એક નકારાત્મક ખ્યાલ છે. જેટલી ક્ષણોમાં એ દુઃખને ભુલી શકે છે એટલી જ ક્ષણો સુખમય હોય છે.માણસનું સુખ બાહ્ય ઉપકરણો કરતાં માણસના પોતાના ઉપર વધારે આધાર રાખે છે. સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે જ એની હાજરીને લક્ષમાં લેતા નથી.સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ વધુ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. પણ જો તમારું ઘ્યાન બીજી બાબતોમાં પરોવશો , તો હળવેથી તમારા ખભા પર બેસી જશે.સુખી થવાની ચાવી આ છે, પાપ થાય તેવું કમાવું નહી, માંદા પડીએ તેવું ખાવું નહી, દેવું થાય તેવું ખર્ચવું નહી અને લડાઈ થાય તેવું બોલવું નહી.જે માણસ પોતાના સુખની બાબતમાં આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઈ તાકાત કદી દુ:ખી બનાવી શકતી નથી. સુખ એ સક્રિયતા છે, નિષ્ક્રિયતા નથી“માણસ પોતાની જાતને જેટલો સુખી માને છે. તેટલો સુખી તે બને છે.” એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપણા મનની અવસ્થા ઉપર નિર્ભર કરે છે.  આપણી એ માન્યતા કે આપણને સુખ અમુક વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિમાંથી પ્રાપ્ત થયું…એ આપણી ભ્રમણા છે.સુખની શોધમાં ફરતાં માનવી ની મનોસ્થિતિમા….માનવી દુ:ખી  બને છે… વધુને વધુ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.”સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.

(મિત્રો આ લેખ મારા મિત્રે મોકલ્યો છે અને ક્યાંથી મળ્યો એ ખબર  નથી ,અને એને ખોટો જશ લઇ સુખી નથી થવું પરંતુ આપણે માણી ને આનંદ લઈએ ​)

……….

દેવિકાબેન ધ્રુવની ગઝલનો આસ્વાદ

​મિત્રો, દેવિકાબેન ની આ ગઝલનો આસ્વાદ માણો ​
 

હોવો જોઈએ…

 

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ.
‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ.

ક્યાં કમી છે દોસ્ત થઈને આવનારાની અહીં
પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ.

લો,જુઓ,આ કેટલો ખોટો ગણ્યો છે દાખલો!
એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.

ઓછું ધન હો કે પછી ઘર નાનું હો તો ચાલશે.
પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ.

થાય છે મનમાં કે પૃથ્વી ગોળ શાને થઈ હશે ?
કોઈને રોવાને ખૂણો  એક હોવો જોઈએ!

​દેવિકાબેનની આ ગઝલ નો આસ્વાદ માણતા કલમ કયારે ચાલવા માંડી તે ખબર જ ન રહી,અને આ જ તો સારા કવિની કલમની તાકાત છે ને!જેમ જેમ વાંચતી ગઈ તેમ તેની અનુભવી ,દોસ્તો દુનિયામાં ખુબ મળે છે પણ મિત્રતાને કારણો સાથે સંબંધ નથી,કૃષ્ણ સુદામાની જેવી મિત્રતા કવિત્રીએ એક વાક્યમાં સમજાવી દીધી છે “પાસ આવી બેસનારો નેક હોવો જોઈએ”આવડા મોટા પ્રભુ જેવા મિત્ર પાસે સુદામાને કયારેય અપેક્ષા ન હતી..મિત્રતામાં ભૌતિક્તાને સ્થાન નથી બાકી મધ હોય ત્યાં માખી કયાં નથી મણમણતી?…..ત્યાંથી આગળ વધતા કહે છે પ્રેમ કયાં નથી ? પરંતુ એની ગણતરીમાં ખોટો પડે છે માણસ !…….એકને એક બે કહી હું હું માં હંમેશા અલગ રહે છે ,……પરંતુ કવિ કહે છે કે એક ને એક, બે નહિ, પણ એક હોવો જોઈએ.આમ છંદમાં લખાયેલી આ ગઝલ અધિકારપૂર્વક પ્રેમમાં આપણાપણાનો અહેસાસ કરાવે છે. …લગ્ન પછી પણ પ્રેમ ની વ્યાખ્યા બદલાય છે જરૂર.. પણ દેખાડવાની રીત સાથે જોડતા કવિત્રી કહે છે,મોટા ઘરમાં પ્રેમ એકબંધ છે તેવું ન માનતા … ઘર સાથે પ્રેમની તુલના ન કરતા અહી આદરની વાત છે.”પ્રેમ ને આદર તણો બસ ટેક હોવો જોઈએ”ઘણા પ્રેમી લગ્ન પછી છુટા પડતા હોય છે પરંતુ પ્રેમની કદર કરી આબરૂ જાળવી રાખતા હોય છે, જે સાહજીક હોય છે.કાળજી,જવાબદારી,આદર,માન, પરસ્પર કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના “ઉત્કર્ષની” ઝંખના એ જ પ્રેમનો સંકેત છે.આદરની વાત છે….એક અંગત અનુભવના આધાર હેઠળ લખાયેલી આ રચના આપણા સૌના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
રોવા માટે કોને ખૂણો નથી જોતો ? ગોળ પૃથ્વી ભલે હોય પણ ટોળામાં ખોવાઈ ગયેલા માણસને અંતે તો રોવા માટે ખૂણો જ જોઈએ છે। ..અહી એક વાત ખુબ સચોટ રીતે કરી છે અને તે છે હૃદયના એક ખૂણા માં હંમેશા કોઈનું સ્થાન હોય જ છે જેના માટે મોટા ઘરની જરૂર નથી તેમ માણસ પોતાનું હૃદય ખોલીને રડવા માટે પણ એક ખૂણો બસ છે તો પછી આ વિવેક આપણે કેમ ભૂલી જઈએ છે ‘પાણી પહેલાં પાળ’નો વિવેક હોવો જોઈએ….તો કોઈનું દિલ પણ નહિ દુભાય એ રોવા માટે ખૂણા ની જરૂર પણ નહિ પડે। …પ્રેમ નામનો અઘરો શબ્દને સરળ બોલચાલની ભાષામાં વર્ણવી ગહન વાત આ કલમે છંદમાં આલેખી છે હવે હું વધારે કહું તે પહેલા તમારી જાતે જ કાલે બેઠકમાં આવી માણો તો વધારે આનંદ થશે.
દેવિકાબેન ધ્રુવ તારીખ 9 એપ્રિલ 2014ના કાલે icc માં સાંજે સાત વાગે આવવાના છે આપ સર્વે આવી માણજો. 
પ્રજ્ઞાજી :પ્રજ્ઞા દાદભવાળા

--