ખુલ્લી બારીએથી – મનીષા જોશી : વાચક – શિવાની દેસાઈ
3
વિશેષ માહિતી -સંકલન
ર.વ દેસાઈએ નાટક, નવલકથા, વાર્તા, કવિતા, આત્મકથા અને જીવનચરિત્રો ઉપરાંત ઈતિહાસ અને સંસ્કૃતિ જેવા વિષયોને કુશળતાપૂર્વક ખેડ્યા છે.છતાં એકંદરે તેમની છબી નવલકથાકાર તરીકેની રહી છે.100 ઉપરાંત પુસ્તકોના રચયિતા ર.વ દેસાઈની 32 જેટલી નવલકથા”માં ‘દિવ્યચક્ષુ’, ‘ભારેલો અગ્નિ’, શૌર્ય તર્પણ, ઠગ, ક્ષિતિજ, ગ્રામલક્ષ્મી, જયંત વગેરે જાણીતી નવલકથા” છે .’અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.ગુજરાતમાં ઈતિહાસના વિષયવસ્તુની સજ્જતા સાથે નવલકથા” લખનારા સર્જકોમાં દેસાઈ શીર્ષસ્થ સ્થાને છે. તે”એ ‘ગઈકાલ’ શીર્ષકથી રસિક આત્મકથા પણ લખી છે. 1932મા તેમને ગુજરાતી સાહિત્યનો માનવંતો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. નવલકથાના ક્ષેત્રે મળેલી લોકપ્રિયતાને કારણે તે” ‘યુગમૂર્તિ’ સ્વભાવને લીધે સૌજન્ય મૂર્તિ અને અંગત વર્તુળોમાં ‘ભાઈસાહેબ’ તરીકે જાણીતા થયા હતા.-
શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈના પિતા વસંતલાલ દેસાઈ વડદોરાના ‘દેશભક્ત” વૃત્તપત્રના તંત્રી હતા.
ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા એટલે ધૂમકેતુ. એમના વિષે ખાસ વાત આજે કરવી છે. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1892ના રોજ થયો હતો એટલે એમને મળવાનું આપણું ભાગ્ય કયાંથી હોય? પણ આ વખતે ભારત ગઈ ત્યારે તેમની વાર્તા ‘પોસ્ટ ઓફીસ’નું વાચિકમ સંભાળવાનો અવસર મને હિતેન આનંદપરાના એક પ્રેગ્રામમાં મળ્યો. ધૂમકેતુની અનેક વાર્તાઓ નાનપણમાં વાંચી હતી પણ આ વખતે ધૂમકેતુને જાણે અલીડોસાના રૂપે મળી.
નાનપણથી આપણે સૌ કોઈ વાર્તાઓ સાંભળતાં આવ્યા છીએ પણ કોઈ લેખક આટલાં વર્ષો પછી પણ આપણામાં જીવે તેને શું કહેવાય? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી પણ નહિ અને ‘ધૂમકેતુ’ પણ નહિ. આ લેખક અલીડોસા તરીકે દરેક ગુજરાતીમાં હજી પણ જીવી રહ્યો છે. વાત એમની કલમની તાકાતની છે. ઘણાને કદાચ ખબર નહિ હોય કે એમની નવલિકાઓમાં સામાન્ય, દીન-દરિદ્ર પાત્રોને એમણે પ્રવેશ આપ્યો પણ આ પ્રથમવારનો પ્રવેશ જ ક્રાંતિકારક હતો. તેમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહે તેવી છે. તેમની વાર્તાઓમાં વૈવિધ્ય ઘણું પીરસાયું છે. ધૂમકેતુએ લગભગ પોણા પાંચસો જેટલી વાર્તાઓ રચી છે.
ગુજરાતી સાહિત્યાકાશમાં ખળભળાટ મચાવી દેનાર ધૂમકેતુનું આગમન ૧૯૨૬માં તેમનો ‘તણખા’ નામે વાર્તાસંગ્રહ પ્રગટ થયો ત્યારે થયું અને લોકો જેને ઝંખતા હતા તેવી કલાઘાટવાળી ટૂંકી વાર્તાઓ તેમને મળી. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, ઉત્કટ આલેખન એ જ એમની કલમનું બળ બન્યું. વાર્તાલેખનથી તેમણે સર્જનનો ખરો આરંભ કર્યો અને ચિરંજીવી યશના અધિકારી પણ નવલિકાના સાહિત્ય સર્જને જ એમને બનાવ્યા. લેખકનો શબ્દકેમેરો ફરતો ફરતો આપણી સામાજિક પરિસ્થિતિ પર ફર્યો. વાર્તામાં વાસ્તવિકતા પ્રગટ કરી તો ક્યારેક સમાજસુધારણાના વિચારો પ્રગટ કર્યા, આમ ગાંધી ભાવનાના પડધા પણ એમણે ઝીલ્યા. ધૂમકેતુની વાર્તાઓમાં અનુભવાતું ભાષાનું બળ મને સદાય અનોખુ વર્તાયું. તેમની ઉત્તમ વાર્તાઓમાં સર્જનાત્મકતા દેખાઈ. મને હંમેશા તેમની કથાવસ્તુનું પણ એક અનોખું આકર્ષણ લાગ્યું. એના માટે એમ કહી શકાય કે આજના લેખકોને આ જ કથાવસ્તુને નિમિત્ત બનાવી નવલકથા રચવાં કે ફિલ્મ બનાવવાં પ્રેરણા આપે તો નવાઈ નહીં.
નાનપણથી સ્વભાવથી જ મનમૌજી એવા ગૌરીશંકરનું બાળપણ ડુંગરાળ ધરતી, નદીઓ અને વોંકળા વચ્ચે કુદરતનાં સાનિધ્યમાં વીત્યુ હતું. કુતૂહલ અને નિર્વ્યાજ આનંદથી પ્રકૃતિનાં સૌંદર્યને, કુદરત તરફના સહજ અનુરાગે એમની વાર્તા કે લેખનમાં એના પડઘા પડ્યાં અને એટલે જ એમની વાર્તામાં ક્યાય કૃત્રિમતા નથી દેખાઈ. જે કઈ લખ્યું તેનો સ્વયં આનંદ લીધો. તેઓ સ્વમાની, સમભાવપૂર્ણ, ઊર્મિલ અને ચિંતનશીલ પ્રકૃતિના હતા. તેઓ કેટલેક અંશે ધૂની પણ હતા અને એટલે જ કદાચ માતબર સર્જન કર્યું. એમની વાર્તામાં આપણે એમનાં પાત્રો સાથે વાર્તાલાપ કરતા હોઈએ તેવો અનુભવ થાય અને અંતે આપણે એ પાત્ર બની જીવીએ. પાત્રની વિશિષ્ટ મન:સ્થિતિ આપણે અનુભવીએ અને હૃદય અચાનક બોલી ઊઠે વાહ…!
ધૂમકેતુની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા ‘પોસ્ટઓફિસ’ કોઈ પણ સંવેદનશીલ માણસની આંખ ભીંજવી દેવા માટે સક્ષમ છે. અલી ડોસો અને તેની પુત્રી મરિયમ, એ માત્ર કથાનકનાં પાત્રો નહીં રહેતાં દુનિયાભરનાં પિતા-પુત્રીનાં પ્રતીક બની જીવી રહ્યાં છે. પુરુષમાં ઊગેલાં માતૃત્વને ધૂમકેતુ જેવી સબળ કલમ જ આલેખી શકે. ડોસાની પત્ર-પ્રતીક્ષાને બખૂબી વર્ણવી છે. પોતાની વહાલસોયી દીકરી મરીયમ, જે દૂર દેશાવર સાસરે હતી, તેનો પત્ર આજે ચોક્કસ આવશે જ એવી પૂર્ણ શ્રદ્ધા સાથે લાકડીના ટેકે ટેકે ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવે, પરંતુ પત્ર ન આવે ને ખાલી હાથે પાછો જાય. ફરી બીજા દિવસે આવે. પાછો જાય. આમ તેની શ્રદ્ધા – વિશ્વાસ સાથે પોસ્ટ ઓફિસે આવવાનો ક્રમ રોજેરોજ નિયમિત જળવાઈ રહે છે. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પત્રની પ્રતીક્ષા કરનાર આ ડોસાને તડપાવવા માટે “કોચમેન અલી ડોસા…” એવી બૂમ પાડે અને અલી ડોસો એમ માને કે પોતાની દીકરી મરીયમનો પત્ર આવ્યો છે અને તે પોસ્ટ ઓફિસની બારીએ જાય પરંતુ પત્ર ન હોય. આખરે એક દિવસ ખરેખર પત્ર આવે છે. પછી શું થાય છે, એ જાણવાની ખરી મજા તો એ વાર્તા વાંચો તો જ આવે. ખેર, એ અલીડોસો આજે નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ આ ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા આજે પણ મારા દિલમાં હયાત છે. કહ્યું છે ને કે લેખક કદી મારતો નથી તેના શબ્દો અને કલમ તેમને જીવાડે છે.
વિશેષ માહિતી -સંકલન-
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ટેનટેલ’ નામની પસંદ કરેલી શ્રેષ્ટ દસ વાર્તાઓમાં ‘પોસ્ટ ઓફીસ’નું પણ સ્થાન છે. ‘પોસ્ટ ઓફીસ’ વાર્તામાં અલી ડોસાનો પુત્રી-પત્ર વિરહનો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી મળ્યું છે. અમેરિકામાં પ્રકાશિત થતુ stories from many landsમાં તણખા મંડળ-1માં ‘પોસ્ટ ઓફીસ’ વાર્તાને સ્થાન મળ્યુ છે. પોસ્ટ ઓફિસનું અંગ્રેજીમાં ‘ધ લેટર’ તરીકે અનુવાદ થયો છે.
એ અલી ડોસો નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ એ પોસ્ટ ઓફિસ ગોંડલમાં હયાત છે. થોડા સમય પહેલાં એ પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચોકનું ‘ધૂમકેતુ ચોક’ નામકરણ થયું છે. ધૂમકેતુ ગોંડલ રેલવેમાં ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં ક્લેઈમ્સ ક્લાર્ક તરીકે નિમાયા હતા. એ નોકરીમાં મજા ન આવી એટલે સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે નોકરી કરી હતી. એ જમાનામાં કોઈ મેટ્રીક પાસ થાય તો પણ જાણે કે આઈએએસ પાસ થયા જેવું ગૌરવ ગણાતું! એ વેળા તેઓ મેટ્રીક થયા પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરી બીએ થયા હતા. ભણવાની સાથે તેમની સાહિત્યરુચિ પણ ઘણી ખીલેલી હતી. કોલેજકાળ દરમિયાન ‘સાહિત્ય’ માસિકે નિબંધ સ્પર્ધા યોજેલી, જેનો વિષય હતો ‘૧૯૧૭માં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો? અને શા માટે?’ તેમાં તેમણે ભાગ લીધો હતો અને દસ રૃપિયાનો પ્રથમ પુરસ્કાર પણ મેળવ્યો. કોલેજકાળ દરમિયાન ‘શૈલબાલા’ નામની વાર્તા રચેલી. તેમના પત્રો આનંદશંકર ધ્રુવના ‘વસંત’માં છપાયા હતા. તેમણે કુંકાવાવ, બાબરા, ગોંડલ અને અમદાવાદ એમ વિવિધ સ્થળોએ શિક્ષક તરીકે નોકરી કરી. ગોંડલ સાથે ધૂમકેતુને જાણે કે ઋણાનુબંધ હોય તેમ તેઓ પાંચમી અંગ્રેજી ભણવા ગોંડલ આવેલા હતા. નોકરી કરતાં કરતાં ગોંડલમાં જ ‘પોસ્ટ ઓફિસ’નું સર્જન કર્યું. એ સિવાય ઘણી વાર્તાઓ પણ ગોંડલમાં લખી.
પ્રણયમસ્તી અને વેદનાની બેવડી મોસમમાં ખીલતા કવિ એટલે હરીન્દ્ર દવે.
પહેલીવાર એમને ૧૯૭૯માં મળી. મેં પત્રકારત્વનો કૉર્સ કર્યો ત્યારે એમનો પરિચય એસ.એન.ડી.ટી કૉલેજમાં થયો. ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર આટલી મોટી વ્યક્તિ અને આટલું સરળ વ્યક્તિત્વ! ક્યાંય કોઈને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નહિ. અમારા વર્ગ લેવા આવ્યા ત્યારે અમને એમના વિષે વધુ માહિતી સુરેશ દલાલે આપી. હરીન્દ્ર માત્ર મારો મિત્ર નથી ‘જનશક્તિ’ દૈનિક, ‘સમર્પણ’ના સંપાદક, મુંબઈ-ગુજરાતી વિભાગના તંત્રી છે. એ સિવાય જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ-પ્રવાસીનાં મુખ્ય તંત્રી તરીકે કાર્યરત છે માટે આપણા આ પત્રકારત્વના વર્ગમાં તમને માર્ગદર્શન આપશે અને તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે. જવાબમાં હરીન્દ્ર દવેનું માત્ર ધીમું સ્મિત. એક તંત્રી તરીકે એમને ઘણાને મળવાનું થતું હશે પણ અમને અને સૌને એમની નમ્રતા જ મળી એ જ અહોભાવ અમને એમના તરફ આકર્ષતો. એ કોઈને નડ્યા નહિ અને અમારા વર્ગમાં એમણે એમની અનેકવિધ પ્રતિભાનો અમને અણસાર પણ ન આવવા દીધો.
પછી તો વારંવાર મળવાનું થતું. હું એમને સાંભળ્યા કરતી. આમ તો ઓછુ બોલનારી વ્યક્તિ એટલે વિષય સિવાય ખાસ વાત ન કરે પણ હું એમનાં પુસ્તકો દ્વારા નજદીક ગઈ. હરીન્દ્ર દવેની ઋજુતા એમનાં દરકે સર્જનમાં પ્રગટી, જે મેં એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહનાં ભાવસંવેદનમાં માણ્યું.. “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં”… ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ એમનાં ગીતોમાં લય, હલક અને ભાવમાધુર્ય અનુભવ્યું માટે જ કદાચ ગમ્યાં. એમની કવિતા કે ગીતમાં કાવ્યત્વ પૂર્ણ છે. એ વાતનો અહેસાસ મારી મિત્ર શીલા ભટ્ટે મને ત્યારે કરાવ્યો. મેં એમની અછાંદસ અને લયબદ્ધ કવિતાથી મારી સાહિત્યની શરૂઆત કરી એમ ગણાય, ત્યારપછી લાઈબ્રેરીમાંથી એમની વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ વાંચી અને રિવ્યૂ લખવાની કોશિશ કરી. જોકે સુરેશ દલાલે મને કહ્યું, ‘બેન, કલમને પહેલાં કેળવો.’ તેમ છતાં, હું એમને વાંચતી ત્યારે હમેશાં નવું શીખતી. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ મારાં દિમાગમાં રાજ કરવાં માંડી. હવે વિચારોમાં વિસ્તૃત સમજણ હું મેળવતી થઈ. હું પણ નારદની જેમ પ્રભુત્વને જીવનમાં શોધવાં માંડી. સુરેશ દલાલ મને ખૂબ આધુનિક લાગતા જયારે હરીન્દ્ર દવે પોતાનાં મનમાં આવે તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપે છે એવું મને લાગતું. એમણે અમારા પત્રકારત્વના વર્ગમાં પણ પત્રકારત્વના નિયમો ન દેખાડ્યા. એ માત્ર એટલુ કહેતા, ‘સારો પત્રકાર સત્યને નિર્ભયતાપૂર્વક પ્રગટ કરે છે. હું કવિ છું પણ પત્રકારત્વમાં કવિને અળગો રાખવાનો છે.’ પત્રકાર તરીકે જીવનના અનેક પ્રસંગો એમણે જોયા-જાણ્યા હશે. એનાં પ્રતિબિંબરૂપે એમની કેટલીક નવકથાઓમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ વર્ણવાઈ છે. આવાં પ્રકારની કૃતિ ‘સુખ નામનો પ્રદેશ’ વાંચવાં જેવી છે. એ ઉપરાંત, એમણે એમની ગઝલની એક આખી નોખી છાપ ઊભી કરી છે. એમને સમજવા માટે મને સુરેશ દલાલે ‘કવિ અને કવિતા’ પુસ્તક વાંચવાં કહ્યું હતું જે કવિતાના આસ્વાદનું પુસ્તક છે. એમણે કવિતા વિશ્વમાં એક સૌમ્ય વાતાવરણ સર્જી કવિતાની મોસમમાં ભીંજાતાં મને શીખવ્યું.
‘વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય પ્રકશિત થયો. મારાં લગ્ન થયાં એટલે થોડો વખત સાહિત્ય માળિયે મુકાઈ ગયું, પછી બાળકો એટલે સુરેશ દલાલને વાંચતી…. બાળ જોડકણામાં.
અને અંતે એમની પંક્તિમાં એમના જ માટે..
હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !
ઘણી વ્યક્તિ અનાયાસે આપણને મળે અને તેમના દ્વારા જીવનમાં મોસમ ખીલી ઊઠે તો શું કહેવાય? એક વખત જે સાવ જ અજાણ્યા હતા, એ હવે શબ્દ થકી મારામાં જીવે છે. એ દેખાવડા ના કહી શકાય તો પણ સદાય આકર્ષી ગયા. એમણે સાહિત્ય મને શીખવાડ્યું જ નથી પણ અજાણતા હું સાહિત્યરસિક એમના થકી બની. હરીન્દ્ર દવે એટલે સાહિત્યની નજાકતભરી માવજત કરનાર, સુંદર રજૂઆત કરનાર. એમના પ્રત્યેક શેર પાણીદાર, સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, નાજુક અર્થ. એમનાં કેટલાં ગીતો તો એવાં છે કે જેમાં કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું હજી પણ ગમે. એમણે સાહિત્યને ફિલોસોફરની દૃષ્ટિએ નહીં પણ મજનૂની દૃષ્ટિએ પ્રેમ કર્યો છે. એમની અનેક રચનામાં કે લેખનમાં લાગણીની ભીનાશથી સાહિત્યનુ સિંચન કર્યું છે એમ કહું તો અતિશયોક્તિ નહિ કહેવાય. આ કવિ ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન છે.
શ્રી હરીન્દ્ર દવે ભારતીય વિદ્યાભવનમાં કામ કરતા હતા. એ અરસામાં કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’નું અનુવાદનું કાર્ય એમને સોંપાયું. એનો અનુવાદ કરતાં કરતાં કૃષ્ણજીવનની મોહની લાગી અને એમાંથી જે ઊર્મિસ્પંદન જાગ્યું અને અદ્દભુત કાવ્ય ગુજરાતી સાહિત્યમાં પ્રગટ થયું. એ આપણે સૌ વારેવારે સાંભળીએ છીએઃ
ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
કેવી રીતે સર્જાઈ આ કૃતિ? કોણે ધક્કો આપ્યો હરીન્દ્રભાઈને આ નવલકથા લખવાનો? આપણે બધા જાણીએ છીએ કે હરીન્દ્રભાઈ વ્યવસાયે પત્રકાર હતા અને પત્રકારત્વ નિમિત્તે દેશ અને દુનિયામાં તત્કાળ બનતી ઘટનાઓ વિશે વિચારવાનું અને લખવાનું એમને સતત બન્યા કરતું. એ નિમિત્તે નવલકથાના વિષયવસ્તુઓ તેમને હંમેશાં મળતા રહેતા. દેશ અને દુનિયાના તખ્તે અત્યંત ક્ષુબ્ધ થઈ જવાય એવી પરિસ્થિતિ છે એવો અનુભવ એમને જ્યારે થયો ત્યારે એમણે ‘માધવ ક્યાંય નથી’ લખી. – નરેશ વેદ
કવિતા – આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે (સમગ્ર કવિતાનો સંગ્રહ)
નવલકથા – અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધીની કાવડ, મોક્ષ, મોટા અપરાધી મહેલમાં.
નાટક – યુગે યુગે, સંધ્યાકાળે પ્રભાતફેરી
વિવેચન – દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ, વિવેચનની ક્ષણો, કલમની પાંખે.
નિબંધ – નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા
સંપાદન – મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક
ધર્મ – સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા, કથા રામની- વ્યથા માનવની
અનુવાદ – પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવ અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ
અંગ્રેજી – The Cup Of Love.
તેઓ એમ.એ.માં ત્રીજા વર્ગમાં પાસ થયા હતા. સાવ નાની ઉમરે ૫૦૦ પંક્તિનું કાવ્ય રચ્યું હતું. એ કંઈ મામુલી વાત નથી. એ પરંપરાના કવિ હતા પણ પોતાની રીતે મૌલિકતાથી મ્હોર્યા. ગદ્ય અને પદ્ય બંનેમાં એમની એક આગવી શૈલી નજરે પડે છે. અમને અન્ય ભાષામાં વાંચવાનું કહેતા. પોતે બંગાળી, ઉર્દુ અને અંગ્રેજી ભાષાના ભાવક હતા. એમના વિષે ઘણું લખી શકાય પણ બીજી કોઈ વાર …
વધુ માહિતી -https://gu.wikipedia.org/
“કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા
શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન
કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન”
મને એમની ઓળખ એમની ગઝલો થકી જ છે.આખી વાતનું મૂળ છે કે રાજેશ વ્યાસને એમની ગઝલો થકી જ જાણું છું માણું છું અને સમજુ છું એ રીતે આખી વાત લખી છે બાકી એમને પ્રત્યક્ષ વાંચવાનો અને સંભાળવાનો લહાવો જ નોખો છે.
જેમની કવિતા સાંભળીને શ્રોતાઓ ઝૂમી ઊઠે છે, એવા ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીનની જાણીતી રચનાઓ અહી સાંભળો….
સંકલન વિશેષ :અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,
૧. એલ.એલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી,
૨. ક્યારેય નોકરી કરવી નહિ,
૩. ચાળીસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ બીજા ભાગો ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા.સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.-જયંત ગાડીત.
૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું
-શિવાની દેસાઈ
(વિશેષ માહિતી -સંકલન )
તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી સામર્થ્ય બતાવ્યું છે. અનુવાદ કરતા હોવા છતાં ભાવાનુવાદમાં વધુ માનતા હતા. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઇ છે.નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી.
મારૂં મનગમતું ચરિત્ર નરસિંહ મહેતા અને મનગમતું ભજન વૈષ્ણવ જન તો …નરસિંહ મહેતા મને ખૂબ ગમે છે, તે જે ભૂમીમાં જન્મ્યા તે મારી પણ માતૃભૂમિ છે માટે આજે પણ આપણા પહેલી પંક્તિના આદિકવિ નરસૈયો માટે હું બહુ ગૌરવ અનુભવું.
મારો જન્મ વૈષ્ણવ પરિવારમાં થયો છે પણ એક વૈષ્ણવના સંસ્કાર મને નરસિંહના એક ભજને “વૈષ્ણવ જન તો તેને કહીએ”માં સમજાવ્યા. અમે સવારમાં ઉઠતાની સાથે સરસ મજાનાં પ્રભાતિયા, ભજન કીર્તન સાંભળતા જ હું મોટી થઇ! મારા પપ્પાને નરસિંહના ભજન ખુબ પ્રિય અને એક ભજન તો આજે પણ મને ખુબ ગમે છે જે સાંભળતા આજે પણ મારું પ્રભાત ઉઘડે છે. જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે ? પછી તો અમારી સ્કૂલમાં પણ પાઠ્યપુસ્તકમાં પણ આ ભજન હતું શાળામાં બધા એકસાથે ગાવાની ખુબ જ મોજ પડતી ! મારુ પણ એ ખુબજ મનગમતું પ્રભાતિયું આજે પણ છે. નરસિંહ મહેતાએ કેવી સુંદર રીતે યશોદામૈયાની ભાવના વ્યકત કરી છે કાનાને કેવા લાડથી ઉઠાડે છે !
હું લખતા,વાંચતા કે કવિ અને લેખકને સમજુ એ પહેલા જ મારા બાળમાનસ પર કૃષ્ણભક્ત કવિ નરસિંહ મહેતાનું ચરિત્ર અંકિત હતું ! મારા દાદી રોજ રાત્રે અમને ભક્તકવિ નરસિંહ મહેતાની રાસલીલા,કુંવરબાઇનું મામેરું,મીરાંબાઈની કૃષ્ણ ભક્તિ અને ઝેરના પ્યાલાની વાતો સુંદર વાર્તા રૂપે કરતા, મારી દાદીની વાર્તા કહેવાની છટા પણ એવી જ સુંદર હતી. અમને દાદી કૃષ્ણલીલા સાક્ષાત નિહાળતા હોય તેવો અહેસાસ કરાવતા..અને અમે એમાં એવા ઓતપ્રોત થઇ જતાં કે જાણે અમે જ નરસિંહ મહેતા અને તેની કૃષ્ણની રાસરાસલીલામાં સહભાગી ન હોય ?
આજે પણ બધું જ યાદ છે.નરસિંહ મહેતાના બંને હાથમાં મશાલ હોય અને નરસિંહ એવા તો કૃષ્ણમય બની જાય કે તેમના બંને હાથ મશાલનીની સાથે બળવા માંડે અને અમને પણ દેહ નું ભાન ન રહે તેમ અમને પણ જાણે અમારા હાથ ન બળતા હોય તેવું લાગે ! … કેવી અદ્દભુત કૃષ્ણભક્તિ ! જેને સાક્ષાત કાનુડો હાજરાહાજુર હતા.એ ભક્તવત્સલ કવિનું મારુ બીજું પ્રિય ભજન જે અમારે પાઠ્યપુસ્તકમાં કવિતા રૂપે હતું તે “જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે ,જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે, …..નાગણીઓ અને બાલકૃષ્ણનો સંવાદ ખુબજ સુંદર ભજન રૂપે મને ગમેતો એટલે આખો કંઠસ્ત કર્યો હતો. અમારા શિક્ષક કવિતા રૂપે ક્લાસમાં અમને બધાને એકસાથે ગવડાવતા તેની મજા આજ સુધી ભૂલાઈ નથી. આવી ઘણી કવિતા અને ભજનો આજે પણ કંઠસ્થ છે.
એમના એક એક પ્રસંગ માટે કેટલાક પુસ્તકો લખાયા છે. નાટકો અને ફિલ્મ બની છે.તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું, ત્યાર પછી તો ધણા જ નાટકો તેમજ પિક્ચર પણ રચાયા. તેમની યાદમાં ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે. સાહિત્ય નિધી તરફથી અત્યાર સુધી ૨૧ પુરસ્કાર અપાયા છે.
નરસિંહ મહેતા એ લગભગ બાવીસ હજાર જેટલા ભજન,કીર્તન,પરોઢિયા,આખ્યાન પદ ગુજરાતી સાહિત્યને આપ્યા છે! તેથી જ તેને ઇ.સ. ૧૫મી સદીના નરસિંહ ગુજરાતી ભાષાના આદિકવિ કહેવાય, નરસિંહ મહેતા માટે સંક્ષિપ્તમાં લખવું એ અઘરું કામ છે છતાં પ્રયત્ન જરૂર કરીશ.
નરસિંહ મહેતાનો જન્મ નાગર કુટુંબમાં ઇ સ ૧૪૧૪માં સૌરાષ્ટ્રના તળાજા ગામમાં થયેલો.પિતા કૃષ્ણ દાસ અને માતા દયાકુંવર બંનેને નરસિંહ મહેતા પાંચ વર્ષની ઉંમરે જ ગુમાવ્યા હતા. તેમનો ઉછેર દાદી જયાગૌરીએ કરેલો. ત્યારબાદ તેઓ તેમના ભાઈ ભાભી સાથે જુનાગઢમાં રહેતા.તેમના લગ્ન ઇસ ૧૪૨૮ માણેકબાઈ સાથે થયેલા. તેમને બે બાળકો એક પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશદાસ. એમના જીવનના પ્રસંગોમાં કુંવરબાઇનું મામેરું અને શામળદાસની હુંડી ખુબજ પ્રચલિત છે.
નરસિંહ મહેતા સદાય ભક્તિમય જ રહ્યા.આખો દિવસ એમાંજ રચ્યા પચ્યા રહેતા. ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.કામ ધંધો કરતા નહીં તેથી તેમની ભાભીને બિલકુલ ગમતું નહીં તે ખૂબ અપમાનિત શબ્દો બોલી હડધૂત કરતા અને મેણા ટોણા મારતાં.એક દિવસ અસહ્ય થતાં નરસિંહ ઘરછોડી જંગલ તરફ નીકળી પડ્યા,ભૂખ્યા અને તરસ્યા સાત દિવસ સુધી શિવની તપસ્યા કરી અને શિવનો સાક્ષાત્કાર થયો. નરસિંહના આનંદનો પાર ના રહ્યો. જયારે મહાદેવે નરસિંહને તેની મનોકામના પૂછી ત્યારે નરસિંહે તેમને ‘રાધા કૃષ્ણની રાસલીલા જોવાની ઈચ્છા પ્રગટ કરી. ભક્તની ઇચ્છાને માન આપી મહાદેવે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. તેમની ઇચ્છા કૃષ્ણને મળવાની અને રાસલીલાના દર્શન કરવાની હતી તે પૂરી થઇ અને ધન્ય બની ગયા.ભાભીનું મહેણું નરસિંહને ભગવાન પ્રાપ્ત કરવાનું નિમિત્ત બની ગયું. ભાભીના મહેણાને નિમિત્ત માની ઘરે જઈ ભાભીને પગે પડ્યા ભાભીનો ખુબ ખુબ આભાર માન્યો, શ્રદ્ધાભાવથી તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું “ધન્ય હો તમે, ધન્ય હો, મારા પર આવડો મોટો ઉપકાર કર્યો,મને પ્રભુનો ભેટો કરાવ્યો, તમે મારા ગુરુ છો.તમે મારો ઉદ્ધાર કર્યો છે,તમારા પ્રતાપે આજે મે ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે,આ ભવમાં ભલે મને ભાભી સ્વરૂપે મળ્યા પણ આવતા ભવમાં મને મા સ્વરૂપે મળજો”કેવી અદભૂત ઉદારતા!
નરસિંહના જીવનમાં પછી તો અનેક પ્રસંગોમાં પ્રભુનો સાક્ષાતકાર નરસિંહને થયો દીકરીનું મામેરું,પુત્ર શામળશદાસના વિવાહ કે પછી પત્ની માણેકબાઈનું મૃત્યુ પ્રભુએ આવીને આ ભક્તની લાજ રાખી. નરસિંહ મહેતાનુ જ્ઞાન અને ભક્તિનું ત્રીજુ નેત્ર ખુલી ગયું. જેના પ્રતાપે તેના અંતરમાંથી જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યના પદોનો ધોધ છૂટી નીકળ્યો….ત્યાર પછી તો ભક્તિ દ્વારા જ્ઞાનના રહસ્યોને નરસિંહ કવિતામાં ઉઘાડતાં જ ગયા અને ભજનો દ્વારા સરળ ભાષામાં ગાતા ત્યારે આજની પેઠીને આશ્ચર્ય જરૂર થાય કે આ ચાર ચોપડી ભણેલો નરસૈયા પાસે આવું વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન આવ્યું કયાંથી?
નરસિંહ ઘણીવાર સાધુસંતોની સાથે ભજનો ગાતાં ગાતાં પોતાના ગામથી ઘણાં દૂર નીકળી જતાં અને એ વાતનું એમને ભાન પણ ના રહેતું.ગામમાં જ્યાં જ્યાં હરી કીર્તન અને ભજન થતાં હોય ત્યાં નરસિંહ પહોંચી જાય પછી એ ભંગીવાડો કેમ ન હોય?
નરસિંહ મહેતાનું મને ગમવાનું એ પણ એક કારણ કે તેઓ એ જમાનાના ઉચ્ચ સમાજ સુધારક પણ હતા.એ જમાનામાં છૂતઅછૂત, ઉંચનીચના જાતિભેદ બહુ જ હતા. નરસિંહ મહેતા તો ભંગી,ચમાર,નીચલી કોમમાં જઈને પણ ભજન,કીર્તન કરતાં એતો સંત ભક્ત હતા.સહુ ને સમાન ઈશ્વરના બાળકો માનતા, હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કરવામાં બાકી નહોતું રાખ્યું, નાગરી નાતે તેમનો બહિષ્કાર કરી નાતબહાર મુક્યા! પણ નરસિંહએ તો લોકોને નાત-જાતના અને જ્ઞાતિ ધર્મોના ભેદોથી ઉપર ઉઠાવી સહુ કોઈ હરિના જન(ભગવાનના સંતાન)છે એવી સમજણ આપી.પરંતુ આવા પ્રસંગે પણ નરસિંહ મહેતાએ પોતાની ભક્તિ અને ભગવાન પ્રત્યેની આસ્થા ડગવા ના દીધી. જેવી એમની સમાનતા એવી સમતા. અગવડ કે સગવડ, સુખ કે દુઃખ, પ્રશંસા કે નિંંદાથીય તેઓ ચલિત ન થયા.પત્નીના અવસાન સમયે તેમની જીભેથી સારી પડ્યું, “ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજશું શ્રી ગોપાલ”
આવા ક્રાંતિકારી વિચાર ધરાવનાર નરસિંહ મહેતાને ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુ પણ પોતાના આદર્શ માનતા હતા,નરસિંહ મહેતા એ લખેલું ભજન જે મહાત્મા ગાંધીજીને ખુબજ પ્રિય હતું તે વિશ્વભરમાં પ્રચલિત થયું. “વૈષ્ણવ જન તો રે કહીયે જે.. પિડપરાઈ જાણે રે….,એમના એક એક શબ્દમાં જીવન જીવવાની ફોલૉસફી તારવીને મૂકી દીધી છે! નરસિંહ મહેતા ૧૪૮૦માં દેહ છોડી કૃષ્ણમા લીન થઈ ગયા! એમ લોકો કહે છે.
તેમનું જીવન જ પછીના અનેક સાહિત્યકારો માટે આખ્યાનનો વિષય બની ગયું છે.નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ,પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે. ગુજરાતી ભાષાના અણમોલ રત્ન સમાન નરસિંહ મહેતાને ઊર્મિકાવ્યો,આખ્યાન,પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર માનવામાં આવે છે જેના દ્વારા રચાયેલા પ્રભાતિયા આપણને આજે પણ સવારે સાંભળવા મળે છે,જેના ભજનો અને કાવ્યો પાંચસો વર્ષોથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આજે લોકોના મનમાં તરોતાજા છે. લોકો ભાવથી આ પદોને ગાય છે. નરસિંહ મહેતાની ઘણી રચનાઓ મૌખિક રીતે સચવાયેલી છે. નરસિંહ મહેતાની રચનાઓ વિષે અનેક લેખકો અને ઇતિહાસકારોએ સંશોધન કરેલા છે. તેમની રચનામાં “ઝુલણ છંદ” અને “કેદારો રાગ” મુખ્ય સ્વરૂપે જોવા મળે છે.ઝૂલણ છંદના રચયેતા નરસિંહને માનવામાં આવે છે.સંપૂર્ણ જીવન દરમ્યાન તેમણે અનેક સાહિત્યનુ સર્જન કર્યું. જે આજે આટલો સમય વીતી ગયો હોવા છતા આજે પણ સંભાળનારને પરમ આનંદનો અનુભવ કરાવે છે.મારું પણ સવાર નરસિંહના પ્રભાતિયાથી આજે પણ અમેરિકામાં ઉઘડે છે.
-રેણુબેન વખારિયા