તાજેતરમાં જ કોમ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી લઈને જોબ શોધતા હણહણતા વછેરાની વાત છે. એક સાથે દુનિયાભરમાં ડંકો વગાડતી એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગુગલ એમ ત્રણે કંપનીઓમાંથી ઇન્ટરવ્યુ આવ્યા અને એની કાબેલિયતના બળે એને ત્રણે કંપનીમાંથી જોબ ઓફર પણ મળી.. કેટલા આનંદ, કેટલા ગૌરવની વાત ! સ્વભાવિક છે. આજે આવી કેટલીય આઇ.ટી.કંપનીઓ છે જેમાં ગણ્યા ગણાય નહી એટલા કોમ્પ્યૂટર એક્સપર્ટ્સ કામ કરતા હશે.
આ સિવાય ફેસબુક, વ્હોટ્સ એપ જેવી અનેક માતબર કંપનીઓએ વિશ્વભરના લોકોને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા છે.
હર સવાલો કા જવાબ ગુગલ…સવારે ઉઠવાથી માંડીને રાત્રે ઉંઘવા સુધીની સમસ્યાઓના હલ ગુગલ ગુરુ/ ગુગલ મહારાજ પાસે મળી જ જાય.- જય ગુગલદેવ….
ગુગલની વાત તો આજે ઘેર ઘેર ગવાવા માંડી છે પણ આજથી લગભગ ૧૨ વર્ષ પહેલાની એટલે કે ૨૦૦૭ની વાત છે. એ સમયે મણીરત્નમની ધીરુભાઈ અંબાણીની બાયોપિક -ફિલ્મ ગુરુ રજૂ થઈ હતી. હજુ તો ગુરુ વિશે જરા વાત જ કરતા હતા અને એક આઇ.ટી ફિલ્ડના ટેક્નૉસાવીએ માત્ર બે મિનિટમાં ગુરુ ફિલ્મ અને ધીરુભાઈ અંબાણીની આખેઆખી કુંડળી વાંચી સંભળાવી. અમે તો અચંબિત કારણકે એ સમયે આ ગુગલ નામના જાદુગરને આપણે એટલા ક્યાં જાણતા હતા?
આજે તો ક્યાં જવું છે થી માંડીને શું ખાવું છે, કેવી રીતે બનાવવું છે એનો ચપટી ભરતામાં ઉકેલ મળી જાય છે. અમેરિકામાં કે અન્ય દેશોમાં પણ દાદી-નાની વગર ઉછરતા બાળકોના દાદી-નાની પણ ગુગલદેવી જ બની ગયા છે.
ના, આજે આ ટેક્નોલૉજિ વિરુધ્ધ કોઈ વાત નથી કરવી કારણકે એનાથી થકી જ તો આપણે પણ એકબીજાથી એટલા નિકટ છીએ ને? આજે વાત કરવી છે પરિવર્તનની. છેલ્લા લેખના અનુસંધાનમાં સ્તો… પ્રકૃતિ જેટલી સ્વભાવિકતાથી પુનરાવર્તન અને પરિવર્તન સ્વીકારી લે છે એવી જ સ્વભાવિકતાથી આપણે પણ પુનરાવર્તન અને પરિવર્તન સાથે અનુસંધાન મેળવી લેવાનું છે.
હમણાં થોડા દિવસ પહેલા એક એવા સમાચાર વાંચ્યા કે લોકમિલાપ પુસ્તક ભંડાર ૨૦૨૦ના જાન્યુઆરીમાં બંધ થઈ રહ્યો છે અને તે પણ આપણા પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬મી જાન્યુઆરીએ.
આ તો આપણા જુના અને જાણીતા એક માત્ર પુસ્તક ભંડારની વાત છે પણ આપણી જાણ બહાર કેટલાય આવા પુસ્તક ભંડાર બંધ થઈ ગયા હશે. કોને સમય છે આજે પુસ્તક ભંડાર તરફ દોટ મુકવાનો? ઘેર બેઠા પગ લંબાવીને ફિલ્મ જોવા મળતી હોય તો થિયેટર સુધી ય કોણ લાંબુ થાય છે?
અરે! જ્યાં નેટ પર કંઈ કેટલીય વાંચન સામગ્રી હાથવગી હોય અને વળી પાછી એને કિંડલમાં ડાઉન લોડ કરી શકાતી હોય ત્યાં કોને આવો સમય આપવાનું મન થાય ?
હશે આ પરિવર્તન પણ સ્વીકારવું જ રહ્યું. આપણે પણ એમાંના એક બનવું જ રહ્યું. ત્યારે ગત વર્ષના વિશ્વ પુસ્તકદિને લખેલી વાતના સંદર્ભમાં રાજેશ વ્યાસ મિસ્કિન લિખિત એક કવિતા આજે ફરી યાદ આવી ગઈ…
પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.
પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.
અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.
જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.
પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.
પણ હવે ક્યાં એવું પુસ્તક જગત મળશે જ્યાં આપણાં જેવા વાચકોનો મેળો હોય? પુસ્તકની સાથે મન પણ વંચાતા હોય. એક સારું, મનગમતું પુસ્તક લાયબ્રેરીમાંથી મળી જાય એ દિવસ તો ઉત્સવ બની જાય.
એનો અર્થ એ નથી કે હવે કોઈ કશું વાંચતું નથી. વંચાય છે અઢળક વંચાય છે અને વાચક વર્ગ પણ વિસ્તરતો જાય છે કારણકે એને વાંચવા માટે ક્યાંય જવું પડતું નથી. ઘેર બેઠા ગંગા છે બસ એમાંથી આચમની ભરી લેવાની છે.
શક્ય છે ભવિષ્યમાં એક હતો રાજાની જેમ એક હતું પુસ્તક ભંડાર એવું કહેવાશે? તો તો એનો અર્થ એ કે આપણા માટે આજ સુધી દીવાદાંડી બની રહેલા, બહાર અને ભીતરને જોડતા સેતુ સમાન પુસ્તકનો ઈતિહાસ ભૂતકાળ બની જશે? જો કે લોકમિલાપના સંચાલકો તો કહે છે કે દરેક પ્રારંભનો અંતિમ પડાવ તો આવતો જ હોય છે. આપણે પણ એવી જે ખેલદિલીપૂર્વક આ વાત સ્વીકારવી જ રહી ને? પણ ના, હવે એક વાત અહીંથી થોડી જુદી અને રાજી થવાની પણ સાંભળી કે શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો પ્લે-સ્ટોર પરથી મળશે જેમાં શ્રી મેઘાણીના પ્રખ્યાત પુસ્તકોનો સમાવેશ જોયો.. જો એક ૭૦ વર્ષ જુની સંસ્કૃતિ નવિનતા અપનાવી શકતી હોય તો આપણે ય ટેક્નોલૉજિમાં આવતા પરિવર્તનને મોકળા મને સ્વીકારવું રહ્યું ને? સમય સાથે તાલ તો મેળવવો જ રહ્યો ને?
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com