“કલમના કસબી:કનૈયાલાલ મુનશી”-રીટા જાની

ગુજરાતી અસ્મિતાના સર્જક ઉત્કૃષ્ટ જાણીતા નવલકથાકાર,નાટ્યકાર,વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા માટે તો અઘરો વિષય.આવા અઘરા વિષયને રીટાબેને એક ફિલ્મ દિર્ગદર્શક પાત્ર કે પરિસ્થિતિ પકડી લે ,એમ રીટાબેને મુનશીને વાંચીને ઝીલ્યા અને માત્ર ઝીલ્યા નથી પણ આપણી સમક્ષ “કલમના કસબી:કનૈયાલાલ મુનશી”ના ૫૦ લેખમાળામાં એવી રીતે વહેતા કર્યા કે જાણે મુનશી હાજર હજૂર જ છે.
રીટાબેને એક જાજરમાન વ્યક્તિત્વના વાંચનનો આનંદ તો લીધો છે.પણ મુનશીને ૫૦ મણકામાં એવી રીતે પરોવી પ્રસ્તુત કર્યા અને  તેમના વિશે આપણે વિચારવા પ્રેરાયા.આજેય આંગળીને વેઢે ગણી શકાય એવાં ગુજરાતીના પ્રતિભાશાળી અને લોકપ્રિય સર્જકો વિશે પૂછવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મુનશીનું નામ તેમાં અવશ્ય લેવાય.મુનશીની પ્રતિભામાં અને તેમના સાહિત્યમાં એવું તો કયું તત્ત્વ છે કે જેના બળે તેઓ આજના સમયમાં પણ કાળથી પર થઈને હયાત છે.આ વાત રીટાબેને પ્રસ્તુત કરી. ક્યારેક એમના પ્રવાસની તો ક્યારેક પાત્ર સ્વરૂપે મુનશીની ઓળખાણ કરાવી.એમની કલમ સામાન્ય કલમ નહોતી એવું પુરવાર કર્યું, તો તેની અંગત વાતો એવી રીતે મૂકી જાણે આપણા ઘરની વ્યક્તિ ન હોય!
આજની નવી પેઢીને મુનાશીમાં રસ પડશે? એવું લેખિકાએ વિચાર્યું નહિ પણ મુનશી વિષે નવી પઢી પણ વિચારશે,તેમના વિશે અને તેમના સર્જન વિશે જાણવા માટે વિચાર કરતા થશે એમ ધ્યાનમાં રાખી રીટાબેને સમગ્ર લેખમાળા લખી.મુનશીના દરેક સર્જનને આવરી લઇ મુનશી સાહિત્ય પીરસ્યું..બધું તો સમાવી ન શક્યા પણ લેખિકાએ મુનશીની સંવેદન અને સર્જનપ્રક્રિયાને ઝડપી ,આપણી સમક્ષ એવી રીતે મૂકી કે એમને વાંચવાનું મન થાય જ. અહી લેખિકાની સજ્જતા,વાંચન અને કોઠાસુઝને હું નવાજુ છું.
વાંચન દરમ્યાન ગમેલી પ્રત્યેક ક્ષણને એ ધબકારાને એમણે શબ્દોમાં એવી રીતે ઉતાર્યા કે આપણે સૌ એમના વાંચનના સહભાગી થયા.ઉત્તમ વાચક ક્યારેય એકાંગી નથી હોતો.પોતે જે અનુભવે છે તેને શબ્દોમાં અવતારી બીજા સાથે જરૂર વહેચે છે. માણસ માત્ર હકીકત અને વાસ્તવિકતાથી જીવતો હોય છે રીટાબેને મુનશીની વાસ્તવિકતાને જ પ્રગટ કરી.લેખિકાએ પોતે મુન્શીજીને  વાંચ્યા અનુભવ્યા પછી ઠાવકી રીતે પ્રસ્તુત કર્યા.આ લેખમાળા રીટાબેનની વાંચનયાત્રા ના પડઘાનું રૂપાંતર છે.
આપણે કનૈયાલાલ મુનશીને અસ્મિતાના ઉદ્-ઘોષક તરીકે ઓળખીએ છે. જેના અણુમાં વ્યાપેલ અસ્મિતાનો ઉદઘોષ અને ભાષાપ્રેમને, નિરૂપણ કરવાનું કામ લેખિકાએ આ લેખમાળામાં કર્યું છે. આ રીટાબેને પહેલીવાર લેખમાળા લખી પણ એમણે એક લયમાં ચીલાચાલુ ન લખતા વૈવિધ્ય પ્રસ્તુત કર્યું અને મુનશીની કલમને  અન્યાય ન થાય અને તેમનું  કોઈપણ સર્જન રહીં જાય તેમ લેખમાળા લખી.ત્યારે વાચકોની દ્રષ્ટિએ એક અનુભવી લેખિકા તરીકે  સ્થાપિત થઇ ગયા.જે લખવાનો પ્રયત્ન કરે છે તે જ પરિપક્વ બને છે. માત્ર લખવાની ઉત્કૃષ્ટતા હોવી જોઈએ. ઘણીવાર તબિયતને કારણે તેમનાથી ન પણ લખાયું પણ તેમ છતાં શ્રેણી પૂરી  કરી તેનો મને ગર્વ છે.એમની કલમ સદાય લીલીછમ રહે તે માટે ફરી તેમને શબ્દોના સર્જનના બ્લોગ પર લખવા આમંત્રણ આપું છું.

પ્રજ્ઞા દાદભાવાળા 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-50

મારા સાહિત્યપ્રેમી સાથીઓ,
કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે માણી રહ્યા છીએ. સાહિત્ય એ કળા છે તો કસબ શું છે? કસબ એ આગવી ઓળખ છે,  જે વિશિષ્ટ છે અને તેથી જ સાહિત્યના પુષ્પગુચ્છમાં રહેલાં પુષ્પો પોતાની વિશિષ્ટ સુવાસ પ્રસ્તુત કરે છે. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઈ ઇતિહાસને જીવંત કરવાનો કસબ એ મુનશીની વિશેષતા છે. સાહિત્યની પગથારના વિવિધ સોપાનો પર કદમ મૂકતાં અને સાહિત્યરસને માણતાં આપણે એક નવા કદમ પર છીએ. એ કદમ છે – આ લેખમાળાનું અંતિમ કદમ.

પુસ્તકની પ્રેરણાના પિયુષનું પંચામૃત પામેલા અને ગુર્જર સાહિત્યની ગૌરવગાથાના સહભાગી મારા સર્વ વાચકમિત્રોનું લેખમાળાના આ ગોલ્ડન જયુબિલી લેખમાં શાબ્દિક અભિવાદન કરતાં હું હર્ષ અનુભવું છું. આ લેખ ખાસ એ માટે છે કે આજે આપ સહુ સાહિત્યરસિકો સાથે એ ક્ષણોની વાત કરવી  છે કે જેને  પ્રસ્તુત કરતાં મેં અનુભવેલ હર્ષ અને રોમાંચ આજે તમારા સુધી પહોંચે. સુભગ સમન્વય પણ કેવો છે કે મુનશીજીની જન્મજયંતિ 30 ડિસેમ્બરે જ આ લેખમાળા તેના 50 હપ્તા પૂર્ણ કરી રહી છે.

પણ આજે  રોમાંચની આ ક્ષણનું કારણ ભૌતિક નહિ પણ સાહિત્ય અને સંસ્કારની સમૃદ્ધિ છે, જે આપણા સહુના આનંદનું કારણ છે. ગુજરાતની સંસ્કૃતિનું સાતત્ય રહ્યું છે ગુજરાતી સંસ્કાર સાથે અને સાહિત્યની સરવાણી વહાવી  છે સાહિત્યના સર્જક સહિત્ય સ્વામીઓએ. સાહિત્ય એ સંવેદનાઓનો શબ્દદેહ છે અને સાહિત્યસ્વામીઓ તેના સર્જક છે. સર્જનનો જે આનંદ તેમણે અનુભવ્યો તે શબ્દ સ્વરૂપે આપણા સુધી પહોંચે, તે છે પુસ્તક. આજે જ્યારે ‘બેઠક’ની પુસ્તક પરબ દ્વારા આપણે આ સાહિત્યરસને માણીએ છીએ ત્યારે આપણું આ કાર્ય એ આવા સ્વામીઓનું  તર્પણ પણ છે અને શબ્દોના પુષ્પગુચ્છનું સમર્પણ પણ છે. આવો પુષ્પગુચ્છ આજે અર્પણ કરવો છે સાહિત્યના અદભૂત સર્જક, કલમના કસબી , શબ્દના શિલ્પી, ગુજરાતની અસ્મિતાના આરાધક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશીને .

મને થયું કે મારે કેમ મુનશીના જ સાહિત્યને કેન્દ્રબિંદુમાં કેમ રાખવું ? જેમ સંસ્કૃત સાહિત્યની વાત થાય અને કાલિદાસ યાદ ના આવે તો જ નવાઈ. મિત્રો, હજાર વર્ષ બાદ પણ સ્મૃતિમાં ઉદભવે છે કવિ કાલિદાસ કેમ કે સાહિત્યસ્વામીઓ યુગોથી પર હોય છે. તે જ રીતે ગુજરાતનું ગૌરવ અનુભવતા આપણે પણ કનૈયાલાલ મુનશીની ઇતિહાસની જીવંતતા ને કૌશલને અનુભવીએ છીએ .

મુનશી મારા પ્રિય લેખક. શાળાજીવન દરમ્યાન તેમને એક વખત નહિ પણ દરેક વેકેશનમાં વાંચતા. પણ આજે ફરીને એક નવી નજરે મુનશી વાંચવાનું શરૂ કર્યું. એ ઉંમરે, એ સમયખંડમાં એક વાચક તરીકે વાંચવું અને આજે, આ ઉંમરે, આ સમયખંડમાં એક લેખક તરીકે વાંચવું તેમાં આભ જમીનનો ફેર છે. આજે જ્યારે હું મુનશી વિષે લખું તો  હવે એક એવી દૃષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે આજના સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય, લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને રસ પડે. આજે  50મો હપ્તો લખતા એક વિશ્વાસ અને સંતોષ હું અનુભવી રહી છું.  એક ઝરણાંને જેમ માર્ગ મળી જાય વહેવાનો, એમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જેના માટે  વિશેષ જરૂરિયાત છે ફક્ત આત્મચિંતન અને આત્મમંથનની.

ક્યારેક…એવું બને કે મહાસાગર પાર કરવાની ઝંખના હોય અને એવામાં કોઈ નૌકા દેખાય ..અને થાય કે બસ હવે પાર ઉતરવું કોઈ મોટી વાત નથી …પણ ઝંખના અને ઉત્સાહને પણ જરૂર હોય છે કોઈ અનુભવી સુકાનીની …આ નૌકા મને ‘બેઠક’માં મળી પણ જે દિશાસૂચન , હૂંફ અને માર્ગદર્શન મને પ્રજ્ઞાબેનના સાથ , સહકાર અને કાબેલ નેતૃત્વમાં મળ્યાં તે વિના કદાચ આ રસાસ્વાદ આટલો મધુર ન રહ્યો હોત. 

પ્રવાસને યાદગાર બનાવવામાં સહપ્રવાસીઓનો ફાળો અમૂલ્ય હોય છે. બેઠકના સર્વ  સર્જકોનો  પ્રેમભર્યો  આવકાર મળ્યો. સાથે મારા સર્વ સહલેખકોનો સહકાર અને તેમાં યે રાજુલબેન અને જિગીષાબેનનો પ્રેમભર્યો સાથ સહકાર મને હર પળ યાદ આવશે …તેને આભાર કહું કે સાભાર કદાચ શબ્દો એ લાગણીને વર્ણવી નહીં શકે..

લેખક અને વાચક વચ્ચે એક અદૃશ્ય કડી હોય છે. તેનું જોડાણ લેખક માટે  આનંદનો વિષય છે. ત્યારે મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે સાવ અજાણ્યા લોકો તરફથી પ્રતિભાવ મળે તો વિશેષ આનંદ થાય છે. તમામના નામ લેવા તો શક્ય જ નથી. તેમ છતાં કેટલાક નામ લેવા જરુરી છે.  લગભગ દરેક લેખમાં સૌથી પહેલો  પ્રતિભાવ આપનાર જયશ્રીબેન પટેલ જેઓ મુનશીના કુટુંબથી પણ પરિચિત  છે અને અન્ય વાચકોમાં પ્રદીપ ત્રિવેદી, બીરેનભાઇ, રાજસી, પ્રીતિ ત્રિવેદી, જિગીષાબેન, ગીતાબેન, રાજુલબેન,કલ્પનાબેન, રાજેશભાઈ, દર્શના, માયાબેન, નીલમબેન, હિમાંશુ, પાયલ, ગોવિંદ મારુ, ગિરીશ ચિતલિયા, ઇલાબેન,  બીના શેઠ, નીતિન વ્યાસ, ભાવનાભાભી અને  હર્ષા આચાર્યનો ખાસ ઉલ્લેખ કરીશ.

કોઈપણ માર્ગ ક્યારેય સીધો નથી હોતો. તેમાં વળાંક, ચઢાણ અને ઉતરાણ પણ આવે જ. મારી લેખનની સફર પણ આવી જ હતી. ક્યાંક સામાજિક જવાબદારીઓ તો ક્યાંક બિમારી તો ક્યાંક ટેકનિકલ કારણસર આખો લેખ  ભૂલથી delete થઈ ગયો ને ફરી નવેસરથી લખ્યો . પણ આ બધાની વચ્ચે પણ  લેખનયાત્રા ચાલુ રહી એનો મને સંતોષ છે. આ દરમ્યાન ઘણું નવું શીખવા મળ્યું. પ્રજ્ઞાબેન અને રાજુલબેનનું મૂલ્યવાન ટેકનિકલ માર્ગદર્શન પણ મળ્યું. તો જીવનભર ખભે ખભા મિલાવીને ચાલનાર મારા જીવનસાથી દીપકનો પણ સક્રિય સહકાર મળ્યો.

આ સાહિત્યયાત્રાનો અંત નથી, ફક્ત એક મુકામ છે. મેઘધનુષી સાંજની શોભા અનેરી હોય છે. મેઘધનુષ ત્યારે જ શક્ય બને જ્યારે સૂર્ય પણ હોય અને વાતાવરણમાં આર્દ્રતા પણ હોય. સાહિત્યસ્વામીઓ સમાન સૂર્ય હોય અને વાચકોના રસ અને પ્રેમમય સાહિત્ય વિશ્વની આર્દ્રતા પણ હોય તો મેઘધનુષ રચાતાં જ રહેશે. ફરી મળીશું, એવી જ એક મેઘધનુષી સાંજે….અદભુત રંગોના આસમાનમાં …, મોરપિચ્છની કલમને સાહિત્યરસમાં ઝબોળી..
ફરી કોઈ  નવી રસ ગાથા સાથે…

રીટા જાની

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-49કનૈયાલાલ મુનશીની  લેખમાળા અંતર્ગત ગત બે અંકથી આપણે સહુ માણી રહ્યા છીએ મુનશીની અંતિમ કૃતિ ‘કૃષ્ણાવતાર’ને. મુનશીની ઇતિહાસને જીવંત કરવાની કળાથી આપણે સહુ પરિચિત છીએ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે. કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

કૃષ્ણના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પરંતુ તેના પર દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિના કારણે અનેક સ્તોત્રોના સ્તર ચડતા ગયા. શ્રીકૃષ્ણ શૂરવીર હતા, તો શાણા પણ હતા. તેઓ પ્રેમાળ હતા, છતાં તેમની જીવનચર્યા મુક્ત હતી. તેમનામાં પૂર્ણ માનવીની પ્રફુલ્લતા હતી. તો શ્રીકૃષ્ણનો પ્રભાવ દૈવી હતો. મુનશીએ આ પહેલાં પણ નવલકથા તેમજ નાટકોમાં પૌરાણિક પાત્રોનું નિરૂપણ કર્યું છે. અગસ્ત્ય, લોપામુદ્રા, વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ અને સહસ્રાર્જુનને ‘લોપામુદ્રા”, ‘લોમહર્ષિણી’ અને ‘ભગવાન પરશુરામ”માં આલેખ્યા હતા તો ચ્યવન ને સુકન્યા ‘પુરંદર પરાજય” અને “અવિભક્ત આત્મા” માં વસિષ્ઠ અને અરુંધતિના પાત્રો નિરુપ્યા હતા. એ જ રીતે શ્રીકૃષ્ણનું આલેખન કરતાં પણ મુનશીએ કેટલીક ઘટનાઓ તેમના વ્યક્તિત્વને સુસંગત બનાવવા ઉપજાવી કાઢી છે. મુનશીએ પોતાની કલ્પનાનો આશ્રય લઈને પુરાણોના કેટલાક  પ્રસંગોના નવા અર્થ પણ ઘટિત કર્યા છે. અને એ વાત જ સમગ્ર કથાને ખૂબ  રોચક બનાવે છે. 


કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે ? કદાચ આવા પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હ્રુદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે. આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે. કૃષ્ણ બાલકૃષ્ણ તરીકે ગોકુળમાં બાલ કનૈયો છે, તો ઇન્દ્રને પડકાર ફેંકી ગોવર્ધન તોળનાર કૃષ્ણ એ શક્તિમાન ગોવર્ધનનાથ પણ છે. રાસ રમનાર અને રાધાજીના પ્રેમને આત્મસાત કરનાર કૃષ્ણ મથુરામાં કંસને મારી પણ શકે છે, તો ચાલાક કૃષ્ણ કાલયવનથી  યુદ્ધમાં નાસે છે અને રણછોડ તરીકે પ્રખ્યાત થાય છે. કૃષ્ણ કાલયવનનો નાશ મુચકુંદ ઋષિ દ્વારા કરાવે છે. પરંતુ આ જ કૃષ્ણ દ્વારિકાધીશ તરીકે દ્વારિકાને સોનાની દ્વારિકાનું નામ અપાવી શકે તેવી વિચક્ષણતા ધરાવે છે અને પાંડવોને વિજય પંથે દોરી જનાર કૃષ્ણ જ ગીતાના ઉદ્ ગાતા પણ બને છે અને કર્મયોગનો ઉપદેશ પણ આપે છે. કૃષ્ણ નર અને નારાયણ બંને છે અને તેથી જ કૃષ્ણ અવતાર છે.

‘કૃષ્ણાવતાર’ ના પાંચમા ખંડ ‘સત્યભામાનું કથાનક’ માં વિવિધ પુરાણોમાં વર્ણવેલી સ્યમંતક મણિની ઘટના, જે શ્રીકૃષ્ણના જીવન સાથે અનેરી રીતે સંકળાયેલી છે, તે મુનશીએ ખૂબ જ રોચક અને પ્રતીતિકર રીતે રજૂ કરી છે. શ્રીકૃષ્ણના પરાક્રમો અને ચમત્કારની કથાઓ સાંભળી મનોમન કૃષ્ણ વાસુદેવને પતિ તરીકે મેળવવાની ઇચ્છા રાખતી સત્યાના પિતા સત્રાજીત કૃષ્ણને પસંદ કરતાં ન હતા. કારણ તેઓ માનતા કે યાદવોના તમામ કમભાગ્યના મૂળમાં કૃષ્ણ જ રહેલા છે. આવા સંજોગોમાં કૃષ્ણ પર સ્યમંતક મણિની ચોરીનું આળ આવે છે. ત્યારે સત્યા કઈ રીતે કૃષ્ણને મદદ કરે છે, કૃષ્ણ બહાદુરી અને કુનેહથી રીંછમાનવોના પ્રદેશમાં જાંબવાન પાસેથી મણિ પાછો મેળવે છે, જાંબવતી રોહિણી સાથે લગ્ન કરે છે, સત્રાજીતની યાદવો પર વર્ચસ્વ મેળવવાની મહત્વાકાંક્ષાના ચૂરેચૂરા કરે છે, સત્યભામા સાથે લગ્ન કરે છે તેની દિલધડક કથા વાચકોને જકડી રાખે છે.

‘કૃષ્ણાવતાર’નો છઠ્ઠો ખંડ છે –‘મહામુનિ વ્યાસ”. પુરાણ સાહિત્યમાં વ્યાસનો ઘણો મોટો હિસ્સો છે. મોટા ભાગનાં પુરાણો વ્યાસમુનિએ રચેલા કહેવાય છે. તેઓ વેદના સંસ્કર્તા અને ધર્મના અવતાર તરીકે દર્શન દે છે. મૂળ મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હોવાનું કહેવાય છે. તેમણે વેદની વિવિધ શાખાઓને વ્યવસ્થિત કરી અને શ્રુતિને પ્રમાણિત રૂપ આપ્યું. એ વ્યવસ્થા 3000 વર્ષ પછી પણ અકબંધ જળવાઈ રહી છે. વ્યાસ ધર્મની રક્ષા કરનાર પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા હતા. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ પોતાને વ્યાસ સાથે સરખાવે છે. ખંડના અંતે વ્યાસ કહે છે: “ દેવો મને પોતાની પાસે નહીં બોલાવી લે ત્યાં સુધી હું ધર્મ માટે જ જીવીશ….ભગવાન સૂર્ય મારાં પગલાંને ત્યાં સુધી દોરી જશે.”

‘કૃષ્ણાવતાર’ના સાતમો ખંડ ‘યુધિષ્ઠિરનું કથાનક”માં શકુનિના પ્રપંચથી ધર્મરાજ યુધિષ્ઠિર દ્યુતમાં પરાભવ પામે છે તેની વાત છે.

‘કૃષ્ણાવતાર’નો આઠમો ખંડ ‘કુરુક્ષેત્રનું કથાનક’ અપૂર્ણ રહ્યો. આ કથાની શરૂઆતનો ઇતિહાસ રસિક છે પણ અંતનો ઇતિહાસ કરૂણ છે. જ્યારે લેખનકાર્ય આરંભ્યુ ત્યારે ફક્ત બે ખંડમાં જ આ કથા રજૂ કરવાની મુનશીજીની ઇચ્છા હતી. પણ જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ વાચકસમુદાયનું એના પ્રત્યેનું આકર્ષણ વધતું ચાલ્યું. મુનશીજીને પણ શ્રીકૃષ્ણના જીવનમાં અગત્યનો ભાગ ભજવતાં પુરાણ અને મહાભારતના પાત્રોએ આકર્ષ્યા. પરિણામે એમણે કથા લંબાવી અને જીવનના અંતિમ દિવસોમાં પણ આઠમા ખંડ સુધી વાર્તાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો. સાતમા ખાંડના પ્રાસ્તાવિક લખ્યાના માત્ર બાર દિવસ પછી જ મુનશીજીની જીવનલીલા સંકેલાઈ ગઈ અને એક મહાનવલ અધૂરી રહી ગઈ.

કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના. મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय: કૃષ્ણ ની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોરપિચ્છ સમાન વિવિધરંગી અને મોહક છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા ….અને ઘણું બધું. મુનશીની મહારત એ છે કે કથા ભલે પરિચિત હોય, પણ ‘કૃષ્ણાવતાર’ માં કૃષ્ણને આપણે મળીએ છીએ , ઓળખીએ છીએ એક નવા સ્વરૂપે – આને શું કહીશું ? કલમનું કૌવત, કૌશલ્ય , કળા કે કસબ ?

રીટા જાની

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-48
કલમના કસબી કનૈયાલાલ મુનશી અંતર્ગત આપણે માણી રહ્યા છીએ – ‘કૃષ્ણાવતાર’ નો ખંડ -3 ‘ પાંચ પાંડવો’. અને પ્રસંગ છે દ્રૌપદીનો સ્વયંવર .

નવલકથા આગળ વધતાં આપણે હવે એવા વળાંક પર છીએ જ્યાં કૃષ્ણ દ્રૌપદીને વરવાનો દ્રુપદનો પ્રસ્તાવ સ્વીકારતા નથી. પરંતુ સૂચન કરે છે કે આર્ય પરંપરા અનુસાર સ્વયંવર રચવામાં આવે અને તેમાં દ્રૌપદી તેની ઇચ્છા પ્રમાણે શ્રેષ્ઠ ધનુર્ધરને વરમાળા પહેરાવી પોતાનો પતિ નિર્ધારિત કરે. દ્રુપદ તે અનુસાર બધા રાજાઓને આમંત્રિત કરે છે. ભવ્ય તૈયારી થઈ ચૂકી છે. પણ દ્રુપદ અને દ્રૌપદીને મૂંઝવણ થાય છે. દ્રુપદની મૂંઝવણ રાજાઓ વિષે છે તો દ્રૌપદીની મૂંઝવણ કંઇક આવી છે. તે કૃષ્ણ ને કહે છે કે સ્વયંવરના કારણે કદાચ દુર્યોધન કે અશ્વત્થામા જીતી જાય તો તેને હસ્તિનાપુર લઈ જાય તો ? કે જરાસંધ કસોટીમાં જીતે તો? હવે કૃષ્ણ આનો ઉત્તર કંઇક આ રીતે આપે છેઃ તમે મારામાં મુકેલી શ્રધ્ધાએ મને બળ આપ્યું હતું. પણ હવે તમારી અશ્રદ્ધા જોતાં લાગે છે કે હું નિષ્ફળ ગયો છું. તમને મારામાં શ્રદ્ધા નથી. જે લોકો શ્રદ્ધાનો ચમત્કાર જોઈ શકતા નથી કે શ્રદ્ધાનું સંગીત સાંભળી શકતા નથી તો હું કઈ રીતે ચમત્કાર કરી શકું ? કૃષ્ણ સમજાવે છે કે દ્રૌપદીનું પિતાના સન્માન માટેનું આત્મબલિદાન એ ધર્મ છે, પણ ધર્મ માત્ર અહંકાર કે દ્વેષનું સાધન ન હોય શકે. ધર્મ એ ભગવાનની ઈચ્છા છે – મંદિરમાં મૂર્તિરૂપે વસે એ ભગવાનની નહીં, પણ આપણા બધામાં પરમતત્ત્વ રૂપે વસે છે તે ભગવાન. અને કૃષ્ણ કહે કે આર્યાવર્તના રાજ્યોમાં ધર્મનું શાસન સ્થપાય તે તેમનું કાર્ય છે.

દ્રૌપદી પૂછે છે કે આ સમયે તેનો શો ધર્મ છે? કૃષ્ણ કહે છે કે શ્રધ્ધા સાથે સ્વયંવરમાં પ્રવેશ કરી આર્યાવર્તના શ્રેષ્ઠ ધનુર્ધરની પત્ની બની તેણે ધર્મને અનુસરવું. તો તારા પિતાનો વિજય થશે અને દ્રોણનો પરાજય. કારણ કે રણક્ષેત્રમાંનો પરાજય જીવનને હણે છે, જ્યારે ધર્મક્ષેત્રમાંનો પરાજય અહંકાર , ક્રોધ અને દ્વેષને હણે છે. કૃષ્ણ તેને કહે છે કે તેણે કોઈ ભય વગર સ્વયંવરનો સામનો કરવો. કૃષ્ણ તેની પડખે જ છે. અને પરિણામે દ્રૌપદી અને દ્રુપદ ચિંતા મુક્ત બને છે.

દરમ્યાનમાં શિખંડી, યક્ષ સ્થૂલકર્ણની મુલાકાત કરાવી દ્રુપદને જણાવે છે કે લાક્ષાગૃહમાં દુર્યોધનના કાવતરાંના લીધે આગ લાગી હતી. જો દુર્યોધન ધનુર્વિદ્યાની કસોટી જીતી જશે તો રાજસભા સમક્ષ પાંડવોને બાળી મૂકવાનો આરોપ મૂકી તે
દરમ્યાનગીરી કરશે. દ્રુપદ કહે છે કે દુર્યોધન જેવા આતતાયીને પુત્રી વરે એ કરતાં તે ધર્મયુદ્ધમાં ઉતરશે. કૃષ્ણની મુલાકાતના લીધે જરાસંધ પણ દ્રૌપદીના અપહરણની યોજના રદ કરે છે.
પરંતુ …સ્વયંવરમાં શું થાય છે ?
સ્વયંવર મંડપ વચ્ચે એક જળાશય હતું. તેની ઉપર લક્ષ્ય ગોઠવવામાં આવ્યું હતું. તે હતું એક વર્તુળ આકારે ઘૂમતી માછલી. ધનુષ્ય વડે પાણીમાં પ્રતિબિંબ જોઈ તેને વીંધવાનું કાર્ય કરવા રાજસભા ઉપસ્થિત હતી. તેમાં ક્ષત્રિય રાજાઓ અને બ્રાહ્મણો પણ હતા. એક પછી એક રાજાઓ નિષ્ફળ પ્રયત્ન કરે છે.
અને…
કૃષ્ણની દ્રષ્ટિ બ્રાહ્મણોના કક્ષમાં બેઠેલા પાંડવો પર સ્થિર થાય છે. તેમની આંખોમાં ચમક છે કેમ કે કૃષ્ણને હવે પૂર્ણ વિજય દેખાય છે. તે બલરામને આ કહે છે …ત્યાં તો દુર્યોધન દ્રૌપદીને વરવાના મનોરથ સાથે ધનુષની પણછ બાંધવા પ્રયત્ન કરે છે અને તેને સંભળાય છે ભીમનું અટ્ટહાસ્ય. તેનો આત્મવિશ્વાસ રહેતો નથી અને તે નિષ્ફળ જાય છે. કર્ણ પણ સારથિપુત્ર હોવાને લીધે તેને ધૃષ્ટદ્યુમ્ન ભાગ લેતો અટકાવે છે.
અને…
બ્રાહ્મણોના કક્ષમાંથી ઉભો થાય છે એક તરુણ. દ્રુપદ કહે છે સ્પર્ધા બ્રાહ્મણો માટે પણ ખુલ્લી છે.
હવે…
સમસ્ત સભા અધ્ધર શ્વાસે આ બ્રાહ્મણ તરુણને , તેની ચપળતાને , તેની કુશળતાને જોઈ રહી છે. દ્રૌપદી પણ આતુરતાથી આ વીરના પ્રયત્નને નીરખી રહી છે …દૃઢતાથી યુવક લક્ષ્યના પ્રતિબિંબને જોઈ તીર છોડે છે અને માછલીની આંખ વીંધાય છે.
…ઉત્તેજનાથી સભર આંખો વાળી દ્રૌપદી સલજ્જ વદને યુવકના કંઠમાં વરમાળા આરોપણ કરે છે…
એ છે અર્જુન.
કેટલાક રાજવીઓ શસ્ત્રો લઈ ઊભા થાય છે. રાજકન્યા બ્રાહ્મણને ન વરી શકે. સ્વયંવરમાં માત્ર ક્ષત્રિયો જ હોય .
…પણ ભીમ ભયંકર ગર્જના સાથે એક વૃક્ષ ઉખેડી નાખી બધાને રોકી દે છે .
સભાના હર્ષનાદ વચ્ચે..
કૃષ્ણ કહે છે : “કૌંતેય , તને મારા આશીર્વાદ છે.”
દ્રુપદને સત્ય સમજાય છે. દ્રૌપદીને વરનાર આર્યાવર્તનો શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન જ છે .
દ્રુપદ કહે છે..
વાસુદેવ તમે તમારો કોલ પાળ્યો ખરો .
અને પાંચાલરાજના ગાલ પર હર્ષના અશ્રુ વહી રહ્યાં…

દ્રૌપદીના સ્વયંવરનું આ શબ્દચિત્ર મહાભારતની એ ક્ષણોને સજીવ કરી દે છે. મુનશીનું આ શબ્દ આલેખન માણતા આપણે પણ કલ્પના સૃષ્ટિમાં સજીવ થઈએ છીએ ….આપણને પણ દેખાય છે વાસુદેવનું સ્મિત , એ સ્નેહાળ આંખો, એ ચાલાક છતાં મમતામય વ્યક્તિત્વ , ધર્મના સંસ્થાપન માટે ઝઝૂમતા કૃષ્ણ …આંખોની એ ચમત્કારીતા ..


‘કૃષ્ણાવતાર ‘ 3 માં દ્રૌપદીના સ્વયંવર અને કૃષ્ણનું અદભુત ચરિત્ર માણ્યા પછી આવે છે ભાગ 4માં ‘ભીમનું કથાનક’. દ્રૌપદીના સ્વયંવરના અનુસંધાનમાં મુનશીની કલમનો કસબ અહીં પણ જોવા મળે છે. પાંડવો દ્રુપદ પાસેથી હસ્તિનાપુર જવાની યોજના બનાવે છે કેમ કે પિતામહ તથા ધૃતરાષ્ટ્ર તેમનું સ્વાગત કરવા માગે છે. ભીમ દ્રુપદ સાથે તેની તૈયારી કરવા ચર્ચા કરે છે. તે દ્રુપદને કહે છે કે તમારા જમાઈઓ વિજેતાના ઠાઠમાઠથી હસ્તિનાપુરમાં પ્રવેશે કે ધૃતરાષ્ટ્રના દીન , આધીન આશ્રિતો રૂપે? દ્રુપદ કહે છે કે તે જોઈએ તે હસતા મુખે આપશે . ભીમ ભાઈઓને આ વાત કરી સ્વાગત યાત્રાનો માર્ગ નક્કી કરે છે અને કહે છે કે તે મોખરે રહેશે અને કૃષ્ણ છેલ્લે જેથી લોકો તેને જ કૃષ્ણ સમજીને સ્વાગત કરે . કૃષ્ણ કહે છે કે ભીમ ડાહ્યો છે.

એ જ રીતે કાશીની રાજકુમારી અને દુર્યોધનની પત્ની ભાનુમતીની બહેન જાલંધરાના ભીમ સાથેના પ્રેમ પ્રકરણનું વર્ણન કરતાં મુનશીની રસાત્મક અને વિનોદી શૈલી જણાઈ આવે છે. કૃષ્ણ પણ અહીં વિનોદી પાત્ર તરીકે નજરે પડે છે. કૃષ્ણ અહીં વિનોદી વ્યક્તિત્વ તો છે જ પણ દુર્યોધનની પત્ની ભાનુમતીનો સંદેશ તેની બહેન દ્વારા મળતાં જ કૃષ્ણ દુર્યોધનની પરવા કર્યા વિના જ ભાનુમતીને મળવા જાય છે. પુત્રજન્મ બાદ બિમાર ભાનુમતી પોકાર કરે છે:” ગોવિંદ, તમે ક્યાં છો?” કૃષ્ણ ભાનુમતીનો હાથ આર્યપરંપરાથી વિપરીત, પરિણીત સ્ત્રીને સ્પર્શ ન કરવાની પ્રણાલિકા હોવા છતાં મરણોન્મુખ ભાનુમતીનો હાથ હાથમાં લઇ વચન આપે છે: “બહેન , હું હંમેશા તારી વહારે રહીશ”. ભાનુમતી દેહત્યાગ કરે છે. આપણી સજળ આંખોમાં પ્રસ્તુત થાય છે કૃષ્ણનું સ્નેહાળ , આર્દ્ર અને વાત્સલ્યમય સ્વરૂપ.

કૃષ્ણ માત્ર પ્રણાલિકા ભંજક નથી , વિનોદી અને વ્યવહારકુશળ જ નથી, કૃષ્ણ છે સામર્થ્ય અને સ્નેહ ; કૃષ્ણ છે વાત્સલ્ય અને પ્રેમ. આ વાત્સલ્ય , આ પ્રેમ , આ સ્નેહ પ્રતીત થાય છે ‘કૃષ્ણાવતાર’માં. મહાભારતની પૃષ્ઠભૂમિ સાથે મુનશીની શબ્દયાત્રા આપણી પણ સ્નેહયાત્રા બને છે. આપણી આંખો સમક્ષ એ જ મૂર્તિ પ્રસ્તુત છે … એ જ મોહિની …કૃષ્ણાવતાર…કૃષ્ણ એટલે જ મોહન… મનમોહન .

રીટા જાની

કલમનાકસબી: કનૈયાલાલ મુનશી- 47


કનૈયાલાલ મુનશીની રચનાઓ પર આધારિત આ લેખમાળા એક એવા પડાવે પહોંચી છે જ્યાં મુનશીની વિવિધ કૃતિઓના સાહિત્યરસનો આસ્વાદ આપણે માણી રહ્યા છીએ. પ્રસ્તુતિના પડઘમ પર આજે નાદ છે એવી કૃતિનો જે રસ જ નહી, પણ રસલ્હાણ છે, રસ ખાણ છે.

ભગવદ ગીતાના પ્રવકતા, બાળકોથી લઈને મોટાઓ સુધી સૌના હૃદયમાં જે વસ્યા છે, તે કૃષ્ણ આજના આધુનિક યુગમાં મેનેજમેંટના વર્ગોમાં અને કોર્પોરેટ દુનિયામાં પણ માનીતા છે. મુનશીએ ઘણું સાહિત્ય સર્જન કર્યું. અને જ્યારે આપણી લેખમાળા પણ અંત તરફ ગતિ કરી રહી છે ત્યારે મુનશીની અંતિમ કૃતિ “કૃષ્ણાવતાર” ની વાત કરવી છે. મુનશી કહે છે કે બાળપણથી જ કૃષ્ણ તેમની કલ્પનાસૃષ્ટિમાં મઢાઈ ગયા હતા. તેઓ નાના હતા ત્યારે તેમના પરાક્રમો સાંભળી દિંગ થઈ જતા. તેમના વિશેના કાવ્યો ને કથાઓ વાંચી, તેમના પદો ગાઈ કૃષ્ણનો સત્કાર કરતા. અનેક મંદિરોમાં પૂજા કરી જન્માષ્ટમીએ એમને અર્ઘ્ય આપતા. કૃષ્ણનો સંદેશ મુનશીના જીવનની પ્રબળ શક્તિ બની ગયો હતો. આથી મુનશીને કૃષ્ણના જીવન અને પરાક્રમની કથા રચવાની ઇચ્છા હતી. પણ આ કાર્ય તેમને અશક્ય લાગતું હતું. છતાં મુનશીએ પોતાની કલ્પના અને રચનાત્મક સર્જનશક્તિ વડે આઠ ખંડની ગ્રંથશ્રેણીની રચના કરી અને તેને ‘કૃષ્ણાવતાર’ નામ આપ્યું.

‘કૃષ્ણાવતાર’ ના પ્રથમ ખંડ “મોહક વાંસળી”માં શ્રીકૃષ્ણના બાળપણની વાતો છે. કૃષ્ણનું બાળપણ વાંસળી સાથે સંકળાયેલું છે. કૃષ્ણની વાંસળીની મોહિની અનેક કવિઓએ ગાઈ છે. આ વાંસળીએ માનવ હોય કે પશુ-પંખી, બધાં પર પોતાના કામણ કર્યા છે. કૃષ્ણની બાળલીલા, પરાક્રમો નાના બાળકો જ નહીં પણ મોટાઓનાં દિલ પણ હરી લે છે.

બીજો ખંડ ‘સમ્રાટનો પ્રકોપ’ માં મુખ્યત્વે મગધસમ્રાટ જરાસંધનો શ્રીકૃષ્ણ કઈ રીતે સફળ પ્રતિકાર કરે છે તેની વાત છે. આ ખંડ રુકમણી હરણ સાથે સમાપ્ત થાય છે.

ત્રીજો ખંડ છે – ‘ પાંચ પાંડવો ‘.
કૃષ્ણ અને પાંડવો એક સિક્કાની બે બાજુઓ છે. દ્વારિકાધીશ કૃષ્ણ હર હંમેશ પાંડવોના સખા , સાથી કે હિતચિંતક તરીકે આપણે જોયા છે. દ્રૌપદીના ચીરહરણના પ્રસંગે , મહાભારતના યુદ્ધ પ્રસંગે કે યુદ્ધ પૂરું થયા બાદ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર પ્રસંગે કૃષ્ણ પાંડવોની ઢાલ રહ્યા છે . પાર્થસારથી વિના પાર્થની કલ્પના અપૂર્ણ છે.

મુનશીના આલેખનને માણવા થોડી પશ્ચાદભૂ , જે આપણને તે સમયના આર્યાવર્ત કે ભારતની ઝલક આપે છે…
દ્રષ્ટિ સ્થિર થાય છે ઐતહાસિક આર્યાવર્તના યુગમાં…
આર્યો ભારતમાં આવ્યા પછી જુદા જુદા રાજાઓના સમૂહ તરીકે જુદાં જુદાં રાજ્યોમાં અસ્તિત્વમાં હતા. એક તરફ છે કુરુઓ … રાજધાની છે હસ્તિનાપુર…. મહારાજ શાંતનુના વંશમાં આજીવન અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા સાથે ભીષ્મ પિતામહ , અંધ રાજા ધૃતરાષ્ટ્ર , તેના પુત્રો એટલે કે કૌરવો અને પાંડુના પુત્રો એટલે કે પાંડવો … કૌરવોના માતા છે ગાંધારી અને પાંડવોના માતા છે કુંતા જે કૃષ્ણના પિતા વસુદેવના બહેન છે. પાંડુ શાપના કારણે મૃત્યુ પામે છે અને રાણી માદ્રી સતી થાય છે. પાંડવ પક્ષે માતા કુંતીના ત્રણ સંતાનો યુવરાજ યુધિષ્ઠિર , ભીમ , અર્જુન અને માદ્રીના પુત્રો સહદેવ અને નકુળ છે .

આર્યાવર્તની પશ્ચાદભૂમાં કૃષ્ણ…
કુરુઓના હરીફ તરીકે છે પાંચાલ નરેશ યજ્ઞસેન દ્રુપદ. દ્રુપદનું પાટનગર છે કાંપિલ્ય. દ્રુપદ હઠાગ્રહી છે અને પ્રબળ વેર વૃત્તિ ધરાવે છે દ્રોણ સામે. ગુરુના આશ્રમમાં બ્રાહ્મણ દ્રોણ અને રાજા દ્રુપદ મિત્રો છે અને દ્રુપદ દ્રોણને વચન આપે છે કે વિદ્યાભ્યાસ પૂરો થયા બાદ જે કંઈ શ્રી સંપત્તિ મળે તે બંને સરખે ભાગે વહેંચી લેશે. દ્રુપદ રાજા બને છે અને દ્રોણ તેને વચનની યાદ અપાવી અર્ધું રાજ્ય માગે છે. દ્રુપદ દ્રોણને તરછોડે છે અને દ્રોણ આ અપમાન બાદ કુરુઓના ગુરુપદે રહી કુરુ કુમારોને વિદ્યા શીખવે છે. તેનો પટ્ટશિષ્ય છે અર્જુન. અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુરુ દ્રોણ ગુરુદક્ષિણા તરીકે અર્જુન પાસેથી દ્રુપદના અપમાનનો બદલો માગે છે. અર્જુન પાંચાલો પર હુમલો કરી દ્રુપદને બંદી બનાવી દ્રોણ સમક્ષ રજૂ કરે છે. દ્રોણ દ્રુપદ પાસે ક્ષમા મગાવે છે અને ગંગાની ઉત્તરે આવેલો પાંચાલોનો અડધો પ્રદેશ માગે છે. દ્રુપદ શરત સ્વીકારે છે પણ આ કડવી સ્મૃતિનો વેર અને વિષનો વારસો પોતાના સંતાનો ધૃષ્ટદ્યુમ્ન , સત્યજીત અને પુત્રી કૃષ્ણાને શૈશવથી જ આપે છે. પુત્રો વેર લેવા થનગને છે તો પુત્રી દ્રૌપદી નિશ્ચય કરે છે કે આર્યાવર્તમાં જે સૌથી પ્રતાપી હોય તેવા વીર સાથે લગ્ન કરવાં. વધતી ઉંમર વચ્ચે દ્રુપદની ચિંતા એ હતી કે હજુ આવો કોઈ પ્રતાપી વીર પ્રાપ્ય ન હતો તો બીજી તરફ જરાસંધ અને કુરુઓની વચ્ચે ભીંસાઈ ન જવાય તેની કાળજી રાખવી પણ પાંચાલ નરેશ માટે જરૂરી હતી .

આ ભૂમિકા સાથે દ્રુપદ, ઋષિ સાંદિપની સાથે કૃષ્ણને સંદેશ મોકલે છે અને કૃષ્ણ જ્યારે કાંપિલ્યમાં મહેમાન બને છે ત્યારે કહે છે કે કૃષ્ણએ કૃષ્ણા દ્રૌપદીને પત્ની તરીકે સ્વીકારવી .

પણ કૃષ્ણ ? તેમનું લક્ષ્ય કંઇક અલગ જ છે. તેમને સમાચાર મળે છે કે પાંડવો વારણાવતમાં લાક્ષાગૃહમાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા છે. અને હસ્તિનાપુરની ગાદી પર હવે છે દુર્યોધન. આ પરિસ્થિતિમાં કૃષ્ણને દ્રુપદનો પ્રસ્તાવ મળે છે. કૃષ્ણ મિત્રતાનું વચન આપી કહે છે કે તે કૃષ્ણાને સ્વીકારી શકે તેમ નથી. વળી દ્રુપદ અને દ્રૌપદી બંનેનો હેતુ પ્રતાપી વીરને મેળવવાનો છે, જે કુરુઓ અને દ્રોણને હરાવી શકે. કૃષ્ણ આ માટે સહુથી પ્રતાપી વીરને શોધવા સ્વયંવર યોજવા કહે છે. જેના પરિણામે યોજાય છે દ્રૌપદીનો સ્વયંવર .

આ રીતે કૃષ્ણ દ્રુપદ અને દ્રૌપદીને સમજાવવામાં સફળ થાય છે. કૃષ્ણ અહીં સરળતાથી દ્રૌપદીને વરી શક્યા હોત, કારણ કે તે તો યાદવોના નેતા છે, દ્વારિકાધીશ છે, પરંતુ કૃષ્ણનું લક્ષ્ય કંઇક વિશેષ છે. કૃષ્ણનું લક્ષ્ય માત્ર યાદવોની સર્વોપરિતા સિદ્ધ કરવાનું નથી. કૃષ્ણ માત્ર નેતા નથી, તે છે યુગપુરુષ. યુગપુરુષ માત્ર અંગત લાભના મોહને ત્યજીને એક એવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સર્વનું કલ્યાણ હોય. કૃષ્ણને માત્ર યાદવોના હિતમાં રસ નથી, દ્રુપદ કે દ્રોણના વેરભાવમાં રસ નથી, કુરુઓ અને પાંચાલ નરેશની હરીફાઈમાં રસ નથી પણ આર્યાવર્તની મહત્તા અને એકતા સિદ્ધ કરી ધર્મની સંસ્થાપનામાં રસ છે. અહીં મુનશી કૃષ્ણના આંતરમનને પ્રસ્તુત કરે છે કે ધર્મ શું છે ?

કૃષ્ણનું આત્મનિરીક્ષણ…
કૃષ્ણનું મનોમંથન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે પોતે જેને માટે લડતા હતા તે ધર્મ ક્યો ?
શું વૃંદાવનમાં પોતાનું હ્રુદય જેને માનતા હતા તે રાધાને તજી દીધી એ ધર્મ હતો ?
શું મથુરામાં ત્રાસ ફેલાવનાર મામા કંસનો વધ એ ધર્મ હતો ?
શું જરાસંધ યાદવોનો વિનાશ કરી નાખે એ ડરથી મથુરાથી નાસી જવામાં ધર્મ હતો ?
શું જન્મથી માતાની અવહેલના પામી પુરૂષાર્થ વડે આગળ વધવા માગતા કર્ણના અવરોધ બનવામાં ધર્મ હતો ?

અને મનોમંથનના અંતે….
કૃષ્ણ પ્રગટ થાય છે, ધર્મની શ્રેષ્ઠ સમજ સાથે…
ધર્મની પ્રચલિત માન્યતાઓથી વિપરીત …
ધર્મ એ કેવળ આશા નથી, ક્રિયાકાંડ નથી, રોષ , લોભ કે ભયથી પ્રેરાઈને જે કંઈ થાય છે, એ પણ ધર્મ નથી. નિર્બળતાથી ઉપર ઊઠીને જાતને ઘડવાનો સંકલ્પ એ ધર્મ છે. અને એટલું જ બસ નથી. ધર્મ એ દર્શન , સંકલ્પ અને કર્તવ્ય છે.

ધર્મના તત્કાલીન દ્રશ્યોમાં …
ભીષ્મ અને દ્રોણનો ધર્મ, પાંડવોનો માતૃપ્રેમ અને ભ્રાતૃપ્રેમ અને વેદવ્યાસનો સ્નેહમય ધર્મ…પણ આ તો માત્ર પોતપોતાના ધર્મના આદર્શ રૂપો હતાં. ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ પ્રમાણે ધર્મની સીડીઓ હતી.
અને કૃષ્ણને પ્રતીત થાય છે …
સત્યમાંની આશા અને શ્રદ્ધા ટકાવી રાખવી એ ધર્મ છે…
…આપણને મુનશીનું કૌશલ્ય અનુભવાય છે… મહાભારતની સુવિદિત કથાના પરિપ્રેક્ષ્યમાં કૃષ્ણ ધર્મ શું છે તેની વિચારધારા સાથે પ્રગટ થાય છે પણ કથાકાર તરીકે નહી, પણ ચાલાક રાજનીતિજ્ઞ તરીકે , સર્વના કલ્યાણ માટે સ્નેહમય વિચારધારાના સ્વરૂપમાં અને પરિણામે યોજાય છે દ્રૌપદીનો સ્વયંવર.
સ્વયંવરમાં મળીશું આવતા અંકે…

રીટા જાની

કલમના કસબી: કનૈયાલાલ મુનશી- 46અર્વાચીન ગુજરાતી સાહિત્યના અતિ સમર્થ લેખક શ્રી. કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં માણી રહ્યા છીએ. માત્ર કવિતા સિવાય સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે-નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર, આત્મકથા, સાહિત્યિક ઇતિહાસ…… એમણે મહત્વનું પ્રદાન કર્યું છે. ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એમણે ચિરંજીવ અને સીમાસ્તંભરૂપ પ્રદાન કર્યું છે. તેમની નવલકથાઓ નાટ્યતત્ત્વ અને નાટ્યાત્મક શૈલીથી રસસભર છે, તો તેમની પાસેથી સ્વભાવિક જ નાટકો મળે. મુનશીની પ્રતિભા એક સમર્થ
નાટયકાર તરીકેની પણ છે. નાટયકાર મુનશીએ સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક એમ ત્રણેય પ્રકારના નાટકો લખ્યાં છે. મુનશીના નાટકો ગુજરાતી નાટક અને રંગભૂમિના ક્ષેત્રે સીમાચિહ્નરૂપ છે. મુનશીએ બિનધંધાદારી ગુજરાતી નાટકમંડળીઓ માટે ઉત્કૃષ્ટ કૃતિઓ આપી રંગભૂમિ અને સાહિત્યિક નાટકો વચ્ચેના અંતરને ઓછું કર્યું. બોલાતી જીવંત ભાષાનો રણકાર મુનશીના નાટકોમાં સંભળાય છે.

મુનશીને રંગભૂમિ અને નાટકો પ્રત્યે બાળપણથી જ આકર્ષણ હતું. નાટકમંડળી જ્યારે ગામમાં આવે ત્યારે તેમના પિતા પોતાના ઘેર ઉતારતા. બાળમુનશી પર તેનો ઘણો પ્રભાવ પડતો. મુનશી જ્યારે કોલેજમાં હતા ત્યારે નાણાકીય ભીડમાં પણ નાટક જોવા માટે પૈસાનો બંદોબસ્ત કરી જ લેતા એવું તેમણે આત્મકથામાં નોંધ્યું છે. અને જ્યારે પત્ની ને પ્રેમિકા સાથે યુરોપ ગયા ત્યારે પણ તેમણે પાશ્ચાત્ય નાટકો જોયા. આમ તેમને નાટક પ્રતિ ઉત્કટ લગાવ હોવા છતાં નવલકથાની તુલનાએ નાટક ઓછાં લખ્યાં છે. ઐતિહાસિક નવલકથાના બેતાજ બાદશાહે કુલ પંદર નાટકોમાં ફક્ત એકજ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ આપ્યું છે. જ્યારે નાટકમાં એમને સામાજિક વિષયવસ્તુએ સફળતા અપાવી છે.

મુનશીનાં નાટકોમાં બિનજરૂરી લંબાણ નથી કારણ પહેલાં નાટકમાં ગીતોનો સમાવેશ થતો હતો. મુનશીના નાટકો સમય સાથે તાલ મિલાવતાં અને તત્કાલીન જનરૂચિને અનુકુળ હતાં. બાળપણથી જ રંગભૂમિના ચાહક હોવાથી ગુજરાતી ધંધાદારી રંગભૂમિની વિશેષતા અને મર્યાદાઓથી તેઓ વાકેફ હતા. ડૂમા, હ્યુગો, બર્નાર્ડ શો જેવા સર્જકોનો તેમના માનસ પર પ્રભાવ હતો. તેથી વ્યવસાયી રંગભૂમિનાં ઉત્તમ તત્વોનો અને પાશ્ર્ચાત્ય નાટ્યશૈલીનો સમન્વય સાધી તેમણે કલાત્મક સાહિત્યિક નાટકો આપ્યા.

મુનશીના સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં મુનશીએ શ્રીમંત વર્ગના દંભ અને અભિમાન હાસ્ય સ્વરૂપે દર્શાવ્યા છે. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ અને ‘બે ખરાબ જણ’ હાસ્યપ્રધાન અને વ્યંગપ્રધાન છે. ‘કાકાની શશી’ રંગભૂમિ પર સફળ નીવડેલું ઉલ્લેખનીય નાટક છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની હાંસી ઉડાવી છે. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’તેમની જ નવલકથા ‘સ્નેહસંભ્રમ’નું નાટ્યરૂપાંતર છે. ‘ડૉ.મધુરિકા’ સમાજમાં નારીના મુક્ત વિચારોના કારણે ઊભી થતી સમસ્યાઓની વાત છે. તો ‘છીએ તે જ ઠીક’ અને ‘વાહ રે વાહ !’ હાસ્યપ્રધાન છે.

‘કાકાની શશી’ એ ત્રિઅંકી પ્રહસન છે. આ નાટ્યકૃતિમાં મનુષ્યની વૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના ઓઠા હેઠળ કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી લોકોની હાંસી કરાયેલી છે. નાટકનો અંત થોડો વિવાદાસ્પદ બનાવ્યો છે છતાં આ એક સફળ નાટ્યકૃતિ છે એટલું જ નહીં પણ નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની મહત્વની કડી છે.

આ ઉપરાંત ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ જેવા આપણી સંસ્કૃતિના પાયાના પરિવેશને ઉજાગર કરતાં પૌરાણિક નાટકો પણ આપ્યા છે. સાથે આપણે લેખમાળાના ક્રમાંક-42માં જોયું એમ ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે. આ કૃતિઓને મુનશીએ ‘પૌરાણિક’ કહી છે. પરંતુ એ શબ્દશ: ‘પૌરાણિક’ નથી. કારણકે કેટલીકવાર પુરાણકાળ પહેલાંના વેદકાળમાં પણ તે વિસ્તરે છે.

‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ બંને નાટક થોડે ઘણે અંશે મળતાં આવે છે. પિતાની માગણી અને હુકમ ખાતર કે પ્રભાવ હેઠળ સંતાનોનું બલિદાન છે. સ્વતંત્રતાનો મહિમા છે. ‘તર્પણ’માં સહસ્ત્રાર્જુને જમદગ્નિ માર્યા ત્યારથી તે સગર ગાદીએ બેઠાં ત્યાં સુધીની એક સતત વિપ્લવાત્મક વિગ્રહ ચાલી રહ્યો હતો એનો છેલ્લો પ્રસંગ આલેખાયો છે.


“અવિભક્ત આત્મા”ના અંતમાં અરુંધતી અને વસિષ્ઠના લગ્ન દ્વારા એમ કહેવું મુનશી એવું પ્રતિપાદિત કરે છે કે તપ અને પદ કરતાં સ્નેહનું મૂલ્ય વધારે છે. અરુંધતી સપ્તર્ષિ પદ પ્રાપ્ત કરવા તપ આદરે છે. એ જ અરુંધતી વસિષ્ઠને સપ્તર્ષિ પદ મળ્યા બાદ પોતાના હજાર શિષ્યોને ભૂલી જઇને એમની સાથે ચાલી નીકળે છે.

“પુત્રસમોવડી”ના કેન્દ્રમાં દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની છે. પુત્રતુલ્ય થવા મથતી દેવયાની શુક્રાચાર્યના પ્રભાવમાં જીવે છે. પ્રથમ પ્રેમી કચથી પિતાને ખાતર છૂટી પડે છે. યયાતિ સાથેના લગ્નમાં પણ ઇન્દ્રાસન પર વિજય મેળવવાની શરત મૂકે છે. દેવયાનીમાં તેજ છે પણ એ તેજ પ્રકાશ ફેલાવવાને બદલે અન્યોને દઝાડે છે. મુનશી નાટકોના પૌરાણિક પાત્રોમાં કાલ્પનિક બદલાવ લાવી એના તાર આજનાં સમય સાથે પણ જોડે છે.

શ્રી. વિનોદ અધ્વર્યુ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ના કથાનક વિષે કહે છે કે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત આ સમગ્ર કૃતિ મુનશીનું જ સર્જન છે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે.

નાટકો અને અન્ય સાહિત્ય બંને લેખક કે નાટયકાર માટે અભિવ્યક્તિના પ્રકારો છે પરંતુ બંને વિચારશીલતા પ્રેરતા હોવા છતાં નાટક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હોવાને કારણે તેનો સંદેશ વધુ સચોટ રીતે પહોંચે છે. જેમ નવલકથામાં મુનશી વિશિષ્ટ સ્થાન ધરાવે છે તે જ રીતે નાટકમાં પણ તે અજોડ છે તેમ લાગે છે.

રીટા જાની

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-45
મુનશીની કલમના કસબનો પ્રભાવ આપણે સહુ અનુભવી રહ્યા છીએ. વિવિધ પાત્રો દ્વારા રજૂ થતી અંગત સૃષ્ટિની રંગપૂરણી ક્યારે રંગોળીની સર્વાંગી સુંદરતા પ્રાપ્ત કરે તેવી વિસ્મયી સૃષ્ટિમાં આપણે પહોંચી જઈએ છીએ.
દૃશ્ય છે બારડોલી સત્યાગ્રહનું…
સામ્યવાદના પ્રચારનો ઉદ્દેશ રાખતો રવિ પક્ષના નેતાઓએ સોંપેલું કાર્ય કરવા કોંગ્રેસમાં જોડાય છે. તે હકીકતે દેશભકિતનો દંભ કરે છે પણ તેનો હેતુ છે વર્ગવિગ્રહ સર્જવાનો. વાક્ચાતુર્યથી સહુને આંજી દેવાની ફાવટ સાથે તેનો પ્રવેશ થાય છે. તે છે ટ્રોયનો ઘોડો .

બારડોલીના સત્યાગ્રહના વાતાવરણમાં રવિ ઉદયનો સેક્રેટરી બને છે. સામ્યવાદી વાતાવરણથી અલગ અહીં તે સહકાર, સમર્પણ અને સંયમથી ઓપતા ઉદય અને શીલાના સંપર્કમાં આવે છે. આ બંને સરદાર સાહેબથી પ્રભાવિત પણ છે અને સત્યાગ્રહના પ્રચારક પણ છે. સરદાર સાહેબના કહેવાથી ઉદય ધારાસભાની ચુંટણીમાં ચૂંટાય છે. રવિ ઉદય , રાજબા અને શીલાને નજીકથી જુએ છે અને પ્રભાવિત થાય છે.


‘તપસ્વિની’ માત્ર નવલકથા નથી પણ મુનશીના આદર્શ સ્ત્રી પાત્રોનું ચિત્રણ છે. ઉદયની નવલકથા તપસ્વિનીથી પ્રભાવિત શીલા પતિ રાધારમણના વિલાસી પ્રેમથી પીડિત છે અને તેની તૃષા છે એવા પ્રણયની જ્યાં પ્રેમ આત્મસમર્પણ પણ છે અને આત્માનું સમર્પણ પણ છે અને તેથી તે ઉદયના સહચારમાં તેવો નિર્મળ પ્રેમ પામે છે. પ્રેમનું બંધન સમાજના બંધનથી ઉપર છે અને શારીરિક જ નહિ પણ આત્માની સહયાત્રા છે. તે માત્ર મિલન નથી પણ ભક્તિ છે, તપ છે અને તપના અંતે મળતું વરદાન કે આત્મસિદ્ધિ પણ છે. ‘તપસ્વિની’ નો આ ધ્વનિ શીલાના પાત્રમાં વ્યક્ત થાય છે.

બીજી તરફ ઉદયની બહેન રાજબા ઉદયના સેક્રેટરી રવિના આકર્ષણનું કેન્દ્ર બને છે. રવિ કમ્યુનિસ્ટ હોવા છતાં દાદા ગણપતિશંકર ત્રિપાઠીના કારણે સંસ્કૃત અને શાસ્ત્રથી પરિચિત છે. તેને માટે રાજ રહસ્યમય સ્ત્રી છે. રાજ અગમ્ય , નિર્દોષ મૂર્તિ સમાન છે પણ રવિને મોહિની લાગે છે. રાજ ભારતીયતામાં ઓતપ્રોત છે. તેને ગીતા અને વેદવ્યાસનું ભારતીય તત્વજ્ઞાન દરેક પળે દોરવણી આપે છે. તેને ભાઈ ઉદય પ્રત્યેનો પ્રેમ અદભુત છે અને ભાઈ ઉદયને પણ રાજને અનુરૂપ જીવનસાથી પ્રાપ્ત થાય તેની હોંશ છે. રાજને કોઈ દુન્યવી મોહ નથી. રાજ માને છે કે સ્ત્રી અને પુરુષનો સંબંધ દિવ્ય છે અને એક સહ તપશ્ચર્યા છે. પ્રેમ એ અપૂર્વ એકતા આપતો સૌંદર્ય સંબંધ છે.

વાર્તાપ્રવાહ આગળ વધે છે અને આ તરફ પતિ રાધારમણ દ્વારા અપમાનિત શીલા ગૃહત્યાગ કરે છે. તો બીજી તરફ ઉદય સરદારના સહાયક બની પૂના જાય છે અને અંતે બારડોલી સમાધાન આકાર લે છે. પણ શીલાના વિરહમાં ઉદય બિમાર થાય છે અને હોસ્પિટલમાં સરદાર સાહેબ તેની મુલાકાત લે છે અને સૂચવે છે કે તેણે હવાફેર માટે યુરોપ જવું. રાજ ઉદયને ખબર આપે છે કે શીલા યુરોપમાં છે .
ઉદય પર્વતીય પ્રદેશની રમણીયતાનો આસ્વાદ લેતો લેક કોમોના તીરે પહોંચે છે, જ્યાં તેની સ્વપ્નમૂર્તિ શીલા મળે છે.

પણ શીલા તપસ્વિની મટીને ઉદયની દાસી બનવા માગે છે તો ઉદય પણ તેને તપસ્વિનીના બદલે પ્રિયતમા કહેવા તૈયાર છે. પણ કર્તવ્ય અને હ્રુદયની વચ્ચે ઝોલાં ખાઈ રહેલા આ સ્વપ્નની શરૂઆતનો અંત આવે છે સ્વીટઝર્લેન્ડમાં. શીલા કહે છે કે તપ વિના સૌંદર્ય નથી આવતું , તૃપ્તિમાં એ નહીં જડે અને તપના અંતે સિદ્ધિ પણ આવે. આ સ્વપ્નનો, મિલનનો અંત આવે છે રાધારમણના પત્રથી. પત્ર પ્રમાણે રાધારમણ પેરિસમાં બિમાર છે અને શીલાને મોકલવા ઉદયને વિનંતી કરે છે. ભગ્નહૃદય શીલાના શબ્દમાં ‘ આખરે રાજાએ કવિ અને તપસ્વિનીનો શિરચ્છેદ કર્યો ખરો .’

શીલા અને ઉદય સ્ટીમરમાં મુંબઇ આવે છે. સાથે છે રાધારમણ – બિમાર પણ કુટિલ .
અહીં મુંબઈમાં પ્રસ્તુત છે એક નવું દૃશ્ય ….
રવિ મહારાણી હંસકુંવરબા અને તેમના માતાની સેવામાં રવજી શેઠના કહેવાથી લાગે છે. હંસકુંવરબાના બિમાર માતાનું સ્ટવ વડે દાઝી જવાથી ભેદી મૃત્યુ થાય છે. આ કાવતરામાંથી રાજબાની અંત:દૃષ્ટિના લીધે રવિ બચે છે અને કૃતજ્ઞ બને છે. હંસકુંવરબા ઉદયને મળવા આવે છે અને કહે છે કે ઉદય તેને માટે સોગંદનામુ કરી આપે જેથી તેમને મહારાજા સાહેબના આઠ લાખ રૂપિયા મળે. ઉદય કહે છે નાણાં ચૂકવાઈ ગયેલ છે તેથી તે અશક્ય છે.

આ તરફ રવિ ઉદય અને શીલાના પ્રણયની નિર્મળતા અને આત્મસમર્પણ વડે મુગ્ધ થાય છે અને ભૂતકાળમાં શીલાએ તેને સોંપેલા કાગળોમાંથી મળેલ કવિનો પ્રેમપત્ર જે તેણે રાખી મૂકેલો તે પરત કરવા નક્કી કરે છે. પત્ર હકીકતે તપસ્વિની નવલકથાને માટે છે પણ રવિ તે શીલા માટે છે તેમ માને છે. સત્ય સમજાઈ જવાથી તે રજિસ્ટર્ડ ટપાલથી શીલાને મોકલે છે. આ પત્ર ગુમ થયા બાદ ફરીથી શીલાને મળે છે. તેનું કારણ રાધારમણ છે, જેણે તેની છબી પડાવી લીધી હોય છે. તે છબી વડે શીલાને ધમકી અપાય છે કે
‘સનાતન ધર્મ ‘ ના તંત્રી કાલિદાસ તે પ્રગટ કરશે. શીલા ઉદયને જાણ કરે છે. ઉદય કાલિદાસને ચામડાના સાટકાથી ફટકારવા કહે છે પરિણામે કાલિદાસ માફી પત્ર લખી આપે છે. ઉદય રાધારમણની ઉપસ્થિતિમાં આ પત્ર શીલાને વાંચી સંભળાવી રાધારમણની ચાલબાજી ખુલ્લી પાડે છે.

સમય એક પ્રવાહ છે જે ઘણા બધા સમાંતર પ્રવાહોને સાથે લઈ ચાલે છે. ઉપરની બધી જ ઘટનાઓ આકાર લે છે પરંતુ સાથે જ તવારીખમાં વિલીન થાય છે સ્વાતંત્ર્ય સંગ્રામનું એક અગત્યનું પૃષ્ઠ, જેનો સમય છે દાંડી સત્યાગ્રહ. હિન્દની લોક ચેતના જાગી ઊઠી છે. પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લેવાય છે અને પૂર્ણ સ્વરાજ દિન ઉજવાય છે 26 જાન્યુઆરી 1930 ના રોજ. ગાંધીજી 12માર્ચ 1930ના રોજ દાંડીકૂચ યોજી મીઠાનો સત્યાગ્રહ કરે છે. રવિ રાજબાને કહે છે ઉદયે પણ હવે અગ્રેસર થવું. પણ ઉદય તૈયાર નથી. રાજ તેને કહે છે ભગવાન વેદવ્યાસના દર્શનથી આ આદેશ છે. ઉદય માનતો નથી પણ રાજ તેને ખાતરી કરાવે છે. ધારાસભાના સભ્ય ઉદયને સત્યાગ્રહના પરિણામે મળે છે છ મહિનાની કેદ. શીલા પણ હવે તે જ રસ્તે છે અને રવિની સૂચનાથી નેતાગીરી લે છે અને વડાલા મીઠાના અગર પર દરોડો પાડવા જાય છે.

કોંગ્રેસમાં પહોંચેલા રવિને ગાંધીજીના સિદ્ધાંતોમાં વિશ્વાસ નહોતો. તે તો હતો વિપ્લવ ઝંખના ધરાવનાર વૃંદનો સહયોગી. પરંતુ રાજનો આત્મસમર્પણનો નિશ્ચય જાણી રવિની પ્રભાવ ઘેલછા અને અહંકાર અદ્રશ્ય થાય છે. તે આત્મતિરસ્કાર અનુભવે છે અને રાજને કહે છે :” રાજબા, તમે મારું સત્ય છો સૌંદર્ય છો , તમારો પ્રણય પામવાની લાલસા મેં સેવી હતી પણ હું તમારે યોગ્ય નથી .”રાજ કહે છે કે તે ઉદયને માટે પોતાની આહુતિ આપવા તૈયાર છે. રવિ તેની પ્રવૃત્તિના પરિણામે જેલમાં જાય છે. જેલમાં એક દિવસ તેને રાજનો પત્ર મળે છે :
કંઇક આ પ્રમાણે…”પ્રિય રવિ…તું મને પત્ની તરીકે સ્વીકારશે કે?… મને કાલે આદેશ મળ્યો છે.. વાચા , મન અને કર્મે કરીને રવિ જોડે એકાકાર થઈ જા . આજે હું તારી વચનદત્તા નહીં પણ આદેશદત્તા બની ગઈ છું …પાણિગ્રહણથી, સંસારી સંબંધથી તેમ જ સાહચર્યને પ્રેમના બંધનોથી પર આત્માની લગ્નવિધી છે. તે વિધિ વડે હું મારો પ્રાણ તારા પ્રાણને અર્પણ કરું છું. તું સ્વીકારે તેની રાહ જોઉં છું….આવ , આવ જલ્દી આવ.”

પરંતુ રવિના નસીબમાં કંઇક બીજું જ નિર્માણ થયું હતું…વિધિનું નિર્માણ કહો કે ભગવાન વેદવ્યાસનો આદેશ…રવિ જેલ તોડી તેના વિપ્લવી સાથીઓને મળે છે, ટ્રેનમાં સરકારી તિજોરીની લૂંટના કેસને પરિણામે તેને ફાંસીની સજા થાય છે. પણ તેને આનંદ છે તેના સાથીદારોને નિર્દોષ છોડાવવાનો અને તેથી વિશેષ મરણનો ડર નથી. મૃત્યુ પર તે સ્વામિત્વ મેળવે છે. રવિ અનુભવે છે કે તે સનાતન છે. તેને હવે સ્વાતંત્ર્યનું હાર્દ સમજાય છે. શું અંગ્રેજોને કાઢવા એ જ સ્વાતંત્ર્ય છે? ના , ખરું સ્વાતંત્ર્ય છે મનુષ્યનું ઉદાત્તપણું . તેને રાજની સિદ્ધિ સમજાઈ. આ સિદ્ધિ વિદ્વતા નહિ પણ અહંભાવનો વિનાશ કરીને મળે. વ્યક્તિત્વઘડતર એ હ્રુદય પરિવર્તનથી થાય. આ શક્તિ અંતરની છે. જેલર ખુશખબર આપે છે, રાજનો તાર મળે છે. રવિની ફાંસીની સજા રદ થાય છે અને હવે ચૌદ વર્ષની સખત કેદ. પણ રવિ તો આમરણ અનશન કરે છે. તેને દિવ્યમૂર્તિ રાજના દર્શન થાય છે. આમરણ અનશન તોડાવવાના સરકારી પ્રયત્નો નિષ્ફળ જાય છે.


અંતિમ દૃશ્ય. …
રવિની બેહોશી તૂટે છે રાજના સ્વરથી..પ્રેરણામુર્તિ, દિવ્યમૂર્તિ રાજ તેને મોસંબીનો રસ પાઇ રહી છે. નયનો મળે છે.. એ નયનો જે તેણે સ્વપ્નમાં જાગતાં જોયેલાં …તેને અમર થવું હતું, મરી ને ..પ્રભાવ દેખાડવો હતો…પણ પ્રભાવ માત્ર સમર્પણથી નહી અહંભાવના નાશથી મળે છે તે સત્ય રવિને સમજાયું. અહંભાવના નાશનો આ પ્રભાવ છે રાજના નયનોમાં..અહંકારનો નાશ એ જ સિદ્ધિ. અને તપ વિના સિદ્ધિ નથી.નવલકથા પૂર્ણ થાય છે પણ આપણી વિચારમાળાના મણકા પૂર્ણ થતા નથી. તપસ્વિની આપણને દોરે છે જીવનસિદ્ધિ તરફ, સમર્પણ તરફ. આ જ છે સંદેશ ભારતીય વૈદિક પરંપરાનો , ભગવાન વેદવ્યાસનો , ‘તપસ્વિની’ નો .

રીટા જાની.

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-44
તપસ્વિની એ સાંપ્રત સમાજના પ્રવાહોને આલેખતી યુગકથા છે. તેના પાત્રો લેખક અને સર્જક મુનશીની મનોભૂમિમાં આકાર લે છે પણ તેમાં પ્રતિબિંબિત થાય છે ગાંધીયુગ. કથાના પાત્રો પણ એ યુગનો સંઘર્ષ અનુભવે છે. તેમાં જોવા મળે છે ક્યાંક રીતરિવાજોમાં જકડાયેલો સમાજ તો બીજી તરફ સમાજમાં આદર્શ અને નીતિમત્તાનું નિર્માણ કરવાના સ્વપ્નો અને પશ્ચિમ અને પૂર્વના સંસ્કારો વચ્ચેથી નવસર્જનના પ્રભાતનું કિરણ. ગતાંકમાં આપણે મુનશીની સામાજિક નવલકથા ‘તપસ્વિની’ ની રોચક શરૂઆત જોઈ. આપણા સ્મૃતિપટ પર ગતાંકથી છવાયાં છે એવાં પાત્રો જે તપસ્વિની નવલકથાનો પ્રાણ છે –રવિ, રાધારમણ, શીલા,ઉદય, એલીસ તથા ગણપતિશંકરની સંઘર્ષની વાત પણ જાણી. મુનશીની કથાવસ્તુ અને શૈલીના પ્રવાહમાં વાચક અનાયાસે જ વહી જાય છે અને આગળ શું થયું તે જાણવા તલપાપડ ન થાય તો જ નવાઈ.

કથાનો બીજો વિભાગ ઘણો ટૂંકો છે. તપસ્વિની એ સમાંતર પ્રવાહોને રજૂ કરતી કૃતિ છે. તેમાં ક્યાંક સમાજ તો ક્યાંક રાજકારણ પ્રસ્તુત થાય છે. એક તરફ ગાંધીજી અને દેશપ્રેમી લોકો છે તો ક્યાંક છે રવિદાસ ચૂડગર કે રવિશંકર ત્રિપાઠી. ગાંધીજી તો સત્ય અને શુદ્ધિના આગ્રહી હતા. પણ રાજકારણમાં બધા સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિનો આગ્રહ રાખે એવું બનતું નથી. રાજકારણમાં આગળ વધવા કેવા દાવપેચ ખેલાય છે તેની ઝલક અહી મળી રહે છે. રવિદાસ ચુડગર ઉર્ફે રવિશંકર ત્રિપાઠી પોલિટ બ્યુરોના પ્રધાનમંત્રી કોમરેડ સન્યાલ સાથે રહી કોમ્યુનિસ્ટ કલાની ઉપરની શ્રેણીમાં આવ્યો હતો, ભાષણ કરવામાં એ એક્કો બની ગયો હતો તો પ્રપંચથી પ્રચારકાર્ય સફળ બનાવવું, કામગરોમાં વિદ્વેષ ફેલાવી ફૂટ પાડવી , હડતાલોથી મિલમાલિકો પાસે તોબા પોકરાવવી, જે કામદારો પક્ષની આજ્ઞા વિરુદ્ધ કામ પર જાય તેને ગૂંગળાવવા; આ બધી કલામાં નિપુણ રવિને રશિયા જઈ આવેલી કોમરેડ મોના જેવી સાથીદાર મળે છે. તે રવિની કામચલાઉ ધર્મપત્ની બનીને રહે છે. . તે રવિને કહે છે –“પાર્ટીનું કામ એ આપણો ઘરસંસાર…જ્યાં સુધી બંનેને ફાવશે ત્યાં સુધી એ સંસાર ચલાવીશું, નહીં ફાવે તો એકબીજાને સાફસાફ કહી દઇશું.”


નવલકથાનો ત્રીજો વિભાગ સ્વામીરાજ ઉપર છે. ઉદયની બહેન રાજબા નર્મદાકિનારે રહેતા સ્વામીરાજના વાડા ઉપર જાય છે અને ઉદયને પત્ર દ્વારા જણાવે છે. સ્વામીરાજના અવાજમાં વહાલસોયાપણું છે. એ હોય ત્યાં પાપ, પાખંડ, અપુણ્યનો સંચાર થતો નથી. એ તો એવું કહે છે કે પાપ તો અપુણ્યની જનની છે, અપુણ્યમાંથી પુણ્ય જન્મે છે. તેઓ તેમના પૂર્વજીવન અને સાધનાની વાત રાજબાને કરે છે. તેઓ રાજબાને સમજાવે છે કે શ્રદ્ધા રાખ તો સિદ્ધિ પ્રગટશે, અપુણ્યમાંથી પુણ્ય પ્રગટશે. સંસારચક્ર માત્ર સમુદ્રમંથન છે. તેમાંથી પાપ અને પુણ્ય, સુખ અને દુખનાં ફીણ નીકળે તો જ અમૃત નીકળે . જે સુંદર છે તે સત્ય પણ છે ને શિવ પણ છે. રાજબાને એવું લાગ્યું કે સદીઓની શ્રદ્ધાએ અહીં કેવું સરસ પ્રેરણાસ્થાન બનાવ્યું છે. અહીં મુનશીનું આધ્યાત્મિક ઊંડાણ છતું થાય છે.

નવલકથાના ચોથા વિભાગ ’માથેરાન’માં આ સુંદર રમણીય સ્થળની પશ્ચાદભુમાં પ્રસંગોની વાતો વણાયેલી છે. દિવાળીના તહેવારો ઉજવવા અહીં કવિ મત્તમયુર, ઉદય, રાધારમણ, શીલા, હાઈનેસ સમરસિંહ, મહારાણી હંસકુંવારબા આવ્યાછે.. કવિ મત્તમયુર પાસે શબ્દોનો વૈભવ છે પણ સંવેદનાનો નથી. કવિનો ખોટો અહંકાર, બેરિસ્ટર રાધારમણના છાનગપતિયાં , ઉદય અને શીલાની સંસ્કારિતા અને એકબીજાની ભાવનાઓની સમજ, સમરસિંહ અને હંસકુંવારબાના લોકલાજ છોડી મોજમજાની કહાણીઓ, જેવા પ્રસંગો દિવાળી અને નવા વર્ષની ઉજવણી સાથે સાથે આકાર લે છે.

જીવન એ ક્યારે પણ નથી માત્ર ધર્મક્ષેત્ર કે નથી માત્ર કુરુક્ષેત્ર. તે બંનેનું સંમિશ્રણ છે. ક્યાંક યુધિષ્ઠિરના સત્યને પડકારવા શકુનીના દાવપેચ પણ આકાર લે છે. રામાયણના આદર્શો અને મહાભારતના બનાવોને સાથે લઈને સંસાર ચાલે છે. પુરાતન અને અર્વાચીન વચ્ચેનો સમયસેતુ જીવન હોય કે સમાજ હંમેશા જોવા મળે છે. માત્ર બાણાવળી હોવું પૂરતું નથી, કૃષ્ણનું માર્ગદર્શન પણ યુદ્ધ જીતવા જરૂરી હોય છે. અને તેથી જ પ્રસંગોને સાંપ્રત વાતાવરણમાં રજૂ કરવાનો કસબ એ વિશિષ્ટતા છે. કદાચ એ જ વિશેષતા આપણે માણી રહ્યા છીએ ‘તપસ્વિની ‘ના સ્વરૂપે .

કથા હોય કે કથાનક, ફિલ્મ હોય કે નાટક હંમેશા એક તબક્કે વળાંક પણ લે છે અને વિરામ પણ. વિરામ એ વાચક ને વધુ રોચક ઉત્તરાર્ધ તરફ લઈ જવાનું એક સોપાન છે. આપણે પણ એવા જ એક સોપાન પર સર્વોત્તમની પ્રતીક્ષા સાથે… મળીશું ….આવતા અંકે..

રીટા જાની

કલમના કસબી: કનૈયાલાલ મુનશી-43

કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે માણી રહ્યા છીએ. સાહિત્ય એ કળા છે, તો કસબ શું છે? કસબ એ આગવી ઓળખ છે, જે વિશિષ્ટ છે અને તેથી જ સાહિત્યના પુષ્પગુચ્છમાં રહેલ પુષ્પો પોતાની વિશિષ્ટ સુવાસ પ્રસ્તુત કરે છે. આપણે તેમની ઘણી ઐતિહાસિક ને પૌરાણિક કૃતિઓ માણી. આજે મુનશીના સાહિત્યિક પુષ્પગુચ્છમાંથી એક નવું પુષ્પ ને નવી સુગંધ પ્રસ્તુત છે. એ છે એમની સામાજિક નવલકથા ‘તપસ્વિની’.

ઘણા લાંબા સમય પછી મુનશી પાસેથી ‘તપસ્વિની’ પ્રાપ્ત થાય છે. આમાં ૧૮૫૭ ના બળવાથી ૧૯૩૭ સુધીના ભારતના સામાજિક, રાજકીય પ્રવાહોનું આલેખન કરાયું છે. આ નવલકથાનો મોટો ભાગ રાજકીય વ્રૃત્તાંત સાથે સંકળાયેલો છે.સમગ્ર નવલકથામાં પશ્ચિમની સંસ્કૃતિના  પૂર્વેની આર્ય સંસ્ક્રૃતિમાં રહેલા પરંપરાગત નૈતિક-આધ્યાત્મિક જીવન મૂલ્યોના વિજયનું દર્શન કરાવવાનો એમનો ઉપક્રમ દેખાય છે. આ નવલકથાની શૈલી પણ આત્મ કથનાત્માક છે. એમના પાત્રો અને પ્રસંગો એમની ‘સીધા ચઢાણ’, ‘સ્વપ્ન સિધ્ધની શોધમાં’,‘ I Follow the Mahatma’  અને અન્ય કૃતિઓમાં જોવા મળે એવા છે.  ગાંધીજીના રાજકીય વિચારોથી ઘડાયેલા મુનશીના રાજકીય વિચારોની છાયા એમાં જોવા મળે છે. આ કૃતિ સ્વરાજ પ્રાપ્તિના પુરુષાર્થની કથા છે. એમાં આલેખાયેલાં પાત્રો મધ્યમવર્ગના શિષ્ટ સમાજના છે.  આ નવલકથાના પાત્રો જીવંત, કથાવસ્તુમાં નાટ્યાત્મકતા, વર્ણોનોની ચિત્રાત્મકતા અને સંવાદો ચમકારાપુર્ણ હોઇ અહીં મુનશીની કલા ઝળકી ઉઠે છે.  આમ છતાં આ કૃતિ એટલી લોકપ્રિય બની નથી.  રવિ અને ઉદય તેમજ શીલા અને રાજ એ આ નવલકથાના નાયકો અને નાયિકાઓ છે. રવિ અને ઉદય મુખ્ય પાત્રો તરીકે આલેખાયેલા હોવા છતાં બંનેના ચિત્રણમાં અલગ અલગ પાસાઓનું પ્રતિબિંબ નિહાળી શકાય છે. એકમાં વ્યક્તિત્વ ઘડતરનું અને બીજામાં પ્રણય જીવનનું.  આમ છતાં રવિ મુખ્ય નાયક અને ઉદય ઉપનાયક તરીકે આલેખાયેલ છે.  લગ્નજીવનમાં નિષ્ફળ ગયેલી શીલા ઉદયમાં કવિનું અને લગ્નસુખથી વિમુખ ઉદય શીલામાં તપસ્વીનીના દર્શન કરે છે. આ કૃતિની આધ્યાત્મિકતા રાજના પાત્ર દ્વારા પ્રગટ થાય છે અને શીલાને ઉપનાયિકાના પદે બેસાડે છે. પ્રસ્તુત નવલકથામાં આવતા પાત્રો જેવાં કે – રાજબા, રવિ, શીલા, ઉદય, ગણપતિશંકર, રાધારમણ પોતાના વિશિષ્ટ વ્યકતિત્વની છાપ લઇને આવતા તેજસ્વી પાત્રો છે. 

‘તપસ્વિની’ નવલકથાના બે ભાગ છે. પહેલા ભાગમાં 4 અને બીજામાં 6 મળીને કુલ 10 વિભાગમાં લંબાણપૂર્વક લખાયેલી આ કથા છે. છતાં મુનશીની કમાલ એ છે કે વાચક તેમાં રસતરબોળ બની ડૂબી જાય છે. પહેલા વિભાગમાં વાત છે સંઘર્ષની. આ સંઘર્ષ છે પંચાશી વર્ષે એકલા હાથે હેતાળ માના વાત્સલ્યથી પૌત્રને ઉછેરતા ગણપતિશંકર ત્રિપાઠીનો. દાદાજી બ્રાહ્મણધર્મના પુરસ્કર્તા હતા ને વેદવિદ્યાની સાંગોપાંગ રક્ષા કરવી એ એમનો જીવનધર્મ હતો. તેમણે એકના એક પુત્ર શિવાને સ્વધર્મ ને સ્વદેશ માટે પ્રાણ અર્પણ કરવાની મંજૂરી આપી હતી. અરવિંદ ઘોષની આજ્ઞા માથે ચડાવી એ કલકત્તા ગયો ને ફિરંગીઓ સામેની લડાઈમાં સામી છાતીએ ગોળીઓ ઝીલી એમનો બત્રીસલક્ષણો પુત્ર આઝાદીના મહાયજ્ઞમાં આહુતિરૂપે હોમાઈ ગયો. તેઓ પૌત્ર રવિને પૈસાના પ્રલોભન વિના વિદ્યાભ્યાસનું ગૌરવ શીખવતા હતા. તેઓ કહેતા કે સરસ્વતી મૈયાની એકાગ્ર ભક્તિ વગર બ્રહ્મતેજ પ્રગટતું નથી. દાદાજીએ રવિને ઘણું શીખવ્યું. પણ રવિનું હૃદય ડંખતું હતું કે પ્રભાવની શોધમાં એ પહેલી વાર દાદાજી સાથે દગલબાજી રમ્યો હતો. છેવટે અપરિગ્રહની આકરી પ્રતિજ્ઞાનું પાલન કરતાં શાસ્ત્રીજી ગુજારી ગયા.

અહીં રવિના સંઘર્ષની પણ વાત છે. જેના ચિત્તમાં એક તરફ આદર્શમય દાદાજી, સ્વતંત્રતા સંગ્રામમાં જીવની આહુતિ દેનાર પિતાની છબી છે તો બીજી તરફ ફક્કડ કપડાં, ભભક અને રોફથી દાન કરવાનું આકર્ષણ પણ છે. એક તરફ કૌમુદી, વેદમંત્રો ને રઘુવંશ જાણતા હોવાનું આત્મગૌરવ છે તો બીજી તરફ સરકારી શાળામાં મળેલ તોછડાઇ, તિરસ્કાર અને ઉપહાસનો પડકાર પણ છે. અકસ્માતે તે શીલાની ગાડીની હડફેટે આવે છે ને તેને શીલા અને રાધારમણનો પરિચય થાય છે. મોજમજાને તિલાંજલિ આપી પ્રભાવની શોધમાં નીકળેલો રવિશંકર ત્રિપાઠી વાકપાટવ ખીલવી  કોમરેડ રવિદાસ ચૂડગર બની જાય છે.

સુંદર, સુશીલ અને સંસ્કારી શીલાએ નાની ઉમરમાં પિતા ગુમાવ્યા. તેના લગ્ન ન્યાતના પ્રખર ધારાશાસ્ત્રી અને વિધુર એવા રાધારમણ દલાલ સાથે પંદર વર્ષની ઉમરે થયા. પ્રતાપી અને વૈભવી પતિ મેળવી વ્હાલ અને વિલાસમાં વિહરતી શીલાને થોડા સમયમાં જ પતિના સંસ્કારવિહોણા, સ્વાર્થી, રાગોન્મ્મત્ત અને નિરંકુશ અસલી સ્વરૂપનો પરિચય થતાં જ  ઘરસંસાર ખારો લાગવા લાગેલો. પરસ્ત્રીના સ્પર્શે કલંકિત પતિની અધમતા સહન કરવા કરતાં તેને ઘરમાંથી નાસી જવાનું મન થતું. આવા સંજોગોમાં તે ગાંધીજીની વિચારધારા તરફ આકર્ષાય છે. ત્યારે તેનો પરિચય આઠ વર્ષ વિલાયતમાં ભણી એલીસ સાથે લગ્ન કરી તેને ભારતીય સંસ્કારોથી પરિચિત કરાવવા ઇચ્છતા ઉદય સોલંકી અને તેના પરિવાર સાથે થાય છે. શીલા બારડોલીમાં ગાંધીજીના દર્શન કરી શાંતિ અને અપાર્થિવ વાતાવરણનો અનુભવ કરે છે. શીલાના હૃદયમાં અપરિચિત સમર્પણવૃત્તિ જાગે છે. પણ તેના ઘરસંસારનો સંઘર્ષ તેને ગૂંગળાવે છે.

ઉદય સોલંકી મહારાજાનો ભત્રીજો હતો. તેણે રાજવી થવાનો લોભ જતો કરી બેરિસ્ટરના ધંધામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. ઉદય ઇચ્છતો હતો કે તેની વિલાયતી પત્ની એલીસ ભારતના જીવનમાં ઓતપ્રોત થાય. પણ ત્રણ દિવસમાં જ તેને પ્રતીતિ થઈ ગઈ કે એલીસ પાશ્ચાત્ય જીવનના છીછરા પાણીની માછલી હતી. તેને ઉદયના અથાગ પ્રયત્નો કે પરિવારમાં રસ ન હતો. તેને તો રણચંદાની સાથે ડાન્સ, ડિનર ને હરવાફરવામાં રસ હતો. ઉદયે હંસકુંવરબાનો કેસ લીધો પણ રાજરમતથી અજાણ ઉદયને ખબર જ ન હતી કે  મહારાણીને દહાડા રહ્યા ન હતા ને બાળકો તેમણે ખરીદીને આણ્યા હતા.

આવી રસપ્રદ સંઘર્ષની વાતો સાથે નવલકથાનો રોચક પ્રારંભ થાય છે.  જીવન તો છે એક તારલા સભર આકાશ. આ આકાશમાં અનેક તારલાઓના સૌંદર્યને માણતા આપણે એક પરોઢની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. જીવનના આટાપાટાના નવીન દૃશ્ય ને વધુ રોચક વાતો માટે પ્રતિક્ષા આવતા અંક સુધી…..

રીટા જાની

કલમના કસબી: કનૈયાલાલ મુનશી-42
ઋગ્વેદના પ્રસંગો અને મહાપુરુષોની આસપાસ મુનશીએ જે ચાર કથાઓ રચી છે તેમાં ‘લોપામુદ્રા’ ઉલ્લેખનીય છે. મુનશીએ નવલકથા લખી તો નાટકો પણ લખ્યા છે. આ કથાની વિશેષતા એ છે કે તેમાં ખંડ 1 નવલકથા છે તો ખંડ 2,3 અને 4 નાટક છે. આમ છતાં કથાનો પ્રવાહ એટલો તો અસ્ખલિત રસક્ષતિ વગર આગળ ધપે છે કે વાચકને કથાનું બદલાયેલું સ્વરૂપ ક્યાય ખટકતું નથી. આ જ તો મુનશીની કલમની કમાલ છે.

ઋગ્વૈદિક જીવન નવું છે. તેમાં ઇતિહાસના આરંભની તાજગી ને તેજસ્વિતા છે. આપણું માનસ પૌરાણિક સાહિત્યથી ઘડાયેલું હોઈ એ જીવનને કલ્પી શકતું નથી કે પૂરો ન્યાય આપી શકતું નથી. તો એ સમયના માનવ સ્વભાવને સમજવાનું પણ સહેલું તો નથી જ. ત્યારે મુનશી એ જીવન અને સ્વભાવનું સર્જન કરે એ કેવું કપરું કામ છે તેની કલ્પના સહેજે કરી શકાય.

આ એ સમયકાળની વાત છે જ્યારે આર્યો પાંચ જાતિઓમાં વહેંચાઈ ગયા હતા. આ જાતિઓ સપ્ત સિંધુના પ્રદેશમાં રહેતી. સરસ્વતી, દ્રષદવતિ, શતદ્રુ ,પરૂષ્ણિ ,અસિકની, અને વિતસ્તા એ નદીઓવાળા પંજાબનો પ્રદેશ સપ્ત સિંધુ તરીકે ઓળખતો.. આર્યોની ભાષામાં હજુ જંગલી સ્થિતિનાં સ્મરણ હતાં. દંડ, પત્થર અને હાડકાના વજ્ર તેમનાં શસ્ત્રો હતાં. યુદ્ધના દેવ ઇન્દ્ર અને અગ્નિ, સૂર્ય તથા સોમ એમનાં લોકપ્રિય દેવો હતાં. તેમને ગાયો પ્રિય હતી, જે નાણાનાં બદલે કે બક્ષિસમાં પણ આપલે થતી. તેઓ ગોરા અને સુંદર નેત્રોવાળા હતાં. વર્ણવ્યવસ્થા એમનામાં આવી ન હતી. રાજા કે સ્ત્રી પણ ઋષિ બની શકે. રાજ્યપદ કે ઋષિપદ જન્મથી નહીં પણ કર્મથી મળતું. આર્યો ખેતી અને વિવિધ ધંધા રોજગાર કરતાં.તેમની મોટાભાગની મુશ્કેલીઓનું કારણ દસ્યુઓ અથવા દાસ હતાં.દસ્યુઓ જબરા હતાં. તેઓ આર્યોની ગાયો ઉપાડી જતાં, દેવોને તિરસ્કારતાં અને વ્રતવિહીન હતાં. દસ્યુઓ હિંદુસ્તાનના અસલી શિવપૂજક વતનીઓ હતાં. દસ્યુના રાજા શમ્બર સંસ્કારી હતા. પણ એ હાર્યા અને દાસ થઈને રહ્યા, થોડે વર્ષે એ આર્યો બન્યાં ને એમનાં લિંગદેવ – શંકર સ્વરૂપે આજે આર્ય ધર્મમાં પૂજાય છે.

મુનશી એ કાળના આર્યોનો પરિચય આપતાં કહે છે કે તેઓ સુંદર કપડાં પહેરી ટાપટીપ કરતાં ને નોકરો ને દાસો રાખતાં. યુદ્ધમાં બખ્તર પહેરતાં ને આયુધો વાપરતાં. તેઓને ઘોડ દોડની શરત અતિ પ્રિય હતી તો તેઓ દ્યૂત પણ રમતાં. ઋષિઓ સોમ પીને અને સામાન્ય લોકો સુરા પીને નશો કરતાં. ઋષિઓ મોટા આશ્રમોમાં રહેતા ને વિદ્યાભ્યાસ કરાવતા. વર્ણાશ્રમ વગરના સમાજમાં સ્ત્રી સમાનતા તો હતી પણ લગ્નગ્રંથી શિથિલ હતી ને કુમારિકાના પુત્રો અધમ ન ગણાતા. ઋષિઓમાં આદર્શમયતા, દેવોની ભક્તિ સત્ય અને તપની ઝંખના, વારે વારે દેવો સાથે વાત કરવાની ટેવ હતી ને તેમને સમજવા ઘણા કઠણ હતાં. ‘અતિથિગ્વ’ માંસ ખવડાવનાર માનભર્યું બિરુદ હતું.

મુનશી કથાનો ઉધાડ ખૂબ નાટકીય ઢબે કરે છે. ભરતોના વિશાળ જનપદ પર ભૃગુઓનું પ્રબળ સૈન્ય ચઢી આવે છે. રાજા ખેલ,ગાધીરાજની પુત્રી સત્યવતીને પરણવા માગે છે. પણ સત્યવતી તે માટે તૈયાર નથી. ભૃગુઓના શ્રેષ્ઠ એવા અથર્વણ – ઋચીક ત્યાં આવી ચડે છે, જેને સૌ પથિક માની બેસે છે. અને નાટકીય ઘટનાક્રમને અંતે સત્યવતી અને ઋચીકના લગ્ન થાય છે. ભરતો અને ભૃગુઓમાં આનંદોત્સવ થાય છે.

‘લોપામુદ્રા ‘ની કૃતિમાં મુનશી હિંદુસ્તાનના ઇતિહાસના પહેલવહેલા ખરા બનાવો વણે છે. તૃત્સુ જાતિના રાજા દિવોદાસ શૂરવીર અને ઉદાર હતાં. તેણે દસ્યુઓના રાજા શમ્બર સાથે અનેક વાર યુદ્ધ કર્યું અને તેને મારી નાખી તેના નવાણું ગઢ લઈ લીધા. તેને સુદાસ નામે પુત્ર હતો. દેવો મિત્રાવરુણના બે પુત્રો હતા – અગસ્ત્ય અને વસિષ્ઠ. વસિષ્ઠ તૃત્સુઓના પુરોહિત હતા. ભરત નામની પ્રતાપી જાતિમાં વિશ્વામિત્ર ઋષિ થયા, જે કુશિકના વંશજ અને ગાથીનોની દીવ્ય વિદ્યાના વારસ હતા.વિશ્વામિત્રના પિતા ગાધી હતા. ગાધીને વિશ્વરથ અને ઋચીક ને જમદગ્નિ એમ પુત્રો થયા. ઋગ્વેદ પ્રમાણે લોપામુદ્રા એક ઋષિ હતા. તેમણે અગસ્ત્ય ને લલચાવીને પતિ કર્યા. એ પ્રસંગે રચેલા મંત્રો ઋગ્વેદમાં છે.

રંગભેદ, ધર્મભેદ અને સંસ્કૃતિભેદના પ્રશ્નો કેટલા પુરાતન છે તેની ખબર પડે છે. તે સમયે આર્યો અને દસ્યુઓ વચ્ચે રંગનો, ધારાનો અને સંસ્કૃતિનો ભેદ હતો. શમ્બર અને એના દસ્યુઓ લિંગની પુજા કરતાં. દસ્યુઓ શક્તિમાં, વીરતામાં કે સુખનાં સાધનોમાં આર્યોથી ઉતરતા ન હતા, પણ વિદ્યામાં અને સંસ્કારમાં ઉતરતા હતા.આર્યો દસ્યુઓને પકડી ગુલામ બનાવી રાખતાં. ત્યારે પ્રશ્ન એ થયો કે સમાજમાં એમનું સ્થાન શું? દાસીના પુત્રનું કુટુંબમાં સ્થાન શું? આ પ્રશ્નો પર લડાઇઓ થઈ, માથા કપાયાં, વેર થયાં. કેટલાક વિદ્વાનોના મતે વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે વેરનું કારણ પણ આ જ હતું. વસિષ્ઠ શુદ્ધિના પ્રતિનિધિ હતા. વિશ્વામિત્રે દસ્યુઓને આર્ય બનાવવા કીમિયો કરી નવી રીત શીખવી. આર્યત્વ જન્મથી નથી આવતું પણ ગાયત્રીમંત્રથી શુદ્ધ થઈ, સત્ય અને ઋતથી પ્રેરાઈ , યજ્ઞોપવીત ધારણ કરવાથી માણસ નવો જન્મ પ્રાપ્ત કરી દ્વિજ બની આર્ય બને છે. આ મંત્રને પરિણામે આ દેશમાં રંગભેદ જતો રહ્યો અને સંસ્કારભેદ પ્રમાણે પ્રજાના વિભાગ પડી ગયા. જે વિપ્રનું કાર્ય કરતા તે બ્રાહ્મણ કહેવાયા. જે સામાન્ય પ્રજા વિશોમાં વહેંચાઈ હતી તે વૈશ્ય કહેવાયા ને જે દ્વિજ નહોતા થયાં તે શુદ્ર કહેવાયા.

ઋષિ લોપામુદ્રા ઉષાની પુત્રી છે. રૂપ અને સૌંદર્યમાં અદ્ભુત છે. તે જ્યાં જાય ત્યાં પુરૂષોને નવી આંખો આવી છે. તેમણે કેટલાં હૈયાં સંતાપ્યા છે. તેઓ દેવી સમા દેદીપ્યમાન છે. તેમની બોલીમાં દેવવાણી સંભળાય છે.જ્યારે તેઓ ડગ ભરે ત્યારે તેમના પાદચિહનોમાંથી શુદ્ધિની સરિતા વહે છે. તેઓ માને છે કે આર્ય અને અનાર્યના, કાળા અને ગોરાના, ઊંચ અને નીચના ભેદ મહર્ષિ માટે નથી. વિદ્યા અને તપનું બળ હોય તો દૂર ને દૂર, જંગલોમાં, ભૂખ ને દુ:ખથી રખડતાં માનવજંતુઓ ઉદ્ધારની વાટ જોતાં બેઠાં છે. તેઓ અગત્સ્યને પણ આર્યોનું પુરોહિતપદ છોડી દેવોનું અધૂરું કાર્ય પૂરું કરવા નિમંત્રણ આપે છે.

‘લોપામુદ્રા’ એ ઋષિ લોપામુદ્રાની તેજસ્વિતા અને અગત્સ્ય માટેના તેમના પ્રેમની કથા તો છે જ પણ તેનાથી પણ વધુ આકર્ષક અને વાચકોને જકડી રાખતી કથા છે યુવરાજ વિશ્વરથના ઋષિ વિશ્વામિત્ર બનવાની. તેમાં વિશ્વરથનું મનોમંથન છે, શામ્બરી પ્રત્યેનો પ્રેમ ને એ પ્રેમ માટે વેર ને યુદ્ધ વહોરી લેવાની તૈયારી છે, ગુરુ અગસ્ત્ય ને ભગવતી લોપામુદ્રા પ્રત્યે આદર ને ભક્તિ છે, બાલસખી રોહિણી માટેનો પ્રેમ છે, ઈર્ષાખોર તૃત્સુ યુવરાજ સુદાસ સાથે નોકઝોક છે, તપનું ઊંડાણ છે, દેવોનો સાક્ષાત્કાર છે, સ્વેચ્છાએ રાજદંડને શૃંખલા માની ત્યાગ કરવાની હામ છે, પોતાના અને પારકા, મિત્ર કે શત્રુ – સૌના હૈયા જીતવાનો ઇલમ છે. વિશ્વરથ તો ઘડાયો છે અમી દ્રવતા હૃદય સાથે, દેવોએ પ્રેરેલી બુદ્ધિ સાથે, સર્વગ્રાહી આર્ષદૃષ્ટિ સાથે. શામ્બરીના મૃત્યુ બાદ એ બાલસખી રોહિણી સાથે લગ્ન કરે છે જેની શ્રદ્ધા એ વિશ્વરથનું બાહુબળ છે, જેનો પૂજાભાવ તેનું કવચ છે તો જેની પ્રેરણા એનો જયઘોષ છે. વિશ્વરથ વિદ્યા અને તપને પોતાની રાજ્યલક્ષ્મી ગણે છે અને વિશ્વરથમાંથી વિશ્વામિત્ર બને છે. ત્યાગીઓમાં શ્રેષ્ઠ બની અંતે નાનપણથી તેનો દ્વેષ કરતા સુદાસનું દિલ જીતી લે છે. દેવો, પિતૃઓની આજ્ઞા શિરે ધારણ કરી ઋતમાંથી ચલાયમાન ન થવાય એ પ્રાર્થના સાથે કથા સમાપ્ત થાય છે.

કથા ભલે પૂરી થાય પણ મુનશીની ખૂબી એ છે કે તેઓ વાચકને પૌરાણિક યુગમાં છોડી જાય છે. જેમ દેવાધિદેવ મહાદેવની જટામાં કેદ ગંગાનું અવતરણ, મહારાજ ભગીરથના તપના કારણે થયું અને આપણી શ્રધ્ધાએ જીવનમાં ધન્યતાનો અનુભવ કરાવ્યો. કદાચ વેદકાળની કથાઓનું પણ એમ જ છે. ‘લોપામુદ્રા’માં આપણે માણેલી ધન્યતાની પળો એ પણ મુનશીએ ઉતારેલ સાહિત્યગંગા જ છે.

રીટા જાની