૪૭ -કબીરા

કબીર અને કૃષ્ણમૂર્તિ – હદ બેહદની પેલે પાર

વક્રોક્તિ અને વિરોધાભાસી રહસ્યવાદી વાણીનો ઉપયોગ કરનાર કબીર અને કૃષ્ણમૂર્તિની આજેવાત કરવી છે.પાંચ સદી પહેલા થઈ ગયેલી એવી બે સુવિખ્યાત માનવ ઇતિહાસની વ્યક્તિઓની કે જે બંને વિભિન્ન જગતમાં થઈ ગયા.કૃષ્ણમૂર્તિ કહે છે:

“ઈશ્વર”ના અસ્તિત્વ બાબતમાં જો તમારી પાસે સાબિતી હોય, તો તે”ઈશ્વર “ નથી.”
 
શું ઈશ્વરનું કોઈ અસ્તિત્વ છે? કે તેનું કોઈ અસ્તિત્વ જ નથી?- ન તો અસ્તિત્વ અગર ન તો અન અસ્તિત્વ – એ કૃષ્ણજીની ભાષા છે.મન જો એમ કહે કે ઈશ્વરનું અસ્તિત્વ તે પૂરવાર કરી શકે તેમ છે,તો તે પોતાના પ્રક્ષેપોની જ વાત કરે છે.કબીર પણ તેના એક ભજનમાં કહે છે:

“હું નથી ધાર્મિક નથી અધાર્મિક ;હું નથી શ્રદ્ધાળુ કે નથી અશ્રધ્ધાળુ.”

જો ધાર્મિક કે ન અધાર્મિક – તો પછી શું?આપણુ મન ‘આ ‘કે ‘તે’ ના રાહ પર જ આગળ વધવા ટેવાએલું છે.આ કે ‘તે ‘ન હોય તો મન ગુંચવાઈ જાય છે.પરતું કબીર અને કૃષ્ણમૂર્તિને સમજવા હોયતો વિરોધાભાસની વાણીને જ સમજવી પડશે.પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધોનાં પ્રાચીન ગ્રંથોમાં સર્વોત્કૃષ્ટ’સત્ય’ વિરોધાભાસની વાણીમાં વ્યક્ત થયું છે.જીવનનાં વૃક્ષનું વર્ણન કરતાં ગીતાનાં પંદરમા અધ્યાયમાં જણાવે છે કે” ‘તે’ ક્ષર અને અક્ષર એમ બં
પુરુષો લોકક્ષરશ્ચાક્ષર એવ ચ|ક્ષર: સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે॥

બંને જણા મનની મર્યાદાઓની વાત વારંવાર દોહરાવે છે.બંનેના ઉપદેશમાં મન કેન્દ્ર સ્થાને છે.આપણી સંસ્કૃતિ મુખ્યત્વે મનની જ સંસ્કૃતિ છે.મન તેની સ્વાભાવિક મર્યાદામાં જ કાર્યાન્વિત થાય છે.તેની પસંદગીમાં એ મર્યાદાઓ સંડોવાએલી હોય છે.કબીર તેના ભજનમાં જણાવે છે:

“હે મન ,તારે ક્યાં જવું છે? આગળ કોઈ માર્ગ નથી કે નથી કોઈ યાત્રિક,તું જ્યાં છું ત્યાં જ થંભી જા”માનવ મન ચાલાક હોઈ શકે છે પરતું અસ્તિત્વને તે જોઈ શકતું નથી.તે નવસર્જન કરી શકે છે પણ સંશોધન નહીં.માનવ મન સાધનો,યંત્રો,ઓજારો સર્જવામાં કુશળ છે.પરતું પ્રેમ પરત્વે તદ્દન અજ્ઞાત છે.
કૃષ્ણજી કહે છે:

“જે મનુષ્ય અણુનું વિભાજન કરી જાણે છે,પરતું જેના હ્રદયમાં કોઈ ‘પ્રેમ ‘ ઊભરાતો નથી,તે રાક્ષસ બને છે.”

ઔદ્યોગિક વિજ્ઞાનમાં કુશળ મનુષ્યો દ્વારા આચરવાનાં આવતાં તમામ પ્રકારનાં રાક્ષસી કૃત્યો આજે આપણે આધુનિક વિશ્વમાં નજરે નિહાળીએ છે.જગતભરને ભરડામાં લીધેલ આંતકવાદ તેનું મોટું ઉદાહરણ છે.આજે આપણે એવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે કે જ્યાં મન અત્યંત ચાલાક બન્યું છે પણ હ્રદય સંપૂર્ણપણે શુષ્ક રહ્યું છે.મન તેની નિયમાનુસારની સીમાઓમાં અત્યંત કુશળતાથી કાર્યાન્વિત થાય છે,પરતું સીમાઓની પેલે પારની બાબતોમાં તે સંપૂર્ણત: અજ્ઞાત છે.એ અજ્ઞાન તેને અસ્તિત્વનું ભાન થવા દેતું નથી.કબીર અને કૃષ્ણજીએ મનશ્ચક્ષુની વાત કરી છે.તે વાત કરતાં કૃષ્ણજી કહે છે:
“કદાચ ક્ષણિક ઝબકારામાં ‘સત્ય’નું દર્શન કરવાનું સામર્થ્ય હોવું જોઈએ.અને મારા મતે એ અનુભૂતિ જ ક્ષણમાત્રમાં મનને તેનાં તમામ વીતકોથી દૂર કરી નાંખશે.મનની ગતિ જ્યારે થંભી જાય છે,ત્યારે જ મનમાં ગતિનો પ્રારંભ થાય છે”
મનમાં થતી આ ગતિ દરમ્યાન જ યથાર્થ અનુભૂતિ થાય છે.વાસ્તવમાં અનુભૂતિ જ તેના સાચા અર્થમાં સૂઝ-સમજણ છે.અને કૃષ્ણજીની આ વાત સાંભળી જાણે તેમની બધી વાત સમજાઈ જશે:
“પ્રયાસ જ્યારે અપ્રતિકારક બની જાય છે,ત્યારે અજ્ઞાતપણે સત્વરે અનુભૂતિ થાય છે.પ્રયત્નો જ્યારે શાંત થઈ જાય છે ત્યારે જ અનુભૂતિની લહરી આવે છે.મન જ્યારે સંપૂર્ણપણે નીરવ થઈ જાય છે ,વિચારનો અભાવ થઈ જાય અને મનનો પોતાનો ઘોધાંટ શમી જાય છે ત્યારે અસાધારણ વેગ ધરાવતી સૂઝ અર્થાત્ અંત:સ્ફુરણા સમાન અનુભૂતિનો ક્ષણિક ઝબકાર થાય છે”

શ્રીમદ ભગવદ્ગીતાનાં બીજા અધ્યાયમાં જણાવ્યું છે:

“ન સ્વીકાર કે ન અસ્વીકાર .ત્યાં જ મન સુસ્થિર થાય છે.- એ જ સુમેળની સ્થિતિ છે.”
જયાં મન પોતાની ગતિ વિના સ્થિર થયું છે ત્યાં જ યથાર્થ કર્મ સંભવિત છે.મનની ગતિ જ્યારે ક્ષણ માટે કે દીર્ઘ કાળપર્યંત થંભી ગઈ હોય છે ત્યારે જ સાચો’પ્રેમ’ પ્રગટે છે. ‘પ્રેમ’ મનનો વિષય નથી મનની પેલે પારની અવસ્થામાંથી તે પ્રગટે છે.કૃષ્ણજી કહે છે:

”પ્રેમાળ બનો પછી તમને યોગ્ય જણાય તે કરો’ અને કબીરે તો પ્રેમને અનેક રીતે ગાઈ સમજાવ્યો છે.”
“પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન ચીન્હે પહીચાને કોય,આઠ પ્રહર ભીંજા રહે પ્રેમી કહાવે સોય.
પ્રેમ ન બાડી ઉપજૈ,પ્રેમ ન હાટ બીકાય;રાજા પરજા જેહૈ રુચૈ,શીશ દૈ લેઈ જાય.”

પ્રેમને પાંગરવા માટે ત્યાગ,બલિદાન અને નિસ્વાર્થતા જોઈએ. પ્રેમ એટલો સસ્તો નથી એની કિંમત જુદીજ છે.કબીર અને કૃષ્ણમૂર્તિ બંને મનની સીમાઓની પેલે પાર જઈ પરમના પ્રેમને પામવાની વાત કરે છે. યથાર્થ અનુભૂતિ ત્યાં જ થાય છે. યથાર્થ અનુભૂતિ જ યથાર્થ કાર્ય કે ક્રિયા અને અંત:સ્ફુરણાની ભૂમિકા છે.આ વાતને સમજવું એ જ તેની ખોજ છે.આ ખોજ અતિ આકર્ષક છે.
કબીરનાં સમયનું વિશ્વ ,મૂલ્યોમાં ધીમું પરિવર્તન નિહાળતું હતું.કબીરના દિવસોનું ભારત બહારથી આવેલા વિચારોના પ્રભાવ તળે આવતું હતું.ઉદ્યોગવાદનાં આક્રમણો અને યાંત્રિક જીવનની લોકજીવન પર થનારી અસરોનાં સંકેતો તે ઝીલી શકતો હતો.અને તેથી પોતાની વિલક્ષણ ઢબથી લોકોને ચેતવતો હતો.પાંચ સદી પહેલાં કબીરે રચેલાં ભજનો,પદો આજે પણ હજારો લોકોને પ્રેરણા આપે છે.સરળવાણીમાં તેમણે અગાધ જ્ઞાન પીરસ્યું.
કબીરને જે સંકેતો પ્રાપ્ત થયેલા, તે કૃષ્ણમૂર્તિએ નજરે નિહાળેલા,કારણ કે તેઓ એવા યુગમાં જન્મ્યા અને જીવ્યા કે ઉધોગીકરણનાં આક્રમણો અને યંત્રવાદનાં ધસારાઓ ત્યારે વિશ્વમાં પ્રસરી ચુક્યા હતા.હજારો વર્ષોથી ટકાવી રાખનારાં ,જીવન મૂલ્યો ભાંગીને ભુક્કો થઈ રહ્યા હતા.માનવ-સંસ્કૃતિને સંપૂર્ણ વિનાશની સ્થિતિમાં ઢસડી જતી પરિસ્થિતિ સામે કૃષ્ણમૂર્તિએ પોતાનો શક્તિશાળી અવાજ ઉઠાવ્યો.પોતાના સમયમાં તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં હતા.એશિયા,અમેરિકા,યુરોપ,અને ઓસ્ટ્રેલિયામાં ફરીને તેમણે હજારો શ્રોતાઓ સમક્ષ જીવન અને તેની સૂક્ષ્મ સમસ્યાઓ ઉપર અનેક પ્રવચન આપ્યા છે.
કૃષ્ણજીમાં નિર્ભેળ વિશુધ્ધ રહસ્યવાદ જ નજરે પડે છે.તેમનો અભિગમ સંપૂર્ણપણે અદ્વૈતવાદી હતો.કબીર પણ વાસ્તવિકપણે રહસ્યવાદી જ છે અને તેમનો અભિગમ પણ અદ્વૈત મત અનુસારનો જ રહ્યો છે.કબીર અને કૃષ્ણજીનાં શિષ્યોનો રસ તેમના રહસ્યવાદમાં જ છે.
સામાજિક જીવનનાં તમામ પાસાઓમાં યાંત્રિકતાનાં ભયનો સંકેત કબીરને થયો અને કૃષ્ણજીએ તેને પ્રત્યક્ષ નિહાળ્યો.બંનેના કથનોમાં મુખ્ય વિષય માનવીય સંબંધોની સમસ્યાઓને લગતો છે.કૃષ્ણજીએ માનવીય સંબંધો અને તેમાં આવેલી અવનતિનાં પાસાંઓને સ્પર્શ્યા છે.તો કબીર તો તેનાં સુવિખ્યાત પદમાં કહે છે:
જા ઘટ પ્રેમ ન સંચરે સો ,ઘટ જાનું મસાન,જ્યોં લુહાર કી ધોંસરી સાંસ લેત બિન પ્રાન.
જીવન જીવવા માટે જેમ શ્વાસોશ્વાસ અનિવાર્ય છે,તેમ શાંતિભર્યું જીવન જીવવા માટે બીજા જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા હોવાં જરુરી છે.નહીંતર એ જીવન હરતાં ફરતાં મડદા જેવું છે.લુહારની ધમણ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરતી હોવા છતાં તેમાં કોઈ જીવનતત્વ હોતું નથી તેવીરીતે જે જીવનમાં’પ્રેમ’ ઊભરાતો નથી ,તે જીવન સ્મશાનભૂમિ સમાન છે.શ્વાસોચ્છ્વાસની યાંત્રિક પ્રક્રિયામાં હયાતીનું તત્વ જોઈ શકાય છે,પરતું તેમાં જીવંતતાનું કોઈ લક્ષણ હોતું નથી.સ્નેહ અને પ્રેમ વગરનું જીવન માત્ર હયાતી બનીરહે છે જીવન માણવું અને માત્ર હયાતી ધરાવવી એ બંને સંપૂર્ણ ભિન્ન બાબત છે.યંત્રવાદની અસર તળે માનવી પ્રૌદ્યોગિક કુશળતા સવિશેષ દાખવી શકે છે પણ તેની હયાતીમાં જીવંતતાનો પમરાટ હોતો નથી.

મનુષ્યનું મૂલ્ય આપણે તેની પારંગતતા અને તેની વિશેષ વિશિષ્ટતા પરથી આંકીએ છીએ.મનુષ્યે આજે પોતાનાં જીવનની સીમાઓ બાંધી દીધી છે.સીમાઓનું રેખાંકન કરવામાં સચોટતા દાખવવામાં આવે છે પણ ત્યાં પ્રેમની રેલમછેલ હોતી નથી. પ્રેમનું અસ્તિત્વ માત્ર રેલમછેલમાં જ છે.રેલમછેલ એટલે ભારે વર્ષા પછી નદીઓ તેમની સીમા ઓળંગીને રેલમછેલ કરેને તે. રેલમછેલ જ ભૂમિને સમૃદ્ધ કરે.પ્રેમનું અસ્તિત્વ તમામ સીમાઓને તોડી નાંખે છે.પ્રત્યેક માનવ પોતાની સીમા અને સરહદ સુધી જ જાય છે. કોઈ સીમાડા ઓળંગતું નથી પરતું કબીર તો કહેછે પરમને પામવા સીમાડા જ ઓળંગવા પડશે. અસીમ અવકાશમાં જ તે મળશે.કબીર અને કૃષ્ણજી કહે છે માનવ મન સીમામાં રહીને સત્ય શોધવા પ્રયત્ન કરે છે પણ સત્યને પામવા હદ પાર કરવી પડશે.અને મારો કબીરો તો ગાયછે “જો ઘર ફૂંકે અપના” “જે પોતાના ઘરને આગ લગાડવા તૈયાર હોય તે જ માત્ર મારી સાથે આવે.”અહીં મકાનને નહીં ઘરને આગ લગાડવાનું કબીર કહેછે. આપણી માયા,આસક્તિને આગ લગાડી શકે તે કબીર સાથે જઈ શકે.
કબીર અને કૃષ્ણમૂર્તિ બંને જણા આપણને આનંદદાયક અનુભૂતિની યાત્રાએ નીકળવા નિમંત્રણ આપે છે.તો ચાલો તે તરફની યાત્રાની શરુઆત કરીએ…..

જિગીષા પટેલ

૨૫ – કબીરા

કબીરબીજક – બેલિ

         કબીરને ઓળખીને, ખુદને પામતાં અને તેની ઓળખાણ સૌને કરાવતાં આજે પચીસમાં પ્રકરણે પહોંચી છું તો મને એવી અનુભૂતિ થાય છે કે જાણે કબીર મારાંમાં ઓગળી રહ્યા છે.તેમની અનુભવેલી જીવન અને પરમ અંગેની સમજ એટલી સહજ અને ઊંડી છે કે જો ખરા અર્થમાં આપણે તેમની વાણી જીવનમાં સ્વીકારીને ચાલીએ તો આપણો બેડો પાર થઈ જ જાય.
‘હો રમૈયા રામ’ નાં વર્ણાનુપ્રાસનાં કબીરબીજકના બેલિ પ્રકરણમાં કુલ ૨૪ પદો છે.બેલિ એટલે વેલ.
આપણા શરીરને વેલી રૂપે વળગેલી માયારૂપી વેલ.સાખી પ્રકરણમાં પણ કબીરે માયાને વેલ તરીકે વર્ણવતાં કહ્યું છે:
યે ગુણવંતી વેલરી,તવ ગુન બરની ન જાય,
જવું કાંટે ટહુ હરિયરી,સંચે તે કુમ્હિલાય !
       કબીર સમજાવે છે કે માયાનું વર્ણન થઈ શકે તેમ નથી.જેમ જેમ તેને કાપવા પ્રયત્ન કરીએ તેમ તેમ તે લીલીછમ બનતી જાય છે અને ભક્તિની વાણી રૂપી પાણીનું સીંચન કરીએ છીએ તેમતેમ તે કરમાવા લાગે છે.એટલે માયાથી છૂટવું હોય તો ખરા હ્રદયથી પરમની ભક્તિ કરો.
હંસે સરવર સરીરમેં,હો રમૈયા રામ
જાગત ચોર ઘર મુસૈ,હો રમૈયા રામ…
જો જાગલા સો ભાગલા,હો રમૈયા રામ
સોવત ગૈલ બિગોય,હો રમૈયા રામ….
આજુ બસેરા નિયરે,હો રમૈયા રામ
કાલ બસેરા દૂરિ,હો રમૈયા રામ….
      ઉપરોક્ત પહેલાં બેલિનાં ત્રણ પદોમાં કબીર આપણા સૌની અંદર રહેલા જીવાત્માને ‘હો રમૈયા રામ’તરીકે ઉદ્દેશે છે.શરીરને સરોવર અને આત્માને હંસ તરીકે ઓળખાવે છે. કબીર આપણને સમજાવે છે કે તું જાગતો હોવા છતાં તારા હ્રદયરૂપી ઘરમાંથી કામ અને ક્રોધ રૂપી ચોર વિવેક રૂપી ધનની ચોરી કરે છે.જો આપણામાં જ્ઞાનથી જાગૃતિ આવી જાય તો પ્રપંચો દૂર ભાગી જાય અને જે અજ્ઞાનતાનાં ઘોર અંધકારમાં ડૂબેલો રહે તે જીવનનું સાચું ધન ગુમાવી બેસે છે.અને પોતે જ પોતાના વિનાશને નોતરે છે.જેને આ સમજાઈ જાય છે તે પરમની નજીક પહોંચી શકે છે અને નાસમજ ,અજ્ઞાની પરમથી દૂર થઈ જાય છે.
          કહેવાય છે કે માનવ જન્મ અતિ દોહ્યલો છે.ખૂબ સારા કર્મો કર્યા પછી ચોર્યાશીલાખ યોનિમાં સર્વોત્તમ એવો માનવ જન્મ મળે છે અને કબીર માનવ જન્મને સ્વદેશ તરીકે ઓળખાવે છે.અને બીજી બધી યોનિને પરદેશ ગણાવે છે.આપણે મુ્કિત એટલે કે મોક્ષ જોઈતો હોય તો માનવ જન્મ થકી જ મળશે.જેમ મહેમાન જેને ઘરે આવ્યો હોય તેને તે પોતાનું ઘર સમજતો નથી તેમ આ દુનિયામાં પણ આપણે મહેમાન થઇને જ આવ્યા છીએ.જગતમાં આસક્ત થયા વગર સારા કર્મ કરી પોતાની ભીતરમાં સ્થિર થવા પ્રયત્ન કરવાનું કબીર કહે છે.અહીં કબીર ગીતાનાં કર્મનાં સિધ્ધાંતની વાત જ આપણને સમજાવી રહ્યા છે.
       આગળની બેલિમાં મનનાં નિરોધની આવશ્યકતા કબીરે સમજાવી છે.કામ,ક્રોધ,લોભ,મદ ,મોહ જેવી સાહજિક વૃત્તિઓને વશમાં કરવા પહેલાં મનને વશ કરવું પડે.માણસ જો ભક્તિને નામે ચાલતાં ધતિંગમાં રચ્યો પચ્યો રહે તો રામનામની ભક્તિનું ફળ મળતું નથી.કબીર પોતાનાં અવનવા રૂપક અને ઉદાહરણ આપી જીવનનો સાચો માર્ગ ચીંધવા પ્રયત્ન કરે છે. જીવને સંબોધીને કબીર કહે છે કે જીવ પાંચ તત્ત્વોનાં શરીરરુપી બળદ પર,ઇચ્છાઓનો ભાર લાદીને,નવ નાડીઓ રૂપી વાહકને સાથીદાર બનાવી,દસ ઈન્દ્રિયો રુપી કોથળો ભરી વેપાર કરવા નીકળ્યો છે.પરતું જ્યારે આ ભાર સાથે નીકળેલ બળદ મોતનાં ખાડામાં પડશે ત્યારે શું ? તેનો વિચાર તો માણસ કરતો જ નથી.કબીર જેવા અભણ વણકરે વેદાંતનાં ઉત્તમ પાઠ સરળ ઉદાહરણ થકી આપણને સમજાવવા કોશિશ કરી છે.પંચમહાભૂતોનાં બનેલ શરીરનો બળદની જેમ ઉપયોગ કરવો તે શરીરનો દૂર ઉપયોગ કર્યો ગણાય.
     મૃત્યુની ભયાનકતા બતાવી આપણને ચેતવતા કબીર કહે છે આપણું મૃત્યુ થતાં શરીરને ચિતા પર સુવાડી અગ્નિદાહ દેશે અને તે બરાબર સળગી જાય માટે ખોપરી પર ડાઘુઓ વાંસનાં ફટકા મારશે.
     આ શરીર તો આત્માનું મિત્ર છે અને મિત્ર તો કલ્યાણનું ઘણું કામ કરી શકે છે તેથી તો શાસ્ત્રોમાં તેને“શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનમ્” એવું કહ્યું છે.આ માનવ શરીર દ્વારા જ આપણે મોક્ષ તરફ ગતિ કરી શકીશું,એટલે કબીર પોતાની જડબેસલાક વાણીથી આપણને સત્યનેા રાહ ચીંધે છે.
ફિર પાછે જનિ હેરહુ,હો રમૈયા રામ
કાલબૂત સબ આહિ, હો રામ રમૈયા રામ….(બેલિ-૨-૭)
કહહિં કબીર સુનો સંતો, હો રામ રમૈયા રામ
મન બુધ્ધિ ઢિગ ફૈલાવહુ,હો રામ રમૈયા રામ….(બેલિ -૨-૮)
કબીર આપણને સાવધાન કરતા કહે છે બનાવટી ગુરુઓની વાતો સમજ્યા વગર માનીને ન ચાલો.આપણી મન અને બુધ્ધિથી તે વાતનો મર્મ જાણવા, સમજવા પ્રયત્ન કરો.કબીરતો આપણને વગાડી વગાડીને એક જ વાત સમજાવે છે કે આપણાં ચૈતન્યની ખોજ માટે ક્યાંય ફાંફાં મારવાની જરૂર નથી આપણી ભીતર જ ડોકિયું કરવાનું કહે છે.તેનાથી જ આત્મકલ્યાણ થશે.કબીરની આટલી નાની વાત સમજવાની આપણને સૌને જરૂર છે.અને આ વાંચી મને યાદ આવે છે એ પ્રાર્થના……
આપને તારા અંતરનો એક તાર બીજુ હું કાંઈ ન માંગું રે….
સૂણજે મારો આર્દ તણો પોકાર બીજુ હું કાંઈ ન માંગું રે…..
જિગીષા પટેલ

૨૪ – કબીરા

કબીરબીજક- ચાચર

કબીરબીજક વાંચતા કબીર એક અદનો અને કોઈની પણ સાથે જેની સરખામણી ન કરી શકાય તેવો કાવ્ય તત્ત્વથી છલોછલ ભરેલો કવિ જ દેખાય છે.પોતાનાં ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યના અનુભવને તેમણે કોઈ સિધ્ધિ કે પ્રસિદ્ધિ માટે નથી ગાયા પણ પોતાની સાથે આખા સમાજને બલ્કે આખી દુનિયાનાં દરેકે દરેક માનવને તે પરમની સાચી ઓળખ કરાવી, તે તરફ ગતિ કરાવવા મથે છે. તેમને મન કવિતાતો તેમની આડપેદાશ છે.આ ભાવ સાથે તેમની કરેલ કબીરબીજકની એકેએક પ્રકરણની રચનામાં દરેકમાં તેમણે પોતાની આગવી કવિ તરીકેની પ્રતિભાનાં દર્શન કરાવતાં લોકોને સત્ય તરફ જવાનો સાચો માર્ગ પણ ચીંધ્યો છે.

કબીરબીજકનાં ચાચર પ્રકરણનાં ૧ અને ૨ ભાગનાં કુલ ૪૦ પદોમાં વર્ણાનુપ્રાસ કરી છેલ્લે ‘મન બૌરા હો’ તેમ ગાયું છે.
ખેલિત માયા મોહિની મન બૌરા હોજિન જેર કિયા સંસાર સમજુ મન બૌરા હો….(ચાચર -૧-૧)
રચ્યો રંગ તિનિ ચૂનરી મન બૌરા હોસુન્દરિ પહેરે આય સમુજુ મન બૌરા હો…(ચાચર-૧- ૨)

ચાચરનાં બંને પ્રકરણમાં કબીરે માયા કેવી રીતે માનવ મન પર કબ્જો કરીને બેઠી છે અને સંતો અને જ્ઞાનીઓ પણ તેની ચુંગાલમાં ફસાયા વગર રહી શક્યા નથી તે જુદા જુદા અનેક ઉદાહરણ થકી સમજાવ્યું છે.કબીર સમજાવે છે કે આ વિશ્વમોહિની માયા તો તેનાં ખેલ ખેલવા માટે અને સમગ્ર સંસારને પોતાનાં વશમાં કરવા માટે આ ખેલ ખેલી રહી છે. આ સૌને વશ કરનાર માયાએ વિષય અને વાસનાનાં રંગોથી રચેલી એવી સુંદર સાડી પહેરી લીધી છે કે આવી સાડી ભાગ્યેજ કોઈ સુંદરી પહેરી શકે.

નારદજી જેવા સંતજ્ઞાની મુનિનો દાખલો આપતા કબીર કહે છે. મોહિની સ્વરૂપમાં મોહાંધ બનેલા મુનિનું મોંઢું વાંદરા જેવું માયા થકી જ બન્યું હતું. માયાએ તો ઠગવા માટે શિવ,બ્રહ્મા જેવા દેવો અને યોગી ગોરખ,સનક,સનંદન જેવા ઋષિઓને પણ છોડ્યા નથી.

કબીર તો કહે છેઃ
જ્ઞાન ઢાલ આગે દરિયો મન બૌરા હોટારે ટ્રંક ન પાંવ સમજુ મન બૌરા હો…..

આવું ગાતા કબીર કહે છે.ચાચરની આ રમતમાં સાચા જ્ઞાની પુરુષો જ્ઞાનરૂપી ઢાલ પોતાના બચાવમાં ધરી દેતા હોવાથી તે પોતાના લક્ષ્યમાંથી સહેજ પણ વિચલિત થતાં નથી તે હકીકત બરાબર માણસે સમજી લેવી જોઈએ.આ માયાથી તે જ બચી શકે ,જે તેના મોહપાશમાં બંધાતો નથી.

ચાચરનાં બીજા પ્રકરણનાં પદોમાં કબીરે સામાન્ય માણસને સમજાઈ જાય તેવા હાથી,વાંદરો અને પોપટનાં દાખલા આપી માયાની જાળમાં આ પ્રાણીઓની જેમ આપણે પણ કેવી રીતે ફસાઈ જઈએ છીએ તે સમજાવવા કોશિશ કરી છે.
કામ અંધ ગજ બલિ પરે,મન બૌરા હો અકુંસ સહિયર સીસ ,સમજુ મન બૌરા હો…

હાથીને જંગલમાંથી પકડવા માટે એક ખાડો ખોદીને તેને લીલા ઘાસથી ઢાંકી દેવામાં આવે છે.અને ખાડાની એક બાજુ હાથણીનું સુંદર ચિત્ર બનાવી મુકવામાં આવે છે. તે આબેહૂબ ચિત્રને જોઈ ને હાથી કામાંધ બની જાય છે. હાથી તેને આલિંગવા જાય છે અને ખાડામાં પડી જાય છે. પરાધીન બનેલો હાથી ઊંડા ખાડામાંથી નીકળી શકતો નથી. અને માણસ તેના માથા પર અંકુશ મારી તેને પાળે છે તે દુ:ખ પછી તેને સહન કરવું પડે છે.માનવ પણ શરીરનું રૂપ જોઈ ને આસક્ત બની ગૃહસ્થાશ્રમના ખાડામાં પડી પાર વિનાની પીડા ભોગવે છે. પરમાત્મા ચિત્રકાર છે અને સંસાર તેનું ચિત્ર છે. તે ચિત્ર હકીકતે મિથ્યા છે.તેમાં આસક્તિ કરનાર ભ્રમમાં પડે છે.આમ સંસારનાં ખાડામાં પડી માનવ જીવનભર દુ:ખમાં ભટક્યા કરે છે.

વાંદરાનું ઉદાહરણ આપી કબીર કહે છે સ્વાદ લોલુપ વાંદરો સાંકડાં મોંનાં ઘડામાં પડેલા બોર લેવા જાય છે અને તેનો હાથ ફસાઈ જાય છે. માણસ તેને પકડી લે છે અને એનો માલિક ઘેર ઘેર ફેરવી તેને નચાવે છે.શરીરનાં મોહમાં આસક્ત થનાર માનવ પણ જીવનનો ઉદેશ ભૂલી શરીરનાં સાજ શણગારમાં પડી જાય છે. શરીરમાં અંદર રહેલા આત્માનું જતન કરવાને બદલે તે શરીરનું જતન કરે છે. કબીર તો સમજાવે છે કે આત્મદેવનાં મંદિર જેવું શરીર ક્યારે કડડભૂસ કરતું પડી જશે તે કોણ કહી શકે? તે તો સિમેન્ટ નહીં કાચી માટીનાં ચણતરથી ચણાયેલું છે. શરીર તો સ્મશાનમાં બળીને ભસ્મ થઈ જવાનું છે તો માનવ તું સમજીને તેનો મોહ કરવાનું છોડી દે.

જૌ સુવના લલની ગહ્યો, મનબૌરા હોઐસો ભ્રમ બિચારુ સમજુ મન બૌરા હો….(ચાચર-૨ -૯)

ઉપરોક્ત ચાચરનાં પદમાં પોપટનું ઉદાહરણ આપી કબીર આપણને સમજાવે છે કે વાંસની પોલી નળી પર બેઠેલો પોપટ નળી ફરી જવાનાં ડરથી જોરથી એના પગથી નળીને પકડી રાખે છે.પોપટ માને છે કે તેને નળીએ પકડી લીધો છે.વાસ્તવમાં નળીએ પોપટને પકડ્યો જ નથી.પોપટે નળીને પકડી રાખી છે અને તેમાં નીચે પડેલ લાલ મરચું પણ તેને દેખાય છે તે ખાવાની લાલચ પણ તે છોડી શકતો નથી.અને છેવટે તેને પાંજરાંમાં પુરાવાનો વારો આવે છે.માણસનું પણ આવું જ છે. વિષયોની લાલચમાં જીવ પણ આવી જ રીતે ભ્રમથી માની લે છે કે મને કોઈ છોડતું નથી હકીકતમાં તેણે જ સંસારને પકડી રાખ્યો છે.અને માણસ માયાની જાળમાં ફસાએલો જ મૃત્યુ પર્યંત રહે છે.

પોપટ પારાયણ કરનાર વિદ્વાનોને અનુલક્ષીને પણ કબીર કહે છે કે વિદ્વાનો શાસ્ત્રો કંઠસ્થ કરીને પારાયણ કર્યા કરે પણ પોતાની અંદર રહેલી અશુદ્ધિને દૂર ન કરે તો પારાયણનો કોઈ લાભ નથી.માત્ર પારાયણ કરવાથી પંડિત પણ જન્મ મરણનાં ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી.
ચાચરનાં છેલ્લાં ચાર પદમાં કબીરે ખૂબ સુંદર સૌએ જીવનમાં અપનાવવા જેવી વાત કરી છે.કબીર કહે છે જે ઘરમાં કોઈ રહેતું ન હોય ત્યાં કોઈ કદી મહેમાન બનીને જાય તો તેની ભૂખ કે તરસ છીપતી નથી કે નથી મળતું તેને મહેમાનગતિનું સુખ.તેવી રીતે જીવે માનવ રત્ન ચિંતામણિ ગણાતો દેહ મેળવ્યો છે પણ આત્મકલ્યાણ માટે કોઈ પ્રવૃત્તિ જ ન કરી હોય તો તે મુક્તિનું સુખ કેવી રીતે પામી શકે? ભલે તેણે ખૂબ સમૃદ્ધિ ભેગી કરી હોય.મહેલાતોનો માલિક હોય અને લોકોમાં ગમે તેટલી પ્રતિષ્ઠા મેળવી હોય પણ આત્મ કલ્યાણની પ્રવૃત્તિ ન કરી હોય અને પોતાની મલિનતા દૂર કરવા કોશિશ ન કરી હોય તો તેનો જીવનનો ફેરો સાવ નકામો જ છે.
આમ કબીરે ચાચરમાં સુંદર ઉદાહરણો દ્વારા જીવન જીવવાની સાચીરીત સરળતાથી શીખવીને વેદ અને ઉપનિષદનાં સાર સમજાવી દીધા છે.
જિગીષા પટેલ

૨૩ – કબીરા

કબીરબીજક-વસંત-૩

કબીર એક એવું વ્યક્તિત્વ છે, જેણે પોતાના વિચારોને કોઈથી પણ ડર્યા વગર બેધડક લોકો સમક્ષ રજૂ કર્યા છે. જે વાત તેમને વ્યાવહારિક ન લાગે તે તેમણે સ્વીકારી નથી અને તેનો વિરોધ પણ ખુલ્લેઆમ કર્યો છે. વસંતમાં આલેખાયેલ કબીરની વિચારયાત્રાને અને કબીરવાણીને સમજવા કોશિશ કરીએ.

વસંતના ૯ થી ૧૨ પ્રકરણનાં કુલ ૨૧ દોહામાં તેમણે માનવ જન્મ કેટલો દુર્લભ છે તેની અને આપણા શરીરની ક્ષણભંગુંરતાને સરળ શબ્દોમાં સમજાવી છે. ગમે તેવો, આખી પૃથ્વીનો સમ્રાટ પૃથુ હોય કે બળવાન રાવણ કે દુર્યોધન હોય, ભક્ત હોય કે દાનવીર બલિરાજા હોય કે ભોગી હોય સૌએ મરણને શરણ તો થવું જ પડે છે. દરેક મનુષ્યનો અંત તો નક્કી જ છે એટલે જ કબીર કહે છેઃ

એસો દુર્લભ જાત સરીર, રામનામ ભજુ લાગૂ તીર….

એટલે ક્ષણભંગુર શરીરમાંથી પ્રાણ ચાલ્યો જાય તે પહેલાં અવિનાશી રામનું ભજન કરી લેવું જોઈએ.

વસંત-૧૦ માં તેમણે તે સમયની રાજકીય, ધાર્મિક અને સામાજિક સ્થિતિમાં સર્વે પંડિતો, યોગીઓ, મુલ્લાઓ વગેરે સૌ પર, કોઈની પણ બીક વગર આકરા પ્રહારો કર્યા છે. યોગીઓ હઠયોગનાં, પ્રાણાયામનાં પ્રદર્શન યોજીને પોતાની અંદર રહેલી અહંકાર વૃત્તિને પોષે છે. પંડિતો પોતાની પંડિતાઈનું અભિમાન કરે છે. મુસલમાનોમાં જ્ઞાની ગણાતાં મૌલવી કુરાન વાંચી મદમસ્ત રહે છે. સંન્યાસીઓને પોતાના આત્મજ્ઞાનનું અભિમાન હોય છે. તેનું ઉદાહરણ આપતા કબીર ઉદ્ધવની વાત કરે છે. ઉદ્ધવને પોતાનાં આત્મજ્ઞાનનું ખૂબ અભિમાન હતું. કૃષ્ણ ભગવાન પોતાનો સંદેશ લઈ ઉદ્ધવને ગોકુળ મોકલે છે ત્યારે ગોપ-ગોપીઓની અને ગોકુળવાસીઓની પ્રેમથી તરબતર કૃષ્ણભક્તિ જોઈ ઉદ્ધવ અભિભૂત થઈ જાય છે. ભાગવતમાં લખ્યું છે ‘ઉધો સીધો ભયો’ ઉદ્ધવજીનું આત્મજ્ઞાનનું બધું અભિમાન ઊતરી જાય છે. માત્ર જ્ઞાનથી જ નહીં કૃષ્ણની પરમ ભક્તિ થકી પણ કૃષ્ણ સુધી પહોંચી શકાય છે તે વાત ઉદ્ધવને સમજાઈ જાય છે.

કબીરે વસંતમાં આત્માજ્ઞાની શુકદેવજી, રાજનીતિજ્ઞ અક્રુરજી વિગેરેના દાખલા તેમનાં જ્ઞાન, ભક્તિ કે બુદ્ધિનાં અભિમાનની વાત સમજાવવા માટે આપ્યા છે. અરે! મહિમ્નસ્તોત્રનાં ‘હરિસ્તે સાહસ્ત્રમ્ કમલબલિ માદાય પદયો’ની વાત કરતાં વિષ્ણુ ભગવાન શિવની સ્તુતિ કરે છે અને હજાર કમળ ચડાવતાં એક કમળ ખૂટે છે તો પોતાનાં નેત્ર રૂપી કમળ ચડાવે છે તે વાત પણ કરી છે. આ ઉપરથી જ સમજાય છે કે કબીર શાસ્ત્રોના કે વેદોના વિરોધી ન હતા પરતું શાસ્ત્રો અને વેદોના જાણકાર હતા.

શિવ કાશીના નિવાસી ગણાય અને કબીર પણ કાશીમાં રહેતા હતા. કાશી અંગે પ્રવર્તતી ભ્રમણાની ફરિયાદ તે શિવજીને કરે છે. તે સમયે કાશીમાં મરણ પામે તો મુક્તિ જ મળે એવી ભ્રામક માન્યતાઓ ફેલાવનાર પંડાઓનો અત્યાચાર એટલો વધી ગયો હતો કે કબીરથી રહેવાયું નહીં. મત્સ્ય પુરાણ, પદ્મપુરાણ, નારદીય પુરાણ અને મહાભારતમાં પણ કાશીનો મહિમા કરતાં લખાયું છે:

અવિમુક્તમ્ સમાસાદ્ય તીર્થસવી કુરુદ્રહ।
દર્શના દેવદેવસ્ય મુગ્યતે બ્રહ્મહત્યયા ॥

અર્થાત્- અવિમુક્ત એટલે કાશી, જે બ્રહ્મહત્યાનું પાપ કરે પણ દેવોના દેવ મહાદેવનાં કાશી આવીને દર્શન કરે તો તેનું બ્રહ્મહત્યાનું પાપ પણ નાશ પામે છે.

ક્રિયાકાંડી બ્રાહ્મણો દ્વારા થતા આવા પોપટીયા પાઠ સામે કબીરે જરાપણ ગભરાયા વગર બળવો પોકાર્યો. કબીરે લોકોને આવા અંધવિશ્વાસમાંથી બહાર નીકળવાનું કહ્યું અને સમજાવ્યું કે તમારા કર્મો સારાં હોય તો જ ભગવાનનું અનુસંધાન થાય. પંડાઓની વાતો પોકળ છે અને ગેરમાર્ગે દોરનારી છે. કબીરને શાસ્ત્રો અને પુરાણોની વાત પણ ખોટી લાગે તો ખોટી કહેતા. કોઈનાથી ગભરાતા નહીં એટલે તો તેને બધાથી ઊફરો ચાલતો કબીર કીધો છે.

આટલું ઓછું હોય તેમ પંડિતો કહેતા કે કાશીમાં મરે તેને સ્વર્ગ મળે અને મગહરમાં મરે તે ગધેડો બને તો કબીરે મોટાભાગની જિંદગી કાશીમાં ગુજારી છતાં પંડિતોને ખોટા પાડવા છેલ્લે મોત મગહરમાં સ્વીકાર્યું. પોતાના પરનો, પોતાની સચ્ચાઈ પરનો અને પોતાના રામ પરનો તેમનો વિશ્વાસ તો જુઓ!

શિવજી સામે પણ હસીને ફરિયાદ કરતાં કહે છે, ‘તમારાં ચાહકો તેમનાં મનમાં જે સુઝે તે કહે છે.’ બધાં ભલે કહે પણ મને શિવજી આવું કહેતાં હોય તેમ લાગતું નથી.

હમરે કહલકે નહિ પતિયાર,આપ બૂડે નલ સલિલ ધાર….(વસંત-૧૨ -૧)

અંધ કહે અંધા પતિયાય,જસ બિસુવાકે લગ્ન ધરાય
સો તો કહિયે ઐસા અબૂઝ, ખસમ ઢાંઢ ઢિંગ નાહિ સૂઝ (વસંત-૧૨-૨)

કબીર તો કહે છે, ‘મારા કથનમાં જે જીવ વિશ્વાસ કરતો નથી તે ખુદ સંસાર સાગરની ધારામાં ડૂબી જાય છે.’ કબીર તો જીવનમુક્ત અવસ્થા પર હોવાથી સંસારરૂપી સાગરને કિનારે ઊભા રહી સર્વ જીવોને ચેતવણી આપે છે કે, આંધળો માણસ આંધળાની વાણીમાં વિશ્વાસ મૂકે છે. બિસુવા એટલે વેશ્યા. વેશ્યાના લગ્ન નક્કી થયા એવી જૂઠી વાતને સાચી માની લેવા જેવી આ પંડિતોની વાત છે. જગતમાં અજ્ઞાની ગુરુઓને કબીર કડવી વાણીથી આંધળા કહે છે અને સમજ્યા વગર તેમની વાત માની લેનાર શિષ્યોને પણ આંધળાં કીધાં છે.

અવિવેકી અને અણસમજુ લોકોનાં વર્તનને કબીર વ્યભિચારી સ્ત્રી સાથે સરખાવતાં કહે છે કે વ્યભિચારી સ્ત્રી પોતાનો પતિ બાજુમાં ઊભો હોય તો પણ તેની પરવા કર્યા વગર બીજા પુરુષની ઈચ્છા કરતી રહે છે તેમ અણસમજુ લોકો પોતાની અંદર આતમરામ રૂપી સ્વામી બેઠો છે તેની દરકાર કર્યા વગર મંદિરોમાં અને તીર્થ સ્થાનોમાં જઈ અનેક દેવદેવીઓની પૂજા કરવામાં મસ્ત રહે છે.(ખસમ એટલે સ્વામી, ઢિંગ એટલે પાસે, ઢાઢ એટલે ઊભેલા)
કબીરનાં વાગ્બાણ અહીં અટકતાં નથી તે તો આગળ કહે છેઃ

છાંડહુ પાંખંડ માનો બાત,નહિ તો પરબેહુ જમ કે હાથ
કહહિં કબીર નર કિયા નખોજ,ભટકહિ મુવલ જસ બનકે રોઝ…..

ભોળા ,અજ્ઞાની લોકોને ભોળવતા નિર્લજ્જ ગુરુઓને કબીર કોઈપણ હિસાબે રોકવા માંગે છે.
બનકે રોઝ એટલે નીલગાય. તે જંગલી પશુ જરા જરામાં ડરથી ચમકે છે અને ચમકે તેવું તીવ્રગતિમાં ભાગે છે તેથી તે ક્યારેય નિરાંતે બેસી શકતું નથી. અહી તહીં ભટકતું રહે છે. અહીં રોઝનાં ઉદાહરણ થકી કબીર સમજાવે છે કે જે ભટકે છે તે પોતાની અંદરના આત્મતત્વની ખોજ નથી કરી શકતા. જે સ્થિર છે તે જ નિરાંતથી પોતાની જાતને ફંફોસી શકે છે. પોતાની ખોજ થકી આત્મસ્વરૂપને પામી શકે છે. માટે જે જીવ સ્થિર થઈ ચંચલ મનને સ્થિર કરી શકશે તે પોતાનું જીવન સફળ બનાવી શકશે.

આમ કબીરે સમાજનાં દંભી ગુરુઓ, પંડિતો, મૌલવીઓને ઉધાડા પાડી સમાજસુધારણા માટે પોતાનાથી બનતા બધાં પ્રયત્ન કર્યા છે. એક સામાન્ય ગરીબ, અભણ વણકર જેના પુરાણો અને શાસ્ત્રોનાં સાચાં જ્ઞાન માટે, લોકોને સાચા માર્ગે ચાલવા માટે અને સમાજમાં અવાજ ઉઠાવવા માટે કબીરને દાદ આપવી પડે. આ નાનીસુની વાત નથી. કબીર આજે પણ જીવંત છે તેનું મોટું કારણ આ પણ છે જ.

— જિગીષા પટેલ

૨૧ -કબીરા

કબીરબીજક : વસંત-૧
કબીર પ્રજાનાં હૃદય સુધી પહોંચી શકે છે એનાં ઘણાં કારણો છે. પોતાની વાણીનાં સત્યને પોતે અનુભવીને જાણ્યું છે. તેઓ સામા માણસને ગળે પોતાની વાતનો ઘૂંટડો કેવી રીતે ઉતારવો તેના પણ પારખું અને જાણકાર હતા. પોતાને થયેલી પ્રતીતિને કઈ રીતે સામાનાં ચૈતન્યમાં ઉપસાવવી એ જ એમનો હેતુ હતો.
કબીરબીજકનાં ‘વસંત’નું નામ સાંભળતાં જ આપણાં સૌનાં દિલોદિમાગ પર ઋતુઓની રાણી વસંત છવાઈ જાય. સંગીતશાસ્ત્રમાં પણ એક રાગ વસંત પ્રચલિત છે. પરંતુ તે સાથે ‘વસંત’ નામના આ કાવ્ય પ્રકારનો મેળ કેવી રીતે બેસે? કબીરનું તત્વજ્ઞાન તો વસંત શબ્દને પરમાનંદનાં કે પરમપદનાં પ્રતીક તરીકે આલેખે છે. સદગુરુનો શબ્દ અથવા સદગુરુની શ્રીવાણી પોતે જ વસંતનો રાગ છે એવું સ્પષ્ટીકરણ કબીરે કર્યું છે.
જબ બસંત નહિ રાગ લીન્હ, સતગુરુ સબદ ઉચાર કીન્હ

કહૈ કબીર મન હૃદય લાઈ, નરક ઉધારન નાંઉ આઈ
જહં સતગુરુ ખેલત રિતુ બસંત
પરમ જ્યોતિ જંહ સાધ સંત.


અર્થાત્ સદગુરુ સાર શબ્દનો ઉચ્ચાર કરે છે ત્યારે તેઓ સાક્ષાત વસંતનો જ રાગ ગાય છે. હૃદય અને મન જેમાં એકાગ્ર કરી શકીએ તે દ્વારા જ નરકમાંથી જીવનો ઉધ્ધાર થાય છે. જ્યાં સદગુરુ વસંતૠતુનો પરમાનંદ માણી રહ્યા છે ત્યાં સાધુસંતો પણ એકતાન બની જતા હોય છે. આ પ્રકારની આગવી દૃષ્ટિથી જ કબીરે આ કાવ્ય પ્રકાર કબીરબીજકમાં નિયોજ્યો છે. વસંતનાં પહેલાં પદમાં જ કબીર કહે છે:
જા કે બારી માસ વસંત હોય, તા કે પરમારથ બૂઝે કોય!….
કુદરતની દેન એવી આપણી ૠતુઓની રાણી વસંતના તો બે મહિના ચૈત્ર અને વૈશાખ ગણાય પણ કબીર તો બારેમાસ વસંતની વાત કરે છે. બારેમાસ એટલે નિત્ય વસંત. પરમાનંદની દશા બારેમાસ અનુભવવાની વાત છે. ચૈત્ર મહિનામાં તાપ પુષ્કળ પડે ત્યારે વનસ્પતિ બળી જવાને બદલે લીલીછમ થઈ જાય છે. તે જ રીતે સાધકનાં હૃદયરૂપી વનમાં જ્ઞાનરુપી તાપ પડતો રહે અને  પરમાનંદની હરિયાળી છવાઈ જવી જોઈએ. પ્રત્યેક વનસ્પતિ પર વસંતનો પ્રભાવ જણાય છે તેવી રીતે સાધકનાં રોમેરોમમાં પરમ આનંદની મસ્તીનો પ્રભાવ પથરાવો જોઈએ. કબીર વસંત-૨માં કહે છેઃ
રસના પઢ લેહુ સિરી બસન્ત, બહુરિ જાય પરિહાઁ જમકે ફના.

મેરુ દંડ પર ડંક દીન્હ, અષ્ટ કંવલ પર જારિ દીન્હ
બ્રહ્મ અગનિ કિયો પરકાસ, અરધ ઉરધ તહાં બહૈ બતાસ…


કબીર વસંતમાં હઠયોગીઓની પ્રક્રિયાનું વર્ણન કરી લાક્ષણિક સૂચન કરે છે. શ્વાસ લેવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે. યોગી શ્વાસ અંદર લે અને બ્રહ્મરંધ્ર સુધી ખેંચે અને ત્યાં કુંભક કરી શ્વાસને રોકી રાખે ત્યારે યોગીને પ્રકાશનું દર્શન થતું હોય છે. તે પ્રકાશનાં દર્શનથી બ્રહ્મનું દર્શન થયું હોય એવું માનતો હોવાથી તેને કાલ્પનિક સુખનો અનુભવ થતો હોય છે. કબીર તેને આભાસી સુખ ગણાવે છે. તેવી સાધનાની માયાજાળમાં જીવ ન ફસાય તે માટે જીભને ઉદ્દેશીને ક્ષણિક સુખના રસાસ્વાદથી મોહિત ન થવાનું કહે છે.
હઠયોગીઓ ચક્રોનું વેધન કરવામાં રાચતા હોય છે. આપણાં શરીરમાં કુલ સાત ચક્રો મેરુદંડની જેમ શરીરના મધ્યભાગમાં નીચેથી ઉપર સુધી આવેલ છે. આ સાત ચક્ર એટલે મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપૂર ચક્ર, અનાહત ચક્ર, વિશુધ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રનાં નામથી ઓળખાય છે. મૂલાધાર ચક્રમાં કુંડલિની શક્તિ રહેલી હોય છે પણ તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. તેને પ્રાણાયામ દ્વારા જગાડી ઉર્ધ્વગામી બનાવવામાં આવે છે. આ શક્તિ સર્પાકારે રહેલી હોવાથી તે દરેક ચક્રને વેધતી શરીરનાં મૂળથી ડૂંટી અને છાતીની મધ્યમાંથી, કપાળ વચ્ચેથી ઉપર જાય છે. જ્યારે આઠમા ચક્રમાં જાય છે ત્યારે તેજસ્વી પ્રકાશની જ્યોતિના દર્શન થાય છે. તે વખતે પ્રાણની ગતિ અતિસૂક્ષ્મ હોય છે. પછી આગળ કબીર કહે છે:
નવનારી પરિમલ સો ગાંવ, સખી પાંચ તહાં દેખન ધાવ

અનહદ બાજા રહેલ પૂરું, પુરુષ બહત્તર ખેલે ધૂરિ…..


તે સમયે શરીરમાં અંદર રહેલી નવ નાડીઓ દ્વારા મનોહર સુગંધયુક્ત સુખદ અવસ્થાનો અનુભવ થાય છે. આ નવ મુખ્ય નાડીનાં નામ અને તેના સ્થાન પણ નક્કી જ છે. ડાબા કાનમાં પુહુખા, જમણા કાનમાં પયસ્વિની, ડાબી આંખમાં ગંધારી, જમણી આંખમાં હસ્તિની, કુહૂ લિંગમાં, શંખિની ગુદામાં, અલંબુષા મોઢામાં, ગણેશની ડાબા હાથમાં અને વારુણી જમણા હાથમાં.
આ નવ નાડીને સુખદ અવસ્થાનો અનુભવ થતાં જ તેને જોવાં પાંચ પ્રાણોરૂપી સખીઓ દોડી આવે છે. આપણાં શરીરમાં પાંચ પ્રાણો કાર્ય કરે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. ખરેખર તો પ્રાણ એક જ છે. પણ જે અંગમાં તે જે રીતનું કામ કરે છે તે રીતનું તેને નામ આપવામાં આવ્યું છે. પ્રાણનું સ્થાન હૃદયમાં, અપાનનું સ્થાન કેડમાં, સમાનનું સ્થાન ડૂંટીમાં, ઉદાનનું સ્થાન કંઠમાં અને વ્યાનનું સ્થાન સમગ્ર શરીરમાં. વ્યાન સમગ્ર શરીરમાં લોહીનાં પરિભ્રમણનું કાર્ય કરે છે. ઉદાન સર્વ ચીજોને ગ્રહણ કરી અંદર પહોંચાડવાનું કામ કરે છે. સમાન ભોજન પચાવવાનું કામ કરે છે. અપાન મળમૂત્રના નિકાલનું કામ કરે છે. પ્રાણ હૃદયમાં પ્રાણવાયુ પહોંચાડી અને કાર્બન ડાયોક્સાઈડ જેવા બિનજરૂરી વાયુને બહાર કાઢવાનું કામ કરે છે.
એવું કહેવાય છે કે શરીરમાં બોતેર હજાર નાડીઓ છે. પ્રશ્ન ઉપનિષદને હિસાબે બોતેર કરોડ, બોતેર લાખ, દસ હજાર બસો નાડીઓનો સમૂહ પ્રત્યેક શરીરમાં હોય છે. તે સૌ નાડીઓમાં વ્યાન નામનો પ્રાણ સંચાર કરતો રહે છે. આ રીતે સમગ્ર શરીર પુલકિત બની જતું હોવાથી યોગીને પરમ આનંદનો ભાસ થાય છે. તે દશામાં તે રમમાણ રહેતો હોવાથી તેને હોરી ખેલતો વર્ણવ્યો છે.
પૌરાણિક સાહિત્યમાં અનેક લોકની કલ્પના કરવામાં આવી છે જેવાકે, બ્રહ્મલોક, શિવલોક, સત્યલોક, વૈકુંઠલોક વિગેરે. તે લોકમાં પણ પુણ્ય ક્ષીણ થયા પછી દરેક જીવે ફરીથી મૃત્યુલોકમાં આવવું જ પડે છે. અમર રહેવાતું નથી. તેથી તે પરમપદ કહેવાય નથી. ભક્તિના બદલામાં લાલચુ લોભી વૈકુંઠલોકનો વાસ માંગે તે સાચા હરિના ભક્તને છાજતું નથી. હરિનો સાચો ભક્ત તો પોતાનાં સ્વરૂપમાં સ્થિત થવામાં જ પરમપદની પ્રાપ્તિ થયેલી માને છે.
વૃક્ષો વિના પણ જાણે આકાશ ફૂલોથી છવાઈ ગયું હોય છે અને શિવ તેમજ બ્રહ્મા જેવા દેવો પણ તેની સુગંધ માણતા હોય છે. સનકાદિક ઋષિઓરૂપી ભમરાઓ પણ તેની સુગંધમાં ભૂલા પડ્યા છે એટલું જ નહી, પણ ચોર્યાસી યોનિઓમાં જેટલા જીવો છે તે સૌ થાપ ખાઈ ગયા છે ત્યારે કબીર સદગુરુએ આપેલ જ્ઞાનને યાદ કરી આત્મસ્વરૂપ જ અમરલોક છે અને માણસે પોતાનાં મનને તેમાં જ સ્થિર કરવાની ઈચ્છા રાખવી જોઈએ. તે જ પરમપદને પામે છે તેમ કહે છે.
કબીરાને હું શું કહું? તેના વસંત-રનાં ચાર પદમાં તેણે શરીરવિજ્ઞાન, હઠયોગ, ઉપનિષદ સૌનો બોધ સમાવી પોતાનો સંદેશ સરળ ભાષામાં આપ્યો છે. વસંત આટલેથી અટકતું નથી એને સંપૂર્ણ રીતે જાણવાં આવતા અંકે આગળ જોઈશું……. 

— જિગીષા પટેલ

૨૦ – કબીરા

કબીરબીજકના કહરામાં કબીરે જીવન જીવવાની અણમોલ ચાવીઓ બતાવી છે એટલે કહરા પ્રકરણને આપણે વિસ્તારથી સમજીએ. માનવ માત્ર બંધનમાંથી મુક્ત થઈ શકે તેવા વિચાર કબીરે જગતનાં બજારમાં વ્યક્ત કર્યા છે. જે કોઈ આ વિચારોને સાંભળશે અને ધ્યાન દઈ તેના પર ચિંતન-મનન કરશે તેને જરુર મુક્તિનો માર્ગ મળશે, એવી ખાતરી સાથે કબીરે આ કહરાની રચના કરી છે.
મનુષ્યનું આયુષ્ય એળે જાય છે. એની વ્યથા કે એની કથા વિધવિધ રીતે કબીરના પદોમાં અંકિત થઈ છે. માણસ કેટલું બધું આનંદ-પ્રમોદને નામે ગુમાવતો હોય છે અને જીવવાનો ઢોંગ કરતો હોય છે. આખું આયુષ્ય જાણે કશી બેહોશીમાં વીતી જાય છે! જ્યારે જાગીએ છીએ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. કબીર પાસે વાતને સાંકેતિક રીતે રજૂ કરવાનો એક વિશિષ્ટ તરીકો છે.
અટપટ કુંભરા કરે કુંભરૈયા, ચમરા, ગાંવ ન બાંચે હો
નિત ઉઠિ કોરિયા પેટ ભરતુ હૈ, છિપિયા આંગન નાચે હો….
મન રૂપી કુંભારનું રૂપક આપીને કબીરે સંસારની રચનામાં મનનાં મહત્વને અને તેના તરંગી અને અટપટા સ્વભાવને દર્શાવ્યો છે. માનવ મનને રંગરેજની ઉપમા આપી છે. માનવ શરીર જડ છે એટલે તેને ચામડાનું બનેલ ગામ કહે છે. તે નિત્ય પરિવર્તનશીલ છે. તે ટકાઉ નથી તેથી સ્મશાનમાં રાખ થઈ જાય છે. પણ આપણાં મને ડગલે પગલે ગ્રહણ કરેલા સંસ્કાર જતા નથી. તે સંસ્કારની છાપ તેવી જ રહે છે તેને કારણે માણસને બીજીવાર શરીર ધારણ કરવું પડે છે. આમ, મન રૂપી રંગરેજનું કામ ચાલ્યાં કરે છે.
આમાંથી નીકળવના ઉપાય તરીકે આત્માને પ્રિયતમ- પતિ કહી, શરીર રૂપી ગામમાં વસેલ પાંચ તરુણી એટલે પાંચ જ્ઞાનેન્દ્રિય પર જો મનથી સંયમ કેળવી શકાય તો મુક્તિનો માર્ગ સહેલો થઈ જાય અને ચોર્યાશી લાખ ફેરા મટી જાય.
કબીરની વાત આપણે સરળતાપૂર્વક સમજવાં કોશિશ કરીએ તો આપણું મન મર્કટ એટલે માંકડાં જેવું છે. આપણે ઘરડાં થઈ જઈએ છીએ; વાળ ધોળા, શરીર પર કરચલી, મોમાં દાંત ન હોય પણ મનની સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છાઓ જતી નથી. શરીર ઘરડું થાય પણ વિષયવાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ પર મન વિજય મેળવી શકતું નથી.
રામનામ કાે સેવહુ બીરા, દૂરિ નહિ દૂરિ આશા હો
ઔર દેવ કા સેવહુ બૈારે, ઇ સબ જૂઠી આશા હો….
રામ રામ માણસ જપ્યા કરે છે પણ તેનું મન તો મલિન છે. હ્રદયમાં રહેલા રામને ભૂલીને બીજા દેવની પૂજા કરવામાં આપણી ભ્રમાત્મક મનોદશા સારી રીતે વ્યક્ત થાય છે કે દેવ પ્રસન્ન થશે અને આપણી મનોકામના પૂર્ણ થશે. આવી મિથ્યા આશામાં આપણું જીવન વેડફાય છે. તે દુ:ખનું કારણ બની જાય છે. તેથી જ, બગભગત જેવા ગુરુઓ લોકોને તેમની મનોકામના પૂરી કરી આપવાનાં બહાનાં હેઠળ પૈસા પડાવે છે. શ્રીમદ ભાગવત પણ કહે છે કે
આશા હિ પરમં દુઃખ નૈરાશ્ય પરમં સુખમ્ (૧૧-૪૩)
આશા જ પરમ દુ:ખનું કારણ છે. આશા વિહિનતા પરમ સુખનું કારણ છે. આત્મદેવને જ
એકમાત્ર દેવ ગણવો જોઈએ તે સિવાયના બધાં દેવો કલ્પિત છે. આત્મદેવની ફરતે આપણે જાતે જ વૈચારિક પડદાઓ ઊભા કર્યા છે. તેથી, આપણી અંદર હોવાં છતાં આપણે તેનાં દર્શન કરી શકતાં નથી. પડદાઓ હટી જાય તો આત્માની અનંત શક્તિનો અનુભવ થઈ શકે. આત્માથી અલગ કોઈ રામની કલ્પના કબીરને માન્ય નથી.
બીજુ, રોજબરોજનું જીવન જીવવાં વિશે કહેતાં કબીર પ્રામાણિકતાથી ધંધો કરી લોકોને છેતરવાનું બંધ કરવાનું સમજાવે છે. ચાર શેર આપવાનું કહી ત્રણ શેર આપતો વેપારી ચોર જ છે. કબીર તો તેની કડવી વાણીમાં સમજાવતાં કહે છે: તારા પિતા, દાદા અને પરદાદા બધી સંપત્તિ છોડીને ચાલ્યા ગયા છે. તો શું તારી આંખો ફૂટી ગઈ છે કે તને એ દેખાતું નથી? મેળવેલું તમામ ધન દરેક માણસે અહીં જ મૂકીને જવું પડે છે છતાં માણસ મરણ સુધી ધન પાછળ આંધળી દોટ લગાવતો રહે છે.
અહીં મહાભારતનો યક્ષ-યુધિષ્ઠિર સંવાદ યાદ આવે છે. યક્ષ પ્રશ્ન કરે છે કે, જગતનું મોટું આશ્ચર્ય શું? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે, દરેક જીવ અહીં કાયમ રહેવાનો હોય તે રીતે વર્તે છે તે મોટું આશ્ચર્ય છે. પ્રત્યેક માણસ સ્મશાનયાત્રામાં જાય છે અને જાણે છે કે મારો પણ એક દિવસ આવો જ વારો આવશે છતાં અભિમાનમાં બધું ભૂલી કાયમ રહેવાનો હોય તેવી રીતે વર્તે છે. મનની અનંત કોટિ કામનાઓને કારણે આત્મારૂપી હીરો બંધનમાં પડે છે.
કબીર તો કહરામાં પોતાની સરળતા થકી સમજાવે છે કે વિવેક જ્ઞાનથી સમજદાર વ્યક્તિ હ્રદયમાં રહેલા રામનો સાક્ષાત્કાર કરી લેશે તો તેનો જન્મ સાર્થક થઈ જશે. હ્રદયમાં રહેલ આત્મતત્ત્વ શિવ સ્વરુપ છે. આકાશમાં ચંદ્ર તો એક છે છતાં પાણીથી ભરેલા નાના મોટા ઘડામાં તેનું પ્રતિબિંબ અનેક ચંદ્ર હોવાનો ભાસ પેદા કરે છે. તે જ રીતે આત્મતત્ત્વ એક અને અખંડ છે છતાં તે અનેક સ્વરુપે દેખાય છે. તેવી રીતે સર્વશક્તિમાન એક અને અખંડ હોવાં છતાં સર્વમાં જુદાજુદા દેખાય છે. માનવનું મન પોતાનાં ચેતન સ્વરુપમાં મગ્ન રહે તો કાળભેદનો અનુભવ થતો નથી અને સર્વ પ્રકારના ભેદો ઓગળી જાય છે.
કહરામાં છુપયેલ આ વેદ, ઉપનિષદ, ગીતા અને રોજબરોજનાં વહેવારમાં ઉપયોગી કબીરની વાણી સાંભળીને મને લાગે છે કે માનવો, દેવો અને મુનિઓ હર હંમેશ જેની શોધ કર્યા કરે છે તે આત્મતત્ત્વ કબીરે ચોક્કસ પામી લીધું હશે. અને એટલે જ છેલ્લે કહરામાં તે કહે છે કે માયાથી કોઈપણ રીતે માનવે વિમુખ થવું જોઈએ. વિશ્વામિત્ર અને નારદજી જેવા મુનિઓ પણ માયાના મોહમાં આવી ચલિત થઈ ગયા હતા તો સામાન્ય માણસને તો માયાથી છૂટવાં મક્કમ મનોબળ અને ધીરજની જરુર પડે જ. આમ, કબીરે કહરાનાં બાર પ્રકરણમાં જીવન જીવવાનો સાચો રાહ બતાવી દીધો છે.
જિગીષા પટેલ

૧૯-કબીરા

કબીરબીજક- કહરા

કબીરા વિશે શું કહું? જેમ જેમ હું એને જાણવા પ્રયત્ન કરતી જાઉં છું તેમ તેમ જાણે એના અસ્તિત્વના ઉઘાડથી અભિભૂત થતી જાઉં છું. કબીરનાં એક નવાં પાસાને તમારી સમક્ષ ઉઘાડવાં માંગું છું. આજે હું તમને કબીરબીજકનાં કહરા પ્રકરણ વિશે વાત કરતાં કબીરમાં રહેલ લોકકવિનાં દર્શન કરાવવાની છું.
કહરા એટલે કહાર નામની જાતિમાં લગ્ન અને બીજા મંગલ પ્રસંગે ગવાતું સમૂહ ગાન. ઉત્તરપ્રદેશમાં આજે પણ કહાર નામની જાતિના લોકો લગ્નપ્રસંગે આગવું નૃત્ય કરે છે. નૃત્ય સાથે ગાન જોડીને તેઓ ઉત્સવનું આકર્ષણ વધારી દે છે. ‘કહરા’ પ્રકરણમાં જે છંદનું માપ કબીરે ગોઠવ્યું છે તે પણ નૃત્યને અનુકુળ લાગે છે. કુલ ત્રીસ માત્રાની એક પંક્તિ છે. સોળ માત્રાએ યતિ રાખવામાં આવી છે. પછીની ચૌદ માત્રાએ પંક્તિ પૂર્ણ થાય છે.

લોકો જે ઢાળે કહરા ગાતા હતા તે ઢાળને પોતાની કથન શૈલીમાં ગૂંથી લઈને કબીરે તત્ત્વજ્ઞાનની ભારેખમ અને શુષ્ક લાગતી વાતોને રસિક બનાવી રજૂ કરી છે. આમ, કબીરે પોતાની આગવી રીતે કાવ્યસ્વરુપનો ઉપયોગ કર્યો છે તે નોંધનીય છે. કબીરે ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરીને, લોકોને સાખી, દુહા, પદ, ભજનો અને આવાં લોકસંગીતથી મઢેલાં કહરાનાં પદો દ્વારા જીવન જીવવાનો સાચો અને વ્યવહારુ માર્ગ ચીંધ્યો છે.
કહરાનાં પહેલાં પ્રકરણમાં કબીરે ગુરુનાં વચનનો વિશ્વાસથી અમલ કરી સહજ ધ્યાન કેવી રીતે કરાય તે સમજાવ્યું છે. આજે જ્યારે જગતના સર્વે સંપ્રદાયો ધ્યાનની અગત્ય પર ભાર મૂકતા થયા છે ત્યારે છસ્સો વર્ષ પહેલાં કબીરે ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમની ધ્યાન વિશેની સમજ પણ વિશિષ્ટ છે. ધ્યાનનાં બે પ્રકારનાં છે; સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન. સગુણ ધ્યાન કરતી વખતે સાધક કોઈ આકૃતિ કે પદાર્થનો આધાર લે છે. કબીર એવાં કોઈ આધાર લેવાની જરુરિયાત જોતા નથી. તે કહે છે, આલંબનથી કરવામાં આવતું ધ્યાન અસહજ છે. શરીરમાં રહેલાં ચૈતન્ય મનની ગતિવિધિ સાક્ષી બનીને જોયાં કરવું તે અસલ ધ્યાન છે. સાધકે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જેવા દુર્ગુણોને ઓછા કરવાનો પ્રયત્ન કરીને ક્ષમા જેવા ગુણને કેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
કબીરે જીવનની નૌકાને સડસડાટ પાર કરવાના એવા સરળ રસ્તા બતાવ્યા છે કે જીવનનાં દરેક ડગલે તેની સૌ વાત સમાઈ જાય છે.
મન વહુ કહહુ રહહુ મન મારે, ખિજવા ખીજિન ન બાેલૈ હો
માનૂ મિત મિતૈવો ન છોડૈ, કમર ગાંઠિ ન ખોલેૈ હો… (કહરા ૧-૪)
કબીર આ કહરામાં પોતાના મન પર કાબુ રાખવાનું કહે છે. કોઈ આપણા પર ક્રોધ કરે તેની સાથે પણ શાંતિ રાખવાનું કહે છે. બીજી અગત્યની વાત આ કહરામાં એ કહી છે કે જેને તમે એકવાર મિત્ર માન્યા હોય તેની સાથે કદી મિત્રતા તોડવી નહી. આ વાત સાંભળી મને કૃષ્ણ – સુદામાની દોસ્તી યાદ આવી જાય છે. દોસ્તી પોતાની જાતને મળેલી, દોસ્તના વહાલનાં સગપણની ભેટ છે. વર્ષોનાં સંબંધમાં પ્રેમથી જે મેળવ્યું હોય તે વેડફાય નહીં તેની તકેદારી રાખવાનું શીખવે છે.

પ્રારબ્ધ તો ભોગવવું જ પડે તેને સાવધાની પૂર્વક ભોગવી લેવું તેમ શીખવે છે. દુઃખથી ડરવું નહીં અને સુખમાં પણ ખૂબ સાવધાની રાખી મન મિથ્યાભિમાનમાં સરકી ન જાય તે જોવાનું કબીર કહે છે.

જ્ઞાન થકી મોતનો સહજ સ્વીકાર કરવાનું કહે છે. મોત એ સર્વ માટે નિશ્ચિત છે જ. તે જ આપણું સાચું ઘર છે. અહીં તો આપણે થોડાં વર્ષોની સફરે આવ્યા છીએ તો તે સફરનો આનંદ લઈ નિર્લેપતાથી જીવન જીવી મોતને સ્વીકારવાની વાત કબીર કરે છે. જેણે પોતાનો સ્વપરિચય કર્યો હોય તે જ મોતની વેદનામાંથી બચી શકે છે.

કહરાના લોકસંગીત દ્વારા કબીર જીવનસંગીતને કેવી રીતે ગાતાં ગાતાં જીવવું તે સમજાવે છે. કબીર કુંભાર, નાવિક, વણકર વગેરે કામોનાં ઉદાહરણ આપી સરળ રીતે જીવનના સત્ય પર પ્રકાશ પાડે છે. વેપારીએ પ્રામાણિક્તાથી વેપાર કરવો જોઈએ કારણ કે આ જીવન તો માત્ર બે દિવસનું જ છે, બધું અહીં છોડીને જવાનું હોય તો દુષ્કર્મ કરી આપણી અંદર બેઠેલા રામને છેતરવાની શી જરુર? ધન કે સાધન સંપત્તિનું અભિમાન ભવસાગરમાં ડૂબાડનાર ચતુરાઈ છે- જેવાં બ્રહ્મવાક્યો જેઠ-જેઠાણી અને પતિ -પત્નીનાં રુપક દ્વારા કહાર પ્રજાને સમજાવતાં દુનિયાના સર્વ લોકોને સમજાવી દીધું છે.

નૌકા અછત ખેવૈ નહિ જાનહુ, કૈસે લગવહુ તારા હો,
કહંહિ કબીર રામરસ માતે, જુલહા દાસ કબીર હો….(કહરા – ૧-૧૬)

આ કહરામાં કબીર કહે છે શરીરરૂપી હોડી હોવાં છતાં તેનો સદુપયોગ કરવાનું જાણતાં ન હોઈએ તો સંસારસાગર પાર કેવી રીતે ઉતરાય? શરીરનો સદુપયોગ કરવાં માટે બુધ્ધિ અનિવાર્યપણે આવશ્યક છે, તેથી આજે પણ બૌધ્ધિક કેળવણી ખૂબ જરુરી છે. બીજી પંક્તિમાં કહે છે માત્ર રામનામના પોપટ પરાયણ કરાવનાર અજ્ઞાની ગુરુ શિષ્યનું આત્મકલ્યાણ કેવી રીતે કરી શકે?
બધી રીતે માયાથી પર થઈને જીવવાનું કબીર કહે છે. શું ભર્તુહરી જેવા જ્ઞાનીઓએ કરેલી વાતને લોકસંગીત દ્વારા લોકભોગ્ય બનાવનાર કબીર બધાંથી જુદા લોકકવિ પુરવાર થયા છે.

— જિગીષા પટેલ

૧૮ – કબીરા

કબીરબીજક – વિપ્રમતિસી
આજે જ્યારે હું કબીરબીજકની વિપ્રમતિસી વાંચું છું ત્યારે મને લાગે છે, જો કબીર સદેહે પાછા આવે તો જરુર પૂછે, “તમે લોકો ગુગલયુગમાં ઇન્ટરનેટ અને સેલફોન વાપરતા થઈ ગયા પણ હજુ તમારી માનસિકતા પંદરમી સદીમાં હતી તેવી જ છે? પાંચ પાંચ સદીઓ વીતી ગઈ તો પણ અંધશ્રદ્ધા, ઝનૂન અને કોમી વૈમનસ્ય ઘટવાનું નામ જ નથી લેતાં.”
કબીર જ્ઞાની હતા, કર્મયોગી હતા, ભક્ત હતા પણ સાથે સાથે ક્રાંન્તિકારી સમાજસુધારક પણ હતા. એ રીતે તે બીજા સંતો કરતાં જુદા પડે છે. પંદરમી સદીના ભારતમાં ધર્મનાં ક્ષેત્રે વ્યાપેલા દંભ, પાખંડ અને ભ્રષ્ટાચારને તેઓ આરપાર નીરખી શક્યા હતા, પારખી શક્યા હતા અને પડકારી પણ શક્યા હતા. સંત અને મહંત વચ્ચે, ફકીર અને મુલ્લા વચ્ચે તથા સેઈન્ટ અને બિશપ વચ્ચે ભેળસેળ થઈ ગયેલ ધર્મના ધતિંગોને તેમણે બેજિજક ખુલ્લા પાડ્યા હતા.
આજે પણ કબીરની કડવી વાણી ક્રાંતિકારી જણાય છે કારણ કે આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ. કબીરની ક્રાંતિ અધૂરી રહી ગઈ હશે, તેથી આજે પણ કોમી હુલ્લડો થાય છે અને બની બેઠેલા ગુરુઓ પાછળ અણસમજુ પ્રજા દોડી રહી છે. એમની ક્રાંતિકારી સમાજ સુધારકની ઓળખ આપનારી આ વિપ્રમતિસીમાં તેમણે આવી ખોખલી ધાર્મિકતાને પડકારી છે. વિપ્રમતીસીમાં તેમણે વિપ્રકર્મની (બ્રાહ્મણોનું કર્મ) મીમાંસાનું વિશુધ્ધ વર્ણન કર્યું છે. દુનિયામાં જડ અને ચેતન બે જ પદાર્થ છે. એના સિવાય કોઈ જાતિ-વર્ણ નથી. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ પંચતત્વથી બનેલ બધાનાં શરીર એક સરખાં છે. બધામાં આત્મારૂપી એક જ ચેતના સમાએલી છે. કોઈ ઊંચ કે નીચ જાતિનો નથી. શ્રેષ્ઠ કર્મ દ્વાર વ્યક્તિ શ્રેષ્ઠ બને છે. નાતજાતના ભેદ માનવસર્જિત છે. ખરેખર જન્મથી કોઈ બ્રાહ્મણ નથી કે કોઈ જન્મથી શુદ્ર નથી. કબીરની આ વાત ગીતામાં શ્રી કૃષ્ણએ ગાયેલા શ્લોકનો જ પડઘો છે:
ન કુલેન ન જાત્ય વા ક્રિયાભિર્બ્રાહ્મણો ભવેત |
ચાણ્ડાલોપિ હિ વૃત્સ્થો બ્રાહ્મણઃ સ યુધિષ્ઠિર ॥
હે યુધિષ્ઠિર, કુળથી કે જાતિથી અને ક્રિયાકાંડથી કોઈ બ્રાહ્મણ કહેવાય નહીં. જો કોઈ ચાંડાળ પણ ગુણવાળો હોય તો બ્રાહ્મણ કહેવાય.
આપણે ત્યાં નીચ કુળમાં જન્મેલા ઘણા હરિ ભક્તો થઈ ગયા છે કે જે સાચા સંત ગણાયા છે. જેમકે, ચમારને ત્યાં જન્મેલા સંત રઈદાસ, ખાટકીને ઘેર જન્મેલા સદન કસાઈ કે કુંભારને ઘેર જન્મેલા ગોરા કુંભાર. તે સૌનું જીવન બ્રાહ્મણને પણ ટપી જાય તેવું હતું. તેઓ સદ્દગુણનો ભંડાર હતા.
‘ब्रह्म: जानातिती ब्राह्मणः’ આ વૈદિક વ્યાખ્યા અનુસાર ‘બ્રહ્મને જનનારો બ્રાહ્મણ કહેવાય.’ અને બીજાને પણ બ્રહ્મનો અનુભવ કરાવે તે બ્રાહ્મણ, પરંતુ તે સમયે બ્રાહ્મણો તો કર્મકાંડ અને પૂજાપાઠ કરી પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત હતા. જીવતાં પશુઓની બલિ ચઢાવી જડમૂર્તિને ભોગ ધરાવવાના હિંસક કર્મો
કરતા હતા. આ જોઈ કબીરનો આત્મા ઊકળી ઊઠતો. ‘શું ધર્મને નામે કતલ થઈ શકે?’
વિપ્રમતિસીની ત્રીજી ચોપાઈમાં તે ગાઈ ઊઠે છે-
પ્રેત કનક મુખ અંતર બાસા,આહુતિ સહિત હોમ કી આસા,
કુલ ઉત્તમ જગમાંહિ કહાવૈ, ફિરિ ફિરિ મધીમ કર્મ કરાવૈ.
પોતાને સોનાની ભૂખ હોવાથી, કોઈ મરી જાય ત્યારે તેનાં મુખમાં સોનું મૂકવાનો રિવાજ બ્રાહ્મણોએ ચાલું કરાવ્યો. દક્ષિણાની આશા હોવાથી યજમાનો પાસે હોમહવન કરાવવા શરૂ કર્યા. તેઓનું કુળ જગતમાં ઉત્તમ છે એવું મારી ઠોકીને કહી અને યજમાન પાસે હિંસા જેવા (મધીમ) હીન કૃત્યો પણ કરાવતા હતા.
આમ વિપ્ર+મતિ+સી એવા ત્રણ શબ્દનો સમાવેશ વિપ્રમતિસી શબ્દમાં થયેલો છે. બ્રાહ્મણોની બુધ્ધિ જેવી બુધ્ધિ એમ કહેવા પાછળનાે આશય, કળીયુગમાં બ્રાહ્મણો બ્રાહ્મણો જ રહ્યા નહોતા એવો હોઈ શકે. તેઓ કબીરની દૃષ્ટિએ કર્તવ્યચ્યુત થયા હતા. કેટલાક લોકો વિપ્રમતિસીનો અર્થ ‘ત્રીસ ચોપાઈમાં બ્રાહ્મણોની બુદ્ધિનું વર્ણન’ તેવો પણ કરે છે પરંતુ એમાં તો પંદર જ ચોપાઈ છે. કુલ પંક્તિ સાઈઠ છે. આ પદનો છંદ ચોપાઈ છે અને ચોપાઈમાં ચાર પંક્તિઓ હોય છે.
કબીરે એવી જીવનશૈલી વિકસાવી, જેમાં હિન્દુ કે ઇસ્લામ સાથે જોડાએલ કોઈ બાહ્યાચારને સ્થાન ન હતું. તેમનાં આવાં સત્યનિષ્ઠ વર્તનને કારણે તેમને બદનામ કરવા કાવતરું રચાયેલું. રાત્રે એક ગણિકાને છાનીમાની કબીરનાં ઘરમાં દાખલ કરી દેવામાં આવી. ફજેતી રોકડી બની. ફરિયાદ કાશીના રાજા સુધી પહોંચી. રાજદરબારમાં કબીરની જુબાની લેવામાં આવી. પણ ‘રામ રાખે તેને કોણ ચાખે?’ તે ન્યાયે છેલ્લી ઘડીએ ગણિકાનું હૃદયપરિવર્તન થયું અને કબીર કસોટીમાંથી હેમખેમ પાર ઊતર્યા. જેઓ પાખંડીઓની સામે પડે તેમને કેટલીયે કસોટીમાંથી પાર પડવું પડે છે.
કબીરે લોકોની વિચારહીન જડતાનું દર્દ વિપ્રમતિસીમાં રજૂ કર્યું છે. કબીરે કહ્યું છે કે, પોતાની વાત કોઈ માનતું નથી છતાં સંત તરીકે સમજાવવામાં તે કદી કંટાળતા નથી. પોતાનું દર્દ એક પંક્તિમાં દર્શાવ્યું છે, ‘સાધો! યે મુર્દો કા ગાંવ.’ અને ત્યારે આપણને લાગે છે કે આપણે સૌ કબીરના ગુનેગાર છીએ. હજી આપણે ધર્મનાં નામે અંદર અંદર લડીએ છીએ. ગાંધીજીએ સર્વ ધર્મ સમભાવની વાત કરી તેમાં એમને કબીરક્રાંતિની સુગંધ આવતી હતી તેમ લાગે છે. કબીરની એક એક પંક્તિમાં સાચા ધર્મનો મંગલધ્વનિ સંભળાય છે.
કબીર પદ સુધા-ઈશ્વરભાઈ પટેલ (વિપ્રમતિસીની ચોપાઈ)
કબીરા ખડા બાજારમેં-ગુણવંત શાહ (સંદર્ભ ગ્રંથ)

૧૭ -કબીરા

કબીરા – જ્ઞાનચૌંતિસા

ચૌંતિસ અક્ષર સે નિકલે જોઈ,
પાપ પુણ્ય જાનેગા સોઈ!

મારો કબીર ભારતીય પરંપરામાં મને ભક્તિકાવ્યોનો પ્રણેતા લાગે છે. ધર્મ, ભાષા અને સંસ્કૃતિ વિશેની કોઈ પણ વાત કબીર વિના અધૂરી લાગે છે. કબીરબીજકનું જ્ઞાનચૌંતિસા વાંચતાં હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ. જ્ઞાનચૌંતિસાનાં ચોત્રીસ પદોમાં તેમણે કથી હ સુધીના દરેક વર્ણ પર સુંદર સંદેશ આપ્યો છે. આ વાંચીને કોણ કહે કે કબીર અભણ હશે?

જ્ઞાનચૌંતિસાનાં પહેલાં પદમાં તેમણે સમજાવ્યું કે ૐ શબ્દ મનુષ્યજીવની કલ્પના છે. કબીરે જ્ઞાનચૌંતિસાની શરુઆત ૐથી કરી.

વો ઓંકાર આદિ જો જાને,
લિખિ કૈ મૈરે તાહિ સો માનૈ

મુખથી ઓમકારનો જાપ તો સૌ કરે છે પણ વાસ્તવિક સ્વરૂપ તો કોઈ વિરલ જ જાણે છે. ઈશ્વર વિશેની માનવે કરેલી અનેક કાલ્પનિક ગૂંથણીઓમાંથી ઊભી થતી અનેક સમસ્યાઓ આજે પણ ઉકેલ વગર ગૂંચવાયેલી જ રહી છે અને આવતી સદીઓમાં પણ રહેશે. કબીરે પોતાની દીર્ઘદૃષ્ટિથી વિચારી તેનો ઉકેલ જ્ઞાનચૌંતિસાનાં પદોમાં સમજાવ્યો છે. માનવે ઊભા કરેલા ભેદો માનવે જાતે જ દૂર કરવા પડશે તે વાત સુંદર રીતે આમાં વણી લીધી છે. તેથી તે નિત્ય નવીન છે. તેનાં પદો સોનાની ખાણ જેવા છે, જેમ જેમ આપણે તેના ઊંડા અભ્યાસમાં ઊતરતાં જઈએ તેમ તેમ સોના જેવું જ્ઞાન ઉપલબ્ધ થતું જાય શાસ્ત્રોનાં જ્ઞાનથી ઈશ્વરનાં ઘર સુધી પહોંચાતું નથી અને જ્ઞાનનું અભિમાન ક્યારેય નમ્રતા ઉપર વિજય મેળવતું નથી. આ વાત કબીરના જીવનના એક પ્રસંગ દ્વારા સમજાવું.

સર્વાનંદ નામના એક વિદ્વાને કેટલાય પ્રખર પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા તેથી તેણે પોતાનું નામ બદલીને સર્વજિત રાખેલું. તેની માતાએ તેને એક દિવસ કહ્યું કે, “બેટા, તું કબીરને શાસ્ત્રાર્થમાં હરાવે તો જ ખરો.” સર્વજિત બળદ ઉપર પોતાનાં શાસ્ત્રો લાદીને કબીરનાં ઘેર ગયો. કબીર તો પરમાત્માની ટોચને પામેલી, તેનો સાક્ષાત્કાર કરેલી, જ્ઞાનને પચાવેલી નમ્ર વ્યક્તિ હતી. તે તો માનતા હતા કે જ્ઞાનને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા વગર, માત્ર શાસ્ત્રોનાં જ્ઞાનથી ઈશ્વર સુધી પહોંચી શકાય નહીં.

સર્વજિતે કબીર સામે શાસ્ત્રાર્થ માટે પડકારની વાત કરી ત્યારે કબીરે કહ્યું, “હું તો એક સામાન્ય વણકર છું, હું તમને શાસ્ત્રાર્થમાં હરાવી શકું નહીં.”
સર્વજિતે કહ્યું, “જો હાર કબૂલતા હો તો લખી આપો.” 
કબીર કહે, “મને તો લખતા નથી આવડતું, માત્ર સહી કરીશ. તું જાતે લખ.”
ત્યારે સર્વજિતે લખ્યું, ‘સર્વજિતે કબીરને હરાવ્યો છે’ ને કબીરે તેનાં પર હસ્તાક્ષર કર્યા.

સર્વજિતે ઘેર આવી કાગળ પોતાની માતાને બતાવ્યો. માતાએ જોયું તો લખાણમાં હતું, ‘કબીરે સર્વજિતને હરાવ્યો છે.’ પોતે લખવામાં ભૂલ કરી હશે તેમ માની ફરી સર્વજિતે કાશી જઈને કબીરની પાસે ફરીથી બીજા કાગળ પર હસ્તાક્ષર કરાવ્યા અને માતાને કાગળ વંચાવ્યો. આ વખતે પણ માને પહેલાં જેવું જ લખાણ વંચાયું. ત્યારે માતાએ સર્વજિતને કહ્યું, “તને તારા જ્ઞાનનું અભિમાન છે. કબીર નમ્ર છે.” સર્વજિતને સમજાઈ ગયું કે ‘જ્ઞાનનું અભિમાન ક્યારેય નમ્રતા પર વિજય મેળવતું નથી.’ અને તે કબીરનો  શિષ્ય બની ગયો. 

જ્ઞાનચૌતિસામાં મન પર વિજય મેળવવામાં રોજબરોજનાં વ્યવહારમાં કેવી રીતે જ્ઞાનને ઉપયોગમાં લેવાય તે સરળ રીતે સમજાવ્યું છે. જ્ઞાનચૌંતિસાનાં પદો બહુ પ્રચલિત નથી પરતું તેમાં વેદ અને ઉપનિષદનાં જ્ઞાનનો રણકાર છે.

કકા કમલ કિરન મંહ પાવૈ,
સસિ બિગસિત સંપુટ નહિ આવૈ,

તહાં કુસુમ રંગ જો પાવૈ,
ઔગહ ગગન રહાવૈ.

ક અક્ષર કહે છે કે, હૃદયરૂપી કમળ સંકોચાય નહીં અને વિકસિત રહે તો એ હૃદયરૂપી કમળમાં આત્મારૂપી પ્રકાશનો અનુભવ થાય છે. જ્ઞાનથી પ્રકાશિત થયેલાં હ્રદયમાં જો સોનેરી સ્વરૂપબોધ પ્રાપ્ત થાય તો તે અગ્રાહ્ય હોવાં છતાં તેને ગ્રહણ કરીને હૃદયપ્રદેશમાં મનને સ્થિર કરવું જોઈએ.

ચૌંતિસાનાં બધાં પદોમાં કબીરે શબ્દો પાસેથી કેટલું બધું કામ લીધું છે તેની પ્રતીતિ થાય છે. તેનું ઉદાહરણ આપું. આઠમાં ચૌતિસામાં તે ‘ખસમ’ અરબી શબ્દ વાપરે છે. ખ એટલે આકાશ અને સમ એટલે જેવો. જે આકાશ જેવો અમાપ છે તે આત્મા. કબીર સમજાવે છે કે મનની તૃષ્ણાઓ, આશાઓ, વાસનાઓ મટે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનું જ્ઞાન થાય નહીં.

કબીરાએ તો વેદ-પુરાણો વાંચ્યાં નથી છતાં તેની વાણીમાં શાસ્ત્રોનો રણકાર કેવી રીતે થાય છે? મને લાગે છે, તેમણે આત્મસાક્ષાત્કારના જાત અનુભવને જ જ્ઞાનરૂપે પદોમાં પ્રગટાવ્યું છે. ચૈતન્યની એક અખંડ ધારાનો અમર્યાદપણે કરેલો અનુભવ વેદાંતનો સર્વોત્તમ અનુભવ ગણાય. તેવા અનુભવથી સમૃદ્ધ વેદાંતી કેવી રીતે વ્યવહારમાં વર્તે તે દર્શાવીને કબીરે વેદાંત પણ વ્યવહારુ બની શકે છે તેની ખાત્રી કરાવી છે.

કબીરને આપણે જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ તેનામાં ઊંડાને ઊંડા ઊતરવા આપણું મન પ્રેરાય છે.
કબીરબીજકની ‘વિપ્રમતિસી’ આવતા અંકે…..

— જિગીષા પટેલ

૧૬ – કબીરા

કબીરબીજક – સાખી

કબીરના બીજકમાં સાખી ચાવી રુપે પ્રસ્તુત થઈ છે. કબીરબીજકની રમૈની અને શબદ જેટલું જ મહત્વ સાખીનું છે. સાક્ષી શબ્દનો પ્રકૃત ઉચ્ચાર સાખી છે. કબીરે પરમ સાથેની વાતચીતમાં સ્યંમ્ સાક્ષી રુપે અનુભવ્યું તે સાખી. આ સાખી જ્ઞાનની આંખો છે તે કબીરને વાંચનાર અને સાંભળનારને સમજાય છે. સાખીને જાણવા માટે કબીરે સાખી પ્રસ્તુત કરી છે. કબીરે ક્યારેય બોધ નથી આપ્યો પણ બે લીટીની સાખી દ્વારા સહજતાથી સમજણ આપી છે. આ જૂઓ, સાખીમાં જ સહજતાથી પ્રસ્તુત સાખીનો અર્થ :

 

સાખી આંખી જ્ઞાનકી, સમુજિ દેખું મનમાંહિ|
બિનુ સાખી સંસાર કા, જગરા છૂટત નાહિ॥

સાખીના અર્થસભર જ્ઞાનને સમજીએ તો જીવનના દરેક પ્રશ્નનું નિરાકરણ તેમાંથી મળી જાય છે. ભજનિકો ભજનની શરુઆત કરતા પહેલા થોડી આવી સાખીઓ ગાય છે. આ સાખી રુપી ઘંટડી વગાડી, તેઓ શ્રોતાજનનાં મનને ઢંઢોળીને જાગ્રત કરે છે. સાખીને શબ્દબાણ પણ કહી શકાય. જો વાગી જાય, અંતરમાં ઊતરી જાય તો જીવન પલટો કરી નાંખે. કબીરાએ જીવન જીવવાની ચાવી રુપ અનેક સાખીઓ ગાઈ છે.

સાખી એટલે ચાવી પણ આ ચાવી એટલે શું? ચાવી એટલે બોધ?

કબીર ક્યાંય પણ બોધ આપવા ગયા નથી કે તેમના જ્ઞાનને કોઈ કાગળ પેન્સિલ લઈ ક્યાંય લખ્યું નથી. તેમણે તો આખા દિવસ દરમ્યાન કપડું વણતાં વણતાં જે ચિંતન અને મનન કર્યું તે જ સાખી દ્વારા ગાયું. પોતાની આસપાસ જે જોયું, પોતાની જાત સાથે જે વાત કરી , જે પરમ સાથે વાત કરતાં અનુભવ્યું તેને મિત્રો સાથે સાંજે બેસીને ગાયું. તે જ તેમની સાખી. તે જ બની ગઈ કબીરાની જીવન જીવવાની ચાવી. અને આપણે તેને સમજીને સ્વીકારીએ તો આપણાં જીવનનાં દરેક પ્રશ્નનાં નિરાકરણની પણ ચાવી. પ્રેમનાં સ્વરુપની ચાવી, જ્ઞાનની ચાવી, આત્માનાં પરમાત્મા સાથેનાં અનુસંધાનની ચાવી, સમાજમાં ઊઠતા વિવિધ પ્રશ્નોની ચાવી, સુખી સંબંધની ચાવી અને તે ચાવીને ગાવી એટલે સાખી. પોતાની જાત સાથેની વાતની સાખીમાં જુઓ, કબીરે કરી કેટલી મોટી વાત!!!

બુરા જો દેખન મૈ ચલા, બુરા ન મિલિયા કોય,
જો દિલ ખોજા આપના, મુજસા બુરા ન કોય.

સાખી સ્વરુપે કબીરે ચિંતન અને સમજણ પ્રગટ કર્યું છે. બધાં જ ધર્મનાં સનાતન સ્વરુપને સમજી, પોતાની અજ્ઞાનતા દૂર કરીને જે તે ધર્મની સાચી લાગતી તાર્કિક વાતો અપનાવી છે. અને તેના સારને સાખી રુપે ગાઈ છે. સાંભળનાર પોતે જ તેનો અર્થને તારવી અવલોકન કરી, આત્મનિરીક્ષણ કરીને સત્યનાં સ્વરુપને પામે છે.

કબીરા ખડા બાઝાર મેં, માંગે સબ કી ખૈર,
નાહિ કિસી સે દોસતી, નાહિ કિસી સે બૈર.
કબીરા તેરી ઝોંપડી ગલકટિયન કે પાસ,
જૈસી કરની વૈસી ભરની, તૂ કયું ભયે ઉદાસ.

આમ, બે લીટીની સાખીમાં ગીતાનાં સર્વ પ્રત્યેનો સમત્વભાવ અને કર્મની ગતિને સમજાવી દીધી છે. કબીરનું સાખીમાં કરેલ સ્વનું સંબોધન ધ્યાન ખેંચેં છે. આમ, કબીર તેની સાખીના શબ્દ દ્વારા દરેકને આત્મનિરીક્ષણ કરવાના માર્ગ રુપી કૂંચી બતાવે છે. સાથે સાથે, જ્ઞાનનો માર્ગ ખૂબ કઠિન છે; કીડીનો પગ પણ ત્યાં ટકતો નથી એવા લપસણા માર્ગ માટે ચેતવે પણ છે અને ગાઈ ઊઠે છે.

કબીર કા ઘર શિખર પર, સિલ હિલ જાએ ગૈલ,
પાંવ ન ટિકૈ પિપીલિકા , સિર પે લાદૈ બૈલ. (પિપીલિકા – કીડી)

આમ, કબીરનું સર્જન ઘણું સરળ, સહજ અને સ્પષ્ટ છે. એટલે જ સદીઓથી તેનું નામ જાગતું છે. તેમના વિચારો અને રચનાઓ છ સદીઓથી વંચાય છે અને આગળ પણ વંચાતી રહેશે. મારો કબીર હંમેશા બધાનાં દિલને સ્પર્શતો ચિરસ્મરણીય રહેશે.

-જિગીષા પટેલ