ઈંતજાર-એક સિકકો બે બાજુ-પ્રવિણા કડકિયા

ઈંતજાર-

ઈંતજારમાં જે મજા છે એ મિલનમાં કેમ લુપ્ત થઈ જતી હશે ?

કોઈ જ વિરલા હશે જેણે જીવનમાં ક્યારેય ઇંતજાર નહી કર્યો હોય ? 

ઈંતજાર ના કેટલાય પ્રકારો હોય છે!! ક્યારેક પ્રેમથી કોઈ ની રાહ જોવાતી હોય,કોઈ વાર ચિંતા મા,ક્યારેક વ્યગ્રતામા,ક્યારેક ગૂસ્સા મા,અભિમાન મા,બતાવી દેવા માટે,ઉત્સૂકતા મા,જીજ્ઞાસા મા,પીડા મા,માન મા,સ્વાર્થ મા,રીસામણા મા,કામ માટે,ગમ્મત મા,ગેમ મા,સાથ માટે,લાગણી માટે,સફર માટે આમ કેટલીએ રીતથી આપણે ઈંતજાર કરીએ છીએ!! દરેક ઈઅંતજાર મા આપણા ભાવ અલગ હોય છે,રીત અલગ હોય,માનસિકતા અલગ હોય છે!!ઇંતજાર, બાળપણથી આજ સુધી જીવનના અભિન્ન અંગ છે .

નાના હતા ત્યારે ભૂખ લાગી હોય તો, મમ્મી દૂધની બાટલી ભરી લાવે ત્યાં સુધી ઇંતજાર કરતા હતા. અરે, લંગોટ બગડ્યું હોય ત્યારે રડીને માને બોલાવી ખબર કરતાં. આ તો થઈ અભાન અવસ્થાની વાત જ્યારે બોલવા ચાલવા શક્તિમાન ન હતા. .પછી તો શાળામાં ગયા. પરીક્ષાના પરિણામ માટેની ઉત્કંઠા કોને નથી અનુભવી. ઇન્તજારની ઘડીઓ પસાર થાય અને સારા ગુણાંક આવે પછી, ચહેરો યાદ કરો !જીવનના દરેક તબક્કે ઇંતજાર કર્યો છે. ભાવના અલગ હોઈ શકે પણ ત્યાર પછી નો આનંદ કેવો મજાનો લાગતો હતો. જો કદાચ ધાર્યું પરિણામ ન આવે તો નિરાશામાં ઘેરાઈ જતા. યાદ છે ને ? અરે દાણા નાખનાર ની રાહ પક્ષી પણ જોવે છે ને ન હોય તો કલબલાટ કરી મૂકે છે!! શિવ ને ફરી પામવા પાર્વતીએ યૂગો સૂધી ઈંતજાર કર્યો! રાધા એ ક્રિષ્ન માટે આખી જીંદગી ઈંતજાર કર્યો ,સીતા એ રામ માટે કર્યો  આજ સૃષ્ટી છે !

જુવાનીમાં પ્રિયતમ નો ઇંતજાર. લગ્ન પહેલાંના એ દિવસો. આજે પણ દિલમાં આનંદની લહેર પસાર થઈ જશે. લગ્ન પછી પતિ  નોકરી પરથી પાછો ફરે. બારીએ ઉભો રહીને કે દરવાજા પર મીટ માંડીને બેસવું. ઇંતજાર હર કદમ પર કરીએ અને માણીએ છીએ. એની મીઠાશ વાગોળવાની મજા કંઈક ઔર છે.   જો જીવનમાં ઇંતજાર પહેલું ખૂટતું હોય તો જીવન   શુષ્ક લાગે. બાળકો મોટા થાય અને માતા તેમજ પિતા તેમના ઘરે આવવાનો ઇંતજાર કરે. જો ભૂલેચૂકે ગાડી લઈને ગયા હોય તો પિતા ગલીને નાકે ઊભા રહે. મા, મંદિરમાં એના હેમખેમ ઘરે આવવાની પ્રાર્થના કરે. 

સિક્કાની બીજી બાજુ ની જેમ ઇંતજાર ક્યારેય કરવો ગમતો પણ નથી હોતો ! ઘરમાં લગ્નનો પ્રસંગ હોય અને જો સોની દાગીના સમયસર ન લાવે કે દરજી કપડા સમયસર ન લાવે તો શું સ્થિતિ થાય. તેને ગરમી બતાવો ને કહેવું પડે રાહ જોવડાવે તો પૈસા કાપી લઈશ. મા, હોસ્પિટલમાં બિછાના પર હોય અને ડોક્ટરના દર્શન ન થાય. ઇંતજારની ઘડી ખૂટે જ નહીં. મગજનો પારો ચડે એ નફામાં.પતિ સાંજે સિનેમા અને ડિનરમાં લઈ જવાનું વચન આપી છેલ્લી ઘડીએ ‘મિટિંગ નું  બહાનું બતાવી દર્શન ન આપે.!

આવા તો કેટલાય રસપ્રદ કિસ્સા જીવનમાં બને અને ઇંતજાર સુખ કે દુઃખ આપે. માનો કે ન માનો ઇંતજાર કરવામાં  અને કરાવવામાં  મજા તો છે.! કરવો પડે તો કરવાવાળાને બે ચાર મણ મણની આપી દઈએ. જ્યારે કોઈને તેનો ત્રાસ આપે તો સામે  ખાવાની તૈયારી પણ રાખવી પડે. જો ક્યારેય અનુભવ ન કર્યો હોય તો કરો જો જો !

ઇંતજાર પછી કશુંક મળ્યાનો આનંદ અને ન મળ્યાનું દુખ બંને પાસા આપણે જીવનમાં ક્યાંયક ને ક્યાંક અનુભવીએ છીએ આમ સીધે સીધું જે કઈ મળે તેમાં આનંદ કે સુખ એટલું થોડું હોય છે જેટલું ઇંતજાર પછી મળતું હોય છે .

સિક્કાની હોય બે બાજુ, નોખ નોખી દેખાય
એક વિના પણ રહે અધૂરો એ અધૂરો ગણાય

અદ્ભુત ક્રમ છે આ જીવનનો, ચાલ્યો આવે સદાય
ધીરજથી રાહ જોજો, ધાર્યું પાસું ઉપર આવી જાય

આજ્ઞાત કવિ 

*******

સમુદ્ર -એક સિકકો બે બાજુ-પ્રવિણા કડકિયા

“સમુદ્ર ” એટલે દરિયો એક કુદરતની કૃપા 

આખોં બંધ કરીને યાદ કરો કે તમને સૌથી વધારે શું ગમે?
જવાબ આવ્યો કે સમુદ્ર

દરિયાએટલે  વિરાટતા  દરિયો એટલે ગહનતા,

એની એકલતાને સમજવી, એના પ્રેમને ફીલ કરવો,

એનાં મોજાંઓને જોઈ હૃદયમાં ઉમંગ-તરંગનું ફેલાઈ જવું

સમુદ્રની વિશાળતા, તેની ભવ્યતા, તેનું આંખ ઠરે એવું સ્વરૂપ કોને પસંદ ન આવે? તેને કિનારે બેઠા હોઈએ તો મન, આંખ અને અંતર ત્રણે પરમ શાંતિનો અનુભવ પામે. કુદરત પર આફરીન થઈ જવાય  ,તેની વિશાળતા જોઈને ત્યારે શબ્દો સરી પડે 

“ભલે તેનું પાણી ખારું છતા લાગે ન્યારું.”

સમુદ્ર પણ કેવો ?ખજાનાથી છલકાતો છતાં સંયમી.

“ઉઘડે ઉઘડે રે જળ માછલી,છલકે મોજા રે છોળો મારતા,

દરિયો ડોલે રે માઝમ રાતનો, યાદ આવે ને આ પંક્તિ …..

અનેક જીવ તેમાં આશરો પામે છે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. તેની અંદર કિંમતી ખજાનો , એનું મોલ તો મરજીવા પણ ન કરી શકે.સર્જનનો સોનેરી સમુદ્ર કેટલો વિશાળ-ગાઢ?!

તેમાં સહેલ કરવાની મજા જેને માણી હોય તે કદી વિસારે ન પાડી શકે. તે શાંત હોય  અને છતાં પોતાની મોજમાં રહે. ઉછળતા મોજાની મોજ કરાવે છે. તેની મસ્તી માણવી અને નિહાળવી કોને ન ગમે ?સમુદ્ર કિનારે મોટી થઈ છું. તેનું વર્ણન કરતાં થાક નહીં લાગે.

“ઓરો આવ તું આઘો જા પગની પાની પલાળતો જા

ઠંડી હવાની લહેરખી માં દિલના તાર તું છેડતો જા

જો તારો મારો સંગ હોય મિલનનો એ આનંદ હોય

જાની એ મસ્તીમાં મુજને તું પલાળતો જા ”

“સમુદ્ર કિનારે રેતીમાં નામ લખવાની,મજા

પછી રાહ જોવાની કે કોઈ લહેર આવે ..

દરિયે કેટકેટલી ઝંખનાઓ મોજાની જેમ આકાર આપે 

આવો છે સમુદ્ર અને તેની સાથે જોડાયેલી અનેક  કહાની

 દરિયો જોઇને જ તેમાં છબછબિયા કરવાનું અને વારાફરતી કિનારે ધસી આવતા મોજા પર સવાર થવાની ઇચ્છા થયા વગર ન રહે પરંતુ તરતા ન આવડતું હોય તો ? એવા લોકોએ પોતાની ઇચ્છા પર કાબુ રાખીને પણ દરિયામાં આગળ સુધી જવાની ઇચ્છા દબાવી રાખવી પડે છે ને !

ધરતીના લગભગ દરેક ખૂણાને જીવન વડે ધબકતી કરનાર પ્રકૃત્તિએ કેટલીક એવી જગ્યાઓ પણ રાખી છે જ્યાં ભય પણ છે

હવે યાદ કરો પેલું લોક ગીત

“હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ”

ઘણા વર્ષો પહેલાં ઈ.સ. ૧૮૮૮ની ૮મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી‘ નામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો દંતકથાઓ લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ. સૌરાષ્ટ્રના લોકડાયરાઓમાં જ્યારે આ લોકગીત ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો આજે પણ ભીંજાયા વિના રહેતી નથી. દરિયા છોરુંઓનાં હૈયાંમાં દર્દનાં મહાકાય મોજાં ઊછળવા માંડે છે. વીજળી ડૂબ્યાને આજકાલ કરતાં ૧૩૦ વર્ષથી વધુ  થવા આવ્યાં છતાં તેનો વિયોગ યથાવત્ છે.

કુદરતની વિવિધતા અને ક્રૂરતા તો જોવો…. એક તરફ મહાસાગર સમૃદ્ધિથી સભર છે. જીવનમાં આવતા હર્ષ-શોક, આનંદ -ઉલ્લાસ, પ્રસન્નતા અને ગાંભીર્ય બધુ જ તેની પાસે છે અને બીજી તરફ મોત,ન ભૂલી શકાય તેવી કરુણાંતિકા.

દરિયાકિનારે પગ પલાળતા  આપણે સૌ સાંજના સૂર્યાસ્તનો આનંદ લેતા હોઈએ અને અત્યંત અસામાન્ય અને ભયંકર સંજોગો ઊભા થાય, દરિયો તોફાને ચડે મધદરિયે ભયાનક તોફાન ઊઠે અને માણસોને ભરખી જાય, દરિયાના પેટાળમાં સૌ કોઈ ગરક થઈ જાય જે ત્યારે .. કલ્પના પણ ન કરી શકાય અને સર્જાય મોજામાં એક વિરાટ પ્રશ્નચિહ્ન,

એક કરુણાંતિકા, સમુદ્ર અને મૃત્યુ એક રહસ્ય બનીને રહી જાય. 

આ દરિયો અને સિક્કાની બીજી બાજુ  …આજ  વાસ્તવિક્તા

એક સિક્કો બે બાજુ: આવજો !


આ આપણી ગુજરાતી ભાષા પણ અજબ છે ! જનાર વ્યક્તિ ને આપણે વિદાય પણ કેવી રીતે આપીએ ? આવજો !
આવજો ? જેમાં છૂટાં પડ્યાં પછી પણ પાછાં મળવાનો ભાવ રહ્યો છે !
છેલ્લાં ચાર વર્ષથી બેઠક ના બ્લોગ પર પ્રત્યેક મંગળવારે મારો એક લેખ તમે વાંચ્યો છે .
શરૂઆત થઇ ; “ આવું કેમ ?” એ વિચાર ધારાથી .ધનતેરસનો એ દિવસ હતો ; વર્ષ હતું ૨૦૧૭! દર અઠવાડીએ વિવિધ વિષયો ઉપર આવું કેમ ? એ પ્રશ્ન સાથે આપણાં વાચક અને લેખકના સબંધો શરૂ થયા .
ને એના પુરા ૫૧ લેખ બાદ બીજે વર્ષે લખવાનું શરૂ કર્યું ‘ત્યાં સુધીમાં અમારું શિકાગોથી કેલિફોર્નિયા તરફનું પ્રયાણ પણ શરૂ થઇ ગયું હતું . સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલ્સ વચ્ચે બિઝનેસમાંથી નિવૃત્તિ લઈને અમે લોસએન્જલ્સમાં સ્થાયી થવાનું નક્કી કર્યું .. બાળકો સાથેના મારા ત્રણ દાયકાના અનુભવોને “વાત્સલ્યની વેલી’ એ કોલમમાં લખીને .વાગોળવાની પણ મઝા આવી ને સાથે સાથે સૌ સાહિત્ય રસિક મિત્રો સાથે એની ચર્ચા કરવાનો સમય પણ મળ્યો , જે ત્રીસ વર્ષ બાળકો સાથે કામ કર્યું ત્યારે એક પણ વાર એવો સમય પ્રાપ્ત થયો નહોતો !!પ્રવવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે એટલો જ ફેર છે : ને એટલે જ કહે છે ને કે જીવનમાં પૂર્ણ વિરામ આવે તે પહેલાં થોડાં અલ્પ વિરામો પણ આવવા દો !!
ને પછી ગયા વર્ષે તો શુદ્ધ ગુજરાતી સાહિત્યનો જ એક વિષય લખવા માટે નક્કી કર્યો ! હાં રે દોસ્ત હાલો અમારે દેશ ! જેમાં સૌરાષ્ટ્રની વાતો કરતાં કરતાં ઝવેરચં મેઘાણી વિષે ઊંડાણથી અભ્યાસ કરીને લખવાનું બન્યું . મારાં જીવનની કારકિર્દીની શરૂઆત જ મેં ગુજરાતી ભાષાના વ્યાખ્યાતા – લેક્ચરર – તરીકે કરી હતી , જે અમેરિકાના ચાર દાયકાના નિવાસ દરમ્યાન સાવ ભુલાઈને સ્વપ્નું બની ગયેલી ; તે સૌ યાદો તાજી થઇ . ને તેનો આભાર બેઠકના પ્રણેતા પ્રજ્ઞાબેનને જ આભારી છે ને ? પહેલાં તો એ લોકોને ગુજરાતી ભાષા – માતૃભાષા માટે પ્રેમ જગાડે . પછી ગુજરાતી વાંચવા પ્રેરે . પછી લખતાં શીખવાડે . ગુજરાતી લિપિમાં કમ્પ્યુટરમાં કેવી રીતે લખવું તે શીખવાડે . ને પછી સ્વાતતંત્ર રીતે લખવા પ્રેરણા આપે .
હા , હું પણ આ બધાં પગથિયાંઓમાંથી પસાર થઇ છું . મને તો તેમણે દર વર્ષે કોલમમાં નિયમિત લખવા માટે પ્રેરણા આપી , ને આજ સુધીમાં ભાગ્યેજ મેં ચાર વર્ષમાં ચાર હપ્તા ગુપચાવ્યાં હશે !
આ વર્ષે – એટલે કે ચોથા વર્ષે એક સિક્કો : બે બાજુ કોલમમાં ધર્મ , વિજ્ઞાન અને રાજકારણ બધું જ બીજી બાજુથી જોવા , નિહાળીને નિરીક્ષણ કરીને એની બીજી બાજુ વિષે લખવાનું શરૂ કર્યું અને બીજી અનેક દિશાઓ ખુલી ગઈ .
આમ પણ , ઝવેરચંદ મેઘાણી માટે મેં જ લખ્યું હતું તેમ : ગાંધી યુગમાં જન્મીને મેઘાણીએ સામાન્ય જનતામાં જાગૃતિ આણવાનું કામ કર્યું ;”નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે , ખબર છે એટલી કે માતની હાકલ પડી છે !”
એમણે લખ્યું , ગાયું અને લોકોમાં જાગૃતિ આણવા ગામડે ગામડે એ ઘૂમ્યા . ગાંધીજીએ એમને એથી જતો રાષ્ટ્રીય શાયર – રાષ્ટ્ર કવિ કહ્યા હતા ! આમ જુઓ તો સાહિત્યકારનું કામ સમાજને ઘડવાનું હોય છે . અથવા તો સમાજના પ્રશ્નોની છણાવટ સાહિત્યમાં થતી હોય છે . એ જ સાચું સાહિત્યકારનું કર્તવ્ય છે .
બસ ! એવા જ કોઈ આશયથી હવે સિક્કાની આ બીજી બાજુનો અભ્યાસ કરવા મન થનગને છે . હિન્દુત્વ અને એના અસ્તિત્વ ઉપર જયારે પ્રહારો થઇ રહ્યા છે ત્યારે એ પ્રશ્નોનો અભ્યાસ કરવા , એની જણકારી સમાજમાં આપવા એના અનુસન્ધાનમાં નાના નાના પ્રસન્ગો , સ્કીટ , ગીત – કાવ્ય વગેરે રચીને સમાજમાં મુકવા એક પ્રયાસ કરવા જઈ રહી છું ત્યારે આપ સૌની શુભેચ્છાઓ ઈચ્છું છું . અને આપ સૌની અહીંથી ભારે હ્ર્દયે રજા વાંછુ છું .
આવજો ! અસ્તુ !

એક સિક્કો બે બાજુ: 33)ઝવેરચંદ મેઘાણી અને લોકસાહિત્ય !


હમણાં આ અઠવાડીએ રાષ્ટ્રીય શાયર મેઘાણીની સવાસો વર્ષની જન્મ જ્યંતી વિશ્વમાં ઠેર ઠેર ઉજવાઈ ત્યારે જે એક કાર્ય માટે મેઘાણીનું પ્રદાન આજે પણ અજોડ ગણાય છે તે લોકસાહિત્ય વિષે આજે આ કોલમમાં વાત કરવી છે : લોકસાહિત્યની બે બાજુઓ ! સારી – અને અવળી !!

સંત સૂરો ને સતીયુંને દીધી જેણે વાણી ,
અરે પાળિયા એ જીવતા કર્યા , તને ધન્ય છે મેઘાણી !’
હા , લોક સાહિત્ય ને ચિરંજીવ કરનાર, પાળિયા એ જીવતા કરનાર ,સામાન્ય લોકોની અસામાન્ય વાતો વિશાળ પ્રમાણમાં સુજ્ઞ સમાજ સમક્ષ લઇ આવનાર- સૌ પ્રથમ હતા મેઘાણી !

એક વખત એકપુસ્તકલયમાં ભણેલ ગણેલ ગુજરાતીઓનું મંડળ ભેગું થયું હતું . અને મેઘાણી (કદાચ અનાયાસે જ)એ પુસ્તકાલયમાં હતા .
જાણીતા સાહિત્યકાર વિદ્વાન જયંત કોઠારી લખે છે ; “ રોયલ એશિયાટિક સોસાયટીના એ ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની એક નાનકડી મંડળીમાં મેરેજ સોન્ગ્સ “Marriage Songs” વિષયનો એક અંગ્રેજી નિબંધ વંચાઈ રહ્યો હતો …અને એમાં એક ગુજરાતી લગ્ન ગીતનો -તુચ્છ ગુજરાતી લગ્ન ગીતનો -નિર્દેશ હતો … ( એટલે કે એ લોકો અંગ્રેજીમાં ગુજરાતી લગ્નગીતની નકારાત્મક ટીકા કરી રહ્યા હતા )
ઝવેરચં મેઘાણી પોતે સ્નાતક કક્ષાના અભ્યાસ કરેલ , કોલેજ ગ્રેજ્યુએટ હતા એ તો વાચક મિત્રો તમને ખબર જ છે !
પોતે દ્રઢ માનતા કે યુનિવર્સીટી શિક્ષણમાં જે પ્રકારની પંડિતાઇ પોષાય છે તેને માટે તેમનું માનસ ઘડાયેલું નથી ..
આમ તો મેઘાણીએ પોતે પણ સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો . કોલેજમાં એમણે અંગ્રેજી સાથે અન્ય ભાષાઓનો અભ્યાસ કર્યો હતો . કલકત્તામાં રહ્યા ત્યારે બંગાળી સાહિત્યનો અભ્યાસ પણ કર્યો હતો .તેઓ પોતે સૌરાષ્ટ્રના પહાડો અને જંગલો વચ્ચે ઉછર્યા હતા અને ક્યારેક ભયન્કર અંધારી રાત્રીએ ફરજીયાત કોઈ જંગલમાં અજાણ્યાઓ વચ્ચે રાતવાસો કર્યો હતો . એ લોકોની મહેમાનગીરી માણી હતી . એમનામાં છુપાયેલ લોકસાહિત્યનો વારસો એમણે પીછાણ્યો હતો . અને એ લોકો પ્રત્યે પ્રેમ હતો જ . એમનું સાહિત્ય શોધીને સમાજને આપવાની ઈચ્છા પણ હતી . અને એટલે જ કલકત્તાથી સારી નોકરી છોડીને એ ગુજરાતમાં પાછા આવેલ .
એટલે , એ દિવસે ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની -આવા છીછરાં લોકોની અતિશય છીછરી વાતોથી એ ઘવાયા … એટલે તે દિવસે એમણે કટાક્ષમાં કહ્યું ; “વાહ , ( આ ભણેલાં લોકો !) થોડી સામગ્રી સાંપડે એટલે તરત જ તેના પર લખવું ! અને પંડિત બની જવું ! આ અંગ્રેજી ભાષાની ઘેલછા પણ એવી છે કે એ અંગ્રેજી ભાષા ચીંથરાની ઢીંગલીને પણ પાંડિત્યનો પોષાક પહેરાવી શકે છે !”

હા , વાત પણ સાચી જ હતી ને? આપણે ત્યાં એ સમયે ( અને હજુ આજે પણ ) અંગ્રેજીમાં જે પણ લખાયું હોય તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય લાગે , પણ આપણું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય જો ગ્રામીણ લોકો પાસેથી આવે તો તુચ્છ લાગે !!
એટલે એ દિવસે એમણે કહેવાતા ભણેલ સમાજ પર રોષ ઠાલવ્યો હતો .
આજે આપણે ‘ લોક’ શબ્દનો અર્થ people એમ કરીએ છીએ ; એટલે કે ‘જનતા’ એમ કરીએ છીએ પણ સાચા અર્થમાં લોક એટલે Folk – મેઘાણીનાં એ લોકો એટલે ખેડૂત – કણબી ,વાણિયાં, બાહારવટિયા, સાધુ -સંતો , ખારવા – માછીમારો , હજામ , હરિજન , અને મકરાણી – બલોય , વાઘેર , હિન્દૂ અને મુસલમાન ..! એ બધાંય સ્વાભાવિક રીતે જ અભણ ને ઓછું ભણેલ ! એ સૌ એ ‘લોક’ શબ્દમાં અભિપ્રેત છે .

મેઘાણીએ પોતે જ કહ્યું છે કે સામાન્ય માનવીની વાતો લખનાર શામળ ને પ્રેમાનંદ ય બધાનું સાહિત્ય ગજ રાજનાં સાહિત્ય જેવું જાજરમાન છે . અને એને ભણેલ ગણેલ સમાજમાં સ્થાન મળ્યું છે , પણ આ લોકસાહિત્ય તો બકરી ને ગાય જેવું ! એ ગામની શેરીઓમાં , મહોલ્લાઓમાં ,વાડામાં ને ગલીઓમાંયે સમાઈ જાય ; ને પૌષ્ટિક દૂધેય આપે !
મેઘાણીને દેખીતી રીત જ એ લોકો અને એમનાં આ સાહિત્ય પ્રત્યે પક્ષપાત છે ..

પણ આ લોકસાહિત્ય જે શહેરથી દૂર ,ગામડાઓમાં વસેલાં રબારાં , કોળી , રજપૂત , ગરાસિયા વગેરે સમાજનું વારસાગત ઉતરી આવેલું લોકબોલીમાં સચવાયેલું સાહિત્ય હતું તેની , સિક્કાની બીજી પણ બાજુ છે!
સુજ્ઞ સમાજે એની ટીકા પણ કરી છે . અને આપણે તટસ્થ રીતે જોઈએ તો આપણને પણ એ સાહિત્યની બીજી બાજુ દેખાશે.
તમે જ જુઓ :
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યની એ બીજી બાજુ દર્શાવે છે :
સ્ત્રીના કૌમારત્વની વાત કરતા એ લખે છે કે એ કુંવારિકાઓ , “ ચોખો”પુરુષવાચક શબ્દ એટલે એ જમવામાં પણ ના લે !એટલું તો કડક બ્રહ્મચર્ય પાળે ! અરે જીવતા પુરુષની સામે પણ ના જુએ એટલું જ નહિ ચોખા , બજારો , મગ, જેવા અનાજ પણ પુરુષવાચક હોવાથી એ પણ ના ખાય !
વાચક મિત્રો ! આને તમે શું કહેશો ?

લોકસાહિત્યની વાતોમાં એ વર્ગનાં સંસ્કારો અને જીવન મૂલ્યોને બિરદાવીને એને “દિલાવર સંસ્કાર” કહીને સોરઠી બહારવટિયાઓ અને સંતોની વાતો કહે છે ; પણ એની નબળી બાજુઓ પણ છે જ .
એ અભણ વર્ગની જુનવાણી માન્યતાઓ ,એની રૂઢિઓ , વહેમ , કલહ કંકાસ અને અજ્ઞાન પણ છે જ . જુના વેર , દગો , ઘાતકીપણું એ બધું જ અહીં છે.
લોક સાહિત્યમાં સાસરિયામાં ત્રાસ અને પિયરમાં નણંદ ભોજાઇના દુઃખની ગાથા , દેરાણી જેઠાણી વચ્ચેના વિવાદ , એ બધું જ જે દર્શાવ્યું છે એ શું એટલે અંશે સત્ય હશે ? પ્રશ્ન છે .
“વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ !“અને “માડી હું તો બાર બાર વર્ષે આવીયો “ વગેરે લોકગીતો યાદ આવે છે .. જેમાં વહુને નસીબે ઝેર પીને મરવાનું જ લખ્યું છે !!
એ જ રીતે સંત ચરિત્રો અને વ્રત કથાઓમાં સાધુ સંતોનું માહત્મ્ય છે .. પણ એ સાધુઓ જે સાદું સરળ જીવન જીવે છે તે પૂરતું નથી : એ કથાઓમાં એ જ સાધુઓ મહાન છે કે જે પરચો બતાવે છે ; ચમત્કાર કરે છે ! હવામાંથી ભસ્મ કાઢીને સોનામહોરો વરસાવે છે !છોકરાને ખાંડણીમાં ખાંડી નાખી ને પછી દીકરાને જીવતો કરે છે !
આ લોકસાહિત્યમાં :સ્ત્રીના શિયળ પર શંકા કરનાર કોઢિયો થાય .. અથવા તો સતીના સતને પ્રતાપે ભગવાન પ્રસન્ન થાય અને ધણીને શ્રાપ આપે .. વગેરે વગેરે !!
વાચક મિત્રો , આપણે ખબર છે કે વસ્તવિક જીવનમાં આવું કાંઈ બનતું નથી ; પણ આ બધાં ચમત્કારોની વાતો અભણ પ્રજાને ગુમરાહ કરે છે ..
જો કે ઝવેરચંદ મેઘાણીની કેટલીક નવલિકાઓમાં આવી અંધ શ્રદ્ધા ઉપર એમણે એ પ્રશ્ન પણ કર્યા છે ..
આજકાલ શ્રાવણ માસમાં નાગ પાંચમ, શિતળા સાતમ વગેરે તહેવારો આપણે ઉજવી રહ્યા છીએ … એમાં સત કર્મ કરવાની પ્રેરણા મળે તેવા પ્રસંગો છે . કોઈનાં દુઃખ દૂર કરવા મહેનત કરનારને શિતળા માતા પ્રસન્ન થાય એ સંદેશો સારો છે , પણ બાળકને જો ખરેખર શિતળા કે ઓરી અછબડાં નીકળ્યાં હોય (હવે તો આ બધું વિશ્વમાંથી નાબૂદ થઇ ગયું છે – રસીની શોધ થતાં ) તો યોગ્ય મેડિકલ મદદ લેવી જોઈએ એવો સન્દેશો પણ એ અભણ પ્રજા સુધી પહોંચવો જોઈએ ને ?

મેઘાણીએ પણ કબુલ્યું છે કે હા , મરેલાં પુનર્જીવિત થાય તેવી ભ્રાંતિ આપણે ઉભી નથી કરવાની , પણ , રાજાની કુડી નજર પડતાં જાતને સમૂળગી વાઢી નાખનાર કે શરીરે સાપ વીટળાયો હતો છતાં પોતાની દેહ મર્યાદા ન છોડનાર સ્ત્રીને નમન કરવામાં ખોટું શું છે ?

વાચક મિત્રો , આ પ્રશ્ન તો હું તમને જ પૂછું છું :
મેઘાણીએ લખ્યું છે : “ બેશક , આજે આપણને દેહ મર્જાદનાં જૂનાં ધોરણો ઢીલાં કરવાની જરૂર પડી છે .લજ્જાની કેટલીક લાગણીઓમાં આપણને અતિરેક જણાયો છે .. પણ ઉપર જણાવ્યા તેવા દ્રષ્ટાંતોને નમવાથી આજના યુગમાં ગત યુગના પ્રસંગોને અપમાન સમજવાની જરૂર નથી . પતિ ભક્તિ , શિયળ , આતિથ્ય ઇત્યાદિ ગત યુગની ઉગ્ર ભાવના – અતિ ઉગ્ર ભાવના અને અતિરેકને અનુકરણીય ના ગણીએ, પણ એને આદર યોગ્ય તો ગણી શકાય ને ? એમાં કોઈ પ્રભાવક જીવન તત્વ તો જરૂર વિલસી રહ્યું છે ..
આપણે ત્યાં પુરાણોમાં વાર્તાઓમાં આવે છે કે એક ફૂલ ઓછું પડ્યું એટલે માથું વધેરી દીધું !
મેઘાણી આપણી એ કમળપૂજા ને જાપાનની હારાકીરી ની મૃત્યુ ભાવના સાથે સરખાવે છે અને કહે છે કે આવાં મૃત્યુને બુદ્ધિ હસી કાઢે છે , પણ તેમાં મરનારનો દેહ પરનો વિજય દેખાય છે તેને કોઈ પણ બુધ્ધિવાદની હોશિયારી ઝાંખો પાડીશકશે નહીં .. અહીં એ પ્રથાનું સમર્થન નથી પણ એમાં પ્રગટ થતી પ્રાણ શક્તિને અંજલિ છે .

આવા ગંભીર મુદ્દા પર સહેજ સ્પર્શવાનું એક કારણ છે !
મેઘાણીની વિદાયને પણ પોણી સાડી વીતી ગઈ . સમય બદલાયો . સંજોગો બદલાયાં. અરે સ્થળ પણ બદલાઈ ગયાં. મેઘાણીના સાહિત્યની શાશ્વતતા માણવા આ બધું જાણવું પણ જરૂરી છે . સારો સાહિત્યકાર માત્ર તત્કાલીન સમાજનું પ્રતિબિંબ જ નથી ઝીલતો , એ પોતે એનું પ્રતીક બની જાય છે ! એ સમયના સમાજમાં દેશ ગુલામીમાં ડૂબેલો હતો , મિથ્યા અભિમાન અને નાના નાના વાડાઓમાં વહેંચાયેલ લોકોને કોઈ પણ રીતે જગાડીને રાષ્ટ્ર ભાવના માટે જાગૃત કરવાનાં હતાં! ગાંધીજીએ ખુબ વિચારીને આળસુ લોકોને માત્ર રેંટિયો કાંતવાનું , સ્વાવલંબી બનવાનું સમજાવ્યું ; બસ , એ જ રીતે લોકોને એક કરવા રાષ્ટ્રીય કવિ મેઘાણીએ લોકસાહિત્યનું શસ્ત્ર હાથમાં લીધું !
લગ્નગીતો ઋતુગીતો સંત વાણી , ભજનો , હાલરડાંથી માંડીને મરશિયાં સુધીનું તમામ સાહિત્ય ભણેલ સમાજને પીરસ્યું અને આ બે વર્ગો વચ્ચે સેતુ બન્યા ! તેના વૈશિષ્‍ટય અને વૈભવ દાખવ્‍યાં છે.
રાષ્ટ્રીય શાયર, , લેખક , કવિ , નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર ,લોકસાહિત્યકાર,સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક, ,એવા શ્રી ઝવેરચંદ ઝવેરચંદ મેઘાણી 25 વર્ષોમાં સાહિત્યનું ૨૫૦ વર્ષોનું કામ કામ કરી ગયા…!
આજે આ કોલમ દ્વારા , સિક્કાની બીજી બાજુને સહેજ સ્પર્શીને એ દિવ્ય આત્મા ઝવેરચં મેઘાણીને ૧૨૫મી જન્મ જ્યંતીએ અંજલિ અર્પું છું !

એક સિક્કો બે બાજુ:32) અફઘાનિસ્તાનની ગઈકાલ, આજ ને આવતીકાલ ..

ગયા અઠવાડીએ એક વિડિઓ ફરી ફરીને આપણે ટી વી માં અને સોસ્યલ મીડિયામાં જોતાં હતાં : તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો પછી લોકો દેશ છોડવા નાસભાગ કરતાં હતાં, પણ જયારે તેમનાથી દેશ છોડવો અશક્ય થઇ પડ્યું ત્યારે …. મા બાપ પોતાનાં બાળકોને કાબુલના એ એરપોર્ટની બહાર પેલી દીવાલની અંદર ઉભેલા અમેરિકન લશ્કરના માણસોને પોતાનાં પ્રાણથી પણ પ્યારાં બાળકો આપી દેતાં હતાં .. ભયન્કર ગર્દી , ભીડ અને ભયનું વાતાવરણ હતું ત્યારે – અરાજકતા પ્રવર્તતી હતી ત્યારે -કોઈ અજાણી વ્યક્તિને પોતાની દીકરીઓ જરૂરી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ સાથે -કે કોઈ જ ડોક્યુમેન્ટ્સ વિના એમ જ – સાવ આમ મોકલતાં જોઈને આંખમાં પાણીઆવી ગયાં! સમગ્ર દેશમાં અરાજકતા પ્રવર્તે છે ત્યારે એ બાળકનું ભાવિ કેવું હશે એની પણ પરવા કર્યા વિના પોતાનો દિલનો ટુકડો આમ અળગો કરતાં મા અને બાપને શું વીતી હશે?
પેલી જૂની વાર્તા , જે આપણે નાનપણમાં ભણ્યાં હતાં તે આજ સુધી માત્ર કાલ્પનિક લાગતી હતી :
બે સ્ત્રીઓ એક બાળક માટે ઝગડતી હતી . એક સ્ત્રીએ કહ્યું કે આ મારું બાળક છે . બીજીએ જોર શોરથી પહેલી બાઈને કહ્યું ; જા જા જુઠ્ઠી , આ તો મારું બાળક છે !
પહેલી સ્ત્રીએ રડતાં , કરગરતાં કહ્યું , ‘બેન , આ તો મારું બાળક છે . મેં એને જન્મ આપ્યો છે !’
બીજી સ્ત્રીએ જોરથી કહ્યું , ‘અરે જા ! મેં એને જન્મ આપ્યો છે . આ મારું બાળક છે ..’ વાત છે કે ન્યાયાધીશ સુધી પહોંચી . એ સમયે વિજ્ઞાન એટલું એડવાન્સ નહોતું કે ડી એન એ ટેસ્ટ કરીને નક્કી કરી શકાય કે એ બાળક કોનું છે .એટલે ન્યાયાધિશ પણ નક્કી કરી શક્યા નહીં કે ખરેખર આ કોનું બાળક છે !
ત્યારે એમણે કહ્યું કે આ બાળકનાં બે ભાગ કરો અને બંને ને એક એક ટુકડો આપી દો.
પછી , જ્યાં સિપાઈ તલવાર લઈને બાળકનાં બે ટુકડા કરવા આગળ વધ્યો કે તરત જ પહેલી બાઈએ બૂમ પાડી; ‘ ઉભા રહો ! આ મારું બાળક નથી . તમે પેલી બહેનને જ આ બાળક આપી દો !’
આનંદથી વિજયના ભાવ સાથે બીજી બાઈ નજીક આવી અને બાળકને ઉપાડવા ગઈ ત્યાં જ ન્યાયાધીશે એને રોકી .પકડી ને એને જેલમાં નાખી દીધી ! ન્યાયાધીશે કહ્યું ,’ તું એની સાચી માતા હોઈ જ ના શકે . સાચી માતા બાળકને જીવાડવા ગમે તે કરે -‘ એ બાળક મારું નથી’ એમ કહીને પણ એ એને જીવાડે !
મિત્રો , એ તો માત્ર વાર્તા હતી . પણ એને પણ ઝાંખી પડે તેવી સત્ય ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે ! મા બાપ પોતાની દીકરીઓને સારું જીવન મળશે એ આશાએ, એમને ગમે તે અજાણ્યા અમેરિકન લશ્કરના માણસને આપી દેતાં હતાં ! એમ કરતાંયે એમનું બાળક કોઈ ભય મુક્ત સલામત જગ્યાએ પહોંચે , એને સારું જીવન મળશે એની એમને ખાતરી છે !
હા , અફઘાનિસ્તાનમાં અત્યારે ભયન્કર પરિસ્થિતિ છે . માનવ જયારે અસંસ્કૃત અવસ્થામાં રહેતો હતો ત્યારે જે રીતે દુશ્મનને તલવારથી મારી નાંખતો, બાળકની સામે ગમ્મે તે અસામાજિક કૃત્ય કરતાં પણ અચકાતો નહીં , તેવી પ્રીમિટિવ અવસ્થામાં આજે તાલિબાનો વર્તી રહ્યા છે !! .
પણ આપણે તો આ આધુનિક યુગમાં જીવી રહ્યાં છીએ ને ?
વિશ્વમાં બીજી મહાસત્તાઓ કેમ કાંઈ કરતી નથી ?
તમે પૂછશો!
યુનાઇટેડ નેશન્સ કેમ ચૂપ છે ? તમને પ્રશ્ન થશે !
યુનાઇટેડ નેશન્સ એટલે વિશ્વનાં ઘણાં બધાં રાષ્ટ્રોનો સમૂહ . એ સૌ ભેગાં મળીને વિશ્વ શાંતિ અને અન્ય પ્રશ્નો ઉપર ચર્ચા કરે . પણ એમાં ચાઈના અને રશિયા જેવા કમ્યુનિશ રાષ્ટ્રો પણ છે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા પણ છે . એમાં સરમુખત્યાર પણ છે . એ સૌની દ્રષ્ટિએ જે અયોગ્ય લાગે તો તેમાં વાંધો ઉઠાવાય .
વાચક મિત્રો !હવે તમને પ્રશ્ન થશે કે શું અફઘાનિસ્તાનમાં જે અમાનુષી કર્યો થઇ રહ્યાં છે તેનાથી શું એ રાષ્ટ્રોનાં પેટનું પાણીય હાલતું નથી ?
ચાલો , સિક્કાની બીજી બાજુનો અભ્યાસ કરીએ ..
આપણને જાણીને આશ્ચર્ય થાય કે તાલિબાનનોએ અફઘાનિસ્તાનમાં એક વખત લોકોનો વિશ્વાશ પણ જીત્યો હતો !
એ લોકોએ દેશની ભ્રષ્ટાચારી સરકારને ઉથલાવી ત્યાં રસ્તાઓ બનાવ્યા હતાં , ઉદ્યોગો સ્થાપ્યાં હતાં !!
તો ચાલો ,જરા જાણીએ કે કોણ છે આ તાલિબાન ? કેવી રીતે એ લોકો આટલાં મજબૂત બન્યાં?
વીસમી સદીના છેલ્લા દાયકામાં – ૧૯૯૦ ના દાયકામાં રશિયાએ જે કબ્જો જમાવ્યો હતો તે અમેરિકાની મદદથી સમગ્ર સોવિયેત રશિયા જ ભાંગી પડતાં અફઘાનિસ્તાનમાં સત્તા માટે જગા થઇ . એ અરસામાં પાકિસ્તાનની ઉત્તર સીમાએ પશ્તુન વિસ્તારમાં મુશ્લીમ મદરેસામાં બાળકોને મુસ્લિમ ધર્મનું શિક્ષણ અપાતું હતું .
ધર્મનું શિક્ષણ એ તો સારી વાત થઇ ! તમે કહેશો .
પણ આ વર્ગનાં લોકો ચુસ્ત મુસ્લિમ હતાં . સુન્ની મુસ્લિમ . તેઓ જુનવાણી , ચુસ્ત વિચારસરણી ધરાવતાં. તેઓને ત્યાંના અન્ય લિબરલ – સુધરેલ મુસ્લિમો સાથે સંઘર્ષ થવા મંડ્યો . ચુસ્ત વિચારધારા ધરાવતો એક દેશ સાઉદી અરેબિયા ! એ લોકો શરિયા કાયદામાં માને છે .. શરિયા લૉ સ્ત્રીઓને સ્વતંત્ર અધિકાર આપવાની વિરુદ્ધમાં છે . સ્ત્રી માત્ર પુરુષની પ્રોપર્ટી ગણાય ,એનું રક્ષણ કરવું , સાચવણી કરવી એ બધું પુરુષના પોતાના ઉપભોગ માટે , એ ફિલોસોફીમાં એ માને છે .તેને લીધે સ્ત્રી ઉપર ઘણાં બધાં રિસ્ટ્રિક્શન – બંધન આવી જાય છે આ કાયદામાં .
એમાં ચોરી કરનારના હાથ કાપી લેવામાં આવે . એ કાયદા પ્રમાણે પરસ્ત્રી સાથે વ્યવહાર કરનારને જાહેરમાં ફાંસી અપાય . એના આવા કડક કાયદાને લીધે અફઘાનિસ્તાનમાં ભયનું વાતાવરણ છતાં ભ્રષ્ટાચાર વગેરે ત્યારે તો બંધ થઇ ગયાં . લોકોને એક રીતે શાંતિ મળી . એમને સાથ આપવા સાઉદી અરેબિયા અને પાકિસ્તાને આ તાલિબાનોને શસ્ત્રો આપ્યાં. એમને પૈસા આપ્યાં . અને અમેરિકાએ રશિયા સામે લડવા એ લોકોને શિક્ષણ તો આપ્યું જ હતું !! આધુનિક શસ્ત્રો કેવી રીતે ચલાવવા તે આ કટ્ટર મુસ્લિમપંથીઓને અમેરિકાએ જ શીખવાડ્યું હતું …!
વિદ્યા દાન તો મહાન દાન ગણાય છે , પણ કોને વિદ્યા શીખવાડવી તેનાં પણ નીતિ નિયમો હોય છે – જે સુધરેલ દેશ અમેરિકા ભૂલી ગયો ! અથવા તો , કહો કે પોતાનાં સ્વાર્થ માટે અમેરિકાએ જ રાક્ષસ સેના ઉભી કરી !
ઉપનિષદની પેલી વાત યાદ આવે છે ?
ઉપનિષદ જ નહીં , પાંચ તંત્રમાં પણ એવી વાતો આવે છે જ્યાં પોતાની સંજીવની વિદ્યાર્થી બ્રાહ્મણ કોઈ રાખનાં ઢગલાને પાણી છાંટીને સજીવન કરે છે … બ્રાહ્મણને એમ કે જોઉં તો ખરો , મને આ સંજીવની વિદ્યા આવડી છે કે નહીં !
ને લો ; પાણી છાંટ્યું અને રાખમાંથી વાઘ જીવતો થયો !!!
પછીની વાર્તા તમને સમજાઈ ગઈ હશે ! વાઘે બ્રાહ્મણને જ ફાડી ખાધો !
અફઘાનિસ્તાનમાં શેરીઓમાં વાઘ ફરતાં થઇ ગયાં .. ને પછી એમને નાથવા અમેરિકાએ જ પાછું લશ્કર મોકલ્યું . વીસ વીસ વર્ષ સુધી અમેરિકાએ ત્યાં સૈન્ય રાખ્યું . અફઘાનિસ્તાનમાં લોકશાહી સ્થાપવા પ્રયત્ન કર્યો .. પણ આ તો ગાયના ચામડામાં ઉછરી રહેલ વાઘ હતો !! જ્યાં અમેરિકાએ લશ્કર પાછું ખેંચવા માંડ્યું કે વાઘ પાછો છતો થઇ ગયો !!
વિદ્યા પણ કોને શીખવાડવી એનાંયે નિયમ હોય છે
ચાણક્ય કહે છે કે કોઈની ભૂલોમાંથી શીખો , જીવનમાં બુદ્ધિ ભૂલો કરીને શીખવા જેટલો સમય તમારી પાસે નથી .
ઝેરીલા સાપને ઉછેરતી વખતે તમને ડંખ વાગી શકે છે તે યાદ રાખો !
અને અહીં તો એ ઝેરીલા સાપને જ દૂધ પીવડાવીને ઉછેર્યો છે !!
જો કે , સાવ હાથ હેઠાં રાખીને એ રાક્ષસોને એમ ઘુમવા દેવાય નહીં જ જ. તો શું થઇ શકે ?
જો કે તાલિબાનોએ કહ્યું છે કે તેઓ આ વખતે સ્ત્રીઓને ડ્રાંઇવિંગ કરવાની છૂટ આપશે . ભણવાની સંમતિ આપશે .. કાયદામાં સુધારા કરશે .. વગેરે વગેરે વાતો સંભળાય છે . અત્યારે તો પરિસ્થિતિ દયાજનક અને ભયજનક લાગે છે . માત્ર ભગવાન જ બચાવી શકે એ દેશની પ્રજાને !
ને હાલમાં વિશ્વની બે લોકશાહી મહા સત્તાઓ અમેરિકા અને ભારત – આપણી કર્મભૂમિ અને જન્મભૂમિ – પોતાની રીતે પોતાના દેશવાસીઓને રક્ષવા કમર કસી રહ્યાં છે સાથે એ દેશને ઉગારવાની પણ માનવીય જવાબદારી માટે ઘણાં રાષ્ટ્રો ખળભળી રહ્યાં છે ..
શું થશે અને શું કરીશકાય , અને શું કરવું લગભગ અશક્ય છે વગેરે વિષે આવતે અંકે વિચારીશું .
અસ્તુ !

એક સિક્કો બે બાજુ :31) અફઘાનીસ્થાન : શું થઇ રહ્યું છે ત્યાં ?


આજ કાલ વિશ્વ સમાચારોમાં અફઘાનીસ્થાન નું નામ સંભળાય છે . તાલિબાને અફઘાનીસ્થાનના મહત્વના શહેરો ઉપર કબ્જો જમાવી દીધો છે ! જે રાષ્ટ્ર પોતે ખુબ ખડતલ અને બહાદ્દુર પ્રજા બનાવે છે તે આમ તાલિબાનના હાથે સપડાઈ ગઈ ? કેવી રીતે ? વળી આપણો ભારત દેશ પડોશી દેશ હોવાને નાતે પણ એ દેશમાં અંધાધૂંધી પ્રવર્તે તો આપણને પણ એનાં છાંટા ઉડીશકે ,એ દ્રષ્ટિએ પણ ચિંતા થઇ ! તો ચાલો આપણે એ રાષ્ટ્ર વિષે થોડું જાણીએ .
આમ જુઓ તો માનવ સંસ્કૃતિની શરૂઆત આજથી ૫૦,૦૦૦ પચાસ હજ્જાર વર્ષ પૂર્વે અફઘાનીસ્થાન પ્રદેશથી થઇ હોવાનાં અનેક પુરાવાઓ મળી આવ્યાં છે . અરે ઈસુ પૂર્વેની છઠ્ઠી સદી એટલે કે આજથી અઢી હાજર વર્ષ પૂર્વેનો જે ઇતિહાસ છે તેમાં અફઘાનીસ્થાનનો ઘણો પ્રદેશ ભારત સાથે જોડાયેલો જણાય છે . સિંધુ નદીના તટે વિકસેલી આપણી ભારતીય સંસ્કૃતિ એ સમયે છેક હિંદુકુશ પર્વતો અને સુલેમાન પર્વતોની વચ્ચે વસેલ ગાંધાર અને છેક કાબુલ સુધી વિસ્તરેલી હતી ! આપણાં ધર્મ પુસ્તક મહાભારતમાં ગાંધાર નરેશ ની પુત્રી ગાંધારી અને ભાઈ શકુનિની વાતો આપણે જાણીએ છીએ . તો , આપણાં જદેશ પર ચઢાઈ કરવા આવેલા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જે ઈસુ પૂર્વેની ચોથી સદીમાં આવેલ એને અફઘાન ભારે પડેલું . જે માણસ દુનિયા જીતવા નીકળ્યો હતો , તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પોતાના દેશ ગ્રિશથી નીકળીને ટર્કી , ઇજિપ્ત , પર્શિયા વગેરે દેશો જીતતો જીતતો અફઘાનીસ્થાન આવ્યો ત્યારે અફઘાનિસ્તાનનો પહાડી પ્રદેશ જોઈને ફ્રસ્ટ્રેશનથી એણે કહ્યું હતું ; “ અહીં આવવું સહેલું છે -પણ બહાર નીકળવું મુશ્કેલ છે ! અને એલેક્ઝાન્ડર ત્યાંથી આગળ ભારતમાં પંજાબ આવેલો ત્યાં જોકે બહુ ફાવ્યો નહોતો પણ આપણને ખબર છે કે ખૈબર ઘાટીઓમાંથી પ્રવેશીને જયારે તે પંજાબમાં આવ્યો ત્યારે ત્યાંના પોરસ રાજા સાથે યુદ્ધમાં જીતી ગયો અને સિકંદર કહેવાયો . સિકંદર એટલે કે ઉર્દુમાં ‘ નિષ્ણાત , ખુબ જ હોશિયાર’ એમ ઓળખાયો . હા , એલેક્ઝાન્ડર એ જ સિકંદર ! જો કે , પોરસનું સૈન્ય મજબૂત હતું અને એમની પાસે હાથીઓ હતાં જેની સામે એલ્ક્ઝાન્ડ્રાના સૈનિકો લડવા અસમર્થ હતાં .. એટલે માંડ માંડ એ યુદ્ધ જીતીને સૌએ દેશ પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી . પોતાના એક ઉપરી અમલદાર સિરકસને ત્યાં મૂકીને સિકંન્દર ( એલેક્ઝાન્ડર ) પાછો વળ્યો ; પણ પાછો વળતાં ઘર સુધી પહોચી શક્યો નહોતો ને રસ્તામાં જ મૃત્યુ પામ્યો હતો .
પણ , અફઘાનિસ્તાની પ્રજા જે ખડતલ અને બહાદ્દુર હતી એ લોકો એ આ વિજયી સૈન્યને આમ નજીકથી નિહાળ્યું હતું . ત્યાર પછી તો એ દેશ પર અનેક આક્રમણો થયાં છે , પણ એ દેશની ઉન્નતિ અને ઉતકર્ષની પણ ઘણી વાતોથી ઇતિહાસ સોહે છે
..

પ્રિય વાચક મિત્રો ! જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશના ચંદ્રગુપ્ત મૌર્યે પણ પોતાનું શાશન છે કે અફઘાનિસ્તાન સુધી વિકસાવ્યું હતું ..ત્યાં શાંતિનો સંદેશ લઈને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે લોકો આવેલ એટલે ત્યાં બૌદ્ધ ધર્મ પર્વર્તો હતો . આ બધું આજથી અઢી હજાર વર્ષ પૂર્વે બન્યું હતું .
પણ એવા દેશમાં તાલિબાન જેવી ભયાનક ખતરનાક ટોળકી કેવી રીતે અસ્તિત્વમાં આવી તેની વાત આજે કરવી છે .
ઇતિહાસને ઝડપથી આજના સમયમાં લઇ આવીએ :
છેલ્લા સો વર્ષમાં અફઘાનિસ્તાનનો ઇતિહાસ ઝડપથી બદલાઈ ગયો!
આજથી પચાસ વર્ષ પૂર્વેના અફઘાનિસ્તાનને જોઈએ તો એ દેશ એક મોર્ડન શાંત દેશ ગણાતો હતો . ત્યાં પણ પરદેશીઓ વેકેશન માણવા જતાં હતાં. એશિયા ખંડમાં અફઘાનિસ્તાનનું સ્થાન મધ્યમાં છે . અર્થાત , યુરોપના દેશોને જમીન માર્ગે જવા માટે વચમાં અફઘાનીસ્થાનમાંથી પસાર થઈને પૂર્વમાં ચીન કે ઉત્તરમાં રશિયા જઈ શકાય . હજારો વર્ષ પહેલાં અહીંથી સિલ્ક રોડ નામનો એક માર્ગ (? )પસાર થતો જે છેક ચાઇનાથી પશ્ચિમમાં આફ્રિકાનીસરહદ સુધી વિસ્તરેલ .
એનો બીજો અર્થ એ થાય , કે વિશ્વની ગમે તેવી મહા સત્તાઓને દુનિયામાં પ્રભાવ જમાવવો હોય તો આ પર્વતીય હરમાળાના બનેલા દેશને પોતાના પ્રભાવમાં રાખવો પડે . આમ તો એ દેશમાં થોડા ડ્રાયફ્રૂટ્સ વગેરે સિવાય ઝાઝું કાંઈ આર્થિક રીતે મહત્વનું ઉત્પાદન નથી. જયારે રશિયા અને અમેરિકા બે મહા સત્તાઓ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ પ્રસરાવવા પર્યટન કરતી હતી ત્યારે બંને રાષ્ટ્રોએ અફઘાનને પોતાના પ્રભાવમાં લેવા પ્રયત્ન કર્યો ..

તાલિબ’ નો અર્થ ઉર્દુ ભાષામાં ‘છાત્ર’ થાય છે .૧૯૮૦માં પાકિસ્તાનમાં સિવિલ વોર થઇ . અર્થાત ત્યાંના લોકોએ અંદર અંદર ઉહાપોહ શરૂ કર્યો .. એ વખતે પાકિસ્તાનના નિરાશ્રિત મુસ્લિમોને અફઘાનિસ્તાનમાં આશ્રય આપવા પશ્તુન ગામમાં ઇસ્લામિક મદ્રેસામાં રેફ્યુજી કેમ્પમાં ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવતું .
આશય તો ઇસ્લામ ધર્મનું સાચું શિક્ષણ આપવાનો હતો , પણ સિક્કાની બીજી બાજુ પણ હોય છે ને ?
એમાં કેટલાંક ચુસ્ત ઇસ્લામી વિચાર ધારાનાં લોકો ભળ્યાં. કુરાનનો જુદો અર્થ કાઢીને સુન્ની મુસ્લિમોએ સૌથી પહેલો અર્થ સ્ત્રી – પુરુષના સંબંધોનો પોતાની રીતે તારવ્યો . સ્ત્રીઓ માત્ર પુરુષોની માલિકી છે એમ કહીને સ્ત્રી શિક્ષણની મનાઈ ફરમાવી. સ્ત્રીઓને પોતાની મરજી મુજબ પ્રેમ કરવાની પણ મનાઈ ..અને એનું ઉલ્લંહન કરનારને કડકમાં કડક શિક્ષા ! જેમાં ઓનર કિલિંગ ( અર્થાત ,કોઈને પ્રેમ કરનાર સગી બેન હોય તો તેને પણ મારી નાખે તો તે ભાઈનું ગૌરવ થતું .) સ્ત્રીને મોટેથી બોલવાની કે હસવાની પણ મનાઈ ! એ લોકોની વાતને અનુમોદન આપનારો વર્ગ પણ હતો જ. પરદેશમાં રહેતાં રૂઢિ ચુસ્ત મુસ્લિમોએ આર્થિક રીતે પણ સહાય કરવા મંડી . સાઉદી અરેબિયા અને પાકિસ્તાનની અમુક વર્ગની પ્રજાનો પણ ટેકો મળ્યો . હવે આ લોકો બળવાન બનવા માંડ્યાં!
ને ત્યાં એમને નસિબે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોર પણ
અસ્તિત્વમાં આવી !
બંને રાષ્ટ્રોને વિશ્વની મહા સત્તા બનવા આ દેશમાં પગ પેસારો કરવો જરૂરી હતું !
રશિયા સામે જીત મેળવવા આ તાલિબાનોને તાલીમ આપનાર કોણ હતું , જાણો છો ?
અમેરિકા !
હા , પોતાના સ્વાર્થ માટે વાંદરાને દારૂ પીવડાવવાનું કામ અમેરિકાએ જ કર્યું .
એ લોકોને શસ્ત્રો આપ્યાં અને કેવી રીતે વાપરવા એ પણ શીખવાડ્યું .. કહેવત છે ને ; “ જોનાર તો દે બે નયણો જ માત્ર ; શું દેખવું તે કથવા ન પાત્ર !’ તમે કોઈના હાથમાં બંદૂક આપો તો એ જ બંદૂક એ તમારી સામે પણ તાકી શકે છે – એ સરળ સત્ય કેમ કોઈ સમજતું નથી ?
હિંસા અને કાવાદાવાના જોર પર દુનિયા તો જીતી શકાય , પણ એ જ ક્ષણ કાયમ માટે જ રહેશે તેની કોઈ ખાતરી છે તમારી પાસે ? મહાત્મા ગાંધીજીએ બસ્સો વર્ષની ગુલામીમાંથી સબડતા ભારત દેશને બ્રિટિશ જેવી મહાન સત્તા પાસેથી છોડાવ્યો , સ્વતંત્ર કર્યો ; પણ એમણે સત્ય અને અહિંસા , પ્રેમ અને સદાચારના શસ્ત્રથી એ મહા સત્તાને પરાસ્ત કરી હતી . ગાંધીજીએ સમયના પ્રવાહમાં ભૂલો કરી હશે જ , કારણ કે એ એક માનવી હતા, દેવ નહીં . પણ , એમણે એક પણ અંગ્રેજને ગાળ આપી નહોતી , એક પણ અંગ્રેજ એમનો દુશમન નહોતો , એક પણ અંગ્રેજ સામે એમણે કોઈ કાવતરું ઘડ્યું નહોતું . જે હતું તે સત્યના પાયા ઉપર ખડું કર્યું હતું : “ભારત અમારો દેશ છે , તમે અમને ગુલામ તરીકે વધુ સમય રાખી શકશો નહીં . અમે ઈંગ્લેન્ડથી આવતાં તમામ સાધનો , કપડાં , માલ મિલ્કત અને અંગ્રેજી શિક્ષણનો પણ બહિષ્કાર કરીએ છીએ !” ગાંધીજીએ કહ્યું હતું . એમણે સમગ્ર દેશને અંગ્રેજી ચીજ વસ્તુ સાથે વિચાર ધરાનો પણ બહિષ્કાર કરવાનું એલાન આપેલું .બદલામાં બ્રિટિશ સત્તા મૂંઝાઈ ગઈ . કેટલાં નિર્દોષ લોકોને તમે મારી નાખો ?કેટલાને તમે જેલમાં પૂરો ? અને આત્માના એ પરમ બળથી લઇ આવ્યા એ આઝાદી ; “બીના ખડ્ગ બીના ઢાલ; સાબરમતીકે સંત તુને કર દિયા કમાલ !”
જોકે , આજે તો વાત કરીએ છીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું લશ્કર ફરી વળ્યું છે તેની ! દેશમાં હાહાકાર થઇ ગયો છે . લોક ગભરાઈને પ્લેનના છાપરે ચઢીને દેશ છોડવા તૈયાર થઇ ગયાં છે !!
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ આમ વધી રહ્યું હતું ત્યારે વિશ્વના દેશો ખળભળી ઉઠ્યા .. એ શેતાનિક સત્તા આગળ વધે તે પહેલાં અને દાબવા અમેરિકાએ શું કર્યું ? રશિયાએ કેવી રીતે વ્યૂહ ઘડ્યા ?

તાલિબાન અને અફઘાનિસ્તાનની એ વાતો વધુ આવતાં અંકે .

એક સિક્કો બે બાજુ : 30) સતીનું આત્મવિલોપન


શ્રાવણ મહિનો એટલે ધર્મ ઉભરાઈ જાય ! પૂજા પાઠ કરવાનાં, દેવોના દેવ મહાદેવને દૂધનો અભિષેક કરવાનો , સ્તુતિ , મંત્ર , વ્રત , જપ -તપ આ બધું જ શ્રાવણ મહિનામાં ! અને શિવપૂરાણ કે શિવ માહત્મ્ય વાંચવાનો કથા શ્રવણનો મહિનો !
એવા જ એક શ્રાવણ મહિનાનો એક પ્રસંગ યાદ આવે છે .
લગભગ બે દાયકા પહેલાં , શિકાગોમાં એક મંદિરમાં શિવપુરાણ બેસાડેલું . ત્યાં એક ધર્મકથા સાંભળેલી : શિવપુરાણમાંથી !
શિવ પુરાણ નામ કહે છે એ મુજબ ભગવાન શંકરની વાત કરે છે . એમાં અજન્મા મહાદેવની વાતો છે , પણ સાથે સાથે પાર્વતી માતાની પણ વાત છે .એમનાં અગાઉના જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી સતી હતાં. સતી ખુબ વિદ્વાન અને સમજુ દીકરી હતી . મા બાપને એનાં લગ્નની ચિંતા થાય છે : મારી આવી સુંદર , સુશીલ દીકરીને માટે કેવો વરરાજા ભગવાને રચ્યો હશે ?
ત્યારે નારદજી પધારે છે અને મહાદેવની પ્રસંશા કરે છે અને કહે છે કે તમારી દીકરી માટે એ જ વર યોગ્ય છે ..વગેરે વગેરે ..
પણ , દક્ષ રાજાને મહાદેવ – આ અજન્મા મુરતિયો શંકર -મહાદેવ ગમતો નથી .
ને સતીને તો એ જ વર ગમે છે : કહે છે ; “ જેનું કુળ ખબર નથી , જે અજન્મા છે તે અ- મૃતા- અમર જ હોય ને ?
પણ પછી સતીના મહાદેવ સાથે લગ્ન થાય છે . લગ્ન બાદ મહાદેવના સબંધો સસરા દક્ષ પ્રજાપતિ સાથેના બગડે છે .. અને પછી ?
પછી , જે પ્રસંગે મારુ ધ્યાન ખેંચ્યું તેની વાત છે -તે છે સતીના આત્મ વિલોપનની કથા….

વ્યાસપીઠ પરથી મહારાજે સતીની આત્મવિલોપનની કથા કહેલી: આકાશમાં ઉડતાં વિમાનો જોઈને સતી મહાદેવજીને પૂછે છે , કે આ વિમાનો ક્યાં જાય છે ?મહાદેવજી સતીને જણાવે છે કે તમારા પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે એટલે બધાં દેવો ત્યાં જઈ રહ્યાં છે.
પાર્વતીને ઓછું આવી જાય છે , કે મારા પિતાને ઘેર પ્રસંગ છે અને મને આમંત્રણ પણ નથી ?
પણ એ તો ડાહી દીકરી છે ને ? કહે છે ; “ ભલે મને આમંત્રણ નથી પણ મારે તો ત્યાં જવું છે! પિતાને ઘેર જવામાં આમંત્રણ શાનું ?”
હવે કથા કરતા મહારાજ વાતને જરા લડાવે છે; “પતિની ઈચ્છા નથી તો યે પાર્વતી ત્યાં જાય છે . મહાદેવ પત્નીને મનાઈ કરતા નથી ; અને પોતે પોતાના ડ્રાયવરને – સોરી – બોડીગાર્ડ પોઠિયાનેય સાથે મોકલે છે…
પાર્વતી પિતા ઘેર આવે છે , પણ યજ્ઞમાં બધાંનાં આસન છે પણ પતિનું આસન ન જોતાં અપમાનિત થતાં સતી યજ્ઞની વેદીમાં કૂદી પડે છે!”
મહારાજ કથા કરતા ત્યાં અટકે છે અને હવે ૐ નમઃ શિવાયની ધૂન સારું થાય છે.
વ્યાસપીઠ પરથી મહારાજનો સૌ શ્રદ્ધાળુ શ્રોતાઓને વણ બોલ્યો એક સંદેશ મળે છે: ‘ પિયરમાં, પિતા ઘેર વગર આમંત્રણ ગયા પછી જુઓ , સતીની કેવી દશા થઇ!
આખ્ખો પ્રસંગ વિચારમાં મૂકી દે છે:
સતી, જે સમજુ અને હોશિયાર છે અને નારદમુનિ જેનાં વખાણ કરતા દક્ષ પ્રજાપતિને કહે છે કે તમારી આટલી સમજુ દીકરી માટે આખાયે વિશ્વમાંથી માત્ર એક જ મુરતિયો જે શ્રેષ્ઠ છે તે છે દેવોના દેવ મહાદેવ ! અને દક્ષ રાજા એને રખડેલ , અલગારી કહીને એની સાથે સતીનાં લગ્નની ના કહે છે.. જો કે છેવટે એનાં લગ્ન મહાદેવ સાથે જ થાય છે, એ વાત પણ સાચી ; તો અચાનક વાર્તામાં આ શું બની ગયું ?
આવી સમજુ છોકરી પિયરમાં આવે અનેઆત્મવિલોપન કરે , એ કેમ બને ?
મને લાગ્યું કે આ વાત કંઈક અધૂરી અધૂરી લાગે છે ! સિક્કાની બીજી બાજુ પણ હોવી જ જોઈએ !
મને વાતમાં કાંઈ ખૂટતું હોય તેમ લાગ્યું !
અને મારે એ ખૂટતી કડી શોધવાની હતી !
જે ઋષિમુનિઓ “ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે , રમન્તે તત્ર દેવતાઃ” કહે તે આવું લખીને સમાજને કયો સંદેશો આપવા માંગતા હશે?
જે ઋષિ મુનિઓએ શરૂઆતમાં દક્ષ રાજાની ડાહી દીકરી સતીની વાત કરી હતી , જેણે કહ્યું હતું ; “ મારે એ અજન્મા મહાદેવને જ પરણવું છે , તે આમ પિતા ઘેર જાય અને યજ્ઞમાં કૂદી પડે , અને આપઘાત કરે ?? સમજાતું નથી !!
મેં વિચાર્યું : આવું લખીને આપણા ઋષિઓ જરૂર કંઈક કહેવા માંગતા હશે .. કદાચ આપણને પુરી વાતની ખબર નહીં હોય!
આ તો પ્રત્યેક પરણેલી સ્ત્રીને કંઈક ઊંધો સંદેશો મળતો હોય તેમ લાગે છે : પતિની ઈચ્છા વિરુદ્ધ કરશો તો આવું પરિણામ આવશે ! શું સ્ત્રીનો આત્મવિશ્વાસ છીનવી લેવાની વાત હતી ?
પણ આપણી સંસ્કૃતિ એવું ના જ કરે તેનો મને પૂરો વિશ્વાસ હતો.
હવે અને જવાબ શોધવા મેં જાતે શિવ પુરાણ , ભાગવત વગેરે ઉથલાવ્યાં! પણ જવાબ તરત તો ના જ મળ્યો !
કથાકારોએ એક વાર્તા કહી દીધી ! વાત ત્યાં પુરી ! અને આ જ વાત તમે પણ આજ સુધી સાંભળતાં આવ્યાં છો ને ?
પણ છેવટે એ ખૂટતી કડી જડી !
હા , કથાકારોને એવી ગંભીર વાતોમાં શું રસ હોય? અને ઉંડાણમાં થોથાં ઉથલાવવાથી એમને શો ફાયદો ?
સિક્કાની બીજી બાજુ જડી .
ચાલો , તો જોઈએ સાચી પરિસ્થિતિ શું છે !
આજના સંદર્ભમાં કહી શકાય કે નારદજી જેવી વિદ્વાન વ્યક્તિના અભિપ્રાયથી હોશિયાર સતી , પિતાની ઈચ્છા ન હોવા છતાં શંકરને પરણી. પછી શંકર અને સતી વચ્ચે એક અણબનાવ બને છે:
પૃથ્વી ઉપર રામને ચૌદ વર્ષનો વનવાસ છે એટલે એ જંગલમાં જાય છે અને તેથી રામના ભક્ત શંકર નો જીવ બળતો હોય છે.
સતીએ શંકરને પૂછ્યું કે તમને પૃથ્વી ઉપરના તમારા કોઈ ભક્તની ચિંતા થતી હોય તેમ લાગે છે .તમને શેની ચિંતા છે? તમે ઉદાસ શા માટે છો ?
પણ શંકર સતીને સાચો જવાબ આપતા નથી . વાત છુપાવે છે .
સતીને વાત જાણવાની જીજ્ઞાશા છે . એટલે એ પોતાની જાતે (આમતો એ હોશિયાર છોકરી છે ને ?)એટલે પૃથ્વી ઉપર જાય છે ત્યાં રામને જંગલમાં જુએ છે એટલે વાત જાણવા એ સીતાનું રૂપ લઈને રામને મળવા જાય છે..
સ્વર્ગમાં બેઠલા શંકરને ગુસ્સો આવ્યો: ( સતી પૃથ્વી ઉપર આમ તપાસ કરવા ગઈ એટલે ) એ કહે છે ; “હું ભગવાન રામ અને માતા સીતાનો ભક્ત છું ! તેં સીતાનું રૂપ લીધું તેથી આ જન્મમાં તું મારી માતા સમાન છે!”
બસ ! પતિપત્નીના અબોલા શરૂ થઇ ગયાં !
શંકરે સતીને પતિપત્નીના વ્યવહારથી મુક્ત કરી દીધી! અને આમ વર્ષો વીતી ગયાં!
કોઈ પણ સ્ત્રીની જેમ સતી પણ અંદરથી એકલી પડી ગઈ ! પતિના પ્રેમ સહવાસ માટે એ તડપતી હતી! પિયરનું બારણું પણ પિતાના ડરથી લગભગ બંધ હતું ! આવી વિષાદમય અવસ્થામાં એ હિંમત કરીને બાપને બારણે આવે છે, એ આજના શબ્દોમાં જેને ડિપ્રેશન કહીએ તેવી સ્થિતિમાં છે! પતિથી ઉપેક્ષિત અને પિતાથી પણ ઉપેક્ષિત!
રામચરિત માનસમાં તુલસીદાસજી આ પ્રસંગ બહુ યથાર્થ રીતે ચિતરે છે: વાંચતા આંખમાં ઝળઝળિયાં આવી જાય! પણ , ટૂંકમાં , સતી એ વિષાદ અવસ્થામાં ( ડિપ્રેશનમાં ) ઉદ્વિગ્ન થઈને ( પૅનિક એટેકમાં ) બોલે છે:

પિતા મંદ મતિ, નિંદત તેહિ ; દચ્છ સુક્ર સંભવ યહ દેહી
તજી દઉં તુરત દેહ તેહિ
ઉરધરી ચન્દમૌલિ બ્રૂશકેતુ!
અર્થાત પિતાની આવી અવળી બુદ્ધિ છે( મંદ બુદ્ધિ છે, સમજતા નથી મારી પરિસ્થિતિ ) અને એનાં જ શુક્રાણુઓનો આ દેહ બન્યો છે તે થી ,( આખા પ્રકરણમાં વિગતે દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિષે પણ રૂપકાત્મક રીતે સમજાવ્યું છે કે ખોટા હેતુથી ઉપાડેલું કામ નિષ્ફ્ળ જાય)
તો એવા ઘમંડી બાપની પુત્રી હોવાથી , દેહ ત્યજું : શંકરનું ધ્યાન ધરતાં !( આ જન્મમાં શંકરે એને ઉપેક્ષિત રાખી હતી ,પણ આવતા ભવમાં એ મને પતિ તરીકે મળશે એમ ઈચ્છા કરીને)
આ પગલાંને આપણે આજના યુગમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાનું છે!
ગમે તેવી હોશિયાર અને સમજુ હોય પણ ,પ્રેમલગ્ન કરીને , મુશ્કેલીમાં મુકાયેલ દીકરીને તરછોડવાને બદલે સારા મનોવૈજ્ઞાનિક ચિકિત્સક પાસે લઇ જઈને એને ફરીથી ઉભી કરવાની , હિંમત આપવાની , પ્રત્યેક માં બાપની ફરજ છે!
એને હૂંફ અને હમદર્દી સાથે દવાની પણ જરૂર છે! એને સારું કાઉન્સલીગ મળે તો એ ફરીથી ઉભી થઇ શકે છે( નહીંતો ડિપ્રેશનમાં ખોટું પગલું પણ ભરી દે છે)
કેવો મહત્વનો સંદેશ હતો!
અને કેવો વિકૃત ઉપદેશ થઇ ગયો ?
અખાએ આવા સમાજના ઘુવડો માટે લખ્યું :
કોઈ જો આવીને વાત સૂરજની કરે,
તો સામે જઈ ચાંચ જ ધરે !
‘અમારે આટલાં વર્ષ અંધારે ગયાં
અને તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં ?’

કોણ સમજાવશે આ કથાકારોને કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ માત્ર હરિ ૐ હરિ ૐની ધૂન બોલાવવાથી નહીં પણ સાંપ્રત સમાજને માર્ગદર્શક એવા ઇન્ટરપ્રિટેશન સમજણથી થશે ?
પણ મા’રાજને રસ એમનું પેટિયું રળવામાં !
મંદિરોને રસ પૈસા ભેગાં કરવામાં !
ભક્તો બિચારાં : ‘હરિ ૐ! હરે ૐ! ‘કરતાં ઘંટડી વગાડ્યાં કરે !
સિક્કાની બીજી બાજુ જોવામાં કોને રસ હોય ? એમણે તો કહી દીધું ; “ આજ પછી પિયરમાંથી આમંત્રણ ના હોય તો જવાનું નહીં !
કોઈ પણ પરિસ્થિતિને બીજી તરફથી જોતાં ઘણું નવું જાણવા મળે છે ; તમને ખબર છે કે સતીના આત્મવિલોપનનો આ પ્રસંગ કથામાં કેમ ગુંથી લેવાય છે ? એની વાત ફરી ક્યારેક કરીશું ….!

એક સિક્કો બે બાજુ : 30)ઓલિમ્પિક અને સ્ટ્રેશ !


વાહ ! ભારતે શું કમાલ કરી ! ઓલિમ્પિકમાં આપણા ભારત દેશની મીરાબાઈ મેદાન મારી ગઈ ! ટોક્યોમાં હાલમાં ઓલિમ્પિક રમાઈ રહી છે . ભારતની ખુબ સામાન્ય જ્ઞાતિ મીરાંએ વજન ઊંચકવામાં બીજો નંબર મેળવ્યો ! અને હમણાં બીજી એક એથ્લેટ પી વી સિંધુ ને બેડમિંગટનમાં મેડલ મળ્યો ! ચારે બાજુએ એ સમાચારોથી આ નવયુવાન હૈયાને કેટલો આનંદ થયો હશે તે કલ્પી શકાય છે ..અને હજુ તો બીજા ઘણા મેડલ મા ભારતીને ચરણે ધરાશે !
આપણી આ કર્મભૂમિનાં નવયુવાનો પણ મેડલ મેળવી રહ્યાં છે !
રમતગમત ક્ષેત્રે આ રીતે શરીરને કસીને , મહેનત કરીને આગળ આવવું એ તો સરસ વાત જ કહેવાય ને ?
પણ ત્યાં તો થોડા સમય પહેલાં આવેલા સમાચાર તરફ પણ ધ્યાન ગયું .
અમેરિકાની સિમોન બાઇલ્ સ Simone Biles જેણે જીમ્નાસ્ટીક્સમાં અગાઉ મેડલ મેળવ્યાં હતાં તેના સમાચાર પણ વાંચ્યા . આટલી સફળતાઓ છતાં એણે હરીફાઈમાંથી નીકળી જવાનું નક્કી કર્યું !!
કેમ ? શા માટે ? શું થયું ?
હા , સફળતા મેળવવા માટે ખૂબમહેનત કરવી પડે છે . પરસેવો પડ્યા વિના પહેલો નંબર નથી આવતો . મહેનત કરો અને સફળતા મેળવો ! પણ આ મહેનત આપણે માનીએ છીએ એટલી સરળ નથી ! અહીં તો રોજ આંઠ આંઠ કલાક પ્રેક્ટિસ કરવી પડે . શરીર ભંગાઈ જાય ત્યાં સુધી શરીરને કસવું પડે ! સ્વામી વિવેકાનંદનું પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ છે ને ?
જાગો , ઉઠો અને વળગ્યા રહો જ્યાં સુધી સિદ્ધિ તમને પ્રાપ્ત ના થાય !
હા , આ અને આવા અનેક સુવાક્યો સાંભળીને આપણે મોટા થયાં હોઈશું . અને આપણાં સંતાનોને પણ આ રીતે મહેનત કરવા પ્રેરણા આપતાં હોઈશું .
પણ એ સિક્કાની બીજી બાજુનો વિચાર તમે કર્યો છે ક્યારેય ?
પહેલો નંબર મેળળવા એટલી મહેનત કરવી પડે જેટલી બીજા કોઈએ કરી ના હોય ! .
ક્યારેક એટલી બધી મહેનત કરવા માટે આપણું મન તૈયાર ના પણ હોય ! એમાં સમય અને શક્તિ બન્ને જોઈએ , અને સૌથી વધારે મહત્વનું છે મન!
અને પહેલાં નંબરની અધીરાઈમાં નંબર વિનાનો : “ નિરુદ્ધેશે મુક્ત ભ્રમણ ! એનો આનંદ ક્યાંથી લઇ શકાય ?
સિમોન બાઈલ્સે ઓલિમ્પિકમાંથી નીકળી જવાનું નક્કી કર્યું એટલે સ્વાભાવિક રીતે જ એનાં ચાહકોમાં ખળભળાટ થાય , હાર્વર્ડના સાયકોલોજિસ્ર્ટ જણાવ્યું એ મુજબ બધાંને એનાં માટે ખુબ ઊંચી અપેક્ષાઓ હતી ,આજ કાલ સોસ્યલ મીડિયાઓ પણ ખુબ વધી ગયાં છે . એ ફેસબુક કે વોટ્સએપ જોતી હોય ત્યારે ય એનાં ચાહકોને ખબર પડી જાય કે એ શાંતિથી પોતાના ફોન સાથે રમે છે . અને કોઈ ટીકા પણ કરે ; “ પ્રેક્ટિસ કરવાની મૂકીને એ આમ સમય બગાડે છે , ફરવા જાય છે .. વગેરે વગેરે . આ બધી નકારાત્મક ટીકાઓની યુવાનો ઉપર ઊંડી અસર થઇ શકે છે . એક તો રમત ગમતમાં હરીફાઈ હોવાથી ટેંશન હોય અને એમાં આવી ફાલતુ ટીકાઓ ભળે!જો કે સિમોનના કેસમાં તો બધાંએ એનાં આ નિર્ણયને વધાવી લીધો ; “ મારી તબિયત , મારી માનસિક સ્વસ્થતાને મહત્વ આપીને હું આ રેસમાંથી નીકળી જાઉં છું ! એણે કહ્યું .
બે ત્રણ વર્ષ પહેલાં અમે એક ડોકર દંપતીની લગ્નતિથિ ઉજવણીમાં ગયેલાં.
બધાં એક પછી એક , સ્ટેજ પર આવીને આ સફળ દંપતીને શુભેચ્છાઓ આપતાં હતાં .. એમનાં બંને ડોક્ટર દીકરા પણ મેડિકલ ફિલ્ડની છોકરીઓને પરણેલા.. ત્યાં એમનાં કુટુંબની વીસેક વર્ષની દીકરી સાથે મારે વાત કરવાનું થયું . “ તું પણ મમ્મી , પપ્પા અને દાદા દાદીની જેમ ડોક્ટર કે સાયન્ટીસ બનવાની ને ?” મેં પૂછ્યું .
“ ના હોં! હું અત્યારે પિઝેરીયામાં – પિઝાના રેસ્ટોરન્ટમાં કામ કરું છું અને ભવિષ્યમાં પણ હું કોઈ નોકરી જ કરવાની છું . મારે પેઈન્ટર બનવું છે ; એ શોખ મારાં પોતાનાં આનંદ માટે છે . અમારા ઘરમાં બધાં જ સફળ થવા દોટ કાઢે છે , પણ કોઈની પાસે પોતાનાં માટે સમય જ નથી !” એણે કહ્યું .
હું વિચારમાં પડી ગઈ .
ત્યાં એણે સ્પષ્ટતા કરી :“ અમારા ફેમિલીમાં બધાં એટલા બીઝી રહે છે કે કુટુંબને જ ભૂલી જાય છે !”
ત્યાર બાદ નિરાંતે એ કુટુંબને મળવાનું થયું . અમારા ડોક્ટર દંપતીએ કહ્યું કે ; “ વાત સાવ ખોટી નથી . અમે સફેદ કોલરવાળા નોકર છીએ . ડોક્ટરનો ધોળો કોટ પહેરીને દિવસ રાત મહેનત કરીએ છીએ . સફળતાની આ કિંમત છે .
જીવનમાં સફળ થવું અને છતાં બધું જ મેળવવું – પ્રેમ , કુટુંબ , આનંદ ખુશી એ અશક્ય નથી પણ અઘરું છે .
આજ કાલ માં બાપ પોતાના બાળકોને નિશાળમાં પહેલો નંબર લાવવા સખ્ત મહેનત કરાવે છે , પણ જરા નજર કરજો : એ મહેનતમાં એમનું બાળપણ દબાઈ તો જતું નથી ને ?
સફળતાને શિખરે બેઠા પછી જયારે શાંતિ અને પ્રેમ મળતાં નથી ત્યારે વ્યક્તિ મૂંઝાઈ જાય છે !
ઓલિમ્પિક રમત રમવા માટે સિલેક્ટ થવું પણ બહુ મોટી વાત છે , ત્યારે , એ સ્થળે પહોંચ્યા પછી ના કહેવા માટે હિમ્મત જોઈએ .
એક વખત એક પ્રવાસમાં અમે થાકીને એક ડુંગરની તળેટીએ ઊભાં હતાં ; ત્યારે કોઈએ અમને કહ્યું કે ઉપર સરસ તળાવ છે ,એટલે સુધી આવ્યા છો તો એ જરૂર જોવા જાઓ !
એ મિત્રની વાત સાંભળીને અમે થાક્યા હતાં છતાં પરાણે ત્યાં ઉપર પહોંચ્યા . પણ એ કહેતાં હતાં તેવું કાંઈજ જોવા મળ્યું નહીં . તળાવ નહીં પણ ખાબોચિયું હતું .
અમે વેકેશનનો આનંદ લૂંટી શક્યાં નહીં , કારણ કે અમે થાકીને , કઁટાળીને જાણે કે વેંઢારતાં હતાં.
જીવનને વેંઢારવાનું નથી , આનંદવાનું હોય છે .
નિરાશ થઈને અમે પાછાં ફરતાં હતાં ત્યાં દૂર સૂર્યાસ્ત થતાં જોયો . પંખીઓને માળામાં પાછાં ફરતાં જોયાં બસ , એ દ્રશ્ય જોઈને મન આનંદમાં આવી ગયું . અર્થાત , સુખ નાની વસ્તુઓમાંથી પણ મળી શકે છે .. અને જેને લોકો સુખ કહો છો તે કદાચ આપણી પરિસ્થિતિમાં વ્યાજબી ના પણ હોય ! સિમોન બાઇલ્સે રેસમાંથી નીકળી જઈને સાચું જ કર્યું . અતિશય સ્ટ્રેશથી એને ઍન્ગ્ઝાયટીના એટેક આવતાં હતાં. એણે કહ્યું ; “ મારે આ રમતમાં ભાગ લેવો નથી !”
સફળતા અને નિષ્ફ્ળતા એક જ સિક્કાની બે બાજુઓ છે . આપણે જે સિક્કો આપણને મળ્યો છે તેને સફળ બનાવીએ તો?
સિમોન બાઈલ્સે એવું જ કર્યું ને ?

એક સિક્કો બે બાજુ : 28) ગુરુ અને ઢોંગી ગુરુ !


હમણાં જ આપણે ગુરુ મહિમા સમજાવતા એક તહેવાર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી .. આપણે બધાંએ ;
“ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાઃ” એમ ગાઈને ગુરુને ભગવાન સમાન ગણાવ્યા .
ગુરુ બિન કૌન બતાયે રાહ – કોઈએ કહ્યું , તો કોઈએ ,’ ગુરુ બિન ઔષધિ કૌન પિલાયે? એમ જ્ઞાન સાથે જીવનમાં સ્વસ્થ જીવન જીવાડનાર ગુરુને પણ યાદ કર્યા . કોઈએ ગાયું, “ ગુરુજીના નામની રે માળા છે ડોકમાં !” એમ અમુક ગુરુના નામની કંઠી પ્હેર્યાનું ગૌરવ પણ ગાયું ..
સાચે જ ગુરુ વિના આ સંસાર સાગર તરવો કઠિન છે . આપણે કહીએ છીએ .
પ્રશ્ન થાય છે કે શું ખરેખર ગુરુ વિના જ્ઞાન પામવું અશક્ય છે ? શું ગુરુ વિના સ્વસ્થ સુંદર જીવન શક્ય જ નથી ?
એ માટે આપણા વેદો અને પુરાણો તરફ નજર કરીએ .
હા ; વાત તો સાચી છે : જુઓ ને કૃષ્ણ – સુદામાને જ્ઞાન આપનાર સાંદિપની ઋષિ ની વાત તો આપણને ખબર જ છે .
એ જ રીતે મર્યાદા પુરુષ રામ -લક્ષમણના ગુરુ વિશ્વામિત્ર યાદ આવે .
તો મહર્ષિ કર્ણ ને વિદ્યા જ્ઞાન આપનાર પરશુરામ અને અર્જુન અને એકલવ્યના ગુરુ દ્રોણાચાર્ય એમને પણ યાદ કરીએ ..
પણ , એકલવ્ય અને અર્જુનના ગુરુ એક જ હોવા છતાં બંને પ્રત્યેનો ગુરુ દ્રોણચાર્યનો વ્યવહાર શું એક સરખો હતો ખરો ?
એકલવ્ય ભીલ કોમનો છોકરો હોવાથી દ્રોણે વિદ્યા આપવાનો ઇન્કાર કર્યો હતો ; અને એકલવ્યે ગુરુ દ્રોણનું પૂતળું બનાવ્યું હતું અને પોતે સ્વયં જાતે વિદ્યા શીખ્યો હતો ..
ને તેમ છતાં નિષ્ઠુર દ્રોણે એની પાસેથી ગુરુ દક્ષિણમાં શું માંગી લીધું ?
અંગુઠો !
એકલવ્ય પાસેથી એના જમણા હાથનો અંગુઠો ગુરુ દ્રોણાચાર્યે ગુરુ દક્ષિણમાં માંગી લીધો !!
કારણ એ હતું કે એમને પોતાના શિષ્ય અર્જુન પર અતિશય પ્રેમ હતો અને એ શ્રેષ્ટ ધનુર્ધારી બને એમ તેઓ ઇચ્છતા હતા . બસ , એ જ કારણથી એકલવ્યનો અંગુઠો કાપી નંખાવ્યો જેથી એ એટલો સારો ધનુર્ધારી બની શકે નહીં !
આ દર્શાવે છે કે ગુરુઓ પણ માણસ જ છે અને સ્વાર્થી હોઈ શકે છે !!
એ જ રીતે શિવ ભક્ત પરશુરામની વાત કરીએ ..
ક્ષત્રિયોના કટ્ટર દુશ્મન પરશુરામે પૃથ્વીને નક્ષત્રિય બનાવવાની નેમ રાખી હતી . ત્યારે કર્ણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઠેર ઠેર ભટકતો હતો . એ ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો . તો એને સૂત પુત્ર હોવાથી દ્રોણે વિદ્યા આપવાનો દ્રોણે ઇન્કાર કર્યો ; એટલે કર્ણ પોતે એક બ્રાહ્મણ બનીને પરશુરામ પાસે ગયો . એણે વિદ્યા પ્રાપ્ત કરી . પણ , એક ભમરો કર્ણના પગ પર આવીને બેઠો અને ડંખ મારવા લાગ્યો .. ગુરુ પરશુરામનું મસ્તક પોતાના ખોળામાં હોવાથી , અને ગુરુની ઊંઘમાં ખલેલ ના પડે એવા દિવ્ય ભાવથી કર્ણ ત્યાં – એ જ સ્થિતિમાં સ્થિર બેસી રહ્યો .. અને ડંખને કારણે પગમાંથી વહેતુ લોહી ગુરુ પરશુરામને અડક્યું અને એ ઊંઘમાંથી જાગી ગયા . એમને શંકા પડી કે કોઈ બ્રાહ્મણનો દીકરો આટલો મજબૂત મનોબળનો હોઈ શકે જ નહીં ! અને પરિણામ શું આવ્યું ?
કર્ણને શ્રાપ મળ્યો ! કર્ણની ગુરુભક્તિથી પ્રભાવિત થઈને ,એના દ્રઢ મનોબળને કારણે પરશુરામે એને આશીર્વાદ આપવા જોઈતા હતા પણ શ્રાપ આપ્યો !
તો આ અને આવા અન્ય પ્રસંગો શું બતાવે છે ?
ગુરુ બિન જ્ઞાન કે ગુરુ બિન ઔષધિઓ મેળવવી શક્ય છે , અને જરૂરી પણ છે ..
આમ જુઓ તો ગાંધીજીએ કોઈનેય ગુરુ કર્યા નહોતા ! એમને મન હતું શ્રીમદ રાજચંદ્ર માટે , એમને અહોભાવ હતો ટોલ્સ્ટોય અને ટાગોર માટે , પણ એ એમના ગુરુ નહોતા !
એક કાવ્યમાં લખ્યું છે તેમ :
અમને કંઠી પહેરવાનું નહીં ફાવે ; અમે મુક્ત મન વિહારી લોક !અમે એક પંથના પંથી નહીં અમે ગુગલ ફમ્ફોળતાં લોક !
હા , ગુરુ મહિમાની આ બીજી બાજુ છે .
ગુરુઓ પોતાના વાક ચાતુર્યથી ભોળી પ્રજાને છેતરે છે એવા અનેક દ્રષ્ટાંતો દરેક યુગમાં જોવા મળે છે ..
સાચો ગુરુ પોતાના વિદ્યાર્થી માટે પોતાનું સર્વસ્વ તયાગી દે , પોતાના વિદ્યાર્થીને આગળ લાવવા જીવનનો સર્વ નિચોડ રેડી દે એ તો ઉત્તમ ભાવના છે , પણ એવું કાયમ બનતું નથી ..
સાંપ્રત સમાજમાં એનાથી વિરિદ્ધ દાખલાઓ અનેકે જોવા મળે છે ..
ચાલો , ફરી એક વાર આજના સમાજમાં ગુરુનું સ્થાન શું છે તે વિચારીએ .
તમારે કોઈ વિષયમાં સંશોધન કરવું છે ? તમારે કોઈ મહત્વના વિષય પર પી એચ ડી કરવું છે ? તો સાચો , વિદ્વાન શિક્ષક હોવો જરૂરી છે . એ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે .
પણ , ધારો કે એ શિક્ષક પોતે જ એ વિષયનો પૂરો જાણકાર નથી ! તો એ તમને દિશા ક્યાંથી સુઝાડશે ?
અથવા તો , એ કહેવાતો વિદ્વાન ગુરુ માત્ર વાચાળ છે , અંદરથી લંપટ કે લોલુપ છે – તો તમે શું કરશો ?
જવાબ એક જ છે – એને વહેલી તકે છોડી દો!
આજના જમાનામાં પાંખડી ગુરુઓની ખોટ નથી .
ધર્મને નામે અધર્મ કરનારા ઢોંગી બાબાઓથી આપણો સમાજ ઉભરાય છે !
તમે પૂછશો : “ પણ આવા ઢોંગી ધુતારા ગુરુઓને પ્રોત્સાહન કોણ આપે છે ?”
“ આપણે ! આપણે જ આ કહેવાતા સાધુ સંતોને ગુરુ બનાવીએ છીએ , એમને પોષીએ છીએ અને એમને સમાજમાં મજબૂત બનાવીએ છીએ !
હમણાં થોડા સમય પહેલાં જે ઢોંગી બાબાની વાત બહાર આવી હતી તે – કહેવાતા ‘સંત રામપાલ’ ની વાત યાદ કરો .
રાજસ્થાન , ઉત્તર પ્રદેશ ,માધ્ય પ્રદેશ અને પંજાબ સાથે મૂળ હરિયાણાનો આ ઢોંગી લાખ્ખો નહીં કરોડોની મિલ્કત ભેગી કરીને આશ્રમો સ્થાપીને એશ આરામ કરતો હતો .. ૪૨ વખત એ એની સામેના ખૂન કેસમાંથી છૂટી ગયો ! એને પકડવો એટલો સહેલો નહોતો ; એનો પ્રતિકાર કરતા છ જણ મરાયા ત્યાર પછી એ હાથમાં આવ્યો !! એના વાક્ચાતુર્યથી ભોળી પ્રજા અંજાઈ ગઈ હતી ; અને એનું કારણ શું ?
એ આ અભણ ગરીબ પ્રજાને પરલોકમાં સુખ આપવાની વાત કરતો હતો ! લોકોને મફતમાં ભોજન મળે અને ભજન કરવાનું સ્થાન મળે એટલે ભયો ભયો !
પણ દેશના અન્ય પ્રદેશોની વાત છોડીને , માત્ર ગુજરાતી પ્રજાનું કુખ્યાત નામ આસારામ બાપુની વાત કરું :
જયારે પણ દેશમાં જવાનું થાય ત્યારે અમદાવાદ ગાંધીનગર રસ્તે આસારામ બાપુનો આશ્રમ આવે . ત્યાં કાયમ કોઈ સપ્તાહ કે કોઈ ઉત્સવ ચાલતા જ હોય .
લોકોને આત્માના સુખની વાતો કરતો, પરલોક સુધારવાનું જ્ઞાન આપતો ,ભક્તોને પોતાના ભાવવાહી શબ્દોથી ભક્તિમય જીવનની વાતોમાં ભોળવતો આ આસારામ અને એનો દીકરો સેક્સ કૌભાંડમાં આખરે પકડાયા .
પોતાની કહેવાતી દીકરી જેવી સગીર વયનીછોકરી ઉપર બળાત્કાર કેસમાં આખરે એનો ભાંડો ફૂટ્યો . પરંતુ એ પહેલાં કેટલાય બાળકોના બલિ ચઢાવ્યાની વાતો બહાર આવી છે .. જે કોઈ સહેજ પણ માથું ઊંચું કરે અને એના કાળા કરતુકો વિષે બોલવા પ્રયત્ન કરે તો તેનો સદાય માટે નિકાલ થઇ જાય !
“આસારામ માટે આવા ખૂન કરનારાઓ કોણ છે ?” તમે પૂછશો .
“એ પણ બ્રેઈન વોશ થયેલ આસારામ પાછળ ગાંડો બનેલો સમાજ જ છે !
નહીં તો , સમગ્ર વિશ્વભરમાં ૫૦૦ જેટલા આશ્રમો શું એમ ને એમ બંધાઈ જાય ?

અહીં ઉગતા કવિ શ્રી મકરન્દભાઈનું કાવ્ય યાદ આવે :
આ ઢોંગી ધુતારાઓ
હવા ખાવા આશ્રમો બાંધે , ને ભક્તોને હવાઈ કિલ્લા બાંધી આપે .
પછી ફેફસામાં પહોંચતી હવા મસ્તકમાં પહોંચવા માંડે ;
પછી પોતે હવામાં રહે , ને પવનપાવડી પહેરીને પરદેશ ફરવા નીકળે ..
ને હવા ભરેલ અધ્યાત્મનો ફુગ્ગો વિદેશના ભક્તોને ય પકડાવી દે !
હવાની દિશા બદલાય ને દશા એ બદલાય .
ને હવા સાથે વાતો કરે , ને ઉત્તરો પણ હવામાં જ આપે !
ને બસ બધું આમ જ ચાલ્યા કરે પછી બીજા આશ્રમમાં આ ફુગ્ગો પહોંચાડે !…
આ જાતના કાવ્યો વાંચીને ક્યારેક દુઃખ થાય કે આપણી લાગણીઓ , આપણી આશા આકાંક્ષાઓ સાથે ભયન્કર રમત રમનારા આ ઢોંગી ગુરુઓથી ચેતતા રહેવાનું કોણ શીખવાડશે ?
સાચા ગુરુઓ તો પોતાના જીવન જોખમે પણ સત્ય સમાજ સમક્ષ લઇ આવે ! સોક્રેટિસ એવા ગુરુ હતા જેમના શિષ્ય હતા પ્લેટો . અને પ્લેટોના શિષ્ય બન્યા એરિસ્ટોટલ ! એ સૌ મહાન પ્રતિભાઓ માટે કહી શકાય કે,
‘ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય? બલિહારી ગુરુ આપકી કે ગોવિંદ દિયો બતાય !’
બસ , અહીં એક જ વાત દોહરાવવાનું મન થાય છે કે આ કોરોના વાઇરસ જેવા કાતિલ ઢોંગી વાઇરસ પણ હવામાં છે જ . સમજણનો માસ્ક અને ભાવનાઓની દુરી રાખીને એવા ઢોંગી ધૂતારાઓથી દૂર જ રહેવું !
અસ્તુ !

એક સિક્કો બે બાજુ : 27) કૂપ મંડૂક દેશ!


ભારત દેશના ભૂતકાળની વાત આપણે આ કોલમમાં કરી રહ્યાં છીએ : શું થઇ રહ્યું હતું આપણા દેશમાં કે જે થકી એ ગુલામ બન્યો ?

એક દેડકો અને એનું આખું કુટુંબ એક કુવામાં રહેતું હતું . એક દિવસ એક નાનકડું દેડકું કોઈ છોકરી પાણી ભરવા આવી ત્યારે એના ઘડામાં ભરાઈ ગયું અને કુવામાંથી બહાર આવ્યું !! અને ઓહોહો ! એણે જોયું કે આ આકાશ તો બહુ મોટું છે ! એણે જોયું કે અહીં કૂવાની બહાર એક આખી દુનિયા વસે છે જે કૂવાના નાનકડાં વર્તુળ કરતાં ઘણી જ મોટી છે !! એટલે એ દેડકાએ પાછા કુવામાં જઈને બીજા દેડકાઓને મોટા આકાશની વાત કરી . સૂરજ અને ચાંદા સાથે રાત્રીએ દેખાતાં અગણિત તારલિયાઓની વાત કરી અને વિશાળ ધરતી આજુબાજુના ખુલ્લા મેદાનો , મકાનો , વૃક્ષઓ અને વાહનો એ સૌની વાત કરી !!
હવે તમે કહો , આગળ શું બન્યું હશે?
તમે કહેશો કે સૌ વડીલ દેડકાંઓએ એ નાનકડાં દેડકાનું સન્માન કર્યું હશે અને આવી સારી સાચી હકીકત જણાવવા એનો આભાર માન્યો હશે ! બધાં દેડકાંઓએ બહારની દુનિયા જોવા માટેનો પ્લાન ઘડ્યો હશે અને પોતાની વિચાર શક્તિને વિશાળ કરી હશે અને વર્તનમાં પરિવર્તન આણ્યું હશે , ખરું ને ?
પણ , આ તો સત્તરમી અઢારમી ઓગણીસમી સદીના ભારત દેશની વાત છે !
અખાને એટલે તો લખવું પડ્યું ; “ કોઈ આવીને વાત જો સૂરજની કરે , તો આગળ જઈ ચાંચ જ ધરે:
અમારે આટલાં વર્ષ અંધારે ગયાં અને તમે આટલાં ડાહ્યાં ક્યાંથી થયાં?
હા , દેશ આખ્ખો અંધકારમાં ગરક થઇ ગયો હતો ..
દેશની આબાદી અને પ્રગતિને કારણે વિશ્વમાંથી સૌ ભારતમાં ભણવા , વહેપાર ઉદ્યોગ કરવા અને ઉચ્ચ સંસ્કૃતિ અનુભવવા આવતાં હતાં , પણ એમણે જોયું કે અહીં તો દેશ સાવ રેઢિયાળ પડ્યો છે ! સૌ પોતપોતાના અહમને સંતોષવા જ્ઞાતિ – જાતિ અને ઊંચ નીચ નાં વાડા કરીને બેઠું છે ! આપણે ત્યાં ચાર વર્ણ – જાતિની પ્રથા હોવાથી ક્ષત્રિઓના હાથમાં રાજ વહીવટ હતો ; અને એટલે એમની પ્રશંશા કરનાર ચારણ વર્ગ રાજાને ખમ્મા ખમ્મા કહેવા ઉભો થઇ ગયો !
બ્રાહ્મણ વર્ગ વિદ્વાન અને દિવ્ય વિચાર ધરાવનાર હતો એટલે એમણે સંસ્કૃતમાં શ્લોક સંહિતાઓ ઉચ્ચારણ સાથે યજ્ઞો કરવા માંડ્યાં.. ફલાણું ફળ અને ફલાણું ફૂલ આ ભગવાનને ધરાવો , અમુક જાતનો રુદ્રાક્ષ મણકો અમુક રીતે માળામાં મૂકીને માળા કરો .. એમ માત્ર બાહ્ય આડંબરોમાં એ સમાજ રચ્યો પચ્યો રહેવા લાગ્યો ! બિચારા વણિક વર્ગને પૂરું અક્ષર જ્ઞાન ના હોય એટલે એ વહેપાર તો કરે પણ બ્રાહ્મણને સાથે રાખે જે વાંચવાનું અને વ્રત વિધિનું કામ કરે !
ને સૌથી ખરાબ દશા પેલા ક્ષુદ્ર વર્ગની થઇ ! બિચારાં બ્રાહ્મણો અને ક્ષત્રિય અને વણિક વર્ગની સેવા કરવા કાયમ ક્ષુધાતુર – છતાં હવે સૌના અહંકાર અને અભિમાનને લીધે ત્યાજ્ય બન્યા ! એટલી હદે કે હવે એ લોકોને અસ્પ્રુશ્ય ગણીને અડવાણી પણ મનાઈ !
અને સ્ત્રીઓનું શું થયું ?
દેશમાં ધર્માન્ધ પરદેશીઓએ આક્રમણો કરવા માંડ્યાં ત્યારે સૌએ ભેગાં થઈને દુશમનોનો સામનો કરવાને બદલે પોતપોતાનાં વાડાઓમાં બેસી રહીને પડોશી રાજ્યને પડવા દીધું ! સ્ત્રી વર્ગ માટે જાત સાંભળવા એક જ રસ્તો હતો – કેસરિયા કરવા ! સતી થવું ! ને જે રાજ્ય ગુલામ બન્યું ત્યાં પર ધર્મીઓથી બચાવ પરદા પ્રથા આવી ગઈ !
હવે જીવનમાંથી સૌનો રસ ઉડી ગયો . આત્માનું કલ્યાણ કરો અને આવતે ભવે સુખ મળશે એવી ભાવનાથી દેશ ટકી રહ્યો ..પંડિતોએ પણ હાથમાં શસ્ત્ર લેવાને બદલે માત્ર યજ્ઞો પૂજા પાઠ કરીને ઉપરથી ભગવાન શિવ કે કૃષ્ણ કે પોતાના અન્ય ઇષ્ટ દેવને ધરતી પર બોલાવવા અરજ કરવા માંડી!! કૃષ્ણે ગીતામાં જયારે ગાયું હતું :
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત ; અભ્યુત્થાન અધર્મસ્ય સંભવામિ યુગે યુગે ‘ એ રીતે સૌ યજ્ઞો કરતાં બેસી રહ્યા; “ હમણાં ભગવાન અવતાર લેશે અને આ દુષ્ટોને મારી નાખશે !”
બસ એમ એ યાદ કરીને સૌ બેસી રહ્યાં હાથ જોડીને !! સોમનાથનું મંદિર જયારે લુંટાતુ હતું ત્યારે મંદિરના પુજારીઓ આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરતાં હતાં; “. અમને બચાવો !” શું ભગવાન એમ ઉપરથી ઉતરીને આવવાના હતાં ?
પણ એ સાથે એક બીજો વર્ગ પણ ઉભો થયો : તે હતો ભણેલ ગણેલ સુધારક વર્ગ .
પ્રિય વાચકમિત્રો ! આપણે ત્યાં જયારે ગાંધીજી સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે એમણે એક વર્ષ સમગ્ર ભારતમાં મુસાફરી કરી હતી , એમણે વિચાર્યું અજગરની જેમ ઘેરી ઊંઘમાં ઊંઘતા આ દેશને જગાડવો કેવી રીતે ?
પણ એ ઊંઘતા – આત્મશ્લાઘામાં ડૂબેલ દેશને જગાડવાનું કામ નરસિંહ મહેતાથી માંડીને અખો અને કબીર એમ ઘણા કવિઓએ કર્યું છે .. પણ અહીં તો કૂપમંડૂક પ્રજા હતી !
કૂવાના દેડકાને જેમ કૂવામાંથી માત્ર નાનકડું આકાશ જ દેખાય તેમ આ દેશમાં પણ લોકો બસ એજ અંધશ્રદ્ધામાં સબડતા મંત્ર તંત્ર અને દોરા ધાગા અને જાપ તપમાં ડૂબી ગયાં હતાં !
આજન્મ મરણાન્તામ ચ ગંગા આદિ તટિનીસ્થિતઃ
કૂપ મંડૂક પ્રમુખઃ યોગિનઃ તે. ભવતિ કિમ ?
અર્થાત – આખી જંદગી ગંગા જેવા સ્થળને કિનારે રહેનાર દેડકાઓ શું યોગી બની શકે ખરાં?
ભારતના પૂર્વ ભાગમાં રાજા રામ મોહનરાય ( ૧૭૭૨- ૧૮૩૩ ) જેવા સુધારકો અઢારમી સદીમાં થયા
અને પશ્ચિમમાં દયાનંદ સરસ્વતી જેવી પ્રતિભા જન્મી ( તેઓ સૌરાષ્ટમાં જન્મેલ ૧૮૨૪ -1883) ઓગણીસમી સદીમાં – એમને આર્ય સમાજની સ્થાપના કરી .મૂર્તિ પૂજામાં જે દુષણો ભરાઈ ગયા હતાં તેની સામે તેઓએ વિરોધ કર્યો !
“કાના ને માખણ ભાવે , કાનાને મિસરી ભાવે “ એમ ભોગો ધરાવી ધરાવીને સમાજ ગરીબોના આસું પર પોતાના સ્વર્ગની કોઈ અલૌકિક કલ્પનામાં સ્વપ્નમાં રાચતો હતો !
બિચારાં ગરીબોને મોઢેથી લઈને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક થતો !
આ બધાં સુધારક લોકોએ ખોટા જાતિવાદ- ઊંચ નીચના ભેદ મિટાવવા હાકલ કરી .
“કોઈ ધર્મમાં મૂર્તિ પૂજા નથી – માત્ર એક જ ભગવાન છે -તેની માનસિક પૂજા કરો “ એ કહે .
કુર્વન્તો વિશ્વમ આર્યમ ! એમણે સમગ્ર વિશ્વને આર્યમ- સુધરેલું બનાવવા બીડું ઝડપ્યું . જો કે એમને પુરી સફળતા ના મળી કારણકે એમનું અકાળે મૃત્યુ થયું . (એની પણ એક રસપ્રદ વાત છે :એમના રસોઇયાએ કોઈની ચઢવણીથી દયાનંદ સરસ્વતીને દૂધમાં ઝેર આપ્યું, પણ પછી એને પસ્તાવો થયો એટલે એણે સાચી વાત કહી દીધી . દયાનન્દે એને પૈસા આપ્યા અને સવારે કોઈ પકડવા આવે તે પહેલાં એને ભગાડી દીધો , પણ એને કહ્યું કે મારે જે સુધારા કરવા છે તે હવે હું કરી શકીશ નહીં ) દોઢ મહિના સુધી ઝઝૂમ્યા બાદ એ મૃત્યુ પામ્યા અને એમનું કાર્ય અધૂરું રહ્યું ..
તો વિવેકાનંદ જેવી તેજસ્વી પ્રતિભાએ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની યાદમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી ..( ૧૮૯૨માં ) બાળ લગ્નો અટકાવવા , છોકરીઓને દૂધ પીતી કરવાના દુષણો , પરદા પ્રથા , સતી કરવાના રિવાજો સામે આ સૌ કટી બધ્ધ થયા છે , પણ બહુ ઓછો બદલાવ લાવી શક્યાં છે . વિધવાઓને ફરીથી લગ્ન કરવાની છૂટ આપવી જોઈએ , એમને ભણવાનો હક્ક હોવો જોઈએ વગેરે વગેરે હિમાયતો એ સૌ સુધારકોએ કરી ..
પણ , આપણા ધર્મે તો સૌને કૂપ મંડુકતાં બતાવી : દરિયો ઓળગવાની જ મનાઈ ! બહાર જાઓ તો બહારની દુનિયાનો ખ્યાલ આવે ને ?
ગાંધીજી ૧૯૧૫માં દેશમાં આવ્યા ત્યારે આ બધાં સુધારકોની મહેનત છતાં દેશ અંધકાર યુગમાં ઊંઘતો હતો .. ગાંધીજીએ ઇંગ્લેન્ડ નિવાસ દરમ્યન અને પછી સાઉથ આફ્રિકામાં જોયું હતું કે ત્યાંની સ્ત્રીઓ તો આસાનીથી બધાં સાથે વાતો કરે છે ! એ કોઈ પરદામાં રહેતી નથી . એ કોઈ સ્ત્રી માત્ર ઘરમાં જ બેસી રહેતી નથી . છૂટથી હરે છે , ફરે છે અને પર પુરુષ સાથે વાતો પણ કરે છે .. તો આપણો દેશ તો સ્ત્રીની પૂજા કરતો હતો . સ્ત્રી શક્તિનું ગૌરવ કરતો હતો તે આવો કેવી રીતે બની ગયો ?
અને દેશમાં નવો પવન ફુંકાયો . જે કામ પહેલાં કોઈ જ કરી શક્યું નહોતું તે – દેશમાં સ્ત્રીઓ પણ ઝંડા હાથમાં લઈને ;
“ સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે “ એમ ગાતી બહાર આવી . અને દેશમાં આઝાદીનો પવન ફુંકાયો
માતા તારો બેટડો આવે ; આશાહીન એકલો આવે !
જ્વાળામુખી એને કાળજડે રે , ને આંખમાં અમૃત ધાર !
ભેળાં કાળ નોતરાં લાવે , માતા તારો બેટડો આવે!” એકલે હાથે ઝઝૂમવાની આ vat ગાંધી યુગમાં ઝવેરચંદ મેઘાણીએ લખી છે . બસ , દેશમાં ચૈતન્ય આવ્યું . ને પછી આઝાદી પણ આવી .
હા , દેશની આઝાદીમાં સ્ત્રીઓએ પણ અમૂલ્ય ફાળો આપ્યો છે . સિક્કાની એ બીજી બાજુની વાત આવતે અંકે !