અંતરથી આભાર “બેઠક પરિવારનો” !-ગીતાબેન ભટ્ટ

e0aa97e0ab80e0aaa4e0aabee0aaace0ab87e0aaa8-e0aaade0aa9fe0ab8de0aa9f.jpg
ધનતેરસથી શરૂ થયેલ લેખમાળાને અહીં વિરામ આપીએ છીએ ત્યારે અંતરથી આભાર બેઠક પરિવારનો !
અહીં અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્યજગતમાં વાંચન- લેખનની ભૂખ જગાડવી અને પછી એ જ્ઞાનપીપાસાને સારાં ગુણવત્તાનાં વાંચનલેખન દ્વારા સંતૃપ્ત કરવી ,એ સહેજે સરળ કાર્ય નથી : પણ સાન્ફ્રાન્સિસ્કોમાં ‘બેઠક’પરિવાર આ કાર્ય ધગશથી કરે છે! અને “શબ્દોનુંસર્જન બ્લોગ”દ્વારા એ સ્થળકાળનું અંતર મીટાવીને સૌ સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચે છે!
 શબ્દોનુંસર્જનબ્લોગ”નાં પ્રણેતા પ્રજ્ઞાબેન દાદભાવાળાનો માત્ર આભાર માની હું અમારી મૈત્રીને સીમિત નહીં કરું ;પરંતુ એમની વ્યક્તિને ઓળખી તેના વ્યક્તિત્વને પિછાણી, તેને સાહિત્યક્ષેત્રે ખીલવવાની ધગસને હું જરૂર બિરદાવું છું.
જીવનના સીધા સરળ કે જટિલ આયામો સામે ‘આવુંકેમ’ વિચારવા અને શબ્દદેહ આપવા, દર અઠવાડીએ નિયમિત લખવા મને પ્રોત્સાહિત કરી હોયતો તે ઓએ ! તેમની સાથે કલાકો સુધી ‘આવુંકેમ’ કોલમને સંવારવા કરેલા સંવાદોની સુંદર ફલશ્રુતિતે આલેખમાળા !
વાચકોને અવનવું પિરસવાનાં ઉત્સાહમાં મારી જ્ઞાનક્ષુધા પણ જાગૃત થઇ ,નવી દિશાઓ ઉઘડી અને નવો પવન લહેરાયો ! આલેખમાળાને અહીં વિરામ આપીએ છીએ અંતરથી આભારસહ! અને નવાં પ્રયોગોને પણ એટલાજ ઉમળકાથી આપ સૌ વધાવી લેશો તે આશા સાથે, ફીરમિલેંગે!
અસ્તુ!
ગીતાબેન ભટ્ટ 
*****************
વાચક  મિત્રો 
જીવનના સીધા સરળ કે જટિલ આયામો સામે ‘આવું કેમ’પ્રશ્ન ઉપજે પણ પ્રશ્નને  શબ્દદેહ આપી ગીતાબેને પ્રશ્નની આપણી સમક્ષ એક લેખમાળા મુકી  અને આપ સૌએ વાંચી વધાવી માટે આભાર।
ઘણા લોકો પાસે એક પ્રકારનું કુતુહલ હોય છે ,કુતુહલ વિસ્મય, જીજ્ઞાશા,શાણપણ અને પ્રજ્ઞા એ માણસના મનના પંચમહાભૂત છે. ગીતાબેન પાસે કુતુહુલ છે પણ સાથે આગળ જીજ્ઞાશા વધવાની છે. આવું કેમ ? એ મૂકી દીધેલો પ્રશ્ન  માત્ર નથી પણ વાચકને જાગૃત  કરવાનો પ્રયાસ છે. એમના એક્કાવન  લેખ આજે અહીં પુરા થાય છે ત્યારે કહેવાનું કે ​જીવનમાં ઘુમરાયા કરતી વાત આપણને સોંપી દઈ એમના પ્રશ્નોએ આપણને સૌને સ્પર્શીને વિચારતા કર્યા છે કેટલાક પ્રશ્નોએ તો આપણને નિરુત્તર પણ કર્યા છે. તો ક્યારેક તેમના પ્રશ્નો થકી  પોતે પણ ​વિકસી જ્ઞાન વધાર્યું છે.તેમના પ્રશ્નોમાં તુલનાત્મક વાતો અને વાંચનના અભ્યાસ પડઘા વરતાય છે. જેને લીધે જાણવા માણવા અને સમજવાનું ઘણું  મળ્યું છે.
આપ સૌએ એમની લેખમાળાના સહભાગી થયા છો.2010માં “શબ્દોનુંસર્જન” નામનો બ્લોગ શરુ કર્યો,ત્યારબાદ “પુસ્તક પરબ એજ બેઠક”ના  નામે ચાલતો આ બ્લોગ આટલો વિસ્તરશે અને અનેકની કલમને ગતિ આપશે તેની ખબરજ ક્યાં હતી? શિકાગો થી કોઈ આવે અને શબ્દ અને સાહિત્ય થકી  મિત્રતા સર્જાય ત્યારે મને કલમની તાકાત દેખાય છે.વાચકો સાથે ગીતાબેને  પ્રશ્ન પુછી સેતુ બાંધ્યો છે અને એક પ્રશ્નના અનેક જવાબ અભિપ્રાય રૂપે મેળવ્યા છે.ભાષા તમારી અને મારા જેવી છે.વાત અને પ્રશ્ન તમારા અને મારા છે, પ્રશ્નને વાચા આપી છે માટે એક એમનો પ્રશ્ન વ્યક્તિમાંથી બહાર નીકળી વિરાટ વર્તુળમાં ચર્ચાયો છે. ભાષા સરળ છે એટલે વાત ગળે  ઉતરી છે. એમની આ લેખમાળા ભલે પુરી થતી હોય તેમની નવી કોલમ કલમને ગતિમય રાખશે. હવે પછી નવા જ વિચારો સાથે  ગીતાબેનની  નવી ​કોલમ આપણને સૌને એક નવોજ અનુભવ કરાવશે. 
આ લેખમાળા લખવાની મારી ઈચ્છાને માન આપી લખવા બદલ ​ગીતાબેનનો  આભાર  સાથે તેમના પતિ ​સુભાષભાઈ ભટ્ટ નો ​ પ્રેરણા આપ્યા બદલ આભાર માનું છું.  નિખાલસ ​ થઇ સરળ ​થવાનું મને વધુ ગમે છે.શબ્દોનુંસર્જન બ્લોગમાં સર્જકના શબ્દોની, વિચારોની રમણીયતા ને આપણે પાનામાં વહેંચી છે ત્યારે ભાવકો પ્રતિભાવ આપી ​એમને લખાવે છે,માટે વાચકોનો આભાર..
પ્રજ્ઞા દાદભાવાળા

૫૧) આવું કેમ? બ્લોગની બલિહારી !

બ્લોગની બલિહારી !
ગાડી ઉપડી ગઈ એટલે આપણે શું ટ્રેન ચુકી ગયાં એમ સમજવાનું?
અરે ના રે ના! જ્યાં સુધી ગાડી પ્લેટફોર્મ પરથી પસાર થઇ રહી છે , અને વેગ પકડે એ પહેલાં જો આપણે છેલ્લો ડબ્બો પકડી લઈએ તો ટ્રેન ચૂક્યાં કહેવાય નહીં !
“ આવું કેમ?” લેખ માળાનો આ છેલ્લો મણકો – સોરી છેલ્લો બિસ્ત્રો પટારો છે! એકાવનમો!
પચાસ પ્રશ્નોની હારમાળા લઈને શબ્દોનું સર્જન બ્લોગની ગાડી ઉપડી તો ખરી , અને વાચક મિત્રોએ આવજો બાય બાય પણ કહ્યું ! પણ પછી થયું કે આ પચાસ દાગીનામાં -લગેજમાં -એક વધારે દાગીનો ઉમેરીએ તો કેમ?
પણ એવું કેમ?
સામાન્ય રીતે શુભ કાર્યમાં ચાંલ્લામાં સો ને બદલે એકસો એક , પાંચ સો નહીં પાંચસો એક એમ લખાતું હોય છે, તો શબ્દોનું સર્જન બ્લોગમાં આ પચાસ નહીં પણ એકાવનનો શુભ આંક કેવો સુંદર લાગે!
આમેય , પચાસ એટલે અર્ધી સદી !
અર્ધી સદી પછી જીવનમાંયે વન પ્રવેશ આવે !
પછી એ સુંદર વન હોય, ઉપવન હોય કે ભેંકાર વન હોય કેપછી જીવનમાં એ નંબર વન (one ) હોય: એ બધું વ્યક્તિના અભિગમ પ્રમાણે અભિવ્યક્ત થાય ( પરિસ્થિતિ પ્રમાણે નહીં જ નહીં) અને જ્યારથી આ ઇન્ટરનેટ જગતની બલિહારી શરૂ થઇ છે ત્યારથી વ્યક્તિનું જગત જાણે કે સાવ બદલાઈ ગયું !
સવાર પડ્યું નથી ને ‘ શુભ સવાર’ ની શુભેચ્છાઓ સાથે સુવિચાર , સમાચાર – સ્થાનિક સમાચાર, દેશના સમાચાર ,દૂરના સમાચાર, અરે સમાચારો અને માહિતી સાથે ઉપદેશો અને ઈનફર્મેશનથી આપણાં ઇલોક્ટ્રોનિક ગેજેટ -ફોન , આઈ પેડ કે કમ્પ્યુટર ભરાઈ ગયાં જ સમજો !
પહેલાં તો સવારના પહોરમાં કદાચ એકાદ બે છાપાં આવતાં ; આપણે વાંચીએ , વિચારીએ અને ક્યારેક ‘ વાચકોના મંતવ્ય ‘ વિભાગમાં લખીએય ખરાં ! પણ એમાંયે કેટલી મહેનત પડે!
સૌ પ્રથમ તો કાગળ લખવાનો , પછીપોષ્ટ કરવાનો , તેમાં એકાદ બે અઠવાડિયા જતા રહે ! તેનાથી વિરુદ્ધ , હવે આ બ્લોગ જગતની બલિહારી જુઓ ! સવાર પડે ને મેઈલ બોક્સ કૈંક કેટલીયે નવી બ્લોગ પોષ્ટથી ઉભરાઈ જાય !
આપણાં આ યુગનું સૌથી મહત્વનું પ્રદાન શું?
નાનપણમાં , ક્લાસમાં સાહેબ શિખવાડતાં: આદિ માનવ પહેલાં જંગલી અવસ્થામાં જીવતો હતો ! પછી અગ્નિને નાથીને અગ્નિનો ઉપયોગ કરતાં શીખીને આદિ માનવ સંસ્કૃત થયો !
પૈડાંની શોધ કરી ને માણસે વિજ્ઞાનમાં પગ મૂક્યો!
ને હવે આ ઇન્ટરનેટની શોધ પછી માનવી વિજ્ઞાનમાંથી મહા જ્ઞાનના મહાસાગરમાં મ્હાલી રહ્યો છે! ઓહોહોહો !
માહિતીઓનો મહા સાગર ! ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ! I. T. ! અને આજે વાત કરીશું બ્લોગ જગતની!
કેટ કેટલાં બ્લોગ છે આ વિશ્વમાં ! ગણ્યા ગણાય નહીં , વીણ્યાં વીણાય નહીં ;ને તો યે મારાં ઇમેઇલ એડ્રેશમાં સમાય!
એકલા ગુજરાતી ભાષામાં જ સાહિત્યને લગતા પાંચ હજાર જેટલાં બ્લોગ હશે !
પણ પછી એક પ્રશ્ન થયો :
શું તફાવત છે બ્લોગમાં અને વેબસાઈટ માં ?
આમ જુઓ તો બન્ને સરખાં જ લાગે ! પણ છતાંયે મોટો તફાવત છે એ બન્નેની રચના અને કાર્ય ક્ષેત્રમાં !એ માટે વિદ્દવત્ત જનોને પૂછ્યુંય ખરું !
સીધું મગજમાં ઉતર્યું તે કૈંકઆવું હતું :
વેબ સાઈટ એટલે જાણે કે એક છાપું ; અને બ્લોગ એટલે છાપાનાં છૂટાં છવાયાં પાનાં!
વેબ સાઈટમાં મુખ્ય હોમ પેઈજ હોય જેમાં વેબ સાઈટ પોતાના હોમની જેમ આખા ઘરનાં લિવિંગરૂમ, રસોડું અને અન્ય ઓરડાઓ : બેડરૂમ , પૂજારૂમ , લાયબ્રેરી વગેરે વિષે માહિતી આપે. પછીએ દરેક વિભાગ પર ક્લિક કરવાથી જે તે વિભાગની માહિતી મળે : પૂજા રૂમમાં કયા કયા ભગવાનની છબી છે, પુસ્તકાલયમાં કયા કયા પુસ્તકો છે વગેરે વગેરે વિષયની ઉંડાણથી માહિતી મળે ;
પણ બ્લોગની રચના જરા જુદી રીતે થાય છે:
બ્લોગમાં આપણે સીધા જ પેલી પૂજારૂમમાં પહોંચી ને જે તે વિષયની માહિતી પ્રાપ્ત કરીએ છીએ . આ રીતે બ્લોગનું ક્ષેત્ર સીમિત અને મર્યાદિત !
અને હા , કાર્ય ક્ષમતાની જેમ વેબસાઇટની રચના પણએટલી જ ગહન અને કોમ્પ્લિકેટેડ છે ! કોઈ નવા ઘરનું બાંધકામ જેમ નવા પાયા નાખીને થાય તેમ એને છેક પાયાથી સર્જવી પડે! એટલે એનું ફલક પણ વિશાલ ! દા. ત . ફેસબુક , એપલ , યુટ્યુબ , બધી એરલાઇન્સ , ગુજરાતી સાહિત્ય એકાડમી વગેરે વગેરેની પોતાની વેબ સાઈટ છે! તેમાં તેના અસંખ્ય પેટા વિભાગો અને તેનાયે ઉપપેટા વિભાગો છે.
મોટા બિઝનેસ જાયન્ટ્સથી માંડીને નાની સંસ્થાઓ પોતાની વેબ સાઈટ રાખે છે ! હા, તેને કાર્યક્ષમ રાખવાનો ખર્ચો પણ કદાચ ઘણો થતો હશે ! વેબસાઈટ પર કોઈ સારી પ્રોડક્ટ કે એરલાઈનની ટિકિટ ખરીદવાની સુવિધા છે જેને આપણે ઓન લાઈન શોપીંગ કહીએ છીએ !
જયારે બ્લોગ જગતની વાત સાવ ન્યારી ! એમાં WordPress વર્ડપ્રેસ અને blogger બ્લોગર જેવી વેબસાઈટે આપણાં જેવા સોસ્યલ લોકો માટે પ્રાથમિક સ્તરે નિઃશુલ્ક બ્લોગની સગવડ કરી છે!
એટલે જ આપણ સૌનું એક બ્લોગ જગત છે!
ઘણાં મિત્રોના પોતાના બ્લોગ છે ; તો ઘણાં એવી ઝંઝટમાં ના પડતાં અન્ય બ્લોગના કાયમના Follower અનુયાયી બને છે! બ્લોગ વાંચતા કે બ્લોગમાં લખતાં બ્લોગર્સનું પોતાનું એક અનોખું વિશાળ સંકુલ બની જાય છે જે મારી દ્રષ્ટિએ આજના યુગનું મહત્વનું પ્રદાન છે !
શબ્દોનું સર્જન જેવા સાહિત્યના બ્લોગ દ્વારા આપણે દૂર દૂર સુધી મૈત્રી સેતુ બાંધી શક્યાં છીએ તો નજીકમાં નજીકના મિત્ર સાથે વાર્તાલાપ -વિચારોની આપ લે થઇ શકે છે! અરે એકાકી અને અટૂલાં અથવા શારીરિક રીતે અશ્ક્તને આ બ્લોગ જગતે ‘પંગુમ લંઘયતે ગિરિમ ‘જેમ અગતિગમન કરીને માનસિક રીતે હરતાં ફરતાં કરી દીધાં છે!
‘હા , એ બધું સાચું ;પણ તમારી પેલી ગાડી ઉપડ્યા પછી ચાલુ ગાડીએ ચઢવાની વાત બરાબર નથી’ કોઈએ કહ્યું .
“ ટ્રેન ઉપડી ના હોય, બધાં ગાડીમાં બેસી ગયાં હોય, બધો સમાન ગાડીમાં મુકાઈ ગયો હોય અને આવજો બાય બાયની વિધિ પતી ગઈ હોય, બારણાં બંધ થઇ ગયાં હોય અને પછી તમે ગમે તેટલાં બારણાં ખખડાવો તોયે બારણાં ના ખુલે અરે બારીએ નાખુલે; તેવું યે બને!”
“ અરે એવું તે હોતું હશે? પ્લેટફોર્મ પર ગાડી ઉભી હોય , ગાડીમાં જગ્યા હોય અને તોયે ગાડી ચૂકવી પડે?
એવું કેમ?” મેં પ્રશ્ન કર્યો !
“ અમેરિકામાં ગાડીમાં બધાં બેસી જાય અને ગાડીનું બોર્ડિંગ પૂરું થયાં પછી, બારણાં બંધ થયાં પછી ગાડીને પકડવું હિતાવહ નથી!” તમે લુચ્ચું હસીને કહો છો!
“ હવે ના પૂછશો આવું કેમ!”

૫૦) આવું કેમ? પ્રશ્નોની પરંપરા: આવું કેમ!

પ્રિય વાચક મિત્ર!
આજે ફરી એક વાર , એટલેકે પચ્ચાસમી વાર, વળી એક પ્રશ્ન લઈને આવું છું: આવું કેમ!
દર અઠવાડીએ વળી એક નવો પ્રશ્ન! અને એમ આપણો આ સંવાદ શરૂ થયો ! “ શબ્દોનું સર્જન “ બ્લોગ દ્વારા અસંખ્ય ગુજરાતી સાહિત્ય હિતેચ્છુઓનો પરિચય થયો! અને રોજિંદા જીવનમાં “શબ્દ સર્જન” બેઠકે સ્થાન લઇ લીધું !
હા ; “આવું કેમ?”પ્રશ્ન તો ઉખેડ્યો , પણ પછી શું?
ઘણા ઘણા પ્રશ્નો ઉદભવ્યા આ પચાસ અઠવાડિયાઓમાં ! કેટલાક મુદ્દાઓ જુના પુરાણા હતા , કેટલાક મુદ્દાઓ નવા , ન સમજાય ન ચાંચ ડૂબે તેવા – પણ વાતમાં તથ્ય હતું , સવાલ પણ વ્યાજબી જ હતા કે આવું કેમ છે ? આવું કેમ થાય છે?
આપણી જ સંસ્કૃતિ – ધાર્મિક માન્યતાઓ , રીત રિવાજને પડકારતા કેટલાક પ્રશ્નો , ચીલાચાલુ ઢાંચામાંથી કાંઈક નવું વિચારવા વાચકમિત્ર સાથેનો આ સંયુક્ત પ્રયાસ હતો !
સાચી દીવાળી- ધનતેરસ , દેવ દીવાળી, રથયાત્રા, પદ યાત્રા વગેરે મુદ્દાઓ ઉપરાંત ધર્મ ‘ગુરુઓનું ક્વોલિફિકેશન શું ?’ એવા પાયાના મુદ્દાઓને સ્પર્શવા પ્રયત્ન કર્યો !
કોમેન્ટ બોક્સમાં વાચકમિત્રોએ કૉમેન્ટ્સ લખીને પોતાના અભિપ્રાયો પણ આપ્યા.અને આવકાર્યાં.
કેટલાક પ્રશ્નો રજૂ કર્યા તે બહુધા બે સંસ્કૃતિઓ , બે દેશમાં રહેવાને કારણે ઉદભવેલા કહી શકાય! કૈંક નવું જોયું ને વાચક સમક્ષ રજૂ કર્યું : પાનખરમાં પ્રેતાત્માનો ઉત્સવ હેલોવીન;કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ થેંક્સગિવિંગ ડે; ક્રિશ્ચિયન લોકોનો ધાર્મિક તહેવાર: ઈસ્ટર અને ધાર્મિકતા ;જીસસ અને કૃષ્ણ ; અને આપણી બે સંસ્કૃતિ વચ્ચે મથામણ કરતો લેખ : જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ ; વગેરે વગેરે… જેને આપ સૌએ રસથી આસ્વાદયા.
થોડાક પ્રશ્નો આપણી કૌટુંબિક જીવન શૈલીને સ્પર્શતા હતા :
ટી વી અને આજના બાળકો; બાળ ઉછેર અને સ્ટ્રેસ; તહેવારો અને વડીલ વર્ગ; સફળતા અને એકલતા ; લગ્ન વિચ્છેદ / પણ શા માટે ? વગેરે પરિવારને સ્પર્શતા મુદ્દાઓ ઉપર પણ થોડી વિચારણાઓ કરી . અને આપ સૌનો તેને ટિપ્પણીમાં યોગ્ય ન્યાય મળ્યો !
રાજકીય ક્ષેત્રને બને તેટલું દૂર રાખવાનો વિચાર હતો પરંતુ સીધા નહીં તો આડકતરે માર્ગે થોડાક પ્રશ્નો એ વિષયમાં પણ ઉભા કર્યા !
દા . ત . ચૂંટણી અને મતદાન ! નશાકારક ડ્રગ્સને કાયદેસર કર્યા તે ;અમેરિકાનો સ્વતંત્ર દિન; મેમૉરિઅલડે – શહીદ દિન ;લેબર ડે શ્રમ દિવસ ..વગેરે વગેરે!
તો આજે આપણે સતત જે વાતાવરણમાં શ્વસી રહ્યાં છીએ તે પર્યાવરણને લગતાં પ્રશ્નો જે વિષે ચર્ચા શરૂ કરતાં પહેલાં જ મારી મુંઝવણ વધી ગઈ હતી : આવું? આવા વાતાવરણમાં આપણે જીવીએ છીએ? તે મુદ્દાઓ હતા- અકુદરતી ધુમ્મસ , પોલ્યુશન અને ફોગ, જ્વાળામુખી ની નદીઓ અને હજુ હમણાં જ તાજેતરમાં લખેલ લેખ: ‘કુદરતી પ્રકોપ અને માનવી ! ‘ જે લખતાં લખતાં જ સતત લાગ્યાં કર્યું : કેટલો પામર છે માનવી! શું તાકાત છે આપણી કુદરત સામે ઝઝૂમવાની ?
તો શિક્ષણ વિષયક પ્રશ્નો પણ છેડ્યા વિદ્યા મંદિરને દ્વારે જેવા લેખમાં !
અને રશિયાની મારી મુલાકાત દરમ્યાન વેકેશનની વાતો પણ કરી!
હા , આ અને આવા અવિરથ વણ થંભ્યા પ્રશ્નોની વણઝારમાં વાચક સાથે જાણેકે પોતીકાપણાનો ભાવ બંધાયો , અને નિવૃત્તિને આરે ઊભીને શિકાગોનું જૂનું ઘર ખાલી કરી નવા ગામ લોસએન્જલ્સમાં ,નવા રાજ્યમાં જવાની ઍન્ગ્ઝાયટી પણ વ્યક્ત કરી અરે, રોજનીશી અને ડાયરી વિષેય લખી જ કાઢ્યું !
ને હજુયે પ્રશ્નોનો પ્રવાહ તો ચાલુ જ છે ! મેડિકલ મિરેકલ કે માનવીનું વિજ્ઞાનમાં પામરત્વ – હે માનવી, બીજું બધું તો ઠીક , લોહીનું એક ટીપું તો બનાવી જો – અરે બનાવવાની વાત તો દૂર રહી , લોહીના એક સેલનેય પૂરો ઓળખી શકાયો નથી ! તો આવા મહત્વના અનેક મુદ્દાઓને સ્પર્શવાનો સમય જ ના મળ્યો સાંપ્રત સમસ્યાઓ – અહીંયા અને દેશમાં અગણિત છે! તેની છણાવટ પણ હવે ભવિષ્યમાં ફરી કોઈ વાર કરીશું !
પણ ત્યાં દિલના એક ખૂણામાં પ્રશ્ન થયો : આ શું ? આટ આટલા પ્રશ્નો , પણ તેં કેટલા પ્રશ્નો ઉકેલ્યા ? કે કેટલા પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કર્યો ?
ને મન કોશવા માંડ્યું : તેં કલમ ઉપાડી ; હવે ચરણ ઉપાડ !
ને થયું : હવે આ કોલમને અહીં વિરામ આપીએ !
કાંઈક નવું કરીએ !
કોઈ નવો વિષય , કોઈ નવો વિચાર! કાંઈક નવી શૈલીમાં કાંઈક નવું ! શું? કેમ ? ક્યારે ? કેવીરીતે ?
તો આપના મંતવ્ય , અટકળ ,અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ..
આમ તો નક્કી છે જ;તો પણ આજે નહીં કહું !
આવું કેમ? બસ ,એવું જ!

૪૯)આવું કેમ? કુદરતી પ્રકોપ અને માનવી !

કુદરતી પ્રકોપ અને માનવી !
હરિકેન ફ્લોરેન્સે હાહાકાર મચાવ્યો તેનાં સમાચાર સાંભળીએ છીએ અને લાખ્ખો લોકો ચોખ્ખા પાણી , લાઈટ અને પ્રોપર રહેઠાણ વિના અટવાયાં છે તેનાં સમાચાર સાંભળીને થયું : આવું કેમ ?
આ કુદરતી આફતો શાને ?
અને યાદ આવ્યું :
વર્ષો પહેલાં , અમને કોલેજમાં પાદપૂર્તિ સ્પર્ધામાં એક અધૂરી પઁક્તિ આપી હતી :”આશા તણી નવ ઇમારત હું રચું છું!”અમારે વિદ્યાર્થીઓએ એ પઁક્તિને કાવ્યમાં ગમેત્યાં વણી લઈને કાવ્ય રચવાનું હતું !
હા , માનવી એટલે જ આશાવાદી ! જન્મથી જ એણે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો
કરીને આગળ વધવાની તમન્ના રાખવાની છે!
તો બીજી બાજુ કુદરત છે: માનવી કુદરતના પ્રકોપને ક્યારેક પડકારે છે જો એનો મુકાબલો કરવાનો આવે તો !, કાં તો એને નાથી માનવ ઉતકર્ષમાં તેનો ઉપયોગ કરે છે! ને બહુધા , પામર માનવી એને સહન કરી લે છે! એને સહન કરવું પડે છે આવું કેમ ?
આજે આપણે ચારે તરફ કુદરતના પ્રકોપના સમાચાર વિષે વાંચીએ છીએ , એનાં તાંડવઃ નૃત્યને ટી વી મીડિયા દ્વારા નિહાળીએ છીએ , અરે , ક્યારેક એમાં સપડાઈ પણ જઈએ છીએ !અને પ્રશ્ન થાય :
આવું ?
ભગવાન , આવું કેમ કરો છો ?
આ સૃષ્ટિનું સર્જન થયું ને જયારે ભગવાનને એકલા રમવાની મઝા ના આવી ત્યારે ભગવાને માનવ સર્જ્યો ! નાનકડો દેહ , પણ ગજબનું મગજ આપ્યું ! તાકાતમાં એવો નબળો કે નાનકડા સાપ , મગર અરે એક મચ્છર કે મધમાખી સામેય લડી શકે નહીં ! પણ બુદ્ધિ એવી આપી કે જાણેકે ભગવાન બનવા જાય !
હવે ભગવાનને રમતમાં રસ પડ્યો !
ભગવાનેય ક્યાંક ક્યારેકઅતિ વર્ષા આપી તો ક્યાંક અનાવૃષ્ટિ ! ક્યાંક કાળ ઝાળ અગન વર્ષા ,તો ક્યાંક હાડ થીજવી દે તેવી હિમ વર્ષા!

આજે હરિકેન ફ્લોરેન્સે નોર્થ / સાઉથ કેરોલાઇનામાં પોતાનો પરચો બતાવ્યો છે ને હોનારત સર્જી છે!
હજુ ગયા મહિને જ ઓહાયોમાં અને વાયોમીન્ગમાં ટોર્નેડો એ રોજિંદો વ્યવહાર ઠપ કરી દીધો હતો ! આજે એ વાતને ત્રણ મહિના થયા , પણ હજુ એ બધું પહેલાં જેવું યથાવત થયું નથી : અને થશે પણ નહીં !
અરે , આપણી માતૃભૂમિમાં તો ચોમાસુ બેસે એટલે પાર વિનાની મુશ્કેલીઓ સર્જાય ! ને આ બધાં વાવાઝોડાં ( હરિકેન ), ચક્રવાત ( ટોર્નેડો ) ઉપરાંત સાયક્લોન એટલેકે વંટોળ – જ્યાં સર્જાય ત્યાં હાહાકાર વ્યાપી જાય!
અને આ બધાં જાણે કે વર્ષે બે વર્ષે દેખા દે !હરિકેન અને ટૉર્નેડોની તો સીઝન જ છે! દર વર્ષે સમરમાં જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિનો એટલે અમેરિકાના પૂર્વીય રાજ્યોમાં દરિયા કિનારાના શહેરોમાં ક્યાંક હરિકેન ત્રાટકે જ!
તો ફ્લોરિડા જેવા દક્ષિણ રાજ્યોને ટોર્નેડો સતાવે ! પશ્ચિમના સુંદર ગોલ્ડન સ્ટેટ કેલિફોર્નિયાને દાવાનળ ને ધરતીકંપ જાણે કે સામાન્ય કહેવાય ! તો ઉત્તરના રાજ્યોને વિન્ટરની હિમ વર્ષા, સ્નો સ્ટોર્મ એટલે સાવ સામાન્ય વાત કહેવાય! તો , જ્વાળામુખી અને સુનામી એતો ગમે ત્યારે પ્રગટે ! આવું કેમ?
જયારે પણ આવાં અસરગ્રસ્ત સ્થળોના દ્રશ્ય ટી વી ઉપર કે પ્રત્યક્ષ જોઈએ ત્યારે દુઃખથી પુછાઈ જાય: “ ભગવાન, આવું કેમ?” આમ પણ આપણને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, તેમાં આવાં કુદરતી પ્રકોપો ?
જે ઘર , જે રસ્તાઓ ,જે નદી ઉપરનાં પુલ , ગામ , શહેર આખ્ખી વસાહતને વસતાં વસાવતાં વર્ષો થયાં હોય તે આ કુદરતી પ્રકોપો ઘડીના છઠ્ઠા ભાગમાં હતાં નહતાં કરી દે !
આવું કેમ? શું કારણ હશે આવા કુદરતી પ્રકોપો ઉભા કરીને માનવીને હેરાન કરવાનું ?
મન વિચારે ચઢ્યું ! ભગવાન શું ઈચ્છે છે માનવી પાસે ? માનવ સર્જિત વીટમ્બણાઓ તો પાર વિનાની છે જ: માનવીને ભગવાને જે બુદ્ધિ આપી દીધી છે તે !
પણ તેમાં આ કુદરત પણ વેરી બની હાહાકાર મચાવે એની પાછળ જરૂર ભગવાનનો કોઈ ને કોઈઉદ્દેશ હશે !
મન વિચારે છે!
ત્યાં કેલિફોર્નિયાની કાળઝાળ ગરમીમાં મેં બોગનવેલનાં સુંદર જામલી ગુલાબી પાંદડાંથી આચ્છાદિત ઉદ્યાનો જોયાં!
યાદ આવ્યું : સબ ઝીરો ટેમ્પ્રેચરમાં શિકાગોમાં અમારાં ગાર્ડનમાં ટ્યુલીપનાં છોડવાંના મૂળિયાં અમે પ્લાસ્ટિકની બેગમાં સંઘરી રાખીએ જે છ મહિના બાદ પણ ફરીથી જરાક સારી વેધર થાય , સહેજ ધરતી ગરમ થાય અને સ્પ્રિંગ – વસંત આવે એટલે પાછી એ ગાંઠને વાવી દઈએ ને સુંદર ફૂલ ખીલવે ! આ રીતે ટ્યુલીપનાં છોડ જીવવા માટે કટિબદ્ધ થાય!
ભંયકર ઠડીમાં પણ બારેમાસ ખીલતાં વૃક્ષો જો ઠડાં પ્રદેશોમાં છે તો નહીં વત પાણીમાં પણ ઉગતાં થોર ને આવળ બાવળ સુક્કા રણ પ્રદેશમાં છે!આને આપણે કુદરતનો ઉત્ક્રાંતિ વાદ Survival for the existence ?જ કહીશું ને! પ્રતિકૂળ સંજોગોમાં પણ ટકી રહેવું , એમાંથી જ તાકાત મેળવી ખીલવું! જીવન માટેની જીજીવિષા ! જે પ્રત્યેક જીવિત કોષોમાં ભગવાને મૂકી છે !
વીસમી સદીના આરંભે પ્લેગ , કોલેરા કે શીતળા જેવા વિશ્વ મહા રોગના જંતુઓને નાથ્યા તો એઇડ્સ , એચ આઈ વી નાં જીવડાંઓએ ઉપાડ લીધો ! એને હજુ માંડ સમજ્યાં ત્યાં ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લ્યુ ત્રાટક્યાં! શા માટે ?
આ બધાં પ્રકોપો પાછળ ભગવાનનો ઉદ્ધેશ્ય શું હોઈ શકે ?
સંઘર્ષ અને ઉતકર્ષ!
માનવી તું મહેનત કર ! હું – ભગવાન કહે કે કુદરત કહે- હું તારી સાથે છું !
ને મેં વિજયી કાવ્યની કાવ્ય પઁકતિઓ રચી :
‘ભાવિ વસંત મુજ જીવન કેરી સીંચી;
પાયા મહીં નવ જીવનને ભરું છું;
“ના માનવી કદીય પામર” એમ ગાતાં
આશા તણી નવ ઇમારત હું રચું છું!’ કુદરતી પ્રકોપો રહેશે જ – એક નહીં ને બીજો !
પણ માનવી તેને પણ પાર ઉતારશે જ! કારણ ભગવાનને માનવીમાં શ્રદ્ધા છે!
પોતાના સર્જનમાં વિશ્વાશ છે !
કેમ !આવું કેમ?
બસ ,એ તો એવું જ હોય !
એ તો ભગવાનની મરજી !!

૪૮) આવું કેમ? જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ!

જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ!
“ભાદરવો મહિનો આવ્યો પણ હજુ ઘણાં સ્થળોએ આવતાં અઠવાડીએ પણ જન્માષ્ટમી ઉજવણીના પ્રોગ્રામો થઇ રહ્યા છે!”
કોઈએ ટીકા કરતાં કહ્યું ; “ આ તો નર્યો કળિયુગ આવ્યો કહેવાય! કળિયુગ!”એમણે બળાપોકર્યો. “ભાદરવામાં કૃષ્ણ જન્મની ઉજવણી ?”
“ પણ જયારે , જેને જે અનુકૂળ હોય ત્યારે તે તેવું કરે ! તેમાં ખોટું શું છે?” મેં કહ્યું; “આમ પણ જે જન્મે તેને વિદાય લેવાની હોય છે જ ; એટલે જન્મ પછી કર્મ પ્રમાણે વિદાય અને ત્યાર પછી એનું શ્રાદ્ધ થાય , એવો વિશાળ અર્થ આપણે કરવાનો !” મેં વડીલને સાંત્વના આપતાં કહ્યું !
એ કતરાતી આંખે મારી સામે જોઈ રહ્યા ! “એક બાજુએ પારણું ઝુલાવો અને બીજી તરફ શ્રાદ્ધ માટે છાપરે વાસ મુકવા જાઓ ? નર્યો કળિયુગ!”
હા , જૂની આંખે નવા તમાસા!
જીવનમાં નવું સ્વીકારવું સહેજ અઘરું છે, પણ અશક્ય નથી! અને જયારે તમે એ નવા વિચારને સહેજ રમૂજમાં લઈને , હળવાશથી , હસી કાઢો છો ત્યારે દુઃખ જતું રહે છે, રહે છે માત્ર વાકચાતુર્ય!
જીવનમાં થોડું હસવામાં લીધું , થોડું હસીને લીધું ને થોડું હસી કાઢ્યું ! બસ જીવન આમ હસતું રાખ્યું !
“હું તો કહું છું કે ભેગાભેગી નવરાત્રીનેય સાથે લઇ લઈએ !” મેં ઉમેર્યું ;”ગણેશ ચતુર્થીના લાડવા ખાધા પછી થોડી ગરબાની રમઝટમાં કસરત પણ થઇ જાય !” મેં કહ્યું.
“અને એક બીજો વિચાર આવે છે કે ગણેશોત્સવમાં મોદક મિષ્ટાનઆરોગ્યાં પછી જો જીમાષ્ટમી – જિમ અષ્ટમી – કે વ્યાયામી એકાદશી – કસરત અગિયારસ રાખ્યાં હોય તો કેમ? “
જો કે મારી વાત કોઈનેય ગળે ઉતરી નહીં !
એક અંદાજ મુજબ આપણી અહીંની નવી પેઢીને નથી તો આપણાં આવાં મંદિરોમાં થતા અભિષેકમાં રસ કે નથી તેમનાં ભેજામાં આ શાક ભાજી કે ડ્રાય ફ્રૂટ્સના હિંડોળા ઉતરતાં!
હા , એમને જરૂર રસ પડે છે કૃષ્ણ જન્મના મટકીફોડવા ના રિવાજમાં ! કારણકે એમાં નાના બાળકોને પણ મઝા પડે તેવી પ્રવૃત્તિ છે! એમને રસ પડે છે આ મટકી ફોડીને એમાંથી ચોકલેટ નીકળે ,એ એમનાં બાળકોને -જેવી રીતે મેક્સિકન સંસ્કૃતિમાં કાગળના પિન્યાટા બનાવીને વર્ષગાંઠની પાર્ટીમાં બાળકો લાકડીથી ફોડી એમાંથી ચોકલેટ, કેન્ડી નીકળે ને બધા આનન્દ કરે , તેમ પોતાનાં બાળકો આનન્દ કરે, તેમાં આ નવી પેઢીને રસ છે!
અને એ યોગ્ય જ તો છે!
“આવું કેમ અથવા તો આવું શા માટે ?” આ નવી પેઢીના પ્રશ્ન છે!
નવી પેઢી અને તેમનાં સંતાનો , એટલેકે હવેની ત્રીજી – ચોથી પેઢીને ધ્યાનમાં રાખીને જો તહેવારોની ઉજવણી થશે તો આપણી સંસ્કૃતિ સાથેનો તેમનો નાતો કૈંક અંશે જોડાયેલો રહેશે. નહીં તો સાવ લુપ્ત થઇ જશે !અને યુરોપમાં જેમ મોટાં મોટાં ચર્ચ ખાલી પડવાથી વેચવા મુકવા પડે છે તેમ ક્યાંક આપણાં મંદિરોની દશા એવી દયાજનક ના થઇ જાય!
ત્રણેક દાયકા પહેલાં મંદિરોમાં બર્થડે નિમિત્તે કેક કાપવાનો છોછ વર્તાતો હતો ! ‘મંદિરમાં તો વર્ષગાંઠે પેંડા કે લાપસી કે કંસાર હોય’ એવી માન્યતા છેવટે બદલાઈ અને કેક પણ સ્વીકાર્ય બની! હા , ઈંડા વિનાની !
સારા વિચારો બધી બાજુથી આવવા દો’ Let noble thoughts come from all directions !એ આપણી સંસ્કૃતિના પાયામાં છે! એટલે કાંઈક નવું સ્વીકારીએ તેમાં આપણી સંસ્કૃતિનું અપમાન નથી , ગૌરવ છે! કદાચ આપણે વિશ્વમાં આટલાં આગળ છીએ તેના પાયામાં આ વિશાળતા જ છે!
હમણાં ઉનાળાના વેકેશનમાં અમે મિત્રની ઘેર ગયાં ત્યારે બધાંએ ભેગા મળીને ધુળેટી ઉજવી હતી ! વસંત ઋતુનો એ તહેવાર ,છતાં હોળીના રંગે બધાં રંગાયાં અને પીચકારીના રંગે પલળ્યાં! બાળકોને હોળી ધુળેટીની વાર્તા યાદ કરાવી !એ યોગ્ય જ થયું ને ?
આજની પેઢીને કારણ , કાર્ય અને પરિણામ વચ્ચેનો સમન્વય જોવો છે! તેઓ કહે છે કે કૃષ્ણ જન્મ ઉજવો છો ?તો અમને કૃષ્ણ જીવનની વાતો કહો !
પણ આપણી પાસે તો “ વા’લાને માખણ ભાવે રે ! વા’લાને મિસરી ભાવે રે” એવાં ભજન સિવાય જવાબમાં બીજું કાંઈ નથી!
“ દાદીબા , મિસરી એટલે શું?” બાળક પૂછે છે, “દાદા , આ પ્રસાદ મને નથી ભાવતો ; એને કેમ પંજરી કહેવાય છે?” એમને એ જાણવું છે!
અને આપણે પૂરાં ભાવ ભક્તિથી કહીશું; “એતો આવું બધું ખાવું પડે, પ્રસાદની ના કહેવાય નહીં !નહીં તો પાપમાં પડીશ !” બસ, ભય બતાવો એટલે વાત પુરી ?
આવું કેમ?
આપણાં વિશાલ મંદિરોમાં સિનિયરોને બાદ કરતા ,કેટલાં ટકા યુવાન વર્ગ જોડાયેલો છે તેનો સર્વે કરવાની જરૂર છે!
આ દેશમાં પ્રથમ ઇમિગ્રન્ટ્સ તરીકે આપણે આવીને સંસ્કૃતિ રક્ષણ કાજે જે પણ તન , મન અને ધનથી પ્રદાન કર્યું એ દાદ માંગીલે એવું છે, પણ આપણાં ચીલાચાલુ પુરાણ ખ્યાલોને સમય સાથે બદલાવવું પડશે !
શ્રાવણ મહિનામાં થતો દૂધનો અભિષેક , કદાચ આ દેશની ઇકોનોમીને પરવડે છતાં , દૂધ સીધું ગટરમાં જ જાય તો અરેરાટી જરૂર થવી જ જોઈએ ! પઁચામ્રૂતનો અભિષેક- દૂધ, ઘી, દહીં , મધ અને સાંકરનો વ્યર્થ બગાડ! છપ્પન ભોગો અને મોટા મોટા અન્નકૂટો નાં દર્શનમાંથી કેટલાક રાંધેલા પ્રસાદ તો રેફ્રીજેટરની બહાર -મંદિરના ગર્ભદ્વાર પાસે રહેવાથી બગડી જાય છે!
આ બધાં ચીલાચાલુ રિવાજોમાં બદલાવ લાવવો જ પડશે , જો નવી પેઢીને એમાં સક્રિય રસ લેતાં કરવી હોય તો!
આજે પણ ઘણાં વડીલોને પોતાના સંતાનોના જીવનમાં મુશ્કેલી આવે તો ;” એને સાત વર્ષની – કે પાંચ વર્ષની કે તેર વર્ષની- પનોતી ચાલે છે, કે ગ્રહ દશા બગડી છે અને શનિ કે રાહુ કેતુ આડે આવે છે એમ કહીને મંદિરમાં કે દેશમાં સવાલાખ જાપ જપવા કે લઘુ રુદ્ર કે પૂજા યજ્ઞ કરાવવા પૈસા મોકલતા જોયાં છે! કોઈને આર્થિક રીતે મદદ થતી હોય તો એ અસ્થાને નથી , પણ અંધશ્રદ્ધાથી કરેલા કાર્યને સફળતા મળતી નથી! ઉલ્ટાનું , ઘરમાં નવી પેઢીનો કાં તોવિશ્વાસ ઉઠી જાય છે, નહીં તો સંતાનો ગુમરાહ બની જાય છે!
ખરેખર આવાં અવૈજ્ઞાનિક વિચારોમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે!
આવું કેમ ?
જે પ્રશ્ન ઉકેલવાનો હોય છે તે બાજુએ રહી જાય છે: દા. ત . બિઝનેસમાં કેમ ખોટ આવે છે તે વિચારવાને બદલે સાત વર્ષની પનોતી દૂર કરવા દેશમાં જાપ જપાવડાવીએ છીએ ! તેનાથી કોઈ ઉકેલ આવતો નથી! કારણ કે મૂળ પ્રશ્ન પનોતીનો નથી ધન્ધામાં ખોટ કેમ આવે છે તે છે! જાપ જપવાથી શું પ્રશ્ન ઉકલી જશે? હા , મોરલ સપોર્ટ ,આપણો માનસિક ટેકો બતાવવા એ જરૂરી છે, પણ એનાથી મૂળ સમસ્યા હલ થતી નથીનાહકના પૈસા અને સમયનો વ્યય થાય છે!
ખોટા વહેમમાં રહ્યાં કરતા છોકરાઓને જયારે અનુકૂળ હોય ત્યારે જન્માષ્ટમી ઉજવે તેમાં રાજી રહેવું જોઈએ !
પણ અમેરિકનો તો એવું નથી કરતાં: અંદરનો માંયલો બોલ્યો ;
ક્રીશમાસ હોય કે પછી વેલેન્ટાઈન ડે હોય કે ઈસ્ટર હોય , તહેવાર પછીના બીજા દિવસે ઘણું બધું પચાસથી સિત્તેરટકા ડિસ્કાઉન્ટના ભાવે હોય છે તોયે એ લોકો તહેવાર જે દિવસે હોય તે જ દિવસે ઉજવે છે!
આવું કેમ?
અને તોયે મન બુદ્ધિએ કહ્યું ;
ઋષિ મુનિઓએ હજ્જારો વર્ષ પૂર્વે જીવનને ઉર્ધ્વ બનાવવા અનેક પ્રયોગો આપ્યા! એ જ્ઞાન પાછળનું હાર્દ સમજવાનો વખત આવી ગયો છે! વિકસતું જ્ઞાન એટલે વિજ્ઞાન ! તો ધર્મમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ મુક્યો હોય તો કેવું ?
આવું કેમ?

૪૭) આવું કેમ? લેબર ડે -શ્રમદિન !

લેબર ડે વીકએન્ડ એટલે પુરા ત્રણ દિવસની રજા!ખાવું પીવું , હરવું ફરવું અને ત્રણ દિવસનું વેકેશન માણવું!
અમેરિકાના કોઈ હાઈ વે પરથી અમારી ગાડી પાણીના રેલાની જેમ પુરપાટ દોડી રહી છે. શહેરથી આટલે દૂર આવાં સુક્કાં રણ વચ્ચે આ રસ્તા કોણે બનાવ્યા હશે?
મારું મન વિચારે ચઢે છે.
રણમાં પણ રસ્તાઓ છે! ત્યાં રણમાં થી જ રેલવેના પાટા પણ જાય છે!દૂર વળી ડુંગરાઓ છે ને તેમાં ટનલ બનાવી છે ને રસ્તો ત્યાંથીયે પસાર થાય છે!
કોણે આટલી મહેનત કરી હશે?
મજૂરોએ!
મ્હેનતકષ્ટ મજદૂર વર્ગે !
અમેરિકાની આટલી ભૌતિક સમૃદ્ધિમાં આ તદ્દન નીચલા વર્ગના મજૂરોનો કેટલો બધો મોટો ફાળો ! હું વિચારું છું.

પ્રત્યેક રાષ્ટ્રની આંતરિક પ્રગતિ તેના સામાજિક અને આર્થિક ક્ષેત્ર પર આધારિત હોય છે અને તેના પાયામાં હોય છે એ રાષ્ટનો શ્રમજીવી વર્ગ ! મજદૂર વર્ગના શ્રમ પર એ રાષ્ટ્રની આંતરિક આબાદીનો આધાર હોય છે!ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાના મજૂરવર્ગને લાગ્યું કે જે રીતે તદ્દન સામાન્ય સ્તર પર રહીને જે મહત્વનું કાર્ય એ લોકો કરી રહ્યાં છે તેવા લોકોનું સંગઠન કરી સમાજમાં બધાનું ધ્યાન ખેંચાય એટલે પરેડ કરીએ ! સંગઠન કરીએ જેથી કરીને એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે .
પરેડ કરીને ઉજવણી કરીએ જેથી આમ જનતાને -સામાન્ય લોકોને -તેમના મહત્વના કાર્યની જાણ થાય!
એ સમયે અમેરિકામાં લોકો અઠવાડિયામાં છ દિવસ અને રોજના દસ કલાક કામ કરતાં હતાં ! શરૂઆતમાં લેબર ડે ઉજવણીને કાંઈ મહત્વ મળ્યું નહીં, ન્યુયોર્કમાં અમુક વર્ગના મજૂરોએ સરઘસ કાઢ્યાં ને ઉજવણી કરી; અને એક પછી એક રાજ્ય આ શ્રમજીવીઓ ને બિરદાવવા માંડ્યા ! પછી કોંગ્રેસેમંજૂરી આપી !
મજુર સંગઠનો હેઠળ તેમના હક્કો , વેતન , તેમના સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં , તેમના કૌટુંબિક પ્રશ્નો વગેરેને પણ આવરી લીધા.
અને આબધું લેબર્ડે ઉજવણીની શરૂઆત સાથે થયું !
પણ હવે લેબર ડે વીક એન્ડનું મૂળ હાર્દ ભુલાઈ ગયું છે અને હવે લેબર ડે એટલે સમર વેકેશનનો માત્ર છેલ્લો દિવસ!
સપ્ટેમ્બર મહિનાનો પહેલો સોમવાર એટલે બીજા દિવસથી સ્કૂલનું નવું સત્ર શરૂ થાય !
બસ આટલું જ ?
જેના થકી દેશમાં રસ્તાઓ, રેલગાડીઓ અરે વાહન વ્યવહાર સારી રીતે થાય છે , દેશની પ્રગતિના પાયનો પથ્થર મજદૂરને , ગ્રાસ રૂટ લેવલના અદના માનવીને આપણે ધીમે ધીમે ભૂલવા માંડ્યા છીએ !
લેબર યુનિયનોને એટલી લોકપ્રિયતા નથી મળતી જેટલી પહેલાં – વીસમી સદીમાં હતી ! આવું કેમ?
માલિક અને મજુર વર્ગ વચ્ચેનો ગજગ્રાહ કાંઈ નવો નથી. માલિકને બધો નફો લેવો હોય પણ મજૂરને મહેનતાણું ઝાઝું આપવું ના હોય! અને હવે યુનિયનો પણ મદદ કરવાને બદલે નફો કરવની ભાવના રાખે છે! બધાંને ઓછી મહેનતે વધુ પડાવી લેવાની ભાવનામાં મૂળ ઉમદા હેતુ વિસરાઈ ગયો !

વિશ્વના અનેક દેશોની જેમ આપણી માતૃભૂમિમાં પણ શ્રમજીવીઓને બિરદાવવામાં આવે છે; તો ચાલો જરા એ તરફ પણ નજર નાંખીએ. આપણો દેશ કૃષિ પ્રધાન ! ખેતમજૂરો તો કાળી મજૂરી કરે . બિહારમાં ચંપા રણમાં બિચારાં ખેતમજૂરો તો બ્રિટિશ રાજ્યમાં કામ કરતાં કરતાં મરી જાય ! ગાંધીજીએ આફ્રિકાથી આવી સૌથી પહેલો સત્યાગ્રહ ત્યાં કર્યો ! એમાં એ સફળ થયા પછી ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ જેવાનો વિશ્વાશ મળ્યો !
પણ ગુજરાતમાં ત્યારે કાપડ ઉદ્યોગની બોલ બાલા હતી. અમદાવાદ જાણે કે દેશનું માન્ચેસ્ટર હતું ! પણ મિલ મજૂરો ત્રણ પાળીમાં ઓછા વેતને કામ કરે!
તો આવા સમયે આપણે ત્યાં વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીની આગેવાની હેઠળ મજદૂર મહાજન સંઘ ની સ્થાપના થયેલ તે પ્રસન્ગ યાદ આવે છે! ખુબ જ નજીવા વેતને કામ કરતાં મિલ મજ઼દૂરોએ પગાર વધારો માંગતા મિલમાલિકોએ તેમની અવગણના કરી. હડતાલ એક મહિનો ચાલી અને લોકોનું મનોબળ તૂટવા માંડ્યું તે સમયે, હડતાલ ચાલુ રહે તે માટે ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા ! હવે લોકોમાં ઉત્સાહ આવ્યો અને હડતાલ ચાલુ રહી! જોકે મિલમાલિકોના નેતા અંબાલાલ સારાભાઈએ ગાંધીજીની ઈચ્છાને માન આપી ઉપવાસના ચોથા દિવસે જ સમાધાન કરાવ્યું ; મજૂરોને થોડો વધારો મળ્યો !
અને હજુ આજે પણ મજુર મહાજન સંઘ કાર્યરત છે!
દરેક રાષ્ટ્ર પોતાના શ્રમજીવી વર્ગને
બિરદાવવા લેબર ડે ની ઉજવણી કરે છે!
અમેરિકામાં આ લોકો નો મુદ્રા લેખ છે કે: દેશના હિત માટે કામ કરીશું ; અને પૂરું વળતર લઈશું !
પણ લેબરડે એટલે આપણે તો બસ એક વધુ રજા જ! પીકનીક અને પાર્ટી ! એવું કેમ?

૪૬-આવુંકેમ?-ડાયરી કે રોજનીશી!

આવુંકેમ?ડાયરી કે રોજનીશી!
દર વર્ષની જેમ આ વર્ષે પણ હું મારાં જન્મદિવસે ડાયરી અને પેન લઈને બેસું છું! ઘણી પ્રસિદ્ધ ડાયરીઓથી હું પરિચિત છું જેમાં યુરોપ – નેધરલેન્ડની માત્ર તેર વર્ષની ઉંમરે હિટલરથી છુપાઈને એટિકમાં બે વર્ષ સંતાઈને રહેનાર એન ફ્રેન્કની ડાયરી જેનું વિશ્વની સો જેટલી ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું તે પણ છે! અને ગાંધીજીની ડાયરી પણ છે!
પણ આજે શું લખું હું મારાં જન્મદિવસના આ વર્ષના સરવૈયામાં ?
“પણ શી જરૂર છે કાંઈ પણ લખવાની?” આળસું મન દર વખતની જેમ બંડ પોકારે છે! જે થઇ ગયું છે તે ભૂતકાળ છે; જે થવાનું છે તેના ઉપર તારો કોઈજ કાબુ નથી તો આવાં “ ડાયરા” લખીને વ્યર્થ સમય બગાડવાનું શું કામ ?
ડાયરી એટલે કે રોજની શી! રોજે રોજ નહીં તો સમયાંતરે લખેલી ‘રોજની શી’ એટલે કે ડાયરી જર્નલ !
ગાંધીજી જેવી મહાન વ્યક્તિ માટે એ મહત્વનું હોય અને મહાદેવભાઈ દેસાઈ જેવા એમની દિનચર્યાનો હિસાબ રાખે તે સમજી શકાય ; દિવસ દરમ્યાન કોને મળવાનું છે, ક્યારે , કોની સાથે શી વાતો થઇ વગેરે વગેરે અનાયાસે જ સચવાઈને રહે . અને પછી એનો અભ્યાસ થાય , સમાજ , દેશ અરે વિશ્વને એમાંથી ઘણું જાણવા સમજવાનું મળે ! પણ કોઈ સામાન્ય માનવી ડાયરી શું કામ લખે ?
થયેલી ભૂલોને લખીને યાદ રાખીને દુઃખ તાજું કરવા ? કોઈએ વિશ્વાસઘાત કર્યો હોય , ક્યાંક છેતરાયાં હોઈએ , ક્યાંક દગો થયો હોય આવા નકારાત્મક પ્રસંગ ભુલવાને બદલે ઘૃણા , આક્રોશ , અફસોસ , દુઃખ જેવી લાગણીઓને હવા આપવા ? આવી વાતોને યાદ રાખવાનો શો અર્થ ?
પણ મારું મન કૈંક જુદુંજ કહે છે! બસ એજ કારણથી ડાયરી નહીં લખવાની ?
ઘોડે ચડે એ પડે ! જીવનમાં કાંઈપણ કરવાનું ધ્યેય રાખીએ એટલે જો એમાં સફળતા ઈચ્છતાં હોઈએ તો પચાસ ટકા નિષ્ફ્ળતા પણ સાથે જ આવી જાય ! ડાયરીમાં જો આવી નિષ્ફ્ળ પળ વિષે લખ્યું હોય તો સફળ દિવસોના આનન્દ વિષે પણ લખેલું હોવાનું જ! નિષ્ફ્ળતા અને હતાશામાં સારેલા આસું ની જેમ જયારે તમે જીવનમાં સફળતાનાં શિખરે પહોંચ્યા હોવ : ને તમે બુલંદ અવાજે ગાયું હોય;
‘આજ મૈં ઉપર આસમાં નીચે!’ એ પણ આ સરવૈયામાં સામેલ હોય ને? માર્ક ટ્વાઈને એક જગ્યાએ લખ્યું છે કે પ્રત્યેક મનુષ્યને એક પ્રકારની જિંદગી જીવવાની ઈચ્છા હોય છે, અને તેનાથી કૈંક જુદા જ પ્રકારનું જીવન જીવાઈ જતું હોય છે ; અને જયારે એ બન્ને વચ્ચે એ સરખામણી કરે છે ત્યારે જીવનની મહત્વની પળ સર્જાય છે!
પણ આવું કેમ?
જીવનની આવી મહત્વની ક્ષણનું સર્જન આપણાં હાથમાં જ હોવા છતાં , કેમ મોટા ભાગના લોકો ડાયરી લખવાનું પસંદ નથી કરતાં ?
‘મારે શું બનવું હતું અને હું શું છું?’
કેટલો સરળ પ્રશ્ન !
અને જર્નલ લખતાં હોઈએ તો કેવો સીધો જવાબ !
પણ તેમ છતાંયે ઘણાં ડાયરી લખવાથી દૂર ભાગે છે!
આવું કેમ?
મેડિકલ સાયન્સમાં અમુક મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ; શા માટે ?કે જેથી કરીને એના ઉપરથી શીખીને સાયન્સ આજે આ જગ્યા સુધી પહોંચ્યું છે!
જેવું વિજ્ઞાનનું તેવું જ જીવનનું !ભૂતકાળની કેડી પરથી તો આપણે વર્તમાન સુધી પહોંચ્યા છીએ !
ડાયરી એટલે વ્યક્તિની અંગત વાત અતિ અંગત અંતરતમ મન સાથે!
ખાનગી વાતો, ખાનગી , મનના ખૂણામાં સંતાઈને છુપાયેલા વિચારો !
એને શબ્દ દેહ આપી કોઈના હાથમાં આવી જવાનો ભય સદાયે રહેવાનો :’એણે આમ કર્યું છે એટલે હું આવી રીતે કરીશ પછી આવું થશે ! ‘ આવું તમે ડાયરીમાં લખ્યું હોય અને કોઈ વાંચી લે તો?
લખીને ચોળીને ચીકણું કરવાનું? શા માટે?
હં! એ ભય તો છે જ!
પણ મોટો ફાયદો એ છે કે આપણાં અંગત વિચારો , માન્યતાઓ કોઈને કહેવાને બદલે એક જ જગ્યાએ લખી કાઢવાથી ક્યારેક દુઃખ ઓછું થાય છે, ક્યારેક એ થેરાપીનું કામ કરે છે! ક્યારેક સુંદર વાતોની યાદ મન પ્રફુલ્લિત કરે છે!
ઘણી વાર જીવનના શરૂઆતના વર્ષોમાં આપણે કોઈ કલા , કોઈ શોખ કોઈ વિચાર કે કોઈ વ્યક્તિથી આકર્ષાયાં હોઈએ, પણ કાળના પ્રવાહમાં એ બધું ભુલાઈ ગયું હોય પણ ડાયરીના પાનાઓ પર કંડારાયેલું હોય તો ક્યારેક વાંચીને એની યાદ તાજી થાય!
આપણું ચંચળ મન ક્યારેક બે વિરોધાભાસી લાગણીઓ એક સાથે દર્શાવતું હોય છે. ડાયરીમાં એનું આબેહૂબ પ્રતિબીંબ ઝીલાય !
હા , એક વાત મહત્વની સો ટચના સોના જેવી છે: પુરી પ્રામાણિકતાથી જ ડાયરી લખાવી જોઈએ ! એમાં કોઈ આડમ્બર ના ચાલે !
એવું કેમ? જે કોઈએ વાંચવાની નથી , માત્ર સ્વ સાથેની જ વાત છે તો થોડી ડંફાસ હોય, થોડા બણગાં ફૂંક્યા હોય તો શું વાંધો ? મન પૂછે છે: એવું કેમ?
કારણકે તો ડાયરીમાં જિંદગીનું સાચું પ્રતિબીંબ નહીં પડે : અને ડાયરી લખવાના ફાયદા નહીં થાય .મારાં અમુક મિત્રો સાહિત્યના શોખીન , લખવા વાંચવાનો પણ શોખ, છતાંયે ડાયરી લેખનથી દૂર રહે! કેમ? કેટલીક વાતો એવી હોય કે એને ન કહેવામાં જ હિત છુપાયેલ હોય!
પોતાના દેશમાંથી છાનામાના ભાગીને અમેરિકા આવેલ મારી યહૂદી મિત્રે કહેલું કે એ લોકો કેવીરીતે પોતાનો દેશ છોડીને , ભાગીને, સંતાઈને અમેરિકા આવ્યાં એમાં કોણે મદદ કરી એ વ્યક્તિઓના નામ તો નહીં પણ માત્ર પગેરું જ દર્શાવે તો પણ કોઈનો જાન જોખમમાં મુકાઈ જાય તેમ છે! અને તેથી જ તે મૌન રહેવું ઉચિત માને છે!
ઇઝરાયલની પ્રાયમીનીસ્ટર ગોલ્ડા મેર પોતાની આત્મકથામાં લખે છે કે ઈઝરાયલમાં શાંતિ રહે તે માટે એ નજીકના મિડલ ઇસ્ટના દુશમન દેશોમાં શાંતિની મંત્રણા કરવા ખુબ જ ગુપ્ત વેશે , ખાનગીમાં ગઈ હતી. એની આત્મકથા લખવી શરૂ કર્યા બાદ કોઈએ તારીખ , સમય વગેરે બરાબર બેસાડી જે વ્યક્તિએ એને મદદ કરી હતી તેને શોધી કાઢ્યો અને એનું ખૂન થઇ ગયું! અને તેથી જ તો કેટલાક રાજકારણીઓ માટે ડાયરી લખવી જીવતો બૉમ્બ લઈને ફરવા બરાબર છે! પણ આવું કેમ? કેટલાક રાજકારણીઓ કાંઈ ના લખે એમાં જ મઝા ; અને ગાંધીજી જેવાની રોજની શી- એકે એક દિવસનો હિસાબ જગ જાહેર ?
એવું કેમ?
અને ફરી એક વાર, હું ડાયરીમાં લખવાની શરૂઆત કરું છું : ભૂતકાળના પાંસઠ વર્ષનું સરવૈયું અને હવે નવું પાનું !
બસ! જીવન એટલે જ આવું અને આવું કેમ વચ્ચેનું મંથન!

૪૫ ) આવું કેમ? સતી પાર્વતીનું આત્મવિલોપન !

સતી પાર્વતીનું આત્મવિલોપન !
શ્રાવણ મહિનો એટલે ચારે તરફ કથા શ્રવણ!
લગભગ બે દાયકા પહેલાં આવી જ એક ધર્મકથા સાંભળેલી : શિવપુરાણમાંથી !
વ્યાસપીઠ પરથી મહારાજે સતી પાર્વતીજીની આત્મવિલોપનની કથા કહેલી: ભગવાન શંકર આકાશમાં ઉડતાં વિમાનો જોઈને સતીને જણાવે છે કે તમારા પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે એટલે બધાં દેવો ત્યાં જઈ રહ્યાં છે. પાર્વતી પણ કહે છે કે ભલે મને આમંત્રણ નથી પણ મારે તો ત્યાં જાવું છે! પિતાને ઘેર જવામાં આમંત્રણ શાનું ?
મંદિરમાં કથા કરતા મહારાજ વાતને જરા લડાવે છે; “પતિની ઈચ્છા નથી તો યે પાર્વતી ત્યાં જાય છે અને શંકર પોતે પોતાના ડ્રાયવરને – સોરી – પોઠિયાનેય સાથે મોકલે છે… પણ પછી યજ્ઞમાં બધાંનાં આસન છે પણ પતિનું આસન ન જોતાં અપમાનિત થતાં સતી યજ્ઞની વેદીમાં કૂદી પડે છે!”
મહારાજ કથા કરતા ત્યાં અટકે છે અને હવે ૐ નમઃ શિવાયની ધૂન સારું થાય છે.
વ્યાસપીઠ પરથી મહારાજનો સૌ શ્રદ્ધાળુ શ્રોતાઓને વણ બોલ્યો એક સંદેશ મળે છે: ‘ પિયરમાં, પિતા ઘેર વગર આમંત્રણ ગયા પછી જુઓ , સતીની કેવી દશા થઇ!
આખ્ખો પ્રસંગ વિચારમાં મૂકી દે છે:
આવું કેમ?
સતી, જે સમજુ અને હોશિયાર છે અને નારદમુનિ જેનાં વખાણ કરતા દક્ષ પ્રજાપતિને કહે છે કે તમારી આટલી સમજુ દીકરી માટે આખાયે વિશ્વમાંથી માત્ર એક જ મુરતિયો જે શ્રેષ્ઠ છે તે છે દેવોના દેવ મહાદેવ ! અને દક્ષ રાજા એને રખડેલ , અલગારી કહીને એની સાથે સતીનાં લગ્નની ના કહે છે.. ( પણ છેવટે એનાં લગ્ન મહાદેવ સાથે જ થાય છે.. )વગેરે વગેરે.
તો આવી સમજુ છોકરી પિયરમાં આવે અનેઆત્મવિલોપન કરે , એ કેમ બને ?
આવું કેમ?
વાતમાં કાંઈ ખૂટતું હોય તેમ લાગ્યું !
અને મારે એ ખૂટતી કડી શોધવાની હતી !
જે ઋષિમુનિઓ “ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે , રમન્તે તત્ર દેવતાઃ” કહે તે આવું લખીને સમાજને કયો સંદેશો આપવા માંગતા હશે ?
મેં વિચાર્યું : આવું લખીને શું સ્ત્રીનો આત્મવિશ્વાસ છીનવી લેવાનો હતો ?
પણ આપણી સંસ્કૃતિ એવું ના જ કરે તેનો પૂરો વિશ્વાસ હતો.
અને જવાબ શોધવા શિવ પુરાણ , ભાગવત વગેરે ઉથલાવ્યાં! પણ જવાબ તરત તો ના જ મળ્યો !
કથાકારોએ એક વાર્તા કહી દીધી ! વાત ત્યાં પુરી !
પણ છેવટે એ ખૂટતી કડી જડી ! પણ કથાકારોને એવી ગંભીર વાતોમાં શું રસ હોય? અને ઉંડાણમાં થોથાં ઉથલાવવાથી એમને શો ફાયદો ?
અને તેથી જ તો અખાએ લખ્યું :
કહ્યું કશું ને સાંભળ્યું કશું!
આંખનું કાજળ ગાલે ઘસ્યું !
આવું કેમ?
આજના સંદર્ભમાં કહી શકાય કે નારદજી જેવી વિદ્વાન વ્યક્તિના અભિપ્રાયથી હોશિયાર સતી શંકરને પરણી. પછી શંકર અને સતી વચ્ચે એક અણબનાવ બને છે:
રામને ચૌદ વર્ષનો વનવાસ છે એટલે એ જંગલમાં જાય છે અને તેથી રામના ભક્ત શંકર નો જીવ બળતો હોય છે. સતીએ શંકરને પૂછ્યું કે તમને શેની ચિંતા છે? શંકર સતીથી વાત છુપાવે છેએટલે સતી પોતાની જાતે (આમતો એ હોશિયાર છોકરી છે ને ?)એટલે પૃથ્વી ઉપર સીતાનું રૂપ લઈને રામને મળવા જાય છે..
શંકરને ગુસ્સો આવ્યો: “હું ભગવાન રામ અને માતા સીતાનો ભક્ત છું ! તેં સીતાનું રૂપ લીધું તેથી આ જન્મમાં તું મારી માતા સમાન છે!”
બસ ! પતિપત્નીના અબોલા શરૂ થઇ ગયાં !
શંકરે સતીને પતિપત્નીના વ્યવહારથી મુક્ત કરી દીધી! અને આમ વર્ષો વીતી ગયાં!
કોઈ પણ સ્ત્રીની જેમ સતી પણ અંદરથી એકલી પડી ગઈ ! પતિના પ્રેમ સહવાસ માટે એ તડપતી હતી! પિયરનું બારણું પણ પિતાના ડરથી લગભગ બંધ હતું ! આવી વિષાદમય અવસ્થામાં એ હિંમત કરીને બાપને બારણે આવે છે, એ આજના શબ્દોમાં જેને ડિપ્રેશન કહીએ તેવી સ્થિતિમાં છે! પતિથી ઉપેક્ષિત અને પિતાથી પણ ઉપેક્ષિત!
રામચરિત માનસમાં તુલસીદાસજી આ પ્રસંગ બહુ યથાર્થ રીતે ચિતરે છે: વાંચતા આંખમાં ઝળઝળિયાં આવી જાય! પણ , ટૂંકમાં , સતી એ વિષાદ અવસ્થામાં ( ડિપ્રેશનમાં ) ઉદ્વિગ્ન થઈને ( પૅનિક એટેકમાં ) બોલે છે:

પિતા મંદ મતિ, નિંદત તેહિ ; દચ્છ સુક્ર સંભવ યહ દેહી
તજી દઉં તુરત દેહ તેહિ
ઉરધરી ચન્દમૌલિ બ્રૂશકેતુ!
અર્થાત પિતાની આવી અવળી બુદ્ધિ છે( મંદ બુદ્ધિ છે, સમજતા નથી મારી પરિસ્થિતિ ) અને એનાં જ શુક્રાણુઓનો આ દેહ બન્યો છે તે થી ,( આખા પ્રકરણમાં વિગતે દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિષે પણ રૂપકાત્મક રીતે સમજાવ્યું છે કે ખોટા હેતુથી ઉપાડેલું કામ નિષ્ફ્ળ જાય)
તો એવા ઘમંડી બાપની પુત્રી હોવાથી , દેહ ત્યજું : શંકરનું ધ્યાન ધરતાં !( આ જન્મમાં શંકરે એને ઉપેક્ષિત રાખી હતી ,પણ આવતા ભવમાં એ મને પતિ તરીકે મળશે એમ ઈચ્છા કરીને)
આ પગલાંને આપણે આજના યુગમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાનું છે!
ગમે તેવી હોશિયાર અને સમજુ હોય પણ ,પ્રેમલગ્ન કરીને , મુશ્કેલીમાં મુકાયેલ દીકરીને તરછોડવાને બદલે સારા મનોવૈજ્ઞાનિક ચિકિત્સક પાસે લઇ જઈને એને ફરીથી ઉભી કરવાની , હિંમત આપવાની , પ્રત્યેક માં બાપની ફરજ છે!
એને હૂંફ અને હમદર્દી સાથે દવાની પણ જરૂર છે! એને સારું કાઉન્સલીગ મળે તો એ ફરીથી ઉભી થઇ શકે છે( નહીંતો ડિપ્રેશનમાં ખોટું પગલું પણ ભરી દે છે)
કેવો મહત્વનો સંદેશ હતો!
અને કેવો વિકૃત ઉપદેશ થઇ ગયો ?
અખાએ આવા સમાજના ઘુવડો માટે લખ્યું :
કોઈ જો આવીને વાત સૂરજની કરે,
તો સામે જઈ ચાંચ જ ધરે !
‘અમારે આટલાં વર્ષ અંધારે ગયાં
અને તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં ?’
આવું કેમ ?
કોણ સમજાવશે આ કથાકારોને કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ માત્ર હરિ ૐ હરિ ૐની ધૂન બોલાવવાથી નહીં પણ સાંપ્રત સમાજને માર્ગદર્શક એવા ઇન્ટરપ્રિટેશન સમજણથી થશે ?
પણ મા’રાજને રસ એમનું પેટિયું રળવામાં !
મંદિરોને રસ પૈસા ભેગાં કરવામાં !
ભક્તો બિચારાં : ‘હરિ ૐ! હરે ૐ! ‘કરતાં ટકોરા વગાડ્યાં કરે !
જે કહો તે! આવું કેમ?

૪૪) આવું કેમ? ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન!

પંદરમી ઓગસ્ટ એટલે દેશની સ્વતંત્રતા કુર્બાનીનો ઇતિહાસ કે સ્વતંત્ર ભારતના ૭૧ વર્ષની ગાથા – વગેરે વગેરે વિષે ઘણું લખી શકાય પણ આજે કૈંક જુદું જ!
“ આપણો દેશ અંગ્રેજોના શાસન હેઠળ બસ્સો વર્ષ ગુલામ રહ્યો અને પછી કેટકેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ આપણને આઝાદી મળી !પણ પંદરમી ઓગષ્ટનો દિવસ જ કેમ પસંદ કર્યો આઝાદી માટે?”
મેં લગભગ અર્ધી સદી પહેલાં આ પ્રશ્ન મારા પૂજ્ય પિતાજીને ( અમે તેમને નાનાકાકા કહેતાં- ) નાનાકાકા ને પૂછેલો ; “આપણો પ્રજાસત્તાક દિવસ એટલેકે રિપબ્લિકન ડે છવ્વીસમી જાન્યુઆરી છે તેમ સ્વતંત્ર દિન છવ્વીસમી ઓગષ્ટ કેમ નહીં ?” મેં અફસોસ કરતાં કહેલું.
‘કદાચ ત્યારે જ સારું મુહર્ત આવતું હશે !’ કોઈએ ડબકું મૂક્યું !
“ના રે ના! એવું કાંઈ નથી”
હસતાં હસતાં મમ્મી બોલેલી ; “ સાચી વાત તો એ છેકે પછીઅમારે દરવર્ષે તારી વર્ષગાંઠ ની ઉજવણીમાં ધ્વજવંદનની ધમાલ નહોતી જોઈતી , એટલે !”
ને ઘરમાં બધા ખડખડાટ હસી પડેલાં ! અને હું પણ શરમાઈ ગયેલી મારાં મનની વાત છતી થઇ ગઈ એટલે!
પણ પછી ‘પંદરમી ઓગષ્ટ જ કેમ ?‘ એવું કેમ?’ એનું કારણ શોધવાનું પણ મારા માથે જ આવી ગયેલ!
અને ગુરુ ગુગલદેવની શોધ પહેલાં આવા બધા આડ પ્રશ્નોના જવાબો શોધવામાં મહિનાઓ વીતી જતા. રજાના દિવસે અમદાવાદની એમ.જે. લાયબ્રેરીમાં ત્રણેક માઈલ ચાલીને જવાનું ; ત્યાંથી માત્ર બે પુસ્તક ઘેર લઇ જવા દે, તે વાંચી બે અઠવાડિયામાં પરત કરવાના .. એમાં આવા અનેક પ્રશ્નો ઉદ્દભવે અને આથમી જાય ! ક્યારેક નિશાળના શિક્ષકો મદદરૂપ થાય , ક્યારેક ‘ આવા કોર્ષ બહારના ફાલતુ પ્રશ્નો પાછળ સમય વેડફવાનું બંધ કરી ભણવામાં ધ્યાન આપીએ તો કેવું ? એમ સામું સૂચન પણ થાય!
પણ કોઈ જાણીતા દિવસે બેસતાં વર્ષે, દિવાળીએ કે શરદપૂર્ણિમા કે ક્રિસ્મસ – ન્યુ ઈયર જેવા તહેવારોના દિવસે પોતાનો જન્મદિવસ હોય ને તેનું ગૌરવ કરતાં અનેક સ્નેહી, મિત્રો , સ્વજનોથી આપણે અજાણ નથી!
હા , જો કે , જન્મ અને મૃત્યું ભલે ભગવાનના હાથમાં હોય; પણ મોટા શહેરોમાં તો વિકએન્ડ માં બાળક જન્મે તે બધાને વધારે અનુકૂળ હોઈ ‘શુક્રવારની રાત્રિથી શનિ રવિ સુધી પ્રસુતિ ગૃહોમાં – હોસ્પિટલોમાં કૈંક વધારે ધસારો રહેતો હોય છે ‘તેમ એક નર્સ મિત્રે કહેલ.
જેમ જન્મ માટે બધાંને વિકેન્ડ અનુકૂળ તેમ મૃત્યુ માટે લાઈફ સપોર્ટ પર રાખેલ વ્યક્તિનો ક્યા દિવસે સપોર્ટ લઈ લેવો તે માટે પણ શું કાંઈ ગણતરી નથી હોતી ? (ઉત્તરાયણ સુધી બાણ શૈયા પર જીવન ટકાવી રાખેલ ભીષ્મ ને યાદ કરો ) એટલે કે જન્મ – મરણનાં પણ મુહર્તો નીકળે છે! વિકેન્ડનું મુહર્ત બધાને અનુકૂળ હોય!!
પણ આપણે ત્યાં સૌથી વધારે મહત્વનાં મૂહરતો તે છે લગ્નનાં! હસ્તમેળાપ સવારે અગિયારને પાંચ મિનિટે ! ગણેશ સ્થાપના , મંડપ મુહર્ત, જાનપ્રસ્થાન , ગૃહપ્રવેશ .. વગેરે વગેરે! બધ્ધાનું મુહરત! તેમાં કાળ ચોઘડિયું , અમૃત ચોઘડિયું વગેરે શ્રેય અને નિઃશેધય સમય ચોઘડિયાં હોય તે છોગાનું !
પણ ક્યારેક ,લગ્ન બાદ જાન રસ્તા પરથી નીકળી જાય પછી ,રસ્તા પર ફટાકડા ફોડીને કે ચા પાણી કરીને બગાડેલા રસ્તાઓ સાફ કરવાનું મુહરત પણ રાખ્યું હોય તો કેવું?
પણ આવું કેમ?
અહીંયા અમેરિકામાં દર અઠવાડિયે કચરો ઉપાડવા નક્કી કરેલા સમયે કચરાનો ટ્રક આવે ; રસ્તા સાફ કરવાના દિવસે સફાઈનો ખટારો આવે ; ઘેર કાંઈ રીમૉડલિંગનું કામ ચાલતું હોય તો તેનો કચરો ભરવા સ્પેસીઅલ મોટું કન્ટેઇનર ડંપસ્ટર રાખવું પડે ; આ બધાના સમય નક્કી જ હોય;
પણ લગ્ન, વાસ્તું ને ગ્રહ શાંતિના મુહરત કાઢનારાં આપણે, દેશમાં કચરો કાઢવાનાં મુહરત- સમય ક્યારે કાઢીશું ?
આવું કેમ?
દેશને આઝાદ કરવા ગાંધીજીએ એક જુવાળ ઉભો કર્યો હતો. ગાંધીજી સાઉથ આફ્રિકાથી વીસ વર્ષે પાછા ફર્યા ( જાન્યુઆરી ૯ ૧૯૧૫ )તે દિવસને યાદ રાખીને આપણે ત્યાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે.
ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં ઘણું કામ કર્યું હતું અને અનાયાસે જ બિહારના ચમ્પારણનો :ખેડૂતોને થતા ત્રાસનો પ્રશ્ન તેમની પાસે આવ્યો ! અને ધીમે ધીમે આખો દેશ આ લડતમાં જોડાયો !
ઓગણીસો ઓગણત્રીસમાં અંગ્રેજો સામે અસહકારની લડતના ખ્યાલમાંથી દાંડી કૂચનો વિચાર જન્મ્યો !
અને હા , દાંડીકૂચની શરૂઆત કરી ત્યારે કોઈ શુકન કર્યાં હોય કે નાળિયેર વધેર્યું હોય તેવું ક્યાંય જાણવામાં આવ્યું નથી!
પણ સંપૂર્ણ સ્વરાજ્યની માંગણી એમાંથી જ ઉભી થઇ ! અને ત્યારથી – ઓગણીસો ત્રીસથી છવ્વીસમી જાન્યુઆરી સ્વત્રંત દિન તરીકે કોંગ્રેસે ઉજવવા માંડ્યો હતો !
હાં , તો પછી આ ૧૫મી ઓગષ્ટનો દિવસ કેવી રીતે નક્કી થયો ? તમે પૂછશો !
ગાંધીજીએ જે જુવાળ ઉભો કર્યો હતો – સમગ્ર દેશમાં – એ એટલો વિશાળ હતો કે દુનિયા આશ્ચર્યચકિત થઇ ગઈ ! વિશ્વે આજ સુધી હિંસાથી થતાં યુદ્ધો જોયાં હતાં પણ શારીરિક રીતે નબળો પણ મજબૂત મનનો માનવી માત્ર અસહકારના શસ્ત્રથી યુદ્ધ કરે તે અકલ્પ્ય હતું !
પછી ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ -૬ પાસે સ્વરાજ્ય આપવું કે નહીં એ વિકલ્પ હતો જ નહીં ; ક્યારે આપવું એ નક્કી કરવાનો જ સમય હતો!
ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બિલ પસાર થયું કે સ્વરાજ્ય તો આપવું પડશે જ!
બસ્સો વર્ષ સુધી ભારત જેવા વિશાળ સમૃદ્ધ દેશને ગુલામ રાખ્યા પછી એને છોડી દેવાનો વિચાર સહેજે સરળ નહોતો ! કિંગ જ્યોર્જ -૬ પરાણે – ના છૂટકે સ્વીકારે છે. પછી બ્રિટિશ પાર્લામેન્ટ માઉંન્ટબેટનને અલ્ટીમેટમ આપે છે કે જુનની ત્રીસમી તારીખ ૧૯૪૮ પહેલાં એણે વાવટો વીંટીને પાછા આવી જવું ! જે દિવસે આ ખરડો પસાર થયો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એ દિવસ હતોજુલાઈ ૪ -૧૯૪૭ !
અને ત્યારે ભારતના એ છેલ્લા વાઇશરોય ( દેશનો સંચાલક – કારણકે એ બ્રિટિશ રાજ્યના નોકરિયાત તરીકે કામ કરતો હતો) તો માઉન્ટબેટને જોયું કે એને એક વર્ષની મુદત આપી છે પણ અડધું વર્ષ પણ ભારતની પ્રજાને એ કન્ટ્રોલમાં નહીં રાખી શકે! એક બાજુ અસહકારનું અંદોલન બીજી બાજુ હાથમાં માથું લઈને માં ભોમ માટે ખપી જવા તત્પર વીર નવયુવાનો ! દેશ આખો દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો!
ને એણે ૧૫મી ઓગષ્ટ ની તારીખ આપી!
કારણ ?
બે વર્ષ પહેલાં -૧૯૪૫ માં બ્રિટને જાપાનને હરાવેલું અને રેડિયા પર જાહેરમાં હાર સ્વીકારેલી જે સ્પીચ માઉન્ટબેટને સાંભળેલી ! બ્રિટનનો એ ગૌરવ ગાથાનો દિવસ મારે આ રીતે યાદગાર બનાવવો હતો’ પાછળથી એણે કહેલ!
૧૫મી ઓગષ્ટ!
આપણી માતૃભૂમિનો સ્વાતાંત્ર્યદિન !
શું શીખવે છે એ દિવસ?
જયારે બધાં કોઈ સારા કાર્ય માટે , સારા હેતુથી એક થઇ જાય છે ત્યારે ભગવાન પણ ઝડપથી સારા કાર્યમાં જોડાઈ જાય છે!
દૂર રહીને દુઆ કરું ને
કરજોડી કરું નમન તને !
ઓ માતૃભૂમિ ! તુજ આબાદી –
પ્રગતિની રહે લગન મને !🇮🇳
એવું કેમ ?

૪૩ -આવું કેમ? વિદ્યામંદિરને દ્વારે !

અમેરિકામાં હમણાં ઉનાળાની રજાઓ પુરી થશે અને શાળાનું નવું સત્ર શરૂ થશે! ઈન્ડિયાથી ફરવા આવેલ એક વડીલ મિત્રે અમેરિકામાં મોટા મોટા સ્ટોરમાંBack to School Sale – નવા સ્કૂલવર્ષ માટે અઢળક સ્કૂલ સપ્લાયનો સેલ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું !
‘ ઓહો ! આટલી બધી વસ્તુઓ આ નિશાળિયાઓ માટે ! અને આ એક એક સેન્ટની પેન્સિલો?’ એમણે કહ્યું ! ‘આટલું બધું સસ્તું ? હજુ હમણાં ગયા મહિને સ્કૂલો શરૂ થઇ ત્યારે મેં મારા પૌત્ર માટે ડઝન નોટબુક્સ ખરીદી ! પણ એના ભાવ જોઈને જ છાતી બેસી જાય! કેટલું મોંઘુ છે દેશમાં ભણતર !
હા , નાનકડાં ઈરેઝર – રબર અને પેન્સિલથી માંડીને દફ્તર , લન્ચબોક્ષ બધું જ સેલમાં ! ‘ મેં કહ્યું ;”આખા વર્ષ કરતાં અત્યારે બધાનાં ભાવ ઓછા ! નાનકડાં બાળમન્દિરનાં બાળકોથી માંડીને પ્રાથમિક શાળા ,માધ્યમિક શાળા કે હાઈસ્કૂલ સુધીના બધાં વિદ્યાર્થીઓ વધતે – ઓછે અંશે આ સમયે નવો સ્કૂલ સપ્લાય ખરીદે !
ગરીબ હોય કે તવંગર , બધાંય ઉઘડતી સ્કૂલે કાંઈક ને કાંઈક નવી સ્ટેશનરી લઈને સ્કૂલે જાય !’
મેં સમજાવ્યું ; “ ગરીબ બાળકો માટે આજુબાજુની કમ્યુનિટી , સંસ્થાઓ , ચર્ચ અને લાયબ્રેરી , લોકલ સ્ટોર વગેરે સ્કૂલ સપ્લાય ફાળો ભેગો કરે અને જરૂરિયાતવાળાને ઘરે જઈને આપી આવે!”
એ બેઘડી સાંભળી રહ્યા !
મેં કહ્યું“ એટલું જ નહીં; અહીં આખા દેશમાં પબ્લિક સ્કૂલોમાં વીના મુલ્યે કે નહિવત પૈસે બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવે છે. જો છોકરાઓ સ્કૂલ પછીના સંભાળ કેન્દ્રમાં હોય તો બપોરનો નાસ્તો પણ આપવામાં આવે છે! એ તો ઠીક , પણ ઉનાળાની આ લાંબી રજાઓમાં પણ કોઈ બાળક ભૂખ્યું ના રહે તે માટે જે તે વિસ્તારની સ્કૂલ અથવા લાયબ્રેરીમાં લંચની વ્યવસ્થા હોય છે!” મેં સમજાવ્યું!
એ વડીલ મિત્રે દેશની માહિતી આપી;
“આપણા દેશમાંયે એવી સંસ્થાઓ હવે શરૂ થઇ છે ! કોઈ એન જી ઓ કે સદવિચારવાળી સંસ્થાઓ આવું કરે છે ખરી ; પણ , ખરા અર્થમાં જરૂરિયાતવાળાને કેટલું મળે છે એ વિચારવાનો પ્રશ્ન છે! સરકારનાં મધ્યાહન ભોજન કે બાળકોને દૂધ વગેરે કેટલાં બાળકો સુધી જાય છે? જો કે દુઃખની વાત તો એ છે કે શ્રમજીવી વર્ગના સંતાનો સ્કૂલે જવાનું જ ટાળે છે!
લોકોને ત્યાં કચરાં પોતાં કે હોટલોમાં કામ મળી રહે એટલે ભણવાનું બાજુ પર રહી જાય !એ લોકોને ભણતરનું મહત્વ કોણ સમજાવે ?
અને જેમને ભણતરનું મહત્વ સમજાય છે તેવા મધ્યમ વર્ગના લોકોને સારા શિક્ષણના ફાં ફાં છે!
આજથી અડધી સદી પહેલાં , આપણે ત્યાં મોટાં શહેરોમાં સારી નિશાળમાં પ્રવેશ લેવો હોય તો આખી રાત સ્કૂલની સામે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું ; પછી ફોર્મ મળે તો ઇન્ટરવ્યૂ લેવાય ને પછી પ્રવેશ મળે!
પણ હવે તો પરિસ્થિતિ એનાથીએ વધારે બગડી ગઈ ! ડોનેશન – અને તે પણ હજાર – બે હજાર નહીં વીસ ત્રીસ હજાર રૂપિયા તો કઈ વિસાતમાં જ નથી ! એમણે કહ્યું !
આવું કેમ ?
નિશાળના પ્રવેશ દ્વારનું પહેલું પગથિયું જ જો આટલું ભ્રષ્ટ હોય તો એ વિદ્યામંદિર ‘ સા વિદ્યા યા વિમુક્તયે ! મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા’ એમ શીખવાડે તેનો શું અર્થ ?“ મેં પુચ્છ્યું .
આવું અંધેર ?
આટલું બધું ગરબડીયું ?
આવું કેમ ?
“આપણે ત્યાં તો દેશ આખો જ સ્થિતપ્રજ્ઞ છે!” એમણે દુઃખ અને ટીખળ કરતાં કહ્યું; “ શિક્ષકો શું શીખવાડે છે અને ટ્રસ્ટીઓ શાને માટે આ ધધોં કરે છે અને સરકાર એમાં શું ભાગ ભજવે છે ,એ આખું તંત્ર એવી રીતે ગુંથાઈ ગયું છે ને! અને હવે તેની ઉપર અનામતું છોગું મુકો ! હવે તમે સ્થિતપ્રજ્ઞ બનીને જોયાં કરો ! કહેવાનું કાંઈ અને કરવાનું કાંઈ!
પણ આવું કેમ?
હું વિચારું છું :
શિક્ષણ ક્ષેત્રને કેવીરીતે સ્વચ્છ બનાવી શકાય ?
આખાયે વિશ્વમાં બાળકોને ઉછેરવા માટેના શ્રેષ્ઠ પાંચ શહેરોમાં નોર્વેની રાજધાની ઓસ્લો , ડેન્માર્કનું કોપનહેગન અને સ્વીડનનું સ્ટેકહોમ વગેરેની ગણતરી થાય છે કે જ્યાં બે એક વર્ષ પહેલાં મુલાકાત લીધી હતી ! ત્યાં ત્રીસ ટકા જેટલો ભારે ટેક્સ છે , પણ લોકોને સારી સુવિધાઓ મળે છે !
કુશળ રાજનીતિ અને તેના અમલ વીના કાંઈ શક્ય નથી.
મારો આક્રોશ ભભૂકી ઉઠે છે!
આપણે ત્યાં વિદ્યામંદિરોમાં રોજ પ્રાર્થના થાય છે: યાકુન્દેનદુતુષારહાર ધવલા.. વગેરે..અને પછી આપણે બોલીએ છીએ :
યા વીણા વરદણ્ડ મણ્ડિતકરા – અર્થાત જેણે વીણા રૂપી દંડ હાથમાં ધારણ કર્યો છે- લાગે છે કે સરસ્વતી માતાએ દંડો ઉપાડીને પોતાનો પરચો બતાવવાનો સમય આવી ગયો છે !” ગુસ્સામાં હું બોલી ઉઠી !
હવે પેલા વડીલે મર્માળુ સ્મિત કરતાં સચોટ ઉપાય બતાવ્યો ! એવું કર્યું હોય તો કેવું ? એમણે પુચ્છ્યું;
“ઇન્ડિયાના વિદ્યામંદિરોને દ્વારે તમે વિદ્યાદેવીને દંડો લઈને બેસાડો અને અમે અહીં અમેરિકામાં વિદ્યામંદિરોને દ્વારે દ્વારપાળને બન્દૂક ડિડેક્ટર લઈને બેસાડીએ ! “
સ્તબ્ધ બનીને હું એમની કોમેન્ટ સાંભળી રહી! ખડખડાટ મુક્ત અટ્ટહાસ્ય કરતાં એમણે કહ્યું: એવું કેમ?
નતમસ્તક હું મૌન રહી..