અનુભવની અભિવ્યક્તિ -પ્રકરણ 6 -કુમુદબેન પરીખ

                                         સીડીનું પગથિયું  6

જેમ દરિયાના મોજા અવિરત દોડતા કુદતા  નજરે પડે છે તેમ વિચારો ના મોજા પણ હંમેશા ચાલુ જ રહેતા હોય છે સ્વપ્નમાં જૂની સ્મૃતિ નવી સ્મૃતિ કોઈવાર જોયેલુ કાને સાંભળેલું અનુભવેલું બધાને જોડેથી એક નવી જ ફિલ્મ સપના દ્વારા જોવા મળે છે આટલા નાના મગજ માં આટલી બધી યાદો કયા ખૂણામાં સંતાઈ ને બેઠી હશે?  એ અકલ્પનીય છે.
            આજે  મારા મનમાં પણ  એક જૂની યાદ તાજી થઇ. જીવનમાં ઘણા  ખાટા-મીઠા કડવા અનુભવમાંથી આપણે પસાર થતા જ હોઈએ છીએ. એ બધા અનુભવોમાંથી  કંઈક તો શીખવા મળતું જ હોય છે.  મારું મન પણ સરખામણી કર્યા વગર રહેતું નથી.
ઇન્ડિયામાં ચાર વર્ષ શિક્ષિકાની નોકરી કર્યા બાદ અમેરિકા આવી. ૧૯૬૬ની સાલ હતી. અને મને પહેલી જોબ IBM  કંપનીમાં મલી.
          હું થોડી શરમાળ  આત્મવિશ્વાસનો  અભાવ એના લીધે હું કોઈનામાં ભળતી નહીં..બ્રેક ટાઈમે પણ  શાંતિથી  બધાને સાંભર્યા કરતી. પણ એમાં ભાગ લેતી નહીં. મારી સુપરવાઇઝર આ બધું નોટિસ કરતી. મને ઇન્ડિયા વિશે જાતજાતના પ્રશ્નો પૂછતી પોતે ઊંચી પોસ્ટ પર હોવા છતાં નાનામાં નાની વ્યક્તિનું ધ્યાન રાખતી.  મારી ભૂલ ને પણ શાંતિથી શીખવાડવાનો પ્રયત્ન કરતી.
બીજી એક વાત અમારી કંપની નો ટોપ મેનેજરે મને એની ઓફિસમાં બોલાવી મનમાં તો હું ગભરાતી હતી કેમ બોલાવી હશે?  મારી શું ભૂલ થઇ હશે? ધીમે રહીને બારણા પર knock કર્યું .અને તેને મને પ્રેમથી આવકારી.  હું ખુરસી માં બેઠી ત્યાં સુધી એ ઉભા રહ્યા.  મને કોઈ તકલીફ નથી તે પૂછવા લાગ્યા.  એમની લાગણીસભર વાતો આજે પણ ભુલાતી નથી.
           ત્રીજો પ્રસંગ યાદ આવે છે મારી પ્રેગ્નન્સીના કારણે કામ કરતા કરતા જ મને ઘણીવાર ઊંઘ આવી જતી. મશીન પર જ માથું ઢળી પડતું. તે વખતે મારી સુપરવાઇઝર ગુસ્સે થયા વગર મને પ્રેમ થી થપથપાવી  જગાડતી અને કહેતી આઇ અન્ડર સ્ટેન્ડ. ત્યારે મારાથી ઇન્ડિયાના બોસ અને અમેરિકાના બોસ ની સરખામણી કર્યા વગર રહી શકાતું નથી.
 ઇન્ડિયામાં મારા બોસ  પ્રભાવ પાડવા કે પોતે બોસ છે એ સતત યાદ કરાવવા પ્રયત્ન કરતા જ રહેતા. કદાચ બધા એવા ના પણ હોઈ શકે. આ તો મારા પોતાના અનુભવની વાત છે. બધાની વચ્ચે મારી ભૂલને દોહરાવતા પણ અચકાતા નહીં.
          ચારેક વર્ષ વીતી ગયા મારા સંસારમાં બાળકોની જવાબદારી વધતી ગઈ. અને જોબ ની વિદાય લઇ ઘર ની જોબ સ્વીકારી લીધી. થોડા વર્ષો બાદ અમે અમારો મેનેજમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો અને અમારી કંપનીની હું બોસ  બની ગઈ.  ઘણીવાર ઘણા પ્રોબ્લેમ આવતાં રાત્રે વાવાઝોડાની જેમ વિચારો ઘુમરાતા. અને આંખમાં ઊંઘ  વેરણ થઈ જતી. મને હંમેશા બીજાની ભૂલ જ વધારે દેખાતી. સવારે ઉઠતા જ મને થતું ક્યારે ઓફિસમાં જાઉં અને જેને ભૂલ કરી હોય તેને ધમકાવી નાખુ  અને ઓફિસમાં જતાં જ બધાની વચ્ચે તેમને ધમકાવી નાખતી.  ત્યારે મને લેસન શિખવાડનાર મારી ઓફિસનો  મેનેજર મારી ઓફિસ કેબીનમાં આવી મને કહે “કુમુદ  પેહેલા  ગુડ મોર્નિંગ કહે  પછી શાંતિથી અમે શું ભૂલ કરી એ તું કહે.  બધાને જ રિસ્પેક્ટ વહાલુ  હોય છે પ્રેમથી કહીશ તો તારા અને અમારા બંને માટે લાભદાયક છે”. અને એ દિવસથી એક લેસન હું શીખી રિસ્પેક્ટ, રિસ્પેક્ટ બધાને જ પ્યારૂ  હોય છે. એના ફાયદા પણ મને ઘણા થયા. ફાયદા એટલે સુધી થયા કે મારા અપાર્ટમેન્ટ મેનેજરને મારે ફાયર કરવાનો પ્રસંગ આવે ત્યારે એની ભૂલ હું તેને શાંતિથી સમજાવતી અને તેઓ પણ કોઈ પણ પ્રોબ્લેમ આપ્યા વગર ચાલી જતા.
           ૨૫ વરસ મારી કંપનીમાં કામ કર્યું. અને રિસ્પેક્ટ મંત્ર થી આજ પણ મારા સ્ટાફના માણસો નો પ્રેમ સંપાદન કર્યાનો મને ખૂબ જ આનંદ છે. આજે તો મારી દીકરીઓ કંપની સંભાળે છે અને તેમને પણ આ જ મંત્ર શીખવાડવાનો  પ્રયત્ન કરું છું આમ જીવનમાં નવું નવું શીખતાં શીખતાં  સીડીનો છઠ્ઠું પગથિયું ચઢી ગઈ. 

કુમુદ પરીખ 

“અનુભવની અનુભૂતિ” -કુમુદબેન પરીખ-પ્રકરણ -૪

સીડીનું ચોથું પગથિયું

અમેરિકામાં આવે વરસો વીતી ગયા પણ ઘણી જૂની યાદો આજે પણ તાજી છે.વિચાર કરું છું કે કમ્પ્યુટરમાં સેવ કરવા માટે ક્લિક કરવું પડે છે. પણ મનની  કરામત તો અજબ છે ક્લિક કર્યા વગર જ સેવ થઈ જાય છે. એવી જ થોડી યાદો નો ગુલદસ્તો તમને આપ્યા વગર રહી શકતી નથી.
1965 ની સાલ હતી થોડા મહિના પહેલા જ અમેરિકા આવેલી બધું જ મારા માટે નવું હતું સગા સંબંધી મિત્ર એ જે કહો તે એક મારા પતિ જ હતા અને તે પણ મને સ્વાવલંબી થવાનું કહી  રહ્યા હતા હિંમત રાખ્યા વગર છૂટકો નહોતો
કોલેજ શરૂ કરી. જુદા જુદા  દેશના વિદ્યાર્થીઓને  જોતી ત્યારે મનમાં વિચારો આવ્યા વગર રહેતા નહીં. ખરેખર અમેરિકા દેશ  એક મેલ્ટીંગ પોટ છે. જુદા  જુદા દેશના  લોકો આવ્યા અને તેમને સમાવ્યા.  અને એટલું જ નહીં પણ પ્રેમથી આવકાર્યા. એમના જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ કરી. એવા મહાન અમેરિકાનો  આભાર માન્યા વગર રહી શકતી નથી. ઇન્ડિયા તો મારી મા એના માટે તો અવિરત ઝરણું મારા હૃદયમાં વહેતું જ રહે છે. પણ અમેરિકાએ પણ મા જેટલો જ પ્રેમ આપ્યો છે.  કોલેજકાળ દરમિયાન નહીં પણ મારા જીવનમાં આજે પણ અમેરિકા માટે એવી જ ભાવના છે.
 
કોલેજકાળ દરમિયાન ખૂબ જ શીખવા મળ્યું જુદા જુદા દેશના લોકોની રીતભાત સંસ્કૃતિ વિચારો રમત-ગમતો સંગીત વગેરે વગેરે વિષયો ની   આપ-લે થઈ.
 
જ્યારે હું તેમને  કહેતી કે હું વેજિટેરિયન છું  ત્યારે તેઓ મને અનેક પ્રશ્નો પૂછતા. એ લોકોને તો એમ જ હતું કે શાકભાજી સિવાય વેજિટેરિયન શું ખાઈ શકે?  પ્રોટીન ક્યાંથી મળે અને એ લોકોને સમજાવતા મારો દમ નીકળી જતો.  આજે તો દુનિયામાં વેજિટેરિયન ની મહત્તા વધી ગઈ છે.
આમને આમ એક વર્ષ કોલેજ માં પૂરું થઈ ગયું મારામાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો. અને મને જોબ કરવાની ઈચ્છા થઈ.   એ વખતે થોડા વર્ષો પહેલા જ કમ્પ્યુટર ની શોધ થયેલી અને એનું ફિલ્ડ  પણ વિશાળ હતું. અને મ્હેં એ  ફિલ્ડમાં  ઝંપલાવવાનો વિચાર કર્યો. ચાર મહિનાનો ટૂંકો  કોર્સ કરી લીધો.
 
 મારી જોબ શોધવા ની કસોટી શરૂ થઈ ઘરમાં એક જ કાર જોબ શોધવા બસમાં જવું પડતું બસમાં કેવી રીતે જવું તે તો 411 ઇન્ફર્મેશન દ્વારા સહેલું  થઈ ગયું છતાં પણ બસમાં ડ્રાઈવર ની પાછળ ની સીટ માં જ બેસતી બે-ત્રણ વાર યાદ કરાવતી કે મારું સ્થળ આવે ત્યારે મને જણાવે. તે વખતના બસ ડ્રાઈવરો ને પણ ફોરેનરો  માટે ખૂબ જ સહાનુભૂતિ હતી.  અને હંમેશા મદદ કરતા .
 
ઘણીવાર તો જોબ શોધવાં  પચ્ચીસ ત્રીસ માઈલના અંતરે બે ત્રણ બસ  બદલીને જતી.  વિચારતી નહીં કે જોબ મળશે તો એટલું દૂર જવું શક્ય છે?  પણ મારા મનમાં તો એક જ ધૂન 400 ડોલર ખર્ચ્યા છે તો યેનકેન  પ્રકારે જોબ તો કરવી જ પડશે.
 
મારી પાસે  ગ્રીનકાર્ડ  અને એક્સપિરિયન્સ  નહીં. એટલે જયાં  જાઉં ત્યાં  નકારો જ  મળતો. પણ હું તો કરોળિયા ની જેમ મારા પ્રયત્નો ચાલુ જ રાખતી. આમ રખડતા રખડતા એક કંપનીમાં ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ. અને જોબ પણ મળી ગઈ. હું ખૂબ જ ખુશ થઈ ગઈ ફોન બુથમાંથી  મારા પતિને જોબ મળ્યા ના સમાચાર આપ્યા.
 
મારા પતિએ પૂછ્યું.   કઈ કંપની માં જોબ મળી?   મ્હેં  કહ્યું  “ i don’t know”   wait અને હું દોડતી બહાર ગઈ. બિલ્ડિંગનું નામ જોઈને કહ્યું  IBM . આમ હું સીડીનો ચોથું પગથિયું ચઢી ગઈ.

પ્રકરણ-૨- અનુભવની અભિવ્યક્તિ-કુમુદ પરીખ 

સીડીનું પહેલું પગથિયું
જેમ નાનો બાળક સીડીને જોવે ત્યારે સિડી  કેટલી લાંબી લાગે એ રીતે જ અમેરિકા નો પ્રવેશ મને લાંબી  સીડી જેવો લાગ્યો આજે હું તમને અમેરિકામાં પ્રવેશના પહેલા અનુભવની વાત કરીશ.
     એરપોર્ટ પરથી ઘરે જતાં જ મારા મંગેતરે  મારી ઓળખાણ એમના મિત્ર સાથે કરાવતા કહ્યું, કુમુદ આ બંને મારા ફ્રેન્ડ, જ્હોન  અને સૂઝી. આપણા લગ્ન હજુ વીસ દિવસ પછી છે. હમણાં એમના ઘરે રહેશું લગ્ન પછી આપણે આપણા નવા અપાર્ટમેન્ટમાં રહેવા જવાના છીએ. અત્યારે તો હું ખૂબ નાના એપાર્ટમેન્ટમાં માં રહું છું એટલે જ્હોન અને સુઝીનો ખૂબ જ આગ્રહ છે કે તું  તેમના આલિશાન ઘર માં લગ્ન સુધી રહે, ત્યાં તને સારી સગવડ રહેશે, બરાબરને?
      હું શું બોલું?  મનમાં તો થયું કે અત્યારે મારે આલિશાન ઘરની જરૂર નહીં પણ ઘર જેવા ગુજરાતી  વાતાવરણની જરૂર છે. મારા ઘરની અને મારી સાથે પરિવારની જેમ કોઈ વાતો કરે કે  મારી વાતો સાંભળે અને આશ્વાસનના બે શબ્દો બોલી કહે કે  ચિંતા નહીં કરતી,બધું સરસ ગોઠવાઈ જશે. જેના ઘરમાં રહેવાની છું  તેમના અને મારા વચ્ચે શું સામ્ય છે? જેની સાથે હું સહજ વાત પણ ન કરી શકું આલિશાન  મકાન તો મને સોનાના પિંજર જેવું લાગશે.
 
     જોકે જ્હોન  અને સુઝી  ખૂબ જ પ્રેમાળ હતા મારો રૂમ ખુબજ  સરસ શણગારેલો હતો તેમને ખબર હતી કે હું વેજિટેરિયન છું. એટલે પહેલે જ દિવસે ચીઝ પિઝા મંગાવેલો જિંદગીમાં પીઝાનું  નામ પણ સાંભળ્યું નહોતું. તેમાં પણ ચીઝના તાંતણા જોઈને જ મને ચીતરી ચડી ગઈ. પરાણે બે કટકા ખાધા. 
    એક-બે દિવસ તો મારા મંગેતરે રજા લીધેલી એટલે ફરવા હરવામાં ક્યાં ટાઈમ પસાર થઈ ગયો તે ખબર પણ ના પડી. વિકિડેઝ  શરૂ થતાં મારા પતિને નોકરી પર જવું પડતું.  ઘરમાં હું એકલી કઁટાળી ના જાઉં એટલે મારી રૂમમાં એક ટેપ રેકોર્ડર અને હિન્દી ગાયનોની ટેપ મુકેલી અને  ટેપ રેકોર્ડર કેવી રીતે વાપરવું તે પણ શીખવાડી દીધેલું.  
   Time change ના લીધે ઘણીવાર મને મોડી રાત સુધી ઊંઘ  આવતી  નહીં. પણ સવારે વહેલી ઉઠી જવાની  ટેવ ના લીધે વહેલી ઊઠી જતી.જીવન જાણે ગોઠવાતું નહોતું.
    જ્હોન સવારે   8:00 વાગે ઓફિસ જતા પહેલા, મને જોતા જ ગુડ મોર્નિંગ અને બીજું ઘણું ઘણું બોલી નાખતો પણ મને તો ગુડ મોર્નિંગ સિવાય બીજું શું બોલી ગયો તે ખબર પણ ના પડતી. આમ મારું કન્વર્સેશન સવારે શરૂ થતું .સૂઝી  મોડી મોડી ઊઠતી રાત્રે બધા જ પડદા સુઝી  બંધ કરી દેતી. ઈન્ડિયાની ટેવ  પ્રમાણે સવારે આખા ઘરમાં હવા-ઉજાસ મને ગમતો. બારી-બારણા ખુલ્લાં કરવાની ટેવ પણ હતી. કોઈના ઘરમાં સંમતિ વગર કેવી રીતે પડદા ખોલાય? બહારનો ઉજાસ  જોવા ધીમે રહી હાથથી  પડદા ને થોડો ખસેડીને બહાર  જોયા કરતી.
    
    સૂઝી હતી ઇટાલિયન એટલે એને ભૂખ લાગે ત્યારે બ્રેડ સાથે કોફી પીધા કરતી મને પણ આપતી.પણ એની એક બહુ જ ખરાબ ટેવ સ્મોકિંગ કરવાની તે મને ખૂબ જ સતાવતી એ હંમેશા મારી સાથે બેસી વાતો કરવાનો પ્રયત્ન કરતી. મોટી બહેનની જેમ પ્રેમ દર્શાવવા નો પ્રયત્ન કરતી આમ થોડા વખતમાં જ ભાંગ્યું તુટ્યું  ઇંગલિશ મને સમજણ પડવા લાગી. એક દિવસ તો એણે બ્રેડ પર જામ લગાવીને ટ્રાય કરવાનું કહ્યું તે દિવસથી જામ મારો ફેવરિટ થઈ ગયો આમ મારા દિવસો પસાર થતા હતા.
    વિકેન્ડ આવતા જ મારા મંગેતરએ કહ્યું ચાલ આજે આપણે મારા મિત્રના ત્યાં જઈએ આપણે ત્યાં જમવાના છીએ. મને લાગ્યું આ પાછા મને બીજા અમેરિકન ને ત્યાં લઈ જશે પણ મારા આશ્ચર્ય વચ્ચે આ તો આપણા ગુજરાતી ભાઈ નીકળ્યા. કોઈ તરસ્યાને  પાણીની વીરડી દેખાય ને જેટલો આનંદ થાય તેવો  મને થયો, આ આનંદની લહેર, તે તો કોઈ તરસ્યું માણસ જ જાણી શકે. ગુજરાતીમાં બધા સાથે વાતો કરવાની ખુબ મજા પડી,ખીચડી શાક નું જમણ તો મારા માટે પાંચ પકવાન  જેવું હતું અને જ્યારે ફ્રેન્ડના  પત્નીએ કહ્યું કે અમે તો તારા પતિને ખૂબ જ આગ્રહ કરેલો  કે લગ્ન પહેલાના દિવસો તું અમારી સાથે રહે તને  વધારે અમારે ત્યાં ગમશે.  આજે પણ મને ખબર નથી પડતી કે કયા આશયથી અમેરિકન મિત્રને ત્યાં મારા પતિએ મને રાખવાનું  વિચાર્યું. કદાચ અમેરિકન કલ્ચર હું જલ્દી શીખીશ એ આશય હોઈ શકે.
    અમેરિકામાં પ્રવેશ  પછીનો અમેરિકન ફેમિલી સાથે રહેવા નો મારો પહેલો અનુભવ, સૂઝી અને જ્હોનની  ફ્રેન્ડશીપ, એક ફેમિલી જેવો અહેસાસ મેં  વર્ષો સુધી અનુભવ્યો. આજે તો એ બંને આ દુનિયામાં નથી પણ મારા તેમને કોટી કોટી વંદન. આમ અનુભવથી આ  મારુ પહેલું  સીડીનું પગથિયું હું ચડતા શીખી ગઈ.
-કુમુદ પરીખ