સીડી નું બીજું પગથિયું
“ ઢોલ ઢબુક્યા ને વર વહુના હાથ મળ્યા.”
આ સાંભળતા જ તમારી નજર સમક્ષ એક શણગારેલો મંડપ અંદર ગાદી તકિયા પર સાજન માજન બેઠું હોય ધીમે સુરે શરણાઈના સૂર વહેતો હોય અને ઢોલની ધીમી થાપટ, સ્ત્રીઓ હસી-હસીને લગ્નગીતો અને ફટાણા ગાતી નજર સમક્ષ આવે.
ત્યાં ગોર મહારાજ એમના બુલંદ અવાજથી સમય વર્તે સાવધાન કન્યા પધરાવો સાવધાન આદેશ આપી રહ્યા હોય અને તે જ વખતે મામા નવવધૂનો મેદી ભર્યો ચુડીઓથી શોભતો હાથ પકડી મંડપ માં પ્રવેશ કરતા નજર સમક્ષ આવ્યા વિના રહે નહીં. આવા દ્રશ્ય કુવારી છોકરીઓ જોતી ત્યારે અચૂક કલ્પના કરતી એક દિવસ મારા લગ્ન પણ આ રીતે થશે એમાં હું પણ બાકાત નહોતી. નાનપણમાં લગ્ન સમારંભમાં જવાનું થતું અને નવવધૂને જોઇને વિચારતી એક દિવસ મારા લગ્ન પણ આવા ધામધૂમથી થશે .
વર્ષો વીતતા ગયા મારી સગાઈ થઈ ગઈ અને મારા મંગેતર અમેરિકા ભણવા પહોંચી ગયા. બીજા ચારેક વરસ વીતી ગયા. મારા મન્ગેતરે નક્કી કર્યું કે મને અમેરિકા બોલાવી ને અમેરિકામાં લગ્ન કરવા કારણ પણ યોગ્ય હતું . ઇન્ડિયા આવવાનો ખોટો ખર્ચો અને સ્ટુડન્ટ વિઝા પર ગયા પછી પાછા આવવા ના મળે તો પ્રોબ્લેમ થાય અને મારા ઇન્ડિયામાં પરણવાના સ્વપ્નો નો અંત આવ્યો.
થોડા જ ટાઈમ માં વિઝિટર વિઝા પર હું અમેરિકા આવી 20 દિવસ પછીની લગ્નની તારીખ નક્કી થઈ લગ્ન સ્થળ નક્કી થયું બધું જ મારા મંગેતર ના પરિશ્રમથી થઈ ગયું મારે તો લગ્ન કરવા જ બેસવાનું હતું અને ના— બેસવાનું નહીં ઉભા ઉભાજ લગ્ન કરવાના હતા.
શુભ દિવસની આગલી રાત્રે ના મહેંદી મુકાઈ ના પીઠી ચોળાઈ હા મારા મંગેતરના મિત્રની પત્નીએ બે ફૂલના હાર અને મારા અંબોડા માટે ગજરો તૈયાર કરી રાખેલો. સવારે વહેલી ઉઠી સાડી શણગાર અને હેર સ્ટાઈલ જાતે જ કરવી પડી. અને ફ્રેન્ડની કારમાં લગ્નસ્થળે પહોંચી ગયા. એનું નામ હતું સેલ્ફ રિઅલિઝારેસન સેન્ટર ટૂંકમાં એસ આર એફ, એ સમયે ન્હોતાં મંદિરો કે પંડિતો મોટા ભાગના પરણીને અમેરિકા આવતા અથવા પરણવા પાછા દેશમાં જતા. મારા લગ્નપહેલા બે ત્રણે જ અમેરિકામાં આ રીતે લગ્ન કરેલા.નાની પણ સુંદર જગ્યા હતી. સુંદર બગીચામાંથી અમે નાના હોલમાં પ્રવેશ્યા. ૩૫ જેટલા મિત્રો બેન્ચ પર બેઠા હતા. એ હતું અમારૂ સાજન.ત્યાં નહોંતી શરણાઈ ઢોલ ની થાપટ અને મામાના હાથે પ્રવેશતી નવવધુ.
અમે બંને બતાવેલા સ્થળે ઉભા રહ્યા એક ગોરો પ્રિસ્ટ ભગવા ધોતી જભા અને ખેસમાં અમારી સામે ઊભો રહ્યો. ટૂંકમાં બધા મિત્રો અને અમને આવકાર આપી વિધિ શરૂ કરી. વિધિમાં અમે એકબીજાને ગુલાબનું ફૂલ આપ્યું., સપ્તપદી ની જેમ અમેરિકન વચનો આપ્યા અને , એકબીજાના ગળામાં હાર પહેરાવ્યા અને રૂમની વચ્ચે એક નાના ટેબલ પર ફાયર પીટમાં અગ્નિદેવને આમંત્ર્યા હતા એની સાક્ષીએ ચાર ફેરા ફરી ઇન્ડિયન અમેરિકન વિધિ પૂર્ણ કરી. છેલ્લે મિત્રોની તાલીઓથી પતિ પત્ની નો એવોર્ડ લઇ લીધો આ હતી અમારી લગ્ન વિધિ.
હવે આવેલા મહેમાનોને જમાડવા વગર તો ઘરે ન મોકલાય એટલે બીજા એક ચર્ચમાં પેટીઓમા થોડા ખુરશી ટેબલ મુકેલા હતા. મહેમાનોને સેન્ડવીચ પોટેટો ચિપ્સ પીણામાં પંચ અને ડિઝર્ટમાં કેક થી સંતોષ્યા .લગ્નના ખર્ચ કરતા ગિફ્ટોના ઢગલા લઈ અમારા નવા અપાર્ટમેન્ટમાં પહોંચ્યા. ત્યાં કોઈ અમને આવકારનારુ કે પોંખનારું નહોતું. એટલે જાતે જ પ્રવેશ કરી અમારા લગ્નજીવન નો શુભારંભ કર્યો. આ હતી ૧૯૬૪ની લગ્ન વિધિ.
વર્ષો વીતતા ગયા મન હંમેશા ગુનાહિત રહેતું કે મારા મિત્રોને લગ્નમાં સેન્ડવીચ નું લંચ ખવડાવ્યુ એટલે 40 વર્ષની મારી લગ્ન તિથિ એ મારા બધા જ અરમાનો મહેંદી હેર સ્ટાઈલ લગ્ન ગીતો અને અમારા મિત્રો ને સુંદર જમણ જમાડવાનો મ્હેં સંતોષ માન્યો .આમ હું બીજું સીડીનું પગથીયું ચડી ગઈ.
Like this:
Like Loading...