જિગીષા દિલીપ
મિત્રો,
ગીતા,વેદ ,ઉપનિષદો – બધાં વાંચતાં હોય છે પણ તેના વિચારોને વહેતા કરવા માટે ધ્રુવદાદાએ જે રીત અપનાવી છે તે સાવ નોખી છે. કોઈને પણ શિખામણ આપતા હોય તેમ ન લાગે અને છતાં તેમને જે કહેવું છે તે તેમના નવલકથાનાં પાત્રનાં સંવાદમાં દર્શાવી કે તેમના ધ્રુવગીતમાં ગાઈને દાદા આપણને તે પ્રમાણે જીવવાનો રસ્તો દર્શાવે છે. પોતે પણ તે મુજબ જીવવા અને વિચારવા માટે પ્રયત્નશીલ અને સજાગ હોય તેવું ચોક્કસ લાગે. તમે જ્યારે તમારો વિચાર તમારા સર્જનમાં રજૂ કરો છો ત્યારે તે માન્યતા અને વિચાર તમારામાં દ્રઢ પણ થતો જાય છે.દાદાનાં વર્તન અને વિચારમાં મને તેની આભા દેખાય છે.
‘અગ્નિકન્યા’ નવલકથામાં ગીતાનાં બીજા અધ્યાયનાં ૪૭માં અને ગીતાનાં સાર રૂપ શ્લોકને ચરિતાર્થ કરતો સુંદર સંવાદ કૃષ્ણ અને દ્રૌપદીનાં સંવાદમાં ધ્રુવદાદાએ રજૂ કર્યો છે.શ્લોક છે.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન |
મા કર્મફલહેતુ્ર્ભૂ: મા તે સડ્ગોસ્ત્વકર્મણિ॥
તેનો અર્થ છે. “ફળની આશા રાખ્યા વગર તું કર્મ કરતો જા.તું કર્મનાં ફળની ઈચ્છાવાળો ન થાય તેમ જ તારી કર્મ કરવામાં આસક્તિ ન થાઓ.”દ્રૌપદી, પોતાનાં ચીરહરણની વ્યથાથી અને દુર્યોધન,દુ:શાસનનાં દૂર્વ્યવહારથી તેમજ ભીષ્મપીતામહ, દ્રોણ જેવા ગુરુજનોની પોતાની બેઈજ્જતી પર રખાએલી ચુપકીદીથી આચારાએલ અધર્મથી જીવન પ્રત્યે ખૂબ નારાજ હતી. તેમાં પોતાનાં પાંચ મહારથી પતિઓ સાથે વનવાસથી વધુ વ્યાકુળ હતી ત્યારે કામ્યકવનમાં કૃ્ષ્ણ અને કૃષ્ણાનાં સંવાદમાં દ્રૌપદી કૃષ્ણને કહે છે”ગોવિંદ ,હું થાકી ગઈ છું.યુધિષ્ઠિર અને ભીમ જેવાને પણ સમજવા કઠિન તેવા ધર્મની સ્થાપના કરવાના કે અધર્મનો નાશ કરવાના આદર્શો મારા મનમાં રહ્યા નથી.હવે મારા મનમાં કંઈ પણ કરવાની ઈચ્છા વસતી નથી.
દ્રૌપદીની જીવન પ્રત્યેની ઉદાસીનતા સાવ સાહજિક છે. ત્યારે ગીતાનાં અને જીવનનાં સાર રૂપ વચન કૃષ્ણ ,દ્રૌપદીને હસતા હસતા કહે છે,”કૃષ્ણા,આપણને કંઈ જ પ્રાપ્તિની ઈચ્છા ન હોય
ત્યારે જે કામ કરી શકાય તે જ સાચું કામ છે.કાર્યમાં આપણી જાતને સંડોવ્યા વગર થાય તેવું નિષ્કામ કર્મ જ સાચું કર્મ છે.”
આમ સંવાદ રચીને દાદાએ નિષ્કામ કર્મની વ્યાખ્યા અને તેની અગત્યતા સમજાવી,આપણે નિષ્કામ કર્મ કરતા કરતા જ જીવવું જોઈએ ,તે જ જીવનનો સાચો ધ્યેય છે તેમ દર્શાવ્યું છે.તો કૃષ્ણનાં વળતા જવાબમાં નીચેના શ્લોકની વાત દાદાએ આવરી લીધી છે.
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ |
ઘર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥
અર્થાત્ “સત્પુરુષોના રક્ષણ માટે,દુષ્ટોનાં વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું.”
કૃષ્ણ દ્રૌપદીને કહે છે,” પાંચાલી,મેં મારું સમગ્ર જીવન ધર્મની પુન: સ્થાપના માટે સમર્પી દીધું છે.મારે આર્યાવર્તને બેઠું કરવું છે.ક્ષુદ્ર ગણાતા માનવીને પ્રતિષ્ઠિત જીવન આપવું છે.પ્રજા પર ત્રાસ ગુજારતા અને તેને નિર્વીર્ય બનાવી દેતા શાસકોને સ્થાને મારે પ્રજાને ખમીરવંતા બનાવે તેવા શાસકો સ્થાપવા છે. માનવીને સાચો ધર્મ શો છે તેનું જ્ઞાન પ્રવર્તાવવું છે”
આ સંવાદ દ્વારા ધ્રુવદાદા ગીતાનાં “પરિત્રાણાય સાધૂનાં”શ્લોકની વાત આપણી સમક્ષ રજૂ કરે છે.આટલી કૃષ્ણની વાતથી દ્રૌપદી તેમની સાથે સંમત નથી થતી ત્યારે કર્મફળની વ્યાખ્યા સમજાવતાં કૃષ્ણ કહે છે,”મને શું મળ્યું તેનો હું વિચાર કરતો નથી. મેં તને કહ્યું તેમ મારા કોઈ કર્મ સાથે હું મારી જાતને સાંકળતો નથી. તમામ બંધનોથી દૂર રહીને હું ફક્ત કર્મ જ કરું છું. તેથી મારા માટે નિષ્ફળ-સફળ જેવું કશું જ નથી. મારે માટે માત્ર એક વસ્તુ છે.-કર્મ”
“સુખ દુઃખે સમો કૃત્વા લાભાલાભૌ જયાજયૌ” શ્લોકની વાત કૃષ્ણ કરતા હોય તેમ તે દ્રૌપદીને કહે છે”,જગત પોતાના કાર્યના પરિણામ પરથી સફળતા નિષ્ફળતાનું તારણ કાઢે છે.મારા માટે એવું નથી. પરિણામ ગમે તે આવે ,હું માત્ર કાર્યનો અધિકારી છું.તું કહે છે તેમ કદાચ આજની પરિસ્થિતિ બદલાવવામાં હું અસમર્થ રહું તો પણ તેનું મને દુ:ખ ન થાય ; સમર્થ રહું તો સુખ પણ ન થાય. આ સંવાદ મૂકી દાદાએ આપણને ગીતાનો સ્થિતપ્રજ્ઞતાનો સિધ્ધાંત સરળતાથી સમજવાનું કહ્યું છે.તેમજ સુખમાં અને દુ:ખમાં સમત્વ કેળવવાની શીખ કૃષ્ણનાં સંવાદ થકી આપી છે.
‘ પરિવર્તન જ જગતનો નિયમ છે, અને માનવીનાં જીવનમાં સુખ પછી દુ:ખ આવવાનું જ છે. અહીં કશું જ શાશ્વત નથી’ તે ગીતાનો સિદ્ધાંત સમજાવતો સંવાદ પણ દાદાએ કૃષ્ણનાં મુખેથી પ્રયોજ્યો છે.
કૃષ્ણ દ્રૌપદીને કહે છે,” પાંચાલી, તું ફક્ત કલ્પના કરે છે ; પરતું હું તો જાણું છું કે હું સફળ થાઉં તો પણ મેં સર્જેલી પરિસ્થિતિ કાયમ રહેવાની નથી.મારી આંખ મીંચાતાં મારું બધું નિર્માણ ધોવાઈ જશે.આ જગત વિચિત્ર છે. અહીં કશું જ શાશ્વત નથી.તેમજ કશું નાશ પણ પામતું નથી.બધું બદલાતું રહે છે.છતાં કંઈ બદલાતું નથી.”
“અગ્નિકન્યા” નવલકથામાં ધ્રુવદાદાએ કૃષ્ણ અને કૃષ્ણાનાં સંવાદ થકી કરેલ ગીતાનાં મૂળભૂત સિધ્ધાંતોની વાત આપણને સમજાઈ જાય તો જીવનમાં કોઈ દુ:ખ,ગ્લાનિ કે ફરિયાદ રહે નહીં.
અંતે કૃષ્ણ દ્રૌપદીને સાંત્વના આપતા કહે છે ,” દ્રૌપદી,આ જગતમાં દરેક માણસ એક યા બીજી રીતે દુ:ખી હોય જ છે. આપણે આપણા દુ:ખને અન્યનાં દુ: ખ કરતા મોટું ગણીએ છીએ તેથી મનને ક્લેશ થાય છે.આપણા દુ:ખને ગૌણ સમજીએ તો સુખનો અનુભવ થાય.તું તે સમજે અને અંતે સત્યનો વિજય છે તેવી શ્રધ્ધા રાખે તે માટે મેં તને આ કથા કહી છે”.
આ સંવાદ દ્વારા સત્યનો હંમેશા વિજય થાય છે માટે જીવનમાં હંમેશા સત્યના રાહે ચાલવું અને આપણે આપણા દુ:ખને મોટું ગણી દુ:ખી ના થવાની અણમોલ શીખ દાદા સૌને આપે છે.
આ સાથે જ “ અહમ્ બ્રહ્માસ્મિ” અને “શિવોહમ્” ની આદિ શંકરાચાર્ય ની વેદાંતની ગહન વાત – “આપણે સૌ પરમનાં જ એક અંશ છીએ “વાત સરળતાથી સમજાવતાં ધ્રુવગીતની મજા માણીએ.
હરિ તને શું સ્મરીએ આપણ જળમાં જળ સમ રહીએ.
વણ બોલ્યે વણ સાંભળીએ પણ મબલખ વાતો કરીએ
કોને કોનાં દર્શન કરવા કોનું ધરવું ધ્યાન
ચાલને એવું રહીએ જેવું લીલાશ સાથે પાન
હું પાણી, તું દરિયો એમાં શું ડૂબીએ શું તરીએ
પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી
હું થી તું અળગો છું એવી વાત કહીંથી સૂઝી
કોને જોડું હાથ ,ચરણમાં કોનાં જઈને પડીએ
હરિ તને શું સ્મરીએ આપણ જળમાં જળ સમ રહીએ
વાહ! કેટલું સરસ ગીત!ચાલો આ ગીતને જ સ્મરીને સમજીએ.
જિગીષા દિલીપ
જૂન ૧ લી ૨૦૨૨