૩૬ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાંબાઈના પદોને સથવારે…. વસ્ત્રહરણલીલા 

વ્રજની ગોપીઓએ  શ્રી કૃષ્ણને તેમના પ્રિયતમ તરીકેજ ચાહ્યા છે.ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલે માધુર્ય-રસની ચરમસીમા.આ માધુર્ય-રસમાં તરબોળ થયેલી વ્રજની એક લીલા છે ગોપીઓના વસ્ત્રાહરણની લીલા. આમ તો આ લીલા દુન્યવી દ્રષ્ટિએ થોડી ચર્ચાસ્પદ લીલા છે પણ, અહીં મારે શ્રી કૃષ્ણને તર્કબુદ્ધિથી નહિ પણ માત્ર પ્રેમ અને સમર્પણની દ્રષ્ટિએ નિહાળવાનો પ્રયત્ન કરવો છે.

कात्यायिनि महामाये महायोगिन्यधीश्वरि ।
नंदगोपसुतं देवि ! पतिं में कुरू ते नमः ॥
इति मन्त्रं जपन्त्यस्ताः पूजां चक्रुः कुमारिकाः

શ્રીમદ ભગવતજીના દસમ સ્કંધના એકવીસમાં પ્રકરણમાં વર્ણન કર્યા મુજબ, વ્રજની અમુક કુમારિકા ગોપીઓ હેમંત ઋતુમાં માતા કાત્યાયનીનું વ્રત કરે છે અને  ઉપરના શ્લોક દ્વારા માતા કાત્યાયિનીની ઉપાસના કરે છે. તેઓની એક માત્ર વિનંતી એ હોય છે કે તેઓ શ્રી શ્યામસુંદરને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરી શકે.અને આ કામના કરવામાં કોઈ હાનિ નહોતી. શ્યામ સુંદર આખા વ્રજના સૌથી સુંદર, પરાક્રમી કિશોર હતા.એથીય વધીને કહીએ તો શ્રી કૃષ્ણજ વ્રજના એકમાત્ર પુરુષ હતા, તો કુમારિકા ગોપીઓને આ કામના થાય તે સ્વાભાવિક્જ છે. હવે આ વ્રતની પૂજા કરતાં પહેલા, સર્વે ગોપાંગનાઓ પોતપોતાના વસ્ત્રો શ્રી જમુનાજીને કિનારે મૂકીને સંપૂર્ણ નગ્ન અવસ્થામાં સ્નાન કરવા જાય છે. જયારે તેઓ સ્નાન કરતી હોય છે ત્યારેજ લગભગ નવ-દસ વર્ષનો કનૈયો જમુના કિનારે આવે છે અને ગોપીઓના સર્વે વસ્ત્રોને લઈને કદંબના ઝાડ પર ચઢી જાય છે. અને આમ રચાય છે ગોપીઓના વસ્ત્રાહરણની લીલા… મીરાંબાઈએ આ રસ-સભર ગૂઢ લીલા અંગેના અમુક પદોની રચના કરેલ છે જેમાં ગોપીઓની કનૈયાને વસ્ત્રો પરત કરવાની આજીજીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

જેમકે નીચેના પદમાં ગોપીઓ અને કનૈયા વચ્ચેનો સંવાદ રજુ થયેલ છે. જેમાં ગોપીઓએ કરેલ આજીજીનો શ્યામ સુંદર જવાબ આપેછે અને છેવટે મીરાંબાઈ ગોપીઓ વતી સર્વ સમર્પિત થવાના ભાવને શબ્દોમાં વહેતો મૂકે છે.

हमरो चीर दे बनवारी
लेकर चीर कदम पर बैठे हम जल मानसी उधारी
तुमरो चीर तो तब देऊगो हो जाओ जल से न्यारी
ऐसी गति प्रभुजी क्यों करनी तुम पुरुष हम नारी
मीरा के प्रभु गिरिधर नागर तुम जीते हम हारी

તો વળી નીચેના પદમાં ગોપીઓ કનૈયાને ફરી એકવાર આજીજી કરીને કનૈયા પાસેથી વસ્ત્રો પરત  કરાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

ચડી ને કદંબ પર બેઠો રે, વાલો મારો ચીર તો હરી ને
માતા જશોદાનો કુંવર કનૈયો, નાગર નંદજીનો બેટો રે
મોર મુગુટ શિર છત્ર બિરાજે, પહેર્યો છે, પીળો લપેટો રે
નાહ્યાં ધોયા અમે કેમ કરી આવીએ, નાંખોને નવરંગ રેંટો રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, કો ઉતારોને એને હેઠો રે.

આ વસ્ત્રહરણની લીલા પણ એક ખુબ ગૂઢ લીલા છે. ગોપીઓની વસ્ત્રો પરત કરવાની ખુબ વિનવણી બાદ પણ શ્યામસુંદર ટસ ના મસ થતા નથી અને કહે છે કે એક-પછી-એક બધી ગોપીઓ અહીં ઝાડ પાસે આવો અને મને નમન કરીને પોતાના વસ્ત્રો લઇ જાવ. નિવસ્ત્ર ગોપીઓ આ સાંભળીને લજ્જાના સાગરમાં ડૂબી જાય છે…કહેવાય છે કે દરેક આત્માને આઠ જાતની સાંકળો કે બેડીઓ આપણને દુન્યવી આસક્તિથી જોડી રાખે છે. જે છે વંશ એટલેકે કુટુંબ, જાતિ, સુકર્મો,ભય, શોક, ગોપનીયતા ,ધિક્કાર અને લજ્જા. જ્યાં સુધી તમે આ બધીજ બેડીઓમાંથી મુક્ત ના થઇ જાવ ત્યાંસુધી તમે પ્રભુ પ્રાપ્તિ કરી શકો નહિ…ગોપીઓ આ બધી બેડીઓમાં થી સાત બેડીઓમાંથી તો મુક્ત થઇ ગયેલ હતી, પણ હજુ લજ્જાની બેડી થી સંસાર સાથે જોડાયેલી હતી. વસ્ત્રાહરણની લીલા દ્વારા શ્યામ સુંદરે તેમને આ લજ્જાની બેડીમાંથી પણ મુક્ત કરી દીધી. વસ્ત્રાહરણ લીલા એતો જીવની સંપૂર્ણ સમર્પણની લીલા છે. આમ ક્યાંયે સુરુચિનો ભંગ થતો નથી. આ લીલા માં કામવાસનાને ક્યાંય સ્થાન જ નથી અને માત્ર પ્રેમ અને માધુર્ય જ પ્રગટે છે. અને આમ જોવા જઈએતો ગોપીઓની કામનાજ શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવાની હતી. શ્રી કૃષ્ણ તો હંમેશા પોતાના ભક્તોના અંતરનો આર્તનાદ સમજીજ જાય છે અને બીજા કોઈક સામાજિક કે લૌકિક બંધનોનો ભંગ કર્યા વગર શ્રી કૃષ્ણએ પોતાની સર્વોચ્છ ભક્તાણીઓ એટલે કે વ્રજાંગનાઓ કે ગોપીઓની આ ઈચ્છા પણ વસ્ત્રાહરણની લીલા દ્વારા પૂર્ણ કરી. પછી તો ગોપીઓ એક પછી એક તદ્દન અનાવૃત અવસ્થામાં શ્રી કૃષ્ણ સમક્ષ ઉપસ્થિત થાય છે અને તેમને પ્રણામ કરે છે અને શ્રી કૃષ્ણ તેમના વસ્ત્રો પરત કરે છે. જયારે આપણે સ્થૂળ અને સૂક્ષ્મ દ્રષ્ટિએ આ માયાના બંધનોથી સંપૂર્ણ અનાવૃત થઈને પ્રભુ પાસે શરણાગતિ સ્વીકારીએ ત્યારેજ પ્રભુ આપણને સ્વીકારે છે.અને એ  વખતે જીવ આ માયાના બંધનોથી તદ્દન અલિપ્ત થઇ ગયેલ હોય છે તેથી તે પ્રભુએ પાછા આપેલ વસ્ત્રો પ્રત્યે તેને સ્થિતપ્રજ્ઞયતા પ્રાપ્ત કરી દીધેલ હોય છે.

આ વસ્ત્રાહરણના  હાર્દને અને માહાત્મ્યને વાગોળતા  હું  મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૩૫ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાંબાઈના પદોને સથવારે…. દાણલીલા 

तस्मादादौ सर्वकार्य सर्ववस्तुसमर्पणम
दत्तापहारवचनं तथा सकलं हरे

શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંતરહસ્યમના ઉપરના શ્લોકમાં નિર્દેશ કર્યો છે તેમ શ્રી પુષ્ટિમાર્ગી જીવે સર્વ કાર્ય અને સર્વ વસ્તુ પ્રભુને સમર્પિત કર્યા બાદજ ગ્રહણ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ સ્વયં દરેક ક્રિયા અને કાર્યનું કારણ અને કર્તા છે, આપણે પામર મનુષ્યોતો માત્ર એ ક્રિયા અને કાર્ય માટેના નિમિત્ત છીએ. શ્યામસુંદરની વ્રજની અનેક લીલાઓ પૈકીની એક લીલા દાણલીલા દ્વારા  શ્રીઠાકોરજી આજ પ્રસ્થાપિત કરવા માંગે છે. વ્રજની ગોપીઓ માટે તેમના દૂધ, દહીં,માખણ તેમની આજીવિકાના સાધનો હતા અને તેને વેચીને ગોપ-ગોપીઓનું ગુજરાન ચાલતું. જયારે ગોપીઓ માથે મટુકી મૂકીને આ દૂધ,દહીં, માખણ વેચવા નીકળે છે ત્યારે આપણા નટખટ મદનગોપાલ રસ્તો રોકી ને ઉભા રહે છે અને ગોપીઓ પાસેથી દાણ એટલે કે કર વસુલ કરે છે. અને આ દાણ તેઓ ગોરસના ગોળા સ્વરૂપે જ વસુલ કરે છે.

આ દાણલીલા એ બહુ ગૂઢ રહસ્ય ધરાવતી લીલા છે.શ્રી ઠાકોરજી ગોપીઓ પાસેથી દાણ સ્વરૂપે ગોરસના ગોળા વસુલ કરે છે. આ દહીં એટલે કે ગોરસ એ આપણી ઇન્દ્રિયો છે.જેમ દહીંને ખુબ વલોવવાથી તેમું માખણમાં રૂપાંતર થાય છે જેને શ્યામસુંદર સ્વયં ગ્રહણ કરે છે, તેમ આપણને પણ આપણી દશેય ઇન્દ્રિયો અને અગિયારમું મન એ સર્વે ઇન્દ્રિયોને પ્રભુસેવામાં સમર્પિત કરવાના મંથનમાંથી પસાર કરીએ  ત્યારે આપણે પ્રભુ ને ગ્રહણ થવાને લાયક બનીએ છીએ અને પ્રભુ અનુગ્રહ કરીને આપણને સ્વીકારે છે. દાણલીલાએ જીવને  માયતત્વ માંથી દિવ્યતત્વમાં ખેંચી જવાની લીલા છે. આ લીલામાં પ્રભુ તેમની પ્રિય ગોપીઓ પાસેથી સ્વયઁ આવીને માગણી કરે છે કારણકે શ્રી ઠાકોરજી ગોપીઓને માયાના બંધનમાંથી મુક્ત કરવા માંગે છે. પણ ગોપીઓ શરૂઆતમાં આ ગુઢલીલા ને સમજવા અસમર્થ હોય છે. મીરાંબાઈએ ગોપીઓના મનોભાવ દર્શાવતા દાણલીલાના ઘણા પદો ની રચના કરેલ છે.

જેમકે નીચેના પદમાં મીરાંબાઈએ , જયારે ગોપીઓનો રસ્તો શ્યામસુંદર રોકે છે, ત્યારે શરૂઆતમાં શાલીનતાથી ગોપીઓ રસ્તો છોડી દેવા વિનંતી કરે છે તે ભાવને શબ્દદેહ આપ્યો છે.

મેલોની માવા, મારગડો મેલો ની માવા
ચાટે ને ઘાટે રોકો શામળિયા, હાંરે મારા પાલવડે શાવા
રસિયાજી શું સિહોર કરો છો, જીવણ દો જાવા
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર ના ગુણ, ગુણ તો ગોવિંદ ના ગાવા

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ જયારે ગોપીઓ થોડી સખ્તાઈ થી પોતાનો મારગડો મેલી દેવા કહે છે તેનો ભાવ રજુ કરે છે અને જો શ્યામસુંદર ન માને તો કંસની આણ પણ દઈ દે છે.

મેલી દેને કાન રે મારગડો અમારો મેલી દેને કાન
છોડને પાલવડો અમારો, મેલી દેને કાન
વાટે ને ઘાટે શાને રોકો છો, તમને કંસ ની આણ રે
વારે વારે તમને નંદકુંવરને,હજુ ન આવી શાન રે
ઉભા ઉભા તમે શાને કરો છો, મોહનાં મારો છો બાણ રે
અમે મહિયારા રાજા કંસના શાના માંગો છો દાણ રે
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, તમે છો નંદના લાલ રે

ગોપીઓ કાનુડાની આ સતામણીથી ઘણી હેરાન પરેશાન થાય છે અને થોડા વ્યંગ અને થોડા ટોણા મારીને કાનુડાને મોઢામોઢ ફરિયાદ પણ કરે છે. આવાજ ભાવો નીચેના પદમાં મીરાંબાઈએ રજુ કર્યા છે.

લેશે રે મહીંડા કેરા દાણ આ તો મોઢું, લેશે તે મહીંડા કેરા દાણ
અમો અબળા કઈ સબળ સુંવાળવાળા આવડી શી ખેંચતાણ
નંદના ઘરનો ગોવાળિયો રે, ઓળખ્યા વિના રે વૃષભાન
મધરાતે મથુરાથી રે નાઠો, તે તો, અમને નથી રે અજાણ
વૃંદાવનને મારગે જતા, તું તો શેનું માંગે છે રે દાણ

આમ મીરાંબાઈએ દાણલીલા વખતે ગોપીઓના મનોભાવોને વાચા આપતા ઘણા પદોની રચના કરી છે.વ્રજમાં ત્રણ પ્રકારની ગોપીઓ હતી. સાત્વિક ગોપીઓ કે જે કનૈયો પોતાની પાસેથી દાણ માંગે છે તેને પોતાનું અહોભાગ્ય સમજતી અને સત્વરે સસ્મિત દાણ આપી  દેતી. રાજસિક ગોપીઓ કે જે ઘણા તર્ક-વિતર્ક અને મેણાં-ટોણા  કર્યા પછી ઠાકોરજીના શરણમાં આવતી અને દાણ આપતી. અને તામસી ગોપીઓ કે જે માયામાં એટલી બધી રત રહેતી કે ઠાકોરજી છેવટે તેમની પાસેથી દાણ ઝૂંટવીને લઇ લેતા…આપણે બધા પણ આ ત્રણમાંથી એક કક્ષાની ગોપીઓ જેવાજ છીએ.  પુષ્ટિમાર્ગમાં ભાદરવા સુદ એકાદશીને દિવસે  દાણ એકાદશી ઉજવવવામાં આવે છે. ત્યાર થી પંદર દિવસ દાણ લીલાનો ઉત્સવ ઉજવાય છે જ્યાં આપણે દશેય ઇન્દ્રિયો અને અગિયારમું મન શ્રી ઠાકોરજીને દાણ રૂપે સમર્પિત કરવાનો મહિમા છે… તો ચાલો આજે આ લીલા ને વાગોળતા વાગોળતા અને ઠાકોરજી તરફ સમર્પિત થવાના માર્ગ પર નાના નાના ડગલાં ભરવાના નિશ્ચય સાથે હું મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૩૪ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાંબાઈના પદોને સથવારે…. ગોપીઓના મનોભાવોની રંગોળી

न तथा मे प्रियतम आत्‍मयोनिर्न शंकर: ।
न च संकर्षणो न श्रीर्नैवात्‍मा च यथा भवान् ।।

શ્રીમદ ભાગવતના ૧૧માં સ્કંધના પ્રકરણ ૧૪ના ઉપરના શ્લોકમાં સ્વયઁ ભગવાન કહે છે કે મને બ્રહ્મા,સંકર્ષણ,શ્રી લક્ષ્મી તથા મારા પોતાના આત્મા કરતા પણ મારો અનન્ય ભક્ત મને વધુ પ્રિય છે કારણકે આ ભક્ત માત્ર મારામાંજ સંતુષ્ટ રહે છે અને અન્ય તૃષ્ણાઓથી વિમુખ રહે છે. ગોપીઓનો અને મીરાંબાઈનો શ્યામ પ્રત્યેનો પ્રેમ આવીજ કક્ષામાં મૂકી શકાય છે. તેમના પ્રેમની અનન્યતા એજ તો તેમના પ્રેમની વિશેષતા હતી. ગોપીઓ અને મીરાંબાઈ (જે પણ પૂર્વજન્મના ગોપીજ હતા) એક એવો વિલક્ષણ પ્રેમ છે કે જેમાં શૃંગાર છે  પણ વિકાર નથી, આસક્તિ છે પણ અજ્ઞાન નથી,અનુરાગ છે પણ કામના નથી, સુખ છે પણ સ્પૃહા નથી…

કહેવાય છે કે પ્રેમ જુદા જુદા રંગે પ્રદર્શિત થતો હોય છે અર્થાત જેને તમે ખરા દિલ થી પ્રેમ કરતા હોવ તેની સાથે જ તમે જુદા જુદા મનોભાવોની રંગોળી રચી શકો છો. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અલૌકિક પ્રેમ પણ આવા જ કંઈક મનોભાવોના રંગોનો રસથાળ પીરસતી હતી. ક્યારેક ગોપીઓ વિનમ્રતાની મૂર્તિ સમો પ્રાર્થનાનો પીરોજી રંગ પ્રસરાવતી તો ક્યારેક ઉત્કંઠા અને અધીરાઈના આસમાની રંગનો શ્યામ પર અર્ધ્ય કરતી. ક્યારેક પોતાના અંતરની અભિલાષાઓના લાલ રંગે શ્યામને રંગી લેતી તો ક્યારેક ટીખળ અને વ્યંગનો ગુલાબી રંગ પણ વેરી લેતી.મીરાંબાઈ એ ગોપીઓના આ સર્વે મનોભાવોને તેમના પદો દ્વારા શબ્દદેહ આપેલ છે.

જેમકે નીચેના સુંદર પદમાં મીરાંબાઈ વિનમ્રભાવે વ્રજબાળા બનીને નંદલાલને આદરભાવે દર્શન દેવા માટેની આજીજી કરતી પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં નમ્રતાનો ભાવ અભિન્ન રીતે વણાઈ જાય છે. નમ્રતા એટલેકે humility એ સાચા ભક્તનો પ્રથમ ગુણધર્મ છે.પ્રભુની સમીપે પહોંચવા માટે અહંનો અંચળો ત્યાગીને નમ્રતાને અપનાવવી જ પડે.

नंदजी के लाला, ठाड़ी ब्रज बाला दर्शन दीजिये
ब्रजबाला विनती करे, सुनियो श्याम पुकार
बिन दर्शन फीको लागे, सब ही हार सिंगार
सुन्दर श्याम मनोहर मूरत,शोभा अधिक अपर
क्रीट मुकुट मकराकृत कुण्डलं, गल पुष्पन को हार
शिव सनकादिक ध्यान लगावे, कर रहे वेद पुकार
शेष सहस्त्र मुख रटत रत दिन, कोइयाँ पावे पार
नाम अनंत अंत नहीं आवे, हो सबके करतार
मीरां के प्रभु गिरिधर नागर, तुमरे ही आधार.

પ્રાર્થનાનો આજ રંગ આગળ વધારતા નીચેના પદમાં મીરાંબાઈ ગોપીઓ વતી રીસભરેલી પ્રાર્થના કરે છે. આ રીસ કોઈ લૌકિક કારણોસર નથી પણ અત્રે વહાલો માયા લગાડીને મેલીને જતો રહે છે તેની ફરિયાદ છે.

હા રે માયા શીદને લગાડી, ધુતારે વહાલે માયા શીદ લગાડી
માયા લગાડી વહાલા, મેલી ના જશો, એવા ના થાઓ નાથ અનાડી
વૃંદા તે વનમાં ગૌધન ચારતા, હારે મધુરસી મોરલી વગાડી
વૃંદાવનને મારગ જતા વહાલા, ફૂલ ની તે વાડીઓ ભેલાડી
હાથમાં દીવડો મેં બાળ કુંવારી વાળા, હારે દેવળ પુજવાને ચાલી
બાઈ મીરા કે પ્રભુ ગિરિધર ના ગુણ, ચરણ કમલ બલિહારી

ગોપીઓમાં પણ મનુષ્ય સહજ અધીરાઈ અને ઉત્કંઠા જોવા મળે છે પણ આ અધીરાઈ અને ઉત્કંઠા માત્ર અને માત્ર શ્યામસુંદરના મુખના દર્શનમાટેની છે. ગોપીઓના અનન્ય પ્રેમમાં  ક્યાંય બીજી કોઈ દુન્યવી ચીજ વસ્તુ માટે કે બીજા કોઈ લૌકિક સંબંધો માટેની ઊત્કંઠા ને કોઈ સ્થાન નથી. મીરાંબાઈએ ગોપીઓના આવાજ ઉત્કંઠાના ભાવને સરળ શબ્દદેહ નીચેના પદમાં આપ્યો છે.

આતુર થઇ છું મુખ જોવાને ઘેર આવો નંદલાલા રે
ગાઉં તણા મિશ કરી ગયા છે ગોકુલ આવો લાલા રે
માસીને મારી ને ગુણકાને તારી – ટેવ તમારી છોગાળા રે
કંસ મારી માં બાપ ઉગાર્યા, ઘણા કાપતી નથી ભોળા રે
મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ ઘણાજ લાગે પ્યારા રે

ગોપીઓના અંતરમાં પણ તેમના પ્રભુની નિત્ય નિકટ રહેવામાટેની અભિલાષા જાગે છે અને તેઓ કામના કરે છે કે જો હું મોરણી બની જાઉં તો હું કદાચ પ્રભુની નિકટ હંમેશા માટે રહી શકું અને પ્રભુનું સદૈવ સાન્નિધ્ય માણી શકું. આવોજ કંઈક ગોપીઓનો અભિલાષાનો ભાવ મીરાંબાઈએ નીચેના પદ માં વ્યક્ત કર્યો છે.

भई क्यों न वृज की मोर सजनी
अपनी पंखा को मुकुट बनती, धरती नंदकिशोर
गिरिवर चढ़ कर टेर सुनती, सुनते नंदकिशोर
मात यशोदा चुगो चुगती, भर भर रतन कटोर
मीराके प्रभु गिरिधर नागर, चित हरियो चितचोर

ગોપીઓમાં પણ સ્ત્રીસહજ ઈર્ષાનો ભાવ રહેલો હોય છે – જયારે તેમના શ્યામ તેમને મૂકીને બીજી અન્ય સ્ત્રી ને મહત્વ આપે ત્યારે.મીરાંબાઈએ આવો વ્યંગનો ભાવ આ પદમાં રજુ કર્યો છે. જેમાં તેઓ  કહે છે કે તે તો કુબ્જાને રાણી  બનાવી છે અને અમારાથી અબોલા લીધેલ છે..

तेरो दिल कुब्जा सौं राजी, हमसे अबोलणा महाराज
हमरो कियो तुझे खारो लगत है, पर घर जाय भंवर रास लेणा
उनसे हल मल रहणा..हमसे अबोलणा
उर मोतियन की माला सोहे, वस्त्र परे झीणा झीणा
मधुरो सो राग सुनाय छतिया छोलना महाराज
मीराँबाई के हरि गिरिधर नागर हरख निरख गुण गे
चरणा चित डोलना

આમ મીરાંબાઈએ ગોપીઓના વિવિધ મનોભાવોના રંગોની છણાવટ તેમના પદો દ્વારા કરેલ છે.મીરાંબાઈ ગોપીઓનુંજ પ્રતિબિંબ હતા.  મીરાંબાઈના કૃષ્ણપ્રેમમાં ભગવદ્ અનુરાગ કેન્દ્ર સ્થાને છે. અને જેમ જેમ તેઓ આ પ્રેમમાં ઊંડા ઉતારતા ગયા તેમ તેમ  મીરાંબાઈ પ્રભુમય બનીને પ્રભુમાં ઓગળતા ગયા અને પ્રભુની પરમ સમીપે પહોંચતા ગયા…ચાલો આજે ગોપીઓના ગોપાલ પ્રત્યેના અનન્ય પ્રેમનું ચિંતન કરતા હું મારી કલમને આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૩૩ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાંબાઈના પદોને સથવારે…. ગોપીઓનો અનન્ય પ્રેમ

निरपेक्षं मुनिं शान्तं निर्वैरं समदर्शनम् ।
अनुव्रजाम्यहं नित्यं पूयेयेत्यङ्‍घ्रिरेणुभि: ॥ १६ ॥

          ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અનન્ય હતો. ગોપીઓના અનન્ય પ્રેમને સ્વયં ભગવાને સ્વીકૃતિ આપેલ છે. શ્રીમદ ભાગવતના ૧૧માં સ્કંધના ઉપરના શ્લોકમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે જેઓ મન,વચન,કયાંથી મને પૂર્ણસમર્પિત હોય અને કામ,ક્રોધ,મોહ,અહંકાર જેવા માયાના આવરણોથી પર હોય તેવા મારા પ્રાણપ્રિય ભક્તોની ચરણરજથી મારી જાતને પવિત્ર કરવા હું સદા તેમની પાછળ પાછળ ફર્યા કરું છું. વ્રજમાં ભગવાન ગોપીઓ પાછળ આજ કારણથી ફર્યા કરતા હતા કારણકે ગોપીઓ તેમના શ્યામસુંદર ને સર્વસમર્પિત હતી. અહીં ભગવાનની ભક્ત પાછળ ઘેલા થવાની વાત છે – તેજ દર્શાવે છે કે ગોપીઓનો તેમના શ્યામસુંદર પ્રત્યેનો પ્રેમ એક શુદ્દદ્વૈત પ્રેમ હતો. એક નિર્મળ, નિર્વિકાર અને નિરુદ્દેશ્ય પ્રેમ હતો. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલે માત્ર સર્વાત્મ સમર્પણ પૂર્વકના પ્રેમની પરાકાષ્ટા નો પર્યાય.

ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલે માધુર્યભાવ નો અનંત સ્તોત્ર. કહેવાયછે કે ભક્તિમાર્ગમાં ભક્ત પાંચ જુદા જુદા ભાવથી પ્રભુની સમીપે જઈ શકે. શાંત ભાવ, વાત્સલ્ય ભાવ, દાસ્ય ભાવ, સખ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ માધુર્યભાવ એક અલૌકિક ભાવ છે જેમાં પ્રભુને આપણા પ્રિયતમ કે પ્રિયજન તરીકે સ્થાપિત કરીએ છીએ. મીરાંબાઈ – જે પૂર્વજન્મના ગોપી હતા તે પણ ગિરિધર ગોપાલને માધુર્યભાવે જ ભજતાં હતા. મીરાંબાઈએ ગોપીઓના આ નિર્મળ, નિર્વિકાર અને નિરુદ્દેશ્ય પ્રેમને તેમના પદો દ્વારા ખુબ સુંદર રીતે પ્રગટ કર્યો છે. 

જેમકે નીચેના પદમાં મીરાંબાઇ ગોપીઓની પ્રેમસભર સંવેદના વહેતી મુકતા કહે છે કે આ મનમોહક શ્યામસુંદરે તો જાણે જંતર ભણીને અમારા પર કામણ કીધા છે અને આ લાલનના લોચનિયે અમારા દિલ લઇ લીધા છે.

લાલને લોચનિયે દિલ લીધા રે, લાલને લોચનિયે દિલ લીધા રે
જંતર ભણી વહાલો મુજ પર દરે વહાલો, વેળા-કવેળાના કામણ મને કીધા રે
જળ જમનાના જળ ભરવા ગયા તા વહાલા, ઘૂંઘટડામાં ઘેરી લીધા રે
ચુન ચુન કળીયો વાળી સેજ બનાવું વહાલા, ભ્રમર પલંગ સુખ લીધા રે
મીરાં બાઈ કે પ્રભુ ગિરિધર ના ગુણ, ચરણ કમલ મેં ચિત્ત ચોરી લીધા રે.

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ ગોપીની  શ્યામસુંદર પ્રત્યેની અનન્ય પ્રીત છે તેની સંવેદનાઓને વાચા આપે છે અને કહે છે કે બીજી બધી સાંસારિક જંજાળ તૂટી ગઈ છે કારણકે મને તો મારા ગોપાલની લત લાગી છે.

मोरी लय लगी गोपाल में
मेरो काज तो कौन करेगा, मेरे चित नन्दलाल छे
वृन्दावन की कुञ्ज गलिनमे, जपती तुलसी माल छे
मोर मुकुट पीताम्बर शोभे, गाल मोतिन की माल छे
मीराँ के प्रभु गिरिधर नागर, टूट गई जंजाल छे

નીચેના સુંદર પદમાં મીરાંબાઈ ગોપીઓ વતી કનૈયાને વિનવેછે કે તું મારી પાસે છાનો-છપનો આવજે અને રસ્તો છોડીને ગલીમાંથી આવજે, અને કામલી ઓઢીને આવજે એટલે તને કોઈ ઓળખીના શકે.કેટલો સુંદર ભાવ? ગોપીઓ સાંસારિક બંધનોને આધીન છે પણ આ બંધનો તેને કનૈયાને મળવામાં અને પ્રભુ-પ્રાપ્તિ સુધી પહોંચવામાં રોકી શકતા નથી અને આવા નિર્મળ નિર્વિકાર પ્રેમના પ્રતિસાદ રૂપે કનૈયો ખરેખર વેશ બદલીને ગોપીઓને દર્શન દેવા પહોંચી પણ જતો હતો.  

कनैया प्यारे आवज्यो छाने छाने
रास्तो छोड़ गलीसे आज्यो सभी पिछाणे थाने
मैं समझाऊ तोय सांवरा बात करुली छाने
काली कमली ओढ़ कर आज्यो कोई न पिछाणे थाने
पड़ोसन के आय बेठ्यो वा कह देसी माने
दाऊदयाल को खबर पड़े न मैया देगी ताने

ગોપીઓનો કનૈયા વગર ચાલતું ય નહિ અને કનૈયાના તોફાનોથી ત્રાહિમામ પોકારી જવાય ત્યારે કનૈયા સાથ ફાવતું પણ નહિ…આવીજ કાંઈક સંવેદનાઓને મીરાંબાઈએ નીચેના પદમાં રજુ કરીછે.ગોપીઓ કનૈયાના નટખટ તોફાનો થી કંટાળીને ઘણી વખત મનમાં એવું કનૈયાની સાથેની પ્રીતને તોડી નાખવાનું વિચારતી અને કનૈયા થી રિસાઈ જવાનું પણ વિચારતી પણ તેનો કોઈ કાળે અમલ કરી શકતી નહિ.

तोड़ी टूटे नाय सखी सांवरा की प्रीतलड़ी
वृन्दावनमे धेनु चरावे, गावे गीतलड़ी
गोरख के मिस बाँह मरोड़ी, या काई रीतलड़ी
कुञ्ज कुंजमे भटकत डोले, करके प्रीतलड़ी
मोहन हर गला का तोडा, करे अनिताड़ली
दासी करि पटरानी सांवरो, आड़ी भीतलड़ी
मीराँ कहे प्रभु गिरिधर नगर, आवे रिसदली

ચાલો આજે ગોપીઓના ગોપાલ પ્રત્યેના અનન્ય પ્રેમનું ચિંતન કરતા હું મારી કલમને આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ

Image Courtesy: https://tamilandvedas.com/tag/gopis/

૩૨ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. ગોપી મહિમા

“ગોપી” શબ્દ સાંભળતાજ આપણી આંખ સમક્ષ શ્યામસુંદર પાછળ ઘેલી બનેલી વ્રજાંગનાનું ચિત્ર ખડું થઇ જાય છે જેના શ્વાછોશ્વાસ શ્યામસુંદરની બંસીના સુર સાથે ગુંથાઈ ચૂકેલ છે.શ્રી રાધાજી પ્રમુખ ગોપી હતા પણ તેમની સાથે સાથે ગોપાંગનાઓનું આખું વૃંદ પણ શ્યામસુંદરના બંસીના સુરે હિલોળા લેતું હતું. વ્રજની ગોપીઓનો શ્રી શ્યામસુંદર પ્રત્યેનો પ્રેમ એ પ્રેમની પરાકાષ્ટા ગણી શકાય. ગોપીઓનું  ચિત્ત બધી બાજુથી પોતાની વૃત્તિઓનો વિસ્તાર સંકેલીને માત્ર અને માત્ર પોતાના સર્વસ્વ શ્યામસુંદરમાં કેન્દ્રિત થયેલ હતું. ગોપીઓ નિરંતર શ્રી કૃષ્ણમય રહેતી અને સામે શ્રી કૃષ્ણ પણ સદૈવ ગોપીમય બની ગયેલા. ગોપીઓ દિવસ રાતનું ભાન ભૂલીને પોતાના શ્યામના સ્વપ્નમાં ખોવાયેલી રહેતી અને બંસીધરીની બંસીના સુર તેમના કાનમાં નિરંતર ગૂંજ્યા કરતા.

આ વ્રજની ગોપાંગનાઓ તો બીજું કોઈ નહિ પણ શ્રી રામાવતાર દરમિયાન શ્રી રામના આશીર્વાદ પામેલા દંડકારણ્યના સાધુસંતો હતા જે પૂનઃઅવતાર લઈને શ્રી કૃષ્ણાવતાર દરમિયાન ગોપીઓ બનીને અવતરેલા હતા. એટલે પૂર્વ-સંસ્કાર વશ, ગોપીઓને આ અભેદ્ય જ્ઞાન હતુજ કે પ્રાણીમાત્ર નું અંતિમ આશ્રય-સ્થાન અને  પરમ ગતિ, માત્ર શ્રી કૃષ્ણજ છે. પ્રાણીમાત્રના માતા-પિતા, ગુરુ, બાંધવ,પરમ પતિ માત્ર શ્રી કૃષ્ણજ છે. ગોપીઓ શ્રી કૃષ્ણને પોતાના પ્રિયતમ માનીને અનન્ય વિશુદ્ધ પ્રેમ ભાવથી મન-વચન-કાયાથી પ્રેમ કરતી હતી.

મીરાંબાઈ પણ પૂર્વજન્મ માં બરસાના-વ્રજની ગોપાંગનાજ હતા. મીરાંબાઈની સ્મૃતિમાં પૂર્વજન્મના ગિરિધરની છબી જે અંકિત થયેલી હતી તે આ જન્મમાં પણ અકબંધ રહી હતી. તેથી જ તેમનાં દરેક પદનાં અંતમાં ‘ગિરિધર’ ના હસ્તાક્ષર શબ્દો રૂપે રહેલા હોય છે. મીરાંબાઈના અમુક પદોમાં પોતાના પૂર્વજન્મનો ઉલ્લેખ પણ તેમણે કરેલ છે. મીરાંબાઈએ જે રીતે ગિરિધર ગોપાલ ને ચાહ્યો હતો તે પરથી એવું ચોક્કસ ફલિત થાય છે કે તેમોન પ્રેમ પણ ગોપીઓની જેમજ પરાકષ્ટાએ પહોંચેલ હતો. મીરાંબાઈએ ગોપી ભાવને પ્રદર્શિત કરતા ઘણા પદો ની રચના કરેલ છે.

આ ગોપાંગનાઓમાંથી અમુક ગોપાંગનાઓ કુંવારી હતી તો અમુક પરિણીત હતી. પરિણીત ગોપાંગનાઓને  પોતાના પતિ-બાળકો અને ઘરસંસાર પણ હતા. પણ આતો થયા તેમના લૌકિક સબંધો. તેમનો એકમાત્ર સાશ્વત સબંધતો માત્ર શ્યામસુંદર સાથે જોડાયેલો હતો. ગોપીઓ  સાશ્વત સંબંધને  નિભાવવામાં લૌકિક સંબંધોની મર્યાદા ક્યારેક વિસરી જતી અને તેનો પ્રતિસાદ ગોપીઓના મનને ક્યારેક આકુળ વ્યાકુળ કરી મુકતો. આવા જ ભાવને  મીરાંબાઈએ  તેમના પદો દ્વારા શબ્દોમાં વહેતા મુક્યા છે.

જેમકે નીચેના પદમાં, વૃંદાવનને મારગ ચાલતા ચાલતા જયારે ગોપીને શ્યામસુંદરના દર્શન થાય છે ત્યારે તેમના ચિત્ત કેવા હરાઈ જાય છે તેનો ભાવ મીરાંબાઈના નીચેના પદમાં બહુ સહજ શબ્દોમાં રજુ થયેલ છે. ગોપીઓને તે એવુજ લાગે છે કે આ મોહનલાલે કંઈક ભૂરકી નાખી છે એટલેજ અમારા ચિત્ત હરાઈ ગયા છે.

આંખલડી વાંકી, અલબેલા તારી આંખલડી વાંકી
નૈન કમલનો પલકારો રે ભારે, તીર માર્યા તાકી
વૃંદાવનને મારગ જતા તન રે જોયા ઝાંખી
ચાલવનિયામાં વહાલે ચિત્ત હરિ લીધા, મોહનલાલે ભૂરકી નાખી
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર ના ગુણ, ચરણ કમલ ચિત્ત રાખી.

ગોપીઓ પોતાના ઘરબાર છોડીને શ્યામના બંસીના સુરની પાછળ ઘેલી દોટ મુકતી  હતી અને શ્યામસુંદર ના સંગમાં તેઓ સમય અને સ્થળનું ભાન ભૂલી જતી હતી અને ક્યારેક પોતાની કેટલીક કિંમતી જણસો અને આભૂષણો પણ વિસરી જતી હતી. મીરાંબાઈએ આવોજ ભાવ નીચેના પદમાં રજુ કર્યો છે જયારે ગોપી તેનો લાખેણો હાર જમુના નદીને તીરે વિસરી જાય છે અને જયારે તેને આ વાતનું ભાન થાય છે ત્યારે લૌકિક સબંધો ને શું જવાબ આપવો પડશે તે વિચારે ગોપીની શું મનોદશા  થાય છે તે નીચેના પદમાં મીરાંબાઈએ દર્શાવેલ છે.

भूली मोतन को हार, सखी जमना किनारे
एक एक मोती मारू लाख टका नु वा’ला परोव्यू सुवर्ण के रे तार
सासु अमारी अति बढ़कारी वा’ला, नणदल विखडा नु ज़ार
परण्यो हमारो परम सोहागी,मार्या छे मोहना बाण
बाई मीराँ के प्रभु गिरिधर ना गुण, चरण कमल चित ध्यान

તો વળી નીચેના પદમાં ગોપી માઞલ રાત્રે પોતાનો બાજુબંધ શ્યામસુંદર સમીપે ભૂલી આવે છે.અને સવારે તેને પ્રતીત થાય છે તેનો બાજુબંધ ખોવાઈ ગયો છે અને તેની શું મનોવ્યથા થાય છે તે મીરાંબાઈએ ખુબ સુંદર રીતે રજુ કરેલ છે અને અંતિમ પંક્તિમાં મીરાંબાઈએ ગોપી કેવી રીતે શ્યામસુંદર ને પોતાનો નાથ માનતી હતી તે જણાવી દીધું છે.

बाजूबन्ध भूली हूँ जी माज़ल रात
भूल गई में सेज पिया की जी, याद आयो परभात
नणद जेठानी मेरी कदीकी बैरन,ताना मोसे सयो न जात
वृज नंदनजी महारी सास लड़ेगी जी, देख अडोला महारा हाथ
मीराँ के प्रभु गिरिधर नागर जी, वर पायो दीनानाथ

ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને આસક્તિનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. મીરાંબાઈએ ગોપી મહિમા દર્શાવતા પદોની રચના કરી આ પ્રેમ અને આસક્તિને શબ્દ દેહ આપેલ છે. ગોપીઓ અને મીરાબાઈ નો પ્રેમ નિસ્વાર્થ, નિર્વિકાર અને શુદ્ધાતવૈદ મનાય છે.આ પ્રેમના ઊંડાણમાં માત્ર પ્રેમ અને પ્રેમ છે ક્યાંય કોઈ આછકલાઈ નથી. ગોપીઓ અને મીરાંબાઈ બંને શ્યામસુંદરને પોતાના પ્રિયતમ સ્વરૂપે ભજી પ્રેમમગ્ન જીવન સ્વીકાર્યું હતું તો સાથે સાથે ગિરિધર ગોપાલને પોતાના તારણહાર તરીકે સ્થાપિત કરી તેમની સંપૂર્ણ શરણાગતિ પણ સ્વીકારી હતી. આપણે આગળના મણકાઓમાં ગોપી અને શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું રસપાન મીરાંબાઈના પદો થકી કરીશું. ત્યાં સુધી ગોપીનાથના ચરણોમાં મારી  કલમને વિરામ આપું છું 

આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૩૧ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. ‘રાધે’ કે રાહ દે…

Painting By: Purvi Nagarsheth Shah

એક સંતે બહુ સરસ લખ્યું છે. ‘રાધે’નો અર્થ થાય છે ‘રાહ દે’. એટલે શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનો રસ્તો એટલે કે રાહ પણ રાધાજી થકી જ છે. રાધાજી અને શ્રી કૃષ્ણના વચ્ચે  અલૌકિક  પ્રેમનું વર્ણન કરવા માટે શબ્દો નહિ, અંતરનો ભાવ અને સંવેદના જોઈએ.આમ જોવા જઈએ તો શ્રી કૃષ્ણએ  માત્ર અગિયાર વર્ષ રાધાજી સાથે વ્રજમાં લીલા કરી, ત્યારબાદ તો તેઓ મથુરા જવા રવાના થઇ ગયા હતા, પણ રાધાજી અને શ્રી કૃષ્ણ વચ્ચેનો અલૌકિક પ્રેમ કોઈ સ્થળ, સમય કે કાળનો મોહતાજ હતો જ નહિ.આ તો આત્માથી આત્માનું જોડાણ હતું જે સ્થળ અને સમયથી પર હતું. એટલે કહી શકાય કે રાધાજી અને શ્રીકૃષ્ણ તો એકાકાર જ હતાં, ક્યારેય અલગ હતાં જ નહીં.

રાધાજી ઉંમરમાં શ્રી કૃષ્ણથી પાંચ વર્ષ મોટા હતા.રાધાજી અને શ્રી કૃષ્ણની વ્રજ લીલાઓ અતિ પ્રચલિત છે. આ લીલાઓમાં બે ગાઢ મિત્રો વચ્ચે થાય એવો વિવાદ થતો હોય તેવી લીલા છે તો બે પ્રેમીઓ વચ્ચે થાય એવો મૂક અને હેતાળ સંવાદ થતો હોય તેવી પણ લીલા છે. કહેવાય છે કે રાધાજી અને શ્રી કૃષ્ણ વચ્ચે મીઠા ઝગડાઓની પરંપરાઓ ચાલતી રહેતી.રાધાજી રિસાઈ જતા અને શ્રી કૃષ્ણ મનામણાં કરતા તો ક્યારેક આપણો કનૈયો પણ મોઢું ફુલાવીને બેસી જતો અને રાધાજી તેમના શ્યામ ને સાચવી લેતા…મીરાંબાઈએ આ બધાજ ભાવોને સમાવી લેતા વિવિધ પદોની રચના કરેલ છે.

 જેમકે નીચેના પદમાં રાધાજી શ્યામની અધરસંગીની એટલેકે બંસી-મુરલી લઇ લે છે અને શ્રી કૃષ્ણ રાધાજીને બંસી પછી આપવા આજીજી કરે છે. કનૈયો વ્યાકુળ થઈને રાધાજીને કહે છે કે, બંસી તો મારો પ્રાણ છે અને હું બંસી વગર ગાઈશ કેવીરીતે અને આ હજારો ગાયોને પછી કેવી રીતે વાળીશ…તો રાધાજી ઉત્તરમાં કહે છે કે તારા મુખથી ગા અને ગાયોને તો તારી લકુટીથી પાછી વાળ… છેવટે શ્રી કૃષ્ણ ગમેતેમ આજીજી કરીને બંસી પાછી મેળવી લે છે… આ સબંધની ગરિમા તો જુઓ.. જગતનો નાથ જે આપણા બધાની આજીજી સાંભળે છે તે ખુદ જેની પાસે આજીજી કરે એ રાધા-તત્વમાં કોઈ અલૌકિક તત્વ રહેલું જ છે…

श्री राधे रानी देडारो ना बांसुरी मेरी
जा बंसी में मेरा प्राण बसत है सो बंसी गई चोरी
काहे से गाउ प्यारी काहे से बजाऊ, काहे से लाऊ गैया घेरी
मुख से गाओ कान्हा हाथ से बजाओ,लकुटी से लाओ गैया घेरी
हा हा करत तेरी पाइया पडत हूँ, तरस खाओ प्यारी मेरी
मीराँ के प्रभु गिरिधर नागर, बंसी लेकर छोरी

તો વળી નીચેના પદમાં દર્શાવ્યું છે તેમ, ક્યારેક ક્યારેક આપણા રાધારાણી એવા સજ્જડ રિસાઈ જતા કે શ્યામસુંદરે ઠાડા ઉભા રહીને બે કર જોડી વિનંતી કરવી પડતી હતી અને કેટલીય મથામણ પછી રાધાજી માંડ માંડ માનતા.

ओ राधे प्यारी थाने सांवरो मनावे, मानो क्यों नी राजकुँवर
कबकाई ठाड़ा ठाड़ा लाल खड़ा छे,अतरी छे कई मनवार
दो कर जोड़या लाल खड़ा छे, पकडे छे कर तर
मीराँ के प्रभु मानिये राधा, कीजो रास रंग भर

આ રાધા-તત્વ માં કંઈક એવું ચુમ્બકીય તત્વ હતું કે જગતના તાત પણ તેની આજુબાજુ જ ભમ્યા કરતા. આ જોઈને રાધાજીની સખીઓને ખુબ કૌતુક થતું અને તેઓ રાધાજી ને પૂછતી કે તે કોઈ જાદુટોણા કર્યા છે કે કોઈ દેવ પૂજ્યા છે કે શું? એવું તો શું છે કે આ વિઠ્ઠલવર તારી પાછળ પાછળ ફર્યા કરે છે…? આવોજ ભાવ મીરાંબાઈના નીચેના સુંદર પદમાં જોવા મળે છે.

राधेजी! थांरे पाछे कई जादू छे, जादू छे कई टोनाए
थें जबरी गोरी पूजिए थें जबरी गौरी पूजिए, थारे बस गयो प्रभुजीए
थें कस्य देव ने साध्योए, विट्ठल वर बस कर बांध्यौए
महारे वांरे घर वाने नथी गमतो, थारे पुठल पुठल फिरतोय
मीराँ के प्रभु गिरिधर नागर, चरण कमल चित धरतो

રાધાજી અને કૃષ્ણ વચ્ચે ઘણા મીઠા ઝગડાઓ થતા રહેતા. આવાજ એક સુંદર મીઠા ઝગડાનું નિરૂપણ કરતુ સુંદર પદ મીરાંબાઈ એ રચેલ છે. જેમાં શ્રી કૃષ્ણ અડધી રાત્રે હળવા પગલે રાધાજીના નિવાસે જાય છે અને રાધાજીને કમાડ ખોલવાની વિનંતી કરે છે. રાધાજી ના “કોણ છે” ના પ્રશ્નના જવાબમાં શ્યામસુંદર જુદા જુદા ઉત્તરો આપે છે પણ એક પણ ઉત્તરથી રાધાજી ને સંતોષ થતો નથી…જેમકે શ્યામસુંદર કહે છે કે હું મુરલીધર ચુ તો રાધાજી લાગલું પરખાવે છે કે હું તો મોરલાને મુરલીધર માનું છું જે સવારે ઉઠીને ગહેકાટ કરે છે…અને આમજ મીઠા ઝઘડા માં આખી રાત નીકળી જાય છે.

पावा रा खुरताला बाजे कुण छे माझल रात जी
मैं जगजीवन कैये राधे खोलोनी किंवार जी
जगजीवन मैं इन्द्र जानू जग में सारी जोत जी
मैं वनमाली कैये राधे खोलोनी किंवार जी
मैं वनमाली माली ने जानू फूल लावे प्रभात जी
मैं मुरलीधर कैये राधे खोलोनी किंवार जी
मैं मुरलीधर मोरयो ने जानू बोले मोर प्रभात जी
मैं बादीगर कैये राधे खोलोनी किंवार जी
मैं बादीगर बादी ने जानू नाग पिटारो लावे प्रभात जी
मीराबाई के प्रभु गिरिधर नागर, झगड्या सारी रात जी!

રાધાજી અને શ્રી કૃષ્ણના આ અલૌકિક અને દિવ્ય યુગ્મ ના સંબંધને કોઈ નામ ન હતું પણ તે છતાંય આ સંબંધ ને દુનિયાનો સૌથી શક્તિશાળી સબંધ ગણી શકાય.રાધાજી અને શ્રી કૃષ્ણ વચ્ચેનો પ્રેમ એક નિર્મળ, નિર્વિકાર અને નિરુદ્દેશ્ય પ્રેમ હતો – માત્ર પ્રેમ – બીજું કઈ જ નહિ. મીરાંબાઈએ રાધાજી અને શ્રી કૃષ્ણ વચ્ચેના આ પ્રેમને તેમના પદો દ્વારા અક્ષરદેહ આપેલ છે અને એ સંવેદનાઓને અક્ષરોમાં વહેતી મૂકી છે.આ શ્રેણી ના આવતા મણકાથી આપણે ગોપી-ભાવના પદો ને માણીશું ત્યાં સુધી આ રાધા-તત્વની દિવ્યતાને મારા પ્રણામ અર્પણ કરતા આજે હું વિરમું છું 

આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

30 – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. રાધા-તત્વનો રસાસ્વાદ

आत्मा तू राधिका तस्य तवैव रमणादसौ
आत्माराम तया प्राज्ञे: प्रोच्यते गूढ़ वेदिभिः

સ્કંધપુરાણના ઉપર ના શ્લોકમાં જેમ જણાવ્યું છે તેમ શ્રીકૃષ્ણ જે આપણા સૌના આત્મામાં રમણ કરે છે એ “આત્મારામ” શ્રી કૃષ્ણ પરમાત્મા છે તો એ પરમાત્મા શ્રી કૃષ્ણનો આત્મા છે – રાધા.

શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી   – અલૌકિક યુગ્મ જે ખરેખર તો માત્ર સ્થૂળ દ્રષ્ટિએ યુગ્મ છે બાકી સૂક્ષ્મ દ્રષ્ટિએ તો એક ઉભય તત્વજ છે. શ્રી રાધાતત્વ એક એવું અલૌકિક તત્વ અને અનંત રહસ્ય છે. શ્રી રાધાતત્વનુંકે જેનું શાસ્ત્રો દ્વારા અનુસંધાન કરવું મુશ્કેલ છે,યોગ અથવા જ્ઞાનની સમજણના સીમાડા તેને આંબી શકતા નથી અને બુદ્ધિથી તો તેનો તાગ કાઢવો સાવ અશક્ય છે. શ્રી રાધાતત્વ તો માત્ર શ્રી યુગલ સરકારની કૃપાદ્રષ્ટિ થાય ત્યારેજ તેને સમજી શકવાની દ્રષ્ટિ પ્રદાન થાય અને સમજણ કેળવાય.શ્રી રાધાકૃષ્ણ એટલે માત્ર સર્વાત્મ સમર્પણ પૂર્વકના પ્રેમની પરાકાષ્ટા નો પર્યાય.

શ્રીમદ ભાગવતપુરાણ કે જેમાં શ્રી શુક ગોસ્વામીએ શ્રી કૃષ્ણલીલાનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે તેમાં તેમણે શ્રી રાધાજીના નામનો એક પણ વાર ઉલ્લેખ કરેલ નથી અને તેનું એક ખુબ ભાવસ્પર્શી કારણ છે. શ્રી શુકદેવ ગોસ્વામી કે જે પરમ રસિક ભક્ત હતા, તેઓ શ્રી રાધાજીના નામ માત્રના ઉચ્ચારથી નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં ડૂબી જતા અને આ અવસ્થામાં દિવસો સુધી ગરકાવ રહેતા.શ્રી પરીક્ષિત મહારાજ  કે જે આ કથા  સાંભળી રહ્યા હતા તેમની પાસે તો માત્ર સાત દિવસનું આયુષ્ય શેષ રહેલ હતું અને શ્રી શુક ગોસ્વામી આ સત્યથી વિદિત હતા એટલેજ તેમણે શ્રી રાધાજીના નામનો પ્રત્યક્ષ ઉલ્લેખ  શ્રીમદ ભાગવતપુરાણની સમગ્ર કથા માં કર્યો નથી.

ભક્ત મહાકવિ શ્રી જયદેવના ગીત-ગોંવિદ ગ્રંથે પરમ ભગવતી શ્રી રાધાજીને શ્રી કૃષ્ણની સર્વાધિક પરમ શક્તિ અને પ્રાણ વલ્લભા તરીકે સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ ગીત-ગોવિંદ ગ્રંથે ભારતવર્ષમાં શ્રી રાધાકૃષ્ણની ઉપાસનાની એક નવી ધારા પ્રસ્થાપિત કરી. ગીત-ગોવિંદની રાધા એક નૂતન પરમ મધુર પ્રેમ તત્વ ને લઈને પ્રગટ થઇ. મીરાંબાઈ પર પણ આ ગીત-ગોવિંદ ગ્રંથનો ખુબ મોટો પ્રભાવ હતો. મીરાંબાઈ પણ ગીત-ગોવિંદ માં વર્ણવેલો શ્રી રાધાજીનો પ્રેમ આસવ પીને પીગળી ઉઠ્યા હતા.મીરાંબાઈએ રાધા-ભાવ થી અનેક પદોની  રચના કરેલ છે. આ રાધા-ભાવ ના પદો જયારે મેં વાંચ્યા ત્યારે એવું પ્રતીત થયું કે મીરાંબાઈ એક પણ પદ માં પોતે શ્રી રાધાજી બનીને પોતાના ભાવ પ્રગટ નથી કર્યા…મીરાંબાઈ માટે તેમના શ્રી ગિરિધર ગોપાલની જેમ શ્રી રાધાજીની અલૌકિકતા પૂજનીય હતી અને એટલેજ રાધા-ભાવના દરેક પદની રચના “ત્રીજા પુરુષ”માં એટલેકે third person માં કરેલ છે. મીરાંબાઈના રાધા-ભાવના પદોમાં તેમણે શ્રી રાધાજીના કનૈયા પ્રત્યેના વાત્સલ્ય ભાવથી માંડીને શ્રી રાધાજીના તેમના પ્રાણેશ્વર શ્યામ પ્રત્યેના પ્રણયભાવ અને વિરહભાવ નું વર્ણન કરેલ છે.

જેમકે નીચેના એક સુંદર વાત્સલ્ય-સભર પદમાં શ્રી સ્વામિનીજી કનૈયાને પોતાના પ્રેમના પતાસા ઘોળેલા દૂધનો ભોગ અર્પણ કરે છે તે ભાવ મીરાંબાઈ એ વર્ણવેલો છે અને છેલ્લી પંક્તિમાં મીરાંબાઈ પોતે શરણાગતિના ભાવ સાથે સંપૂર્ણ સમર્પણ કરે છે.

तुम पीवो म्हारा दीनबंधु दूध पतासा,तुम पीवो म्हारा सांवर स्वामी
दूध तो ठंडो करे आपरी माता,श्री राधेरानी घोले पतासा
काली झूमर गे प्रभु आपकी माता, कंचन करा वतका में बुर मिलाता
जमुना रे किनारे धेनु चराता, बैठ कदम की छाय रूडी बंसी बजाता
मीराँ के प्रभु शरण तुम्हारे आता, आप मोटा राजवी ने सभी जुगन्ता

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ, શ્રી રાધાજીના રૂપ અને ગોરાપણાની પ્રસંશા તો કરે છે પણ સાથે સાથે પોતાના શ્યામની સુંદરતાની ચડિયાતી છે તેની મહતા પણ પ્રસ્થાપિત કરે છે. મીરાંબાઈને મન તો તેમના ગિરિધરગોપાલ સર્વ શ્રેષ્ટ હતા અને દરેક પદની જેમજ છેલ્લી પંક્તિમાં શ્યામસુંદરને સર્વ સમર્પિત થઇ જાય છે.

तेरो कहान कालो माई मेरी राधे गोरी, हो माई
ऐसी रहे रुप बनी, कंचन सी देह ठानी, एसो करे कहान पर कोटि राधे वारी
गोकुल उजार किनी, मथुरा बसाय लिनी, कुब्जा को राज दिनों, राधे को बिसरि
बिनती सुनो ब्रजराय, लागूजी तुम्हारे ,मीराँ प्रभु से कहियो जाय, सेवक तुम्हारी

મીરાંબાઈએ નીચેના પદમાં શ્રી રાધાજીને સ્પર્શતા એક સુંદર પ્રસંગનું વર્ણન કરેલ છે. જયારે શ્રી રાધાજીને કાળોતરો નાગ દંશ દે છે ત્યારે ગોકુળના કોઈ વૈદ-હકીમના ઉપચાર કારગત નીવડતા નથી ત્યારે કોઈક નંદના લાલાને વૈદ તરીકે બોલાવે છે અને છેવટે શ્રી શ્યામસુંદરજ શ્રી રાધાજીની વ્યાધિ હરિ લે છે.કેટલી સુંદર લીલા…અને કેટલો સુંદર ભાવ…

राधे थांने डस गयो नागज करो, अब नहीं हे वैद को सारो
अध् गोकुल अध् मथुरा नगरी, अध् बिच जमुना किनारो
जहा राधेजी को नहावणो, नित आवे नखरालो
गढ़ मधुरा सूं बैद बुलावो, बाबा नंदजी को प्यारो
उन आया मेरी कुंवरि बचेगी, उनको मोहि पतियारो
गढ़ मधुरा सूं बैद आयो, बाबा नंदजी को दुलारो
आय सांवरे नाड़ी देखि, रोग बतायो न्यारो न्यारो
चार मास सियालो निकल्यो, चार मास उनालो
मीराँने श्री गिरिधर मिलिया, लागो ऋतू बरसालो

મીરાંબાઈએ રાધાભાવને ઉજાગર કરતા આવા અનેક સુંદર પદોની રચના કરેલી છે, જે આપણે આગળના મણકાઓમાં માણીશું. આ રાધા-તત્વની દિવ્યતાના અંશમાત્રને સમજવા માટે હૃદયપૂર્વકની સતત પ્રાર્થના , નિરંતર સાધના અને એથીયે વિશેષ શ્રી યુગલ સ્વરૂપની કૃપા દ્રષ્ટિ આવશ્યક છે. મીરાંબાઈ કે જે પોતાને શ્યામસુંદરની જન્મ જન્મની પ્રિયતમા માનતા અને ગિરિધર ગોપાલને સર્વ અને સંપૂર્ણ સમર્પિત હતા તેઓ આ શ્રી રાધા-તત્વની દિવ્યતાનો અનુભવ કરી શક્યા હતા. બાકી આપણે સૌ પામર મનુષ્યો,શ્રી સ્વામિનીજી વિષે વાંચી-લખી શકીએ અને કદાચ વધતે-ઓછે અંશે સમજી શકીએ પણ શ્રી રાધા-તત્વની અનુભૂતિ કરવા માટે આપણે સૌ અસમર્થ છીએ. મારી બે પંક્તિઓના શબ્દપુષ્પ શ્રી યુગલસ્વરૂપના ચરણોમાં અર્પણ કરતા હું આજે મારી કલમને વિરામ આપું છું.

ઓ શ્યામસુંદર,
શ્રી રાધાજી વગર તમે અધૂરા અને શ્રી રાધાજી થકીજ તમે મધુરા
તમારા ચરણો માં આપી અમને શરણ,કરજો એ કોડ અમારા પુરા.

                                 આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

૨૯ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. જળભરણ અને કાલિયદમન લીલા

જેમ જેમ શ્રી બાલકૃષ્ણ વ્રજમાં મોટા થતા ગયા તેમ તેમ તેમની લીલાઓ નો દાયરો પણ વિસ્તૃત થવા લાગ્યો. પ્રભુ શા માટે આ બધી લીલાઓ કરે છે તે શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંધના આ શ્લોકમાં ખુબ સુંદર રીતે સમજાવ્યું છે.

त्वं ह्यस्य जन्मस्थितिसंयमान् विभो
गुणैरनीहोऽकृतकालशक्तिधृक् ।
तत्तत्स्वभावान् प्रतिबोधयन् सत:
समीक्षयामोघविहार ईहसे ॥ ४९ ॥

શ્રી હરિ કે જે આ સંસારના સર્જન,પાલન અને વિસર્જનના કર્તાહર્તા છે, તેઓ તેમની અમોઘ શક્તિથી આ ધરતી પર અવતરીને લૌકિક લીલાઓ રચાવે છે કારણ કે એ દ્વારા શ્રી હરિ,આ સૃષ્ટિ પર સત્વ, રજસ અને તમસ ગુણી શક્તિઓને જાગૃત કરે છે.

આપણો કનૈયો હવે ગોપીઓને સતાવવાની નવી નવી તરકીબો શોધીને તેમને સતાવવાની તક હંમેશા શોધતો રહેતો.  શ્યામસુંદર ગોપીઓની દિનચર્યાનું બરાબર ધ્યાન રાખતા. નંદનંદનને હવે જયારે ગોપીઓ પાણી ભરવા જતી હોય કે પાણી ભરેલા માટલા લઈને પાછી આવતી હોય ત્યારે કાંકરીચાળો કરીને તેમના માટલા તોડી નાખવામાં ખુબ આનંદ આવતો! આ ગોપીઓનો પણ કનૈયા સાથેનો સબંધ કેટલો અદભુત હતો.તેઓને કનૈયાની સતામણીમાં અલૌકિક પ્રેમની અનુભૂતિ થતી પણ સાથે સાથે લૌકિક કારણોસર કનૈયા પર રીસ પણ ચઢતી.મીરાંબાઈએ પણ આ જળ ભરણની ક્રિયા વખતે કનૈયો ગોપીઓને કેવી રીતે હેરાન કરતો અને ગોપીઓ સામે કેવો પ્રતિભાવ આપતી તે તેમના પદો દ્વારા બહુ તાદ્રશ રીતે શબ્દાંકિત કરેલ છે.મીરાંબાઈ પણ પૂર્વજન્મ માં એક ગોપી હતા તેવું મનાય છે એટલેજ કદાચ તેમના આંતર્ભાવ શબ્દો દ્વારા વહી નીકળ્યા હશે…

જેમકે નીચેના પદમાં મીરાંબાઈ  ગોપી બનીને કહે છે કે જયારે કે જમુનાના કાંઠે હું હેમની ગાગર લઈને પાણી ભરવા ગઈ હતી ત્યારે હું તો ગિરિધર ગોપાલના પ્રેમની કટારીએ ઘાયલ થઇ ગઈ હતી. અને હરિએ મને કાચે તાંતણે બાંધીને  મને એમની પાસે ખેંચતા ગયા અને હું તેટલી વધુને વધુ તેમની થતી ગઈ. કેટલો સુંદર સર્વ અને સ્વ સમર્પણ નો ભાવ રજુ કરેલ છે આ પદમાં! ગોપીઓ અને મીરાંબાઈ માટે શ્યામસુંદરનો પ્રેમ અને માત્ર પ્રેમજ તેમનું સર્વસ્વ હતો.

પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની રે
જળ જમુનાના ભરવા ગયા’તા, હતી ગાગર માથે હેમની રે
કાચે તે તાંતણે હરિજી એ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે
મીરાં કહે પ્રભ ગિરિધર નાગર, શામળી સુરત શુભ એમની રે.

તો વળી નીચેના પદમાં મીરાંબાઈએ ગોપી બનીને પોતાને પાણી ભરવા જવામાં કનૈયાને લીધે કેટલી તકલીફો પડે છે તેવો  ભાવ વ્યકત કર્યો હોય તેવું ઉપરછલ્લી રીતે લાગે છે પણ એને જરા ગૂઢ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો આમતો મીરાંબાઈ પોતાની અને ગોપીઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની આસક્તિ દર્શાવે છે અને કૌટુંબિક ધર્મ બજાવવો કે  શ્યામ સમીપે રહેવું તેની દ્વિધા વ્યક્ત કરે છે. તેમની અંતરની ઈચ્છાતો શ્યામસુંદર સમીપેજ રહેવાની છે અને ભાવથીતો હંમેશા શ્યામસુંદર તેમને હૃદયસ્થજ છે.

કાંકરી મારે ધૂતારો કાન, પલોણા કેમ કરી જઇયે
આ કંઠ ગંગા વહાલા, પેલી કાંઠે જમનાજી, વચમાં ગોકુળિયું ગામ.
સોના ઉઢાણી મારુ, રૂપાનું બેડું વહાલા, હળવે ચઢાવાતું કાનો કરે કામ
મારે મંદિરિયે મારી સાસુ રહે છે વહાલા, સામા મંદિરિયે મારો શ્યામ
બાઈ મીરાંકે પ્રભુ ગિરિધરના ગુણ, ભાવે ભેટો ભગવાન

મીરાંબાઈ તો દર્શદીવાની હતા. તેમના માટે ગિરિધર ગોપાલના દર્શન નો આનંદ એક સર્વોચ્ચ આનંદ હતો. જેમ શ્રી પન્નાબેન નાયકે તેમની કવિતામાં કહ્યું છે તેમ “હું તો સપનામાં સૂતી અને સપને જાગી, ક્યાંક ગિરિધર ગોપાલની ધૂન લાગી”,તેજ રીતે મીરાંબાઈ દિવસ-રાત, સુતા જાગતા શ્યામના દર્શન કરવા તત્પર રહેતા.અને  નીચેના પદમાં મીરાંબાઈએ ગોપી જયારે જળભરવા જાય છે ત્યારે મારગમાં શ્યામનો ભેટો થાય છે અને જળ ભરવાનું બાજુ પર રહી જાય છે અને પોતે શ્યામના સર્વાંગસુંદર સ્વરૂપ પર  મોહિત થઇ જાય છે તેનો ભાવ પ્રગટ કર્યો છે.

बड़ी बड़ी अखियां वरो सांवरो मो तन हरी हँसिकेरी
हो जमुना जल भरण जात ही सिर पर गगरी लसकेरी
सुन्दर श्याम सलोनी मूरति मो हियरे में बसीकैरी
जन्त्र लिखो मन्त्र लिखो औषध ल्यावो घसकैरी
जो कोउ ल्यावे श्याम बैद को तौ उठी बैठो हसकैरी
भृकुटि कमान बान वाके लोचन भारत भरि भरि कसकैरी
मीरां के प्रभु गिरिधर नागर कैसे रहो घर बसकैरी

જળભરણની લીલાનું એક બીજું સુંદર પદ જે મીરાંબાઈએ ગોપીભાવે રચેલ છે જેમાં તેઓએ પોતાનો શ્યામસુંદર પ્રત્યેનો પ્રેમ ખડે ચોક ઘોષિત કર્યો છે. મીરાંબાઈએ આ પદમાં પોતે વિઠ્ઠલવ૨ને વરી ચુક્યા છે એ પણ સાંગોપાંગ જાહેર કરેલ છે… .મીરાંબાઈને મન તો શ્યામનું આ રીતે  કેડી પ૨ મળવું એ એક અમૂલ્ય વસ્તુ જડવા બરાબર છે અને તેઓ પ્રભુને સર્વસમર્પિત થઇ જાય છે.

નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે
જળ જમુના ના પાણી રે જાતાં, શિર પર મટકી ધરી
આવતા ને જાતાં મારગ વચ્ચે , અમુલખ વસ્તુ જાડી
આવતા ને જાત વૃંદા રે વનમાં, ચરણ તમારે પડી
પીળા પીતામ્બર જરકશી જામા, કેશર આડ કરી
મોર મુગુટ કાને રે કુંડળ, મુખ પર મોરલી ધરી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, વિઠ્ઠલ વરને વરી.

શ્રી બાલકૃષ્ણની અનેક બાળલીલાઓ પૈકી એક બીજી અતિ મહત્વની લીલા એટલે કાલિયા દમનની લીલા.. આ એક ઘણી પ્રતીકાત્મક અને સૂચક લીલા છે. કાલિયનાગની સહસ્ત્રફેણ એ આપણા મનુષ્યજીવમાં રહેલા અહં,લોભ,મોહ જેવા દુર્ગુણોના પ્રતીક છે અને જયારે આપણે સંપૂર્ણપણે પ્રભુને શરણે જઈએ ત્યારે પ્રભુ અનુગ્રહ કરી ધીમે ધીમે સર્વ દુર્ગુણોને આપણામાંથી દૂર કરે છે અને જીવને  પ્રભુપ્રાપ્તિને લાયક બનાવે છે. શ્યામસુંદરે ધાર્યું હોત તો કાલિયનાગનો વધ ઈચ્છામાત્ર થી કરી શક્યા હોત પણ પ્રભુએ કાલિયનાગને મારવાને બદલે તેને ક્ષમા કરીને યમુનાજી માંથી સ્થળાંતર કરાવી દીધું. આ લીલા દ્વારા પ્રભુએ क्षमा वीरस्य भूषणम નું એક સૂચક ઉદાહરણ પણ આપી દીધું.આ લીલા દર્શાવવા મીરાંબાઈ એ માત્ર નીચેના એક જ પદની રચના કરેલ છે.

कमल दल लोचना, तैने कैसे नाथ्यो भुजंग
पैसि पियाल काली नाग नाथ्यो, फणं फणं निरत करंत
कूद परयो न डरयो जल मही, और काहू नहीँ संक
मीरां के प्रभु गिरिधर नागर, श्री वृन्दावनचंद.

તો ચાલો આજે હું પણ મારામાં રહેલા દુર્ગુણોને હરી લેવાની પ્રાર્થના મારા ઈષ્ટના ચરણોમાં અર્પણ કરતા કરતા મારી કલમ ને વિરામ આપુ છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image Courtesy: http://gopiradhakrishna.blogspot.com/2014/01/why-did-you-break-my-pots.html

૨૮ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. – માખણચોર કનૈયો

શ્રી બાલકૃષ્ણની દરેક લીલાઓમાં એક બહુચર્ચિત લીલા એટલે માખણચોરીની લીલા. શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન હતા અને નંદબાવા અને યશોદામૈયાને ત્યાં તો દૂધ-દહીં-માખણની નદીઓ વહેતી હતી તો પછી નંદકિશોર ગોપીઓના ઘરે જઈને માખણની ચોરી શા માટે કરતા? આ પ્રશ્નના ઘણા બધા ગૂઢ અર્થ ધરાવતા જવાબો છે જેની ચર્ચા મારે અત્રે ના કરતા, અહીં આપણા માખણચોર માખણની જ ચોરી કરી કેમ સ્વમુખે ગ્રહણ કરતા તેની થોડી વાત કરવી છે.

मन्ना सावरे नु किस तरह पाइदा, पहले अपना आप गवाइदा
दूध कंहदा मैनु ग्वाला ने डोलिया, विच चाटी दे पाके बिरोलिया
मैं फिर भी मुहो नाहियो बोलिया, माखन बनके श्याम आगे जाईदा
मैनु सावरे ने प्यार नाल खा लिया,मन्ना……

અહીં દર્શાવેલા એક સુંદર પંજાબી ભજનની ચાર પંક્તિઓ માં માખણની જેમ પ્રભુ આપણો પણ સ્વીકાર કેવી રીતે કરે તેની વાત કરેલી છે.જેમ આપણે જાણીએ છીએકે જયારે દૂધને જમાવીને દહીં બને અને એ દહીં જયારે વલોણાથી બરાબર વલોવાય ત્યારે જ માખણ તરીને સપાટી પર એકઠું થાય છે. આ માખણ એક પ્રક્રિયાનો અંતિમ નિચોડ અને નિષ્કર્ષ છે જે પ્રભુ હોંશે હોંશે આરોગે છે. જેમ દૂધ અને દહીં પોતાની જાતને વલોણાંથી ઘમરોળાવા દે છે, પોતાના મોહ-માયા-અહંકાર જેવા વજનદાર પૂર્વગ્રહોનો ત્યાગ કરીને હલકા થાય છે, પોતાની જાતને જાણે પ્રભુ પ્રાપ્તિ માટે સર્વ રીતે ઓગાળી નાખે છે અને આ મંથન પછી જે માખણ ઉત્પન્ન થાય છે, પ્રભુ તેને જ ગ્રહણ કરે છે, તેમ પ્રભુ આપણો પણ સીધે સીધો સ્વીકાર નથી કરતા, આપણે પણ આપણામાં રહેલા મોહ-માયા-અહંકાર દુર્ગુણોમાંથી મુક્ત થવાનો યત્ન કરતા કરતા, આપણા મન-વાણી-વિચારને પ્રભુ તરફ વાળવાના સતત મનોમંથનમાંથી પસાર થવું પડે અને જયારે આ સર્વે સાધનાને અંતે જ આપણે પ્રભુને સમર્પિત થવા યોગ્ય બની શકીએ અને પ્રભુને પામી શકીએ.

મીરાંબાઈએ તો આ સાધના સિદ્ધ કરી લીધેલી હતી. તેઓ પણ તેમના જીવનકાળ દરમિયાન ઘણું વલોવાયા અને ઘમરોળાયા પણ છતાંય તેમનું પ્રભુ પ્રાપ્તિ નું લક્ષ્ય સ્થિર રહ્યું.મીરાંબાઈ એ એક ગોપી બનીને નંદકિશોર દ્વારા દૂધ-દહીં વેચવા જતી ગોપીઓની સતામણી અને ગોપીઓના ઘરમાં ઘુસી માખણચોર દ્વારા થતી માખણચોરીની લીલા ને પોતાના પદો દ્વારા બહુ વહાલ થી વર્ણવી છે.

कोई तो मोरी बोलो, महिडो मेरो लूटे.
छोड़ कनैया इंढोणी हमारी, माव मही की काना मेरी फूटे.
छोड़ कनैया बैया हमारी, लड़ बाजु की काना मेरी टूटे.
छोड़ दे कनैया चीर हमारो, कोर जारी की काना मेरी छूटे.
मीरां कहे प्रभु गिरिधर नागर, लागी लगन काना मेरी.

જેમકે ઉપરના પદમાં નંદકિશોર ગોપીની કેટકેટલી સતામણી કરે છે તે મીરાંબાઈએ રજુ કર્યું છે.મીરાંબાઈ આ પદમાં કનૈયો ગોપીની ઈંઢોણી પાડી નાખેછે, હાથ પકડે છે, વસ્ત્રો ખેંચે છે એવી ફરિયાદોની વણઝાર કરી છે તો પછી એજ પદમાં છેલ્લે કહે છે કે “કાના તારી લગન લાગી રે”. આ ગોપીઓ અને કનૈયા વચ્ચેની love-hate relationship ને મીરાંબાઈએ શબ્દો દ્વારા સચોટ સ્વરૂપ આપ્યું છે. 

તો વળી નીચેના ગુજરાતી પદમાં મીરાંબાઈ કહે છે કે વ્હાલાએ તો અમારી મહીની મટુકી કબ્જે કરીને ગોરસ પી લીધા છે અને એવું લાગે છે કે વહાલાએ અમને અમારી માયા મુકાવીને પોતાના કરી લીધા છે.કનૈયાની આ દહીં-દૂધ-માખણ ચોરીની લીલા એક પ્રતીકાત્મક લીલા છે. ગોપ-ગોપીઓ માટે તેમના દૂધ-માખણ-દહીં તેમની આજીવિકાના સાધનો હતા, તેમના priced material possessions હતા . કનૈયાને ગોપીઓના આ બધા માયાના બંધનો છોડાવવા હતા,એટલેજ તો અનુગ્રહ કરીને દૂધ દહીંની ચોરી કરી તેમણે પોતેજ ગોપીઓના માયાના બંધન તોડવા યત્ન કર્યો. અને આ ગોપીઓ તો પૂર્વજન્મમાં દંડકારણ્યમાં વિચરણ કરતા સાધુ-સંતો હતા. અને એટલેજ સ્વયં કનૈયાએ તેમના માયાના બંધનો તોડ્યા અને જેમ મીરાંબાઈ પદમાં છેલ્લે કહે છે તેમ તેમના મન અને તન પર પોતાનું આધિપત્ય જમાવ્યું.

કાનુડે તે ગેલડા કીધલાં જી
મહીની મટુકી લીધી વ્હાલે ઢુંકી, ગોરસ અમારા પીધા જી
માં-બાપ ની માયા મુકાવી, પોતાના રે હરિયે કીધાજી
વૃંદાવન કી કુંજ ગલનમે,કારજ અમારા સિધ્યાજી
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તન મન હમારા લીધાજી

અને એજ  આધિપત્યના ભાવના પ્રતિભાવ  રૂપે  ગોપીઓના  તન-મન-આત્મા કેવી  પ્રતિક્રિયા આપે છે, તે નીચેના પદ દ્વારા મીરાંબાઈએ રજુ કર્યું છે. મીરાંબાઈ પોતે ગોપી બનીને એ અનુભવમાંથી પસાર થઇ રહ્યાં હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. ગોપીઓ તો કનૈયાની પ્રિતમાં સર્વથા મોહિત થઇ ગયેલ છે અને તેમના પ્રાણ કનૈયાની પ્રીત માં હણાઈ ગયા હોય તેમ લાગે છે.અને એજ ભાવ દર્શાવવા મીરાંબાઈ લખે છે કે અમે તમને મૂકીને બીજા કોને ભજીએ અને તમને દીઠા ભેગાજ અમે તો ડગી પણ નથી શકતા એ કક્ષાએ તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા છે.

મહી વેચવા નીસર્યા, મોહનજી અમે મહી વેચવા નીસર્યા
સરખા રે સરખી મળી રે ગોવાલણ,શિર પર માટે ધર્યા
દીઠા પહેલા અમે ડગી નવ શકીએ, પ્રીતે પ્રાણ હર્યા
તમને મેલીને અમે કેને ભજીએ, નજરોમાં નિહાલ કર્યા
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણ, કારજ મારા સાખે સર્યાં

ગોપીઓનો અને મીરાંબાઈનો આ જે શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભક્તિનો ભાવ હતો તેજ કદાચ તેમની ભક્તિની તાકાત હતી. અનન્યતાનો ભાવ એ કાંઈ માત્ર શ્રી કૃષ્ણ પ્રત્યે જ હોવો જરૂરી નથી. જેમ દરેક મનુષ્ય માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોય છે તેમ દરેક માટે પોતાના ઇષ્ટ પણ અલગ અલગજ રહેવાના. પણ એ જે તે ઇષ્ટ ની અનન્યભાવે ભક્તિ કરીએ તો કદાચ એ ભક્તિમાં ઇષ્ટની સવિશેષ કૃપાનો ઉમેરો થાય અને એ ભક્તિને એક આંતરબળ મળે એવું હું દ્રઢપણે માનું છું. પુષ્ટિમાર્ગમાં પણ શ્રી મહાપ્રભુજીએ આ અનન્ય ભક્તિ ઉપર ખુબ ભાર મુક્યો છે.તો ચાલો આજે હું મારા ઇષ્ટનું સ્મરણ કરતા કરતા મારી કલમ ને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image courtesy: gallery.mobile9.com

૨૭ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. – નટખટ નંદકિશોર

एष : श्रेय आधास्यद् गोपगोकुलनन्दन:
अनेन सर्वदुर्गाणि यूयमञ्जस्तरिष्यथ १६

શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધના ઉપરના શ્લોકમાં જણાવ્યું છે તેમ શ્રી ગર્ગ મુનિ જયારે શ્રી બાલકૃષ્ણના નામકરણની વિધિ માટે પધાર્યા હતા  ત્યારે તેમણે નંદબાવાને કહ્યું હતું કે તમારો આ બાળક હંમેશા ગોકુળના ગોપ-ગોપીઓનું અને ગ્વાલબાલોનું શ્રેય ઇચ્છશે અને હંમેશા તેમનું રક્ષણ કરશે અને તેની કૃપાથીજ તમે સૌ બધી મુશ્કેલીઓમાંથી પાર ઉતરશો.અને શ્રી બાલકૃષ્ણની દરેક વ્રજલીલામાં  “गोब्राह्मण हिताय च” જેમ ગ્વાલબાલોનું હિત કેન્દ્રસ્થાને છે.

આપણો છોટોસો મદનગોપાલ યશોદામૈયા અને નંદબાવા ના લાડ વચ્ચે અને ગોપ-ગોપીઓ અને ગ્વાલબાલના દુલાર વચ્ચે ધીમે ધીમે ગોકુળમાં મોટો થાય છે. જેમ આપણે અગાઉ વાત કરેલ હતી તેમ શ્રી કૃષ્ણ ગોકુળ-વૃંદાવનમાં એક બાળક-એક કિશોર બનીને જ રહ્યા.હા, જરૂર પડી ત્યારે પોતાની દિવ્યતાના દર્શન અચૂક કરાવ્યા પણ બાકી તો એક સામાન્ય બાળક બનીને જ યશોદામૈયા અને નંદબાવાની નિશ્રામાં ગોકુળ-વૃંદાવનની ગલીઓમાં હડિયાપાટી કરતા રહ્યાં અને પોતાના ચરણોની રજથી ભૂમિ પવિત્ર કરતા ગયા. મીરાંબાઈના બાળલીલાના પદોના અક્ષરો પણ આજ વાતની સાબિતી પુરે છે.આ પદોમાં મીરાંબાઈએ બાલકૃષ્ણના માનવસહજ મનોભાવોનું ખુબ સુંદર નિરૂપણ કરેલ છે.જયારે આવા પદ વાંચીએ ત્યારે એમ થાય કે મીરાંબાઈએ શ્યામસુંદરને કેટલો આત્મસાત કર્યો હશે, કેવી રીતે તેમાં પોતે એકાકાર થઇ ગયા હશે કે જેથી આટલી સચોટ રીતે વહાલાના મનોમંથન અને મનોભાવોને અક્ષરદેહ આપી શક્યા હશે.

જેમકે નીચેના એક સુંદર પદમાં મીરાંબાઈએ લાલાના પોતે શ્યામવર્ણી હોવાના પર નારાજગી વ્યકત કરતો કેટલો સુંદર ભાવ રજુ કર્યો છે. જેમ દરેક બાળક જયારે તેને કોઈ ચીડવે ત્યારે પોતાની માતા પાસે ફરિયાદ લઈને આવે છે, તેમજ શ્યામસુંદર પણ મૈયા પાસે અહીં ફરિયાદના સૂર તાણે છે.

मैया मोकू खिजावत बलजोर
जसोदा माता मिल लैजावे, लायो जमना को तीर
जसोदा ही गोरी, नंद ही गोरा, तुम क्यों श्याम शरीर
मीरां के प्रभु गिरिधर नागर, नयन मो बरसत नीर

તો વળી નીચેના પદમાં મીરાંબાઈએ શ્યામસુંદર અને મૈયા વચ્ચેનો મીઠો નટખટ સંવાદ રજુ કર્યો છે.આ પદમાં મૈયાને તો લાલાને પોઢતાં પહેલા ભોગ લગાવવાની ઈચ્છા છે પણ લાલાને તો નિંદ્રારાણીએ પોતાની આગોશમાં બરાબરનો લઇ લીધો છે એટલે મૈયાને કહે છે કે કાલે સવારે કાલેવો કરવાજે પણ અત્યારે તો મૈયા મને તારા ખોળામાં સૂઈજ જવું છે. અને લાલો પાછો સુતા પહેલા મૈયાને એમ કહી  ફોસલાવી પણ લે છે કે આટલી બધી ગૈયા ચરાવતા મારા પગ દુખી જાય છે એટલે ભોળી મૈયા ચિંતિત થઈને કહે છે કે “લાલા, હું કાલે બીજો ગ્વાલ ગાયો ચરાવવા મોકલીશ” એમ કહીને લાલાને બાંહેધરી આપે છે…બસ પછીતો એય નિરાંતે લાલા મૈયાના ખોળામાં પોઢી જાય છે.

अब म्हणे सोवन दो महारी मांय
कनक कटोरे लाल अमृत भर्यो, पिय न पोढो मारा लाल
अभी तो माता म्हणे कछु नाही भावे, अब म्हणे पोढण दो मरी मांय

उठ सवेरे माता करा रे कलेवो, पीछे चरावु थारी गाय
नो लाख धेनु बाबा नंदके चराइये, डोलत दुखे महारा पाँव
उठे जसोदा मैया हिवड़े लगाया, प्रभाते बुलावो दूजो ग्वाल
राधा सेज बिछायो लाल, जायने पोढो मेरा लाल,
सेजड़ल्या तो म्हणे नींद नाही आवे, गोद म्हणे लोने महारी मांय
मीराबाई के प्रभु गिरिधर नागर, सुखभर पोढो जदुराय

કેટલી સહજતાથી શ્યામસુંદરનું નટખટપણું મીરાંબાઈએ આ પદમાં રજુ કર્યું છે.આપણા નટખટ નંદ કિશોરના નટખટપણાની તો હજી આ શરૂઆત છે.જેમ જેમ નંદકિશોર મોટા થતા જાયછે તેમ તેમ તેમના તોફાનો પણ વધતા જાય છે.અને તેમના તોફાનોના શિકારનું વર્તુળ પણ વિસ્તરતું જાય છે. મીરાંબાઈએ આ નટખટપણાને પણ એક ગોપીના ભાવથી પદોમાં શબ્દાંકિત કર્યા છે.જેમકે નીચેના પદમાં એક ગોપી જેની ગગરી આપણા નંદકિશોર કાંકરા મારીને તોડી નાખે છે તેનો મનોભાવ રજુ કર્યો છે

फूटे गागरडी ऐसी कांकरड़ी मत मारो सांवरा
तुम तो थाके घर ठाकुर बाजो मै पण ठाकुरड़ी
जमना के धोरे धेनु चरावो, हाथा लाल छड़ी
मीरांने श्री ठाकुर मिलिया,दूध में साकरडी

આ પદમાં છેલ્લે મીરાંબાઈ કહે છે કે “મીરાંને શ્રી ઠાકુર મિલિયા, દૂધ મેં સાકરડી”. જે દર્શાવે છે કે મીરાંબાઈ તેમના ઠાકોરજી સાથે જેમ દૂધમાં સાકર એકરૂપ થઇ જાય છે તેવીજ રીતે એકાકાર થઇ ગયેલ છે.હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે દૂધમાં સાકર ભળે તેમાં સાકરની સરળતા જવાબદાર છે પણ સાથે સાથે દૂધની એ  સરળતા અપનાવવાની કૃપાદ્રષ્ટિ પણ જવાબદાર છે.તેવી જ રીતે મીરાંબાઈની અનન્ય પ્રેમલક્ષણા ભક્તિ તો શ્યામસુંદર પ્રત્યે હતીજ પણ સાથે સાથે ઠાકોરજીનો પણ અસીમ અનુગ્રહ હતો અને તેથીજ મીરાંબાઈ પ્રભુ સાથે એકરૂપ થઇ શક્યા હતા…. 

જેમજેમ નંદકિશોરના કારસ્તાનો વધતા જાય છે તેમતેમ ગોપીઓ ફરિયાદની વણઝાર લઈને યશોદામૈયા પાસે આવી પહોંચે છે. અને લાલાના તોફાનોની લાંબી યાદી યશોદામૈયા પાસે ગણાવે છે. નીચેના પદમાં મીરાંબાઈએ એવીજ કોઈક ગોપી બનીને તેના મનોભાવો ફરિયાદ રૂપે રજુ કર્યા છે.આ બધા પદોમાં છેવટે મીરાંબાઈની ગિરિધર ગોપાલ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિ દર્શાવતું વાક્ય અંતમાં મીરાંબાઈ અચૂક રજુ કરે જ છે.

जसोदा मैया बरज कन्हैया तेरो, तेरो कन्हैया मोसे करे जोरि
जसोदा मैया जल जमुना मैं जाती, गगरिया मोरी फोड़ डारि
जसोदा मैया डाल कदम की छैया, बहिया मरोड़ डारि
जसोदा मैया मारग रोक लियो है, रंग से भिजोय डारि
मीरां के प्रभु गिरिधर नागर, हरि चरणा बलिहारी.

જોકે યશોદામૈયાને તો પોતાનો લાલો દરેક માંની જેમ ખુબ ડાહ્યો અને શાણો જ લાગે છે એટલે આ બધી ફરિયાદોની અસર મૈયાને અને ખાસ કરીને આપણા નંદકિશોરને થતી નથી.એટલે નીચેના પદમાં મીરાંબાઈ એક ગોપી બનીંને લાલાના કારસ્તાનોની ફરિયાદ પોતાની સખી પાસે કરે છે અને કહે છે કે આ લાલો તો એવી એવી છેડછાડ મારી સાથે કરે છે કે હું કોઈને કહું તો દુનિયા મનેજ જુઠ્ઠી કહે.

કાનુડે વનમાં લૂંટી સખી મને,કાનુડે વનમાં લૂંટી
હાથ ઝાલી મારી બાંહ્ય મરોડી,મોતીની માળા ટુટી
આગળથી મારો પાલવડો સાહ્યો, મહીની મટુકી ફૂટી
પાછળ પડે તેનો કેડો ન મૂકે,નહાસી શકાય નહિ છૂટી
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ, કહીયે તો લોકો કહે જૂઠી

આમ મીરાંબાઈની કલમે નંદકિશોરના નટખટપણાની ઝાંખી કરાવતા બીજા ઘણા પદોની રચના કરી છે. આ નંદકિશોર ની નટખટતાને મમળાવતા મમળાવતા હું આજે મારી કલમને પણ આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ વધારીશું..ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image courtesy: noharpatrika.com