હાં રે દોસ્ત હાલો અમારે દેશ : 46) મેઘાણીની ઈચ્છાઓ -આકાંક્ષાઓ !

આજે કોરોનની મહામારીમાં ઘણાં અઘટિત સમાચારો સાંભળીએ છીએ , નહીં?
હાલતો ચાલતો માણસ ઘડીમાં ઉકલી જાય ! અરે કોરોના પોઝિટિવ આવે અને એમ્યુલન્સ લેવા આવે ત્યારે એ જમનાં દૂત છે કે દેવદૂત એ તો જો તમે જીવતાં પાછાં આવો તો જ ખબર પડે ! એ જ રીતે જમદૂત સાથે યુદ્ધ કરીને છેક મૃત્યુંના મુખેથી પાછા ફરેલ એક સબંધી સાથે વાત થઇ કે કેવાં કેવાં વિચારોમાંથી એ પસાર થયેલ !
એમણે કહ્યું કે ; “ હોસ્પિટલના ખાટલે પડ્યાં પડ્યાં વિચારો આવ્યા જ કરે કે આ કરવાનું રહી ગયું , પેલું કરવાનું બાકી જ રહ્યું .. નાની નાની વાતોનો અફસોસ અને જીવનમાં થયેલી ભૂલો યાદ આવ્યા કરે ..” એમણે પ્રામાણિકતાથી એ વાતો કરી .
સારા નસીબે ભગવાને એમને બીજી તક આપી . પણ આપણે તો વાત કરી રહ્યાં છીએ મેઘાણીની !
આજે આપણે છેલ્લા એક વર્ષથી ઝવેરચંદ મેઘાણી વિષે , તેમના સાહિત્ય પ્રદાન વિષે , તેમના જીવન અને કવન વિષે ચર્ચા કરી રહ્યાં છીએ . આપણને ખબર છે કે તેઓ બહુ નાની ઉંમરે – માત્ર પચ્ચાસ જ વર્ષની ઉંમરે અવસાન પામ્યા . હૃદયરોગનો હુમલો હતો એટલે એમની છેલ્લી ઈચ્છાઓ તો કેવી રીતે જાણી શકાય ? એ અચાનક જ અવસાન પામ્યા હતા , ઊંઘમાં જ .
પણ એમણે અવાર નવાર પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ વિષે જણાવ્યું હતું ! અરે , એ ઈચ્છાઓ પુરી કરવા સમગ્ર જીવન ખર્ચી નાખ્યું હતું ! શી હતી એમની ઈચ્છાઓ ?
એમનાં સહકાર્યકરોએ એમનાં વિષે એમનાં અવસાન બાદ ઘણું લખ્યું છે . મેઘાણીનું સ્વપ્ન સાકાર કરવા એમનાં સંતાનો અને મિત્ર વર્તુળ સાથે સાહ્ત્યિક સંસ્થાઓએ પણ કામ કર્યું છે . રાષ્ટ્રીય કવિ જેવું ઉચ્ચ આસન પ્રાપ્ત કરનાર ઝવેરચંદ મેઘાણી નાં સ્વપ્નાં સાકાર થઇ રહ્યાં છે .
એમની સાથે ફૂલછાબ માં કાર્ય કરતા , અને મેઘાણીનાં અવસાન બાદ તંત્રી પદ નિભાવેલ સ્વ. જયમલ્લ પરમાર પોતાનાં સ્પર્શક્ષમ સંસ્મરણો જણાવે છે , જેમાં મેઘાણીની આશા , આકાંક્ષા અને અરમાનોની ઝાંખી થાય છે .
એમને લોકસાહિત્યનું ઘેલું લાગેલું હતું . એમને સામાન્ય લોક પ્રત્યે પ્રીતિ- અપ્રતિમ પ્રીતિનો -પક્ષપાત હતો ! ગ્રામ્ય સમાજને આગળ કરવાની તમન્ના હતી . એમની પાસે ફૂલછાબ જેવું છાપું હતું જેના દ્વારા એમણે ઘણાં મહત્વનાં કામ કર્યાં હતાં.

જયમલ્લ ભાઈ લખે છે ; ‘ એક વાર અમારી નાનપણની વાતો કરતા મેં ડુંગરો અને એની બે ત્રણ ધારોની વાત કહી. એના નામ અને એની પાછળ છુપાયેલ વાતોથી મેઘાણી પ્રભાવિત થયા . રસથી કહ્યું , આ બધું ખુબ મહત્વનું છે ; આપણે એ બધું પ્રકાશમાં લાવવું જોઈએ .” અને ત્યારથી ફૂલછાબમાં “સંશોધન વિભાગ” શરૂ થયો .

એક વાર ભાવનગર રાજ્યમાંથી અમુક ‘ ઉતરતી ‘ જાતિને અમુક સમય માટે ગામ બહાર કરેલી . એ લોકો હવે વરસો બાદ પાછાં વસવાટ કરવા આવી રહ્યાં હશે .. જયમલ્લભાઈ લખે છે કે એમણે ( જયમલ્લભાઈએ ) એ લોકોની મજાક કરી ને કાંઈક ઉતરતું બોલ્યા . પણ ઝવેરચંદ મેઘાણીને દિલે તો એલોકો માટેની હમદર્દી અને પ્રેમ હતાં . એમણે તો રસ લઈને કહ્યું ,” આપણાં ઉજળિયાત સમાજમાં આ લોકોનાં જીવન વિષે લખવા જેવું છે , હોં! “ અને પછી એ આડોડિયા જાતિ સાથે નટ , સાધુ , બજાણીયા , વણઝારા , અને એમ ઘણી બધી જાતિની વાતો , તેમની સંસ્કૃતિ – રીત રિવાજ , તેમનો ઇતિહાસ વગેરે ઉપર સંશોધન ચાલું કર્યાં! અને આ રીતે ફુલછાબમાં શરુ થયો : સંશોધન વિભાગ !
એક વાર ફુલછાબના કાર્યાલયમાં કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’ નવલકથાની ચર્ચા ચાલતી હતી . એમાં રણભૂમિની ભયાનક્તાનું વર્ણન , જેમાં ગીધડાં મડદાંઓ ઉપર જે કલશોર મચાવે છે તેનથી દૂર દૂર એનો અવાજ સંભળાય છે એમ વાત હતી . જયમલ્લભાઇને પંખી શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું એટલે એમને ખબર હતી કે ગીધના ગળામાં એમુક ગ્રંથિઓ ના હોવાથી ગીધ અવાજ ના કરી શકે . એમણે મેઘાણીને એ વાત જણાવી . તો વાચક વર્ગને પ્રકૃતિમાં રસ પડે , પ્રાણી સૃષ્ટિમાં જિજ્ઞાસા જન્મે તે માટે ફુલછાબમાં શરૂ થયું “આપણે આંગણે ઉડનારાં!” પંખીઓનું વિજ્ઞાન !
અને પાછળથી એનું પુસ્તક બન્યું .
એજ રીતે કોઈ લેખકે આકાશમાં ચાંદા વિષે કોઈ ખોટું ડિંડક હલાવેલું . મેઘાણીએ કહ્યું કે ચાલો આપણે આકાશની અવનવી વાતો આપણાં વાચકો સુધી પહોંચાડીએ .
પણ એમાં લોકોને શું રસ પડશે ? પ્રશ્ન થયો .
“જુઓ , આપણે એ વાતો રસથી લખીએ તો સાચી હકીકતથી વાચક માહિતગાર થાય !” એમણે કહ્યું અને એમણે થોડાં ઉદાહરણો પણ આપ્યાં અને એ રીતે ફુલછાબમાં શરૂ થયો એક વિભાગ ; “ ગગનને ગોખે !” પાછળથી એનુંયે પુસ્તક બન્યું અને લોકોને એમાં એટલો રસ પડ્યો કે સૌ ખુલ્લા આકાશમાં તારાઓ નીરખવા નીકળતાં!
એ પુસ્તકની આવૃત્તિઓ હૂજુએ થતી રહી છે !
ઝવેરચં મેઘાણી લોકોનાં માણસ હતાં. ઘરમાં કાંઈક સારું બનાવ્યું હોય તો મા જે પ્રેમથી કુટુંબમાં સૌને વહેંચે એમ મેઘાણી લોકોને અધિક – અધિકતમ આપવા , વહેંચવા , પીરસવા તતપર રહેતા ! આ એમનો સ્વભાવ હતો . અને આવો લાગણીશીલ સ્વભાવ હોય તે પોતાની ભૂલો પણ એટલી જ સહજતાથી સ્વીકારે ને ?
એ આટલા મોટા પ્રસિદ્ધિ પામેલા સાહિત્યકાર હતા , છતાં પોતાના ફુલછાબના તંત્રી લેખ સહકાર્યકરોને અચૂક વંચાવે . રખેને એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ? ક્યાંક પોતાના વિચારે એટલા સબળ ના પણ હોય ! એ કહે .
કેટલીક વાર તંત્રી મટીને માણસ વ્યક્તિ બનીને કાંઈક અજુગતું લખી નાંખે તો સમગ્ર વાચક વર્ગ પર એની અસર થાયને ? એક વાર એવી જ રીતે ગાંધીજીના વ્યક્તિગત ઉપવાસની વાત બની . ૧૯૪૧માં ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો . મેઘાણી એની વિરુદ્ધમાં હતા એટલે એમણે પોતાનો રોષ તંત્રી લેખમાં દર્શાવ્યો પણ સહકાર્યકરોના સૂચન બાદ એમણે પોતાનું મંતવ્ય બદલ્યું .
જયમલભાઈએ લખ્યું છે કે મેઘાણી એટલાં કોમળ હૈયાના હતા કે આવી નજીવી વાતોથી પણ એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં. એક વાર કાર્યાલયના એક છોકરા પર એમને ગુસ્સો ચડ્યો . પાણિયારા પાસેના આળિયામાં ( નાનકડી કેબિનેટમાં ) એમનો કાંસકો નહોતો . મેઘાણીને લાગ્યું કે પેલા છોકરાએ જ ગુમ કરી દીધો હશે . એ પેલા છોકરા પર ખુબ ગુસ્સે થયા . પેલો છોકરો , મહિને નવ રૂપિયાનો પગારદાર જઈને બજારમાંથી નવો કાંસકો લઇ આવ્યો ! હવે મેઘાણીને ખુબ જ ખરાબ લાગ્યું . ગરીબ છોકરા પર એટલો બધો ગુસ્સો થઇ ગયો ?
‘ ચાલો , એને ઘેર જઈને મારાં પાપનું પ્રાશ્ચિત કરી આવીએ !” એમણે ટપ ટપ પડતાં આંસુડાં માંડ ખાળતા કહ્યું .’ વિધવા મા અને ચાર ભાઈબેનનો બોજ ઉપાડતો અને સાંજે દૂધ વેચવાનું કામ કરતા ગરીબ પર કરેલ વર્તનની માફી માંગવા એ અધીરા થઇ ગયા . અને પછી એ સ્વમાની છોકરાને તહેવાર નિમિત્તે ત્રણ રૂપિયા આપ્યા , સાથે બીજા છોકરાને પણ ત્રણ રૂપિયા આપ્યા બાદ જ એના જીવને શાંતિ થઇ .
એમની કરુણા અને લોકો પ્રત્યેના પ્રેમના અનેક પ્રસંગો છે , જેમાં અનહદ પ્રેમ અને તેના પરિણામ રૂપે રુદન સ્વાભાવિક રીતે ઉતરતું દેખાય છે .. કોઈને માટે કરી છૂટવાની ઉદાત્ત ભાવના અને ઋજુ હ્ર્દય મેઘાણીના વ્યક્તિત્વમાં અવિભાજ્ય અંગ બની ને વણાઈ ગયાં હતાં!
પણ વાચક મિત્રો ; શું આટલાં લાગણીશીલ , ઋજુ હ્ર્દયના હોવું તે યોગ્ય કહેવાય ખરું ?
એમના જીવનનાં કેટલાક પ્રસંગો અને જેને કારણે તેઓ હ્રદયરોગના હુમલામાં અટવાઈ ગયા તેની ગાથા આવતે અંકે !

૪૭ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ- રાજુલ કૌશિક

જ્યારે કોઈ એક વાર્તા લખવી હોય ત્યારે મનમાં સ્ફૂરેલા વિચારને અનુલક્ષીને કે આસપાસ બનેલી અથવા સાંભળેલી ઘટનામાં થોડા કલ્પનાના રંગો ઉમેરી શકાય. ગીત, ગઝલમાં હ્રદયમાં છલકાતી ભાવનાને એના ચોક્કસ માળખા પ્રમાણે શબ્દોમાં પોરવી શકાય પણ જ્યારે કોઈ એક લેખ લખવો હોય અને એમાંય કોઈ એક વિશેષ વ્યક્તિ પર એ લેખ હોય ત્યારે લગભગ એના માટે એ વિશેષ વ્યક્તિ સાથે વિતાવેલા સમયના સંભારણાનું સ્મરણ કરવું પડે. વ્યક્તિના જીવનને લગતી હકિકત વિશે જાણવા પ્રયત્ન કરવો પડે. ભૂતકાળના વર્ષોમાં પાછા ફરવું પડે. ઘણું બધુ સંશોધન કરવું પડે.

આ વર્ષની મારી સદાબહાર સૂર-અવિનાશ વ્યાસની લેખમાળા માટે શ્રી અવિનાશ વ્યાસ વિશે થોડી મારી જાણીતી, થોડી સાંભળેલી અને ઘણી બધી જાણવા પ્રયાસ કરીને એકઠી કરેલી માહિતીના આધારે આજ સુધીમાં ૪૬ લેખ લખ્યા. સાથે એક વાત એ કે એમાં લેખની સાથે અવિનાશ વ્યાસના ગીત અને સંગીતની યાત્રાનો ફાળો તો સૌથી મોટો અને મહત્વ હતો. એમણે એટલી વિવિધ રચનાઓ આપણને આપી છે જે આજ સુધી આપણે યાદ કરીએ છીએ, માણીએ છીએ.

આજે એવી જ રીતે કશુંક નવું જાણવા પ્રયત્ન કર્યો. (જે જાણવા મળ્યું એમાં એ વાત જે વ્યક્તિએ લખી છે એમના નામનો ઉલ્લેખ પ્રયત્ન કરવા છતાં મારા ધ્યાનમાં આવ્યો નથી તેમ છતાં અહીં એ અજ્ઞાત વ્યક્તિનો આભાર માની યથાવત એ શબ્દો  અહીં મૂકું છું અને જો કોઈને પણ એ નામની જાણ હોય કે થાય તો પ્લીઝ મને જણાવશો. એમના લખાણ પરથી એ જૂનાગઢના હશે એ સમજાયું છે.)

એમણે લખ્યું હતું કે..

“મને કવિતામાં રસ નથી. રમેશ પારેખની ગઝલો ગમે એટલે ગીતોય ગમે પણ અવિનાશ વ્યાસનું નામ નહોતું સાંભળ્યું. વર્ષ હતું 2008નું. જૂનાગઢની સરકારી લાઈબ્રેરીમાં મારી ઠોઠડી સાઈકલ લઈ નવલકથા લેવા માટે ગયેલો. એ વિચારે કે ઘરે જઈ સસ્પેન્સ થ્રીલરમાં આળોટશું. ખૂન થશે, લોહી વહેડાવશું, બે ચાર હત્યાઓનાં પગેરા શોધશું.

જ્યારે પાછો ફર્યો ત્યારે મારા હાથમાં અવિનાશ વ્યાસનું પુસ્તક ‘પાંદડુ લીલું ને રંગ રાતો’ હતું. જેમાં અવિનાશ વ્યાસના એકથી એક ચડિયાતા ગીતો હતા. મને તો પહેલી વખત ખબર પડી કે રાત ઉજાગરા વેઠીને બોલિવુડમાં 400 ઉપર ગીતોને સંગીતબદ્ધ કરનારા અવિનાશ ભાઈએ આ બધા ગીતો લખ્યા છે. લબૂક ઝબૂક થતી ટ્યૂબલાઈટની જેમ એક વિચાર મનમાં એ પેસી ગયો કે આ ગીતોને કાઢી નાખીએ તો નવરાત્રી આપણા કંઈ કામની નહીં.”

આ વાંચ્યુ ત્યારે વિચાર આવ્યો કે એવી તે કેવી મસ્ત રચનાઓ અવિનાશ વ્યાસે કરી હશે કે જે લીલા પાંદડામાં રાતા રંગથી મહોરી ઊઠી હશે !

આ મસ્તીથી મહોરવાની સાથે યાદ આવી એમની બે રચના..

“ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે..

વિખરાયેલા વાળ તમારા કેવા અસ્તવ્યસ્ત છે”

અને

“નયન ચકચૂર છે, મન આતુર છે

હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે..”

અવિનાશ વ્યાસની રચનાઓમાં અનેક રંગ છે. એમની ભાતીગળ રચનાઓમાં  ભાવસભરતા છે. તત્વદર્શન જેવા ભક્તિ ગીતો, આત્માને સ્પર્શી જાય એવા ભજનો અને એનાથી સાવ અલગ છેડાના અત્યંત રમતિયાળ કહી શકાય એવા મસ્તીભર્યા ગીતોય છે.

એમની પાસે પ્રેમથી છલકાતી લાગણીઓની વાણી છે. સૌ જાણે છે કે પ્રચુર પ્રેમમાં ડૂબેલી વ્યક્તિને આખું વિશ્વ, કદાચ ત્રણે લોક એક જ વ્યક્તિમાં સમાઈ જતા લાગે. એના દિલો-દિમાગમાં એની પ્રિયતમા માટે સુંદરતમ વિચારો જ ઉદ્ભવતા હોય. એનો ચહેરો પણ પૂનમનો ચાંદ લાગે. પ્રિયતમા જરાક આંખોથી ઓઝલ થાય તો અચાનક અમાસની રાત ઉતરી આવી હોય એવી અનુભૂતિ થાય. એવા બેબાકળા પ્રેમી માટે અવિનાશ વ્યાસ લખે છે કે..

“ભર્યું કુમકુમ ભાલે આંખમાં સુરમો સજાવ્યો છે

કહી દો ક્યાં ઘૂંઘટમાં ચંદ્ર પૂનમનો છુપાવ્યો છે..

વળી બીજી રચનામાં કહે છે કે,

છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે..

ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે..

આ ઘૂંઘટમાં છ્પાયેલો ચાંદ, આંખમાં ઉતરી આવેલું મસ્તીખોર આકાશ, કંઠમાં રમતો મોર… એવા વાતાવરણનું ચિત્ર ઊભું કરે છે જેમાં માત્ર બે પ્રેમપ્રચુર વ્યક્તિની જ હાજરી હોય.

“કદી સીધી કદી વાંકી નજર રાખી જિગરને ઘર

તમે જાતે જ આવ્યા છો અમારા દિલની અંદર

ક્યાં દૂર છે મળ્યાં જ્યાં ઉર છે..

હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.”

આ સઘળું મંજૂર ત્યારે જ હોય જ્યારે એ સાથે હોય..આ સાથ જ્યારે આદત બની જાય ત્યારે અવસ્થા કંઈક જુદી થઈ જાય.

“ કરું હું શું તમારી આંખની આદત નિરાળી’તી

અમે પણ ઝૂરી ઝૂરીને વિરહમાં રાત ગાળી’તી”

અવિનાશ વ્યાસે એમના ગીતોમાં પ્રેમ સજાવ્યો છે અને વિરહનેય જાણે ઉજવ્યો છે. મઝાની વાત તો એ છે કે આવા ગીતો પણ કોઈ ગુજરાતી નહીં પર પ્રાંતિય, અન્ય ભાષી ગાયકોએ ગાયા છે.

હવે શરૂઆતમાં લખ્યું હતું એ “અજ્ઞાત”ની જ એક વાત સાથે લેખનું સમાપન કરું છું

એમણે લેખમાં ટાંક્યુ હતું કે, “સાચી વાત એ કે અવિનાશ વ્યાસ ન હોત તો દરેક નવરાત્રી હિરા મોતી વિનાનો ખોટો નવલખો હાર થઈ જાય..”

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી: કનૈયાલાલ મુનશી-43

કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે માણી રહ્યા છીએ. સાહિત્ય એ કળા છે, તો કસબ શું છે? કસબ એ આગવી ઓળખ છે, જે વિશિષ્ટ છે અને તેથી જ સાહિત્યના પુષ્પગુચ્છમાં રહેલ પુષ્પો પોતાની વિશિષ્ટ સુવાસ પ્રસ્તુત કરે છે. આપણે તેમની ઘણી ઐતિહાસિક ને પૌરાણિક કૃતિઓ માણી. આજે મુનશીના સાહિત્યિક પુષ્પગુચ્છમાંથી એક નવું પુષ્પ ને નવી સુગંધ પ્રસ્તુત છે. એ છે એમની સામાજિક નવલકથા ‘તપસ્વિની’.

ઘણા લાંબા સમય પછી મુનશી પાસેથી ‘તપસ્વિની’ પ્રાપ્ત થાય છે. આમાં ૧૮૫૭ ના બળવાથી ૧૯૩૭ સુધીના ભારતના સામાજિક, રાજકીય પ્રવાહોનું આલેખન કરાયું છે. આ નવલકથાનો મોટો ભાગ રાજકીય વ્રૃત્તાંત સાથે સંકળાયેલો છે.સમગ્ર નવલકથામાં પશ્ચિમની સંસ્કૃતિના  પૂર્વેની આર્ય સંસ્ક્રૃતિમાં રહેલા પરંપરાગત નૈતિક-આધ્યાત્મિક જીવન મૂલ્યોના વિજયનું દર્શન કરાવવાનો એમનો ઉપક્રમ દેખાય છે. આ નવલકથાની શૈલી પણ આત્મ કથનાત્માક છે. એમના પાત્રો અને પ્રસંગો એમની ‘સીધા ચઢાણ’, ‘સ્વપ્ન સિધ્ધની શોધમાં’,‘ I Follow the Mahatma’  અને અન્ય કૃતિઓમાં જોવા મળે એવા છે.  ગાંધીજીના રાજકીય વિચારોથી ઘડાયેલા મુનશીના રાજકીય વિચારોની છાયા એમાં જોવા મળે છે. આ કૃતિ સ્વરાજ પ્રાપ્તિના પુરુષાર્થની કથા છે. એમાં આલેખાયેલાં પાત્રો મધ્યમવર્ગના શિષ્ટ સમાજના છે.  આ નવલકથાના પાત્રો જીવંત, કથાવસ્તુમાં નાટ્યાત્મકતા, વર્ણોનોની ચિત્રાત્મકતા અને સંવાદો ચમકારાપુર્ણ હોઇ અહીં મુનશીની કલા ઝળકી ઉઠે છે.  આમ છતાં આ કૃતિ એટલી લોકપ્રિય બની નથી.  રવિ અને ઉદય તેમજ શીલા અને રાજ એ આ નવલકથાના નાયકો અને નાયિકાઓ છે. રવિ અને ઉદય મુખ્ય પાત્રો તરીકે આલેખાયેલા હોવા છતાં બંનેના ચિત્રણમાં અલગ અલગ પાસાઓનું પ્રતિબિંબ નિહાળી શકાય છે. એકમાં વ્યક્તિત્વ ઘડતરનું અને બીજામાં પ્રણય જીવનનું.  આમ છતાં રવિ મુખ્ય નાયક અને ઉદય ઉપનાયક તરીકે આલેખાયેલ છે.  લગ્નજીવનમાં નિષ્ફળ ગયેલી શીલા ઉદયમાં કવિનું અને લગ્નસુખથી વિમુખ ઉદય શીલામાં તપસ્વીનીના દર્શન કરે છે. આ કૃતિની આધ્યાત્મિકતા રાજના પાત્ર દ્વારા પ્રગટ થાય છે અને શીલાને ઉપનાયિકાના પદે બેસાડે છે. પ્રસ્તુત નવલકથામાં આવતા પાત્રો જેવાં કે – રાજબા, રવિ, શીલા, ઉદય, ગણપતિશંકર, રાધારમણ પોતાના વિશિષ્ટ વ્યકતિત્વની છાપ લઇને આવતા તેજસ્વી પાત્રો છે. 

‘તપસ્વિની’ નવલકથાના બે ભાગ છે. પહેલા ભાગમાં 4 અને બીજામાં 6 મળીને કુલ 10 વિભાગમાં લંબાણપૂર્વક લખાયેલી આ કથા છે. છતાં મુનશીની કમાલ એ છે કે વાચક તેમાં રસતરબોળ બની ડૂબી જાય છે. પહેલા વિભાગમાં વાત છે સંઘર્ષની. આ સંઘર્ષ છે પંચાશી વર્ષે એકલા હાથે હેતાળ માના વાત્સલ્યથી પૌત્રને ઉછેરતા ગણપતિશંકર ત્રિપાઠીનો. દાદાજી બ્રાહ્મણધર્મના પુરસ્કર્તા હતા ને વેદવિદ્યાની સાંગોપાંગ રક્ષા કરવી એ એમનો જીવનધર્મ હતો. તેમણે એકના એક પુત્ર શિવાને સ્વધર્મ ને સ્વદેશ માટે પ્રાણ અર્પણ કરવાની મંજૂરી આપી હતી. અરવિંદ ઘોષની આજ્ઞા માથે ચડાવી એ કલકત્તા ગયો ને ફિરંગીઓ સામેની લડાઈમાં સામી છાતીએ ગોળીઓ ઝીલી એમનો બત્રીસલક્ષણો પુત્ર આઝાદીના મહાયજ્ઞમાં આહુતિરૂપે હોમાઈ ગયો. તેઓ પૌત્ર રવિને પૈસાના પ્રલોભન વિના વિદ્યાભ્યાસનું ગૌરવ શીખવતા હતા. તેઓ કહેતા કે સરસ્વતી મૈયાની એકાગ્ર ભક્તિ વગર બ્રહ્મતેજ પ્રગટતું નથી. દાદાજીએ રવિને ઘણું શીખવ્યું. પણ રવિનું હૃદય ડંખતું હતું કે પ્રભાવની શોધમાં એ પહેલી વાર દાદાજી સાથે દગલબાજી રમ્યો હતો. છેવટે અપરિગ્રહની આકરી પ્રતિજ્ઞાનું પાલન કરતાં શાસ્ત્રીજી ગુજારી ગયા.

અહીં રવિના સંઘર્ષની પણ વાત છે. જેના ચિત્તમાં એક તરફ આદર્શમય દાદાજી, સ્વતંત્રતા સંગ્રામમાં જીવની આહુતિ દેનાર પિતાની છબી છે તો બીજી તરફ ફક્કડ કપડાં, ભભક અને રોફથી દાન કરવાનું આકર્ષણ પણ છે. એક તરફ કૌમુદી, વેદમંત્રો ને રઘુવંશ જાણતા હોવાનું આત્મગૌરવ છે તો બીજી તરફ સરકારી શાળામાં મળેલ તોછડાઇ, તિરસ્કાર અને ઉપહાસનો પડકાર પણ છે. અકસ્માતે તે શીલાની ગાડીની હડફેટે આવે છે ને તેને શીલા અને રાધારમણનો પરિચય થાય છે. મોજમજાને તિલાંજલિ આપી પ્રભાવની શોધમાં નીકળેલો રવિશંકર ત્રિપાઠી વાકપાટવ ખીલવી  કોમરેડ રવિદાસ ચૂડગર બની જાય છે.

સુંદર, સુશીલ અને સંસ્કારી શીલાએ નાની ઉમરમાં પિતા ગુમાવ્યા. તેના લગ્ન ન્યાતના પ્રખર ધારાશાસ્ત્રી અને વિધુર એવા રાધારમણ દલાલ સાથે પંદર વર્ષની ઉમરે થયા. પ્રતાપી અને વૈભવી પતિ મેળવી વ્હાલ અને વિલાસમાં વિહરતી શીલાને થોડા સમયમાં જ પતિના સંસ્કારવિહોણા, સ્વાર્થી, રાગોન્મ્મત્ત અને નિરંકુશ અસલી સ્વરૂપનો પરિચય થતાં જ  ઘરસંસાર ખારો લાગવા લાગેલો. પરસ્ત્રીના સ્પર્શે કલંકિત પતિની અધમતા સહન કરવા કરતાં તેને ઘરમાંથી નાસી જવાનું મન થતું. આવા સંજોગોમાં તે ગાંધીજીની વિચારધારા તરફ આકર્ષાય છે. ત્યારે તેનો પરિચય આઠ વર્ષ વિલાયતમાં ભણી એલીસ સાથે લગ્ન કરી તેને ભારતીય સંસ્કારોથી પરિચિત કરાવવા ઇચ્છતા ઉદય સોલંકી અને તેના પરિવાર સાથે થાય છે. શીલા બારડોલીમાં ગાંધીજીના દર્શન કરી શાંતિ અને અપાર્થિવ વાતાવરણનો અનુભવ કરે છે. શીલાના હૃદયમાં અપરિચિત સમર્પણવૃત્તિ જાગે છે. પણ તેના ઘરસંસારનો સંઘર્ષ તેને ગૂંગળાવે છે.

ઉદય સોલંકી મહારાજાનો ભત્રીજો હતો. તેણે રાજવી થવાનો લોભ જતો કરી બેરિસ્ટરના ધંધામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. ઉદય ઇચ્છતો હતો કે તેની વિલાયતી પત્ની એલીસ ભારતના જીવનમાં ઓતપ્રોત થાય. પણ ત્રણ દિવસમાં જ તેને પ્રતીતિ થઈ ગઈ કે એલીસ પાશ્ચાત્ય જીવનના છીછરા પાણીની માછલી હતી. તેને ઉદયના અથાગ પ્રયત્નો કે પરિવારમાં રસ ન હતો. તેને તો રણચંદાની સાથે ડાન્સ, ડિનર ને હરવાફરવામાં રસ હતો. ઉદયે હંસકુંવરબાનો કેસ લીધો પણ રાજરમતથી અજાણ ઉદયને ખબર જ ન હતી કે  મહારાણીને દહાડા રહ્યા ન હતા ને બાળકો તેમણે ખરીદીને આણ્યા હતા.

આવી રસપ્રદ સંઘર્ષની વાતો સાથે નવલકથાનો રોચક પ્રારંભ થાય છે.  જીવન તો છે એક તારલા સભર આકાશ. આ આકાશમાં અનેક તારલાઓના સૌંદર્યને માણતા આપણે એક પરોઢની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. જીવનના આટાપાટાના નવીન દૃશ્ય ને વધુ રોચક વાતો માટે પ્રતિક્ષા આવતા અંક સુધી…..

રીટા જાની

૪૬ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

મીરાંબાઈના જોગીના પદો

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक: ।
           कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ ४६ ॥

શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકમાં સ્વયં ભગવાન કહે છે કે યોગી તપસ્વીઓથી,શાસ્ત્રોક્ત જ્ઞાનીથી અને સકામ કર્મ કરવા વાળાથી પણ શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા.

“યોગ” શબ્દ નું ઉત્પત્તિ સ્થાન સંસ્કૃતની “યુજ” ધાતુ છે.  युज्यते अनेन इति योगः  યોગનો સીધોસાદો અથવા તો સ્થૂળ અર્થ “જોડવું” અથવા “મેળવવું” થાય, પણ સૂક્ષ્મ અર્થમાં યોગ એટલે આપણા જીવાત્મા નું આપની અંદર રહેલા પરમાત્મા સાથેનું સાયુજ્ય સાધવું એટલે યોગ. યોગને સાધન તરીકે ઉપયોગ કરનારો યોગી અને સર્વોત્તમ યોગી એટલેકે સર્વે યોગીઓનો આરાધ્ય એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણ. વેદો અને ઉપનિષદ જેવા પુરાણો એ પણ યોગ શાસ્ત્રનો મહિમા ગાયો છે. યોગેશ્વર શ્રી કૃષ્ણે પણ સ્વમુખે થી શ્રી ગીતાજીમાં અનેક ઠેકાણે યોગ અને યોગીનું સમર્થન કરેલ છે. કહેવાય છે કે यज्ञात्वा नेह भूयोअन्य अज्ञातव्यमवशिष्यते  અર્થાત જેને યોગ દર્શનના સર્વે તત્વોને આત્મસાત કાર્ય હોય તેને વિશેષ કશુંજ જાણવાનું બાકી રહેતું નથી. યોગ દર્શન પર કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયનો અધિકાર નથી. જે આત્મા જન્મ લઈને પૃથ્વી પર આવ્યો છે તેને પરમાત્મા સાથે સાયુજ્ય સાધીને મુક્ત થવાનો પણ અધિકાર છે અને આજ યોગ નો મૂળભૂત સિદ્ધાંત છે.

મીરાંબાઈ તો શ્રી કૃષ્ણપ્રેમ માં પાગલ બની જીવનભર સગુણ ભક્તિમાં રત રહ્યા અને મીરાંબાઈના ઘણા પદોમાં “જોગી” અથવા તો “યોગી” નો ઉલ્લેખ જોવા મળે છે. મીરાંબાઈના જીવનકાળ દરમિયાન શ્યામસુંદર “જોગી” નો વેશ લઈને મીરાંબાઈને દર્શન દેવા ઉપસ્થિત થયા હતા માટે મીરાંબાઈએ તો યોગેશ્વર શ્રી કૃષ્ણમાંજ તેમના “જોગી” ના દર્શન કાર્ય હતા. આને આજ જોગી પાછળ મીરાંબાઈ સ્વયં મહેલ,વૈભવ અને પોતાનું સર્વસ્વ ત્યાગીને વૈરાગન બની ગયા હતા અને આજ ભાવ તેમના પદો દ્વારા વ્યકત થયેલ છે.મીરાંબાઈના “જોગી” ના પદો માં મીરાંબાઈએ પોતાના ગૂઢ આંતરમનના ભાવો ને શબ્દ દેહ આપ્યો છે જેમાં વિશેષ કરીને વિરહભાવ, દર્શનની ઉત્કંઠા, અને જોગણી રૂપે દાસી હોવાનો ભાવ મુખ્ય છે.

જેમકે નીચેના પદમાં મીરાંબાઈએ એજ જોગીની વિરહવેદના વ્યકત કરી છે.આનંદસ્વરૂપ પરમાત્માના અંશ સમાન આ જીવ સ્વાભાવિક રીતેજ એ આનંદરૂપમાં તદ્રુપ થઇ જવામાટે વ્યાકુળ થઇ જાય છે પણ પરમાત્માના માં એકાકાર થવું એમ કઈ સુલભ નથી…અને જીવને એ મિલનની વિરહવેદના થાય  છે. કંઈક આવોજ ભાવ મીરાંબાઈએ આ પદમાં વ્યક્ત કર્યો છે

जोगियाजी छाई रह्या परदेश
जबकिबिछड्या फेर न मिलिया, बहोरि न दियो संदेस
या तन ऊपरी भसम रमाउ खोर करू सिर केस
भगवा भेख धरु तुम कारण, ढूंढत च्यारूं देस
मीरां के प्रभु राम मिलणकूँ जीवनी जनम अनेस

મીરાંબાઈ જાણતા હતાકે આ જોગીનો સાક્ષાત્કાર થવોએ સ્થૂળ ઇન્દ્રિયોના અનુભવનો વિષય નથી. એ એક રહસ્યમય આંતરિક અનુભૂતિ માત્ર છે. કંઈક આવોજ ભાવ મીરાંબાઈએ નીચેના પદમાં રજુ કર્યો છે.  

तेरो मर्म नहीं पायो रे जोगी
आसान मांडी गुफा में बैठो, ध्यान हरी को लगाया
गल बिच सेली हाथ हाजरियो, अंग भभूति रमायो
मीरां के प्रभु हरि अविनाशी, भाग लिख्यो सही पायो

મીરાંબાઈ નીચેના પદમાં શ્યામસુંદર પ્રત્યે સંપૂર્ણ શરણાગતિનો ભાવ વહેતો મુકતા કહે છે કે જે રીતે આંગણાની બહાર ઝરમર ઝરમર વરસાદ પડવાથી કાદવ કીચડ થાય છે તેજ રીતે સંસારની અનેક ઈષ્ટ-અનિષ્ટ પરિસ્તિથીઓ ના લીધે ચિત્ત અસ્થિર થઇ જાય છે પણ જેમ લોઢું અગ્નિની જ્વાળાઓ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ રહે છે તેમ અવિચલિત એવા ગિરિધારી ગોપાલના ચરણોની શરણાગતિ હું સ્વીકારું છું

कोई दिन याद करोगे रमते राम अतीत
झिरमिर झिरमिर मेहा बरसे, आँगन मच गई कीच
लोहा औंधे लोहा पहिरे, अग्नि कुंड अधबीच
इत गोकुल उत मथुरा नगरी, मंदिर बना अधबीच
मीरां के प्रभु गिरिधर नगर, हरि चरण दिया चित

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ ગિરિધરગોપાલ સાથે તેમનો સંબંધ પૂર્વજન્મથી હતો તે ફરી એક વાર પ્રસ્થાપિત કરે છે.

माई म्हने रमइयो दे गया भेष
हम जाने हरि परम सनेही पूरब जनम कौ लेष
अंग भभूत गले मृगछाला घर घर जपत अलेष
मीरां के प्रभु हरि अविनाशी साईं मिलण की टेक

આમ મીરાંબાઈ એ તેમના જોગીના પદો દ્વારા પણ પરમાત્મા શ્રી કૃષ્ણને જ આરાધ્યા છે. શ્યામસુંદર યોગેશ્વર શ્રી કૃષ્ણ કે જે અનાસક્ત અને નિર્દ્વંદ્વ છે તેમના દર્શન માટે મીરાંબાઈ સર્વસ્વ છોડીને જોગણ બની રહ્યા.આજ  તેમની શ્યામસુંદર પ્રત્યેની અનન્ય નિષ્ટા અને ભક્તિની સાક્ષી પુરે છે. તો ચાલો આજે મારા ઇષ્ટના ચરણોમાં અનન્ય અને દ્રઢ વિશ્વાસ કરતા હું મારી કલમને આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે મીરાંબાઈના પ્રભુપ્રીતિ ને ઉજાગર કરતા અન્ય પદો ને માણીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ :45) મેઘાણીની માંગ: તો સૂર્યકિરણ બનવું પડશે!

“હેજી તારાં આંગણિયા પૂછીને કોઈ જો આવે તો આવકારો મીઠો આપજે રે લોલ! “ (દુલા ભાયા કાગ )
હા , આમ જુઓ તો આજે ચારે બાજુએથી આપણે મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયાં છીએ.
કોરોના ને લીધે ઘણાનાં ધંધા રોજગાર બંધ પડી ગયાં હશે ,
ઘરમાં પણ તણાવનું વાતાવરણ હશે , કદાચ દુઃખના ડુંગરા તૂટી પડ્યા હશે ,

પણ એવી કપરી પરિસ્થિતિમાં પણ જો કોઈને તમે એમની હાલત વિષે પૂછો તો એ તમારી સાથે એના દિલની વાત કરશે નહીં ! હા , દિલ ઠાલવવા પણ યોગ્ય પાત્ર જોઈએ .
અરે પોતાની મુશ્કેલીઓ કે મૂંઝવણો કે મનની વાતો એમ જેને તેને થોડી જ કહેવાય ? જો તમે બહુ આગ્રહ કરીને પૂછો તો એ સામે જ જવાબ આપી દે કે “ભાઈ , તું તારું સંભાળ ; અમે જે છીએ તે સારાં છે !!!”
આપણને મનમાં ધુરી ચઢે કે ચાલ , હવે સમાજ સેવા કરવા દે ! હવે જઈને ગરીબ , અસહાય , અશક્તનાં દુઃખ હળવા કરવા દે ! તો એમ સમાજ સેવા ના થાય !
કોઈનું દુઃખ જાણવા , સમજવા , કોઈનું દિલ પામવા , કોઈની પાસે જવા માટે એના જેવાં બનવું પડે ! ત્યારે એ વ્યક્તિ મનની વાત કહે !
એટલે તો દુલા કાગે લખ્યું :
“કાગ , એને પાણી પાજે , ધીરે ધીરે બેસવા દેજે .. “
અને પછી જો એ મન હળવું કરે તો ધીરે થી બોલવા દેજે !
વાચક મિત્રો , આ વાત અહીં એટલા માટે યાદ કરાવી કે લોકસાહિત્ય મેળવવા માટે મેઘાણીને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી .
ઝવેરચં મેઘાણી પણ ભણેલ ગણેલ , વાણિયા જાતીનાં : એટલે એમને જે તે બધી વાતો કહેતાં ગ્રામ્ય પ્રજા સંકોચ પામે . એમને થાય કે આ ભણેલ માણસ આપણને કોઈ કાયદાની આંટી ઘૂંટીમાં તો સલવાવશે નહીં ને ? એટલે લોકો એમની સામે શંકાની નજરથી જુએ . એમને મેઘાણીમાં વિશ્વાસ ના હોય એટલે ક્યારેક ઉડાઉ જવાબોય આપી દે . તેમાં એ વળી પાછા બધું નોંધપોથીમાં નોંધે !
“આ નોટબુકમાં શું લખે છે ? “ એ લોકો વિચારે અને ગભરાય !
વળી એમની મુશ્કેલીનું બીજું પણ એક કારણ હતું .
લોકસાહિત્ય લોકોને મુખે , એટલે કે ઝાઝું કરીને સ્ત્રીઓને મુખે – જળવાયેલા હોય : સ્ત્રીઓ સાથે વાતોય કેવી રીતે કરવી? ગઢવી , ચારણ અને અન્ય જાતિમાં તો વળી પરદા પ્રથા ! પરદામાં રહીને વાતો થાય ! આ બધાં બંધનો તોડવાનાં કે ઓળાંગવાનાં , પછી જ લોક સાહિત્ય મળે !
પણ પછી ધીરે ધીરે , મેઘાણીના વ્યક્તિત્વથી સૌ વિશ્વાસ પામીને પોતાની અંતરની વાતો – સાહિત્યનો ખજાનો કહેતાં થયાં.
એકલે હાથે એમણે ઘણું કાર્ય કર્યું . પણ , એમને ખબર હતી કે આ તો અમૂલ્ય ખજાનો છે . એમને સમજાઈ ગયું હતું કે વિશ્વના સાહિત્યમાં સ્થાન પામે તેવું ઘણું સાહિત્ય આ લોક સાહિત્યમાં સંતાઈને પડ્યું છે . પણ એને બહાર કાઢવા સમય અને સમજણ બંને જોઈએ ! “કોણ એ કામ કરી શકશે મારા ગયા બાદ ? “ એની એમને ચિંતા હતી .
ઉમાશંકર જોશી તેમના પરમ મિત્ર હતા , એમને એમણે પત્રમાં લખ્યું ;” મારાં કંઠમાં હું પાંચસો ગીતો પકડીને બેઠો છું . એ વિસરાય તે પહેલાં મેં એટલાં તો આગમાંથી ઉગારી લીધાં છે ; પણ બીજા હજ્જારોનું શું ?
એમણે કહ્યું , “ અમુક ચારણ કવિને ઘેર પાંચસો વર્ષની જૂની હસ્ત પ્રતો નો થોકડો પડ્યો છે , એનો અભ્યાસ કરવો જરૂરી છે . પણ હું એકલો શું કરી શકું ? અને યુનિવર્સીટીમાં ભણેલ વર્ગ એને અશાસ્ત્રીય કહીને અવગણે છે!” મેઘાણી હૈયા વરાળ કાઢતા લખે છે કે “કાંકરા અને કસ્તરની જેમ હું ભલે ઉડી જાઉં પણ એ સાહિત્યમાં જે જીવનસત્વ છે તેનો તો વિચાર કરો?” ઝવેરચંદ મેઘાણીની એક વધુ મુશ્કેલી હતી :
લોકગીતોને જો એનાં રાગમાં ને ઢાળમાં ગાઈએ તો જ એ સાચા અર્થમાં લોક ગીત લાગે . એ જમાનામાં ટેપ રેકોર્ડર એટલા પ્રચલિત નહોતા . મેઘાણીએ મહા મહેનતે એ ગીતોના ઢાળ યાદ રાખ્યા ..
એમણે એકલે હાથે એ ગીતોને સાહિત્ય જગતમાં સ્થાન મળે તે માટે ખુબ પ્રયત્નો કર્યા .
એમણે આકાશવાણી વિભાગને લખ્યું આ બધાં લોકગીતોના પ્રસારણ બાબત . પણ પૈસા – મહેનતાણું બાબત ગરબડ ઉભી થઇ .
મેઘાણી સ્વમાની વ્યક્તિ હતા . મુસાફરીનું ભાડું મળે તો જ તે આવવા તૈયાર થાય !
મિત્રો !આપણા દેશમાં હીરાઓ નથી પાકતા એવું નથી, આપણે એમને પિછાની શકતા નથી . કલાકારનું હીર જોઈને એને વધાવી લેવાને બદલે નાહકની આંટી ઘૂંટીમાં અને ખોટા રાજકારણના આટાપાટા માં સાચો હીરો હાથથી જતો રહે છે , અને પછી જયારે એ જ વ્યક્તિ પરદેશમાં જઈને ખ્યાતિ પ્રાપ્ત કરે છે ત્યારે આપણે એ વ્યક્તિની મહાનતા માટે ગૌરવ લઈને કહીએ છીએ કે ફલાણી વ્યક્તિ તો અમારા દેશની છે ! પછી તે સ્વામી વિવેકાનંદ હોય કે હરે કૃષ્ણ ચળવળના પ્રભુપાદ હોય કે ચિન્મયા મિશનના પ્રણેતા સ્વામી ચિન્મયાનંદ હોય ! એ સૌને પ્રતિષ્ઠા ત્યારે મળી જયારે પારકાં લોકોએ એમને વખાણ્યાં!
મેઘાણીનો વિરોધ કરનારાં ઘણાં હતાં.
તો એ દિવસોમાં મેઘાણીને આકાશવાણી રેડીઓ પર યોગ્ય ન્યાય ના મળ્યો અને ઘણાં ગીતો – લોકગીતોથી શ્રોતાઓ અપરિચિત અજાણ રહ્યાં!
પરંતુ મેઘાણી તો એક મોટું ધ્યેય લઈને બેઠા હતા ! એમણે નવી પેઢીને અને લોકસાહિત્ય સંશોધકોને જણાવ્યું કે એ ગ્રામ્ય પ્રજા પાસે અખૂટ સાહિત્ય સંગ્રહાયેલું છે ; માત્ર એમનો વિશ્વાસ જીતીને એ બહાર લાવવાનું છે !
એ લખે છે : “ જાઓ તેઓની પાસે , એમના ઉર – કપાટ હળવે હાથે , જુક્તિ પૂર્વક ઉઘાડજો . એ તો કેળનાં ઝાડવાં છે , મોટરોની ધૂળ ઉડાડ્યે એમનાં હ્ર્દયો ઉઘડશે નહીં .( તમારા મોટર ગાડીના ભભકાથી એ લોકો અંજાશે નહીં ) . એમનાં મિત્ર બનવું પડશે . એમનાં મિથ્યાભિમાનનેય પંપાળવું પડશે .. એ તો સૂર્યમુખીઓ છે , એ તો જ ખીલે જો આપણે સૂર્ય કિરણ બનીને તેમની પાસે જઈએ તો !
કેવી સ્પષ્ટ વાત !

આપણું લોકસાહિત્ય વિશ્વમાં પ્રસરે તે માટે એમને શાંતિનિકેતનમાં અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપેલાં. (૧૯૪૩. ) અને ત્યાંના મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલા .(Folksongs of Gujarat .)એજ રીતે ગુજરાત રિસર્ચ સોસાયટીમાં પણ કાઠિયાવાડના લોકગીતો પર લેખ લખેલ . Marriage songs of Kathiyavad . એમણે ત્યારે જાણીતા અંગ્રેજ લેખક લોકસાહિત્યકાર એલ્વિન વેરિયરને પોતાનાં આ લોકગીતો અને સાહિત્ય તપાસવા અંગ્રેજીમાં અનુવાદ પણ મોકલવાની તૈયારી કરી હતી – પણ એ બની શક્યું નહીં . એ પહેલાં જ એમને ભગવાનના ઘેરથી તેડું આવી ગયું , નહીં તો આપણે એ બધાં ગીતો અંગ્રેજીમાં સાંભળ્યાં હોત, એ ગીતો વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યાં હોત ! ( જો કે આ લેખ લખવા થોડું રિસર્ચ કરતાં જણાય છે કે હવે એ સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે એમનાં ગીતોનો અંગ્રેજીમાં અને અન્ય ભાષાઓમાં અનુવાદ થઇ રહ્યો છે )
સૌરાષ્ટ્રનાં લોકસાહિત્યની જેમ અન્ય પ્રાંત પ્રદેશોનું પણ એનું પોતીકું કહી શકાય તેવું સાહિત્ય હશેજ , માત્ર તેને શોધવા પરિશ્રમ કરવો પડે ! હા, હવે આપણે ટેક્નોલોજી યુગમાં એટલાં ઝડપથી આગળ વધી રહ્યાં છીએ કે એ બધું પુરાણું હવે નવા સ્વરૂપે બદલાઈને આપણી સમક્ષ આવે છે ! એમાં લોકસાહિત્યની સુગંધ રહી નથી !
પણ , ત્યારે તમે જ વિચાર કરો એવી સુગંધ કેવી રીતે રહે ? જુઓ પેલું લોકગીત ; “ આ વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ ! એની આ પંક્તિઓ જુઓ :
નણદીએ જઈ સાસુને સંભળાવ્યુ રે લોલ ;
ભાભી કરે છે આપણાં ઘરની વાત રે .. આ વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ ….” તો પ્રશ્ન થાય કે આવાં ગીતો આજે કેવી રીતે લોકગીતની સુગંધ પ્રસરાવે ? ભાભીએ વાત કરવાને બદલે બધું જો વિડિઓ કરીને વોટ્સએપ પર કે ફેસબુકમાં જ જો મૂકી દીધું હોય ને પછી નણંદ અને સાસુને રંગે હાથ પકડ્યાં હોય તો પછી પરણ્યાના હાથે કસુંબો પીને મરવાનું કેવી રીતે આવે ???
વાચક મિત્રો ! મેઘાણીનાં જીવનમાં એમની આશાઓ , અપેક્ષાઓ , અરમાનો અને અધૂરું રહેલ સ્વપ્નની વાતો આવતે અંકે !

૪૬ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

દિવાળીના દિવસો જરા જુદી રીતે પણ પસાર થઈ ગયા. જો કે મઝાની વાત એ બની કે ઉત્સવપ્રિય ઉત્સાહી લોકોએ ચાર દીવાલોની મર્યાદામાં રહીનેય દિવાળી ઉજવી અને નવા વર્ષને આવકાર્યું. પરિસ્થિતિ અડધા ભરેલા પાણીના પ્યાલા જેવી રહી. કદાચ કોઈને એ અડધા ખાલી રહેલા પ્યાલાનો અફસોસ રહી ગયો હશે પણ પરિસ્થિતિને પોઝિટિવ રીતે સ્વીકારવાવાળાઓએ એ અડધા ભરેલા પાણીના પ્યાલાથી સંતોષ માન્યો.

વાત હતી સંજોગવશાત સમય પસાર કરવાની ત્યારે સૌએ સ્વજનો, સ્નેહીઓ, મિત્રોને ફોન, વ્હૉટ્સેપ, ફેસબુક, મેસેજ, મેસેન્જર પર ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવી. “સ્નેહમિલન બંધ છે પણ સ્નેહ અકબંધ છે” એવું કહીને દૂર રહીને પણ સાચા દિલથી મળવાની ઇચ્છા રાખતા સૌ સ્નેહીઓ ઝૂમ પર પણ એકમેકને મળ્યા.

કોઈએ એવુંય મન મનાવ્યું કે ધારો એટલું મળી જાય તો પણ ધારીએ એટલું માણી નથી શકતું. તો પછી જ્યારે જે મળ્યું છે એને માણી લઈએ.

પણ જુઓ મઝાની વાત. આ માણવાનો મોકો મળ્યો ત્યારેય એક વણદીઠ્યો, વણનોતર્યો, અણજાણ અને તેમ છતાંય વિચારોની સતત આવનજાવનમાં વ્યાપ્ત એવો છેલ્લા કેટલાય સમયથી પરાણે આપણા માનસપટ પર કબજો જમાવીને બેઠેલો એક ઓથાર તો ત્યાં હાજર જ હતો. કરોળિયાએ બાંધેલા જાળામાં ફસાયેલો જીવ એમાંથી છૂટવા ફાંફા મારે એમ કેટલાય સમયથી જેનાથી છૂટવા આપણે હવાતિયાં મારીએ છીએ એવા વૈશ્વિક વિનાશ વેરેલા વેપનની આપણી વાતોમાં ન ઈચ્છવા છતાં હાજરી રહી. અણમાનીતી રાણીની જેમ ન સહેવાય કે ન છૂટાય એવી એની હાજરીને આપણે અવગણવા મથીએ તોય એને વિસારે પાડી નથી શકાય એવું સૌએ અનુભવ્યું અને જે અનુભવ્યું એ કહ્યું. જે વાસ્તવિકતા આવીને ઊભી છે એની સામે શાહમૃગની જેમ રેતીમાં માથુ ખોસીને વણદેખી કરી શકાય છે?

નવા વર્ષની શરૂઆતે સૌ એકબીજાને નૂતન વર્ષમાં સુખ સંપત્તિ વધે એની શુભેચ્છા પાઠવે. આ વર્ષના આરંભે સુખ, સંપત્તિની સાથે શુભેચ્છામાં સ્વાસ્થ્ય અને સુખાકારી ઉમેરાઈ સાથે એક વાત નિશ્ચિતપણે, નિર્વિવાદે બની. સૌએ મારું, તારું વિસારીને સૌનું શુભ ઈચ્છ્યું.. સૌએ અભ્યર્થના કરી કે,

શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદામ,

શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતે.?

આ શુભ-મંગળની ભાવના અનેક અર્થે જરૂરી છે. આજે આપણી આસપાસ એક નહીં અનેક શત્રુ મંડરાય છે. એકને નાથવા જાવ તો જાણે અન્ય દિશાએથી બીજો શત્રુ ત્રાટકશે. કોને કોને નાથવા? વિજ્ઞાને જેટલી પ્રગતિ કરી છે એનાથી અનેકગણી સમસ્યાઓ સામે ઊભી છે. વિજ્ઞાનની પ્રગતિનો આધાર માનવની મેધાશક્તિ પર છે. માણસ એની બુદ્ધિ વિકાસ અર્થેય વાપરે અને વિનાશ અર્થે પણ.. પ્રત્યેક માનવીના મનમાં રામ પણ છે અને રાવણ પણ. કૃષ્ણ છે અને કંસ પણ. આજે  આ અતિ તીવ્ર બુદ્ધિશક્તિ ધરાવતો માનવી હાલમાં થાક્યો છે અને સ્વયં ઈશ્વરે પ્રગટ થવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આજથી લગભગ ૫૦૦૦ હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણની વાણી યથાર્થ કરવાનો સાચે સમય આવ્યો છે.

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।

અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।

ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે..

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગને વળોટીને જે કળિયુગમાં આપણે જીવીએ છીએ ત્યારે આ શક્ય બનશે તો એ ચમત્કાર જ હશે. શ્રીકૃષ્ણે સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું વચન આપ્યું છે જેનો સમય આવ્યો છે ત્યારે એમ લાગે છે કે આજના સંજોગોમાં સુખ, શાંતિનું નિમિત્ત બને એવું આ પ્રાગટ્ય કોઈપણ સ્વરૂપે હોઈ શકે.

વર્તમાન સમયે વ્યાપેલી આ મહામારીની એક સમસ્યા સિવાય અનેક સમસ્યા વ્યાપેલી છે. ત્રેતાયુગમાં એક રાવણ કે દ્વાપરયુગમાં એક કંસનો વધ કરીને સુખનું સામ્રાજ્ય શક્ય બન્યું હતું. આજે સમાજમાં  એક રાવણને હણ્યા પછીય અનેક રાવણ ક્યાંક્થી ફૂટી નિકળે છે ત્યારે કયા મર્યાદા કે પૂર્ણ પુરુષોત્તમની આશા કરીશું? 

આજે વાસ્તવિક સંજોગોને અનુલક્ષીને સૌને નવા વર્ષમાં જગત કલ્યાણની ભાવના સેવી હશે. સૌના મનની વાત એક છે, વિચાર એક છે. જગત કલ્યાણ માટે ઈશ્વરનું અવતરણ થાય એવો ભાવ પણ એક સમાન છે.

ભાવની વાત આવે ત્યારે શબ્દોની જરૂર પડે. મોટાભાગે શબ્દ એક હોય અને એના અર્થ અનેક હોય પણ અર્થ એક હોય અને શબ્દો અનેક હોય એવુંય બને. વિશ્વવ્યાપી સૌની વાત એક છે, ભાવ એક છે પણ એને પ્રસ્તુત કરવાની રીત નોખી હોય એવું બને.

આવી નોખી રીત, નોખા શબ્દોમાં અવિનાશ વ્યાસે રચેલું ગીત જોઈશું તો સમજાશે કે આપણા સૌની ભાવના યથાર્થ રીતે અહીં વ્યક્ત થઈ છે.

“આજ ખરું અવતરવાનું ટાણું,

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કંસની સામે તમે કૃષ્ણ થયા

અને રાવણની સામે રામ

પણ આજે તો કંસનો પાર નથી જગમાં

ને રાવણ તો સો માં નવ્વાણું

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા

ને ધર્યા તમે વિધવિધ અવતાર

પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે

અવતરતા લાગે કેમ વાર?

શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા

હવે કોણ તાણે તારું ઉપરાણું?

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં

અને સૂરજની ઘડિયું ગણાય

આકાશ વિંધીને અવકાશે આદમ

દોડ્યો આવે ને દોડ્યો જાય

બધું એ જીતાય, પણ એક તું ના જીતાય

તો ગીતાનો ગાનારો સાચો માનું

હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું..

આગળ કહ્યું એમ આ પ્રાગટ્ય કોઈપણ સ્વરૂપે હોઈ શકે જેને આપણે આવકારવાનું, સ્વીકારવાનું છે.


Rajul Kaushik

http://www.rajul54.wordpress.com

કલમના કસબી: કનૈયાલાલ મુનશી-42
ઋગ્વેદના પ્રસંગો અને મહાપુરુષોની આસપાસ મુનશીએ જે ચાર કથાઓ રચી છે તેમાં ‘લોપામુદ્રા’ ઉલ્લેખનીય છે. મુનશીએ નવલકથા લખી તો નાટકો પણ લખ્યા છે. આ કથાની વિશેષતા એ છે કે તેમાં ખંડ 1 નવલકથા છે તો ખંડ 2,3 અને 4 નાટક છે. આમ છતાં કથાનો પ્રવાહ એટલો તો અસ્ખલિત રસક્ષતિ વગર આગળ ધપે છે કે વાચકને કથાનું બદલાયેલું સ્વરૂપ ક્યાય ખટકતું નથી. આ જ તો મુનશીની કલમની કમાલ છે.

ઋગ્વૈદિક જીવન નવું છે. તેમાં ઇતિહાસના આરંભની તાજગી ને તેજસ્વિતા છે. આપણું માનસ પૌરાણિક સાહિત્યથી ઘડાયેલું હોઈ એ જીવનને કલ્પી શકતું નથી કે પૂરો ન્યાય આપી શકતું નથી. તો એ સમયના માનવ સ્વભાવને સમજવાનું પણ સહેલું તો નથી જ. ત્યારે મુનશી એ જીવન અને સ્વભાવનું સર્જન કરે એ કેવું કપરું કામ છે તેની કલ્પના સહેજે કરી શકાય.

આ એ સમયકાળની વાત છે જ્યારે આર્યો પાંચ જાતિઓમાં વહેંચાઈ ગયા હતા. આ જાતિઓ સપ્ત સિંધુના પ્રદેશમાં રહેતી. સરસ્વતી, દ્રષદવતિ, શતદ્રુ ,પરૂષ્ણિ ,અસિકની, અને વિતસ્તા એ નદીઓવાળા પંજાબનો પ્રદેશ સપ્ત સિંધુ તરીકે ઓળખતો.. આર્યોની ભાષામાં હજુ જંગલી સ્થિતિનાં સ્મરણ હતાં. દંડ, પત્થર અને હાડકાના વજ્ર તેમનાં શસ્ત્રો હતાં. યુદ્ધના દેવ ઇન્દ્ર અને અગ્નિ, સૂર્ય તથા સોમ એમનાં લોકપ્રિય દેવો હતાં. તેમને ગાયો પ્રિય હતી, જે નાણાનાં બદલે કે બક્ષિસમાં પણ આપલે થતી. તેઓ ગોરા અને સુંદર નેત્રોવાળા હતાં. વર્ણવ્યવસ્થા એમનામાં આવી ન હતી. રાજા કે સ્ત્રી પણ ઋષિ બની શકે. રાજ્યપદ કે ઋષિપદ જન્મથી નહીં પણ કર્મથી મળતું. આર્યો ખેતી અને વિવિધ ધંધા રોજગાર કરતાં.તેમની મોટાભાગની મુશ્કેલીઓનું કારણ દસ્યુઓ અથવા દાસ હતાં.દસ્યુઓ જબરા હતાં. તેઓ આર્યોની ગાયો ઉપાડી જતાં, દેવોને તિરસ્કારતાં અને વ્રતવિહીન હતાં. દસ્યુઓ હિંદુસ્તાનના અસલી શિવપૂજક વતનીઓ હતાં. દસ્યુના રાજા શમ્બર સંસ્કારી હતા. પણ એ હાર્યા અને દાસ થઈને રહ્યા, થોડે વર્ષે એ આર્યો બન્યાં ને એમનાં લિંગદેવ – શંકર સ્વરૂપે આજે આર્ય ધર્મમાં પૂજાય છે.

મુનશી એ કાળના આર્યોનો પરિચય આપતાં કહે છે કે તેઓ સુંદર કપડાં પહેરી ટાપટીપ કરતાં ને નોકરો ને દાસો રાખતાં. યુદ્ધમાં બખ્તર પહેરતાં ને આયુધો વાપરતાં. તેઓને ઘોડ દોડની શરત અતિ પ્રિય હતી તો તેઓ દ્યૂત પણ રમતાં. ઋષિઓ સોમ પીને અને સામાન્ય લોકો સુરા પીને નશો કરતાં. ઋષિઓ મોટા આશ્રમોમાં રહેતા ને વિદ્યાભ્યાસ કરાવતા. વર્ણાશ્રમ વગરના સમાજમાં સ્ત્રી સમાનતા તો હતી પણ લગ્નગ્રંથી શિથિલ હતી ને કુમારિકાના પુત્રો અધમ ન ગણાતા. ઋષિઓમાં આદર્શમયતા, દેવોની ભક્તિ સત્ય અને તપની ઝંખના, વારે વારે દેવો સાથે વાત કરવાની ટેવ હતી ને તેમને સમજવા ઘણા કઠણ હતાં. ‘અતિથિગ્વ’ માંસ ખવડાવનાર માનભર્યું બિરુદ હતું.

મુનશી કથાનો ઉધાડ ખૂબ નાટકીય ઢબે કરે છે. ભરતોના વિશાળ જનપદ પર ભૃગુઓનું પ્રબળ સૈન્ય ચઢી આવે છે. રાજા ખેલ,ગાધીરાજની પુત્રી સત્યવતીને પરણવા માગે છે. પણ સત્યવતી તે માટે તૈયાર નથી. ભૃગુઓના શ્રેષ્ઠ એવા અથર્વણ – ઋચીક ત્યાં આવી ચડે છે, જેને સૌ પથિક માની બેસે છે. અને નાટકીય ઘટનાક્રમને અંતે સત્યવતી અને ઋચીકના લગ્ન થાય છે. ભરતો અને ભૃગુઓમાં આનંદોત્સવ થાય છે.

‘લોપામુદ્રા ‘ની કૃતિમાં મુનશી હિંદુસ્તાનના ઇતિહાસના પહેલવહેલા ખરા બનાવો વણે છે. તૃત્સુ જાતિના રાજા દિવોદાસ શૂરવીર અને ઉદાર હતાં. તેણે દસ્યુઓના રાજા શમ્બર સાથે અનેક વાર યુદ્ધ કર્યું અને તેને મારી નાખી તેના નવાણું ગઢ લઈ લીધા. તેને સુદાસ નામે પુત્ર હતો. દેવો મિત્રાવરુણના બે પુત્રો હતા – અગસ્ત્ય અને વસિષ્ઠ. વસિષ્ઠ તૃત્સુઓના પુરોહિત હતા. ભરત નામની પ્રતાપી જાતિમાં વિશ્વામિત્ર ઋષિ થયા, જે કુશિકના વંશજ અને ગાથીનોની દીવ્ય વિદ્યાના વારસ હતા.વિશ્વામિત્રના પિતા ગાધી હતા. ગાધીને વિશ્વરથ અને ઋચીક ને જમદગ્નિ એમ પુત્રો થયા. ઋગ્વેદ પ્રમાણે લોપામુદ્રા એક ઋષિ હતા. તેમણે અગસ્ત્ય ને લલચાવીને પતિ કર્યા. એ પ્રસંગે રચેલા મંત્રો ઋગ્વેદમાં છે.

રંગભેદ, ધર્મભેદ અને સંસ્કૃતિભેદના પ્રશ્નો કેટલા પુરાતન છે તેની ખબર પડે છે. તે સમયે આર્યો અને દસ્યુઓ વચ્ચે રંગનો, ધારાનો અને સંસ્કૃતિનો ભેદ હતો. શમ્બર અને એના દસ્યુઓ લિંગની પુજા કરતાં. દસ્યુઓ શક્તિમાં, વીરતામાં કે સુખનાં સાધનોમાં આર્યોથી ઉતરતા ન હતા, પણ વિદ્યામાં અને સંસ્કારમાં ઉતરતા હતા.આર્યો દસ્યુઓને પકડી ગુલામ બનાવી રાખતાં. ત્યારે પ્રશ્ન એ થયો કે સમાજમાં એમનું સ્થાન શું? દાસીના પુત્રનું કુટુંબમાં સ્થાન શું? આ પ્રશ્નો પર લડાઇઓ થઈ, માથા કપાયાં, વેર થયાં. કેટલાક વિદ્વાનોના મતે વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે વેરનું કારણ પણ આ જ હતું. વસિષ્ઠ શુદ્ધિના પ્રતિનિધિ હતા. વિશ્વામિત્રે દસ્યુઓને આર્ય બનાવવા કીમિયો કરી નવી રીત શીખવી. આર્યત્વ જન્મથી નથી આવતું પણ ગાયત્રીમંત્રથી શુદ્ધ થઈ, સત્ય અને ઋતથી પ્રેરાઈ , યજ્ઞોપવીત ધારણ કરવાથી માણસ નવો જન્મ પ્રાપ્ત કરી દ્વિજ બની આર્ય બને છે. આ મંત્રને પરિણામે આ દેશમાં રંગભેદ જતો રહ્યો અને સંસ્કારભેદ પ્રમાણે પ્રજાના વિભાગ પડી ગયા. જે વિપ્રનું કાર્ય કરતા તે બ્રાહ્મણ કહેવાયા. જે સામાન્ય પ્રજા વિશોમાં વહેંચાઈ હતી તે વૈશ્ય કહેવાયા ને જે દ્વિજ નહોતા થયાં તે શુદ્ર કહેવાયા.

ઋષિ લોપામુદ્રા ઉષાની પુત્રી છે. રૂપ અને સૌંદર્યમાં અદ્ભુત છે. તે જ્યાં જાય ત્યાં પુરૂષોને નવી આંખો આવી છે. તેમણે કેટલાં હૈયાં સંતાપ્યા છે. તેઓ દેવી સમા દેદીપ્યમાન છે. તેમની બોલીમાં દેવવાણી સંભળાય છે.જ્યારે તેઓ ડગ ભરે ત્યારે તેમના પાદચિહનોમાંથી શુદ્ધિની સરિતા વહે છે. તેઓ માને છે કે આર્ય અને અનાર્યના, કાળા અને ગોરાના, ઊંચ અને નીચના ભેદ મહર્ષિ માટે નથી. વિદ્યા અને તપનું બળ હોય તો દૂર ને દૂર, જંગલોમાં, ભૂખ ને દુ:ખથી રખડતાં માનવજંતુઓ ઉદ્ધારની વાટ જોતાં બેઠાં છે. તેઓ અગત્સ્યને પણ આર્યોનું પુરોહિતપદ છોડી દેવોનું અધૂરું કાર્ય પૂરું કરવા નિમંત્રણ આપે છે.

‘લોપામુદ્રા’ એ ઋષિ લોપામુદ્રાની તેજસ્વિતા અને અગત્સ્ય માટેના તેમના પ્રેમની કથા તો છે જ પણ તેનાથી પણ વધુ આકર્ષક અને વાચકોને જકડી રાખતી કથા છે યુવરાજ વિશ્વરથના ઋષિ વિશ્વામિત્ર બનવાની. તેમાં વિશ્વરથનું મનોમંથન છે, શામ્બરી પ્રત્યેનો પ્રેમ ને એ પ્રેમ માટે વેર ને યુદ્ધ વહોરી લેવાની તૈયારી છે, ગુરુ અગસ્ત્ય ને ભગવતી લોપામુદ્રા પ્રત્યે આદર ને ભક્તિ છે, બાલસખી રોહિણી માટેનો પ્રેમ છે, ઈર્ષાખોર તૃત્સુ યુવરાજ સુદાસ સાથે નોકઝોક છે, તપનું ઊંડાણ છે, દેવોનો સાક્ષાત્કાર છે, સ્વેચ્છાએ રાજદંડને શૃંખલા માની ત્યાગ કરવાની હામ છે, પોતાના અને પારકા, મિત્ર કે શત્રુ – સૌના હૈયા જીતવાનો ઇલમ છે. વિશ્વરથ તો ઘડાયો છે અમી દ્રવતા હૃદય સાથે, દેવોએ પ્રેરેલી બુદ્ધિ સાથે, સર્વગ્રાહી આર્ષદૃષ્ટિ સાથે. શામ્બરીના મૃત્યુ બાદ એ બાલસખી રોહિણી સાથે લગ્ન કરે છે જેની શ્રદ્ધા એ વિશ્વરથનું બાહુબળ છે, જેનો પૂજાભાવ તેનું કવચ છે તો જેની પ્રેરણા એનો જયઘોષ છે. વિશ્વરથ વિદ્યા અને તપને પોતાની રાજ્યલક્ષ્મી ગણે છે અને વિશ્વરથમાંથી વિશ્વામિત્ર બને છે. ત્યાગીઓમાં શ્રેષ્ઠ બની અંતે નાનપણથી તેનો દ્વેષ કરતા સુદાસનું દિલ જીતી લે છે. દેવો, પિતૃઓની આજ્ઞા શિરે ધારણ કરી ઋતમાંથી ચલાયમાન ન થવાય એ પ્રાર્થના સાથે કથા સમાપ્ત થાય છે.

કથા ભલે પૂરી થાય પણ મુનશીની ખૂબી એ છે કે તેઓ વાચકને પૌરાણિક યુગમાં છોડી જાય છે. જેમ દેવાધિદેવ મહાદેવની જટામાં કેદ ગંગાનું અવતરણ, મહારાજ ભગીરથના તપના કારણે થયું અને આપણી શ્રધ્ધાએ જીવનમાં ધન્યતાનો અનુભવ કરાવ્યો. કદાચ વેદકાળની કથાઓનું પણ એમ જ છે. ‘લોપામુદ્રા’માં આપણે માણેલી ધન્યતાની પળો એ પણ મુનશીએ ઉતારેલ સાહિત્યગંગા જ છે.

રીટા જાની

૪૫ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

નામ-માહત્મ્ય – મીરાંબાઈની નજરે 

अनंत शास्त्रम बहुलाश्च विद्या, अल्पश्च कालो बहु विघ्नता च
यत्सार भूतं तदुपासनीयं, हंसो यथा क्षीर मिवाम्बु मध्यात

નામ માહત્મ્યની મહત્તા દર્શાવતા ઉપરના શ્લોકમાં કહ્યું છે તેમ શાસ્ત્રો અનંત છે, વિદ્યાઓ અનેક છે, કાળ અલ્પ છે અને વિઘ્નો ઘણા છે. જેવી રીતે હંસ જળમાંથી માત્ર દૂધને જ ગ્રહણ કરે છે તેમ આ પરિસ્તિથીમાં મનુષ્યએ જે સાર તત્વ છે તેનીજ ઉપાસના કરવી જોઈએ. અર્થાત હરિનામ નો આશ્રય લેવો જોઈએ. સગુણ ભક્તિમાં ભક્તિના જે નવ પગથિયાં દર્શાવ્યા છે તેમાં પ્રથમ “શ્રવણ” ભક્તિ અને બીજા પગથિયે છે કીર્તન એટલે કે નામ સંકીર્તન અને ત્રીજા પગથિયે છે નામ સ્મરણ. આમ સગુણ નવધા ભક્તિમાં હરિનામનો આશ્રય લીધા બાદજ આગળ વધાય છે. નિર્ગુણ ઉપાસનામાં પણ પ્રણવ જાપ અર્થાત ૐ નો જાપ જ સાધનાનું પ્રધાન સાધન છે. “तस्य वाचक: प्रणव:” અર્થાત એક માત્ર પ્રણવ એટલે કે ૐ શબ્દ દ્વારા ઈશ્વર સંબંધી સર્વે ભાવોનો પ્રાદુર્ભાવ થાય છે.

कलेर्दोषनिधे राजन्नस्ति ह्येको महान् गुण: ।
कीर्तनादेव कृष्णस्य मुक्तसङ्ग: परं व्रजेत् ॥ ५१ ॥
कृते यद्ध्यायतो विष्णुं त्रेतायां यजतो मखै: ।
द्वापरे परिचर्यायां कलौ तद्धरिकीर्तनात् ॥ ५२ ॥

શ્રીમદ ભાગવતમાં પણ શ્રી શુકદેવજીએ કળિયુગમાં કીર્તનનો મહિમા ઉપરના શ્લોકમાં દર્શાવ્યો છે. સત્યુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞથી અને દ્વાપર યુગમાં પૂજા અર્ચનથી જે ગતિ પ્રાપ્ત થાય છે તેજ ગતિ કળિયુગમાં ભગવદ્ કીર્તનથી પ્રાપ્ત થાય છે. બધાજ શાસ્ત્રો અને બધાજ સંપ્રદાયોના આચાર્યોએ તથા બધા સંત મહાત્માઓ એ ભગવદ્સ્મરણનો મહિમા અનેકવિધ રીતે ગાયો છે.

મીરાંબાઈએ પણ ભગવદ્સ્મરણનો મહિમા દર્શાવતા અનેક પદોની રચના કરેલી છે. तत्प्राप्त्य तदेवावलोकयती, तदेव श्रुणोति, तदेव भाष्यति, तदेव चिन्तयति અનુસાર પોતાના પ્રિયતમનો પ્રેમ રસ પીને મીરાંબાઈના નેત્રો ભગવદ્દર્શન, જિહવા ભગવદ્સ્મરણ અને હૃદય ભગવદચિંતનમાં વ્યસ્ત રહેલ છે. નામમાહાત્મ્ય દર્શાવતા ઘણા બધા પદોમાં મીરાંબાઈ પોતાને ગુરુ કૃપાથી ભગવદ નામ સ્મરણ રૂપી અમૃત પ્રાપ્ત થયેલ છે તેવો ઉલ્લેખ કરે છે.

મીરાંબાઈ ભગવદ્ સ્મરણનો મહિમા સ્વાનુભવે સમજ્યા હતા અને એટલેજ મીરાંબાઈએ અમુક પદોમાં માનવ માત્રને નામ-માહાત્મ્યનો ઉપદેશ આપેલ છે. જેમકે નીચેના પદમાં રામ નામ રસ પીવાનો અનુરોધ કરતા મીરાંબાઈ કહે છે કે આ રામ નામ જ કામ,ક્રોધ,મદ, લોભ અને મોહને ચિત્તમાંથી વહાવી દેશે.

राम नाम रास पीजै मनुआ, राम नाम रास पीजै
ताज कुसंग सत्संग बैठ नित,हरी चर्चा सुनी लीजै
काम क्रोध मद लोभ मोह कूँ बहा चित से दीजै
मीराँ के प्रभु गिरिधर नागर, ताहि के रंग में भीजै

નીચેના પદમાં મીરાંબાઈ નામ-માહાત્મ્યનો મહિમા નામઅનુરાગી ભક્તોના દ્રષ્ટાંતો દ્વારા ફલિત કરે છે.  

नामो की बलिहारी, गज गणिका तारी
गणिका तारी अजामिल उद्धारी, तारी गौतम की नारी
जूठे बेर भीलनी के खाये, कुब्जा नारी उद्धारी
मीराँ कहे प्रभु गिरिधर नागर, चरण कमल बलिहारी

મીરાંબાઈ નીચેના પદમાં રામ નામને એક બીજ તરીકે સરખાવે છે અને એ બીજની જો કોઈ ખેતી કરે અથવાતો એને પોતાના હૃદયમાં વસાવી લે તો એ રામ-નામ દ્વારા જ હૃદયમાં સાક્ષાત પ્રભુ પ્રીતિની જ્યોતિ પ્રજ્વલિત થાય છે. તે વાત શબ્દો દ્વારા વહેતી મૂકે છે.   

राम नाम धन खेती मेरी सुरता प्रभु में रेती,
एक साल मैंने खेती पाई गंगा जमुना रेती
राम नाम का बीज पड़ा है, निपजत हिरा मोती
प्राण अपन मिलकर साधु करले नेती धोती
भृकुटि मण्डलमें हंस विराजे वह दरशे एक जोती
सूरत निरत का बैल बनाया जब चाहे जब जोती
मीराँ के प्रभु गिरिधर नागर, हरि के चरण पर प्रीति

અને નીચેના ખુબ પ્રખ્યાત પદમાં જે રીતે મીરાંબાઈએ હરિનામ નો મહિમા ગાયો છે તેનાથી તો આપણે સૌ વાકેફ છીએજ.

पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने
वस्तु अमोलिक दी मेरे सतगुरु, कृपा कर अपनायो
जन्म जन्म की पूंजी पाई, जग में सबी खुमायो
खर्च ना खूटे, चोर ना लूटे,दिन दिन बढ़त सवायो
सत की नाव खेवटिया सतगुरु,भवसागर तरवयो
मीराँ के प्रभु गिरिधर नागर,हरख हरख जस गायो

આમ મીરાંબાઈએ હરિનામમાહાત્મ્યને સરળ, સુલભ પણ પ્રભાવશાળી રીતે પોતાના પદો દ્વારા રજુ કરેલ છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ સ્વયં ભગવાન કહે છે કે यज्ञानां जपयज्ञोस्मि અર્થાત સર્વે યજ્ઞોમાં જાપ યજ્ઞ ભગવાનનું સ્વયં સ્વરૂપ છે.એક માત્ર હરિનામ આત્માને પ્રારંભિક તો પરાવસ્થા સુધી લઇ જાય છે. આજે હરિનામ સ્મરણ કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે મીરાંબાઈના પ્રભુપ્રીતિ ને ઉજાગર કરતા અન્ય પદો ને માણીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ : 44) ચૌદ વર્ષની ચારણ કન્યા ! મેઘાણીનું ચારણી સાહિત્ય!

ચૌદ વર્ષની ચારણ કન્યા !
હીરબાઇ એનું નામ , ગીરનારની તળેટીમાં જંગલના રાજા સિંહોની વસ્તી વચ્ચે એ રહે ! ઝવેરચંદ મેઘાણી કહે છે કે ગીરનાં એ નેસડાઓમાં એક વાર એ રાત રહ્યા હતા જ્યાં હજુ બે ચાર દિવસ પહેલાં જ એ બનાવ બન્યો હતો ; ચૌદ વર્ષની હીરબાઈએ સિંહને ભગાડ્યો હતો ! માત્ર ચૌદ જ વર્ષની એ દીકરીએ જયારે રાતે ગાયની ગમાણમાં કંઇક હલચલ સાંભળી ત્યારે ઘડીનોયે વિલંબ કર્યા વિના એ હાથમાં ડાંગ લઈને દોડી અને પોતાના પ્રિય વાછરડાને સિંહના મોંમાંથી છોડાવ્યું ! આ આખી વાત મેઘાણીએ સૌ કુટુંબી જનોને મુખે ફરી ફરીને સાંભળી અને રચાઈ ગયું આ અજોડ , અવિસ્મરણીય કાવ્ય : ચૌદ વર્ષની ચારણ કન્યા ! ચારણી છંદમાં રચાયેલ એ ગુજરાતી સાહિત્યનું અમૂલ્ય નજરાણું ; અનેક ભાષામાં એના અનુવાદ- ભાષાંતર પણ થયાં છે.
પ્રિય વાચક મિત્રો આપણે વાત કરી રહ્યાં છીએ મેઘાણીનાં કાવ્યોમાં ચારણી છંદ વિષે .
ચારણ જાતી કે જે રજપૂત રાજાઓ સાથે સંકળાયેલી છે , મોટે ભાગે દેવીની આરાધના કરે . માતાજીની સ્તુતિ છંદ ભાવવાહી સ્વરે ગાનાર આ પ્રજા દેવી પુત્ર પણ કહેવાય . રાજાઓને વાક્ચાતુર્ય દ્વારા એમની ફરજો સમજાવે , યુદ્ધ માટે તૈયાર કરે .. અપને ત્યાં વર્ણ વ્યવસ્થા ઉભી થઇ ત્યારે બ્રાહ્મણોને સરસ્વતીના ઉપાસક કહ્યાં અને એમને વેદ વગેરે સાહિત્ય માટેનો અધિકાર આપ્યો ત્યારે ચારણોને પણ સાહિત્ય રચવાનો અને ક્ષત્રિય લોકોની જેમ માં શક્તિ ને ભજવાનો અધિકાર આપ્યો . લગ્ન વગેરેમાં બ્રાહ્મણો જો વિધિ કરાવે તો દરવાજે ઉભા રહીને ચારણો બુલંદ સ્વરે લગ્ન પ્રસંગને ગાઈને શણગારે !
જો કે આ બધું “પહેલાંના” જમાનામાં હતું ..
તો ચારણી છંદો શૌર્ય રસ સાથે સંકળાયેલ છે. કોઈને યુદ્ધમાં – જંગમાં પોરસ ચઢાવવું હોય તો ચારણી છંદો એને વધુ અનુકૂળ આવે .
મેઘાણી પોતે જ લખે છે : “સૌને એનો શ્રુતિ વૈભવ જ પ્રથમ સ્પર્શે છે. એમ ને એમ તો ચારણી છંદો હજમ નહિ થાય . એનું શબ્દ ગૂંથણ જટિલ છે . એટલે આપણે એ રચનાની શૈલીને સાદા ભાવથી ને સાદા શબ્દોથી વાપરીએ . એ યત્ન મેં “ચારણ કન્યા “ ગીતમાં કર્યો છે .”

તેઓ કાવ્યની શરૂઆત કરે છે : વનરાવનનો રાજા ગરજે : ત્યાંથી …. અને થોડી જ પંક્તિઓમાં તો એ વનરાવનનો રાજો જંગલનું કૂતરું બની જાય છે :
ગીરના કુત્તા ઉભો રે’જે !
ચોર – લૂંટારા ઉભો રે’જે ! …….ત્યાં સુધીમાં એ ચરણકન્યાનું શૌર્ય , એનો ક્રોધ , પોતાના વાછરડા પ્રત્યેનો પ્રેમ વગેરે બધું જ મેઘાણી ચારણી છંદોમાં આપણી સમક્ષ તાદૃશ્ય કરે છે !
કાવ્યમાં ગતિ છે, નાદ વૈભવ છે અને ભાષાનો વૈભવ અને ઝડપથી વહેતી વાર્તાનું વહેણ પણ છે !
વાચક મિત્રો આ પંક્તિઓ જરા મોટેથી વાંચશો તો રુંવાટા ઉભા થઇ જશે :
ચૌદ વર્ષની ચારણ કન્યા ;
ચુંદળીયાળી ચારણ કન્યા ;
જગદંબા શી ચારણ કન્યા ; ડાંગ ઉઠાવે ચારણ કન્યા ;
ત્રાડ ગજાવે ચારણ કન્યા ….. અને આ કન્યા કોઈ અજબ જ માટીની ઘડાઈ છે , એનામાં ગીરના જંગલનું ખમીર છે !
લાલ હિંગોળી , પહાડ ઘુમંતી , આગ ઝરંતી , અને – પાછળ દોડી ચારણ કન્યા !
સિંહણ તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
અને મેઘાણી છેલ્લે લખે છે :
નર થઇ તું નારીથી ભાગ્યો , અરે નાનકડી છોડીથી ભાગ્યો !
આ છે મેઘાણીનો શબ્દ વૈભવ ! અને આ છે ચારણી છંદનો જાદુ !
અહીં એક વાત કહેવાનું મન થાય : સૌરાષ્ટ્રમાં ગીરના જંગલોમાં આસપાસના ગામડાઓ તુલસી શ્યામ અને સતાધાર પ્રદેશોમાં મેં આવી ચરણકન્યાઓ જોઈ હતી કે જે નદી કાંઠે ઉભી હોય ને સામે કાંઠે વનરાજ કેસરી એના કુટુંબ કબીલા સાથે નીકળ્યો હોય ! અને ઘણી વાર આશ્ચર્ય થાય કે હજુ આજે પણ એક બીજાના સહવાસ સહ જીવનથી એ લોકો જીવી રહ્યાં છે!

આપણે આવી જ રીતે “મન મોર બની થનગાટ કરે “એ મેઘાણીનું પ્રસિદ્ધ કાવ્ય ૧૬ માં હપ્તામાં જોયું હતું . એમણે ચારણી છંદનો ઉપયોગ કરીને નવું બંધારણ ઘડ્યું છે : જુઓ થોડીક પંક્તિઓ :
ઘરર ઘરર ઘરર મેઘ ઘટા ,ગગને ગગને ગરજાટ કરે !
ઘૂમરી ઘૂમરી ગરજાટ ભરે ,ઘૂમરી ઘૂમરી ગરજાટ ભરે !
શબ્દો એક પછી એક સરી જાય છે અને શબ્દોનો નાદ વરસાદ અને વાદળ ગળગળાટ વર્ષાઋતુનું એક ભવ્ય દ્રશ્ય ખડું કરે છે !
નવે ધન ભરી સારી સીમ ઝૂલે ,નદીયું નવ જોબન ભાન ભૂલે !
મઘર મઘર મલકાઈને મેંડક નેહ સુનેહશું વાત કરે !
ગગને ગગને ઘુમરીને પાગલ મેઘ ઘટા ગરજાટ કરે ..

કેટલાંક કવિઓ એવાં હોય જે કાવ્યમાં ગેય તત્વ અનાયાસે જ વણી લે !મેઘાણી એવાં એક કવિ હતા . એમનાં અઢી સો જેટલાં કાવ્યો ગાઈ શકાય તેવાં છે . ક્યારેક કોઈ છંદ તૂટતો હોય તો એ તે એવી રીતે ગાય કે શ્રોતા મુગ્ધ બનીને સાંભળ્યા જ કરે !
એમણે સિંધૂડો કાવ્ય સંગ્રહ ગાંધી યુગમાં રચ્યો , જયારે આઝાદીનો જુવાળ ઉભો થયો હતો . એમાં ચારણી છંદ બહુજ સરસ રીતે સહજ ભાવે આવી જાય છે .
નયન ફાડ, માર ત્રાડ,જરીક વાર જાગને ;
બીક કોની , બીક કોની બીક કોની માં તું ને !

નરસિંહ મહેતા અને અનેક કવિઓએ જેનો બહોળો ઉપયોગ કર્યો છે તે , મારો પ્રિય ઝૂલણા છંદ પણ ચારણી સાહિત્યમાં વપરાય છે . મેઘાણીનાં કેટલાંક કાવ્યોની પંક્તિઓ જુઓ :
થૈ થ થૈ ડોલતી , ચાલમાં ચાલતી ,
ગાડીને જોઈ જન કૈક મોહે !
( મેઘાણીનું કાવ્ય શૉફરની દિવાળી માંથી લીધેલ આ પંક્તિઓ મેં અમારીનવી લીધેલ ગાડી Tesla જે ડ્રાયવર વિના પણ ચાલી શકે છે તે જોઈને અનુભવી હતી )
બીજું કાવ્ય જુઓ :
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી ‘ કાયરો જ એ અહંકાર ધરતાં!
એ જ રીતે ચર્ચરી છંદનું અ કાવ્ય :
‘અમે ખેતરેથી વાડીએથી જંગલ ને ઝાડીએથી સાગરથી , ગિરિવરથી સુણી સાદ આવ્યાં;
અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પરે આજ પીડિત દલિતોનું રાજ રચાવાને આવ્યાં !’
અહીં “અમે” શબ્દ છંદની દ્રષ્ટિએ વધારાનો હોવા છતાં કાવ્યમાં વણાઈ જાય છે ..
એમના અવસાન બાદ દુલા ભાયા કાગે ગાયું હતું :
છંદા , ગીતાં ને સોરઠાં, સોરઠ સરવાણી,
એટલાં રોયાં રાતે આંસુએ આજ જાતાં મેઘાણી !

મિત્રો , કવિ કલાપીની સુંદર પંક્તિઓ છે :
જે પોષતું તે મારતું , તેવો દીસે કર્મ કુદરતી ..
મેઘાણીની આ સાહિત્ય ભક્તિ , આ લોક પ્રત્યેની પ્રીતિ , ગાંધી રંગે રંગાયેલ નીતિ , અને જીવનની કપરી પરિસ્થિતિ આ બધાંએ તેમનાં જીવન પર અસર કરી છે . તેમના પત્રકારત્વ વ્યવસાયની હાડમારી અને રખડપટ્ટી વગેરેએ એમના જીવન પર ગંભીર અસર કરી હતી ! એ જીવનની કપરી વાસ્તવિકતાની વાત આવતે અંકે ….

૪૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

એક સરસ વાત વાંચવામાં આવી.

“લોકો કહે છે પૂનમ અજવાળી છે અને અમાસ કાળી છે.

છતાં પૂનમે હોળી છે અને અમાસે દિવાળી છે.

એવી એક દિવાળી આપણે ઉજવી જેમાં આપણે આવનારા નવા વર્ષ માટે આશા, ઉમ્મીદ અને ઉમંગના રંગભર્યા સાથિયાથી ઘર આંગણ અને મન આંગણ સજાવ્યું.

નવા વર્ષના નવલા દિવસે પ્રભાત ઉઘડતા પહેલાં જાગીને જોયું તો બ્રાહ્મકાળ થવાને આડે થોડો જ સમય હતો. હજુ ઉગમણી કોરથી સૂરજ ઉગવાને થોડી વાર હતી. હતો. શીતળતા પ્રસરાવતી શિયાળાની રાતનો અંધકાર હજુ ઓસર્યો નહોતો. આકાશનો ઘેરો આસમાની રંગ મનને સંમોહિત કરતો હતો અને એ ક્ષણે યાદ આવ્યા ઈશા-કુંદનિકા કાપડિયા એ કહે છે,

“હજી અજવાળું આકાશમાં ન આવ્યું હોય એવા,

તારા મઢ્યા અંધકારથી વ્યાપેલા પાછલા પહોરે,

ઘરનું પાછળનું બારણું ઉઘાડી, ચોકમાં ઊભી રહું છું

અને કહું છું,” મારું જીવન લઈ લો અને તમને એ સમર્પિત થવા દો”.

આ એ એટલે ઈશ્વરસ્તો. વિનાશ પામનારી સર્વ વસ્તુઓ વચ્ચે જે અ-વિનાશી છે તે ઈશ્વર છે. ઈશ્વર એક અદીઠ તત્વ. એને થોડો કોઈએ જોયો છે? એ થોડો ઇન્દ્રિયગમ્ય છે? એ અદ્રશ્ય છે, એ અવ્યક્ત છે અને તેમ છતાં હજારો આકારોમાં, અનેક રૂપોમાં સર્જનમાં, સૌંદર્યમાં એ વ્યક્ત છે. અખિલ બ્રહ્માંડમાં અત્ર, તત્ર, સર્વત્ર એનો વ્યાપ છે. એ ક્યાં નથી? અખિલ બ્રહ્માંડમાં જે એક છે એણે વિવિધ રચનાઓ કરી છે. એની લીલા અપરંપાર છે. એ જે કરી શકે એ કરવાનું ક્યાં કોઈનાથીય શક્ય છે અને ત્યારે યાદ આવી અવિનાશ વ્યાસની એક રચના.

નરસિંહ મહેતા, અવિનાશ વ્યાસ, કુંદનિકા કાપડિયા દરેક પોતપોતાના સ્થાને છે, અલગ છે અને તેમ છતાં એમની ભાવના ક્યાંકને ક્યાંક તો એક સરખી છે.કુંદનિકા કાપડિયા એમ કહે કે ઈશ્વર સર્વ સૌંદર્ય અને શક્તિનો સર્જક છે. વિરાટથીયે વિરાટ છે. સઘળા શબ્દો, સમજ અને સીમિતતાની પાર છે. તે મહાઅસ્તિત્વ છે, સ્વયં કાળ છે, જીવન છે.

સાચી વાત છે, ઈશ્વરે જે સર્જ્યું છે એ આપણી સમજ અને સીમિતતાની પાર છે. આ વાતને અવિનાશ વ્યાસના શબ્દોમાં જોઈએ.

એ કહે છે

“કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ,

મારો હરિ જે કરે તે કરી તો જુઓ

હાડચામનું પૂતળું આ કાયા,

એમાં પ્રાણ કેરી ગંગા ભરી તો જુવો

કુંદનિકા કાપડિયાના શબ્દો પણ જાણે આ જ વાત કહે છે. એ કહે છે,

“આપણે શું ફેક્ટરીમાં ફેફસાં બનાવી શકીએ? કારખાનાઓમાં આંખો બનાવીને રેટિના કે મેક્યુલાની તકલીફવાળા લોકોને કહી શકીએ કે આ નવી આંખ લઈ જાઓ, અને જૂની આંખ કાઢીને આને ત્યાં ગોઠવી દો?

શક્ય છે આધુનિક તબીબી વિજ્ઞાન આવા પ્રયત્ન કરશે પણ અવિનાશ વ્યાસ કહે છે, 

“રંગીલા મોરલાના રંગીલા પીંછા

મારા હરિએ કેવા ચિતર્યા કોઈ ચિતરી જુઓ.”

કાળી અમાસની પાછળ પાછળ પૂનમનું અજવાળું,

ગંદા કાદવ અને કીચડમાં કમળ ઉગે રૂપાળું,

કાળી અમાસની પાછળ પૂનમનું અજવાળું આવવાનું છે એવી આસ આપણામાં હંમેશા જીવીત છે કારણકે એ કુદરતનો ગોઠવેલો ક્રમ છે. એને જરા વધુ ઊંડાણથી વિચારીએ તો અમાસ એ અજ્ઞાનનું પ્રતીક છે જ્યારે પૂનમ જ્ઞાનનું. અમાસ અસત્યનું તો પૂનમ સત્યનું. કોઈ એક અંધારી રાતની પાછળ પાછળ એક સોનેરી કોર છે જે આપણા જીવનમાં ઉજાસ લાવવાની છે. ઉપનિષદમાં પણ કહ્યું છે ‘ તમસો મા જ્યોતિર્ગમય’ દિવાળી આવે ત્યારે આ વાત ક્યાંક યથાર્થ થતી લાગે છે.

વળી આગળ વધીને અવિનાશ વ્યાસ કહે છે,

“સ્તંભ વિના કોઈ આકાશને ધરી તો જુઓ

મારો હરિ કરે એ કરી તો જુઓ”

આ પણ એક અજબ કરામત છે હરિની. આપણે એક નાનકડી ઝૂંપડી બનાવવી હોય તો એનેય ટેકાની જરૂર પડવાની. ઘરની છતને ટકાવવા મોભ કે પાટડો જોઈશે ત્યારે આપણા માથે ઝળૂંબી રહેલા, નજર ટુંકી પડે એવા આ આકાશને ઈશ્વરે કોઈ સ્તંભ વગર ટકાવી રાખ્યું છે.

“સૂરજ ચંદ્ર અનેક વીધી, તારા નક્ષત્રોની હાર,

આવે નીયમસર ને જાય નીયમસર ઋતુઓનો પરિવાર,

લય અને પ્રલયનો સમય થઈ કોઈ સરી તો જુવો..

અતિ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી પ્રકૃતિ, એની નિશ્ચિત સમયે અને નિરંતર ચાલતી ઘટમાળ, ક્યારેક આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ પણ ચોક્કસ સમયે અચૂકપણે ઉદ્ભવતી, લય અને સાતત્યપૂર્વક સચવાતી અવકાશી ઘટનાઓ, દિવસ અને રાત, સૂર્યનો ઉદય અને રાતનો અસ્ત, તારાઓ, ગ્રહો, નક્ષત્ર, ઋતુઓનું ચક્ર કોણે ક્યારે ગોઠવ્યું હશે?

વિજ્ઞાન અને અત્યંત આધુનિક ટેકનોલૉજિએ આ બધું જ સમજવાની, સર કરવાની મથામણો આદરી છે. એ મથામણોથી આપણે ઘણું પામ્યા હોઈશું પણ ઘણી બધી જગ્યાએ, ઘણી બધી વાર કહેવાયું છે એમ આ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો લય ખોરંભાશે અને પ્રલયનો સમય થશે ત્યારે એમાંથી કોઈ બાકાત રહી શકશે? અને માટે જ આ ભવ્ય મનોહર સૃષ્ટિ, પરમ સુખદાયી સ્થિતિને અકબંધ રાખી શકીએ એવી નવા વર્ષે આપણામાં જાગૃતિ આણીએ. અવિનાશ વ્યાસ જ નહીં આપણા સૌના હરિએ જે કર્યું છે, એની કૃપાથી જે મળ્યું છે એનું જતન કરી શકવાની ક્ષમતા એ હરિ જ આપણને આપે એવું પ્રાર્થીએ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com