પોતું
સુશીલા માંદી પડી. સવારની ચા અને નાસ્તો નરેશને બનાવવો પડ્યો. બાબલાએ નાસ્તો કરતાં દૂધ ઢોળ્યું. નરેશે બડબડતાં બાબલાને એક ઠોકી દીધી અને પોતું કરી, રસોડાના ખૂણામાં પોતું ઉશેટી દીધું. ગઈ કાલની વધેલી ખીચડી વઘારી, લન્ચ માટે પેક કરી; બાબલાને નિશાળે ઉતારી, કડવા મને નરેશ ઓફિસ ગયો. સાંજે ઓફિસેથી પાછાં આવી, ખાવાનું બનાવવાની તરખડ કરવાને બદલે બાબલાને લઈ, હોટલમાં જમી આવ્યો. સાથે સુશીલા માટે સુપ પણ લેતો આવ્યો.
ભીનું, વાસ મારતું, પોતું હજુ ખુણામાં ડુસકાં ખાતું પડ્યું હતું. થોડીક કીડીઓ પણ એની ઉપર સળવળાટ કરતી, આનંદમાં મ્હાલતી હતી.
બીજા દિવસે સુશીલાનો તાવ ઉતરી ગયો. રસોડામાં જઈ ચા બનાવતાં પહેલાં તેણે સિન્કમાં પોતું ધોઈ, નિચોવી, બાલ્કનીની પાળી પર સૂકવી દીધું.
નરેશના ઓફિસ જવાના સમયે કડકડતું પોતું સૂર્યના તડકામાં ઊંડો વિચાર કરતું હતું.વાચકોને એક પ્રશ્ન –
પોતું શો વિચાર કરતું હતું?
ઉપરોક્ત માઈક્રોફિક્શન વાર્તા આ પ્રશ્ન સાથે ૧૩, નવેમ્બર – ૨૦૦૯ ના રોજ મારા બ્લોગ પર મુકી હતી. આનંદની વાત છે કે, વાચકોએ બહુ જ રસથી એમાં ભાગ લીધો હતો – ૩૨ વિચારો વ્યક્ત થયા હતા ( આ રહ્યા) !
‘બેઠક’ના વાચકોને એમાં ઉમેરો કરવો હોય તો પ્રેમપૂર્વક કરે.
પણ અહીં એક પ્રયત્ન પ્રશ્નાવલોકન નો છે ! આ રહ્યો….
હળવા મિજાજે….
સાઠ વર્ષે શું થાય તે તો તમને ખબર છે ને? આ સુરેશ જાની તો ૭૫ માં પેંસું પેંસું કરી રહ્યો છે! અલ્યા ભાયું અને બેન્યું, એટલું તો વિચારો કે, ‘પોતું કદી વિચારી શકે ખરું?’ !!
ઠીક તાંણે….વિચાર્યું જ છે તો થોડુંક આગળ!
પોતાનું જ કામ બહુધા કરનારને સમાજે હમ્મેશ ઉપેક્ષિત, તિરસ્કૃત, પગ લૂછણિયા જેવો ગણ્યો છે. એને તરછોડીને ખૂણામાં ઉશેટી દેનાર નરેશ હોય અથવા, એની જરૂરિયાત સમજ્યાં છતાં, એને બહુ બહુ તો ધોઈને બાલ્કનીના કઠેડા પર લટકાવનાર સુશીલા હોય – ‘પોતાં’નું સ્થાન તો ચોથી પાયરી પર જ હોય. –
કદાચ પોતું આમ વિચારતું હશે. સ્વચ્છતા સ્થાપવી, પાયાનું કામ કરવું – એ બધા સમાજોમાં હલકું કામ ગણાયું છે.
દલિત સમાજની વ્યથા ‘પોતાં’ ના વિચારોમાં પ્રતિબિંબિત થતી હશે? કદાચ, બધા સમાજોમાં પ્રવર્તમાન વિષમતાઓનું, વર્ગવિગ્રહોનું આ એક કારણ છે. ‘પોતું’માં એને ઉજાગર કરવાનો મેં પ્રયાસ કર્યો છે.
હવે એનું સ્વ -વિવેચન ….
આખી વાર્તા એક રુપક છે. ચાર પાત્રો – નરેશ, સુશીલા, બાબલો અને પોતું. નરેશ અને પોતું અનુક્રમે સમાજના શાસક અને શોષિત વર્ગનાં પ્રતિકો છે. સુશીલા એ આ બેની વચ્ચેનો અર્ધશોષિત નારી સમાજ છે. વાચકોના પ્રતિભાવોએ આ ત્રણને લક્ષ્યમાં લીધાં છે.
પણ બાબલો? કોઈની નજર તેના તરફ ગઈ નથી. તે નિર્દોષ ભૂલ કરે છે; અને એના નસીબમાં લપડાક ખાવાનું જ લખાયું છે. સાંપ્રત સમાજ વ્યવસ્થામાં ભાવિ પેઢીની હાલત અને તેના ભવિષ્ય તરફ અહીં અછડતો અને પરોક્ષ અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કરેલ છે.
ઘણાંએ પુરુષ પ્રધાન સમાજના પ્રતિક તરીકે નરેશને સપાટામાં લીધો છે. પણ સૈકાંઓથી રોટલી કમાનાર – બ્રેડ અર્નર – તરીકે પુરુષની માનસિકતાનું તે પ્રતિનિધિત્વ કરે છે. બહારની દુનિયાના સંઘર્ષો વચ્ચે ઘરના સર્વાઈવલની જવાબદારી અદા કરનાર, તેની સાથે ભાગ્યે જ કોઈએ સહાનુભુતિ વ્યક્ત કરી છે. કદાચ સુશીલા તેની વ્યથાને વધારે સારી રીતે સમજે છે. માટે તો તે બીજા જ દિવસે ઊઠીને ઘરમાં બધું સમેસૂતર કરી નાંખે છે. કદાચ પતિ – પત્ની વચ્ચેની આ સંવાદિતા પોતું સમજ્યું હોય – એમ ન હોય?
કદાચ વાચકો મારા વિચારો સાથે સમ્મત ન થાય; પણ રોજિંદા ગૃહજીવનમાં અવારનવાર બનતા આવા સાવ નાનકડા પ્રસંગો, લઘુકથાના પોતમાં વણાઇને વિચારોની પ્રચંડ આંધી જન્માવી શકે છે – એ ‘પોતું‘ ની ફલશ્રુતિ મને જણાઇ છે.
આ બાબત મારું બહુ જ્ઞાન નથી; પણ એ વાર્તા લખી, ત્યારે સાહિત્યના આ પ્રકાર મારે માટે સાવ નવો જ હતો. ‘માત્ર લેખક જ કહ્યા કરે. -એમ નહીં; પણ ‘વાચક પણ વિચારતો થઈ જાય.’ – એવો આશય જરૂર હતો.લેખકને શું કહેવું છે; તે બહુધા ગર્ભિત રાખીને, વાચકોના અવનવા અને વિવિધ પ્રકારના પ્રતિભાવો જન્માવવાની એનામાં ક્ષમતા છે – એ સત્ય ‘પોતું’એ સિધ્ધ કરી દીધું છે. એ પ્રતિભાવોથી આ વાત સિધ્ધ થતી મેં નિહાળી.