એક સિક્કો – બે બાજુ :7) હોમિયોપથી અને એલોપથી !


રાતે વહેલાં જે સૂએ , વહેલાં ઉઠે વીર!
બળ ને બુદ્ધિ ને ધન વધે , સુખમાં રહે શરીર !
નાનાં હતાં ત્યારે આ કવિતા આપણે સૌએ સાંભળી જ હશે .અમે પણ આ કવિતા સાંભળીને જ મોટાં થયાં છીએ . બા રોજ સવારે એવું ગાતાં ગાતાં અમને જગાડે :
પરોઢિયે નિત ઉઠીને લેવું ઈશ્વર નામ , દાતણ કરી નાહ્યા પછી , કરવાં કામ તમામ !
અને એ જ કવિતા વર્ષો બાદ , મેં પણ અમેરિકામાં અમારાં સંતાનોને ગાઈ સંભળાવી .
મને એમ કે હવે એ લોકો પણ વહેલાં ઉઠવાની ટેવ પાડશે … મેં એમને કહ્યું , અલબત્ત , અંગ્રેજીમાં કે Early birds get the worms ! જુઓ , પંખીઓ વહેલાં ઉઠે છે એટલે એમને જરૂરી ખોરાક ( અળસિયાં કે ઝીણા જંતુઓ ) સવારે સૂરજ ઉગ્યા પહેલાં જ મળી જાય છે !
આ સવારે વહેલા ઉઠવાના ફાયદા છે .
પણ મને સ્વપ્નેય કલ્પના ક્યાં હતી કે દરેક વાતને , દરેક હકીકતને , એટલે કે દરેક સિક્કાને બીજી બાજુએ હોય છે ?
છોકરાઓએ તો મને સામો પ્રશ્ર્ન કર્યો ; “ પંખીઓને તો એમનું ચણ મળી જાય , પણ જે અળસિયાં એમની મમ્મીનું કહ્યું કરીને વહેલાં નીક્યાં હોય એ તો બિચારાં પંખીઓનું ભોજન જ બની જાય ને ? એના કરતાં સૂર્ય ઉગ્યા પછી નિરાંતે બહાર નીકળ્યા હોય તો બચી જાય ને ?
હું તો સ્તબ્ધ થઈને સાંભળી રહી !!
પણ દર વખતની જેમ સુભાષને પણ આ ચર્ચા સાંભળવાની મઝા આવી ગઈ . કહે , “ છોકરાંઓ સાચું કહે છે : બળ બુદ્ધિ ને ધન વધારવા વહેલા ઊઠવાને બદલે ‘ જાગ્યાં ત્યારથી સવાર સમજીને , ગમે ત્યારે ઉઠીયે , ગમે ત્યારે બ્રશ કરીને , ખાઈ પીને પછી કસરત કરીને નિરાંતે નાહી ધોઈને કામ કરીએ તો આ બધુંયે – બળ , બુદ્ધિ અને ધન -પ્રાપ્ત થાય જ !”
“ હા , પણ ;” મેં કહ્યું; “ આ આપણી સંસ્કૃતિ છે , આયુર્વેદમાં કહ્યું છે કે સવારે વહેલાં ઉઠવું જોઈએ , પછી દેહ ધાર્મિક ક્રિયાઓ કર્યો બાદ દિવસની શરૂઆત કરવી જોઈએ . આપણે તંદુરસ્ત રહેવું હોય તો આયુર્વેદ કહે છે તેમ ; “ ઉનું ખાય, ઉઘાડે સૂએ , એની નાડ વૈદ નવ જુએ ! આ બધા નિયમોને અનુસરવું જોઈએ ! વ્યવસ્થિત નીતિ નિયમ વાળું જીવન જીવી શકાય આયુર્વેદમાં , અને નિયમ વિનાનું બધું મનસ્વી જીવન એટલે એલોપથીની દવાઓ !” મેં ત્યારે કહ્યું હતું .
“ અને , આયુર્વેદ ચરી પાડવાની વાત કરે , આમ કરો , આમ ના કરો ; ફલાણું ખવાય ઢીંકણું ના ખવાય , એમાં પ્રાણાયમ ને મેડિટેશન એ બધુંયે દવા બનીને આવે ! એમાં વનસ્પતિ એનાં પાંદડાં, મૂળિયાં અને ડાળીઓ બધુંયે કાઢા ઉકાળા બનીને પીવાની , કોગળા કરવાની એવી બધી વાતો આવે .” સુભાષે કહ્યું ; “ એટલો બધો ટાઈમ કોની પાસે હોય છે આજના જમાનામાં ?”
હા , એ વાત થઇ આયુર્વેદની ! અને એલોપથીમાં જે તે તત્વોમાં , બીજાં રસાયણો ઉમેરીને એનું બીજું જ કોઈ રસાયણ બનાવીને એની દવાઓ બનાવવામાં આવે છે .” સુભાષે કહ્યું ; “પણ હોમિયોપથી તો આ બંનેથી સાવ જુદીજ માન્યતાઓ ઉપર રચાયેલ ઔષધ વિજ્ઞાન છે .”
“ હોમિયોપથી ?એમાં શું હોય છે ?” મેં જિજ્ઞાસાથી પૂછ્યું . હોમિયોપથી વિષે મેં ક્યાંક વાંચ્યું હતું પણ બરાબર ખ્યાલ નહોતો.
સુભાષે કહ્યું , “ હોમિયોપથી આમ તો મૂળ ગ્રીક શબ્દ છે , જેનો અર્થ થાય છે સરખું દુઃખ . પણ હોમિયોપથીની શોધ કરનાર હતા મૂળ જર્મનીના Dr. Samuel Hahnemann ડો . સેમ્યુઅલ હાહેનમન . ઓગણીસમી સદીમાં એમને થયું કે રોગની પ્રતિકાર શક્તિ જો લોહીમાં જ ભેળવી દઈએ તો રોગ એની જાતે મટી જાય !
એની ફિલોસોફી આયુર્વેદ અને એલોપથી બંને કરતાં સાવ અલગ છે .
દા. ત . આપણને તાવ આવ્યો હોય એમ લાગે તો આયુર્વેદના વૈદ સૌથી પહેલાં આપણી નાડી તપાસે . એમને દર્દીનાં સર્વ દર્દના મૂળોમાં પેટનો બગાડ લાગે તો પહેલાં પેટ ચોખ્ખું કરવા જુલાબ આપે .
એલોપથીનો ડોક્ટર દર્દીને સ્ટેથેસ્કોપથી હ્ર્દયના ધબકારે તપાસે અને તાવ ઉતારવાની દવા આપી દે ; એ રોગના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ ના કરે , પહેલાં તો દુઃખ દૂર કરવા પ્રયાસ કરે .
પણ હોમિયોપેથીનો તબીબ દવા આપતા પહેલાં દર્દીની આખી વાત વિસ્તાર પૂર્વક સાંભળે . એની શરીરની બધી પ્રક્રિયાઓનું એનાં બધાં અવયવો વગેરેનું ઊંડાણથી અવલોકન નિરીક્ષણ કરે . ત્યાર બાદ એ એનાં શરીરમાં ધરમૂળથી ફેરફાર કરવા માટેની દવા આપે … એટલે કે એવી દવા જે સીધી લોહીમાં ભળી જાય , લોહ તત્વ જેવા રસાયણોનો અર્ક જે ખુબ જ સ્ટ્રોંગ હોય તે આ હોમિયોપથી થેરાપીમાં વપરાય છે . વળી આ દવા આયુર્વેદના ઓસડિયાં નહીં કે એલોપથીના કેમિકલ રસાયણો નહીં પણ પૃથ્વી ઉપરના મૂળતત્વો – રસાયણોના અર્કને લઈને બનતી હોવાથી એ દવાઓ ખુબ જ પાણી જેવા પ્રવાહી માં , મંદ , ડાયલેટ કરીને ખુબ જ ઝીણી માત્રામાં દર્દીના લોહીમાં ભળી જાય એ રીતે આપવામાં આવે છે . જે રોગ હોય એજ રોગના જંતુઓ શરીરમાં ભળી અને ધીમે ધીમે પ્રતિકાર શક્તિ ઉભી કરે !” સુભાષે સમજાવ્યું .
જો કે મેં હોમિયોપથી વિષે થોડું નકારાત્મક પણ સાંભળેલું .
અમેરિકા અને અન્ય દેશોમાં આ શાખાની બધી દવાઓને માન્યતા નથી મળી . એક ઘરગથ્થુ રેમિડી – ડોસી વૈદું જેમ વૈકલ્પિક દવાઓ -તરીકે એ વેચાય છે . અને ક્યારેક એ લોહીમાં એવી રીતે ભળી જાય છે કે એની આડ અસરો પણ થાય છે . ક્યારેક એ જીવલેણ પણ બને ! અને જાપાનમાં એક વખત એલોપથીની બદલે આવા વૈકલ્પિક દવા વપરાશમાં અનેક બાળકો મૃત્યુ પામ્યાં હતાં.. કારણ કે એ દવા સીધી ઇમ્યુન સિસ્ટમ – રોગ પ્રતિકાર શક્તિ પર અસર કરે છે . કેટલાંક લોકો એમ પણ કહે છે કે એ એટલી નબળી માત્રામાં હોય છે કે જરાયે અસર કરતી નથી !
જે હોય તે ! પણ આરોગ્યની દ્રષ્ટિએ , રોગ જયારે વધી ગયો હોય ત્યારે એલોપથી દવા જ આપણે કામમાં આવે છે ને ? મેં વિચાર્યું ; “એની આડ અસરો છતાં એ જ વિશ્વમાં વપરાય છે .”
“ જો કે દવાઓની વાત કરીએ તો કૈરોપ્રેક્ટરને પણ યાદ કરવા જ પડે , હોં!” સુભાષે કહ્યું ; “ કમરના અસાધ્ય દુખાવો કે હાડકાંના ઘણાં દુખાવાને કુશળ કૈરોપ્રેક્ટર એક ક્ષણમાં ગાયબ કરી દે છે !”
એમ તો ચાઈનીઝ રમીડીઝ – ફલાણી ચા કે ફલાણો સૂપ પીવાથી જે તે રોગ નાબૂદ થઇ શકે છે ; એમ ચાઈનીઝ મેડિસિન વિજ્ઞાન કહે છે ને ? પણ આખરે તો જ્યાં સુધી લેબોરેટરી – પ્રયોગશાળા માં પુરવાર ના થાય ત્યાં સુધી બધું નકામું !” મેં કહ્યું.
“તો તું ખાત્રીથી કહી શકે છે કે પ્રયોગ શાળામાં પુરવાર થયેલ દવા જ સાચી છે ?લેબોરેટરીમાં સફળ થયેલ દવાઓ સો ટકા અસર કરે છે , એવું તું કહી શકે છે ?” સુભાષે પૂછ્યું .
ના હોં ! આપણે ગમે તેટલું રીસર્ચ – સંશોધન કરીએ , પણ લોહીના એક ટીપાંને પણ પૂરું ઓળખી શકીશું નહીં : આજે , કાલે કે આજથી સો વર્ષ બાદ પણ , લોહીના એક ટીપામાં રહેલ બધી જિનેટિકલ માહિતીઓ – કે જે આજે આપણે સમજવા પર્યટન કરીએ છીએ – કે અમુક રોગ દર બીજી કે ત્રીજી પેઢીએ આવે છે – દ. ત. બ્રેસ્ટ કેન્સર , કે ડાયાબિટીસ વગેરે – આ બધું શું છે , કેમ છે , શા માટે અમુકને થાય છે , અમુકનો ચમત્કારિક રીતે ઈલાજ થી જાય છે વગેરે વગેરે પ્રશ્નો અનઉત્તર જ રહેવાના! તમે ગમે તે શાખાથી વિજ્ઞાને તપાસો – પણ માત્ર એટલું જ કહી શકાય :
બ્ર્હમાંડમાં ભટકી રહી , અંતે મતિ અટકી ગઈ !કારણકે ભગવાનનો પાર પામવો આપણા હાથમાં નથી . પુષ્પાદનતે પણ શિવ મહિમ્નમાં ગયું છે :
તવ ઐશ્વર્યમ યતનાદ યદ્વય અપી વિરંચી હરિ હ્રદ્ય
પરિચ્છેતું યાતા વનલ મનલ સ્કન્ધ વપુષઃ !
અર્થાત , તમારા ઐશ્વર્યનો તાગ મેળવવા બ્રહ્મા આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા ; પરંતુ હે પરમાત્મા ! કોઈને પણ આપની લીલાનો આદિ કે અંત પ્રાપ્ત ના થયાં!
તો આપણે તો પામર માનવી ! કેવી રીતે એ અનંતે જાણી શકીએ ? પણ અહીં સિક્કાની બે બાજુઓ માધ્યમથી વિજ્ઞાનો આછેરો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે . આખરે તો સુખી અને સન્તોષી જીવન એ જ તો આપણું અંતિમ ધ્યેય છે ને ? અસ્તુ!

એક સિક્કો – બે બાજુ :6) આયુર્વેદ અને એલોપથી ! – સુભાષ ભટ્ટ .


“ મારી નાડ તમારે હાથે હરિ સાંભળજો રે !” મેં સવારે ગીતાને એ ભજન ગણગણતાં સાંભળી અને જરા મજાક કરતાં કહ્યું કે આપણી નાડ પેલા વેક્સિનેશન આપનાર નર્સ બેનના હાથમાં છે ;કોરોનાની એ આ બીજી વારની રસી પણ આપી દે એટલે કોરોનના ભયમાંથી થોડો છુટકારો થાય !
“ એ તો સાચું ! છેવટે આ રસી આવી એટલે નિરાંત થઇ . પણ આ છેલ્લા એક વરસથી કોરોનાએ વિશ્વને ભયમાં મૂકી દીધું અને તેમાંથી જે થોડી છટકબારી મળી, આશ્વાસન મળ્યું , તે નર્સની રસીથી નહીં , આયુર્વેદના કાઢા અને ઉકાળાઓને લીધે જ , એ નભુલાય , ઓ કે !” ગીતાએ કહ્યું .
“અલબત્ત ,તારી વાત સાચી છે , પણ સાચો ઉકેલ તો એલોપથીની આ રસી જ છે ને ? દુનિયાના તમામ રોગો ઉપર કાબુ મેળવવા એલોપથી જ સહાયે આવે છે . બાકી આયુર્વેદ અને બીજું બધું તો વાતો છે વાતો !”
મેં દલિલ કરી .
“ પણ આ રોગની શરૂઆત કેવી રીતે થઇ હતી ?” ગીતાએ પૂછ્યું ; “ જયારે ચાઈનામાં લોકોએ અકુદરતી ખોરાક ખાવા માંડ્યો. અકુદરતી જીવનમાંથી મહારોગ પ્રસર્યો . ને ત્યારે , વિશ્વને એમાંથી ઉગારવા ઘરગથ્થું ઉપાયો લોકો અજમાવવા લાગ્યા! કોરોનાના વાઇરસથી બચવા લોકો કાઢા -ઉકાળા સાથે નાસ લઈને વાઇરસ સામે રક્ષણ મેળવતાં હતાં. મને યાદ છે કે અમે લોકો નાનપણમાં ક્યારેક માથું દુઃખે કે પેટ દુઃખવાની ફરિયાદ કરીએ ત્યારે બા ઘરગથ્થુ ઉપચાર કરતી અને અમને સૌને ચાહમાં એક ચમચી દિવેલ આપી દેતી . એ કહે કે શરીરના બધાં રોગોનું મૂળ આપણી પાચન ક્રિયા છે . પેટ ચોખ્ખું તો પચાસ ટકા રોગ ત્યાંજ ઓછા થઇ જાય ! બધાં રોગો વાત , પિત્ત કે કફ સાથે સંકળાયેલા હોય છે . વાત એટલે વાયુ – પેટમાં વાયુ થયો હોય , કે પિત્ત – એટલેકે એસિડ રિફ્લેક્સ થતાં હોય કે કફ અર્થાત ગળામાં કફ થાય તે – એ સૌ પણ ઘરગથ્થુ ઉપચારથી મટી શકે ! અને એમ કહીને અમારી બા અમને કડવાણી પીવડાવતી !” ગીતાએ કહ્યું .
“ એ તો દુઃખે પેટ અને ફૂટે માથું ! એવો ઘાટ ઘડાયો કહેવાય . માથું દુઃખે કે પેટ દુઃખે કે તાવ આવ્યો હોય કે શરદી થઇ હોય ; એ બધામાં જુલાબ આપવો કે કડવાણી પીવડાવવી એ જરા વિચિત્ર નથી લાગતું ?” મેં પૂછ્યું .
“ આપણું આયુર્વેદ તો એટલી હદે કહે છે કે
બધાં રોગનું મૂળ પાચન શક્તિ છે પણ તેનાથીએ એક પગથિયું આગળ , રોગનું મૂળ મન છે !
સંત ધન્વન્તર વૈદ સમ ; જૈસો રોગી જેહુ ,
મુક્ત બનાવત તાહુ કો- તૈસો ઔષધ તેહું!
અર્થાત , ધનવન્તરી (જેમને ઔષધના પિતામહ કહેવાય છે ) તેમણે સમુદ્ર મંથન વેળાએ અમૃતનો કુંભઃ કાઢ્યો અને એ સંજીવની દવાથી સૌને સાજા કરવા માંડ્યાં તેમ સંત તમને મનથી મજબૂત બનાવીને ગમે તે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરી શકે છે !” ગીતાએ કહ્યું .
“ એલોપથીની દવાથી રોગ તરત જ કાબુમાં આવી જાય છે . ટાયલેનોલ લો અને માથાનો દુખાવો તરત જ ગાયબ થઇ જાય !” મેં કહ્યું .
“ હા , એ વાત તદ્દન સાચી ; પણ એટલું જલ્દી આ એલોપથીની દવા કેવી રીતે અસર કરે છે? આયુર્વેદની ઔષધિઓને અસર કરતાં દિવસો કે મહિનાઓ લાગે , પણ એલોપથીની ગોળી ગળો , દવા પીઓ કે ઇન્જેક્શન લો એ તરત જ અસર કરે છે ! એ કેવી રીતે ?” ગીતાએ પૂછ્યું .
હા , અમારાં ઘરમાં આયુર્વૈદિક ઉપચારોનું મહત્વ છે ; અને એનું કારણ એ જ કે એલોપથીની દવાઓ જેમ આયુર્વેદની કોઈ સાઈડ ઇફેક્ટ – આડ અસર નથી .
“ સૌથી પહેલું તો આ માથું દુઃખવું કે તાવ આવવો વગેરે ચિહ્નોને આપણે મિત્ર સમજીને આવકારવા જોઈએ . એ ચિહ્નો જણાવે છે કે શરીરમાં કાંઈક ગરબડ થઇ રહી છે .આપણાં શરીરમાં કોઈ પણ પ્રકારનાં જીવાણુઓ – પછી તે શ્વાસ વાટે પ્રવેશેલાં વાઇરસ હોય કે અન્ય રીતે ઉદ્ભવેલાં બેક્ટેરિયા હોય , પણ એ વણ નોંતર્યાં આગંતુકો જયારે શરીરમાં પ્રવેશે છે તરત જ આપણું લોહી એની નોંધ લાંછે અને એની ઘટતી મરામત કરે છે . લોહીમાં રહેલાં શ્વેત કણો એનો સામનો દેશના સૈનિકો જેમ દેશનું રક્ષણ કરે છે તેમ તેઓ શરીરનું રક્ષણ કરે છે ! … અને શરીર ગરમ થઇ જાય છે ; આપણને તાવ આવે છે ! તાવ આવે ત્યારે શરીર આપણને કહે છે કે કાંઈક અજુગતું થઇ રહ્યું છે !” મેં સમજાવ્યું .
“ બરાબર ; અને તેથી જ કડવાણી પીને આપણે રોગના જંતુઓને મારીનાંખવા પ્રતિબદ્ધ થઇ એ છીએ , કેમ બરાબર ને ?દિવેલનો રચ લેવાથી પાચન શક્તિને સ્વચ્છ કરીને કાઢા -ઉકાળા કે પૌષ્ટિક ખોરાક ખાઈને શરીરના એ સૈનિકોને અપને મજબૂત કરીએ છીએ ! કેમ , સાચી વાત ને ?” ગીતાએ કહ્યું .
“ હા , પણ એ લાંબી પ્રક્રિયા છે .. જયારે એલોપથીમાં ગોળી ગળવાથી સીધું જ એ આપણી નર્વ સીસ્ટ્મને અસર કરે છે !એલોપથીની દવા – દા. ત . ટાયલેનોલ કે એડવિલ – એ રોગની સામે લડવા આપણાં લોહીને તૈયાર નથી કરતી – જે આયુર્વેદની કડવાની કે કાઢો , કે ઉકાળો કરે છે – પણ ટાયલેનોલ સીધી આપણાં જ્ઞાનતંતુઓને શિથિલ બનાવી દેછે , એથી માથાનો દુખાવો કે પેટનો દુખાવો કે તાવ – કાંઈ ઓછાં થતાં નથી પણ મગજ સુધી એ દુઃખ પહોંચતું નથી . એટલે કે , એ દવાઓ રોગને મટાડતી નથી પણ રોગને છાવરે છે . જો કે , એ ‘છાવરવાનો સમય ‘ જયારે શરીરનાં અંગો શિથિલ થઇ ગયાં હોય ત્યારે શ્વેત કણો પેલાં વાઇરસને કે બેક્ટેરિયાને ભાગી જવાનું કહેવા પ્રયત્ન કરે છે . જો એ રોગના જંતુઓ બહુ સ્ટ્રોંગ ના હોય તો બે ચાર દિવસ આ ટાયલેનોલ લેવાથી તાવ ભાગી જાય છે ; પણ – ” મેં કહ્યું ; “ પણ જો એ રોગ જોરદાર હોય તો રોગ વધી જાય છે ! જ્ઞાનતંતુઓ શિથિલ થઇ ગયાં હોય એટલે રોગ વધવા માંડ્યો હોય તેની ખબર જ ના પડે !
“એનાથી વિરુદ્ધ ;” ગીતાએ આયુર્વેદની પદ્ધતિ સમજાવતાં કહ્યું ; “ આયુર્વેદ કહે છે કે તમારી પાચન શક્તિને વ્યવસ્થિત રીતે જાળવી રાખો તો
સ્થિરૈ અંગૈ તુષ્ટવાન તનુભિંહી વ્યશેમહીં દેવ હિતં યદાયુઃ !
નરવાં અંગે સશક્ત શરીરથી તુષ્ટ બનેલ , સજ્જ શરીરથી પ્રભુને આરાધતા દેવનું દીધેલું જીવન જીવીએ ! એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા !
આયુર્વેદ સઁસ્કૃત શબ્દ છે . આયુ એટલે જ આયુષ્ય . અને વેદ એટલે કે જાણકારી !દીર્ઘ અને સ્વસ્થ આયુષ્યના ઉપચારો બતાવે તે આયુર્વેદ !” ગીતાએ કહ્યું .
“ અને એલોપથી શબ્દ મૂળ ગ્રીક શબ્દ એલોસ allos ઉપરથી આવ્યો છે . એલોસ નો અર્થ થાય છે બીજું કાંઈક – અર્થાત રોગ નહીં પણ બીજું કાંઈક ! આ દવાઓ સીધી રોગને અસર કરે પણ સાથે સાથે આજુબાજુના અવયવોને પણ ભરડામાં લે છે ! ક્યારેક એવું પણ બને કે બકરી કાઢતાં ઊંટ આવી જાય ! ડાયાબિટીસને હરાવવા જાઓ ત્યાં બ્લડ પ્રેસરનો રોગ આવી જાય ! એને કાબુમાં લેવા જાઓ ત્યાં બીજાં ચાર રોગ પેસી જાય !” મેં સાચું જ જણાવ્યું !
“ આયુર્વેદ અને એલોપથી એક જ સિક્કાની બે બાજુઓ છે ! શરીર સ્વાસ્થ્ય રૂપી સિક્કો છે એની એક બાજુ આયુર્વેદ ને બીજી બાજુ એલોપથી છે !” ગીતાએ કહ્યું .
પણ મારે તો સાચું જણાવું પડશે , વાચક મિત્રો ! આપણી હેલ્થ માટે , આપણાં શારીરિક , માનસિક , અને ઊર્મિલ હ્ર્દય -દિલ દિમાગ માટે આ બે સિવાયની – હોમિયોપથી , નેચરોપથી , ચાઈનીઝ મેડિસિન અને કાઇરો પ્રેક્ટિસ અને ઘણી બધી શાખાઓ છે .. માણસને તંદુરસ્ત અને દીર્ઘાયુષ જીવવું હોય તો એક જ ચીલે ચાલવાને બદલે સતત નવું અપનાવવું જ રહ્યું ! પણ એની વાત આવતે અંકે ! ત્યાં સુધી , તમે કોરોનની રસી લીધી હોય તો પણ માસ્ક પહેરવાનું અને દો ગજની દુરી રાખવાનું ભૂલશો નહીં ! અને બને તો ઘરમાં જ રહેજો ! હોં!

એક સિક્કો – બે બાજુ :5) વિજ્ઞાન અને ધર્મ ! સોક્રેટિસ ની વાત !

વાચક મિત્રો ; ગયા અઠવાડીએ ધર્મમાં શ્રદ્ધા અને વિજ્ઞાનમાંવિશ્વાસની – સત્યનારાયણની કથાની વાત કરી હતી : પણ પછી બે ત્રણ મિત્રોએ ફોન દ્વારા ચર્ચા કરી , અને અમુક મિત્રોએ ટિપ્પણીમાં પોતાનાં વિચારો અને માન્યતાઓ દર્શાવી ; પછી લાગ્યું કે સોક્રેટિસની વાત કર્યા વિના આ સિક્કાની બે બાજુને પુરી રીતે ન્યાય આપ્યો ગણાશે નહીં !
“ દરેકે દરેક પરિસ્થિતિને બે બાજુ હોય છે , અને જો એ ના હોત- બધું ચોખ્ખે ચોખ્ખું દેખાતું હોત તો દુનિયામાં કોઈ યુદ્ધો જ થયા હોત નહિ !” સુભાષે વૈશ્વિક ડહાપણ ડહોળ્યું ; “ સૌની માન્યતાઓ , પોતાની પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે !”
“ તું શું માને છે :” સુભાષે પૂછ્યું , “લોકશાહીનો વિચાર જે દેશમાં સૌ પ્રથમ વાર ઉદ્ભવ્યો માનવામાં આવે છે એવા ગ્રીસ દેશના એથેન્સમાં થઇ ગયેલ સોક્રેટીસને ઝેર આપીને મારી નાંખ્યો તે શું એ લોકોએ સોક્રેટિસની સારી બાજુ જોઈ હશે ખરી?
લોકોની સિક્કાની બીજી બાજુએથી જોવાની દ્રષ્ટિ હોત તો શું એમણે સોક્રેટીસને ઝેર આપ્યું હોત ? ”
સોક્રેટિસ વિષે આપણને સૌને ખબર છે. આજે અઢી હજાર વર્ષ પછી પણ આપણે એને યાદ કરીએ છીએ . તર્કશાસ્ત્રનો એ પિતા ગણાય છે . અને એવી મહાન વિભૂતિને ઝેર આપવામાં આવ્યું હતું ! એ વ્યક્તિ કે જે લોકપ્રિય હતી , અને છતાં કઈ ભૂલ માટે એના ઉપર કેસ કરવામાં આવ્યો હશે ? એથેન્સમાં ત્યારે રાજા હતો પણ ત્યારે ત્યાં કોઈ આપખુદ રાજાશાહી નહોતી , પણ ગણતંત્ર હતું ! લોકશાહીને નામે સોક્રેટીસ ઉપર મુકદ્દમો ચાલ્યો હતો ! કઈ દ્રષ્ટિથી એને ગુનેગાર ગણવામાં આવ્યો હતો ?
જવાબ છે ધર્મની દ્રષ્ટિથી!!!
સોક્રેટિસ , અને પછી એના શિષ્યો – પ્લેટો અને એરિસ્ટોટલ – જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ , એ ફિલોસોફર , તત્વવેત્તા , તર્કશાસ્ત્રી સોક્રેટીસે એવું તે શું ધર્મ વિરુદ્ધ કહ્યું હતું કે એને ઝેર મળ્યું ?
“ધર્મ અનેવિજ્ઞાન એક જીવન રૂપી સિક્કાની બે બાજુ છે ; ધર્મ દિલથી અનુભવાય અને વિજ્ઞાન બુદ્ધિથી ! એક કુશળ રાજકર્તા માટે ધર્મ ની વ્યાખ્યા બદલાઈ જાય છે .” સુભાષે સમજાવ્યું ; “ સોક્રેટિસ જયારે એથેન્સની ગલીઓમાં યુવાનોને ભેગાં કરીને એમને એમનો “ધર્મ” સમજાવતો હતો , બસ , એ જ વાત એથેન્સનાં રાજગુરુઓને અધાર્મિક લગતી હતી !”
શું હતું એની વાતોમાં ?
હા , મને યાદ છે કે સોક્રેટિસ દેશ ભક્ત હતો , અને પોતાનું એથેન્સ શહેર આબાદ રહે તે માટે શું કરવું જોઈએ એનું મંથન કરતો હતો. ત્યાંનાં યુવાનોને એ સીધા જવાબો આપવાને બદલે પ્રશ્નો પૂછીને ,સાચો જવાબ મેળવવા પ્રેરણા આપતો હતો .
એણે પૂછ્યું : “ માણસ ખોટું ક્યારે કરે છે ?”
મિત્રો , કૃષ્ણ ભગવાન જયારે દુર્યોધન પાસે સંધિ કરવા ગયા ત્યારે દુર્યોધનને યુદ્ધ રોકવા કહ્યું હતું અને દુર્યોધને સ્પષ્ટ કહ્યું હતું : જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ !
પણ અહીં સોક્રેટીસે સીધું જ યુવાનોને પૂછ્યું ; “ ચોરી કરવી એ ખોટું છે એમ જાણવા છતાં કોઈ ચોરી શું કામ કરે છે ?
સોક્રેટીસે કહ્યું કે માણસને સમજ પડે છે કે સાચું શું છે અને ખોટું શું છે ; પણ એ છતાંયે ખોટું કરે છે ! કારણ કે , એને એ ક્ષણે એવું લાગે છે કે સાચું કરવા કરતાં આ ખોટું કરવાનો લાભ વધારે છે ! સોક્રેટીસે કહ્યું કે માણસના નૈતિક મૂલ્યોનો માપ દંડ , એના વિચારો , જુદા અને બદલાતા રહે છે – એ સીધા નથી , આડા યે નથી – એ વાંકા ચૂંકા હોય છે !”
સુભાષે સમજાવ્યું . “ એટલે કે આપણે મન સાથે નક્કી કરીને જ પહેલેથી જ સિક્કાની એક બાજુ પસંદ કરી લેતાં હોઈએ છીએ ! તમે એને ‘ધર્મ’ની બાજુ કહો કે ‘વિજ્ઞાનની’ ! આખરે તો બંને એક જ સિક્કાની બે બાજુઓ છે ને !
મિત્રો , અહીં મન વિષે રજનીશજીની વાત યાદ આવે :
મન એ જ જુએ છે જે એને જોવું હોય છે ! રજનીશજી કહે છે .
સોક્રેટીસે ગામવાસીઓને કહ્યું કે ભગવાન એક જ છે , અને એથેન્સને ચારે બાજુથી રક્ષણ કરનારાં બધાં દેવો એ કોઈ જુદાં નથી ! પણ એના કમનસીબે એ અરસામાં પ્લેગ ફાટી નીકળ્યો .વળી , નજીકના રાજાએ પણ યુદ્ધ જાહેર કર્યું ! એથેન્સવાસીઓને લાગ્યું કે આ બધું દેવો ગુસ્સે થઈને કરાવે છે ! અને એ માટે આ લઘરવઘર કપડામાં ફરતો , લાંબા ગંદા વાળ અને વિચિત્ર દેખાતો સોક્રેટિસ જ જવાબદાર છે !
અહીં મને કૃષ્ણભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો તે વાત યાદ આવે છે ! ભયન્કર વરસાદ આવે છે અને ઇન્દ્ર કોપાયમાન થયા છે તેમ સમજીને લોકો ભયભીત થાય છે ત્યારે કૃષ્ણ તેમને બચાવે છે ! પણ સોક્રેટીસના નસીબમાં એવું કાંઈ ન હતું ! મુશ્કેલીઓથી એથેન્સ ઘેરાયેલું હતું અને સોક્રેટિસ એને માટે જવાબદાર છે એમ લોકોને લાગ્યું !
સોક્રેટિસ એક અલગારી માણસ હતો . ઘરમાં પણ કર્કશા પત્નીથી કંટાળ્યો હતો . એણે પોતાનાં વિરુદ્ધની વાતો ગંભીર રીતે લીધી નહીં . એની ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને ગામને મુશ્કેલીમાં મુકવા બદલ – યુવાનોને ભડકાવવા બદલ અને દેવ દેવતાનું અપમાન કરવા બદલ શું શિક્ષા કરવી જોઈએ એમ એને પૂછવામાં આવ્યું . પણ સોક્રેટીસે એને પણ ગંભીરતાથી લીધું નહીં . આખરે એણે પોતાની જાતે જ ઝેર પીને મૃત્યુ વહોરવું એમ નક્કી થયું .
એનાં પરમ શિષ્યો પ્લેટોએ એને છાનાં માંના ભાગી જવા ખુબ વિનંતી કરી , પણ સોક્રેટીસે એને રાજ્યની મર્યાદાની વિરુદ્ધમાં કહેવાય એમ કહીને નાસી જવાને બદલે ઝેર પીવાનું નક્કી કર્યું !
“ સોક્રેટીસે ધાર્યું હોત તો એ ત્યાંથી નાસી શક્યો હોત !” “ લોકોને , પડોશના રાજ્યોમાં સૌને , એને માટે માન હતું , પણ એ ભાગ્યો નહીં ! એને એથેન્સ વહાલું હતું !”
કેમ ? શું સાચું ? શું ખોટું ? એ નક્કી કરવાવાળા આપણે કોણ ?
પણ એટલું તો જરૂર કહી શકાય કે જે ઝેર આપવામાં આવ્યું હતું એ ધર્મને નામે અપાયું હતું !
ધર્મની રક્ષા કરવાને નામે અપાયું હતું !
દેશના હિત માટે આપવામાં આવ્યું હતું !
ધર્મ અને વિજ્ઞાનનો આ સંવાદ – વિસંવાદ કાંઈ નવો નથી . બે હાજર વર્ષ પૂર્વે , જેના નામથી આ ઈસ્વીસન સંવત શરૂ થઇ છે તે શાંતિ ચાહક દેવદૂત ફરિશ્તો જીસસ ક્રાઈષ્ટને પણ વધસ્થંભ પર ચઢાવવામાં આવ્યા હતા !
કારણ ?
કારણ કે એ ધર્મની વિરુદ્ધ વાતો કરીને લોકોને બહેકાવે છે ! એમ ધર્મગુરુઓ માનતા હતા !!
અરે એ બધી તો હજારો વર્ષ પુરાણી વાતો થઇ. ; પણ હજુ છ સદી પહેલાં નરસૈંયાને “ ધર્મને અભડાવ્યો ! એ તો ભંગીને ઘેર નાચ્યો !’ કહીને એનીયે અવહેલના શું ઓછી થઇ હતી ? છૂત અછૂત , આભડછેટ , ઊંચ નીચના ભેદભાવ આ બધું જે આપણને અહીં હાસ્યાસ્પદ લાગે છે તે ત્યારે ધર્મને નામે શિક્ષાને પાત્ર હતું ! અરે દરિયો ઓળંગવાના ગુના બદલ ગાંધીજીને ય નાત બહાર નહોતા મૂક્યા? કસ્તુરબાએ પોતાના વિષે લખ્યું છે કે ગાંધીજી જયારે લંડન ગયા ત્યારે હું મારે પિયર ત્રણ વર્ષ રહેવા જવાની હતી , પણ એ લોકોને નાત બહાર મૂક્યાં હતાં એટલે પિયરમાં જવાનું ઉચિત નહોતું ! અને આ બધું ધર્મને નામે થતું હતું અને હજુએ એવું થઇ રહ્યું છે !
“ પણ આમ જુઓ તો” મેં સુભાષને કહ્યું ; “ આપણે ત્યાં ચાર વેદ ને આપણાં ધર્મગ્રંથો માનવામાં આવે છે ‘ બરાબર ? તેમાં સાહિત્ય છે , કલા છે , સંગીત છે અને આયુર્વેદિક ઔષધિઓ પણ છે – વિજ્ઞાન પણ છે અને તેના પ્રયોગો પણ છે ! તેમાં ચમત્કારો છે એમાં વિજ્ઞાનના પારખાં ના થાય : એમાં. વિજ્ઞાન છે ત્યાં ચમત્કારની દ્રષ્ટિથી પરીક્ષણના કરાય ! ધર્મ : અને વિજ્ઞાન ! એક જ સિક્કાની બે બાજુઓ . આ સિક્કો છે એ આપણું જીવન જ સમજી લો !
આજે કોરોના કાળમાં સ્વજનને કોરોના થઇ ગયાનું સાંભળીને આપણાંમાંથી કેટલાં જાણ એવાં હશે કે જેમણે સ્વજન માટે પાર્થના ના કરી હોય ? બધાં જ ત્યારે ભગવાનમાં શ્રદ્ધા રાખવા મંડીએ છીએ . પ્રાર્થનામાં એક પ્રબળ તાકાત છે એમ કહીને મૃત્યુંજય મંત્ર પાઠ કે અખન્ડ દીવો કે વ્રત – બાધા માની લઈએ છીએ ! અને ચમત્કાર થાય છે પણ ખરા ! મૃત્યુનાં મુખમાંથી, વેન્ટિલેટર પર મહિનો રહ્યાં પછી એ વ્યક્તિએ આંખ ઉઘાડી હોય અને જીવતાં પાછા આવ્યાં હોય તેમને અમે અંગત રીતે જાણીએ છીએ ! હા , વિજ્ઞાનના પ્રયાસ સાથે પ્રાર્થનાની તાકાત અને ભગવાનની કૃપાથી એ શક્ય બન્યું છે !
તો વાચક મિત્રો ; પ્રશ્ન છે સાચું શું ? વિજ્ઞાન કે ધર્મ ?

એક સિક્કો – બે બાજુ :4) વિજ્ઞાનમાં શ્રદ્ધા કે શ્રદ્ધામાં વિશ્વાસ ? By Subhash Bhatt

“એક વસ્તુ મને ક્યારેય સમજાતી નથી કે જયારે કોઈ ધાર્મિક ક્રિયાકાંડની વાત આવે ત્યારે માંડ ગરીબીની રેખા ઉપર જીવતાં મધ્યમ વર્ગનાં અમુક લોકો એકદમ ઉદાર , ધર્મ પરાયણ અને સક્ષમ ક્યાંથી થઇ જાય છે? જેમનાં ઘરમાં બાળકોને આપવા માટે પૂરતાં ઘી -દૂધ – નથી એમની પાસે અચાનક આ વિધિઓ કરવાના પૈસા કેવી રીતે આવી જાય છે ?” મેં અકળાઈને પૂછ્યું .
“ કોઈ ભગવાનનું કાર્ય કરતું હોય તેમાં આવી શંકા ના કરાય !” ગીતાએ મને રોક્યો ; “ એ લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી પણ એમને ભગવાનમાં શ્રદ્ધા છે , એમની ભાવના છે તો ભલે ને કરે !”
વાત જાણે એમ હતી કે ગીતાનાં દૂરનાં સગાં માસી ગ્રીનકાર્ડ પર અહીં દીકરાને ઘેર સેટ થવા આવ્યાં હતાં ને અમે એમને મળવાં ગયેલ . દીકરાની આમ પણ સાવ સામાન્ય નોકરી અને કુટુંબમાં પણ આંતરિક પ્રોબ્લેમ હતાં. વધારામાં એક પાંચેક વર્ષની નાનકડી દીકરી હતી એ પણ જાણે કે મંદ બુદ્ધિની હોય તેમ લાગતું હતું ! આ બધી મુશ્કેલીઓ વચ્ચે હવે એ લોકોએ સત્યનારાયણની કથા રાખેલી.

અમે અમારે ઘેર જવા નીકળતાં હતાં ત્યાં માસીએ હાથમાં દૂધનું એક ગેલન પકડાવ્યું ,કહે : અમારા વતી મંદિરમાં અભિષેક માટે આ દૂધ જરા મૂકતાં જજો ને.”
“શું જરૂર છે આવી કથાઓ , જપ -તપ , પૂજા પાઠ અને અભિષેકોની ?” ગાડીમાં બેસીને , મારાથી હૈયા વરાળ ઠાલવ્યા વિના રહેવાયું નહીં .

પણ ગીતાને તો જાણે કે સાક્ષાત ભગવાને ફોન કરીને કામ ચીંધ્યું હોય તેમ એણે ઉત્સાહથી દૂધનું ગેલનીયુ સાથે લઇ લીધેલ અને અમે સહેજ અવળા ડ્રાઇવ કરીને , મંદિરમાં મુકવા પણ ગયાં.

“આ દૂધ માં’રાજનાં છોકરાં પીવાનાં ! ભલું હશે તો એની પાસે દસ બાર ગેલન દૂધ આવ્યું હશે તો હમણાં પાછું દસ દસ ડોલરના ભાવે પ્રસાદી રૂપે લોકોને વેચી દેશે ! અને લોકો ખરીદશે પણ ખરાં.” મને આ બધું મગજમાં ઉતરવું મુશ્કેલ હતું . “ આવી સીધી અને સ્પષ્ટ વાત લોકો કેમ સમજતાં નથી ? એમ કથાઓ કરાવડાવવાથી કે યજ્ઞો કરાવવાથી મુશ્કેલીઓ દૂર ના થાય .”

પણ ગીતાને જાણેકે આ બધું જરાયે અજુગતું લાગતું નહોતું.“ કોઈની શ્રદ્ધાને આમ તોડી પડાય નહીં. ભગવાનને ધરાવેલ દૂધ પ્રસાદ બની જાય , એ મેળવીને જો કોઈ ધન્યતા અનુભવે તો આપણે શા માટે જીવ ટૂંકો કરવો અને માસીને જો કથા કરાવવી હોય તો એ તો એમની શ્રદ્ધાનો વિષય છે . એમની પરિસ્થિતિ એવી નબળી છે કે એ ભગવાનથી ડરે છે. એમને એમ છે કે એ એવું બધું કરશે તો ભગવાનની કૃપા દ્રષ્ટિ થશે એટલે એ ભગવાનને રીઝવવા પ્રયત્ન કરે છે.”
ગીતાએ એનું જ્ઞાન -જેની સાથે હું સંમત નથી તે – મારા ઉપર ઢોળ્યું.’ “ આપણને ખબર છે અને સમજાય છે કે આ ધરમ ધાગા એ બધું ધતિંગ છે, પણ માસી માટે અને એમનાં ઘરનાં સૌ માટે આ એક આશાનું કિરણ છે !” ગીતાએ કહ્યું ;
“ભગવાનનો વિચાર જ આમ તો કદાચ ભયમાંથી ઉત્પન્ન થયો હશે. ભયં ચ અભયમ ચ એવ! આમ જુઓ તો જેણે આ સૃષ્ટિ ઘડી તેને શું આ એક દૂધનું ગેલન કે થોડાં કેળાં કે સફરજન જોઈએ? ના , પણ એ તો એક માત્ર નમ્ર પ્રયાસ છે; કદાચ આ એક આશ્વાસન છે !જયારે આપણે એમ કહીએ છીએ કે,
‘ફલેન ફલિતમ સર્વે , ત્રૈલોક્યમ સચરાચર,
તસ્માત ફલ પ્રદાનેન સફલા મેં મનોરથાઃ’

આ ફ્ળ ( શ્રીફળ , સફરજન વગેરે )આપને અર્પીને , ઓ ત્રૈલોકના નાથ મારા મનનાં મનોરથ પૂરાં કરવાનું ફળ મને આપો !
અને એ વિનંતી ભગવાન સ્વીકારે એ માટે ,સાથે સત્યનારાયણની કથા કે બીજાં પૂજા પાઠનો આર્થિક બોજો પણ ઉઠાવવા એ તૈયાર થાય છે!’ ગીતાએ મને બીજી બાજુએથી વિચારવા મજબુર કર્યો .

પણ , મૂળ પ્રશ્ન તો હજુ ઉભો જ છે ! મેં પૂછ્યું ; “ શું કથા કરવાથી એના ઘરમાં શાંતિ થશે ? એની દીકરી સાજી થઇ જશે ? શું એની આર્થિક સ્થિતિ સુધરી જશે ?- ના ! ઉલ્ટાનું, આર્થિક બોજો વધશે ! ઘરમાં કંકાશ વધશે . દીકરી પણ વધારે કન્ફ્યુઝન અનુભવશે.” મેં કહ્યું.

“ખરેખર એ ધરમ કર્મની વાતો છોડીને , કોઈ યોગ્ય દિશામાં નક્કર પગલાં લેવાં જોઈએ . કોઈ સારા થેરાપિસ્ટની પાસે જઈને ફેમિલી કાઉન્સેલિંગ કરાવવું જોઈએ . પતિ પત્નીએ જે ખરેખરો પ્રોબ્લેમ છે તેને સંબોધીને ઉપાય લેવાં જોઈએ અને માસીના દીકરાની પાસે ભારતનું શિક્ષણ છે , નામું લખવાનો અનુભવ છે તો અત્યારે કરે છે તેવી જેવી તેવી નોકરીને બદલે એકાઉન્ટિંગ શીખીને વ્યવસ્થિત એ ફિલ્ડમાં નોકરી શોધવી જોઈએ . અને દીકરી માટે શું કરી શકાય એની તને ખબર છે ગીતા, તારું તો એ ક્ષેત્ર છે , તેં બાળકો સાથે વરસો સુધી કામ કર્યું છે, એને તું જ કહે શું ટ્રીટમેન્ટ આપી શકાય ?’

“પહેલાં એનું નિરીક્ષણ કરીને , નિદાન કરવું જોઈએ . કદાચ એ છોકરી આ બધાં ગૂંચવાળાઓ વચ્ચે પોતે જ ગૂંચાઈ ગઈ છે! એક તો પારકો દેશ છે , નાનકડી બાળકીને મૈત્રી કરતાં પણ શીખવું પડે , એમાં માતા પિતાના ઝગડાં અને દાદીબાનાં ‘ આ તો પૂર્વ જન્મના પાપનું પરિણામ’ છે ‘ વગેરે સાંભળી સાંભળીને હવે એની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે !” ગીતાએ કબુલ્યું.

“તો તારી માસીને આ કથા અને યજ્ઞો કરાવવાની ના કહી દેજે .” મેં કહ્યું .
“ના હોં! કથા યજ્ઞ વિધિઓ વગેરે શ્રદ્ધાનો વિષય છે. કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો આપણને અધિકાર નથી. માસીને મંતરેલાં દોરા ધાગામાં શ્રદ્ધા છે , એ રાશિ ભવિષ્ય પણ વાંચે છે અને મુહર્ત જોઈને જ બધાં કામ કરે છે . આપણે એમને જેવું તેવું કહીએ તો બિચારાનો જીવ મૂંઝાય.” ગીતાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો.

“જાનામિ ધર્મ , ન ચ મે પ્રવૃત્તિ – એવું થયું કહેવાય ! તને સમજાય છે કે દોરા ધાગા અને કથા યજ્ઞો બધું ધતિંગ છે , અને છતાં તારે એ લોકોને સમજાવવું નથી ! આ જો અમેરિકાના પ્રમુખે પ્રમુખપદની શપથ વિધિ કરી ત્યારે કયું ચોઘડિયું હતું ખબર છે ? ભારતીય સમય પ્રમાણે કાળ ચોઘડિયું હતું ! એમ મને કોઈએ મેસેજમાં કહ્યું હતું. બોલ, કાળ ચોઘડિયામાં શપથ લીધાં એમ કહેવાય.”

“એ તો સમય બતાવશે કે એ કાળ ચોઘડિયું હતું કે અમૃત !” ગીતાએ પણ મારી સાથે મજાકમાં ભાગ લીધો, “ જો કે એ વાત સાચી છે કે આપણે ત્યાં આ બધી વિધિ વિધાનો કરનાર મહારાજોનું ભણતર કાંઈ હોતું નથી . બાપદાદાનો ચાલ્યો આવતો ધંધો કરે અને થોડુંઘણું કમાય ! ભોળી પ્રજાને છેતરે અને પૈસા પડાવે ! પણ ઘણી વખત એ શ્રદ્ધા પણ જીવન જીવવા મહત્વની થઇ પડે છે ! અમુક હઠીલા રોગોને હઠાવવા , દવા કરતાં મનની તાકાત વધુ મહત્વની છે એ ધ્યાનમાં રાખીને ક્યારેક દર્દીને પ્લાસિબોની દવા પણ આપવામાં આવે છે . અને એ ખાલી ગોળીઓ પણ દર્દી પર અસર કરે છે ! જેમ ડુબતું માણસ તરણું ઝાલે એમ ઘણી વાર આવાં કાર્યોથી મનને શાતા વળે છે .

“પણ એ લોકો જ સૌની અંધશ્રદ્ધા વધારે છે. પેલાં ધર્મગુરુઓ આ લોકોને પ્રોત્સાહન આપે છે ! અહીંયા તું જો, ધર્મ સ્થળોએથી કેટલું બધું ચેરીટેબલ કાર્ય થાય છે ! ગરીબોને સહાય કરવા ચર્ચ અને સીનેગાગ ( જ્યુઈશ ચર્ચ )ફંડ ફાળો ઉઘરાવે છે . અનાથ આશ્રમો અને સ્ત્રી વિકાસ ગૃહ , આરોગ્ય કેન્દ્રો અને બાળ સંભાળ કેન્દ્રો સાથે ઘરડાં માટે , માંદા માટે , એકલાં હોય તે સૌ માટે અવનવા સપોર્ટ ગ્રુપ ક્રિશ્ચિયન ચર્ચ અને જુઈસ સીનેગાગ તરફથી હોય છે! આપણે ત્યાં ધરમ ગુરુઓ અષ્ટમ પષ્ટમ ભણાવીને આગલાં ભવનાં કર્મનું ફળ ભોગવો એમ કહીને વ્યક્તિને નસીબ ઉપર છોડી દે છે. ઘડીકમાં ભગવાન રૂઠશે અને શ્રાપ આપી દેશે એમ આપણને ભય નીચે જ રાખવાનું કામ એ લોકો કરે છે. તું ફોન કરીને માસીને કહી દેજે કે આપણે કથામાં આવી શકીશું નહીં.” મેં ગીતાને માપવા કહ્યું .
“મને તો સાધુ વાણીયાની વાત સાંભળવી બહુ ગમે છે , અને સત્યનારાયણ કથાનો પ્રસાદ પણ બહુ ભાવે છે , વળી બધાં સગાં સંબંધી પણ આવવાનાં છે એટલે આપણે તો જવું જ પડશે ! શ્રદ્ધા કહો કે અંધ શ્રદ્ધા, એ પછી નક્કી કરીશું !” એણે ચાલાકીથી કહ્યું .
જો કે એને ખબર નથી કે સત્યનારાયણ કથાનો પ્રસાદ અને યજ્ઞની ધૂપમાંથી ઉભી થતી દિવ્ય ધૂપ સુગંધ મને પણ કેટલી બધી પ્રિય છે ! એટલે આપણે કથામાં જઈશું તો ખરાં જ -!

પ્રિય વાચક મિત્રો ! તમે શું માનો છો ? તમને શ્રદ્ધામાં વિશ્વાસ છે કે વિજ્ઞાનમાં શ્રદ્ધા છે ?

એક સિક્કો – બે બાજુ :3) એમાં લક્ષમણનો શો વાંક?


અમારાં મિત્ર દંપતિને ઘેર રાખેલી રામ કથા વાંચવા માટે જે મહારાજ આવતા હતા તે પ્રમાણમાં નાની ઉંમરના હતા ; સાથે આ કથા , પૂજા વગેરે એમના સાઈડ બિઝનેસ હોવાને કારણે કદાચ પુરી તૈયારી કર્યા વિના આવતા હતા .
આમ તો તે મોટલમાં નોકરી કરતા હતા અને પહેલે દિવસે તો ‘કથાકાર’ ના પોશાકમાં પણ નહોતા …વગેરે વગેરે કારણોથી અમને સ્ત્રી વર્ગમાં એમના માટે કાંઈક કચવાટ હતો ; જો કે પુરુષ વર્ગમાં મહારાજની આ સ્ટાઇલ માટે કોઈને જ કોઈ વાંધો જણાતો નહોતો ! સિક્કાને બે બાજુ હોય છે તેમ , એમને તો મહારાજ ‘એડવાન્સ ‘ લગતા હતા !
તેમાં મહારાજે પંચવટીમાં શૂર્પણખાનો પ્રસંગ કહ્યો .
શૂર્પણખાએ આવીને શાંતિથી આનંદ કરી રહેલ રામને કહ્યું ; (થોડું સુધારા વધારા સાથે મહારાજે રામચરિતમાનસ માંથી ગાયું)
“ મમ અનુરૂપ પુરુષ જગ માંહી , ત્રણે લોકમાં કોઈ નાહી;
તેથી આજ લગી રહી કુંવારી , મન લાગ્યું તમારી માંહી !” અર્થાત તમે બે ભાઈઓ મને મોહક લાગો છો .
ત્યારે રામે સીતા તરફ જરા જોઈ ને પછી શૂર્પણખાને કહ્યું કે;
‘હું તો પરણેલો છું , પણ તું મારા ભાઈ લક્ષમણને પૂછી જો , એ એકલો છે !’
શૂર્પણખા લક્ષમણને પૂછે છે ,
પણ લક્ષમણ કહે છે , “ હે સુંદરી , હું તો એમનો દાસ છું ! અને દાસ કોઈને શું સુખ આપી શકે ?”
એટલે શૂર્પણખા પાછી રામ પાસે આવી , અને રામે પાછી એને લક્ષમણ પાસે મોકલી !
આમ બંને ભાઈઓ રમૂજ કરી રહ્યા હતા .
હવે લક્ષમણે ગમ્મત કરતાં કહ્યું ; “ તને એ જ વ્યક્તિ પરણશે જેનામાં શરમ લાજ જેવું કાંઈ નહીં હોય !
‘જો તૃન તોહી લાજ પરિહરઈ !’
આટલાં કડવાં વચનથી કોને ક્રોધ ના આવે ? શૂર્પણખાને ગુસ્સો ચઢે છે અને એ એનું વિકરાળ સ્વરૂપ પ્રગટ કરે છે . સીતા ગભરાઈ જાય છે એટલે લક્ષમણ એનાં નાક કાન કાપી નાંખે છે ..
અમે સ્ત્રી વર્ગ – અમેરિકામાં રહેતી , નોકરી કરતી અને ઘરબાર સાંભળતી બહેનો – સ્ત્રી જાતિની અવહેલના એક કથાકારને મુખે સાંભળીને સહેજ વિચારમાં પડી !
પછી એ શૂર્પણખા પોતાના ભાઈ રાવણને બધી વાત કરે છે એટલે રાવણને ગુસ્સો ચઢે છે અને એ બદલો લેવા યુક્તિ શોધે છે ..વગેરે ..
‘લક્ષમણે શૂર્પણખાની મજાક કરી ના હોત તો કદાચ રામાયણ રચાયું ના હોત !”અમે કહ્યું . “ એ રાક્ષશ કુળની હતી અને એને છંછેડીને જાણે કે સાપના રાફડાને છંછેડ્યો હોય એવું જ થયું ને ?” મેં કહ્યું .
પણ સુભાષનું માનવું કાંઈક જુદું જ હતું !
“ શૂર્પણખા તો એક બહાનું હતું , ભગવાન કૃષ્ણે કહ્યું છે ને : પરિત્રાણાય સાધૂનાંમ, વિનાશાય ચ દુષ્કૃતામ? એ રીતે દુષ્ટોનો નાશ કરવા રઘુ વંશમાં રામ જન્મ્યા હતા . એ જન્મીને જો માત્ર અયોધ્યામાં જ રહ્યા હોત તો તેમની પૂર્વે જન્મેલ અન્ય રઘુવંશીઓની જેમ એ રાજ કરીને ભુલાઈ ગયા હોત . પણ એમની પાસેથી ભગવાન પણ ઘણું કાર્ય કરાવવા માંગતા હતા , તેથી તેમને રાજ ગાદીને બદલે વનવાસ આપ્યો !”
“ હું આવી પાયા વિનાની વાતો માનતી નથી !” મેં કહ્યું .
“ હું તને સાબિત કરી બતાવું ,” સુભાષે કહ્યું , “ જે લોકો પોતાનાં ઘર બાર , રાજ પાટ, જાહોજલાલી છોડીને બહાર નીકળ્યાં છે , ઘરના ધંધા પાણી છોડીને બીજે શહેર કે દેશ વસ્યા છે તે સૌએ જીવનમાં મુશ્કેલીઓ વેઠી છે અને તેમાંથી આગળ પણ વધ્યાં છે ..પછી તે ગાંધીજી હોય કે સ્વામી વિવેકાનંદ હોય ! રઘુવંશના રામ પણ આ રીતે જંગલમાં ગયા તો માર્ગમાં અનેક પ્ર્જાઓને મળ્યા અને સૌને માર્ગદર્શન પણ આપ્યું !” સુભાષે કહ્યું .
“હા , વાત સાચી હશે , પણ શૂર્પણખાની વાતની આ કડી મને પાંગળી લાગે છે !” મેં દલીલ કરી .
તને ખબર છે ?” સુભાષે પૂછ્યું ;
“કેટલીક પરિસ્થિતિ એવી ઉભી કરી છે કે ગમે તે રીતે જુઓ – સિક્કાને ગમે તે રીતે ઉછાળો ,પણ બંને બાજુએ હાર અને પરાજય જ હોય !એમાં Head હેડ પડે કે Tail ટેઈલ મુસિબત જ હોય ! તમે એને ટાળી શકો જ નહીં !” સુભાષે કહ્યું ;
“ સુવર્ણ મૃગ પ્રસંગ માં પણ લક્ષમણનો જ વાંક આવી જાય છે ને ? રામે લક્ષમણને કહ્યું હતું કે તું સીતાને કોઈ પણ સંજોગમાં એ કુટિરમાં એકલી રાખતો નહીં .પણ સીતાએ જીદ્દ કરી કે રામ મુશ્કેલીમાં છે અને એ તમને ત્યાં બોલાવે છે , માટે તમે ત્યાં જાઓ જ ! લક્ષમણે ઘણું સમજાવ્યું પણ સીતાજી માનવા તૈયાર ન્હોતાં! એમણે કહ્યું કે એ જીભ કચડીને મારી જશે – જો લક્ષમણ રામને મદદ કરવા નહીં જાય તો ! લક્ષમણને પરાણે સીતાજીને એ ભયાનક જંગલમાં એકલાં મૂકીને જવું પડે છે ; રસ્તામાં જ રામ મળે છે અને લક્ષમણને જોઈને એને વઢે છે ..
લક્ષમણના જીવનમાં એવો જ બીજો પ્રસંગ પણ છે જયારે એને બંને બાજુથી હાર જ માનવાની હોય છે !
મૃત્યુના દેવતા યમરાજ રામને મળવા આવ્યા હતા અને લક્ષમણે સ્પષ્ટ સૂચના આપે છે કે કોઈને પણ અંદર આવવાની મનાઈ છે . અને જે આવશે તેને દેહાંત દંડની સજા થશે !
લક્ષમણ દરવાજે ચોકી કરે છે ત્યાં દુર્વાસા મુનિ આવે છે . એમને રામનું અગત્યનું કામ છે , અને જો લક્ષમણ એમને રોકવા જશે તો એ સમગ્ર અયોધ્યાને બાળી નાખશે !
લક્ષમણ વિચારે છે કે યમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું કે દુર્વાસા મુનિની આજ્ઞા ઉથાપુ? લક્ષમણને પોતાનાં જીવન કરતાં હજ્જારો પ્રજાજનનાં જીવન વધુ કિંમતી લાગે છે . એટલે એ યમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે , આજ્ઞા ભંગ માટે એને દેહાંત દંડ થાય છે !
અયોધ્યાવાસીઓ અને રામ પણ લક્ષમણને બચાવવા વિનંતી કરે છે ; “એણે પોતાના હિતની પરવા કાર્ય વિના રાજ્યનું અને પ્રજાનું હિત જોયું છે; માટે એને કોઈ બીજી શિક્ષા કરવી જોઈએ. પણ રાજ્ય ગુરુ વશિષ્ઠની એક જ સલાહ છે : વચનનું પાલન થવું જોઈએ ! – અને લક્ષમણ સરયૂ નદીમાં જળ સમાધિ લે છે ! એનાં વિરહમાં રામ પણ જળ સમાધિ લે છે !
રામાયણમાં આવા અનેક પ્રસંગો પરિસ્થિતિ સિક્કાની બે બાજુઓની જેમ મનમાં રમ્યા કરે છે ! આમ કરે તો પણ મુસિબત, તેમ કરે તો પણ મુસિબત! અને તેમાંયે લક્ષમણનું પાત્ર તો બધી રીતે વિવાદ જ ઉભો કરે છે !
આજથી હજ્જારો વર્ષ પૂર્વે લખાયેલ મહાકવિ વાલ્મિકી કૃત રામાયણ , અને ત્યાર પછી એને અનુસરીને કાંઈક કેટલાયે કવિઓ એ જુદી જુદી ભાષાઓમાં રામાયણ લખ્યાં છે .. છસો વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશમાં જન્મેલ તુલસીદાસે પણ રામચરિત માનસ લખ્યું અને સૌએ પોતપોતાની રીતે તત્કાલીન સમાજને અનુરૂપ થોડા ફેરફાર પણ કર્યા .. શું હોવું જોઈએ કે હોઈ શકે એની દલીલમાં પડ્યા વિના બસ એટલું જ કહીએ :
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
અને બુદ્ધિથી કરો વાત તો ધર્મથી રહો દૂર !!
એટલે અમે રામાયણની વાત ત્યાં જ પડતી મૂકી !
પરંતુ , શ્રદ્ધા અને બુદ્ધિ બંને આપણા મનમાં જ તો પડ્યાં રહે છે ને ? મનને કોણ સમજાવે ? એક દિવસ અમારાં વડીલ કાકીએ અમને એક શ્રાવણ માસમાં એક નાનકડું કામ સોંપ્યું ; અને ફરી પેલો સળવળાટ શરૂ થયો : કોણ સાચું અને કોણ ખોટું , એનો જ સ્તો ! પણ એની વાત આવતે અંકે કરીશું , અને તે પણ સુભાષના મુખે!

એક સિક્કો – બે બાજુ :2) રામ અને ભરત મિલાપ- by Subhash Bhatt

જેમ એક જ સિક્કાને બે બાજુ હોય છે , તેમ એક જ પ્રસંગ કે પરિસ્થિતિને પણ બે જુદી જુદી રીતે જોનારા બે વર્ગ હોય છે જ . લગભગ બે દાયકા પૂર્વે અમારાં મિત્ર દંપતીને ત્યાં રામ કથાનું આયોજન થયેલ અને પહેલે જ દિવસે પચાસ ટકા વર્ગે મહારાજની વેશભૂષા બાબત નારાજ થયેલ , અમે પચાસ ટકા ભાઈઓ તો કથા , ભોજન અને ભજનથી ખુશ જ હતા , પણ સ્ત્રી વર્ગની બહુ મતિ(?) હોવાથી બીજે દિવસે મહારાજ શુદ્ધ ‘મહારાજ ‘ ના કોસ્ચ્યુમમાં આવેલ : ઝભ્ભો , લેંઘો અને ખભે ખેસ !
રામ વનવાસનો પ્રસંગ સરસ રીતે આલેખ્યો , અને ભરતને પણ મોસાળેથી પાછો બોલાવી લીધો હતો .પણ પ્રશ્ન થયો :
જો ભરત જેવો ભાઈ તો આખી દુનિયામાંયે મળવો દુર્લભ છે તો રામના રાજ્યાભિષેક વખતે એને કેમ ના બોલાવી લીધો ?
આમ જુઓ તો ભરત અને લક્ષમણ બંને રામની નજીક , પણ બંનેનું વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારનું હતું .
લક્ષમણનું પાત્ર કાયમ રામ મય ,કોઈ પણ જાતની સ્વની આશા અપેક્ષા વિનાનું , રામ પર જીવન ન્યોચ્છાવર કરી દે તેવું , રામનો પડછાયો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે ; જયારે ભરતનું પાત્ર રઘુ વંશને ગૌરવ અપાવવા , રાજ્યના નીતિ નિયમોને આધીન થઈને જીવન જીવવા પ્રેરે એવું છે.
એવા સમજુ ભરતને મોસાળે રહેવા દઈને રાજ્યાભિષેકની તૈયારીઓ થઇ રહી હતી ..
“વાસ્તવ રામાયણ” માં સીધું જ જણાવે છે કે રાજગાદી બાબત કોઈ ઝગડા ના થાય એટલે સમજીને જ ભરતને મોસાળે મોકલેલ !
શું ખરેખર આ વાત સાચી છે ? વાલ્મિકી કે તુલસીદાસ એ વિષે કશું કહેતા નથી !
સિક્કાની બીજી બાજુએ છે ! ચાલો જરા વિચારીએ :
કેકય પ્રદેશ જે પંજાબમાં આવેલ છે જેના ઉપરથી કૈકેયી નામ પડ્યું , જે ભરત – શત્રુઘ્નનું મોસાળ હતું ; ત્યાં આ રાજકુમારો નાના નાની ને મળવા ગયેલ ; છેક ત્યાંથી આ રાજકુમારોને બોલાવવાનું યોગ્ય લાગ્યું હશે નહીં !
આ સમાધાન વર્તી બીજી બાજુ થઇ .
પણ હું તો આ ભરતનાં પાત્ર સાથે ખેંચાઈ રહ્યો છું . એના જીવનમાં બધાંએ જે તે કહ્યા કર્યું છે ! બિચારા ભરતને કોઈ સમજીજ શકતું નહોતું !
ભરતને મોસાળેથી બોલાવવા માણસો જાય છે, પણ શા માટે એને બોલાવ્યો છે તેની એને ખબર નથી . જયારે એ અયોધ્યા આવે છે અને બધાં સમાચાર જાણે છે ત્યારે એ હૈયા વરાળ કાઢતાં કહે છે કે, “ પિતાજીએ રામને ઇક્ષવાકુ વંશનો રાજા ન બનાવ્યા તે સમજુ શકું છું કે એમાં પિતાજીની કોઈ નબળાઈ હશે ; રામને જંગલમાં મોકલ્યા , એ પણ ચાલો સમજી લઈએ કે કાંઈ કારણ હશે , પણ મને – મને રાજગાદીએ બેસાડવા ? મારા માટે ?
શું હું એવી રાજગાદી પર બેસીસ એમ એ માનતા હતા ?”
આ ભરતનાં જીવનની કરુણતા છે !
એક બાજુ ભરત આમ દુઃખ કરતો હતો , પણ દશરથે એના વિષે શું વિચાર્યું હતું ? વાલ્મિકી રામાયણમાં લખ્યું છે :
મૃત્યુ શૈયા પર છેલ્લા શ્વાસ લેતાં દશરથે વિચાર્યું ;
“ ઉન્માદો માતૃ દોષેણ , પિતૃ દોષેણ મૂર્ખતા !… આ ભરત એની મા જેવો ઉન્માદી અને બાપ જેવો મૂર્ખ હશે કે ! ! મારાં મૃત્યુ બાદ મારી અંતિમ ક્રિયા એની પાસે ના કરાવશો સ્વાર્થી પુત્રના હાથે !!!આ છે વિધિની વિચિત્રતા !
માણસો કેટલું ઊંધું અવળું સમજતાં હોય છે !
ભરતનાં હિત માટે માંએ રાજગાદી માંગી !
અને બાપે ભરતને સ્વાર્થી ગણી દિલથી અળગો કર્યો !
પણ કોઈએ ભરત શું માંગે છે , ભરત શું ઈચ્છે છે , ભરતનું શું માનવું છે – એ કોઈએ ના જાણ્યું , ના પૂછ્યું !
હું માનું છું કે આ ભરતની સ્થિતિ દુનિયાના બધાં જ ભરતોની છે ! બધાં જ પુત્રોની છે !
ભરત બીજી માતા કૌશલ્યા પાસે જાય છે .
કૌશલ્યા પણ વાંકુ બોલે છે : ભરત, ઈદમ તે રાજ્ય કામાય, લબ્ધમ રાજયમ અકષ્ટકમ!
લે ભરત ! આ રાજ્ય લે ; તેં જે રાજ્યની આશા રાખી હતીને , લે હવે તને સરળતાથી , કષ્ટ કર્યા વિના મળી ગયું છે !!!
ભરત રડી પડે છે ; માતાને કરગરીને સમજાવે છે કે મારું ગળું કાપી નાંખો , પણ આવાં કડવા વચન ના બોલો !
પણ વાચક મિત્રો ! આ ગેરસમજ , આ અવળી વિચારધારા ત્યાં અટકતી નથી .. બધાં જ એને સત્તા ભૂખ્યો , કપટી , લુચ્ચો ગણે છે !
માત્ર બે જ વ્યક્તિ ભરતને સાચી રીતે સમજી શકી છે !
માત્ર બે !
એનો અર્થ એ થયો કે બધાં પેલા સિક્કાની અવળી બાજુ જ જોતાં હતાં !
આ બે વ્યક્તિઓ છે : ગુરુદેવ વશિષ્ઠ અને મોટા ભાઈ રામ !
વશિષ્ઠે કૈકેયીને કહ્યું હતું કે તું ભારત માટે રાજ્ય માંગવાનું છોડી દે . તું ગમે તે કરીશ પણ ભરત કોઈ પણ સંજોગોમાં અયોધ્યાની ગાદી નહિ જ સ્વીકારે !
ને બીજા છે રામ ; જે ભરતને બરાબર ઓળખે છે !
ભરત રામને મનાવવા જવાની તૈયારી કરે છે; પણ લોકો બીજું જ કાંઈ સમજે છે !
જોકે એમાં બિચારાં લોકોનો કોઈ વાંક નથી . કિષ્કિન્ધામાં રાજગાદી માટે બે ભાઈઓ વાલી અને સુગ્રીવને ઝગડો હતો , અને એ જ રીતે લંકામાં પણ રાવણ અને વિભીષણ બે ભાઈઓ વચ્ચે રાજગાદી માટે ઝગડા થતા હતાં !
એટલે જયારે ભીલ પ્રજાના રાજા ગુહાને ખબર મળે છે કે ભરત મોટી ફોજ લઈને આવી રહ્યો છે ત્યારે એ શંકાથી એની હિલચાલ તપાસે છે .
પછી ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવે છે ત્યાં પણ એજ શંકા :
“કપટી, કાયર , કુમતિ , કુજાતી કહીં લોક બેદ બાહેર સબ ભાંતિ”- લોકો બસ એજ શંકાથી એને ખરાબ સમજે છે ! સ્વાર્થી , લાલચુ સમજે છે !
અરે સગો ભાઈ લક્ષમણ પણ દૂરથી આવતા ભરત અને અન્ય પ્રજાજનોને જોઈને શંકા અને ક્રોધ કરે છે ! આમ તો આ ચારે ભાઈઓ એક જ રાજમહેલમાં ઉછર્યા છે , શિક્ષણ પ્રાપ્ત કર્યું છે , અને છતાં લક્ષમણ બોલે છે કે આટલી મોટી સેના, હાથી ઘોડા વગેરે સાથે એ અહીં જંગલમાં કેમ આવ્યો હશે ? નક્કી રામને મારવા જ આવ્યો છે !
અને પછી રામ લક્ષમણને શાંત કરે છે : “ જો ન હોતા જગ જનમ ભરત કો સકલ ધરમ ધૂલ ધરનિ ધરત કો ..” જો ભરત જન્મ્યો ના હોત તો આ ઉમદા વ્યક્તિત્વ વિના ધરતી પર ધૂળવાળી ઝાંખી જ લાગતી હોત .. એમ ભરતની ખુબ પ્રશંશા કરે છે ..
અને પછી બીજી બાજુ ભરતને પણ શંકા થાય છે કે રખેને રામ લક્ષમણ અને સીતા પોતાને તિરસ્કારી દે તો ?
જો કે પછી એ અમર દ્રશ્ય સર્જાય છે : રામ અને ભરતનું મિલન !
એક બીજા માટે ગમેત્યારે , ગમે તે માની લેવું એટલે ગેરસમજ ઉભી થાય ! ખુલ્લું દિલ રાખ્યું હોય તો એ વાત ત્યાં સ્પષ્ટ થઇ જાય , પણ શ્રદ્ધા અને વિશ્વાસ વિના એ બધું નકામું ! અને અહીં આખરે તો એ ગેરસમજ દૂર થાય છે જ ; પણ દરેક વખતે એવું શક્ય નથી .
“ લક્ષ્મણ પહેલેથી જ રામાયણમાં કાચા કાનનો બતાવ્યો છે” ગીતાએ કહ્યું , “ બીજા બધાં ભૂલ કરે , પણ લક્ષમણ પણ ભરતને ઓળખી શક્યો નહીં ? ઇક્ષવાકુ વંશમાં તો સાત સાત પેઢીથી આદર્શ રઘુવંશીઓને દર્શાવ્યા છે , અને છતાંયે એ એવું નકારાત્મક વિચારે ?
રામ જેવી મહાન વ્યક્તિનો પડછયો બનીને રહેતા લક્ષમણને ભરત માટે એવી શંકા થઇ એ જ બતાવે છે કે એ ઉતાવળીયો હતો .” ગીતાએ કહ્યું !
“ એને ઉતાવળીયો કે અધીરિયો ના કહેવાય ;” મેં કહ્યું , “ એને હું અગમચેત્યો, સજાગ , વફાદાર , સમજુ અને શાણો નાનો ભાઈ કહું !” મેં કહ્યું ,” આ બધાં એક વફાદાર અંગ રક્ષકના લક્ષણો છે . જેના ઉપર અતિશય સ્નેહ હોય તેની સલામતી માટે ગમે તેવા વિચારો આવે તેમાં કોઈ વાંધો હું જોતો નથી !” મેં કહ્યું .
સ્વાભાવિક રીતે જ ગીતાને એની જ વાત સાચી લગતી હતી ! પોતાની વાતને વધુ મજબૂત કરવા એણે એમ પણ કહી દીધું ; “ ખરેખર આ રામાયણ ઉભું થયું તેના પાયામાં પણ લક્ષમણ જ હતો !! એક તો પોતાની પત્નીને મૂકીને મોટાભાઈ સાથે જંગલમાં નીકળી પડ્યો , અને સીતાહરણ થયું તેની શરૂઆત પણ લક્ષમણે જ કરી હતી ! શૂર્પણખાનું નાક કાપ્યું ના હોત તો રાવણ વાતમાં આવત જ નહીં !!”
હું એની વાત સાંભળીને સ્તબ્દ્ધ થઇ ગયો ! પણ હું મારી વાતમાં મક્કમ હતો !
તમે જ કહો , તમે શું માનો છો ?

એક સિક્કો-બે બાજુ -ગીતા ભટ્ટ અને સુભાષ ભટ્ટ

સિક્કાની બે બાજુ 
ચલ એક સિક્કાની બે બાજુ થઈએ,
તું કાટ અને હું તારી છાપ…બનીએ
ચાલ એક નવી શબ્દથી રમત રમીએ,
વાદ વિવાદ હુંસાતુંસીમાં નહીં લડીએ, 
આવ ભાવ વાચકનો મેળવી લઈએ, 
નહિ કોઈ  કોના પર ભારી થઈએ, 
ચાલ નવી દ્રષ્ટિ કેળવી લઇએ  
મિત્રો ગ્લાસ ભરેલો કે ખાલી આ સવાલ કોઈને પૂછશો તો બધાના જવાબ જુદા હશે.
હા આવી જ વાત લઈને ગીતાબેન અને સુભાષભાઈ તેમની લેખમાળામાં લઈને આવી રહ્યા છે.અહીં વાત છે દ્રષ્ટિ અને ‘પર્સ્પેક્ટિવ’ની. દરેક વ્યક્તિના પોતાના પ્રત્યેક વિષય પર અલગ વિચાર હોય છે  અને તેમ છતાં આપણે બીજાના વિચાર જાણવા ઉત્સુક પણ એટલા જ હોઈએ છીએ છે.બસ આજ ઉત્સુક્તાને પુરી કરવા નવી લેખમાળા લઈને આવી રહ્યા છે ગીતા ભટ્ટ અને સુભાષ ભટ્ટ “સિક્કાની બે બાજુ” મિત્રો હોંશેથી વધાવજો અને તમે પણ કોમેન્ટ થકી જોડાજો.

વિષય પ્રવેશ :

સિક્કો ગમે તેટલો પાતળો હોય પણ એને બીજી બાજુ હોવાની જ !
તમે ગમે તે એક વિષય,વાર્ત,પ્રસંગ કે પરિસ્થિતિ લો, હુ તેને આ રીતે મૂલવું ; અને તમે તેને કોઈ જુદી રીતે મૂલવો! હું અમુક દ્રષ્ટિથી જોઉ,તમે કોઈ જુદા જ દ્રષ્ટિકોણથી એને મૂલવો !
આ કોરોના સમયમાં ઘરમાં ને ઘરમાં રહીને પાંજરે પુરાયેલ પંખી જેવી હાલત થઇ છે એમ કહીને હું પરિસ્થિતિને દોષ દઉં; પણ જે લોકો સતત એક સ્થળેથી બીજે સ્થળે પ્લેનમાં જ ઉડાઉડ કરતા હતાં તેમનાં ઘરવાળાઓને આ સમય સુવર્ણકાળ જેવો મધુર લાગે ! હાશકારો થાય !
“ચાલો , છેવટે એમનાં ટાંટિયા ઘરમાં ટક્યા તો ખરા!” એ લોકો કહેશે.
“ વાહ ! કેવો સુંદર તડકો નીકળ્યો છે !” મેં આનંદ વિભોર થઇને સુંદર તડકો જોઇને કહ્યું।
પણ એણે કહ્યું;
“ જરા વાદળછાયું વાતાવરણ હોત તો બહાર ચાલવાની મઝા આવત ! આવા તડકામાં ચામડી બળી જાય અને સ્કિન કેન્સર થવાની શક્યતાઓ વધી જાય !”

હું અને એ ! અમે એક જ સિક્કાની બે બાજુઓ છીએ !
હેડ અને ટેઈલ ! એટલે કે એક બાજુ” માથું અને બીજી બાજુ પૂંછડી નહીં , પણ , “એક બાજુ” જ્યાં કોઈ માથું કે વ્યક્તિની મુદ્રા છે , અને “બીજી બાજુ” જ્યાં તે સિવાયનું બીજું કશુંક છે !
બન્નેનું મહત્વ છે , કારણકે એ બંને બાજુ છે એટલે જ તો સિક્કો બને છે !
નહીં તો એ જમીનમાં ખોડાયેલ એક પથ્થર જ કહેવાત ને ? એ સિક્કો છે, કારણકે એને બે બાજુઓ છે !
આ સંસાર છે , કારણકે એમાં પણ તુંડે તુંડે મતિઃ ભિન્ના છે ! આપણે મનુષ્ય છીએ , સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ ! અને એટલે જ તો સંસાર ચાલે છે ! નહીં તો ગાયોના ધણની જેમ નીચી મુંડી કરીને ઘાંસ ચરતાં ન હોત ? અને સંસારમાં આ અમારું ઘર: અહીં હું અને એ!અમે બે !

આ આખું વર્ષ હું અને એ – ગીતા અને સુભાષ તમારી સમક્ષ દર અઠવાડિયે એક પ્રસંગ પરિસ્થિતિ કે વાત લઈને એના બન્ને પાસાની ચર્ચા કરીશું !
આમ જુઓ તો આ સૃષ્ટિમાં પૃથ્વી ,સૂર્ય , ચન્દ્ર અને તારા સૌ પોતપોતાના સ્થળે રહીને ગતિ કરી રહ્યા છે ; કારણ કે તેઓ પોતપોતાની રીતે એક બીજાને ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ ખેંચી રહ્યાં છે ; જો એ ખેંચાણ ઢીલું પડે તો ત્યાં બ્રહ્માંડમાં ખળભળાટ મચી જાય ! એજ રીતે સંસાર માં પણ એ head and tail હેડ અને ટેઇલના અસ્તિત્વને લીધે સઁસાર સિક્કો અસ્તિત્વમાં છે ! સફળ રાજકારણમાં જેમ શાશક પક્ષ અને વિરોધ પક્ષનું મહત્વ છે તેમ સંસારના સાફલ્યનો આધાર પણ આમ સિક્કાની બે બાજુ ઉપર જ અવલંબે છે ને ? પણ એને યુદ્ધભૂમિ ના સમજતાં , હોં ! અહીં બે પક્ષ છે : બે ભિન્ન વિચાર ધારાઓ પણ છે ; પણ એ તો ભેગાં મળીને એક શુદ્ધ વિચાર મોતી બને છે ! નિંભાડામાં તપ્યાં પછીનું એ વિચાર મોતી ! આખરે તો એ સૌ ભેળાં મળીને એક સુંદર સંસાર માળા ઘડે છે !

એક એક મણકો એટલે માળા નહીં , પણ એ બધા જ મણકા ભેગા થઈને દોરીમાં પરોવાય ત્યારે માળા બને ; એ જ રીતે એકાવન સિક્કા ભેગા થઈને એક માળા બનાવીશું ! તમારી શુભેચ્છાઓ સાથે !
શરૂઆત કરીશું , એક દિવસ અમે રામાયણની કથા સાંભળીને ઘેર આવી રહ્યાં હતાં ત્યાંથી ! તો મળીશું આવતે અઠવાડિયે ; શું થયું એ રામાયણ સાંભળ્યા બાદ : અમારાં રામાયણની વાતથી !

ગીતા ભટ્ટ અને સુભાષ ભટ્ટ 

“કલમના કસબી:કનૈયાલાલ મુનશી”-રીટા જાની

ગુજરાતી અસ્મિતાના સર્જક ઉત્કૃષ્ટ જાણીતા નવલકથાકાર,નાટ્યકાર,વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા માટે તો અઘરો વિષય.આવા અઘરા વિષયને રીટાબેને એક ફિલ્મ દિર્ગદર્શક પાત્ર કે પરિસ્થિતિ પકડી લે ,એમ રીટાબેને મુનશીને વાંચીને ઝીલ્યા અને માત્ર ઝીલ્યા નથી પણ આપણી સમક્ષ “કલમના કસબી:કનૈયાલાલ મુનશી”ના ૫૦ લેખમાળામાં એવી રીતે વહેતા કર્યા કે જાણે મુનશી હાજર હજૂર જ છે.
રીટાબેને એક જાજરમાન વ્યક્તિત્વના વાંચનનો આનંદ તો લીધો છે.પણ મુનશીને ૫૦ મણકામાં એવી રીતે પરોવી પ્રસ્તુત કર્યા અને  તેમના વિશે આપણે વિચારવા પ્રેરાયા.આજેય આંગળીને વેઢે ગણી શકાય એવાં ગુજરાતીના પ્રતિભાશાળી અને લોકપ્રિય સર્જકો વિશે પૂછવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મુનશીનું નામ તેમાં અવશ્ય લેવાય.મુનશીની પ્રતિભામાં અને તેમના સાહિત્યમાં એવું તો કયું તત્ત્વ છે કે જેના બળે તેઓ આજના સમયમાં પણ કાળથી પર થઈને હયાત છે.આ વાત રીટાબેને પ્રસ્તુત કરી. ક્યારેક એમના પ્રવાસની તો ક્યારેક પાત્ર સ્વરૂપે મુનશીની ઓળખાણ કરાવી.એમની કલમ સામાન્ય કલમ નહોતી એવું પુરવાર કર્યું, તો તેની અંગત વાતો એવી રીતે મૂકી જાણે આપણા ઘરની વ્યક્તિ ન હોય!
આજની નવી પેઢીને મુનાશીમાં રસ પડશે? એવું લેખિકાએ વિચાર્યું નહિ પણ મુનશી વિષે નવી પઢી પણ વિચારશે,તેમના વિશે અને તેમના સર્જન વિશે જાણવા માટે વિચાર કરતા થશે એમ ધ્યાનમાં રાખી રીટાબેને સમગ્ર લેખમાળા લખી.મુનશીના દરેક સર્જનને આવરી લઇ મુનશી સાહિત્ય પીરસ્યું..બધું તો સમાવી ન શક્યા પણ લેખિકાએ મુનશીની સંવેદન અને સર્જનપ્રક્રિયાને ઝડપી ,આપણી સમક્ષ એવી રીતે મૂકી કે એમને વાંચવાનું મન થાય જ. અહી લેખિકાની સજ્જતા,વાંચન અને કોઠાસુઝને હું નવાજુ છું.
વાંચન દરમ્યાન ગમેલી પ્રત્યેક ક્ષણને એ ધબકારાને એમણે શબ્દોમાં એવી રીતે ઉતાર્યા કે આપણે સૌ એમના વાંચનના સહભાગી થયા.ઉત્તમ વાચક ક્યારેય એકાંગી નથી હોતો.પોતે જે અનુભવે છે તેને શબ્દોમાં અવતારી બીજા સાથે જરૂર વહેચે છે. માણસ માત્ર હકીકત અને વાસ્તવિકતાથી જીવતો હોય છે રીટાબેને મુનશીની વાસ્તવિકતાને જ પ્રગટ કરી.લેખિકાએ પોતે મુન્શીજીને  વાંચ્યા અનુભવ્યા પછી ઠાવકી રીતે પ્રસ્તુત કર્યા.આ લેખમાળા રીટાબેનની વાંચનયાત્રા ના પડઘાનું રૂપાંતર છે.
આપણે કનૈયાલાલ મુનશીને અસ્મિતાના ઉદ્-ઘોષક તરીકે ઓળખીએ છે. જેના અણુમાં વ્યાપેલ અસ્મિતાનો ઉદઘોષ અને ભાષાપ્રેમને, નિરૂપણ કરવાનું કામ લેખિકાએ આ લેખમાળામાં કર્યું છે. આ રીટાબેને પહેલીવાર લેખમાળા લખી પણ એમણે એક લયમાં ચીલાચાલુ ન લખતા વૈવિધ્ય પ્રસ્તુત કર્યું અને મુનશીની કલમને  અન્યાય ન થાય અને તેમનું  કોઈપણ સર્જન રહીં જાય તેમ લેખમાળા લખી.ત્યારે વાચકોની દ્રષ્ટિએ એક અનુભવી લેખિકા તરીકે  સ્થાપિત થઇ ગયા.જે લખવાનો પ્રયત્ન કરે છે તે જ પરિપક્વ બને છે. માત્ર લખવાની ઉત્કૃષ્ટતા હોવી જોઈએ. ઘણીવાર તબિયતને કારણે તેમનાથી ન પણ લખાયું પણ તેમ છતાં શ્રેણી પૂરી  કરી તેનો મને ગર્વ છે.એમની કલમ સદાય લીલીછમ રહે તે માટે ફરી તેમને શબ્દોના સર્જનના બ્લોગ પર લખવા આમંત્રણ આપું છું.

પ્રજ્ઞા દાદભાવાળા 

मेरे तो गिरधर गोपाल – : અલ્પા શાહ

ECE35490-6D37-47E2-ACFC-2B9514ED7F43
મિત્રો આજે આંનદ એ વાતનો છે કે પ્રથમ વખત ઉપાડેલી કલમ જયારે પાપા પગલી ભરતા લાંબી રેસનો ઘોડો પુરવાર થયો છે. ગર્વ તો થાય જ પણ સાથે કશુંક કર્યાનું નિમિત્ત મને ભગવાને બનાવી તેનો હર્ષ પણ અનુભવું છું.
 
હા! હું અલ્પાબેનની વાત કરું છું અલ્પાબેન શાહે “मेरे तो गिरधर गोपाल”  લેખમાળાની સફર તેના અંતિમ તબક્કામાં લાવી પોતાની કલમને એક પરિપક્વ કલમ તરીકે પુરવાર કરી છે.પોતાને ગમે તેજ લખવું અને જે સ્ફુરે તેજ અભિવ્યક્ત કરવાની કળા ધરાવતા આલ્પાબેન 600 વર્ષ જુના મીરાંને જીવંત કર્યા .મીરા વિષે અનેકે લખ્યું હશે પણ મીરા દરેક સ્ત્રીમાં જીવે છે તે વાતનો અહેસાસ એમની લેખમાળામાં એમણે કરાવ્યો આ જમાનામાં મીરાં કોઈ થઇ ન શકે પણ તેમ છતાં મીરા આજે પણ દરેક સ્ત્રીમાં વસે છે. આ અનુભૂતિનો અહેસાસ સમાજને આપ્યો છે.
અલ્પાએ મીરાંને એક ચિત્રકારની જેમ ઉપસાવ્યા છે. પોતે ચિત્રકામ જાણે છે માટે જિંદગીના દરેક રંગોની તેને ઓળખ છે. મીરાંની જિંદગીના અનેક રંગો આપણી સમક્ષ લાવી મીરા એક સામાન્ય સ્ત્રી નથી એનું એક અલાયદુ સ્થાન છે એ આ લેખમાળા દ્વારા પુરવાર કર્યું છે. મીરાં ભલે સંસારથી પર રહ્યા પણ સંસારના ઉત્તમ મઘ્યમ અને અધમ અનેક પ્રકારના માનવીઓના સંસારને એમણે અંતરની આંખે નિહાળ્યો છે એ વાત પ્રસઁગ દ્વારા રજુ કરી અલ્પાબેને આપણને મીરાંની ઓળખ કરાવી છે. તો નવી પેઠીને આકર્ષે તેવા અંગ્રજી વાક્યો દ્વારા વાતને અકબંધ પ્રામાણિકતા સાથે પીરસી મીરાની લેખમાળામાં એક આકર્ષણ ઉભુ કર્યું છે.મીરાંના પદ એટલે “Art of Living” આમ સહજપણે એક આધુનિક સંદર્ભ આપ્યો છે, જ મને, તમને આકર્ષવા માટે પુરતું છે,નહિ તો આજના જમાનાની પેઢી મીરાંને શું કામ વાંચે ?
 
મીરાં એકમાત્ર એવી કવયિત્રી છે જેણે ગાજવીજ સાથે પ્રેમની વાત કરી છે તેમ છતાં જ્ઞાનથી છલોછલ શબ્દો અને ભક્તિ પેદો આપતા મીરા એ તત્વજ્ઞાન પણ પિરસ્યું છે, એ વાતને અલ્પાએ પોતાની જાતને પ્રશ્ન કરી અને તેમાંથી જવાબ મેળવી આપણી સમક્ષ મૂક્યું છે જે તમે તેની 41મી લેખમાળામાં માણ્યું હશે. તો સાથે મીરાંબાઈ મનની ચંચળતા અને માનવ સહજ દુર્ગુણો પર નજર અંદાઝ કર્યા વગર દાખવ્યા છે, જે અલ્પાની કલમનો સ્વતંત્ર મિજાજ દર્શાવે છે. લખવું પણ માત્ર બીજાને સારું લગાડવા નહીં એ વાતના પડઘા એની લેખમાળામાં વર્તાયા છે.
અલ્પાને મીરાં ગમે છે તેનું કારણ મીરાંની નિર્ભયતા છે,જીવન જ સંઘર્ષનો પર્યાય હતો છતાંય એ સંઘર્ષો સામે ઝઝૂમતો પોતાની પસંદગી મુજબનું જીવન જીવી ગઈ.મીરાંના પદો સમજાવતા ભક્તિભાવ સાથે મીરાંનો અવ્યહવારુ મિજાજ દેખાડી લેખિકા આપણું લક્ષ ખેચે છે મીરાં દાબદબાણ,ભય,વ્હેમ,ષડયંત્રથી પર હતા એ વાત અલ્પા ક્યાંક ને ક્યાંય પદના અર્થમાં અથવા પ્રસંગો દ્વારા આપણી સામે મૂકી મીરાંને અદભુત રીતે રજૂ કર્યા છે.અલ્પાની કલમ અહીં જુદી તરી આવે છે.
 
પ્રસંગોનું નિરૂપણ પણ સરસ છે.મીરાંબાઈનાં લૌકિક સંબંધોથી માંડી આધ્યાત્મિક કૃષ્ણ સાથે ના સંબંધોને અલ્પાએ વાર્તાની જેમ પ્રગટ કરી વાચકનો રસ પણ જાળવ્યો છે.તો ક્યારેક પોતાના મંતવ્ય મૂકી નીડરતા પણ દાખવી છે.
અલ્પા કૃષ્ણને પ્રેમ કરે છે માટે મીરાંને સમજી શકી છે. મીરાંના પ્રિયતમ પ્રત્યેની તીવ્ર લાલસા, ઉત્કંઠા અને મિલનના ભાવ બધું જ સરસ રીતે કાવ્યોના આસ્વાદ દ્વારા પ્રગટ કર્યું છે મુખ્ય વાત એ છે પહેલીવાર ઉપાડેલી કલમ થકી શબ્દો પ્રગટયા છે માટે અલ્પાને આભિનંદન આપવા જોઈએ સામાન્ય રીતે કોઈ પણ સર્જક પોતાના વિચારો દર્શાવવા સભાનપણે પ્રયાસ કરતા જ હોય છે પણ અલ્પાએ કોઈ સભાન ચેષ્ઠા કરી હોય તેવું મને લાગતું નથી પરંતુ તેમના અંતરમાં ચાલતા ભાવોએ જ અનાયાસે એણે પ્રગટ કરીને તેમનાં મનના વિચારોને વહાવ્યા છે જેમાં મૌલિકતા પ્રગટ થાય છે.આવી મૌલિક કલમ વધુ વધુ ખીલે એ ભાવના સાથે અલ્પાને ફરી લખવાનું આમંત્રણ આપું છું.

પ્રજ્ઞા દાદભાવાળા 

હા… હવે કંઈક નવું ૨૦૨૧માં

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image2.jpg છે

           માણસની ખરી લડાઈ સમય સાથે હોય છે.કયારેક આરોહ તો  ક્યારેક અવરોહ..આમ પણ સમય અને કુદરતના મિજાજના ક્યાં કોઈ જાણી શક્યા છે? સમય ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,એના ‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ પણ ક્યાં હોય છે?   કુદરત અને સમય  બધા ભેદ ખોલે અને એ જ આપણી આંખ પણ ખોલે.સમતોલપણું આપણે શોધવાનું છે.

        આપણે સૌ આ માહોલમાંથી પસાર થતાં હોઈએ છીએ તેમ છતાં ઈશ્વરે આપેલી શક્તિ આપણે હકારત્મક અને સર્જનાત્મક દિશામાં વાળી અને  સાથે આપણા લક્ષ્યને પામવા માટે આપણે સૌએ વાંચન સાથે સર્જન કર્યું  અને આપણા સૌને અભિગમ પણ કેવો “વિકસો અને વિકસાવો”અને ‘બેઠક’માં પુરુષાર્થનો સંગમ સર્જાયો  ‘બેઠક’ એટલે પાઠશાળા અને  ‘બેઠક’નો ધ્યેય એક કરતાં વધુ લોકોને ઊર્ધ્વતા તરફ લઈ જવાનો છે.આગળ વધવા માગનારને દુનિયાની કોઈ તાકાત રોકતી નથી.હાથ જો મુઠ્ઠી થઈ જાય તો કિસ્મતને પકડવાનું કામ સહેલું છે.તો યાદ રાખજો કે તમારા કાર્યને પૂરું કરવાની જવાબદારી આખું બ્રહ્માંડ ઉપાડી લેતી હોય છે.

       ‘બેઠક’માં સદાય એક પરિવાર જેવી ભાવના અને મીઠી વીરડી સમાન જેવા અનુભવો આટલા વર્ષ દરમ્યાન માણ્યા તેના માટે તમારો આભાર માનવા કરતા તમારા સૌ માટે આગળ વધવાનું બળ માંગીશ,તમે સૌ સર્જકો મનમાં ઉમટી આવતા વિચારો શબ્દોમાં પરોવી સદાય લખતા રહો.
        “શબ્દોનું સર્જન” બ્લોગની શરૂઆત કરી મૂંગા વડીલોને વાચા આપવા…અને પ્રભુએ મને નિમિત્ત બનાવી, આપણે તો માત્ર મૌન તોડયું છે માટે શબ્દો રચાયા છે.શબ્દ શૂન્ય છે અને સર્જન પણ છે, શબ્દ ભાષા છે તો ક્યારેક મૌન પણ શબ્દ જ છે, શબ્દ ક્યારેક ઝાકળની ભીનાશ પણ બની જાય..છે.તો ક્યારેક વહેતી લાગણીઓમાં ભીંજવી નાખે છે.ઘણા લેખક એવા હતા જેમના શબ્દો અંદર જ ધરબાઈને પડ્યા હતા, કોઈના લખવાથી બોલવાથી થતા શબ્દનો સર્જનની વાત કરું છું. તમે સૌએ હિમત કરી શરૂઆત કરી અને  કલમ કસતા શબ્દો કવિતા ગીત સંગીત પણ બન્યા..તો ક્યારેક નાટક બની પ્રગટ થયા અને આગળ જતા સાહિત્ય પણ બનશે. મોટા સાહિત્યકારને વાંચ્યા, સાંભળ્યા .. પણ સાથે તમારા મનની વાત સાંભળી બસ આજ હેતુ સાથે બ્લોગની અને બેઠકની શરૂઆત કરી હતી, સૌથી મોટો ફાયદો સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા, સાથે વધુ વાંચન કર્યું, ચિંતન કર્યું અને ઉત્તમ લેખોનું મનન કર્યું તે તો ફાયદામાં,જીવનમાં જ્ઞાનનો ઉજાસ મળ્યો  
         ૨૦૨૦માં ઘરમાં બેસીને સાહિત્યને માણવાનો આંનદ લીધો એને વર્ણવી કેમ શકાય,જિંદગીની કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી આપણે સૌ આખા વર્ષ દરમ્યાન હકારાત્મક ઊર્જા લઈને સહિયારો આંનદ માણ્યો, ન જોઈતા વિચારો, ડરનું વિસર્જન કરી નવસર્જન કર્યું. જીવનની ભયંકરતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો આપણે સૌએ સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ તમારા સર્જનનો રસાળ પ્રવાહ મળ્યો, માણ્યો. 
          મિત્રો શબ્દોના સર્જન પર નવા વર્ષના નવા ઉજાસ અને ઉત્સાહ સાથે આપણે નવી લેખમાળા લઈને આવી રહ્યા છીએ, ૨૦૨૦માં બેઠકના આપે  સર્વ  સર્જકોને તમે ઉત્સાહ સાથે વધાવ્યા. સર્જનનો રસાળ પ્રવાહ તમને મળ્યો, માણ્યો,અને આપણા સૌ વચ્ચે ..શબ્દ …સંબંધનો સેતુ રચાયો…શબ્દ સાધકો સાથે વાચકો મળ્યાં, ..અને હા હવે કંઈક નવું તો એજ પ્રવાહને આગળ વધારતા તમારા માટે નવી લેખમાળા લઈને આવી રહ્યા છે.

  1. સોમવાર -રાજુલ કૌશિક -વાર્તા અલકમલકની 
  2. મંગળવાર -ગીતાબેન, સુભાષભાઈ ભટ્ટ -સિક્કાની બે બાજુ
  3. બુધવાર -જિગીષા પટેલ -અજ્ઞાતવાસ  
  4. ગુરુવારે -અલ્પા શાહ -જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
  5. શુક્રવારે -રીટા જાની -સ્પંદન 
  6. શનિવાર -મૌલિક વિચાર -હોપસ્કોપ
  7. રવિવારે -કુમુદ પરીખ -અનુભવની અનુભૂતિ 

          મિત્રો એમને વધાવવાની જવાબદારી તમારી છે. આ સાથે વાગ્મી કચ્છી, નયના બેન પટેલ પણ તેમની વાચિકમની નવી વિડીયો રજુ કરશે… સાહિત્ય સર્જક એટલે પ્રેરણાનાં બીજમાંથી ફૂટેલ એક અનમોલ અંકુર. એ અંકુર જ્યારે મજબૂત અને વિશાળ બને ત્યારે વટવૃક્ષ જેવું બની જતું હોય છે. એવા જ વટવૃક્ષનાં છાંયડામાં બેઠકના આ બ્લોગ પર અદ્ભુત લેખમાળા વાંચવાનો લહાવો આપતા  રહીશું ,દરેક સર્જકોનું સ્વાગત છે.

-પ્રજ્ઞા દાદભાવાળા

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ cropped-bethak-5-e1495737598661.jpg છે