વિસ્તૃતિ -૧૦ –

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679
                  મિત્રો શરદબાબુની ગૄહદાહ વાર્તા એ સૂક્ષ્મ કરુણાની મહાકથા છે. આ વાર્તામાં તેઓએ બે મિત્રોની વાર્તા માંડી છે આ વાર્તાનો બંગાળી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ ભોગીલાલ ગાંધી એ કર્યો છે.બંગાળના કેટલાક વિવેચકો શરદબાબુની આ નવલકથાને શ્રેષ્ઠ ગણે છે. તેમની આ નવલકથા મહાનવલકથા તો છે જ બીજી નવલકથાઓ કરતા આમાં કાર્ય નો પ્રવાહ તો છે જ, પણ તેથી વધુ મહત્વનું છે રજુ કરાયેલું જીવન દર્શન.
          બે મિત્રો સુરેશ અને મહિમ બાળપણના મિત્રો છે. બંને બાળપણથી જ ગામડામાં સાથે ભણ્યા .બંનેમાં આર્થિક રીતે ઘણો જ મોટો તફાવત સુરેશ અમીર મહિમ ગરીબ,પણ બન્નેનાં હૃદયમાં એકબીજા માટે ખૂબ જ પ્રેમ હતો. સુરેશના શરીરમાં જેવું  અસાધારણ બળ હતું તેવું જ તેનું હૈયું કોમલ  અને સ્નિગ્ધ હતું. પરિચત અપરિચિત  કોઈને વિશે પણ જો દુઃખ  કષ્ટની વાત સાંભળતો તો તેનું હૈયું ભરાઈ આવતું. નાનપણમાં તો તે એક માછલી સુધ્ધા મારી  શકતો નહોતો. જૈન પાડોશીની દેખા દેખી કંઈ કેટલાય દિવસ તે પણ ખિસ્સામાં. સોજી (એટલે ઘઉંનો જાડો લોટ) અને ખાંડ ભરી જતો અને નિશાળ જવાને બદલે ઝાડે ઝાડે ફરીને તે કીડીઓને ભોજન કરાવતો !આટલી જિંદગીમાં એને કંઈ કેટલીય વાર માસ માછનો ત્યાગ કર્યો હતો .પાછું ખાવા પણ લાગ્યો હતો .એનો કોઈ હિસાબ નથી. જેની ઉપર તે પ્રેમ રાખતો તેને માટે જાન છીડકતો .
       મહિમ  ખૂબ જીર્ણ, પાતળો અને આર્થિક અવ્યવસ્થા નબળી હોવાને કારણે પહેરણ પણ ફાટલું પહેરતો. નિશાળમાં તે સૌ કરતાં વધુ સુશીલ વિદ્યાર્થી હતો. પગના જોડા પણ જીર્ણ અને જૂના પહેરતો. તેનો ચહેરો નિસ્તેજ હતો,છતાં સુરેશને તેના તરફ  આકર્ષણ હતું. તેના પ્રત્યેનો પ્રેમ પૂરનાં પાણીની જેમ વધે તેમ વધતો ગયો હતો. આ વિદ્યાલયમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

         બંને આગળ ભણવા કલકત્તા ગયા મહિમને સ્કોલરશિપ મળી હતી, ચાર રૂપિયા. આ પૂજી લઇ તે કલકત્તા જવા નીકળી પડ્યો હતો .સુરેશ તેને તેની સાથે રહેવા આગ્રહ કરતો હતો પણ મહિમની  દૃઢતા તેનો નકાર જ કરતી.મહિમના ધર્મ માટેના વિચાર જોય સુરેશ ચિંતિત રહેતો તેને ખૂબ ટોકતો તેની સાથે ચર્ચા ટાળતો. મહિમ એક બ્રાહ્મોસમાજી કુટુંબનાં પરિચયમાં આવ્યો હતો. તે કેદાર બાબુનું કુટુંબ હતું.
કેદાર બાબુ મુખજ્જેનું ઘર ક્યાં આવેલું છે એ સુરેશ જાણતો હતો .તે ત્યાં મહિમને શોધતો શોધતો  પહોંચ્યો .તેને તે લોકો માટે જરાય માન નહોતું. પોતાના મિત્રને બ્રહ્મોસમાજીથી દૂર રાખવાનો નિર્ણય લઇ ત્યાં પહોંચ્યો હતો, પણ મહિમ તેને મળ્યો નહિ. તેમની દીકરી અચલા જરૂર મળી.તેને એમ હતું કે મહિમનું સત્ય જણાવીશ તો આ લોકો દૂર થશે .હા ,કેદાર બાબુને જરૂર ખરાબ લાગ્યું પણ અચલા બધું જ જાણતી હતી. અચલાને મળ્યા પછી સુરેશને પણ આ અચંલાનું મુખ અંગ ભાષા વર્તન બધું શરૂથી અંત સુધી વારંવાર યાદ આવવા લાગ્યું. તેને લાગ્યું પોતે જાણે તેણીથી ઉતરતો હોય. એક નશો મેદ જાણે ચઢ્યો હોય તેમ અનુભવવા લાગ્યો .આ તરુણીને પ્રાપ્ત કરવા કોઈ પણ પુરુષ જાણે પોતાનું દુર્ભાગ્ય ન પણ અહોભાગ્યતો છે જ એમ માનવા લાગતો.તે શાંત મક્કમ મનવાળી હતી.મહિમ  માટે બોલાયેલા ગમે તે શબ્દોથી પણ તે ચંચળ થઇ ગુસ્સે થઈ નહોતી કે દલીલ પણ નહોતી કરી .આ વિદ્યા તેણી જાણે મહિમ પાસેથી શીખી હોય એમ સુરેશ ને લાગતું હતું.
           મહિમને મળી પ્રેમ જતાવવો અને અચલા ને મળી મહિમને વખોડવો જાણે આ ક્રમ બની ગયો હતો સુરેશનો.તે દ્વિમુખી જીવન જીવતો હતો. હવે તે કેદાર બાબુને ત્યાં જતો આવતો થયો.જેને બ્રાહ્મોસમાજી કહી હડધૂત કરતો હતો તેને ત્યાં તે જમશે એમ પણ કહી ઊઠ્યો. ધીરે ધીરે કેદાર બાબુ એ પોતાનું મક્કમ મન કરી મહિમ સાથે દીકરી અચલાનાં લગ્ન ન કરવાનો નિર્ણય કરી લીધો.
            સુરેશે જ્યારે જાણ્યું કે કેદાર બાબુને બે ત્રણ હજારનું કર્જ  છે ત્યારે તેણે મોઘમ રીતે તે ભરપાય કરી દેવાનું સૂચન કેદાર બાબુને કર્યું ,તેમણે પણ મક્કમતાથી કહ્યું કે ઋણ ચૂકવી આગળ આ ઘર સુરેશ ને અચલાને આપી દેશે. દેવાની જાળમાં ફસાયેલા, વિપત્તિ ગ્રસ્ત પિતા અનેક અસત્ તથા  હીન કર્મો દ્વારા પણ તત્કાલ પોતાની આત્મરક્ષા કરવાને મથી રહ્યા છે .એ અચલાની જાણ બહાર નહોતું.
         અચલા  અસમંજશમાં ઘણું વિચારે છે .તેને થાય છે કે આ બે મિત્રોમાં એક ને મારે જાઓ કહી વિદાય આપવી જ પડશે.મહિમ તો તેની પર પરમ વિશ્વાસ કરી પોતાના કામે ગયો છે .તો સુરેશને લીધે પિતા ઉત્સાહિત થઈ ગયા છે. એટલે ધીરે ધીરે સુરેશને આશાઓ આપવા માંડી .તે ઈચ્છતી હતી કે  મહિમને સંદેશો પહોંચે ,પણ તે ક્યાં અને કઈ તરફ છે તે જાણી પણ નથી શકી. આમને આમ વારંવાર આવી સુરેશ અચલાની નજીક ને નજીક પહોંચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એકવાર એક સાંજે બહારથી બંને ગાડીમાં પાછા આવ્યા અને રસ્તામાં વારંવાર અચલાના હાથ ને ચૂમી તે પ્રેમ જતાવવા લાગ્યો. ગાડી ઘર આગળ પહોંચી અને સુરેશ તેને હાથ પકડી ઊતારી રહ્યો હતો ત્યાં સામેજ મહિમને ઉભેલો જોયો.

      પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જાણે ચોરી પકડાઈ ગઈ .મહિમના આશ્ચર્ય વચ્ચે સુરેશ અને અચલાની આટલી નજદીકિયા!   તેણે  જાણવાનો પ્રયત્ન કર્યો અને એટલું જાણી શક્યો કે સુરેશે કેદાર બાબુને ઋણમાંથી મુક્ત કર્યા છે .કોને ખબર પણ અચલા હવે મક્કમ જ રહી. તેણીએ  સુરેશની એક ન સાંભળી. પિતાની પણ વાત કાને ધરી નહીં અને મહિમની તરફ ઝૂકેલી રહી.

        એક દિવસ એણે સુરેશને કહી દીધું કે મહિમ બિમાર  મિત્રની ખબર પૂછવા  આવી શકશે નહિ. તમે ડોક્ટર છો તો તમે જ  જાવ,અને તેણીએ મહિમને ન જવા દીધો ,મહિમને ના પાડવાનો અધિકાર તેણીને જ છે કહી તેણીએ સુરેશ ને કહી જ દીધું કે સુરેશનું સ્થાન ક્યાં અને કેટલે છે.સુરેશ અપમાન ન સહી શક્યો તે ચાલ્યો ગયો.

     થોડા જ દિવસમાં બંને પરણી ગયા.ગામડે ચાલ્યા ગયાં.  ત્યાં મહિમે પાર્ટનર સાથે દુકાન કરી .તે  દુકાન   ચાલી નહિ .અચલા હવે ધીરે ધીરે મહિમથી પરિચિત થવા લાગી. ત્રણ-ચાર મહિનામાં તો તેનાથી જાણે થાકી ગઈ શાંત અને સૌમ્યતા તેને ડંખવા લાગી .વારેવારે મહિમ સાથે બોલાચાલી થઈ જતી.એકવાર ફરી ઝંઝાવાત સમાન સુરેશ ગામડે પહોંચી ગયો. ત્યાંરથી ફરી અચલામાં  મહિમનો વિરોધ કરવા માટે જાણે કોઈ પીઠબળ મળી ગયું.

   એ સાંજે ટેબલ  પર પડેલી એક ચિઠ્ઠી પર એચલાની નજર પડી અને તે મૃણાલની હતી. તેણીએ લખ્યું હતું મહિમને ,”સેજદા મશાઈ ! શું કરો છો .પરમ દિવસથી તમારી રાહ જોઈ જોઈ તમારી મૄણાલની આંખો ઓગળી ગઈ,”

        મિત્રો ઘણી મોટી નવલકથા છે તેથી આપણે તેને બે વિભાગમાં જોઈશું . વધુ હવે આગળ  આવતા અંકે .સુરેશ મહિમની  મિત્રતા અને અચલાના જીવનનો ઝંઝાવત શું પરિણામ લાવે છે.
(ક્રમશઃ)
*જયશ્રી પટેલ .*
*૩|૪|૨૨*

સંસ્પર્શ -9

jigisha -સંસ્પર્શ -youtube

જીવનમાં મોજ કોણ કરી શકે? જે ખૂબ yવિદ્વાન છે,જેણે ખૂબ વાંચ્યું છે, કે જેની પાસે ખૂબ પૈસા છે તે. ના, તમે આવા ભ્રમમાં હોવ તો તરત જ તેને દૂર કરો. તમને એક એક ઉદાહરણ સાથે વાતો કરતાં કરતાં ધ્રુવદાદા સમુદ્રાન્તિકેમાં સમજાવી દે છે ,કે આ દરિયા કિનારે વસતાં લોકો ભણેલાં નથી ,તેમની પાસે એક ટંક ખાવનો રોટલો અને કાંદો છે ,પણ તેઓ મોજથી જીવે છે ,કોઈ ફરિયાદ વગર.તેમનું હ્રદય દરિયા જેટલું વિશાળ છે. તેમણે વેદ,ઉપનિષદ વાંચ્યાં નથી પણ તેમને માણસ માણસ પ્રત્યે અખૂટ પ્રેમ છે.પ્રકૃતિ ,પશુપંખી અને પરમની બનાવેલ સમગ્ર સમષ્ટિને તે સાચા હ્રદયથી મનભરીને ચાહે છે. સચ્ચાઈથી ચાહે છે. જેમાં ક્યાંય દેખાડો,દંભ નથી.અને તે અનુભવને આપણી સાથે વહેંચી દાદા આપણને પણ એજ નિર્દોષતા સાથે સરળતા અને સહજતાથી ચાહવાનું શીખવે છે.

સમુદ્રાન્તિકે’ માં ધ્રુવદાદાએ દરિયા કિનારે વસતાં લોકોની વાતચીતમાંથી તારણ કાઢી ,સંવાદોમાં જે શબ્દો મૂક્યાં છે તે ખરેખર એક એક વાક્યોમાં આપણને જીવનનું તત્વજ્ઞાન પીરસી જાય છે. એક વૃદ્ધ સ્ત્રી જે ચાલી પણ નથી શકતી ,તે દરિયે ન્હાવા આવે છે.તેને જ્યારે કહેવામાં આવે છે કે એક ડોલમાં દરિયાનું પાણી લાવી આપીએ ,તમે તેનાથી નાહી લો.ત્યારે તે કહે છે,” દરિયો કંઈ ડોલમાં ના સમાય.”કેટલી મોટી વાત કરી આ વૃદ્ધાએ! દાદા કહે છે,આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે પણ તેને અહીં લાવનાર માત્ર ધર્મ નથી. તે તો તેના દરિયાને મળવા આવી છે. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા – છીપલાની ભેટ ધરીને શણગાર્યું છે.તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે. તેના સમગ્ર જીવનનાં કડવા-મીઠાં સ્મરણોનો જે સાક્ષી રહ્યો છે.તે દરિયો આ વૃદ્ધાને સાવ પોતીકો લાગે છે. તેને દરિયાને મળવું છે કારણ તે તેના દરિયાને અઢળક પ્રેમ કરે છે,તે તેના પ્રેમમાં ભીંજાઈ જીવનની પાછલી અવસ્થામાં આનંદ લેવા ઈચ્છે છે.

સમુદ્રાન્તિકેનો નાયક ,રાત્રે ક્રિષ્ના સાથે દરિયામાં શઢવાળી હોડીમાં સફર કરી રહ્યો હોય છે ,ત્યારે પણ ક્રિષ્ના કહે છે,” બધાંને બે જણ હંકારે, એક ઉપરવાળો ને બીજો દરિયો.’ભગવાન જેટલી જ લાગણી ,પ્રેમ અને મહત્વ તેઓ દરિયાને આપે છે.અને આ ખારાપાટનાં લોકોનો પ્રકૃતિનાં સર્જન પર પ્રેમ જોઈ ,આપણો દ્રષ્ટિકોણ પણ દરિયા માટે બદલાઈ જાય છે.

સુખી માણસ કોણ? કે સુખની વ્યાખ્યા શું ? મોજમાં જિંદગી કેવીરીતે ગુજારાય ? તેનો સુંદર સંદેશ પણ આ દરિયા કિનારે વસતાં લોકો આપણને આપે છે. દરિયા કિનારાની આ પથરાળ જમીનમાં અનાજ પકવવું કેટલું અઘરું છે? ભર બપોરની પરસેવે રેબઝેબ કરતી ગરમીમાં કામ કરતાં ખેડૂત આદિવાસીને જ્યારે નાયક પૂછે છે ,’કેમ છે?’ ત્યારે તે જવાબ આપે છે “ હાકલાં છીએ.” એટલે કે ખૂબ મઝામાં છીએ. અને ધ્રુવદાદાના સૌને ખૂબ ગમતા ગીતનું સર્જન થાય છે.

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?

આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ

એકલી ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે

આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે. 

ધ્રુવદાદાનું આ ખૂબ વખણાએલું અને સૌનાં ખૂબ ગમતા ગીતમાં દાદા કહેવા માંગે છે ,આપણી પાસે પ્રભુની કૃપાથી બધુંજ હોવા છતાં કોઈ પૂછે કે ,કેમછો ? તો આપણને અનેક ફરિયાદો હોય છે. આ આદિવાસી ખેડૂત પાસે ફાટેલા કપડાં ,માથે ધગધગતો તપેલો સૂરજ, કાળીમજૂરીને અંતે પરાણે મળતો રોટલો અને રહેવા માટે નાની ઝૂંપડી છે,પણ છતાં એ કેટલો આનંદસભર જિંદગી જીવી ,પોતે રસ્તે જનારને પણ પોતાનો સાવ અંગત હોય તેમ ‘બાપા ,હાકલા છીએ ‘ તેમ કહે છે. જિંદગી કેમ જીવવી જોઈએ ,ફરિયાદ વગર મોજથી ,તે આ નાના માણસ પાસેથી શીખવાનું છે.તે તો દરિયા પાસે રહી દરિયાની જેમ જ હિલ્લોળા લેતો પોતાનું જીવન ગુજારે છે.

તેણે તો તેનાં ફાટેલા ખિસ્સામાં પણ પોતાની મોજને સાચવીને મૂકી છે.તેની પાસે કોઈ કિંમતી ખજાનો નથી પણ તેના આનંદ અને મનની મોજનો ખજાનો કિંમતી દરદાગીના અને પૈસાથી પણ વધારે છે.એની ભીતરની મોજ એટલી મોટી છે કે તેને પેટી પણ નાની પડે.એ એના ,અંદરનાં આનંદથી એટલો છલોછલ છે ,એટલે રસ્તે જતાં આવતાં લોકો પણ તેને પોતાનાં લાગે છે, એને ક્યારેય એકલાપણું લાગતું નથી. આનંદથી હર્યોભર્યો આ દૂબળો, હંમેશા મેળામાં ફરતો હોય તેવો આનંદ અનુભવે છે. આને ક્યાં જવાની જરૂર છે હિમાલયમાં તપ કરવા કે શાસ્ત્રોને વાંચવાંની!

અને આ મસ્તમૌલા આદમીને જોઈ ધ્રુવદાદા આગળ ગાય છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,

વધઘટનો કાંઠાંઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,

સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે

આપણે તો કહીએ કે દરિયા -શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

જીવનની કઠિનાઈઓ સાથે જીવતાં આ નિર્મળ હ્રદયનાં લોકોનાં જીવનમાં આંખમાં પાણી આવી જાય એટલી મુશ્કેલીઓ આવે છે પણ તેની સામે તેઓ ઝઝૂમે છે .પણ તેમની ભીતર રહેલી પ્રેમની ,લાગણીની,દરેક માનવને,સૃષ્ટિનાં સર્જનને અને તેના થકી પરમને ચાહવાની ભીનાશ ઓછી નથી થતી.દરિયાની ભરતી ઓટ ની ચિંતા કિનારાને કરવી હોય તો કરે, દરિયો તો તેની જરાયે પરવા કરતો નથી. એવીરીતે દરિયા કિનારે

વસતાં માનવીઓ પણ સૂરજ આથમે કે ઊગે,સુખ દુ:ખ આવે અને જાય પરતું આકાશની જેમ અડગ રહી તેમનો જીવન જીવવાનો સિધ્ધાંત અને સરળતા ,નિખાલસતા અને પ્રેમને એમનેમ રાખીને મોજમાં જીવે છે.તેમજ દરિયાશી મોજને પણ કુદરતની રહેમ સમજે છે.

ધ્રુવદાદાનું આ ગીત દુનિયાનાં દરેકે દરેક માનવીને કેટલી મોટી શીખ આપી જાય છે?આપણે માત્ર ને માત્ર આ ગીતને યાદ રાખીને જીવીએ તો પણ હંમેશા ખુશી અને આનંદથી દરિયા શી મોજમાં જીવી શકીએ.

જિગીષા દિલીપ

૨૨મી માર્ચ ૨૦૨૨

વિસ્તૃતિ શ્રેણી… ૭        જયશ્રી પટેલ. 

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679
      શરદબાબુની લઘુનવલકથામાંની એક અન્ય કરૂણ નવલકથા “વિરાજ વહુ” જેના વિશે કહેતા ગર્વ થાય છે કે ૧૯૫૪માં બિમલ રૉયના દિર્ગશનમાં હિન્દી સિનેમા આવી તેમાં અભિભટ્ટાચાર્ય અને સુંદર અભિનેત્રી કામિની કૌશલ, શકુંતલા પરાંજપે, પ્રાણ જેવા પાત્રોએ સુંદર ન્યાય આપ્યો .બંગાળી ફિલ્મ બની ૧૯૭૨માં ઉત્તમ કલાકારો ઉત્તમ કુમાર અને માધવી મુખર્જી, બિકાસ રોય, અનુપકુમાર વગેરે લઈને મનુસેન આવ્યા. ગુજરાતી લેખક શિવકુમાર જોશી એ આ નવલકથાનું નાટ્યમાં રૂપાંતર કર્યું.
         અહીં વિરાજ વહુનું મુખ્ય પાત્ર વિરાજ પોતે છે. આપણે જાણીએ છીએ શરદબાબુના સ્ત્રી પાત્રો બંને પ્રકારના હોય છે. પવિત્ર પાવન અને લાંછન યુક્ત સ્ત્રીઓ .અહીં આ નવલકથામાં વિરાજ વહુ એટલી પવિત્ર છે કે તેનાથી નાની વહુ તેના પગલેને તેની પ્રણાલીથી જીવવા માંગે છે, તો સુંદરીનું પાત્ર પૂરેપૂરૂ લાંછન યુક્ત છે .તે જમીનદાર અને ગામના દરેક પુરુષ ને લલચાવી લે છે અને તેઓના ચંદ રૂપિયાથી પોતાનું જીવન જીવે છે.
      મિત્રો ,આ વાર્તા બંગાળના હુગલી જીલ્લાના  સંતગ્રામ નામે ગામની આસપાસ ફરે છે .બે ભાઈઓ નીલાંબર ચક્રવર્તી અને પીતાંબર ચક્રવર્તીના પરિવારની છે .જેમાં બન્નેની પત્નીઓ વિરાજ અને મોહિનીનો પણ સમાવેશ છે ,
તો સાથે બન્નેની નાની બહેન  હરિમતિ એટલે કીકી પણ કુટુંબનો હિસ્સો હતી .હસી ખુશી સંયુક્ત કુટુંબ જીવતું હતું નીલાંબર ઓછા બોલો  અને સરળ સ્વભાવનો હતો. પારકાના દુ:ખે દુ:ખી થનારો અને કોઈપણ સંજોગોમાં ગામના નાના મોટા જાત-પાતના વિરોધ વિના પ્રસંગો સાચવનાર વ્યક્તિ હતો. તેના વ્યક્તિત્વમાં ભક્તિ જ ભક્તિ હતી ,ક્યાંય કપટ નહોતું. શરીરે શોષ્ટવે  તે ખૂબ ઊંચો ગૌરવાન સશક્ત હતો .ફક્ત એક બૂરી આદત પડી ગઈ હતી નશાખોરી અને તે પણ ભાંગનું સેવન કરતો હતો .ભાન ભૂલી જતો ન બોલવાનું બોલી નાંખતો એકવાર સતીવ્રતા પત્નીને છુટ્ટો ડાબડો મારી ને ઘાયલ કરી નાખી હતી .પત્ની વિરાજને બેહદ ચાહતો હતો. તેમાં વાસના નહોતી .તે બન્ને નાનપણથી જ પરણ્યા ત્યારથી એકબીજાના પૂરક હતા .ગામવાસીઓને તેના માટે અંધશ્રધ્ધા હતી.
        પીતામ્બર ભાઈથી  સાવ જ જુદી માટીનો હતો. તે દેખાવે પણ ઠીંગણો અને પાતળો હતો. કોઈ મૃત્યુ પામે તો પણ જાણે તે ડરી જતો .મોટા ભાઈની જેમ મૂર્ખ નહોતો. મૂર્ખાઈને તો પાસે પણ ઢૂકવા દેતો નહીં. સવારના પહોરમાં ભાત ખાય દફ્તર બગલમાં ઘાલી હુગલી અદાલતની આથમણી કોરે એક ઝાડ નીચે બેસી લખાણપટ્ટી કરી થોડું ઘણું કમાઈ લેતો. ઘરે પહોંચી કમાયેલા રૂપિયા પેટીમાં સંભાળીને મૂકી દેતો રાતનાં ઘરનાં બારી-બારણાં બંધ કર્યા છે કે નહીં તેની ખાતરી કરી જ સૂતો ,કંજૂસ હતો ખર્ચા તેને પસંદ ન હતા .

      હરિમતિ(કીકી) તેઓની નાની બહેન હતી ઘરમાં કૂદતી ફરતી રહેતી ,ભાઈને ભાભીની  ફરિયાદ કરતી રહેતી અને ભાઈ નિલાંબરના લાડ પામતી રહેતી.

        વિરાજ વહુ મોટી હતી તેને માટે પતિ ભક્તિ ખૂબ જ મહત્વની હતી .તેના ચરિત્ર માટે ગામની વહુ વારુઓને ખૂબ જ માન હતું.તે ભારતીય નારીઓ, સતીસાવિત્રીથી એ કંઇ કમ ન હતી .તેને તેના સતીત્વ પર ખૂબ જ ગર્વ હતો તે દ્રઢતાપૂર્વક માનતી કે પોતે પણ સતી સાવિત્રી જેટલી જ પવિત્ર છે. કેટલીય વાર વાંચક જયારે વિરાજ વહુ વાંચવા બેસે તો તેને લાગે કે આ વિરાજ વહુનું દુઃખ જરા પણ ઓછું થાય તો સારું .પતિને પરમેશ્વરની જેમ નાનપણથી ચાહતી પણ પતિ ભક્તિને લીધે તે મોટી થાપ ખાઈ ગઈ હતી. મોહિની તેના પતિથી ધરતી પર પોતાની જેઠાણી જેટલું મહત્વ મળે તેવી તેના ચરણોમાં રહી આશિષ માંગતી. અણીના સમયે પતિથી ડરી છુપાઈને પોતાના વિચારથી પોતાના પિયરથી મળેલી માળા જેઠાણીને ચરણે ધરી દીધી હતી.
        હરિમતિ દિવસે દિવસે મોટી થતી ગઈ, તેના વિવાહ જેની સાથે થયેલ તેની સાથે લગ્ન નક્કી કરતા નીલામ્બર બહેનના સાસરીવાળાની બધી માંગ પૂરી કરવાનું વચન આપી પાછો ફરતા પીતાંબર આ વાત સાંભળી મોં  ફેરવી લે છે ,જે એના સ્વભાવમાં હતું નિલાંબર પાસે ભાગ માંગી લઇ , ઘરની વચ્ચે દીવાલ ચણાવી દેતા આ નિલાંબર સહી શકતો નથી. પોતાના હિસાબની બધી જમીન વિરાજનાં દરદાગિના બધું વેંચીસાટી બહેનને સાસરે વિદાય  કરી .જમાઈને ભણવાનો ખર્ચો પણ પૂરો પાડ્યો .જુઓ પોતાની વહાલીબેન પાછળ નીલામ્બરનો ત્યાગ એટલો છે કે હવે ઘરમાં ખાવાના ફાંફાં પડવા લાગ્યાં,આખરે હસતું રમતું જોડું દુઃખનાં પહાડ નીચે જીવવા લાગ્યું બન્ને પતિ-પત્ની અતિ પ્રેમ હોવા છતાં તણાવમાં જીવવા લાગ્યાં .એકબીજાની સામે આપવાનું ટાળવા લાગ્યાં વિરાટ ઘરમાં જ પૂરાઈ રહેવા લાગી .સુંદરી જે ઘરની દાસી હતી તેનાથી આ જોવાતું નથી .વિરાજનું રૂપ અસાધારણ હતું .તેના રૂપનો દિવાનો નદીને સામે પાર એક જમીનદાર રહેતો હતો, નામ રાજેન્દ્ર વારંવાર તે સામે આવી જતો એકવાર વિરાજને નાની વહુ વહેલી સવારે પાણી લેવા ગયાં તે ત્યારે પણ હાજર હતો. વિરાજને પોતાના પતિ પર   વિશ્વાસ હતો તેથી ત્યાં જ ઉભી ઉભી તેને ખખડાવી નાખ્યો. આ દ્રશ્ય પીતામ્બરે જોયું .તે તેને નાની વહુને મારવા લાગ્યો ને વિરાજ માટે ગમે તેમ બોલ્યો છતાં નીલામ્બરે એ રાત્રે વિરાજને પોતાની પાસે ખેંચી વહાલ જ વરસાવ્યું હતું.ત્યારે તેણે કોઈ શંકા ના કરી .
         આ વાતને સમય વીત્યો પણ ખાવાના ફાંફાંને કારણે વિરાજ એકવાર ચમાર તુલસી ને ત્યાં જાડા ચોખા માંગવા ગઈ  શરમ મૂકી ગઈ હતી .વિરાજનાં મેહેણાંથી થાકી નીલામ્બર ભૂખ્યો-તરસ્યો ત્રણ દિવસ સુધી ઘરે નહોતો આવ્યો, ત્રણ દિવસથી વિરાટ પણ ભૂખી તરસી હતી . તે જ દિવસે નીલામ્બર નશામાં ગમે તેમ બોલ્યો અને પાન નો ડબ્બો તેના માથા પર ઝીંકી દીધો ,તેણી લોહીલુહાણ થઈ ગઈ .પોતાના આત્મસન્માનને ઠેસ પહોંચતાં ,એ સ્ત્રી જાઉં છું કહી નીકળી પડી. પોતાના જ હાથ-પગ પાલવને સાડીના છેડે બાંધી તેણી નદીમાં ઝંપલાવી દેવાનું વિચારે છે, પણ વિચાર બદલતા સુંદરી પાસે ગઈ. જુઓ ક્રોધ શું કરાવે છે?  
          નીલામ્બર અને નશો ઉતર્યો પછી જાણ થઈ કે વિરાટ તો તે રાત્રે લક્ષ્મી ને ત્યાં ચોખા લેવા ગઈ હતી પોતે શંકા કરી લાંછન લગાડયું અને તે પત્નીને ઓળખતો હતો તે અભિમાની હતી, તે કોઈનો પણ આશરો માંગે તેવી નહોતી. સુંદરી પાસે જાણ્યું તે રાત્રે તેને તે નાવડીમાં રાજેન્દ્ર પાસે છોડી આવી હતી .આ વાત નાની  વહુને જરા પણ પચી નહોતી .

      પીતામ્બર પણ પોતાના કર્મે સાપ કરડવાથી મૃત્યુ પામ્યો .નાની વહુ નીલામ્બરનું  બધું જ કામ કરતી ,બાબા કહેતી હતી .કીકી તેના સસરા તેના ફોઈજીનાં મૃત્યુ પછી સુખ પામી હતી .તે ગામમાં ભાઈઓ પાસે આવી ત્યારે તેણે કુટુંબ વેરવિખેર પોતાને કારણે થયેલું જોયું, તો તેણે મોટા ભાઈને લઈ પશ્ચિમ તરફ ફરવા જવાનું નક્કી કર્યું ,પણ નાની વહુ પોતાની દીદીની રાહ જોતી જ ગામમાં રહી ગઈ. જુઓ અહીં દેરાણીની જેઠાણી પ્રત્યેની અસીમ શ્રધ્ધાનાં દર્શન થાય છે, વાંચકવર્ગને.
        તે રાત્રે તેણી ખરેખર રાજેન્દ્ર પાસે ગઈ હતી પણ સતી સ્ત્રી શરીરને  રાજેન્દ્રને અડવા પણ ન દેતા નદીમાં કૂદી પડી. રાજેન્દ્ર કલકત્તા તરફ ભાગી ગયો આ વાતને પંદર  મહિનાથી વધુ પસાર થઈ જતાં નીલામ્બર પત્ની ને માફ કરી ચૂક્યો હતો .વિરાજ જ્યારે ભાનમાં આવી ત્યારે એક હાથ અને આંખે કાણી થઇ ચૂકી હતી. સાજી થતાં હુગલી છોડી દઈ દરદર  ભટકતી ભીખ માંગતી અને
ભીખારણની જેમ રહેતી હતી .

       આ બાજુ હરિમતિ મોટાભાઈને ઠેરઠેર જાત્રાએ કરાવી રહી હતી.  ત્યાં જગન્નાથથી વિરાજ પણ ઘર તરફ પ્રયાણ કરી રહી હતી, ઘરે જવાના વિચારથી તે સ્ફૂર્તિમાં આવી જતી ,પણ ધીરે-ધીરે વધુને વધુ કૃશ શરીર સાથ નથી આપતું. દામોદરના આ કાંઠે આવ્યા પછી તો તે હવે રસ્તામાં પડી રહેતી. કીકી અને નીલામ્બર પણ તારકેશ્વર પહોંચ્યા હતા. એ સાંજના વિરાજનાં મોઢામાંથી લોહી નીકળતું હતું .જ્યારે બેડોળ કૃશ શરીરને કારણે ભીખારણ સમજી બધાં તેની તરફ દયા બતાવતા. તે રસ્તે નલામ્બર ને કીકી ચાલી આવતા હતાં અને ભીખારણનો હાથ એક માનવના પગ તળે કચડાયો વેદનાથી એકદમ  ચીસ સંભળાય તે માણસ ઊભો રહ્યો અને બોલ્યો ,”અરરર! તમે પણ આમ રસ્તામાં સૂતા છો ?મારી મોટી ભૂલ થઈ ગઈ ,બહુ વાગ્યું તો નથી ?” અને અવાજ સાંભળી વિરાજે મોઢા પરથી કપડું હટાવ્યું અને પેલો માણસ તની તરફ  ઝૂકી જોઈને ચાલ્યો ગયો. સાંજ પડીને નિલામ્બરે કીકીને તે ભીખારણ પાસે મોકલી . તેણી તે સ્ત્રીના હાસ્ય પરથી ઓળખી. તેની ભાભી વિરાજ જ હતી. જુઓ મિત્રો ,ક્યાં અને કેવો મિલાપ? તેને નિલામ્બર ઉંચકી પોતાની ઓરડી પર લઈ આવ્યો. તેણી ઘરે જવાની જીદ કરતી હતી .તે બડબડાટ કરતી રહી. બધાં જ બકવાટમાં  તેણી તેની પવિત્રતા જાહેર કરતી હતી. નાની વહુ પણ આવી ગઈ. તેને સમજાવવામાં આવી  દવાદારૂ  માટે પણ તે પવિત્ર સ્ત્રીને મન દવાદારૂ તો નિલામ્બરના ચરણોમાં મૃત્યુ પામવું એ જ હતું. ખૂબ આસક્ત થયેલ તેણી અંતિમ ક્ષણોમાં સુંદરીને માફ કરવાની ઈચ્છા વ્યક્ત કરવા લાગી. પતિની ક્ષમા માંગી બીજા જન્મમાં તેની અને તેના કુટુંબમાં જન્મવાની વાત કરતી રહી . સવારના સૂર્યોદયના સમયે બધો જ બક્વાસ દબાવી દેતો શ્વાસ વધ્યો અને પતિના ખોળામાં અંતિમ શ્વાસ લઇ તે દુ:ખિયારીનાં પોતાના દુઃખનો અંત આવી ગયો .
          વિરાજ વહુ અસાધારણ રૂપવતી સ્ત્રી પોતાનું અપમાન પતિ દ્વારા ન સહન કરી શકી અને જીવનના અંતિમ વર્ષો અને અંતિમ પણ કેવા દુઃખમય ! આ સ્ત્રીનું દુ:ખ જોય  વાંચક ચોધાર આંસુએ રડે છે. એટલું જ કહીશ પોતાનાં ચારિત્ર્યનું અપમાન થાય તે સહન કરવું એ નાનીસૂની શક્તિ નથી .

        મિત્રો શરદબાબુની કરૂણાંતક કથાનો આ બીજો ઉત્કૃષ્ટ નમૂનો એટલે “વિરાજ વહુ” નવલકથા અને વાંચક વારંવાર વિનંતી કરે છે આ સ્ત્રીનાં જીવનમાં દુઃખ નો અંત ક્યારે અને કેમ આવશે ?

  આમ બધાં જ પાત્રોનો ઝીણવટથી આપણે આસ્વાદ માણ્યો ફરી આવતા અંકે નવી જ કથાવાર્તા લઈને આવીશ.

અસ્તુ.
જયશ્રી પટેલ

સંસ્પર્શ-૭

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,
અકૂપારમાં ડોકિયું કરી આપણે ગીરનાં લોકોનાં હ્રદયની સરળતા,સહજતાને પારદર્શીતાને માણી,તેમની બોલીની મીઠાશને અને ગીરની મહેમાનગતિ માણી અને સૌથી વધુ આખું ગીર જાણે એક જ કુંટુંબનું બનેલું હોય તેવું માણસોનું એકબીજા સાથેનું ,તેમજ ગીરની પ્રકૃતિ સાથેનું,સાવજ,રોઝડા,ગિરવણ ગાયો ,ભેંસોં સાથેનું અનોખું જોડાણ પણ આપણને જીવન જીવવાની જાણે નવી રીત શીખવી ગયું.આપણે પણ આ જગતને “વસુધૈવ કુટુંમ્બકમ્” ની ભાવનાથી જોતાં શીખીv જઈએ તો આ યુધ્ધો,વેરઝેર સૌ શમી જાય અને સર્વત્ર શાંતિ ફેલાઈ જાય.
 
ચાલો ,હવે આપણી યાત્રા આગળ વધારીએ દરિયા સાથે. હા ,વાત કરીએ સમુદ્રાન્તિકેની.
સમુદ્રાન્તિકે એટલે સમુદ્રકિનારે વસતાં લોકોની અને અગાધ,અફાટ ,નિત્ય નવીન દેખાતો,મોજ કરતો અને મોજ કરાવતો ધ્રુવદાદાનાં પ્રિય દરિયા વિશેની.ધ્રુવદાદાનું બાળપણ જાફરાબાદનાં દરિયા કિનારે થોડો સમય વિતેલું. અને દાદાને દરિયો ખૂબ ગમે. એકવાર તે તેમના પિતા સાથે દરિયા કિનારે ચાલતા ,ચાલતા જતા હતા અને બાળક ધ્રુવે વિસ્મય સાથે તેમના પિતાને પૂછ્યું કે ,પપ્પા ,આમ ચાલતા ચાલતા આગળ ચાલ્યે જ જઈએ તો ક્યાં પહોંચાય?તેમના પિતાએ કહ્યું કે એ તો જઈએ તો ખબર પડે! અને આ જઈએ તો ખબર પડે તેમાંથી જ ક્યાંક આ શરુ થઈ દરિયા કિનારાની ધ્રુવદાદાની સફર.
 
તેમણે તેમની દરિયા કિનારે ,દરિયાને માણતાં માણતાં ,દરિયા પાસેથી,દરિયા કિનારાનાં લોકો પાસેથી તે જે કંઈ શીખ્યા અને તે અનુભવની વાત એટલે સમુદ્રાન્તિકે.મિત્રો સાથે ,તેમણે પ્રથમ જાફરાબાદથી પૂર્વ તરફ ગોપનાથ અને તેની વિરુધ્ધ દિશામાં પશ્ચિમ તરફ દીવ,સોમનાથ,ચોરવાડ,પોરબંદર,હર્ષદ,દ્વારકા સુધી તેમણે પ્રવાસ કર્યો .તેમની પ્રવાસની શરત એ રહેતી કે ખડકો અને કાદવ ન હોય ત્યાં સમુદ્ર અને કિનારો ભેગા થતાં હોય એ સ્થળે ચાલવું , રાત્રે જ્યાં પહોંચાય ત્યાં રોકાવું અને જે મળે તેનાથી ચલાવી લેવું.સમુદ્રાન્તિકેમાં દરિયો કથાનું પાત્ર કહો તો પાત્ર અને પૃષ્ઠભૂમિ કહો પૃષ્ઠભૂ છે.અને દરિયાની સાથે ચાલતા ધ્રુવદાદા તેમને દરિયા સાથે રહી શું અનુભવાય છે ?તેનું સુંદર ગીત પણ ગાયું છે, તો ચાલો સંભળાવું દરિયાનું ગીત.
 
દરિયાની કોઈ વાત વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
ઘર ઘર સચવાઈ હોય નોખી નોખી ને તોયે દરિયાની જાત એક પાકી.
 
કોઈ કહે મોજામાં આવે તે વેદના તો કોઈ ગણે ઊભરાતી મોજ.
દરિયો દિલદાર તમે માનો તે સાચ કહી આવતો રહેશે રોજ રોજ.
પીર છે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
 
દરેક માનવ પોતાના મનનાં પ્રતિબિંબની જેમ પ્રકૃતિને નિહાળે છે. દરિયાનાં મોજાંને ઉછળતું ,કૂદતું કિનારા તરફ આવી રહેલું જોઈને કોઈક દુ:ખીયારાને દરિયો પોતાની વેદના ઉલેચતો ખારું ફીણ ઓકી રહેતો લાગે છે,તો મનમોજી ઇન્સાનને દરિયામાં મોજ ઊભરાતી દેખાય છે.આપણા ધ્રુવદાદાનાં પેલા ઓચિંતા મળેલા માણસને જીવનમાં લાગે છે તેવી.ધ્રુવદાદાને દરિયાની એટલે કે દરિયા કિનારે વસતાં લોકોની કોઈ વાત સામાન્ય વાયકા નહીં પણ દરેક વાત સાચી લાગે છે……
 
સમુદ્રાન્તિકેની વાત ટાંકીને કહું તો,તેનો નાયક એક સરકારી ઓફીસરના પરિવેશમાં ,કેમિકલની ફેક્ટરી કરવા દરિયા કિનારે જમીન જોવા આવ્યો છે અને મહાનગરની સભ્યતા નિભાવતો ,નાનકડી બાળકી જાનકીને તેની નાની અમથી વાડીનાં કૂવા પરની ડોલ ,પાણી કાઢવાં લેવા પૂછે છે કે “બહેન,તારી ડોલ લઉં?”અને એ દરિયાપાટની સભ્યતા સમજાવતી ન હોય તેમ જાનકી બોલે છે ,” તે લૈ લે ને ,આંય તને કોઈ ના નો પાડે.”અને એ બાળકીનાં તુંકારામાં નાયક તેની પદવી,તેની શહેરી સભ્યતા,કેળવણી બધું ભૂલી ,જાણે ઘોડિયે સૂતેલા બાળક જેવો બની જાય છે.નાયક રૂપે રહેલા ધ્રુવદાદા સમગ્ર ચેતનામાંથી મુક્ત ,નિર્બંધ બની વાડીનાં લીલાંછમ પર્ણોની લીલાશમાં ભળી લીલોછમ્મ આનંદ મનભરી માણે છે.કૂવામાંથી કાઢેલા પાણી જેવા પાણીનું દર્શન અને સ્પર્શમાં પણ તેમને કોઈ અલૌકિક સુખ અનુભવાય છે.
 
જ્યારે મહેમાન નાયકનાં જાનકીની મા દુ:ખણાં લે છે ત્યારે દરિયાપાટનાં ,આ અત્યંત ગરીબ પણ દિલનાં અમીર લોકોની શહેરનાં લોકો સાથે સરખામણી કરતાં ધ્રુવદાદા તેમનાં હ્રદયની પ્રેમ નીતરતી સચ્ચાઈ પર વારી જાય છે. જેની સાથે કોઈ લેવાદેવા નથી એવી વ્યક્તિનાં દુ:ખ પણ દુ:ખણા લઈ પોતાને શીરે લઈ લેતાં આ માનવીઓની માનવતાથી દાદા પ્રભાવિત થઈ તેમનાં હ્રદયની ભાવના પર ઓવારી જાય છે.અને તેમના મુખમાંથી ગીત સરી પડે છે…..દરિયાની વાત કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
આગળ ધ્રુવદાદા ગાય છે,”પીર કહે કે પથ્થર તે ભીતરની વાત જેને આવડે તે જાણી લે આખી.”
પથ્થરમાં પીર કે ભગવાન જોનાર માણસ પણ એ ભગવાનને પોતાની ભીતર જોતાં શીખી લે છે ત્યારે તે જીવનની સચ્ચાઈને જાણી લે છે.આમ દરિયા સાથે ,તેના મોજ ભરેલા મોજા સાથે એકમેક બની દાદા તેમનાં જીવનચિંતન ,મનનનાં હિલોળાં લે છે તેમાં અદીઠ , અગમ્ય અનાહતનો અનુભવ કરી આપણને પણ તે અનુભવ કરવા પ્રેરે છે.
 
આપણે જે આજકાલ આવીને ગોત્યાં તે છીપલાંને કાંઠો કહેવાય નહીં
ખારવાના દરિયા પર આવડા ભરોસાને વારતા ગણીને રહેવાય નહીં.
દરિયો તો જુગજૂનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી.
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
 
દરિયા કિનારે રહેતાં ખારવાઓ દરિયાને દેવ ગણે છે અને તેમને તેમના દેવ પર અતૂટ વિશ્વાસ હોય છે.દાદા તે વિશ્વાસને અકબંધ રાખતાં ખૂબ સરસ વાત કરે છે. દરિયાને જૂનો જોગી કહી કહે છે.જન્માંતરથી અવિચળ,અનંત વહેતો હાજરાહજૂર દરિયો અવિનાશી છે ,આપણી આવરદા તો સાવ તેના પ્રમાણમાં ઓછી કે સાવ કાચી છે તો આ જોગંદરની બધી વાતોતો સાચી જ હોયને? ધ્રુવદાદાની સાથે આ સમુદ્રની સફર કરતાં તેમના ગીતોને સાંભળતાં આપણે પણ ચિંતનનાં દરિયે પહોંચી કોઈ મૌનની ભાષાને ઉકેલવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. સાગરની સાથે ભીતરમાં રહેલી કોઈ અનોખી સંવેદનાઓની મોજને અનુભવી ,અવિનાશી અહાલેક સાંભળી તરબતર થઈ જઈએ છીએ.દરિયો આપણને પણ સાદ કરી બોલાવતો સંભળાય છે. આપને પણ આવો અનુભવ કરવો હોય તો વાંચો તેમના પુસ્તક અને ગાઓ તેમના ગીત.
 
જિગીષા દિલીપ
૯ મી માર્ચ ૨૦૨૨
 

સંસ્પર્શ-2 જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube

ગાય તેના ગીત’ આવું નામ આપી ,ક્યારેક વાદળને વરસાદ સાથે વાત કરતાં ,તો ક્યારેક પ્રેમની પરિભાષા શીખવતા ગીત ધ્રુવદાદાએ લખ્યાં છે.ક્યારેક માછલીની આંખની ભીનાશને વર્ણવતાં,લય અને શબ્દોનાં સાયુજ્ય સાથેનાં દરિયો,ડુંગરા,અને ગાઢ જંગલોમાં અનહદનો અનાહત નાદ સંભળાવતાં ધ્રુવદાદાનાં ગીતો તેમણે ગાનારનાં કરી દીધાં છે.આજનાં કલિયુગમાં લેખકો,કવિઓ અને સાહિત્યકારો પોતાની લખેલ એક લીટી કે શબ્દ માટે પણ પોતાના નામની માંગણી કરે છે ,ત્યારે દાદાએ તો પોતાની લય સાથે વહાવેલી લાગણીઓને ગીત ગાનારાને નામે કરી દીધી છે.અને ધ્રુવદાદા તેમના ગીતો ગાનાર સાથે પ્રેમથી વહેંચતા કહે છે,
તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારા કહેવાય કઈરીતે?
 
ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં તો કેવડાં કે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ
 
જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારાં કહેવાય કઈરીતે
 
આમ ગીતને ગાનાર સૌનાં કરી દેનાર ધ્રુવદાદા પર એક દિવસ કલક્ત્તાનાં એક બાઉલનો (baul)ફોન આવ્યો કે ‘ધ્રુવદાદા મને તમારું એક ગીત મોકલો મારે તમારું ગીત ગાવું છે.’આ બાઉલને તેમણે ગીત લખીને મોકલ્યું અને બાઉલ એટલે કોણ અને તે લોકોની શરુઆત કરનાર લાલોનની સુંદર વાત દાદાએ મને કરી હતી તે કહું.
 
“બંગાળ અને કલકત્તાની એવી એક જાતિના લોકો છે જે તંત્ર,વૈષ્ણવ ,સુફીસમ,બૌધ્ધિસમ આ બધાં ધર્મોને ભેગા કરી બનાવેલ જુદા ધર્મમાં માને છે અને ગાઈ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે.આ બાઉલ લોકો ભગવા કપડાં પહેરી ભજનો પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગાય છે .આ બાઉલ શબ્દ Vtula પરથી આવ્યો છે.Vtula means Vyakula. આ બાઉલને લોકો પાગલ ગણે છે. પણ બાઉલ લોકો પોતાના ગીત-સંગીત અને ભજનોમાં મસ્ત બની ભગવાન સાથે જોડાઈ જવા માંગે છે. તેમને નાતજાત ,ધર્મનાં વાડા નથી હોતા.દાદાએ આ બાઉલ પ્રથાની શરુઆત કેવીરીતે થઈ તેની પણ વાત મને સરસ રીતે સમજાવી હતી.
 
લાલોન નામનો એક છોકરો હતો. તે તેના શેઠ સાથે કામ કરતો હતો. શેઠને જગન્નાથ પુરી જવાનું થયું તો આ લાલન પણ શેઠની પાલખી સાથે ચાલે અને શેઠને પાણી કે જે વસ્તુ જોઈએ તે લાવી આપી ,પાલખી જોડે ચાલતાં ચાલતાં શેઠની સેવા કરે. રસ્તામાં હતાં ત્યાંજ લાલોનને શીતળા નીકળ્યા એટલે શેઠ તેને રસ્તામાં છોડીને આગળ નીકળી ગયાં. લાલોનને બેભાન અવસ્થામાં જોઈ એક મુસ્લિમ દંપતી લાલોનને પોતાને ઘેર લઈ ગયાં અને તેની સેવા કરી ,તેને સાજો કર્યો. સાજા થઈ ગયાં પછી લાલોન તેના ઘેર પાછો ગયો તો તેના માતા-પિતાએ અને ગામનાં લોકોએ ‘તું વટલાઈ ગયો છે’કહી, ઘરમાંથી કાઢી મૂક્યો. લાલોનને કંઈ સમજાયું નહીં કે ‘હું કેવીરીતે વટલાઈ ગયો? ‘આ ધર્મ અને નાત-જાતનાં ભેદભાવ પર તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ગામને છેવાડે જઈ ,ફકીર બની તંબૂરા સાથે ભજન ગાઈ રહેવા લાગ્યો. આ લાલનની સાથે જે લોકો જોડાયા તે બાઉલ લોકો ગામનાં છેવાડે ભજન ગાઈને પોતાનો જીવન નિર્વાહ કરે અને આ લોકો બાઉલ તરીકે બંગાળ અને કલકત્તામાં ઓળખાય છે.આ બાઉલ ફકીરો ભગવા કપડાં પહેરી ભજનો ગાય છે અને કોઈ નાત-જાતનાં કે ધર્મનાં વાડામાં માનતા નથી.
 
જે નાતજાત અને ધર્મનાં વાડામાં પોતે પણ નથી માનતા અને પોતાનાં ગીત ગાઈને પ્રકૃતિ સાથે જોડાઈ પરમ સાથે જોડાવવાનો આનંદ લે છે,તે ધ્રુવદાદાએ આવું સરસ ગીત “અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું“બાઉલને લખીને મોકલ્યું .આ ગીત તેમનાં “ગાય તેનાં ગીત” પુસ્તક ની પ્રસ્તાવનાનું ગીત છે.
 
હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળા પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન,સત્ય,પ્રેમ,સર્જન,સેવા,શ્રધ્ધા અને આનંદનાં રંગો.આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે.ધ્રુવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે.આગળનાં શબ્દો તો જૂઓ,
 
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો
 
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ
 
પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
 
શબદ કહે તું સાતે સાંકળ તોડ
 
શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે.માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે.હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે,કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે ,નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી?સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું.એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે.પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે.બધું ભૂલી ,તમારી જાતને પણ ભૂલી ,ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન નથી શું?
 
અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું ,તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું! દાદા આપણને રસ્તો બતાવવા દીવો તો ધરશે જ.શબદને છોડી ,અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,
 
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા
 
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ
 
અમે
 
‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા
 
ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.
 
અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,
 
તું રાખ ભરોસો ખુદપર,તું શાને શોધે છે ફરીસ્તાઓ,
સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે રસ્તાઓ…..
 
આપણે ત્યાં કવિવર ટાગોરની ,શરદબાબુ અને બંકીમચંદ્રની કવિતાઓ અને વાર્તાઓનો બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયા છે અને આપણે વાંચ્યાં છે. પણ ધ્રુવદાદાનું આ ગીત
‘ અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું,માટી ફંફોસી તો મહોર્યા મોલ’
ધ્રુવદાદાએ આ બાઉલ લોકોને માટે લખીને મોકલ્યું ,જે તે લોકોએ બંગાળીમાં અનુવાદ કરીને ભાવથી ગાયું.જે તમે અહીં મૂકેલ યુ ટ્યુબમાં માણી શકશો.
 
ધ્રુવદાદાનાં ગીતો તેમણે પાઠ્યપુસ્તકનાં ઇતિહાસને ચાતરીને મનુષ્યનાં નૈસર્ગિક ઇતિહાસને સમજવા મથતાં માનવબાળને અર્પણ કર્યા છે.શબનમ વિરમાણી,વિપુલ રીખી,રાસબિહારી દેસાઈ,જન્મેજય વૈધ,ક્ષેમુભાઈ દિવેટીયા,અમર ભટ્ટ જેવા ખૂબ ઊંચાં ગજાનાં અને હવેતો નીલા ફિલ્મ્સનાં અનેક સુંદર ગાયકોએ ધ્રુવગીત ગાઈ ઘ્રુવગીતને પોતાનાં સ્વર આપી આપણા સુધી પહોંચાડ્યાં છે.
 
ધ્રુવદાદાનાં આવા જ મનને પ્રફુલ્લિત કરી મોજ કરાવતાં અને જીવનની સાચી ફિલસુફી સહજતાથી સમજાવતાં બીજા ગીતની વાત કરતાં મળીશું આવતા અંકે.
 
જિગીષા દિલીપ
૨/૨/૨૦૨૨
https://youtu.be/OyV8-g7dxUI

વિસ્તૃતિ શ્રેણી નં :૧ જયશ્રી પટેલ* 

*98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679
*મિત્રો,
હું છેલ્લે ૧૪વર્ષ પહેલાં કલકત્તાનાં એરપોર્ટ પર ઉતરી તો મારી આંખોમાં સમાયેલા એ કલકત્તાને પામી હું હર્ષાય ગઈ હતી.ઉગતી સવારે શંખનાદોનો ધ્વની અને દુર્ગાપૂજા કરવા જતી સફેદ ને લાલબોર્ડરવાળી બેંગોલી સાડી પહેરેલી સુંદર બંગાળી સ્ત્રીઓ, એ જ રસ્તા વચ્ચે દોડતી ટ્રામો અને બંગાળી બાબુઓ ને પેલી કાળી પીળી
ટેક્સીઓ , નાની ઢબનાં મકાનો ને ઘરે ઘરે તુલસી ક્યારાઓ..
હા, આ જ વર્ણન મારા પ્રિય લેખક શરદબાબુની કલમે મેં માણ્યું ને જાણ્યું ને વાંચ્યું છે આ બધું તાજું થઈ ગયું.
મિત્રો શરદબાબુ મારા પ્રિય લેખક છે. તેમનો પરિચય આપું ,તો તેઓનો જન્મ બંગાળના એક નાનકડાં ગામ દેવાનંદપુરમાં બ્રાહ્મણ કુટુંબ મોતીલાલ ચટ્ટોપાધ્યાયને ત્યાં ૧૫ સપ્ટેમ્બર ૧૮૭૬માં થયો હતો.માતા ભુવનદેવી
ગાંગુલી પરિવારમાંથી હતાં.નાની ઉમ્મરે માતા પિતાની છત્રછાયા ગુમાવવાને કારણે ગરીબાઈ ગળે વળગી, તેને કારણે આગળ અભ્યાસ પણ ન કરી શક્યા.અપૂર્ણ અભ્યાસને કારણે જાત જાતની નોકરી કરી પણ સિમિત વેતનમાં જ જીવન વિતાવવું પડ્યું. આખી જિંદગી બાબુ બનીને જ જીવ્યાં.

મિત્રો,સાહિત્ય, તેમને પિતા તરફથી વારસામાં મળ્યું હતું. પોતે લધુતા ગ્રંથિનાં ભાવથી પીડાતાં હતા.તેને કારણે પ્રથમ વાર્તા” મંદિર” મામાના નામે લખી અને સ્પર્ધામાં તે પ્રથમ પુરસ્કાર પામી.ત્યારબાદ તેઓ પોતાના નામે વાર્તાઓ લખતા થયાં.પેટિયું રળવા બર્મા ગયા, ત્યાં રેલ્વેમાં કારકુનની નોકરી શરૂ કરી.તેઓ કહેતાં કે વતનમાં ૧૦૦ રૂપિયાની નોકરી મળે તો તેઓ પાછાં ફરે.કલકત્તા પાછા ફરવાનું કારણ તેમની વાર્તાઓ જ હતી.

ગરીબાઈએ તેમને કેટલાંય ટંક ભૂખ્યા રહેતા શીખવી દીધું. ભૂખે જ તેમને લખતા કરી દીધાં. એક સમય આર્થિક સંકડાશને કારણે પોતાની નવલકથાઓ પ્રકાશકને ૩૦૦રૂપિયામાં વેંચી હતી.છતા એ જ ગરીબાઈએ તેમને કલમના બાદશાહ બનાવી દીધાં.
મિત્રો, વિચારો આજથી એકસોને છેત્તલીસ વર્ષ પહેલાંના સમયની કલ્પના કરી શકો છો? જ્યાં હજુ અંગ્રેજોનું રાજ હતું! ત્યારની ભારતીય નારીની કલ્પના કરીએ તો શું વિચારો તમને સ્ફૂરે ? સ્ફૂરે તો શું લખો? એવા સમયે શરદબાબુની કલમે પરણિતાની વાર્તામાં લલિતાનો જન્મ થયો હતો. તેઓએ સ્ત્રીઓને અદ્ભૂત રીતે આલેખી ,પરંતુ સ્ત્રીઓનું સુખ પોતાના જીવનમાં ન પામી શક્યા.તેમના જીવનમાં બે પત્ની આવી . પહેલી પત્ની પ્લેગમાં મૃત્યું પામ્યાં, બીજી પત્ની તેમની સાહિત્યની કલમને ન ઓળખી શક્યા.
દૈનિકપત્રમાં હપ્તાવાર આવતી વાર્તા “બડીદીદી” નવલકથા વાંચ્યા પછી ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે તેમની સરાહના કરીને કહ્યું કે”આના જેવો બીજો લેખક નથી” આ શબ્દો શરદબાબુના પ્રેરણા સ્ત્રોત બની ગયાં. ગુરુવર્ય રવીન્દ્રનાથ ટગોર તેમના સાહિત્ય ગુરુ જો હતા! સાદગી, નમ્રતા અને સહજતા તેમનું સબળું પાસું હતું. ગુરુવર્યની સરાહનાથી હિમ્મત વધી લઘુતાગ્રંથીની ભાવના છૂટી અને ધીરે ધીરે હથોટી બેસતાં મોટા લેખકોમાં તેમની ગણત્રી થવા લાગી.
મિત્રો, પછી તો કલમ એવી ઉપડી કે હપ્તાવાર વાર્તાઓ છપાતી રહી. તેમની નવલકથાઓઓ અને વાર્તાઓ પરથી નાટકો, સિનેમાઓ બન્યાં. તેમના નામનો ડંકો દેશ વિદેશમાં લાગ્યો.તેમની રચનાઓનો દરેક ભાષામાં અનુવાદ થયા. અરે! તેમની અલગ ને નોખી વિચારશરણીથી શરદબાબુને ચાહનારા બે પક્ષ ઊભા થયાં. એક વર્ગ તેમને આંખ મીંચી ચાહતો ને બીજો વર્ગ કહેતો કે તેમના ઘૃણા યુક્ત પાત્રો જ વાંચક વર્ગને જકડી રાખે છે.એક ચાહ ઊભી કરે છે.
મિત્રો, સત્ય એ જ છે કે મારી આંખોમાં પણ કલકત્તાનાં બંગાળી જીવનની આબેહૂબ છબી તેમણે જ ઊભી કરી હતી. હું તેમને વાંચતી ત્યારે બંગાળની સામાજિક વ્યવસ્થા મારી નજરો સમક્ષ ઊભી થઈ જતી.
મારા માટે શરદબાબુ સંવેદના અને લાગણીનાં વાહક હતા.મારા જીવનમાં તેમની ૨૫ નવલકથાઓનું અને ૭ કથા સંગ્રહોનું એક અજબ આકર્ષણ હતું ને રહેશે.
મિત્રો, મારી જ વાત કરું તો, મારા લગ્નની પહેલી તિથિએ મેં મારા મિત્ર સમાન પતિદેવ મિલન પાસે ભેટ સ્વરૂપે શરદ ગ્રંથાવલીનાં સેટની માંગણી કરી હતી. તેમને જરૂર થયું હશે દર દાગિનાં નહિને પુસ્તકની માંગ એમ કેમ? પણ મને શરદબાબુનો તેમની ઉત્કૃષ્ટ કલમનો ગજબ લગાવ હતો. મારે મન તે જણસોથી વધું પ્રિય હતાં, કારણ હું પણ સાહિત્ય પ્રેમી છું. તેના માટે મારાં માતા પિતાની ઋણી છું તેમણે મને નાનપણથી દરેક ભાષાનાં લેખકોનો પરિચય કરાવ્યો હતો.
મિત્રો, ચાલો મારી આ શ્રેણીમાં આગળ આપણે શરદબાબુની સાહિત્યકૃતિઓની વિસ્તૃતિ કરીશું અને માણીશું. મારા લખાણમાં તેમની કલમનું જાણતાં અજાણતાં પણ હું અપમાન ન કરું એવી ભાવના સાથે મળશું આવતા અંકે.
અસ્તુ.
જયશ્રી પટેલ.
૩૦/૧/૨૨

 

એક સિક્કો બે બાજુ: આવજો !


આ આપણી ગુજરાતી ભાષા પણ અજબ છે ! જનાર વ્યક્તિ ને આપણે વિદાય પણ કેવી રીતે આપીએ ? આવજો !
આવજો ? જેમાં છૂટાં પડ્યાં પછી પણ પાછાં મળવાનો ભાવ રહ્યો છે !
છેલ્લાં ચાર વર્ષથી બેઠક ના બ્લોગ પર પ્રત્યેક મંગળવારે મારો એક લેખ તમે વાંચ્યો છે .
શરૂઆત થઇ ; “ આવું કેમ ?” એ વિચાર ધારાથી .ધનતેરસનો એ દિવસ હતો ; વર્ષ હતું ૨૦૧૭! દર અઠવાડીએ વિવિધ વિષયો ઉપર આવું કેમ ? એ પ્રશ્ન સાથે આપણાં વાચક અને લેખકના સબંધો શરૂ થયા .
ને એના પુરા ૫૧ લેખ બાદ બીજે વર્ષે લખવાનું શરૂ કર્યું ‘ત્યાં સુધીમાં અમારું શિકાગોથી કેલિફોર્નિયા તરફનું પ્રયાણ પણ શરૂ થઇ ગયું હતું . સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલ્સ વચ્ચે બિઝનેસમાંથી નિવૃત્તિ લઈને અમે લોસએન્જલ્સમાં સ્થાયી થવાનું નક્કી કર્યું .. બાળકો સાથેના મારા ત્રણ દાયકાના અનુભવોને “વાત્સલ્યની વેલી’ એ કોલમમાં લખીને .વાગોળવાની પણ મઝા આવી ને સાથે સાથે સૌ સાહિત્ય રસિક મિત્રો સાથે એની ચર્ચા કરવાનો સમય પણ મળ્યો , જે ત્રીસ વર્ષ બાળકો સાથે કામ કર્યું ત્યારે એક પણ વાર એવો સમય પ્રાપ્ત થયો નહોતો !!પ્રવવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે એટલો જ ફેર છે : ને એટલે જ કહે છે ને કે જીવનમાં પૂર્ણ વિરામ આવે તે પહેલાં થોડાં અલ્પ વિરામો પણ આવવા દો !!
ને પછી ગયા વર્ષે તો શુદ્ધ ગુજરાતી સાહિત્યનો જ એક વિષય લખવા માટે નક્કી કર્યો ! હાં રે દોસ્ત હાલો અમારે દેશ ! જેમાં સૌરાષ્ટ્રની વાતો કરતાં કરતાં ઝવેરચં મેઘાણી વિષે ઊંડાણથી અભ્યાસ કરીને લખવાનું બન્યું . મારાં જીવનની કારકિર્દીની શરૂઆત જ મેં ગુજરાતી ભાષાના વ્યાખ્યાતા – લેક્ચરર – તરીકે કરી હતી , જે અમેરિકાના ચાર દાયકાના નિવાસ દરમ્યાન સાવ ભુલાઈને સ્વપ્નું બની ગયેલી ; તે સૌ યાદો તાજી થઇ . ને તેનો આભાર બેઠકના પ્રણેતા પ્રજ્ઞાબેનને જ આભારી છે ને ? પહેલાં તો એ લોકોને ગુજરાતી ભાષા – માતૃભાષા માટે પ્રેમ જગાડે . પછી ગુજરાતી વાંચવા પ્રેરે . પછી લખતાં શીખવાડે . ગુજરાતી લિપિમાં કમ્પ્યુટરમાં કેવી રીતે લખવું તે શીખવાડે . ને પછી સ્વાતતંત્ર રીતે લખવા પ્રેરણા આપે .
હા , હું પણ આ બધાં પગથિયાંઓમાંથી પસાર થઇ છું . મને તો તેમણે દર વર્ષે કોલમમાં નિયમિત લખવા માટે પ્રેરણા આપી , ને આજ સુધીમાં ભાગ્યેજ મેં ચાર વર્ષમાં ચાર હપ્તા ગુપચાવ્યાં હશે !
આ વર્ષે – એટલે કે ચોથા વર્ષે એક સિક્કો : બે બાજુ કોલમમાં ધર્મ , વિજ્ઞાન અને રાજકારણ બધું જ બીજી બાજુથી જોવા , નિહાળીને નિરીક્ષણ કરીને એની બીજી બાજુ વિષે લખવાનું શરૂ કર્યું અને બીજી અનેક દિશાઓ ખુલી ગઈ .
આમ પણ , ઝવેરચંદ મેઘાણી માટે મેં જ લખ્યું હતું તેમ : ગાંધી યુગમાં જન્મીને મેઘાણીએ સામાન્ય જનતામાં જાગૃતિ આણવાનું કામ કર્યું ;”નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે , ખબર છે એટલી કે માતની હાકલ પડી છે !”
એમણે લખ્યું , ગાયું અને લોકોમાં જાગૃતિ આણવા ગામડે ગામડે એ ઘૂમ્યા . ગાંધીજીએ એમને એથી જતો રાષ્ટ્રીય શાયર – રાષ્ટ્ર કવિ કહ્યા હતા ! આમ જુઓ તો સાહિત્યકારનું કામ સમાજને ઘડવાનું હોય છે . અથવા તો સમાજના પ્રશ્નોની છણાવટ સાહિત્યમાં થતી હોય છે . એ જ સાચું સાહિત્યકારનું કર્તવ્ય છે .
બસ ! એવા જ કોઈ આશયથી હવે સિક્કાની આ બીજી બાજુનો અભ્યાસ કરવા મન થનગને છે . હિન્દુત્વ અને એના અસ્તિત્વ ઉપર જયારે પ્રહારો થઇ રહ્યા છે ત્યારે એ પ્રશ્નોનો અભ્યાસ કરવા , એની જણકારી સમાજમાં આપવા એના અનુસન્ધાનમાં નાના નાના પ્રસન્ગો , સ્કીટ , ગીત – કાવ્ય વગેરે રચીને સમાજમાં મુકવા એક પ્રયાસ કરવા જઈ રહી છું ત્યારે આપ સૌની શુભેચ્છાઓ ઈચ્છું છું . અને આપ સૌની અહીંથી ભારે હ્ર્દયે રજા વાંછુ છું .
આવજો ! અસ્તુ !

એક સિક્કો બે બાજુ: 33)ઝવેરચંદ મેઘાણી અને લોકસાહિત્ય !


હમણાં આ અઠવાડીએ રાષ્ટ્રીય શાયર મેઘાણીની સવાસો વર્ષની જન્મ જ્યંતી વિશ્વમાં ઠેર ઠેર ઉજવાઈ ત્યારે જે એક કાર્ય માટે મેઘાણીનું પ્રદાન આજે પણ અજોડ ગણાય છે તે લોકસાહિત્ય વિષે આજે આ કોલમમાં વાત કરવી છે : લોકસાહિત્યની બે બાજુઓ ! સારી – અને અવળી !!

સંત સૂરો ને સતીયુંને દીધી જેણે વાણી ,
અરે પાળિયા એ જીવતા કર્યા , તને ધન્ય છે મેઘાણી !’
હા , લોક સાહિત્ય ને ચિરંજીવ કરનાર, પાળિયા એ જીવતા કરનાર ,સામાન્ય લોકોની અસામાન્ય વાતો વિશાળ પ્રમાણમાં સુજ્ઞ સમાજ સમક્ષ લઇ આવનાર- સૌ પ્રથમ હતા મેઘાણી !

એક વખત એકપુસ્તકલયમાં ભણેલ ગણેલ ગુજરાતીઓનું મંડળ ભેગું થયું હતું . અને મેઘાણી (કદાચ અનાયાસે જ)એ પુસ્તકાલયમાં હતા .
જાણીતા સાહિત્યકાર વિદ્વાન જયંત કોઠારી લખે છે ; “ રોયલ એશિયાટિક સોસાયટીના એ ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની એક નાનકડી મંડળીમાં મેરેજ સોન્ગ્સ “Marriage Songs” વિષયનો એક અંગ્રેજી નિબંધ વંચાઈ રહ્યો હતો …અને એમાં એક ગુજરાતી લગ્ન ગીતનો -તુચ્છ ગુજરાતી લગ્ન ગીતનો -નિર્દેશ હતો … ( એટલે કે એ લોકો અંગ્રેજીમાં ગુજરાતી લગ્નગીતની નકારાત્મક ટીકા કરી રહ્યા હતા )
ઝવેરચં મેઘાણી પોતે સ્નાતક કક્ષાના અભ્યાસ કરેલ , કોલેજ ગ્રેજ્યુએટ હતા એ તો વાચક મિત્રો તમને ખબર જ છે !
પોતે દ્રઢ માનતા કે યુનિવર્સીટી શિક્ષણમાં જે પ્રકારની પંડિતાઇ પોષાય છે તેને માટે તેમનું માનસ ઘડાયેલું નથી ..
આમ તો મેઘાણીએ પોતે પણ સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો . કોલેજમાં એમણે અંગ્રેજી સાથે અન્ય ભાષાઓનો અભ્યાસ કર્યો હતો . કલકત્તામાં રહ્યા ત્યારે બંગાળી સાહિત્યનો અભ્યાસ પણ કર્યો હતો .તેઓ પોતે સૌરાષ્ટ્રના પહાડો અને જંગલો વચ્ચે ઉછર્યા હતા અને ક્યારેક ભયન્કર અંધારી રાત્રીએ ફરજીયાત કોઈ જંગલમાં અજાણ્યાઓ વચ્ચે રાતવાસો કર્યો હતો . એ લોકોની મહેમાનગીરી માણી હતી . એમનામાં છુપાયેલ લોકસાહિત્યનો વારસો એમણે પીછાણ્યો હતો . અને એ લોકો પ્રત્યે પ્રેમ હતો જ . એમનું સાહિત્ય શોધીને સમાજને આપવાની ઈચ્છા પણ હતી . અને એટલે જ કલકત્તાથી સારી નોકરી છોડીને એ ગુજરાતમાં પાછા આવેલ .
એટલે , એ દિવસે ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની -આવા છીછરાં લોકોની અતિશય છીછરી વાતોથી એ ઘવાયા … એટલે તે દિવસે એમણે કટાક્ષમાં કહ્યું ; “વાહ , ( આ ભણેલાં લોકો !) થોડી સામગ્રી સાંપડે એટલે તરત જ તેના પર લખવું ! અને પંડિત બની જવું ! આ અંગ્રેજી ભાષાની ઘેલછા પણ એવી છે કે એ અંગ્રેજી ભાષા ચીંથરાની ઢીંગલીને પણ પાંડિત્યનો પોષાક પહેરાવી શકે છે !”

હા , વાત પણ સાચી જ હતી ને? આપણે ત્યાં એ સમયે ( અને હજુ આજે પણ ) અંગ્રેજીમાં જે પણ લખાયું હોય તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય લાગે , પણ આપણું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય જો ગ્રામીણ લોકો પાસેથી આવે તો તુચ્છ લાગે !!
એટલે એ દિવસે એમણે કહેવાતા ભણેલ સમાજ પર રોષ ઠાલવ્યો હતો .
આજે આપણે ‘ લોક’ શબ્દનો અર્થ people એમ કરીએ છીએ ; એટલે કે ‘જનતા’ એમ કરીએ છીએ પણ સાચા અર્થમાં લોક એટલે Folk – મેઘાણીનાં એ લોકો એટલે ખેડૂત – કણબી ,વાણિયાં, બાહારવટિયા, સાધુ -સંતો , ખારવા – માછીમારો , હજામ , હરિજન , અને મકરાણી – બલોય , વાઘેર , હિન્દૂ અને મુસલમાન ..! એ બધાંય સ્વાભાવિક રીતે જ અભણ ને ઓછું ભણેલ ! એ સૌ એ ‘લોક’ શબ્દમાં અભિપ્રેત છે .

મેઘાણીએ પોતે જ કહ્યું છે કે સામાન્ય માનવીની વાતો લખનાર શામળ ને પ્રેમાનંદ ય બધાનું સાહિત્ય ગજ રાજનાં સાહિત્ય જેવું જાજરમાન છે . અને એને ભણેલ ગણેલ સમાજમાં સ્થાન મળ્યું છે , પણ આ લોકસાહિત્ય તો બકરી ને ગાય જેવું ! એ ગામની શેરીઓમાં , મહોલ્લાઓમાં ,વાડામાં ને ગલીઓમાંયે સમાઈ જાય ; ને પૌષ્ટિક દૂધેય આપે !
મેઘાણીને દેખીતી રીત જ એ લોકો અને એમનાં આ સાહિત્ય પ્રત્યે પક્ષપાત છે ..

પણ આ લોકસાહિત્ય જે શહેરથી દૂર ,ગામડાઓમાં વસેલાં રબારાં , કોળી , રજપૂત , ગરાસિયા વગેરે સમાજનું વારસાગત ઉતરી આવેલું લોકબોલીમાં સચવાયેલું સાહિત્ય હતું તેની , સિક્કાની બીજી પણ બાજુ છે!
સુજ્ઞ સમાજે એની ટીકા પણ કરી છે . અને આપણે તટસ્થ રીતે જોઈએ તો આપણને પણ એ સાહિત્યની બીજી બાજુ દેખાશે.
તમે જ જુઓ :
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યની એ બીજી બાજુ દર્શાવે છે :
સ્ત્રીના કૌમારત્વની વાત કરતા એ લખે છે કે એ કુંવારિકાઓ , “ ચોખો”પુરુષવાચક શબ્દ એટલે એ જમવામાં પણ ના લે !એટલું તો કડક બ્રહ્મચર્ય પાળે ! અરે જીવતા પુરુષની સામે પણ ના જુએ એટલું જ નહિ ચોખા , બજારો , મગ, જેવા અનાજ પણ પુરુષવાચક હોવાથી એ પણ ના ખાય !
વાચક મિત્રો ! આને તમે શું કહેશો ?

લોકસાહિત્યની વાતોમાં એ વર્ગનાં સંસ્કારો અને જીવન મૂલ્યોને બિરદાવીને એને “દિલાવર સંસ્કાર” કહીને સોરઠી બહારવટિયાઓ અને સંતોની વાતો કહે છે ; પણ એની નબળી બાજુઓ પણ છે જ .
એ અભણ વર્ગની જુનવાણી માન્યતાઓ ,એની રૂઢિઓ , વહેમ , કલહ કંકાસ અને અજ્ઞાન પણ છે જ . જુના વેર , દગો , ઘાતકીપણું એ બધું જ અહીં છે.
લોક સાહિત્યમાં સાસરિયામાં ત્રાસ અને પિયરમાં નણંદ ભોજાઇના દુઃખની ગાથા , દેરાણી જેઠાણી વચ્ચેના વિવાદ , એ બધું જ જે દર્શાવ્યું છે એ શું એટલે અંશે સત્ય હશે ? પ્રશ્ન છે .
“વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ !“અને “માડી હું તો બાર બાર વર્ષે આવીયો “ વગેરે લોકગીતો યાદ આવે છે .. જેમાં વહુને નસીબે ઝેર પીને મરવાનું જ લખ્યું છે !!
એ જ રીતે સંત ચરિત્રો અને વ્રત કથાઓમાં સાધુ સંતોનું માહત્મ્ય છે .. પણ એ સાધુઓ જે સાદું સરળ જીવન જીવે છે તે પૂરતું નથી : એ કથાઓમાં એ જ સાધુઓ મહાન છે કે જે પરચો બતાવે છે ; ચમત્કાર કરે છે ! હવામાંથી ભસ્મ કાઢીને સોનામહોરો વરસાવે છે !છોકરાને ખાંડણીમાં ખાંડી નાખી ને પછી દીકરાને જીવતો કરે છે !
આ લોકસાહિત્યમાં :સ્ત્રીના શિયળ પર શંકા કરનાર કોઢિયો થાય .. અથવા તો સતીના સતને પ્રતાપે ભગવાન પ્રસન્ન થાય અને ધણીને શ્રાપ આપે .. વગેરે વગેરે !!
વાચક મિત્રો , આપણે ખબર છે કે વસ્તવિક જીવનમાં આવું કાંઈ બનતું નથી ; પણ આ બધાં ચમત્કારોની વાતો અભણ પ્રજાને ગુમરાહ કરે છે ..
જો કે ઝવેરચંદ મેઘાણીની કેટલીક નવલિકાઓમાં આવી અંધ શ્રદ્ધા ઉપર એમણે એ પ્રશ્ન પણ કર્યા છે ..
આજકાલ શ્રાવણ માસમાં નાગ પાંચમ, શિતળા સાતમ વગેરે તહેવારો આપણે ઉજવી રહ્યા છીએ … એમાં સત કર્મ કરવાની પ્રેરણા મળે તેવા પ્રસંગો છે . કોઈનાં દુઃખ દૂર કરવા મહેનત કરનારને શિતળા માતા પ્રસન્ન થાય એ સંદેશો સારો છે , પણ બાળકને જો ખરેખર શિતળા કે ઓરી અછબડાં નીકળ્યાં હોય (હવે તો આ બધું વિશ્વમાંથી નાબૂદ થઇ ગયું છે – રસીની શોધ થતાં ) તો યોગ્ય મેડિકલ મદદ લેવી જોઈએ એવો સન્દેશો પણ એ અભણ પ્રજા સુધી પહોંચવો જોઈએ ને ?

મેઘાણીએ પણ કબુલ્યું છે કે હા , મરેલાં પુનર્જીવિત થાય તેવી ભ્રાંતિ આપણે ઉભી નથી કરવાની , પણ , રાજાની કુડી નજર પડતાં જાતને સમૂળગી વાઢી નાખનાર કે શરીરે સાપ વીટળાયો હતો છતાં પોતાની દેહ મર્યાદા ન છોડનાર સ્ત્રીને નમન કરવામાં ખોટું શું છે ?

વાચક મિત્રો , આ પ્રશ્ન તો હું તમને જ પૂછું છું :
મેઘાણીએ લખ્યું છે : “ બેશક , આજે આપણને દેહ મર્જાદનાં જૂનાં ધોરણો ઢીલાં કરવાની જરૂર પડી છે .લજ્જાની કેટલીક લાગણીઓમાં આપણને અતિરેક જણાયો છે .. પણ ઉપર જણાવ્યા તેવા દ્રષ્ટાંતોને નમવાથી આજના યુગમાં ગત યુગના પ્રસંગોને અપમાન સમજવાની જરૂર નથી . પતિ ભક્તિ , શિયળ , આતિથ્ય ઇત્યાદિ ગત યુગની ઉગ્ર ભાવના – અતિ ઉગ્ર ભાવના અને અતિરેકને અનુકરણીય ના ગણીએ, પણ એને આદર યોગ્ય તો ગણી શકાય ને ? એમાં કોઈ પ્રભાવક જીવન તત્વ તો જરૂર વિલસી રહ્યું છે ..
આપણે ત્યાં પુરાણોમાં વાર્તાઓમાં આવે છે કે એક ફૂલ ઓછું પડ્યું એટલે માથું વધેરી દીધું !
મેઘાણી આપણી એ કમળપૂજા ને જાપાનની હારાકીરી ની મૃત્યુ ભાવના સાથે સરખાવે છે અને કહે છે કે આવાં મૃત્યુને બુદ્ધિ હસી કાઢે છે , પણ તેમાં મરનારનો દેહ પરનો વિજય દેખાય છે તેને કોઈ પણ બુધ્ધિવાદની હોશિયારી ઝાંખો પાડીશકશે નહીં .. અહીં એ પ્રથાનું સમર્થન નથી પણ એમાં પ્રગટ થતી પ્રાણ શક્તિને અંજલિ છે .

આવા ગંભીર મુદ્દા પર સહેજ સ્પર્શવાનું એક કારણ છે !
મેઘાણીની વિદાયને પણ પોણી સાડી વીતી ગઈ . સમય બદલાયો . સંજોગો બદલાયાં. અરે સ્થળ પણ બદલાઈ ગયાં. મેઘાણીના સાહિત્યની શાશ્વતતા માણવા આ બધું જાણવું પણ જરૂરી છે . સારો સાહિત્યકાર માત્ર તત્કાલીન સમાજનું પ્રતિબિંબ જ નથી ઝીલતો , એ પોતે એનું પ્રતીક બની જાય છે ! એ સમયના સમાજમાં દેશ ગુલામીમાં ડૂબેલો હતો , મિથ્યા અભિમાન અને નાના નાના વાડાઓમાં વહેંચાયેલ લોકોને કોઈ પણ રીતે જગાડીને રાષ્ટ્ર ભાવના માટે જાગૃત કરવાનાં હતાં! ગાંધીજીએ ખુબ વિચારીને આળસુ લોકોને માત્ર રેંટિયો કાંતવાનું , સ્વાવલંબી બનવાનું સમજાવ્યું ; બસ , એ જ રીતે લોકોને એક કરવા રાષ્ટ્રીય કવિ મેઘાણીએ લોકસાહિત્યનું શસ્ત્ર હાથમાં લીધું !
લગ્નગીતો ઋતુગીતો સંત વાણી , ભજનો , હાલરડાંથી માંડીને મરશિયાં સુધીનું તમામ સાહિત્ય ભણેલ સમાજને પીરસ્યું અને આ બે વર્ગો વચ્ચે સેતુ બન્યા ! તેના વૈશિષ્‍ટય અને વૈભવ દાખવ્‍યાં છે.
રાષ્ટ્રીય શાયર, , લેખક , કવિ , નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર ,લોકસાહિત્યકાર,સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક, ,એવા શ્રી ઝવેરચંદ ઝવેરચંદ મેઘાણી 25 વર્ષોમાં સાહિત્યનું ૨૫૦ વર્ષોનું કામ કામ કરી ગયા…!
આજે આ કોલમ દ્વારા , સિક્કાની બીજી બાજુને સહેજ સ્પર્શીને એ દિવ્ય આત્મા ઝવેરચં મેઘાણીને ૧૨૫મી જન્મ જ્યંતીએ અંજલિ અર્પું છું !

એક સિક્કો બે બાજુ:32) અફઘાનિસ્તાનની ગઈકાલ, આજ ને આવતીકાલ ..

ગયા અઠવાડીએ એક વિડિઓ ફરી ફરીને આપણે ટી વી માં અને સોસ્યલ મીડિયામાં જોતાં હતાં : તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો પછી લોકો દેશ છોડવા નાસભાગ કરતાં હતાં, પણ જયારે તેમનાથી દેશ છોડવો અશક્ય થઇ પડ્યું ત્યારે …. મા બાપ પોતાનાં બાળકોને કાબુલના એ એરપોર્ટની બહાર પેલી દીવાલની અંદર ઉભેલા અમેરિકન લશ્કરના માણસોને પોતાનાં પ્રાણથી પણ પ્યારાં બાળકો આપી દેતાં હતાં .. ભયન્કર ગર્દી , ભીડ અને ભયનું વાતાવરણ હતું ત્યારે – અરાજકતા પ્રવર્તતી હતી ત્યારે -કોઈ અજાણી વ્યક્તિને પોતાની દીકરીઓ જરૂરી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ સાથે -કે કોઈ જ ડોક્યુમેન્ટ્સ વિના એમ જ – સાવ આમ મોકલતાં જોઈને આંખમાં પાણીઆવી ગયાં! સમગ્ર દેશમાં અરાજકતા પ્રવર્તે છે ત્યારે એ બાળકનું ભાવિ કેવું હશે એની પણ પરવા કર્યા વિના પોતાનો દિલનો ટુકડો આમ અળગો કરતાં મા અને બાપને શું વીતી હશે?
પેલી જૂની વાર્તા , જે આપણે નાનપણમાં ભણ્યાં હતાં તે આજ સુધી માત્ર કાલ્પનિક લાગતી હતી :
બે સ્ત્રીઓ એક બાળક માટે ઝગડતી હતી . એક સ્ત્રીએ કહ્યું કે આ મારું બાળક છે . બીજીએ જોર શોરથી પહેલી બાઈને કહ્યું ; જા જા જુઠ્ઠી , આ તો મારું બાળક છે !
પહેલી સ્ત્રીએ રડતાં , કરગરતાં કહ્યું , ‘બેન , આ તો મારું બાળક છે . મેં એને જન્મ આપ્યો છે !’
બીજી સ્ત્રીએ જોરથી કહ્યું , ‘અરે જા ! મેં એને જન્મ આપ્યો છે . આ મારું બાળક છે ..’ વાત છે કે ન્યાયાધીશ સુધી પહોંચી . એ સમયે વિજ્ઞાન એટલું એડવાન્સ નહોતું કે ડી એન એ ટેસ્ટ કરીને નક્કી કરી શકાય કે એ બાળક કોનું છે .એટલે ન્યાયાધિશ પણ નક્કી કરી શક્યા નહીં કે ખરેખર આ કોનું બાળક છે !
ત્યારે એમણે કહ્યું કે આ બાળકનાં બે ભાગ કરો અને બંને ને એક એક ટુકડો આપી દો.
પછી , જ્યાં સિપાઈ તલવાર લઈને બાળકનાં બે ટુકડા કરવા આગળ વધ્યો કે તરત જ પહેલી બાઈએ બૂમ પાડી; ‘ ઉભા રહો ! આ મારું બાળક નથી . તમે પેલી બહેનને જ આ બાળક આપી દો !’
આનંદથી વિજયના ભાવ સાથે બીજી બાઈ નજીક આવી અને બાળકને ઉપાડવા ગઈ ત્યાં જ ન્યાયાધીશે એને રોકી .પકડી ને એને જેલમાં નાખી દીધી ! ન્યાયાધીશે કહ્યું ,’ તું એની સાચી માતા હોઈ જ ના શકે . સાચી માતા બાળકને જીવાડવા ગમે તે કરે -‘ એ બાળક મારું નથી’ એમ કહીને પણ એ એને જીવાડે !
મિત્રો , એ તો માત્ર વાર્તા હતી . પણ એને પણ ઝાંખી પડે તેવી સત્ય ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે ! મા બાપ પોતાની દીકરીઓને સારું જીવન મળશે એ આશાએ, એમને ગમે તે અજાણ્યા અમેરિકન લશ્કરના માણસને આપી દેતાં હતાં ! એમ કરતાંયે એમનું બાળક કોઈ ભય મુક્ત સલામત જગ્યાએ પહોંચે , એને સારું જીવન મળશે એની એમને ખાતરી છે !
હા , અફઘાનિસ્તાનમાં અત્યારે ભયન્કર પરિસ્થિતિ છે . માનવ જયારે અસંસ્કૃત અવસ્થામાં રહેતો હતો ત્યારે જે રીતે દુશ્મનને તલવારથી મારી નાંખતો, બાળકની સામે ગમ્મે તે અસામાજિક કૃત્ય કરતાં પણ અચકાતો નહીં , તેવી પ્રીમિટિવ અવસ્થામાં આજે તાલિબાનો વર્તી રહ્યા છે !! .
પણ આપણે તો આ આધુનિક યુગમાં જીવી રહ્યાં છીએ ને ?
વિશ્વમાં બીજી મહાસત્તાઓ કેમ કાંઈ કરતી નથી ?
તમે પૂછશો!
યુનાઇટેડ નેશન્સ કેમ ચૂપ છે ? તમને પ્રશ્ન થશે !
યુનાઇટેડ નેશન્સ એટલે વિશ્વનાં ઘણાં બધાં રાષ્ટ્રોનો સમૂહ . એ સૌ ભેગાં મળીને વિશ્વ શાંતિ અને અન્ય પ્રશ્નો ઉપર ચર્ચા કરે . પણ એમાં ચાઈના અને રશિયા જેવા કમ્યુનિશ રાષ્ટ્રો પણ છે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા પણ છે . એમાં સરમુખત્યાર પણ છે . એ સૌની દ્રષ્ટિએ જે અયોગ્ય લાગે તો તેમાં વાંધો ઉઠાવાય .
વાચક મિત્રો !હવે તમને પ્રશ્ન થશે કે શું અફઘાનિસ્તાનમાં જે અમાનુષી કર્યો થઇ રહ્યાં છે તેનાથી શું એ રાષ્ટ્રોનાં પેટનું પાણીય હાલતું નથી ?
ચાલો , સિક્કાની બીજી બાજુનો અભ્યાસ કરીએ ..
આપણને જાણીને આશ્ચર્ય થાય કે તાલિબાનનોએ અફઘાનિસ્તાનમાં એક વખત લોકોનો વિશ્વાશ પણ જીત્યો હતો !
એ લોકોએ દેશની ભ્રષ્ટાચારી સરકારને ઉથલાવી ત્યાં રસ્તાઓ બનાવ્યા હતાં , ઉદ્યોગો સ્થાપ્યાં હતાં !!
તો ચાલો ,જરા જાણીએ કે કોણ છે આ તાલિબાન ? કેવી રીતે એ લોકો આટલાં મજબૂત બન્યાં?
વીસમી સદીના છેલ્લા દાયકામાં – ૧૯૯૦ ના દાયકામાં રશિયાએ જે કબ્જો જમાવ્યો હતો તે અમેરિકાની મદદથી સમગ્ર સોવિયેત રશિયા જ ભાંગી પડતાં અફઘાનિસ્તાનમાં સત્તા માટે જગા થઇ . એ અરસામાં પાકિસ્તાનની ઉત્તર સીમાએ પશ્તુન વિસ્તારમાં મુશ્લીમ મદરેસામાં બાળકોને મુસ્લિમ ધર્મનું શિક્ષણ અપાતું હતું .
ધર્મનું શિક્ષણ એ તો સારી વાત થઇ ! તમે કહેશો .
પણ આ વર્ગનાં લોકો ચુસ્ત મુસ્લિમ હતાં . સુન્ની મુસ્લિમ . તેઓ જુનવાણી , ચુસ્ત વિચારસરણી ધરાવતાં. તેઓને ત્યાંના અન્ય લિબરલ – સુધરેલ મુસ્લિમો સાથે સંઘર્ષ થવા મંડ્યો . ચુસ્ત વિચારધારા ધરાવતો એક દેશ સાઉદી અરેબિયા ! એ લોકો શરિયા કાયદામાં માને છે .. શરિયા લૉ સ્ત્રીઓને સ્વતંત્ર અધિકાર આપવાની વિરુદ્ધમાં છે . સ્ત્રી માત્ર પુરુષની પ્રોપર્ટી ગણાય ,એનું રક્ષણ કરવું , સાચવણી કરવી એ બધું પુરુષના પોતાના ઉપભોગ માટે , એ ફિલોસોફીમાં એ માને છે .તેને લીધે સ્ત્રી ઉપર ઘણાં બધાં રિસ્ટ્રિક્શન – બંધન આવી જાય છે આ કાયદામાં .
એમાં ચોરી કરનારના હાથ કાપી લેવામાં આવે . એ કાયદા પ્રમાણે પરસ્ત્રી સાથે વ્યવહાર કરનારને જાહેરમાં ફાંસી અપાય . એના આવા કડક કાયદાને લીધે અફઘાનિસ્તાનમાં ભયનું વાતાવરણ છતાં ભ્રષ્ટાચાર વગેરે ત્યારે તો બંધ થઇ ગયાં . લોકોને એક રીતે શાંતિ મળી . એમને સાથ આપવા સાઉદી અરેબિયા અને પાકિસ્તાને આ તાલિબાનોને શસ્ત્રો આપ્યાં. એમને પૈસા આપ્યાં . અને અમેરિકાએ રશિયા સામે લડવા એ લોકોને શિક્ષણ તો આપ્યું જ હતું !! આધુનિક શસ્ત્રો કેવી રીતે ચલાવવા તે આ કટ્ટર મુસ્લિમપંથીઓને અમેરિકાએ જ શીખવાડ્યું હતું …!
વિદ્યા દાન તો મહાન દાન ગણાય છે , પણ કોને વિદ્યા શીખવાડવી તેનાં પણ નીતિ નિયમો હોય છે – જે સુધરેલ દેશ અમેરિકા ભૂલી ગયો ! અથવા તો , કહો કે પોતાનાં સ્વાર્થ માટે અમેરિકાએ જ રાક્ષસ સેના ઉભી કરી !
ઉપનિષદની પેલી વાત યાદ આવે છે ?
ઉપનિષદ જ નહીં , પાંચ તંત્રમાં પણ એવી વાતો આવે છે જ્યાં પોતાની સંજીવની વિદ્યાર્થી બ્રાહ્મણ કોઈ રાખનાં ઢગલાને પાણી છાંટીને સજીવન કરે છે … બ્રાહ્મણને એમ કે જોઉં તો ખરો , મને આ સંજીવની વિદ્યા આવડી છે કે નહીં !
ને લો ; પાણી છાંટ્યું અને રાખમાંથી વાઘ જીવતો થયો !!!
પછીની વાર્તા તમને સમજાઈ ગઈ હશે ! વાઘે બ્રાહ્મણને જ ફાડી ખાધો !
અફઘાનિસ્તાનમાં શેરીઓમાં વાઘ ફરતાં થઇ ગયાં .. ને પછી એમને નાથવા અમેરિકાએ જ પાછું લશ્કર મોકલ્યું . વીસ વીસ વર્ષ સુધી અમેરિકાએ ત્યાં સૈન્ય રાખ્યું . અફઘાનિસ્તાનમાં લોકશાહી સ્થાપવા પ્રયત્ન કર્યો .. પણ આ તો ગાયના ચામડામાં ઉછરી રહેલ વાઘ હતો !! જ્યાં અમેરિકાએ લશ્કર પાછું ખેંચવા માંડ્યું કે વાઘ પાછો છતો થઇ ગયો !!
વિદ્યા પણ કોને શીખવાડવી એનાંયે નિયમ હોય છે
ચાણક્ય કહે છે કે કોઈની ભૂલોમાંથી શીખો , જીવનમાં બુદ્ધિ ભૂલો કરીને શીખવા જેટલો સમય તમારી પાસે નથી .
ઝેરીલા સાપને ઉછેરતી વખતે તમને ડંખ વાગી શકે છે તે યાદ રાખો !
અને અહીં તો એ ઝેરીલા સાપને જ દૂધ પીવડાવીને ઉછેર્યો છે !!
જો કે , સાવ હાથ હેઠાં રાખીને એ રાક્ષસોને એમ ઘુમવા દેવાય નહીં જ જ. તો શું થઇ શકે ?
જો કે તાલિબાનોએ કહ્યું છે કે તેઓ આ વખતે સ્ત્રીઓને ડ્રાંઇવિંગ કરવાની છૂટ આપશે . ભણવાની સંમતિ આપશે .. કાયદામાં સુધારા કરશે .. વગેરે વગેરે વાતો સંભળાય છે . અત્યારે તો પરિસ્થિતિ દયાજનક અને ભયજનક લાગે છે . માત્ર ભગવાન જ બચાવી શકે એ દેશની પ્રજાને !
ને હાલમાં વિશ્વની બે લોકશાહી મહા સત્તાઓ અમેરિકા અને ભારત – આપણી કર્મભૂમિ અને જન્મભૂમિ – પોતાની રીતે પોતાના દેશવાસીઓને રક્ષવા કમર કસી રહ્યાં છે સાથે એ દેશને ઉગારવાની પણ માનવીય જવાબદારી માટે ઘણાં રાષ્ટ્રો ખળભળી રહ્યાં છે ..
શું થશે અને શું કરીશકાય , અને શું કરવું લગભગ અશક્ય છે વગેરે વિષે આવતે અંકે વિચારીશું .
અસ્તુ !

એક સિક્કો બે બાજુ :31) અફઘાનીસ્થાન : શું થઇ રહ્યું છે ત્યાં ?


આજ કાલ વિશ્વ સમાચારોમાં અફઘાનીસ્થાન નું નામ સંભળાય છે . તાલિબાને અફઘાનીસ્થાનના મહત્વના શહેરો ઉપર કબ્જો જમાવી દીધો છે ! જે રાષ્ટ્ર પોતે ખુબ ખડતલ અને બહાદ્દુર પ્રજા બનાવે છે તે આમ તાલિબાનના હાથે સપડાઈ ગઈ ? કેવી રીતે ? વળી આપણો ભારત દેશ પડોશી દેશ હોવાને નાતે પણ એ દેશમાં અંધાધૂંધી પ્રવર્તે તો આપણને પણ એનાં છાંટા ઉડીશકે ,એ દ્રષ્ટિએ પણ ચિંતા થઇ ! તો ચાલો આપણે એ રાષ્ટ્ર વિષે થોડું જાણીએ .
આમ જુઓ તો માનવ સંસ્કૃતિની શરૂઆત આજથી ૫૦,૦૦૦ પચાસ હજ્જાર વર્ષ પૂર્વે અફઘાનીસ્થાન પ્રદેશથી થઇ હોવાનાં અનેક પુરાવાઓ મળી આવ્યાં છે . અરે ઈસુ પૂર્વેની છઠ્ઠી સદી એટલે કે આજથી અઢી હાજર વર્ષ પૂર્વેનો જે ઇતિહાસ છે તેમાં અફઘાનીસ્થાનનો ઘણો પ્રદેશ ભારત સાથે જોડાયેલો જણાય છે . સિંધુ નદીના તટે વિકસેલી આપણી ભારતીય સંસ્કૃતિ એ સમયે છેક હિંદુકુશ પર્વતો અને સુલેમાન પર્વતોની વચ્ચે વસેલ ગાંધાર અને છેક કાબુલ સુધી વિસ્તરેલી હતી ! આપણાં ધર્મ પુસ્તક મહાભારતમાં ગાંધાર નરેશ ની પુત્રી ગાંધારી અને ભાઈ શકુનિની વાતો આપણે જાણીએ છીએ . તો , આપણાં જદેશ પર ચઢાઈ કરવા આવેલા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જે ઈસુ પૂર્વેની ચોથી સદીમાં આવેલ એને અફઘાન ભારે પડેલું . જે માણસ દુનિયા જીતવા નીકળ્યો હતો , તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પોતાના દેશ ગ્રિશથી નીકળીને ટર્કી , ઇજિપ્ત , પર્શિયા વગેરે દેશો જીતતો જીતતો અફઘાનીસ્થાન આવ્યો ત્યારે અફઘાનિસ્તાનનો પહાડી પ્રદેશ જોઈને ફ્રસ્ટ્રેશનથી એણે કહ્યું હતું ; “ અહીં આવવું સહેલું છે -પણ બહાર નીકળવું મુશ્કેલ છે ! અને એલેક્ઝાન્ડર ત્યાંથી આગળ ભારતમાં પંજાબ આવેલો ત્યાં જોકે બહુ ફાવ્યો નહોતો પણ આપણને ખબર છે કે ખૈબર ઘાટીઓમાંથી પ્રવેશીને જયારે તે પંજાબમાં આવ્યો ત્યારે ત્યાંના પોરસ રાજા સાથે યુદ્ધમાં જીતી ગયો અને સિકંદર કહેવાયો . સિકંદર એટલે કે ઉર્દુમાં ‘ નિષ્ણાત , ખુબ જ હોશિયાર’ એમ ઓળખાયો . હા , એલેક્ઝાન્ડર એ જ સિકંદર ! જો કે , પોરસનું સૈન્ય મજબૂત હતું અને એમની પાસે હાથીઓ હતાં જેની સામે એલ્ક્ઝાન્ડ્રાના સૈનિકો લડવા અસમર્થ હતાં .. એટલે માંડ માંડ એ યુદ્ધ જીતીને સૌએ દેશ પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી . પોતાના એક ઉપરી અમલદાર સિરકસને ત્યાં મૂકીને સિકંન્દર ( એલેક્ઝાન્ડર ) પાછો વળ્યો ; પણ પાછો વળતાં ઘર સુધી પહોચી શક્યો નહોતો ને રસ્તામાં જ મૃત્યુ પામ્યો હતો .
પણ , અફઘાનિસ્તાની પ્રજા જે ખડતલ અને બહાદ્દુર હતી એ લોકો એ આ વિજયી સૈન્યને આમ નજીકથી નિહાળ્યું હતું . ત્યાર પછી તો એ દેશ પર અનેક આક્રમણો થયાં છે , પણ એ દેશની ઉન્નતિ અને ઉતકર્ષની પણ ઘણી વાતોથી ઇતિહાસ સોહે છે
..

પ્રિય વાચક મિત્રો ! જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશના ચંદ્રગુપ્ત મૌર્યે પણ પોતાનું શાશન છે કે અફઘાનિસ્તાન સુધી વિકસાવ્યું હતું ..ત્યાં શાંતિનો સંદેશ લઈને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે લોકો આવેલ એટલે ત્યાં બૌદ્ધ ધર્મ પર્વર્તો હતો . આ બધું આજથી અઢી હજાર વર્ષ પૂર્વે બન્યું હતું .
પણ એવા દેશમાં તાલિબાન જેવી ભયાનક ખતરનાક ટોળકી કેવી રીતે અસ્તિત્વમાં આવી તેની વાત આજે કરવી છે .
ઇતિહાસને ઝડપથી આજના સમયમાં લઇ આવીએ :
છેલ્લા સો વર્ષમાં અફઘાનિસ્તાનનો ઇતિહાસ ઝડપથી બદલાઈ ગયો!
આજથી પચાસ વર્ષ પૂર્વેના અફઘાનિસ્તાનને જોઈએ તો એ દેશ એક મોર્ડન શાંત દેશ ગણાતો હતો . ત્યાં પણ પરદેશીઓ વેકેશન માણવા જતાં હતાં. એશિયા ખંડમાં અફઘાનિસ્તાનનું સ્થાન મધ્યમાં છે . અર્થાત , યુરોપના દેશોને જમીન માર્ગે જવા માટે વચમાં અફઘાનીસ્થાનમાંથી પસાર થઈને પૂર્વમાં ચીન કે ઉત્તરમાં રશિયા જઈ શકાય . હજારો વર્ષ પહેલાં અહીંથી સિલ્ક રોડ નામનો એક માર્ગ (? )પસાર થતો જે છેક ચાઇનાથી પશ્ચિમમાં આફ્રિકાનીસરહદ સુધી વિસ્તરેલ .
એનો બીજો અર્થ એ થાય , કે વિશ્વની ગમે તેવી મહા સત્તાઓને દુનિયામાં પ્રભાવ જમાવવો હોય તો આ પર્વતીય હરમાળાના બનેલા દેશને પોતાના પ્રભાવમાં રાખવો પડે . આમ તો એ દેશમાં થોડા ડ્રાયફ્રૂટ્સ વગેરે સિવાય ઝાઝું કાંઈ આર્થિક રીતે મહત્વનું ઉત્પાદન નથી. જયારે રશિયા અને અમેરિકા બે મહા સત્તાઓ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ પ્રસરાવવા પર્યટન કરતી હતી ત્યારે બંને રાષ્ટ્રોએ અફઘાનને પોતાના પ્રભાવમાં લેવા પ્રયત્ન કર્યો ..

તાલિબ’ નો અર્થ ઉર્દુ ભાષામાં ‘છાત્ર’ થાય છે .૧૯૮૦માં પાકિસ્તાનમાં સિવિલ વોર થઇ . અર્થાત ત્યાંના લોકોએ અંદર અંદર ઉહાપોહ શરૂ કર્યો .. એ વખતે પાકિસ્તાનના નિરાશ્રિત મુસ્લિમોને અફઘાનિસ્તાનમાં આશ્રય આપવા પશ્તુન ગામમાં ઇસ્લામિક મદ્રેસામાં રેફ્યુજી કેમ્પમાં ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવતું .
આશય તો ઇસ્લામ ધર્મનું સાચું શિક્ષણ આપવાનો હતો , પણ સિક્કાની બીજી બાજુ પણ હોય છે ને ?
એમાં કેટલાંક ચુસ્ત ઇસ્લામી વિચાર ધારાનાં લોકો ભળ્યાં. કુરાનનો જુદો અર્થ કાઢીને સુન્ની મુસ્લિમોએ સૌથી પહેલો અર્થ સ્ત્રી – પુરુષના સંબંધોનો પોતાની રીતે તારવ્યો . સ્ત્રીઓ માત્ર પુરુષોની માલિકી છે એમ કહીને સ્ત્રી શિક્ષણની મનાઈ ફરમાવી. સ્ત્રીઓને પોતાની મરજી મુજબ પ્રેમ કરવાની પણ મનાઈ ..અને એનું ઉલ્લંહન કરનારને કડકમાં કડક શિક્ષા ! જેમાં ઓનર કિલિંગ ( અર્થાત ,કોઈને પ્રેમ કરનાર સગી બેન હોય તો તેને પણ મારી નાખે તો તે ભાઈનું ગૌરવ થતું .) સ્ત્રીને મોટેથી બોલવાની કે હસવાની પણ મનાઈ ! એ લોકોની વાતને અનુમોદન આપનારો વર્ગ પણ હતો જ. પરદેશમાં રહેતાં રૂઢિ ચુસ્ત મુસ્લિમોએ આર્થિક રીતે પણ સહાય કરવા મંડી . સાઉદી અરેબિયા અને પાકિસ્તાનની અમુક વર્ગની પ્રજાનો પણ ટેકો મળ્યો . હવે આ લોકો બળવાન બનવા માંડ્યાં!
ને ત્યાં એમને નસિબે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોર પણ
અસ્તિત્વમાં આવી !
બંને રાષ્ટ્રોને વિશ્વની મહા સત્તા બનવા આ દેશમાં પગ પેસારો કરવો જરૂરી હતું !
રશિયા સામે જીત મેળવવા આ તાલિબાનોને તાલીમ આપનાર કોણ હતું , જાણો છો ?
અમેરિકા !
હા , પોતાના સ્વાર્થ માટે વાંદરાને દારૂ પીવડાવવાનું કામ અમેરિકાએ જ કર્યું .
એ લોકોને શસ્ત્રો આપ્યાં અને કેવી રીતે વાપરવા એ પણ શીખવાડ્યું .. કહેવત છે ને ; “ જોનાર તો દે બે નયણો જ માત્ર ; શું દેખવું તે કથવા ન પાત્ર !’ તમે કોઈના હાથમાં બંદૂક આપો તો એ જ બંદૂક એ તમારી સામે પણ તાકી શકે છે – એ સરળ સત્ય કેમ કોઈ સમજતું નથી ?
હિંસા અને કાવાદાવાના જોર પર દુનિયા તો જીતી શકાય , પણ એ જ ક્ષણ કાયમ માટે જ રહેશે તેની કોઈ ખાતરી છે તમારી પાસે ? મહાત્મા ગાંધીજીએ બસ્સો વર્ષની ગુલામીમાંથી સબડતા ભારત દેશને બ્રિટિશ જેવી મહાન સત્તા પાસેથી છોડાવ્યો , સ્વતંત્ર કર્યો ; પણ એમણે સત્ય અને અહિંસા , પ્રેમ અને સદાચારના શસ્ત્રથી એ મહા સત્તાને પરાસ્ત કરી હતી . ગાંધીજીએ સમયના પ્રવાહમાં ભૂલો કરી હશે જ , કારણ કે એ એક માનવી હતા, દેવ નહીં . પણ , એમણે એક પણ અંગ્રેજને ગાળ આપી નહોતી , એક પણ અંગ્રેજ એમનો દુશમન નહોતો , એક પણ અંગ્રેજ સામે એમણે કોઈ કાવતરું ઘડ્યું નહોતું . જે હતું તે સત્યના પાયા ઉપર ખડું કર્યું હતું : “ભારત અમારો દેશ છે , તમે અમને ગુલામ તરીકે વધુ સમય રાખી શકશો નહીં . અમે ઈંગ્લેન્ડથી આવતાં તમામ સાધનો , કપડાં , માલ મિલ્કત અને અંગ્રેજી શિક્ષણનો પણ બહિષ્કાર કરીએ છીએ !” ગાંધીજીએ કહ્યું હતું . એમણે સમગ્ર દેશને અંગ્રેજી ચીજ વસ્તુ સાથે વિચાર ધરાનો પણ બહિષ્કાર કરવાનું એલાન આપેલું .બદલામાં બ્રિટિશ સત્તા મૂંઝાઈ ગઈ . કેટલાં નિર્દોષ લોકોને તમે મારી નાખો ?કેટલાને તમે જેલમાં પૂરો ? અને આત્માના એ પરમ બળથી લઇ આવ્યા એ આઝાદી ; “બીના ખડ્ગ બીના ઢાલ; સાબરમતીકે સંત તુને કર દિયા કમાલ !”
જોકે , આજે તો વાત કરીએ છીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું લશ્કર ફરી વળ્યું છે તેની ! દેશમાં હાહાકાર થઇ ગયો છે . લોક ગભરાઈને પ્લેનના છાપરે ચઢીને દેશ છોડવા તૈયાર થઇ ગયાં છે !!
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ આમ વધી રહ્યું હતું ત્યારે વિશ્વના દેશો ખળભળી ઉઠ્યા .. એ શેતાનિક સત્તા આગળ વધે તે પહેલાં અને દાબવા અમેરિકાએ શું કર્યું ? રશિયાએ કેવી રીતે વ્યૂહ ઘડ્યા ?

તાલિબાન અને અફઘાનિસ્તાનની એ વાતો વધુ આવતાં અંકે .