એક સિક્કો બે બાજુ: 33)ઝવેરચંદ મેઘાણી અને લોકસાહિત્ય !


હમણાં આ અઠવાડીએ રાષ્ટ્રીય શાયર મેઘાણીની સવાસો વર્ષની જન્મ જ્યંતી વિશ્વમાં ઠેર ઠેર ઉજવાઈ ત્યારે જે એક કાર્ય માટે મેઘાણીનું પ્રદાન આજે પણ અજોડ ગણાય છે તે લોકસાહિત્ય વિષે આજે આ કોલમમાં વાત કરવી છે : લોકસાહિત્યની બે બાજુઓ ! સારી – અને અવળી !!

સંત સૂરો ને સતીયુંને દીધી જેણે વાણી ,
અરે પાળિયા એ જીવતા કર્યા , તને ધન્ય છે મેઘાણી !’
હા , લોક સાહિત્ય ને ચિરંજીવ કરનાર, પાળિયા એ જીવતા કરનાર ,સામાન્ય લોકોની અસામાન્ય વાતો વિશાળ પ્રમાણમાં સુજ્ઞ સમાજ સમક્ષ લઇ આવનાર- સૌ પ્રથમ હતા મેઘાણી !

એક વખત એકપુસ્તકલયમાં ભણેલ ગણેલ ગુજરાતીઓનું મંડળ ભેગું થયું હતું . અને મેઘાણી (કદાચ અનાયાસે જ)એ પુસ્તકાલયમાં હતા .
જાણીતા સાહિત્યકાર વિદ્વાન જયંત કોઠારી લખે છે ; “ રોયલ એશિયાટિક સોસાયટીના એ ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની એક નાનકડી મંડળીમાં મેરેજ સોન્ગ્સ “Marriage Songs” વિષયનો એક અંગ્રેજી નિબંધ વંચાઈ રહ્યો હતો …અને એમાં એક ગુજરાતી લગ્ન ગીતનો -તુચ્છ ગુજરાતી લગ્ન ગીતનો -નિર્દેશ હતો … ( એટલે કે એ લોકો અંગ્રેજીમાં ગુજરાતી લગ્નગીતની નકારાત્મક ટીકા કરી રહ્યા હતા )
ઝવેરચં મેઘાણી પોતે સ્નાતક કક્ષાના અભ્યાસ કરેલ , કોલેજ ગ્રેજ્યુએટ હતા એ તો વાચક મિત્રો તમને ખબર જ છે !
પોતે દ્રઢ માનતા કે યુનિવર્સીટી શિક્ષણમાં જે પ્રકારની પંડિતાઇ પોષાય છે તેને માટે તેમનું માનસ ઘડાયેલું નથી ..
આમ તો મેઘાણીએ પોતે પણ સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો . કોલેજમાં એમણે અંગ્રેજી સાથે અન્ય ભાષાઓનો અભ્યાસ કર્યો હતો . કલકત્તામાં રહ્યા ત્યારે બંગાળી સાહિત્યનો અભ્યાસ પણ કર્યો હતો .તેઓ પોતે સૌરાષ્ટ્રના પહાડો અને જંગલો વચ્ચે ઉછર્યા હતા અને ક્યારેક ભયન્કર અંધારી રાત્રીએ ફરજીયાત કોઈ જંગલમાં અજાણ્યાઓ વચ્ચે રાતવાસો કર્યો હતો . એ લોકોની મહેમાનગીરી માણી હતી . એમનામાં છુપાયેલ લોકસાહિત્યનો વારસો એમણે પીછાણ્યો હતો . અને એ લોકો પ્રત્યે પ્રેમ હતો જ . એમનું સાહિત્ય શોધીને સમાજને આપવાની ઈચ્છા પણ હતી . અને એટલે જ કલકત્તાથી સારી નોકરી છોડીને એ ગુજરાતમાં પાછા આવેલ .
એટલે , એ દિવસે ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની -આવા છીછરાં લોકોની અતિશય છીછરી વાતોથી એ ઘવાયા … એટલે તે દિવસે એમણે કટાક્ષમાં કહ્યું ; “વાહ , ( આ ભણેલાં લોકો !) થોડી સામગ્રી સાંપડે એટલે તરત જ તેના પર લખવું ! અને પંડિત બની જવું ! આ અંગ્રેજી ભાષાની ઘેલછા પણ એવી છે કે એ અંગ્રેજી ભાષા ચીંથરાની ઢીંગલીને પણ પાંડિત્યનો પોષાક પહેરાવી શકે છે !”

હા , વાત પણ સાચી જ હતી ને? આપણે ત્યાં એ સમયે ( અને હજુ આજે પણ ) અંગ્રેજીમાં જે પણ લખાયું હોય તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય લાગે , પણ આપણું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય જો ગ્રામીણ લોકો પાસેથી આવે તો તુચ્છ લાગે !!
એટલે એ દિવસે એમણે કહેવાતા ભણેલ સમાજ પર રોષ ઠાલવ્યો હતો .
આજે આપણે ‘ લોક’ શબ્દનો અર્થ people એમ કરીએ છીએ ; એટલે કે ‘જનતા’ એમ કરીએ છીએ પણ સાચા અર્થમાં લોક એટલે Folk – મેઘાણીનાં એ લોકો એટલે ખેડૂત – કણબી ,વાણિયાં, બાહારવટિયા, સાધુ -સંતો , ખારવા – માછીમારો , હજામ , હરિજન , અને મકરાણી – બલોય , વાઘેર , હિન્દૂ અને મુસલમાન ..! એ બધાંય સ્વાભાવિક રીતે જ અભણ ને ઓછું ભણેલ ! એ સૌ એ ‘લોક’ શબ્દમાં અભિપ્રેત છે .

મેઘાણીએ પોતે જ કહ્યું છે કે સામાન્ય માનવીની વાતો લખનાર શામળ ને પ્રેમાનંદ ય બધાનું સાહિત્ય ગજ રાજનાં સાહિત્ય જેવું જાજરમાન છે . અને એને ભણેલ ગણેલ સમાજમાં સ્થાન મળ્યું છે , પણ આ લોકસાહિત્ય તો બકરી ને ગાય જેવું ! એ ગામની શેરીઓમાં , મહોલ્લાઓમાં ,વાડામાં ને ગલીઓમાંયે સમાઈ જાય ; ને પૌષ્ટિક દૂધેય આપે !
મેઘાણીને દેખીતી રીત જ એ લોકો અને એમનાં આ સાહિત્ય પ્રત્યે પક્ષપાત છે ..

પણ આ લોકસાહિત્ય જે શહેરથી દૂર ,ગામડાઓમાં વસેલાં રબારાં , કોળી , રજપૂત , ગરાસિયા વગેરે સમાજનું વારસાગત ઉતરી આવેલું લોકબોલીમાં સચવાયેલું સાહિત્ય હતું તેની , સિક્કાની બીજી પણ બાજુ છે!
સુજ્ઞ સમાજે એની ટીકા પણ કરી છે . અને આપણે તટસ્થ રીતે જોઈએ તો આપણને પણ એ સાહિત્યની બીજી બાજુ દેખાશે.
તમે જ જુઓ :
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યની એ બીજી બાજુ દર્શાવે છે :
સ્ત્રીના કૌમારત્વની વાત કરતા એ લખે છે કે એ કુંવારિકાઓ , “ ચોખો”પુરુષવાચક શબ્દ એટલે એ જમવામાં પણ ના લે !એટલું તો કડક બ્રહ્મચર્ય પાળે ! અરે જીવતા પુરુષની સામે પણ ના જુએ એટલું જ નહિ ચોખા , બજારો , મગ, જેવા અનાજ પણ પુરુષવાચક હોવાથી એ પણ ના ખાય !
વાચક મિત્રો ! આને તમે શું કહેશો ?

લોકસાહિત્યની વાતોમાં એ વર્ગનાં સંસ્કારો અને જીવન મૂલ્યોને બિરદાવીને એને “દિલાવર સંસ્કાર” કહીને સોરઠી બહારવટિયાઓ અને સંતોની વાતો કહે છે ; પણ એની નબળી બાજુઓ પણ છે જ .
એ અભણ વર્ગની જુનવાણી માન્યતાઓ ,એની રૂઢિઓ , વહેમ , કલહ કંકાસ અને અજ્ઞાન પણ છે જ . જુના વેર , દગો , ઘાતકીપણું એ બધું જ અહીં છે.
લોક સાહિત્યમાં સાસરિયામાં ત્રાસ અને પિયરમાં નણંદ ભોજાઇના દુઃખની ગાથા , દેરાણી જેઠાણી વચ્ચેના વિવાદ , એ બધું જ જે દર્શાવ્યું છે એ શું એટલે અંશે સત્ય હશે ? પ્રશ્ન છે .
“વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ !“અને “માડી હું તો બાર બાર વર્ષે આવીયો “ વગેરે લોકગીતો યાદ આવે છે .. જેમાં વહુને નસીબે ઝેર પીને મરવાનું જ લખ્યું છે !!
એ જ રીતે સંત ચરિત્રો અને વ્રત કથાઓમાં સાધુ સંતોનું માહત્મ્ય છે .. પણ એ સાધુઓ જે સાદું સરળ જીવન જીવે છે તે પૂરતું નથી : એ કથાઓમાં એ જ સાધુઓ મહાન છે કે જે પરચો બતાવે છે ; ચમત્કાર કરે છે ! હવામાંથી ભસ્મ કાઢીને સોનામહોરો વરસાવે છે !છોકરાને ખાંડણીમાં ખાંડી નાખી ને પછી દીકરાને જીવતો કરે છે !
આ લોકસાહિત્યમાં :સ્ત્રીના શિયળ પર શંકા કરનાર કોઢિયો થાય .. અથવા તો સતીના સતને પ્રતાપે ભગવાન પ્રસન્ન થાય અને ધણીને શ્રાપ આપે .. વગેરે વગેરે !!
વાચક મિત્રો , આપણે ખબર છે કે વસ્તવિક જીવનમાં આવું કાંઈ બનતું નથી ; પણ આ બધાં ચમત્કારોની વાતો અભણ પ્રજાને ગુમરાહ કરે છે ..
જો કે ઝવેરચંદ મેઘાણીની કેટલીક નવલિકાઓમાં આવી અંધ શ્રદ્ધા ઉપર એમણે એ પ્રશ્ન પણ કર્યા છે ..
આજકાલ શ્રાવણ માસમાં નાગ પાંચમ, શિતળા સાતમ વગેરે તહેવારો આપણે ઉજવી રહ્યા છીએ … એમાં સત કર્મ કરવાની પ્રેરણા મળે તેવા પ્રસંગો છે . કોઈનાં દુઃખ દૂર કરવા મહેનત કરનારને શિતળા માતા પ્રસન્ન થાય એ સંદેશો સારો છે , પણ બાળકને જો ખરેખર શિતળા કે ઓરી અછબડાં નીકળ્યાં હોય (હવે તો આ બધું વિશ્વમાંથી નાબૂદ થઇ ગયું છે – રસીની શોધ થતાં ) તો યોગ્ય મેડિકલ મદદ લેવી જોઈએ એવો સન્દેશો પણ એ અભણ પ્રજા સુધી પહોંચવો જોઈએ ને ?

મેઘાણીએ પણ કબુલ્યું છે કે હા , મરેલાં પુનર્જીવિત થાય તેવી ભ્રાંતિ આપણે ઉભી નથી કરવાની , પણ , રાજાની કુડી નજર પડતાં જાતને સમૂળગી વાઢી નાખનાર કે શરીરે સાપ વીટળાયો હતો છતાં પોતાની દેહ મર્યાદા ન છોડનાર સ્ત્રીને નમન કરવામાં ખોટું શું છે ?

વાચક મિત્રો , આ પ્રશ્ન તો હું તમને જ પૂછું છું :
મેઘાણીએ લખ્યું છે : “ બેશક , આજે આપણને દેહ મર્જાદનાં જૂનાં ધોરણો ઢીલાં કરવાની જરૂર પડી છે .લજ્જાની કેટલીક લાગણીઓમાં આપણને અતિરેક જણાયો છે .. પણ ઉપર જણાવ્યા તેવા દ્રષ્ટાંતોને નમવાથી આજના યુગમાં ગત યુગના પ્રસંગોને અપમાન સમજવાની જરૂર નથી . પતિ ભક્તિ , શિયળ , આતિથ્ય ઇત્યાદિ ગત યુગની ઉગ્ર ભાવના – અતિ ઉગ્ર ભાવના અને અતિરેકને અનુકરણીય ના ગણીએ, પણ એને આદર યોગ્ય તો ગણી શકાય ને ? એમાં કોઈ પ્રભાવક જીવન તત્વ તો જરૂર વિલસી રહ્યું છે ..
આપણે ત્યાં પુરાણોમાં વાર્તાઓમાં આવે છે કે એક ફૂલ ઓછું પડ્યું એટલે માથું વધેરી દીધું !
મેઘાણી આપણી એ કમળપૂજા ને જાપાનની હારાકીરી ની મૃત્યુ ભાવના સાથે સરખાવે છે અને કહે છે કે આવાં મૃત્યુને બુદ્ધિ હસી કાઢે છે , પણ તેમાં મરનારનો દેહ પરનો વિજય દેખાય છે તેને કોઈ પણ બુધ્ધિવાદની હોશિયારી ઝાંખો પાડીશકશે નહીં .. અહીં એ પ્રથાનું સમર્થન નથી પણ એમાં પ્રગટ થતી પ્રાણ શક્તિને અંજલિ છે .

આવા ગંભીર મુદ્દા પર સહેજ સ્પર્શવાનું એક કારણ છે !
મેઘાણીની વિદાયને પણ પોણી સાડી વીતી ગઈ . સમય બદલાયો . સંજોગો બદલાયાં. અરે સ્થળ પણ બદલાઈ ગયાં. મેઘાણીના સાહિત્યની શાશ્વતતા માણવા આ બધું જાણવું પણ જરૂરી છે . સારો સાહિત્યકાર માત્ર તત્કાલીન સમાજનું પ્રતિબિંબ જ નથી ઝીલતો , એ પોતે એનું પ્રતીક બની જાય છે ! એ સમયના સમાજમાં દેશ ગુલામીમાં ડૂબેલો હતો , મિથ્યા અભિમાન અને નાના નાના વાડાઓમાં વહેંચાયેલ લોકોને કોઈ પણ રીતે જગાડીને રાષ્ટ્ર ભાવના માટે જાગૃત કરવાનાં હતાં! ગાંધીજીએ ખુબ વિચારીને આળસુ લોકોને માત્ર રેંટિયો કાંતવાનું , સ્વાવલંબી બનવાનું સમજાવ્યું ; બસ , એ જ રીતે લોકોને એક કરવા રાષ્ટ્રીય કવિ મેઘાણીએ લોકસાહિત્યનું શસ્ત્ર હાથમાં લીધું !
લગ્નગીતો ઋતુગીતો સંત વાણી , ભજનો , હાલરડાંથી માંડીને મરશિયાં સુધીનું તમામ સાહિત્ય ભણેલ સમાજને પીરસ્યું અને આ બે વર્ગો વચ્ચે સેતુ બન્યા ! તેના વૈશિષ્‍ટય અને વૈભવ દાખવ્‍યાં છે.
રાષ્ટ્રીય શાયર, , લેખક , કવિ , નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર ,લોકસાહિત્યકાર,સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક, ,એવા શ્રી ઝવેરચંદ ઝવેરચંદ મેઘાણી 25 વર્ષોમાં સાહિત્યનું ૨૫૦ વર્ષોનું કામ કામ કરી ગયા…!
આજે આ કોલમ દ્વારા , સિક્કાની બીજી બાજુને સહેજ સ્પર્શીને એ દિવ્ય આત્મા ઝવેરચં મેઘાણીને ૧૨૫મી જન્મ જ્યંતીએ અંજલિ અર્પું છું !

સ્પંદન-32


વ્રજમાં વૈકુંઠ અનુભવાય છે
મોરલીના સૂરમાં માધવ કળાય છે
યમુનાજીના નીર ભક્તિએ છલકાય છે
મોહનની માયામાં નેણ ભીંજાય છે
મોરપિચ્છનો રેશમી સ્પર્શ થાય છે
કાનાની લગનીમાં દુનિયા વિસરાય છે
મીરાં, રાધા,ગોપી રૂપે કૃષ્ણમય બનાય છે
શ્રદ્ધાથી જય જય શ્રીકૃષ્ણ કહેવાય છે.

વિરાટનું વર્ણન એટલે ગાગરમાં સાગર. સ્વાભાવિક છે કે શબ્દો ખૂટે પણ પ્રેરણાનું ઝરણું હોય, ઈશ્વરના આશીર્વાદ હોય તો વાચા ફૂટે. જન્માષ્ટમી એ એવી ઘડી છે જે સોહામણી પણ છે અને રળિયામણી પણ. આનું કારણ છે કૃષ્ણ. કૃષ્ણ એ વ્યક્તિ જ નહિ પણ વ્યક્તિત્વ છે જે સદીઓ કે હજારો વર્ષો પછી પણ આપણને પ્રેરણા આપે છે. જીવન એ ઈશ્વરની સોગાદ છે, પણ જો તે શ્રેષ્ઠ રીતે જીવાય તો પ્રભુનો પ્રસાદ છે. આ માટે પ્રેરણા અને જ્ઞાન આપી શકે કૃષ્ણ. કારણ કે કૃષ્ણ માત્ર દ્વારિકાધીશ નથી, કૃષ્ણ છે જગદગુરુ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે.  કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ, કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે? આવા અનેક પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હ્રુદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે. આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે.

કૃષ્ણ એ વ્યક્તિ નથી પણ વિભૂતિ છે. વિભૂતિમય વ્યક્તિત્વના સ્વામી છે કૃષ્ણ. કૃષ્ણ માનવદેહમાં પણ ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવે છે. કૃષ્ણ ઘનશ્યામ છે પણ તેનું વ્યક્તિત્વ છે મેઘધનુષી. તેમાં એક નહિ અનેક રંગો દેખાશે. કૃષ્ણ  રસાવતાર છે. કદાચ  માતા યશોદા તેને ખાંડણીયા સાથે બાંધી શકે તેવા નિર્દોષ બાળક છે પણ સાથે જ તેમની સમર્થતા રાક્ષસોને મારવાની છે તે સિદ્ધ કરી આપે છે. કૃષ્ણ બાળક થઈ ગોકુળના મિત્રો સાથે  ગેડી દડાથી રમી શકે છે તો સાથે જ કાળીનાગને નાથી શકે છે. સામર્થ્ય અને ગતિનું અદભુત મિશ્રણ છે કૃષ્ણમાં. ગોકુળમાં ગોપીઓ સાથે રાસ રમતા કૃષ્ણ ગોકુળ અને રાધાજીને છોડીને મથુરા જઈ કંસનો વધ કરી શકે છે. સામર્થ્ય સિદ્ધ કર્યા પછી પણ કૃષ્ણ મથુરામાં રહેતા નથી. કૃષ્ણની ગતિ છે દ્વારિકા તરફ. સામર્થ્ય અને ધ્યેયલક્ષી દ્રષ્ટિ હોય તો સોનાની દ્વારિકા વસાવી શકાય તેવો આશાવાદ કૃષ્ણના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. સુદામાના બાળમિત્ર કૃષ્ણ દ્વારિકાધીશ છે છતાં તાંદુલ સ્વીકારી શકે છે પણ પ્રત્યક્ષ કશું આપતા નથી. પરંતુ અપ્રત્યક્ષ રૂપે સુદામાને એટલું બધું આપે છે કે સુદામા માની પણ શકતા નથી. આદર્શ મિત્રતાની ભેટ અપ્રત્યક્ષ પણ હોઈ શકે તે દર્શન કૃષ્ણ કરાવી શકે છે. કૃષ્ણ અર્જુનના સખા છે અને મહાભારતના યુદ્ધમાં તેના સારથિ પણ છે.

કૃષ્ણનું  બાળપણ વાંસળી સાથે સંકળાયેલું છે.  કૃષ્ણની વાંસળીની મોહિની અનેક કવિઓએ ગાઈ છે. આ વાંસળીએ માનવ હોય કે પશુ-પંખી, બધાં પર પોતાના કામણ કર્યા છે. કૃષ્ણની બાળલીલા, પરાક્રમો નાના બાળકો જ નહીં પણ મોટાઓનાં દિલ પણ હરી લે છે. દ્વારિકાધીશ કૃષ્ણ હરહંમેશ પાંડવોના સખા, સાથી કે હિતચિંતક તરીકે આપણે જોયા છે. દ્રૌપદીના ચીરહરણના પ્રસંગે, મહાભારતના યુદ્ધ પ્રસંગે કે યુદ્ધ પૂરું થયા બાદ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર પ્રસંગે કૃષ્ણ પાંડવોની ઢાલ રહ્યા છે. પાર્થસારથી વિના પાર્થની કલ્પના અપૂર્ણ છે.

કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના.  કનૈયાલાલ મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय:  કૃષ્ણની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોરપિચ્છ સમાન છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા ….અને ઘણું બધું.

કૃષ્ણ માત્ર પ્રણાલિકા ભંજક નથી , વિનોદી અને વ્યવહારકુશળ જ નથી,  કૃષ્ણ છે સામર્થ્ય અને સ્નેહ; કૃષ્ણ છે વાત્સલ્ય અને પ્રેમ. આપણી આંખો સમક્ષ એ જ મૂર્તિ પ્રસ્તુત છે…એ જ મોહિની…કૃષ્ણ એટલે જ મોહન…મનમોહન. ભગવદ ગીતાના પ્રવકતા, બાળકોથી લઈને મોટાઓ સુધી સૌના હૃદયમાં જે વસ્યા  છે  તે કૃષ્ણ આજના આધુનિક યુગમાં મેનેજમેન્ટના વર્ગોમાં અને કોર્પોરેટ  દુનિયામાં પણ માનીતા છે. કૃષ્ણ માત્ર નેતા નથી, તે છે યુગપુરુષ.  યુગપુરુષ માત્ર અંગત લાભના મોહને ત્યજીને એક એવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સર્વનું કલ્યાણ હોય.

કૃષ્ણ પ્રગટ થાય છે,  ધર્મની શ્રેષ્ઠ સમજ સાથે, ધર્મની પ્રચલિત માન્યતાઓથી વિપરીત. ધર્મ એ કેવળ આશા નથી, ક્રિયાકાંડ નથી; રોષ, લોભ કે ભયથી પ્રેરાઈને જે કંઈ થાય છે, એ પણ ધર્મ નથી. નિર્બળતાથી ઉપર ઊઠીને જાતને ઘડવાનો સંકલ્પ એ ધર્મ છે. અને એટલું જ બસ નથી. ધર્મ એ દર્શન , સંકલ્પ અને કર્તવ્ય  છે, જેનું દર્શન કૃષ્ણના જીવનમાં થાય છે.

પરંતુ જન્માષ્ટમીએ દર વર્ષે પ્રગટ થતા કૃષ્ણ એ ‘ગોવિંદા આલા રે આલા’ વાળા બાલ સ્વરૂપ શ્રીકૃષ્ણ છે જે આપણી સામાજિક ચેતના છે. આ કૃષ્ણ નથી મુત્સદ્દી કે રાજનીતિજ્ઞ કે નથી ગીતાના જ્ઞાનમય કૃષ્ણ. આ કૃષ્ણ એ કૃષ્ણનું એવું બાલ સ્વરૂપ છે, જે દરેકને આનંદવિભોર કરી દે છે. કૃષ્ણ અનેકવિધ રંગો ધરાવનાર વિભૂતિ છે પણ જન્માષ્ટમી એ ભક્ત હૃદયમાં વિરાજમાન કૃષ્ણ બાલકૃષ્ણ છે. તેનો સબંધ દિમાગ નહિ દિલ થી છે. મન કરતાં તે હૃદયની વિશેષ નજીક છે. જો આ બાલસ્વરૂપ કૃષ્ણ આપણા  હૃદયના ભાવોમાં વ્યક્ત થાય તો  કૃષ્ણ દૂર નથી, સાથે જ છે. કારણ કે કૃષ્ણ માત્ર વિભૂતિ નથી, અનુભૂતિ છે. આ અનુભૂતિ એ જ ભક્તિ, તેનો સાક્ષાત્કાર એ જ આપણા જીવનની ધન્યતા. આ અનુભૂતિ થાય ત્યારે દિલમાં કૃષ્ણ છવાશે, રોમરોમમાં આનંદ હશે, મનમાં બંસીનો વેણુનાદ હશે. આવી અનુભૂતિ અને કૃષ્ણમય કર્મયોગની સહુને શુભેચ્છા… જય શ્રીકૃષ્ણ.

રીટા જાની
27/08/2021

એક સિક્કો બે બાજુ:32) અફઘાનિસ્તાનની ગઈકાલ, આજ ને આવતીકાલ ..

ગયા અઠવાડીએ એક વિડિઓ ફરી ફરીને આપણે ટી વી માં અને સોસ્યલ મીડિયામાં જોતાં હતાં : તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો પછી લોકો દેશ છોડવા નાસભાગ કરતાં હતાં, પણ જયારે તેમનાથી દેશ છોડવો અશક્ય થઇ પડ્યું ત્યારે …. મા બાપ પોતાનાં બાળકોને કાબુલના એ એરપોર્ટની બહાર પેલી દીવાલની અંદર ઉભેલા અમેરિકન લશ્કરના માણસોને પોતાનાં પ્રાણથી પણ પ્યારાં બાળકો આપી દેતાં હતાં .. ભયન્કર ગર્દી , ભીડ અને ભયનું વાતાવરણ હતું ત્યારે – અરાજકતા પ્રવર્તતી હતી ત્યારે -કોઈ અજાણી વ્યક્તિને પોતાની દીકરીઓ જરૂરી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ સાથે -કે કોઈ જ ડોક્યુમેન્ટ્સ વિના એમ જ – સાવ આમ મોકલતાં જોઈને આંખમાં પાણીઆવી ગયાં! સમગ્ર દેશમાં અરાજકતા પ્રવર્તે છે ત્યારે એ બાળકનું ભાવિ કેવું હશે એની પણ પરવા કર્યા વિના પોતાનો દિલનો ટુકડો આમ અળગો કરતાં મા અને બાપને શું વીતી હશે?
પેલી જૂની વાર્તા , જે આપણે નાનપણમાં ભણ્યાં હતાં તે આજ સુધી માત્ર કાલ્પનિક લાગતી હતી :
બે સ્ત્રીઓ એક બાળક માટે ઝગડતી હતી . એક સ્ત્રીએ કહ્યું કે આ મારું બાળક છે . બીજીએ જોર શોરથી પહેલી બાઈને કહ્યું ; જા જા જુઠ્ઠી , આ તો મારું બાળક છે !
પહેલી સ્ત્રીએ રડતાં , કરગરતાં કહ્યું , ‘બેન , આ તો મારું બાળક છે . મેં એને જન્મ આપ્યો છે !’
બીજી સ્ત્રીએ જોરથી કહ્યું , ‘અરે જા ! મેં એને જન્મ આપ્યો છે . આ મારું બાળક છે ..’ વાત છે કે ન્યાયાધીશ સુધી પહોંચી . એ સમયે વિજ્ઞાન એટલું એડવાન્સ નહોતું કે ડી એન એ ટેસ્ટ કરીને નક્કી કરી શકાય કે એ બાળક કોનું છે .એટલે ન્યાયાધિશ પણ નક્કી કરી શક્યા નહીં કે ખરેખર આ કોનું બાળક છે !
ત્યારે એમણે કહ્યું કે આ બાળકનાં બે ભાગ કરો અને બંને ને એક એક ટુકડો આપી દો.
પછી , જ્યાં સિપાઈ તલવાર લઈને બાળકનાં બે ટુકડા કરવા આગળ વધ્યો કે તરત જ પહેલી બાઈએ બૂમ પાડી; ‘ ઉભા રહો ! આ મારું બાળક નથી . તમે પેલી બહેનને જ આ બાળક આપી દો !’
આનંદથી વિજયના ભાવ સાથે બીજી બાઈ નજીક આવી અને બાળકને ઉપાડવા ગઈ ત્યાં જ ન્યાયાધીશે એને રોકી .પકડી ને એને જેલમાં નાખી દીધી ! ન્યાયાધીશે કહ્યું ,’ તું એની સાચી માતા હોઈ જ ના શકે . સાચી માતા બાળકને જીવાડવા ગમે તે કરે -‘ એ બાળક મારું નથી’ એમ કહીને પણ એ એને જીવાડે !
મિત્રો , એ તો માત્ર વાર્તા હતી . પણ એને પણ ઝાંખી પડે તેવી સત્ય ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે ! મા બાપ પોતાની દીકરીઓને સારું જીવન મળશે એ આશાએ, એમને ગમે તે અજાણ્યા અમેરિકન લશ્કરના માણસને આપી દેતાં હતાં ! એમ કરતાંયે એમનું બાળક કોઈ ભય મુક્ત સલામત જગ્યાએ પહોંચે , એને સારું જીવન મળશે એની એમને ખાતરી છે !
હા , અફઘાનિસ્તાનમાં અત્યારે ભયન્કર પરિસ્થિતિ છે . માનવ જયારે અસંસ્કૃત અવસ્થામાં રહેતો હતો ત્યારે જે રીતે દુશ્મનને તલવારથી મારી નાંખતો, બાળકની સામે ગમ્મે તે અસામાજિક કૃત્ય કરતાં પણ અચકાતો નહીં , તેવી પ્રીમિટિવ અવસ્થામાં આજે તાલિબાનો વર્તી રહ્યા છે !! .
પણ આપણે તો આ આધુનિક યુગમાં જીવી રહ્યાં છીએ ને ?
વિશ્વમાં બીજી મહાસત્તાઓ કેમ કાંઈ કરતી નથી ?
તમે પૂછશો!
યુનાઇટેડ નેશન્સ કેમ ચૂપ છે ? તમને પ્રશ્ન થશે !
યુનાઇટેડ નેશન્સ એટલે વિશ્વનાં ઘણાં બધાં રાષ્ટ્રોનો સમૂહ . એ સૌ ભેગાં મળીને વિશ્વ શાંતિ અને અન્ય પ્રશ્નો ઉપર ચર્ચા કરે . પણ એમાં ચાઈના અને રશિયા જેવા કમ્યુનિશ રાષ્ટ્રો પણ છે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા પણ છે . એમાં સરમુખત્યાર પણ છે . એ સૌની દ્રષ્ટિએ જે અયોગ્ય લાગે તો તેમાં વાંધો ઉઠાવાય .
વાચક મિત્રો !હવે તમને પ્રશ્ન થશે કે શું અફઘાનિસ્તાનમાં જે અમાનુષી કર્યો થઇ રહ્યાં છે તેનાથી શું એ રાષ્ટ્રોનાં પેટનું પાણીય હાલતું નથી ?
ચાલો , સિક્કાની બીજી બાજુનો અભ્યાસ કરીએ ..
આપણને જાણીને આશ્ચર્ય થાય કે તાલિબાનનોએ અફઘાનિસ્તાનમાં એક વખત લોકોનો વિશ્વાશ પણ જીત્યો હતો !
એ લોકોએ દેશની ભ્રષ્ટાચારી સરકારને ઉથલાવી ત્યાં રસ્તાઓ બનાવ્યા હતાં , ઉદ્યોગો સ્થાપ્યાં હતાં !!
તો ચાલો ,જરા જાણીએ કે કોણ છે આ તાલિબાન ? કેવી રીતે એ લોકો આટલાં મજબૂત બન્યાં?
વીસમી સદીના છેલ્લા દાયકામાં – ૧૯૯૦ ના દાયકામાં રશિયાએ જે કબ્જો જમાવ્યો હતો તે અમેરિકાની મદદથી સમગ્ર સોવિયેત રશિયા જ ભાંગી પડતાં અફઘાનિસ્તાનમાં સત્તા માટે જગા થઇ . એ અરસામાં પાકિસ્તાનની ઉત્તર સીમાએ પશ્તુન વિસ્તારમાં મુશ્લીમ મદરેસામાં બાળકોને મુસ્લિમ ધર્મનું શિક્ષણ અપાતું હતું .
ધર્મનું શિક્ષણ એ તો સારી વાત થઇ ! તમે કહેશો .
પણ આ વર્ગનાં લોકો ચુસ્ત મુસ્લિમ હતાં . સુન્ની મુસ્લિમ . તેઓ જુનવાણી , ચુસ્ત વિચારસરણી ધરાવતાં. તેઓને ત્યાંના અન્ય લિબરલ – સુધરેલ મુસ્લિમો સાથે સંઘર્ષ થવા મંડ્યો . ચુસ્ત વિચારધારા ધરાવતો એક દેશ સાઉદી અરેબિયા ! એ લોકો શરિયા કાયદામાં માને છે .. શરિયા લૉ સ્ત્રીઓને સ્વતંત્ર અધિકાર આપવાની વિરુદ્ધમાં છે . સ્ત્રી માત્ર પુરુષની પ્રોપર્ટી ગણાય ,એનું રક્ષણ કરવું , સાચવણી કરવી એ બધું પુરુષના પોતાના ઉપભોગ માટે , એ ફિલોસોફીમાં એ માને છે .તેને લીધે સ્ત્રી ઉપર ઘણાં બધાં રિસ્ટ્રિક્શન – બંધન આવી જાય છે આ કાયદામાં .
એમાં ચોરી કરનારના હાથ કાપી લેવામાં આવે . એ કાયદા પ્રમાણે પરસ્ત્રી સાથે વ્યવહાર કરનારને જાહેરમાં ફાંસી અપાય . એના આવા કડક કાયદાને લીધે અફઘાનિસ્તાનમાં ભયનું વાતાવરણ છતાં ભ્રષ્ટાચાર વગેરે ત્યારે તો બંધ થઇ ગયાં . લોકોને એક રીતે શાંતિ મળી . એમને સાથ આપવા સાઉદી અરેબિયા અને પાકિસ્તાને આ તાલિબાનોને શસ્ત્રો આપ્યાં. એમને પૈસા આપ્યાં . અને અમેરિકાએ રશિયા સામે લડવા એ લોકોને શિક્ષણ તો આપ્યું જ હતું !! આધુનિક શસ્ત્રો કેવી રીતે ચલાવવા તે આ કટ્ટર મુસ્લિમપંથીઓને અમેરિકાએ જ શીખવાડ્યું હતું …!
વિદ્યા દાન તો મહાન દાન ગણાય છે , પણ કોને વિદ્યા શીખવાડવી તેનાં પણ નીતિ નિયમો હોય છે – જે સુધરેલ દેશ અમેરિકા ભૂલી ગયો ! અથવા તો , કહો કે પોતાનાં સ્વાર્થ માટે અમેરિકાએ જ રાક્ષસ સેના ઉભી કરી !
ઉપનિષદની પેલી વાત યાદ આવે છે ?
ઉપનિષદ જ નહીં , પાંચ તંત્રમાં પણ એવી વાતો આવે છે જ્યાં પોતાની સંજીવની વિદ્યાર્થી બ્રાહ્મણ કોઈ રાખનાં ઢગલાને પાણી છાંટીને સજીવન કરે છે … બ્રાહ્મણને એમ કે જોઉં તો ખરો , મને આ સંજીવની વિદ્યા આવડી છે કે નહીં !
ને લો ; પાણી છાંટ્યું અને રાખમાંથી વાઘ જીવતો થયો !!!
પછીની વાર્તા તમને સમજાઈ ગઈ હશે ! વાઘે બ્રાહ્મણને જ ફાડી ખાધો !
અફઘાનિસ્તાનમાં શેરીઓમાં વાઘ ફરતાં થઇ ગયાં .. ને પછી એમને નાથવા અમેરિકાએ જ પાછું લશ્કર મોકલ્યું . વીસ વીસ વર્ષ સુધી અમેરિકાએ ત્યાં સૈન્ય રાખ્યું . અફઘાનિસ્તાનમાં લોકશાહી સ્થાપવા પ્રયત્ન કર્યો .. પણ આ તો ગાયના ચામડામાં ઉછરી રહેલ વાઘ હતો !! જ્યાં અમેરિકાએ લશ્કર પાછું ખેંચવા માંડ્યું કે વાઘ પાછો છતો થઇ ગયો !!
વિદ્યા પણ કોને શીખવાડવી એનાંયે નિયમ હોય છે
ચાણક્ય કહે છે કે કોઈની ભૂલોમાંથી શીખો , જીવનમાં બુદ્ધિ ભૂલો કરીને શીખવા જેટલો સમય તમારી પાસે નથી .
ઝેરીલા સાપને ઉછેરતી વખતે તમને ડંખ વાગી શકે છે તે યાદ રાખો !
અને અહીં તો એ ઝેરીલા સાપને જ દૂધ પીવડાવીને ઉછેર્યો છે !!
જો કે , સાવ હાથ હેઠાં રાખીને એ રાક્ષસોને એમ ઘુમવા દેવાય નહીં જ જ. તો શું થઇ શકે ?
જો કે તાલિબાનોએ કહ્યું છે કે તેઓ આ વખતે સ્ત્રીઓને ડ્રાંઇવિંગ કરવાની છૂટ આપશે . ભણવાની સંમતિ આપશે .. કાયદામાં સુધારા કરશે .. વગેરે વગેરે વાતો સંભળાય છે . અત્યારે તો પરિસ્થિતિ દયાજનક અને ભયજનક લાગે છે . માત્ર ભગવાન જ બચાવી શકે એ દેશની પ્રજાને !
ને હાલમાં વિશ્વની બે લોકશાહી મહા સત્તાઓ અમેરિકા અને ભારત – આપણી કર્મભૂમિ અને જન્મભૂમિ – પોતાની રીતે પોતાના દેશવાસીઓને રક્ષવા કમર કસી રહ્યાં છે સાથે એ દેશને ઉગારવાની પણ માનવીય જવાબદારી માટે ઘણાં રાષ્ટ્રો ખળભળી રહ્યાં છે ..
શું થશે અને શું કરીશકાય , અને શું કરવું લગભગ અશક્ય છે વગેરે વિષે આવતે અંકે વિચારીશું .
અસ્તુ !

સ્પંદન-31


હૃદયમાં નિર્દોષ વ્હાલનો ઝગમગાટ
આંખોમાં અમીરસ ભરેલો તરવરાટ
બાળપણની મધુરી યાદોનો સળવળાટ
મોંઘેરા મિલન થકી હાસ્ય ખિલખિલાટ
હોઠો પર ગમતાં ગીતોનો ગણગણાટ
મહેકે છે ઉષ્માભર્યા હેતનો મઘમઘાટ
ભાઈબહેનનો  રક્ષાબંધનનો થનગનાટ
જીવન સફર લાગણીએ જાય સરસરાટ.

જીવન છે પુષ્પ…અવનવા રંગો છલકાવે, પ્રતિદિન સુવાસ ફેલાવે. આ સુવાસ છે સંબંધોની. માણસ એકલો નથી, અટૂલો નથી તેનો એહસાસ પળ પળ થાય, ખુશીઓના વાવેતર થાય તો રંગોને, સુવાસને છલકાતાં કોઈ રોકી શકે નહીં અને જીવન આનંદથી છલકાતો ઉત્સવ બને.

પણ ઉત્સવ એટલે શું? ક્યારે એવું લાગે કે જીવન એક ઉત્સવ છે? માણસ એ માત્ર ભૌતિક જરૂરિયાતોથી જ આનંદ પામે છે તેમ નથી. માણસ એટલે તનની સાથે રહેલું મન. મન એ મનોભાવોનું વિશ્વ છે. જીવન રોજબરોજની ભાગદોડમાં એટલું વ્યસ્ત હોય છે કે તેને મનની વાત સાંભળવાનો જ અવસર હોતો નથી. માત્ર ભૌતિકતા જીવનને યાંત્રિક અને નીરસ બનાવે છે. એકધારું યંત્રમય જીવન અભિશાપ બને છે. આવા સંજોગોમાં ઉત્સવ જીવન પ્રાણ બને છે. ઉત્સવ દિલની લાગણીઓને વ્યક્ત થવાની તક આપે છે. નીરસ જીવન પૂર્ણતા તરફ પ્રગતિ કરે છે અને  રસમયતા તરફ ગતિ કરે છે. સમયાંતરે પ્રાપ્ત થતી આવી તકો એટલે ઉત્સવ.  ઉત્સવમાં લાગણીઓ વ્યક્ત થાય અને માનવસંબંધોની ઉષ્મા પ્રગટ થાય. આ વિચારને ધ્યાનમાં રાખી માનવ સમાજ વિશ્વમાં ઉત્સવ ઉજવતો રહ્યો છે. ભારતીય પરંપરાઓ તો સદીઓથી અને પૌરાણિક કાળથી ચાલી આવે છે.

અર્વાચીન જીવન કદાચ આધુનિક હશે પણ તેમાં એક સ્ટ્રેસ કે તાણ અનુભવનારા લોકોની સંખ્યા ઓછી નથી. ભૌતિકતા મનોભાવોને વ્યક્ત કરવામાં ટુંકી પડે છે. કૃત્રિમતાના લિબાસમાં કુદરતી આનંદ આવતો નથી. ટીવી પર પ્રવાસની સીરિયલ જોઈને સમુદ્રને જોઈ શકાય પણ સમુદ્રમાં નહાવાનો કે પગ પલાળીને આનંદિત થવાનો અવસર તેમાં મળતો નથી. આધુનિક વિજ્ઞાન ક્યારેક માનવીને મંગળના ગ્રહ પર વસતો કરી દે તો પણ વતનની માટીની સુગંધ સાથે વ્યક્ત થતા મનોભાવો ક્યારેય આપી શકે નહિ. ઔપચારિક સ્મિતથી છલકાતા સંબંધો પણ કુદરતી પ્રેમની ઉષ્મા આપવામાં અધૂરા હોય છે તે સહુનો અનુભવ છે. આથી જ ઉત્સવ એટલે એવો અવસર જે તનમાં ઉત્સાહ અને મનમાં આનંદ પ્રેરી શકે. આવા ઉત્સવો અવાર નવાર આવે અને જીવન એક ધબકાર અનુભવે. ભારતીય પરંપરામાં આવો એક ઉત્સવ એટલે જ રક્ષાબંધન.


         રક્ષાબંધન એટલે જ બહેન અને ભાઈના પવિત્ર પ્રેમ અને લાગણીનો ઉત્સવ. આ ઉત્સવ સામાજિક કરતાં કૌટુંબિક વિશેષ છે.  કુટુંબ એ સમાજનો પાયો છે.  કુટુંબનો પાયો છે આત્મીયતાની લાગણી.  કુટુંબ એ પુષ્પગુચ્છ છે અને તેની સુવાસ અને આત્મીયતા એ જ સમાજને શક્તિશાળી બનાવે છે. પરિવારની શક્તિ એટલે પરસ્પરનું ખેંચાણ અને આત્મીયતા. પરિવારની ડાળીના ફૂલ એટલે ભાઈ અને બહેન.  રક્ષાબંધન એટલે આ ડાળીના ફૂલોની સુવાસ. દર વર્ષે જ્યારે શ્રાવણ મહિનાની પૂર્ણિમા કે નાળિયેરી પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે રક્ષાબંધન ઉજવાય છે. દરેક બહેન પ્રતિક્ષા કરે છે ભાઈની. આ દિવસે રક્ષા કે રાખડી બહેન ભાઈના હાથે બાંધે છે અને ભાઈના સુખ અને કલ્યાણની કામના કરીને અંતરના આશીર્વાદ આપે છે કે ભાઈની રક્ષા થાય. ભાઈ પણ આભારી થઈને પ્રેમથી બહેનને રક્ષાબંધનની ભેટ આપે છે. પરિવારનો સામૂહિક મેળો યોજાય છે, આનંદ અને ઉત્સાહ વાતાવરણમાં છવાય છે. અગાઉ તો ગામો નાનાં અને અંતર નજીક હતાં.  ભાઈ બહેન રૂબરૂ મળી આ ઉત્સવની ઉજવણી થતી. પરંતુ આધુનિક વિશ્વ ગતિશીલ છે. ભાઈ અને બહેન વચ્ચેના ભૌતિક અંતર વધ્યાં પણ જ્યાં મનની એકતા અને લાગણી હોય ત્યાં કોઈ અંતરાય હોતો નથી. આજે પણ રક્ષાબંધનનો દિવસ એટલે ભાઈબહેનના મિલનનો દિવસ. દરેક ભાઈ પોસ્ટમેન પાસેથી રાખડી ક્યારે આવે તેની વાટ જોતો હોય છે. બહેન પણ આ પ્રસંગ ભૂલતી નથી. જ્યાં ભૌતિક અંતર માઈલોનું હોય પણ લાગણીનું અંતર ન હોય ત્યાં હરહંમેશ આ દિવસ ગૌરવ અને પ્રેમ તથા આત્મીયતા સાથે ઉજવાય છે. ક્યારેક ભાઈ ન હોય કે ભાઈ ને બહેન ન હોય તો આંખોમાંથી આંસુ ટપકતાં વાર લાગતી નથી. આ આંસુ ભાવુકતાના હોય છે. બહેન કે ભાઈનો અભાવ આ દિવસે સહુને વરતાય છે. દિવસ કદાચ પુરો થાય પણ આત્મીયતાની સરવાણીઓ સુકાતી નથી. સમયનો પ્રવાહ વહે છે, જીવન ફરી તાલમય ગતિના ક્રમમાં ગોઠવાય છે. ઉત્સવની સુવાસ અનુભવાય છે.

સરિતાના જળ અને સમયની પ્રત્યેક પળ વહેતી હોય છે. સંસ્કૃતિ પણ સમયની સરવાણી છે. આપણા ઉત્સવો પણ પ્રાચીન સંસ્કૃતિ સાથે અને ઇતિહાસના સમયખંડો સાથે જોડાયેલા હોય છે. રક્ષાબંધનનો પ્રાચીન ઉલ્લેખ ઈન્દ્રાણીએ  ઇન્દ્રને બાંધેલ રક્ષાસૂત્રમાં જોવા મળે છે. બીજી કથા બલિરાજા અને લક્ષ્મીની પણ છે, જ્યારે લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાબંધન કરેલું.  એક રસપ્રદ કથા ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીની પણ છે. જ્યારે ભગવાન કૃષ્ણના હાથમાં ઇજા થતાં લોહી વહેતું હોય છે ત્યારે હાજર દ્રોપદી પોતાની સાડીનો છેડો ફાડી કૃષ્ણ ને પાટો બાંધે છે. કૃષ્ણ પણ દ્રોપદીના વસ્ત્રાહરણ સમયે ભાઈ બનીને પોતાની ફરજ નિભાવે છે અને સતત સાડીઓ પ્રદાન કરે છે.  વસ્ત્રાહરણની વિવશતામાં દ્રૌપદીની રક્ષા કરે છે. પુરાણકાળથી આગળ વધીએ તો ચિત્તોડની રાણી કર્ણાવતી પર જ્યારે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ  આક્રમણ કરે છે ત્યારે  રાણી બાદશાહ હુમાયુને રાખડી મોકલે છે અને હુમાયુએ રક્ષા કરેલી તેવી વાત પ્રસિદ્ધ છે.  ભાઈ અને બહેનના સ્નેહને અમર કરતી કથાઓ ઉભરતી રહે છે. તાજેતરમાં લંડન સ્થિત ભારતીય મૂળની લેખિકા બિના બ્રિગ્સના બેસ્ટ સેલર  પુસ્તક “The Red Thread” માં પણ વસ્તુતઃ આ જ વિષયને લઈને વાસ્તવિક જીવનની પ્રેરણાદાયી વાતો ખૂબીપૂર્વક રજૂ થઈ છે.  

સમયના તાણાવાણા સાથે આગળ વધતું જીવન રક્ષાસૂત્રની મંગલકામનાઓ વ્યક્ત કરે છે. એક તરફ રાખડીનું બંધન અને બીજી તરફ બહેનના સંકટ સમયે રક્ષાનું વચન. વચન એ બંધન છે, પણ સ્નેહના ધાગાથી શોભતું આ બંધન – રક્ષાબંધન- એ છે જીવન ચંદન. ચંદનની આ શીતળ સુવાસિત મહેક સહુ ભાઈ બહેનના સ્નેહમાં મહેકે તેવી મંગલ કામના.

રીટા જાની
20/08/2021

એક સિક્કો બે બાજુ :31) અફઘાનીસ્થાન : શું થઇ રહ્યું છે ત્યાં ?


આજ કાલ વિશ્વ સમાચારોમાં અફઘાનીસ્થાન નું નામ સંભળાય છે . તાલિબાને અફઘાનીસ્થાનના મહત્વના શહેરો ઉપર કબ્જો જમાવી દીધો છે ! જે રાષ્ટ્ર પોતે ખુબ ખડતલ અને બહાદ્દુર પ્રજા બનાવે છે તે આમ તાલિબાનના હાથે સપડાઈ ગઈ ? કેવી રીતે ? વળી આપણો ભારત દેશ પડોશી દેશ હોવાને નાતે પણ એ દેશમાં અંધાધૂંધી પ્રવર્તે તો આપણને પણ એનાં છાંટા ઉડીશકે ,એ દ્રષ્ટિએ પણ ચિંતા થઇ ! તો ચાલો આપણે એ રાષ્ટ્ર વિષે થોડું જાણીએ .
આમ જુઓ તો માનવ સંસ્કૃતિની શરૂઆત આજથી ૫૦,૦૦૦ પચાસ હજ્જાર વર્ષ પૂર્વે અફઘાનીસ્થાન પ્રદેશથી થઇ હોવાનાં અનેક પુરાવાઓ મળી આવ્યાં છે . અરે ઈસુ પૂર્વેની છઠ્ઠી સદી એટલે કે આજથી અઢી હાજર વર્ષ પૂર્વેનો જે ઇતિહાસ છે તેમાં અફઘાનીસ્થાનનો ઘણો પ્રદેશ ભારત સાથે જોડાયેલો જણાય છે . સિંધુ નદીના તટે વિકસેલી આપણી ભારતીય સંસ્કૃતિ એ સમયે છેક હિંદુકુશ પર્વતો અને સુલેમાન પર્વતોની વચ્ચે વસેલ ગાંધાર અને છેક કાબુલ સુધી વિસ્તરેલી હતી ! આપણાં ધર્મ પુસ્તક મહાભારતમાં ગાંધાર નરેશ ની પુત્રી ગાંધારી અને ભાઈ શકુનિની વાતો આપણે જાણીએ છીએ . તો , આપણાં જદેશ પર ચઢાઈ કરવા આવેલા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જે ઈસુ પૂર્વેની ચોથી સદીમાં આવેલ એને અફઘાન ભારે પડેલું . જે માણસ દુનિયા જીતવા નીકળ્યો હતો , તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પોતાના દેશ ગ્રિશથી નીકળીને ટર્કી , ઇજિપ્ત , પર્શિયા વગેરે દેશો જીતતો જીતતો અફઘાનીસ્થાન આવ્યો ત્યારે અફઘાનિસ્તાનનો પહાડી પ્રદેશ જોઈને ફ્રસ્ટ્રેશનથી એણે કહ્યું હતું ; “ અહીં આવવું સહેલું છે -પણ બહાર નીકળવું મુશ્કેલ છે ! અને એલેક્ઝાન્ડર ત્યાંથી આગળ ભારતમાં પંજાબ આવેલો ત્યાં જોકે બહુ ફાવ્યો નહોતો પણ આપણને ખબર છે કે ખૈબર ઘાટીઓમાંથી પ્રવેશીને જયારે તે પંજાબમાં આવ્યો ત્યારે ત્યાંના પોરસ રાજા સાથે યુદ્ધમાં જીતી ગયો અને સિકંદર કહેવાયો . સિકંદર એટલે કે ઉર્દુમાં ‘ નિષ્ણાત , ખુબ જ હોશિયાર’ એમ ઓળખાયો . હા , એલેક્ઝાન્ડર એ જ સિકંદર ! જો કે , પોરસનું સૈન્ય મજબૂત હતું અને એમની પાસે હાથીઓ હતાં જેની સામે એલ્ક્ઝાન્ડ્રાના સૈનિકો લડવા અસમર્થ હતાં .. એટલે માંડ માંડ એ યુદ્ધ જીતીને સૌએ દેશ પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી . પોતાના એક ઉપરી અમલદાર સિરકસને ત્યાં મૂકીને સિકંન્દર ( એલેક્ઝાન્ડર ) પાછો વળ્યો ; પણ પાછો વળતાં ઘર સુધી પહોચી શક્યો નહોતો ને રસ્તામાં જ મૃત્યુ પામ્યો હતો .
પણ , અફઘાનિસ્તાની પ્રજા જે ખડતલ અને બહાદ્દુર હતી એ લોકો એ આ વિજયી સૈન્યને આમ નજીકથી નિહાળ્યું હતું . ત્યાર પછી તો એ દેશ પર અનેક આક્રમણો થયાં છે , પણ એ દેશની ઉન્નતિ અને ઉતકર્ષની પણ ઘણી વાતોથી ઇતિહાસ સોહે છે
..

પ્રિય વાચક મિત્રો ! જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશના ચંદ્રગુપ્ત મૌર્યે પણ પોતાનું શાશન છે કે અફઘાનિસ્તાન સુધી વિકસાવ્યું હતું ..ત્યાં શાંતિનો સંદેશ લઈને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે લોકો આવેલ એટલે ત્યાં બૌદ્ધ ધર્મ પર્વર્તો હતો . આ બધું આજથી અઢી હજાર વર્ષ પૂર્વે બન્યું હતું .
પણ એવા દેશમાં તાલિબાન જેવી ભયાનક ખતરનાક ટોળકી કેવી રીતે અસ્તિત્વમાં આવી તેની વાત આજે કરવી છે .
ઇતિહાસને ઝડપથી આજના સમયમાં લઇ આવીએ :
છેલ્લા સો વર્ષમાં અફઘાનિસ્તાનનો ઇતિહાસ ઝડપથી બદલાઈ ગયો!
આજથી પચાસ વર્ષ પૂર્વેના અફઘાનિસ્તાનને જોઈએ તો એ દેશ એક મોર્ડન શાંત દેશ ગણાતો હતો . ત્યાં પણ પરદેશીઓ વેકેશન માણવા જતાં હતાં. એશિયા ખંડમાં અફઘાનિસ્તાનનું સ્થાન મધ્યમાં છે . અર્થાત , યુરોપના દેશોને જમીન માર્ગે જવા માટે વચમાં અફઘાનીસ્થાનમાંથી પસાર થઈને પૂર્વમાં ચીન કે ઉત્તરમાં રશિયા જઈ શકાય . હજારો વર્ષ પહેલાં અહીંથી સિલ્ક રોડ નામનો એક માર્ગ (? )પસાર થતો જે છેક ચાઇનાથી પશ્ચિમમાં આફ્રિકાનીસરહદ સુધી વિસ્તરેલ .
એનો બીજો અર્થ એ થાય , કે વિશ્વની ગમે તેવી મહા સત્તાઓને દુનિયામાં પ્રભાવ જમાવવો હોય તો આ પર્વતીય હરમાળાના બનેલા દેશને પોતાના પ્રભાવમાં રાખવો પડે . આમ તો એ દેશમાં થોડા ડ્રાયફ્રૂટ્સ વગેરે સિવાય ઝાઝું કાંઈ આર્થિક રીતે મહત્વનું ઉત્પાદન નથી. જયારે રશિયા અને અમેરિકા બે મહા સત્તાઓ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ પ્રસરાવવા પર્યટન કરતી હતી ત્યારે બંને રાષ્ટ્રોએ અફઘાનને પોતાના પ્રભાવમાં લેવા પ્રયત્ન કર્યો ..

તાલિબ’ નો અર્થ ઉર્દુ ભાષામાં ‘છાત્ર’ થાય છે .૧૯૮૦માં પાકિસ્તાનમાં સિવિલ વોર થઇ . અર્થાત ત્યાંના લોકોએ અંદર અંદર ઉહાપોહ શરૂ કર્યો .. એ વખતે પાકિસ્તાનના નિરાશ્રિત મુસ્લિમોને અફઘાનિસ્તાનમાં આશ્રય આપવા પશ્તુન ગામમાં ઇસ્લામિક મદ્રેસામાં રેફ્યુજી કેમ્પમાં ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવતું .
આશય તો ઇસ્લામ ધર્મનું સાચું શિક્ષણ આપવાનો હતો , પણ સિક્કાની બીજી બાજુ પણ હોય છે ને ?
એમાં કેટલાંક ચુસ્ત ઇસ્લામી વિચાર ધારાનાં લોકો ભળ્યાં. કુરાનનો જુદો અર્થ કાઢીને સુન્ની મુસ્લિમોએ સૌથી પહેલો અર્થ સ્ત્રી – પુરુષના સંબંધોનો પોતાની રીતે તારવ્યો . સ્ત્રીઓ માત્ર પુરુષોની માલિકી છે એમ કહીને સ્ત્રી શિક્ષણની મનાઈ ફરમાવી. સ્ત્રીઓને પોતાની મરજી મુજબ પ્રેમ કરવાની પણ મનાઈ ..અને એનું ઉલ્લંહન કરનારને કડકમાં કડક શિક્ષા ! જેમાં ઓનર કિલિંગ ( અર્થાત ,કોઈને પ્રેમ કરનાર સગી બેન હોય તો તેને પણ મારી નાખે તો તે ભાઈનું ગૌરવ થતું .) સ્ત્રીને મોટેથી બોલવાની કે હસવાની પણ મનાઈ ! એ લોકોની વાતને અનુમોદન આપનારો વર્ગ પણ હતો જ. પરદેશમાં રહેતાં રૂઢિ ચુસ્ત મુસ્લિમોએ આર્થિક રીતે પણ સહાય કરવા મંડી . સાઉદી અરેબિયા અને પાકિસ્તાનની અમુક વર્ગની પ્રજાનો પણ ટેકો મળ્યો . હવે આ લોકો બળવાન બનવા માંડ્યાં!
ને ત્યાં એમને નસિબે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોર પણ
અસ્તિત્વમાં આવી !
બંને રાષ્ટ્રોને વિશ્વની મહા સત્તા બનવા આ દેશમાં પગ પેસારો કરવો જરૂરી હતું !
રશિયા સામે જીત મેળવવા આ તાલિબાનોને તાલીમ આપનાર કોણ હતું , જાણો છો ?
અમેરિકા !
હા , પોતાના સ્વાર્થ માટે વાંદરાને દારૂ પીવડાવવાનું કામ અમેરિકાએ જ કર્યું .
એ લોકોને શસ્ત્રો આપ્યાં અને કેવી રીતે વાપરવા એ પણ શીખવાડ્યું .. કહેવત છે ને ; “ જોનાર તો દે બે નયણો જ માત્ર ; શું દેખવું તે કથવા ન પાત્ર !’ તમે કોઈના હાથમાં બંદૂક આપો તો એ જ બંદૂક એ તમારી સામે પણ તાકી શકે છે – એ સરળ સત્ય કેમ કોઈ સમજતું નથી ?
હિંસા અને કાવાદાવાના જોર પર દુનિયા તો જીતી શકાય , પણ એ જ ક્ષણ કાયમ માટે જ રહેશે તેની કોઈ ખાતરી છે તમારી પાસે ? મહાત્મા ગાંધીજીએ બસ્સો વર્ષની ગુલામીમાંથી સબડતા ભારત દેશને બ્રિટિશ જેવી મહાન સત્તા પાસેથી છોડાવ્યો , સ્વતંત્ર કર્યો ; પણ એમણે સત્ય અને અહિંસા , પ્રેમ અને સદાચારના શસ્ત્રથી એ મહા સત્તાને પરાસ્ત કરી હતી . ગાંધીજીએ સમયના પ્રવાહમાં ભૂલો કરી હશે જ , કારણ કે એ એક માનવી હતા, દેવ નહીં . પણ , એમણે એક પણ અંગ્રેજને ગાળ આપી નહોતી , એક પણ અંગ્રેજ એમનો દુશમન નહોતો , એક પણ અંગ્રેજ સામે એમણે કોઈ કાવતરું ઘડ્યું નહોતું . જે હતું તે સત્યના પાયા ઉપર ખડું કર્યું હતું : “ભારત અમારો દેશ છે , તમે અમને ગુલામ તરીકે વધુ સમય રાખી શકશો નહીં . અમે ઈંગ્લેન્ડથી આવતાં તમામ સાધનો , કપડાં , માલ મિલ્કત અને અંગ્રેજી શિક્ષણનો પણ બહિષ્કાર કરીએ છીએ !” ગાંધીજીએ કહ્યું હતું . એમણે સમગ્ર દેશને અંગ્રેજી ચીજ વસ્તુ સાથે વિચાર ધરાનો પણ બહિષ્કાર કરવાનું એલાન આપેલું .બદલામાં બ્રિટિશ સત્તા મૂંઝાઈ ગઈ . કેટલાં નિર્દોષ લોકોને તમે મારી નાખો ?કેટલાને તમે જેલમાં પૂરો ? અને આત્માના એ પરમ બળથી લઇ આવ્યા એ આઝાદી ; “બીના ખડ્ગ બીના ઢાલ; સાબરમતીકે સંત તુને કર દિયા કમાલ !”
જોકે , આજે તો વાત કરીએ છીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું લશ્કર ફરી વળ્યું છે તેની ! દેશમાં હાહાકાર થઇ ગયો છે . લોક ગભરાઈને પ્લેનના છાપરે ચઢીને દેશ છોડવા તૈયાર થઇ ગયાં છે !!
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ આમ વધી રહ્યું હતું ત્યારે વિશ્વના દેશો ખળભળી ઉઠ્યા .. એ શેતાનિક સત્તા આગળ વધે તે પહેલાં અને દાબવા અમેરિકાએ શું કર્યું ? રશિયાએ કેવી રીતે વ્યૂહ ઘડ્યા ?

તાલિબાન અને અફઘાનિસ્તાનની એ વાતો વધુ આવતાં અંકે .

સ્પંદન -30

માભોમની બેડીઓ તૂટી
ગુલામીની જંજીરો છૂટી
સ્વતંત્રતાનો સૂર્ય ઊગ્યો
મુક્તિનો અરુણ ઊગ્યો

ભલે હો કોઈ પણ પડકાર
અહિં તીખી તેગનો ચમકાર
અહિં છે વીરોનો લલકાર
અહીં ગાંડીવનો ટંકાર

તિરંગાનું કરી સન્માન
કરીએ ગૌરવનું ગાન
રાખીએ દેશની શાન
મારો ભારત દેશ મહાન.

જીવનની કેટલીક ઘડીઓ અનોખી અને અદ્વિતીય એવી ધન્યતાની ઘડીઓ હોય છે. સમયના એવા બિંદુએ આપણું અસ્તિત્વ આપણને લઈ જાય છે કે લાગે કે આથી વધુ શ્રેષ્ઠ  ઘડી કદાચ જીવનમાં હશે કે કેમ તેવો પ્રશ્ન થાય. આવી જ એક ઐતિહાસિક ઘડી એટલે આપણો સ્વાતંત્ર્ય દિન 15ઓગસ્ટ 2021. આપણી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆતની શુભ ઘડી.

જેમ પુષ્પોનું જીવન એટલે રંગ, રૂપ અને સુવાસનો શુભ સંગમ તે જ રીતે કોઈ પણ દેશપ્રેમીનું જીવન એટલે જ મન, વચન અને દેશપ્રેમથી પ્રેરિત કર્મનો ત્રિવેણી સંગમ. ત્યારે કોઈ પણ દેશપ્રેમી હૈયું ન હરખે તો જ નવાઈ. દેશ એ આપણી આ પૃથ્વી ઉપરના અસ્તિત્વની પહેચાનનું અગત્યનું અંગ છે. દેશનું ગૌરવ એ આપણું વ્યકિતગત અને સામૂહિક ગૌરવ છે. આનું તરોતાજા ઉદાહરણ એટલે ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓને મળેલા ચંદ્રકો અને તે સાથે જ અનુભવાતો હર્ષ. આ જ હર્ષ જ્યારે ભારતની ક્રિકેટ ટીમ જીતે ત્યારે ફૂટતા ફટાકડા સાથે જ આપણે અનુભવતા હોઈએ છીએ. આપણી પહેચાન ભલે સિંધુમાં બિંદુ સમાન દેખાતી હોય પણ એ ન ભૂલાય કે આપણે એ જ ભારતીય પરંપરાના વંશજો છીએ જ્યાં એક કાળે સમુદ્રમંથન થયેલું. આ સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલાં રત્નો અને અમૃત.

આઝાદ ભારત, સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન, દેશભક્તોનું જીવન સ્વપ્ન…દિશાઓ છવાઈ જાય છે દેશભક્તિના રંગોથી, દેશપ્રેમી હૈયાંઓ હરખે છે ઉમંગોથી. આ રંગ, આ ઉમંગ, આ દેશભક્તિનું ગાન, આ દેશભક્તિની શાન વિશિષ્ટ છે કારણ કે આઝાદીના અમૃત ઉત્સવમાં પ્રવેશતું આઝાદ સાર્વભૌમ ભારત દેશભક્તિના વાતાવરણમાં થનગની રહ્યું છે. હવાઓમાં છે દેશભક્તિની લહેર… આપણા રાષ્ટ્રઘ્વજ તિરંગાને સલામી આપતા વડાપ્રધાન…અને  જય હિન્દના નારાથી ગૂંજતું ગગન…સ્થળ લાલ કિલ્લો દિલ્હી. લાલ કિલ્લો સાક્ષી છે ભારતના પ્રથમ આઝાદી દિન 15ઓગસ્ટ 1947નો જ્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રવચન આપતાં કહેલું …”at the stroke of midnight hour, when the world sleeps, India wakes up to life and freedom.” આજે આ ધન્ય ઘડીને વધાવવાને આવી પહોંચ્યું છે 75મું વર્ષ. આપણા સહુના જીવનની ધન્ય ઘડી, એ સર્વ દેશવાસી અને દેશપ્રેમીઓને  વધામણી. આપણો હર્ષ ચરમસીમાએ  છે … મનમાં … હૃદયમાં ..દિલની ધડકનોમાં … જય હિન્દ.

જય હિન્દ એ દરેક ભારતીયના દિલની ધડકન છે. જય હિન્દ એ શબ્દ નથી, શ્વાસ છે દરેક દેશપ્રેમીનો.  એ સુવાસ છે આ ધરતીની, જેના કણ કણમાં દેશભક્તિની ગાથાઓ છુપાઈ છે. સિયાચીનની બર્ફીલી ઘાટીઓથી અરુણાચલના આંચલ સુધી, હિન્દી મહાસાગરના કિનારા હોય કે ગંગા, જમના, સરસ્વતીની પવિત્ર ધારા…સ્થળ હોય કે જળ …કે હવાઓનો પૈગામ … જય હિન્દ.

તિરંગાના ત્રણ રંગો કેસરી, સફેદ અને લીલો અને મધ્યમાં શોભી રહેલું અશોક ચક્ર. કેસરી રંગ વીરતા અને શહીદી, સફેદ રંગ પવિત્રતા અને નિર્દોષતા અને લીલો રંગ નિરંતર વિકાસ અને સંપન્નતાની પ્રેરણા આપે છે. અશોક ચક્ર છે ધર્મ ચક્ર. પરંતુ આ દેશની ચેતના રહી છે દેશભક્તિ અને દેશપ્રેમ. તિરંગાની શાન છે દેશભક્તિથી પ્રેરિત 130 કરોડથી પણ વધુ ભારતવાસીઓ. દેશપ્રેમ એ ઝરણું છે દરેક દેશપ્રેમીના  હૃદયનું, જેના માટે શહીદી વહોરવા તૈયાર છે દેશનો દરેક જવાન અને નૌજવાન. આઝાદ ભારત જે એક સમયે સ્વપ્ન હતું દેશભક્ત વીરોનું, તે આજે આપણા સહુનું ગૌરવ છે. આ ગૌરવગાથા સમયની કેપ્સ્યુલમાં સચવાઈ છે. દેશભક્તિની આ ગાથાઓમાં ક્યારેક માદામ કામા અને શ્યામજી કૃષ્ણવર્મા યાદ આવે તો ક્યારેક યાદ આવે લોકમાન્ય ટિળક. સાથે જ યાદ આવે…”સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ રહીશ.” ટિળક મહારાજના આ અમર શબ્દોથી શોભતી આ સ્વાતંત્ર્યની મશાલ આજે પણ પ્રજ્વલિત છે. આ મશાલના પ્રકાશમાં અનેક દિલોની રોશનીનું સંમિલન છે …1947ની 15ઓગસ્ટનું એ સીમાચિહ્ન તો હૃદયમાં અંકિત છે જ અને એ લોકજુવાળ,દેશભક્તિના રંગમાં રંગાયેલાં હૈયાં,  એ જયઘોષ … જય હિન્દ.

“જય હિન્દ … ચલો દિલ્હી …તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા.”..આ શબ્દો સાથે જ જીવંત થાય સુભાષબાબુની યાદ. નેતાજીના હુલામણા નામે ઓળખાતા સુભાષબાબુએ બ્રિટિશ હકુમતને હટાવવા આઝાદ હિંદ ફૌજની રચના કરેલી – ભારતની બહાર. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો. રાસબિહારી બોઝના સહયોગથી 1942માં જાપાને યુદ્ધકેદી બનાવેલા 40000 હિન્દી સૈનિકો સાથે કેપ્ટન મોહનસીંગે સ્થાપેલી આઝાદ હિંદ ફૌજના  1943માં સર્વોચ્ચ સેનાપતિ બને છે સુભાષબાબુ. એક સમયે કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયેલા સુભાષબાબુ ગાંધીજી સાથેના વિચારભેદના લીધે કોંગ્રેસથી અલગ થાય છે. બ્રિટિશ સરકારની નજરકેદમાંથી  કલકત્તાથી ભાગીને જર્મની અને બાદમાં જાપાન પહોંચેલા નેતાજીના દિલમાં છે દેશભક્તિની જ્વાળા. આઝાદ હિંદ ફૌજના સૈનિકો મ્યાનમારના રસ્તે થઈ કોહિમા અને ઇમ્ફાલ પણ કબજે કરી લે છે. સહુના દિલમાં છે દેશભક્તિ. પણ એક તરફ જ્યાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે ત્યાં બીજી તરફ પુરવઠાનો અંત અને રોગચાળા જેવાં અન્ય કારણોને લઈને આઝાદ હિંદ ફૌજનું સ્વપ્ન સિદ્ધ થતું નથી. 1945માં રંગૂનના પતન સાથે આઝાદ હિંદ ફૌજના સિપાહીઓ કેદ થાય છે. બીજી તરફ નેતાજીનું હવાઈ અકસ્માતમાં મૃત્યુ થાય છે તેવા સમાચારોની વચ્ચે લાલ કિલ્લો સાક્ષી બને છે  – લાલ કિલ્લા ટ્રાયલના નામે પ્રસિદ્ધ ખટલાનો…આરોપી છે આઝાદ હિંદ ફૌજના વીર ..શાહનવાઝ ખાન , પ્રેમ સહગલ અને ગુરબક્ષ સિંઘ.  બચાવમાં નામી વકીલો …ભુલાભાઈ દેસાઈ, તેજબહાદુર સપ્રુ અને જવાહરલાલ નેહરુ. દેશમાં એકતા અને દેશભક્તિની એક નવી લહેર જન્મ લે છે. સ્વતંત્રતાની આ લહેર જે ક્યારેક દેશવાસીઓના દિલમાં હતી તે મૂર્તિમંત થાય છે … 15ઓગસ્ટ 1947ના …એક સ્વપ્ન સિદ્ધિ …આઝાદ ભારતનો જન્મ . અમૃત મહોત્સવના આનંદમાં યાદ આવે આવાં કંઈ કેટલાંયે બલિદાનો …આત્મસમર્પણ… કાળા પાણીની સજા પામેલા સ્વાતંત્ર્ય વીરો. આજે જે આનંદ આપણે ઉજવી શકીએ છીએ તે આઝાદીની મશાલના  પાયામાં કોણ? અગણિત ચેહરાઓ દ્રષ્ટિવંત થાય છે. દેશને અહિંસાના માર્ગે આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજી, આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા નેહરુ, દેશના ઐક્યના શિલ્પી સરદારના વિશિષ્ટ યોગદાન સાથે જ નેતાજી સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક  ક્રાંતિવીર જેમણે આત્મ બલિદાનો આપ્યાં. આઝાદી બાદ પણ, સરહદો કોઈ પણ હોય, જવાનોએ કરેલી દેશરક્ષા કોને યાદ ન હોય? બલિદાનો ક્યારે ય ભૂલાયાં નથી. આજે પણ યાદ આવે છે,ગીતના શબ્દોથી યાદો જીવંત છે…..
જો ખૂન ગિરા પરબત પર
વો ખૂન થા હિન્દુસ્તાની
જો શહીદ હુએ હૈં ઉન કી
જરા યાદ કરો કુરબાની….

રીટા જાની
13/08/2021

એક સિક્કો બે બાજુ : 30) સતીનું આત્મવિલોપન


શ્રાવણ મહિનો એટલે ધર્મ ઉભરાઈ જાય ! પૂજા પાઠ કરવાનાં, દેવોના દેવ મહાદેવને દૂધનો અભિષેક કરવાનો , સ્તુતિ , મંત્ર , વ્રત , જપ -તપ આ બધું જ શ્રાવણ મહિનામાં ! અને શિવપૂરાણ કે શિવ માહત્મ્ય વાંચવાનો કથા શ્રવણનો મહિનો !
એવા જ એક શ્રાવણ મહિનાનો એક પ્રસંગ યાદ આવે છે .
લગભગ બે દાયકા પહેલાં , શિકાગોમાં એક મંદિરમાં શિવપુરાણ બેસાડેલું . ત્યાં એક ધર્મકથા સાંભળેલી : શિવપુરાણમાંથી !
શિવ પુરાણ નામ કહે છે એ મુજબ ભગવાન શંકરની વાત કરે છે . એમાં અજન્મા મહાદેવની વાતો છે , પણ સાથે સાથે પાર્વતી માતાની પણ વાત છે .એમનાં અગાઉના જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી સતી હતાં. સતી ખુબ વિદ્વાન અને સમજુ દીકરી હતી . મા બાપને એનાં લગ્નની ચિંતા થાય છે : મારી આવી સુંદર , સુશીલ દીકરીને માટે કેવો વરરાજા ભગવાને રચ્યો હશે ?
ત્યારે નારદજી પધારે છે અને મહાદેવની પ્રસંશા કરે છે અને કહે છે કે તમારી દીકરી માટે એ જ વર યોગ્ય છે ..વગેરે વગેરે ..
પણ , દક્ષ રાજાને મહાદેવ – આ અજન્મા મુરતિયો શંકર -મહાદેવ ગમતો નથી .
ને સતીને તો એ જ વર ગમે છે : કહે છે ; “ જેનું કુળ ખબર નથી , જે અજન્મા છે તે અ- મૃતા- અમર જ હોય ને ?
પણ પછી સતીના મહાદેવ સાથે લગ્ન થાય છે . લગ્ન બાદ મહાદેવના સબંધો સસરા દક્ષ પ્રજાપતિ સાથેના બગડે છે .. અને પછી ?
પછી , જે પ્રસંગે મારુ ધ્યાન ખેંચ્યું તેની વાત છે -તે છે સતીના આત્મ વિલોપનની કથા….

વ્યાસપીઠ પરથી મહારાજે સતીની આત્મવિલોપનની કથા કહેલી: આકાશમાં ઉડતાં વિમાનો જોઈને સતી મહાદેવજીને પૂછે છે , કે આ વિમાનો ક્યાં જાય છે ?મહાદેવજી સતીને જણાવે છે કે તમારા પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે એટલે બધાં દેવો ત્યાં જઈ રહ્યાં છે.
પાર્વતીને ઓછું આવી જાય છે , કે મારા પિતાને ઘેર પ્રસંગ છે અને મને આમંત્રણ પણ નથી ?
પણ એ તો ડાહી દીકરી છે ને ? કહે છે ; “ ભલે મને આમંત્રણ નથી પણ મારે તો ત્યાં જવું છે! પિતાને ઘેર જવામાં આમંત્રણ શાનું ?”
હવે કથા કરતા મહારાજ વાતને જરા લડાવે છે; “પતિની ઈચ્છા નથી તો યે પાર્વતી ત્યાં જાય છે . મહાદેવ પત્નીને મનાઈ કરતા નથી ; અને પોતે પોતાના ડ્રાયવરને – સોરી – બોડીગાર્ડ પોઠિયાનેય સાથે મોકલે છે…
પાર્વતી પિતા ઘેર આવે છે , પણ યજ્ઞમાં બધાંનાં આસન છે પણ પતિનું આસન ન જોતાં અપમાનિત થતાં સતી યજ્ઞની વેદીમાં કૂદી પડે છે!”
મહારાજ કથા કરતા ત્યાં અટકે છે અને હવે ૐ નમઃ શિવાયની ધૂન સારું થાય છે.
વ્યાસપીઠ પરથી મહારાજનો સૌ શ્રદ્ધાળુ શ્રોતાઓને વણ બોલ્યો એક સંદેશ મળે છે: ‘ પિયરમાં, પિતા ઘેર વગર આમંત્રણ ગયા પછી જુઓ , સતીની કેવી દશા થઇ!
આખ્ખો પ્રસંગ વિચારમાં મૂકી દે છે:
સતી, જે સમજુ અને હોશિયાર છે અને નારદમુનિ જેનાં વખાણ કરતા દક્ષ પ્રજાપતિને કહે છે કે તમારી આટલી સમજુ દીકરી માટે આખાયે વિશ્વમાંથી માત્ર એક જ મુરતિયો જે શ્રેષ્ઠ છે તે છે દેવોના દેવ મહાદેવ ! અને દક્ષ રાજા એને રખડેલ , અલગારી કહીને એની સાથે સતીનાં લગ્નની ના કહે છે.. જો કે છેવટે એનાં લગ્ન મહાદેવ સાથે જ થાય છે, એ વાત પણ સાચી ; તો અચાનક વાર્તામાં આ શું બની ગયું ?
આવી સમજુ છોકરી પિયરમાં આવે અનેઆત્મવિલોપન કરે , એ કેમ બને ?
મને લાગ્યું કે આ વાત કંઈક અધૂરી અધૂરી લાગે છે ! સિક્કાની બીજી બાજુ પણ હોવી જ જોઈએ !
મને વાતમાં કાંઈ ખૂટતું હોય તેમ લાગ્યું !
અને મારે એ ખૂટતી કડી શોધવાની હતી !
જે ઋષિમુનિઓ “ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે , રમન્તે તત્ર દેવતાઃ” કહે તે આવું લખીને સમાજને કયો સંદેશો આપવા માંગતા હશે?
જે ઋષિ મુનિઓએ શરૂઆતમાં દક્ષ રાજાની ડાહી દીકરી સતીની વાત કરી હતી , જેણે કહ્યું હતું ; “ મારે એ અજન્મા મહાદેવને જ પરણવું છે , તે આમ પિતા ઘેર જાય અને યજ્ઞમાં કૂદી પડે , અને આપઘાત કરે ?? સમજાતું નથી !!
મેં વિચાર્યું : આવું લખીને આપણા ઋષિઓ જરૂર કંઈક કહેવા માંગતા હશે .. કદાચ આપણને પુરી વાતની ખબર નહીં હોય!
આ તો પ્રત્યેક પરણેલી સ્ત્રીને કંઈક ઊંધો સંદેશો મળતો હોય તેમ લાગે છે : પતિની ઈચ્છા વિરુદ્ધ કરશો તો આવું પરિણામ આવશે ! શું સ્ત્રીનો આત્મવિશ્વાસ છીનવી લેવાની વાત હતી ?
પણ આપણી સંસ્કૃતિ એવું ના જ કરે તેનો મને પૂરો વિશ્વાસ હતો.
હવે અને જવાબ શોધવા મેં જાતે શિવ પુરાણ , ભાગવત વગેરે ઉથલાવ્યાં! પણ જવાબ તરત તો ના જ મળ્યો !
કથાકારોએ એક વાર્તા કહી દીધી ! વાત ત્યાં પુરી ! અને આ જ વાત તમે પણ આજ સુધી સાંભળતાં આવ્યાં છો ને ?
પણ છેવટે એ ખૂટતી કડી જડી !
હા , કથાકારોને એવી ગંભીર વાતોમાં શું રસ હોય? અને ઉંડાણમાં થોથાં ઉથલાવવાથી એમને શો ફાયદો ?
સિક્કાની બીજી બાજુ જડી .
ચાલો , તો જોઈએ સાચી પરિસ્થિતિ શું છે !
આજના સંદર્ભમાં કહી શકાય કે નારદજી જેવી વિદ્વાન વ્યક્તિના અભિપ્રાયથી હોશિયાર સતી , પિતાની ઈચ્છા ન હોવા છતાં શંકરને પરણી. પછી શંકર અને સતી વચ્ચે એક અણબનાવ બને છે:
પૃથ્વી ઉપર રામને ચૌદ વર્ષનો વનવાસ છે એટલે એ જંગલમાં જાય છે અને તેથી રામના ભક્ત શંકર નો જીવ બળતો હોય છે.
સતીએ શંકરને પૂછ્યું કે તમને પૃથ્વી ઉપરના તમારા કોઈ ભક્તની ચિંતા થતી હોય તેમ લાગે છે .તમને શેની ચિંતા છે? તમે ઉદાસ શા માટે છો ?
પણ શંકર સતીને સાચો જવાબ આપતા નથી . વાત છુપાવે છે .
સતીને વાત જાણવાની જીજ્ઞાશા છે . એટલે એ પોતાની જાતે (આમતો એ હોશિયાર છોકરી છે ને ?)એટલે પૃથ્વી ઉપર જાય છે ત્યાં રામને જંગલમાં જુએ છે એટલે વાત જાણવા એ સીતાનું રૂપ લઈને રામને મળવા જાય છે..
સ્વર્ગમાં બેઠલા શંકરને ગુસ્સો આવ્યો: ( સતી પૃથ્વી ઉપર આમ તપાસ કરવા ગઈ એટલે ) એ કહે છે ; “હું ભગવાન રામ અને માતા સીતાનો ભક્ત છું ! તેં સીતાનું રૂપ લીધું તેથી આ જન્મમાં તું મારી માતા સમાન છે!”
બસ ! પતિપત્નીના અબોલા શરૂ થઇ ગયાં !
શંકરે સતીને પતિપત્નીના વ્યવહારથી મુક્ત કરી દીધી! અને આમ વર્ષો વીતી ગયાં!
કોઈ પણ સ્ત્રીની જેમ સતી પણ અંદરથી એકલી પડી ગઈ ! પતિના પ્રેમ સહવાસ માટે એ તડપતી હતી! પિયરનું બારણું પણ પિતાના ડરથી લગભગ બંધ હતું ! આવી વિષાદમય અવસ્થામાં એ હિંમત કરીને બાપને બારણે આવે છે, એ આજના શબ્દોમાં જેને ડિપ્રેશન કહીએ તેવી સ્થિતિમાં છે! પતિથી ઉપેક્ષિત અને પિતાથી પણ ઉપેક્ષિત!
રામચરિત માનસમાં તુલસીદાસજી આ પ્રસંગ બહુ યથાર્થ રીતે ચિતરે છે: વાંચતા આંખમાં ઝળઝળિયાં આવી જાય! પણ , ટૂંકમાં , સતી એ વિષાદ અવસ્થામાં ( ડિપ્રેશનમાં ) ઉદ્વિગ્ન થઈને ( પૅનિક એટેકમાં ) બોલે છે:

પિતા મંદ મતિ, નિંદત તેહિ ; દચ્છ સુક્ર સંભવ યહ દેહી
તજી દઉં તુરત દેહ તેહિ
ઉરધરી ચન્દમૌલિ બ્રૂશકેતુ!
અર્થાત પિતાની આવી અવળી બુદ્ધિ છે( મંદ બુદ્ધિ છે, સમજતા નથી મારી પરિસ્થિતિ ) અને એનાં જ શુક્રાણુઓનો આ દેહ બન્યો છે તે થી ,( આખા પ્રકરણમાં વિગતે દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિષે પણ રૂપકાત્મક રીતે સમજાવ્યું છે કે ખોટા હેતુથી ઉપાડેલું કામ નિષ્ફ્ળ જાય)
તો એવા ઘમંડી બાપની પુત્રી હોવાથી , દેહ ત્યજું : શંકરનું ધ્યાન ધરતાં !( આ જન્મમાં શંકરે એને ઉપેક્ષિત રાખી હતી ,પણ આવતા ભવમાં એ મને પતિ તરીકે મળશે એમ ઈચ્છા કરીને)
આ પગલાંને આપણે આજના યુગમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાનું છે!
ગમે તેવી હોશિયાર અને સમજુ હોય પણ ,પ્રેમલગ્ન કરીને , મુશ્કેલીમાં મુકાયેલ દીકરીને તરછોડવાને બદલે સારા મનોવૈજ્ઞાનિક ચિકિત્સક પાસે લઇ જઈને એને ફરીથી ઉભી કરવાની , હિંમત આપવાની , પ્રત્યેક માં બાપની ફરજ છે!
એને હૂંફ અને હમદર્દી સાથે દવાની પણ જરૂર છે! એને સારું કાઉન્સલીગ મળે તો એ ફરીથી ઉભી થઇ શકે છે( નહીંતો ડિપ્રેશનમાં ખોટું પગલું પણ ભરી દે છે)
કેવો મહત્વનો સંદેશ હતો!
અને કેવો વિકૃત ઉપદેશ થઇ ગયો ?
અખાએ આવા સમાજના ઘુવડો માટે લખ્યું :
કોઈ જો આવીને વાત સૂરજની કરે,
તો સામે જઈ ચાંચ જ ધરે !
‘અમારે આટલાં વર્ષ અંધારે ગયાં
અને તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં ?’

કોણ સમજાવશે આ કથાકારોને કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ માત્ર હરિ ૐ હરિ ૐની ધૂન બોલાવવાથી નહીં પણ સાંપ્રત સમાજને માર્ગદર્શક એવા ઇન્ટરપ્રિટેશન સમજણથી થશે ?
પણ મા’રાજને રસ એમનું પેટિયું રળવામાં !
મંદિરોને રસ પૈસા ભેગાં કરવામાં !
ભક્તો બિચારાં : ‘હરિ ૐ! હરે ૐ! ‘કરતાં ઘંટડી વગાડ્યાં કરે !
સિક્કાની બીજી બાજુ જોવામાં કોને રસ હોય ? એમણે તો કહી દીધું ; “ આજ પછી પિયરમાંથી આમંત્રણ ના હોય તો જવાનું નહીં !
કોઈ પણ પરિસ્થિતિને બીજી તરફથી જોતાં ઘણું નવું જાણવા મળે છે ; તમને ખબર છે કે સતીના આત્મવિલોપનનો આ પ્રસંગ કથામાં કેમ ગુંથી લેવાય છે ? એની વાત ફરી ક્યારેક કરીશું ….!

સ્પંદન-29

જીવનનું સોપાન છે
જિંદગીની શાન છે
મિત્રતા એ સહુ કોઈની
બહુમૂલ્ય રત્નમય ખાણ છે
મિત્ર વિનાની જિંદગીનું
ક્યાં કોઈ બહુમાન છે
હોય જીવનની ધૂપ છાંવ
કે ડૂબતી હો જીવન નાવ
મિત્ર જેને પણ મળે
જીવન તેનું જ ફળે.


મિત્રતા એ સંબંધ છે. સંબંધ એટલે સમ બંધ. બે મિત્રો વચ્ચે મિત્રતાનું બંધન સમાન છે.  મિત્રતા હોય તો દ્વારિકાધીશ કૃષ્ણ સુદામા માટે રાણી- પટરાણીઓને પણ ભૂલીને ખુલ્લા પગે દોડી શકે છે. મિત્ર મળવા આવે તો સંબંધ મિત્રતાનો નહીં કે કોઈ પદ – પ્રતિષ્ઠાનો. સોનાની દ્વારિકાનો નાથ પણ સુદામા પાસેથી તાંદુલની પોટલી લઈ શકે છે. મિત્ર સમક્ષ કોઈ શિષ્ટાચારની જરૂર નથી, કારણ કે મિત્રતા એ દિલનો સંબંધ છે. આ એ જ મિત્રતા છે જેણે કૃષ્ણ- સુદામાને સાંદિપની ઋષિના ગુરુકુળની યાદ વર્ષો પછી પણ તાજી કરાવેલી. સમય બદલાય, સંજોગો બદલાય, દરજ્જો બદલાય …મિલન પણ વર્ષો બાદ કે દસકાઓ બાદ થાય ….પણ મિત્રતા અવિચળ રહે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કૃષ્ણ સુદામાની દોસ્તી. સુદામા ગરીબ છે પણ કશું માગતા નથી. ખાલી હાથે દ્વારિકાથી વિદાય થાય છે પણ સુદામાપુરી આવીને શું જુએ છે? કૃષ્ણએ વગર માગ્યે એટલું બધું આપ્યું કે જે સુદામાની કલ્પના બહાર હતું. મિત્રતા સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ સંબંધ છે. મિત્રને ન કહો તો પણ તમારું મન તે વાંચી શકે છે,તમારી લાગણીઓ તે ઓળખી શકે છે.

બિંબ અને પ્રતિબિંબ, સૂર અને સાઝ, મેઘ અને વીજચમકાર, દિલ અને ધબકાર…એકબીજા માટે સર્જાય છે અને ચિરંજીવ બની જાય છે. આ જ સિલસિલાની આગેકૂચ  ક્યારેય અટકે ખરી? વિચાર અને આચાર, વર્ષા અને વર્ષાની ધાર, સૂર્ય અને રોશની, ચંદ્ર અને ચાંદની, ચંદન અને સુવાસ…આગેકૂચ કરે છે અને જીવનના એક બિંદુ પર આવી અટકે છે. આ બિંદુ પર આપણું સુખ અને દુઃખ વહેંચાય છે, ધબકાર અનુભવાય છે, આંસુઓની ધાર લૂછાય છે અને ખુશીઓની પળોનો ગુણાકાર થાય છે. આ બિંદુ એટલે દોસ્તી અને મિત્રતાનો અનુભવ કરાવે તે …મિત્ર. મિત્ર એટલે જીવનના સૂનકારમાં સૂરનો રણકાર, ફૂલોની મહેક. કદાચ ધડકતાં દિલ બે હોય પણ ધબકાર એક જ સંભળાય તો એ ધબકાર જ  છે ખરી મિત્રતા.

સંસ્કૃતમાં કહ્યું છે કે “साप्तपदीनं  सख्यम  “. એટલે કે સાત ડગલાં સાથે ચાલવાથી મૈત્રી શરૂ થાય છે. મિત્રતાની કોઇ મોસમ નથી હોતી. મિત્રતાની મોસમ તો બારે માસ હોય છે. જેની સામે તમે કોઈ પણ મહોરા વગર પ્રગટ થઈ શકતા હોય એ મિત્ર છે. જેની સાથે તમારી હતાશા, નિષ્ફળતા કે મુસીબત માટે ખભે માથું મૂકીને રડી શકતા હોય એ મિત્ર છે. જેની સાથે વાત કરવાનો કોઈ એજન્ડા ન હોય, વગર વાતે વાત નીકળે એ મિત્ર છે. જે તમારા મૌનની ભાષા પણ સમજી જાય એ મિત્ર છે.

મિત્રતા એટલે મિત્ર સાથેનો સંબંધ. મિત્રતાનો કોઈ આધાર નથી હોતો કારણ કે મિત્રતા એ જ  તેનો આધાર છે. પણ મિત્રતાનો  હેતુ  સમાન વિષય પરત્વેની રુચિ કે લાગણી છે. સંગીતની મેહફીલ હોય કે પાર્ટી હોય તો મિત્રો એકત્ર થાય તે અજાણ્યું નથી. મિત્રતાનો સામાન્ય અનુભવ એટલે શાળા કે કોલેજના મિત્રો. વર્ષો વહી જાય તો પણ આ મિત્રતાનો રંગ ક્યારેક ગાઢ બનતો જોવા મળે છે. સાથે કામ કરનાર વ્યકિતઓમાં પણ મિત્રતા જોવા મળે છે. મિત્રતા માટે પરિચય હોવો આવશ્યક છે. જે કાળની કસોટીમાંથી પાર ઉતરે એ સાચી મૈત્રી છે. ન કોઇ ધ્યેય, ન કોઇ અપેક્ષા,બસ મિત્ર સાથે માણેલો સમય અપૂર્વ આનંદ આપી જાય છે. મૈત્રીમાં બંધન નથી પણ સાથે ઉડવા અસીમ આકાશ છે. મૈત્રીમાં નિખાલસતા હોય – શું બોલવું, શું ન બોલવું-કોઇ લેખાજોખા જરૂરી નથી. ન તો મૈત્રીમાં કોઈ લેણદેણ કે સોદો હોય છે. મૈત્રી આંખોની વાત વાંચી શકે છે અને મૌનની ભાષા સમજી શકે છે. મૈત્રીમાં હોય છે સહજતા અને સરળતા. તકલીફમાં સાથ આપે,  ડરમાં હિંમત આપે, સમસ્યામાં રસ્તો બતાવે, ખુશીને બમણી કરે. જેણે  જીવનમાં થોડા મિત્રો બનાવ્યા, તે જિંદગી જીવી જાય છે, જિંદગી જીતી જાય છે. જીવનની સફળતાનો આંક વ્યક્તિના ધનદોલતથી નહિ પણ તેના મિત્રો પરથી મળી શકે છે. યાદ આવે છે પત્ર મૈત્રી. મિત્રતાને માધ્યમ જોઈએ છે. આજના યુગમાં સોશિયલ મીડિયા પણ આ માધ્યમ પૂરું પાડે છે. કદાચ વોટ્સએપ કે ફેસબુકની સફળતા પણ મિત્રતાને જ આભારી છે. પણ મિત્ર સુખદુઃખનો સાથી છે. જીવનમાં જ્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે મિત્ર સાથે આવી ઊભો રહે છે. મિત્ર એક માનસિક આશ્વાસન અને સાંત્વન છે. સાચો મિત્ર જેવો કોઈ શબ્દ નથી. જો મિત્ર સાચો ન હોય તો એ મિત્ર જ નથી.. કૃષ્ણ – સુદામાની મૈત્રી એ  આદર્શ મૈત્રીનું ઉદાહરણ છે.

ગ્રીક દંતકથામાં મિત્રતાની અદભુત મિસાલ આપતી ડેમન અને પિથીયસની વાત છે. રાજા ડાયોનીયસ એક અત્યાચારી રાજા હતો. તેણે પિથીયસને પકડીને જેલમાં પૂર્યો ને ફાંસીની સજા આપી. તેને ફાંસી આપતા પહેલાં અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. પિથીયસે તેના પરિવારને મળવાની ઈચ્છા જાહેર કરી. રાજાએ કહ્યું કે તેના બદલે બીજું કોઈ જેલમાં રહેવા તૈયાર થાય તો તે પિથીયસને રજા આપશે. પણ નિર્ધારિત દિવસે જો એ પાછો ન ફરે તો જે બદલીમાં રોકાયું હોય તેને ફાંસી આપવામાં આવશે. પિથીયસનો મિત્ર ડેમન તેના બદલે જેલમાં રહ્યો. પિથીયસ પરિવારને મળીને હોડીમાં પાછો ફરતો હતો ત્યારે પવન વિરુદ્ધ દિશામાં હોવાથી તે સમયસર પહોંચી શક્યો નહીં.  આ તરફ ડેમનને ફાંસી આપવાની તૈયારી થઈ ગઈ. તે ખુશ હતો કે તેનું જીવન મિત્રના કામમાં આવશે. લોકો કહેતા હતા કે પિથીયસે ડેમનને દગો દીધો. પણ ડેમને કહ્યું કે જરૂર કાંઈ કારણ હશે. ડેમનના ગળામાં ફાંસીનો ફંદો નાખવામાં આવ્યો. ત્યાં જ દૂરથી મારતે ઘોડે આવતા પિથીયસની બૂમ સંભળાઈ. બંને મિત્રો ભેટી પડ્યા. તેણે ફંદો પોતાના ગળામાં  નાખીને કહ્યું હવે મને ફાંસી આપી દો. ત્યાં જ રાજા આ બંનેની  મિત્રતા જોઈ ચકિત થઈ ગયો. તેણે કહ્યું કે હું આવા મિત્રોને અલગ કરવા માગતો નથી. તમે મારી સાથે પણ મિત્રતા કરો.

પૃથ્વી અને ચંદ્ર….આકર્ષણ કોને કોનું નથી? માનવી કોઈ પણ હોય, ક્યાંય પણ હોય, કદાચ ટીમટીમ કરતા તારલાઓ વચ્ચે ચંદ્રનો પ્રકાશ માણતો હોય છે. કારણ ચંદ્ર  ક્યારેક વધતો ઓછો પ્રકાશ આપે પણ શીતળતાનો સ્પર્શ હમેશાં ચાંદનીમાં જ અનુભવાય છે.  ભરતી અને ઓટનું આકર્ષણ માત્ર આપણે જ નહીં મહાસાગરો પણ અનુભવે છે. કારણ ચંદ્ર કદાચ સલામત અંતરે રહીને પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. દોસ્ત અને દોસ્તીનો આ સંબંધ પણ શીતળતાનો છે. સંબંધની ઉષ્મા સાથે  મનની શાંતિ અને દિલની શીતળતા પણ અનુભવાય છે. જીવનની ધૂપ છાંવ કહો કે સુખ દુઃખની ભરતીઓટ એ મહાસાગરનો ઘૂઘવાટ છે. પણ દોસ્તી છે મોતી, જે  મહાસાગરની ગહરાઈમાંથી મળે છે.  જીવનના સાગરમાંથી મિત્રતાનું મોતી પ્રાપ્ત થાય તો તેને દિલથી વધાવજો… કારણ જીવન અમૂલ્ય છે અને દોસ્તી પણ.

ના આયોજન, ના પ્રયોજન,
બસ કાપે દિલના યોજન
જીવનના કેનવાસ બનાવે રંગીન
ભરી દે એમાં ખુશીઓ સંગીન
નીકળે  વાત વિનાની વાત
દોડે, હૂંફ આપે, ભૂલીને જાત.
વીતે ક્યાં સમય, ના રહે સુધ
ધન્ય હું,મિત્ર! તારા એવા મૂલ.

રીટા જાની
06/08/2021

એક સિક્કો બે બાજુ : 30)ઓલિમ્પિક અને સ્ટ્રેશ !


વાહ ! ભારતે શું કમાલ કરી ! ઓલિમ્પિકમાં આપણા ભારત દેશની મીરાબાઈ મેદાન મારી ગઈ ! ટોક્યોમાં હાલમાં ઓલિમ્પિક રમાઈ રહી છે . ભારતની ખુબ સામાન્ય જ્ઞાતિ મીરાંએ વજન ઊંચકવામાં બીજો નંબર મેળવ્યો ! અને હમણાં બીજી એક એથ્લેટ પી વી સિંધુ ને બેડમિંગટનમાં મેડલ મળ્યો ! ચારે બાજુએ એ સમાચારોથી આ નવયુવાન હૈયાને કેટલો આનંદ થયો હશે તે કલ્પી શકાય છે ..અને હજુ તો બીજા ઘણા મેડલ મા ભારતીને ચરણે ધરાશે !
આપણી આ કર્મભૂમિનાં નવયુવાનો પણ મેડલ મેળવી રહ્યાં છે !
રમતગમત ક્ષેત્રે આ રીતે શરીરને કસીને , મહેનત કરીને આગળ આવવું એ તો સરસ વાત જ કહેવાય ને ?
પણ ત્યાં તો થોડા સમય પહેલાં આવેલા સમાચાર તરફ પણ ધ્યાન ગયું .
અમેરિકાની સિમોન બાઇલ્ સ Simone Biles જેણે જીમ્નાસ્ટીક્સમાં અગાઉ મેડલ મેળવ્યાં હતાં તેના સમાચાર પણ વાંચ્યા . આટલી સફળતાઓ છતાં એણે હરીફાઈમાંથી નીકળી જવાનું નક્કી કર્યું !!
કેમ ? શા માટે ? શું થયું ?
હા , સફળતા મેળવવા માટે ખૂબમહેનત કરવી પડે છે . પરસેવો પડ્યા વિના પહેલો નંબર નથી આવતો . મહેનત કરો અને સફળતા મેળવો ! પણ આ મહેનત આપણે માનીએ છીએ એટલી સરળ નથી ! અહીં તો રોજ આંઠ આંઠ કલાક પ્રેક્ટિસ કરવી પડે . શરીર ભંગાઈ જાય ત્યાં સુધી શરીરને કસવું પડે ! સ્વામી વિવેકાનંદનું પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ છે ને ?
જાગો , ઉઠો અને વળગ્યા રહો જ્યાં સુધી સિદ્ધિ તમને પ્રાપ્ત ના થાય !
હા , આ અને આવા અનેક સુવાક્યો સાંભળીને આપણે મોટા થયાં હોઈશું . અને આપણાં સંતાનોને પણ આ રીતે મહેનત કરવા પ્રેરણા આપતાં હોઈશું .
પણ એ સિક્કાની બીજી બાજુનો વિચાર તમે કર્યો છે ક્યારેય ?
પહેલો નંબર મેળળવા એટલી મહેનત કરવી પડે જેટલી બીજા કોઈએ કરી ના હોય ! .
ક્યારેક એટલી બધી મહેનત કરવા માટે આપણું મન તૈયાર ના પણ હોય ! એમાં સમય અને શક્તિ બન્ને જોઈએ , અને સૌથી વધારે મહત્વનું છે મન!
અને પહેલાં નંબરની અધીરાઈમાં નંબર વિનાનો : “ નિરુદ્ધેશે મુક્ત ભ્રમણ ! એનો આનંદ ક્યાંથી લઇ શકાય ?
સિમોન બાઈલ્સે ઓલિમ્પિકમાંથી નીકળી જવાનું નક્કી કર્યું એટલે સ્વાભાવિક રીતે જ એનાં ચાહકોમાં ખળભળાટ થાય , હાર્વર્ડના સાયકોલોજિસ્ર્ટ જણાવ્યું એ મુજબ બધાંને એનાં માટે ખુબ ઊંચી અપેક્ષાઓ હતી ,આજ કાલ સોસ્યલ મીડિયાઓ પણ ખુબ વધી ગયાં છે . એ ફેસબુક કે વોટ્સએપ જોતી હોય ત્યારે ય એનાં ચાહકોને ખબર પડી જાય કે એ શાંતિથી પોતાના ફોન સાથે રમે છે . અને કોઈ ટીકા પણ કરે ; “ પ્રેક્ટિસ કરવાની મૂકીને એ આમ સમય બગાડે છે , ફરવા જાય છે .. વગેરે વગેરે . આ બધી નકારાત્મક ટીકાઓની યુવાનો ઉપર ઊંડી અસર થઇ શકે છે . એક તો રમત ગમતમાં હરીફાઈ હોવાથી ટેંશન હોય અને એમાં આવી ફાલતુ ટીકાઓ ભળે!જો કે સિમોનના કેસમાં તો બધાંએ એનાં આ નિર્ણયને વધાવી લીધો ; “ મારી તબિયત , મારી માનસિક સ્વસ્થતાને મહત્વ આપીને હું આ રેસમાંથી નીકળી જાઉં છું ! એણે કહ્યું .
બે ત્રણ વર્ષ પહેલાં અમે એક ડોકર દંપતીની લગ્નતિથિ ઉજવણીમાં ગયેલાં.
બધાં એક પછી એક , સ્ટેજ પર આવીને આ સફળ દંપતીને શુભેચ્છાઓ આપતાં હતાં .. એમનાં બંને ડોક્ટર દીકરા પણ મેડિકલ ફિલ્ડની છોકરીઓને પરણેલા.. ત્યાં એમનાં કુટુંબની વીસેક વર્ષની દીકરી સાથે મારે વાત કરવાનું થયું . “ તું પણ મમ્મી , પપ્પા અને દાદા દાદીની જેમ ડોક્ટર કે સાયન્ટીસ બનવાની ને ?” મેં પૂછ્યું .
“ ના હોં! હું અત્યારે પિઝેરીયામાં – પિઝાના રેસ્ટોરન્ટમાં કામ કરું છું અને ભવિષ્યમાં પણ હું કોઈ નોકરી જ કરવાની છું . મારે પેઈન્ટર બનવું છે ; એ શોખ મારાં પોતાનાં આનંદ માટે છે . અમારા ઘરમાં બધાં જ સફળ થવા દોટ કાઢે છે , પણ કોઈની પાસે પોતાનાં માટે સમય જ નથી !” એણે કહ્યું .
હું વિચારમાં પડી ગઈ .
ત્યાં એણે સ્પષ્ટતા કરી :“ અમારા ફેમિલીમાં બધાં એટલા બીઝી રહે છે કે કુટુંબને જ ભૂલી જાય છે !”
ત્યાર બાદ નિરાંતે એ કુટુંબને મળવાનું થયું . અમારા ડોક્ટર દંપતીએ કહ્યું કે ; “ વાત સાવ ખોટી નથી . અમે સફેદ કોલરવાળા નોકર છીએ . ડોક્ટરનો ધોળો કોટ પહેરીને દિવસ રાત મહેનત કરીએ છીએ . સફળતાની આ કિંમત છે .
જીવનમાં સફળ થવું અને છતાં બધું જ મેળવવું – પ્રેમ , કુટુંબ , આનંદ ખુશી એ અશક્ય નથી પણ અઘરું છે .
આજ કાલ માં બાપ પોતાના બાળકોને નિશાળમાં પહેલો નંબર લાવવા સખ્ત મહેનત કરાવે છે , પણ જરા નજર કરજો : એ મહેનતમાં એમનું બાળપણ દબાઈ તો જતું નથી ને ?
સફળતાને શિખરે બેઠા પછી જયારે શાંતિ અને પ્રેમ મળતાં નથી ત્યારે વ્યક્તિ મૂંઝાઈ જાય છે !
ઓલિમ્પિક રમત રમવા માટે સિલેક્ટ થવું પણ બહુ મોટી વાત છે , ત્યારે , એ સ્થળે પહોંચ્યા પછી ના કહેવા માટે હિમ્મત જોઈએ .
એક વખત એક પ્રવાસમાં અમે થાકીને એક ડુંગરની તળેટીએ ઊભાં હતાં ; ત્યારે કોઈએ અમને કહ્યું કે ઉપર સરસ તળાવ છે ,એટલે સુધી આવ્યા છો તો એ જરૂર જોવા જાઓ !
એ મિત્રની વાત સાંભળીને અમે થાક્યા હતાં છતાં પરાણે ત્યાં ઉપર પહોંચ્યા . પણ એ કહેતાં હતાં તેવું કાંઈજ જોવા મળ્યું નહીં . તળાવ નહીં પણ ખાબોચિયું હતું .
અમે વેકેશનનો આનંદ લૂંટી શક્યાં નહીં , કારણ કે અમે થાકીને , કઁટાળીને જાણે કે વેંઢારતાં હતાં.
જીવનને વેંઢારવાનું નથી , આનંદવાનું હોય છે .
નિરાશ થઈને અમે પાછાં ફરતાં હતાં ત્યાં દૂર સૂર્યાસ્ત થતાં જોયો . પંખીઓને માળામાં પાછાં ફરતાં જોયાં બસ , એ દ્રશ્ય જોઈને મન આનંદમાં આવી ગયું . અર્થાત , સુખ નાની વસ્તુઓમાંથી પણ મળી શકે છે .. અને જેને લોકો સુખ કહો છો તે કદાચ આપણી પરિસ્થિતિમાં વ્યાજબી ના પણ હોય ! સિમોન બાઇલ્સે રેસમાંથી નીકળી જઈને સાચું જ કર્યું . અતિશય સ્ટ્રેશથી એને ઍન્ગ્ઝાયટીના એટેક આવતાં હતાં. એણે કહ્યું ; “ મારે આ રમતમાં ભાગ લેવો નથી !”
સફળતા અને નિષ્ફ્ળતા એક જ સિક્કાની બે બાજુઓ છે . આપણે જે સિક્કો આપણને મળ્યો છે તેને સફળ બનાવીએ તો?
સિમોન બાઈલ્સે એવું જ કર્યું ને ?

સ્પંદન-28

જીવન રહે ઝંખના એવી ગતિની,
જયાં રાહ હો સંગતિ પ્રગતિની.

મહેકે  જીવન આ રાહે, જાણે મારગનું ફૂલ,
ધૂળીયો મારગ ભલે, પણ મનમાં એનાં મૂલ.

પડછાયાના વનમાં ઉડતો તેજીલો તોખાર,
ભાવિની નહીં ભાળ, તો પણ તેગનો ચમકાર.

અટવાય છો ને કંટકોમાં, મહેકે હરદમ આ  ફૂલ
આત્મવિકાસના મારગે જે રહે સદા મશગુલ.

મહેક હો પુષ્પોની કે ચહેક હો પંખીઓની જ્યાં સંકલન છે, ત્યાં છે વિકાસ. જો કળી વિકસિત ન થાય તો મહેક ક્યાંથી? જો પંખી પાંખ ફેલાવી ઊડતું આવે નહિ તો ક્યાંથી સંભળાય તેનો કલરવ? ગુરુપૂર્ણિમા જો પૂર્વાર્ધ છે, તો જ્ઞાન અને વિકાસ તેનો ઉત્તરાર્ધ છે. ગુરુનો સંદેશ ઝીલી જે આત્મવિકાસના માર્ગે આગળ વધે છે, તેને માટે  ગુરુપૂર્ણિમા અનેરો ઉત્સવ છે.  ગતિ અને પ્રગતિના આટાપાટામાં અટવાતા જીવનનો રાહ છે નિરંતર વિકાસનો. જે પળ પળ વિકાસની મંઝિલ સર કરે છે, તેનું  જીવન સફળ અને સાર્થક બને છે. જીવનના ક્રમો વિક્રમો બની શકે તેને, જે હોય વિકાસની વાટે. આત્મવિકાસ સાથે પૂર્ણતા તરફ આગળ વધો તો સિદ્ધિના સન્માન તો સહજ છે. પણ આત્મવિકાસનો માર્ગ ક્યો?

વ્યકિત એ પરિવારનો પાયો છે. જેમ પુષ્પગુચ્છની શોભા અને સુવાસ પુષ્પોમાં છુપાયેલી છે તે જ રીતે સમાજનો વિકાસ એ વ્યક્તિઓના વિકાસ  વિના શક્ય નથી. સમાજના વિકાસની યાત્રામાં રાષ્ટ્રીયતાનું  સંયોજન થાય એટલે દેશનો વિકાસ બને. દેશના વિકાસ અને કલ્યાણ થકી જ વિશ્વનું કલ્યાણ થઈ શકે. વિશ્વ એ પરસ્પરના અવલંબન પર આધારિત છે. આ જ વાતને અર્થશાસ્ત્રીઓ વૈશ્વિકરણના નામે  ઓળખે છે. આજે જ્યારે એક વાઇરસે વિશ્વને ધ્રુજાવી દીધું છે ત્યારે વિકાસ અને વિનાશની સીમાઓની સમજ જરૂરી છે. આ સમજ ક્યારે કેળવાય? આ પ્રશ્નનો ઊકેલ કદાચ મુશ્કેલ લાગે, પરંતુ ભારતીય પરંપરા અને તત્વજ્ઞાનમાં આ ઉકેલ છુપાયેલ છે. બીજને જોઈને કોઈને પણ વિશ્વાસ ન આવે કે તેમાં તડબૂચ જેવા મોટા ફળનું રહસ્ય છે. આ રહસ્ય અને ખૂટતી કડી એટલે જ બીજનો વિકાસ, જે અંતે ફળીભૂત થઈને ફળમાં પરિણમે છે. માનવને મહામાનવમાં પરિવર્તિત કરવાનું રહસ્ય એ પણ વિકાસની જ પ્રક્રિયા છે. આ જ ચિંતનને આગળ વધારીએ તો ખ્યાલ આવશે કે વિશ્વના વિકાસનું પ્રથમ ચરણ છે- આત્મવિકાસ.

આત્મવિકાસ એટલે સ્વયંનો વિકાસ. આત્મવિકાસને આત્મા સાથે જોડીએ કે નહીં, બંને  કંઇક અંશે સમાંતર માર્ગે ચાલે છે. આત્મનો વિકાસ કર્યા વગર આત્માનો વિકાસ શક્ય નથી. આત્માનો વિકાસ એ આત્મવિકાસનો અધ્યાત્મ સાથે સંકલિત માર્ગ છે. પરંતુ જે આત્મવિકાસ કરે છે તે જ અધ્યાત્મના માર્ગને પણ અજવાળી શકે છે. કારણ કે વ્યક્તિએ મન, વચન અને કર્મનું સામૂહિક અને શારીરિક સ્વરૂપ છે. વિકાસ એટલે જ નવી દિશા અને નવી ક્ષિતિજો તરફની આગેકૂચ. આત્મવિકાસ એ ઘ્યેયલક્ષી હોય છે. માર્ગ ભલે ભિન્ન હોય પણ ધ્યેય અગત્યનું છે. યાદ આવે છે એકલવ્ય. સ્વબળે ગુરુ દ્રોણના પ્રત્યક્ષ શિક્ષણ વિના અદ્વિતિય સિદ્ધિ  પ્રાપ્ત કરતો આ એકલવ્ય આત્મવિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વર્તમાન યુગ એ દ્રોણનો નહીં પણ ડ્રોનનો છે. મહાન મનોવિજ્ઞાની ડૉ.નેપોલિયન હિલ કહે છે કે જે વસ્તુનો તમે ખૂબ જ વિચાર કરો છો, એ તમારા ચિંતનની સાથે ઘૂંટાઈને જીવનનું અદ્ભુત રસાયણ બને છે. તમે ઇચ્છો એ  પ્રમાણે જીવન ઘડી શકો છો. મણિપુરનું એક નાનું ગામ. એક નાની બાળકી જંગલમાંથી પોતાની ઉંમરના પ્રમાણમાં ખૂબ મોટો ભારો ઉંચકીને લાવે. મોટા થઈને આત્મવિકાસના માર્ગે આગળ વધતા  વધતા 2021ના ટોકિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક હાસલ કરે છે. જી હા, દેશને ગૌરવ અપાવનાર આ બાળકી છે મીરાંબાઈ ચાનુ.

મહેનત, માનસિક શક્તિ અને ધીરજ જેવા પાયાના ગુણો એક અદના આદમીને પણ  આત્મવિકાસની ઊંચાઈ પર લઈ જઈ શકે છે તેનું તાજેતરનું ઉદાહરણ છે જોધપુર નગર નિગમની સફાઈ કર્મચારી આશા કંડારા. લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન રહેતા અલગ થઈ. બે બાળકોના પાલન પોષણ કરતાં ગ્રેજ્યુએટ થઈ.  2018માં રાજસ્થાન એડમિનીસ્ટ્રેટિવ સેવા(RAS)ની પરીક્ષા આપી. તેના 12દિવસ બાદ જ તેને સફાઈ કર્મચારી તરીકે નિયુક્તિ મળી. તે હિંમત ન હારી. બે વર્ષ સુધી રસ્તા પર ઝાડુ મારતી રહી.  પરીક્ષાનું પરિણામ આવતા તે RAS માં સફળ બની અને ડેપ્યુટી કલેકટર બની, આત્મવિકાસની એક અદ્ભુત મિસાલ બની.

આત્મવિકાસ એ કોઈનો ઈજારો નથી. આત્મવિકાસ જ ઋષિ વિશ્વામિત્રને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનાવી શકે છે. વૈદિક કાળથી આગળ વધીને  મોગલ યુગમાં પ્રવેશીએ. સંગીતસમ્રાટ તાનસેન તો અકબરના નવરત્નોમાં એક હતા જ પરંતુ સંગીતની અસરથી હરણ જેવા પ્રાણીઓને પણ પાછા બોલાવી શકવાની ક્ષમતા ધરાવતા બૈજુ બાવરા પણ યાદ આવે છે. સાથે જ યાદ આવે આપણા ગુજરાતની બે પુત્રીઓ તાના અને રીરી જેણે તાનસેનનો દીપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો  શરીર દાહ મટાડવા માટે રાગ મલ્હાર ગાઈને વરસાદ પણ  વરસાવેલો. શું આ આત્મવિકાસની નાનીસૂની સિદ્ધિ છે?

આત્મવિકાસની વાત આવે તો કદાચ એક નામ અવશ્ય યાદ આવે-મહાત્મા ગાંધી. બાળપણના કંઇક અંશે શરમાળ પ્રકૃતિના ગાંધીજી વિલાયત જઈ બેરિસ્ટર થાય છે. પરંતુ કહાની એ રીતે આગળ નથી વધતી કે તે કંઈ કેટલા કેસ જીતે છે. કહાનીનો ટ્વીસ્ટ કે વળાંક આવે છે દક્ષિણ આફ્રિકાના એક રેલવે સ્ટેશન પર  તે માત્ર વકીલ મોહનદાસ ગાંધી જ નહીં પણ મહાત્મા ગાંધી તરીકે વિકસે છે. માનવ સંવેદનાઓને આત્મસાત કરીને ગાંધીજી એવા વિશ્વમાનવ બને છે કે ઇંગ્લેન્ડ જેવી મહાસત્તાઓએ પણ તેમની ગણના કરવી પડે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ માત્ર એક જ નહીં, અનેક ઉદાહરણો આપી શકે કે જ્યાં આત્મવિકાસ એ આત્મગૌરવ અને આત્મસમર્પણની ગાથા બને છે.

આત્મવિકાસ શરુ થાય છે આત્મજાગૃતિ અને આત્મગૌરવને ઓળખવાથી. માનવીની ક્ષમતાને વિકસાવવા માટે જરૂરી છે આત્મગૌરવની ઓળખાણ. જે પોતાની શક્તિઓને ઓળખીને વિકસાવી શકે તે જ કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ કરી શકે. આજનું વિશ્વ પછી તે જ્ઞાન વિજ્ઞાનનું હોય કે ઉદ્યોગ કે વ્યાપારનું- આત્મવિશ્વાસથી જે સ્વપ્રયત્ને આગળ વધે છે, પોતાના લક્ષ્યને ઓળખે છે, તે જ  સમયની રેતી પર પોતાનાં કદમોના નિશાન છોડી શકે છે. પુષ્પનો પમરાટ પામતા પહેલાં અંકુરણ કરીને સ્વનો વિકાસ કરીએ, આત્મ ચેતનાને વિકસાવીએ, અશક્યને શક્ય બનાવવાનો પુરુષાર્થ કરીએ, માનવમાંથી મહામાનવ બનવાનું સ્વપ્ન સેવી પ્રથમ ડગલું ભરીએ, કેમ કે આપણે સહુ છીએ અમૃતના અભિલાષી.

રીટા જાની
30/07/2021